india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-41

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

 પ્રકરણ ૪૧ :: લાહોર કાવતરા કેસ (૨)

ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી

(ત્રણ દિવસ પહેલાં, ૨૩મી માર્ચે, ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની શહીદીને ૮૯ વર્ષ પૂરાં થયાં).

સેશન્સ કોર્ટે ઍસેમ્બ્લી બોંબકાંડમાં ભગત સિંઘ અને દત્તને આજીવન કેદની સજા કરી તે પછી કેસ હાઇકોર્ટમાં ગયો. ત્યાં પણ ભગત સિંઘે નિર્ભયતાથી નિવેદન કર્યું અને પોતાના કૃત્યની જવાબદારી લીધી. આ નિવેદનમાં એમણે કૃત્યની પાછળ રહેલા ઇરાદાને મહત્ત્વ આપવાની કોર્ટને અપીલ કરી અને કહ્યું કે એમણે બોંબ ફેંક્યો તેનો હેતુ કોઈને ઈજા પહોંચાડવાનો નહોતો. એમણે ધાર્યું હોત તો નીચે બેઠેલા સરકારી પ્રતિનિધિઓને ઈજા પહોંચાડી શક્યા હોત. પરંતુ એમનો ઇરાદો કોઈને નુકસાન કરવાનો નહોતો. કૃત્ય પોતે મહત્ત્વનું હોત તો જનરલ ડાયરને જલિયાંવાલા બાગમાં સેંકડો નિર્દોષોની હત્યા માટે ફાંસીની સજા થવી જોઈતી હતી, તેને બદલે બ્રિટનમાં સરકારે એને માન અકરામ આપ્યાં. આમ સરકાર પોતાને અનુકૂળ ઉદ્દેશ જણાય તો આવા ક્રૂર કૃત્યને પણ જરૂરી માનતી હોય છે.

ભગત સિંઘે કહ્યું કે અમારો મૂળ સિદ્ધાંત ઇંક્લાબ (ક્રાન્તિ) છે અને અમે નીચલી કોર્ટમાં એની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે પણ એ ભાગ અહીં હાઇકોર્ટમાં રજૂ નથી કરાયો. એમણે કહ્યું કે અમે ઇતિહાસના ગંભીર અભ્યાસી છીએ. અમે જાણીએ છીએ કે ફ્રાન્સ અને રશિયામાં સત્તાધારીઓએ લોકોમાં વધતા અસંતોષને શાંત કરવા માટે જરૂરી પગલાં સમયસર પગલાં લીધાં હોત તો લોહિયાળ ક્રાન્તિઓ ન થઈ હોત. હિન્દુસ્તાનમાં લોકોમાં અસંતોષ વધતો જાય છે અને સરકારે જરૂરી ઉપાય કરવા જોઈએ તે જોરથી કહેવાનું કામ જ એમણે કર્યું છે.

હાઇકોર્ટના જજ એસ. ફૉર્ડે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે સજા તો જે હતી તે જ રાખી પરંતુ એણે ભગત સિંઘ વિશે જે મંતવ્ય વ્યક્ત કર્યું તે ધ્યાન ખેંચે તેવું છે. જજે કહ્યું – એ કહેવાનું ખોટું નથી કે તેઓ સમાજની વર્તમાન વ્યવસ્થા બદલવાની પ્રામાણિક માન્યતાથી પ્રેરાયેલા છે અને સાચા ક્રાન્તિકારી છે. એ કહેવામાં પણ સંકોચ નથી કે એના માટે એ ખરા દિલથી તત્પર છે. કાનૂનની જગ્યાએ વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને સ્થાપિત કરવાની એમની ભાવના છે, જે દરેક અરાજકતાવાદીની હોય છે. આમ છતાં, એમના પર અને એમના સાથી પર જે આરોપ છે તેનો ખુલાસો આમાંથી નથી મળતો.

દરમિયાન સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો. આ ગુનામાં ઘણી ધરપકડો થઈ, જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા. ભગત સિંઘ તો જેલમાં જ હતા, એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી.

લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો. હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો. જે. કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી. સી. હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા.

પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ. ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા. ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો. પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની. ટ્રાઇબ્યુનલની નીમણૂક જાણે ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે લીધો હોય એવું વટહુકમમાં જણાવ્યું હતું. આની સામે ભગત સિંઘે વાંધો લીધો બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે. “તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે. તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો. આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ.”

૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ, પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા. બાકીના ૧૫ હતાઃ સુખદેવ, ભગત સિંઘ, કિશોરી લાલ, દેસરાજ, પ્રેમદત્ત, જયદેવ કપૂર, શિવ વર્મા, મહાવીર સિંહ, યતીન્દ્રનાથ, અજયકુમાર ઘોષ, યતીન્દ્ર સાન્યાલ, વિજયકુમાર સિન્હા, શિવરામ રાજગુરુ, કુંદનલાલ અને કમલનાથ તિવારી.

૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા, પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો. એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો. બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો. ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો. જાહેર જનતા, પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને પર લાઠી અને જોડાથી માર માર્યો. ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ? આવો જજ શું ન્યાય કરવાનો? બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો, પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું., આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની, જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જેકે. ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા.

આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે. ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા. પુત્રે પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી. ભગત સિંઘને આ પસંદ ન આવ્યું. એમણે પિતાને પત્ર લખ્યો કે ની જાણ થતાં એમણે પિતાને પત્ર લખીને કહ્યું કે એમણે પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવીને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે પિતાના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે.

૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો. સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી, અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ, કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી. ટ્રાઇબુનલે ‘ડેથ વૉરંટ’ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી. બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ. મહાવીર સિંઘ, કિશોરી લાલ, વિજય કુમાર સિંઘ, શિવ વર્મા, ગયા પ્રસાદ, જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ; અજય ઘોષ, જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા.

આખા દેશમાં હાહાકાર મચી ગયો. દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી. એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ‘ડિફેન્સ કમિટી’ની રચના કરવામાં આવી. ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા, પણ એક ફાયદો હતો કે Bhagat Singh v. The King Emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય.

પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું. વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે, પણ દેશમાં એવું કોઈ સંકટ નથી. પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી.

ગાંધીજી અને સુભાષબાબુ

આમ છતાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીની મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો. સુભાષ બાબુ એમના પુસ્તક The Indian Struggle – 1919 – 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા. દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે Bomb Shell જેવા હતા – સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી. સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો. સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે.

“અમને ગોળીથી ઉડાડી દો”

૨૦મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું. આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે, આવું કહીને સરકારે અમને માન આપ્યું છે. અને અમે એના સૈનિકો છીએ. આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો.

જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે. અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે. એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે!

સાથીઓને છેલ્લો પત્ર

ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા. ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો, એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા. એમણે લખ્યું:

સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું એને છુપાવતો નથી. પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો.

મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે – એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું.

આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી. ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય. પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે.

હા. એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માતી કંઈક કરવાની મારાઅ મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પુરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત.

તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે. હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું. ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય.

આપનો સાથી

ભગત સિંઘ

ખરેખર જ અંતિમ પરીક્ષા નજીક આવી ગઈ. ૨૪મીની સવારને બદલે ૨૩મીની સાંજે જ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો. જેલના અધિકારીઓ આવ્યા ત્યારે ભગત સિંઘ લેનિનનું એક પુસ્તક વાંચતા હતા. એક રાત બાકી હતી તેમાં એ પુસ્તક પૂરું કરવા માગતા હતા. પણ એ અધૂરું રહ્યું અને ત્રણેય વીરો ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે બીજા કેદીઓની બરાકો પસાર કરતા ફાંસીના ફંદા સુધી પહોંચી ગયા અને સદાને માટે હિન્દુસ્તાનની ધરતી પર અજવાળાં પાથરી દીધાં.

(આ શહીદોને બચાવવા માટે ગાંધીજીએ શું કર્યું? આ વિવાદ આજે પણ ચાલે છે. એના વિશે આવતા અંકમાં)

૦૦૦

સંદર્ભઃ

ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).

https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html

૦૦૦

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-40

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૦ :: લાહોર કાવતરા કેસ (૧)

આપણે આ ભાગના ૩૧મા પ્રકરણમાં સૌંડર્સની હત્યાની વાત વાંચી અને તે પછી ૩૩મા પ્રકરણમાં ઍસેમ્બ્લીમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે બોંબ ફેંક્યો તેના વિશે વાત કરી. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તને સજાઓ થઈ અને દત્તની આઝાદ ભારતમાં શી હાલત થઈ તે પણ આપણે જોયું. પરંતુ આપણે એ વાત ત્યાં જ અધૂરી છોડી દીધી હતી.

મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ ‘લાહોર કાવતરા કેસ’ એટલે ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ વિરુદ્ધનો કેસ. ઇતિહાસ આ કેસને બીજો લાહોર કાવતરા કેસ કહે છે, પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી (જુઓ પ્રકરણ ૧૪, ૨૦//૨૦૧૯).

૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. એમણે જ્યારે બોંબ ફેંક્યો ત્યારે પબ્લિક સેફ્ટી ઍક્ટ અને ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ પર ચર્ચા ચાલતી હતી અને એ બિલને હાઉસ નામંજૂર કરે તેવું હતું ત્યારે જ સરકારી મંત્રીએ જાહેરાત કરી કે વાઇસરૉયે એ બિલને પહેલાં જ મંજૂરી આપી દેતાં એને હવે કાયદાનું રૂપ મળી ગયું છે.

મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો ઉલ્લેખ છે. એમણે કહ્યું કે,

અમે આ કામ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષભાવથી નથી કર્યું. અમારો હેતુ માત્ર એ શાસન વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો, જેના દરેક કામ દ્વારા માત્ર એની અયોગ્યતા નહીં, પરંતુ લોકોનું બુરું કરવાની એની અપાર ક્ષમતા પણ દેખાય છેઅને એ એક બેજવાબદાર અને નિરંકુશ શાસનનું પ્રતીક છેટૂંકમાં અમને આ સંસ્થા (બ્રિટિશ સરકાર)નું અસ્તિત્વ સમજાયું નથી… મજૂર આંદોલનના નેતાઓની ધરપકડ વિશે અમે વિચારતા હતા તે જ વખતે સરકાર ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ લઈ આવી કાનૂન, જેને અમે જંગલી અને અમાનવીય માનીએ છીએ, તે દેશના પ્રતિનિધિઓના માથા પર ઠોકી બેસાડ્યો અને એ રીતે કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું. જેણે પણ કમરતોડ મજૂરી કરનારા મૂંગા મહેનતકશોની હાલત જોઈ છે, તે કદાચ મન સ્થિર રાખીને આ બધું જોઈ ન શકે. બલિના બકરાની જેમ શોષકોનીઅને સૌથી મોટી શોષક તો સરકાર જ છેબલિવેદી પર રોજબરોજ અપાતાં મજૂરોનાં બલિદાનો જોઈને જેનું હૈયું રડી ઊઠતું હશે તે પોતાના અંતરાત્માના આર્તનાદની ઉપેક્ષા ન કરી શકે.”

માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે પોતાના નિવેદનમાં ‘હિંસા-અહિંસા’ વિશેની પોતાની અવધારણા પણ સ્પષ્ટ કરીઃ

હુમલાના ઉદ્દેશથી હિંસા થતી હોય તો તેને નૈતિક દૃષ્ટિએ વાજબી ન ઠરાવી શકાય; પરંતુ હિંસા કોઈ માન્ય આદર્શ માટે આચરી હોય તો તેનો નૈતિક આધાર છે.

ભગત સિંઘને નિચલી કોર્ટમાં જજે સવાલ પૂછ્યો હતો કે તમે ક્રાન્તિની વાત કરો છો તેનો અર્થ શો છે? ભગત સિંઘે જવાબ આપ્યો કે

ક્રાન્તિ માટે લોહિયાળ લડાઈઓ જરૂરી નથી. વ્યક્તિગત બદલાની હિંસાને એમાં સ્થાન નથી. ક્રાન્તિ બોંબ અને બંદૂકનો સંપ્રદાય નથી. ક્રાન્તિ એટલે વર્તમાન અન્યાયપૂર્ણ સમાજ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર.

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –

કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”

૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.

જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.

ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.

લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.

ગાંધીજીએ અંજલિ કેમ ન આપી?

જતીન દાસને ગાંધીજીએ અંજલિ ન આપી. આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો. એમને કેટલાયે વાચકો પત્ર લખીને પૂછતા અને ગાંધીજી એનો એક જ જવાબ આપતા કે મારું મૌન રાષ્ટ્રહિતમાં હતું. એમણે ૧૭.૧૦.૧૯૨૯ના Young Indiaમાં વિગતે લખ્યું જે ટૂંકમાં આ પ્રમાણ હતું – ગાંધીજી જે કારણે જેલમાં જતીન દાસ, ભગત સિંઘ વગેરે કેદીઓએ ઉપવાસ શરૂ કર્યા હતા, તેની સાથે સંમત નહોતા. એમનું માનવું હતું કે દેશની આઝાદીથી નાના, કોઈ પણ કારણ માટે ઉપવાસ કરીને પ્રાણ ન અપાય. ગાંધીજી જાહેરમાં આ અભિપ્રાય આપવા નહોતા માગતા. એમણે કહ્યું કે જો એમણે અભિપ્રાય આપ્યો હોત તો સરકાર એનો પોતાને અનુકૂળ અર્થ કરીને આ ઘટનાને ઉતારી પાડે. ગાંધીજીએ કહ્યું કે જાહેર જીવનમાં ક્યારેક મૌન રાખવું એ બોલવા કરતાં વધારે સારું હોય છે. એમણે રાજકીય કેદીઓને વધારે સગવડો માટેની માગણી વિશે કહ્યું કે હું તો માનું છું કે દરેક કેદીને સારી સગવડો મળવી જોઈએ. એમણે કહ્યું કે મને સાંભળવા મળ્યું છે કે જતીન દાસ હિંસાને ખાળવામાં મારા કરતાં પણ વધારે સમર્થ હતા. આમ ગાંધીજીએ એમના બલિદાન અને મૂલ્યોની પ્રશંસા કરી પણ ઉપવાસ અને એને કારણે મૃત્યુ થઈ જાય તે એમને સ્વીકાર્ય નહોતું.

હજી આ કથા આવતા અઠવાડિયે પણ ચાલુ રહેશે.

૦૦૦

સંદર્ભઃ ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ.

૦૦૦

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-39

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૩૯:: કામદાર આંદોલનો – મેરઠ કાવતરા કેસ

જે સમયે ગાંધીજીનો બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો તે સમયે મુંબઈમાં ગિરણી કામગાર યુનિયનની જબ્બર હડતાળ ચાલતી હતી. જો કે આ બન્ને વચ્ચે સીધો સંબંધ નહોતો પરંતુ સરકાર માટે એક તરફ ખેડૂતોના અને બીજી તરફ મજૂરોના દૃઢ સંકલ્પનો સામનો કરવાનું કસોટી રૂપ હતું. સરકાર ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. એમાં પણ કામદાર આંદોલનોમાં સામ્યવાદીઓની વધતી અસર પ્રત્યે સરકાર ચિંતિત હતી. સરકારને આમાં રશિયન ક્રાન્તિની ચોખ્ખી અસર દેખાતી હતી.

સામ્યવાદીઓની કામદારોના અધિકારો વિશેની સ્પષ્ટ સમજને કારણે કામદારોમાં નવું જોશ દેખાતું હતું. આને કારણે ૧૯૨૬માં ટ્રેડ યુનિયનોની સભ્ય સંખ્યા, એકલા મુંબઈમાં, લગભગ સાઠ હજારની હતી તે માત્ર ત્રણ વર્ષમાં, એટલે કે ૧૯૨૯માં બે લાખનો આંકડો પાર કરી ગઈ. ઔદ્યોગિક કામદારો ભારે ત્રાસેલા હતા અને એમનો અસંતોષ વધતો જતો હતો. હડતાળો લગભગ રોજની ઘટનાઓ જેવી બની ગઈ હતી. જે ઔદ્યોગિક ક્ષેત્રને જૂઓ, ત્યાં હડતાળ જોવા મળે એવી સ્થિતિ હતી. રેલવેના કામદારો દેશમાં ઠેરઠેર હડતાળો પાડ્યા કરતા હતા. મુંબઈમાં કાપડ મિલોની હડતાળ પણ બહુ લાંબી ચાલી. એવાં ગિરણી (લોટ દળવાની મિલો) કામગારોની હડતાળે સરકારનું માથું પકવી દીધું હતું.

દેશના વ્યાપક રાજકારણી તખ્તા પર પણ એની અસરો દેખાવા માંડી હતી. દેશના વેપારી વર્ગ અને શિક્ષિતોનો રાજકારણમાં પ્રભાવ હતો, પરંતુ ૧૯૨૬ પછી વર્ગીય હિતો પણ આગળ આવવા લાગ્યાં હતાં આને કામદારોને રાજકીય અધિકારો મળે તેની તરફેણમાં અવાજ વધારે પ્રબળ થવા લાગ્યો હતો. એ વખતના AITUCના જનરલ સેક્રેટરી એન. એમ. જોશી રાજકારણમાં કામદારો સીધી રીતે સામેલ થાય તે પસંદ નહોતા કરતા. એ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના પણ સભ્ય હતા અને કામદારોની સામાજિક સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નો કરતા જ હતા. બીજી બાજુ કોંગ્રેસ કામદારોના હિતની હિમાયતી હતી અને જરૂર પડ્યે કામદારોને રાજકીય આંદોલનમાં પણ ખેંચી લેતી હતી, પરંતુ કોંગ્રેસથી અલગ પડીને કામદારો સ્વતંત્ર રીતે આગેવાની લે તેના માટે તો કોંગ્રેસ પણ તૈયાર નહોતી.

સરકાર સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયનોની પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખતી હતી. ટ્રેડ યુનિયનોને ડામવા માટે સપ્ટેમ્બર ૧૯૨૮માં ઍસેમ્બ્લીમાં ટ્રેડ ડિસ્પ્યૂટ ઍક્ટ મંજૂર કરવામાં આવ્યો. બ્રિટનમાં ૧૯૨૬માં કામદારોની સાર્વત્રિક હડતાળ પછી ટ્રેડ યુનિયનોને દબાવી દેવા માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો. ભારતમાં પણ એ જ જાતનો કાયદો પસાર કરી દેવાયો. એમાં ત્રણ મુખ્ય ઘટકો હતાં – એક, મધ્યસ્થી બોર્ડ અને તપાસ અદાલતોની રચના; બીજું, ૧૪ દિવસની નોટિસ ન આપી હોય તો દંડ; અને ત્રીજું, સાર્વત્રિક હડતાળ કે બીજાની સહાનુભૂતિમાં હડતાળ પાડવા પર પ્રતિબંધ. કોઈ હડતાળને ગેરકાનૂની થરાઅવ્યા પછી, એમાં જોડાયેલાને ત્રણ મહિનાની જેલ અને બસ્સો રૂપિયાના દંડની પણ સજા હતી. આનો અર્થ એ કે શ્રમિક વર્ગ સાથે મળીને તો કોઈ પગલું ભરી જ ન શકે.

મેરઠ કાવતરા કેસ

આવો કાયદો બનાવીને સરકારે અનર્ગળ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. તે પછી, ૨૦મી માર્ચ ૧૯૨૯ના રોજ ઓચિંતા જ કામદાર વર્ગના ૩૧ નેતાઓને પકડી લીધા. જુદાં જુદાં બધાં જ મોટાં ટ્રેડ યુનિયનોના નેતાઓને જેલભેગા કરી દીધા તેમાં શ્રીપાદ અમૃત ડાંગે, એસ. એચ. જાબવાલા, એસ. એસ. મિરજકર, એમ. એ. માજિદ, સોહન સિંઘ જોશ, બેંજમિન ફ્રાંસિસ બ્રૅડલી, ફિલિપ સ્પ્રાટ હ્યુજ લેસ્ટર વગેરે પણ હતા. અહીં કામદારોના અંગ્રેજ નેતાઓનાં નામ પણ છે તેના પરથી સમજી શકાશે કે આ કેસનો હેતુ માત્ર બ્રિટિશ હકુમત કે ભારત પૂરતો સીમિત નહોતો પરંતુ ખરેખર તો મૂડીવાદી આર્થિક વ્યવસ્થાને બચાવવાનો હતો. આ કાયદાનો લાભ ભારતમાં ઉદ્યોગપતિઓને મળતો હતો, સામાન્ય માણસ કે કાળી મજુરી કરનારા કામદારને નહીં.

આ કેસ બહુ મોટે પાયે સાડાચાર વર્ષ ચાલ્યો. કામદાર નેતાઓ પર સામ્યવાદી પ્રવૃત્તિ કરવાનું મુખ્ય તહોમત હતું. ૨૫ ફાઇલ સાઇઝના ગ્રંથ બને એટલા પુરાવા સરકારે રજૂ કર્યા. ચુકાદો પણ ૬૭૬ પાનાનો હતો અને એ બે ભાગમાં છાપવો પડ્યો.

આરોપીઓએ કેસ દરમિયાન પોતાને નિર્દોષ દેખાડવાના પુરાવા જ રજૂ ન કર્યા, ઉલ્ટું પોતાના માર્ક્સવાદી સિદ્ધાંતો જાહેર કરવા માટે કોર્ટનો ઉપયોગ કર્યો. કેસને કારણે કામદારો ડરીને દબાઈ જશે એવી સરકારની ધારણા હતી તેનાથી ઉલ્ટું થયું. કોર્ટમાં આરોપીઓએ રજૂ કરેલાં નિવેદનોએ કામદાર વર્ગને સંગઠિત કર્યો, એટલું જ નહીં, જે ક્રાંતિકારીઓ દેશદાઝથી હિંસક કૃત્યો કરતા હતા તેમને પણ નવી દૃષ્ટિએ વિચારવાની પ્રેરણા મળી. હવે એમની પ્રવૃત્તિઓ વ્યક્તિગત હિંસાને બદલે સામાજિક અને સામૂહિક કાર્યક્રમ તરફ વળી.

‘સમ્રાટ સામે યુદ્ધ જાહેર કરવા’નો આરોપ ધાર્યા પ્રમાણે જ સાબીત થયો અને ૨૭માંથી કેટલાયને આખી જિંદગી સુધી તરીપાર કરવાની, કેટલાકને વીસ વર્ષ કે દસ વર્ષ માટે તરીપાર કે સખત કેદની સજા થઈ. જો કે પછી અપીલમાં આ સજાઓ ઓછી થઈ ગઈ હતી.

કામદારો માટે રૉયલ કમિશનઃ નવી ચાલ

એવું નથી કે આવાં દમનનાં પગલાં લીધા પછી સરકર જીતી ગઈ. એને ઢાંકપીછોડો કરવાની પણ જરૂર પડી. ૧૯૨૯ના જુલાઈમાં વ્હાઇટલેના નેતૃત્વ હેઠક રૉયલ કમિશન ભારતની મુલાકાતે આવ્યું. એને દેશમાં મજૂરોની સ્થિતિનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું. ૧૯૩૧માં કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો તેમાં કમિશને દેશની સંગઠિત મજૂર ચળવળમાં ફાટફૂટ પડે તેવાં પગલાં સૂચવ્યાં, જે એક નજરે સારાં દેખાય તેવાં હતાં. રિપોર્ટમાં જુદાં જુદાં પંચો અને કમિટીઓ બનાવવાની અને એમને આંતરરાષ્ટ્રીય મજૂર મંચો પર આમંત્રણ આપવું વગેરે ભલામણો હતી.

જમણેરી મજુર નેતાઓને આ ભલામણો પસંદ આવે તેમ હતું અને એવું જ થયું. અંતે AITUCના બે ભાગ પડી ગયા.

નવેમ્બરમાં AITUCનું દસ્સ્મૂં વાર્ષિક અધિવેશન નાગપુરમાં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળ્યું તેમાં આ મતભેદો ખુલ્લી રીતે બહાર આવ્યા. જેટલા ઉદ્દામ નેતાઓ હતા તે તો મેરઠ કેસમાં જેલમાં હતા. મતભેદનો મુદ્દો એ હતો કે જમણેરીઓનો આગ્રહ હતો કે ૬,૦૦૦થી વધારે સભ્ય હોય તેવા યુનિયનને સામેલ ન કરવું મુંબઈના ગિરણી કામગાર યુનિયનના ૫૫,૦૦૦ સભ્યો હતા. આવડા મોટા યુનિયનને કેમ બહાર રખાય? આ મતભેદનો મુદ્દ્દો હતો પણ એના વિશે કોઈ રસ્તો નીકળે તેમ નહોતાં ભાગલા અનિવાર્ય બની ગયા. નહેરુની સહાનુભૂતિ ડાબેરીઓ પ્રત્યે હતી પરંતુ એમના બધા કાર્યક્રમો સાથે એ સંમત નહોતા. એમણે વચલો માર્ગ કાઢવાના પ્રયાસ કર્યા પણ કંઈ ન વળ્યું. આમ દેશમાં કામદાર વર્ગની સજ્જડ એકતા થવાને ટાંકણે જ એમાં ભંગાણ પડી ગયું.

આ જ સમયે લાહોરમાં બીજો કાવતરા કેસ ચાલતો હતો, જેમાં ભગત સિંઘ વગેરે અપરાધી હતા. આના વિશે આવતા આઠવાડિયે.

૦૦૦

સંદર્ભઃ

(૧) Working Class of India by Sukomal Sen. K. P. Bagchi &Co. Kolkata. First Edition 1977.

(૨) Mahatma Gandhi (Vol. VI) Salt Satyagraha: Watershed by Sushila Nayar (available on gandhiheritageportal.org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ. મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં ‘other books’પર ક્લિક કરો, તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal’ ટાઇપ કરો).

૦૦૦

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-38

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૩૮ :: કામદાર વર્ગનાં આંદોલનોનો ઉદય

બારડોલી સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગના આગમનની છડી પોકારતો હતો અને આપણે હવે સીધા જ એ દિશામાં આગળ વધવું જોઈએ પરંતુ દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે જાણવા માટે વારંવાર પાછળ જવું પડશે. આમાં સૌથી વધારે મહત્ત્વની ઘટના દેશમાં કામદાર વર્ગનાં આંદોલનોની છે.

૧૮૫૩માં રેલવે શરૂ થયા પછી ઠેકઠેકાણે રેલવે નાખવામાં આવી હતી, પરિણામે કામદારોની સંખ્યામાં બહુ મોટો વધારો થતો જતો હતો. એ સાથે જ દેશનું ઔદ્યોગીકરણ થવા માંડ્યું હતું. જંગલોમાંથી ઝાડો કાપીને લાવવાનો પણ મોટો ઉદ્યોગ હતો. આપણે જોઈ લીધું છે કે ૧૭૫૭થી માંડીને ૧૮૫૭ સુધી આદિવાસીઓ પોતાનાં જંગલો બચાવવા માટે અંગ્રેજો સામે મેદાને પડ્યા જ હતા. આખા દેશમાં ઉદ્યોગોને પગલે શહેરીકરણ પણ મોટા પાયે થયું હતું. એમાં ૧૯૧૭ની રશિયાની ઑક્ટોબર ક્રાન્તિનો પણ જબરો પ્રભાવ પડ્યો. સમાનતા અને માનવીય અધિકારોના નવા વિચારોથી કામદારો આંદોલિત થઈ ઊઠ્યા હતા. ૧૯૨૫માં કમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ એટલે માર્ક્સવાદી વિચારસરણી ફેલાવા લાગી હતી અને શિક્ષિત યુવાનો એના તરફ આકર્ષાયા હતા. કોંગ્રેસમાં પણ સમાજવાદી વિચારોનો પ્રભાવ વધવા લાગ્યો હતો. જવાહરલાલ નહેરુ કોંગ્રેસમાં આર્થિક આઝાદીના વિચારો પણ લઈ આવ્યા. આ કારણે ૧૯૨૦ના દાયકામાં તો કામદાર વર્ગમાં નવી જાગૃતિ આવી હતી અને એ અસંતોષથી ઊકળવા લાગ્યો હતો.

ઇતિહાસમાં કાળખંડો આપણે આપણી સગવડ અને સમજણ મુજબ પાડતા હોઈએ છીએ પરંતુ ઇતિહાસ તો એક પછી એક બનતી જતી ઘટનાઓનું સર્વાંગી ચિત્ર છે, એટલે એવું નથી કે કામદાર વર્ગમાં પહેલાં ચેતના નહોતી. આંદોલનો તો બંગભંગના સમયથી થતાં હતાં, પણ કામદાર આંદોલનોનું સંગઠિત અને સભાન રૂપ તો ૧૯૨૦ના દાયકાથી મળવા લાગ્યું અને બારડોલીમાં ખેડૂતો મહેસૂલ માટે લડાઈ કરીને ઇતિહાસ બનાવતા હતા ત્યારે મોટાં ઔદ્યોગિક શહેરોમાં કામદારો અંગ્રેજી શાસન સામે કમર કસતા હતા.

કામદારોની જાગૃતિ

પરંતુ એમની સમજ માત્ર અંગ્રેજી શાસન પૂરતી મર્યાદિત નહોતી. કામદારો સ્વયં અંગ્રેજી રાજ્યને જ એનાથી પણ મોટી અને વિશ્વવ્યાપી મૂડીવાદી આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે જોતા હતા. શ્રમિકની મૂડી એના શરીરમાં શ્રમના રૂપે રહેલી છે. પરંતુ મૂડીવાદી પદ્ધતિમાં મૂડીપતિ શક્ય તેટલી ઓછામાં ઓછી કિંમત ચૂકવીને શ્રમ ખરીદે છે. એમાં પોતાની મૂડીને જોડે છે અને ઉત્પાદન કરે છે. આ ઉત્પાદન એટલું હોય છે કે બજારમાં માલ મૂકીને એ જે કમાય છે તે શ્રમના મૂલ્ય કરતાં અનેકગણું હોય છે. મૂડી પરનું વ્યાજ અને મૂડીદારની મહેનતની કિંમત બાદ કર્યા પછી પણ જે વધે છે તેમાં શ્રમિકનો પણ ભાગ હોવો જોઈએ પણ એને માત્ર જીવતા રહેવા અને મહેનત કરવા માટે યોગ્ય રહેવા જેટલું મહેનતાણું જ મળે છે, શ્રમિકને એના હકનો ભાગ નથી મળતો, એ મૂડીપતિ પોતાના ખિસ્સામાં મૂકે છે. આમ ધન એક સ્થાને એકઠું થતું જાય છે. શ્રમિક તો પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે સતત શ્રમ કરતા રહેવા લાચાર છે. એ આ ચક્રમાંથી બહાર જ આવી શકતો નથી અને એનું સતત શોષણ થતું રહે છે.

૧૯૨૦ના દાયકાથી પહેલાં

આમ તો ઉદ્યોગો શરૂ થયા એ જ વખતથી કામદારો સક્રિય થઈ ગયા હતા. મોટી હડતાળો પણ થઈ હતી. ૧૯૦૬માં સરકારી પ્રિંટિંગ પ્રેસમાં હડતાળ પડી, તે પછી એક ખાનગી પ્રેસમાં પણ હડતાળ થઈ. એ હડતાળમાં કામદારોને સંબોધતાં લોકમાન્ય તિલકે પોતાને ‘પ્રિંટર’ ગણાવ્યા અને યુનિયનોની જરૂરિયાત મુજબ જૂની જાતિ પ્રથા અને ધર્મના રીતરિવાજોનો ઉપયોગ કેમ કરી શકાય તે સમજાવ્યું. એ જ વર્ષે મુંબઈમાં પોસ્ટલ કર્મચારીઓ હડતાળ પર ગયા. તે પછી ઈસ્ટ ઇંડિયા રેલવેની હડતાલ ખાસ ઉલ્લેખ માગી લે છે. ૧૯૦૭માં ઈસ્ટ ઇંડિયા રેલવેના કામદારોની હડતાળ સૌથી મોટી હતી. એંજિન ડ્રાઇવરો અને ગાર્ડોની એ હડતાળ હતી, જો કે, એમાં ગોરા કામદારો જ હતા. હડતાળને કારણે ટ્રેનો ચાલતી બંધ થઈ ગઈ. ૧૯૦૭માં જ બેંગાલ રેલવેમાં કામદારોએ હડતાળ પાડી. એમની માગણી પગારધોરણ સુધારવાની, કામની સ્થિતિ સુધારવાની અને જાતિગત ભેદભાવ નાબૂદ કરવાની હતી.

૧૯૦૮માં મુંબઈના કામદારોએ હડતાળ પાડી તેનો રાજકીય ઉદ્દેશ હતો. એ વખતે પણ જુદા જુદા વ્યવસાયોના ત્રણ લાખ કામદારો મુંબઈમાં હતા. આ જાતની આ પહેલી હડતાળ હતી અને એમાં મુખ્યત્વે એ વખતના રાષ્ટ્રીય નેતા લોકમાન્ય તિલકની સક્રિય ભાગીદારી રહી. આ હડતાળમાં કામદારોનાં વેતન વગેરે મુદ્દા નહોતા, માત્ર સંસ્થાનવાદી નીતિઓના વિરોધમાં કામદારોએ હડતાળ પાડી હતી.

ઑલ ઇંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ની સ્થાપના

૧૯૨૦માં AITUCની સ્થાપના થઈ અને એમાં ૬૪ યુનિયનો જોડાયાં. એમનું કુલ સંખ્યાબળ ૨ લાખ ૨૩ હજારનું હતું. તે ઉપરાંત બીજાં આઠ ફેડરેશનો પણ હતાં, જેમની કુલ સભ્ય સંખ્યા ૧ લાખ ૯૫ હજાર હતી. આમ ભારતમાં સંગઠિત કામદાર આંદોલનોનો પાયો નંખાયો અને તે પછી દેશમાં કામદાર આંદોલનો સતેજ બન્યાં. એક જ વર્ષમાં પચાસ હડતાળો થઈ, જેમાં કાનપુર, મુંબઈ અને કલકત્તાની આગળપડતી ભૂમિકા રહી. એનું પહેલું વાર્ષિક અધિવેશન લાલા લાજપત રાયના પ્રમુખપદે મળ્યું. ત્રીજા અધિવેશનના અધ્યક્ષ ચિત્તરંજન દાસ હતા.

અમદાવાદમાં મજૂર મહાજન

અમદાવાદમાં પ્લેગ ફેલાવાથી મજૂરોની ખેંચ ઊભી થઈ હતી. એટલે માલિકોએ ૧૯૧૭ સુધી મજુરોને ૭૦થી ૮૦ ટકા કેટલું બોનસ ચૂકવીને રોકી રાખ્યા પણ સ્થિતિ સુધરતાં એમણે વધારાની રક્મ બંધ કરી. મજૂરો એના માટે તૈયાર નહોતા., એમણે પચાસ ટકા વધારાની માગણી કરી. એ બાબતમાં ગાંધીજીને અનસૂયાબેને (શેઠ અંબાલાલ સારાભાઈનાં બહેન) પત્ર લખીને મજૂરોની સ્થિતિ સમજાવી કે એમના પગારો બહુ ટૂંકા છે અને જીવન બહુ કપરું છે. ગાંધીજીએ અમદાવાદ પહોંચીને જાતતપાસ કરી તો એમને લાગ્યું કે વાત સાચી છે. એટલે એમણે અંબાલાલ સારાભાઈ સાથે વાત કરી. શેઠ મિલમાલિકોના પ્રતિનિધિ હતા. ગાંધીજીએ માલિકો અને મજૂરો વચ્ચે સમાધાન કરાવવા માટે ત્રીજા પક્ષને વચ્ચે નાખવાનું સૂચન કર્યું તે અંબાલાલે નકારી કાઢ્યું એટલે ગાંધીજીએ મજૂરોને હડતાળ પર જવાની સલાહ આપી. એમણે ચાર પ્રતિજ્ઞાઓ લેવડાવી – એક તો, શાંતિનો ભંગ ન કરવો, કોઈ કામે જતો હોય તેને રોકવો નહીં, ભીખ માગીને ન ખાવું અને માલિકો માગણી માની ન લે ત્યાં સુધી અડગ રહેવું. હડતાળ ૨૧ દિવસ ચાલી. એ દરમિયાન ગાંધીજી માલિકોને સમજાવતા રહ્યા પણ એ તૈયાર જ ન થાય. માલિકો કહેતા કે અમારા અને મજૂરોના સંબંધ બાપદીકરા જેવા, તેમાં વળી પંચનું શું કામ? બે અઠવાડિયાં તો મજૂરોનું મનોબળ ટકી રહ્યું પણ પછી તૂટવા લાગ્યા. મજૂરો પ્રતિજ્ઞા તોડશે એમ લાગતાં ગાંધીજીએ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી. આ સાંભળીને મજૂરો બહુ વીનવવા લાગ્યા કે ઉપવાસ અમે જ કરીશું, હડતાળ ચાલુ રહેશે વગેરે.

ગાંધીજીએ કહ્યું કે તમને પ્રતિજ્ઞા તોડીનેને ભીખ માગવી પડે તેવું ન થવું જોઈએ. એટલે એમણે મજૂરો માટે કામ શોધવાનું નક્કી કર્યું. એ વખતે વલ્લભભાઈઅમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. પણ કંઈ કામ હતું નહીં. પછી ગાંધીજીએ પોતાના આશ્રમમાં વણાટાશાળા બંધાતી હતી એમાં એમને કામે લગાડ્યા અને રોજી અપાવી. ભરણ પોષણનો સવાલ ઉકેલાઈ જતાં હડતાળ ચાલુ રહી.

આ બાજુ શેઠ અંબાલાલ જરાયે મચક આપવા તૈયાર નહોતા. એમને ગાંધીજી વચ્ચે પડ્યા તેની સામે જ વાંધો લીધો. અંતે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પંચ બન્યા અને સમાધાન કરાવ્યું. ગાંધીજે મજુરોના પ્રતિનિધિ તરીકે કેસ રજૂ કર્યો પણ પછી પચાસ તકાને બદલે ૩૫ ટકા પર બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું.

એ સાથે મજૂર મહાજનની સ્થાપના થઈ. ગાંધીજી મજુરોને ઉદ્યોગનો ભાગ જ માનતા હતા અને માલિકોને ટ્રસ્ટ માનતા હતા. બન્ને વચ્ચે “બાપ દીકરા”નો સંબંધ હોય એમાં એમને વિશ્વાસ હતો. આમાંથી એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વિકસ્યો..મધ્યસ્થીની પદ્ધતિ પણ એમણે જ વિકસાવી.

AITUC હોવા છતાં મજુર મહાજન બનાવીને ગાંધીજી પોતાની રીતે કામદાર આંદોલનને ચલાવવા માગતા હતા. કમ્યુનિસ્ટ નેતા એસ. એ. ડાંગે ટીકા કરે છે કે મજૂરો રાજકારણમાં ન જાય અને વર્ગ સંઘર્ષમાં ન જોતરાય તે માટે ગાંધીજી મજૂર મહાજનને AITUC દૂર રાખવા માગતા હતા. એક બાજુથી એ આખા દેશમાં હડતાળ પાડવાનું કહેતા પણ મજૂરોને હડતાળ પર જતાં રોકતા હતા, જો કે અંતે તો મજૂરો હડતાળના શસ્ત્રનો ઉપયોગ કરતા થઈ જ ગયા.

હવે પછી આપણે મેરઠ કાવતરા કેસ અને લાહોર કાવતરા કેસની વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

(૧) સત્યના પ્રયોગો – (ભાગ ૫, પ્રકરણ ૨૦ અને ૨૨).મો.ક. ગાંધી. નવજીવન પ્રકાશન

(૨) Working Class of India by Sukomal Sen. K. P. Bagchi &Co. Kolkata. First Edition 1977.

(૩) Mahatma Gandhi (Vol. VI) Salt Satyagraha: Watershed by Sushila Nayar (available on gandhiheritageportal.org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ. મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં ‘other books’પર ક્લિક કરો, તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal’ ટાઇપ કરો).

%d bloggers like this: