india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-58

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::

પ્રકરણ ૫૮: કૅબિનેટ મિશન (૬)

નવી સરકારની જાહેરાત

૧૬મી તારીખે કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉયે હવે પોતાના તરફથી વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લીધો અને છે નીચે જણાવેલા સભ્યોને એમાં જોડાવાનાં આમંત્રણ આપ્યાં –

સરદાર બલદેવ સિંઘ, સર નૌશીરવાન એન્જીનિયર, જગજીવન રામ, પંડિત જવાહરલાલ નહેરુ, એમ. એ. જિન્ના, નવાબઝાદા લિયાકત અલી ખાન, સી. રાજગોપાલાચારી, હરેકૃષ્ણ મહેતાબ, ડૉ. જ્‍હોન મથાઈ, નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, ખ્વાજા સર નઝીમુદ્દીન, સરદાર અબ્દુર રબ નિસ્તાર, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

એમાંથી કોઈ ના પાડે તો વાઇસરૉય એની જગ્યાએ બીજાની નીમણૂક કરવાની અને પ્રધાનોનાં ખાતાંની ફાળવણીની સત્તા વાઇસરૉયને આપવામાં આવી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ જાહેરાતનો અભ્યાસ કર્યો અને એમાં જેમનાં નામ છે તેમની મરજી ન હોય તો એમની જગ્યાએ બીજાને લેવાના નિર્ણયની પ્રશંસા કરી, પણ ઉમેર્યું કે આના કારણે વચગાળાની સરકારની રચના સામે ગંભીર સંકટ ઊભું થયું છે. તે પછી ૧૮મી તારીખે મૌલાના આઝાદે ફરી વાઇસરૉયને પત્ર લખ્યો કે મેં આજે સાંજ સુધીમાં જવાબ આપવાનું વચન આપ્યું હતું પણ અમારી વર્કિંગ કમિટીની બેઠક મોડે સુધી ચાલી. વળી, અમારા સભ્ય ખાન અબ્દુલ ગફ્ફાર ખાન આવતીકાલે સવારે આવશે એટલે અમે આવતીકાલે ફરી મળીશું. તે પછી કંઈ નિર્ણય થશે તેની હું તમને તરત જાણ કરીશ.

આ વચ્ચે જિન્નાએ વાઇસરૉયને લખેલા પત્રની વિગતો છાપાંઓમાં આવી ગઈ. મૌલાના આઝાદે આના વિશે વાઇસરૉયને ફરી પત્ર લખીને સ્પષ્ટતા માગી. જવાબમાં વાઇસરૉયે જિન્નાના પત્રની વિગતો આપી. જિન્નાએ પૂછ્યું હતું કે આ નામો ફાઇનલ છે કે કેમ? સૂચીમાં ૧૪ સભ્યો છે, તેમાં વધઘટ થશે કે કેમ? ચાર લઘુમતીઓ – શિડ્યૂલ્ડ કાસ્ટ, શીખો, ભારતીય ખ્રિસ્તીઓ અને પારસીમાંથી કોઈ ના પાડશે તો વાઇસરૉય એમની જગ્યા કઈ રીતે ભરશે? આવા ઘણાયે સવાલો એમણે પૂછ્યા હોવાનું વેવલે મૌલાના આઝાદને જણાવ્યું.

કોંગ્રેસ બંધારણ સભામાં જોડાવા તૈયાર!

વાઇસરૉયની ઑફિસેથી કોંગ્રેસ પ્રમુખને ફોન પણ કરવામાં આવ્યો કે નામોને તરત મંજૂરી આપી દો. પણ મૌલાનાએ જવાબ આપ્યો કે અમારી વર્કિંગ કમિટીની બેઠક બપોરે મળશે તે પછી જવાબ આપી શકાશે. તે પછી એમણે પત્રમાં ઘણાંય કારણો આપીને સરકારમાં

જોડાવાની ના પાડી દીધી. પરંતુ ખરેખર ૨૬મીએ નિવેદન બહાર પાડ્યું તેમાં કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનાનો નહીં પણ ૧૬મી મેની યોજનાનો સ્વીકાર કર્યો! કોંગ્રેસે કહ્યું કે કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનામાં ઘણી ઉણપો છે તેમ છતાં બંધારણ બનાવવાના કામમાં વિલંબ ન થવો જોઈએ, એટલે કોંગ્રેસ ૧૬મી મેના સ્ટેટમેંટનો સ્વીકાર કરીને બંધારણ સભામાં જોડાશે, પરંતુ ૧૬મી જૂનના સ્ટેટમેંટમાં સૂચવ્યા પ્રમાણેની વચગાળાની સરકાર બનાવવામાં સહકાર આપી શકે તેમ નથી.

મુસ્લિમ લીગ સરકારમાં જોડાવા તૈયાર

દરમિયાન જિન્ના ૨૨મી મેના એમના નિવેદન પછી જૂનની ચોથી તારીખે વાઇસરૉયને બે વાર મળ્યા. એમનો સવાલ એ હતો કે બેમાંથી એક પક્ષ સરકારમાં જોડાવાની ના પાડશે તો શું થશે? વાઇસરૉયે એમને ખાતરી આપી કે એક જ પક્ષ મંજૂરી આપે તો પણ બ્રિટિશ હકુમત બને ત્યાં સુધી ૧૬મી જૂનના નિવેદનને લાગુ કરવાનો પ્રયાસ કરશે. પણ મને આશા છે કે બન્ને પક્ષો મંજૂરી આપશે.

હવે વાઇસરૉયે પોતે જાહેર કરેલાં નામો પાછાં ખેંચી લીધાં અને અધિકારીઓની રખેવાળ સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કરી દીધો.

વાઇસરૉયે જિન્નાને એક પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ અને લીગ, બન્નેએ ૧૬મી મેનું સ્ટેટમેંટ સ્વીકાર્યું છે. પણ ૧૬મી જૂનનું નહીં; આથી સરકાર બનાવી શકાય એમ નથી. બીજી બાજુ, હવે જિન્ના સરકાર બનાવવાનો આગ્રહ કરતા હતા! ૨૮મીએ જિન્નાએ પત્ર લખીને કહ્યું કે વચગાળાની સરકાર બનાવવા મિશન વચનથી બંધાયેલું છે.

બીજા પક્ષોના અભિપ્રાયો

કૅબિનેટ મિશન સમક્ષ શીખોનાં જુદાં જુદાં સંગઠનો, રજવાડાંઓ, રજવાડાંઓની પ્રજાના નેતાઓ, જમીનદારોના સંગઠન અને હિન્દુ મહાસભા ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ પોતાનાં મેમોરેન્ડમો રજૂ કર્યાં હતાં. શીખોએ તો પંજાબને મુસ્લિમ બહુમતી પ્રાંત ગણીને પાકિસ્તાન ઝોનમાં મૂકવાના સૂચનનો જોરદાર વિરોધ કર્યો. એમણે એ રીતે શીખોને થતા અન્યાય સામે સંગઠિત થઈને લડવાની તૈયારી કરી લીધી. રજવાડાંને એક જ ચિંતા હતી કે બ્રિટિશ આધિપત્ય હટી જાય તે પછી શું થશે. રજવાડાઓનાં પ્રજાકીય મંડળોના દેશવ્યાપી સંગઠન અને હિન્દુ મહાસભાએ લગભગ કોંગ્રેસની જ વાતનો પુનરુચ્ચાર કર્યો. રજવાડાંનાં પ્રજાકીય મંડળોને તો કોંગ્રેસ સતત ટેકો આપતી રહી હતી. એમની કૉન્ફરન્સને નહેરુ અને સરદારે સંબોધન પણ કર્યું. હિન્દુ મહાસભાએ પણ એક જ અવિભાજિત ભારતની કોંગ્રેસની માગણીને ટેકો આપ્યો પણ એનું કહેવું હતું કે કૉન્ફરન્સમાં ખરેખર હિન્દુઓના કોઈ પ્રતિનિધિ નહોતા. હિન્દુ મહાસભાએ ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતનું સમર્થન કર્યું પરંતુ ઉમેર્યું કે કૅબિનેટના પ્રતિનિધિઓ મુસલમાનોને ખોટી રીતે અલગ રાષ્ટ્ર માનવા તૈયાર હોય તો હિન્દુઓને પણ એમના જેવું જ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને વાતચીતમાં હિન્દુ મહાસભાને પણ સામેલ કરવી જોઈતી હતી. કમ્યુનિસ્ટોએ બધાં એકમોનો આત્મનિર્ણયનો અધિકાર માન્ય રાખ્યો પણ બધાં એકમો સ્વેચ્છાએ સંઘ બનાવે એવું સૂચન કર્યું.

ગાંધીજીનો અભિપ્રાયઃ પ્રોમીસરી નોટ

ગાંધીજી આ મંત્રણાઓમાં ક્યાંય નહોતા. પરંતુ એમણે કેબિનેટ મિશનના ૨૨મી મેના નિવેદન પર ૨૬મીએ ‘હરિજન’માં ટિપ્પણી કરી. ગાંધીજી એમાં વ્યંગ્યાત્મક ભાષામાં બોલ્યા છે! એમનું પૃથક્કરણ આ પ્રમાણે હતું –

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના નિવેદનની બારીક સમીક્ષા કરીને હું એવા મત પર પહોંચ્યો છું કે આજની સ્થિતિમાં બ્રિટિશ પ્રતિનિધિઓ આપી શકે, તેવો આ ઉત્તમ દસ્તાવેજ છે. જો આપણને દેખાય તો આ નિવેદન આપણી નબળાઈનું પ્રતિબિંબ છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સંમત ન થયાં, અને સંમત થઈ શકે એવું હતું પણ નહીં. આપણે એવો સંતોષ લઈએ કે આપણા મતભેદો બ્રિટિશ કરામતની નીપજ છે, તો એ આપણી ગંભીર ભૂલ ગણાશે. મિશન અહીં એ મતભેદોનો લાભ લેવા નથી આવ્યું. બ્રિટિશ શાસનનો જલદી અને સહેલાઈથી અંત આવી જાય એવો રસ્તો શોધવા માટે પણ એ નથી આવ્યું. એમનું જાહેરનામું ખોટું સાબીત ન થાય ત્યાં સુધી એને સાચું માનીશું તો એ આપણી ખરેખર બહાદુરી જ હશે. પણ આ બહાદુરી ઠગની ઠગાઈ પર ટકી છે.

મેં બ્રિટિશ પ્રતિનિધિઓનાં વખાણ કર્યાં તેનો અર્થ એ નથી કે જે બ્રિટન માટે સારું હોય તે આપણા માટે પણ સારું જ હોય. દસ્તાવેજના લેખકોએ પોતે જે કહેવા માગે છે તે સાફ શબ્દોમાં લખ્યું છે. એમને લાગ્યું કે ઓછામાં ઓછી અમુક બાબતો પર બધા પક્ષો એક થઈ શકે છે, અને તે એમણે લખ્યું છે. એમનો એક ઉદ્દેશ બ્રિટિશ રાજનો જેમ બને તેમ જલદી અંત લાવવાનો છે. શક્ય હોય તો તેઓ ભારતને અવિભાજિત રહેવા દેશે અને એને કાપી નાખીને નાગરિક યુદ્ધમાં તરફડવા નહીં દે. સિમલામાં લીગ અને કોંગ્રેસને એમણે મંત્રણાના મેજ પર એકઠા કર્યા (એમાં કેટલી ધીરજ અને કુશળતાની જરૂર પડી, તે તો તો તેઓ પોતે જ કહી શકશે). એ વાતચીત તો પડી ભાંગી, પણ એ ડગ્યા નહીં. એ છેક અહીં હિન્દુસ્તાન આવ્યા અને બંધારણ સભા બનાવવાના હેતુથી એક યોગ્ય દસ્તાવેજ તૈયાર કર્યો. હવે બ્રિટિશ પ્રભાવ વિના બંધારણ બનાવવાનું છે. આ એક અપીલ અને સલાહ છે. આમ પ્રાંતિક ઍસેમ્બ્લીઓ ડેલીગેટોને ચૂંટે કે ન ચૂંટે. ડેલીગેટો ચુંટાયા પછી બંધારણ સભામાં ભાગ ન લે. બંધારણ સભા મળે અને આમાં છે તેના કરતાં જુદા નિયમો બનાવે. વ્યક્તિ કે પક્ષ માટે કંઈ પણ બંધનકર્તા હોય તો એ સ્થિતિના તકાજામાંથી પેદા થાય છે. અલગ મતદાન બન્ને માટે બંધનકર્તા છે, પણ તે માત્ર એટલા માટે કે બંધારણ સભાનું અસ્તિત્વ ટકી શકે. મેં આ લખતાં પહેલાં સ્ટેટમેંટમાં આપેલો દરેક નિયમ ધ્યાનથી વાંચ્યો છે અને હું કહી શકું છું કે આમાં કંઈ પણ બંધનકર્તા નથી. માત્ર સ્વાભિમાન અને આવશ્યકતા જ બંધનકર્તા છે.

આમાં બંધનકર્તા હોય તેવી એક જ વાત છે અને તે બ્રિટન સરકારને લાગુ પડે છે. બ્રિટિશ મિશનના ચાર સભ્યો સાવચેતી રાખીને બ્રિટન સરકારની પૂરી સંમતિ મેળવ્યા પછી આ સ્ટેટમેંટ બહાર પાડે તો તેનું ઊષ્માભર્યું સ્વાગત જ થઈ શકે. બદલામાં ભારતને છૂટ છે કે એ પોતાને ઠીક લાગે તેવો પ્રતિભાવ આપે. પણ આ દસ્તાવેજના લેખકોને ખાતરી છે કે ભારતના પક્ષો એટલા બધા સંગઠિત અને જવાબદાર છે કે મરજિયાતને પણ ફરજિયાત માનીને વર્તન કરશે, ભલે ને, ફરજિયાતમાં કરવું પડે એટલું જ કરે, તેનાથી આગળ ન વધે. જ્યારે બે હરીફો સાથે મળે ત્યારે એ એક જાતની સમજણ પર આવીને કામ કરે છે. અહીં એક જાતે બની બેઠેલો અમ્પાયર (પક્ષોએ પસંદ કરેલો અમ્પાયર નથી એટલે લેખકોએ માની લીધું કે પોતે જ અમ્પાયર છે) એવું વિચારે છે કે એ નિયમો બનાવશે અને અમુક ઓછામાં ઓછી બાબતો પક્ષોની સામે ધરશે, તે સાથે જ પક્ષો એની પાસે આવશે. હવે એ એમાં ઉમેરવા, ઘટાડવા કે તદ્દન બદલી નાખવાની છૂટ આપે છે…

તે પછી એમણે સ્ટેટમેંટમાં દર્શાવેલી યોજનાની છણાવટ કરી અને ખામીઓ દેખાડી.એમણે કહ્યું કે કોઈ આ દસ્તાવેજ ગંભીરતાથી વાંચશે તેને એમાં ઘણી ભૂલો દેખાશે પણ મારે મન આ એક પ્રોમીસરી નોટ તમને મળી છે.

ગાંધીજી આગળ કહે છેઃ

આ ઊલટસૂલટમાંથી નવી દુનિયા સર્જાવાની છે તેમાં ગુલામ ભારત બ્રિટિશ તાજનો ‘ઝળહળતો હીરો’ નહીં હોય, એ બ્રિટિશ તાજના માથા પર એક કાળી ટીલી હશે, અને એવી કાળી હશે કે એનું સ્થાન કચરાટોપલી સિવાય ક્યાંય નહીં હોય. એટલે હું વાચકને મારી સાથે આશા રાખવા અને પ્રાર્થના કરવા કહું છું કે બ્રિટિશ તાજ હવે બ્રિટન અને દુનિયાને વધારે કામનો છે. ઝળહળતો હીરો તો હવે રદબાતલ થઈ ગયો છે….(!).

ગાંધીજી સૂચવે છે કે આ યોજનામાં કંઈ નથી. એ પ્રોમીસરી નોટ છે કારણ કે બ્રિટન તમે જે કંઈ કરો તેને મંજૂર રાખવા માટે વચનથી બંધાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જો એની શરતો વિશે ગંભીર થઈ જશે તો એ ભૂલ છે. એને પ્રોમીસરી નોટ માનો. એટલે કે પહેલાં બંધારણ સભા બનાવો અને પછી આ યોજનાનો ઉલાળિયો કરી દો, બ્રિટન તો તમે જે કરો તે માનવા જાતે જ બંધાયું છે, પણ તમે નથી બંધાતા!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual register Jan-June 1946 Vol. I

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-57

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૭:  કૅબિનેટ મિશન(૫)

કોંગ્રેસનું વલણ

કૅબિનેટ મિશનના ૧૬મી મેના સ્ટેટમેંટ પછી બીજા જ દિવસે કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી અને સ્ટેટમેંટ વિશે ચર્ચા કરી. તે પછી ૨૪મી તારીખે કોંગ્રેસે નિવેદન બહાર પાડ્યું. તે પહેલાં અને પછી પણ કોંગ્રેસે કૅબિનેટ મિશન અને વાઇસરૉય સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો, એમાં મિશનના સ્ટેટમેંટમાં કોંગ્રેસને સ્વીકાર્ય ન હોય તેવી ભલામણો અને વચગાળાની સરકારમાં જોડાવા બાબતમાં કેટલાયે મુદ્દા ઉપસ્થિત કર્યા અથવા ખુલાસા માગ્યા.

સૌથી પહેલાં તો કોંગ્રેસ પ્રમુખે ૨૦મીએ લૉર્ડ પૅથિક લૉરેન્સને પત્ર લખીને કહ્યું કે તમારા સ્ટેટમેંટમાં બંધારણ સભાની રચના કરવાનો ઉલ્લેખ છે. અમારી કમિટી માને છે કે આ બંધારણ સભાને બંધારણ બનાવવા માટે સાર્વભૌમ સત્તા હશે અને એમાં કોઈ બાહ્ય દરમિયાનગીરી માટે તક નહીં હોય. તે ઉપરાંત, બંધારણ સભાને કૅબિનેટ મિશને સૂચવેલી કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવાની સત્તા મળશે. બંધારણ સભા પોતે સાર્વભૌમ સંસ્થા હોવાથી એના નિર્ણયો પણ તરત લાગુ પડશે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મિશને સૂચવેલા કેટલાક મુદ્દા કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સમાં લીધેલા વલણથી વિરુદ્ધ છે. આથી અમને ભલામણોમાં જે ખામી જણાય છે, તે દૂર કરવા માટે અમે બંધારણ સભામાં પ્રયાસ કરશું, એટલું જ નહીં, અમે દેશની જનતા અને બંધારણ સભાને અમારું દૃષ્ટિબિંદુ સમજાવવાનો પ્રયાસ પણ કરશું. તે પછી એમણે બહુ મહત્ત્વનો મુદ્દો ઉપાડ્યો.

કૅબિનેટ મિશને ગ્રુપ બનાવવાં કે નહીં તે પ્રાંતો પર છોડ્યું. ગ્રુપમાં જોડાવાનું ફરજિયાત ન બનાવ્યું. તે સાથે જ એનાથી તદ્દન ઉલટી ભલામણ પણ કરી કે બંધારણ સભામાં પ્રાંતોમાંથી ચુંટાયેલા પ્રતિનિધિઓ ત્રણ જૂથમાં વહેંચાઈ જશે અને દરેક જૂથ પ્રાંતોનાં બંધારણ બનાવશે અને એ પણ નક્કી કરશે કે ગ્રુપનું બંધારણ હોવું જોઈએ કે નહીં. આ બે અલગ ભલામણો પરસ્પર વિરોધી છે. પહેલી ભલામણમાં પ્રાંતોને ગ્રુપમાં જોડાવું કે નહીં, તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે, પણ બીજી ભલામણમાં ગ્રુપ બનાવીને બંધારણ બનાવવાની વ્યવસ્થા છે, જે ફરજિયાત જેવી છે. જેમને ગ્રુપમાં જોડાવું જ ન હોય તેમની પણ ગ્રુપમાં આવીને બંધારણ બનાવવાની ફરજ બની જાય છે. એ રીતે જોઈએ તો, વિભાગ ૨ (પંજાબ, વા.સ. અને સિંધ) અને વિભાગ ૩(બંગાળ, આસામ)માં એક પ્રાંતની ભારે બહુમતી છે. બન્નેમાં નાના પ્રાંતોની ઇચ્છા વિરુદ્ધ ગ્રુપનું બંધારણ બની શકે છે.

લૉર્ડ પૅથિક લૉરેન્સે એનો જવાબ આપ્યો કે અમારા ડેલીગેશને બે મુખ્ય પક્ષોના વિચારોને સમાવી લેવા માટે સૌથી નજીક રસ્તો દેખાયો તેની ભલામણો કરી છે. એટલે આ આખી યોજના છે, એનો અમલ સહકાર અને બાંધછોડની ભાવનાથી થાય તો જ એ ચાલી શકે. ગ્રુપિંગ શા માટે કરવાં પડે છે, તે તમે જાણો છો; એ જ આ યોજનાનું મુખ્ય ઘટક છે. એમાં ફેરફાર કરવો હોય તો બન્ને પક્ષોની સમજૂતી જરૂરી છે. બંધારણ સભા રચાઈ ગયા પછી એના કામમાં માથું મારવાનો દેખીતી રીતે જ કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર પણ સ્ટેટમેંટમાં જણાવેલી બે શરતોના આધારે જ ભારતીયોના હાથમાં સત્તા સોંપશે. વળી, અમારી સરકાર ઇચ્છે છે કે સત્તા સોંપણીનો ગાળો લંબાઈ ન જાય. તમે સમજી શકશો કે જ્યાં સુધી નવું બંધારણ લાગુ ન પડે ત્યાં સુધી સ્વતંત્રતા પણ ન આપી શકાય.

જિન્નાનું નિવેદન

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના ૧૬મી મેના સ્ટેટમેંટ પર ૨૨મીએ મુસ્લિમ લીગ વતી વિગતવાર ટિપ્પણી કરી. એમને લાગ્યું કે કૅબિનેટ મિશને પાકિસ્તાનની માગણીને હુકરાવી દીધી છે અને કોંગ્રેસને પસંદ આવે તે રીતે યોજના તૈયાર કરી છે. એમણે સિમલા કૉન્ફરન્સમાં લીગે શા માટે સામેલ થવાનું નક્કી કર્યું તે સમજાવતાં કહ્યું કે કૅબિનેટ મિશને કૉન્ફરન્સમાં જોડાવા આમંત્રણ આપ્યું ત્યારે લખ્યું હતું કે કેન્દ્રમાં સંઘની એક સરકાર હશે, જે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર સંભાળશે. તે ઉપરાંત પ્રાંતોના ભાગ કરીને બે ગ્રુપ બનાવાશે – એક ગ્રુપમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે. પ્રાંતોને જે વિષયો સમાન રીતે લાગુ પડતા જણાય તે ગ્રુપને સોંપાશે અને બાકીની બધી સત્તા પ્રાંતો હસ્તક રહેશે. કોંગ્રેસનું સૂચન હતું કે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર ઉપરાંત ચલણ, કસ્ટમ, ટૅરીફ જેવા વિષયો પણ સંઘ સરકાર હસ્તક રહેવા જોઈએ. કોંગ્રેસે ગ્રુપના વિચારને ફગાવી દીધો હતો.

મુસ્લિમ લીગનું કહેવું હતું કે(૧) ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામ, અને ઉત્તર-પશ્ચિમમાં પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનને સ્વાધીન રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન ઝોનમાં મૂકવા અને એ વિના વિલંબે લાગુ કરવાની ખાતરી આપવી; (૨) પાકિસ્તાન અને હિન્દુસ્તાન માટે બે અલગ બંધારણ સભાઓ બનાવવી; (૩) પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાં લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની જોગવાઈ કરવી; (૪) લીગની માગણીનો તરત સ્વીકાર થાય એ કેન્દ્રમાં વચગાળાની સરકારમાં જોડાવાની પૂર્વશરત હશે, અને (૫) લીગે બ્રિટિશ સરકારને ચેતવણી આપી કે અવિભાજિત ભારત પર એકમાત્ર ફેડરલ બંધારણ અથવા કેન્દ્રમાં વચગાળાની સરકાર ઠોકી બેસાડવાનો કોઈ પણ પ્રયાસ થશે તેનો મુસ્લિમ ભારત મુકાબલો કરશે.

આ મંત્રણાઓ પડી ભાંગી. લીગનું કહેવું હતું કે સંઘ હસ્તક સંરક્ષણ માટે જરૂરી હોય તેટલો જ સંદેશવ્યવહાર રાખવો જોઈએ. સંઘની અલગ ધારાસભા હોવી જોઈએ કે નહીં, તે પણ બન્ને ગ્રુપોની બંધારણ સભાઓ સંયુક્ત રીતે નક્કી કરશે. સંઘને નાણાકીય સાધનો કેમ પૂરાં પાડવાં તે પણ આ સંયુક્ત બંધારણ સભાઓ જ નક્કી કરશે.

જિન્નાએ સમજાવ્યું કે હવે કૅબિનેટ મિશને પોતાની યોજના જાહેર કરી છે તેમાં બે ગ્રુપને બદલે ત્રણ ગ્રુપ છે, એટલે કે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. તે ઉપરાંત ત્રણેય ગ્રુપોની ઉપર એક સંઘ સરકાર પણ છે અને એની ધારાસભા પણ છે. બંધારણ સભા પણ બે નહીં, એક જ રહેશે. આમ મિશને લીગની માગણીઓની સદંતર અવગણના કરી છે. આપણી માગણી હતી કે પાકિસ્તાન ગ્રુપને શરૂઆતનાં દસ વર્ષ પછી સંઘમાંથી હટી જવાનો અધિકાર હોવો જોઈએ – અને કોંગ્રેસને પણ આવી શરત સામે ગંભીર વાંધો નહોતો – તેમ છતાં એ માંગ મિશનના સ્ટેટમેંટમાં કાઢી નાખવામાં આવી છે. સંઘની બંધારણ સભામાં પ્રાંતોના ૨૯૨ પ્રતિનિધિઓ હશે, એમાં માત્ર ૭૯ મુસલમાનો હશે. બીજી બાજુ, રજવાડાંઓના ૯૩ પ્રતિનિધિ હશે જે મોટા ભાગે હિન્દુ હશે. આમ મુસલમાનોનું પ્રતિનિધિત્વ વધારે પાતળું થઈ જશે.

હવે આ યોજના સ્વીકારવી કે નહીં તે લીગની વર્કિંગ કમિટીએ નક્કી કરવાનું છે.

કૅબિનેટ મિશનની ટિપ્પણી

૨૫મીએ કૅબિનેટ મિશને આ બન્ને નિવેદનો પર ટિપ્પણી કરી. એમણે કહ્યું કે લાંબી ચર્ચાઓ છતાં બન્ને પાર્ટીઓના નેતાઓ સમાધાન નથી કરી શક્યા. તે પછી, મિશનના સભ્યોએ બન્ને પક્ષોની રજૂઆતોમાંથી સૌને નજીક લાવે એવાં તત્ત્વો એકઠાં કરીને પોતાની યોજના રજૂ કરી છે. એના કેટલાક મુદ્દા તો સ્પષ્ટ છે, જેમ કે, બંધારણ સભાની સત્તાઓ અને કાર્યોમાં દખલ કરવાનો કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર માત્ર બે બાબતો માટે આગ્રહ રાખે છેઃ લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની વ્યવસ્થા અને સત્તાની સોંપણીની પ્રક્રિયામાં ઊભી થતી બાબતો માટે બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરવાની તૈયારી. તે ઉપરાંત સ્વતંત્ર ભારતની સરકારની ઇચ્છા વિના ભારતની ભૂમિ પર બ્રિટિશ સૈન્યો રાખવાનો પણ સવાલ નથી, પરંતુ વચગાળામાં, બ્રિટિશ પાર્લામેંટની બધી જવાબદારી હોવાથી હમણાં તો બ્રિટિશ સૈન્યો અહીં જ રહેશે.

નહેરુ અને વેવલ વચ્ચે પત્રવ્યવહાર

વર્કિંગ કમિટીની બેઠક ૨૪મીએ ઠરાવ પસાર કરીને મોકૂફ રખાઈ અને ફરી નવમી જૂને મળી પણ તે દરમિયાન જવાહરલાલ નહેરુએ વાઇસરૉય લૉર્ડ વેવલ સાથે પત્રવ્યવહાર કર્યો. નહેરુએ લખ્યું કે કોંગ્રેસની શરૂઆતથી જ એ માંગ રહી છે કે વચગાળાની સરકારને ખરા અર્થમાં રાષ્ટ્રીય સરકારનો દરજ્જો આપવા માટે કાયદાકીય અને બંધારણીય સુધારા જરૂરી છે. વર્કિંગ કમિટી માને છે કે ભારતની સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે એ મહત્ત્વનું છે. જો કે, આપ અને લૉર્ડ પૅથિક લૉરેન્સે ખાતરી આપી છે કે બંધારણીય સુધારા માટે અમુક સમય લાગશે, પણ તે દરમિયાન વચગાળાની સરકાર વ્યવહારમાં ખરેખર રાષ્ટ્રીય સરકાર હશે. તે ઉપરાંત, હમણાંની સ્થિતિ મુજબ સરકાર સેંટ્રલ ઍસેમ્બ્લીથી સ્વતંત્ર છે, પણ આપણે નવી પરંપરા શરૂ કરવી જોઈએ કે સરકારનું અસ્તિત્વ સેંટ્રલ ઍસેમ્બ્લીનો વિશ્વાસ ટકાવી રાખવા કે ગુમાવવા પર આધારિત રહેશે. આ બે મુદ્દા પર સંતોષકારક પગલાં લેવાય તો બીજા જે પ્રશ્નો છે તેનું આપણે નિરાકરણ લાવી શકીશું.

વેવલે જવાબમાં કહ્યું કે “બહુ જ ઉદાર ઇરાદા હોય તે પણ કાગળ પર ઉતારતાં ઔપચારિક ભાષામાં એ ઓળખાય તેવા નથી રહેતા.” એણે ઉમેર્યું કે એક વાત સ્પષ્ટ છે કે મેં તમને એવી ખાતરી નથી આપી કે વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ સત્તાઓ મળશે; પરંતુ મેં કહ્યું છે કે બ્રિટિશ સરકાર વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ માનશે અને શક્ય હોય તેટલી વધુમાં વધુ સ્વતંત્રતા આપશે.

આમ છતાં વર્કિંગ કમિટીની બેઠક નવમી જૂને મળી તે પછી ૧૩મીએ કોંગ્રેસ પ્રમુખે વેવલને લખ્યું કે જવાહરલાલ નહેરુએ એમના પત્રવ્યવહાર વિશે ચર્ચા કરી છે અને અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે વચગાળાની સરકાર ‘સમાનતા’ (કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સભ્યોની એકસરખી સંખ્યા)ના આધારે બનાવવાની છે પણ અમે એવી સરકાર બનાવી શકીએ તેમ નથી. ૧૯૪૫માં તમે સિમલામાં કૉન્ફરન્સ બોલાવી હતી તેની ફૉર્મ્યુલા એ હતી કે ‘સમાનતા’ સવર્ણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રાખવાની હતી. એ વખતે લીગ માટે મુસ્લિમ સીટો અનામત નહોતી રાખી, અને મુસ્લિમ સીટો પર બિન-લીગી મુસલમાનને પણ લેવાની વ્યવસ્થા હતી. હવે મુસ્લિમ સીટો લીગ માટે અનામત છે, એટલે બિન-લીગી મુસલમાન પણ ન આવી શકે. આથી હિન્દુઓ સાથે અન્યાય થાય છે. અમે આવી વ્યવસ્થા સ્વીકારી ન શકીએ. વળી મિશ્ર સરકારનો એક સહિયારો દૃષ્ટિકોણ હોવો જોઈએ. તે વિના સરકાર ચાલી જ ન શકે. આવી સરકાર બનાવવાની યોજનામાં આ વાતને તો તિલાંજલી આપી દેવાઈ છે. આથી મારી વર્કિંગ કમિટીને વિશ્વાસ નથી કે સરકાર ચલાવી શકાશે. ૧૪મીએ કોંગ્રેસ પ્રમુખે બીજો પત્ર લખ્યો. તે પહેલાં એ વેવલને મળી આવ્યા હતા. એ વખતે વેવલે એમને કહ્યું હતું કે મુસ્લિમ લીગે જે નામો આપ્યાં છે તેમાંથી એક વાયવ્ય સરહદ પ્રાંતનો છે, જે હાલની ચૂંટણીમાં હારી ગયો હતો. મૌલાના આઝાદે એને સામેલ કરવા સામે પોતાના પત્રમાં વાંધો લીધો, પરંતુ વેવલે જવાબમાં કહ્યું કે કોંગ્રેસને લીગના પ્રતિનિધિ સામે વાંધો લેવાનો હક નથી. ૧૪મીએ મૌલાના આઝાદે ફરી પત્ર લખીને પોતાના વાંધાઓનું પુનરાવર્તન કર્યું.

પણ વેવલે કહ્યું કે વાતચીતમાં થોડા વિરામની જરૂર છે. એણે કહ્યું કે માત્ર રાજકીય પ્રતિનિધિઓની નહીં પણ અધિકારીઓની સરકાર બનાવવી પડશે.. તે પછી ફરી ઘટનાચક્ર ફર્યું. વાઇસરૉયે નવી જ જાહેરાત કરીને બન્ને પક્ષો સામે નવી સ્થિતિ ઊભી કરી દીધી. આના વિશે આવતા અઠવાડિયે વાત કરીશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-56

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫: કૅબિનેટ મિશન(૪)

આજના પ્રકરણ સાથે ચેસની ભાષામાં કહીએ તો આપણે આ શ્રેણીના End Gameના તબક્કામાં પહોંચીએ છીએ.

૧૬મી તારીખે કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉયે નિવેદન બહાર પાડ્યું. નિવેદન મોટા ભાગે લીગના અલગ રાષ્ટ્રના દાવાની વિરુદ્ધ જાય છે અને કોંગ્રેસની રજુઆત સાથે એનો મેળ બેસે છે. સવાલ એ છે કે બ્રિટન સરકારની કૅબિનેટના ઉચ્ચ સત્તાધારી મંત્રીઓનું મિશન આમ કહેતું હોય તો પણ અંતે ભાગલા કેમ પડ્યા? મિશને એવી તે કઈ બારી ખુલ્લી રાખી કે દેશના ભાગલા પડ્યા? પરંતુ આપણે અહીં એ સવાલનો જવાબ શોધવા કરતાં કૅબિનેટ મિશન અને વાઇસરૉયના નિવેદનના મુખ્ય અંશો જોઈએ કારણ કે જવાબ એમાં જ છે.

૦-૦

એમણે નિવેદનમાં એ વાતની નોંધ લીધી કે બન્ને પક્ષોએ પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા અને શક્ય તેટલી બાંધછોડ કરવા પણ તૈયાર હતા. પરંતુ, સમજૂતી થઈ ન શકી એટલે મિશનની નજરે સારામાં સારો રસ્તો શું હોઈ શકે તે કહેવાનું એમને જરૂરી લાગ્યું. બ્રિટન સરકારની સંપૂર્ણ સહમતી સાથે એમણે આ નિવેદન બહાર પાડ્યું હોવાની પણ એમને સ્પષ્ટતા કરી. એનો અર્થ એ કે આ નિવેદન બ્રિટન સરકારના વિચારો જ ગણાય. આમ એક રીતે જોઈએ તો, કૅબિનેટ મિશને શરૂઆતમાં આ સૂચનો મૂક્યાં હોત તો એને ‘યોજના’ માનીને સત્તાવાર ચર્ચા થઈ હોત. હવે એમની ભલામણ મુદ્દાવાર, પણ સંક્ષેપમાં જોઈએ.

· આના અનુસંધાનમાં એમનો સૌ પહેલો નિર્ણય ભારતીયોની બનેલી વચગાળાની સરકારની રચના કરવાનો હતો. નવું બંધારણ પણ બનાવવાનું હતું, જેમાં સૌને ન્યાય મળે એવી વ્યવસ્થા હોય.

· મિશને કહ્યું કે એમની સમક્ષ ઢગલાબંધ પુરાવા રજૂ થયા છે, પણ એનું પૃથક્કરણ રજૂ ન કરતાં એમણે પોતાનું તારણ આપ્યું કે મુસ્લિમ લીગના ટેકેદારોને બાદ કરતાં બહુ જ મોટા વર્ગની ભાવના ભારતની એકતા ટકાવી રાખવાની છે.

· પરંતુ, મિશન કહે છે કે મુસ્લિમોની વાસ્તવિક અને તીવ્ર ચિંતાઓને ધ્યાનમાં લઈને એમણે ભાગલાની શક્યતાનો પણ વિચાર કર્યો. મુસ્લિમોની બીક એટલી બધી જામી ગઈ છે કે માત્ર કાગળ ઉપર અમુક ખાતરીઓ આપી દેવાથી કામ ચાલે તેમ નથી. ભારતને એક રાખવું હોય તો મુસ્લિમોને એમની ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક બાબતોમાં એમનું પોતાનું સ્વતંત્ર નિયંત્રણ આપવું જ પડે તેમ છે.

· મિશન કહે છે કે, આથી અમે સૌ પહેલાં મુસ્લિમ લીગની માગણી પ્રમાણે સ્વતંત્ર સાર્વભૌમ પાકિસ્તાન બનાવવા વિશે વિચાર કર્યો. આ પાકિસ્તાન બે ભાગમાં હશેઃ ભારતના ઉત્તર-પશ્ચિમે પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાન, અને ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામના પ્રાંતો. લીગ વાતચીતોના પાછળના ભાગમાં સરહદો અંગે બાંધછોડ કરવા તૈયાર થઈ, પણ એનો આગ્રહ એ હતો કે સ્વતંત્ર, સાર્વભૌમ પાકિસ્તાનના સિદ્ધાંતનો સૌ પહેલાં સ્વીકાર કરવો જોઈએ. એમની બીજી માગણી એ હતી કે પાકિસ્તાન વહીવટી અને આર્થિક દૃષ્ટિએ ટકાઉ બની શકે તે માટે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હોય તેવા ઘણા પ્રદેશો પણ એમાં જોડવા.

· ઉપર જણાવેલા છએ છ પ્રાંતોમાં બિનમુસ્લિમ લઘુમતીઓની સંખ્યા બહુ મોટી છેઃ ૧૯૪૧ની વસ્તી ગનતરીના આંકડા લઈને મિશને દેખાડ્યું કે પંજાબમાં ૧ કરોડ ૬૨ લાખ મુસ્લમાનોની સામે ૧ કરોડ ૨૨ લાખ બિનમુસ્લિમો હતા, સિંધમાં ૩૨ લાખ મુસલમાનોની સામે ૧૩ લાખ ૨૬ હજાર બિનમુસ્લિમો હતા. (બલુચિસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંત મુખ્યત્વે મુસ્લિમ પ્રદેશો હતા, પણ વાયવ્ય સરહદ પ્રાંત પાકિસ્તાન સાથે જવા તૈયાર નહોતો એ આપણે વાંચ્યું છે). ઉત્તર પશ્ચિમે ૬૨ ટકા કરતાં થોડા વધારે મુસલમાનો હતા અને લગભગ ૩૩૮ ટકા હિન્દુઓ અને શીખો હતા. બીજી બાજુ ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામમાં લગભગ ૩ કરોડ ૬૪ લાખ મુસલમાનો હતા તો લગભગ ૩ કરોડ ૪૧ બિનમુસ્લિમો હતા. એટલે કે મુસલમાનો ૫૧.૬૯ ટકા હતા અને હિન્દુઓ અને અન્ય ૪૮.૩૧ ટકા હતા.

· મિશન જણાવે છે કે આ આંકડા સૂચવે છે કે મુસ્લિમ લીગની વાત માનીએ તો પણ સ્વતંત્ર સાર્વભૌમ પાકિસ્તાન બનાવવાથી કોમી પ્રશ્નનો નિકાલ નહીં આવે. લીગની એ માગણી પણ ન સ્વીકારી શકાય કે મુસ્લિમો લઘુમતીમાં હોય તેવા પ્રદેશો પણ પાકિસ્તાનમાં સામેલ કરવા, કારણ કે જે દલીલ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાનમાં સમાવવા માટે વપરાય છે તે જ દલીલ પંજાબ, બંગાળ અને આસામના બિનમુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાનમાં ન જોડવા માટે વાપરી શકાય છે. લીગની આ માંગની બહુ મોટી અસર શીખો પર પડે તેમ છે.

· આથી અમે એ વિચાર્યું કે માત્ર મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો પૂરતું નાનું પાકિસ્તાન કદાચ બન્ને પક્ષો વચ્ચે સમાધાનનો આધાર બની શકે. મુસ્લિમ લીગને એ મંજૂર નથી કારણ કે એમાંથી આખું આસામ – સિલ્હટ જિલ્લા સિવાય – પાકિસ્તાનમાંથી નીકળી જાય. પશ્ચિમ બંગાળનો મોટો ભાગ પણ પાકિસ્તાનમાં ન જાય. કલકત્તામાં ૨૩.૬ ટકા વસ્તી મુસલમાનોની છે, એટલે એના પરનો લીગનો દાવો પણ નકારાઈ જાય. પંજાબમાં જલંધર અને અંબાલા માટે લીગની માગણી ન સ્વીકારી શકાય. અમે પોતે પણ માનીએ છીએ કે પંજાબ અને બંગાળના ભાગલા પાડવાથી આ પ્રાંતોની બહુ મોટી વસ્તીને અસર થશે. બંગાળ અને પંજાબની પોતાની અલગ ભાષાઓ અને પરંપરાઓ છે. પંજાબમાં તો શીખોની મોટી વસ્તી બન્ને બાજુ વસે છે. ભાગલાથી શીખોના ભાગલા થશે. આથી અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે, પાકિસ્તાન, નાનું કે મોટું, કોમી સમસ્યાનો ઉપાય નહીં બની શકે.

· તે ઉપરાંત પણ, કેટલીયે વહીવટી. આર્થિક અને લશ્કરી દલીલો પણ છે, જે બહુ વજનદાર છે. દાખલા તરીકે દેશનો વાહન વ્યવહાર (રેલ્વે), તાર-ટપાલ સેવા સંયુક્ત ભારતના આધારે વિકસ્યાં છે. એને ખંડિત કરવાની બહુ જ ખરાબ અસર ભારતના બન્ને ભાગો પર પડશે. ભારતનાં સશસ્ત્ર દળો પણ અવિભાજિત ભારતનાં છે. એમને બે ભાગમાં વહેંચી નાખવાથી એક લાંબી પરંપરા પર ફટકો પડશે અને ભારતીય સેનાની ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા સામે મોટું જોખમ ઊભું થશે. નૌકાદળ અને હવાઈદળની અસરકારકતા પણ ઘટશે. વળી પાકિસ્તાનના પણ બે ભાગ છે, અને બન્ને ભાગ બહુ નાજુક સરહદો પર આવેલા છે. સફળ સંરક્ષણ માટે પાકિસ્તાનનો વિસ્તાર બહુ ટૂંકો પડશે.

· વળી દેશી રજવાડાં પણ વિભાજિત હિન્દુસ્તાન સાથે જોડાવામાં ભારે મુશ્કેલીનો સામનો કરશે.

· અને છેલ્લે, પાકિસ્તાનના બે ભાગ વચ્ચે સાતસો માઇલનું અંતર છે, બન્ને વચ્ચે સંપર્ક જાળવી રાખવા માટે યુદ્ધ કે શાંતિના કાળમાં હિન્દુસ્તાનની સદ્‍ભાવના પર પાકિસ્તાને આધાર રાખવો પડશે.

· આ કારણોસર અમે બ્રિટિશ સરકારને એવી સલાહ આપી શકવાની સ્થિતિમાં નથી કે અત્યારે બ્રિટીશ હકુમતના હાથમાં જે સત્તા છે તે બે સ્વતંત્ર સાર્વભૌમ દેશોને સોંપી દેવી જોઈએ.

· આમ છતાં, અમે મુસલમાનોને ખરેખર દહેશત છે તેના તરફ આંખ મીંચતા નથી. એમની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય અસ્મિતા સંપૂર્ણ એકતંત્રી હિન્દુસ્તાનમાં લુપ્ત થઈ જવાની એમની બીક વાજબી છે કારણ કે હિન્દુઓની જબ્બરદસ્ત બહુમતી છે. આના ઉપાય તરીકે, કોંગ્રેસે એક યોજના રજૂ કરી છે, તેમાં કેન્દ્ર હસ્તકના વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર જેવા અમુક વિષયોને બાદ કરતાં બધા વિષયોમાં પ્રાંતોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનું સૂચન છે.

· આ યોજના અનુસાર પ્રાંતો મોટા સ્તરે આર્થિક અને વહીવટી આયોજનમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો ઉપર જણાવેલા ફરજિયાત વિષયો ઉપરાંત પોતાને અધીન હોય તેવા અમુક વિષયો પોતાની મરજીથી કેન્દ્રને સોંપી શકે છે.

· પરંતુ અમને લાગે છે કે આ વ્યવસ્થામાં કેટલાક લાભ છે તો કેટલીક વિસંગતિઓ પણ છે. અમુક પ્રધાનો ફરજિયાત વિષયો પર કામ કરતા હોય અને અમુક પ્રધાનો વૈકલ્પિક વિષયો પર કામ કરતા હોય એ જાતની સરકાર કે ધારાસભા ચલાવવાનું બહુ કઠિન છે. અમુક પ્રાંતો વૈકલ્પિક વિષયો કેન્દ્રને સોંપી દે, આને કેટલાક ન સોંપે. આ સંજોગોમાં એવું થાય કે ફરજિયાત વિષયો પર કામ કરનારા પ્રધાનો આખા ભારતને જવાબદાર મનાશે, પણ વૈકલ્પિક વિષયો પર કામ કરનારા પ્રધાનો માત્ર એમને વિષયો સોંપનારા પ્રાંતોને જ જવાબદાર મનાશે. આવું કરીએ તો કેન્દ્રીય ધારાસભામાં તો વધારે મુશ્કેલી પડશે, કારણ કે એમાં જે પ્રાંતોએ કેન્દ્રને વિષયો ન સોંપ્યા હોય તેના પ્રતિનિધિઓ પણ હશે અને એમને સંબંધ ન હોય તેવા વિષય પર બોલતાં રોકવા પડશે.

· પરંતુ આ ઉપરાંત બીજો પણ મહત્ત્વનો મુદ્દો છે. બ્રિટિશ ઇંડિયા આઝાદ થાય, તે પછી એ કૉમનવેલ્થમાં રહે કે ન રહે, દેશી રજવાડાંઓને આજે બ્રિટન સાથે જે પ્રકારના સંબંધો છે તેનો પણ અંત આવશે. બ્રિટિશ ઇંડિયા આઝાદ થાય તે પછી રજવાડાંઓ પર બ્રિટિશ તાજ પોતાની સર્વોપરિતા ટકાવી ન શકે, અને નવી સરકારને સોંપી પણ ન શકે. રાજાઓ નવી સ્વાધીન સરકારને સહકાર આપવા તૈયાર છે, પણ એ કઈ રીતે થાય એ મંત્રણઓનો વિષય છે, એટલે અમે અહીં માત્ર બ્રિટિશ ઇંડિયા માટે જ નીચે જણાવેલી યોજના રજૂ કરીએ છીએઃ

Ø ભારતનો સંઘ બનાવાશે જેમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યો હશે. વિદેશી બાબતો, સંરક્ષણ, સંદેશવ્યવહાર અને આ માટે જરૂરી નાણાં ઊભાં કરવાની સત્તા કેન્દ્રની સરકારના હાથમાં રહેશે.

Ø સંઘની સરકાર અને ધારાસભા હશે જેમાં બ્રિટિશ ઇંડિયા અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ હશે.

Ø કોઈ પણ કોમી પ્રશ્ન પર બન્ને કોમના હાજર અને મતદાન કરનારા પ્રતિનિધિઓની બહુમતી જરૂરી રહેશે જે આખા ગૃહની પણ બહુમતી હોવી જોઈએ.

Ø સંઘ સરકારના વિષયોને બાદ કરતાં, બીજા બધા વિષયો અને સત્તઓ પ્રાંતોના હાથમાં રહેશે.

Ø પ્રાંતો ઇચ્છે તો સાથે મળીને ગ્રુપ બનાવી શકે છે, એ ગ્રુપની પણ સરકાર અને ધારાસભા હશે અને પ્રાંતો નક્કી કરે તે ગ્રુપની સરકારના વિષય રહેશે.

Ø પહેલાં દસ વર્ષ પછી, અને તે પ્છી દર દસ વર્ષે કોઈ પણ પ્રાંત પોતાની ધારાસભામાં બહુમતીના નિર્ણય પ્રમાણે સંઘ અને ગ્રુપના બંધારણની ફેરવિચારણા કરવાની માંગ કરી શકશે.

Ø બંધારણસભા બનાવવા વિશે ભલામણ કરતાં શક્ય હોય ત્યાં સુધી દેશની સમગ્ર પ્રજાને પ્રતિનિધિત્વ મળે તે માટે અમે સૂચવીએ છીએ કે પુખ્ત મતાધિકાર સૌથી સારો રસ્તો છે. પરંતુ હમણાં જ એ લાગુ કરવામાં ઘણો વખત બગડશે. આથી વ્યવહારરુ રસ્તો હમણાં જ ચુંટાયેલી પ્રાંતિક ઍસેમ્બ્લીઓને ક મતદાન કરનારી સંસ્થાઓ માની લેવાનો છે.

Ø આમાં એક મુશ્કેલી એ આવે છે કે દરેક પ્રાંતમાં વસ્તીના પ્રમાણમાં ઍસેમ્બ્લીમાં સભ્ય સંખ્યા એકસરખી નથી. દાખલા તરીકે આસામમાં એક કરોડની વસ્તી માટે ૧૦૮ સભ્યો છે, તો બંગાળમાં ૬ કરોડની વસ્તી માટે ૨૫૦ પ્રતિનિધિઓ છે. આમ બંગાળમાં ૫૫ ટકા વસ્તી મુસ્લમાનોની હોવા છતાં એમના માટે ૪૮ ટકા સીટો છે. આથી અમે નીચે પ્રમાણે સૂચવીએ છીએઃ

§ દરેક પ્રાંતને એની વસ્તીના પ્રમાણમાં સીટ ફાળવવી. દસ લાખની વસ્તીએ એક સીટ આપીએ.

§ બન્ને મુખ્ય કોમોની વસ્તી પ્રમાણે આ સીટોની ફાળવણી કરવી.

§ જે તે કોમના પ્રતિનિધિની ચૂંટણી ધારાસભાના એ જ કોમના સભ્યો કરશે.

§ મતદાર ત્રણ પ્રકારના હશેઃ ‘સામાન્ય’ મુસ્લિમ અને શીખ. ‘સામાન્ય’માં મુસ્લિમ કે શીખ ન હોય તે બધા જ ગણાઈ જશે.

§ આ રીતે નીચે પ્રમાણે પ્રતિનિધિઓ ચુંટાશેઃ

વિભાગ ૧ (૧૬૭ સામાન્ય, ૨૦ મુસ્લિમ, કુલ ૧૮૭. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– મદ્રાસ પ્રાંત…૪૫ સામાન્ય, ૪ મુસ્લિમ, કુલ ૪૯

– મુંબઈ પ્રાંત…૧૯ સામાન્ય, ૨ મુસ્લિમ, કુલ ૨૧

– યુક્ત પ્રાંત…૪૭ સામાન્ય, ૮ મુસ્લિમ, કુલ ૫૫

– બિહાર પ્રાંત…૩૧ સામાન્ય, ૫ મુસ્લિમ, કુલ ૩૬

– મધ્ય પ્રાંત…૧૬ સામાન્ય, ૧ મુસ્લિમ, કુલ ૧૭

– ઓરિસ્સા પ્રાંત…૯ સામાન્ય, ૦ મુસ્લિમ, કુલ ૯

વિભાગ ૨ (૯ સામાન્ય, ૨૨ મુસ્લિમ, ૪ શીખ, કુલ ૩૫. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– પંજાબ પ્રાંત… ૮ સામાન્ય, ૧૬ મુસ્લિમ, ૪ શીખ, કુલ ૨૮

– વાયવ્ય સરહદ પ્રાંત…૦ સામાન્ય, ૩ મુસ્લિમ, ૦ શીખ, કુલ ૩

– સિંધ પ્રાંત… ૧ સામાન્ય, ૩ મુસ્લિમ, ૦ શીખ, કુલ ૪.

વિભાગ ૩ ( ૩૪ સામાન્ય, ૩૬ મુસ્લિમ, કુલ ૭૦. પ્રાંતવાર નીચે આપ્યા પ્રમાણે)

– બંગાળ પ્રાંત… ૨૭ સામાન્ય, ૩૩ મુસ્લિમ કુલ ૬૦

– આસામ પ્રાંત… ૭ સામાન્ય ૩ મુસ્લિમ, કુલ ૧૦.

બ્રિટિશ ઇંડિયામાંથી ૨૯૨, દેશી રાજ્યોમાંથી ૯૩ (વધારેમાં વધારે). કુલઃ ૩૮૫.

આ સાથે જ કૅબિનેટ મિશને પ્રાંતો, ગ્રુપો અને સંઘ માટેનાં બંધારણો બનાવવાની વ્યવસ્થા પણ સૂચવી, એટલું જ નહીં, માત્ર ભારતીયોની બનેલી વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી.

કૅબિનેટ મિશનની આ યોજના પર કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રત્યાઘાત શું હતા? આવતા અઠવાડિયે એની વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-55

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૫:  કૅબિનેટ મિશન(૩)

જિન્નાનું મેમોરેન્ડમ

૧૨મી તારીખે લીગ અને કોંગ્રેસે સમજૂતીનાં બિંદુઓ અંગે પોતપોતાના દૃષ્ટિકોણનાં મેમોરેન્ડમો કૅબિનેટ મિશનને મોકલી આપ્યાં. લીગના પ્રમુખ જિન્નાએ એમાં લખ્યું કે સમજૂતી માટે લીગની અમુક માગણી તો સંતોષાવી જ જોઈએ:

૧. મુસ્લિમ બહુમતીવાળા છ પ્રાંતો છે તેમને એક ગુપમાં મૂકવા. (એટલે કે પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, બલુચિસ્તાન, સિંધ, બંગાળ અને આસામને મુસ્લિમ ગ્રુપમાં મૂકવાં). મેમોરેન્ડમમાં જિન્નાએ આ ગ્રુપને ‘પાકિસ્તાન ગ્રુપ’ નામ આપ્યું. એમણે લખ્યું કે આ ગ્રુપ સંરક્ષણ, વિદેશી બાબતો અને સંરક્ષણ માટે જરૂરી હોય તેટલી સંદેશવ્યવહાર સેવા સિવાયના બધા વિભાગ સંભાળશે. આ ત્રણ વિષયો અંગે પાકિસ્તાન ગ્રુપ અને હિન્દુ ગ્રુપની બંધારણ સભાઓ સાથે બેસીને નિર્ણય લેશે.

૨. પાકિસ્તાન ગ્રુપની અલગ બંધારણ સભા હશે. એના ઘટક પ્રાંતો નક્કી કરશે કે કેટલા વિષયો પ્રાંત સ્તરે અને કેટલા કેન્દ્રીય સ્તરે (પાકિસ્તાન ફેડરેશન પૂરતા કેન્દ્રીય સ્તરે) અલગ રાખવા.

૩.પાકિસ્તાન ગ્રુપમાં બંધારણ સભામાં દરેક પ્રાંતમાં જુદી જુદી કોમોને એમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળશે.

(અહીં જિન્નાના પરસ્પર વિરોધી વિચારોનું પ્રતિબિંબ મળે છે. જો પાકિસ્તાન ગ્રુપમાં બધી કોમોને વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ આપવાનું હોય તો અવિભાજિત ભારતમાં એ નિયમ કેમ લાગુ ન પાડી શકાય? કદાચ જિન્ના સમજતા હતા કે દેશમાં વસ્તી એવી સેળભેળ હતી કે ખરેખર કોમી સમસ્યાના ઉકેલનો રસ્તો સૌને સમાન અધિકારો આપવાનો છે).

૪. પાકિસ્તાન ફેડરેશનનું બંધારણ બની ગયા પછી કોઈ પણ પ્રાંતને એમાં રહેવું કે નીકળી જવું તે નક્કી કરવાનો અધિકાર રહેશે પણ એના માટે એ પ્રાંતમાં લોકમત લેવાનો રહેશે.

૫. સંઘ સરકારની પોતાની ધારા ઘડનારી સભા હશે કે નહીં, તેની ચર્ચા કરવાની પણ ગ્રુપોની બંધારણ સભાઓની સંયુક્ત બેઠકમાં છૂટ હોવી જ જોઈએ. તે ઉપરાંત નાણાની વ્યવસ્થા કેમ કરવી તે પણ સંયુક્ત બેઠક પર છોડવું જોઈએ, પરંતુ સંઘ સરકારને કરવેરા લાગુ કરવાનો અધિકાર તો આપી જ ન શકાય.

૬.સંઘની સરકાર અને ધારાસભામાં બન્ને ગ્રુપને સરખી સંખ્યામાં પ્રતિનિધિઓ મળવા જોઈએ.

૭. કોમી મુદ્દાને સ્પર્શતો કોઈ પણ ઠરાવ હિન્દુ પ્રાંતો અને મુસ્લિમ પ્રાંતોની ઍસેમ્બ્લીઓની બહુમતીનો ટેકો ન હોય તો સંયુક્ત બંધારણસભામાં મંજૂર થયેલો ગણાશે નહીં.

૮. સંઘ ત્રણ-ચતુર્થાંશ સભ્યોના સમર્થન વિના વિવાદાસ્પદ મુદ્દા પર સંઘ સરકાર કોઈ ધારાકીય,કારોબારી કે વહીવટી નિર્ણય નહીં લે.

૯. ગ્રુપ અને પ્રાંતોનાં બંધારણમાં ધર્મ, સંસ્કૃતિ અને જુદી જુદી કોમોને સ્પર્શતી બાબતો માં મૂલભૂત અધિકારો અને સમ્રક્ષણ આપવાની જોગવાઈ હશે.

૧૦. સંઘના બંધારણમાં એવી જોગવાઈ હશે કે કોઈ પણ પ્રાંત એની ઍસેમ્બ્લીમાં બહુમતીના આધારે સંઘના બંધારણની શરતો પર (પુનર્‍)વિચાર કરવાની માગણી કરી શકશે અને શરૂઆતના દસ વર્ષના ગાળા પછી સંઘમાંથી હટી જવાનો નિર્ણય લઈ શકશે.

જિન્નાએ કહ્યું કે આ સિદ્ધાંતો અમે શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા સમાધાન માટે રજૂ કર્યા છે. આ ઑફર આખી ને આખી રહે છે અને એનાં દરેક બિંદુ એકબીજાં સાથે જોડાયેલાં છે.

જિન્ના એવું કહેવા માગે છે કે પાકિસ્તાન ગ્રુપનું પોતાનું જ બંધારણ હશે, સંઘનું બંધારણ કેવું હોવું જોઈએ તેમાં પણ એનો અવાજ રહેશે અને આમાંથી એક પણ ‘સિદ્ધાંત’ છોડી દેવાય તે એમને મંજૂર નથી.

કોંગ્રેસનાં સૂચનો

કોંગ્રેસે પણ એ જ દિવસે પોતાનાં સૂચનો મોકલી આપ્યાં.

૧. બંધારણ સભા નીચે દર્શાવ્યા પ્રમાણે રચાશેઃ

ક. દરેક પ્રાંતીક ઍસેમ્બ્લીમાંથી સપ્રમાણ પ્રતિનિધિત્વના ધોરણે પ્રતિનિધિ ચુંટાશે. આ રીતે પ્રાંતિક ઍસેમ્બ્લીના કુલ સભ્યોના પાંચમા ભાગના પ્રતિનિધિઓ હશે. પ્રતિનિધિ ગૃહનો સભ્ય હોય અથવા બહારથી હોય.

ખ. બ્રિટિશ ઇંડિયામાં વસ્તીદીઠ જેટલા પ્રતિનિધિ મળ્યા હોય તેટલા જ પ્રતિનિધિ રજવાડાંની એટલી જ વસ્તી માટે હશે.

૨. બંધારણસભા સંઘનું બંધારણ બનાવશે. એમાં ફેડરલ સરકાર અને લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી હશે; વિદેશી બાબતો, સંરક્ષણ, સંદેશવ્યવહાર, મૂળભૂત અધિકારો, ચલણ, કસ્ટમ અને આયોજનના વિષયો સંઘ સરકાર હસ્તક રહેશે. સંઘ સરકારને પોતાનાં કાર્યો માટે જરૂરી નાણાકીય સાધનો ઊભાં કરવાની સત્તા હશે અને જાહેર કટોકટી વખતે બંધારણની વ્યવસ્થા પડી ભાંગે ત્યારે એના ઉપાયો કરવાની સત્તા પણ સંઘ સરકાર પાસે હોવી જોઈએ.

૩. બાકીની બધી સત્તા પ્રાંતો અથવા યુનિટોના હાથમાં રહેશે.

૪. પ્રાંતોનાં ગ્રુપ બનાવી શકાશે અને આવાં ગ્રુપો નક્કી કરશે કે કયા વિષયો સહિયારા રૂપે હાથ ધરવા.

૫. સંઘનું બંધારણ બની ગયા પછી પ્રાંતો પોતાનાં ગ્રુપો બનાવી શકે છે અને પોતાના ગ્રુપનું બંધારણ અથવા બંધારણો બનાવી શકે છે.

૬. કોઈ પણ કોમી બાબતો માટે સંઘના અખિલ ભારતીય બંધારણમાં જે જોગવાઈઓ હોય તે સંબંધિત કોમ કે કોમોની બહુમતીની મંજૂરી ન મળે તો સ્વીકાર્ય નહીં બને. આમાં જો કોઈ સંમતિ ન થાય તો એ મુદ્દો લવાદને સોંપી દેવાશે. કોઈ મુદ્દો કોમની નજરે બહુ મોટો છે કે નહીં તે સ્પીકર નક્કી કરશે અથવા ફેડરલ કોર્ટને સોંપી દેશે.

૭. બંધારણ બનાવવાની પ્રક્રિયામાં કોઈ મુદ્દા પર વિવાદ ઊભો થશે તો એ લવાદને સોંપી દેવાશે.

૮. બંધારણમાં જરૂર પડે ત્યારે સુધારો કરવાની જોગવાઈ હશે.

મુસ્લિમ લીગના મેમોરેન્ડમ પર કોંગ્રેસની ટિપ્પણી

પૉઇંટ નં. ૧: લીગનો મુદ્દો ફગાવી દેતાં કોંગ્રેસે કહ્યું કે આખા દેશ માટે એક જ બંધારણ સભા હોવી જોઈએ. તે પછી પ્રાંતોની ઇચ્છા હોય તો ગ્રુપ બનાવે. આ મુદ્દો પ્રાંતો પર છોડી દેવો જોઈએ. જિન્નાએ પાકિસ્તાન ગ્રુપમાં આસામને સામેલ કર્યું તેના વિશે કોંગ્રેસે કહ્યું કે દેખીતી રીતે જ આસામ એ ગ્રુપનો ભાગ ન બની શકે, અને વાયવ્ય સરહદ પ્રાંતમાં ચૂંટણીનાં પરિણામ દેખાડે છે કે એને એ ગ્રુપમાં જવામાં રસ નથી.

પૉઇંટ નં. ૨ કોંગ્રેસે સ્વીકાર્યો.

પૉઇંટ નં. ૩ વિશે કોંગ્રેસે કહ્યું કે ચૂંટણીની સૌથી સારી પદ્ધતિ એકલ સંક્રમણીય મતદાન પદ્ધતિ છે.

પૉઇંટ ૪ વિશે કોંગ્રેસનો અભિપ્રાય એવો હતો કે પ્રાંતોને દસ વર્ષ પછી નીકળી જવાની છૂટ આપવાનો અર્થ નથી, કારણ કે ગ્રુપમાં પૂર્વ સંમતિથી જ જોડાઈ શકાય એવી વ્યવસ્થા છે.

પૉઇંટ ૫ વિશે કોંગ્રેસે કહ્યું કે અમે માનીએ છીએ કે સંઘની ધારાસભા હોવી જોઈએ અને એને પોતાનાં નાણાકીય સાધનો ઊભાં કરવાની સત્તા પણ હોવી જોઈએ.

પૉઇંટ ૬ અને ૭ પર ટિપ્પણી કરતાં કોંગ્રેસે બન્ને ગ્રુપોને સમાન સંખ્યામાં પ્રતિનિધિત્વ આપવાનું સૂચન નકારી દીધું. કોંગ્રેસે કહ્યું કે કોઈ પણ મહત્ત્વના કોમી મુદ્દા પર બંધારણમાં કરેલી જોગવાઈને બંધારણ સભામાં બેઠેલા સંબંધિત કોમના બહુમતી સભ્યો મંજૂર ન કરે ત્યાં સુધી સ્વીકાર્ય ન ગણવાની જોગવાઈ પૂરતી છે. એમાં કંઈ સમસ્યા ઊભી થાય તો લવાદને એ મુદ્દો સોંપી શકાય.

પૉઇંટ નં. ૮ને તો કોંગ્રેસે તદ્દન નકારી કાઢ્યો અને કહ્યું કે દરેક કોમને પૂરતું રક્ષણ આપવાની વ્યવસ્થા કર્યા પછી આ સૂચન માનવું તે સ્થાપિત હિતોને રક્ષણ આપવાનો રસ્તો ખોલવા જેવું થશે.

પૉઇંટ નં.૯નો કોંગ્રેસે સ્વીકાર કર્યો પણ ઉમેર્યું કે ધાર્મિક અને સાંસ્કૃતિક મૂળભૂત અધિકારો આપવાની જરૂર છે જ પરંતુ એનું સ્થાન સંઘના બંધારણમાં છે.

પૉઇંટ ૧૦ વિશે કોંગ્રેસનું કહેવું હતું કે બંધારણમાં જ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એમાં સુધારા કરવાની જરૂર પડે ત્યારે કરી શકાય.

કૅબિનેટ મિશન નિષ્ફળ

કોંગ્રેસ અને મુસ્લિમ લીગના વિચારોમાં એટલું મોટું અંતર હતું કે આ મેમોરેન્ડમો સાથે ૧૨મી, છેલ્લા દિવસે કૉન્ફરન્સ પડી ભાંગી. જિન્ના દરેક રીતે ‘પાકિસ્તાન’ ગ્રુપને સ્વતંત્ર રાખવા માગતા હતા અને તે એટલે સુધી કે ચલણ, કસ્ટમ વગેરે પણ સંઘ પાસે ન રાખવાની માંગ કરતા હતા. સંઘને કરવેરા નાખવાનો અધિકાર આપવા પણ એ તૈયાર નહોતા. આમ સંઘ સરકાર સંપૂર્ણપને ગ્રુપોની દયા પર રહેવી જોઈએ એમ એમનો મત હતો. એ ભારતમાં જ બે અલગ રાજ્યોની માંગ કરતા હતા જેમાં સંઘ સરકારને એક ક્લબ કરતાં ઊંચો દરજ્જો આપવા નહોતા માગતા. તે પણ, કૅબિનેટ મિશનને સંતોષવા માટે. હકીકતમાં એમને આખું આસામ, આખું બંગાળ, આખું પંજાબ, આખો વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધ જોઈતાં હતાં.

કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉય દિલ્હી જવા રવાના થઈ ગયા. ૧૬મીએ કૅબિનેટ મિશન અને વાઇસરૉયે દિલ્હીમાં નિવેદનો બહાર પાડ્યાં.

એની વિગતો આવતા અઠવાડિયે.

 

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-54

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૪ :  કૅબિનેટ મિશન(૨)

લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્ર પછી એમના સેક્રેટરીએ બીજો પત્ર મોકલીને ‘કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી માટે સૂચિત મુદ્દા’ મોકલ્યા જે આ પ્રમાણે હતાઃ

૧. એક અખિલ ભારતીય સંઘ સરકાર અને લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી હોય જે વિદેશી બાબતો, સંરક્ષણ, સંદેશવ્યવહાર, મૂળભૂત અધિકારો જેવા મુદ્દા સંભાળે અને એના માટે જરૂરી નાણાં ઊભાં કરવાની પણ એને સત્તા હોય.

૨. તે સિવાયની બધી સત્તાઓ પ્રાંતોને અપાય.

૩. પ્રાંતોનાં ગ્રુપ બનાવાય અને એ ગ્રુપ પ્રાંતના મુદ્દાઓમાંથી એને જે એકસમાન લાગતા હોય તે સંભાળે.

૪. ગ્રુપની પોતાની કારોબારી અને ઍસેમ્બ્લી હોય.

૫. સંઘની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં બધા પ્રાંતોના પ્રતિનિધિઓ અને રાજ્યના પ્રતિનિધિઓ હોય. મુસ્લિમ બહુમતીવાળા અને હિન્દુ બહુમતીવાળા પ્રાંતોના પ્રતિનિધિઓની સંખ્યા એકસરખી હોય. કોઈ પ્રાંતે ગ્રુપનું સભ્યપદ ન લીધું હોય તો પણ સંઘ સરકારની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

૬. સંઘ સરકારની રચનામાં પણ ઍસેમ્બ્લીમાં પ્રતિનિધિત્વનું જે પ્રમાણ હોય તે જ માન્ય ગણવું.

૭. સંઘ અને ગ્રુપ (કોઈ હોય તો)નાં બંધારણોમાં એવી જોગવાઈ કરવી કે એના પર દર દસ વર્ષ પછી પુનર્વિચાર કરવાનો પ્રાંતોને અધિકાર મળે.

૮. ઉપર દર્શાવેલા આધારે બંધારણ બનાવવા માટેની બંધારણ સભાનું સ્વરૂપ નીચે જણાવ્યા પ્રમાણે હશેઃ

ક. દરેક પ્રાંતિક ઍસેમ્બ્લીમાંથી દરેક પાર્ટીના સભ્યોના પ્રમાણમાં પ્રતિનિધિ લેવાશે. દરેક પાર્ટીના દસ સભ્ય પર એક પ્રતિનિધિ હશે.

ખ. દેશી રાજ્યોમાંથી પણ એમની વસ્તીને આધારે બ્રિટિશ ઇંડિયામાં એટલી વસ્તી માટે જેટલા પ્રતિનિધિ લીધા હોય તેટલા લેવાશે.

ગ. આ રીતે બનેલી બંધારણસભા વહેલી તકે દિલ્હીમાં મળશે.

ઘ. પહેલી બેઠકમાં કામની વ્યવસ્થા પર વિચાર કરાશે અને એના ત્રણ ભાગ પાડવામાં આવશે; એક ભાગ હિન્દુ બહુમતીવાળા પ્રાંતોનો, બીજો, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોનો અને ત્રીજો રજવાડાંઓનો હશે.

ચ. પહેલા બે ભાગ અલગ અલગ મળશે અને એમના ગ્રુપનાં પ્રાંતિક બંધારણો બનાવશે; અને એમની મરજી હોય તો, ગ્રુપનું બંધારણ પણ બનાવશે.

છ. આટલું થયા પછી કોઈ પણ પ્રાંતને પોતાના મૂળ ગ્રુપમાંથી હટી જઈને કોઈ બીજા ગ્રુપમાં જોડાવાની અથવા સૌથી અલગરહેવાની છૂટ મળશે.

જ. તે પછી ત્રણેય ભાગો એકઠા મળશે અને ફકરા ૧-૭માં જણાવ્યા પ્રમાણે સંઘનું બમ્ધારણ બનાવશે.

૯. વાઇસરૉય આ બંધારણ સભાની તરત બેઠક બોલાવશે જે ફકરા-૮ની જોગવાઈ પ્રમાણે કામ કરશે

જિન્નાનો જવાબ

જિન્નાને આ પત્ર મળ્યો કે તરત એમણે જવાબ મોકલી આપ્યો. એમાં કોંગ્રેસ વિરુદ્ધ ખોટી રજુઆત કરતાં પણ ન અચકાયા. એમણે લખ્યું કે ૨૭મી ઍપ્રિલના પત્રમાં તમે જે ફૉર્મ્યુલા સૂચવી હતી તે આ પ્રમાણે હતીઃ સંઘની સરકાર હસ્તક ત્રણ વિષયો રહેશે –વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશશવ્યવહાર. પ્રાંતોનાં બે ગ્રુપ હશે; એકમાં હિન્દુ બહુમતીવાળા પ્રાંતો અને બીજામાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે. ગ્રુપ હસ્તક એ જ વિષયો રહેશે કે જેના વિશે ગ્રુપના ઘટક પ્રાંતો એવું નક્કી કરે કે આના પર સમાન ધોરણે કામ થવું જોઈએ. બાકીના બધા વિષયો પ્રાંતિક સરકારને હસ્તક રહેશે.

આના પર સિમલામાં ચર્ચા થવાની હતી અને એટલે મારા ૨૮મીના પત્રમાં જણાવેલી શરતે અમે સામેલ થયા. પાંચમી અને છઠ્ઠીએ કલાકોની ચર્ચા પછી કોંગ્રેસે સંઘ સરકાર હસ્તક માત્ર ત્રણ વિષય રાખવાનું સૂચન સ્પષ્ટ અને અંતિમ સ્વરૂપે નકારી કાઢ્યું હતું.

એમણે આગળ કહ્યું કે તમારી ફૉર્મ્યુલામાં એ ધારણા છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગ્રુપિંગ વિશે સમજૂતી થશે અને તેના અનુસાર હિન્દુ પ્રાંતોનું ગ્રુપ અને મુસ્લિમ પ્રાંતોનું ગ્રુપ, એમ બે ગ્રુપ હશે અને બે ગ્રુપોમાં લેવાયેલા પ્રાંતોનાં બે ફેડરેશન બનાવાશે અને બે બંધારણ સભાઓ હશે. એના જ આધારે કોઈક સ્વરૂપના યુનિયનની રચના કરવાની હતી. તમારી ફૉર્મ્યુલામાં માત્ર ત્રણ મુદ્દા હતા અને એ હાડપિંજરમાં અમારે લોહી અને માંસ ભરવાનાં હતાં. કોંગ્રેસે આ દરખાસ્ત પણ સાવ જ નકારી કાઢી અને મીટિંગ મુલતવી રાખવી પડી.

હવે આ નવો દસ્તાવેજ આવ્યો છે. એના મથાળામાં જ ‘સૂચિત મુદ્દા’ શબ્દો છે, પણ કોણે સૂચિત કર્યા છે? આ નવા મુદ્દા મૂળ ફૉર્મ્યુલાથી તદ્દન જુદા પડે છે.

હવે સંઘ સરકારના વિષયોમાં નવો ‘મૂળભૂત અધિકારો”નો મુદ્દો ઉમેરાયો છે અને અમારે એની પણ ચર્ચા કરવાની છે. ગ્રુપિંગનો મુદ્દો પણ કોંગ્રેસના પ્રતિનિધિ કહે છે તે રીતે હવે રજૂ કરાયો છે, જે તમારી મૂળ ફૉર્મ્યુલા કરતાં જુદો છે.

પૅથિક લૉરેન્સનો વળતો જવાબ

લૉર્ડ પૅથિક લૉરેન્સે પણ તરત જવાબ આપ્યો. જિન્નાના એ વિધાન કે કોંગ્રેસે માત્ર ત્રણ વિષયોવાળી સંઘ સરકારને નકારી કાઢી છે, તેનો જવાબ આપતાં એમણે કહ્યું કે બે દિવસની ચર્ચા દરમિયાન મારા પર એવી છાપ પડી તે સાથે તમારો દાવો બંધબેસતો નથી. ફેડરેશન વિશેની જિન્નાની ધારણાનો પણ એમણે અસ્વીકાર કર્યો. મૂળ ફૉર્મ્યુલા કરતાં આ દસ્તાવેજમાં ફેડરેશનનો ખ્યાલ અલગ પડતો હોવાની વાત સાથે પણ હું સંમત નથી થતો. આ દસ્તાવેજમાં તો માત્ર એનો જ વિસ્તાર કર્યો છે. અમે એવી આશા રાખીએ છીએ કે આવી વિસ્તૃત દરખાસ્તથી સમજૂતી સહેલી બની શકે. બંધારણ સભાની રચના વિશેની જિન્નાની ટિપ્પણીનો પણ એમણે જવાબ આપ્યો અને કહ્યું કે ચર્ચાઓમાં તમે પોતે જ કહ્યું હતું કે જુદી જુદી બંધારણ સભાઓએ સંઘનું બંધારણ બનાવવા માટે સાથે બેસવું પડશે! અમે પણ એ જ કહ્યું છે.

અમે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને આમંત્રણ આપ્યાં ત્યારે પણ અમારી ફૉર્મ્યુલા આખરી છે એમ નહોતું માન્યું.

મૌલાના આઝાદનો પત્ર

નવમી તારીખે મૌલાના આઝાદે પણ પત્ર લખીને લૉર્ડ પૅથિક લૉરેન્સના પત્રના બધા મુદ્દા સામે વાંધા લીધા.

– આ સૂચનો બંધારણ સભાની ચર્ચાઓને એક મર્યાદામાં બાંધવા માટે બન્યાં હોય એવાં છે.

– કોંગ્રેસ મજબૂત કેન્દ્રમાં માને છે, પેટા ફેડરેશનો બનાવવાની વિરુદ્ધ છે, પણ પ્રાંતો પોતાની મરજીથી એકબીજા સાથે સહયોગ કરે તે બરાબર છે

– ૮(ઘ, ચ, છ, જ)માંથી એવું દેખાય છે કે બે કે ત્રણ જુદાં જુદાં બંધારણો બનશે. આ ગ્રુપો ભેગાં થઈને પછી એમની ઉપરની કોઈ આછીપાતળી વ્યવસ્થાનું બંધારણ બનાવશે કે જે આ ત્રણ, એકબીજા સાથે સંબંધ ન હોય તેવાં ગ્રુપોની દયા પર હશે. ગ્રુપો પણ પ્રાંતોને સામેલ કરીને બનાવ્યાં હશે, પણ એમને પહેલાં કોઈ ગ્રુપમાં જોડાવું જ પડે એ કોંગ્રેસને મંજૂર નથી. દાખલા તરીકે, વાયવ્ય સરહદ પ્રાંતમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. એને જે ગ્રુપમાં જોડાવું ન હોય તેમાં જ જોડાવાની ફરજ પાડવી તે યોગ્ય નથી.

કોંગ્રેસ પ્રમુખે તે પછી દરેક સૂચનની અલગ છણાવટ કરી.

નં. ૧. એ સ્પષ્ટ કરવું જોઈએ કે સંઘને નાણાકીય જરૂરિયાત માટે કાયદા બનાવવાનો અધિકાર રહેશે. ચલણ અને કસ્ટમ વગેરે માત્ર સંઘ હસ્તક રહેશે. એ જ રીતે આયોજન પણ કેન્દ્ર હસ્તક રહેશે અને પ્રાંતો એનો અમલ કરશે. બંધારણ પડી ભાંગવા જેવી સ્થિતિ હોય ત્યારે જરૂરી પગલાં લેવાનો અધિકાર કેન્દ્ર પાસે જ રહેશે.

નં ૫ અને ૬. આમાં કારોબારી અને ધારાકીય સત્તાઓમાં બધાને સમાન ગણવાનો અમે વિરોધ કરીએ છીએ. આ સૂચનમાં ઝઘડાનાં બીજ રહેલાં છે. આ બાબતમાં સમજૂતી ન થાય તો અમે મધ્યસ્થી પર આ મુદ્દો છોડવા તૈયાર છીએ.

નં. ૭. દસ વર્ષે ગ્રુપમાં રહેવું કે નહીં તે વિશે પુનર્વિચાર કરવાની પ્રાંતને છૂટ આપવાનું સૂચન અમને મંજૂર છે. આમ પણ, બંધારણમાં કોઈ પણ સુધારો કરવાની જોગવાઈ હશે જ.

નં. ૮-ખ. આ કલમ સ્પષ્ટ નથી. હમણાં અમે એની વિગતોમાં નહીં ઊતરીએ.

નં. ૮-ઘ, ચ, છ, જ. આના વિશે ઉપર લખ્યું છે. અમે માનીએ છીએ કે ગ્રુપોની રચના અને એના માટે સૂચવેલી કાર્યપદ્ધતિ, બન્ને ખોટાં છે. પ્રાંતો ગ્રુપ બનાવતા હોય તો ભલે, પરંતુ આ વિષય બંધારણ સભાના નિર્ણય માટે છોડી દેવો જોઈએ.

નં. ૮-ઝ. આજની સ્થિતિમાં અમે મધ્યસ્થી જેવી કોઈ કલમ સ્વીકારવા તૈયાર છીએ.

એકંદરે, આ સૂચનો બંધનકર્તા હોય તો, લીગ સાથે સમજૂતી કરવા અમે આતુર છીએ તો પણ, એનો સ્વીકાર કરવા અમે અસમર્થ છીએ.

અમ્પાયર રાખવાનું કોંગ્રેસનું સૂચન

જવાહરલાલ નહેરુએ મુસ્લિમ લીગના પ્રમુખ જિન્નાને ૧૦મી તારીખે પત્ર લખીને જણાવ્યું કે અમ્પાયર રાખવાની વાત સાથે કોંગ્રેસ સંમત છે. એમણે કહ્યું કે ગઈકાલની ચર્ચા પછી આપણે વાઇસરીગલ લૉજમાં આ બાબતમાં વાત કરી અને પછી મારા સાથીઓએ એના પર ઊંડો વિચાર કર્યો. અમને લાગે છે કે અમ્પાયર તરીકે કોઈ અંગ્રેજ, હિન્દુ, મુસલમાન કે શીખ ન હોવો જોઈએ. આમ પસંદગી મર્યાદિત થઈ જાય છે, પણ તોય અમે સારીએવી લાંબી સૂચી બનાવી છે. મને આશા છે કે તમે પણ તમારી કારોબારી સાથે ચર્ચા કરીને આવી સૂચી બનાવી હશે. આ બન્ને સૂચીઓ પર આપણે – તમે અને હું –વિચાર કરીએ તે તમે પસંદ કરશો? તમે તૈયાર હો તો આપણે મીટિંગ રાખીએ. તે પછી આપણે ભલામણ કરીએ અને તેના પર કોંગ્રેસના ચાર અને મુસ્લિમ લીગના ચાર પ્રતિનિધિઓ ભેગા મળીને વિચાર કરે.

જિન્નાનો જવાબ

જિન્નાએ એ જ દિવસે જવાબ આપ્યો કે મને તમારો પત્ર સાંજે છ વાગ્યે મળ્યો. વાઇસરીગલ લૉજમાં આપણી મીટિંગમાં આપણે અમ્પાયર વિશે અને બીજા કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી. ટૂંકી વાતચીત પછી આપણે એવા નિર્ણય પર પહોંચ્યા કે તમે કોન્ફરન્સમાં રજૂ કરેલી આ દરખાસ્ત વિશે આપણે વધુ ચર્ચા કરશું અને તમે અને હું આપણા સાથીઓ સાથે એની અસરો અંગે ચર્ચા કરશું. હું તમને સવારે દસ વાગ્યે વાઇસરીગલ લૉજમાં મળવા તૈયાર છું.

ફરી નહેરુ

તમારો પત્ર મને રાતે દસ વાગ્યે મળ્યો. આપણી વાતચીત પછી મારી એવી છાપ હતી કે અમ્પાયર રાખવાની દરખાસ્ત સૌને મંજૂર છે અને હવે તમે માત્ર નામો સૂચવશો. કૉન્ફરન્સમાં આવી સંમતિ થયા પછી જ આપણે વાત કરી હતી. મારા સાથીઓ તો એમ જ માનીને આગળ વધ્યા અને યોગ્ય નામોની સૂચી તૈયાર કરી. આજે કૉન્ફરન્સ આપણી પાસે આશા રાખશે કે આપણે નામો આપીએ. મુખ્ય મુદ્દો એ છે કે અમ્પાયરનો નિર્ણય અંતિમ માનવાનો હોય. આપણે એ બાબતમાં સંમત છીએ. અમારું સૂચન છે કે આપણે એનાથી શરૂઆત કરીએ અને આજે કૉન્ફરન્સમાં નામો રજૂ કરીએ. તમે કહો છો તેમ હું વધારે વાતચીત માટે તમારા નિવાસસ્થાને સવારે સાડાદસે આવીશ.

જિન્નાની એ જ વાત!

જિન્નાએ જવાબમાં એ જ વાત ફરી કહી – તમારા અને મારા વચ્ચે પંદર કે વીસ મિનિટ વાત થઈ તેમાં તમારી દરખાસ્તનાં કેટલાંક પરિણામોની વાત કરી. આપણે એના પર થોડી ચર્ચા કરી પણ કોઈ સંમતિ નહોતી થઈ, બસ, એટલું જ કે તમે તમારા સાથીઓ સાથે અને હું મારા સાથીઓ સાથે એના વિશે ચર્ચા કરું. મને ખુશી છે કે આજે સવારે સાડાદસે તમે મારે ત્યાં આવશો.

આ પત્રવ્યવહાર આટલો જ ટૂંકો છે પણ એમાંથી જિન્નાની સ્ટાઇલની ખબર પડે છે. સમજૂતી થતી હોવાની છાપ આપવી અને પછી પોતે જે કહ્યું હોય તેનું જુદું અર્થઘટન કરવું. કૉન્ફરન્સમાં એમણે પોતે અમ્પાયર રાખવાનું સૂચન સ્વીકારતા હોવાની છાપ આપી, તે પછી નહેરુ એમને બહાર મળ્યા ત્યારે નામો પર વિચાર કરવા સિવાય શું કરવાનું હતું? અને નહેરુએ માત્ર પોતે અને જિન્ના સંમત થાય એવી છેલ્લી સૂચી બન્નેના ચાર-ચાર સાથીઓ સમક્ષ રજૂ કરીને એમની સંમતિ લીધા પછી કૉન્ફરન્સમાં મૂકવાની વાત કરી. આવી સૂચી બનાવવા માટે જિન્ના પોતે જ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરી શકતા હતા. અંતે આ દરખાસ્ત હવામાં ઊડી ગઈ!

કૅબિનેટ મિશન, કોંગ્રેસ અને મુસ્લિમ લીગની ત્રિપક્ષી મંત્રણાઓની ભૂમિકા આ બે પ્રકરણોમાં આપણે બાંધી. હવે એના નિર્ણાયક તબક્કે પહોંચવાનું છે. એ આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June1946 Vol. I

%d bloggers like this: