તિલકા માંઝી
અંગ્રેજો વિરુદ્ધ મોરચો માંડનારા આદિવાસીઓમાં તિલકા માંઝીનું નામ બહુ આગળપડતું છે. છોટા નાગપુરના પ્રદેશમાં આદિવાસીઓના બળવા અનેક થયા તેની પહેલ કરનારા તિલકા માંઝી હતા. બિહારના સુલતાનપુરના તિલકપુર ગામના પહાડિયા આદિવાસી પરિવારમાં ૧૭૫૦માં એમનો જન્મ થયો. એમનું નામ તો ‘જબરા પહાડિયા’ હતું. પણ એમને અંગ્રેજોએ તિલકા માંઝી નામ આપ્યું. માંઝી એટલે મુખી. તિલકા એટલે ગુસ્સાવાળો. એમનો સંઘર્ષ પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોનો વિનાશ શરૂ કર્યો એના વિરોધમાં શરૂ થયો.
તિલકા માંઝીએ શરૂઆતમાં તો અંગ્રેજોને વફાદાર હોવાનો દેખાવ કર્યો અને ભાગલપુરના કલેક્ટર ક્લીવલૅંડે બનાવેલી ‘પહાડિયા હિલ રેન્જર્સ’માં પણ જોડાયા. ત્યાંથી ભાગીને ૨૧ વર્ષની ઉંમરે એમણે પહાડિયા સરદારોના વિદ્રોહનું નેતૃત્વ સંભાળી લીધું અને અંગ્રેજો પર છત્રપતિ શિવાજીની જેમ છાપામાર યુદ્ધ આદર્યું. ૧૭૭૧થી ૧૭૮૪નાં ચૌદ વર્ષ દરમિયાન એમણે અંગ્રેજોને નિરાંતનો શ્વાસ લેવા ન દીધો. .
છોટા નાગપુરના જંગલના ઇલાકામાં રામગઢનું રાજ્ય હતું એ ચૌદમી સદીમાં બન્યું પણ તે પછી એના રાજાઓ મોગલોને ખંડણી ચુકવતા હતા. મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૪૦માં ઈસ્ટ ઇંડિયા કંપનીને રામગઢની ખંડણી વસૂલ કરવાનો અધિકાર આપ્યો હતો. અંગ્રેજોએ ત્યાં પોતાની ફોજ ગોઠવી દીધી હતી. પણ ૧૭૭૮માં તિલકા માંઝીએ હવે એના પર જ નિશાન સાધ્યું. એમની સરદારી હેઠળ પહાડિયા સરદારોએ એવો જોરદાર હુમલો કર્યો કે એમનાં તીરકામઠાં સામે અંગ્રેજોનાં આધુનિક હથિયારો ટકી ન શક્યાં અને એમને કિલ્લો છોડીને ભાગવું પડ્યું.
૧૭૮૪માં એમણે ક્લીવલૅંડ પર જ હુમલો કરીને એને મારી નાખ્યો. પણ અંતે એ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા. આદિવાસીઓના સંઘર્ષ વિશે બહુ માહિતી નથી મળતી હોતી, માત્ર વારસામાં મળેલી વાતો જ મુખ્ય આધાર બને છે. એ પ્રમાણે એમને ઘોડા સાથે બાંધીને ઘસડતાં ઘસડતાં ભાગલપુર લઈ આવ્યા અને એક ચોકમાં વડના ઝાડ પર લટકાવીને ફાંસી આપી દેવાઈ. કિંવદંતી છે કે ફાંસી વખતે મોટા અવાજે એ ગાતા રહ્યાઃ “હાંસી હાંસી ચઢબો ફાંસી!”
તિલકા માંઝીને વંદન.
૦૦૦