Our World, Their World

 દુનિયા બહારની દુનિયા

ભૂલતો ન હોઉં તો મરાઠીના લેખક જયવંત દળવીના એક વાર્તા સંગ્રહના ગુજરાતી અનુવાદનું આ શીર્ષક છે, પરતુ આપણે છેલ્લા દસબાર દિવસથી જે વિષય – અસમાનતા, જાતિગત ભેદભાવ, ગરીબાઇ, અસ્પૃશ્યતા, અનામત – ચર્ચીએ છીએ એના માટે આ શીર્ષક બંધબેસતું લાગ્યું એટલે લેખક, અનુવાદક અને પ્રકાશક (આ બન્નેનાં નામ યાદ નથી) પ્રત્યે શ્રદ્ધા પૂર્વક આભાર વ્યકત કરતાં એનો ઉપયોગ કરૂં છું.

 એનું કારણ એ કે આજે ‘સત્યમેવ જયતે’ના છેલ્લા અંકથી વાત શરૂ કરવી છે. કાશ્મીરના એક મુસ્લિમ બહુમતી વાળા ગામમાં હિન્દુ સ્ત્રી સરપંચ બને, એક સ્ત્રી જાત-અનુભવ પછી સ્ત્રીઓને વેશ્યાઓના કોઠેથી છોડાવવા માટે કમર કસી લે, એક ગરીબ સ્ત્રી ગરીબો માટે હૉસ્પિટલ બનાવવાનાં સપનાં સેવે અને સિદ્ધ પણ કરે, એક નવ વર્ષનો છોકરો બાળકોને ભણાવવાનું મિશન બનાવી લે અને એક વિકલાંગ સ્ત્રી બીજા વિકલાંગોનાં જીવનમાં અર્થ ભરી દે. કે  પહેલા વ્હિસલ-બ્લોઅર સત્યેન્દ્ર દૂબે, હાઇવેના બાંધકામમાં ભ્રષ્ટાચારને રોકવા જતાં પોતાના પ્રાણ અર્પણ કરી દે – આ લોકો આપણી દુનિયાની બહારની કોઈ દુનિયાનાં વાસી હોય એમ મને લાગ્યું.

પરંતુ આ સંજીવ ચૌધરીને તે વળી શું થયું? લાગતા તો હતા આપણા જેવા જ. ખાસ્સામઝાના એમ. બી. એ. થયા, સારી નોકરી કરતા હતા અને ભોજના તહેવાર માટે પોતાને વતન ગયા અને પતરાવળી ચાટતા ડોમ લોકોને જોઇને એમના માટે ત્યાં રહી ગયા – અને તે સાથે આપણી દુનિયાની બહારની દુનિયામાં ચાલ્યા ગયા!

સંજીવ આજની આભડછેટની વાત કરે છે. આજના ભેદભાવોની વાત કરે છે. આ સંદર્ભમાં મને એક ફિલ્મ  India Untouched યાદ આવી, જે ‘સત્યમેવ જયતે’ના ૮ જુલાઈના અંકમાં પણ પ્રસારિત કરવામાં આવી હતી. એ યૂ-ટ્યૂબ પર પણ છે, જોઈ ન હોય તો અહીં લિંક આપું છુઃhttp://www.youtube.com/watch?v=lgDGmYdhZvU

આજે પણ અમાનુષી રિવાજો ચાલુ છે. ૧૮મી જુલાઈના The Hindu અખબારે એક સમાચાર આપ્યા કે એક ગામમાં ગૂજરો અને દલિતો વચ્ચે ઝઘડો થયો. ગૂજરોએ બદલો લેવા એમના મહોલ્લા પર હુમલો કર્યો. એક યુવાનને પકડી ગયા. હાથ પગ બાંધીને ટ્રેનના પાટા પર મૂકી ગયા. ટ્રેન આવી અને છોકરાના બન્ને પગ કપાઈ ગયા! આ ગૂજરો રાજસ્થાનમાં પોતાના માટે OBCનો દરજ્જો માગે છે, આંદોલનો કરે છે અને ટ્રેનો રોકે છે! પણ જવા દો. આ ફિલ્મ દેખાડે છે કે એક પણ રાજ્ય, એક પણ સંપ્રદાય આભડછેટથી મુક્ત નથી, હિન્દુ, મુસ્લિમ, સિખ ઇસાઇ, હમ સબ હૈં ભાઈભાઈ!  તો કરો ને આ લિંક પર ક્લિક!

 

My comment on”Reservation: A Debate”

ભાઈ મયંકનો લેખ ઘણા વાચકો સુધી પહોંચ્યો. વિચારપ્રેરક  ટિપ્પણીઓ પણ મળી. એના પર મારો પ્રતિભાવ અહીં એક સત્યઘટના દ્વારા રજુ કરૂં છું.

અંતહીન બાલચન્દ્ર

બાલચન્દ્ર મારો મિત્ર. ૧૯૮૯માં મને હાયર ગ્રેડ મળ્યો તે પછી તરત જ એની નીમણૂક પણ એ જ ગ્રેડમાં થઈ – અને તે પણ અનુસૂચિત જાતિ માટેની અનામત પોસ્ટ પર. આ બાબતમાં બીજા સાથીઓમાં ભારે અસંતોષની ભાવના હતી. વર્ષોથી સૌ નોકરી કરતા હોય અને ઓચિંતા જ સરકાર પ્રમોશનની પોસ્ટને અનામત જાહેર કરી દે એ વાતનો સૌને ભારે રંજ હતો. ઘણાં વર્ષોની નોકરીવાળા બધા જૂનિયર થઈ ગયા! બાલચન્દ્ર સાથેના સૌના સંબંધો પર પણ આ વાતની અસર દેખાતી હતી.

અમે એક જ રૂમમાં સાથે બેસતા અને સૌ સવારની ડ્યૂટીમાં કામ શરૂ કરતાં પહેલાં સાથે જ કૅન્ટીનમાં ચા પીવા જતા. એને કામમાં અમુક તકલીફ પડતી, જે નવાસવા માટે સ્વાભાવિક ગણાય. વખત જતાં અમે નજીક આવ્યા. હું સીનિયર, એટલે એ પોતાની કામ અંગેની તકલીફો મને કહે. આમ એક વિશ્વાસ બંધાયો એટલે એ અંગત વાતો પણ કહેતો થયો. શક્ય હોય ત્યાં સુધી સલાહ આપું અને વાત ત્યાં પૂરી થઈ જાય.

એ કર્ણાટકના એક નાના ગામનો વતની. ઍનાઉંસર તરીકે સિલેક્ટ થઈને બંગળૂરુ આવ્યો અને પછી દિલ્હી આવ્યો. વાતવાતમાં એના કુટુંબની સ્થિતિ જાણવા મળી. એના કુટુંબમાં એ સૌથી મોટો ભાઈ અને એ જ ભણી શક્યો. કાં તો બીજા કોઈને રુચિ નહીં હોય અથવા સંજોગો જ એવા નહીં હોય કે બધા ભણી શકે. પરંતુ ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે એની જવાબદારી હતી. અને ઘરમાં કમાણીનું સાધન? છાણાં બનાવીને વેચવાનું! આમાં મોટા કુટુંબનું ગુજરાન કેમ ચાલે?

પારાવાર ગરીબાઇ અને એના જ કારણે ગળે વળગેલી નિરક્ષરતાના આ સંજોગોમાં કુટુંબનો એક દીકરો ન્યૂઝ રીડર બનીને દિલ્હી જાય અને રેડિયા પરથી બોલે, એ વાતનો કુટુંબને ગર્વ થયો હશે કે કેમ, પરંતુ દીકરો હવે દસ હજાર રૂપિયા કરતાં પણ વધારે કમાય છે, એ વાતે સૌને સંતોષ જરૂર થયો હશે. હાશ… હવે કઈંક સુખના દહાડા જોવા મળશે. એ નિયમિત રીતે દિલ્હીના ખર્ચા બાદ કરીને ઘરને મદદ મોકલતો રહેતો. ઘરમાં પૈસાની બહુ જ જરૂર.

કુટુંબને ઓરતા પણ હોય; દીકરાને પરણાવવો છે. બાલચન્દ્ર પણ પરણી ગયો. એક શિક્ષિત, સુશીલ છોકરી સાથે એનો ઘરસંસાર શરૂ થયો. હવે સ્થિતિ એવી કે છોકરી પણ ગરીબ ઘરની. દક્ષિણ ભારતના રિવાજ મુજબ, બાલચન્દ્રના મામાની જ દીકરી હતી. પત્નીએ કહ્યું કે મારાં માબાપને પણ મદદ કરો. બાલચન્દ્રે હિસાબ દેખાડી દીધો. મદદ કરાય એવી સ્થિતિ જ નથી! બસ, પછી શું? લગ્નનાં એક-બે વર્ષમાં જ કલહ શરૂ થયો. સમાધાન તરીકે એણે કરજ લેવાની શરૂઆત કરી. પણ કરજ તો પાછું વ્યાજ સાથે ચૂકવવું પણ પડે! એટલે ત્રણ સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ ગઈ. એ સાસુ-સસરાને મદદ નથી કરતો, કરજનો ભાર વધતો જાય છે, કલહ વધતો જાય છે. એવામાં એક બાળક પણ પેદા થઈ ગયું. આર્થિક ભીડ વધતી ચાલી. માબાપ સમજે કે દીકરો તો દિલ્હીમાં મોગલ બાદશાહના સિંહાસને બેઠો છે. સ્થિતિ એ આવી કે એ ઘરને મદદ કરે તે તો ઠીક, પોતાનું ઘર ચલાવી શકે એવી સ્થિતિ ન રહી. અંતે પત્ની દીકરીને લઈને ચાલી ગઈ. બાલચન્દ્ર એકલો. કરજમાંથી છૂટવા ફાંફાં મારે. પણ માણસ કળણમાંથી બહાર નીકળવાના જેટલા પ્રયત્ન કરે તેટલો જ અંદર ઊતરતો જાય. કરજ આપનાર તો જે માગો તે આપવા તૈયાર. પણ એક શરત. એને ઘરે બોલાવો; ચિકન, દારૂની પાર્ટી આપો, એ પૈસા કાપી લે અને બાકીના લોહીચૂસ વ્યાજે એના હાથમાં મૂકે.

