india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 46

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૬ ::  લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજના ઠરાવથી દાંડી કૂચ સુધી (૧)

કોંગ્રેસ અસમંજસમાં

આપણે હજી ૧૯૧૬થી ૧૯૩૫ના ગાળાના ઇતિહાસમાં જ છીએ અને જેટલી સંગઠિત ક્રાન્તિકારી ઘટનાઓ બની તે એ જ વર્ષોમાં બની. એવું નથી કે ચૌરીચૌરા પછી ક્રાન્તિકારીઓ જ સક્રિય હતા અને કોંગ્રેસ કંઈ નહોતી કરતી. એમાં પણ નેતાઓ નવા નવા રસ્તા શોધતા રહ્યા હતા. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ જેવા નેતાઓ કોંગ્રેસની અંદર જ સ્વરાજ પાર્ટી બનાવીને ઍસેમ્બ્લીમાં ગયા જ હતા. કોંગ્રેસમાં ઍસેમ્બ્લીમાં જનારા ફેરવાદી (નીતિમાં ફેરફાર) અને ના-ફેરવાદી એવી બે વિચારધારા ચાલતી હતી. હવે જો કે આંદોલનના હિમાયતીઓ વધવા લાગ્યા હતા. ગાંધીજી પોતે પણ વિચારમંથનમાં પડ્યા હતા અને રચનાત્મક કાર્યો પર જોર દેવા લાગ્યા હતા. આમ છતાં, ફેરવાદીઓ અને ના-ફેરવાદીઓની ખેંચતાણને કારણે કોંગ્રેસ તૂટી ન જાય એવા પણ પ્રયત્ન કરતા રહ્યા. એમને જ કારણે કોંગ્રેસે નિર્ણય લીધો હતો કે જે ઍસેમ્બ્લીમાં જઈને રકારને હંફાવવાનું યોગ્ય માનતા હોય એમને રોકવા નહીં. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરે ના-ફેરવાદી, અથવા તો આંદોલનવાદી હતા પરંતુ એમણે સ્વરાજિસ્ટોને એમનો માર્ગ પકડવાની છૂટ આપી. કોંગ્રેસ તે પછી એમના કામના પ્રભાવની સમીક્ષા કરવાની હતી. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે ઍસેમ્બ્લીમાં બોંબ ફેંક્યો ત્યારે સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ અને મોતીલાલ નહેરુ ગૃહમાં હાજર હતા.

પરંતુ આપણે પહેલાં પણ જોયું છે તેમ ધીમે ધીમે સ્વરાજ પાર્ટીમાં જ સરકાર સાથે સહકાર કરનારાઅઓનું જૂથ ઊભું થયું હતું. ૧૯૨૫માં ચિત્તરંજન દાસનું મૃત્યુ થયું એ પણ સ્વરાજ પાર્ટી માટે એક ધક્કો હતો. અધૂરામાં પૂરું, ચિત્તરંજનબાબુના જવા પછી બંગાળ કોંગ્રેસમાં સુભાષ ચંદ્ર બોઝ સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત થયા. સુભાષબાબુ ઉદ્દામ રાજકારણના હિમાયતી હતા અને એમને ઍસેમ્બ્લીમાં રસ નહોતો. એકંદરે જવાહરલાલ અને સુભાષબાબુની નેતાગીરી હેઠળ યુવાનો ઍસેમ્બ્લીની વિરુદ્ધ હતા. કોંગ્રેસની અંદર જ એમણે ‘ઇન્ડીપેન્ડન્સ ફૉર ઇંડિયા લીગ’ની રચના કરી હતી અને જવાહરલાલ અને સુભાષ એના મંત્રીઓ બન્યા. આમ પિતાપુત્ર તદ્દન સામસામે આવી ગયા.

કોંગ્રેસ અને ક્રાન્તિકારીઓ

ક્રાન્તિકારીઓ કોંગ્રેસ અને ગાંધીજીના રાજકારણથી દૂર હતા, એવું માનવું પણ ભૂલભરેલું છે. એ એમની સશસ્ત્ર પ્રવૃત્તિઓ કરતા હતા ત્યારે પણ એમની નજર રાષ્ટ્રવ્યાપી આંદોલન પર તો રહેતી જ હતી. ચિત્તાગોંગમાં પોલીસ શસ્ત્રાગાર પર માસ્ટરદાના નેતૃત્વ હેઠળ હુમલો થયો ત્યારે સામાન્ય લોકો ગામડેગામડે મહાત્મા ગાંધીનો મીઠાનો સત્યાગ્રહ કરતા હતા! એવું જ પંજાબ અને ઉત્તર હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના આંદોલનનું પણ હતું. કોંગ્રેસના ઠરાવો પર સરકાર શું કરે છે તે એ જોતા જ હતા. એનું ઉદાહરણ આપણને આ પહેલાં ૩૪મા પ્રકરણમાં મળે જ છે. એટલે એના પર એક નજર નાખીને આગળ વધીએ કારણ કે હવે આપણે સ્વતંત્રતા સંગ્રામના એક સીમાચિહ્ન પાસે પહોંચીએ છીએ. એ સીમાચિહ્ન એટલે મીઠાનો સત્યાગ્રહ અથવા દાંડી કૂચ.

એ પ્રકરણમાં આપણે ૧૯૨૯ની ૨૩મી ડિસેમ્બરે વાઇસરૉયની ટ્રેનને ઉડાવી દેવાના પ્રયાસ વિશે આપણે એ પ્રકરણમાં વાંચ્યું હતું. કાનપુરના નેતા ગણેશ શંકર વિદ્યાર્થીએ ક્રાન્તિકારીઓને વાઇસરૉય પર હુમલો ન કરવા સમજાવ્યા હતા. એમનું કહેવું હતું કે ૧૯૨૮માં કોંગ્રેસે અંગ્રેજ હકુમતને ભારતનો દરજ્જો નક્કી કરવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો તે ૧૯૨૯માં પૂરો થાય છે અને બીજા જ દિવસે, ૨૪મીથી લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. ગાંધીજી વાઇસરૉયનું વલણ જાણવા જ ૨૩મીએ વાઇસરૉય દિલ્હી આવે તે પછી એને મળવાના હતા અને જે કંઈ વાત થાય તે લઈને એ જ દિવસે લાહોર માટે રવાના થવાના હતા. જો કે ક્રાન્તિકારીઓએ ટ્રેન ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો જ પણ સફળ ન રહ્યા.

ગાંધીજી વાઇસરૉયને મળ્યા અને એમને ભગવાને બચાવી લીધા તેનો આનંદ વ્યક્ત કર્યો અને તે પછી કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે લાહોર જવા રવાના થઈ ગયા. બીજા દિવસે કોંગ્રેસની બેઠક શરૂ થઈ તેમાં શરૂઆતમાં જ ગાંધીજીએ આ કૃત્યની ટીકા કરી અને વાઇસરૉયના બચી જવા વિશે એમણે જે ઠરાવ રજૂ કરાવડાવ્યો તે ૧૭૧૩ સભ્યોમાં માત્ર ૮૧ની બહુમતીથી મંજૂર રહ્યો. આ દેખાડે છે કે જેમ ક્રાન્તિકારીઓ કોંગ્રેસની કાર્યવાહી જોતા હતા તેમ, કોંગ્રેસની વિશાળ બહુમતી પણ અહિંસાના સિદ્ધાંત છતાં ક્રાન્તિકારીઓ પ્રત્યે સદ઼્ભાવ રાખતી હતી.

૧૯૨૯- કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ

મુસ્લિમ લીગે નહેરુ રિપોર્ટ (મોતીલાલ નહેરુનો દેશના બંધારણ વિશેની ભલામણો) ફગાવી દીધો તે પછી કોંગ્રેસ પાસે પોતાની રીતે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો રહ્યો. જવાહરલાલ, સુભાષ વગેરે તો પહેલેથી જ એનો વિરોધ કરતા હતા કારણ કે એમાં ‘પૂર્ણ સ્વરાજ’ વિશે કંઈ હતું જ નહીં. મોતીલાલ નહેરુ માનતા હતા કે એ સમય આવે તે પહેલાં ડોમિનિયન સ્ટેટસ પણ માગવામાં કંઈ ખોટું નથી, એ પણ એક આગેકદમ જ છે. (ઑસ્ટ્ર્લિયા અને કૅનેડા બ્રિટનનાં સંસ્થાન હતાં પણ એમને પોતાની જ સરકાર બનાવવાનો અધિકાર હતો. આને ડોમિનિયન સ્ટેટસ કહેવાય. ભારત માટે પણ એ જ દરજ્જાની માગણી હતી).

કલકત્તા અધિવેશનમાં મોતીલાલ નહેરુ પ્રમુખ બન્યા પણ એમણે કહી દીધું કે જો એમનો ઠરાવ ઊડી જશે તો પોતે રાજીનામું આપી દેશે. ડોમિનિયન સ્ટેટસ કે પૂર્ણ સ્વરાજ? આ પ્રશ્ન પર કોંગ્રેસ પડી ભાંગવાની અણીએ હતી. પણ ગાંધીજીએ રસ્તો કાઢી આપ્યો. એમણે ઠરાવ રજૂ કર્યો કે નહેરુ રિપોર્ટ એના ડોમિનિયન સ્ટેટસ માટેના સૂચન સહિત સ્વીકારવો અને સરકારને એક વર્ષનો સમય આપવો. એ દરમિયાન પણ જો સરકાર કોંગ્રેસની માગણી ન માને તો સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કરવું.

પહેલી ગોળમેજી પરિષદ

પરંતુ એ મુદત દરમિયાન બ્રિટિશ સરકાર સતત કોંગ્રેસની માગણીને ઠોકરે ચડાવતી રહી. આમ છતાં વાઇસરૉય અર્વિને કોંગ્રેસમાં ગૂંચવાડો વધે એવી એક જાહેરાત કરી દીધી. અર્વિન ૧૯૨૯ના વચગાળે રજામાં લંડન ગયો અને ત્યાં એને હિન્દુસ્તાનની સ્થિતિ વિશે પોતાના વિચારો બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કર્યા. અર્વિન સામ્રાજ્યવાદી તો હતો જ, બ્રિટનના રૂઢીચુસ્ત પક્ષનો સભ્ય પણ હતો એટલે હિન્દમાંથી અંગ્રેજો હટી જાય એવું તો એ નહોતો વિચારતો, તેમ છતાં એ બીજા રૂઢીચુસ્તો પણ નહોતો અને હિન્દ પર હકુમત કરવામાં હિન્દીઓને સત્તામાં ભાગીદારી આપવી જોઈએ એમ માનતો હતો. એને લંડનથી ભારત પાછા આવતાં જ જાહેરાત કરી કે બ્રિટન સરકાર હિન્દુસ્તાનના ભાવિ રાજકીય સ્વરૂપ વિશે ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદ બોલાવશે. કોંગ્રેસે હજી કલકત્તા અધિવેશમાં જ નિર્ણય લીધો હતો કે દોમિનિયન સ્ટેટસ એક વર્ષમાં ન મળે તો ૧૯૨૯નું વર્ષ પૂરું થાય તે પછી પૂર્ણ સ્વરાજ માટે આંદોલન કરવું. અર્વિનની જાહેરાતના ફલિતાર્થો સમજવા કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં મળ્યા. અર્વિનની જાહેરાતમાં એમણે નોંધ્યું કે ડોમિનિયન સ્ટૅટસની પણ એમાં વાત નહોતી. આ સંજોગોમાં ગોળમેજી પરિષદ શું કરવાની હતી?

દિલ્હી ઘોષણા’માં એમણે કહ્યું કે ગોળમેજી પરિષદ હિન્દને ડોમિનિયન સ્ટેટસ ક્યારે આપવું તે નક્કી કરવા માટે નહીં, પરંતુ, એનું માળખું તૈયાર કરવાના હેતુથી બોલાવવી જોઈએ. આના પછી ગાંધીજી, મોતીલાલ નહેરુ વગેરે નેતાઓ વાઇસરૉયને મળ્યા પરંતુ એમાં કોંગ્રેસ અને બ્રિટનની સરકાર વચ્ચે તો બહુ મોટી ખાઈ હોવાનું જણાયું. હિન્દને ડોમિનિયન સ્ટેટસ આપવા વિશે તો બ્રિટિશ સરકાર વિચારતી પણ નહોતી! હવે કંઈ રસ્તો નહોતો રહ્યો.

પૂર્ણ સ્વરાજ

૧૯૨૯માં લાહોર અધિવેશનમાં જવાહરલાલ પ્રમુખપદે ચુંટાયા; પિતા મોતીલાલ નહેરુની ડોમિનિયન સ્ટેટસની માગણીને કોરાણે મૂકીને પુત્ર જવાહરલાલે દેશ વતી ‘પૂર્ણ સ્વરાજ’ના સંકલ્પની ઘોષણા કરી. અને સમાજવાદી આર્થિક કાર્યક્રમ રજૂ કર્યો.

કલકત્તા અને લાહોર અધિવેશનો વચ્ચે મહત્ત્વની વાત એ બની કે ગાંધીજી રચનાત્મક કાર્યક્રમોમાંથી ફરી રાજકારણમાં સક્રિય થઈ ગયા. કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ આંદોલન ચલાવવૌં તેનો વ્યૂહ ઘડવાની સંપૂર્ણ સત્તા ગાંધીજીને સોંપી દીધી.

૦૦૦

સંદર્ભઃ

1. Centenary History of Indian National Congress – 1919-1935 Edited by B. N. Pandey

2. Motilal Nehru, published by Publications Division, GoI, August 1964.

000

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 45

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૪૫ :: ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ (૩)

બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે એમના નામે શહીદ થવા માટે કોઈ પણ યુવાન છોકરા કે છોકરી દેશની સ્વાધીનતા માટે તત્પર હતાં

માસ્ટરદાની પ્રેરણા અને ક્રાન્તિકારી છોકરીઓ

નસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી. બી. જી. સ્ટીવન્સની હતી. સ્કૂલમાં ભણતી બે પંદર-સોળ વર્ષની છોકરીઓ, શાંતિસુધા ઘોષ અને સુનીતિ ચૌધરી સ્વીમિંગ ક્લબ માટે મદદ માગવા સ્ટીવન્સને મળવા ગઈ. એમણે પોતાનાં નામ ‘ઈલા સેન’ અને ‘મીરા દેવી’ લખ્યાં. સ્ટીવન્સે બન્નેને અંદર બોલાવી. બન્નેએ અંદર જતાંવેંત ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. સ્ટીવન્સ બચવા માટે પાસેના રૂમ તરફ ભાગ્યો પણ એને છાતીમાં ગોળી વાગી હતી એટલે એ ત્યાં જ ઢળી પડ્યો. બે જણે છોકરીઓને પકડી લીધી. રૉબર્ટ રીડ લખે છે કે એ કોમિલ્લા ગયો અને સ્ટીવન્સના દફનવિધિમાં જોડાયો. તે પછી એ જેલમાં શાંતિ અને સુનીતિને મળવા ગયો. બન્ને છોકરીઓએ પોતે જે કર્યું તેના માટે અફસોસ પણ ન દેખાડ્યો. એમની ત્રીજી સાથી પ્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી. પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું. શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ-માફી મળતાં બન્ને બહાર આવી. શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં. પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં. ૧૯૮૯માં એમનું અવસાન થયું.

સુનીતિ , જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને MBBS થયાં. ૧૯૮૮માં એમનું અવસાન થયું.

આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઘૂસી ગઈ અને ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે ભાગ લેતો હતો. બીનાએ એના પર ગોળીઓ છોડી. જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો. તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી (મુસ્લિમ લીગના નેતા) એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો. બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા. બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો, એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી. જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત! બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં. તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું. એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો. પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં. ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું. ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી.

બે છોકરીઓ, કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર, પ્રાથમિક શાળાથી સાથે હતી. જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી. બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો. કલ્પનાનું ઘર સુખી હતું, પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી. નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં. પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા. બન્ને સાથે ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગયાં તે કુટુંબીઓને ખબર પણ ન પડી. પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું. કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં.

ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં. આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેઅકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એ જે ગામે રોકાયા હતા ત્યાં એમને મળવા માટે પ્રીતિલતા પહોંચી ગયાં હતાં. પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા માસ્ટરદા સાથે ભાગી નીકળ્યાં.

૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨, શનિવાર. પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી. દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા. પણ એ રાત મોજમસ્તીની નહોતી. રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી. પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા. પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા, એક માત્ર પ્રીતિલતા સિવાય. એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી, પહેરેલું શર્ટ લોહી-લોહી થઈ ગયું હતું. એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં. એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી. ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો. દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે.

તે વખતે કલ્પના જેલમાં હતાં. માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં. એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં, પણ આજીવન કેદ મળી. જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ-માફી હેઠળ બહાર આવ્યાં. જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને હવે વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં. એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ. તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી. સી. જોશી સાથે પરણ્યાં, પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડીયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી. નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી.

આ મહાન સન્નારીઓને સલામ. બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે, કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું. પરંતુ આપણે એ તમામ વીરો અને વીરાંગનાઓ, જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં, ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ-લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી, સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર-ચાર વર્ષની સજાઓ થઈ, એ સૌને વંદન કરીએ. જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ.

000

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.

૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ

૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. ( આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.

બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ

1. culturalindia.net

2. indiafacts.org

3. thebetterindia.com/155824/

4. www.thebetterindia.com/181498/

5. mythicalindia.com/features-page/

6. thedailystar.net

7. myind.net

8. self.gutenberg.org

9. historica.fandom.com

10. feminisminindia.com

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter- 44

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ 

પ્રકરણ ૪૪ :: ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ (૨)

માસ્ટરદા અને પ્રીતિલતા તો તરત છૂટાં પડી ગયાં હતાં. માસ્ટરદાના નાના ભાઈ નિર્મલ સેન પ્રીતિલતા સાથે હતા પણ શહીદ થઈ ગયા. જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ એમનો ચુકાદો આવ્યો. ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા, ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે-ત્રણ વર્ષની સજાઓ થઈ. સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ.

આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા. ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા. એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા. એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા. પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા. જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો. એકવાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું. એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું.

હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા. યુગાંતર પાર્ટીની ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી, પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર, કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી.

સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી. ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ એમને ફાંસી આપી દેવાઈ. પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા, હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા. જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી.

સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા: ડાયનેમાઇટ કેસ

૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું. લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી. તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા, ઓઅણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું. આમ છતાં પોલીસે એમની છૂટી છવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા. આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો. એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા. હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા! એમણે એ યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી.

બીજી બાજુ, આપણે ગયા પ્રકરણમાં વાંચ્યું હતું તેમ પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો. આ કેસમાં બે યુવાનો, રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ. રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ.

અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય. હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા. એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી. આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા.

બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી. ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો. જો કે, ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો. આપણે જોઈ ગયા કે ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો. લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન. એસ. સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી. એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા. એક અધિકારી ટાઉનેન્ડે પોતાના રૂમમાંથી જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી, પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એના ગળામાં ખૂંપી ગઈ. નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી. ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો. ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું, બાદલને માથામાં ગોળી વાગી હતી, એ મરવાનો હતો. ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી. એ પકડાઈ ગયો. એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ.

તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો. તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા, પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો.

ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એમણે બળવો કર્યો. પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર. ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ. એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો. ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ. સી. એસ. અધિકારી એલ. જી. ડર્નો પર હુમલો થયો. એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી. બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો.

બ્રિટિશ સરકાર અને ભારતની સરકાર વચ્ચે મતભેદ

અહીં એક વાતની નોંધ લેવાની જરૂર છે કે ચિત્તાગોંગ આર્મરી પરના હુમલા પછી વાઇસરૉય અર્વિને બંગાળમાં કટોકટી લાગુ કરી દીધી હતી. એક કારણ તો એ કે માસ્ટરદાના ઇંડિયન રીપબ્લિકન આર્મીના દસ્તાવેજોમાં કેટલીયે વાતોમાં ભગતસિંઘના હિંદુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના દસ્તાવેજોની ભાષા દેખાતી હતી. અર્વિનને લાગ્યું કે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સંગઠિત થઈ ગયા હોય તો સામ્રાજ્ય માટે મોટું જોખમ હતું. જો કે અર્વિનનો આ નિર્ણય મજૂર પક્ષના હોમ સેક્રેટરી વેજવૂડ બૅનને બહુ પસંદ ન આવ્યો. બૅને અર્વિનની નોટના જવાબમાં ચિતાગોંગની ઘટનાનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ કટોકટીની સત્તાઓને અમલી બનાવવાના અર્વિનના નિર્ણયનો ખુલ્લો વિરોધ પણ ન કર્યો. આમ છતાં એણે લખ્યું કે હું કટોકટીના અધિકારો અમલમાં મૂકવાનો વિરોધ નથી કરતો પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય લોકો એને ટેકો આપતા હોવા જોઈએ.”

ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી. આવતે અઠવાડિયે એમની કથા.

000

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.

૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ

૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.

બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ

1. culturalindia.net

2. indiafacts.org

3. thebetterindia.com/155824/

4. www.thebetterindia.com/181498/

5. mythicalindia.com/features-page/

6. thedailystar.net

7. myind.net

8. self.gutenberg.org

9. historica.fandom.com

10. feminisminindia.com

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-43

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ 

પ્રકરણ ૪૩ :: ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ (૧)

ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો, ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં બંગાળમાં ફરી ક્રાન્તિકારીઓ સક્રિય બની ગયા. ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો. ચિત્તાગોંગની આ ઘટના આપણા સ્વતંત્ર્ય સંગ્રામમાં ભગત સિંઘના પરાક્રમ જેટલી જ મહત્ત્વની છે.

માસ્ટરદા

ભગત સિંઘે સમાજવાદી વિચારો જોડીને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA) બનાવ્યું હતું પણ બંગાળમાં હજી ભાવનાઓના આધારે સશસ્ત્ર આંદોલન ચાલતું હતું. બંગાળના ક્રાન્તિકારીઓમાં પણ HSRA ના વિદ્રોહીઓ જેવી જ પ્રબળ ભાવના હતી, એમનું પણ લક્ષ્ય અંગ્રેજો સાથે સીધી લડાઈમાં ઊતરીને એમને હરાવવાનું હતું.

સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા. પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું તેથી એમને બહુ અસંતોષ હતો અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનીને અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી. એમણે નિર્ભયપણે જાનફેસાની કરવા માટે કિશોરોને તૈયાર કર્યા. એમણે એલાન કર્યું: ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે. આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે.”

માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ, લોકનાથ બાલ, નિર્મલ સેન, અંબિકા ચક્રવર્તી, નરેશ રાય, વિનોદ બિહારી ચૌધરી, તારકેશ્વર દસ્તીદાર, શશાંક દત્તા, અર્ધેન્દુ દસ્તીદાર, હરિગોપાલ બાલ (ટેગરા), અનંતા સિંઘ, જીવન ગોસ્વામી. આનંદ પ્રસાદ ગુપ્ત, પ્રીતિલતા વોડેદાર, કલ્પના દત્તા, સુબોધ રાય, દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા.

પરંતુ સશસ્ત્ર વિદ્રોહીઓ એક દેશવ્યાપી સંગઠન બનાવીને લડતા નહોતા એ એમની નબળાઈ હતી, તો એનું એક મજબૂત પાસું પણ હતું – એક સ્થળે થયેલા કૃત્યને બીજા સ્થળ સાથે સાંકળવાનું અઘરું હતું. એટલે ઠેરઠેર વિદ્રોહીઓ હતા એમના વચ્ચે કડી શોધી શકાતી નહોતી. માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારે જે કર્યું તે અલગ પડી આવે છે અને કાકોરી ટ્રેન લૂંટવાનો નિષ્ફળ બનાવ બન્યા પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી. ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી, સરકારી તિજોરી લૂંટવી, ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી, તાર-ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા.

***

એ ગૂડ ફ્રાઇડેનો દિવસ હતો. રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. રૉબર્ટ રીડ સામ્રાજ્યવાદી સરકારના દૃષ્ટિકોણથી લખે છેઃ ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦, ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું. અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે શરૂ થયો. સાથે લગભગ શરૂ થયો. આમ જે હિંસાચાર બંગાળમાં શરૂ થયો તેને કાબૂમાં લેવામાં બીજાં વર્ષ લાગવાનાં હતાં અને પ્રાંતની સરકારને માથે દસ લાખ પૌંડનો ખર્ચ પડ્યો અને કેટલાય મુલ્કી અધિકારીઓ, સૈનિકો અને નિર્દોષ નાગરિકોના જાન ગયા.” રીડ વધુમાં કહે છેઃ “આર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી.”

રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી. એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા. ગણ્નેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર (આર્મરી) પર હુમલો કરવાનો હતો. બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી, એમની સાથે દસ જણ હતા. એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો. ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં.

ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ. પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો. એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો, પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી. એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો. આમાં એક સાર્જન્ટ-મેજર અને બે સિપાઈ માર્યા ગયા. તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો, પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં. પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો.

ટેલીગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસનો સદંતર નાશ કર્યો અને તારનાં સાધનો, દોરડાંનો ખુરદો બોલાવી દીધો. એ તે પછી એમણે ચિત્તાગોંગને ‘સ્વતંત્ર’ જાહેર કર્યું અને બધા પોલીસલાઇનમાં એકઠા થયા. અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે. સી. ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને બોલાવી લીધી હતી. એણે એક તોપ પણ મંગાવી લીધી હતી. એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા.

અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા, ખાધાપીધા વગર પડ્યા હતા. પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો. ત્યાંથી એક ટ્રેન પસાર થતી. એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી. પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું. એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા. પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા. માસ્ટરદાએ આ વખતે લોકનાથ બાલને ‘સર્વાધિનાયક” બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા. નિર્મલ માસ્ટરદાના નાના ભાઈ હતા. ઢાલગટ ગામમાં છુપાઈને પ્રીતિલતા અને નિર્મલ સેન બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્‍હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા.. પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો. નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા અને પ્રીતિલતા એકલાં ભાગી છૂટ્યાં. ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી.આ બાજુ ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા. પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી. તેલ તો હતું નહીં. એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો. પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું. એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં, રીડના શબ્દોમાં શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે ટુકડીને પાછી બોલાવી લેવાઈ.

તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા. એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા. વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા. આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા.

ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા. ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં. પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા.

ચાર મહિના પછી, ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો. એ જ મહિનાના અંતમાં કલકત્તાના બે પોલીસ ઑફિસરો લૉસન અને હૉડસન ઢાકામાં કોઈ પોલીસ ઑફિસરને મળવા ગયા ત્યારે એમના પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો. લૉસન માર્યો ગયો પણ હૉડસન લાંબા વખત સુધી પથારી ભેગો થઈ ગયો. લૉસનના મૃત્યુ પછી ક્રેગ ઇન્સ્પેક્ટર જનરલ બન્યો. એના પર પણ હુમલો કરવાની ક્રાન્તિકારીઓની યોજના હતી, એમણે હુમલો કર્યો પણ ક્રેગને બદલે એક બંગાળી પોલીસ ઑફિસર છટકાની જગ્યાએ આવ્યો અને ક્રાન્તિકારીઓની બંદૂકોનું નિશાન બની ગયો.

રૉબર્ટ રીડ કહે છે કે ક્રાન્તિકારીઓ ફાવ્યા તેનું કારણ એ કે પ્રાંતની અને કેન્દ્રની સરકાર ગાંધીજીના સવિનય કાનૂન ભંગ આંદોલનને નાથવામાં લાગી હતી. બીજું કારણ એ કે સરકાર બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજીને કોઈ પણ ભોગે મનાવવા માગતી હતી એટલે કડકાઈ દેખાડવાની તૈયારી નહોતી.

ચિત્તાગોંગના વીરોની ગાથા હજી આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ

૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬. (archive.org પરથી ૧૪ દિવસ માટે વાંચવા માટે લઈ શકાશે).

૨.culturalindia.net

3. indiafacts.org

૪. thebetterindia.com/155824/

૫. mythicalindia.com/features-page/

૬. thedailystar.net

૭. myind.net

૮. self.gutenberg.org

૯. historica.fandom.com

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-42

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ 

પ્રકરણ ૪૨ :: ભગતસિંઘને ફાંસી અને ગાંધીજી

ભગત સિંઘ અને એમના સાથીઓને ફાંસીથી ગાંધીજી બચાવી શક્યા હોત એમ માનનારા એ જમાનામાં પણ હતા અને આજે પણ છે. ભારતના આઝાદીના સંગ્રામમાં ઘણી વાતો પર આજે પણ વિવાદ ચાલ્યા કરે છે, તેમાં આ વાત પણ છે. આ ગાળો આપણા ઇતિહાસમાં મહત્ત્વનો છે અને આપણા આઝાદીના સંઘર્ષને નવા વળાંક મળ્યા, પરંતુ એ વાત લાંબી ચાલશે એટલે પહેલાં આપણે ભગત સિંઘની ફાંસી અને ગાંધીજીના પ્રત્યાઘાત વિશે કેટલીક હકીકતો જોઈએ અને તે પછી પાછા ૧૯૩૦માં જશું. આમ પણ આપણે ૧૯૧૬થી ૧૯૩૫ના ગાળામાં હજી ઘણો વખત રહેવાનું છે.

આપણે આ પહેલાં જોયું કે વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ટ્રાઇબ્યુનલના ફેંસલા પર કોર્ટમાં અપીલ કરવાની વ્યવસ્થા રદ કરી નાખી હતી. અપીલ માત્ર પ્રીવી કાઉંસિલમાં થઈ શકે,

ગાંધીજી એ સમજતા હતા કે વટહુકમને કારણે કેદીઓના અધિકારો પર કાપ મુકાયો હતો. એમણે ૧૯૩૦ના મેની ૪થી તારીખે આ વટહુકમને “માર્શલ લૉના છુપા રૂપ” જેવો ગણાવ્યો.

બીજા જ દિવસે પાંચમી તારીખે ગાંધીજીને સરકારે પકડી લીધા અને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૧ સુધી એ જેલમાં જ રહ્યા. ગાંધીજી ભગત સિંઘને જેલમાં મળવા ન ગયા, એવું ઘણા કહે છે ત્યારે એ હકીકત ભૂલી જતા હોય છે કે ગાંધીજી એ વખતે પોતે જ જેલમાં હતા.

ઑક્ટોબર ૧, ૧૯૩૦: ગાંધીજી જેલમાં હતા ત્યારે સદ્‌ગત ગોપાલ કૃષ્ણ ગોખલેએ સ્થાપેલી ‘સર્વંટ્સ ઑફ પીપલ સોસાયટી’ ભગત સિંઘ અને એમના સાથીઓને ફાંસીથી બચાવવા માટે સક્રિય હતી. સોસાયટીએ લંડનમાં સોલિસીટર હેનરી પોલાકનો સંપર્ક સ્થાપ્યો. પોલાક ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી હતા અને ત્યાંથી લંડન આવીને સોલિસીટર તરીકે વ્યવસાય કરતા હતા. એમણે આ કામમાં કશી ફી લીધા વિના સહકાર આપવાની ઑફર કરી અને ૧ ઑક્ટોબર, ૧૯૩૦ના રોજ પંજાબ બાર એસોસિએશનના નામાંકિત સભ્ય સર મોતી સાગરને પત્ર લખીને જણાવ્યું કે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે ડી. એન. પ્રિટ અને સિડની સ્મિથને વકીલ તરીકે રોકવાની ભલામણ કરી.

આમ બધા ભારતીય નેતાઓ જાણતા હતા કે ટ્રાઇબ્યુનલ ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા કરશે એટલે પ્રીવી કાઉંસિલમાં જવું પડશે. ટ્રાઇબ્યુનલ સમક્ષ કોંગ્રેસ નેતા અસફ અલી ભગતસિંઘ અને એમના સાથીઓ વતી કેસ લડતા હતા. ગાંધીજી પણ અસફ અલીના સંપર્કમાં હતા.

ટ્રાઇબ્યુનલે સાતમી ઑક્ટોબરે પોતાનો ચુકાદો આપી દીધો. તે સાથે જ પ્રીવી કાઉંસિલમાં જવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં. (આપણે ૪૧મા પ્રકરણમાં જોયું છે કે ભગત સિંઘના પિતાએ કરેલી અરજી પ્રીવી કાઉંસિલે નકારી કાઢી હતી. ભગત સિંઘને તો એ જ પસંદ ન પડ્યું કે એમના પિતાએ દયાની માગણી કરી).

ગાંધીજીને ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ સરકારે છોડ્યા. ૩૧મીએ અલ્હાબાદમાં કોંગ્રેસના કાર્યકરોની મીટિંગ મળી તેમાં ગાંધીજીએ કહ્યું: “(અહીં) કેદીઓની વાત કરવામાં આવી છે. ફાંસીવાળાને ફાંસી ન મળવી જોઈએ (એમ કહેવામાં આવ્યું). મારો અંગત ધર્મ તો (એમને) ફાંસી જ નહીં, કેદ પણ ન આપવાનું કહે છે, પણ એ મારી અંગત રાય છે. એને શરત બનાવી શકીએ કે કેમ એ નથી કહી શકતો…આ વસ્તુ શરત તરીકે રાખવામાં જોખમ છે, અન્યાય છે. કારણ ન્યાય એ છે કે આ લડાઈઉઠાવનારાઓનો જ છુટકારો આપણે માગીએ…જેની રીતસરની અદાલતી તપાસ નથી કરવામાં આવી તેને તો છોડવા જ જોઈએ. (દા. ત.મીરતવાળા)… એના પછી ગાંધીજીએ તરત વાઇસરૉયને પત્રે લખ્યો અને મીઠાના સત્યાગ્રહ વખતે દેશમાં પોલિસે કરેલા અત્યાચારોની ચર્ચા કરવા ની માગણી કરી. ગાંધીજીએ લખ્યું તેમ પોલીસની વર્તણૂકની તપાસ કરવાનો નિર્ણય લેવાશે તો એમાંથી પુરાવો મળશે કે સરકારનું હૃદય પરિવર્તન થયું છે.

૧૪મી ફેબ્રુઆરીએ ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને શ્રીનિવાસ શાસ્ત્રી, એમ. આર. જયકર અને તેજ બહાદુર સપ્રુને મળવા મોકલ્યા. મહાદેવભાઈએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ન થાય એ સારુ બધા પ્રયત્ન કરવા માટે ગાંધીજીનો સંદેશો એમને પહોંચાડ્યો. આ પ્રયત્નનો આરંભ ગાંધીજી વાઇસરૉય લૉર્ડ અર્વિનને મળ્યા તે પહેલાંથી જ થઈ ચૂક્યો હતો. (માર્ચના પહેલા અઠવાડિયામાં ગાંધી-અર્વિન કરાર થયા તે આ ત્રણ નેતાઓની દરમિયાનગીરીને કારણે થયા. આના વિશે વિશેષ હવે પછી).

ગાંધીજી અને લૉર્ડ અર્વિન ૧૭મીએ મળ્યા. ગાંધીજીએ ભગતસિંઘ અને એમના સાથીઓની ફાંસીની મુદત મુલતવી રાખવા અપીલ કરી. એ વખતના કાયદામાં જોગવાઈ હતી કે ફાંસી અચોક્કસ મુદત સુધી, આખા જીવન સુધી, મુલતવી રાખી શકાય. લૉર્ડ અર્વિને કોંગ્રેસનું કરાચીમાં મળનારું અધિવેશન પૂરું થાય ત્યાં સુધી મુલતવી રાખી શકાય એવો સંકેત આપ્યો, પણ ગાંધીજી કોંગ્રેસનું અધિવેશન શાંતિથી પૂરું થાય તે માટે સોદો કરવાની તૈયારી ન દેખાડી.

આ દરમિયાન, અર્વિન પર દબાણ વધતું જતું હતું. ચર્ચિલે આ વાટાઘાટો પર ચીડ દેખાડતાં કહ્યું કે “ગાંધી, મિડલ ટેમ્પલનો એક વકીલ અને હવે પૂર્વના દેશોમાં જ જોવા મળે તેવો એક અર્ધનગ્ન ફકીર સવિનય ભંગ માટે લોકોને સંગઠિત કરતો હોય અને એનો દોરીસંચાર કરતો હોય, તે સાથે જ સમ્રાટના પ્રતિનિધિ સાથે બરાબરીથી વાત કરવા માટે વાઇસરીગલ પ્લેસનાં પગથિયાં પણ ચડે છે…!”

આના પહેલાં ૧૯૩૦ની ૨૩મી ડિસેમ્બરે પંજાબના ગવર્નર જ્યોફ્રી ડી’ મોંટમોરેન્સી પર જીવલેણ હુમલો થયો હતો. એમાં એ ઘાયલ થયો. બે પોલીસ અધિકારીઓ અને એક મહિલા ડૉક્ટરને પણ ઈજાઓ થઈ.

સાતમી માર્ચે દિલ્હીમાં એક સભામાં ગાંધીજીએ ફરી કહ્યું કે “કોઈને પણ ફાંસી થાય તે મારો અંતરાત્મા કબૂલી નથી શકતો, અને તેમાંય ભગતસિંઘ જેવા બહાદુરને તો નહીં જ.”

આઠમી માર્ચે લાહોરમાં નવજવાન ભારત સભાની બેઠક મળી (આ સંસ્થાના સ્થાપક ભગત સિંઘ પોતે જ હતા). આ સભામાં હરિકિશનને મંચ પર ઉપસ્થિત કરીને ગવર્નર પર હુમલો કરવા બદલ એની ભારોભાર પ્રશંસા કરવામાં આવી. ગવર્નરે તરત વાઇસરૉયને જાણ કરીને ફાંસીની સજાનો અમલ કરવા લખી દીધું. હરિકિશન નામના એક વિદ્રોહીએ આ હુમલો કર્યો હતો. સશસ્ત્ર ક્રાન્તિકારીઓ એકસૂત્રે બંધાઈને કામ નહોતા કરતા તેનું આ ઉદાહરણ છે. આ કામ બહાદુરીનું હોઈ શકે છે, પણ ભગત સિંઘની સજા રદ કરાવવા માટેના પ્રયાસો પર એની નકારાત્મક અસર પડી શકે છે એવું કોઈએ ન વિચાર્યું.

૧૯મી માર્ચે ભારત સરકારના હોમ સેક્રેટરી ઈમર્સને ગાંધીજીના એક કથનનો ખાસ ઉલ્લેખ કર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે “ભગત સિંઘને ફાંસી આપવાથી સ્થિતિ વધારે ગુંચવાશે.” સરકારે આ કથનનો મનફાવતો અર્થ કર્યો કે ગાંધીજી અશાંતિ ફેલાવાની ધમકી આપે છે.

૨૧મી માર્ચે ગાંધીજીને ભગતસિંઘના વકીલ અસફ અલી મળ્યા અને ફાંસી માફ કરવાની અરજીનો મુસદ્દો દેખાડ્યો. ગાંધીજીએ એમાં ફેરફાર કર્યા, એમને લાગ્યું કે અસફ અલીના મુસદ્દામાં ભગત સિંઘ દયા માગતા હોય અને ફરી આવું નહીં કરવાનું વચન આપતા હોય એવું દેખાતું હર્તું. ગાંધીજીએ એમાં ભગત સિંઘના આત્મસન્માનને છાજે એ રીતે એમાં ફેરફાર કર્યા.

વાઇસરૉયને છેલ્લો પત્ર

૨૩મી માર્ચે ગાંધીજી રાતે દોઢ વાગ્યે ઊઠ્યા અને અર્વિનને પત્ર લખ્યો અને કહ્યું કે “જો કે તમે મને ચોખ્ખું કહ્યું હતું કે ભગત સિંઘ અને બીજા બે જણની ફાંસીની સજા માફ થાય એવી આશા બહુ નથી. મેં શનિવારે કરેલી વિનંતિ પર વિચાર કરવા તૈયાર હતા, એમ પણ તમે કહ્યું. શ્રી સપ્રુ મને મળ્યા અને કહ્યું કે તમે આ બાબતમાં બહુ બેચેન છો. જો તમે ફેરવિચાર કરવાના હો તો હું અમુક બાબતો પર ધ્યાન આપવા વિનંતિ કરું છું. લોકો સાચી કે ખોટી રીતે સજા માફ કરવાની માગણી કરે છે અને કોઈ સૈદ્ધાંતિક મુદ્દો ન હોય તો લોકોની આવી માગણીને માન આપવું તે ફરજ બની જાય છે. આ કેસ એવો છે કે ફાંસીની સજા માફ કરશો તો શાંતિને જ બળ મળશે. ક્રાન્તિકારી પાર્ટીએ પણ મને ખાતરી આપી છે કે એ હિંસાત્મક કાર્યો બંધ રાખશે. આ પહેલાં પણ રાજકીય હત્યાઓ થઈ છે અને સરકારે એમાં માફી પણ આપી છે. શક્ય છે કે ક્રાન્તિકારી હિંસાત્મક કાર્યવાહીઓ પણ અટકી જાય. તમે જાણો છો કે હું શાંતિનો ચાહક છું એટલે મારી સ્થિતિ વધારે કફોડી ન બનાવો. ફાંસી આપ્યા પછી પાછા વળી ન શકાય. એટલે એમાં જરા સરખી ભૂલ હોવાની શંકા પડે તો ફાંસી રોકી દેવાનું જરૂરી બની જાય છે.

વાઇસરૉયને આ પત્ર સવારે જ પહોંચી ગયો પણ એ જ સાંજે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી દેવાઈ.

વાઇસરૉય અર્વિનની મુદત પૂરી થતી હતી અને ઠેર ઠેર એના માટે વિદાય સમારંભો યોજાતા હતા, તેમાં દિલ્હીમાં ૨૬મીએ આવું મિલન યોજાયું તેમાં વાઇસરૉયે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ભગત સિંઘનો મુદ્દો બહુ ચર્ચામાં હતો અને ગાંધીજીનું દબાણ પણ બહુ હતું મને નવાઈ લાગી કે અહિંસાના પુજારી પાસેથી આવીકેમ આશા રાખી શકાય? સુભાષબાબુનો ઉલ્લેખ આપણે ગયા પ્રકરણમામ જોયો છે. એમણે એ જ પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીજી એ ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળ ન રહ્યા.

ગાંધીજીએ ભગત સિંઘને યંગ ઇંડિયામાં અંજલી આપી, પરંતુ યુવાનોને એમનો માર્ગ ન લેવાની સ્લાહ આપી અને કહ્યું કે એ રસ્તે દેશ સ્વતંત્ર નહીં થાય.

ગાંધીજીની અંજલી

“ભગત સિંઘ અને એમના બે સાથીઓને ફાંસી અપાઈ છે. કોંગ્રેસે એમની જિંદગી બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા અને સરકારે પણ એવૉ ઘણી આશા દેખાડી. પરંતુ બધું એળેગયું

ભગત સિંઘ જીવવા નહોતા માગતા. એમને માફી માગવાનો ઇનકાર કર્યો, અપીલ માટે પણ તૈયાર નહોતા. એ અહિંસાના ઉપાસક નહોતા પણ હિંસાના ધર્મના પણ અનુયાયી નહોતા.. એમણે લાચારીથી અને પોતાની માતૃભૂમિના રક્ષણ માટે હિંસાનો માર્ગ લીધો. ભગત સિંઘે પોતાના છેલ્લા પત્રમાં લખ્યું કે હું તો યુદ્ધ કરતો હતો, તો મારા માટે ફાંસી ન હોય, મને તો તોપને મોઢે બાંધો અને ઉડાડી દો. આ વીરોએ મૃત્યુ પર વિજય મેળવી લીધો હતો. એમની વીરતાને આપણાં હજારો નમન.

પરંતુ આપણે એમના કૃત્યનું અનુકરણ ન કરવું જોઈએ. આપણા દેશમાં કરોડો લોકો નિરાધાર અને પંગુ છે. આપણે જો. હત્યાઓ મારફતે ન્યાય મેળવવાનું કરશું તો ભયંકર સ્થિતિ ઊભી થશે. આપણા જુલમોનો ભોગ આપણા જ લોકો બનશે., હિંસાને ધર્મ બનાવીશું તો આપણાં કર્મોનાં ફળ આપણે જ ભોગવીશું.

આથી આ બહાદુરોની હિંમતને દાદ આપીએ તેમ છતાં એમની પ્રવૃત્તિઓનો મહિમા ન ગાવો જોઈએ. આપણો ધર્મ ક્રોધને ગળી જઈને આપણું કર્તવ્ય છે તે પાર પાડવાનું છે.

૦૦૦

અહીં હું કોઈ અલગ સંદર્ભ સૂચી નહીં આપું કારણ કે ઇતિહાસકાર અને ગાંધીજી વિશેના સાહિત્યના વિદ્વાન લેખક અનિલ નૌરિયાએ વ્યક્તિગત ઊપયોગ માટે બનાવેલા ઘટનાક્રમના સમયપત્રકનો ઉપયોગ કર્યો છે અને વધારે આવશ્યક લાગ્યું ત્યાં એમણે દર્શાવેલા સંદર્ભોનો ઉપયોગ કર્યો છે.

૦૦૦

%d bloggers like this: