Satyavachan(3)

આપણે સત્ય શું છે એની ચર્ચા કરીએ છીએ, પરંતુ આ ચર્ચા વાસ્તવમાં સત્ય શું નથી, એ તરફ લઈ જાય છે. પહેલા લેખનો પ્રતિભાવ આપતાં શ્રી બીરેનભાઇ કોઠારીએ ટૉની ડિમેલોની ટચૂકડી કથાઓનો ઉલ્લેખ કર્યો હતો. મેં જવાબમાં એમને આવી કોઈ વાર્તા અહીં જણાવવા આગ્રહ કર્યો. પણ, ખુદા દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. એમણે ઇંટરનેટ પરથી શોધીને આખું પુસ્તક The Prayer of Frog જ મને મોકલી આપ્યું! એમનો આભાર માનું છું અને તે સાથે લેખક ટૉની (ઍન્થની) ડિમેલો પ્રત્યે સાભાર આદર વ્યક્ત કરૂં છું. અહીં એમની કેટલીક વાર્તા રજુ કરૂં તે પહેલાં લેખકનો થોડો પરિચય આપી દઉં.

ટોની ડિમેલો ખ્રિસ્તી પાદરી તરીકે ભારતમાં રહ્યા અને ૧૯૮૭માં ન્યૂ યોર્ક ગયા કે બીજા જ દિવસે એમનું અવસાન થઈ ગયું. એ પહેલાં પરંપરાગત ધાર્મિક વ્યવહારો અને ઉપાસનાઓ પરથી એમનું મન હટી ગયું હતું. એમનું કહેવું હતું: ” આપણી હિંસક આધ્યાત્મિકતાએ આપણા માટે સમસ્યાઓ ખડી કરી છે” અને ‘જીસસ વિશે જે રીતે ચર્ચની વ્યાસપીઠ પરથી બોલાય છે એના કારણે એમનું નામ ખરાબ થયું છે”. આવા ધરમૂળથી અલગ પડતા વિચારકે વાર્તાઓનો રસ્તો લીધો. આ વાર્તાઓ ખરેખર તો રોજબરોજની ઘટનાઓ જેવી છે, અથવા પ્રતીકાત્મક છે. આ વાર્તાઓનો શુદ્ધ અનુવાદ આપવાને બદલે હું મારા શબ્દોમાં રજુ કરૂં છું:

૧. દેશમાં સત્તાધારીઓની ધર્મ પર તવાઇ ઊતરી. ધર્મનું નામ પડે અને દમનનો કોરડો વીંઝાતો. ધર્મના ત્રણ સ્તંભ એટલે શાસ્ત્રો, ઉપાસના પદ્ધતિ અને દાનધર્મ. એ ત્રણેય ભગવાન પાસે ગયા અને વિનંતિ કરી કે ધર્મનો નાશ થશે તો અમારો પણ નાશ થશે.”

ભગવાને કહ્યું કે “ચિંતા ન કરો, હું પૃથ્વી પર એક નવી જ શક્તિને મોકલીશ, જે તમારા ત્રણેય કરતાં વધારે પ્રબળ છે.”

એમણે આશ્ચર્યથી પૂછ્યું: “એવું તે વળી શું છે, જે અમારાથી પણ શક્તિશાળી હોય?”

ભગવાને ઠંડે કલેજે જવાબ આપ્યોઃ “આત્મજ્ઞાન”.

૨. એક દેશમાં ત્રણ શાણા માણસો રહેતા હતા. એવા નમ્ર કે નવું જાણવા હંમેશાં તૈયાર. નવા જ્ઞાનની શોધમાં એ પ્રવાસે નીકળ્યા. એ બીજા દેશમાં પહોંચ્યા, ત્યાં દૂરથી એમને એક ગગનચુંબી ઇમારત નજરે ચડી. એમણે આવું કઈં પોતાના દેશમાં તો જોયું નહોતું, એટલે દૂર જ ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે એ શું હશે? એમણે પોતાના પાછલા અનુભવો, સાંભળેલી વાતો યાદ કરી. “હા, આ તો એ જ; ના એ તો નથી લાગતું” વગેરે ચર્ચાઓ કરી. છેવટે પોતાના જ્ઞાનના આધારે એમણે નક્કી કર્યું કે આવી ઇમારત તો કોઇ આસુરી શક્તિ જ બાંધી શકે.
પરિણામે તેઓ એવા તારણ પર પહોંચ્યા કે આગળ ન જવું. પોતાના અનુભવના ભાથામાં એક નવા તીરનો ઉમેરો કરીને તેઓ દેશ પાછા આવ્યા.

xxx લેખક અહીં કહે છે કે જે વાસ્તવિકતા એમની સામે હતી, તેના માટે એમનું જૂનું જ્ઞાન નકામું હતું, જૂના અનુભવો અર્થહીન હતા. નવી સ્થિતિમાં એમણે ત્યાં જઈને ખાતરી કરવી જોઇતી હતી. પણ એવું કશું કર્યું નહીં; અમુક ધારણા બાંધી લીધી. આ ધારણાએ એમના અવલોકનને પ્રભાવિત કર્યું, કારણ કે પૂર્વધારણાની બહાર એ કઈં જોઈ ન શક્યા. આવા અવલોકન પરથી તેઓ એક દૃઢ અભિપ્રાય પર પહોંચ્યા. આ અભિપ્રાયે એમને એ જ પ્રકારનો અનુભવ આપ્યો. અનુભવને આધારે એમણે વર્તન કર્યું…અને આ વર્તને માત્ર એમની ધારણાને જ પુષ્ટ કરી, જેનો કોઈ વાસ્તવિક આધાર નહોતો.

સત્ય પ્રત્યક્ષ વાસ્તવિકતાથી દૂર, જૂના અનુભવો, જૂનાં શાસ્ત્રો કે જૂના ઉપદેશોમાં ન હોઈ શકે. એમાંથી તો માત્ર અમુક સત્યાભાસી ધારણાઓ મળે.

૩. શબ્દો અને અવધારણાઓ માત્ર Realityનો – યથાર્થનો – સંકેત આપી શકે, પરંતુ વાસ્તવિકતા શું છે તે પ્રતિબિંબિત ન કરી શકે. ગુરુ આંગળી ચીંધીને ચન્દ્ર દેખાડે તો મૂર્ખ શિષ્યનું ધ્યાન માત્ર ગુરુની આંગળી પર જ ચોંટી રહે! ગુરુની આંગળી આ શબ્દો જેવી છે. શબ્દો ઘણું છુપાવી દેતા હોય છેઃ

વિમાની સફર દરમિયાન ઓચિંતાં જ પાયલટે જાહેરાત કરી કે “વિમાનનું એન્જિન બગડ્યું છે અને સ્થિતિ એવી છે કે હવે માત્ર ભગવાન જ આપણને બચાવી શકશે.”
એક મુસાફર અર્ધુંપર્ધું સમજ્યો. એણે બાજુમાં બેઠેલા મુસાફરને પૂછ્યું: “પાયલટે શું કહ્યું?”
બીજાએ જવાબ આપ્યો:” એ કહે છે કે હવે આપણે બચવાના નથી!”

૪. બે મિત્રો હૉટેલમાં બેઠા ચા પીતા હતા. એક મિત્ર ચાના કપને તાકીને જોતો રહ્યો. બીજાએ પૂછ્યું: શું વિચારે છે?”
પેલાએ જવાબ આપ્યોઃ “આહ…! જિંદગી ચાના કપ જેવી છે!”
બીજો મિત્ર વિચારમાં પડી ગયો. એ પણ ચાના કપ સામે જોતો રહ્યો. થોડીવારે બોલ્યોઃ “કેમ જિંદગી ચાના કપ જેવી શી રીતે છે?”
પેલાએ જવાબ આપ્યુઃ “મને શું ખબર? હું કઈં ઇંટેલેક્ચ્યૂઅલ નથી!”
સત્ય ફૉર્મ્યૂલાઓમાં નથી હોતું.
૫. સત્ય સંખ્યામાં પણ નથી હોતું. એક જજે અપરાધીને સજા કરી. ૨૭૫ વર્ષનો કારાવાસ! અપરાધી બિચારો વૃદ્ધ હતો. એ રડી પડ્યો. જજને પણ દયા આવી. એણે કહ્યું: “સજા બહુ આકરી તો છે… પણ તારે આટલા લાંબા વખત સુધી જેલમાં રહેવું નહીં પડે.”
અપરાધીની આંખમાં આશા પ્રગટી. જજને પણ શાંતિ થઈ. એણે દિલાસાના સુરમાં કહ્યું: “હવે બરાબર…! તારાથી ભોગવાય એટલી ભોગવ ને!”

૬. એક વાર મુલ્લા નસિરુદ્દીનનો પાડોશી એમને મળવા આવ્યો અને બોલ્યોઃ “મારે આધ્યાત્મિક બનવું છે. મારે ઘરે આવીને મને ઉપદેશ આપો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે માણસ છે તો બુદ્ધિશાળી, પણ આધ્યાત્મિકતા કેમ શીખવવી?
થોડા દિવસ પછી પેલો માણસ છાપરે ચડીને મુલ્લાને બોલાવવા લાગ્યો; “મુલ્લા, આવો ને, મારી ભઠ્ઠી ઠરવા લાગી છે, ફૂંકવામાં જરા મદદ કરો ને!”
મુલ્લા નસિરુદ્દીનને લાગ્યું કે આ તક છે. એમણે જવાબ આપ્યોઃ ” ભલે, આવો ને, મારા શ્વાસ તમારા જ છે, લઈ જાઓ, જેટલા જોઈએ તેટલા!”

આપણો ચૂલો કોઈ ફૂંકી આપે એ વાતમાં સત્ય નથી.

૭. અને સત્ય સ્થાયી નથી રહેતું. એ સતત બદલાતું રહે છે. ન બદલાય તે સત્ય નહીં:

ન્યાયાધીશઃ તને કેટલાં વર્ષ થયાં?
આરોપીઃ સાહેબ, બાવીસ.
ન્યાયાધીશઃ બાવીસ? છેલ્લાં દસ વર્ષમાં તું જ્યારે ઝડપાયો છે, ત્યારે આ જ ઉંમર કહેતો હોય છે! બાવીસથી વધતો નથી કે શું?
આરોપીઃ સાહેબ, આપણે એવા નથી કે આજે એક વાત અને કાલે બીજી. બંદા એવા નથી કે બોલે અને ફરી જાય!

૮. છેવટે, સત્ય તો તર્કમાં પણ નથી વસતું.

એક વૃદ્ધ સ્ત્રી ડૉક્ટર પાસે ગઈ. એને એક પગે વા હતો.
ડૉક્ટરે તપાસીને સ્ત્રીની ઉંમર પૂછી. “પાંસઠ વર્ષ” સ્ત્રીએ જવાબ આપ્યો.
ડૉક્ટરે કહ્યું: “ઉંમરને કારણે તકલીફ છે…”
સ્ત્રી ચોંકી. એણે કહ્યું: “શું વાત કરો છો, ડૉક્ટર! મારા બીજા પગની ઉંમર પણ એટલી જ છે!”
વાજબી તર્ક હંમેશાં સાચો પણ હોય જ, એવું નથી હોતું.

%d bloggers like this: