India: Slavery and struggle for freedom: Part 2: Struggle for Freedom Chapter 35-

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩૫: ૧૮૫૭: જગદીશપુરના બાબુ કુંવરસિંહ (૨)

બાબુ કુંવરસિંહ જગદીશપુરના જમીનદાર હતા. ૨૫-૨૬ જુલાઈના દાનાપુરના વિદ્રોહ પછી સૌ એમને નેતા માનીને જ ચાલતા હતા, જો કે પોતે હજી એના માટે તૈયાર નહોતા. આમ પણ પોતે એંસી વર્ષના થઈ ગયા બાબુ કુંવરસિંહહતા. પરંતુ વિદ્રોહમાં જોડાવામાં એમને ઉંમર નહોતી નડતી, બીજાં જ કારણો હતાં. આમ છતાં, એક વાર એ મેદાનમાં આવ્યા તે પછી એમણે જે વ્યૂહ રચના કરી અને યુદ્ધમાં જાતે જ ઊતરીને લોકોને પ્રોત્સાહન આપ્યું તે અજોડ બની રહ્યું. એમનિ સૌથી નાનો ભાઈ અમરસિંહ અને એનો સેનાપતિ હરેકૃષ્ણ વિદ્રોહમાં કુંવરસિંહના અનન્ય સાથી બની રહ્યા.

આમ તો કુંવરસિંહ વગેરે ચાર ભાઈ હતા. ભાઈઓ સાથે મિલકતના ઝઘડા ચાલ્યા કરતા હતા. વળી હાથ બહુ છૂટો હતો એટલે હંમેશમાં દેવાના ભાર નીચે રહેતા. અંગ્રેજ અધિકારીઓ સાથે એમને સારા સંબંધો હતા, એટલું જ નહીં એ લોકો પણ એમના પ્રત્યે આદર દેખાડતા. તે ઉપરાંત, કુંવરસિંહને સરકાર પાસેથી મોટી લોન પણ લેવી હતી. ખરેખર તો બળવો થયો ત્યારે એ લોન માટે અંગ્રેજોની કચેરીઓના આંટાફેરા પણ કરતા હતા. એમનું જીવન વિલાસી હતું, કેટલીયે રખાતો હતી. બીજી બાજુ રાજા તરીકે લોકચાહના મેળવી હતી કારણ કે એમણે ધર્મના ભેદભાવ રહેવા દીધા નહોતા. લોકો હળીમળીને રહેતા. ખેડૂતોને લૂંટતા પણ નહોતા. એમને જંગલો બહુ પસંદ હતાં એટલે એમણે જંગલોનો બહુ વિકાસ કર્યો. એમની નજર નીચે જંગલો જે રીતે ફૂલ્યાંફાલ્યાં તે પાછળથી વિદ્રોહીઓ માટે આશરા રૂપ બની રહ્યાં.

દાનાપુરમાં બળવો કરીને સિપાઈઓએ પોતાની હાક જમાવી દીધી અને તરત આરા તરફ કૂચ કરી ગયા. ત્યાં ૨૬મીએ પહોંચ્યા કે તરત કુંવરસિંહે બળવાની સરદારી હાથમાં લઈ લીધી. કંપનીને એમના વિશે સમાચાર મળતા રહેતા હતા કે એ કદાચ બળવામાં જોડાશે. પરંતુ કમિશનર ટેઇલર એમનો મિત્ર હતો. એણે હજી બે દિવસ પહેલાં જ પત્ર લખીને સરકારને કહ્યું હતું કે કુંવરસિંહને હું અંગત રીતે જાણું છું અને એ બળવામાં નહીં જોડાય. જો કે, ટેઇલરના અનુગામી સૅમ્યૂઅલ્સે લખ્યું કે કુંવરસિંહ સાથે ટેઇલરનો વ્યવહાર સારો નહોતો એટલે એમણે બળવો કર્યો હોય તો તે માટે ટેઇલર જવાબદાર છે. આમ કુંવરસિંહે બળવામાં ઝંપલાવ્યું તેથી કંપની સરકાર ગોટાળે ચડી ગઈ. બીજી બાજુ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ અને બીજા એક જાગીરદાર નિશાન સિંહ અડીખમ રહ્યા. નિશાનસિંહ વિશે પણ કંપનીના અધિકારીઓની ધારણા અવળી નીકળી. એ વખતે નિશાન સિંહ સાઠ વર્ષની વય પાર કરી ચૂક્યા હતા.

આ દેખાડે છે કે બિહારમાં જેમને અંગ્રેજો સાથે સારા સંબંધો હતા તે પણ તક મળે તો એમની સામે લડવા તત્પર હતા. રાજા કુંવરસિંહે લખનઉના નવા નવાબ બિર્જિસ કદ્રની માતા હઝરત બેગમ અને બીજા ઘણા નાનામોટા રાજાઓની પણ મદદ માગી.

જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શાહાબાદ અંગ્રેજો માટે ઝંઝાવાત જેવું રહ્યું. ૨૬મીએ આરામાં વસતા બધા યુરોપિયનોએ એક એંજીનિયરના બેમાળી મકાનમાં આશરો લીધો અને બચાવની પણ તૈયારી કરી લીધી. આ બાજુ કુંવરસિંહ અને દાનાપુરના વિદ્રોહીઓએ અંગ્રેજ ગૅરિસનને ઘેરી લીધી. અંગ્ર્જોના ચોકિયાત દળે પણ વિદ્રોહ કર્યો. અંગ્રેજ અફસરોને એની કલ્પના પણ નહોતી. આરાનો સેશંસ જજ લખે છે કે ગાર્ડોનો ઉપરી અધિકારી મને મળવા આવ્યો ત્યારે મેં એને તિજોરીની રખેવાળી કરવાનો હુકમ આપ્યો. મેં એને કહ્યું કે વિદ્રોહીઓની સંખ્યા બહુ ન હોય તો જ સામનો કરવો, એ વખતે હું શીખોની ટુકડી લઈને મદદે આવીશ પણ વિદ્રોહીઓ બહુ ઘણા હોય તો પીછેહઠ કરી લેવી. પણ મેં જોયું કે વિદ્રોહીઓ તિજોરીએ પહોંચ્યા ત્યારે ગાર્ડોએ સામનો ન કર્યો, એટલું જ નહીં, એમના તરફ ગયા, જાણે સ્વાગત કરતા હોય!

અહીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજને મારી નાખ્યો હોય એવું ન બન્યું, એટલું જ નહીં, જે લોકો કુંવરસિંહના માણસોના હાથે ઝડપાયા એમની સાથે સારો વર્તાવ કરવામાં આવ્યો.

ગૅરિસન પરનો ઘેરો ભેદવા પાંચસો શીખોની ફોજી ટુકડી કૅપ્ટન ડનબારની આગેવાની હેઠળ આવી પણ ૨૯ અને ૩૦મી જુલાઈની ખૂનખાર લડાઈ પછી અંગ્રેજી ફોજની સજ્જડ હાર થઈ, કૅપ્ટન ડનબાર અને બીજા બ્રિટિશ લશ્કરી અફસરોએ જાન ગુમાવ્યા.

શાહાબાદમાં કુંવરસિંહનું શાસન

શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધા પછી કુંવરસિંહે ત્યાં તરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી. કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થા એમણ એજોઈ હતી એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી. એમણે મૅજિસ્ટ્રેટ, ત્રણ-ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા.

પરાજય

ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું. બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી. એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા. આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી. આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો. જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા, જગદીશપુર પર કબજો કરી લીધો, લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી. મેજર આયર લખે છે કે કુંવરસિંહને આ મંદિરના “બ્રાહ્મણોએ ચડાવ્યા” તેથી જ વિદ્રોહીઓ સાથે ભળ્યા હતા એટલે એણે સજા રૂપે એ મંદિર ધ્વસ્ત કરી દીધું. એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં.

પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા. ગયા અને મુઝફ્ફરપુરના મૅજિસ્ટ્રેટોને કમિશનર ટેઇલરે પટના પાછા આવી જવા લખ્યું. એનું કહેવું હતું કે એ બધા લોકોના જાન જોખમમાં મૂકવાનો અર્થ નથી. મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા નાગપુર, માનભૂમ. સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા. જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી.

હાથ જાતે કાપી નાખ્યો

૨૫મી ઑગસ્ટે નેપાલના રાણાએ મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો. અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું.

બાબુ કુંવરસિંહ Memorial statueકુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં. આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર. બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા. પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં, એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે. અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું. ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી. એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો!

૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા. બે જ મહિના પછી ૧૯મી જૂને રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું. વિદ્રોહીઓ પોતાનાં ઝળહળતાં રત્નો ખોતા જતા હતા.

અમરસિંહ અને હરેકૃષ્ણ

કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા. પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે અમરસિંહે કહી દીધું કે એ બધા મદદ કરી શકે તેમ નથી. પરંતુ તે પછી કુંવરસિંહના સમજાવ્યાથી એ ભાઈની પડખે ઊભા રહ્યા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં, કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું. કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી.એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો. હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે. છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ.

૦૦૦

સંદર્ભઃ

1. Biography of Kunwar Singh and Amar Singh, Dr. K. K. Datta 1957

2. 1857: बिहार और झारखण्ड में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)

(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)

3. https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm

India: Slavery and struggle for freedom : Part 2 : Struggle for Freedom – Chapter 34

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩૪: ૧૮૫૭: બિહારમાં ઠેરઠેર વિદ્રોહ (૧)

૧૮૫૭ના વિદ્રોહની વાત આવે છે ત્યારે બિહાર ભુલાઈ જતું હોય છે, પણ ખરું જોતાં બિહારની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે. ખરું જોતાં. કંપનીની જગ્યાએ બ્રિટનની સરકારને અધીન વસાહતી શાસન શરૂ થયું તે પછી પણ ૧૮૬૨ સુધી વિદ્રોહની આગ શમી નહોતી.

વિદ્રોહના નેતા તરીકે આરાના જાગીરદાર બાબુ કુંવર સિંહનું નામ બહુ પ્રખ્યાત છે. એમણે એંસી વર્ષની વૃદ્ધ ઉંમરે અંગ્રેજો સામે જંગ માંડ્યો. એમના સૌથી નાના ભાઈ અમર સિંહ અને એના કમાંડર હરેકૃષ્ણ સિંહ એમના સમર્થ સાથી હતા. પરંતુ વિદ્રોહની શરૂઆત કરનારામાં બાબુ કુંવર સિંહ નહોતા.

બળવા પહેલાં

પ્લાસી અને બક્સરની લડાઈઓ પછી બંગાળની દીવાની કંપનીને મળી હતી. બંગાળના નવાબ હેઠળ બિહાર પણ હતું. ઈસ્ટ ઇંડિયા કંપની બિહારનું પણ શોષણ કરતી હતી.પટનામાં અંગ્રેજો પ્રત્યે લોકો નફરતની નજરે તો જોતા જ હતા, એવામાં ૧૮૫૫માં સરકારે જેલના કેદીઓને પિત્તળના લોટાને બદલે માટીના લોટા આપવાનો નિર્ણય કયો, ચારે બાજુ અંગ્રેજો વિરુદ્ધ ઊકળાટ વધતો જતો હતો. તેમાં આ નિર્ણય બળતામાં ઘી હોમવા જેવો હતો. કેદીઓએ જેલોમાં આંદોલન કર્યું જે ‘લોટા આંદોલન’ તરીકે ઓળખાય છે. કેદીઓ એટલા ગુસ્સામાં હતા કે એમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો. આ દમન સામે કેદીઓએ હાર માની લીધી. પરંતુ લોકોએ હાર ન માની. અફીણની ખેતી કરતા બાર હજાર ખેડૂતો હવે કેદીઓને પિત્તળના લોટા અપાવવા મેદાનએ પડ્યા. એમણે કમિશનરને ઘેરી લીધો અને કેદીઓને પિત્તળના લોટા આપવાની માગણી કરી, કમિશનરે કહ્યું કે પહેલાં મને છોડો. સરકારનું કહેવું હતું કે પિત્તળના લોટાથી કેદીઓ દીવાલોને ઘસીને ખોખરી કરી નાખે છે અને પછી તોડીને ભાગી જાય છે.

પરંતુ સામાન્ય લોકો અને ખેડૂતો હવે સંગઠિત થઈ ગયા હતા. આખા શહેરમાં સ્થિતિ એવી ઊભી થઈ ગઈ હતી કે સંભાળવી અઘરી હતી. શહેરમાં એવાં તોફાન થયાં કે સરકારને બીક લાગી કે સરકારી તિજોરી પર ટોળાં ત્રાટકશે. અંતે સરકારે પિત્તળના લોટા પાછા આપ્યા.

૧૮૫૭ અને અશાંત બિહારઃ રોહિણીમાં અંગ્રેજોની હત્યા

આમ સ્થિતિ તો વિસ્ફોટક હતી જ, એટલે ૧૮૫૭માં દિલ્હી, અવધ, ઝાંસી, કાનપુરમાં થયેલા બળવાની અસર હવે બિહારમાં જલદી દેખાવા લાગી હતી.

વિદ્રોહની શરૂઆત તો દેવઘર જિલ્લામા રોહિણી ગામે થઈ. મેરઠમાં દસમી મેના રોજ વિદ્રોહ શરૂ થયો તેના પડઘા ૧૨મી જૂને બિહારના દેવઘર અને રોહિણીમાં પડ્યા. દેવઘરમાં ૩૨મી રેજિમેન્ટ્નું મથક હતું અને રોહિણીમાં પાંચમી કૅવલરીનું નાનું એકમ હતું.૧૨મી જૂનની રાતે લશ્કરની છાવણીમાં મૅજર મૅકડૉનલ્ડ, લેફ્ટેનન્ટ નૉર્મન લેસ્લી અને ડૉ. ગ્રાન્ટ ઘરના બગીચામાં ખુરશીઓ માંડીને ચા પીતા બેઠા હતા. અચાનક ત્રણ શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને એમના પર પ્રહાર કર્યો. લેસ્લી એ વખતે ઘરમાં જવા માટે ઊઠતો જ હતો ત્યારે એની પીટઃ પર તલવારનો બીજો ઘા પડ્યો અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ મામ્યો. મૅજર મૅકડોનલ્ડ અને ડૉ. ગ્રાન્ટ પણ સખત જખમી થઈ ગયા.

આ ત્રણ લશ્કરી અફસરો રહેતા હતા ત્યાં સખત જાપ્તો હતો પરંતુ ચોકીપહેરાની ડ્યૂટી કરતા ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા. ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી. પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો. ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો. તે પછી ત્રણ સિપાઈ પકડાયા – અનામત અલી, શહાદત અલી અને શેખ હારૂન. મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી. એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા. એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં, હાથી હટી ગયો અને ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા. આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે.

પટના ફરી ઊકળ્યું – ૩ જુલાઈ ૧૮૫૭

રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી. જરૂર પડ્યે અફીણનાં ગોદામોમાં પણ રહેવાની વ્યવસ્થા કરી લીધી કે જેથી યુરોપિયનોને રહેવું પડે એવા સંજોગો ઊભા થાય તો કામ આવે. તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો. ઘરેઘરની ઝડતી લેવાઈ. ૧૯મી જૂને એણે શહેરના આગેવાનોને વિલૈયમ ટેલરે પોતાને ઘરે બોલાવ્યા અને તે પછી ત્રણ મૌલવીઓ અહમદુલાહ, મહંમદ હુસૈ અને વઈઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી. એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો. પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ.

જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું. એની આગેવાની પીર અલીએ લીધી હતી. પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી. ભીડ આગળ વધી અને એક અફીંઆ ગોદામ તરફ આગ્ળ વધી. ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ. આર. લાયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો. અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો. બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા. એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું.

દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ

પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં હાલત ગંભીર હતી. ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો.એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી. ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટનો દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો. સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા. બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો. એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા. પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો.એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં. એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ. એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા. જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને.

હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને ધ્વસ્ત કરતા ગયા. અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં. નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી. ૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી. શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા. ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અનેબીજા ઘણા સૈનિકો માર્યા ગયા. જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી.

આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી. એક તો, બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું. પરંતુ હજી બાબુ કુંવરસિંહના હાથમાં વિદ્રોહનું નેતૃત્વ હજી હવે આવે છે.

આવતા અંકમાં આપને ૧૮૫૭ના આ વીરની ગાથા વાંચીશું.

૦૦૦

સંદર્ભઃ

1. 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)

(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)

https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm

Science Samachar (65)

(૧) નવી માનવ પ્રજાતિ

ફિલિપીન્સના ઉત્તર ભાગમાં આવેલા લૂઝોન શહેર પાસેની કૅલાઓ ખીણમાંથી માણસના અશ્મિભૂત અવશેષો મળ્યા છે. આખું હાડપિંજર નહીં, પણ સાત દાંત, એક હાથનું હાડકું, પગનાં ત્રણ હાડકાં અને એક કમરનું હાડકું મળ્યું છે. એની ઊંચાઈ ચાર ફૂટ છે અને એ ઝાડ પર વાંદરાની જેમ ચડી શકતો હતો એમ તપાસમાં જણાયું છે. આ અશ્મિ ૫૦,૦૦૦થી ૬૭,૦૦૦ વર્ષ જૂનું છે. એને ‘હોમો લૂઝોનેન્સિસ’ નામ આપવામાં આવ્યું છે. આ માણસ હોમોસૅપિયન્સ અને નિએન્ડરથલનો સમકાલીન હતો. આપણે આ બે પ્રજાતિથી પરિચિત હતા, હવે પહેલી વાર આ નવી પ્રજાતિ મળી છે. દાંત નાના છે તેના પરથી વૈજ્ઞાનિકો માને છે કે એનું કદ ચાર ફૂટનું હોવું જોઈએ.

લૂઝોન ટાપુનો મૂળ જમીન સાથે સંપર્ક નથી. તો આ માણસ ત્યાં કેમ પહોંચ્યો હશે તે વૈજ્ઞાનિકો માટે વિચારનો વિષય છે. આફ્રિકામાંથી ૧૫ લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ નીકળ્યો તે આ હોમો લૂઝોનેન્સિસનો પુરોગામી હોય એમ લાગે છે. આમ એનો વિકાસ હોમો સૅપિયન્સ કરતાં અલગ હતો.

સંદર્ભઃhttps://www.theguardian.com/science/2019/apr/10/new-species-of-ancient-human-homo-luzonensis-discovered-in-philippines-cave

૦૦૦

(૨) ધરતીકંપની જેમ ચંદ્રકંપ?

છેલ્લાં લાખો વર્ષ દરમિયાન ચંદ્ર ૫૦ મીટર સંકોચાઈ ગયો છે. લીલી દ્રાક્ષ સુકાઈ જાય ત્યારે એની છલ નરમ હોવાથી કરચલીઓ પડી જાય છે પણ ચંદ્રની સપાટી નરમ નથી એટલે એમાં તિરાડો પડી જાય છે અને એક ખાડાટેકરા ઊપસી આવે છે. આ તિરાડો હજી સક્રિય છે એટલે કે એમની નીચે હજી હલનચલન ચાલુ છે. બીજા શબ્દોમાં ચંદ્રકંપ થયા કરે છે એટલે એમાં ફેરફાર થયા કરે છે.

૧૯૭૨માં ઍપોલો-૧૭ યાન ચંદ્ર પર ટોરસ-લિટ્રો ખીણમાં લી-લિંકન ઢોળાવ પર ઊતર્યું ત્યારે ચંદ્રયાત્રીઓ યૂજિન સેર્નન અને હૅરિસન સ્મિટને એમનું રોવર ખાડાટેકરા વચ્ચેથી સંભાળીને ચલાવવું પડ્યું હતું. આ બધી ફૉલ્ટલાઇનો ઊપરથી જોતાં એકબીજીની ઉપર ચડેલી દેખાય છે પણ કેટલાય મીટર ઊંચી અને કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલી છે.

ઍપોલો ઊતર્યું હતું તે લી-લિંકન ઢોળાવની ફૉલ્ટલાઇનો આ વીડિયોમાં જોવા મળશે, જે ચંદ્રકંપાને કારણે બનેલી છે.

સંદર્ભઃ https://www.nasa.gov/press-release/goddard/2019/moonquakes

૦૦૦

(૩) મંગળે મૂંઝવી માર્યા!

પ્રૂથ્વી પર મિથેન વાયુ માત્ર સજીવ ઘટકો દ્વારા પેદા થાય છે. મંગળ પર મિથેન હોય તો ત્યાં પણ સજીવ ઘટકો હોઈ શકે કે કેમ તે જાણવા માટે મંગળ પર અત્યારે બે યાન મારફતે મિથેન ગૅસની તપાસ ચાલે છે. એક તો ક્યૂરિઓસિટી ખોજમશીન મંગળની સપાટીની એક મીટરની ઊંચાઈએથી શોધ કરે છે. એને મિથેનના નમૂના મળ્યા છે. પરંતુ રશિયા અને યુરોપે સાથે મળીને મોકલેલું યાન ટી.જી.ઓ. મંગળના વાતાવરણમાં પાંચ કિલોમીટર ઉપરથી તપાસ કરે છે. પરંતુ એને મિથેનનો પુરાવો નથી મળ્યો. આનો અર્થ એ કે મિથેન બને તો છે પણ વાતાવરણમાં કંઈક એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જે મિથેનને નષ્ટ કરી નાખે છે.

પરંતુ એક વૈજ્ઞાનિક માને છે કે મંગળ પર મિથેન છે જ નહીં; ક્યૂરિઓસિટીને જે જોવા મળ્યું છે તે માત્ર અવલોકનની ભૂલ છે. જો કે ટી.જી.ઓ, ૨૦૨૨ સુધી શોધખોળ ચાલુ રાખશે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-019-01093-x

૦૦૦

(૪) વજન તરત જ ઊંચકી શકો તો જાણજો કે લાંબું આયુષ્ય છે!

સામાન્ય રીતે વ્યાયામમાં સ્નાયુની શક્તિ વધારવા પર ધ્યાન અપાય છે. એવું મનાય છે કે સ્નાયુ મજબૂત હોવા જોઈએ. આ સાચી વાત છે પણ ખરેખર તો સ્નાયુની કાર્યશક્તિ કેટલી છે તે મહત્ત્વનું છે. વ્રુદ્ધાવસ્થામાં બેઠા હોઈએ તો ઊભા થવામાં વાર લાગે. આનો અર્થ એ કે સ્નાયુની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ છે એટલે જે કામ દસ સેકંડમાં થઈ શકે તેમાં ત્રીસ સેકંડ લાગી જાય છે. આમાં સ્નાયુની મજબુતાઈ કે શક્તિ નહીં, એની કાર્યશક્તિનો સવાલ આવે છે. કાર્યશક્તિ એટલે જરૂરી બળ અને ગતિ પેદા કરવાની ક્ષમતા. ૪૦ વર્ષની ઉંમરની આસપાસ આ કાર્યશક્તિ ઘટવા લાગે છે. બ્રાઝિલના પ્રોફેસર અરાઉઝોએ એક મોટો પ્રયોગ હાથ ધરીને કહ્યું છે કે આપણાં અંગોની કાર્યશક્તિ મંદ પડતી જાય તે મૃત્યુનું મુખ્ય કારણ હોય છે, સ્નાયુ નબળા ન પણ હોય. પરંતુ પ્રોફેસર કહે છે કે આમાં બહુ કંઇ કરવાપણું નથી, આપણી કાર્યશક્તિ સરેરાશ આંક કરતાં ઉપર રહેવી જોઈએ. પુરુષ અને સ્ત્રીઓના સ્નાયુઓની કાર્યશક્તિનો આંક જુદો જુદો હોય છે.

પ્રોફેસર અરાઉઝોએ ૨૦૦૧થી ૨૦૧૬ સુધી ૩૮૭૮ લોકોના વ્યાયામ પર નોંધ તૈયાર કરી છે. આ બધા લોકોની ઉંમર ૪૧થી ૮૫ વર્ષ વચ્ચેની હતી. આ પ્રયોગમાં રોજિંદા જીવનમાં આપણે જેટલો ભાર ઊંચકી લઈએ તેટલો જ રાખવામાં આવ્યો. સામાન્ય રીતે પકડ મજબૂત બનાવવા માટેના વ્યાયામ હોય છે, એટલે બૉલને દબાવવો વગેરે પણ પ્રોફેસર અરાઉઝો વજન ઊંચકવાના વ્યાયામ સૂચવે છે. વજન બહુ ઓછું ન હોવું જોઈએ કે આપણે ઉપાડી ન શકીએ તેવું ન હોવું જોઈએ. જેમ કે, સામાનની બૅગ. શાકભાજીનો થેલો. એ જમીન પર હોય તે ઊંચકી લેવામાં કેટલો સમય લાગે છે તેના પરથી આપણું શરીર આપણને કેટલો સાથ આપશે તે નક્કી થાય છે. અહીં ઉપર તરફ ઊંચકવાના વ્યાયામની તસવીર આપી છે. એમાં સીધા ઊભા રહીને ઉપર તરફ વજન ખેંચવાનું છે.

સંદર્ભઃ https://www.escardio.org/The-ESC/Press-Office/Press-releases/Ability-to-lift-weights-quickly-can-mean-a-longer-life

૦૦૦

India: Slavery and struggle for freedom : Part 2 : Struggle for Freedom – Chapter 33

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩૩:  “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૩)

લક્ષ્મીબાઈને રાજતંત્ર સંભાળવાની જવાબદારી સોંપ્યા પછી પણ એમના વિશે અંગ્રેજી અફસરોમાં વિવાદ હતો એ આપણે ૩૨મા પ્રકરણમાં જોઈ લીધું. લૉર્ડ કૅનિંગ લક્ષ્મીબાઈને વિદ્રોહી માનતો હતો.

ઝાંસી પર હુમલો

૧૭મી ડિસેમ્બર ૧૮૫૭ના રોજ હ્યૂ રોઝે આખી ફોજનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો અને ૧૮૫૮ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ હૅમિલ્ટનને મોટી ફોજ સાથે સિહોર તરફ મોકલ્યો. રસ્તામાં ભોપાલની બેગમના આઠસો સિપાઈઓ પણ હૅમિલ્ટનની ફોજમાં જોડાયા. આ રીતે રોઝે રહેટગઢમાં ચાર દિવસની લડાઈ પછી પઠાણોના હાથમાંથી એમનો કિલ્લો કબજે કરી લીધો અને ત્યાંથી બાનપુર, સાગર, ગઢાકોટા કબજે કરી લીધાં હવે એ બુંદેલખંડ તરફ વળ્યો. હ્યૂ રોઝ અને કૉલિન કૅમ્પબેલ જાણતા હતા કે ઉત્તર હિન્દુસ્તાનમાં બળવાને કચડી નાખવો હોય તો ઝાંસી પર કબજો કરવાનું જરૂરી છે.

મદનપુર પાસેની લડાઈમાં રોઝને પોતાને ગોળી વાગી અને એનો ઘોડો માર્યો ગયો. આગળ વધતાં શાહગઢનો રાજા ભાગી છૂટ્યો. બાનપુરમાં મદન સિંહ પણ લડ્યા વગર જ ભાગી છૂટ્યો. ૧૪મી માર્ચે ફોજ ઝાંસીથી માત્ર ૧૯ માઇલ દૂર હતી અને કોઇ પણ ઘડીએ ઝાંસી પર હુમલો થવાનો હતો પણ ત્યાં એમને ગવર્નર જનરલનો હુકમ મળ્યો કે ઝાંસીની વાત પછી, હમણાં ચરખારી તરફ જાઓ. એનો રાજા અંગ્રેજોનો મિત્ર હતો અને તાંત્યા ટોપેએ એના પર હુમલો કર્યો હતો., એટલે તાંત્યાને હરાવવાનો હતો. પણ હેમિલ્ટને કહ્યું કે ચરખારી ૮૦ માઇલ દૂર છે એટલે ઝાંસી પર પહેલાં કબજો કરી લેવો જોઈએ. ૨૦મી માર્ચે ફોજ ઝાંસીની તદ્દન નજીક આવી ગઈ.

ઝાંસીનો કિલ્લો ઊંચાઈ પર બન્યો હતો અને બહુ મજબૂત હતો. એની દીવાલ એટલી પહોળી હતી કે આખી તોપ એના પરથી લઈ જઈ શકાતી. કિલ્લાની ફરતે ખાઈ હતી એટલે હુમલાખોર માટે કિલ્લામાં ઘૂસવું સહેલું નહોતું. રાણી પાસે ૫૧ તોપો હતી જેમાંથી કડકબિજલી, ઘનગરજત અને ભવાનીશંકર નામની તોપોને તો લોકકવિઓએ અમર બનાવી દીધી છે. કિલ્લા પર મોરચાબંધી કરવાનું અને દારૂગોળો લાવવા-લઈ જવાનું કામ સ્ત્રીઓ કરતી હતી!

૨૧મી માર્ચે હ્યૂ રોઝે કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો અને ક્યાંયથી પણ મદદ કિલ્લામાં ન પહોંચે તે માટે બધા રસ્તા બંધ કરી દીધા. કિલ્લાની અંદરની હીલચાલ જોવા માટે એક ઊંચી ટેકરી પર દૂરબીન પણ ગોઠવી દીધું. એક તારઘર પણ ઊભું કર્યું. એ જ સવારે બ્રિગેડિયર સ્ટૂઅર્ટ પણ પોતાની સેના લઈને આવી મળ્યો.

૨૩મી માર્ચે અંગ્રેજી ફોજે હુમલો શરૂ કર્યો પણ રાણીની ફોજે જડબાતોડ જવાબ આપ્યો તેમાં અંગ્રેજોના હોશકોશ ઊડી ગયા. બીજા દિવસની પરોઢે અંગ્રેજી ફોજે ૩૦૦ તોપો કિલ્લાની ફરતે ગોઠવી પણ ઉપરથી ઘનગરજતના ગોળાઓ પડતાં અંગ્રેજી ફોજના પગ ઊખડી ગયા. ૨૪મી માર્ચે અંગ્ર્જોએ ભારે હુમલો કર્યો તેમાં ઝાંસીના તોપચીઓ માર્યા ગયા અને તોપો ગરજતી બંધ થઈ. કિલ્લાની રક્ષણ વ્યવસ્થા પશ્ચિમ બાજુથી નબળી હતી. કોઈ જાણભેદુએ અંગ્રેજી ફોજને પશ્ચિમ બાજુએથી હુમલો કરવાની સલાહ આપી.

રાણીના રણકૌશલને કારણે ૩૧મી માર્ચ સુધી તો અંગ્રેજી ફોજ જીતનું સપનું જોઈ શકે એમ નહોતી. બીજી બાજુથી તાંત્યા ટોપે પણ વીસ હજારની સેના લઈને રાણીની મદદે આવી પહોંચ્યો. હ્યૂ રોઝ પાસે બન્ને સામે લડવા જેટલી તાકાત નહોતી. પરંતુ ચરખારી પર જીત મેળવ્યા પછી તાંત્યાની સેના બેદરકાર બની ગઈ હતી અને એનો પરાજય થયો. તાંત્યાના દોઢ હજાર માણસો માર્યા ગયા અને એને તોપો જેવો ભારે સરંજામ છોડીને કાલપી ભાગવું પડ્યું.

લડાઈના અગિયારમાં દિવસે રાણીએ પોતાના સરદારોને ઇનામો આપીને બહુ પોરસાવ્યા. બીજી બાજુ કિલ્લાની અંદર મહેલો અને મંદિરોને ભારે નુકસાન થયું હતું. અંતે પાયદળ સેનાને કિલ્લાની અંદર ઘૂસવામાં સફળતા મળી. હાથોહાથની લડાઈ થઈ તેમાં બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ.

હવે રાણી માટે ખરાખરીનો ખેલ હતો. એણે ખુલ્લી તલવાર હાથમાં લીધી અને પોતાના પંદરસો પઠાણ સૈનિકોની આગેવાની લઈને દક્ષિણના દરવાજેથી હુમાલો કર્યો પણ અંતે એ પાછી ચાલી આવી. આ બાજુ શહેરમાં અંગ્રેજી ફોજે પાંચ વર્ષના બાળકથી માંડીને એંસી વર્ષના વૃદ્ધ, જે સામે મળ્યા તેમને ઝાટકે દીધા. એમણે ભારે લૂંટ મચાવી અને રાણીના મહેલમાંથી બધું લૂંટી લીધું.

હવે રાણી પાસે કોઈ ઉપાય નહોતો. એણે બધા સરદારોને બોલાવીને કહ્યું કે પોતે આત્મહત્યા કરશે અને બાકીના સૌ પોતાના બચાવની વ્યવસ્થા કરી લે. પણ સૌની સલાહથી એ પુરુષ વેશમાં, દામોદર રાવને પીઠ પાછળ બાંધીને કાલપી તરફ નીકળી ગઈ. રાણી સાથે સૈનિકોની એક નાની ટુકડી પણ હતી. બીજા દિવસે પાંચમી ઍપ્રિલની સવારે અંગ્રેજ ફોજ કિલ્લામાં આવી ત્યારે એનો સામનો કરનાર કોઈ નહોતું.

કાલપી પહોંચતાં માર્ગમાં એ થાક ઉતારવા અને પુત્રને ખવડાવવા રોકાઈ ત્યાં વૉકર એનો પીછો કરતો આવ્યો. રાણી તરત ભાગી પણ વૉકર છેક રાણીની લગોલગ પહોંચી ગયો. રાણીએ એ તલવારના એક ઘા સાથે એને જખમી કરી દીધો, એ ઘોડા પરથી નીચે પડ્યો અને રાણી આગળ નીકળી ગઈ. રાતે બાર વાગ્યે લક્ષ્મીબાઈનો ઘોડો કાલપી પહોંચ્યો.

કાલપીની લડાઈ

૧૮૫૭ના જૂનમાં બળવો શરૂ થયો ત્યારે ઝાંસી અને કાનપુરના વિદ્રોહીઓ કાલપી આવી ગયા હતા. ત્યાંના એક ડેપ્યુટી કલેક્ટરને મારીને એમણે કાલપીમાંથી અંગ્રેજ રાજનો અંત આણી દીધો હતો. અહીં નાનાસાહેબના નાના ભાઈ રાવ સાહેબનો મુકામ હતો. આથી રાણીને આ સ્થાન ફાવે તેમ હતું. આશ્ચર્ય એ વાતનું છે કે અંગ્રેજોએ ઝાંસીને ઘેરો ઘાલ્યો ત્યારે રાવસાહેબે કેમ મદદ ન કરી.

હ્યૂ રોઝ પણ કિલ્લાઓ જીતતો કાલપી ભણી આવતો હતો. કાલપીમાં કર્નલ મૅક્સવેલ એક શીખ પલટન સાથે એને મળવાનો હતો. કાલપીની લડાઈમાં લક્ષ્મીબાઈ ઘોડાની લગામ મોઢામાં અને બે હાથે તલવાર વીંઝતી દુશ્મનની તોપો સુધી લડતી પહોંચી ગઈ. એના અદમ્ય સાહસથી બીજા સરદારોને પણ જોશ ચડ્યું.પરંતુ પેશવાની સેના જલદી હિંમત હારી બેઠી અને અંગ્રેજ ફોજ બમણા જુસ્સાથી હુમલા કરવા લાગી.૨૪મી એપ્રિલે અંગ્રેજી ફોજે કાલપી સર કરી લીધું. કિલ્લામાં તાંત્યાટોપેની મહેનતથી લડાઈનો ભારે સરંજામ એકઠો થયો હતો તે બધો અંગ્રેજી ફોજના હાથમાં આવી ગયો.

ગ્વાલિયરની લડાઈ

કાલપીનું પતન થતાં લક્ષ્મીબાઈ અને રાવ સાહેબ ગ્વાલિયર તરફ નીકળી ગયાં અને રસ્તામાં ગોપાલપુર ગામે રોકાયાં. તાંત્યા પણ એમને ત્યાં જ મળ્યો. પેશવાનો મિત્ર અને વિદ્રોહી બાંદા નવાબ પણ ત્યાં જ આવી ગયો. .આગળ શું કરવું એ સમજાતું નહોતું પણ રાણી લક્ષ્મીબાઈએ સલાહ આપી કે કિલ્લો હાથમાં ન હોય તો લડી ન શકાય. એટલે બધા ગ્વાલિયર તરફ રવાના થયા.ગ્વાલિયરના જિયાજીરાવ સિંધિયા અને કંપની વચ્ચે સારા સંબંધ હતા. કંપની રાજમાં ગ્વાલિયર એક અગત્યની કડી જેવું હતું. પરંતુ ગ્વાલિયરમાં ગોઠવાયેલી ફોજના હિન્દી સિપાઈઓ અને ખુદ સિંધિયાની દસ હજારની ફોજમાં અંગ્રેજો સામે ઊકળાટ હતો અને વિદ્રોહની આગ અહીં સુધી પહૉંચી હતી. એમાં સિંધિયાએ અંગ્રેજ કુટુંબોને સહી સલામત આગરા પહોંચાડી દીધાં હતાં.

બળવાખોરો સિંધિયાનું મન કળી નહોતા શકતા એટલ એમણે ત્રણસોની એક ટૂકડી બનાવીને જિયાજી રાવને જાણ કરી કે તેઓ આગરા પર હુમલો કરવા માગે છે. સિંધિયાએ એમાં મદદ કરવાની ના પાડી દેતાં એની અંગ્રેજ તરફી નીતિ જાહેર થઈ ગઈ.

આ બાજુ રાવસાહેબ અને રાણી લક્ષ્મીબાઈએ સિંધિયાને મિત્રભાવે લખ્યું અને દક્ષિણ તરફ જવામાં એની મદદ માગી, બીજી બાજૂથી તાંત્યાએ એના લશ્કરમાં ઘૂસીને વિદ્રોહ માતે સિપાઈઓને તૈયાર કર્યા. સિંધિયાએ વિદ્રોહીઓ સામે લડવાની તૈયારી કરી લીધી.

જૂનની પહેલી તારીખે સિંધિયાએ પોતે જ ફોજનું સુકાન સંભાળ્યું અને તાંત્યાની ફોજ પર તોપમારો કર્યો. રાવસાહેબની ફોજ એમ માનતી હતી કે તોપગોળા તો એમના સ્વાગત માટે ફેંક્યા છે. પરંતુ રાણી લક્ષ્મીબાઈને સ્થિતિ સમજાઈ ગઈ અને એમણે ગ્વાલિયરના સૈન્ય પર જોરદાર હુમલો કર્યો. સિંધિયાની મોટા ભાગની સેના તો સિંધિયાને છોડી ગઈ પણ જિયાજી રાવે પોતે થોડા અંગરક્ષકોની મદદથી લડાઈ ચાલુ રાખી. બન્ને પક્ષો વચ્ચે ભારે તલવારબાજી થઈ, અંતે જિયાજી રાવે પીછેહઠ કરી અને અંગ્રેજોણી આગરાની ગૅરિસનને આશરે પહોંચી ગયા. વિદ્રોહીઓએ ગ્વાલિયરમાં પ્રવેશ કર્યો.. ફોજ તો પહેલાં જ મનથી વિદ્રોહીઓ ભેગી થઈ ગઈ હતી. તાંત્યાની ફોજી ટૂકડી કિલ્લા પાસે પહોંચી ત્યારે સિંધિયાના સરદારોએ જાતે જ દરવાજા ખોલી દીધા.

હ્યૂ રોઝ ઝાંસી અને કાલપીના વિજયને માણી શકે તે પહેલાં એને ગ્વાલિયરના પતનના સમાચાર મળ્યા. એણે તરત ગ્વાલિયર પર હુમલાની તૈયારી કરી દીધી. એની ફોજ ગ્વાલિયરની નજીક પહોંચી આવી ત્યાં સુધી રાવસાહેબ કે તાંત્યા ટોપેને એની ખબર પણ ન પડી. ૧૬મી જૂને હ્યૂ રોઝના ઓચિંતા હુમલા સામે વિદ્રોહીઓની ફોજ વેરણછેરણ થઈ ગઈ. હવે રાણી લક્ષ્મીબાઈએ સુકાન સંભાળી લીધું અને ફરી બધાને લડવા માટે તૈયાર કર્યા.

રાણીનો અંત

૧૭મી જૂને અંગ્રેજોની સેના આગળ વધી કે તરત જ રાણીએ તોપમારો શરૂ કરી દીધો. અંગ્રેજોને પીછેહઠ કરવી પડી. પરંતુ એ તો માત્ર થોડા વખત માટે જ. એમણે ફરી સજ્જ થઈને હુમલો કર્યો. આ વખતે રાણીની ફોજના પગ ડગમગવા લાગ્યા. બીજા દિવસે પણ ભારે લડાઈ ચાલી ત્રીજા દિવસે ૧૯મી તારીખે રાણી અને એની એક દાસી પુરુષ વેશમાં યુદ્ધના મેદાનમાં ઊતરી પડી. એને ઘણાને કાપીનાખ્યા પણ એક તલાવ્રનો ઘા એના માથાના જમણા ભાગ પર પડ્યો. રાણીની આંખ બહાર નીકળી આવી પણ એ તે પછી પણ ઘોડો દોડાવતી ભાગી અને કોટે કી સરાય ગામ પાસે પહોંચી.

૧૯મી જૂન ૧૮૫૮ના દિવસે આ વીરાંગના મૃત્યુની ગોદમાં વિલય પામી. ખરું જોતાં એ માત્ર રાણીનો નહીં. ૧૮૫૭ના વિદ્રોહનો પણ અંત હતો. (જો કે રાણી લક્ષ્મીબાઈના મૃત્યુદિન અને અગ્નિસંસ્કાર વિશે જુદા જુદા હેવાલ મળે છે. એક હેવાલ પ્રમાણે એમનું મૃત્યુ ૧૭મીએ થયું, બીજો હેવાલ ૧૮મીએ મૃત્યુ થયું હોવાનું કહે છે. આનું કારણ એ છે કે રાણી પુરુષોના વેશમાં હોવાથી એને મારનારા પણ જાણી શક્યા નહોતા કે એ સ્ત્રી હતી. વળી એમના અગ્નિસંસ્કાર જોનાર પણ કોઈ હતું નહીં. મોટા ભાગની માહિતી અંગ્રેજી લેખકો અથવા અંગ્રેજભક્તોનાં પુસ્તકોમાંથી મળે છે. એ રીતે જોતાં રાણી લક્ષ્મીબાઈના ભાઈની પૌત્રીએ જે લખ્યું છે તે પણ સાંભળેલી વાતો જ છે.)

=-=-

પિતા અને દત્તક પુત્રનું શું થયું?

લક્ષ્મીબાઈએ ઝાંસી છોડ્યું ત્યારે પિતા મોરોપંત તાંબે પણ એક હાથી પર બધું ધન લઈને ઝાંસીથી નીકળ્યા હતા પણ રસ્તામાં હ્યૂ રોઝની ફોજે એમને પકડી લીધા. એમની પાસેનું બધું ધન લૂંટી લેવાયું મોરોપંત તાંબેએ પોતાનો બચાવ ન કર્યો એટલું જ નહીં પણ કહ્યું કે ઝાંસીમાં ફસાયેલા અંગ્રેજોને બચાવવા માટે એમણે કંઈ જ ન કર્યું.. ૧૯મી એપ્રિલે એમને જોખન બાગ પાસેના એક ઝાડ પર લટકાવી દેવાયા.ને ફાંસીએ લટકાવી દેવાયા.

દામોદર રાવ ૧૨ વર્ષની ઉંમરે અંગ્રેજોને શરણે થઈ ગયો. એનું જીવન જોખમાશે નહીં એવી ખાતરી આપવામાં આવી હતી. એના છ લાખ રૂપિયા કંપનીએ સંરક્ષક તરીકે રાખી લીધા હતા પણ રાણીના વિદ્રોહને કારણે આપ્યા નહીં. એને મહિને દોઢસો રૂપિયા અપાતા હતા, જે વધારીને બસ્સો કરવામાં આવ્યા હતા.

૦૦૦

સંદર્ભઃ

૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

India: Slavery and struggle for freedom : Part 2 : Struggle for Freedom – Chapter 32

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩૨:  “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૨)

રાણી લક્ષ્મીબાઈએ એ પહેલાં પણ ૧૮૫૪થી ૧૮૫૭ સુધી, ઘણા પત્રો લખીને ન્યાયની માગણી કરી હતી. ૧૮૫૭ના બળવા વખતે પણ એમનું વલણ એ જ હતું, પણ ન્યાય માટેની ઝંખના પણ એટલી જ પ્રબળ રહી એટલે અંગ્રેજો વિરુદ્ધ એમના મનમાં આક્રોશ તો વધતો જ જતો હતો. એમની નજરે ન્યાય એક જ રીતે થાયઃ અંગ્રેજ હકુમત સંધિનું શબ્દશઃ પાલન કરે અને દામોદર રાવને ગંગાધર રાવના વારસ તરીકે સ્વીકારીને રાજા તરીકે માન્યતા આપે; અને જ્યાં સુધી એ પુખ્ત વયે ન પહોંચે ત્યાં સુધી રાણીને એના વાલી તરીકે રાજકાજ સંભાળવાનો અધિકાર આપે. આ સિવાયની કોઈ પણ ઉદાર શરતોને રાણીએ ઠોકર મારી દીધી. દાખલા તરીકે, ૨૨મી ઍપ્રિલ, ૧૮૫૪ના પત્રમાં રાણીએ ગવર્નર જનરલ ડલહૌઝીને રાજ્યમાં સીધું બ્રિટિશ શાસન લાગુ કરવાનું એક મહિના માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને એ દરમિયાન એમણે પોતાની વફાદારી સાબીત કરી દેવાની તૈયારી પણ દેખાડી હતી.

રાણીએ કહ્યું કે આમ છતાં, જો એ નિર્ણય લાગુ કરાશે તો અમારા લોકો જેને લશ્કર કહે છે તેની પાંચસો કટાયેલી તલવારો અને નુકસાન કરી ન શકે તેવી પચાસ તોપો ભારે દુઃખ સાથે, પણ બીજો કોઈ દેખાડો કર્યા વગર તમારા (ગવર્નર જનરલના) એજંટને સોંપી દેશું.”

ગવર્નર જનરલ પાસેથી ન્યાય નહીં મળે તેમ લાગતાં રાણીએ લંડનમાં કોર્ટ ઑફ ડાયરેક્ટર્સને અપીલ કરી. આમાં જે ભાષા વાપરી છે તે તીક્ષ્ણ બુદ્ધિ અને હિંમતનો પરિચય આપે છે. એણે જે દલીલો કરી છે તેમાં અંગ્રેજોની સત્તા સામે નમતું ન મૂકવાની તૈયારી દેખાય છે. રાણી હિંમતથી એનું રાજ્ય લઈ લેવાના પગલાને પડકારે છે. એ મુદ્દાવાર લખે છેઃ

ઝાંસીના હમણાંના અને પહેલાંના શાસકોને ઈસ્ટ ઇંડિયા કંપનીની બ્રિટિશ સરકારથી સ્વતંત્રપણે ઝાંસીના પ્રદેશ અને સરકારમાં સંપૂર્ણ અને અકાટ્ય અધિકાર છે. આ અધિકાર કોઈ સંધિ દ્વારા કે બીજી રીતે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં ગયો નથી અથવા તો રાણી અથવા એના પુરોગામીઓએ ફરજ ચૂકવાને કારણે કે લડાઈમાં અથવા (સામા પક્ષના) વિજયને કારણે ખોયો નથી.

આ અધિકાર રાજા ગંગાધર રાવના અવસાન પછી કોઈ વારસ ન હોવાને કારણે ઉપરી સરકારના હાથમાં જતો નથી. હિન્દની સરકારે દત્તકનો ઇનકાર નથી કર્યો, દત્તક લેવાની અસરનો ઇનકાર કરે છે.

રાણી આગળ સીધો જ સવાલ કરે છેઃ

દત્તક લેવાની અસરોનો સ્વીકાર ન કરવાથી ઈસ્ટ ઇંડિયા કંપનીને ઝાંસીની માલિકી મળી જાય છે? એને કારણે શું એને અધિકાર મળી જાય છે કે ઝાંસીના રાજ્યનો વહીવટ કરે અને પ્રદેશનો ઉપભોગ કરે?

અરજીનો બંધ વાળતાં રાણીએ લખ્યું કે,

આ કેસને કારણે હિન્દના બધા રાજાઓ અને જાગીરદારોમાં અજંપો છે. સૌ ભારે ઇંતેજારીથી એના પરિણામની રાહ જુએ છે અને તેઓ એના પરિણામ પરથી નક્કી કરશે કે બ્રિટિશ સરકારનો ભરોસો કરવો કે કેમ.

પરંતુ કોર્ટ ઑફ ડાયરેક્ટર્સ માટે ડલહૌઝીએ કહી દીધું તે જ કાયદો હતો.

આમ છતાં હજી સુધી રાણીએ અંગ્રેજી હકુમત સામે છડેચોક બહાર આવવાનો નિર્ણય નહોતો કર્યો. એને કિલ્લો છોડી દીધો અને શહેરના મહેલમાં સાદું જીવન ગાળવાનું શરૂ કરી દીધું એમના પત્રોમાં છેક ૧૮૫૭ની શરૂઆત સુધી સંઘર્ષ ટાળવાનું વલણ રહ્યું. ૨૩મી જૂનના એક પત્ર દ્વારા કંપનીએ ઝાંસીના રક્ષણની જવાબદારી રાણીને સોંપી હતી. એના જવાબમાં રાણીને અંગ્રેજ વહીવટીતંત્ર તરફથી પત્ર મળ્યો તેમાં રાણીને જિલ્લાની જવાબદારી સોંપવાનું જાહેરનામું સાથે બીડ્યું હોવાનું લખ્યું હતું પણ હકીકતમાં જાહેર-નામું હતું નહીં. ૨૯મી જુલાઈએ રાણીએ જાહેરનામું નથી મળ્યું એવી જાણ કરી. એનાથી પહેલાં અને તે પછી, રાણીએ ત્રણ પત્રો મોકલ્યા હતા એનો જવાબ મળ્યો નહોતો એટલે આ પત્રમાં રાણીએ શંકા દેખાડી કે પત્રવાહકો બળવાખોરોના ભયથી કાં તો પહોંચ્યા જ નથી અથવા તો બળવાખોરોની બીકને લીધે જવાબ લીધા વિના ભાગી છૂટ્યા છે

તે પછી બનેલા બનાવોની વિગતો રાણીએ પોતાના ૧લી જાન્યુઆરી ૧૮૫૮ના પત્રમાં આ રીતે આપી છેઃ

રાજ્યમાં અરાજકતાની સ્થિતિ જોઈને પૂર્વ અને પશ્ચિમેથી દાતિયાની રાણી અને ઓરછાના રાજાએ ઝાંસીના ઘણા પ્રદેશ કબજે કરી લીધા.

ત્રીજી સપ્ટેમ્બરે (૧૮૫૭) ઓરછાના રાજાએ ૪૦ હજારનું દળકટક ઉતાર્યું. એના લશ્કરમાં ૨૮ તોપો હતી. બીજા જાગીરદારો પણ એમાં ભળ્યા. લડાઈમાં ઝાંસીના ઘણા માણસો માર્યા ગયા. મેં મદદ માગી પણ મને જવાબ મળ્યો કે કંપનીની ફોજ જબલપુરમાં એકઠી થાય છે. બે મહિના પછી ઓરછા અને દાતિયાની ફોજો હટી ગઈ પણ ઝાંસીના પ્રદેશો પરથી કબજો ન છોડ્યો. લડાઈમાં રાણીએ પોતે ખર્ચ કર્યો. રાણી કહે છે કે બ્રિટિશ મદદ વિના એ પોતાના કરજનો ભાર ઉતારી શકે તેમ નથી.

રાણીએ નિરાશા પણ વ્યક્ત કરી છે કે –

“કમિશનર મને મદદ કરવા તૈયાર હોય એમ નથી જણાતું કારણ કે એણે એના ૯મી નવેમ્બરના પત્રમાં લખ્યું છે કે બ્રિટિશ ફોજની હમણાં એના હેડક્વાર્ટર્સ પર જરૂર છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા માણસોને બ્રિટિશ સર્વોપરિતાનો ખ્યાલ નથી અને મને તેમ જ આખા દેશને પાયમાલ કરી નાખવા માગે છે…”

રાણીની ભાષામાં ક્યાંય દાસતાની છાંટ પણ નથી. એ તો સમોવડિયા શાસક તરીકે બ્રિટિશ હકુમત સાથે વાત કરે છે!

રાણી વિરુદ્ધ બ્રિટિશ સરકારના કાવાદાવા

રાણીના તમામ પ્રયત્નો છતાં અને બળવાખોરો વિરુદ્ધ રાણીએ મદદ આપી હોવા છતાં અંગ્રેજો એમના દત્તક પુત્રને માન્યતા આપવા તૈયાર નહોતા. એમને એમના પર ભરોસો નહોતો. ઊલટું, એમને એમના વાજબી અધિકારથી વંચિત કર્યા પછી પણ એમની વિરુદ્ધ કંઈક ને કંઈક કરતા રહ્યા. એમને માલિક તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે મિલકતનો સ્વીકાર કરવા સૂચવ્યું; રાણીએ પોતે માલિક હોવાનું કહીને ટ્રસ્ટી બનવાની ના પાડી. ટ્રસ્ટી તરીકે પણ કોઈ બૅંકરને જામીન બનાવવાનો હતો. રાણીને આ અપમાનજનક લાગ્યું. જો કે, અંગ્રેજ સરકારે આમાં નમતું આપ્યું અને સાદી પહોંચ પર મિલકત સોંપી દીધી. બદલામાં રાજ્યના કામકાજ માટે પહેલાં કંઈ દેવું હતું તેની જવાબદારી રાણી પર નાખી કારણ કે હવે મિલકત રાણીના હાથમાં માલિક તરીકે આવી હતી. આ દેવું પેન્શનમાંથી વસૂલ કરવાની વાત આવી પણ રાણીએ એનો ઇનકાર કરતાં અંતે પેન્શન જ બંધ કરી દેવાયું. રાણી હસ્તક કેટલાક બાગ હતા તેમાંથી એક રહેવા દઈ બીજા બધા બાગ અંગ્રેજ હકુમતે લઈ લીધા. રાણીએ જે જમીન દાનમાં આપી હતી તે પણ અંગ્રેજી હકુમતે પોતાના કબજામાં લઈ લીધી.

ગૌવધની છૂટ

ઝાંસીમાં ગૌવધની બંધી હતી પણ અંગ્રેજોએ એની ફરી છૂટ આપી. રાણીએ ૨૧મી ઓગસ્ટ ૧૯૫૪ના પત્રમાં સરકારને લખ્યું કે તમે મારું રાજ્ય તો અન્યાયથી ઝુંટવી લીધું, હવે મારા અને મારી પ્રજાના ધર્મ પર હુમલો કરો છો. લક્ષ્મીબાઈએ આનાં ગંભીર પરિણામો આવવાની ચેતવણી પણ આપી. આ નિર્ણય બાબતમાં હકુમતમાં પણ વિવાદ હતો કે હજી હમણાં જ રાજ્ય ખાલસા કર્યું છે ત્યારે આ નિર્ણય કસમયનો હતો. સામે પક્ષે એવી દલીલ હતી કે નિર્ણય ફેરવવાનો અર્થ એ થશે કે આપણે લક્ષ્મીબાઈને રાજ્ય પાછું આપવા તૈયાર છીએ.

આ બધાં અપમાનો ઉપરાંત રાજ્ય ખાલસા કરી લેવાયા પછી ફોજને વીખેરી નાખવામાં આવી હતી, પરિણામે બેરોજગારી ફેલાઈ હતી અને અંગ્રેજ હકુમત વિરુદ્ધ ક્રોધ વધતો જતો હતો. પાંચમી જૂને વિદ્રોહ શરૂ થયો તે વખતની લક્ષ્મીબાઈની ભૂમિકા વિશે પણ અંગ્રેજી હકુમતમાં બે મત હતા. આમાંથી ગવર્નર જનરલ કૅનિંગને રાણી પર વિશ્વાસ નહોતો. એને ખાતરી હતી કે રાણીએ આડકતરી રીતે બળવાખોરોને ટેકો આપ્યો હતો અને ઝાંસી પર સૈન્ય મોકલીને રાણીને કેદ કરી લેવાની જરૂર હતી.

તો, રાણીએ પણ એક બાજુથી અંગ્રેજો પર દબાણ ચાલુ રાખ્યું હતું તો બીજી બાજુથી અગમચેતી રૂપે બીજી તૈયારી પણ ૧૮૫૭થી જ શરૂ કરી દીધી હતી.

આપણે ગયા અઠવાડિયે પાંચમી જૂનથી શરૂ થયેલા બળવાની થોડી વિગતો જોઈ લીધી છે એટલે હવે એ ખૂનામરકીમાં ઊંડા નહીં ઊતરીએ, માત્ર આપણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા પર ધ્યાન આપીશું. એમણે સંગઠિત થઈને અંગ્રેજો સામે લડવાની યોજના કરી રાખી હતી, તે નીચેના બે પત્રોમાંથી પ્રગટ થાય છે.

રાણીએ રાજા મર્દનસિંહને આ પત્રો લખ્યા છે. બળવા પછી લલિતપુર અને સાગરની સેનાઓએ અંગ્રેજી પલટનોનો ખાતમો બોલાવીને રાજા મર્દન સિંહને સરદારી સોંપી હતી. પહેલો પત્ર વિ. સં. ચૈત્ર સુદ ભૌમ (મંગળ) તિથિ(?) સંવત ૧૯૧૪ (ઈ. સ. ૧૮૫૮)ના લખાયેલો છે. લક્ષ્મીબાઈ બહુ આદરપૂર્વક મર્દનસિંહને સંબોધિત કરે છે અને કહે છે કે દુલારેલાલના હાથે મોકલેલો પત્ર મળતાં તમે ફોજની તૈયારી કરો છો તે જાણ્યું. હમારી રાય હૈ કે વિદેસિયોં કા સાસન ભારત પર ન ભઓ ચાહિજે ઔર હમકો અપુન કે બડૌ ભરોસો હૈ ઔર હમ ફૌજ કી તૈયારી કર રહે હૈં. અંગરેજન સે લડવૌ બહુત જરૂરી હૈ.” (મુકામ ઝાંસી)

બીજો પત્ર પણ રાજા મર્દન સિંહને જ શ્રાવણ સુદ ૧૪, સોમવાર, સંવત ૧૯૧૪ના રોજ લખેલો છે. આ પત્રમાં રાણીએ વ્યૂહની ચર્ચા કરી છે. રાણી વ્યૂહ સમજાવતાં મર્દનસિંહને કહે છે: અપુન આપર ઉહાં કે સમાચાર ભલે ચાહિજે, ઇહાં કે સમાચાર ભલે હૈં. આપર અપુન કી પાતી આઈ સો હાલ માલુમ ભને શ્રી મહારાજ સાહ ગઢ કી પાતી કો હવાલો દઓ સો માલુમ ભઓ. આપર ઈહાં સે લિખી કે આપ સાગર કો કૂચ કરેં. ઉહાં દો કંપની બિચ મેં સાહબન કી હૈ ઉનકો મારત વ ખેડત સાહગઢ વારે રાજા કો લિવા સીધે ઉત ફૌજ કે સીધે કાલપી કુચ કરેં. હમ વ તાત્યા ટોપે વ નાનાસાહબ ફૌજ કી તૈયારી મેં લગે હૈં સો આપ સીધે નોંટ (?)ઘાટ પર સર હિયૂ રોજ (હ્યૂ રોઝ) કી ફૌજ કો મારત વ ખેડત કાલપી કો કૂચ કરેં. ઈહાં સે હમ આપ સબ જને મિલ કે ગ્વાલિયર મેં અંગરેજન પર ધાવા કરેં. પર દેર ન ભઓ ચાહિજે. દેખત પાતી કે સમાચાર દેવેમેં આવૈ. (મુકામ કાલપી).

અહીં જોવાનું એ છે કે રાણી લક્ષ્મીબાઈએ આ પત્રોમાં ભારતની વાત કરી છે, માત્ર ઝાંસીની નહીં. એટલે “મેરી ઝાંસી નહીં દૂંગી” એ પ્રત્યાઘાત તો તાત્કાલિક સામે આવી પડેલી સ્થિતિનો હતો. આપણી પાસે રાણીની મનઃસ્થિતિ જાણવા માટે બીજાં કોઈ સ્વતંત્ર સાધન નથી પરંતુ. રાણી લક્ષ્મીબાઈને જરૂર એમ લાગ્યું હોવું જોઈએ કે અંગ્રેજો જે આખા દેશમાં કરે છે તે જ ઝાંસીમાં કર્યું છે. આમ રાણીએ એને માત્ર વ્યક્તિગત અન્યાય નહીં, અન્યાયી વ્યવસ્થા તરીકે જૂએ છે. રાણીનો એક પત્ર છે જેમાં એમણે ‘સુરાજ’(સ્વરાજ) શબ્દનો ઉપયોગ કર્યો છે. (કમનસીબે એ મૂળ પત્ર મળ્યો નથી, કોઈ વાચકને મળે તો એ બહુ ઉપયોગી થશે. અહીં એનો પાઠ આપું છું –

“ શ્રી મહારાજા શ્રી રાજા મર્દનસિંહ બહાદુર જૂ દેવ ઐતે શ્રી મહારાની લક્ષ્મીબાઈ…… આપર અપુન કી વ હમારી વ શાહગઢ ઔર તાત્યા ટોપે કી જો સલાહ કરી થી કે સુરાજ ભઓ, શાસન ભઓ ચાહિજે. ઐ હી હમારી રાય…અપુનો હી દેસ હૈ… (પોષ સંવત ૧૯૧૪).”

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરગાથા આવતા પ્રકરણમાં સમાપ્ત થશે.

૦૦૦

સંદર્ભઃ

૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. झांसी की रानी (ऐतिहासिक उपन्यास) वृंदावन लाल वर्मा, मयूर प्रकाशन, झांसी/दिल्ली. छठ्ठा संस्करण,1956 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૩. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૪. કરજો યાદ કોઈ ઘડી…શહીદોના પત્રો. (મૂળ હિન્દી ‘યાદ કર લેના કભી…શહીદોં કે ખત’નો અનુવાદઃ દીપક ધોળકિયા) પ્રકાશન વિભાગ, ભારત સરકાર, ૧૯૯૭.

Science Samachar (64)

() રોગ પ્રતિકાર તંત્ર પોતાના પર શા માટે હુમલો કરે છે તે જાણવાની દિશામાં આગેકદમ

હ્યુસ્ટન યુનિવર્સિટીના બાયોમોલેક્યૂલર રીસર્ચર નવીન વરદરાજન અને એમની ટીમે રુમેટોઇડ આર્થરાઇટિસ (ફરતો વા)માં ઇમ્યૂન સિસ્ટમ (રોગ પ્રતિકાર તંત્ર) પોતે જ પોતાના પર શા માટે હુમલો કરે છે તે જાણવાની દિશામાં મહત્ત્વનું આગેકદમ ભર્યું છે. એમનો આ લેખ Arthritis & Rheumatology journal માં પ્રકાશિત થયો છે. આ પ્રકારનું આ સંશોધન સૌ પહેલી વાર થયું છે. આવા રોગોને ઑટોઇમ્યૂન રોગો કહે છે.

એમણે રુમેટોઇડ આર્થરાઇટિસ (RA)માં B કોશો શી રીતે વર્તે છે તેનો અભ્યાસ કર્યો છે. B કોશો શ્વેતકણો છે અને ખરેખર તો એમનું કામ રોગનાં વાઇરસ કે બૅક્ટેરિયા પર હુમલો કરવાનું છે. જ્યારે કોઈ નવું પૅથોજેન (રોગ ફેલાવે તેવું વાઇરસ કે બૅક્ટેરિયા) શરીરમાં આવે ત્યારે આ શ્વેતકણોનું એક નાનું જૂથ ઍન્ટીબોડી બનાવે છે. દરેક વ્યક્તિમાં ૧ કરોડથી માંડીને ૧૦ કરોડ જેટલા B કોશો એવા હોય છે કે જે પોતાની મેળે ઍન્ટીબોડી બનાવી શકે છે. આમાંથી સારા કયા અને ખરાબ કયા તે શોધવાનું કામ મહેનત માગી લે તેવું હતું. આમ છતાં, એમણે શોધી કાઢ્યું કે ખરાબ કોશોની સંખ્યા એક હજાર કરતાં ઓછી હોય છે. ટીમના પોસ્ટડૉક્ટરલ રીસર્ચર અંકિત મહેન્દ્રે શોધ્યું કે ખરાબ કોશોમાં IL-15Rα પ્રોટીન હોય છે.

હવે વૈજ્ઞાનિકો આ પ્રોટીનને કે આવા કોશોને રોકવાનું શોધી લેશે તે પછી રુમેટોઇડ આર્થરાઇટિસ ભૂતકાળની વાત બની જશે.

સંદર્ભઃ http://www.uh.edu/news-events/stories/2019/april-2019/041119-bcells-ra-varadarajan.php

૦૦૦૦

(૨) પરંતુ આવા ઑટોઇમ્યૂન રોગો સ્ત્રીઓને શા માટે વધારે થાય છે?

ઊપરના સમાચારમાં આપણે જોયું કે ઑટોઇમ્યૂન રોગ થવાનું મૂળ કારણ શું છે. પરંતુ, B કોશ ખરાબ હોય તો પણ માત્ર સ્ત્રીઓ શા માટે રુમેટોઇડ આર્થરાઇટિસ જેવા રોગોનો વધારે શિકાર બને છે? મિશિગન યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એનું કારણ શોધી કાઢ્યું છે.

JCI Insight સામયિકમાં સંશોધનનો નિષ્કર્ષ આપતાં લેખકો કહે છે કે અમુક અંશે આપણી ત્વચા એના માટે જવાબદાર હોય છે. ત્વચાની નીચે VGLL3 નામની ‘આણ્વિક સ્વિચ’ હોય છે. એ પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે જોવા મળે છે. વધારાના VGLL3ને કારણે જીનનાં અમુક કાર્યોમાં અવરોધ પેદા થાય છે.

પરંતુ સંશોધકો હજી એ જાણતા નથી કેસ્ત્રીઓની ત્વચા નીચે જ VGLL3 શા માટે વધારે હોય છે. એક અનુમાન છે કે પ્રજનનશક્તિને કારણે સ્ત્રીનું રોગ પ્રતિકાર તંત્ર વધારે મજબૂત હોય તે જરૂરી છે. આથી વધારે VGLL3ની જરૂર પડે છે, પણ એનો રોગ સામે બચાવમાં અતિ ઉત્સાહી થઈ જાય અને શરીરને જ દુશ્મન માનવા લાગે તો એ ઑટોઇમ્યૂન રોગોને મિત્ર માનીને મદદ કરવા લાગી જાય છે.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2019/04/190419103713.htm

૦૦૦૦

(૩) ભારતમાં રક્તપિત્ત ફરી માથું ઊંચકે છે

૨૦૦૫માં રક્તપિત્તની નાબૂદી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું કોઈ નવો કેસ નહોતો નોંધાયો પણ હવે રક્તપિત્તે ફરી માથું ઊંચક્યું છે. ૨૦૦૫ પછી રક્તપિત્તની સારવાર પર પણ ધ્યાન ઓછું થઈ ગયું હતું. કદાચ એ જ કારણે ફરી રોગ ફેલાવા લાગ્યો હોય.

રક્તપિત્ત માઇકોબૅક્ટેરિયમ લેપ્રીને કારણે થાય છે. આ રોગ સદીઓથી ફેલાયેલો છે પણ આ બૅક્ટેરિયાને લૅબોરેટરીમાં વિકસાવી શકાતું નથી એટલે રોગનાં મૂળ સુધી પહોંચી શકાતું નથી.

મોટા ભાગે તો રક્તપિત્તની શરૂઆતમાં ચામડી પર ઝાંખાં ધાબાં ઊપસે છે, એમાં સંવેદન બુઠ્ઠું થઈ ગયું હોય છે. ધીમે ધીમે બૅક્ટેરિયા ફેલાય છે અને અંગો ખવાઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર વર્ષે એક લાખ કેસોમાં રક્તપિત્ત હોવાનું નિદાન થાય છે. દુનિયાના ૬૦ ટકા કેસો ભારતમાં બને છે.

સંદર્ભઃ https://www.nytimes.com/2019/04/17/health/leprosy-india-disease.html

૦૦૦૦

(૪) ગોરિલાઓ પણ સ્વજનના મૃત્યુ પછી શોક કરે છે.

આપણે જે માનતા હોઈએ પણ ગોરિલાઓ પણ લાગણી વ્યક્ત કરી શકે છે. આમ પણ ગોરિલા બુદ્ધિશાળી પ્રાણી છે. રુઆંડાના જંગલમાં પ્રાણી નિષ્ણાતોએ એક જ વર્ષમાં બે ગોરિલાઓનાં મૃત્યુની ઘટના જોઈ ત્યારે એમના સાથીની વર્તણૂક એવી હતી કે જેને શોક ગણાવી શકાય. નિષ્ણાતોએ એક ગોરિલાનું નામ ટાઇટસ રાખ્યું હતું. એનું મૃત્યુ થયું ત્યારે એનો ૩૫ વર્ષનો સાથી એની પાસે આખો દિવસ રહ્યો અને રાતે એની જ બખોલમાં સૂતો. બીજી બાજુ ટક નામની માદા મરી ગઈ ત્યારે એનો ૩૮ વર્ષનો પુત્ર એને છોડવા નહોતો માગતો એટલું જ નહીં, એને વર્ષો પાહેલાં ધાવણ છોડી દીધું હોવા છતાં ધાવવાની પણ કોશિશ કરી.

એ જ રીતે માત્ર પોતાની ટોળીના કોઈ સભ્યના મૃત્યુ વખતે જ નહીં, હરીફ જૂથનો કોઈ સભ્ય મરી જાય ત્યારે પણ ગોરિલા આવું જ સન્માનભર્યું વર્તન કરે છે. કોંગોમાં એક ગોરિલા ટોળી જંગલમાંથી જતી હતી ત્યારે એમણે એક ગોરિલાનું શબ જોયું. બધા ગોરિલા બેસી ગયા અને એને જોતા રહ્યા. કેટલાકે તો એનાં અંગોને અડકીને તપાસ પણ કરી. નિષ્ણાતો કહે છે કે ગોરિલાઓએ પોતાના જૂથના સભ્યનું મૃત્યુ થાય ત્યારે જેવું વર્તન કરતા હોય છે તેવું તો નહોતું, પણ મૃત્યુ વખતે જે શોક અને ગંભીરતા જાળવવાની હોય તે ચોક્કસ દેખાઈ આવતી હતી.

સંદર્ભઃ https://www.smithsonianmag.com/smart-news/gorillas-appear-grieve-their-dead-180971896/

૦૦૦

India: Slavery and struggle for freedom : Part 2 :: Struggle for Freedom – Chapter 31

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

 પ્રકરણ ૩૧:  “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૧)

સાતમી માર્ચ ૧૮૫૪ના રોજ કંપની સરકારે જાહેરનામું બહાર પાડીને ઝાંસીને ખાલસા કરી લીધું. મૅજર ઍલિસ રાણી લક્ષ્મીબાઈને આ સમાચાર આપવા ગયો. રાણીએ પરદા પાછળથી આ સાંભળ્યું. એને આઘાત લાગ્યો. કળ વળતાં એણે શાંત પણ ઊંચા સ્વરે કહ્યું, “મેરી ઝાંસી નહીં દૂંગી” (જો કે એલિસના રિપોર્ટમાં “મેરા ઝાંસી દેંગા નહીં” એવું છે, પણ એ એલિસની હિન્દી હોય, રાણીની નહીં).

ભારતના ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈનું નામ અજરઅમર છે. એની વીરતા દંતકથાઓનો વિષય છે અને એને પરાજિત કરવા માટે દાંત કચકચાવીને પાછળ પડેલા અંગ્રેજ લશ્કરી કમાંડર હ્યૂ રોઝની કલમેથી પણ રાણીની પ્રશંસા નીકળી છે.

૦૦૦

૧૮૧૭માં પેશવાઈ નબળી પડી ચૂકી હતી. કંપની સરકારે પૂનામાં બાજીરાવ બીજા સાથે સંધિ કરીને એને આઠ લાખનું સાલિયાણું બાંધી આપ્યું અને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. નાનાસાહેબ અને એના નાના ભાઈ રાવસાહેબને બાજીરાવ બીજાએ દત્તક લીધા હતા (આપણે પહેલાં વાંચી ગયા છીએ). બાજીરાવનો ભાઈ ચિમાજી કાશી ચાલ્યો ગયો. એ પોતાની સાથે મોરોપંત તાંબે નામના એક બ્રાહ્મણને પણ લઈ ગયો.

એ વખતે બાજીરાવનો એક તાબેદાર શિવરાવ ભાઉ ઝાંસીનો સૂબેદાર હતો. તે સિવાય બુંદેલખંડ પ્રદેશ ખાસ કરીને, ઝાંસીની આસપાસની બધી જાગીરો કંપનીના હાથમાં હતી. આથી ઝાંસીને હાથમાં રાખવાની જરૂર હતી. એટલે ૧૮૩૨માં કંપનીએ શિવરાવ ભાઉના સગીર વયના પૌત્ર, (સૌથી મોટા પુત્ર કૃષ્ણરાવના પુત્ર) સૂબેદાર રામચંદ્ર રાવ સાથે બીજી સંધિ કરી. હવે ઝાંસી પેશવાની જગ્યાએ કંપનીને અધીન હતું. તે પછી ૧૮૩૨માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે રામચંદ્ર રાવને રાજાની પદવી આપી. એ સગીર વયનો હતો ત્યાં સુધી તો એની માતા સખુબાઈએ રાજકાજ સંભાળ્યું પણ રામચંદ્ર રાવ હવે ઉંમરવાન બની ગયો હતો અને તેમાં એને રાજાની પદવી પણ મળી એટલે બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એણે પોતાના રાજ્યાભિષેકમાં જ ઝાંસીનો રાજ-ખજાનો લગભગ ખાલી કરી નાખ્યો. સખુબાઈને ખજાના કરતાં હવે પોતાની સત્તા ન રહેવાનું બહુ દુઃખ હતું.

એ બહુ કઠોર સ્ત્રી હતી. એણે પોતાના જ પુત્રને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.રામચંદ્ર રાવને તરવાનો બહુ શોખ હતો એટલે સખુબાઈએ તળાવમાં ભાલા ખોડાવી દીધા, પરંતુ રામચંદ્ર રાવ એના બે મિત્રોની મદદથી બચી ગયો. તે પછી એણે પોતાના બે કાકાઓ રઘુનાથ રાવ અને ગંગાધર રાવની સલાહથી માતા સખુબાઈને કેદમાં નાખી દીધી. જો કે, એને પછી છોડી મૂકવામાં આવી હતી.

રામચંદ્ર રાવ જુવાનીમાં જ નિઃસંતાન મૃત્યુ પામ્યો. તે પછી એના કાકા રઘુનાથ રાવના હાથમાં સત્તા આવી. પરંતુ એય વારસ મૂક્યા વિના જ મૃત્યુ પામ્યો. એની અંતિમ ક્રિયા પૂરી થાય તે પહેલાં જ સખુબાઈએ કિલ્લાનો કબજો લઈ લીધો અને તોપચીઓ ગોઠવી દીધા. સખુબાઈને કેદ કરવાનો નિર્ણય લેનારામાં ગંગાધર રાવ પણ હતો. એટલે એ ભાગ્યો અને કાનપુરમાં અંગ્રેજોનું શરણું માગ્યું.

કંપનીના પોલીટિકલ રેસીડેંટ ફ્રેઝરે વચ્ચે પડીને ઝઘડાનો નિકાલ કર્યો, પરિણામે સખુબાઈને કિલ્લામાંથી ભાગવું પડ્યું અને ગંગાધરરાવને સૂબેદારી મળી. એને સૂબેદારમાંથી બઢતી આપીને રાજાની પદવી આપતાં પહેલાં જ કંપની સરકારે એની સાથે સંધિ કરી લીધી હતી કે એણે ઝાંસીના રક્ષણ માટે રાજ્યના ખર્ચે થોડી અંગ્રેજ સેના રાખવી પડશે. આના ખર્ચ પેટે ગંગાધરરાવે કંપનીને એક આખો જિલ્લો સોંપી દીધો.

તે પછી મોરોપંત તાંબેની ૧૪ વર્ષની પુત્રી મણિકર્ણિકા અથવા મનુ સાથે ૪૦ વર્ષના ગંગાધર રાવનાં લગ્ન થયાં. સાસરામાં એનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. એમને એક સંતાન થયું પણ એનું ત્રણ મહિનાની વયે જ મૃત્યુ થઈ ગયું. આના આઘાતમાં ગંગાધર રાવની તબીયત લથડી ગઈ. મરતાં પહેલાં એણે એક બાળકને દત્તક લીધો અને એનું નામ દામોદર રાવ રાખ્યું. બીજા જ દિવસે ૧૮૫૨ની ૨૧મી નવેમ્બરે ગંગાધર રાવનું મૃત્યુ થઈ ગયું.

આ બાજુ રાણી અને રાજ્યની જનતાની નજરે હવે દત્તક પુત્ર ગાદીપતિ હતો અને રાણી એના વતી કારભાર સંભાળે તે સામાન્ય હતું પણ અંગ્રેજ રેસીડેંટોએ ગંગાધર રાવ સાથે થયેલી સમજૂતીનો હવાલો આપીને કંપનીને રિપોર્ટ મોકલ્યો કે રાજાને કંપની સરકારની પરવાનગી વિના દત્તક લેવાનો અધિકાર નહોતો. એટલે રાણીને સાલિયાણું બાંધી આપીને રાજ્યનો વહીવટ સંભાળી લેવો જોઈએ. પણ ગવર્નર જનરલ ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી આશ્રિત રાજ્ય હતું, એનો કોઈ પરંપરાગત રાજા નહોતો એટલે દત્તકને સોંપવાનો સવાલ જ નહોતો. વળી “ઝાંસીની પ્રજાના કલ્યાણ માટે” કારભાર સંભાળી લેવાથી આખો બુંદેલખંડ એક નેજા નીચે આવી જશે.

ડલહૌઝીએ કહ્યું કે રાજાને હિન્દુ વિધિ પ્રમાણે દત્તક લેવાનો અધિકાર તો છે, પણ રાજકારભાર એમાં ન ગણાય. એટલે ગંગાધર રાવની અંગત માલમિલકતનો એ માલિક બની શકે પણ એને રાજા માનવા કંપની બંધાયેલી નહોતી. જો કે આ ખોટી દલીલ હતી કારણ કે રામચંદ્ર રાવ સથેની સંધિમાં કંપનીએ ઝાંસીનું રાજ્ય યાવચ્ચંદ્રદિવાકરૌ રામચંદ્ર રાવના વારસો કે અનુગામીઓને આપી દીધું હતું. ગંગાધર રાવે મરતાં પહેલાં કંપનીને પત્ર લખીને દત્તક લેવાની જાણ કરવાની સાથે આ સંધિ હેઠળ પોતાના અધિકારની યાદ પણ અપાવી હતી. એણે લખ્યું હતું કે દામોદર રાવ પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી રાણી લક્ષ્મીબાઈ એના વાલી તરીકે કારભાર સંભાળશે અને એને રક્ષણ આપવાની કંપનીની ફરજ છે.

ડલહૌઝીએ ગંગાધર રાવની અંગત સંપત્તિ પણ રાણીના હાથમાં સોંપવાનો ઇનકાર કર્યો અને રાજની તિજોરીમાંથી દામોદર રાવના ભાગે આવતા છ લાખ રૂપિયા પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી કંપનીમાં સુરક્ષિત રાખવાના નામે કાઢી લીધા. કંપનીએ કિલ્લાનો કબજો લઈ લીધો અને લક્ષ્મીબાઈને શહેરમાં આવેલા મહેલમાં રહેવા જવું પડ્યું.

રાણી બહારથી તો શાંત રહી પણ અંદરખાને એ ધુંધવાતી હતી. છેક ૧૮૫૭ના જૂન સુધી એ દેશમાં લાગેલી બળવાની આગથી દૂર રહી.. ૧૮૫૬માં અવધમાં વાજિદ અલી શાહને કંપની બહાદુરે પદભ્રષ્ટ કરીને રાજકાજ પોતાના હાથમાં લઈ લીધું હતું. ૧૮૫૭ના મે મહિનામાં મેરઠ સળગી ઊઠ્યું હતું અને વિદ્રોહી સિપાઈઓએ દિલ્હી આવીને બહાદુરશાહ ઝફરને શહેનશાહ-એ-હિન્દ જાહેર કરી દીધો હતો. પરંતુ રાણી હજી બળથી નહીં પણ કળથી કામ લેવા માગતી હતી. ઝાંસી તો એના હાથમાંથી નીકળી જ ગયું હતું. હવે એ માત્ર લોકોના મન પર રાજ કરતી હતી. રાજ અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું તે પ્રજાને પણ ગમ્યું નહોતું અને રાણી પ્રત્યે લોકોનો આદરભાવ એટલો હતો કે લોકો જાન ન્યોછાવર કરવા પણ તૈયાર હતા અને રાણીને આ ખબર હતી, આજથી દોઢસો વર્ષના જમાનાને જોતાં એ અનોખી સ્ત્રી હતી. ઘોડેસવારી, મલ્લકુસ્તી જેવા મર્દોના મનાતા ખેલ એ બાળપણમાં નાનાસાહેબની સાથે બરાબરી કરીને શીખી હતી. સ્ત્રીઓ માટે સ્વાભાવિક મનાતી કોમળતા અને સંગીતનૃત્ય પ્રત્યેનો અનુરાગ એનામાં નહોતો એટલે ઝાંસી રાજ્યની સ્ત્રીઓમાં એનું ખાસ આકર્ષણ હતું.

એણે પહેલાં તો પોતાનો હક મેળવવા માટે કંપની સાથે પત્રવ્યવહાર કર્યો, એમાં પોતે વિદ્રોહીઓની વિરુદ્ધ હોવાનું પણ દેખાડ્યું.

ગંગાધર રાવને અંગ્રેજો પર વિશ્વાસ નહોતો એટલે મૃત્યુથી એક દિવસ પહેલાં દત્તક લેવાનો વિધિ એલિસની હાજરીમાં કર્યો, એટલું જ નહીં, એને એક ખરીતો (પત્ર) આપીને એ પણ યાદ અપાવ્યું કે રામચંદ્ર રાવ સાથેની સંધિમાં ‘યાવચ્ચંદ્રદિવાકરૌ’ છે એટલે એમને પણ દત્તક પુત્રને રાજગાદી વારસામાં સોંપવાનો અધિકાર છે.

પતિના મૃત્યુ પછી, ૧૪મી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વિધવા લક્ષ્મીબાઈએ ડલહૌઝીને પત્ર લખીને આ વાતનો પુનરુચ્ચાર કર્યો અને શિવરાવ ભાઉ સાથેની સમજૂતીની ભાષા અંગે વધારે સ્પષ્ટતા કરી. રાણીએ લખ્યું કે સમજૂતીમાં ‘વારિસન’ અને ‘જાનશીનિન’ એ બે શબ્દોના અર્થ એક જ નથી. વારિસ્ન શબ્દ પોતાના પ્રાકૃતિક ઉત્તરાધિકારીઓ માટે વપરાયેલો છે અને જાનશીનિન શબ્દ પોતાના ન હોય તેવા, દત્તક લીધેલા પુત્ર કે ગાદીને લાયક અન્ય વ્યક્તિ માટે વપરાયેલો છે; આ બન્ને પ્રકારના વારસોને કંપનીએ પહેલાં જ મંજૂરી આપેલી છે અને તે રીતે દામોદર રાવનો અધિકાર માન્ય રાખવો જોઈએ.

૫ જૂન ૧૮૫૭

આ પત્રોની કંઈ અસર નહોતી તે રાણીએ જોઈ લીધું હતું પણ એણે ૧૮૫૭ની પાંચમી જૂન સુધી શાંતિ રાખી. એ દિવસે ઝાંસીમાં વિદ્રોહ શરૂ થઈ ગયો. કંપનીના એજન્ટે આનો રિપોર્ટ આપ્યો છે તે જોઈએઃ

“ઓચિંતા જ ૫0-૬૦ સિપાઈઓએ શસ્ત્રાગાર અને સરકારી તિજોરી પર કબજો કરી લીધો અને કૅપ્ટન સ્કીનના બંગલા તરફ ગોળીબાર શરૂ કરી દીધો. આથી સ્કીન પોતાની પત્ની અને બાળકો સાથે શહેર તરફ ગયો. ત્યાં બચાવની વ્યવસ્થા કરીને એ કિલ્લા તરફ ગયો. કેપ્ટન ગૉર્ડન પણ એની સાથે હતો. એમણે થોડા સૈનિકોની મદદથી બચાવનો પ્રયત્ન કર્યો. રાણીએ પણ કિલ્લાના રક્ષણ માટે પોતાના માણસો મોકલ્યા.

બીજા દિવસે, છઠ્ઠી જૂને સિપાઈઓ અને ઘોડેસવારોએ એમના બધા અફસરોને મારી નાખ્યા અને એમના બંગલા બાળી નાખ્યા. પરંતુ કિલ્લાના દરવાજા ખોલી ન શક્યા. સાતમી તારીખે એમણે કિલ્લાની દીવાલ પર ચાર-પાંચ તોપગોળા પણ છોડ્યા, પણ નુકસાન ન થયું.

આઠમી જૂને એમણે ફરી કિલ્લા પર હુમલો કર્યો અને રાણીના દોઢસો સૈનિકોને પણ પોતાની સાથે ભેળવી દીધા. બપોરના ત્રણ વાગ્યા સુધી ઘમસાણ ચાલ્યું. એમાં કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. પરંતુ કૅપ્ટન ગૉર્ડનને એક ગોળી વાગી અને એ મરી ગયો. કૅપ્ટન સ્કીને પત્ની અને બાળકો સાથે ભાગી છૂટવાની કોશિશ કરી પણ વિદ્રોહીઓએ એમને ઝડપી લીધાં અને મોતને ઘાટે ઉતારી દીધાં. રાણી પોતાનો જાન માંડ બચાવી શકી પણ એની માલમત્તાને ભારે નુકસાન થયું.

૧૧મીની રાતે વિદ્રોહીઓ ચાલ્યા ગયા. આશા છે કે જહન્નમમાં જ ગયા હશે!”

તે પછી, એક અઠવાડિયે, ૧૨મી તારીખે રાણીએ સાગર જિલ્લાના કમિશનરને પત્ર લખ્યો. તેમાં એ પોતે બળવાખોર સિપાઈઓ સામે કેવી લાચાર હતી તેનું વિવરણ આપે છે. એ કહે છે કે સિપાઈઓએ ક્રૂરતાથી યુરોપિયન સ્ત્રીઓ અને બાળકોને મારી નાખ્યાં પણ પોતે એમને બચાવી ન શકી કારણ કે એના પોતાના મહેલના રક્ષણ માટે માત્ર દોઢસો સિપાઈઓ હતા અને પોતે પણ બ્રિટિશ મદદની આશા રાખતી હતી. રાણી લખે છે કે બળવાખોરોએ એની પાસે પૈસા માગ્યા અને ન આપું તો મહેલ ઉડાવી દેવાની ધમકી આપી. એટલે ના છૂટકે એમને ધન આપવું પડ્યું. રાણી વધુમાં લખે છે કે કોઈ અંગ્રેજ અધિકારી હાજર નહોતો એટલે એણે પોતે જ વ્યવસ્થા સંભાળી લીધી અને બધાને ફરજ પર સાવધાન રહેવાનો હુકમ આપ્યો અને આ વાત એણે પહેલાં જ જણાવી દેવી જોઈતી હતી, પણ બળવાખોરોને કારણે એને તક જ ન મળી. હવે બળવાખોરો દિલ્હી તરફ ગયા છે.

આ પત્રનો અર્થ શો સમજવો? રાણી ખરેખર વિદ્રોહીઓની ફરિયાદ કરતી હતી કે એમની સાથે મળીને નિર્દોષ લાગે એવો રિપોર્ટ મોકલતી હતી?

વધુ આવતા અઠવાડિયે…

૦૦૦

સંદર્ભઃ

૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. झांसी की रानी (ऐतिहासिक उपन्यास) वृंदावन लाल वर्मा, मयूर प्रकाशन, झांसी/दिल्ली. छठ्ठा संस्करण,1956 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૩. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

%d bloggers like this: