Matrubhasha-no Saad

આજે 21મી ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન.
છેલ્લા એક અઠવાડિયામાં પહેલાં ભાષાશાસ્ત્રી શ્રી બાબુભાઈ સુથારનો, અને તે પછી સાહિત્યિક પત્રકાર શ્રી દીપક્ભાઈ મહેતાનો, એમ બે લેખ પ્રસિદ્ધ કર્યા. આજે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મુખ્યત્વે ગુજરાતી બ્લોગરોને અનુલક્ષીને શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની અપીલ પ્રકાશિત થાય છે. આના પર સક્રિયપણે વિચાર કરવા વિનંતિ છે. ગુજરાતીમાં બ્લોગની સંખ્યા એક હજારથી વધારે હોવાનો મારો ખ્યાલ છે. આથી શક્ય તેટલા બ્લોગરો અને વાચકોનું ધ્યાન આ અપીલ તરફ આકર્ષિત કરવામાં આપના સહકાર વિના ચાલશે નહીં અને મને ખાતરી છે કે આ જાતનો સહકાર મળી જ રહેશે. ગુજરાતીની સેવા માટે આપણાથી જે કઈં બની શકે તે કરીએ. આ લેખ ઊંઝા જોડણીમાં છે એટલે એમાં એક જ ‘ઈ’ અને  ‘ઉ’ જોવા મળશે.

સો વાતની એક જ વાત: ગુર્જરીકુંજે ઉગે પ્રભાત.

–જુગલકીશોર  વ્યાસ

“શું શાં પૈસા ચાર” કહીને ગુજરાતીનું અવમુલ્યન ભારતભરમાં થયું ત્યારે મોટો ઉહાપોહ થયો હોય એ વાતમાં શું માલ છે ! ગુજરાતીઓ મોળા [દાળભાત, કારણ નં.1],એટલે એને શું પડી હોય ભાષાની? અમસ્તુંય, એ તો વેપારી પ્રજા; લક્ષ્મીપુજક.એને સરસ્વતી કે એને આનુષંગીક બાબતોમાં શો રસ ?

ગમે તેમ, પણ ‘શું શાં પૈસા ચાર’ કહીને ગુજરાતી ભાષાની બદબોઈ તો થઈ તે થઇ જ. એને માટે તલવાર વીંઝવાનો ધ્રુજારો પહેલાં કદી હતો નહીં ને હવે એનો અર્થ નથી,એવું મનાયું હશે.

પણ અહીં જરા જુદી વાત કરવી છે. ભુતકાળમાં તલવાર વીંઝાઈ કે ન વીંઝાઈ; અત્યારે તો આ ‘શું શાં’નો નવેસરથી વીચાર કરવા માટેની હવા વાતાવરણમાં વીંઝાઇ રહી છે.

મેં ‘વાતાવરણમાં’ કહ્યું; એટલા માટે કે વીશ્વભરમાં ઈન્ટરનૅટના અદૃશ્ય જગતમાં જે સંદેશાઓ, કશો જ અવાજ કર્યા વગર, ફરી રહ્યા છે તેણે કમ્પ્યુટર વાપરનારાંઓમાં તાજગી લાવી દીધી છે.અહીં જો કે સમગ્ર ઈન્ટરનૅટ જગતની કથા કરવાનો ઉપક્રમ નથી જ; હીંમત પણ નથી.પરંતુ ફક્ત ગુજરાતી ભાષાના અનુસંધાને જે કાંઈ વીચારાઈ રહ્યું છે તેની વાત લગરીક ઉલ્લેખ રુપે, કહો કે ચર્ચાને છંછેડવાના હેતુથી કહેવા ધારી છે.

હજી હમણાં સુધી ઈન્ટરનૅટ પરના એક શક્તીશાળી વ્યવહાર રુપે ઈ–મેઇલનો વપરાશ ફક્ત અંગ્રેજીના માધ્યમથી જ થતો. ગાંધીજીએ “અંગ્રેજો ભલે રહે; અંગ્રેજીપણાને રવાના કરો” કે એવું કાંક કહ્યું હશે એટલે મગનમાધ્યમ ગુજરાતમાં જોર કરી શક્યું. પણ વીશ્વપ્રવાહોમાં ગાંધીવીચાર પણ નબળાઈ જાય, ત્યાં ભાષાનું શું ગજું ? એટલે અંગ્રેજી ગઇ તો નહીં જ, બલ્કે આવા ઈલેક્ટ્રોનીક્સના ક્ષેત્રે તો અનીવાર્ય બનીને સ્થપાઈ ગઈ.

દરમીયાન વીશ્વભરમાં ફેલાઈ ચુકેલા, ને વેપારી પણ કહેવાઈ ચુકેલા, ગુજરાતીઓને છેક વીદેશોમાં જઈને ગુજરાતીનું ઘેલું લાગ્યું! એને જેમ જન્મભુમી સાંભરે અને અણોહરું લાગે, એમ ગુજરાતીનો ‘બોલાહ’ અને ‘વંચાણે’ લેવાતો ગુજરાતી શબ્દ હૈયે વળગ્યો! ગુજરાતી અક્ષરો વાંચવાની તલબ શરુ થઈ,આ સૌ વીદેશની ભુમીમાં સ્થીર થયેલાંઓમાં. ‘શું શાં’ શબ્દો એ ફક્ત બોલવાની જ નહીં પણ વાંચવાની ને એના દ્વારા ગુજરાતી કવીઓ, લેખકો, વીચારકોના મનોજગતને પોતાનામાં ‘ઈન્સ્ટોલ’ કરવાની જાણે કે લૅ લાગી ગઈ. ગુજરાતી સાહીત્યનો ઉપાડ દુનીયાભરમાં પહેલાં કરતાં ખુબ વધ્યો.

પણ ઈન્ટરનૅટનો વપરાશ વધતાં જ, લૅપટોપને ખોળામાં લઈને [કે એને ખોળે ખુદ બેસીને] સૌ કોઈ હવામાં અદૃશ્ય રુપે સંગ્રહાયેલાં માહીતી અને મનોરંજનનાં આદી થવા લાગ્યાં.

અહીં જ હવે શરુ થયો, ગુજરાતીને વીશ્વભાષા બનાવવાની લગનીનો તબક્કો. “ઈ–મેઈલમાં અંગ્રેજીની ભાષાગીરી નહીં ચલેગી,નહીં ચલેગી” એવાં સુત્રો મનોજગતમાં જાગે જાગે ત્યાં તો ગુજરાતી લખાણને પણ ઈ–મેઈલનું માધ્યમ બનાવી દેવાનો પેંતરો શરુ થયો, એટલું જ નહીં થોડાક જ સમયમાં તો કી–બોર્ડ પરથી ગુજરાતીઓનાં ટેરવાં દુનીયાભરમાં ‘શું–શાં’ને વ્યવહારે ‘હલો–હાય’માંથી હોંકારા ભણતાં થઈ ગયાં ! મગનમાધ્યમે અંગ્રેજીની ભાષાગીરી સામે ગુજરાતીગીરીને ભીડાવી દીધી.

આજે તો ગુજરાતીના વીશ્વકોશની ગરજ સારે એવા શબ્દકોશો; ગુજરાતી શીખવાડે એવાં સોફ્ટવૅર ; વીવીધ ગ્રંથસ્થ સાહીત્યની સીડીઓ અને ગાડાં ભરાય એટલા ગ્રંથો વૅબ–ઝાળામાં ગોઠવાઈ ગયાં છે ! કીડીને કણ ને હાથીને મણ મળી રહેતાં હોય તો પંખીને ચણ કેમ નહીં ?! દેશ–વીદેશે ઉડી ગયેલાં પંખીઓ માટે આ ચણ પણ હવે તો વૅબને જાળે ને માળે મણ મણના હીસાબે ખડકાઈ રહી છે.

છતાં આ ગુજરાતી ભાયું–બેન્યુંને સંતોષ નથી. એક બીજા સાથેના પત્રવ્યવહારનુ શું ? ‘પોસ્ટ ઓફિસ’ અને ટપાલ તો આપણા મનોજગતની એક અત્યંત સંવેદનશીલ અને રોમાંચીત કરી મુકનારી બાબત! એના વીના તો જીવ ને જીવન સાવ સુનાં! એટલે આ જ ગુજરાતીઓને હવે ઈ–મેઇલ ઉપરથી બાપુગાડીએ વહેતો થયેલો પત્રવ્યવહાર અધુરો–અધુકડો લાગે તો શી નવાઈ ?
કારણ કે દુનીયાભરની અંગ્રેજી લીપી એક જ. કી-બોર્ડ પર અક્ષરો માટેનાં સ્થાનો પણ નીશ્ચીત. એટલે ગમે તે ડીઝાઇનના ફોન્ટ્સ વાપરોને, K ની કી ઉપરથી k અક્ષર જ છપાય ! એનો ગમે તેવો વળાંક હોય ભલે, એ એની નક્કી થયેલી જગ્યાએથી જ પ્રગટવાનો .
ગુજરાતીને કોણ જાણે કેમ, ‘શું–શાં’ જ રહેવાનું નીર્ધાર્યું ન હોય, એમ એને આરંભથી જ નોખા નોખા ચોકા ઉપર ગોઠવાવું પડયું. કક્કાના પહેલા અક્ષર ‘ક’ નું જ કમઠાણ જુઓ, કોણ જાણે કેટકેટલી જગ્યાએ ને કક્ષાએથી એને અંકીત કરી શકાય છે !!
અંગ્રેજીની જેમ ગુજરાતી કક્કાનું એક જ ટાઇપરાઇટર–કીબોર્ડ નથી. પેજ મેકરમાં એના અક્ષરોની જમાત જુદી; વીજયા એન્ડ કું. જુથના બધા જ ફોન્ટની નોખી જ પંગત પડે; ‘સરલ’ કહેવાતા અક્ષરોનું ભાણું અલગ તો વળી આનલ-ટુ, રચના–ટુ ને એ બધા ટુ ભાઇઓની પતરાળી ય અલગ પંગતે પડે. આથી કમ્પ્યુટરના ડાચા સામે નવો નવો આવી બેઠેલો ગુજરાતી તો બચાડો જીવ ગભરાઇ જ જાય. આ શું વળી – એકની એક કી એક વાર દબાવો તો એક અક્ષર ને બીજી વાર દબાવો તો બીજો અક્ષર છાપે? પેજમેકરની ‘ડાયરેક્ટ એન્ટ્રી’નો સોફ્ટવેર તો વળી પોતે જ અનેકાનેક ટાઇપરાઇટરો ખોલી આપે; ને એ રીતે જાતે કરીને જ અગવડો–અડચણો ઉભી કરી આપે! આમાં ગુજરાતી બાપડો ક્યાંય ખોવાઇ જાય. ગોત્યોય જડે નૈ. ને જડે કદાચ, તો ય ગીતાના પહેલા જ અધ્યાયનો અંત ભાગ બોલી નાખે : “હું તો નહીં લડું!”

આ બધું જોઇ, જાણી, અનુભવીને ગુજરાતી ઇન્ટરનેટે વેવાર કરી રહેલા ગુજુ ભાઇ–બહેનોને થાય છે કે આ ઠીક નથી. એટલે હમણાંનાં બધાં એક ચર્ચાચોરે ભેળાં થયાં છે. હમણાંની દરરોજની વાતોનો વીષય એક જ છે : કયું માધ્યમ; કઇ પધ્ધતી અને કયા ફોન્ટ વાપરીએ તો બધાં એક અવાજે ” જય જય જય ગુજરાતી ગરવી” ગાઇ શકીએ ?

આ લાઇનના જાણકાર ઇજનેર બંધુઓમાં હજી એકમતી સધાઇ નથી–એ સહેલુંય નથી–પણ એક સાથે એક અવાજે બધાં ભેળાં થયાં જ છે તો કાંક તો જડશે જ , એ આશાએ ચર્ચાએ જોર પકડયું છે.

મારા જેવો નવો નીશાળીયો તો મોં વકાસીને બેસી રહેવા સીવાય શું કરી શકે ? છતાં એપ્રીલ 2006થી આજ સુધીના અનુભવે જે કાંઇ શીખ્યો એણે આટલી વાત કહેવા તો અલબત્ત, મજબુર કર્યો જ:

1] સૌ એક મંચ ઉપર એકઠાં થાય અને એક જ રહે.–નોખા ચોકા નકામા.

૨] “સો વાતની એક જ વાત : નેટ–ગુર્જરીકુંજે ઉગે પ્રભાત !” એવા પ્રકારનું સુત્ર અપનાવીએ. “ઇન્ટરનેટ–ગુર્જરી–અભીયાન” કે એવું નામાભીધાન કરી શકાય.

૩] “યુનિકોડ” ની ટેકનીકલ બાબતથી ગભરાવાને બદલે એનું યુની=એકતા અને કોડ=હોંશ એવું “અંગૃજુ” અર્થઘટન કરી યુનીકોડ = ‘એકત્વની હોંશ’ રુપે એના માટે મથવું;

૪] વીદેશોમાં ગુજરાતી સામયીકો ચલાવતા ‘ઓપિનિયન’ –લંડન–અને ‘માતૃભાષા’–ઓસ્ટ્રેલીયા–ના તંત્રીઓ ….ઉપરાંત ઇ–મેગેઝીન જેવી પ્રવૃત્તી કરતા ‘સન્ડે મહેફીલ’ અને ગુજરાતી વર્ડ–પ્રેસના બહુઆયામી સામયીકોનું સંચાલન કરનારા તંત્રીઓ…..વીવીધ પ્રકારના વ્યક્તીગત ગુજ.બ્લોગ ધરાવનારાં ગુજ.પ્રેમીઓ….વગેરેનુ એક પેટા જુથ બનાવીને ગુજરાતીનો પ્રચાર-પ્રસાર કરે તથા ગુજરાતીના ઘટતા જતા વપરાશ અને પ્રભાવની ચીંતા કરે ને આ પ્રકારના અન્ય પ્રશ્નોના ઉકેલમાં મદદરુપ બને;

૫] કમ્પ્યુટર ઇજનેરીવીદ્યાનું જ્ઞાન ધરાવતા ગુજરાતી મહાનુભાવોને એક જ કી–બોર્ડ પરથી વીવીધ આકારે પ્રગટતા ફોન્ટને ઉપલબ્ધ કરાવવાનો કીમીયો શોધી કાઢવા માટે પ્રેરીએ.

૬] ગુજરાતી શ્રેષ્ઠીઓ વૃધ્ધાવસ્થાએ પણ યુવાન મન ધરાવે છે, તેઓ ધન પણ જરુર પડ્યે વહાવે એવી તકો ઉભી કરવી.
ઈન્ટરનેટની સગવડ ધરાવતાં સૌ કોઇ ગુજ.ઓ નેટ ઉપર ગુજ.માં જ લખે, વ્યવહાર કરે તેવો આગ્રહ ને જરુર પડે તો નીયમ જેવું બનાવીને રાખવો.

ઇ–મેઇલના ‘સબ્જેક્ટ’ના ખાનામાં મોકલનારે આ મેઇલમાં પોતે કયા ફોન્ટ અને કઇ પધ્ધતીનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવે ને દર્શાવે. સહી કરવાની જગ્યાએ લખનારનું નામ અને બને તો ગામનું નામ પણ લખે.

[નોંધ : ઉપરના નં.૪ અને ૫માં બતાવેલાં અને તે સીવાયનાં પણ શોધીને તે નામોમાંથી પસંદગી કરીને પેટા સમીતી જેવી રચના થાય. ઉપરાંત વ્યક્તીનાં વય, વીષય, દેશ, દીશા, વગેરેને ધ્યાનમાં લઇને વધુ સભ્યો આવરી શકાય તે રીતે એક સમીતીની કારોબારી રુપે રચના કરવી જે ખાસ સક્રીય હોય.

અનુભવી અને વડીલોમાંથી બે વ્યક્તીને ‘પ્રમુખ ગુજ.પ્રેમી’ અને ‘ઉપપ્રમુખ ગુજ.પ્રેમી’ રુપે સ્થાપવા, કે જેઓ સૌને હાકલો–પડકારો કરતા રહે!

છુટા લોટમાં જ્યાં સુધી મૉણ નાખવામાં ન આવે ત્યાં સુધી પીંડ બંધાતો નથી ને રોટલી કે ભાખરી બનતી નથી. આ મૉણનું કામ આવી સામુહીક વ્યવસ્થાથી જ આવતી હોઇ આવો વીચાર કરવો રહે છે. બાકી સંસ્થા બન્યા પછી ઘણીવાર પ્રવૃત્તીઓ મરી જતી હોય છે.

સૌને શુભેચ્છાઓ અને સાથ આપવા નમ્ર અરજી.

(તા.25-11-06ના લખાયેલો અને ‘ઓપિનિયન’માં પ્રગટ થયેલો લેખ, જરુરી સુધારા સાથે.)પ્રથમ પ્રગટ કર્યા તા. ૨૩, ૯, ૨૦૦૭.

Better way to serve our language…

શ્રી બાબુભાઈ સુથારના લેખ પર ચર્ચા ચાલે જ છે તે દરમિયાન ઘણાં ઉપયોગી સૂચનો આવ્યાં છે, જે અમુક દિશા સૂચન કરે છે. આ દિશામાં કઈં થાય છે? હા, આશા જગાવે એવી એક કેડી તરફ શ્રી દીપકભાઈ મહેતાએ ધ્યાન દોર્યું છે અને એમને વિશ્વાસ છે કે “ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહીં થાય”. ‘મુંબઈ સમાચાર’માં એમની કટાર ‘ડાયલોગ’ નિયમિત પ્રકાશિત થાય છે. અહીં એને પુનઃ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. તો હવે વાંચો એમનો લેખઃ

ગુજરાતી ભાષાનો વાળ પણ

વાંકો થવાનો નથી!

શ્રી દીપક મહેતા–

જુદી જુદી કૉલેજોમાં બી.એ. – એમ.એ.માં ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરતા દોઢસો જેટલા વિદ્યાર્થી મુંબઈમાં તો ક્યારેય જોવા ન જ મળે. પણ હમણાં સૌરાષ્ટ્રના પાલિતાણામાં જોવા મળ્યા અને આ બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ કાંઇ બે-ચાર કલાક માટે ભેગાં નહોતાં મળ્યાં. પૂરા ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં, ઠંડીની અને બીજી પણ કેટલીક અગવડો હસ્તે મુખે વેઠીને. ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરમાં ભાગ લેવા માટે એ બધાં ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી જુદી જુદી કૉલેજમાંથી આવ્યાં હતાં અને આ કાંઇ આવો પહેલો પ્રસંગ નહોતો. આ તો ૧૪મી શિબિર હતી! એનો આરંભ તો થયો હતો ઝાડ નીચે બેસીને થતી અનૌપચારિક ચર્ચામાંથી. પણ હવે એટલા બધા વિદ્યાર્થી ભાગ લેવા આતુર હોય છે કે એક કૉલેજ દસ કરતાં વધુ વિદ્યાર્થી ન મોકલી શકે એવો નિયમ કરવો પડ્યો છે! હવે તો ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીનો આર્થિક ટેકો આ શિબિરને મળે છે, તો પણ.

શિબિરના નામમાં રહેલો ‘વિદ્યાર્થીલક્ષી’ શબ્દ પણ એક કરતાં વધુ રીતે સાર્થક બનતો જોવા મળ્યો. પન્નાલાલ પટેલ, પ્રહલાદ પારેખ, જયમલ્લ પરમાર જેવા સાહિત્યકારોની જન્મશતાબ્દીને તાકીને કેટલાંક વક્તવ્યો રજૂ થયાં તેમાં જાણીતા વિદ્વાનોની સાથોસાથ વિદ્યાર્થીઓનાં ટૂંકા વક્તવ્યો પણ યોજાયાં હતાં. તો બી.એ. – એમ.એ.ના અભ્યાસક્રમમાનાં પુસ્તકો/વિષયો અંગેનાં સમાંતર વ્યાખ્યાનો પણ હતાં, જેમાં શિબિરાર્થીઓ જુદાં જુદાં ત્રણ-ચાર જૂથમાં વહેંચાઇ જતાં. તો ગુરુશિષ્ય સંવાદ નામની બેઠકમાં એ જ રીતે વહેંચાઈને વિદ્યાર્થીઓ કોઇ એક જાણકાર અભ્યાસી સાથે ચર્ચા કરે. આ માટેના વિદ્યાર્થીઓના ઉત્સાહનો ખ્યાલ એ વાત પરથી આવ્યો કે આવી જૂથચર્ચા માટે દોઢ કલાકનો સમય ફાળવવામાં આવેલો, પણ એક જૂથની ચર્ચા તો પોણા ત્રણ કલાક ચાલી! પન્નાલાલની નવલકથા માનવીની ભવાઈનાં બે મુખ્ય પાત્રો રાજુ અને કાળુમાંથી કોણ ચડિયાતું એ વિષે ડિબેટમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો, તો આંતરકૉલેજ સાહિત્ય ક્વિઝમાં છ કૉલેજના પ્રતિનિધિઓએ ભાગ લીધો. પહેલી રાતે બે નાટિકા પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભજવી – અનેક અગવડોની અવગણના કરીને.

પણ બીજા એક અર્થમાં પણ આ શિબિર વિદ્યાર્થીલક્ષી હતી. બેઠકોનું સંચાલન વિદ્યાર્થીઓ જ કરતા હતા, વક્તાઓનો પરિચય પણ વિદ્યાર્થીઓ જ આપતા હતા. શિબિરમાં આવેલા સૌ કોઇના રહેવા-ખાવા-નહાવાની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓના હાથમાં હતી. બેઠકો વખતે કોઇ વધારાના વક્તાને બોલવાનું કહેવા જેવું લાગે તો ઓન ધ સ્પોટ વિદ્યાર્થી-સંચાલક જ કહેતા. એમનાં આ બધાં કામોમાં ભૂલ કે ઉણપ નહોતાં એવું નહોતું. પણ ‘ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય’ એ ન્યાયે ભૂલમાંથી પણ શીખવાની તેમને તક મળી. ભાષાભવનના અધ્યાપકો ડૉ. વિનોદ જોશી, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, વિપુલભાઈ વગેરે પોતાની જાતને પાછળ રાખીને જરૂર લાગે તો જ અને તેટલું જ માર્ગદર્શન આપતા.

વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવેલા અભ્યાસીઓ શિરીષ પંચાલ, મણિલાલ હ. પટેલ, સતીશ વ્યાસ, અંબાદાન રોહડિયા, જયદેવ શુકલ, હસિત મહેતા, દિક્પાલસિંહ જાડેજા, સમીર ભટ્ટ, રાજેશ પંડ્યા, વસંત જોશી, શૈલેષ ટેવાણી, નીતિન ભીંગરાડિયા, વિપુલ પુરોહિત, નેહલ જાની, અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે જુદે જુદે સ્થળેથી આવેલાં. લગભગ બધાનું કહેવું હતું કે આવા શિબિરમાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓ સાથે રહેવું એ જ એક લહાવો છે. જો કે એક-બે વક્તાઓએ આવ્યા-બોલ્યા-ગયા એવું કર્યું ખરું! એવું કરવામાં વધુ નુકસાન તો પોતાને થાય છે એ સમજ્યા નહીં!

શિબિરના આયોજનમાંની બીજી એક વાત પણ ગમે તેવી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ-ફી રૂપે સો રૂપિયા લેવાય છે ખરા, પણ તેમાંથી દરેક વિદ્યાર્થીનું ‘પરબ’ માસિકનું એક વર્ષનું લવાજમ ભરી દેવાય છે! એટલે શિબિર પૂરી થયા પછી પણ આ દોઢસો વિદ્યાર્થી એક વર્ષ સુધી સાહિત્યના સીધા સંપર્કમાં રહેવાના. પછી રસ પડે તો ‘પરબ’ કે બીજાં કોઇ સામયિક વાંચશે-મગાવશે.

ચૌદમી શિબિરની સમાપન બેઠકમાં આવતે વર્ષે પંદરમી શિબિર સાવ નવા ફોર્મેટમાં યોજાશે એવી જાહેરાત પણ કરવામાં આવી. ગુજરાતી ભાષા-સાહિત્યને બચાવવા માટે શું કરવું જોઇએ એ જાણવામાં જેમને સાચુકલો રસ હોય તેમણે આવતે વર્ષે આ શિબિરમાં જવું. માત્ર નિબંધ લેખનની કે વક્તૃત્ત્વની સ્પર્ધાઓ યોજવાથી આપણી ભાષા બચવાની નથી. ગુજરાતી ભાષા મરવા પડી છે એવો ભ્રમ જેમના મનમાં છે અને એવા ભ્રમને પોતપોતાના લાભ ખાતર ફેલાવે છે તેઓ જો આવી શિબિરમાં જવાની તક લે તો… અને આ તો માત્ર એક યુનિવર્સિટીની વાત થઇ. ગુજરાતની બધી યુનિવર્સિટીમાં તો બી.એ.-એમ.એ.માં ગુજરાતી ભણનારાંની સંખ્યા કેટલી મોટી હશે! અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ભણનારાંની તો એથીય ઘણી મોટી. પણ આવી એકાદ શિબિરમાં પણ હાજરી આપીએ તો પાકી ખાતરી થઇ જાય કે ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી!
(‘મુંબઈ સમાચાર’ના ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૨ના અંકમાં પ્રગટ થયેલ ‘વર્ડનેટ’માંથી, લેખક અને (‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર. આંગળી ચીંધ્યાનું પુણ્ય શ્રી ઉત્તમભાઈ ગજ્જરને ફાળે…!)

લેખક–સંપર્ક :
Deepak B. Mehta,
55, Vaikunth, Lallubhai Park, Andheri,
Mumbai 400058 India

વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ

૨૧મી ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’.

૧૯૪૯માં એ વખતના પૂર્વ પાકિસ્તાન પર પશ્ચિમ પાકિસ્તાનના વર્ચસ્વ હેઠળની સરકારે ઉર્દુ ઠોકી બેસાડી એની સામે બંગાળીભાષી જનતામાં  ભારે રોષ ફેલાયો. ઠેર ઠેર આંદોલનો ભડકી ઊઠ્યાં, પોલીસના દમન સામે પણ લોકોએ નમતું ન મૂક્યું. અંતે, બંગાળીને પાકિસ્તાનમાં ઉર્દુ સમાન દરજ્જો મળ્યો. ભાષાના બચાવ માટે શરૂ થયેલું આ આંદોલન ત્યાં જ ન અટક્યું. જાગી ગયેલા લોકો જોઈ શક્યા કે એમના તરફ તો માત્ર ભાષા જ નહીં,. આર્થિક અને રાજકીય અન્યાયો પણ થાય છે. અંતે ધર્મને નામે બનેલા દેશના ભાષાને કારણે બે ટુકડા થઈ ગયા. પરંતુ આજે પણ બાંગ્લાદેશીઓ ૨૧મી ફેબ્રુઆરીને ભૂલ્યા નથી. આજે પણ દર વર્ષે “એકુશે ફેબ્રુઆરી” ગીતો બનીને ગલીએ ગલીએ ગૂંજે છે.

આ સંદર્ભમાં આપણે ગુજરાતીના ભાવિ અંગે વિચારીએ એ જરૂરી લાગતાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ગુજરાતી માટે થયેલા કામની માહિતી આપવાના પ્રયાસ કર્યા છે. એવામાં અભીવ્યક્તીબ્લોગ પર ચાલેલી ઊંઝા જોડણી વિશેની ચર્ચા દરમિયાન શ્રી બાબુભાઈ સુથારનો પરિચય થયો. એમણે એમનો એક લેખ Locating a Regional Language in a Globalization Process વાંચવા માટે મોકલ્યો. એમની અનુમતી મેળવીને એમના લેખનો ભાવાનુવાદ અહીં વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓનો મૃત્યુઘંટ  એવા નવા શીર્ષક હેઠળ રજુ કરૂં છું.

શ્રી બાબુભાઈ અમેરિકામાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝમાં ગુજરાતીના લેક્ચરર તરીકે કાર્યરત છે. એમણે ભાષાના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું છે અને આંતરરાષ્ટ્રીય ભાષાશાસ્ત્રીઓ સાથે સંકળાયેલા છે. વડોદરામાં એમણે એમ. એસ. યુનિવર્સિટીમાં પણ કામ કર્યું, તે ઉપરાંત સંદેશની વડોદરા આવૃત્તિમાં પણ સંપાદન વિભાગમાં હતા. એમના અનેક લેખો ઉપરાંતપાંચ નવલકથાઓ, બે નવલિકાઓ અને કાવ્યો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. શ્રી બાબુભાઈ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના પણ વિદ્વાન છે. આ લેખ દરેક ગુજરાતીને સફાળા બેઠા કરી દે તેવો છે. આવો, એમનું શું કહેવું છે તે જાણીએ:

વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ

લેખક: શ્રી બાબુભાઈ સુથાર

આજે વૈશ્વીકરણનો વાયરો વાય છે તેની પ્રાદેશિક ભાષાઓના ભવિષ્ય પર શી અસર પડશે તે સાંસ્કૃતિક ભાષાવિજ્ઞાની માટે, સ્વાભાવિક રીતે જ, ચિંતાનો વિષય છે. આજના જમાનામાં વૈશ્વીકરણને સતેજ બનાવે એવાં ઘણાં ઘટકો સક્રિય છે, એ જોતાં, પ્રાદેશિક ભાષાઓનું શું થશે એનો વિચાર કરવાની જરૂર છે. હું માનું છું છે કે, એક આંતરરાષ્ટ્રીય ભાષા આજે બેલગામ આખા વિશ્વની ભાષા બનવા લાગી છે તેમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસની દૃષ્ટિએ રાજી થવા જેવું કઈં નથી. સ્થાનિક ભાષાઓ માટે આ વૈશ્વીકરણ જબ્બર ખતરા જેવું છે. આજે ગુજરાતમાં અંગ્રેજીમાં વધારે રસ લેવાય છે તેની ગુજરાતી પર પડતી અસરો જોતાં ગુજરાતીની જે સ્થિતિ છે તેની મને ચિંતા થાય છે. 

ભાષાના ત્રણ વર્ગઃ

માઇકેલ ક્રોસ (૧૯૯૨)ભાષાઓને ત્રણ વર્ગમાં મૂકે છે: મરવા વાંકે જીવતી ભાષાઓ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ અને સુરક્ષિત ભાષાઓ. એક ભાષાઇ સમાજનાં બાળકો માતૃભાષા તરીકે એમની ભાષા શીખતાં ન હોય એ મરવા વાંકે જીવતી ભાષાઓ છે. બીજી બાજુ, અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી ભાષાઓ હજી પણ માતૃભાષા તરીકે બાળકો  શીખતાં હોય છે, પણ શીખનારની સંખ્યા ઘટતી જતી હોય છે. અમુક ભાષાઓને સરકારી પ્રશ્રય મળે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો એ બોલતા હોય છે; એમને સુરક્ષિત ભાષાઓ ગણી શકાય. પરંતુ, હું એ વાત પર ધ્યાન દોરવા માગું છું કે આ ભાષાઓનું  સુરક્ષિતપણું મૃગજળ જેવું છે. આમ તો, ગુજરાતી સુરક્ષિત ભાષાઓના વર્ગમાં આવે છે કેમ કે એને સરકારનો ટેકો મળે છે અને મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે. પરંતુ બીજી કોઈ પણ ભાષાની જેમ એના પર પણ અંગ્રેજી વ્યવસ્થિત રીતે હુમલો કરતી થઈ ગઈ છે. આથી, મને બીક છે કે, ગુજરાતની પોતાની કોઈ માતૃભાષા ન હોય એવો દિવસ કદાચ બહુ દૂર નહીં હોય.

ગુજરાતીઓના ચાર વર્ગઃ

હું ગુજરાતી કોમને ચાર વર્ગમાં વહેંચું છું: પહેલા વર્ગમાં એવા લોકો છે કે જે માત્ર ગુજરાતી બોલે છે અને બીજી કોઈ ભાષા જાણતા નથી. એમની પાસે સંવાદ માટે માત્ર માતૃભાષા છે. બીજા વર્ગના લોકો દ્વિભાષી છે. તેઓ માતૃભાષા તરીકે ગુજરાતી બોલે છે અને બીજી ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. બીજી ભાષાના ઉપયોગમાં કાં તો તેઓ પાવરધા હોય છે અને કાં તો એમનું જ્ઞાન સરકારી કાગળપત્તર લખવા પૂરતું જ હોય છે. ત્રીજા વર્ગના લોકો  ખંચકાટ સાથે ગુજરાતી બોલે છે અને એમની આ ખામીને પહોંચી વળવા માટે બીજી ભાષાની મદદ લેતા હોય છે. એટલું જ નહીં, આ વર્ગમાં આવતા લોકો, સભાનપણે હોય કે અભાનપણે, માતૃભાષાને વફાદાર પણ નથી હોતા; એમના મનમાં એવી ભાવના હોય છે કે માતૃભાષા ન આવડતી હોય તે એમનો સામાજિક દરજ્જો ઊંચો હોવાનું લક્ષણ છે. બહુ નાના એવા ચોથા વર્ગમાં મુકાય એવા લોકો જે કઈં કરેકારવે છે તેમાં માત્ર અંગ્રેજી બોલે છે. મોટા ભાગે તેઓ મોટાં શહેરોમાં વસે છે.

ફિશમૅન ઇફેક્ટઃ

મારૂં અવલોકન એવું છે કે ધીમે ધીમે પહેલો વર્ગ બીજા તરફ અને બીજો વર્ગ ત્રીજા તરફ જવા લાગ્યો છે. એવું પણ જોવા મળે છે કે પહેલો વર્ગ અમુક માળખાગત સુવિધાઓને કારણે સીધો જ ત્રીજા વર્ગ તરફ આગળ વધવા લાગ્યો છે. આને પરિણામે ત્રીજા વર્ગમાં સંખ્યા બહુ ઝડપભેર વધવા લાગી છે. પરંતુ ત્રીજો વર્ગ એટલી ઝડપથી ચોથા વર્ગ તરફ ધસતો જણાયો નથી. આ મંદ ગતિનાં કારણો સામાજિક-ભાષાકીય, આર્થિક અને રાજકીય હોઈ શકે છે. આ દોટ ચાલુ રહેશે તો  પહેલો અને બીજો ગુજરાતીભાષી વર્ગ પૃથ્વીના પટ પરથી ભુંસાઈ જાય એવી સંભાવના છે. સામાજિક-ભાષાશાસ્ત્રી ફિશમૅનના નામ પરથી આ વલણને ‘ફિશમૅન ઇફેક્ટ’ નામ અપાયું છે. ફિશમૅન કહે છે તે પ્રમાણે “જ્યારે બે  પેઢીઓ વચ્ચે (ભાષા બોલવાનું) સાતત્ય નકારાત્મક હોય ત્યારે” ભાષાનો લોપ થવાની શક્યતા વધી જાય છે.

ભાષાકીય સ્થળાંતરઃ

આજની સામાજિક દશાને આપણે ત્રણ સ્તરમાં  જોઈ શકીએ છીએ. જો કે એમ નથી સમજવાનું કે આ ત્રણ સ્તરનો વિકાસ એક પછી એક થયો છે; માત્ર સમજવા માટે જ આવું વર્ગીકરણ કર્યું છે. ત્રણ સ્તર આ પ્રમાણે છેઃ પરંપરાગત, આધુનિક અને ઉત્તર-આધુનિક. પરંપરાગત સ્તરે માત્ર એક ભાષાનો, એટલે કે માતૃભાષાનો, ઉપયોગ મહત્વનું ઘટક છે. આધુનિક સ્તરનું લક્ષણ દ્વૈભાષિકતા છે. એમાં વ્યક્તિ પોતાના ભાષાકીય ભાથામાં સામાજિક દૃષ્ટિએ લાભદાયક મનાતી ભાષાનો ઉમેરો કરે છે. જો કે “પહેલી ભાષા સામે અસ્ત થઈ જવાનું જોખમ નથી હોતું, કારણ કે એ લબ્ધપ્રતિષ્ઠ ભાષા હોવાથી એના આગળ વિકાસને ઘણી રીતે મદદ મળે છે” (ઍપલ અને મુઇસ્કેન ૧૦૨). ઉત્તર-આાધુનિક સ્તરમાં વૈશ્વિકતા મુખ્ય ખાસિયત હોય છે. વૈશ્વિક સ્તરના ભાષાકીય સંદર્ભમાં સંવાદની જરૂર પણ વૈશ્વિક સ્તરે  પડે છે, તેથી બીજી ભાષા શીખવાનું અનિવાર્ય બની જતું હોય છે. એ જ ધીમે ધીમે પહેલી ભાષાના હ્રાસનું કારણ બને છે. આ સ્થિતિમાં “સ્થાનિકના ભાષકો” પોતાના જ દેશમાં “ભાષાકીય સ્થળાંતરી” જેવા બની જાય છે અને એમની માતૃભાષા એમના માટે પરાઈ બની જાય છે. આજે ભાષાની બાબતમાં આવતાં પરિવર્તનો જોતાં મને લાગે છે કે ગુજરાતી સમાજે  દ્વૈભાષિક સમાજ બનવા તરફ હડી કાઢી છે.

ઉપર આપેલા અવલોકન પરથી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વૈશ્વીકરણની પ્રક્રિયામાં દ્વૈભાષિકતાનો તબક્કો, એટલે કે ભાષા ઉમેરાઈ હોય એ તબક્કો ભુંસાઈ જશે અને તેને બદલે ભાષા ઓછી થાય એવો તબક્કો આવશે. આજે માહિતી અને જ્ઞાનના બધા જ સ્તરે અંગ્રેજીનું મહત્વ વધવા લાગ્યું છે અને એને પગલે ભાષાનું અર્થહીન વૈશ્વીકરણ પણ ઘુસવા લાગ્યું છે. આપણી ભાષા પર ઝળુંબતી આ તલવારના પ્રહારથી બચવા માટે કાળજીપૂર્વક યોજના ઘડવાની જરૂર છે.

સંદર્ભઃ Appel R. and P. Muysken, Language and Bilingualism, London, Arnold, 1987.

            Fishman, J. A.. Reversing Language Shift. Clevedon: Multilingual Matters Ltd, 1991.

            Krauss, Michael, ” The world Languages in Crisis” language, vol 68, No.1 (1992).

 

જોડણી કોશની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના(બીજો અને અંતિમ ભાગ)

ગઈકાલથી આગળ…

શબ્દપ્રયોગો

વ્યુત્પત્તિ પેઠે જ શબ્દપ્રયોગો માટે પણ કામ થયું છે. ઉપલબ્ધ સાધનોમાંથી તેની સામગ્રી લઈ લીધી છે. ઉપરાંત ચાલુ ભાષામાંના નહીં સંઘરાયેલા પ્રયોગો જે ધ્યાન ઉપર આવ્યા, તે પણ નોંધવામાં આવ્યા છે. આથી કરીને શબ્દપ્રયોગોનો સંગ્રહ પણ આ આવૃત્તિમાં થાય છે એટલો પહેલવહેલો કોશમાં ઊતરે છે, એમ કહી શકાય. એ પૂરેપૂરો છે એમ હરગિજ નથી. શબ્દોની પેઠે શબ્દપ્રયોગો પણ શિષ્ટ સાહિત્યમાંથી ખોળવા જોઈએ. એટલું જ નહિ, સ્વતંત્ર શબ્દપ્રયોગ–કોશ પણ હવે રચાવો જોઈએ. તે દ્વારા આપણી ભાષાની શક્તિનો આપણને કોઈ નવો જ ખ્યાલ આવે, એવો પૂરો સંભવ છે.

‘શબ્દપ્રયોગ’ કોને કહેવો, કહેવત અને તે બેમાં શો ફેર, એ બધા પ્રશ્નોની ચર્ચા અહીં કરવાની જરૂર નથી. પરંતુ એટલું નોંધું કે, કહેવતો સંઘરી નથી; અને જે શબ્દોના યોગથી, તેમના શબ્દાર્થથી વિલક્ષણ એવો અર્થ ઉત્પન્ન કરાય છે, તેમને શબ્દપ્રયોગ ગણીને સંઘર્યા છે. અમુક શબ્દ સાથે જે અમુક શબ્દને રૂઢિથી વાપરવો જોઈએ, તે પણ નોંધવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વ્યુત્પત્તિ પેઠે જ શબ્દપ્રયોગનો સંગ્રહ કરવાનું કામ અમને કામ કરનારાઓને બહુ રસિક થઈ પડ્યું હતું. આ કામ પણ આગળ એક ખૂબ જરૂરી સંશોધનની દિશા ખોલે છે, એમ કહી શકાય.

ઉચ્ચારણ

આપણી લિપિ રોમન જેવી નથી; તેમાં ધ્વનિને વ્યક્ત કરવા માટે ઘણી સવડ છે. છતાં કેટલાક ધ્વનિ કે શ્રુતિ આપણે લિપિમાં ઉતારી શકતા નથી.; તે રૂઢિ પર છોડી ચલાવી લઈએ છીએ. જેમ કે, વિવૃત એ, ઓ; હશ્રુતિ; યશ્રુતિ; બે અનુસ્વાર. આ બાબતમાં કેટલાક વિદ્વાનોએ સંકેતોનાં સૂચનો કરેલાં છે, જે વાપરીએ તો કાંઈક મુશ્કેલી ઓછી થાય. પરંતુ, સામાન્ય લખનારી આમ–પ્રજા એવી ઝીણવટની ઝંઝટમાં પડે નહીં. તેથી જોડણીના નિયમમાં એમને સ્વીકારવામાં આવ્યા નથી, અને તેથી ખાસ મુશ્કેલી નડતી નથી. પણ કોશકારે તે તે ઉચ્ચારણનાં સ્થાનો જોડણીની સાથોસાથ બતાવવાં જોઈએ. વાચક જોશે કે, ત્રીજી આવૃત્તિ વખતે એક પરપ્રાંતી ભાઈએ આવી માગણી પણ કરી હતી. આ આવૃત્તિમાં તે પૂરી કરવામાં આવી છે, અને હશ્રુતિ, યશ્રુતિ, બે અનુસ્વાર, એ ઓ (પહોળા) ઉચ્ચારો, તથા અલ્પપ્રયત્ન અકાર (કહેવું) પણ સૂચવવામાં આવ્યા છે. તેમને માટે યોજેલા સંકેતો ને સમજૂતી  સૂચનાઓમાં તથા સંકેતસૂચિમાં આપ્યાં છે.

ઉચ્ચારણ વિષેની આ નોંધ, એક રીતે જોતાં, ગુજરાતીકોશોમાં પહેલી વાર ઊતરે છે. જોકે, નર્મકોશકારે આ વિષે વિસ્તૃત નોંધ લખી, હશ્રુતિ, પહોળા એ, ઓ વગેરેવાળા શબ્દોની યાદી પોતાની પ્રસ્તાવનામાં આપી છે.

ઉચ્ચારણની બાબતમાં પણ શંકાને સ્થાન છે એ ઉઘાડું છે. વ્યુત્પત્તિ તેમાં કંઈક ઉકેલ દર્શાવી શકે. પણ છેવટે તો શિષ્ટ મનાતો ચાલુ ઉચ્ચાર શો છે તે જોવાનું રહે.તેમાં પણ પ્રશ્નને સ્થાન તો રહે. આથી કરીને, આ બાબતમાં પણ વિવેક કરવાનો તો ઊભો રહે જ છે. તેમાં શંકાને સ્થાન હોય તો પ્રશ્ન કર્યો છે. કોશની આ નવી બાબતમાં પણ પરિપૂર્ણતા સાધવા માટે, તેને જ સ્વતંત્ર રૂપે તપાસવી જોઈએ. એ પણ એક નવું કાર્યક્ષેત્ર ઊઘડે છે એમ ગણાય.

શબ્દભંડોળ

ભાષાના શબ્દો જ્યાં જ્યાં પડ્યા હોય, – જૂના નવા સાહિત્યમાં તથા ચાલુ ભાષા તથા તળપદી બોલીઓમાં, – ત્યાં ત્યાં બધેથી વીણી વીણીને સંઘરવા, એ તો કોશનું મુખ્ય કામ અને પ્રયોજન છે. એટલે તે તો સદાનું ચાલુ કામ જ અમે માન્યું છે. તેથી એનો સંઘરો સારી પેઠે મોટો થયો છે.

ઉપરાંત કેટલાક ભાષાપ્રેમી મિત્રો પણ એમાં મદદ કરે છે. તેમાં ખાસ ઉલ્લેખ શ્રી. રા૦ વિ૦ પાઠકનો કરવો જોઈએ. એક નિયમપૂર્વક તે, નવા શબ્દો જુએ કે ઉદાહરણ સાથે પોતાના કોશમાં ટાંકી રાખે છે; અને દર નવી આવૃત્તિ વખતે કોશ જ અમને મોકલી આપી તે શબ્દો ઉમેરાવી લે છે. આજે ગુજરાતીના અનેક અધ્યાપકો આ પ્રમાણે જો કરે, તો સહેજે કેટલી બધી મદદ થઈ શકે ? આ કામ આવી મદદથી જ થઈ શકે એવું છે, એ તો ઉઘાડું છે. અધ્યાપકો શબ્દો ઉપરાંત કોશનાં બીજાં અંગોમાં પણ સુધારાધારા કરવામાં ખૂબ મદદ કરી શકે. આવી બધી મદદ આવકારપાત્ર થશે એ તો કહેવાનું હોય નહિ; અમે તે માટે પ્રાર્થના કરીએ છીએ.

અંદાજ છે કે, શબ્દભંડોળ પોણા લાખની આસપાસ હવે પહોંચ્યું હશે.

જોડણી

જોડણીના નિયમોમાં કશો ફેરફાર કરવાનો હોય નહિ. એક ભૂલ સુધારી લેવામાં આવી છેઃ નિયમ ૧૦માં ‘ચાહ’નાં રૂપોમાં ચહાત, ચહાતો,–તી,–તું કરી લીધું છે. પહેલી આવૃત્તિના શબ્દોમાં પણ ‘ચાહતું’ વિ૦ કરીને આપ્યું છે, તે પરથી પણ આ ભૂલ હતી એમ સ્પષ્ટ થાય છે.

જોડણી બાબતમાં આનંદની એક વાત નોંધવાની રહે છે તે એ કે, ઈ. સ. ૧૯૪૦ માં મુંબઈ સરકારે પણ શિક્ષણ તથા પાઠયપુસ્તકો  માટે જોડણીકોશને માન્ય કર્યો છે. આથી કરીને પૂ૦ ગાંધીજીએ લગભગ ૨૫ વર્ષ પર ઉપાડેલું કામ ઠીક ઠીક સફળતા મેળવે છે. એ ઠરાવ જોઈ તેઓશ્રીએ જે આનંદ વ્યક્ત કર્યો હતો, તે એમના જ શબ્દોમાં* ઉતારું છુઃ– ...

–––––––––––––––––––––––––

*આ એમનું લખાણ આ કોશમાં, આ અગાઉ, પા. ૨૨ ઉપર ઉતાર્યું છે; તે પાન ઉપર ‘ગૂજરાતી જોડણી’ એવા મથાળે ગાંધીજીનો  આ લેખ છે તે જુઓ.

આ લખતાં યાદ આવે છે કે, તેઓશ્રી આજે આ તેમની આજ્ઞારૂપ ફૂલીફાલી આવૃત્તિ જોવાને સદેહે આપણી વચ્ચે નથી; તેથી મર્મમાં આઘાત પહોંચે છે. આ કોશ એમનાં ચરણોમાં અર્પણ થયેલો છે, તે આજે માનસ વિધિથી જ કરવાનું રહે છે.

કાવ્યની જોડણી

કાવ્યની જોડણી માટે એક સાદા નિયમ નં૦ ૩૨ ઉપરાંત વિચાર નથી થઈ શક્યો. એમાં આગળ વધી શકાય? એ બાબતમાં એક મોટો નિયમ તો નક્કી છે, અને એ માનીને ચાલવું જોઈએ કે, શબ્દોની જોડણી નક્કી કર્યા પ્રમાણે કાવ્યમાં પણ સાચવવી જોઈએ. પણ પદ્યની વિશેષ જરૂરિયાતોને લઈને કોક સ્થાનોએ માત્રા વધારવી ઘટાડવી પડે છે; અને કવિઓ એવી છૂટ લે છે જ. તેવાં સ્થાનોએ શું કરવું એ પ્રશ્ન રહે છે. ત્યાં પણ નક્કી જોડણી કાયમ રાખી, હ્રસ્વ દીર્ઘનાં ચિહ્ન મૂકીને લીધેલી છૂટ બતાવવી, એમ નં૦ ૩૨માં બતાવ્યું છે. આ રીતમાં કશી મુશ્કેલી નથી. તેને બહુધા અનુસરવામાં આવે એટલે બસ.

આવી જ રીતે ત્રીજું એક ચિહ્ન પણ સ્વીકારવા જેવું છે, તે અકારના લોપને માટે ખોડાનું ચિહ્ન. જેમ કે, ‘કહેવું’ શબ્દ લઈએ. છંદની જરૂર પ્રમાણે તેને ‘ક–હે–વું’ પણ વાંચવામાં આવે છે અને ‘કહે–વું’ પણ. આ બીજી જગ્યાએ ‘ક્ હેવું’ આમ લખવાથી કામ સરી શકે. એમ જો માત્રાલોપ દેખાડવા માટે ખોડાનું ચિહ્ન વપરાય, તો કાવ્યમાં પણ તે પૂરતી જોડણી સાચવવામાં સરળતા થાય. જેમ કે, ‘જગત’ને ’જગ્ત’ કરવું હોય તો ‘જગ્ત’ લખી શકાય. ‘બહેન,–ની’ને ‘બ્હેન,–ની’ કે બેન–ની ન કરતાં ‘બ્ હેન–ની’કરી શકાય.

કોઈ સ્થાનોએ આથી ઊલટી જરૂર લાગતાં કવિઓ એવી છૂટ લે છે કે, જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ સાધે છે. જેમ કે, ‘પ્રકાશ’નું ‘પરકાશ’.

આમ જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ મેળવી લેવા ઉપરાંત, જ્યાં જોડાક્ષર ન હોય ત્યાં, છંદને લઈને જરૂર લાગે તો, બહુધા અનુસ્વાર ઉમેરી લઈને, માત્રા વધારવામાં આવે છે. જેમ કે, સ્વામિન – સ્વામિન્ન; જોબન – જોબંન વગેરે.

આમ માત્રામાં કરી લેવાતો વધારો કોઈ સંકેત દ્વારા સૂચવી જો મૂળ જોડણી સાચવી શકાય તો સારું. પણ એ યોજવો અઘરો લાગે છે. એટલે કે, જો આવી છૂટ કવિને લેવી જ પડે તો લેશે એમ થયું.

આ બાબતમાં કાવ્યના લેખક–પ્રકાશકો કાંઈક ધોરણ ઉત્પન્ન કરે, તેવી વિનંતી છે.

આગળનું કામ

હવે પછી કોશ અંગે આગળ શું કરાશે, એ વિષે સામાન્ય રીતે દરેક આવૃત્તિમાં કાંઈક ચર્ચા થતી આવી છે. તેમાંની કેટલીક બાબતો હજી ઊભી જ છે. જેમ કે પારસી ગુજરાતીના શબ્દો, તળપદી બોલીઓમાં ઠેર ઠેર પડેલા પ્રાંતીય શબ્દો, વિજ્ઞાનની પરિભાષા – આ બધું કામ ઊભું જ છે. પારસી ગુજરાતીનો તો શાસ્ત્રીય ઢબે સ્વતંત્ર કોશ  કરવામાં આવે તોય ભાષાની સારી સેવા થાય. વિજ્ઞાનની પરિભાષા તરફ હવે શિક્ષકોનું અને યુનિવર્સિટીઓનું ધ્યાન છેવટે જવા લાગ્યું છે, એટલે તેમાં પ્રગતિ થશે.

એ કામો શબ્દભંડોળને અંગે થયાં. આ કોશની દૃષ્ટિએ જોઈએ તો, અર્થોનાં ઉદાહરણો ટાંકવાં, એ એક ઉમેરી શકાય એવી બાબત કહેવાય. આ આવૃત્તિમાં કોઈક સ્થાને અર્થ સ્પષ્ટ કરવા ઉદાહરણ ટાંક્યાં છે, પરંતુ અવતરણ આપવામાં નથી આવ્યાં. પરંતુ તે અનિવાર્ય ન ગણાય. બૃહત્કોશમાં તે જરૂરી ખરું. પરંતુ કાલક્રમે ઉદાહરણો જોઈને અર્થવિકાસ ચકાસવામાં આવે તો તેની ખરી કિંમત અને સાચો અર્થ. ઉદાહરણો સંઘરવા પૂરતું જો જોઈએ તો, એ બાબતમાં સામગ્રી આજે ખૂટે એમ નથી. જૂના કોશોમાં તે ખૂબ પડેલી છે. ઉપરાંત હજારો ઉદાહરણો કોશ–કાર્યાલય પાસે કાપલીઓમાં અને નોંધો રૂપે પડેલાં છે. તે બધાં ઉપરથી શબ્દો અને અર્થો તો નોંધાયા છે. તેમનાં ઉદાહરણો ટાંકવાં હોય તો ટાંકી શકાય.પરંતુ ચાલુ કોશમાં તે ન આપીએ તોય ચાલી શકે. કરવા જેવું કામ, અર્થવિકાસની દૃષ્ટિએ ઉદાહરણો કાલક્રમે એકઠાં કરીને, અંગ્રેજી ‘ઓક્સફર્ડ મહાકોશ’ની પદ્ધતિએ શબ્દો પર કંડિકાઓ રચવાનું છે. અત્યારે તો આ દૂરનો આદર્શ જ લાગે છે. આપણી ભાષામાં એટલું સંશોધનકામ તથા વિદ્વત્તા પણ અત્યાર સુધીમાં એવાં રેડાયાં નથી, કે જેથી આવું કામ હાથ ધરી શકાય. એક જ દાખલો આપું : આપણા જૂના કવિઓના ગ્રંથોની પ્રમાણભૂત વાચનાઓ જ હજી સિદ્ધ થઈ બહાર નથી પડી. આ સામગ્રી હોય તો તાત્કાલિક એવું કામ ઉપાડી શકાય કે, દરેક મુખ્ય મુખ્ય સાહિત્યયુગોના પ્રધાન ગ્રંથો લઈને તેમને ‘ઓક્સફર્ડ પદ્ધતિ’એ જોઈ કઢાય. પણ આ કરવાને માટે પહેલી તે ગ્રંથોની આધારભૂત  વાચનાઓનું શાસ્ત્રીય સંપાદન થવું જોઈએ. તો પછી તે વાંચીને કાપલીઓ કરી આપવા ઇચ્છનારા ભાષાપ્રેમી સ્વયંસેવક વિદ્વાનો મેળવવાના રહે. હવે પછી કોશને એક ડગલું આગળ લેવા માટે આવું કાંઈક કરવું જોઈએ, એમ લાગે છે. દરમિયાન ચાલુ પ્રકારનું કામ તો ઊભું છે જ. સાહિત્ય જોતા રહી શબ્દો, શબ્દપ્રયોગો વગેરે જે ન સંઘરાયા હોય, તે તે વીણતા રહેવું, વ્યુત્પત્તિ અંગે સંશોધન કરવું, તુલનાત્મક વ્યુત્પત્તિ અર્થે બંગાળી, સિંધી, નેપાળી, કાનડી ઇત્યાદિ ભાષાઓએ પણ પહોંચવું – આવાં આવાં કામો ચાલતાં રહે, તો કોશ ઉત્તરોઉત્તર ખીલતો અને વધતો રહે.

હવે આ આવૃત્તિ જોતાં, એક જરૂર એ પણ લાગી છે કે, મૅટ્રિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે એક નાનો ‘વિનિત’ કોશ રચવો, જેથી તેમને માફકસરની કિંમતે તે મળી શકે. આ કામ હવે પછી પાર પાડવા વિચાર છે.

આ કોશની કિંમત રૂ. ૧૨ કરવાની થઈ છે તે, આજની બધી તરફની મોંઘવારી જોતાં વધારે નહિ ગણાય, એ ઉઘાડું છે.

અંતે, આ આવૃત્તિને સાંગોપાંગ પૂરી કરવામાં જે અનેકવિધ મદદની જરૂર પડી છે, તે પૂરી પાડનાર સૌનો આભાર માનું છું. એવી બધી મદદ વગર આ કામ, મેં શરૂમાં કહી તેવી મુશ્કેલીઓમાં, પરવારી ન શકાત. તે ઠીક વખતસર પરવારી શકાયું તે માટે પરવરદિગાર પરમેશ્વરનો આભાર માનીએ છીએ.

૧૫–૮–’૪૯                     મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

 અને હવે…પાંચમી આવૃત્તિની

આખી પ્રસ્તાવના આવતીકાલે

ગુજરાતી જોડણી કોશની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના (ભાગ બેમાંથી પહેલો)

મિત્રો,
ગુજરાતી જોડણી કોશની ત્રણ આવૃત્તિઓની પ્રસ્તાવના તમે વાંચી હશે. આજે ચોથી આવ્રુત્તિની પ્રસ્તાવનાનો પહેલો ભાગ રજુ થાય છે. પ્રસ્તાવના ઘણી લાંબી હોવાથી બે ભાગમાં આપવી પડે છે.  ૧૫.૮.૪૯ના રોજ શ્રી મગનભાઈ દેસાઈએ આની પ્રસ્તાવના લખી છે. આ આખી શ્રેણી આજન્મ શિક્ષક સમા શ્રી જુગલકિશોરભાઈ વ્યાસના સૌજન્ય, ભાષાપ્રેમ અને પરિશ્રમની નિષ્પત્તિ છે, હજી એમની પાસેથી આપણે ઘણું લેવાનું છે એટલે હમણાં આભાર માનવાનું મુલતવી રાખું છું.

પરંતુ અહીં ત્રીજી પ્રસ્તાવના પર GUJARATPLUSની એક ટિપ્પણીનો મેં જે જવાબ આપ્યો છે તે અમુક અંશે અહીં ફરી ટાંકવાની ઇચ્છા થાય છે, કારણ કે આખા પ્રયાસનું દૃષ્ટિબિંદુ એમાંથી સ્પષ્ટ થાય છે એમ મને લાગે છે:

“જોડણી કોશની પ્રસ્તાવનાઓ આપવાનો હેતુ એ જ છે કે દસ વાચકો પણ એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે તો આગળ આ બાબતમાં ચર્ચા કરવી છે તેમાં કામ આવે. પ્રસ્તાવનાઓ આપીને અટકી નથી જવું. આપણા વિદ્વાનોની નિષ્ઠા, એમની દૃષ્ટિ, આગળ જતાં એમાં આવી ગયેલી સ્થગિતતા અથવા ગતિશીલતા વગેરે વિશે વૈજ્ઞાનિક રીતે અને શાંત મગજે ચર્ચા કરવી છે.

“ચર્ચા વખતે ‘ગુરુ’ બનીને કામ કરવું હોત તો શ્રી જુગલભાઈનો જ લેખ મૂકી દીધો હોત કે તમે બધાને સમજાવો. પણ અહીં ચર્ચાનો લાંબો અને અઘરો રસ્તો લેવો છે. એમાં જે કોઈ ભાગ લે તેમને આમંત્રણ છે, પણ એમને હોમવર્ક માટે સામગ્રી ન આપવી એ ઉપદેશક અથવા ગુરુ જેવું વર્તન ગણાય, જે નથી કરવું.”

તો, આગળ વાંચો, ચોથી આવૃત્તિની પ્રસ્તાવનાનો પહેલો ભાગ:
xxxxxxxxxxxxxxx
[ ચોથી આવૃત્તિ – ઈ. સ. ૧૯૪૯ ] (આઝાદી બાદ)

કોશની આ નવી આવૃત્તિ છેવટે પૂરી કરીને જનતા આગળ રજૂ કરી શકીએ છીએ, તેથી અનેક રીતે આનંદ અને કૃતકૃત્યતા અનુભવાય છે. સૌને ખબર છે કે, આ આવૃત્તિ માટે ગુજરાતને પાંચ છ વરસોથી રાહ જોવી પડી છે. તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એટલું જ કહેવાનું કે, કેવળ લાચારીને લીધે જ આમ થયું છે. તે લાચારીમાંથી બનતી ત્વરાએ છૂટી જઈ નિર્વિઘ્ને કોશ તૈયાર કરી આપી શકાયો, તે આનંદની વાત છે.

જોડણીકોશની પ્રવૃત્તિની શરૂઆત હિંદ–સ્વરાજની લડત સાથે અને, કહો કે, તેના જ એક શિક્ષણી અંગ તરીકે થઈ. અને ત્યાર પછી તેની ઉત્તરોત્તર સુધારાતી વધારાતી આવૃત્તિઓ નીકળતી ગઈ; અને તે પણ એ લડતના મહત્ત્વના તબક્કાની સાથોસાથ બહાર પડી, એવા સંજોગો જોવા મળે છે. પૂર્વની આવૃત્તિઓનાં નિવેદનો પણ સંઘરવામાં આવ્યાં છે; તે પરથી જણાશે કે, પહેલી આવૃત્તિનું કામ ઈ. સ. ૧૯૨૮ની બારડોલીની લડતના વાતાવરણમાં ચાલતું હતું. તે આવૃત્તિ વરસની અંદર જ પૂરી થઈ ગઈ. બીજી આવૃત્તિનું કામ ઈ. સ. ૧૯૩૦–૨ની લડત દરમિયાન જ થયું. એ કામ પણ પૂર્ણસ્વરાજનું જ એક કામ છે એવી સમજ ન હોત, તો તે એવા યુદ્ધકાળમાં ન થઈ શકત. એ આવૃત્તિ પણ ધાર્યા કરતાં વહેલી પૂરી થઈ, અને ત્રીજી આવૃત્તિ કરવાની થઈ. તે તૈયાર થઈ બહાર પડ્યા બાદ પાછું સ્વરાજનું યુદ્ધ શરૂ થયું. અને ત્યાં સુધીમાં તે આવૃત્તિ પણ પૂરી થવા આવી. તેથી ચોથી આ આવૃત્તિ છપાવવાનું હાથ પર લેવું જોઈએ એમ વિચારતા હતા, ત્યાં ૧૯૪૨ ના દિવસો બેઠા અને સેવકોને તે કામમાંથી તે વખત પૂરતો હાથ લઈ લેવો પડ્યોઃ નવજીવન પ્રેસ સરકારે કબજે કર્યું; સેવકોને પકડી પકડીને જેલમાં બેસાડ્યા. એ છેવટની સુલતાની આંધી ૧૯૪૫ બાદ શમવી શરૂ થઈ, ને બીજી બાજુથી દેશનું સ્વરાજ–યુદ્ધ પણ નવા પાટા પર ચડ્યું. પૂ૦ ગાંધીજી બહાર આવ્યા; બીજા દેશનેતાઓ બહાર આવ્યા; અને જાત જાતની વિષ્ટિઓ અને વાટાઘાટો શરૂ થઈ. ટૂંકમાં, સેવકગણ પાછો पुनश्च हरिः ओम् કરી શકે એમ થયું.

આમ પરિસ્થિતિ પલટાતાં તરત, કોશની નવી આવૃત્તિનું કામ ૧૯૪૨ થી અટકેલું ત્યાંથી આગળ ચલાવવામાં આવ્યું. નવજીવન પ્રેસ પણ પાછું મળ્યું. પણ કાગળ–નિયમન–ધારો આવ્યો હતો. વડી સરકારની પરવાનગી વગર પ્રેસ પણ ચાલી ન શકે અને કાંઈ છાપી પણ ન શકાય, એવા ધારા લાગુ થયા હતા. છતાં ભાષાના કોશ જેવા નિર્દોષ પુસ્તકને તો કેવી રીતે રોકી શકાય ? એટલે આ માટે સરકારી પરવાનગી મળી શકી. અને એમ ૧૯૪૬માં કોશના છાપકામના ગણેશ બેસાડી શકાય એવા સંજોગો મળી રહ્યા, અને ૧૯૪૭થી તેનું કામ ચલાવી શકાયું.

એટલે સુધી આવતાં તો સ્વરાજ–જન્મની યાતનાઓનો કાળ શરૂ થયો. પાકિસ્તાન, હુલ્લડો, હડતાલો, તંગી, અંકુશો, ઇત્યાદિ અનેક મુસીબતોમાં છાપકામ ચલાવવાનું હતું. છેવટે એ બધું ત્રણ વરસે સાંગોપાંગ પૂરું થયું, અને તેની જ સાથે હિંદની સ્વરાજયાત્રા સફળ થઈ. આમ લાંબી કથા અહીં એટલા માટે કહી છે કે, તે પરથી વાચક જોશે કે, શરૂમાં કહ્યાં તે આનંદ અને કૃતકૃત્યતા શાથી લાગે છે, અને આટલી બધી ઢીલ થઈ તે કેમ દરગુજર કરવી જોઈએ. અસ્તુ.

બીજી પણ એક વસ્તુ છે, જેને માટે ક્ષમા માગવી જોઈએ. વાચક જોશે કે, આ આવૃત્તિમાં જે કાગળ વપરાયો છે તે રંગે વિવિધ છે અને હલકો પણ છે. એનું કારણ સ્પષ્ટ છે – યુદ્ધને લઈને આપણા વેપારમાં અને માલમાં જે વિકારો થતા રહ્યા છે, તેનું એ નિદર્શક છે. એમાં કોઈ આરો જ નહોતો. બલ્કે, કોશ છાપવાને માટે સરકાર–ભાવે કાગળ મળતો રહ્યો, એ જ એક મોટી વાત છે. એટલે; કાગળને વિષે ખૂબ જાગ્રત રહેતાં છતાં, જે બન્યું છે તે બન્યું છે. અમારી એ બીજી લાંચારીને પણ વાચક સહેજે સમજીને દરગુજર કરશે, એવી આશા છે.

નવી આવૃત્તિ

દરેક આવૃત્તિ પેઠે આ આવૃત્તિ પણ સુધારાવધારા સાથે બહાર પડે છે. અને એને પરિણામે, એક રીતે જોતાં, જોડણીકોશ હવે ભાષાના એક ચાલુ કોશ તરીકે કામચલાઉ પરિપૂર્ણતાએ પહોંચે છે. આ કોશની પહેલી આવૃત્તિ કેવળ શુદ્ધ જોડણી દર્શાવતી શબ્દાવલી જ હતી, અને સાથે તે શબ્દોનો પદચ્છેદ બતાવવામાં આવ્યો હતો. બીજી આવૃત્તિ કરતી વખતે સહેજે થયું કે, કાંઈ નહિ તો સંઘરેલા શબ્દોના મુખ્ય અર્થો સંક્ષેપમાં આપવા જોઈએ. આમ કેવળ જોડણીકોશ તરીકે શરૂ કરેલી પ્રવૃત્તિ ભાષાના એક સારા સમગ્ર કોશ બનવાને માર્ગે વળી. અને શબ્દસંગ્રહમાં મુખ્ય ધ્યાન એ રાખ્યું હતું કે, ચાલુ બધા શબ્દો તેમાં સંઘરવા. આથી, બીજી બાજુ શબ્દભંડોળ પણ આપોઆપ વધતું ગયું. કોશનો આ ગુણ તેની બીજી આવૃત્તિ વખતે જ તેના કસબી લોકના ધ્યાનમાં આવ્યો હતો. જેમ કે, બીજી આવૃત્તિની નકલ શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મોકલી તેનો સ્વીકાર કરતાં તેમણે (તા. ૨૪–૩–’૩૧) નીચે પ્રમાણે લખ્યું હતું 

“આપના પત્ર સાથે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ મળ્યો છે. એને વ્યવહારુ સ્વરૂપ આપવા લીધેલો શ્રમ સફળ નીવડ્યો છે. શબ્દનો સંગ્રહ લગભગ અર્ધા લાખે પહોંચ્યો છે. સંગૃહીત શબ્દો મોટે ભાગે વપરાતા જ લીધા છે, એ તેનું વિશેષ લક્ષણ છે. એ બાબતમાં સંગ્રહકારનો પ્રયાસ પ્રશંસાપાત્ર છે.”

જીવત ભાષાના કોશ તરીકે તેમાં ઉપરાંતમાં વ્યુત્પત્તિ, શબ્દપ્રયોગો, વગેરે જોઈએ. ઉત્તરોત્તર આ લક્ષણો પણ ઉમેરાતાં ગયાં છે; અને આ આવૃત્તિમાં અમને મળી કે સૂઝી તે બધી વ્યુત્પત્તિ અને શબ્દપ્રયોગો સંઘરવામાં આવ્યાં છે; અને એને માટે કહી શકાય કે, આ વસ્તુઓ આ આવૃત્તિમાં ઠીક ઠીક અને એક જ જગાએ પહેલી વાર ઊતરે છે. જોકે એ યાદ રાખવાનું છે કે, જીવંત ભાષાના શબ્દભંડોળ તથા શબ્દપ્રયોગો વિષે પરિપૂર્ણતાનો દાવો તો ન થઈ શકે એવી વાત છે, કેમ કે એ સદાવર્ધમાન વસ્તુ છે.
આ ઉપરાંત આ વખતે ઉચ્ચારણ વિષે પણ ઉમેરો કર્યો છે; અને પહોળા એ ઓ, પોચો અનુસ્વાર, હશ્રુતિ, યશ્રુતિ, એ જે આપણી ભાષાના બતાવવા પડે એવા ઉચ્ચારો છે, તેમને માટે સંકેતો યોજીને તે તે શબ્દો પછી તરત ટૂંકમાં બતાવવામાં આવ્યા છે. તેની સૂચિ, જ્યાં સંકેતો તથા સંક્ષેપની અલગ સમજૂતી આપી છે, ત્યાં આપી છે.

શબ્દભંડોળ પણ સારું વધ્યું છે. કુલ સંખ્યા તો હજી સુધી નથી ગણી કાઢી, પણ કેટલાક હજાર શબ્દો ઉમેરાયા હશે એમ અંદાજે કહી શકું છું.

આવી રીતે સુધારાવધારા અને ઉમેરાને લઈને કોશનું કદ વધ્યું છે. એક કારણ તો ઉઘાડું છે કે, મોટી રૉયલ સાઇઝના કાગળોની મુશ્કેલી જોઈને ડેમી સાઇઝ કરવી પડી. આથી અમુક કદ તો આપોઆપ વધ્યું. ઉપરાંત, ઉમેરા આવ્યા. આથી, પાનાંની સંખ્યા જોતાં, આ આવૃત્તિ બમણી થઈ છે. બીબાં તો એ જ કદનાં નાનાં વાપરેલાં છે, પણ વચ્ચેનાં લેડ પાતળાં વાપરવાથી લીટીઓ વચ્ચેની જગા કાંઈક કમી થઈ છે.

ઉપર મેં જણાવ્યું કે, લગભગ ત્રણ વરસે આ કામ પૂરું થાય છે. છાપકામ પૂરતું એ કહ્યું છે. બાકી, આવૃત્તિનું સંપાદનકામ તો ત્રીજી આવૃત્તિ બહાર પડી ગયા પછી તરત શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠે કોશ કાર્યાલય ત્યારથી ચાલુ જ રાખેલું છે. શ્રી. ચૂનીલાલ બારોટ એમાં કાયમી કામ કરતા રહ્યા છે. શરૂમાં થોડો વખત તેમની મદદમાં શ્રી. નગીનદાસ પારેખ અને શ્રી. શંકરદત્ત શાસ્ત્રી હતા. ઈ. સ. ૧૯૩૯–૪૦ના અરસામાં છૂટા થયા ત્યાં સુધીમાં, તે બે જણે ઉપલબ્ધ ગ્રંથોમાંથી વ્યુત્પત્તિ તથા શબ્દપ્રયોગો એકઠાં કરવાનું કેટલુંક કામ કર્યું હતું; તે દરમિયાન શ્રી. બારોટે ફારસી અરબી વ્યુત્પત્તિ જોઈ કાઢી હતી. શ્રી. નગીનદાસ તથા શાસ્ત્રી ગયા પછી નવી આવૃત્તિનું કામ શ્રી. બારોટે આગળ ચલાવ્યું હતું; અને તેની બધી પૂર્વતૈયારી તેમણે કરી હતી. તે અંગે તેમણે વ્યુત્પત્તિ, શબ્દપ્રયોગ વગેરેનું બાકી રહેલું બધું કામ પૂરું કર્યું. કાર્યાલયમાં એકઠા થયેલા ઢગબંધ નવા શબ્દો દાખલ કર્યા. એમ તેમણે છૂટી છૂટી એકઠી થયેલી વિવિધ બધી સામગ્રી એકસાથે મૂકીને નવી આવૃત્તિ માટેની હાથપ્રત માટે પૂર્વતૈયારી કરી હતી. પ્રેસ માટે છેવટની પ્રત તે ઉપરથી તૈયાર કરવામાં આવી. આ કામમાં, તેમની સાથે, દરેક આવૃત્તિમાં થતું આવ્યું છે તેમ, શ્રી. ગોપાળદાસ પટેલ તથા હું જોડાયા. તે કામ ૧૯૪૫ બાદ શરૂ કર્યું હતું. છેવટની નજર, ગઈ આવૃત્તિની જેમ, મેં રાખી છે. એક રીતે કહીએ તો, અમે ત્રણ જણ ગઈ ત્રણ આવૃત્તિઓથી આ રીતે કામ કરતા આવ્યા છીએ. ક્રમશઃ કણશઃ, એ કામ આ આવૃત્તિ જેટલે પહોંચે છે, તેથી અમને વ્યક્તિતઃ પણ અમુક આનંદ થાય છે.

ઉપર હું કહી ગયો કે, આવૃત્તિના ખાસ ઉમેરા ત્રણ ગણાયઃ ૧. ગઈ આવૃત્તિમાં તત્સમ વ્યુત્પત્તિ જ આપી હતી, તેમાં હવે ઉપલબ્ધ બધી વ્યુત્પત્તિ મૂકવામાં આવી છે. ૨. શબ્દપ્રયોગો; ૩. ઉચ્ચારણ. શબ્દભંડોળ વધ્યા કરે એ તો સામાન્ય બાબત હોઈ તેને સ્વતંત્ર કે નવો ઉમેરો ગણતો નથી.

વ્યુત્પત્તિ

તત્સમ વ્યુત્પત્તિ ઉપરાંત જેટલી મળી શકી તે બધી તદ્ભવ વ્યુત્પત્તિ પણ આ વખતે સંઘરી છે. તેમાં પ્રાકૃત રૂપો પણ દર્શાવ્યાં છે. તે વિષે એક વસ્તુ કહેવાની જરૂર છે. આમ દર્શાવેલાં પ્રાકૃત રૂપો પ્રત્યક્ષ ઉપયોગમાં આવ્યાં હોય તે જ લેવાનું રાખ્યું છે; કલ્પીને તે રજુ (જા કરીને જુ) કર્યાં નથી. આને માટે મુખ્ય ઉપયોગ અમે પંડિત હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠકૃત पाईय-सद्द-महण्णवोનો કર્યો છે. અપભ્રંશ, દેશ્ય, કે પ્રાકૃત શબ્દ બતાવ્યા છે, તે આ કોશને આધારે ટાંકવામાં આવ્યા છે.

ઉપરાંત, તુલનાત્મક સૂચનો પણ મૂકવામાં આવ્યાં છે, અને તેમાં મુખ્યત્વે હિંદી અને મરાઠી ભાષાની તુલના નોંધી છે. હિંદી માટે ‘શબ્દસાગર’ અને મરાઠી માટે શ્રી. દાતેનો ‘મહારાષ્ટ્ર શબ્દકોશ’ મુખ્યત્વે ઉપયોગમાં લીધા છે. ઉર્દૂ ને હિંદુસ્તાની કોશો પણ જરૂર મુજબ વાપર્યા છે; પણ તે મુખ્ય ન હોવાથી તે બધાનાં નામ અહીં નોંધ્યાં નથી.

ફારસી અરબી વ્યુત્પત્તિ માટે ગુ૦ વ૦ સો૦ ના કોશ ઉપરાંત લુગાતે કિશોરી, હિંદુસ્તાની–અંગ્રેજી કોશ વગેરેની જરૂર લાગવાથી તેમનેય વાપરવામાં આવ્યા છે.

એ પણ કહેવું જોઈએ કે, ગ્રંથોમાં મળી આવેલી ઉપરાંત કેટલીક સિદ્ધ જેવી લાગતી વ્યુત્પત્તિ પણ કોશમાં ઉમેરવામાં આવી છે. અને વ્યુત્પત્તિમાં જ્યાં શંકાને સ્થાન લાગ્યું છે, ત્યાં પ્રશ્ન દ્વારા તે વ્યક્ત કર્યું છે.

એક મૂળ શબ્દના થડ તળે આવતા શબ્દોની વ્યુત્પત્તિ બધે અલગ બતાવી નથી; કેમ કે ઘણી જગાએ તે સહેજે દેખાઈ જાય તેવી હોય છે. જ્યાં જુદી નોંધવા જેવી જરૂર લાગી છે, ત્યાં તે દર્શાવી છે.

આમ, આ આવૃત્તિ માટે એટલું કહી શકાય કે, વ્યુત્પત્તિ બાબતમાં થયેલું કામ વિદ્વાનો આગળ પહેલી વાર એકસાથે રજૂ થશે. તે પરથી હવે એ કામ આગળ લઈ શકાય. જે થયું છે તે તેને વધારે શુદ્ધ કરી શકાય. બલ્કે, એમ કહેવું જોઈએ કે, હવે આપણે ગુજરાતીમાં વ્યુત્પત્તિ–કોશ ખાસ અલગ કરવા તરફ પણ પ્રયાણ કરવું જોઈએ. આ કામને માટે આ આવૃત્તિ ઠીક ભૂમિકા રજૂ કરી શકશે.

ભાષાઓની તુલનાત્મક નોંધ અંગે બંગાળી, સિંધી, ઇત્યાદિ ભાષાઓ પણ સાથે લેવા જેવી કહેવાય. આ આવૃત્તિમાં જે તુલનાઓ નોંધી છે, તે સંપૂર્ણતયા આપી છે તેમ સમજવાનું નથી. પણ કેવળ આ ઢબે તુલના કરો શબ્દ–કોશ પણ, વ્યુત્પત્તિના અભ્યાસના વિકાસ અર્થે, જરૂરી તો છે જ. એ કામ પણ ખીલવવા જેવું છે. આ આવૃત્તિમાં તેનો સ્પર્શ મળશે એટલું જ.

(બીજો ભાગ આવતીકાલે)

ગુજરાતી જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

આજે અહીં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની એક નવી પ્રસ્તુતિ મૂકું છું. એ છે, જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના. શ્રી જુગલભાઈએ એમના બ્લૉગ પર આ પહેલાં પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ચાર હપ્તામાં મૂકી હતી; નીચે એ શ્રેણીની લિંકો આપેલી છે.

http://jjkishor.wordpress.com/2010/12/31/jodni-ange-5/
http://jjkishor.wordpress.com/2011/01/04/jodni-ange-6/
http://jjkishor.wordpress.com/2011/01/10/jodni-ange-7/
http://jjkishor.wordpress.com/2011/01/18/jodni-ange-8/

શુદ્ધ જોડણી વિશે વિવાદ હોઈ જ ન શકે. પરંતુ, જોડણી કોશ તો સંદર્ભ તરીકે જ કામ આવે, નવલકથા નથી કે એ વાંચવા બેસીએ. પરંતુ એમાં વાંચવા જેવું કઈં હોય તો પ્રસ્તાવનાઓ. ગુજરાતીના જોડણી કોશની જુદી જુદી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ બદલાતા સમયનો પડઘો પાડે છે, પણ લગભગ દર દાયકે પ્રકાશિત થયેલી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ શું સૂચવે છે? અટકી ગયેલું ચિંતન? ગતિશીલ ચિંતન? હવે આગળ કઈં કરવાનું છે? કઈં કરવાનું હોય તો એની દિશા શી? આ બધા આપણા પ્રશ્નો છે અને એના જવાબ પણ આપણે જ શોધવાના છે.

પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ લિંકનો ઉપયોગ કરીને વાંચવા વિનંતિ છે; અહીં ત્રીજી આવ્રુત્તિની પ્રસ્તાવના રજૂ કરી છે. આગળ ચોથી આવૃત્તિની પ્રસ્તાવના પણ શ્રી જુગલભાઈએ મોકલી આપી છે. તે પછી પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના આવશે. આપણે ભાષાના હિતમાં આ પ્રસ્તાવનાઓના સંદર્ભમાં આગળ ચર્ચા કરીશું, આ ઉપરાંત, ગુજરાતીના વિદ્વાન શ્રી બાબુભાઈ સુથારે પણ મને એક લેખ મોકલ્યો છે, જો તેઓ પરવાનગી આપશે તો એનો અનુવાદ પ્રસ્તુત કરીશ, જેથી આપણે આપણી ભાષા વિશે વિચારીએ. તો આગળ વાંચો ત્રીજી પ્રસ્તાવના.

જોડણીકોશઃ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૩૭

જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી, આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. ઈ. સ. ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ, વિદ્યાપીઠ મંડળે તા. ૩–૧–૧૯૩૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે,

“કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે, અને તે કામ શ્રી. મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે. તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી. ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે.”

આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે, બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે. અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી. પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે, ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ, એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું. તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે.

        આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે, કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં; અને શબ્દભંડોળ માટે, બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ, કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી, પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે. વાચક જોશે કે, આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી.   

        આ આવૃત્તિ તૈયાર કરતી વેળા, શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે, ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં, બધાંનાં નહિ તો, જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો, તો બહુ ઉપયોગી થાય. આ માગણીનું વજૂદ સ્વીકારી, આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે. આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે. પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે; અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે, તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે, – તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ. જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે, ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી.

                શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ; ગણાય. નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં, ઉપર કહ્યું તેમ, મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત, સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે. એ રીતે કામ કરતાં, આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે. એટલે કે, ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે.

        શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે. ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ. નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ, અલબત્ત, સંસ્કૃત શબ્દોનો, ૨૦૨૬૫, એટલે કે, ૩૫ ટકા જેટલો છે. ત્યાર પછી ફારસીના ૧૭૫૬, એટલે ૩ ટકા, અરબ્બીના ૮૨૪, એટલે દોઢ ટકો, અંગ્રેજીના ૩૬૦, એટલે અડધો ટકો, હિન્દીના ૧૮૩, મરાઠીના ૪૪, તુર્કીના ૨૭, પોર્ટુગીઝના ૨૯ – એમ આવે છે. ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ, એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે. આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે, લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય.

        ૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ, એનો પણ ખ્યાલ કરી લીધો હતો. એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ. ઊલટું, હર્ષની વાત છે કે, જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે, અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે. આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે, તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ.

        જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી, આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય. હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું. તે કામ ગુજરાતના શિક્ષકગણ, લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી, વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ,–એ બધાંએ કરવાનું રહે છે. આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે, અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે.

        જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે. નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ– “જ્યાં આરબી, ફારસી, અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય, ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો. ઉદા૦ પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ નહિ પણ પાપડ, ખાએશ, આબેહૂબ, અંગ્રેજી, ટિકિટ.”

        આ નિયમ, ખરું જોતાં, જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય. એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે. આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે. બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે. નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે, ત્યાં સુધારો કર્યો છે. ચડવું–ચઢવું, મજા–મઝા, ફળદ્રુપ–ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે. નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે. (જેમ કે, ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫, ૨૬ જુઓ.)

        તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું. તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે, અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે. જેમ કે, પિતા, વિદ્વાન, ચંદ્રમા, મન ઇત્યાદિ. આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય. વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ, જે સંસ્કૃત કોશોમાં નયે મળે. આવા બધા શબ્દોને અમે सं. તરીકે તત્સમ જણાવ્યા છે.

        એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે. આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે, તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ, લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે. જેમ કે, ફારસી ‘ઝ’ અગાઉની પેઢી ‘જ’ લખીને સંતોષ માનતી. આજ અંગ્રેજી Z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ‘ઝ’ ઉચ્ચાર ‘જ’થી કરવા કરતાં ‘ઝ’ લખવા પ્રેરાઈએ છીએ. પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે. એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે. એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે. જેમ કે, નજર, અજીજ.

        અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ, ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે. જેમ કે, તકાજો, સાદું, જલસો. આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે.

        ફારસી, અરબી અય, અવ, આપણે ત્યાં અનુક્રમે એ, ઓ રૂપે લખાય છે ને એ, ઓ (બન્ને પહોળા) રૂપે બોલાય છે. જેમ કે, હેબત, શેતાન, મોત. આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે.

        પરંતુ રદ, સબર, ફિકર, સાહેબ જાહેર, ઇજન, ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે. નિસબત, સખતી, બરખાસ્ત જેવા શબ્દો, જેમનો ઉચ્ચાર તત્સમ છે (પણ જે નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા), તેમને પણ તત્સમ ગણ્યા છે.

        પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય. શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ, પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે, અમારાથી દાવો કરી શકાતો નથી. ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે.

                મરાઠી,હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય. ઘણા શબ્દો, જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે, બેઉ જગ્યાએ મળી શકે. તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય. પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે. કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય. અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે.

શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે, તેનો અર્થ પણ તત્સમ છે ? કેમ કે, એવું ઘણી વાર બને છે કે, શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય, લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય, કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય. આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી, ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે. સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય.

         વ્યુત્પત્તિને અંગે, છેવટમાં, એક વસ્તુ કહેવાની રહે છે તે, ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ. એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ.

        એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે, તમારા કોશમાં ઉચ્ચારણ નથી, તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે; તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ. આ માગણી સાચી છે. કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ. આપણી લિપિની વિશેષતાને લઈને, ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું. છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી. આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન, યશ્રુતિ, હશ્રુતિ, અનુસ્વાર–ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે. એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે. આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે. એટલે આ કામ મહત્ત્વનું તો છે જ. પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું. પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે, જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે, તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે. જેમ કે, જુઓ ઓડ, શોક. તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે. એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે. તેની પદ્ધતિ વિષે ‘કોશ વાપરનારને સૂચના’માં નિર્દેશ કર્યો છે.

        આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે. ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો  થાય છે. આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ. આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે. એટલે, બને ત્યાં સુધી, કોઈનું કદ ધતાં છતાં, કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો. તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે, બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે. અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય. નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે. બીજો ફેરફાર કર્યો તે, કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા, સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે. આ ગોઠવણીને અંગેની સૂચનાઓ ‘કોઈ વાપરનારને સૂચના’ એ સ્થળે આપી છે. તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે.

        પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી. એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે. સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે. પરંતુ, એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે, એ વિચિત્ર બીના ગણાય. અને કાંઈકે પ્રયત્ન થયો છે તે, અમારી જાણ પ્રમાણે, વિજ્ઞાનને માટે; – કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં, અરાજક છે, ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે. અને ગણિત, કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે, એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી.આશા રાખીએ કે, એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે. વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષા સ્થિર કરવાનો પ્રયત્ન હવે આદરવો જોઈએ. એ કામ શિક્ષકગણ તથા વિદ્વાનો ઉપાડે તો હવે પછીની કોશની આવૃત્તિમાં જ્ઞાનની તે શાખાના શબ્દો સંઘરવાનું સહેલું થશે.

        હવે વિદ્યાપીઠ તરફથી ગુજરાતી ભાષાના બૃહત્ કોશનું કામ ણપાડવા વિચાર છે. એ કોશમાં ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ પૂરો કરવા માટે, નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમા શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો છે. બોલીના શબ્દો સંઘરવા માટે, ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશ પડે છે ત્યાંના માણસોના સહકાર ઉપરાંત, તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ કરીને શબ્દો એકઠા કરવાનો ઇરાદો છે. વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી શકાય તેટલી મેળવીને આપવી છે. તથા સાંપ્રદાયિક અને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ એકઠા કરવાની ધારણા છે. શબ્દોની વ્યુત્પત્તિ શક્ય હોય તેટલી – વચગાળાનાં પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં તે સાથે – આપવી છે. શબ્દોના અર્થોનો ઐતિહાસિક વિકાસક્રમ, અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે, આપી શકાય તેટલો આપવો છે. બને તેટલાં સ્થાનોએ પર્યાય શબ્દો પણ નોંધવાનો વિચાર છે. ગુજરાતના વિદ્વાનો, શિક્ષકો તથા ભાષાપ્રેમીઓની સાહાય્ય જેટલી વધારે મળે તેટલો આ કોશ સારો થાય એ સ્પષ્ટ છે. એવો સહકાર અને મદદ અમને મળશે જ એ આશા સાથે ગુજરાત આગળ અમારી માગણી અમે રજૂ કરીએ છીએ. . . .

તા. ૧૨–૬–’૩૭                                                          – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ                                                                                                                                            

Eid-e-milad-un-nabi

ઈદે મિલાદઃ મહંમદ પયગંબરનો જન્મદિન અને એમનો સંદેશ.

માત્ર સંદેશવાહક
આજે ઇદ-એ-મિલાદ-ઉન-નબી એટલે કે ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદનો જન્મદિન અને પુણ્યતિથિ. ઇ.સ. ૫૭૦ની ૨૬મી એપ્રિલે એમનો જન્મ થયો અને ઇ.સ.૬૩૨માં એમનો જન્મદિન આવ્યો તે જ દિવસે એમનું અવસાન થયું. જો કે ઈદ-એ-મિલાદ હીજરી સન પ્રમાણે મનાવાય છે અને એ ૩૫૪ દિવસનું ચાન્દ્ર વર્ષ છે. એમાં પુરુષોત્તમ માસ જેવી દિવસો જોડવાની વ્યવસ્થા પણ નથી એટલે મુસ્લિમ તહેવારો દર વર્ષે ૧૨ દિવસ વહેલા આવતા હોય છે. અલ્લાહના રસૂલે (સંદેશવાહકે) છેલ્લા શ્વાસ છોડ્યા ત્યારે એમના નજીકના સાથી અને સસરા અબૂ બક્રે બહાર આવીને જાહેરાત કરી કે “તમે મહંમદની ભક્તિ કરતા હો, તો મહંમદનું મૃત્યુ થઈ ગયું છે; તમે અલ્લાહની ભક્તિ કરતા હો તો અલ્લાહ જીવે છે અને કદી મરશે નહીં”. આ એક એવા ધર્મનો જુસ્સો હતો જે વ્યક્તિનિષ્ઠ નહોતો. એ જ પયગંબરનો જીવનસંદેશ હતો અને અબુ બક્રના શબ્દોમાં એ જ ભાવના વ્યક્ત થતી હતી. મહંમદ માત્ર સંદેશવાહક હતા, સંદેશ મળે, એટલે કે આયત ઊતરે તે સિવાય સામાન્ય માણસ હતા. આવી અલ્લાહે મોકલેલી આયતોનું સંકલન એટલે કુરાન.

પયગંબર મહંમદનો જન્મ મક્કાની સાધનસંપન્ન કુરેશ જાતિમાં થયો હતો. દુનિયાના દેશો સાથે અરબસ્તાનના વેપાર પર કુરેશોનું વર્ચસ્વ હતું. આરબો ઊંટોની વણઝાર લઈને માલ વેચવા જતા. એક દેશમાંથી માલ ખરીદીને બીજા દેશમાં વેચતા. મક્કા વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. આ નાનો પ્રદેશ એક બાજુથી ઇરાનના સસાનિયન સામ્રાજ્ય અને બીજી બાજુથી બાઇઝેન્ટાઇન એટલે કે રોમન સામ્રાજ્યની વચ્ચે સપડાયેલો હતો. જો કે બન્ને સામ્રાજ્યોની નજર એના પર પડી નહોતી એટલે એ વત્તેઓછે અંશે સ્વાધીન પ્રદેશ હતો, એની ઘટનાઓની કોઈ અસર આ બન્ને સામ્રાજ્યો પર નહોતી પડતી. મક્કાના આરબો આમ શાંતિથી વેપાર કરતા પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ એમનું કશું જ મૌલિક નહોતું. બધું યહુદીઓનું હતું. એમાં કબીલાઈ માન્યતાઓ પણ ભળેલી હતી. એક બાજુ રણમાં ભટકતા બેડુઈન આરબો અને બીજી બાજુ મક્કાના શ્રીમંત વેપારી આરબો. એ દરેક પાસે એટલું ધન હતું કે એક નાનું લશ્કર તો એકાદ કુટુંબ નિભાવી શકે! આમ છતાં આરબો વેરવીખેર હતા. એમનામાં સંપ નહોતો. છોકરીઓને દૂધપીતી કરી નાખવાનું પ્રમાણ તો એટલું બધું હતું કે એ રિવાજ બની ગયું હતું. છોકરીને જીવતી રાખવી એ નાનપની વાત મનાતી. પંડિત સુખલાલજીનું એક નાનું પુસ્તક યાદ આવે છે. એમણે લખ્યું છે કે ઉંમર નામનો એક માણસ પોતાની દીકરીને જીવતી દફનાવતો હતો ત્યારે એની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. વર્તમાન સ્થિતિનો આ મૂક વિરોધ હતો અને એ જ ક્ષણ ઇસ્લામની આવશ્યકતાની માગણીનું પ્રતીક હતી.

આરબોની સ્થિતિ પર ઊડતી નજર
અહીં ઇસ્લામના આખા ઇતિહાસમાં જવાનો વિચાર નથી, માત્ર એટલું વિચારીએ કે એમણે આરબ સમાજમાં શું ફેરફાર કર્યા કે તે પછી આરબો આખી દુનિયામાં ફેલાઈ ગયા? આજે પણ ઇસ્લામથી પહેલાંની કેટલીક પ્રથાઓ મુસલમાનોમાં પ્રચલિત છે. પયગંબરસાહેબે એમાં કઈં જ ફેરફાર ન કર્યા. આજે પણ ઇસ્લામમાં કાબાનું મહત્વ છે તે પયગંબરના સમયમાં પણ હતું. હજની પરંપરા પણ પયગંબરે શરૂ નથી કરી. ઇસ્લામના પવિત્ર રોઝા એમના વખતમાં પણ હતા જ. ખાનપાનના રિવાજો પણ લગભગ યહુદીઓ જેવા જ છે.

અલ્લાહ અને ગીતા
મહંમદસાહેબે તો પોતે નવો ધર્મ સ્થાપે છે, એમ પણ નથી કહ્યું. એમણે એટલું જ કહ્યું છે કે એમણે પરાપૂર્વથી ચાલ્યો આવતો ધર્મ વિકૃત થઈ ગયો હતો તેની પુનઃપ્રતિષ્ઠા કરી છે. એમણે આરબોના વહેમો, જરીપુરાણા રિવાજો અને માણસને માણસથી દૂર રાખતાં તત્વો દૂર કર્યાં. બધાને સમાન બનાવવા એમણે એક અલ્લાહની ઘોષણા કરી. મૌલાના અબૂલ કલામ આઝાદ આ ‘અલ્લાહ’ શબ્દ બહુ સરસ રીતે સમજાવે છે, એનો અર્થ સમજતાં ગીતા યાદ આવી જશે. ‘અલ’ અંગેજીના ‘ધી’ જેવો આર્ટીકલ છે અને ‘લાહ’ એટલે આશ્ચર્ય. ગીતામાં પણ કહે છે કે કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે જુએ છે, તો કોઈ ‘એને’ આશ્ચર્ય તરીકે સાંભળે છે!

નવી અસ્મિતા
એક અલ્લાહના જયઘોષ સાથે એમણે આરબોને નવી અસ્મિતા આપી અને આ નવી અસ્મિતાને આકાર આપવા માટે એમણે બસ એક જ મહત્વનો આદેશ આપ્યો, આરબો પહેલાં ઇઝરાયેલમાં આવેલી અલ અક્સા મસ્જિદ તરફ વળીને પ્રાર્થના કરતા હતા. રસૂલ-અલ્લાહે એમને પશ્ચિમમાં કાબા તરફ મોઢું કરીને પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો. આ એક આદેશે સૌને સમાન બનાવી દીધા. પરંતુ આ સમય તો એમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં આવ્યો. ઉંમરના ત્રેપનમા વર્ષે તો ઇ.સ.૬૨૨માં એમને મક્કા છોડીને જવું પડ્યું હતું. તે પછી તેઓ પાછા આવ્યા, કુરેશોને પરાજિત કર્યા, કાબામાંથી કબીલાઓની મૂર્તિઓ હટાવી અને બધાએ ઇસ્લામ કબૂલ કર્યો તે પછી!

ઇસ્લામનો ઇતિહાસ વાંચવા જેવો છે. યુરોપ જ્યારે યુરોપ તરીકે ઓળખાતું નહોતું ત્યારે આરબો ત્યાં પહોંચી ગયા અને સ્થાનિકના રાજાઓ પર વિજય મેળવ્યો. સ્પેનમાં તો એમણે સદીઓ સુધી રાજ કર્યું પયગંબરની એક હદીસ (જીવનઘટના) છે, એમાં એમણે કહ્યું છે કે ‘જ્ઞાનની શોધમાં ચીન સુધી જાઓ.” એ વખતે આરબો માટે ચીન ખરેખર દૂરનો દેશ હતો. પણ આરબોએ ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષમાં જ્યાં શાસન કર્યું ત્યાં જાણે આ હદીસ યાદ રાખી. આજે આપણે સોક્રેટિસ વિશે જે કઈં જાણીએ છીએ તે આરબોને કારણે જ. ઇસ્લામથી પહેલાંના આરબો માત્ર વેપાર કરતા હતા પણ ઇસ્લામ પછીના આરબો સંસ્કૃતિઓનાં આદાનપ્રદાનમાં પણ આગળ રહ્યા. ભારતીય દર્શન અને ગણિતમાં ‘શૂન્ય’ને યુરોપ સુધી લઈ જનારા આરબો જ હતા.

ઇસ્લામમાં વૈવિધ્ય
એક અલ્લાહ, એક (અને આખરી) પયગંબર મહંમદ- આ એમની મૂળભૂત શરત. પરંતુ એમ ન માનવું જોઈએ કે એમાં જુદા જુદા પંથો નથી, ઇસ્લામના ઇતિહાસમાં ‘મુતઝિલા’ (ઉચ્ચારઃ ‘ત’ ખોડો નથી)) નામનું આંદોલન પણ હતું જેમાં યુરોપના તર્ક-આધારિત રૅશનાલિઝમનાં બીજ રહેલાં છે. આજે વહાબી ઇસ્લામ દુનિયામાં આતંકવાદનું બીજું નામ બની ચૂક્યો છે, તો ભારતમાં તો સૂફી ઇસ્લામનું જોર રહ્યું. હિન્દુ સમાજ તો આમ પણ સૌને સ્વીકારનારો રહ્યો. એટલે સૂ્ફી ઇસ્લામને અહીં પણ આવકાર મળ્યો. અહીં જે મઝારો પર જે ભીડ જોવા મળે છે તે ઇસ્લામનું ભારતીય રૂપ છે. વહાબી કટ્ટરતાનો છોડ અહીં ન ફાલ્યો. આમ કોઈ પણ ધર્મની જેમ ઇસ્લામમાં પણ ઘણા ફાંટા છે, એમના છ જુદાજુદા ભાષ્યકારો (મનુ જેવા) છે, જે પ્રથાઓ ભારતીય મુસલમાનોની છે તે જ મલેશિયા કે ઇંડોનેશિયાના કે આફ્રિકાના મુસલમાનોની નથી.

પયગંબર નહીં આવે, જાતે માર્ગ શોધો
પયગંબરસાહેબે મૃત્યુ પહેલાં જે સંદેશ આપ્યો તેમાં કહે છે કે હવે એમનો ધર્મ પરિપૂર્ણ બની ગયો છે.અને હવે કોઈ સંદેશવાહક નહીં આવે. આમ હવે કોઈ ઉદ્ધારક નથી આવવાનો એની ચેતવણી એમણે મુસલમાનોને આપી જ દીધી છે. આનો એક જ તર્કસંગત અર્થ છે કે હવે દુનિયા બહેતર બને એની જવાબદારી એમણે વ્યક્તિગત રીતે દરેક મુસલમાન પર નાખી છે. (આ સંદેશ તો સૌ કોઈને માટે છે કે હવે કોઇ અવતાર પેદા નથી થવાનો).
આજે મુસલમાનોની સ્થિતિ
પરંતુ મુસલમાનોની સ્થિતિ શી છે? આજના દિવસે એમની ખાસ જવાબદારી વિશે તેઓ વિચારે એ જરૂરી છે. એક વખતનો જ્ઞાનની પાછળ જનારો ધર્મ આજે ક્યાં છે? અજ્ઞાન અને નિરક્ષરતામાંથી એમણે બહાર આવવાનું છે. ઇસ્લામનાં પહેલાં બસ્સો વર્ષની જ્ઞાનખોજના માર્ગે એમણે જાતે જ નીકળવું પડશે. કુરાનનો પહેલો જ શબ્દ છેઃ “વાંચ…” આજે મુસલમાન ‘વાંચવામાં” સૌથી પાછળ છે!

ધર્મ એટલે મૂલ્યો. મૂલ્યો શાશ્વત હોઈ શકે છે પરંતુ એનો આ ગુણ સમય સાથે કદમ મેળવીએ તો જ ટકે, નહીંતર ગ્રંથોમાં જ કેદ થઈને રહી જાય. ખાલી ગર્વ કરતા રહીએ કે મારો ધર્મ સૌથી સારો, એમાં કઈં ન વળે. ઈશ્વરી સંદેશવાહક ન આવવાનો હોય તો પાછળ રહેલા લોકોની જવાબદારી વધી જાય છે અને કુરાન શરીફે આનો રસ્તો દેખાડ્યો છે. સુરા ૩ની સાતમી આયતમાં જે સંદેશ વ્યક્ત થયો છે તે લોકશાહી અને મુક્ત ચિંતનનો સંદેશ છે, જે સૌને ઉપયોગી થાય એમ છે પરંતુ દ્વિધા અનુભવતા મુસલમાન ભાઇબહેનો માટે તો એ કાર્ય અને વિચારની સ્વતંત્રતાની આયત છે. ઇસ્લામમાં પુરોહિત વર્ગનું સ્થાન નથી, કારણ કે મહંમદ આખરી પયગંબર છે, બાકી માર્ગદર્શન માટે કુરાન છે. તમે જાતે જ વાંચોઃ ” આ પુસ્તક મોકલનાર એ (અલ્લાહ) જ છે… એમાં એવી આયતો છે જે મૂળભૂત છે, જેનો અર્થ સ્પષ્ટ છે..એ જ આ કિતાબનો પાયો છે… બીજી એવી આયતો છે જેનો અર્થ બહુ સ્પષ્ટ નથી… પણ જેનાં હૃદયમાં વિકૃતિઓ છે તેઓ એના પ્રમાણે ચાલે છે અને વિખવાદ ફેલાવવાની અને એનું અર્થઘટન કરવાની કોશિશ કરે છે… પણ અલ્લાહ સિવાય એનો સ્પષ્ટ અર્થ કોઈ જાણતું નથી. જેમનો પાકો આધાર જ્ઞાનમાં છે તેઓ કહે છે કે “અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે એ બધું અલ્લાહે મોકલ્યું છે.અને જે સમજદાર છે તેના સિવાય કોઈ એનો અર્થ નહીં સમજે.”.
કુરાનની આવી જ ‘અસ્પષ્ટ’ આયતોનું મનફાવતું અર્થઘટન કરીને ગુમરાહ કરનારા ધર્મગુરુઓ ઘણા છે. મુસ્લિમ ભાઈબહેનો મૂલ્યોનું જતન કરવાની સાથે આજના જમાના સાથે તાલ મેળવીને એક સર્વજનહિતકારી સમાજના નિર્માણ માટેની ‘જેહાદ’ જગવવામાં આગળ આવે એવી શુભેચ્છાઓ.

shree: nar ke naaree?

મિત્રો,
આપણે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનો લેખ ‘ગાંધીજી, ગુજરાત અને ગૂજરાત’ વાંચ્યો. આજે શ્રી જુગલભાઈ એક રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે.

ભાઈશ્રીઓ અને બહેનશ્રીઓ!
એ છે – ‘શ્રી’નો ખેલ. નરમાંથી નારી બનાવી દેવાની એની શક્તિ. વિચિત્ર લાગે છે ને?. આપણે જે ભાષા બોલીએ છીએ તેનાં ઊંડાણમાં જવાનો અનુભવ એટલો આનંદદાયક હોય છે કે બસ, એક વાર એનો સ્વાદ ચાખીએ તો પછી ધરાઇએ જ નહીં, આવો, જુગલભાઈ શું કહે છે તે જોઇએ –
0-0-0-0-0-0

કોશના નીયમોમાં જેનો ઉલ્લેખ જો કે નથી તેવો શબ્દ ‘શ્રી’ પાંચમી આવૃત્તીની પ્રસ્તાવના સુધી ‘શ્રી.’ (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રહ્યો છે. પછી તેની સાથેનું પૂર્ણવીરામચીહ્ન નીકળી ગયેલું જોવા મળે છે.

આપણે જાણીએ છીએ કે શ્રી મોટે ભાગે પુરુષનામો સાથે જ વપરાય છે પણ શ્રીના લગભગ બધા જ અર્થો નારીજાતીમાં છે!! સ્ત્રીઓના નામ આગળ એને લગાડતાં જ કેટલાક ટીકા કરી બેસે છે પણ પુરુષોને પોતાના નામ આગળ નારીજાતીસુચક અર્થો લગાડવામાં કોઈ વાંધો નથી હોતો !

આપણે એ પણ જાણીએ છીએ કે નામની આગળ લાગતો શબ્દ ’શ્ર” એ ખરેખર તો ‘શ્રીયુત’ કે ‘શ્રીમાન’નું સંક્ષીપ્ત રુપ છે. એટલે પુરુષોએ પોતાના નામની આગળ તેને મુકવો હોય તો શ્રી. એમ પુર્ણવીરામ.ચીહ્ન સાથેનો જ મુકવો જોઈએ, કારણ કે નહીં તો તે નારીજાતીસુચક બનીને પુરુષોની મજાક કરી બેસે !

હવે ઉપર જણાવ્યું છે તેમ કોશની મારી પાસેની છેલ્લી આવૃત્તીમાંની પ્રસ્તાવનાઓમાં તે શ્રી. (પુર્ણવીરામચીહ્ન સાથેનો) રુપે લખાયો છે. અને તે જ સાચું ગણાય. છતાં રુઢ થઈ ગયેલા શબ્દ તરીકે આજે ફક્ત શ્રી લખાય તો ચલાવી લેવામાં વાંધો ન હોવો જોઈએ અને એ જ કારણસર મહીલા નામોની સાથે એને લગાડાય તે પણ સહજ અને સાચું ગણાવું જોઈએ. મહીલાઓને લગાડાતું ‘શ્રીમતી’ કુમારીકાઓને લાગુ પડતું ન હોઈ મહીલાઓના નામ સાથેના સાદા શ્રીને શ્રીમતીનું ટુંકું ન ગણતા બધી જ બહેનો માટે સાદો શ્રી રહે તે ઉચીત ગણાય. (આને ફક્ત ભાષાકીય બાબત જ રાખીને નારીમુક્તી ચળવળ સાથે આપણે અહીં જોડતા નથી).

હવે હું આપને એ બતાવવા માગું છું કે કોશમાં તેનો પ્રયોગ કયાં ક્યાં થયો છે ? જુઓ –

૧) કુલનાયકશ્રીના નીવેદનમાં ફક્ત શ્રી છે;
૨) પ્રકાશકના નીવેદનામાં શ્રી. છે;
૩) કોશની જે પુરવણી પ્રગટ થઈ (પહેલી આવૃત્તી, ઑક્ટોબર – કોશના પ્રથમ પાને ઓક્ટોબર છપાયું છે ! – ૨૦૦૫)તેના “પ્રકાશકીય નિવેદન”માં ફક્ત શ્રી લખાયો છે;
૪) પુરવણીની જોડણીકોશસમીતી વતી ચંદ્રકાંત શેઠની નોંધમાં પણ શ્રી જ છે;
૫) કોશમાંની કુલ પાંચ પ્રસ્તાવનાઓમાંની ત્રીજી સીવાયની બધી જ પ્રસ્તાવનાઓમાં પુર્ણવીરામચીહ્ન સાથેનો શ્રી. લખાયો છે. (ત્રીજી આવૃત્તીમાં કોઈનું નામ નહીં હોવાથી ત્યાં તે શક્ય પણ નહોતું.)

એવું કહી શકાય કે પાંચમી આવૃત્તી પછી ’શ્રી’ પુર્ણવીરામ.ચીહ્ન વગરનો થયો છે.

પાંચેય પ્રસ્તાવનાઓને વાંચતાં તે સમયના સંપાદકોની ચીવટ, ઝીણામાં ઝીણી બાબતોની નોંધ આપવાની નીષ્ઠા વગેરેથી મસ્તક નમી જાય છે. સાહીત્યરસીકોએ આ પાંચેય પ્રસ્તાવનામાં છલોછલ પ્રગટ થતી કાર્યનીષ્ઠાનો અભ્યાસ કરવા જેવો છે. મેં મારા બ્લૉગ પર આ પ્રસ્તાવનાઓ આપવાની શરુઆત કરીને ત્રણેક પ્રસ્તાવનાઓ ટાઈપ કરીને મુકી હતી પણ સમયના અભાવે બાકીની બન્ને બહુ લાંબી હોવાને લીધે પણ મુકી શક્યો નહોતો. એને પ્રગટ કરવાનું બહુ મન રહ્યું છે.
xxxx
(આ પ્રસ્તાવનાઓ પર ‘મારી બા્રી’માંથી ડોકિયું કરવા મળશે તો આનંદ જ થશે)