બાલચન્દ્ર હવે પતન તરફ આગળ વધતો હતો. રોજ દારૂ પીવાની ટેવમાં સપડાઈ ગયો. દારૂ પીને તકલીફો ભૂલી જાય. પછી તો સવારે પણ પીવાનું શરૂ થયું. રાતે પીધો હોય અને સવારે હૅંગ-ઓવર હોય તે તોડવા માટે સવારે પીએ. જે માણસ શરૂઆતના દિવસોમાં મારી સામે સિગરેટ પણ ન પીતો, તે સવારે ડ્યૂટી પર આવે ત્યારે મોઢામાંથી વાસ આવતી હોય. મારી સાથે વાત કરે તો થોડો દૂર ઊભો રહે. હું પૂછું કે “તુમ પી કર આયે હો? એ ના કહે. “ નહીં, પીના છોડ દિયા હૈ…”

એક દિવસ એ બીમાર પડ્યો. કમળો થઈ ગયો હતો. પત્ની તરત પાછી આવી. સારવાર ચાલી. ખાવામાં ચરી. પીવાની મનાઈ. ચાર-છ મહિના ચાલ્યું. દારૂએ ફરી ઊથલો માર્યો અને દરદે પણ. એ હોસ્પિટલ ગયો.  ડૉક્ટરે એને પેશાબના ટેસ્ટ માટે શીશી આપી. બાલચન્દ્ર બાથરૂમમાં ગયો. બસ. પછી લાશ બનીને બીજાઓની મદદથી બહાર આવ્યો.

xxxxx

એ તો ગયો. પણ પ્રોવિડન્ટ ફંડના પૈસા તો હોય જ ને? એક બાજુ સાસુ-દીયર અને બીજી બાજુ જુવાન વિધવા. કાયદા કોઈ જાણતું હોય એવો તો સવાલ જ નહીં. માને પણ પૈસા જોઇએ. દીકરો મારો. પાળીપોષીને મેં મોટો કર્યો. દુઃખ મેં ભોગવ્યું. દીકરો ગયો, તો મારો એના પૈસા પર હક નહીં?

બધાં ઑફિસમાં પહોંચ્યાં. એક ખાલી રૂમમાં સામસામી જીભાજોડી ચાલતી હતી. બાલચન્દ્રના મિત્ર તરીકે મને બોલાવ્યો. હું એ વિચારે ગયો હતો કે જુવાન વિધવા અને એની ચાર-પાંચ વર્ષની દીકરીનું શું? નિયમમાં પણ પત્નીનો જ હક ગણાય. મને હતું કે એમને બધાંને સમજાવીશ.

હું રૂમમાં ગયો કે તરત એની વૃદ્ધ માતા મારે પગે પડી. સાડીથી મારા પગ લૂછ્યા! હું સ્તબ્ધ. તમારા મિત્રની માતાએ કદી તમારાં ચરણ લૂછ્યાં છે? પૈસા કોને મળે એ બાબતમાં મારા જે કઈં વિચાર હોય તે, પણ મિત્રની પત્ની મારા પગ પકડીને કાકલૂદી કરે, એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ એ વૃદ્ધાને પેઢી દર પેઢી મળેલા દીનતાના સંસ્કારોને કારણે હું તો એના માટે દેવતા હતો…!

xxxx

આ વાર્તા નથી, એટલે એનો અંત પણ વાર્તા જેવો નથી. ખરૂં કહું તો આ વાર્તાનો અંત છે પણ નહીં. આ એક અવિરત ચાલતી કથા છે. એ અંતહીન બાલચન્દ્ર નામની એક ઘટના માત્ર છે. સીધી સપાટ ઘટના. એટલે જ સીધી સપાટ છે, મારી ભાષા. કહી શકાય કે એક જણને અનામતનો લાભ મળ્યો તે એણે વેડફી નાખ્યો. દારૂની લતે ચડી ગયો અને  મરતાં મરતાં કુટુંબને પણ પાયમાલ કરતો ગયો. પરંતુ દરેક ઘટના અનેક ઘટનાઓની પેદાશ છે.

આજે બાલચન્દ્રનાં માતાપિતાની હાલત શી છે તેની મને ખબર નથી. એની પત્ની ક્યાં છે તે પણ ખબર નથી. દીકરી શું કરે છે તે પણ ખબર નથી. માત્ર દિલ્હીમાં એક જણના ચાલીસ હજાર ચુકવવાના રહી ગયા છે તે ખબર છે.

વિચારૂં છું કે આ શું થઈ ગયું? બાલચન્દ્રના મૃત્યુ માટે કોણ જવાબદાર? આપણે ખરા કે નહીં? દલિત કુટુંબની લાચારીમાં જન્મ જ એના મૃત્યુનું કારણ છે? કારણ કે કુટુંબ દલિત હોય છે ત્યારે એના સંજોગો પણ દલિત હોય છે. પદદલિત. છેલ્લી ઘડીએ રથ કળણમાં ખૂંપી ગયો તે પણ બીજા કોઇનો નહોતો, કર્ણનો, એક સૂતપુત્રનો જ! બાલચન્દ્રનો રથ પણ અનામતનો લાભ મળવા છતાં કળણમાં ખૂંપી ગયો. સામાજિક, આર્થિક ઉત્પીડનનાં તીરો જિંદગીભર સહન કર્યા પછી, આયુષ્યનાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં એ જીવન તો હારી ગયો હતો.  ૪૪ વર્ષની વયે કહેતો કે આના કરતાં સારી નોકરી ન મળી હોત તો વધારે સારૂં થાત! અનામતની તરફેણમાં કે વિરુદ્ધમાં બોલતી વખતે આપણે ઘણું નથી વિચારતા. ઘણું તો જોઈ જ નથી શકતા.  દૂરથી જ જોઈને દલિતોના ડુંગરાઓને રળિયામણા માની લઈએ છીએ.

અનામત જરૂરી છે. આર્થિક આધાર લઈએ તો પણ જે દલિત છે તે બધાનો એમાં સમાવેશ થશે. એક આખી પેઢી નીકળી જાય, નવી પેઢી પગભર થાય ત્યાં સુધી આ ટેકાની જરૂર છે. ત્યાં સુધી ન માનવું કે આ રથ કળણમાં ખૂંપે એમ નથી. અનામત જરૂરી હોવા છતાં પૂરતું નથી. જ્યાં સુધી આખા કુટુંબના જીવનસંજોગો ન સુધરે ત્યાં સુધી મોટા ભાગે તો વત્તાઓછા પ્રમાણમાં બાલચન્દ્રો જ પેદા થશે. કારણ કે અનામતના લાભ વ્યક્તિગત સ્તરે મળે છે. એવું બને કે આનો લાભ લઈને એક કુટુંબના બધા સભ્યો તરી ગયા, પણ એય નક્કી માનજો કે આવાં કુટુંબોની ટકાવારી બહુ ઓછી હશે. ધુમ્મસની જિંદગીમાંથી બહાર આવી શક્યાં હોય એવાં કુટુંબો કેટલાં? અનામત વ્યવસ્થાનો લાભ આખા કુટુંબને મળતો નથી. કારણ કે મોટા ભાગના લોકોની હાલત એવી છે કે અનામતનો પણ લાભ ન લઈ શકે. અનામતવાળી જગ્યાઓ ખાલી રહે છે તેનું આ એક મોટું કારણ છે. અને મૅરિટ?  એ તો ઘરના વાતાવરણને કારણે જ વિકસે. ઘણા પ્રતિભાશાળી ભારતીયોની દેશમાં કદર નથી થતી અને વિદેશોમાં નામ કમાય છે. આનો અર્થ એ કે મૅરિટને અનુકૂળ સંયોગો પણ મળવા જોઈએ. તે સિવાય મૅરિટ વિકસે જ નહીં.  એક છોકરા કે છોકરીને શિક્ષણ મળે, સારી નોકરી મળે તો એનાથી સમાજની સેવા જ થશે. અનામત વ્યવસ્થા આજે રાજકારણીઓના હાથનું હથિયાર છે, એ પણ સાચું. પરંતુ અંગ્રેજીમાં કહેવત છે તેમ નહાવાના ટબનું પાણી ગંદું થઈ જાય તો એની સાથે બાળકને ફેંકી ન દેવાય. ગંદા પાણીને ફેંકી દેવાની વાત કરીએ તે બરાબર છે.

આપણા સમાજમાં અનામત નવી વાત નથી. ઘણાં કામો તો હજારો વર્ષથી એમના માટે અનામત હતાં જ. એ કામો તો એમના માટે આજે પણ અનામત છે! શૂદ્રો પગમાંથી ઉત્પન્ન થયા હોય અને એમણે સેવા જ કરવી એ નક્કી હોય તો એ સેવામાં શું આવે અને શું ન આવે? આ નક્કી કરવાનો અધિકાર કોના હાથમાં છે? એ બાબતમાં શૂદ્રોનો અભિપ્રાય કદી લેવાયો હોવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આપણે જેને આપણાં કામો માનીએ છીએ તેમાં એમના માટે થોડી જગ્યા કરી આપવી એમાં કઈં ખોટું નથી. બંધારણની કલમ ૧૫(૪)માં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્કર્ષ માટે પગલાં લેવાની કોઈ સમયમર્યાદા બાંધવામાં નથી આવી.

માણસને માણસ માનીએ, સૌની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી જંપીએ નહીં. સરકારને પણ જંપવા ન દઈએ. બ્રાહ્મણ કે દલિત, પૈસાદાર ભલે ન બને, પણ ગરીબ શા માટે રહે? શા માટે ગરીબાઈ વધતી જ જાય, વકરતી જ જાય? શા માટે આ દેશના બધા નાગરિકોને   જીવનની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય તે ચલાવી લઈએ છીએ?

શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સૌનો અધિકાર છે. આજે રોજગારની તકો જ નથી. સરકારે નોકરીઓ આપવાનું બંધ કરી દીધું છે. નોકરી ન આપવાનો નિયમ તો અનામતવાળા અને અનામત વગરના, સૌને એકસરખો લાગુ પડે છે. આ દેશમાં સૌથી મોટી એમ્પ્લોયર સરકાર છે. કોઈ પણ વિકાસશીલ દેશમાં સરકારે જનતાના હિતમાં નાણાકીય વહીવટ કરવો જ જોઈએ.

આજે શી સ્થિતિ છે? નોકરીઓ નથી, શિક્ષણમાં ‘પ્રાઇવેટ’ની ખર્ચાળ બોલબાલા વધી છે, સરકારી આરોગ્ય સેવા ઘસાવા લાગી છે. બીજી બાજુ, વેપારી આપણી જાત પૂછીને ભાવો નથી કહેતો. મોંઘવારીનો માર સૌને એકસરખો સહન કરવો પડે છે. એમાં અનામત વ્યવસ્થા નથી.  આ નીતિઓ સામે અવાજ બુલંદ કરવાને બદલે અનામતને કારણે કૉલેજમાં કે નોકરીમાં જગ્યા ન મળી એમ માનવું એ સમસ્યાને આડે પાટે ચડાવ્યા જેવું છે. જરૂર છે, સૌનું જીવન સ્તર સુધારવાની. 

 

Reservation: A Debate

ભાઈ મયંક પરમાર અમદાવાદના શિક્ષિત દલિત યુવાન છે. ‘કુંભકર્ણ જાગે છે…!’માં અસમાનતાની ચર્ચા કરી તે વખતે મેં કહ્યું હતું કે હું મયંકના વિચારોનો પરિચય કરાવીશ. આજે  આ આશાસ્પદ યુવાનના આક્રોશ અને તે સાથે મિશ્રિત તર્કબદ્ધ  દલીલોને મિત્રો સમક્ષ રજુ કરૂં છું. સમાનતા આર્થિક વિકાસને બળ આપશે અને સમાનતા વિનાનો વિકાસ એક બાજુથી નમી ગયેલી નાવ જેવો છે. ક્યારે આ વિકાસ દગો દેશે અને સૌને ડુબાડી દેશે તે આપને સૌએ વિચારવાનું છે. 
આના પછીના લેખમાં હું એક મારા જીવનની સત્યઘટનાની ‘અનામત’ના સંદર્ભમાં ચર્ચા કરીશ. પણ આજે તો… આવો, ભાઈ મયંક, માઇક સંભાળો…!

 આરક્ષણ:પછાતોનું કે બ્રાહ્મણોનું?

લેખકઃ મયંક પરમાર

‘અનામત’ શબ્દ આવે એટલે હમેશાં સવર્ણ ભાઈબહેનો ગુસ્સે થઈ જતા હોય છે. લગભગ મોટે ભાગે લોકો અનામતને સમજી જ નથી શક્યા અને સમજ્યા છે તો બીજા કોઈ અર્થમાં. અનામત ના ત્રણ પ્રકાર છે: ૧) શિક્ષણમાં અનામત  ૨) નોકરીમાં અનામત, ૩) રાજકારણમાં અનામત.

મોટે ભાગે લોકોને એ ભ્રમ છે કે બાબાસાહેબે તો ફક્ત ૧૦ વર્ષ માટે જ અનામતની માગણી કરી હતી. ના…૧૦ વર્ષ અનામત તો ફક્ત રાજકારણમાં હતી અને બાબાસાહેબે રાજકીય અનામતનો વિરોધ પણ કર્યો, કેમ કે એનાથી માત્ર દલાલો જ પેદા થાય એમ બાબાસાહેબ માનતા. બંધારણ વિશેની ચર્ચામાં ડૉ. આંબેડકરે બહુ સરસ રીતે અનામત વ્યવસ્થાને સમજાવી છે: ‘Reservation is not the matter of employment, it is the matter of representation ‘‘. (અનામત રોજગાર માટે નથી, પ્રતિનિધિત્વ માટે છે). જો લોકો એ સમજ્યા હોત તો અત્યારે અનામતના નામ પર લડવાની કોઈ જરૂર જ નથી. પછાતો પણ નથી સમજ્યા. અનામત તો કોઈ એક સમાજના પ્રતિનિધિત્વનું નિર્માણ કરે છે.

બંધારણમાં ભેદભાવ પર પ્રતિબંધ

આ સંદર્ભમાં બંધારણની કલમ ૧૫(૩) અને ૧૫(૪) જોઇએઃ

૧૫મી કલમમાં  ધર્મ, નૃવંશ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણસર ભેદભાવ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દુકાનો. હૉટેલો, રેસ્ટોરન્ટો કે જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ,  અથવા સંપૂર્ણ કે આંશિક રીતે સરકારી ખર્ચે બનેલા કૂવા, તળાવો, સ્નાનઘાટો કે રસ્તા અને બીજાં આરામ માટેનાં સ્થાનોના ઉપયોગમાં ભેદભાવ કરી શકાતો નથી. આમ છતાં ૧૫(૩)માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ત્રીઓ અને બાળકો માટે રાજ્ય ખાસ વ્યવસ્થા કરે તો એ ભેદભાવ ન ગણાય. એ જ રીતે, ૧૫(૪) જણાવે છે કે “ આ કલમમાં અથવા કલમ ૨૯ની પેટા-કલમ (૨)માં જે કઈં જોગવાઈ કરાઈ છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એવા વર્ગોના નાગરિકો અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે કોઈ પણ ખાસ જોગવાઈ કરવામાં રાજ્ય માટે બાધક નહીં બને.” ((4) Nothing in this article or in clause ( 2 ) of Article 29 shall prevent the State from making any special provision for the advancement of any socially and educationally backward classes of citizens or for the Scheduled Castes and the Scheduled Tribes.)

હકારાત્મક ભેદભાવ

આમ આ માત્ર સ્ત્રીઓ, બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ પ્રત્યેની રાજ્યની જવાબદારી અદા કરવા માટેનો ‘હકારાત્મક ભેદભાવ’ (પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન) છે. આમ છતાં, જયારે મેં ઇજનેરીમાં એડમિશન લીધું ત્યારે ગણગણાટ સાંભળવા મળતો  કે “સા… આપણી જગ્યા રોકીને બેઠો છે…”

દલિતો માટે ૧૫ % અનામત છે, આદિવાસીઓ માટે ૭.૫ % અને અન્ય પછાત વર્ગો માટે ૨૭ % અનામતની વ્યવસ્થા છે. આ તો લગભગ દરેક વ્યક્તિ જાણે છે, પણ હવે કોઈ અલગ રીતે જોઈએ તો? આપણે ન ભૂલવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે  ૫૦% કરતાં વધારે અનામતને તર્કરહિત માન્યું છે. એટલે આજે અનામત ૪૯.૫% છે. આનો અર્થ એ કે આજે પણ દેશની વસ્તીના લગભગ  ૩.૫% બ્રાહ્મણ. ૫.૫% ક્ષત્રીય અને ૬.૫% વૈશ્ય – એટલે કે કુલ ૧૫ થી ૧૬% વસ્તી માટે ૫૧.૫% જગ્યાઓ છે જ! બીજી બાજુ, ૮૩-૮૪% લોકો માટે અડધા કરતાં ઓછી જગ્યાઓ છે.  આ રીતે જુઓ તો ?….ચોક્કસ આ તો એક ગણતરી છે. જે સમજવા માગે છે એ સમજી જશે.

પછાતોની પ્રગતિમાં અનામતનો ફાળો

અનામતના કારણે પછાતો આગળ જ આવ્યા છે, એમની દુર્ગતિ નથી થઇ. આદિવાસી સમાજનો છોકરો ૪૦%એ એડમિશન લે છે પણ તેને શું મૅડિકલમાં પાસ થવામાં અનામત છે? એણે પણ બધાના જેટલા જ ગુણ લાવવાના છે. એક આદિવાસીને જોઈને તેનો સમાજ શીખશે કે ના, ડૉક્ટર બની શકાશે. કોઈ આ કારણસર સમાજમાં શિક્ષણ વધારવાનું કામ કરે છે. ૬૪ વર્ષના ગાળામાં દલિતો ખાસ્સા એવા આગળ આવ્યા છે, અને આજે દલિત વિદ્યાર્થીની મૅરિટ કોઈ ઓપનવાળા છોકરા કરતાં પણ વધુ હોય તો એ સંભવ બન્યું છે, ફક્ત એમને પ્રતિનિધિત્વનો મોકો મળ્યો એટલે. પછાતો અને દલિતોમાં મૅરિટ ન જ હોય એમ માની લેવામાં આવ્યું છે. મૅરિટ ખરેખર તો સમાજ તક આપે તો વિકસે છે. 

બધા કહે છે દરેકે મહેનત કરીને જ એડમિશન લેવું જોઈએ જેથી બીજાને એડમિશન ન મળે એવી સમસ્યા જ ન સર્જાય. તો ભાઈ, પછાતો તમારા ભાઈ જ છે ને ? શું વાંધો છે એ આગળ આવે તો? અમુક વ્યક્તિનું કહેવું એમ હોય છે કે અનામતથી એક ભેદભાવ પેદા થાય છે. તો શું દરેક સમસ્યાની ચિંતા પણ અમારે જ કરવાની?સવર્ણો શું કરશે?એમના મનના પરિવર્તનની રાહ જોવાની ?

અનામત પ્રતિનિધિત્વ માટે

હવે થોડું અનામતથી અલગ વાત કરું તો સૌ પ્રથમ અનામત શાહુજી મહારાજ એમના કોલ્હાપુર સ્ટેટમાં લઘુમતી અને પછાતો માટે લાવ્યા હતા..ત્યારે પણ બ્રાહ્મણ વિરોધમાં જ હતા. શાહુજી મહારાજ એમને ઘોડાના તબેલામાં લઇ જાય છે, અને બ્રાહ્મણોને બતાવે છે કે દરેક ઘોડાના ખાવા માટે ચણા તેની આગળ લટકાવેલી થેલીમાં છે. હવે બે દિવસ સુધી ઘોડાને ભૂખ્યા રાખવામાં આવે છે. પછી બધા ચણા એક જગ્યાએ નાખ્યા અને ઘોડાઓને છુટા કરી દીધા. જે મજબુત હતા એ ચણા ખાઈ શક્યા અને અશક્ત ઘોડા ન ખાઈ શક્યા, ઉપરથી મજબુત ઘોડાની લાતો પણ ખાવી પડી! એ વખતમાં શાહુજી મહારાજ આટલું ઉમદા વિચારી શક્યા.એ ઘણી સારી બાબત હતી.

અનામત એ પ્રતિનિધિત્વ માટે છે પરંતુ  જેનું જેટલું પ્રતિનિધિત્વ હોવું જોઈતું હતું એટલું હજી પણ નથી અને કેવી રીતે કહેવાતા સવર્ણો આજે પણ બીજાના અધિકારોનું અતિક્રમણ કરીને બેઠા છે તે જાણવા માટે ભારત સરકારના કાર્મિક મંત્રાલયનો ૨૦૦૭-૦૮નો એક રિપોર્ટ જુઓ:

૧)ભારતમાં ક્લાસ ૧માં  ૭૯.૯ %  બ્રાહ્મણ 

૨)ભારતમાં ક્લાસ ૨માં  ૭૯.૪% બ્રાહ્મણ 

૩)હાઈકોર્ટના ૩૨૦ જજમાંથી ૩૧૬ બ્રાહ્મણ 

૪)સુપ્રીમના ૨૪ જજમાંથી ૨૩ જજ બ્રાહ્મણ 

૫) ભારત ના ૩૬૫૦ IA.S માંથી ૨૯૫૦ બ્રાહ્મણ 

આટલા બધાના અધિકારો પર બેસીને બ્રાહ્મણો ફક્ત અનામતની જ ઘોર ખોદવા બેઠા છે. જરૂર છે સાચી રીતે બધી વસ્તુને સમજવાની. ફક્ત અનામતના વિરોધમાં “શહીદ” થયા એવા બહુ કિસ્સા સાંભળ્યા છે, પણ જાતિવાદના વિરોધમાં લડતાં કોઈ સવર્ણ માર્યો ગયો એ  કિસ્સો કદી નથી સાંભળ્યો. સવર્ણોએ પોતાના વિચાર બદલવા પડશે. નહિ તો એક દિવસ કદાચ સવર્ણો એક ઈતિહાસ બનીને ના રહી જાય…! એ હવે એમણે વિચારવાનું છે. કે હજી કેટલી ચીડ રાખવી છે ,,

ભારતમાં બે ભારત વસે છે 

૧)સવર્ણોનું,  જેઓ બધું કરી શકે છે;

૨)દલિત,પછાત અને લઘુમતીનું. જે હજી અલ્પવિકસિત છે અને એમને સવર્ણોની જેમ ઉદ્યોગપતિ બનવાના તો ઠીક, સામાન્ય જીવન જીવવાના પણ મોકા નથી મળતા.

છેલ્લે, પરિવર્તન સંસારનો નિયમ છે અને પરિવર્તન માટે સમાજે એની કિંમત ચૂકવવી પડે છે, જેમ બાબા સાહેબે ચૂકવી હતી અનામત અને અધિકારો અપાવવા માટે ,,,,

 

 

 

કુંભકર્ણ જાગે છે…!

બહુ લાંબા સમય પછી લખું છું. કુંભકર્ણની ઊંઘમાંથી જાગ્યો છું. બીજાં કામોમાં વ્યસ્ત રહેવાનું બનતાં મનમાં ઘુંટાયા કરે પણ લખવાનો સમય ન મળે. સમય મળે ત્યારે વિચારો બરાબર ન ગોઠવાતા હોય. આમ લખવાનું ટલ્લે ચડતું રહ્યું. પરંતુ આ કદાચ અહંભાવ છે…”અરેરે. હું નહીં લખું તો દુનિયા ચાલશે નહીં…” ખરેખર તો એવું નથી. હું લખું કે ન લખું, દુનિયા ચાલવાની છે.

 ઘણાયે મહત્વના બનાવો બની ગયા. “કદાચ – હિગ્સ બોસોન” કણ વૈજ્ઞાનિકોને મળી આવ્યો. (હજી વૈજ્ઞાનિકો “કદાચ” કહે છે!) આના આધારે ઘણા ઈશ્વરીય ધમપછાડા થયા, કોઈનો વળી દેશપ્રેમ પણ ઝળક્યો. “આપણા સત્યેન્દ્રનાથ બોઝને તો કોઈ યાદ જ નથી કરતા!” અરે ભાઈ, એમની કદર તો બહુ પહેલાં થઈ ચૂકી. કણનું નામ જ બોસોન છે. આથી વધારે મોટું સન્માન શું હોઈ શકે? જો કે, હિગ્સ બોસોન વિશે ગુજરાતીમાં કદાચ સારામાં સારા લેખ શ્રી ઉર્વીશ કોઠારીએ એમના બ્લૉગ Gujarati world પર લખ્યા છે (http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_15.html) ત્રણેય લેખ વાંચવા જેવા છે. જો કે અમુક બાબતોના ખુલાસા આપવામાં એમને પણ સ્વાભાવિક રીતે જ તકલીફ પડી છે. આમ છતાં ભલામણ કરવા લાયક લેખો છે. બસ. હવે એના પર નવું શું લખું?

 બીજી બાજુથી શ્રી અરવિંદભાઈ અડાલજાએ ગાંધીજીની આત્મકથાના આધારે નવી લેખમાળા શરૂ કરી દીધી! આ એક અનોખો પ્રયાસ છે. આપણે ગાંધી ન બની શકીએ પણ ગાંધીના માપદંડે પોતાના ‘સ્વ’ને માપી તો શકીએ જ. (http://arvindadalja.wordpress.com/2012/07/09/1378/). ખલાસ! હવે આ વિષય પર જે લખવું હોય તે એમના બ્લૉગ પર જ લખાય. લખાણની તસ્કરી તો ન જ ચાલે પણ વિચારની તસ્કરી પણ ન ચાલે પહેલા લેખમાં ગાંધીજીનું એક વાક્ય વાંચવા મળ્યુઃ આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે, તો સત્ય શોધવું જ રહ્યું. આ છે ગાંધીજીનો હિગ્સ બોસોન!

 ત્યાં તો શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે એમના બ્લૉગ Net-ગુર્જરી પર ગાંધીજીના હિગ્સ બોસોનનો અણસાર આપતો લેખ લખ્યો (http://jjkishor.wordpress.com/2012/07/14/lekho-63/). હીંચકે ઝૂલતાં માથે લટકાવેલા ટુવાલના છેડા સરખા કરવા લાગ્યા તો એમને સમાજના અસમાન છેડા યાદ આવ્યા! નીતિ એટલે શું? અસમાનતાને સ્વાભાવિક માનવી? ચન્દ્ર પર જઈ આવીએ, બ્રહ્માંડ ધ્વનિઓ સાંભળી લઈએ. ૧૪ અબજ વર્ષ પહેલાં ‘મહાવિસ્ફોટ’ કેમ થયો તે સમજી લઈએ, હિગ્સ બોસોન શોધી લઈએ… પણ મેં શરૂઆતમાં જ કહ્યું છે તેમ આપણી દુનિયા એમ જ ચાલવાની છે. અસમાનતાનો નૈતિક આધાર છે કે આ દુનિયા બદલશે? સત્યના ગાંધીચીંધ્યા હિગ્સ બોસોન સુધી ક્યારે પહોંચીશું?

અસમાનતા તો ઘણા પ્રકારની છે. પરંતુ સામાજિક અસમાનતાનો મને પોતાને કઈં અનુભવ ખરો? આમ છતાં આપણે સૌ જાણીએ છીએ કે અસમાનતા છે. આ સામાજિક અસમાનતા આર્થિક અસમાનતા સાથે જુગલબંધી કરતી હોય છે. જે ભોગવે તે જ જાણે.  

 સાહિર લુધયાનવી કહે છેઃ

ये महलों, ये तख्तो, ये ताजों की दुनियाँ

ये इंसान के दुश्मन समाजों की दुनियाँ

ये दौलत के भूखे रवाजों की दुनियाँ

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 हर एक जिस्म घायल, हर एक रूह प्यासी

निगाहों में उलझन, दिलों में उदासी

ये दुनियाँ हैं या आलम-ए-बदहवासी

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जहा एक खिलौना है, इंसान की हस्ती

ये बसती हैं मुर्दा परस्तों की बस्ती

यहाँ पर तो जीवन से मौत सस्ती

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जवानी भटकती हैं बदकार बनकर

जवां जिस्म सजते हैं बाजार बनकर

यहाँ प्यार होता हैं व्यापार बनकर

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

ये दुनियाँ जहा आदमी कुछ नहीं है

वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है

यहाँ प्यार की कद्र ही कुछ नहीं है

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

 

जला दो इसे, फूंक डालो ये दुनियाँ

मेरे सामने से हटा लो ये दुनियाँ

तुम्हारी हैं तुम ही संभालो ये दुनियाँ

ये दुनियाँ अगर मिल भी जाए तो क्या है

(સાભારઃ http://geetmanjusha.com/hindi/lyrics/536.html)

 હવે એક-બે દિવસમાં ફરી આવીશ ત્યારે મારા મિત્ર, અમદાવાદના ૨૪ વર્ષના યુવાન મયંક પરમારને પણ સાથે લાવીશ. એમને ખબર છે કે જુતામાં ચૂંક ક્યાં વાગે છે. આ દુનિયા એમની નજરે કેવી દેખાય છે તે તો જોઈએ.

 

 

 

 

%d bloggers like this: