What is Nationalism?

આપણે સૌ આપણા દેશને બહુ ચાહીએ છીએ એમાં તો શંકા નથી. સરકારોનો જરૂર વિરોધ થયો છે, એક પણ વડા પ્રધાન એવા નથી રહ્યા જેની ટીકા ન થઈ હોય પણ સરકાર એ દેશ નથી, અને દેશ એ સરકાર નથી એવી આપણી સમજ રહી છે. પ્રજા તરીકે આપણું આ સારું લક્ષણ છે. દેશભક્તિની વ્યાખ્યા ઘણી છે તે જ રીતે એનાં પરિમાણો પણ ઘણાં છે; એના પર આપણું ધ્યાન નથી જતું. આજે આ બાબતમાં ડૉ. પરેશ વૈદ્યનો લેખ અહીં આપું છું. લેખક ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ઈંધણ વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે અને ખાસ કરીને વિજ્ઞાન સંબંધી વિષયો પર એમાના લેખો ‘નવનીત સમર્પણ’ ઉપરાંત બીજાં ગુજરાતી અને અંગ્રેજી સામયિકો અને અખબારોમાં પ્રકાશિત થતા રહે છે.

દેશભક્તિની વ્યાખ્યા શું?*

: પરેશ ર. વૈદ્ય

દેશભક્તિનો અર્થ શો થાય તેવો પ્રશ્ન આપણને કદી થયો જ નથી કારણકે ચોથા ધોરણના વિદ્યાર્થીથી માંડીને પ્રૌઢ વય સુધીના દરેકને ખાતરી છે કે તેઓને એનો અર્થ ખબર છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ બાબત શાળામાં ભણવા ઉપરાંત માધ્યમોમાં જે વાંચીએ છીએ કે જોઈએ છીએ તે પરથી દેશભક્તિ વિષે અમુક ધારણા આપણા મનમાં બનેલી છે. દેશભક્તિ એટલે દેશ માટે મરી ફીટવું, તેના માટે કષ્ટો ઉઠાવવાં, યાતના સહન કરવી, ઝંડાનું સન્માન કરવું અને કરાવવું વગેરે. કહો કે એવું બધું જ જે ગાંધીજી, સુભાષ બોઝ, ભગતસિંહ અને બીજા અનેક અનામી શહીદોએ કર્યું તે દેશભક્તિ. આ યાદી લંબાવો તો તેમાં સરહદે ઊભેલા આપણા સૈનિકો પણ આવી જાય.

સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો જૂની થાય તે પહેલાં જ સન ૧૯૬૨માં ચીને અને ૧૯૬૫માં પાકિસ્તાને આક્રમણ કર્યું. તેના કારણે એક વધુ પેઢીના મનમાં દેશભક્તિ બાબત આ ખ્યાલો દૃઢ થયા. જેમ ગાંધીજીને ચરણે લોકો પોતાનાં ઘરેણાં મૂકી આવતા તેવી જ રીતે વિદેશી આક્રમણ પછી સંરક્ષણ ફાળામાં લોકોએ ઉદારતાથી ધન, સોનું અને રક્તનું દાન કર્યું. પરંતુ ૧૯૭૧ના યુદ્ધ ને ૪૬ વર્ષ થઈ ગયાં. લગભગ બે પેઢી તેના પછી ઉછરી છે, જેને એ જુવાળનો અનુભવ નથી. તેથી એ યુવાનો માટે તો દેશભક્તિની વ્યાખ્યા કરવી વધુ જરૂરી છે; કે પછી એ લોકો પણ પેલા ઐતિહાસિક અર્થને જ સાથે લઈને ચાલે છે?

દેશપ્રેમની ઇતિહાસ આધારિત સમજ બાબત એક સમસ્યા છે કે તે દુશ્મનની સાપેક્ષમાં છે – નિરપેક્ષ ભાવના નથી. તો જે દેશો પર ક્યારેય કોઈ વિદેશી સત્તાએ રાજ ના કર્યું હોય તે પ્રજાને દેશભક્તિનો ભાવ કેમ ઉત્પન્ન થતો હશે? અથવા એવા દેશો જેને સદીઓ પહેલા આઝાદી મળી ચૂકી છે અને શહીદોની વાતો જૂની થઈ ગઈ છે? ક્યારેક દુશ્મન સરહદની સામે પાર હોય તો પણ રાષ્ટ્રભાવ જાગે છે (અથવા જગાડવામાં આવે છે). કેટલાય દેશો ટાપુ સ્વરૂપે છે, જેને જમીનની સરહદો જ નથી, જેમ કે ફિલીપીન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વગેરે). તો દુશ્મનો સામસામા આવી જવાનો કોઈ ઈતિહાસ નથી. તો એ લોકોની દેશભક્તિ નું શું?

મધ્ય યુગમાં અરાજકતા હતી. યુરોપે બીજ વિશ્વયુદ્ધમાં પણ ઘણી હિંસા જોઈ. તેમ છતાં યુરોપિયન યુનિયન બન્યા પછી એ દેશોની સીમાઓ લગભગ ઓગળી ગઈ છે. નવી પેઢી આખા યુરોપ ખંડમાં છૂટથી ફરતી દેખાય છે. આમ છતાં જર્મની જેવાં ઉદાહરણ છે જ્યાં રાષ્ટ્રવાદ પ્રખર છે. કદાચ તે માટે ભાષાકીય ઓળખાણ ( Identity ) કારણરૂપ હોઈ શકે. પણ પ્રશ્ન તો રહે જ છે કે જે અર્થમાં આપણે રાષ્ટ્રવાદને સમજીએ છીએ, શું તે જ રીતે યુરોપનાં લોકો સમજે છે?

દેશમાં શું આવે?

કોઈને પોતાના દેશ પ્રત્યે ભક્તિ છે તેમ કહીએ ત્યારે ‘દેશ’ શબ્દમાં માત્ર તેની જમીન અને સરહદો જ નહીં, પરંતુ તેના લોકો, સમાજવ્યવસ્થા, વહીવટીતંત્ર, સંસ્કૃતિ વગેરે પણ આવે. તેનું ગૌરવ મનમાં હોય તેથી એ વ્યવસ્થાતંત્રનો આદર કરવાની આદત હોય. જાપાન અને જર્મનીનાં ઉદાહરણોથી લાગે છે કે આ આત્મગૌરવ જ દેશભક્તિ છે. એ દેશોને દુશ્મન હતા પણ હવે નથી. ૧૯૪૫માં એ બંને તારાજ થઈ ગયા હતા. તે પછી માત્ર બે જ વર્ષે આપણે પણ લગભગ એવી જ હાલતમાં આઝાદ થયા. પરંતુ પછીનાં ૭૦ વર્ષોમાં એ દેશોએ જે હાંસલ કર્યું તેની પાછળ તેના નાગરિકોની દેશદાઝ કામ કરી ગઈ છે તેવી સામાન્ય સમજ છે. ‘જન મન ગણ’ ગવાતું હોય ત્યારે ઉભા રહીને પણ આપણે તેઓના અર્ધે રસ્તેય નથી પહોચ્યા.

જે દેશને ચાહતું હોય તે એવું કોઈ કામ ના કરે જેનાથી દેશની છબીને થોડુંય નુકસાન થાય. જો ‘દેશ’ શબ્દનો ઉપર કહેવા પ્રમાણેનો વિશાળ અર્થ હોય તો દેશપ્રેમી લાંચ આપે નહીં કે લે નહીં. લાંચ આપી કામ કરાવવામાં બીજાના અધિકાર ઉપર તરાપ મરાતી હોય છે. એ ‘બીજા’ પણ દેશના નાગરિકો જ હોય તો આમ કરવું અયોગ્ય ઠરે. તે જ મુજબ દેશપ્રેમી ટ્રેન કે બસમાં વિના ટિકિટ પ્રવાસ ન કરે, રેશનની દુકાને કે ટિકિટની લાઇનમાં શિસ્તથી ઊભા રહે. પોતાનું ઘર સાફ કરી કચરો રસ્તા પર ન ધકેલે. હડતાલ દરમ્યાન વાહનો કે દુકાનો બાળે નહીં, સરકારી મકાનો પર પથ્થરમારો ન કરે.

વાચક કહેશે કે આ બધાં લક્ષણો તો સારા નાગરિકના ગુણો જેવાં છે. ખરું છે. જો દુશ્મનોને પરાજિત કરી દીધા હોય તો તેવા દેશના લોકો માટે દેશભક્તિ એ સારું નાગરિકત્વ જ છે. તેમાં ધડાકાભેરનો રોમાંચ ભલે ન હોય પરંતુ દેશ અને તેના લોકોનું હિત સધ્ધર રૂપે જણાય. આથી ઉલટું, સરહદલક્ષી દેશભક્તિ તો બહુ સહેલું કામ છે. તેમાં નાગરિકે કશું કરવાનું નથી. પંદરમી ઓગસ્ટે ધ્વજવંદનમાં હાજરી આપવી, જવાનોનાં ગુણગાન ગાવાં અને પિનથી ટચુકડો ધ્વજ ખિસ્સા પર લગાડવાથી દેશભક્તિનો આભાસ થયા કરે. “વતનકી આબરુ ખતરે મેં હૈ..તૈયાર હો જાઓ ” અને એવાં બીજાં જુસ્સાદાર ગીતોથી નસોમાં લોહી તો દોડી આવે પરંતુ તેથી કઈં આપણે સરહદ પર દોડી જતા નથી. નથી આપણે રાંધણ ગેસની સબસિડી છોડી દેતા કે નથી ઓફિસમાં ગપ્પા મારવાનું. આવકનાં ખોટાં સર્ટિફીકેટ રજુ કરી ફી માફી લેવામાં કે ગરીબી રેખાની નીચે ચાલ્યા જવામાં આપણને દેશભક્તિ આડે નથી આવતી.

દેશદ્રોહ એટલે શું?

દેશભક્તિની સચોટ વ્યાખ્યા કરવી મુશ્કેલ લાગતી હોય તો ચાલો દેશદ્રોહની વ્યાખ્યા કરીએ. દેશદ્રોહ એટલે ભક્તિથી વિપરીત ભાવના. દેશના હિત કરતાં જાતનું હિત આગળ મૂકવું તે દેશદ્રોહ. આ સરળ વ્યાખ્યા સામે કોઈને વિવાદ ન હોઈ શકે. પરંતુ વ્યવહારમાં મૂકવા માટે તે બહુ કડક છે. બસમાં ટિકિટ ન લેવી કે ઓફિસમાં TA/DAનાં ખોટાં બિલ બનાવવાં કે તુવેરદાળનો સંગ્રહ કરી ભાવ ચડાવવા એ બધું દેશદ્રોહમાં આવે. અને જે દેશદ્રોહી છે તે બીજી ક્ષણે દેશભક્ત કેમ હોઇ શકે?

દેશની વાતને પોતાથી આગળ મૂકવાનું એક ઉદાહરણ ઓફિસના એક સાથીદારે દેખાડ્યું. ફોન વિનાના એ દિવસોમાં ટપાલ અને તાર ખાતા પર બોજ એટલો હતો કે ક્યારેક ટેલીગ્રામ (તાર) ત્રણ ચાર દિવસે પહોંચતા. તે જ વખતે એક સસ્તી સગવડ ગ્રીટિંગ ટેલીગ્રામની હતી, જે દ્વારા લગ્ન વગેરે પ્રસંગે અભિનંદન મોકલી શકાતાં. અમારા આ તમિલ મિત્ર ક્યારેય શુભેછાના તાર ન મોકલતા. કહેતા કે તાર વ્યવસ્થા પર આટલો બોજ છે ત્યાં ઓછા મહત્વના અભિનંદનના તારથી શું બોજ વધારવો? પડઘમના તાલે પ્રેરિત થતી ઘોંઘાટપૂર્ણ દેશભક્તિ કરતાં આવી મૂક દેશસેવા સમાજ માટે જરૂર વધારે ઉપયોગી છે. જાપાન અને જર્મનીના નાગરિકો કદાચ આવી દેશભક્તિ કરે છે.

દુશ્મન પ્રત્યે ધિક્કાર દર્શાવવો તે દેશભક્તિનું નકારાત્મક પાસું છે. તેના કરતાં પોતાના દેશની અંદર પ્રત્યેક નાગરિકનું જીવન સરળ અને તાણરહિત બને તેવાં કામ કરવાં એ દેશભક્તિનું સકારાત્મક પાસું બની રહે. એ અંદરથી આવે, બીજાના દબાણથી નહીં. આપણા શિક્ષણમાં એવા ફેરફાર કરવાની જરૂર છે કે જે નાગરિકતા અને દેશભક્તિને સાંકળી લે. જેથી યુવાન પેઢી આ નવા સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમ કેળવી શકે અને વ્યક્ત કરી શકે. ચાલો આપણે એ દિશામાં જવાના માર્ગો વિચારતા રહીએ.

*( સાભાર નોંધઃ આ લેખ પહેલાં પ્રાર્થના સંઘ નામક સેવાભાવી સંસ્થાના માસિક પ્રાર્થનાના ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાં પ્રકાશિત થયો હતો).

0-0-0

Science Samachar: Episode 10

() મુંબઈના સંશોધકો આપે છે પુરુષાતનનું વરદાન

ઇંડિયન કાઉંસિલ ઑફ મૅડીકલ રીસર્ચ (ICMR)ની મુંબઈસ્થિત સંશોધનસંસ્થા નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રીસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થ (NIRRH)ના સંશોધકોએ પુરુષની સંતાન પેદા કરવાની અસમર્થતાનું કારણ શોધી કાઢ્યું છે. પુરુષના શુક્રાણુમાં કેટલાક પ્રોટીન હોય છે જેમાં એક વધારે પ્રોટીન –હીટ શૉક પ્રોટીન -90 (HSP-90)ઓળખી કાઢ્યો છે. શુક્રાણુને માથું અને પૂંછડી હોય છે. એ પૂંછડી પટપટાવતો સ્ત્રીના અંડ તરફ ધસે છે અને એની સાથે અથડાઈને અંદર ભળી જાય છે. પણ એની પૂંછડી જોરથી હલતી હોય તો જ એ જરૂરી ગતિ પ્રાપ્ત કરી શકે છે. ગતિ ધીમી હોય તો સંતાન પેદા ન થઈ શકે.

સંશોધક ટીમના નેતા ડૉ. દીપક મોદી, મુખ્ય સંશોધક વૃષાલી સાગરે-પાટિલ (બન્ને ફોટામાં), અને લેખનાં સહ-લેખિકા, હિંદુજા હૉસ્પિટલનાં IVF એક્સપર્ટ ઇંદિરા હિંદુજાનો આ લેખ આ મહિને Journal of Assisted Reproduction and Genetics (JARG)માં પ્રકાશિત થયો છે.

એમણે સંતાનહીન પુરુષોના એક ગ્રુપનો અભ્યાસ કર્યો તેમાં જોવા મળ્યું કે એમના શુક્રાણુમાં HSP90નું પ્રમાણ બહુ ઓછું હતું. શુક્રાણુમાં બે પ્રકારના પ્રોટીન હોય છેઃ HSP90 અલ્ફા અને HSP90 બીટા. આમાંથી અલ્ફા શુક્રાણુના માથા અને વચ્ચેના ભાગમાં હોય છે, જ્યારે બીટા પૂંછડીમાં હોય છે. પહેલી જ વાર આ બે પ્રકારના પ્રોટીનો જુદા જુદા ભાગમાં હોય છે તે જાણવા મળ્યું છે.

આમ તો શુક્રાણુ ધીમે ધીમે જ જતો હોય છે પણ સ્ત્રીની ગર્ભનળીમાં પ્રોજેસ્ટેરોન હૉર્મોન મળતાં જ એ ભાગવા લાગે છે. પહેલાં તો એમણે માન્યું કે બીટા જ એકલો ગતિ નક્કી કરે છે,પછી પ્રોજેસ્ટેરોનની અસર દેખાઈ. વૃષાલી સાગરે-પાટિલ કહે છે કે એમણે પ્રોટીન પર પ્રયોગ કરીને એન નિષ્ક્રિય બનાવી દીધો. પરંતુ એની મદ ગતિની સફર ચાલુ રહી પણ પ્રોજેસ્ટેરોનની અસર પણ ન થઈ. આથી એમ નક્કી થયું કે બન્ને મળે તો જ કામ થાય. એટલે પ્રોટીન જરૂરી છે એમ પણ નક્કી થયું. શુક્રાણુમાં HSP90 બીટા ન હોય તો એ ધીમે ધીમે ડોલતો ડોલતો જાય ખરો પણ પ્રોજેસ્ટેરોનનીયે અસર ન થાય એટલે એ અંડ સુધી પહોંચે જ નહીં.

હવે પુરુષની ખામીને કારણે સંતાન ન થતું હોય તો HSP90 બીટા વધારવાથી એ પ્રોજેસ્ટેરોનની અસરથી અંડ સુધી પહોંચી શકે. આમ ‘શેર માટીની ખોટ’ પૂરી કરવા માટે જરૂરી દવાઓ બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. પરંતુ શુક્રાણુમાં HSP90 બીટા બહુ જ હોય તો? બસ, એને પ્રોટીનને નિષ્ક્રિય બનાવે એવી દવા વાપરો. આમ બન્ને રીતે આ સંશોધન ઉપયોગી થશે.

સંદર્ભઃ https://goo.gl/dFp2Gt અને https://goo.gl/jShZYe

૦-૦-૦

() ચકી લાવે ચોખાનો દાણો વાર્તા ફરી સજીવન થશે?

ચકી લાવે ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, પછીએ બન્નેએ ભેગા મળીને ખીચડી બનાવીને ખાધી.

મારી પેઢીએ તો બાળપણમાં આ વાર્તા સાંભળી જ છે. કાદાચ આપણે આપણાં સંતાનોને સંભળાવી પણ હશે. પરંતુ આજે ત્રીજી પેઢીને વાર્તા સંભળાવવા બેસીએ અને એ પૂછી બેસે કે ચકલી એટલે શું, તો જવાબ શું આપશું? શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થવા લાગી છે.

પક્ષીવિશારદ મહંમદ દિલાવર કહે છે કે આજની પેઢીને ટેકનોલૉજી એવી ઘેરી વળી છે કે કુદરત જેવું કંઈ છે એની પણ એને ખબર નથી. શહેરી કરણને કારણે ચકલીઓને રહેવાલાયક જગ્યા જ નથી રહી. ૨૦૧૨માં ચકલીને ‘દિલ્હીરાજ્યનું પક્ષી’નું બહુમાન અપાયું પણ આજે ફરી એ અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે. મહંમદ દિલાવરે Nature Forever Society for India (NFSI) નામની સંસ્થા પણ બનાવી છે જે ૨૦૧૦થી દર વર્ષે ૨૦મી માર્ચે ‘વિશ્વ ચકલી દિન’ મનાવે છે. આજે પચાસ દેશો આ દિન મનાવે છે. એમનું કહેવું છે કે કબૂતરો માળા બાંધીને રહે, પણ ચકલીને બખોલ જોઈએ. આજે શહેરનાં સીધાં સપાટ મકાનોમાં બખોલ ક્યાં હોય? ગામડાંમાં ખેતરોમાં પણ જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થતો હોવાથી ચકલીને જોઈએ તે કીડા નથી મળતા. આમ ચકલી બીચારી ગામડે વસે તો ભૂખી રહે અને શહેર એને છાપરું ન આપે. દિલાવરની વાત માનીને સૌ લાકડાનાં બખોલ જેવાં ખાનાં બનાવીને અગાશીમાં કે ઝાડ પર લટકાવે અને પાણીનું કૂંડું ભરી રાખે તો ચકલીને આશરો મળે અને આપણે ફરી વાર્તા કહી શકીએ…”ચકી લાવે……!”

સંદર્ભઃ https://goo.gl/SVAJ04

૦-૦-૦

(૩) શ્રીમતી મચ્છરને બે નાક છે!

વૅંડરબિલ્ટ યુનિવર્સિટી (નૅશવિલ, ટેનેસી)ના બાયોલૉજિસ્ટોએ ખોળી કાઢ્યું છે કે મેલેરિયાના મચ્છરના નાકમાં બે ઘ્રાણ કેન્દ્રો છે. એક નાક બે નાક જેવું કામ આપે છે! આ જાણકારીનો લાભ એ થશે કે, એ મચ્છર માણસને કેમ ઓળખીને હુમલો કરે છે તે સમજી શકાશે. વૈજ્ઞાનિકો ૧૫ વર્ષથી આ જાણવા મથતા હતા. એમનું માનવું છે કે એનોફિલિસની માદાના નાકમાં બીજું ઘ્રાણ કેન્દ્ર છે તે ખાસ માણસને સૂંઘવા માટે જ છે.

માદાના શરીરમાં ઊતરો તો સમજાશે કે એની દુનિયામાં નાક મુખ્ય છે, આંખ કે કાન નહીં. આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તે માદાના નાક સુધી પહોંચતાં એ સમજી જાય છે કે કોઈ શિકાર નજીકમાં છે. એટલે એ નજીક આવે છે અને શરીરની ગંધ પારખીને નક્કી કરે છે કે આનું લોહી પીવા લાયક હશે કે કેમ. લોહી પીધા પછી એણે પ્રજનન કરવું પડે છે એટલે એ નજીકમાં કોઈ સ્થિર પાણી છે કે નહીં તે સૂંઘીને નક્કી કરે છે અને ઈંડાં મૂકે છે. આમાં ફોટામાં દેખાડેલાં સાધનો એને કામ આવે છે.

માદા એનોફિલિસ. ફોટામાં ઍન્ટેના, પ્રોબોસિસ (ચાંચ) અને બે સેન્સર (ઘ્રાણકેન્દ્રો) જોવા મળે છે. એના પર પાતળા વાળ છે જેને સેન્સિલા કહે છે. એ માદાને ખાસ પ્રકારની ગંધ પહોંચાડે છે. (iStock)

Nature: Scientific Reports જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં સંશોધકો કહે છે કે મચ્છર ઘણી જાતની માનવગંધને પારખી શકે છે પણ ઘણી ગંધને એ છોડી દે છે. આ બીજું ઘ્રાણ કેન્દ્ર પરિપૂર્ણ છે, પણ એ માણસના શરીરમાંથી પેદા થતી બે જ ગંધ માટે કામ આપે છે.

માણસના પરસેવામાં કાર્બો-ઑક્સિલિક ઍસિડ હોય છે. એની વાસ સિરકા જેવી હોય છે અને બીજી વાસ એમોનિયાના પદાર્થ એમાઇનની હોય છે. આ ગંધ મચ્છરને આકર્ષે છે. આ ઘ્રાણ કેન્દ્ર ઉત્ક્રાન્તિના શરુઆતના તબક્કા જેવું છે. હવે કરવાનું એટલું જ છે કે આ ગંધ મચ્છર સુધી ન પહોંચે. બસ, મેલેરિયા ગયો સમજો!

સંદર્ભઃ https://goo.gl/r1CTmI

૦-૦-૦

() સોશ્યલ મીડિયાનું વળગણ મગજના અસંતુલનનું પરિણામ

હાલતાંચાલતાં, મિત્રોની સાથે બેઠાં બેઠાં પણ ફેસબુક કે ટ્વિટર જોઈ લેવાનું તો હવે બહુ રોગચાળા જેમ ફેલાઈ ગયું છે. સંશોધકો કહે છે કે આનું કારણ મગજની કાર્ય કરવાની ખોટી રીતભાત છે. Journal of Management Information Systemsમાં ડી’પોલ યુનિવર્સિટીના હામીદ કારી-સારેમી(Hamed Qahri-Saremi) DePaul University) અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, ફુલરટનના ઑફિર તુરેલ(Ofir Turel) લખે છે કે ફેસબુક જોવાની ટેવ સમસ્યારૂપ બની જાય તેનો અર્થ એ કે આપણા મગજમાં વ્યવહારનાં બે કેન્દ્રો છે તેના વચ્ચે સામંજસ્ય નથી.

આપણા મગજમાં વ્યવહારની બે વ્યવસ્થા છેઃ એક વ્યવસ્થા તરત પ્રતિભાવ આપવાની છે. કોઈ એવી સ્થિતિ આવે જેમાં આગળ વધવું હોય અથવા તો પાછા હટવું હોય એમાં આ વ્યવસ્થા કામ કરે છે. એમાં વિચાર નથી હોતો. સહજ પણ બચાવલક્ષી વર્તણૂકનો સમાવેશ થાય છે. કેટલાંયે કામો આપણે પ્રતિભાવ રૂપે જ કરીએ છીએ. દાખલા તરીકે, જેને દારુ કે સિગરેટ પીવાથી ચિંતામાંથી મુક્ત થવાની લાગણી થતી હોય તે થોડી પણ મુંઝવણ પેદા થાય ત્યારે દારુ કે સિગરેટ તરફ વળે છે. મગજની આ વ્યવસ્થા એની પાસે આ કરાવે છે. બીજી વ્યવસ્થામાં વિચાર છે, એને નિર્ણય લેવામાં વાર લાગે છે. બન્ને વ્યવસ્થાઓ વચ્ચે ‘ટગ ઑફ વૉર’ ચાલ્યા કરે છે. એ તમારાં લાંબા ગાળાનાં હિતોનું ધ્યાન રાખે છે. પહેલી વ્યવસ્થામાં માણસનું પોતાનું કંઈ ચાલતું નથી. એ વ્યવસ્થાનો ગુલામ છે.

સંશોધકોએ ઉત્તર અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ૩૪૧ વિદ્યાર્થીઓને લીધા અને એમનો મનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો. એમાં એમણે કોણ ફેસબુકનો કેટલો ઉપયોગ કરે છે તે જોયું. એક સેમેસ્ટરમાં એમન્ને માહિતી એકઠી કરી અને પછી એક વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓની વર્તણૂક પર નજર રાખી. જે ફેસબુકનો વધારે ઉપયોગ કરતા હતા એમનું લાગણી તંત્ર સતત ઉશ્કેરાયેલું રહેતું હોવાનું જણાયું.

૭૬ ટકા ક્લાસમાં પણ ફેસનબુક જોતા હતા. ૪૦ ટકા કાર ચલાવતાં ફેસબુક વાપરતા હતા. ૬૩ ટકા એવા નીકળ્યા કે કોઈની સાથે વાત કરતાં પણ મોઢું ફેસબુકમાં જ ઘાલી રાખતા હતા. ૬૫ ટકા કામ છોડીને ફેસબુક કરતા હતા.

ફેસબુક સમસ્યા માનસિક સમસ્યા બની જવાને કારણે એમના અભ્યાસમાં ભારે ખરાબ અસર પડી હોવાનું જોવા મળ્યું. ફેસબુકનો ઉપયોગ સંયમથી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કરતાં એમનું પરફૉર્મન્સ સાત ટકા પાછળ હતું.

સંદર્ભઃ https://goo.gl/Oxkjnk અને https://goo.gl/Zh7fIw

૦-૦-૦-૦

Gujarat’s Health card – 2015-2016

NFHS-4 (2015-2016) (રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વે – ૪) રિપોર્ટ હાલમાં જ પ્રકાશિત થયો છે. એમાંથી જોતાં લાગે છે કે ગુજરાતમાં અને આખા દેશમાં આરોગ્ય ક્ષેત્રે ઘણું કરવાનું રહે છે, પરંતુ એક સાધનસંપન્ન, વિકસિત અને ઔદ્યોગિક રાજ્ય તરીકે આપણી સજ્જતા આરોગ્યની બાબતમાં બહુ ઝળકતી નથી, એ માત્ર ચિંતાજનક નહીં શરમજનક વાત પણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મુંબઈની ઇંટરનૅશનલ ઇંસ્ટીટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સીઝને આ જવાબદારી સોંપી હતી. સંસ્થાએ ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરીથી ૩૦મી જૂન ૨૦૧૬ વચ્ચે જુદા જુદા જિલ્લાઓમાં ૨૦,૫૨૪ કુટુંબો, ૨૨,૯૩૨ સ્ત્રીઓ અને ૫,૫૭૪ પુરુષોની સૅમ્પલ સર્વે કરીને પોતાનાં તારણો આપ્યાં છે. સર્વે ટીમે ઘરની સામાજિક-આર્થિક સ્થિતિ, પાણી અને સ્વચ્છતાની સ્થિતિ, લગ્ન, બાળકોની સંખ્યા, જન્મનિરોધનાં સાધનોનો ઉપયોગ, બાળકોનું રસીકરણ, પોષણનો દરજ્જો, સ્ત્રી ઘરમાં હિંસાનો ભોગ બને છે કે કેમ, ઊંચાઈ, વજન, ડાયાબિટીસ, હીમોગ્લૉબિનનું સ્તર – વગેરે ઘણી બાબતો વિશે માહિતી મેળવી. આના માટે એમણે ૧૫-૪૯ વર્ષની સ્ત્રીઓ અને ૧૫-૫૪ વર્ષના પુરુષોનો સર્વેમાં સમાવેશ કર્યો.

શિક્ષણનો પ્રભાવ આરોગ્ય પર પડે છે. એટલે પહેલાં શિક્ષણની સ્થિતિ જોઈએ. ક્યારેક પણ શાળાનું શિક્ષણ લેવાની તક મળી હોય તેવી, ૬ વર્ષ અને તેનાથી વધારે ઉંમરની સ્ત્રીઓની સંખ્યા જોઈએ તો શહેરોમાં ૮૨.૬ ટકા સ્ત્રીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ૬૪ ટકા સ્ત્રીઓ છે. આખા રાજ્યમાં ૭૨ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. દસ વર્ષ પહેલાં કરાયેલી સર્વેમાં આ ટકાવારી ૬૫ ટકા નોંધાઈ હતી. પરંતુ દસ વર્ષ કરતાં વધારે શિક્ષણ લીધું હોય તેવી સ્ત્રીઓ શહેરમાં માત્ર ૪૫.૩ ટકા અને ગામડાંઓમાં ૨૩.૧ ટકા છે. ગુજરાતમાં દર એક હજાર પુરુષ સામે શહેરોમાં ૯૦૭ અને ગામડાંઓમાં ૯૮૪ સ્ત્રીઓ છે. આમ સ્રી-પુરુષ ગુણોત્તરમાં ગામડાં શહેરો કરતાં વધારે પ્રગતિશીલ છે.

સ્વચ્છતાની સુવિધા

રાજ્યમાં ૯૬ ટકાને વીજળી મળે છે અને ૯૦.૯ ટકા પાસે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા છે, પરંતુ ઘરમાં જ સ્વચ્છતાની સુવિધા (શૌચાલય વગેરે) ન હોય તેવાં ઘરો શહેરોમાં ૧૪.૭ ટકા છે, જ્યારે ગામડાંમાં ૫૩ ટકા પાસે હજી આ સગવડ નથી. આમ આખા રાજ્યમાં ૩૫.૭ ટકા લોકોને આ સુવિધા મળે એવાં પગલાં જરૂરી છે.

વહેલાં લગ્ન અને કુમળી વયની માતાઓ

આજે પણ ગુજરાતમાં ૧૮ વર્ષની ઉંમર પહેલાં પરણાવી દેવાનું વલણ દેખાય છે. શહેરોમાં ૨૦થી ૨૪ વર્ષની સ્ત્રીઓમાંથી ૧૭.૨ ટકાનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થયાં છે. ગામડાંઓમાં તો આ વયજૂથમાં ૩૦.૭ ટકા છોકરીઓ એવી હતી કે જેમને ૧૮ વર્ષની ઉંમર પહેલાં પરણાવી દેવાઈ છે. ૧૫-૧૯ વર્ષની છોકરીઓમાંથી કેટલી માતા છે તે તપાસતાં જાણવા મળ્યું કે શહેરોમાં ૪.૨ ટકા અને ગામડાંઓમાં ૭.૯ ટકા છોકરીઓ કુમળી વયે જ માતા બની છે.

બાળકોનો મૃત્યુદર શરમજનક

આની સીધી અસર બાળકોના મૃત્યુદરમાં દેખાય છે. આજે પણ ગુજરાતનાં શહેરોમાં દર એક હજાર નવાં જન્મતાં બાળકોમાંથી ૨૭ અને ગ્રામીણ વિસ્તારોમાં ૩૯ બાળકો મૃત્યુ પામે છે. જે બચી જાય છે તેમાંથી ૩૨ શહેરી બાળકો અને ૫૧ ગ્રામીણ બાળકો પાંચ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં મૃત્યુ પામે છે. એકવીસમી સદીના દોઢ દાયકા પછી આવી સ્થિતિ હોય તે અફસોસની વાત છે.

પુરુષો નસબંધી કરાવતા નથી?

બીજી બાજુ, કુટુંબ નિયોજનાની રીતોના ઉપયોગમાં શહેરો અને ગામડાં વચ્ચે બહુ ફેર નથી દેખાયો. શહેરોમાં ૪૭.૧ ટકા સ્ત્રીઓ અને ગામડાંઓમાં ૪૬.૭ ટકા સ્ત્રીઓ કુટુંબનિયોજનની કોઈ પણ રીતનો ઉપયોગ કરે છે. દુઃખની વાત એ છે કે ૨૦૦૫-૨૦૦૬માં ૬૬.૬ ટકા સ્ત્રીઓ કુટુંબ નિયોજનનાં સાધનો વાપરતી. પરંતુ એમ નથી કે સામે પક્ષે પુરુષો કુટુંબ નિયોજન માટે પોતાની જવાબદારી વધારે સમજતા થયા છે. પુરુષ નસબંધીની વાત કરીએ તો સર્વે નોંધે છે કે શહેરોમાં શૂન્ય ટકા પુરુષો અને ગામડાંમાં દરેક હજારમાં માત્ર ૨ જણ છે, જેમણે નસબંધી કરાવી હોય. આનો અર્થ એ કે પુરુષો પોતાની નસબંધીની વાત છુપાવે છે, અથવા તો કરાવતા જ નથી.

બાળકોની ખરાબ હાલત

બાળકોને બધી રસી અપાવવામાં પણ હજી ઘણું કામ કરવું પડે એમ છે. માત્ર ૧૨થી ૨૩ મહિનાનાં બાળકોમાંથી માત્ર ૫૦.૪ ટકાને બધી રસી મળે છે. શહેરોમાં ૭૮.૨ ટકા બાળકોને સરકારી હૉસ્પિટલોમાં અને ૨૧.૨ ટકાને પ્રાઇવેટ ક્લિનિકોમાં રસી અપાય છે, જ્યારે ગામડાંમાં ૯૩.૯ ટકા બાળકો સરકારી હૉસ્પિટલોમાં આ સેવાનો લાભ લે છે.

બાળક છ મહિનાનું થાય તે પછી એને માત્ર ધાવણ પર ન રખાય. પૂરક આહાર પણ આપવો જોઈએ. પરંતુ હજી આપણાં શહેરોમાં ૪૮.૭ ટકા બાળકો અને ગામડાંમાં ૬૦ ટકા બાળકો માત્ર ધાવણ પર નભે છે. પાંચ વર્ષથી નાની વયનાં ૩૧.૭ શહેરી બાળકો અને ગામડાંમાં ૪૨.૯ ટકા બાળકોની ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ ઓછી છે,૨૩.૪ ટકા શહેરી બાળકો અને ૨૮.૫ ટકા ગ્રામીણ બાળકોનું વજન ઊંચાઈ પ્રમાણે જેટલું હોવું જોઈએ તેના કરતાં ઓછું છે. શહેરોમાં ૩૨ ટકા અને ગામડાંઓમાં ૪૪.૨ ટકા પાંચ વર્ષની ઉંમર કરતાં નાનાં બાળકો ‘અંડરવેઇટ’ શ્રેણીમાં આવે છે.

BMI કેટલો છે?

શહેરોમાં ૧૮.૧ ટકા સ્ત્રીઓનો અને ગામડાંમાં ૩૪.૩ ટકા સ્ત્રીઓનો BMI (Body Mass Index = 18.5kg/m2 સ્ટાંડર્ડ) ઓછો છે. એટલે કે એ દૂબળી છે. બીજી બાજુ, શહેરોમાં BMI ઉપર જણાવ્યા કરતાં ઓછો હોય હોય તેવા ૧૯ ટકા પુરુષો છે ગામડાં માં આવા પુરુષો ૨૯.૬ ટકા છે. આનો અર્થ એ કે એમને પૂરતું પોષણ નથી મળતું. બીજી બાજુ 25kg/m2 કરતાં વધારે BMI હોય તેવાં સ્ત્રી-પુરુષ શહેરમાં અનુક્રમે ૩૪.૫ ટકા અને ૨૫.૯ ટકા છે. આનો અર્થ એ કે શહેરી જનતાની ખાવાપીવાની ટેવો સારી નથી. આની સામે ગામડાંમાં બહુ જાડી સ્ત્રીઓની ટકાવારી માત્ર ૧૫.૪ ટકા અને પુરુષોની ટકાવારી ૧૪.૪ ટકા છે. આનો અર્થ એ કે ગામડાંમાં સ્ત્રી-પુરુષો ચરબી ચડે એવો ખોરાક નથી લેતાં.

ખરી શરમની વાતઃ ઍનીમિયા

ગુજરાતમાં ૬થી ૫૯ મહિનાનાં ૬૨.૬ ટકા બાળકો (૫૯.૫ ટકા શહેરોમાં અને ૬૪.૬ ટકા ગામડાંમાં)ના લોહીમાં હીમોગ્લૉબિનનું પ્રમાણ ૧૧.૦ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું છે. ૧૫થી ૪૯ વર્ષની વયની ૫૧.૬ ટકા શહેરી સ્ત્રીઓ અને ૫૭.૫ ટકા ગ્રામીણ સ્ત્રીઓ ઍનીમિક છે. એકંદર રાજ્યમાં ૫૪.૯ ટકા સ્ત્રીઓ ઍનીમિક છે. ૨૦૦૫-૨૦૦૬માં ૫૫.૩ ટકા સ્ત્રીઓ ઍનીમિયાનો શિકાર હતી. આમ દસ વર્ષમાં ૦.૪ ટકા જેટલો બહુ નજીવો સુધારો થયો છે.

આમાં દુઃખની વાત એ છે કે ૧૫થી ૪૯ વર્ષની અને ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓમાંથી ૫૧.૮ ટકા શહેરોમાં અને ૫૭.૬ ટકા ગામડાંમાં છે. એમનાં લોહીમાં હીમોગ્લોબિન ૧૨.૦ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું હોય છે. આ જ ઉંમરની સગર્ભા સ્રીઓમાંથી ૫૧.૩ ટકા (૪૭.૨ ટકા શહેરોમાં અને ૫૪.૨ ટકા ગામડાંમાં) ઍનીમિક છે. એમનું હીમોગ્લોબિન ૧૧ ગ્રામ/ડેસીલીટર કરતાં ઓછું છે.

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર

રાજ્યમાં ૫.૮ ટકા સ્ત્રીઓમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધારે (૧૪૦ mg/dl) જોવા મળ્યું છે અને ૨.૫ ટકા સ્ત્રીઓને તો ૧૬૦ mg/dl કરતાં પણ વધારે સાકર લોહીમાં રહે છે. પુરુષોમાં ૭.૬ ટકા વધારે સાકરવાળા અને ૩.૭ ટકા અતિ વધારે સાકરવાળા છે. એ જ રીતે, લગભગ ૧૦ ટકા સ્ત્રીઓ અને ૧૨ ટકા પુરુષો બ્લડપ્રેશરના દરદી છે.

આપણી ખાવાપીવાની ટેવો

ઍનીમિયા નાબૂદી માટે તો ઝુંબેશ ચલાવવી પડે એમ લાગે છે. BMIની સમતુલા પણ જાળવવી પડશે. કરવું શું? ખાવાની પરંપરાગત રીતોમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે દાળને પીવાની નહીં, ખાવાની વસ્તુ માનો. દાળ બનાવો ત્યારે એક મુઠ્ઠી દાળ વધારે લો અને એક ગ્લાસ પાણી ઓછું નાખો. રોજ પાતળી લચકો દાળ બનાવો; વઘારમાં જરૂર પૂરતું જ તેલ વાપરો, બટાટા કે રીંગણાંને તેલમાં તરતાં શીખવાડવાની જરૂર નથી. ફાફડા-જલેબી સામે હોય ત્યારે મનને કાબુમાં રાખો. ચા ભલે કડક પીઓ, પણ ‘કડક અને મીઠી’ શા માટે? ખાંડ ઓછી કરો. આ બધું તો આપણે પોતે જ કરી શકીએ. કારણ કે ગુજરાતમાં શહેરોમાં ૮૬.૯ ટકા અને ગામડાંમાં ૮૪.૨ ટકા સ્ત્રીઓ ઘર કેમ ચલાવવું તેના નિર્ણયમાં ભાગીદાર બને છે. એમની ભાગીદારી અર્થપૂર્ણ હોય તો ઍનીમિયા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના ઉપાય તો હાથમાં જ ગણાય.

સંદર્ભઃ

NFHS-4 (2015-2016)

Click to access GJ_FactSheet.pdf

Science Samachar : Episode 9

science-samachar-ank-9. આપણા દેશમાં પણ આવી હાલત છે?

કૅનેડાની મૅક્‌ગિલ યુનિવર્સિટીના હેલ્થ સેંટર હસ્તકની રીસર્ચ ઇંસ્ટીટ્યૂટ (RI-MUHC)ના We have similar conditionસંશોધકોની એક ટીમે લાઇપોપ્રૉટીન(a) અથવા ટૂંકમાં Lp(a) તરીકે ઓળખાતા કૉલેસ્ટેરોલનો અભ્યાસ કર્યો તો એનું પ્રમાણ વધી ગયેલું જણાયું. સંશોધકો એવા તારણ પર પહોંચ્યા કે ૧૪માંથી ૧ હાર્ટ ઍટેક અને ધમનીના ૭માંથી ૧ રોગ માટે આ કૉલેસ્ટેરોલ જવાબદાર છે. જોવાની વાત એ છે કે કૅનેડામાં કૉલેસ્ટેરોલની તપાસ થાય છે ત્યારે Lp(a)ની તો તપાસ જ નથી થતી. કેનેડામાં સ્થિતિ હોય તો આપણા દેશમાં શી સ્થિતિ હશે તે જાણવું પડે તેમ છે. તમારા કોઈ ડૉક્ટર મિત્રને વંચાવીને અહીં લખશો તો આનંદ થશે. Lp(a)ની તપાસ થતી હોય તો મોટા ભાગના લોકોને તો ખબર પડે કે એમની સામે શું જોખમ છે. એનો કોઈ ઇલાજ છે નહીં, શોધવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે.

સંશોધન લેખના મુખ્ય લેખક ડૉ. જ્યૉર્જ થાનાસોલિસ કહે છે કે ૨૦ ટકા લોકોમાં આ કૉલેસ્ટેરોલ જોવા મળ્યું છે. એ વારસાગત ઊતરી આવે છે. એમણે કહ્યું કે અમારા સંશોધન પછી લોકોમાં આના વિશે જાગૃતિ આવશે એવી આશા રાખીએ છીએ.”

સંદર્ભઃ અહીં

૦-૦-૦-૦

. ખંજવાળ શા માટે?

Neuron સામયિક (Vol. 93 Issue 4)ના ૨૨મી ફેબ્રુઆરીના અંકમાં Leaky Gate Model: Intensity-Dependent Coding of Pain and Itch in the Spinal Cord લેખ પ્રકાશિત થયો છે. એમાં આપણને હંમેશાં અકળાવતો સવાલ ચર્ચેલો છે. આ ખંજવાળ થાય છે જ શા માટે? સંશોધકો કહે છે કે દરવાજો બંધ કર્યા પછી પણ પાણી વહી જતું હોય તેના જેવું આ છે.

Neuron forsensation of  itching and painવેદના અને ખંજવાળ બન્ને જુદાં જુદાં સંવેદનો છે પણ એકબીજાં સાથે સંકળાયેલાં છે. DRG નામના ન્યૂરોન બન્ને સંવેદનોને ઓળખી કાઢે છે, પણ બેયનો પ્રતિભાવ જુદો હોય છે. વેદના થાય ત્યારે પેશીને નુકસાન ન થાય તે માટે એ પાછા હટવાનો સંદેશ આપે છે, એટલે કે ગરમ વસ્તુને હાથ અડકી ગયો હોય તો તમે તરત જ હાથ પાછો ખેંચી લો છો. આ વેદનાનું કામ છે. વેદના ન થાય તો તમારો હાથ સખત દાઝી જાય. બીજી બાજુ ખંજવાળ ચામડીને ખોતરવાનો સંદેશ આપે છે, વેદના કે પીડા ખંજવાળને દબાવી દે પણ ખંજવાળ વેદનાને દબાવી ન શકે. દાખલા તરીકે આપણે ખંજવાળ કરતા હોઈએ ત્યાં જ પીડા થવા લાગે. તે પછી ખંજવાળની ઇચ્છા ન રહે. આ સાથેના ચિત્રમાં આપણા શરીરમાં વેદના અને ખંજવાળના સંવેદનના વાહક ન્યૂરોન દેખાડ્યા છે અને એને બરાબર સમજી શકીએ તે માટે એના ઉપર માણસની આકૃતિ બનાવી છે. એક થિયરી એવી છે કે આ એ જ ન્યૂરોન છે. એ બહુ તીવ્રતાથી સક્રિય થાય તો પીડા થાય અને હળવી પ્રતિક્રિયા હોય તો ખંજવાળ આવે. એના પ્રમાણે મગજમાં અમુક ન્યૂરોન હોય છે જે કરોડરજ્જુના ન્યૂરોન સાથે જોડાઈને કેવી પ્રતિક્રિયા કરવી તેનું માર્ગદર્શન આપે છે. પરંતુ એમાં પણ માત્ર ખંજવાળને પસંદ કરનારા ન્યૂરોન જોવા મળ્યા છે. બીજી બાજુ કરોડરજ્જુમાં મળતા ન્યૂરોન બન્ને કામ કરે છે. ઉંદરમાં પ્રયોગ કરીને એમણે આ ન્યૂરોન કાઢી નાખ્યા, તો એમની ખંજવાળની સંવેદના ઓછી થઈ ગઈ. આનો અર્થ એ કે ખંજવાળ વેદનાનો આગોતરો સંકેત આપે છે. આમ ખંજવાળ આપણા શરીરમાં એક મહત્ત્વનું કામ કરે છે.

સંદર્ભઃ અહીં અને તસવીર

૦-૦-૦

. ધરતીકંપની પ્રકિયા શી છે?

હવે વૈજ્ઞાનિકો ધરતીકંપ ક્યાં થશે તેની આગાહી કરતા થઈ ગયા છે, પણ ક્યારે થશે, અથવા તેની અસર કેટલી ભયાનક હશે, તે હજી જાણી શકાયું નથી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ધરતીકંપને સમજવા માટે ‘ageing’ તરીકે ઓળખાતી ઘટનાનો અભ્યાસ કરે છે. એજિંગની ઘટનાનો અર્થ એ છે કે બે પદાર્થો એકબીજા સાથે વધારે લાંબો વખત સંસર્ગમાં રહે તો એમને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે છે. આ અવરોધને સ્થિર ઘર્ષણ (Static Friction) કહે છે. એટલે કે કોઈ ફૉલ્ટ ઘણા વખતથી શાંત હોય તો એનું સ્ટેટિક ફ્રિક્શન વધતું જાય છે અને ફૉલ્ટ વધારે પ્રબળ બની રહે છે.

હવે ધારો કે ફૉલ્ટ તો સ્થિર રહે છે પણ ટેક્ટૉન સરક્યા કરે છે; તો ફૉલ્ટમાં દબાણ ઊભું થશે. ટેક્ટૉનિક પ્લેટ સરકવા માંડે, અને એ એટલી જોરદાર બની જાય કે સ્ટેટિક ફ્રિક્શન કરતાં વધી જાય ત્યારે જોરદાર આંચકાના રૂપે ઊર્જા છૂટી પડે છે.

આ ગ્રુપને આ પહેલાંના કાર્યમાં જોવા મળ્યું હતું કે જેમ સમય વધે તેમ સ્ટેટિક ફ્રિક્શન ૧૦ની ઉપરના ઘાતાંક પ્રમાણે વધે છે. એટલે કે બે પદાર્થ ૧૦ગણો વખત વધારે સાથે રહ્યા હોય તો એમને ખસાવવા માટે બમણું જોર વાપરવું પડે છે પહેલાં આ નિયમ મોટાં ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો પણ આ વૈજ્ઞાનિકોએ એ નૅનો સ્કેલ પર જોયું છે.

સંદર્ભઃ અહીં

૦-૦-૦-૦

૪. બૈરાંને જોઈને શૂરાતન ચડ્યું!

ન્યૂ યૉર્ક (હાઇડલબર્ગ)થી એક રસપ્રદ સમાચાર મળ્યા છે. સ્પ્રિંગરના સામયિક Behavioral Ecology and Sociobiology માં એક અભ્યાસપત્ર છપાયો છે. ઘણાં નાનાં પક્ષીઓ એકઠાં થઈ જાય છે અને મોટા શિકારી પક્ષીને એકલું જોઈને એના ઉપર ત્રાટકે છે. આને Dive bombing સાથે સરખાવી શકાય. યુદ્ધમાં ઘણી વાર એવું બનતું હોય છે કે વિમાન સીધું જ નિશાન ઉપર Burrowing Owlખાબકે. Humming Bird એટલે કે આંગળીના કદની નાની ચકલીઓ આમ કરે છે. આમાં ભારે હિંમત જોઈએ પણ સંશોધકોએ જોયું કે એ માત્ર આક્રમણ નથી; નરપુંગવો આવા આક્રમણના અવસરનો ઉપયોગ પ્રેમિકાઓને આકર્ષવા માટે પણ કરતા હોય છે! સ્વિટ્ઝર્લૅંડની ઝ્યૂરિખ યુનિવર્સિટી અને બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટીની સંયુક્ત સંશોધક ટીમે આવી ઘટનાઓનું અવલોકન કર્યું. એમણે બ્રાઝિલના દક્ષિણ-પૂર્વના વગડામાં બે જાતનાં ઘુવડની પ્રતિકૃતિઓ ગોઠવી. (આ ઘુવડો દક્ષિણ અમેરિકામાં થાય છે. એમનાં નામ Burrowing Owl અને Pygmy Owl છે, પણ એનાં ગુજરાતી નામો નથી મળતાં. ખરેખર તો Humming Birdનું ગુજરાતી નામ પણ નથી મળ્યું).

‘બરોઇંગ આઉલ’ને પક્ષીઓને મારવામાં રસ નથી પણ ‘પિગ્મી આઉલ’ને પક્ષીઓ ભાવે છે. સંશોધકોએ તે પછી પ્રતિકૃતિઓની આઅસપાસ એકઠી થયેલી ભીડ, કયો નર વધારે જોશથી હુમલા કરે છે અને જો માદા પણ એ ટોળામાં હોય તો કોઈ નરના હુમલાની તીવ્રતા કેટલી રહે છે તેનું નિરીક્ષણ કર્યું.

પક્ષીઓની ૭૯ પ્રજાતિઓએ હુમલા કર્યા પણ રિપોર્ટમાં માત્ર ૧૯નો સમાવેશ કરેલો છે કારણ કે એમાં નર અને માદાનો ભેદ નજરે ચડે એવો હોય છે. બરોઇંગ આઉલની પપ્રતિકૃતિ પર હુમલા બહુ જોરદાર થયા, તેને સરખામણીમાં પિગ્મી આઉલ પર પક્ષીઓ સાવચેતીથી હુમલા કરતાં હતાં આનો અર્થ એ કે કોના ઉપર હુમલો કરવામાં જોખમ ઓછું છે તેનો પક્ષીઓને ખ્યાલ હતો. પરંતુ માદાઓ પણ સાથે હોય ત્યારે હુમલા બહુ તેજ થઈ જતા હતા. આમ એ દેખાયું કે નરપુંગવો માત્ર જીવન બચાવવા માટે નહીં, કુટુંબ વસાવવા માટે આદર્શ સાથીને પણ શોધતા હતા!

સંદર્ભઃઅહીં

૦-૦-૦

Mathematicians-6-Carl Friedrich Gauss

યોહાન કાર્લ ફ્રેડરિક ગાઉસ(Johann Carl Friedrich Gauss) ગણિતની દુનિયામાં કદીયે ભૂલી ન  Johann Carl Friedrich Gaussશકાય એવું નામ છે. ઈ.ટી. બેલ ( E. T. Bell) કહે છે કે આર્કિમિડીઝ, ન્યૂટન અને ગાઉસ. આ ત્રણ ગણિતના સીમાસ્તંભો છે. આર્કિમિડીઝને ગણિતમાં સૈદ્ધાંતિક રસ હતો, ન્યૂટનને ગણિતનો ઉપયોગ વ્યવહારમાં કેમ કરવો તેમાં વધારે રસ હતો પણ ગાઉસ એવા હતા કે સૈદ્ધાંતિક હોય કે વ્યાવહારિક – ગણિત એમનું જીવન હતું. ગૉસને Prince of Mathematicians માનવામાં આવે છે.

અત્યંત ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો. એમના દાદા બ્રુન્સવિક (જર્મની)માં માળી હતા અને માંડ માંડ પેટિયું રળતા હતા. એમના પિતાએ પણ માળી તરીકે જ કામ કર્યું. ૧૭૭૭માં કાર્લના પિતા બનવા સિવાય એમના જીવનમાં કશું જ યાદ રાખવા જેવું નહોતું. પિતાનું ચાલ્યું હોત તો નાનો કાર્લ પણ કુમળી વયે જ બાગાયતમાં લાગી ગયો હોત પણ ભણવા માટે આતુરા બાળકે પિતાના કઠોર હાથના મારની પણ પરવા ન કરી. ગાઉસના મોસાળમાં પણ ગરીબાઈ તો હતી, તેમ છતાં સ્થિતિ કંઈક સારી હતી. મામા ફ્રેડરિક વણકર હતા, પણ એમણે વણકરી માત્ર ગુજરાન માટે નહીં, કલા તરીકે પણ વિકસાવી. મામાને લાગ્યું કે ભાણેજમાં ચમક છે અને એને ભણાવવો જોઈએ. એણે બહેનને સમજાવી. ગાઉસની માતા ડોરોથિયાએ પણ શિક્ષણ પ્રત્યે પતિના અણગમાની પરવા ન કરી. કારણ કે કાર્લ બે વરસની ઉંમરે જ પોતાની બુદ્ધિશક્તિનો પરિચય આપી ચૂક્યો હતો અને એને માતા અને મામાને વિશ્વાસ હતો કે કાર્લ ભણશે તો નામ કમાશે.

જન્મદત્ત પ્રતિભા

ખરેખર થયું પણ એવું જ. એને નિશાળે બેસાડ્યો તેમાં પહેલાં બે વર્ષ તો સામાન્ય જ રહ્યાં પણ કાર્લની ઉંમર દસ વર્ષની હતી ત્યારે નિશાળમાં એક એવી ઘટના બની કે આપણે કહી શકીએ કે ગણિતના ક્ષિતિજમાં નવા સૂર્યનાં દર્શન થયાં. બધા છોકરાઓ પહેલી જ વાર અંકગણિત શીખતા હતા. શિક્ષક બટનરને શોખ હતો કે વિદ્યાર્થીઓને લાંબા સવાલો આપવા, એમને તો કોઈ ફૉર્મ્યૂલા આવડતી ન હોય, એ ગોથાં ખાતા હોય ત્યારે બટનર ફૉર્મ્યૂલાથી જરા વારમાં ઉકેલી દે. બટનરે કંઈક આ જાતનો સવાલ આપ્યોઃ ૮૧૨૯૭ + ૮૧૪૯૫ + ૮૧૬૯૩ + …….+ ૧૦૦૮૯૯. આમાં દરેક પદમાં ૧૯૮ ઉમેરો તો એના પછીનું પદ આવે છે. આવાં ૧૦૦ પદોનો સરવાળો કરવાનો હતો. જે છોકરો દાખલો કરી લે તે ટેબલ પર પોતાની સ્લેટ ઊલટી મૂકી દે. આટલો લાંબો દાખલો લખાવવાનું બટનરે પૂરું કર્યું કે બીજી જ ક્ષણે કાર્લ ઊઠ્યો અને ટેબલ પર પોતાની સ્લેટ મૂકી આવ્યો. બટનરસાહેબ મનમાં હસતા હશે કે છોકરાએ કોરી સ્લેટ મૂકી હશે. બધા છોકરાઓના જવાબ જોયા પછી છેલ્લે કાર્લની સ્લેટ આવી. એમાં એક જ આંકડો લખ્યો હતો. જવાબ સાવ સાચો હતો. બટનર પ્રભાવિત. એટલું કબૂલ કરવું પડશે કે બટનરને સમજાઈ ગયું કે આ છોકરામાં અનોખી પ્રતિભા છે. એમની બધી કઠોરતા ઓગળી ગઈ અને એમણે ગાઉસ પર વધારે ધ્યાન આપવા માંડ્યું. એણે પોતાના પૈસાથી ગાઉસ માટે ચોપડીઓ ખરીદી. દસ વરસનો ગાઉસ ચોપડીઓ હાથમાં આવતાં જ વાંચી ગયો. એની ગ્રહણશક્તિ અને તર્કશક્તિ જોઈને બટનરે કહી દીધું, છોકરાને હું કંઈ આગળ ભણાવી શકું એમ નથી.”

બટનરનો એક મદદનીશ શિક્ષક પણ હતો. એ પણ સત્તર વર્ષનો છોકરડો. એને પણ ગણિતમાં રસ. નાના ગાઉસ તરફ એ આકર્ષાયો અને બન્ને સાથે મળીને કોયડા બનાવવા અને ઉકેલવા લાગ્યા. આ મદદનીશ યોહાન માર્ટિન બાર્ટેલ્સ અને ગાઉસ જીવનભરના સાથી બની રહ્યા. બન્નેના શરૂઆતના પ્રયાસોમાંથી જ ગાઉસની ગણિતશાસ્ત્રી તરીકેની કારકિર્દીના મુખ્ય અંકુરો ફૂટ્યા.

બાર્ટેલ્સ બ્રુન્સવિકના કેટલાક આગળપડતા લોકોના સંપર્કમાં હતો. એને એમ હતું કે આવા મોટા અને પૈસાદાર માણસો પણ ગાઉસની પ્રતિભાને પિછાણે. ૧૭૯૧માં એ બ્રુન્સવિકના ડ્યૂક કાર્લ વિલ્હેલ્મ ફ્રેડરિક પાસે ગાઉસને લઈ ગયો. ડ્યૂકે એનો અભ્યાસ ચાલુ રહે તે માટે નાણાકીય મદદ આપવાની તૈયારી દેખાડી. બીજા વર્ષે ગાઉસે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી.

ગાઉસ અને ભાષાઓ

એ ૧૫ વર્ષની વયે કૅરોલાઇન કૉલેજમાં દાખલ થયા ત્યારે જ એમને ભાષાશાસ્ત્રમાં રસ પડવા માંડ્યો હતો. એમણે મોટા ભાગનાં પુસ્તકો લેટિનમાં જ લખ્યાં છે અને એની ભાષા બહુ સુંદર છે. પરંતુ ત્યાર પછી યુરોપમાં રાષ્ટ્રવાદનું જોર વધ્યું અને એમણે પણ જર્મનમાં લખવાનું શરૂ કર્યું. ૧૭૯૫માં કૅરોલાઇન કૉલેજ છોડવાનો સમય આવ્યો ત્યારે ગાઉસના મનમાં ગડમથલ ચાલતી હતી કે ગણિતમાં આગળ વધવું કે ભાષાઓમાં! અને જોવાની વાત એ છે કે કૉલેજ છોડતાં પહેલાં જ ગાઉસે ‘ન્યૂનતમ વર્ગો’ (least squares) શોધી લીધા હતા, તેમ છતાં એમનું ભાષાઓ માટેનું આકર્ષણ ઓછું ન થયું. ગાઉસ આખી જિંદગી ભાષાઓ શીખતા રહ્યા. મોટી ઉંમરે મગજ કસવાની કસરત તરીકે એ ભાષાઓ શીખતા અને કહેતા કે ભાષા શીખવાથી એમનું મગજ યુવાન રહે છે. ૬૨ વર્ષની વયે એમને રશિયન શીખવાનું મન થયું. એમણે બે વર્ષમાં કોઈની પણ મદદ લીધા વિના રશિયન શીખી લીધી, એટલું જ નહીં એમના રશિયન વૈજ્ઞાનિક મિત્રો સાથે રશિયનમાં જ પત્રવ્યવહાર કરતા થઈ ગયા. એમને ગોટિન્જેનમાં મળવા આવનારા રશિયન મિત્રો કહેતા કે ગાઉસ બરાબર શુદ્ધ રશિયન બોલે છે. એમણે સંસ્કૃત શીખવાનો પણ પ્રયત્ન કર્યો પણ એ એમને ગમી નહીં.

ગણિતમાં ગાઉસનું પ્રદાન

ગણિતમાં ગાઉસનું પ્રદાન અજોડ છે. પરંતુ એ સમજવા માટે પહેલાં તો આપણા આઠમા ધોરણના ક્લાસરૂમને યાદ કરો. તમારા પણ કોઈ મનાભાસાહેબ, દાણીસાહેબ કે જોબનપુત્રા સાહેબ હતા જ ને? એ તમને દ્વિપદી સમીકરણો શીખવે છે એમ ધારી લો. એમણે બોર્ડ પર લખ્યું –

(a+b) (a+b) =(a+b)2                         = a2 + 2ab + b2

(a+b) (a+b) (a+b)             = (a+b) = a + 3a2b +3ab2 + b3

(a+b) (a+b) (a+b) (a+b) = (a+b)4 = a4+ 4a3b+ 6a2b2 + 4ab3 + b4

સૌ પહેલાં તો xનું મૂલ્ય -1 અને +1 વચ્ચે જોઈએ. આમ કરવાથી જે સર્વસામાન્ય સૂત્ર મળે તે છે…

બીજી રીતે જોઈએ તો, જો n=-1 હોય અને x=-2 હોય તો આપણને -1= 1+2+4+8… એવી અનંત શ્રેણી મળે, જે બહુ જ વિચિત્ર છે. આથી જ શરતો લાગુ પાડવી પડે. ગાઉસને આ વાત ૧૨ વર્ષની ઉંમરે સમજાઈ ગઈ. દ્વિપદી સમીકરણો તો ચૌદમી સદીથી વપરાતાં હતાં અને ન્યૂટન, લાઇબ્નીસ, લૅગ્રાન્જ, મૅક્લૉરિન, ટેલર વગેરે બધા એનો ઉપયોગ કરતા હતા. પરંતુ લાગુ પડતી શરતોની સાબિતી આપવાનું જરૂરી નહોતું માન્યું. ગાઉસે ગણિતમાં અનંત દેખાતી શ્રેણીને કેમ કન્વર્જ કરવી, એટલે કે એને કેમ બંધ કરવી, તે ન માત્ર દેખાડ્યું, પણ તેને માટે ગાણિતિક સાબિતી આપી. આ સઘન વિશ્લેષણ સૌ પ્રથમ વાર કરીને એમણે ગણિતનું રૂપ ફેરવી નાખ્યું.

શીખતા હતા ત્યારે ખ્યાલ આવ્યો જ હશે કે આમાં એક સુંદર પૅટર્ન છે. ડાબી બાજુ જે ઘાત જોવા મળે છે એનાથી એક પદ જમણી બાજુ વધારે છે. પહેલા ઉદાહરણમાં ઘાત 2 છે તો જમણી બાજુ ત્રણ પદ છે. બીજા ઉદાહરણમાં ઘાત 3 છે તો પદની સંખ્યા ચાર છે. ત્રીજા ઉદાહરણમાં ઘાત 4 છે તો જમણી બાજુ પદ પાંચ છે. વળી દરેકમાં એક ચલ (અહીં a)ની ઘાત ઘટતી જાય છે અને બીજા ચલ (અહીં b) ની ઘાત વધતી જાય છે. પહેલા ઉદાહરણમાં ગુણક અને ઘાત સરખાં છે. બીજા ઉદાહરણમાં વચ્ચે બે જગ્યાએ ગુણક છે અને તે ઘાત જેવા જ છે. ત્રીજા ઉદાહરણમાં ગુણકવાળાં પદોમાં બીજા અને છેલ્લા પદના ગુણક સરખા છે અને એ ઘાતની બરાબર છે પણ વચલા પદના ગુણકને ઘાત સાથે x1.5નો સંબંધ છે. આમ ઘાત વધારતા જઈએ તેમ પદોની સંખ્યા હંમેશાં એના કરતાં એક વધારે રહેશે અને ઘાત આમ જ એક જગ્યાએથી ઘટતી રહેશે, તો એની સાથે સમતોલપણું જાળવી રાખવા માટે બીજી જગ્યાએ એટલા જ પ્રમાણમાં વધતી રહેશે. (a+b)5, (a+b)6 પર અખતરો કરી જૂઓ. પૅટર્ન આ જ મળશે.

જરા આગળ વધીએ. ફરીથી (a+b)2 લઈએ. હવે aને બદલે 1 મૂકીએ અને bને બદલે x મૂકીએ. આથી આપણું (a+b)2 = a2 + 2ab + b2 નવું (1+x)2= 1+ 2x+ x2 બની જશે. પરંતુ અહીં તો ઘાતાંક જાણીએ છીએ. હવે એક સર્વસામાન્ય સૂત્ર બનાવવું હોય તો કેમ બનાવાય? આના માટે આપણે સર્વસામાન્ય ઘાતાંકનું પ્રતીક લેવું પડે. દાખલા તરીકે n. એટલે હવે આપણે લખશું, (1+x)n =……આની જમણી બાજુ લખવાનું કામ તો બહુ લાંબું ચાલે એમ છે!

પણ આમાં ઘાત તરીકે ધન પૂર્ણાંક (Positive Integer) લીધો છે, એટલે કે 1, 2, 3, 4, 100 વગેરે. પણ ઘાતાંક ધન પૂર્ણાંક ન હોય, અને ઋણ પૂર્ણાંક (Negative Integer) હોય અથવા અપૂર્ણાંક (Fraction) હોય તો?

માત્ર ૧૨ વર્ષની ઉંમરે ગાઉસને આ ખ્યાલ આવી ગયો કે જમણી બાજુ અનંત શ્રેણી બનશે પણ એમાં જે સરવાળો હશે તે કદી ડાબી બાજુની બરાબર નહીં થાય. આથી, આ અંતહીન શ્રેણીને અંતયુક્ત બનાવવી પડે અને એના માટે અમુક શરતો પાળવી જોઈએ.

સૌ પહેલાં તો xનું મૂલ્ય -1 અને +1 વચ્ચે જોઈએ. આમ કરવાથી જે સર્વસામાન્ય સૂત્ર મળે તે છે.. બીજી રીતે જોઈએ તો, જો n=-1 હોય અને x=-2 હોય તો આપણને -1= 1+2+4+8… એવી અનંત શ્રેણી મળે, જે બહુ જ વિચિત્ર છે. આથી જ શરતો લાગુ પાડવી પડે. ગાઉસને આ વાત ૧૨ વર્ષની ઉંમરે સમજાઈ ગઈ. દ્વિપદી સમીકરણો તો ચૌદમી સદીથી વપરાતાં હતાં અને ન્યૂટન, લાઇબ્નીસ, લૅગ્રાન્જ, મૅક્લૉરિન, ટેલર વગેરે બધા એનો ઉપયોગ કરતા હતા. પરંતુ લાગુ પડતી શરતો ની સાબિતી આપવાનું જરૂરી નહોતું માન્યું. ગાઉસે ગણિતમાં અનંત દેખાતી શ્રેણીને કેમ કન્વર્જ કરવી, એટલે કે એને કેમ બંધ કરવી, તે ન માત્ર દેખાડ્યું, પણ તેને માટે ગાણિતિક સાબિતી આપી . આ સઘન વિશ્લેષણ સૌ પ્રથમ વાર કરીને એમણે ગણિતનું રૂપ ફેરવી નાખ્યું.

યૂક્લિડની ભૂમિતિમાં શંકા

માત્ર બીજગણિત નહીં, ગાઉસને ૧૨ વર્ષની ઉંમરે જ યૂક્લિડીય ભૂમિતિમાં પણ ખામીઓ દેખાવા લાગી હતી. ૧૬ વર્ષની ઉંમરે તો એમને અ-યૂક્લિડીય ભૂમિતિ કેવી હોઈ શકે તેનો અણસાર આવી parellal-postulateગયો હતો. યૂક્લિડની ભૂમિતિના પાંચ આધારમાંથી એક Parellal Postulate કહેવાય છે. એના પ્રમાણે બે સમાંતર રેખાઓને ત્રીજી રેખા કાપતી હોય ત્યાં ખૂણા બને તે સરવાળે ૧૮૦ ડિગ્રી કરતાં ઓછા હોય તો એ રેખાઓ આગળ જઈને મળી જશે; સરવાળો ૧૮૦ ડિગ્રી કરતાં વધારે હોય તો રેખાઓ એકબીજીથી દૂર ચાલી જાય. પણ બન્ને ખૂણા ૯૦ ડિગ્રીના હોય તો એ રેખાઓ સમાંતર રહે છે.

યૂક્લિડની ભૂમિતિ બે પરિમાણવાળી સપાટી માટે છે અને બે હજાર વર્ષ સુધી એ જ ભૂમિતિ હતી. પરંતુ ગાઉસે વક્રાકાર સપાટીની ભૂમિતિ સમજાવી. આપણે પૃથ્વીના ગોળા પર બે સમાંતર રેખાઓ (રેખાંશ) દોરીએ તો એ વિષુવવૃત્ત પાસે સમાંતર હોય અને ૯૦ ડિગ્રીનો ખૂણો બનાવે, પણ ધુવ પાસે પહોંચતાં એ મળી જતી હોય છે. યૂક્લિડની ભૂમિતિમાં આનો જવાબ નથી મળતો.

વિવાદ

પરંતુ એમણે પોતાની અયૂક્લિડીય ભૂમિતિ પ્રકાશિત ન કરી. એક કારણ તો એ કે ગાઉસ એકસાથે ઘણા પ્રોજેક્ટો પર કામ કરતા, અને કોઈ એક પ્રોજેક્ટને ફરીથી મઠારવાનો એમને સમય નહોતો મળતો. જો કે, એમના બાળગોઠિયા ફરકસ બોયાઈને તો એમણે કહ્યું જ હતું. બોયાઈનો પુત્ર પણ ગણિતમાં સંશોધનો કરતો હતો. એણે એ પરિણામ જાહેર કરી દીધું. બોયાઈને એમ હતું કે એમના પુત્રની સિદ્ધિથી મિત્ર ખુશ થઈ જશે. પણ ગાઉસ સમજી ગયા.એમણે ટીકા તો ન કરી પણ એટલું જ કહ્યું કે એનાં વખાણ કરવાનો અર્થ એ થશે કે હું મારાં પોતાનાં વખાણ કરું છું. એમના કહેવાનો અર્થ તો બોયાઈને સમજાયો નહીં પણ ગાઉસના મૃત્યુ પછી એમની ડાયરીઓએ રહસ્ય પ્રગટ કર્યું કે અયૂક્લિડીય ભૂમિતિના ખરા શોધક તો ગાઉસ હતા.

નંબર થિયરી

તે પછીના એક વર્ષમાં સત્તર વર્ષની ઉંમરે એમણે નંબર થિયરીમાં એમના પુરોગામીઓને જે પરિણામોથી સંતોષ થયો હતો તેમનું પોસ્ટ મોર્ટમ શરૂ કરી દીધું હતું. Quadratic Reciprocity ની વિભાવના ગાઉસની દેન છે, એમણે ૧૯ વર્ષની ઉંંમર પૂરી કરતાં પહેલાં આ વિભાવના ઘડી લીધી હતી પરંતુ પોતાને જ સંતુષ્ટ કરવા માટે જુદી જુદી ૬ રીતે એમણે એના ઉકેલ શોધીને ક્વાડ્રૅટિક રેસિપ્રોસિટીને હાયર મૅથેમૅટિક્સમાં સ્થાપિત કરી દીધી.

ખગોળવિજ્ઞાન અને ગાઉસ

૧૯મી સદીની શરૂઆતના દિવસો ગાઉસના જીવનમાં મહત્ત્વના રહ્યા. ૧૭૮૧માં સર વિલિયમ હર્શલે યુરેનસનો ગ્રહ શોધી કાઢ્યો હતો. એ સાતમો ગ્રહ હતો. પરંતુ અંતરિક્ષનું નિરીક્ષણ યુરેનસ સાથે બંધ નહોતું થવાનું. મંગળ અને ગુરુ વચ્ચે પણ એક ગ્રહ હોવાની શક્યતા દેખાતી હતી. ૧૯મી સદીના પહેલા દિવસે જ્યૂસેપ્પે પ્યાત્સી ( Giuseppe Piyazee)એ મંગળ અને ગુરુ વચ્ચે હિલચાલ જોઈ. એને લાગ્યું કે એ ધૂમકેતુ હોવો જોઈએ. પણ તે પછી એ ગ્રહ હોવાનું નક્કી થયું અને એને સીરીઝ’ (Ceres) નામ આપવામાં આવ્યું. હેગલ જેવા ફિલોસોફરો માનતા હતા કે સાત કરતાં વધારે ગ્રહ હોઈ જ ન શકે. ફિલોસોફરો જે વિષયમાં સમજતા ન હોય તેમાં પણ માથું મારતા હોય અને નાક કપાવતા હોય તેવો આ બનાવ હતો. ફિલોસોફરોને મન સિદ્ધાંત સ્થાપિત થાય તેને અનુરૂપ ઘટનાઓ પણ બનવી જ જોઈએ. આમ સીરીઝની ખોજે ખગોળવિજ્ઞાનને તો બળ આપ્યું જ, ફિલોસોફીને પણ એની જગ્યા દેખાડી દીધી. i

CeresLaxmi

(સીરીઝ રોમની કૃષિદેવી છે. ભારતીય દેવીશ્રીએટલે કે લક્ષ્મીની સમરૂપ છે).

પરંતુ એ ગ્રહ એકલો નહોતો. એનું ઝૂમખું (સીરીઝ, પૅલાસ, વેસ્તા અને જૂનો) જોવા મળ્યું. એની ભ્રમણકક્ષા નક્કી કરવાનું બહુ મુશ્કેલ હતું. કારણ કે એ એવી જગ્યાએ જોવા મળ્યો હતો કે એનું નિરીક્ષણ થઈ શકતું નહોતું. ગાઉસે પોતાના મિત્ર પ્યાત્સી માટે એની ભ્રમણકક્ષાની ગણતરી કરી આપી અને બીજા વર્ષે , ગાઉસે કહ્યું હતું તે જ જગ્યાએ, સીરીઝ દેખાયો! પરંતુ આજે એને ગ્રહનું સન્માન નથી મળતું. એને વામણો ગ્રહ (Dwarf Planet) માનવામાં આવે છે, કારણ કે એ ગ્રહ નથી, ઉલ્કાઓનું ઝૂમખું છે, પણ એમાં સીરીઝ એવડો મોટો છે કે પોતાના કેન્દ્રગામી બળને કારણે ગ્રહની જેમ ગોળ બની ગયો છે. ઈ.ટી, બેલ કહે છે કે ગાઉસે સીરીઝની ભ્રમણકક્ષા શોધવામાં પોતાનો કિંમતી સમય બગાડ્યો. એમની પાસે પ્રકાશન યોગ્ય ઘણું હતું, જેના પર એ કામ કરી શક્યા હોત તેને બદલે ન્યૂટને ગણિતજ્ઞોને ખગોળપિંડોની ગતિ જાણવાનો ચસ્કો લગાડી દીધો હતો તેમાંથી ગાઉસ પણ મુક્ત ન રહી શક્યા.

તારનું મશીન!

electromagnetic telegraph machineગાઉસ સૈદ્ધાંતિક ગણિતમાં તો પોતાનું આજ સુધી ટકી રહેલું સામ્રાજ્ય સ્થાપી શક્યા, પરંતુ એનો અર્થ એ નહીં કે એમને મશીનો અને ટેકનોલૉજીમાં રસ નહોતો. એમણે અને એમના મિત્ર વિલ્હેલ્મ વેબરે સૅમ્યુઅલ મોર્સથી પણ પહેલાં ૧૮૩૩માં પહેલું ઇલેક્ટ્રોમૅગ્નેટિક ટેલિગ્રાફ મશીન બનાવ્યું હતું. આ મશીન એક બાજુથી ગાઉસની લૅબોરેટરીમાં અને ત્રણેક કિલોમીટર દૂર ગોટિન્જેન યુનિવર્સિટીમાંtelegraph dialogue વેબરની લૅબોરેટરીમાં ગોઠવેલું હતું. એના મારફતે ગાઉસ અને વેબર સંદેશાઓની આપ-લે કરતા. બન્ને એક મિનિટના ૬ શબ્દોની ઝડપથી સંદેશા મોકલી શકતા. મશીનમાં બન્ને સ્થળને જોડતો તાર હતો અને એક ગૅલ્વેનોમીટર હતું જેને વીજળીક પ્રવાહ મળતાં એની સોય હાલતી. આ વીજપ્રવાહની દિશા બદલાવવા માટે કમ્યૂટેટર પણ હતું. અહીં એની તસવીર આપી છે, તેની સાથે બન્નેએ બનાવેલા સંકેતો પણ છે.

૧૮૫૫માં ગણિતશાસ્ત્રીઓના પ્રિન્સ, અને આજના ગણિતના સમ્રાટનું અવસાન થયું.

0-0-0

iશ્રી મુરજીભાઈ ગડાએ સૂચવેલ સુધારા મુજબ આ ફકરો સુધારીને મૂક્યો છે.

Preparing for Dandi march- March 1930

ઇંટરનેટ પર ફરતાં આઇન્સ્ટાઇન સુધી પહોંચ્યો એટલે એમણે ગાંધીજી વિશે શું કહ્યું છે તે જાણવાની ઇચ્છા થઈ.

EinsteinEinstein on Gandhijiપ્રયત્ન કર્યો તો મને આઇન્સ્ટાઇનના જ અવાજમાં આ અણમોલ રતન મળ્યું. નીચે લિંક આપી છે તેના પર ક્લિક કરશો તો આઇન્સ્ટાઇનનું ગાંધીજી વિશેનું કથન એમના જ અવાજમાં સાંભળી શકશો.

આઇન્સ્ટાઇનનો અવાજ સાંભળવાની મઝા આવી. પણ પછી હું આઇન્સ્ટાઇનમાંથી ગાંધીમાં સરકી ગયો. એમાંથી એ શોધવા લાગ્યો કે આઇન્સ્ટાઇને “…in his spirit” શબ્દો વાપર્યા છે તો એનો અર્થ શોધવો જોઈએ. ફરીને ગાંધીજીનાં કાર્યો પર નજર જતાં દાંડીકૂચની યાદ આવી. એમાં in his spirit ક્યાંય દેખાય છે?

હવે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ગ્રંથાવલીના ૪૩મા ગ્રંથની મદદ લીધી. ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ કરી અને ૬ઠ્ઠી ઍપ્રિલે એમણે દાંડી પહોંચીને મીઠાનો કાયદો તોડ્યો. આ ઐતિહાસિક ઘટના પહેલાં આશ્રમમાં કે ગાંધીજીનાં લખાણોમાં કંઈ ચમકારો મળે છે કે કેમ?

ગ્રંથાવલીનો આ ભાગ બીજી માર્ચના પત્રથી શરૂ થાય છે. ૧૨મી માર્ચ સુધી ગાંધીજીના પત્રો અને બીજાં લખાણોની સંખ્યા ૫૮ છે. આમાંથી ચાર લખાણ તો ૧૨મીનાં જ છે, આનો અર્થ એ કે ઇતિહાસ સર્જવા નીકળ્યો હતો તે જણ પોતે અંદરખાને બહુ શાંત હતો!!

Salt Satyagrahબીજી તારીખે એમણે લૉર્ડ ઇર્વિનને પત્ર લખીને દાંડી યાત્રા કરીને મીઠાનો કાયદો તોડવાનો પોતાનો ઇરાદો જણાવ્યો. ગાંધીજીએ લખ્યું – “હિન્દુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો અમલ એક બલા છે એમ હું માનું છું ખરો, પણ, તેથી અંગ્રેજો માત્ર દુનિયાના બીજા લોકો કરતાં વધારે દુષ્ટ છે એવું મેં કદી માન્યું નથી…” પછી એમના મૂળ લક્ષ્યની વાત કરતાં લખે છે કે ગોળમેજી પરિષદમાં સમસ્યાનું સમાધાન મળશે એવી એમને આશા હતી પણ વાઇસરૉયે ‘ડોમિનિયન સ્ટેટસ’ ની ખાતરી ન આપી. તે પછી એમણે “હિંદની પાયમાલીની કરુણ કથા”નો ઉલ્લેખ કરીને રૈયત માટે ભારે બોજ રૂપ મહેસૂલ રદ કરવા, ભારતની પ્રજાને નામે બ્રિટીશ સરકારે લીધેલા દેવાની ચર્ચા કરે છે અને પછી “તમે ન સાંભળો તો” એવા મથાળા નીચે લખે છેઃ “….આ મહિનાની ૧૧મી તારીખે હું આશ્રમના શક્ય હશે તેટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાઓનો અનાદર કરવાનું પગલું ભરીશ. ગરીબ વર્ગના દૃષ્ટિબિંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાયી લાગ્યો છે…મને કેદ કરીની મારી યોજના નિષ્ફળ કરવાનું આપના હાથમાં છે એ હું જાણું છું. હું આશા રાખું છું કે મારી પાછળ લાખો માણસ વ્યવસ્થિત રીતે કામ ઉપાડી લેશે અને જે મીઠાના કાયદા થવા જ જોઈતા નહોતા એનો ભંગ કરી કાયદાની રૂએ થનારી સજાને ભોગવવા તૈયાર થશે.”

પરંતુ આ ઐતિહાસિક પત્રની સાથે બીજો એક પત્ર પણ છે. કોઈ યુવાન સત્યાગ્રહ માટે તૈયાર થયો છે તેને છૂટ આપવા એમણે એના પિતાને અપીલ કરી છે. પરંતુ છોકરાના પિતાને ગાંધીજી ઓળખી ગયા છે અને બીજી સલાહ પણ આપે છેઃ “અને આ પિતા પોતાને ઓળખી ગયા હોય તો તેમને મારી વિનંતી છે કે પોતે ખાદીને શોભાવે, દીકરાને આશીર્વાદ આપે…અને પોતે ચા તથા ‘થરમૉસ’ને છોડે…પાણી કે બીજી ગમે તે વસ્તુ ને ગરમ રાખવાનો સસ્તો ને દેશી ઇલાજ બતાવું. એક બરોબર બંધ કરી શકાય એવા વાસણમાં રાખેલા ગરમ પાણી ઇત્યાદિને ચોમેર ગરમ ધાબળામાં અથવા સારી પેઠે રૂમાં લપેટી તેને એક દાબડામાં કે પેટીમાં રાખી મૂકવાથી તે જેટલું ગરમ મૂકો તેટલું ગરમ ચોવીસ કલાક લગી રહે છે.”

બોલો, ક્યાં લૉર્ડ ઇર્વિન, મીઠાનો કાયદો અને ક્યાં થરમૉસ અને એના વિના પાણી ગરમ રાખવાનો દેશી ઉપાય! પણ ગાંધીજીને મન બેય સરખાં છે.

એ જ દિવસે, મગનલાલ ગાંધીની પુત્રી રુક્મિણી (રૂખી) અને બનારસીલાલ બજાજનાં લગ્ન થાય છે. આશ્રમની ખાસ લગ્નપદ્ધતિ પણ ગાંધીજીએ વિકસાવી હતી. એને ધ્યાનમાં લઈને જ ગાંધીજી આશીર્વચનો કહે છેઃ “પ્રતિજ્ઞામાં વધુ કહે છે કે તમે મિત્ર છો, દેવતા છો. આ વખતે એમાં ફેરફારો કરવાની ઇચ્છા થઈ હતી…ભવિષ્યમાં ગુરુ અને દેવતા કાઢી નાખવા ઇચ્છું છું. કારણ કે પતિ પોતાને ગુરુ ને દેવતા માને એ બરાબર નથી….”

આમ એક બાજુથી મીઠાનો કાયદો તોડવાની વાત તો બીજી બાજુથી સાવ જ અંગત પ્રકારના આશીર્વાદ – તે પણ સ્ત્રી-પુરુષ સમાનતાના સંદેશ સાથે!

૩જી તારીખે “પ્રાતઃકાળમાં’ મનમોહનદાસ પી. ગાંધીને લખેલા પત્રમાં ઇતિહાસ આવે છે. મનમોહનદાસ ગાંધીએ એમનાં બે પુસ્તક મોકલ્યાં છે. એક મીઠા વિશે, બીજું કપાસ વિશે. બીજા પુસ્તકમાં એમણે કંતામણ અને વણાટને સ્વતંત્ર ધંધા દેખાડ્યા છે પણ ગાંધીજી વણાટને તો સ્વતંત્ર માને છે, કંતામણને મદદનીશ ધંધો માને છે. પણ લેખકે કહ્યું છે કે મુસલમાની બાદશાહત વખતે કાપાકાપીને કારણે ધંધા ન ચાલ્યા. ગાંધીજી કહે છે કે આ ખોટી હકીકત છે કારણ કે અકબર પહેલાં કોઈ બાદશાહ ગામડાં સુધી પહોંચ્યો નહોતો. એટલે કાપાકાપી શહેરો પૂરતી જ હતી. વળી અંધેર રાજ્યમાં પણ કારીગરો કામ કરતા રહે છે. પહેલાં માત્ર મુસદ્દી વર્ગ પૂરતી જ એમની અસર હતી.

વલ્લભભાઈની ધરપકડ

આઠમી માર્ચે અમદાવાદમાં ગાંધીજીએ એક સભાને સંબોધી. અહીં એમની દૃઢતા જોવા જેવી છે. જો કે એમણે શરૂઆતમાં જ કહ્યું કે એમનો અવાજ બધાં સુધી પહોંચી શકે તેમ નથી અને “મારા અવાજમાં જે શક્તિ પૂર્વે હતી તે આજે નથી, અને આટલા મોટા સમુદાયને કોઈ પણ માણસનો અવાજ પહોંચી ન શકે…” તે પછી સરદારની ધરપકડની વાત કરતાં એમણે કહ્યું – “સરદાર વલ્લભભાઈ જેવા સ્વતંત્ર અને સ્વાધીનતાપૂર્ણ પુરુષની સરકાર આવી રીતે જ કદર કરી શકે!” ગાંધીજીએ કહ્યું કે “મારે કોઈ પણ પ્રકારે પકડાઈ જવું છે. સરકાર મીઠાનો કબજો અયોગ્ય રીતે રાખી બેઠી છે તે મારે છીનવી લેવો છે. મીઠા ઉપરનો કર મારે રદ કરાવવો છે. હું તેને પૂર્ણ સ્વરાજ્યનું એક અથવા તો પહેલું પગથિયું ગણું છું…” તે પછી અમદાવાદના નાગરિકો વતી “સરદાર વલ્લભભાઈ પટેલ જે વાટે ગયા છે તે વાટે” જવાનો સંકલ્પ પત્ર વાંચી સંભળાવાયો, તેના પ્રતિસાદ તરીકે હજારો હાથ ઊંચા થયા.

મજૂર મહાજન અને મિલમાલિકોની માંગ

ટિળક સ્વરાજ ફંડનાં નાણાંનું વ્યાજ મજૂર મહાજનને મળતું હતું પણ હવે મિલમાલિકો એના વહીવટમાં ભાગ માગતા હતા. આમાં મંગળદાસ શેઠ મુખ્ય હતા. એમણે મજૂર મહાજનને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગાંધીજીનું વલણ સ્પષ્ટ રીતે મજૂરોની તરફેણમાં હતા. મંગળદાસ શેઠની દલીલ હતી કે મજૂરો જે શાળાઓ ચલાવે છે તે માટે મજૂરો પાસેથી લેવાતી રકમનો દર વધારવો જોઈએ. ગાંધીજી ચોખ્ખા શબ્દોમાં કહે છે કે, “મોટા માણસના દીકરા પણ (જે) ભણે છે તેના પૂરા પૈસા (એ લોકો) નથી આપતા. તમે એમ આશા કરો છો કે મજૂરોને બે પૈસા બચતા હોય તો તેમાંથી શાળા ચલાવો…” અંતે ગાંધીજીએ એમને મહાજનના વહીવટમાં જગ્યા આપવાની ઘસીને ના પાડી દીધી.

૯/૩ના પત્રમાં ગાંધીજી યાત્રાનો રૂટ દેખાડે છે અને “ગ્રામવાસી ભોજન આપશે એમ માની લીધું છે”. ભોજન શું હશે?

“ભોજનને સારુ સીધું મળે તો સંઘ હાથે પકાવી લેશે. પાકુંકાચું જે હશે તે સાદામાં સાદું હોવું જોઈએ. રોટલી-રોટલા અથવા ખીચડી, શાક અને દૂધ અથવા દહીં ઉપરાંત બીજી વસ્તુની જરૂર નથી. મીઠાઈ કંઈ કરી હશે તો પણ તેનો ત્યાગ થશે. શાક માત્ર બાફેલું હોવું જોઈએ. તેમાં તેલ, મરીમસાલો. મરચાં લીલાં કે રાતાં, ભૂકો કે આખાં કંઈ જ નહીં ખપે. મારી સલાહ આ પ્રમાણે ભોજન તૈયાર કરવાની છે.

સવારે રવાના થતાં પહેલાં રાબ અને ઢેબરાં. રાબ હંમેશાં સંઘને જ તૈયાર કરવા દેવી.

બપોરે ભાખરી અને શાક અને છાશ અથવા દૂધ.

સાંજે કૂચ કરતાં પહેલાં ચણામમરા.

રાતે ખીચડી અને શાક અને દૂધ અથવા છાશ.

ઘી જણદીઠ બધું મળીને ત્રણ તોલાથી ન જ વધવું જોઈએ. એક તોલો રાબમાં, એક ભાખરીમાં ઉપરથી આપવાનું ને એક રાતે ખીચડીમાં મારે સારુ સવારે, બપોરે અને સાંજે બકરીનું દૂધ મળી શકે તો તે અને સૂકી દ્રાક્ષ અથવા ખજૂર અને ખાટાં લીંબુ ત્રણ હોય તો બસ છે…”

In his spirit એમ આઇન્સ્ટાઇને કહ્યું તેનો અર્થ હવે સમજાય છે. ગાંધીજીને મન કોઈ વાત એટલી મોટી નહોતી કે બીજી વાતો દબાઈ જાય. એક મહાન સત્યાગ્રહની ઘડીઓ ગણાતી હતી અને વાઈસરૉય અને એના ઑફિસરો આગળ શું કરવું તેની ચિંતામાં હતા ત્યારે આ યુદ્ધ છેડનારો મહાનાયક જમવામાં ઘી કેટલું અને કેમ આપવું તેની ચિંતા કરે છે!

ભોજન ‘પાકુંકાચું” હશે તો ચાલશે, એમ કહેનારનું પોતાનું કામ હંમેશાં પાકું જ રહેતું હતું. શું આને જ કહે, In his spirit?

0-0-0

%d bloggers like this: