“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India – Venkat Dhulipala (6)

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

મુસ્લિમ લીગ ખાંડાની ધારે

આમ તો મુસ્લિમ લીગ માટે બધું બરાબર ચાલતું હતું, પણ ૧૯૩૯માં લખનઉમાં ‘મદ્‍હ-એ-સહાબા’ના વિવાદ પર શિયા-સુન્ની રમખાણો ફાટી નીકળ્યાં. આ સાથે લીગના પગ નીચેની ધરતી હલબલી ગઈ. લીગ કોનો પક્ષ લે? એની હાલત કફોડી થઈ ગઈ. છેક ૧૯૦૬થી ‘મદ્‍હ-એ-સહાબા’નું સરઘસ કાઢવા પર પ્રતિબંધ હતો પણ સુન્નીઓએ હવે નાગરિક અસહકાર કરીને આ પ્રતિબંધનો ભંગ કર્યો. પ્રાંતની કોંગ્રેસ સરકારે આ પ્રતિબંધ હટાવી લેતાં શિયાઓમાં ઊકળાટ વધ્યો અને બન્ને ફિરકાઓ વચ્ચે સામસામી રીતસરની લડાઈ ફાટી નીકળી.

(વિશેષઃ મદ્સહાબા. મદ્ એટલે પ્રશંસા અને સહાબા એટલે પયગંબરના સાથીઓ. પયગંબરના સાથીઓની પ્રશંસામાં ગવાતી નાતિયા (ભક્તિભાવ યુક્ત) કવ્વાલીઓ છે. ૧૯૦૫ સુધી શિયાઓ અને સુન્નીઓના તાઝિયા સંયુક્ત હતા અનેકરબલામાં દફનાવતા. શોકનો દિવસ ધીમે ધીમે તહેવાર બનવા લાગ્યો હતો અને કરબલા પાસે મેળા જેવું વાતાવરણ થઈ હતું. શિયાઓએ આની સામી વાંધો લીધો. ૧૯૦૬માં સ્થાનિક સતાવાળાઓએ શિયાઓની લાગણીને માન આપીને ઉત્સવ બંધ કરાવ્યો, પણ હવે સુન્નીઓએ વાંધો લીધો કે તેઓ ઇસ્લામના એક વીરની યાદમાં દિવસ મનાવે છે એટલે શોકનો દિવસ નથી. મદ્સહબામાં સુન્નીઓ શિયાઓ વિશે ઘસાતું બોલે છે અને પહેલા ત્રણ ખલિફાઓ અબૂ બક્ર, ઉંમર અને ઉસ્માનની પ્રશંસા કરે છે. શિયાઓ માને છે કે ત્રણ સહબા રસૂલને ખરા અર્થમાં વફાદાર નહોતા. બન્ને ફિરકાઓ વચ્ચેના ઝઘડાને કારણે ૧૯૦૭થી મદ્સહબા પર પ્રતિબંધ હતો.. ૧૯૩૯માં પ્રાંતમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે સુન્નીઓએ પ્રતિબંધનો ભંગ કર્યો. શિયાઓ નારાજ થયા અને ૧૮,૦૦૦ શિયાઓએ ધરપકડ વહોરી લીધી. એમાં મુસ્લિમ લીગના અગ્રગણ્ય શિયા નેતાઓ પણ હતા. – હકીકત વેંકટ ધૂલિપાલાના બીજા એક પુસ્તક અને વિકીપીડિયા પરથી લીધી છે.)

લીગને  ફરી ઊભા થવાની તક મળે છે

(મુસ્લિમ લીગની નિષ્ક્રિયતા જોઈને પંજાબનું હિંસાવાદી સંગઠન ખાકસાર આગળ આવ્યું. એના નેતા અલમ્મા મશરિકી શિયા અને સુન્ની વચ્ચે સમાધાન કરાવવા લખનઉ આવ્યા. એમની દરમિયાનગીરી એટલી વધી ગઈ કે સરકારે એમની હકાલપટ્ટી કરી).

૧૯૩૯માં કોંગ્રેસ પ્રધાનમંડળોએ બ્રિટીશ સરકારે હિન્દુસ્તાનને યુદ્ધમાં જોતરી દીધું તેના વિરોધમાં રાજીનામાં આપી દીધાં આથી લીગને ફરી ઊભા થવાની તક મળી.

આ દરમિયાન ‘પાકિસ્તાન’ હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયું હતું.

ડૉ. આંબેડકર પાકિસ્તાનનું સમર્થન કરે છે?

લેખક કહે છે કે લાહોર ઠરાવ (૨૩ માર્ચ ૧૯૪૦)ના અનુસંધાનમાં પાંગરેલા ‘પાકિસ્તાન’ના ખ્યાલને મુસલમાનોનો જબ્બર ટેકો મળ્યો હતો. એની સામે કોંગ્રેસનો પ્રત્યાઘાત ઠરેલ નહોતો, આવેશ અને લાગણીથી ભરેલો હતો. ગાંધીજીએ જે રાષ્ટ્રવાદી સર્વસંમતિ બનાવી હતી તેની સામે આ એક પડકાર હતો. આની સરખામણીએ ડૉ. આંબેડકરે એક બાહોશ વકીલની જેમ પાકિસ્તાનની અવધારણાની છણાવટ કરી.

એમનું પુસ્તક Thoughts on Pakistan ડિસેમ્બર ૧૯૪૦માં પ્રકાશિત થયું એ ખરેખર તો એમણે ઑગસ્ટ ૧૯૪૦માં ઇન્ડીપેન્ડન્ટ લેબર પાર્ટીની કાઉંસિલ સમક્ષ રજૂ કરેલો રિપોર્ટ હતો. આટલા ટૂંકા ગાળામાં એમણે સૂચિત પાકિસ્તાનનો પ્રદેશ, એના નક્શાઓ, એની ખનિજ સંપત્તિ, કુલ અસ્ક્યામત, વસ્તી, જિલ્લાઓની આર્થિક સ્થિતિ, વસ્તીનું સ્થળાંતર વગેરે બધા વિષયોને આવરી લઈને ૪૦૦ પાનાનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે આજે પણ પાકિસ્તાનના સૂચન અંગેનો મહત્ત્વનો દસ્તાવેજ છે. હકીકતમાં, પાકિસ્તાન વિશે આટલા ઊંડાણથી સ્વયં મુસ્લિમ લીગે પણ વિચાર્યું નહોતું. આ પુસ્તક કેટલું મહત્ત્વનું હશે તેનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે ગાંધીજી અને જિન્ના, બન્નેની મંત્રણાઓમાં પણ એનો ઉલ્લેખ આવ્યો.

પુસ્તકનો પહેલો ખંડ મુસ્લિમ લીગને રાજી રાજી કરી દે તેવો હતો, પણ બીજા ભાગમાં એમણે હિન્દુઓને સંબોધન કર્યું અને પાકિસ્તાનની માંગ માની લેવાની સલાહ આપી. આનાં એમણે જે કારણો આપ્યાં તે મુસ્લિમ લીગના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવા જેવાં હતાં.

ડૉ. આંબેડકરે, જો કે, પ્રસ્તાવનામાં જ કહ્યું કે એમના ‘thoughts’નો હેતુ મુખ્યત્વે ‘પાકિસ્તાનની યોજનાનાં બધાં પાસાં તપાસવાનો” હતો, “એની હિમાયત કરવાનો નહીં.”. જો કે એમના પોતાના આ બાબતમાં વિચારો હતા જ, પણ એમના પોતાના વિચારો શું છે તે એમના નિબંધમાંથી તારવવાના હતા.

ડૉ. આંબેડકરે શું કહ્યું?

એમણે હિન્દુઓને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન એક પરપોટો નથી કે જે થોડા વખતમાં ફૂટી જાય.  એ “જેમ જીવંત વસ્તુ એક અંગ પેદા કરે તેવી જૈવિક પ્રક્રિયાની જેમ મુસ્લિમ સામુદાયિક રાજકારણને ફૂટેલું અંગ છે.” એમણે કહ્યું કે બ્રિટિશ શાસન આ માંગને કચડી નાખશે એમ માનવું  બહુ અવાસ્તવિકતાથી ભર્યું છે. હિન્દુઓ આત્મનિર્ણયનો હક માગતા હોય ત્યારે મુસલમાનોને એ હક માગતાં રોકી ન શકાય. એમણે કહ્યું કે બંધારણ બની જાય તે પછી આ માંગ પર વિચાર કરવો એ શક્ય નથી એટલે તે પહેલાં જ એના પર નિર્ણય થવો જોઈએ.

તે પછી એમણે લાહોર ઠરાવનું વિશ્લેષણ કર્યું. ‘પાકિસ્તાન’ શું છે? એક મુસ્લિમ રાજ્ય કે બે મુસ્લિમ રાજ્યો? પાકિસ્તાન એની પૂર્વ અને પશ્ચિમની પાંખોનું ફેડરેશન બનશે? કારણ કે ઠરાવમાં ‘ઘટક રાજ્યો’ એવું કહ્યું છે. આનો અર્થ એ કે એ એક ફેડરેશન છે. આમ એમણે લાહોર ઠરાવની ભાષા પર જ સવાલ ઉઠાવ્યો, પરંતુ ઉમેર્યું કે એ “હાલ ઘડી મહત્ત્વનું નથી.” એમણે કહ્યું કે પાકિસ્તાન યોજના એટલે નક્કર અર્થમાં ઉત્તર -પશ્ચિમમાંપંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધ; અને પૂર્વમાં બંગાળ.

ડૉ. આંબેડકરે સમજાવ્યું કે આખી માંગનો આધાર એ હતો કે કોઈ એક કેન્દ્ર ન હોવું જોઈએ. આમ બે કેન્દ્ર સરકારો બનશે – એક હિન્દુસ્તાન માટે અને બીજી પાકિસ્તાન માટે. તે પછી સૂચિત પાકિસ્તાનની આર્થિક કે રાજકીય સ્થિતિનું વિશ્લેષણ ન કરતાં એમણે સીધો જ એ સવાલ હાથમાં લીધો કે પાકિસ્તાન એક ‘રાષ્ટ્ર’ છે કે નહીં. એમણે જાતિ, ભાષા અને એકસમાન પ્રદેશને ‘રાષ્ટ્ર’નો આધાર માનવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે રાષ્ટ્રીયતા એક મનોવૈજ્ઞાનિક અનુભૂતિ છે. એ સામૂહિક લાગણી છે,અને જે એનો અનુભવ કરતો હોય તેને એમ લાગે કે એ સમૂહના બીજાં બધાં સભ્યો એનાં ભાઈબહેન છે. એ પોતાના જ સમૂહમાં પોતાપણું અનુભવવાની અને બીજા કોઈ સમૂહમાં પોતાપણું ન અનુભવવાની લાગણી છે. આથી એમણે હિન્દુઓને કહ્યું કે એમણે માની લેવું જોઈએ કે મુસલમાનોએ રાષ્ટ્ર તરીકે રહેવાની ઇચ્છા કેળવી લીધી છે; કુદરતી રીતે જ એમને પ્રદેશ પણ મળી શકે છે, જેમાં રાજ્ય બનાવવાનો એમનો નિર્ણય છે.

પાકિસ્તાન વિશે હિન્દુઓના લાગણીભર્યા પ્રત્યાઘાતોને એમણે ઠુકરાવ્યા અને યાદ અપાવ્યું કે૧૮૪૯માં બ્રિટને વિજય મેળવ્યો ત્યારે પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતનું એક જ એકમ હતું. એનું વિભાજન તો છેક ૧૯૦૧માં લૉર્ડ કર્ઝને કર્યું. પંજાબથી પહેલાં સિંધ પર એમને વિજય મળ્યો હોત તો સિંધ પણ એનો જ ભાગ હોત. બધા ગવર્નર જનરલો અને વાઇસરૉયો આ બન્નેને જોડવાનો પ્રયત્ન કરતા જ રહ્યા હતા પણ સફળ ન થયા.  આમ પાકિસ્તાનનો પાયો બ્રિટિશ સત્તાવાળાઓએ જાણ્યેઅજાણ્યે નાખ્યો છે.  એમણે પ્રાંતોને તોડ્યા અને જોડ્યા. પરંતુ એમણે એ બધું કરવામાં તર્કશક્તિ, વિચાર અને લોકો સાથે ચર્ચાઓનો આશરો લીધો, બીજી બાજુ મુસ્લિમ લીગની માગણીનો આધાર લોકોનો આવેશ જ છે. ગાંધીજીએ ભાષાવાર કોંગ્રેસ કમિટીઓ બનાવડાવી તેનો પણ ભાગલાના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવાનું તો ડૉ.આંબેડકર કંઈ ભૂલે? ( જો કે ગાંધીજીએ કહ્યું કે પાકિસ્તાન બનાવવું અને આંધ્રને અલગ ગણવું એ બે સરખાં નથી) આંબેડકરે પણ એ સ્વીકાર્યું અને કહ્યું કે બિહાર અને ઓરિસ્સાને અલગ કરવાં કે મદ્રાસ કે કર્ણાટકને મહારાષ્ટ્રથી અલગ કરવાં એ જુદી વાત છે; પાકિસ્તાનની માંગથી હિન્દુસ્તાન સાથે ‘કાનૂની છૂટાછેડા’ લેવા જેવી વાત છે.

આમ છતાં એમણે ઇતિહાસ અને ભૂગોળના આધારે હિન્દુઓ જે દલીલો કરતા તેને તોડી પાડી અને એના સમર્થનમાં એમણે ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને બધાં ઉદાહરણ આપ્યાં ચીની મુસાફર હ્યુ-એન ત્સંગનો દાખલો આપતાં એમણે કહ્યું કે અફઘાનિસ્તાનને પણ એ ભારતનો ભાગ માને છે.

ડો. આંબેડકરે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો બે અલગ કોમો છે અને સતત લડતી રહી છે. બન્ને કોમોનાં જાતિગત મૂળ એક જ છે એવા હિન્દુઓના દાવાને એમણે નકારી કાઢ્યો, પરંતુ જુદા જુદા પ્રદેશોના હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સમાનતા હોવાનું સ્વીકાર્યું. ગાંધીજી સાથે સંમત થતાં એમણે કહ્યું કે એક તમિલ બ્રાહ્મણ પંજાબના બ્રાહ્મણ કરતાં તમિલ મુસ્લિમ સાથે વધારે સામ્ય ધરાવે છે. તે ઉપરાંત મુસ્લિમ ફકીરોના હિન્દુ ચેલા હોય છે વગેરે સમાનતાઓને એમણે ઉપરછલ્લી સમાનતા તરીકે નકારી કાઢી.

હિન્દુઓ શા માટે પાકિસ્તાનની માગણીનો વિરોધ કરે છે તે સમજાવતાં એમણે કહ્યું કે આત્મનિર્ણયનો હક માગનાર એમ ન કહે કે એ અસંગઠિત કે આંતરિક રીતે વિભાજિત પ્રજા વતી બોલે છે. બધા એક રાષ્ટ્ર છે એમ કહીને જ એ આત્મનિર્ણયનો હક માગી શકે. પાકિસ્તાનની માંગ સમગ્ર ભારત માટે સાર્વભૌમ અધિકારો માગવાના હિન્દુ ભારતના પ્રયાસો પર આઘાત સમાન છે.

૦-૦-૦

ડૉ. આંબેડકરે હિન્દુસ્તાનના સંરક્ષણ, લડાયક જાતિઓ, કોમવાદની સમસ્યા, પાકિસ્તાન બનવાથી હિન્દુઓ માટે શી રીતે સારું છે – એવા ઘણાય સવાલોની ચર્ચા કરી, પરંતુ આજે એ જોઈશું તો બહુ વિસ્તાર થઈ જશે એટલે આવતા સોમવારે મળીએ.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય _૧૮ :

“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (5)

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)

1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995

Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની હાર

આ બધા પ્રચારની સીધી અસર કેટલીક ખાલી પડેલી સીટો માટે થયેલી પેટાચૂંટણીઓ પર પડી. મુસ્લિમો માટેની બે બેઠક સિવાય બધી બેઠકો પર મુસ્લિમ લીગને શાનદાર વિજય મળ્યો. આમ સામાન્ય મુસલમાન મુસ્લિમ લીગ તરફ વળતો જતો હતો. સૌથી પહેલી પેટાચૂંટણી બહેરાઇચમાં થઈ, તેમાં કોંગ્રેસના ઉમેદવાર રફી અહમદ કિદવઈ બિનહરીફ ચુંટાયા કારણ કે મુસ્લિમ લીગના નેતા ખલિક-ઉઝ-ઝમાન એ વખતે પ્રાંતમાં પ્રધાનમંડળ બનાવવા માટે કોંગ્રેસ સાથે તડજોડ કરવામાં લાગ્યા હતા એટલે જિન્નાના દબાણની પરવા કર્યા વિના જ એમણે કોંગ્રેસના હાથમાં આ સીટ જવા દીધી.

બીજી પેટાચૂંટણી બુંદેલખંડની ઝાંસીની બેઠક માટે થઈ, એમાં કોંગ્રેસના ઉમેદવાર નિસાર અહમ્દ ખાન શેરવાનીને કોંગ્રેસે ઊભા રાખ્યા પરંતુ પ્રચારમાં ધ્યાન જ ન આપ્યું. નિસાર આ પહેલાં મૂળ ચૂંટણીમાં હારી ગયા હતા અને એમને ફંડની બહુ જરૂર હતી પણ કોંગ્રેસ એમને મોડે સુધી પૈસા ન આપી શકી. કોંગ્રેસના કોઈ અગ્રગણ્ય મુસલમાન નેતાઓ પણ પ્રચાર માટે જવાનું ટાળતા રહ્યા. છેલ્લા બે દિવસ નહેરુ પોતે જ ઝાંસી વિસ્તારમાં પ્રચાર માટે ફર્યા પરંતુ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું. કુલ મતોના ૬૦ ટકા એટલે કે ૨૬૫૨ મત લીગને મળ્યા. માત્ર છ મહિના પહેલાં ઝાંસીની બેઠક પર એ જ ઉમેદવારને માત્ર ૧૮૦ મત મળ્યા હતા, એ હકીકતનો વિચાર કરીએ તો મુસ્લિમ લીગની વગ કેટલી બધી વધી ગઈ હતી તેનો ખ્યાલ આવે છે. પરંતુ પરિણામ બતાવે છે એટલી હદ સુધી કોંગ્રેસ નબળી નહોતી પડી. એના ઉમેદવારે પણ લગભગ ૨૦૦૦ મતો મેળવ્યા હતા.

કોંગ્રેસને મત એટલે ઇસ્લામની વિરુદ્ધ મત

તે પછી બિજનૌર અને ગઢવાલની પેટા ચૂંટણીએ પવન કઈ દિશામાં વાય છે તે દેખાડ્યું. મુસ્લિમ લીગે છડેચોક જાહેર કર્યું કે કોંગ્રેસને મત આપવો એટલે ‘કુફ્ર’ માટે (એટલે કે અલ્લાહની વિરુદ્ધ) મત આપવો. લીગે કહ્યું કે મુસલમાન ફુરાન અને સાઇનાઈની ઊંચાઈઓ પરથી નીચે ઊતરીને વર્ધાને તીર્થ બનાવી દેવા માગતો હોય તો કોંગ્રેસને મત આપે; યુરોપે તો ઇસ્લામને સાફ કરી નાખવા તોપનો ઉપયોગ કર્યો, પણ હિન્દુઓ મતપેટીઓનો ઉપયોગ કરીને ઇસ્લામને સાફ કરી દેવા માગે છે.

આમ છતાં કોંગ્રેસના ઉમેદવાર હાફિઝ ઇબ્રાહિમ ચૂંટણી જીતી ગયા. એમને સિત્તેર ટકા મત મળ્યા. મુસ્લિમ લીગ સ્તબ્ધ થઈ ગઈ. ચૂંટણીની અસર એવી રહી કે ઇબ્રાહિમના હરીફ મુસ્લિમ લીગના અબ્દુસ સમી થોડા મહિના પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા.

તે પછી મોરાદાબાદ, સહારનપુર અને બુલંદશહરની પેટા ચૂંટણીઓ મુસ્લિમ લીગ માટે ખરાખરીનો જંગ બની ગઈ. એમાં લીગે દારુલ ઉલૂમ દેવબંદના મૌલવીઓના એક જૂથની મદદ લીધી. માત્ર ધર્મના નામે પ્રચાર થયો અને ત્રણેય સીટ મુસ્લિમ લીગને મળી.

દારુલ ઉલૂમ દેવબંદ અને પાકિસ્તાન

દેવબંદની દારુલ ઉલૂમ સંસ્થા આખી જ મુસ્લિમ લીગની તરફેણમાં નહોતી. એ જ રીતે ‘જમાત-એ-ઇસ્લામી હિન્દ (JIH) પણ કોંગ્રેસની સાથે હતી. પરંતુ દેવબંદના મૌલવીઓનું એક પ્રભાવશાળી જૂથ લીગની સાથે રહ્યું; એના નેતા હતા, મૌલાના અશરફ અલી થાનવી.

થાનવીને શરૂઆતમાં મુસ્લિમ લીગ વિશે શંકા હતી. પહેલાં એમને ઝાંસીમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા ત્યારે એમણે મુસ્લિમ લીગને મત આપવાનું ન કહ્યું, માત્ર કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાનો પ્રચાર કર્યો હતો. એમણે પોતાના સાથીઓને કહ્યું કે કોંગ્રેસ આંધળા જેવી છે તેની સરખામણીએ મુસ્લિમ લીગ કાણા જેવી છે. ૧૯૩૭માં યૂ. પી.માં કોંગ્રેસે સત્તા સંભાળી ત પછી થાનવીને મુસ્લિમ રાજકારણમાં વધારે રસ પડવા લાગ્યો. કોંગ્રેસે સત્તા સંભાળતાં મુસલમાનોમાં બે તડાં પડી ગયાં. જમિયત-ઉલ-હિન્દે કોંગ્રેસને ટેકો આપ્યો, જ્યારે મુસ્લિમ લીગ કોંગ્રેસના સામે છેડે હતી. થાનવીએ બન્ને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો. આના માટે એમણે જમિયત અને લીગને પ્રશ્નાવલી મોકલી. જો કે બન્નેની પ્રશ્નાવલી એક સરખી નહોતી. જમિયતે તો એનો જવાબ આપવાની પરવા ન કરી. પરંતુ યૂ.પી.ની લીગના પ્રમુખ નવાબ ઇસ્માઇલ ખાને વિગતવાર જવાબ આપ્યા. એમનો આશય એ દેખાડવાનો હતો કે લીગ ધર્મગુરુઓને પૂરતું મહત્ત્વ આપે છે અને એમનું માર્ગદર્શન લેવા તત્પર છે.

જવાબ ટૂંકમાં આ પ્રમાણે હતો. કોંગ્રેસમાં મુસલમાનોએ વ્યક્તિગત રીતે પણ ન જોડાવું જોઈએ કારણ કે એમ કરવાથી મુસલમાનો પાયમાલ થઈ જશે. ગમે તેટલા મુસલમાનો કોંગ્રેસમાં જોડાય એ લઘુમતીમાં જ રહેશે અને કદીયે સંગઠન પર નિયંત્રણ સ્થાપી નહીં શકે. મુસ્લિમ સ્ત્રીઓ પરદો પાળે છે પણ હિન્દુ સ્ત્રીઓને એવું કંઈ બંધન નથી એટલે એમને કોંગ્રેસમાં જોડાવામાં કંઈ વાંધો નહીં આવે. વળી મુસલમાનો કોંગ્રેસમાં જોડાવા લાગશે તેથી હિન્દુઓ ચોંકી જશે અને મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાવાનો ધસારો કરશે. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં કોંગ્રેસમાં મુસ્લિમોનો હાથ ઉપર રહેશે પણ પ્રાંતિક સંગઠનના નિર્ણયોને રાષ્ટ્રીય સ્તરની સમિતિ નકારી કાઢશે. આમ પ્રાંતિક કોંગ્રેસમાં મુસલમાનોની બહુમતી હોય તો પણ કશું વળશે નહીં.

નવાબ ઇસ્માઇલ ખાને કબૂલ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાથી જ દેશને આઝાદી મળી શકે પણ એના માટે કોંગ્રેસમાં જોડાઈ જવાથી મુસલમાનો પોતાની ઇસ્લામિક પિછાણ ખોઈ બેસશે.

અશરફ અલી થાનવીએ સૌથી છેલ્લો સવાલ એ પૂછ્યો હતો કે ઉલેમાનું લીગમાં શું સ્થાન હશે. ઇસ્માઇલ ખાને કહ્યું કે ઉલેમાએ લીગમાં ચુંટાઈને જ આવવું પડે તેવું નથી. એમને સીધા જ રાષ્ટ્રીય કમિટીમાં લઈ શકાય છે.

મુસ્લિમ લીગની તરફેણમાં થાનવીનો ફતવો

થાનવીને આ જવાબો પસંદ આવવાના જ હતા. તે પછી સહારનપુરના ધારાસભ્ય મૌલવી મુનફૈત અલીએ એમને એક સવાલ પૂછીને મુસ્લિમ લીગને ખુલ્લો ટેકો જાહેર કરવાની થાનવીને તક આપી. આ ફતવો ‘તંઝિમઅલમુસ્લિમીન(મુસલમાનોનું સંગઠન) તરીકે ઓળખાયો. પટનામાં ઑલ ઇંડિયા મુસ્લિમ લીગના અધિવેશનમાં પણ આ ફતવો વાંચી સંભળાવવામાં આવ્યો. થાનવીએ ફતવામાં કહ્યું કે મુસલમાન કોમનું અલગ રાજકીય સંગઠન હશે તો જ એમની અસ્મિતા જળવાઈ રહેશે, પરંતુ આવી તંઝિમ શરીઆ (મુસ્લિમ કાનૂન) પ્રમાણે જ બનાવવી જોઈએ. થાનવીએ કહ્યું કે આવું કોઈ રાજકીય સંગઠન નથી, જે આ કામ કરી શકે અને મુસ્લિમ લીગ પણ શરીઆ પ્રમાણે કામ નથી કરતી. આમ છતાં થાનવીએ કહ્યું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે પસંદગી કરવાની હોય તો મુસલમાનોએ મુસ્લિમ લીગમાં જ જોડાવું જોઈએ. આમ છતાં મુસ્લિમ લીગના નેતાઓએ સંગઠનમાં શરીઆ પ્રમાણે ફેરફાર કરવા જોઈએ.

થાનવીએ લીગના સામાન્ય સભ્યોને સલાહ આપી કે તેઓ એમના નેતાઓને સતત ખડેપગે રાખે કે જેથી તેઓ શરીઆના નિયમો લાગુ કરે અને એમાંથી જરા પણ ચાતરે નહીં. એમણે ખાતરી આપી કે લીગના નેતાઓ આ બાબતમાં જ્યારે જરૂર પડે ત્યારે ઉલેમાઓની સલાહ લઈ શકે છે.

આ ફતવા પછી પણ થાનવીએ ઇસ્લામનો આધાર લઈને મુસ્લિમ લીગ પર દબાણ ચાલુ રાખ્યું.

જિન્ના પર દબાણ

૧૯૩૯માં લીગના પટના અધિવેશનમાં દેવબંદી ડેલિગેશને હાજરી આપી. એના નેતા તરીકે થાનવીના માનીતા શિષ્ય મૌલાના ઝફર અહમદ ઉસ્માની હતા. પહેલા દિવસે બેઠકમાં ભાગ લીધા પછી એમણે જાહેર કર્યું કે જિન્ના સાથે એમની મુલાકાત નહીં થાય તો ડેલિગેશન બીજા દિવસે ભાગ નહીં લે. લીગના નેતા દોડાદોડીમાં પડી ગયા. એ જ સાંજે જિન્ના સાથે એમની મુલાકાત ગોઠવાઈ. ઉસ્માનીએ પાછળથી આ બાબતમાં લખ્યું કે જિન્ના શરૂઆતમાં ડેલિગેશનના વિચારો સ્વીકારતાં અચકાતા હતા. એમણે કહ્યું કે ધર્મ અને રાજકારણને અલગ રાખવાં જોઈએ. પરંતુ મૌલવીઓએ તરત જવાબ આપ્યો કે આવું મૉડેલ યુરોપના રાજકારણનું છે, અને ઇસ્લામથી વિરુદ્ધ છે. ઇસ્લામમાં ધાર્મિક અને રાજકીય સત્તા વચ્ચે કોઈ ભેદ નથી.

ઉસ્માનીના વિચારોની જિન્ના પર ઊંડી અસર પડી. પટના અધિવેશનના બીજા દિવસે જિન્નાએ પોતાના ભાષણમાં કહ્યું કે ઇસ્લામ માત્ર ધર્મ નથી, આખી જીવનપદ્ધતિ છે.

નમાઝી જિન્ના

ડેલિગેશને જિન્નાને કહ્યું કે મુસ્લિમ નેતાગીરી પાસે એમની બહુ મોટી માગણી નથી પણ નેતાઓએ નિયમિત નમાઝ તો પઢવી જ જોઈએ. આ બાબતમાં દેવબંદી મૌલવીઓ બહુ ગંભીર હતા. એમણે કહ્યું કે ખુદ જિન્નાએ નમાઝ અદા કરવી જોઈએ. જિન્નાએ કહ્યું કે આમાંથી બખેડો ઊભો થશે. નમાઝનું સંચાલન કોણ કરશે? દેવબંદી, સુન્ની કે શિયા? એટલે મુસ્લિમ લીગ બધા મુસલમાનોને રાજકીય એકતાને તાંતણે બાંધવા માગે છે ત્યારે આ વિખવાદ આડે આવશે. પરંતુ ડેલિગેશને કહ્યું કે જિન્ના પર બધા મુસલમાનોને ભરોસો છે એટલે એ પોતે જ નમાઝના નેતા બનશે તો કોઈ વાંધો નહીં લે. હવે કંઈ કહેવાપણું નહોતું

બીજા દિવસે બપોરે એક વાગ્યે પટના અધિવેશનમાં બપોરની નમાઝ માટે વિરામ પડ્યો ત્યારે પટનાના કાઝીએ નમાઝની આગેવાની લીધી. જિન્ના આગળ વધ્યા, કાઝીની પાછળ ગોઠવાયા અને નમાઝ માટે એકઠી થયેલી આખી ભીડ એ બન્નેની પાછળ ગોઠવાઈ ગઈ!

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૧૭ :

“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (4)

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

કોંગ્રેસના મુસ્લિમ જનસંપર્ક કાર્યક્રમને પગલે મુસ્લિમ લીગ શાંત બેસી રહે એ તો શક્ય જ નહોતું. વ્યક્તિગત રીતે નહેરુનાં અને સંસ્થાકીય રીતે કોંગ્રેસનાં મહેણાંટોણાં હવે કઠવા લાગ્યાં હતા. નહેરુએ કહ્યું કે મુસ્લિમ લીગ ઉચ્ચ મધ્યમ વર્ગના મુસ્લિમોનું એક જૂથ છે, ચોક્કસ, એ લોકો બહુ જ સન્માનને પાત્ર છે, પણ સામાન્ય મુસલમાનો સાથે એમનો કશો સંબંધ નથી. યુક્ત પ્રાંતના મુસ્લિમ કોંગ્રેસ નેતાઓ અલ્હાબાદમાં મળ્યા. એમણે એક નિવેદનમાં કહ્યું કે જિન્ના સાહેબને કદી મુસલમાનોનાં દુઃખ-તકલીફો સાથે કશી નિસ્બત રહી છે ખરી?

મુસ્લિમ લીગમાં ખળભળાટનાં પહેલાં ચિહ્નો સર મુહંમદ ઇકબાલે જિન્નાને લખેલા પત્રમાંથી મળે છે. ઇકબાલે નહેરુના પડકારને પહોંચી વળવા માટે તરત અખિલ ભારતીય મુસ્લિમ સંમેલન બોલાવવાનો આગ્રહ કરતાં લખ્યું, “ સંમેલનમાં તમારે એક અલગ રાજકીય એકમ તરીકે ભારતીય મુસ્લિમોનો રાજકીય ઉદ્દેશ સ્પષ્ટ કરવો જોઈએ. ભારતમાં અને ભારતની બહારની દુનિયાને કહેવાની બહુ જરૂર છે કે દેશમાં આર્થિક સમસ્યાઓ એકમાત્ર સમસ્યા નથી. મુસ્લિમોની દૃષ્ટિએ સાંસ્કૃતિક સમસ્યા ભારતના મુસલમાનો માટે બહુ ઘણો પ્રભાવ પાડે છે. કંઈ નહીં તો, આર્થિક સમસ્યા કરતાં નાની સમસ્યા તો નથી .”

જિન્નાએ કોંગ્રેસના ઇરાદાનો ઉલ્લેખ કરીને એના ‘mass contact’ કાર્યક્રમને ‘massacre contact’ કાર્યક્રમ તરીકે ઓળખાવ્યો! જિન્નાએ કહ્યું કે “‘દાળભાતના બૂમરાણમાં આવી જશો. તમને ખબર હોવી જોઈએ કે એક દેશના મૂળભૂત આર્થિક, નાણાકીય અને સામાજિક પ્રશ્નોનો જવાબ કોઈ પણ રાતોરાત આપી શકે”.

તે સાથે મુસ્લિમ લીગે સંસ્થાકીય માળખું બદલવાનું નક્કી કર્યું, જેમાં જિલ્લા સ્તરથી માંડીને છેક ઉપરના સ્તર સુધીની વ્યવસ્થા કરવામાં આવી, કોંગ્રેસના સભ્ય ચાર આનામાં થવાતું, મુસ્લિમ લીગે બે આના સભ્ય ફી નક્કી કરી. આ બધા માળખાગત સુધારામાં યુક્ત પ્રાંતના નેતાઓએ આગળ પડતો ભાગ ભજવ્યો.

કોંગ્રેસના મુસ્લિમ સંપર્ક કાર્યક્રમ (MMCP)ની ટીકા

યૂ. પી. મુસ્લિમ લીગે MMCPને નિશાન બનાવી. એણે કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોમાં ફૂટ પડાવવાના તો પ્રયાસ કરે છે પણ કોમી ચુકાદો આવ્યો ત્યારે હિન્દુ મત ન તૂટે તે માટે એણે બધા જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ મહેમૂદાબાદના રાજાએ MMCPએ છેડેલા વૈચારિક હુમલાના જવાબ આપ્યા. એમણે અશરફના સમાજવાદી સિદ્ધાંતોના જવાબમાં ઇસ્લામને જીવનની સંપૂર્ણ માર્ગદર્શિકા તરીકે રજૂ કર્યો અને કહ્યું કે ઇસ્લામ મુક્તિ અપાવે છે અને મુસલમાન મુક્તિ એટલા માટે માગે છે કે એના વગર એ રહી જ ન શકે. રાજા-મહેમૂદાબાદે સમાજવાદ અને ઇસ્લામ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં કહ્યું કે સમાજવાદનો આધાર લોકોની સર્વસંમતિ નથી; બીજી બાજુ, ઇસ્લામનો આધાર ‘ઇજ્મા’ (સર્વસંમતિ) છે. સમાજવાદ માત્ર બૌદ્ધિક છે, એને હૃદય સાથે સંબંધ નથી. બીજી બાજુ, ઇસ્લામ હૃદયના ભાવો અને મનની ઇચ્છાઓ બન્નેને વાચા આપે છે. ૧૯૩૭માં લીગનું સંમેલન મળ્યું તેમાં સામાજિક-આર્થિક ઠરાવ રજૂ કરનારાઓમાં રાજા-મહેમૂદાબાદ મુખ્ય હતા.

ગાંધીજીનીનઈ તાલીમઅને લીગનો પીરપુર રિપોર્ટ

લીગે માત્ર MMCPની વિચારધારાનો જ નહીં, બધાં ભારતીય પ્રતીકોનો પણ વિરોધ કર્યો. ગાંધીજીનો શિક્ષણ માટેનો વર્ધા કાર્યક્રમ એનું મુખ્ય નિશાન બન્યો. લીગે વર્ધા શિક્ષણ કાર્યક્રમ કે નઈ તાલીમ અથવા બુનિયાદી કેળવણીને મુસ્લિમ વિરોધી ગણાવી. ગાંધીજીએ આ કાર્યક્રમને “ગ્રામીણ હસ્તોદ્યોગ દ્વારા ગ્રામીણ રાષ્ટ્રીય શિક્ષણ’ નામ આપ્યું હતું. એમાંથી શિક્ષણ અંગેની ગાંધીજીની પાયાની ફિલસૂફી પ્રગટ થતી હતી. એમની નજરે શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં, અક્ષરજ્ઞાન તો માત્ર સાધન તરીકે જરૂરી છે, જેની મદદથી લોકો શિક્ષિત થઈ શકે, વળી શિક્ષણ એટલે માત્ર કોઈ હાથનો કસબ પણ નહીં. લોકોને આવા કોઈ કસબ મારફતે મુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ પદ્ધતિમાં ઇતિહાસ, ભૂગોળ, ગણિત ઉપરાંત સ્વચ્છતાના બુનિયાદી સિદ્ધાંતો અને પોષણ વગેરે બાળકોએ શીખવાનું હતું. ગાંધીજીએ એમાં ધર્મના શિક્ષણનો સમાવેશ નહોતો કર્યો, માત્ર બધા ધર્મોનાં મૂળભૂત તત્ત્વો એક છે એ શીખવવાનું હતું.

ગાંધીજીના આ કાર્યક્રમનો વિરોધ તો ઘણાએ કર્યો પણ મુસ્લિમ લીગ એમાં સૌથી આગળ હતી. લીગે પીરપુરના રાજા, યુક્ત્પ્રાંતના એક શિયા જમીનદારના નેતૃત્વ નીચે ગાંધીજીના શિક્ષણ કાર્યક્રમની સમીક્ષા કરવા એક સમિતિ નીમી. પીરપુર રિપોર્ટે જહેર કર્યું કે આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ બાળકોમાં પોતાની નીતિઓ ઠાંસવા માગે છે. સમિતિએ આ શિક્ષણ પદ્ધતિને સામ્યવાદીઓની રીત જેવી Gandhian Totalitarianism (ગાંધીવાદી સર્વસત્તાવાદ) તરીકે ઓળખાવી.

સમિતિએ કહ્યું કે અહિંસા મુસલમાનો માટે ચરમ સત્ય નથી, એ જેહાદના સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે અને અમુક સંયોગોમાં જેહાદ કરવાની મુસલમાનોની ફરજ છે. વળી, બધા ધર્મોનાં મૂળભૂત તત્ત્વો એક જ છે એવા બુનિયાદી કેળવણીના સિદ્ધાંતને પણ પીરપુર રિપોર્ટમાં પડકારવામાં આવ્યો. રિપોર્ટમાં કહ્યું કે ઇસ્લામનાં કેટલાંય તત્ત્વો એવાં છે જે માત્ર ઇસ્લામમાં છે અને બીજા ધર્મો સાથે એમનો મેળ બેસાડી શકાય એમ જ નથી. પીરપુર રિપોર્ટે કહ્યું કે ઇસ્લામ અને હિન્દુ ધર્મમાં ફેર છે. મુસલમાન બાળકના જીવનમાં ઇસ્લામ કેન્દ્રસ્થાને છે, જ્યારે હિન્દુઓમાં માત્ર બ્રાહ્મણ બાળક માટે ધર્મ કેન્દ્રસ્થાને છે.

ઇતિહાસના પાઠ્યક્રમની પણ પીરપુર સમિતિએ આકરી ટીકા કરી. એણે કહ્યું કે અમીર ખુસરો, કબીર, અકબર અને દારા શિકોહને મુસ્લિમ અધિનાયકો તરીકે દેખાડવામાં આવ્યા છે તેનું કારણ માત્ર એ જ કે એમણે હિન્દુ ધર્મ સાથે તાલમેળ સાધવા પ્રયત્ન કર્યો હતો. મુસ્લિમ સમાજ કે ઇસ્લામના ઇતિહાસમાં ઇસ્લામિક દૃષ્ટિકોણ સાથે બહુ મોટું પ્રદાન કરનારા મુસ્લિમ અધિનાયકોની અવગણના કરવામાં આવી છે. પીરપુર રિપોર્ટે કહ્યું કે મુસ્લિમ બાળક છેક પાંચમા ધોરણમાં મુસ્લિમોનો ઇતિહાસ જાણી શકે છે. આમાં એ વાતની ઉપેક્ષા કરાઈ છે કે ઇસ્લામ છેલ્લાં એક હજાર વર્ષથી મહત્ત્વનો પ્રભાવકારી ધર્મ રહ્યો છે અને એણે “માનવજાતની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય અવધારણાઓમાં ક્રાન્તિ આણી છે.”

હિન્દુસ્તાનીનો વિરોધ

વર્ધાની શિક્ષણ યોજના પ્રમાણે કોંગ્રેસે રાષ્ટ્રભાષા તરીકે હિન્દુસ્તાનીને સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ કર્યા. હિન્દુસ્તાની આગળ જતાં અંગ્રેજીનું સ્થાન લે એવી યોજના હતી. આ પણ એક મોટો વિવાદનો મુદ્દો બની ગયો. કોંગ્રેસનું કહેવું હતું કે હિન્દુસ્તાની ઉર્દુ અને હિન્દી વચ્ચેની ભાષા છે. પરંતુ, એ જ કારણે હિન્દી અને ઉર્દુ, બન્નેના હિમાયતીઓએ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો. વિરોધ માત્ર યુક્ત પ્રાંત પૂરતો મર્યાદિત ન રહ્યો; બંગાળના મુખ્ય પ્રધાન ફઝલુલ હકે પણ ઉર્દુનું મહત્ત્વ ઓછું કરવાનો વિરોધ કર્યો. એમણે ઉર્દુને રાષ્ટ્રભાષા જાહેર કરવાની જોરદાર હિમાયત કરી. ફઝલુલ હકે જાહેર કર્યું કે એમની સરકાર ઉર્દુ, અરબી અને ફારસીનો ફેલાવો કરવા માટે વધારે મદરેસાઓ ખોલશે. હકે ભારપૂર્વક કહ્યું કે ઉર્દુને મુસલમાન બાળકો માટે ફરજિયાત બનાવવી જોઈએ કે જેથી તેમને ઇસ્લામનું તત્ત્વ સમજાય. (વિડંબના છે કે ભાગલા પછી તરત પૂર્વ પાકિસ્તાન માટે ઉર્દુ ફરજિયાત બનાવતાં મોટો વિરોધ થયો અને એમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો!) ફઝલુલ હકે ચેતવણી આપી કે બંગાળીઓ ઉર્દુ નહીં શીખે તો એમનાં બાળકો મુસ્લિમ નહીં રહે.

લખનઉની નદવાતુલ ઉલેમાએ હકને ટેકો આપ્યો. એના રૅક્ટર મૌલાના સઈદ સુલૈમાન નદવીએ કહ્યું કે ઉર્દુ હિન્દુઓ અને મુસલમાનોએ સાથે મળીને બનાવી છે એટલે એને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ. એમની દલીળ એ હતી કે ઉર્દુ માત્ર મુસલમાનોની જ ભાષા હોય તો પણ એને જ રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ કારણ કે હિન્દુઓ બહુમતીમાં હોવાથી એમની પરંપરાઓને તો એ કદી દબાવી જ નહીં શકે અને હિન્દુઓ ફાવે ત્યારે પોતાના સંખ્યાબળનો ઉપયોગ કરીને એમાં ફેરફાર કરી શકશે. એમણે હિન્દીને “કલકત્તાની ફૉર્ટ વિલિયમ કૉલેજની ભાષા” ગણાવી અને સૂચવ્યું કે સંસ્કૃતમય હિન્દીને અરબીની જેમ ‘ક્લાસિકલ ભાષા’નો દરજ્જો આપવો જોઈએ. એમનો આક્ષેપ હતો કે હિન્દુસ્તાનીને નામે હિન્દીને ઠોકી બેસાડવાનો પ્રયત્ન થાય છે. નહેરુએ કહ્યું કે ઉર્દુ માત્ર શહેરના લોકો સમજે છે, જ્યારે હિન્દી ગામડાંવાળા સમજે છે. નદવીનો જવાબ હતો કે સંસ્કૃતવાળી હિન્દી કરતાં તો ગામડાંના લોકો ઉર્દુ વધારે સારી રીતે સમજે છે.

ઉર્દુનો મધ્યમ તરીકે ઉપયોગ કરતી હૈદરાબાદની ઑસ્માનિયા યુનિવર્સિટીના એક સ્થાપક મૌલવી અબ્દુલ હકે સંસ્કૃતવાળી હિન્દી દક્ષિણ ભારતના લોકો વધારે સારી રીતે સમજી શકે છે એવી દલીલને ફગાવી દીધી. એમણે કહ્યું કે રોજની વાતચીતમાં દક્ષિણ ભારતીયો સંસ્કૃત શબ્દોનો બહુ ઓછો ઉપયોગ કરે છે. એમણે કહ્યું કે ૧૮૩૭માં ફાર્સીને બદલે ઉર્દુ આવી ત્યારે કોઈએ વાંધો નહોતો લીધો, પરંતુ પછી સ્વામી દયાનંદ સરસ્વતીની આગેવની હેઠળ આર્યસમાજે આ મુદ્દો ઊખેળ્યો અને પંડિત મદન મોહન માલવીયે એને બળ પૂરું પાડ્યું પરંતુ અબ્દુલ હકે ખરેખર તો ગાંધીજીને જ નિશાન બનાવ્યા કે એમણે હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ બનવાનું સ્વીકાર્યું તેથી મદ્રાસમાં હિન્દીનો પ્રચાર વધ્યો છે.

જો કે અબ્દુલ હકે ઉર્દુ અને હિન્દીના અઘરા શબ્દોને બદલે લોકો વાપરતા હોય તેવા સહેલા શબ્દોવાળી ભાષા તૈયાર કરવામાં મદદ કરવાની તૈયારી પણ દેખાડી. બન્નેની લિપિનો પણ સવાલ હતો. નહેરુએ કહ્યું કે હિન્દુસ્તાની માટે રોમન લિપિ વાપરવી જોઈએ. આના પછી અબ્દુલ હકને બિહાર સરકારે હિન્દી અને ઉર્દુના એકસમાન શબ્દોનો શબ્દકોશ બનાવવાનું કામ સોંપ્યું.

હિન્દુઓમાં પણ ઉર્દુના સમર્થકો હતા. તેજ બહાદુર સપ્રુએ કહ્યું કે હિન્દુસ્તાની માત્ર ઉર્દુને હટાવીને હિન્દીને ઘુસાડવાનું આવરણ છે. જો કે એમનો મત હતો કે કોઈ એક રાષ્ટ્રભાષા બનાવવાની જરૂર જ નહોતી.

મૌલાના આઝાદનો જિન્ના પર કટાક્ષ

કોંગ્રેસ તરફ્થી મૌલાના આઝાદે સમજાવવાની કોશિશ કરી કે આ આખો વિવાદ ઊભો થવાનું કારણ એ કે મુંબઈ, કલકતા અને મદ્રાસના લોકો ‘હિન્દી’ શબ્દો ઉપયોગ સમજ્યા વગર કરે છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાની સરળ અને સ્પષ્ટ સમજાય તેવી ઉર્દુ જ છે, જે સામાન્ય રીતે ઉત્તર ભારતનાં શહેરોમાં બોલાય જ છે. એમણે કટાક્ષ કર્યો કે જિન્નાને તો હિન્દી કે ઉર્દુ, બન્નેમાંથી એક પણ ભાષા નથી આવડતી. એમની માતૃભાષા ગુજરાતી છે અને બધું કામ અંગ્રેજીમાં કરે છે!

પરંતુ આ વિવાદ શમ્યો નહીં અને મુસ્લિમોની લઘુમતી હોય તેવા પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો વિરુદ્ધ મુસલમાનોની ફરિયાદનું એક કારણ બની રહ્યો.

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ સામે મુસ્લિમ લીગનો વાંધો

કોંગ્રેસની સરકારો જ્યાં હતી ત્યાં જાહેર સ્થળોએ કોંગ્રેસનો ત્રિરંગો લહેરાવાતો અને શાળાઓમાં ‘વંદે માતરમ’ ગવાતું. મુસ્લિમ લીગે આ બન્ને હિન્દુ પ્રતીકો હોવાનું કહીને વાંધો લીધો.

કોંગ્રેસનો જવાબ

ખાસ કરીને વર્ધાના શિક્ષણ કાર્યક્ર્મ સામેના લીગના વાંધાથી કોંગ્રેસ ઊકળી ઊઠી. એને કહ્યું કે ગાંધીજીના આ કાર્યક્રમને નક્કર રૂપ આપનારા ડૉ. ઝાકિર હુસેન મુસ્લિમ જ હતા. (એમાં કંઈ મુસ્લિમ વિરોધી હોય તેને ડૉ. ઝાકિર હુસેન ચલાવી લે.) બુનિયાદી કેળવણીથી બાળકોનું બ્રેઇન-વૉશિંગ (કૂણાં મન વિકૃત) શી રીતે થઈ શકે? હિન્દુસ્તાની વિશે પણ કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે બિહાર સરકારે અબ્દુલ હકના નેતૃત્વ હેઠળ હિન્દી અને ઉર્દુના સમાન શબ્દોની ડિક્શનરી બનાવવા માટે સમિતિ નીમી છે અને બિહાર અને યુક્ત પ્રાંતમાં એની ભલામણોનો જ ઉપયોગ થશે.

રાષ્ટ્રધ્વજ વિશે કોંગ્રેસે કહ્યું કે એ દેશની બધી કોમોનું પ્રતીક છે. કોંગ્રેસે ખાસ ધ્યાન દોર્યું કે ખુદ જિન્ના, અલીભાઈઓ અને બીજા કેટલાયે મુસ્લિમ નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે એમણે કદીયે ધ્વજ સામે વાંધો નહોતો લીધો.૧૯૩૭માં લખનઉમાં મ્યૂનિસિપાલિટીની ઇમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ખલિક-ઉઝ-ઝમાને જ ગોબિંદ બલ્લભ પંતને આમંત્રણ આપ્યું હતું. (ખલિકઉઝઝમાન વિવાદ વખતે મુસ્લિમ લીગના યૂ. પી.ના અગ્રગણ્ય નેતા બની ગયા હતા). વંદે માતરમ’માં પણ હિન્દુ-મુસલમાન જેવું કંઈ નથી. કોંગ્રેસ સેશનોમાં એગીત ગવાતું જ રહ્યું છે. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે એ ગીત રચ્યું અને પછી પોતાના પુસ્તક ‘આનંદમઠ’માં એને સમાવી લીધું. ગીતમાં ત્રીસ કરોડ હિન્દુસ્તાનીઓનો ઉલ્લેખ છે તે જ સાબિત કરે છે કે એમાં મુસલમાનો પણ આવી જાય છે. વળી, એની માત્ર બે જ કડીઓ ગવાય છે, જેમાં માતૃભૂમિના સૌંદર્ય અને સમૃદ્ધિનું જ વર્ણન છે.

‘વંદે માતરમ’ કેમ મહત્ત્વનું બની ગયું તેનો ઐતિહાસિક સંદર્ભ પણ કોંગ્રેસે સ્પષ્ટ કર્યો. ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે એની ધુન બનાવી અને ૧૯૦૬માં બારિસાલમાં બંગાળ કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં એ ગવાયું. પોલીસે લાઠી ચાર્જ કરીને સંમેલનને વીખેરી નાખ્યું. એ સંમેલનના પ્રમુખ એ. રસૂલ મુસ્લિમ હતા. તે પછીથી આ ગીત લોકપ્રિય બન્યું અને અનેક બલિદાનોનું સાક્ષી બન્યું છે. આ ગીતને કોંગ્રેસે સત્તાવાર રીતે રાષ્ટ્રગીત તરીકે નથી અપનાવ્યું પણ ઐતિહાસિક કારણોસર એ મહત્ત્વનું છે.

કોંગ્રેસે, જો કે, રાષ્ટ્રગીત માટે લીગમાં જાગેલી નવી સભાનતાને ધ્યાનમાં લેવાની તૈયારી પણ દેખાડી. MMCPન ચેરમૅન અશરફે કહ્યું કે ખિલાફત આંદોલન વખતે કોંગ્રેસની મીટિંગોમાં અલ્લાહો અકબર લોકપ્રિય હતું, રામપ્રસાદ બિસ્મિલનું સરફરોશી કી તમન્ના અને ઇકબાલનું ‘સારે જહાં સે અચ્છા’, બન્ને ઉર્દુમાં હોવા છતાં કોંગ્રેસની બેઠકોમાં લોકપ્રિય બન્યાં. એમાં શીખો ‘સતસિરી અકાલ’ પોકારતા. અશરફે કહ્યું કે ઇન્કલાબ ઝિંદાબાદ નું ફારસી સ્લોગન પણ એટલું જ લોકપ્રિય હતું.

જિન્ના નવા લેબાસમાં

પરંતુ મુસ્લિમ લીગ પર એની કંઈ અસર ન થઈ. પક્ષે પોતાની છવિ બદલવાનો ધરખમ પ્રયાસ કર્યો. સૌથી મોટો ફેરફાર એ થયો કે જિન્નાએ સૂટ છોડ્યો અને ૧૯૩૭ની લખનઉની લીગ કૉમ્ફરન્સમાં શેરવાની અને પાયજામામાં ઉપસ્થિત થયા! એ જ અધિવેશનમાં તરાના-એ-લીગ (લીગનું ગીત) અને ધ્વજ નક્કી થયાં.

હવે આગળ આપણે પેટાચૂટણીઓમાં કોંગ્રેસના પરાજય ઉપરાંત દારુલ ઉલૂમ દેવબંદના એક જૂથે કઈ રીતે પાકિસ્તાનની માગણીને ‘ઇસ્લામિક માગણી બનાવી દીધી તે જાણશું. તો, આવતા સોમવારે મળીએ.

રજૂઆતઃ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _ ૧૬ :

“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (3)

Creating a new medina 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

હવે આપણે યૂ. પી.ના મુસ્લિમોને પોતાની તરફ વાળવાના કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રયાસો વિશે ચર્ચા કરશું. આ વિષય બહુ મહત્ત્વનો છે અને એમાંથી બન્નેનાં અલગ દૃષ્ટિબિંદુ દેખાય છે, જે પરસ્પર વિરોધી છે. યુક્ત પ્રાંતમાં પાકિસ્તાન વિશે એટલો બધો વ્યવસ્થિત પ્રચાર હતો કે એની અવગણના કરી શકાય એમ નથી. આપણે આગળ જોયું તેમ બીજા હિન્દુવાદી કે મુસ્લિમવાદી પક્ષોથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્ને જુદાં પડતાં હતાં, એમના માટે કટ્ટર પક્ષોને માર્ગમાંથી હટાવી દેવાનું જરૂરી હતું.

લેખક કહે છે કે જિન્ના અને કોંગ્રેસ વચ્ચે વિરોધ હતો, પરંતુ બન્ને વચ્ચે નિકટતા પણ હતી! એ જ રીતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે યૂ. પી.માં માત્ર હરીફાઈ જ નહોતી, સુમેળ પણ હતો. આપણે આ તો ગયા અઠવાડિયે બીજા ભાગમાં જોઈ લીધું. આમ છતાં યુક્ત પ્રાંતમાં ૧૯૩૭ની ચૂટણી પછી કોંગ્રેસે સરકાર બનાવી પણ એમાં મુસ્લિમ લીગને સાથે લઈ ન શકી આ મુદ્દો ભાગલા વિશે લખનારા ઇતિહાસકારો માટે બહુ મહત્ત્વનો રહ્યો છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આના માટે એકબીજાને દોષ આપે છે, પરંતુ એક વાતે સૌ સંમત છે કે પાકિસ્તાનનો માર્ગ આ નિષ્ફળતાએ નક્કી કરી આપ્યો, જો કે દરેક એનાં કારણો જુદાં જુદાં આપે છે. આ મુદ્દાને જેટલું મહત્ત્વ મળવું જોઈએ તેટલું મળ્યું છે, પરંતુ લેખક કહે છે કે ૧૯૩૭ની ચૂંટણી પછી યુક્ત પ્રાંતમાં મુસ્લિમ લીગની તાકાત અનેકગણી વધી એ મુદ્દા પર જેટલું ધ્યાન અપાવું જોઈએ તેટલું નથી અપાયું. લીગ સત્તામાં નહોતી અને બે વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી. સરકારની બહાર કોંગ્રેસે મુસલમાનો સાથે જનસંપર્ક વધારવાની જોરદાર ઝુંબેશ ઉપાડી હતી. આની સામે મુસ્લિમ લીગે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુસલમાનોને આકર્ષવાના હતા. મુસલમાનોને આકર્ષવાના પ્રયાસોમાં સંયોગો પ્રતિકૂળ હોવા છતાં એણે કોંગ્રેસને પાછળ રાખી દીધી, એટલું જ નહીં આ પ્રક્રિયાની સાથે લીગ પોતે પણ કુલીનવર્ગીય મૃત સંસ્થામાંથી પ્રજાકીય આધારવાળી, સામાન્ય લોકોની સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ. ૧૯૩૭ પછી જેટલી પેટા ચૂંટણીઓ થઈ તેમાં લીગે કોંગ્રેસના ઉમેદવારોને સજ્જડ હાર આપી. તેની સાથે દેશમાં પણ મુસ્લિમ લીગ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ તરીકે પોતાનો દાવો હિંમતભેર રજૂ કરતી રહી. યૂ. પી.માં ઊભી થયેલી નવી સ્થિતિને જ કારણે જિન્ના લીગના પ્રમુખપદે ચુંટાયા.

નહેરુનો મતઃ યૂ. પી.માં સરકાર બનાવો

૧૯૩૭ની ચૂંટણીમાં જબ્બરદસ્ત સફળતા મેળવ્યા છતાં જવાહરલાલ નહેરુ ધારાસભામાં જવા કે સરકાર બનાવાવાની તરફેણમાં નહોતા. નહેરુ માનતા હતા કે કોંગ્રેસ સત્તા સંભાળશે તો એ લડાયક સંગઠનને બદલે સુધારાવાદી સંગઠન બની જશે. પક્ષની અંદરના ડાબેરી ઘટકે નહેરુને જોરદાર ટેકો આપ્યો, પરંતુ જમણેરી પાંખ સતા સંભાળવાની હિમાયત કરતી હતી. અંતે યૂ. પી.માં સરકાર બનાવવાનો નિર્ણય તો લેવાયો, પરંતુ નહેરુ ધારાગૃહની બહાર ક્રાન્તિકારી જોશ ટકાવી રાખવાની હિમાયત કરતા રહ્યા અને એમણે જનસંપર્કનું અભિયાન છેડવાનો નિર્ણય કર્યો.

૧૯૩૭ની ચૂંટણીમાં કોંગ્રેસને મુસલમાનોનો ટેકો ખાસ નહોતો મળ્યો એટલે એમની સાથે સંપર્ક સ્થાપવાને પ્રાધાન્ય અપાયું. નહેરુએ હિંમત નહોતી ખોઈ એમણે જાહેર કર્યું કે ’પ્રતિક્રિયાવાદી’ મુસ્લિમ નેતાગીરી સાથે કરારો અને સમજૂતીઓ કરવાની જૂની યુક્તિપ્રયુક્તિઓને તિલાંજલી આપીને સીધા જ મુસ્લિમ જનસમાજ પાસે જવાની જરૂર હતી. નહેરુ “આર્થિક મુદ્દાઓ પર મુસલમાનોની સાથે સંવાદ” સ્થાપવા માગતા હતા. એમણે કહ્યું કે કોમી વિખવાદ માત્ર હિન્દુ અને મુસ્લિમ મધ્યમવર્ગનો મુદ્દો હતો અને સામાન્ય જનને એની સાથે કંઈ લેવાદેવા નહોતી, કારણ કે કોમી માગણીઓમાં આ ગરીબ વર્ગની એક પણ માગણી નહોતી.

સામાન્ય મુસ્લિમ જનસમાજનો સંપર્કઃ કોંગ્રેસની દલીલો

નહેરુએ અલ્હાબાદમાં આનંદ ભવનમાં જ મુસ્લિમ જનસંપર્ક માટે ‘મુસ્લિમ માસ કૉન્ટૅક્ટ પ્રોગ્રામ’ (MMCP) નામનો નવો અલગ વિભાગ શરૂ કર્યો. એનો ચાર્જ એમણે સામ્યવાદીએ નેતા કુંવર મહંમદ અશરફને સોંપ્યો. અશરફ અલવરના મેયો જાતિના હતા. મેયો જાતિ હિન્દુ અને મુસલમાન બન્નેની પરંપરાઓને માને છે. આમ અશરફ પૂરા મુસલમાન નહોતા કે પૂરા હિન્દુ પણ નહોતા. અશરફ લંડનમાં ભણ્યા હતા. ત્યાં સજ્જાદ ઝહીર અને ઝેડ. એ. અહમદ એમના સાથી હતા અને માર્ક્સવાદે એમના પર ભારે પ્રભાવ પાડ્યો. ત્યાંથી પાછા ફરીને ૧૯૩૬માં ત્રણેય કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટીમાં જોડાયા. નહેરુ એમની બુદ્ધિપ્રતિભા અને કાર્યદક્ષતાથી બહુ પ્રભાવિત થયા હતા.

ઝેડ. . અહમદનો દૃષ્ટિકોણ

મુસલમાનોને સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર સૌથી પહેલાં ઝેડ. એ. અહમદને સમજાઈ. એમણે કહ્યું કે મુસ્લિમ સમાજ રાજકીય દૃષ્ટિએ પછાત છે. એમણે હિન્દુઓની પ્રગતિની સમીક્ષા કરતાં દેખાડ્યું કે કોઈ પણ સમાજમાં આર્થિક વર્ચસ્વ ધરાવતો વર્ગ રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનો સૂત્રધાર બને છે. હિન્દુઓએ કોંગ્રેસની સ્થાપના કરી જે સામ્રાજ્યવાદના વિરોધનો એક સશક્ત મંચ હતો. આનું કારણ એ કે એ વખતમાં મોગલ શાસનના અંત સાથે મૂડીવાદ આવ્યો, જે એ વખતે પ્રગતિશીલ પરિબળ હતો. હિન્દુ સમાજમાં મૂડીદાર વર્ગનું વર્ચસ્વ હતું અને આ વર્ગ એકંદર વિકાસને બળ પૂરું પાડતો હતો. આના પરિણામે હિન્દુઓમાં રાજકીય જાગૃતિ વધારે આવી. બીજી બાજુ મોગલોના પતન વખતે મુસલમાનોમાં સામંત વર્ગનું, એટલે કે બેઠાડુ જમીનદારોનું વર્ચસ્વ હતું. સામાન્ય મુસલામાન કાં તો ખેડૂત હતો, કાં તો ખેતમજૂર કે કારીગર હતો. એમની રાજકીય ચેતના જમીનદારોથી દોરવાતી હતી. ૧૮૫૭ના વિદ્રોહ પછી મુસલમાન સમાજે પશ્ચિમી જગતની આધુનિક રીતરસમોનો સ્વીકાર કરવામાં પણ ઘણો વિલંબ કર્યો. હિન્દુઓ તો નવી તકોનો લાભ લઈને આગળ નીકળી ગયા. મુસલમાનોમાં પણ સર સૈયદ અહમદ ખાન જેવા નેતાઓએ સુધારાની ચળવળ ચલાવી અને શિક્ષણનો પ્રચાર કર્યો, પરંતુ રાજકીય રીતે એમણે મુસલમાનોને જમીનદારોથી અલગ કશું વિચારવાની મનાઈ કરી. આમ શહેરી મુસ્લિમોમાં પણ પ્રતિક્રિયાવાદી વલણ ચાલુ રહ્યું. એમણે મુસલમાનોને સામંતવાદી પ્રભાવમાંથી મુક્ત કરીને મોટે પાયે કોંગ્રેસના સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર દર્શાવી.

અશરફનો વ્યૂહ

કે. એમ. અશરફે MMCPના ચેરમૅન તરીકે આની વિશેષ છણાવટ કરી. (નોંધઃ આજે પણ એનું મહત્ત્વ ઓછું નથી થયું એટલે વિગતવાર જોવાનું અગત્યનું છે). ૧૯૨૧માં ગાંધીજીએ ખિલાફત આંદોલનમાં હિન્દુઓ અને મુસલમાનોને એક કરીને સામ્રાજ્યવાદી સત્તા સામે બહુ મોટો પડકાર ફેંકી શક્યા હતા. અશરફને લાગ્યું કે તે પછી ફરીથી હિન્દુ-મુસ્લિમ સંયુક્ત મંચ બનાવીને અંગ્રેજ હકુમતની હકાલપટ્ટી કરીને આર્થિક અને રાજકીય આઝાદી મેળવવાની મોટી તક ૧૯૩૭ના ‘ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ’ દ્વારા ઊભી થઈ છે.

૧૯૨૯ની મહામંદીમાંથી દુનિયાનાં અર્થતંત્રો હજી બહાર આવી શકતાં નહોતાં. ભારત એમાં બહુ ખરાબ રીતે સપડાયેલું હતું. દેશના અર્થતંત્રની પાયમાલી દરેક ઘરને સીધી જ સ્પર્શી ચૂકી હતી. અશરફે દેખાડ્યું કે મહામંદી પોતે જ મૂડીવાદી વ્યવસ્થાના તીવ્ર બનતા આંતર્વિરોધનું પરિણામ હતી. આના ભાર નીચે કોઈ પણ સમાજ પોતાની મૂળ સ્થિતિ ટકાવી શકે તેમ નહોતો. એમણે જોયું કે ભારતમાં સમાજવાદી રાજ્યવ્યવસ્થા સ્થપાય તેવા બધા જ સંજોગો હતા, અને કહ્યું કે માનવજાત હવે હેવાનિયત ( જાનવરનાં લક્ષણો)થી આગળ વધીને ઇન્સાનિયત તરફ વળતી હતી.

અશરફે ૧૯૨૧ની સફળતાની સાથે એમાં થયેલી ભૂલોની પણ ચર્ચા કરી. એમણે કહ્યું કે મુસ્લિમ જાગરણનો આધાર એમનાં આર્થિક અને રાજકીય હિતોમાં હોવો જોઈએ. આના માટેના નવા કાર્યક્રમમાં ભૂમિહીન લોકોને જમીન, ખેતજમીનના ગણોતના હકોનું રક્ષણ, મજૂરોને યોગ્ય વેતન, એમના કામના સંયોગો સુધારવા, રોજગાર આપવો અને ગરીબાઈ અને ભૂખમરામાંથી મુક્તિના સિદ્ધાંતોને આધારે ચલાવવો જોઈએ.

કોમની નવી વ્યાખ્યા

અશરફે મુસ્લિમ કોમની નવી વ્યાખ્યા આપી. એમણે “ઇસ્લામમાં માનનારા લોકોનો સમૂહ” એવો અર્થ માનવાનો ઇનકાર કર્યો. એમણે કહ્યું કે આવા કોઈ સમૂહની અલગ રાજનીતિ કે સંસ્કૃતિ હોઈ ન શકે. મુસલમાનોમાં સ્વાભાવિક રીતે જ એકતા હોય, અને દરેક મુસલમાનનું આર્થિક કે રાજકીય હિત એક જ હોય એમ સ્વીકારવા અશરફ તૈયાર નહોતા. એક મુસલમાન ખેડૂત અને એક મુસલમાન જમીનદારનાં હિતો સમાન નથી; એમના વર્ગોનાં હિતો સાથે જોડાયેલાં છે.

મુસ્લિમ લીગ વિશે અશરફના વિચારો

અશરફે કહ્યું કે કુલીન વર્ગના જમીનદારોએ ૧૯૦૭માં લીગની સ્થાપના કરી તે વખતથી જ એના નેતાઓએ પ્રગતિવાદી ભૂમિકા ભજવી નથી અને જન-આંદોલનનો નવો તબક્કો શરૂ થશે તો એમનું વલણ કઈ તરફ ઢળશે તે કહેવું મુશ્કેલ નથી. અશરફની નજરમાં મુસ્લિમ લીગ બ્રિટિશ વસાહતવાદીઓની એજન્ટ હતી અને મુસ્લિમોની ક્રાન્તિકારી ચેતનાને હિન્દુઓ સાથેના ગૃહયુદ્ધમાં વાપરવા માગતી હતી. એમણે બંગાળની મુસ્લિમ લીગની પ્રાંતીય સરકારનું નક્કર ઉદાહરણ આપીને દેખાડ્યું કે બંગાળમાં નાગરિક અધિકારોને કચડી નાખવામાં આવ્યા છે, રાજકીય કેદીઓ જેલમાં જ છે અને સરકારે ખેડૂતો કે મજૂરોની હાલત સુધારવાનો કોઈ કાર્યક્રમ તૈયાર નથી કર્યો. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો એકમાત્ર હેતુ કોંગ્રેસના નેતૃત્વ નીચે ચાલતા સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનને તોડી પાડવાનો હતો. એમણે આક્ષેપ કર્યો કે મુસ્લિમ લીગ રાજનીતિનું “આભાસી” દૃશ્ય રજૂ કરે છે; લીગના નેતાઓ “કવિતાઓ, જૂઠા ઇતિહાસ અને એવી ઘણી બીજી પ્રભાવિત કરે એવી” વાતો કરીને એવી છાપ ઊભી કરવા મથે છે કે તેઓ પોતે એકલે હાથે ભારતની આઝાદી પ્રાપ્ત કરી શકે છે અને તે સાથે મજબૂત રાષ્ટ્રનું પણ નિર્માણ કરી શકે છે.

અશરફની મુશ્કેલીઓ

પરંતુ ખિલાફત પછી કોંગ્રેસથી અલગ થઈ ગયેલા મુસલમાનોને ફરી કોંગ્રેસમાં લાવવાનું કામ પાર પાડવાનું કામ બહુ અઘરું નીકળ્યું. અશરફે કબૂલ્યું કે કોંગ્રેસમાં હિન્દુ માનસિકતા છવાયેલી છે. હિન્દુ મૂડીવાદી વર્ગનું કોંગ્રેસમાં વર્ચસ્વ હોવાથી આખી કોંગ્રેસ સંસ્થા તરીકે બદનામ થઈ છે અને એ હિન્દુ સંગઠન હોવાની છાપ ઊભી થઈ છે. આમ છતાં, એમણે એ પણ દેખાડ્યું કે કોંગ્રેસમાં હિન્દુ મૂડીપતિઓનું વર્ચસ્વ હોય એવું હવે (૧૯૩૭માં) નથી. એમાં અનેક જાતના વર્ગોના પ્રતિનિધિઓ છે. આવું દેખાડીને એમણે મુસલમાનોને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી.

નવી સાંસ્કૃતિક અને રાજકીય ભાષા

અશરફે MMCPના ચેરમૅન તરીકે મુસ્લિમ લીગ પર માત્ર આર્થિક દૃષ્ટિએ નહીં પણ સાંસ્કૃતિક અને રાજકીય દૃષ્ટિએ પણ પ્રહારો કર્યા. એમણે મધ્યકાલીન મુસ્લિમ સભ્યતા અને આજની મુસ્લિમ સભ્યતા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરતાં કહ્યું કે બાદશાહોના જમાનામાં મુસલમાનોમાં વિવિધતા જીવંત રહી હતી – રબી, ફારસી, ચીની, તાર્તારી, એ બધી મુસલમાનોની ભાષાઓ હતી. મુસલામાનો પાશ્ચાત્ય, પૌર્વાત્ય, કોઈ પણ પોષાક પહેરતા. અલગ અલગ ફિરકાઓ પણ હતા – શિયા. સુન્ની, ખારિજી વગેરે. સૌ પોતપોતાના રિવાજો પાળતા. પરંતુ સર સૈયદ અહમદની આગેવાની હેઠળના જમીનદાર આભિજાત્ય વર્ગે આ બધા ભેદોને દબાવી દીધા. આ વર્ગ એટલો નબળો હતો કે કોઈ મુસલમાન ગાંધી ટોપી પહેરે કે કોઈ હિન્દુ હિન્દીનો પ્રચાર કરે તો એને ભય લાગતો હતો. અશરફે અઘરામાં અઘરી ઉર્દુ બોલનારા, અમુક જાતનો ડ્રેસ પહેરનારા મુસલમાનોને ‘ટકસાલી’ (ટંકશાળમાં ઢાળેલા સિક્કા જેવા) મુસલમાન ગણાવ્યા. એમણે કહ્યું કે ૧૮૫૭ પછી બાદશાહતનો અસ્ત થયો અને એ પાછી આવે તેમ નથી, હવે એક મિશ્રિત સભ્યતાનો વિકાસ થયો છે.

આને પગલે નવા મુસ્લિમ આગેવાનોએ હિન્દી કે ઉર્દુને બદલે, સામાન્ય લોકો બોલતા હોય તેવી ‘હિન્દુસ્તાની’નો પ્રચાર શરૂ કર્યો. ડૉ. ઝાકિર હુસેન જેવા શિક્ષણકારોએ જામિયા મિલ્યા સંસ્થાનો (અલીગઢના જવાબમાં) વિકાસ કર્યો. પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના થઈ, જેમાં હિન્દુ અને મુસલમાન લેખકો અને શાયરો મોટી સંખ્યામાં જોડાયા.

અશરફના આ ‘હુમલા’થી મુસ્લિમ લીગ ડઘાઈ ગઈ અને એણે વળતા હુમલા માટે કમર કસવા માંડી. એના વિશે હવે પછી વાત કરશું. વેંકટ ધૂલિપાલાના પુસ્તકમાં આ બહુ મહત્ત્વનો ભાગ છે એટલે બુધવારે ચૂકશો નહીં.

રજૂઆતઃ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૧૫ :

A poor Muslim Woman files a suit in SC against the talaq rules

મુસ્લિમ પર્સનલ લૉ મુસ્લિમ સમાજના સામાજિક જીવનનાં ધારાધોરણોને શબ્દબદ્ધ કરે છે. એમાં માન્ય રખાયેલા તલાકના નિયમો વિરુદ્ધ એક ગરીબ તલાકશુદા મુસલમાન સ્ત્રી સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે અને છુટાછેડાના મુસ્લિમ કાયદાઓને રદ કરવાની માગણી કરી છે.

ઉત્તરાખંડના કાશીપુરની શાયરાબાનો એક નીચા દરજ્જાના સરકારી કર્મચારીની દીકરી છે. ૨૦૦૨માં એનાં લગ્ન શરીઅત કાનૂન પ્રમાણે અલ્હાબાદના રિઝવાન અહમદ સાથે થયાં. લગ્ન પહેલાં બાપે શાયરાનાં સાસરિયાંને દહેજ પણ આપ્યું. લગ્ન પછી પણ રિઝવાન અને એનાં માબાપની દહેજ માટેની માગણી ચાલુ રહી અને હવે કાર અને રોકડા રૂપિયાની માગણી પણ ઉમેરાઈ ગઈ. શાયરા સાથે મારપીટ રોજની વાત થઈ ગઈ. એને કોઈ દવા પિવડાવી દેતાં, જેથી શાયરા બેહોશ થઈ જતી અને એ પોતાની યાદશક્તિ લગભગ ખોઈ ચૂકી છે. ઍપ્રિલ ૨૦૧૫માં શાયરા માબાપ સાથે રહેવા ચાલી આવી. હવે એ શારીરિક પીડાઓ અને દવાઓને કારણે બીમાર રહેવા લાગી છે.

તે પછી, રિઝવાને એને ત્રણ વાર ‘તલાક’ બોલીને એને છૂટાછેડા આપી દીધા અને ગયા વર્ષના ઑક્ટોબરમાં તલાકનું સોગંદનામું પણ મોકલી આપ્યું.

શાયરાએ પોતાની અરજીમાં પહેલાંના કેસોનો હવાલો આપીને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે પતિ દ્વારા અપાતા એકતરફી છૂટાછેડા અને બીજાં લગ્ન સામે પત્ની માટે કોઈ બચાવ નથી. કોર્ટે આ કેસોમાં કહ્યું છે કે બહુપત્નીત્વની પ્રથા સમાજનાં નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે અને જેમ સરકાર માનવબલિ કે સતીના રિવાજોને રોકી શકી છે તો બહુપત્નીત્વની પ્રથાને પણ રોકી શકે છે.

ખુરશીદ અહમદ ખાન વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય (૨૦૧૫)8SCC 439 માં તો સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે કોઈ ધર્મ (સંપ્રદાય કે પંથ) અમુક રીતરસમની છૂટ આપે અથવા એની મનાઈ ન કરે, માત્ર એ જ કારણથી એવી કોઈ રીતરસમ અનિવાર્ય ધાર્મિક ફરમાન નથી બની જતી. છૂટ મળી હોય તેને ધર્મના ફરજિયાત આદેશનો દરજ્જો ન આપી શકાય.

સુપ્રીમ કોર્ટે પહેલાં જ કહ્યું છે કે બહુપત્નીત્વ ધર્મનું (અહીં ઇસ્લામનું) અવિભાજ્ય અંગ નથી. વળી બંધારણની કલમ ૨૫ દ્વારા માત્ર ધાર્મિક આસ્થાને રક્ષણ અપાયું છે, પરંતુ સાર્વજનિક વ્યવસ્થા, નૈતિકતા કે સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા રીતરિવાજને રક્ષણ નથી મળતું.

ભારતના મુસ્લિમ પર્સનલ કાનૂનોમાં તલાક-એ-બિદત અથવા તલાક-એ-બદાઈના રિવાજને માન્યતા આપવામાં આવી છે. એના પ્રમાણે મુસ્લિમ પતિ પત્નીને એક ‘તુહર’ ( બે માસિક ધર્મ વચ્ચેનો ગાળો)મા એકથી વધારે વાર ‘તલાક’ કહીને છૂટાછેડા આપી શકે છે. અથવા તો શારીરિક સમાગમ અને તે પછી તરતના તુહરમાં એકથી વધારે વાર ‘તલાક’ કહી દે તો એ છૂટાછેડા તરીકે માન્ય ગણાય. ત્રીજી રીત એ છે કે પતિ એકીસાથે ત્રણ વાર ‘તલાક’ બોલી દે. આ છુટાછેડા અંતિમ સ્વરૂપના છે, જેમાંથી પાછાં પગલાં ન ભરી શકાય. એને ‘તલાક-એ-બિદત’ કહે છે.

શાયરા આ પ્રકારના તલાક વિશે કહે છે કે આમાં સ્ત્રીને સંપત્તિ જેવી ગણવામાં આવે છે જે માનવ અધિકારો અને સ્ત્રી-પુરુષ સમાનતાના આધિનિક ખ્યાલો સાથે સુસંગત નથી અને બીજી બાજુથી એ ઇસ્લામનૂં અનિવાર્ય અંગ પણ નથી.

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને ઇરાક જેવા મુસ્લિમ દેશોએ કાં તો આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો છે, ક્યાં તો તેના પર નિયંત્રણો મૂક્યાં છે. પરંતુ, ભારતમાં હજી એ ચલણમાં છે. ખાસ કરીને નબળા આર્થિક વર્ગની મુસ્લિમ સ્ત્રીઓ અને એમનાં બાળકોની જિંદગી એના કારણે બરબાદ થઈ જાય છે.

પતિપત્ની વચ્ચે સમાધાન માટે યોગ્ય પ્રયાસ થતો નથી હોતો, જે દરેક મુસ્લિમ મહિલાના ગરિમામય જીવન જીવવાના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે.

તે ઉપરાંત પતિએ નશામાં ત્રણ વાર તલાક કહી દીધું હોય તો એ ફરી પોતાની પત્નીને પાછી લઈ શકતો નથી. એના માટે સ્ત્રીએ ‘નિકાહ હલાલ;નો આશરો લેવો પડે છે. એટલે કે એ સ્ત્રી બીજા પુરુષ સાથે પરણે અને એનો નવો પતિ એને તલાક આપે તે પછી જ એ પોતાના મૂળ પતિ સાથે ફરી પરણી શકે છે.

કેટલાયે વિદ્વાનો માને છે કે તલાક-એ-બિદતને કુરાન શરીફમાં માન્યતા નથી. કુરાન પતિપત્ની વચ્ચે સમજણ કેળવવા પર ભાર મૂકે છે.

અસગર અલી એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે માત્ર તલાક-એ-અહેસાન જ તલાકનું માન્ય રૂપ છે. આમાં પતિપત્નીને અલગ થવા માટે ત્રણ મહિનાનો સમય મળે છે. આ દરમિયાન તેઓ સમાધાન પણ કરી શકે છે. અરજી વધુમાં જણાવે છે કે રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મુસ્લિમ કાનૂનોના વિદ્વાન પ્રોફેસર મહેમૂદ તાહિર પણ તલાક-એ-બિદતને માન્ય ગણતા નથી. પરંતુ મૌલવીઓ મુસ્લિમ સમાજમાં સુધારાઆઓને રોકી બેઠા છે એટલે ન્યાયતંત્રે આગળ આવવાની જરૂર છે. મૌલાના મહંમદ અલીએ કુરાનશરીફની મીમાંસા કરતાં કહ્યું છે કે બહુ જ યોગ્ય કારણ વિના તલાક ન આપી શકાય અને એમાં પણ પતિ અને પત્ની વચ્ચે સમાધાન થાય એવા ઉપાયો કરવા જ જોઈએ.

શાયરા બાનોની અરજી કહે છે કે બહુપત્નીત્વ, તલાક-એ-બિદત અને નિકાહ હલાલા જેવી પ્રથાઓ મુસ્લિમ સ્ત્રીઓની વિરુદ્ધ જાય છે અને એ ભારતના બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧ અને ૨૫માં અંકિત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે ખ્રિસ્તીઓ, પારસીઓ અને હિન્દુઓ (બૌદ્ધ, જૈન, શીખ સહિત) ના આ વિષયના કાયદાઓમાં ફેરફાર કરીને બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ મુકાયો છે. પરંતુ મુસ્લિમ સ્ત્રીઓ એવા રક્ષણથી વંચિત છે.

તે પછી, કેરળના પ્રોગ્રેસિવ મુસ્લિમ વિમેન ફૉરમ (NISA)એ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સંસ્થા કેરળના કોળીકોડ જિલ્લામાં સ્ત્રીઓના નાગરિક અને લગ્ન વિષયક અધિકારો માટે કામ કરે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતે જ પોતાના તરફથી એક ‘પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન’ (PIL) શરૂ કરી છે. હવે ૨૮મી માર્ચે એના પર સુનાવણી થવાની છે.

0-0-0

આ રિટ અરજીની નકલ આ સાથે મૂકી છે.

Shayara Bano – Writ Petition – Maari Baari (62) – 18032016

0-0-0

સંદર્ભઃ

SC issues notice to Centre on triple talaqKrishnadas Rajgopal – The Hindu 1st March, 2016

More Muslim women join cause with SC’s PIL for gender parity – Legal Correspondent – The Hindu, 8th March, 2016

“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (2)

ભારતના ભાગલાઃ પુસ્તક

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

ભારતના ભાગલાની ચર્ચા કરવી હોય તો ઉત્તર ભારતના આગરા અને ઔધ (અવધ) પ્રદેશોની ઘટનાઓની ચર્ચા અનિવાર્ય છે. આ પ્રદેશોને જોડીને વિદેશી હકુમતે United Province (U. P.- યુક્ત પ્રાંત) બનાવ્યો હતો. આજે પણ સામાન્ય જનની સામાન્ય સમજનો ઇતિહાસ ભારતના ભાગલાના બીજ યુક્ત પ્રાંતમાં જ વવાયાં હોવાનું માને છે. ઘણા, ઓગણીસમી સદીમાં, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ સુધી જાય છે, તો ઘણા છેક ત્યાં સુધી ન જતાં એમ માને છે કે ૧૯૨૮નો કોંગ્રેસનો ‘નહેરુ રિપોર્ટ’ મુસ્લિમ અલગતાવાદ માટે ખાતરનું કામ કરી ગયો.

(નહેરુ રિપોર્ટ વિશે પ્રાથમિક માહિતી અને એના સંદર્ભ માટે આયેશા જલાલના પુસ્તક વિશે લખેલા પહેલા લેખમાંજિન્નાના ૧૪ મુદ્દાવિભાગ વાંચો. અહીં ક્લિક કરો).

તે પહેલાં ૧૯૨૦ના અસહકાર આંદોલનમાં તો મુસલમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો (ગાંધીજીએ અસહકારના આંદોલન સાથે ખિલાફત માટેના આંદોલનને પણ જોડ્યું હતું), પણ મોતીલાલ નહેરુના આ રિપોર્ટ પછી ૧૯૩૦-૩૩ દરમિયાન કોંગ્રેસે કરેલાં (દાંડી કૂચ વગેરે) આંદોલનોમાં મુસલમાનોનો ઉત્સાહ મોળો રહ્યો.

૧૯૨૮ પછી કેળવાયેલી આ અલગતાની ભાવનાને ભારતના ભાગલાની તાર્કિક કડી માનનારા ઘણા છે, પરંતુ તે પછી, ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ આવ્યો ( એક રીતે બંધારણ હતું). અને તેના પ્રમાણે ૧૯૩૭માં સ્થાનિક ચૂંટણીઓ થઈ તેમાં તો હિન્દુઓ અને મુસલમાનો આ બધું ભૂલી ગયા હતા અને સ્થાનિક રીતે ધર્મના ભેદભાવ વિના, માત્ર જીતવાની તકો સુધારવા માટે એકબીજા સાથે જોડાણો કરવા લાગ્યા હતા. વિચારસરણી પણ ઘણી જગ્યાએ કામ કરતી હતી, પરંતુ મુખ્યત્વે તો હારજીતના હિસાબ જ સૌને પ્રેરતા હતા. માત્ર યૂ. પી.માં જ નહીં, બ્રિટિશ ઇંડિયાના બધા પ્રાંતોમાં આ વલણ જોરમાં હતું. બ્રિટને ૧૯૩૫ના કાયદાની જે ચાલ ભારતીય રાજકીય શતરંજમાં ચાલી હતી તેની અસરોનો અનુકૂળ જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે પણ નેતાઓ વચ્ચે, દાખલા તરીકે, કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જિન્ના વચ્ચે, પણ મંત્રણાઓ થઈ.

૧૯૩૫નો કાયદો અને મુસ્લિમ મતમાં તડાં

૧૯૩૫ના કાયદા સાથે જનતાના પ્રતિનિધિઓના હાથમાં સત્તા સોંપવાની શરૂઆત થઈ, એમ મનાય છે. પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ હતી અને કેટલી સત્તાઓ બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી તેને બદલે પ્રધાનોને સોંપવામાં આવી. પરંતુ તેને જાણે સરભર કરવા માટે દિલ્હીમાં દ્વિમુખી પદ્ધતિ શરૂ થઈ ગઈ. વાઇસરૉય અને એના અધિકારીઓના હાથમાં મહત્ત્વની સત્તાઓ હતી અને એ સીધા જ બ્રિટનની સંસદને જવાબદાર હતા. આમ ૧૯૩૫નો કાયદો ખરેખર લોકોના હાથમાં સત્તા સોંપવા માટે નહીં પણ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલતા આંદોલનને નબળું પાડવા માટે બન્યો હતો.

આ કાયદામાં કોંગ્રેસની ‘પૂર્ણ સ્વરાજ’ની માગણી તો બાજુએ રહી, ‘ડોમિનિયન સ્ટેટસ’નો પણ ઉલ્લેખ નહોતો. વાઇસરૉય લિન્લિથગોએ તો કબૂલ્યુંય ખરું, કે સરકાર અખિલ ભારતીય ક્રાન્તિના વાહન તરીકે કોંગ્રેસની અસરને નબળી પાડવા માટે પ્રાંતીય સ્વાયત્તતા પર ભાર આપે છે. સરકાર માનતી હતી કે પ્રાંતોમાં કોંગ્રેસીઓ અંદરોઅંદર જ સત્તાની સાઠમારીમાં અટવાઈ જશે.

બીજી બાજુ મુસ્લિમ લીગ માટે પણ આ કાયદાની અસરો બહુ મહત્ત્વની હતી. આયેશા જલાલ (અને અનિલ સીલ)ના બીજા એક પુસ્તકને ટાંકીને વેંકટ ધૂલિપાલા કહે છે કે આ કાયદો આવતાં મુસલમાનોમાં ફાંટા પડી ગયા. મુસ્લિમોની લઘુમતી હતી તેવા – યુક્ત પ્રાંત વગેરે – પ્રાંતોના મુસલમાનોએ એનો વિરોધ કર્યો. પરંતુ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો (પંજાબ અને બંગાળ)માં મુસલમાન જમીનદારોએ કાયદાની જોગવાઈઓને આવકારી કારણ કે એમને વધારે સત્તાઓ મળતી હતી. તે ઉપરાંત ‘કોમી ચુકાદા’ને કારણે અલગ મતદાર મંડળો બનતાં પંજાબમાં મુસલમાનોની સ્થિતિ વધારે મજબૂત બનતી હતી.

. પંજાબમાં યૂનિયનિસ્ટ પાર્ટીની રચના

આ કાયદો આવ્યો તે પહેલાં લઘુમતી મુસ્લિમો માટે બહુમતી મુસ્લિમ પ્રાંતોએ ઘણું છોડી દેવું પડતું હતું. પરંતુ હવે પ્રાંતમાં વધારે સત્તા મળતી હોવાથી પંજાબના ફઝલે હુસેન જેવા નેતા આ તક જવા દેવા નહોતા માગતા. ફઝલે હુસેન પહેલાં કોંગ્રેસમાં હતા પણ ગાંધીજીએ ૧૯૨૦માં અસહકારનું આંદોલન શરૂ કર્યું તેને ‘બિનસંસદીય’ ગણાવીને એમણે કોંગ્રેસ છોડી દીધી હતી. એમણે પંજાબમાં ‘યૂનિયનિસ્ટ પાર્ટી’ની રચના કરી. એમાં આમ તો મુસ્લિમ જમીનદ્દારો હતા. તે ઉપરાંત હિન્દુ અને શીખ જાટ જમીનદારોને પણ સમાવી લીધા. એમની દલીલ હતી કે કોમી ચુકાદાને કારણે મુસલમાનોની સ્થિતિ તો મજબૂત રહેવાની જ છે, એટલે આર્થિક મુદ્દા પર નવી પાર્ટી બનાવવાથી કશું નુકસાન નથી થવાનું,

ફઝલે હુસેને અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કરવાનો પણ વિરોધ કર્યો. એમનું કહેવું હતું કે આખા દેશ માટે એક કોમી પાર્ટીની જરૂર નથી. એમના મિત્ર આગા ખાને પણ ફઝલે હુસેનને ગમે તેવું નિવેદન કર્યું કે કોઈ દેશવ્યાપી કોમી પાર્ટી બનાવવાની જરૂર નથી, જુદી જુદી જગ્યાએ નાનાં જૂથો બનવાં જોઈએ અને આર્થિક મુદ્દાઓ હાથમાં લઈને સામાન્ય લોકોની હાલત સુધારવાના પ્રયાસ કરવા જોઈએ.

. યૂ. પી.માં નવી પાર્ટી

યુક્ત પ્રાંતમાં નવી ‘નૅશનલ ઍગ્રીકલ્ચરિસ્ટ પાર્ટી’ (NAP) બનાવવામાં આવી. યૂનિયનિસ્ટ પાર્ટીને ધ્યાનમાં રાખીને જ એની રચના કરવામાં આવી હતી, એટલે એમાં હિન્દુ જમીનદારો પણ હતા. સિંધના મુસ્લિમ નેતા અને મોટા વેપારી હાજી શેઠ અબ્દુલ્લાહ હારુને કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાથી મુસ્લિમોની સંગઠિતતા પર અવળી અસર નહીં પડે; ઉલટું, પરસ્પર કોમી સદ્‌ભાવ વધશે.

આ બધા મુસ્લિમ નેતાઓ માનતા હતા કે એક વાર પ્રાંતોમાં ચૂંટણી થઈ જાય, એમનું વર્ચસ્વ સ્થપાય અને વગ વધે તે પછી દેશવ્યાપી ધોરણે નેતાગીરી હાંસલ કરવાના પ્રયાસ કરતા જિન્નાની દોરવણી હેઠળની ઑલ ઇંડિયા મુસ્લિમ લીગ (AIML) પર કબજો જમાવવાનું સહેલું થઈ જશે. ત્યાં સુધી મુસ્લિમ મતોમાં તડાં પડે તો ભલે પડે. એટલે જ ૧૯૩૬ના ફેબ્રુઆરીમાં AIMCની કૉન્ફરન્સ મળી તેમાં આગા ખાને કહ્યું કે AIMC અને લીગના જોડાણ પર ફઝલે હુસેને વિચાર કર્યો છે અને ઍસેમ્બલીની ચૂંટણી પછી એમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.

. યૂ. પી.માં કોંગ્રેસ તરફી મુસ્લિમ મત

૧૯૩૩માં યુક્ત પ્રાંતમાં મુસ્લિમોના આ સામાન્ય પ્રવાહની વિરુદ્ધ એક નવું વહેણ ફૂટ્યું. કેટલાક મુસ્લિમો એકઠા થયા અને એમણે મુસ્લિમ યૂનિટી બોર્ડ (MUB)ની રચના કરી. યૂ. પી.ની આ સૌથી જોરાવર પાર્ટી હતી. એમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા મુસલમાનો અને જમિયત-ઉલ-ઉલેમા-એ-હિન્દના ઉલેમા હતા. MUBના જનરલ સેક્રેટરી ખલિક-ઉઝ-ઝમાને કોંગ્રેસના રાંચી અધિવેશનમાં એક ઠરાવ રજૂ કર્યો, જેના પરિણામે કોંગ્રેસ સ્વરાજ પાર્ટીનો જન્મ થયો. MUB કોંગ્રેસનું બગલબચ્ચું છે એવા આક્ષેપો થતા રહ્યા પણ એનો પ્રભાવ એટલો બધો હતો કે ૧૯૩૪ની ચૂંટણીમાં MUBએ કોંગ્રેસ સાથે રહીને સેન્ટ્રલ ઍસેમ્બલીની અડધોઅડધ સીટો જીતી લઈને NAP અને મુસ્લિમ લીગને જબ્બર હાર આપી હતી.

જિન્નાનો પ્રવેશ

આ સ્થિતિમાં ચાર વર્ષ લંડનમાં ગાળીને જિન્ના પાછા ફર્યા. મુસ્લિમ લીગના એ નવા પ્રમુખ હતા. લીગમાં આંગળીને વેઢે ગણાય એટલ સભ્ય હતા, કોઈ સભ્ય ફી આપતા નહોતા. એમણે સૌથી પહેલાં તો કોંગ્રેસની સાથી પાર્ટી MUBનો સંપર્ક કર્યો. MUB સમક્ષ એમણે જાહેર કર્યું કે મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રવાદી ભાવના વિકસાવવા અને બધા જ પ્રાંતોના મુસ્લિમોને સંગઠિત કરવાનું એમનું લક્ષ્ય હતું.

કોંગ્રેસ એ વખતે જમણેરીઓના હાથમાં હતી. જિન્નાએ કોંગ્રેસ સાથે એમનો મેળ ક્યાં બેસે છે તે સ્પષ્ટ કરી દીધું અને કોમી ચુકાદાને બદલે હિન્દુ-મુસ્લિમ સમાધાનની નવી કોઈ ફૉર્મ્યૂલા પર વિચાર કરવાની તૈયારી દેખાડી. કોમી ચુકાદાને કારણે અલગ મતદાર મંડળો ઊભાં થયાં હતાં તેની સામે કોંગ્રેસને સખત વાંધો હતો. કોમી ચુકાદો કોંગ્રેસની નજરે એકત્રિત ભારતીય રાષ્ટ્રવાદમાં આડે આવતો હતો. તે ઉપરાંત,૧૯૩૬માં મુંબઈમાં લીગનું સમેલન મળ્યું તેમાં પણ જિન્નાએ કોંગ્રેસને પસંદ આવે તેવી વાત કરી. ‘ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ’ની ટીકા કરતાં એમણે “જર્મનોએ વર્સાઈ (Versailles)ની સંધિના જે હાલ કર્યા હતા તેવા જ હાલ” આ કાયદાના કરવાની હિંદવાસીઓને સલાહ આપી. (નોંધઃ પહેલા વિશ્વયુદ્ધ પછી ૧૯૧૯માં સાથી દેશો અને જર્મની વચ્ચે વર્સાઈમાં સંધિ થઈ. એમાં જર્મની યુદ્ધની તારાજી બદલ .. અબજ ડૉલર ચૂકવે અને લશ્કરી ક્ષમતા વધારે એવી શરતો હતી. હિટલરે આવીને ૧૯૩૪ના અરસામાં બધી શરતો તોડી નાખી).

જિન્નાએ કોંગ્રેસના જમણેરીઓને ખુશ કરવા માટે કહ્યું કે આ બંધારણની પ્રાંતિક યોજનામાં બહુ મોટી ખામીઓ છે અને પ્રધાનમંડળ કે ધારાસભાને તદ્દન બિનઅસરકારક બનાવી દેવાયાં છે તેમ છતાં, એનો ઉપયોગ કરવો જોઈએ. સરકાર સામે સશસ્ત્ર બળવો કરી શકાય એમ નથી અને અસહકાર વગેરે આંદોલનોની ખાસ અસર નથી એટલે ધારાસભામાં જઈને બંધારણીય આંદોલન કરવું એ જ રસ્તો બચે છે. કોંગ્રેસમાં ગાંધીજીના આંદોલનકારી રસ્તા પસંદ ન કરનારા બંધારણવાદીઓના કાન માટે તો આ સંગીત હતું.

જિન્નાના કહેવા મુજબ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રયાસો પહેલાં થયા તે નિષ્ફળ જવાનું કારણ એ કે માત્ર ટોચના નેતાઓ વચ્ચે સમજૂતીઓ થતી હતી હવે એમના નેતૃત્વ હેઠળ નવી લીગ બન્યા પછી “અમે મજબૂત બ્લૉક બનાવી શકશું કે જે હિન્દુઓ સાથે ચાલીને દેશને આઝાદી અપાવી શકે”. આ કામ તો યૂ. પી.થી જ શરૂ થઈ શકે, જે જિન્નાના શબ્દોમાં “મુસ્લિમ ભારતનું હૃદય” હતું.

લીગનું પાર્લામેન્ટરી બોર્ડ બનાવવા સામેના અવરોધો

આના પછી જિન્નાએ યુક્ત પ્રાંત માટે મુસ્લિમ લીગના પાર્લમેન્ટરી બોર્ડની રચના કરી. MUB પાર્ટી મુસ્લિમ લીગમાં ભળી ગઈ હતી. પરંતુ આ કામ સહેલું નહોતું.

બિજનૌરનું અખબાર ‘મદીના’ રાષ્ટ્રવાદી મુસ્લિમોની સાથે હતું. એણે લખ્યું કે મુસ્લિમ લીગનું મહત્ત્વ તો ૧૯૧૮માં મરી પરવાર્યું .હવે એમ કહી શકાય કે લીગ મૃત નથી કે જીવિત પણ નથી. જિન્નાનાં મનમસ્તિષ્ક વિના આજે પણ લીગનું અસ્તિત્વ નથી. એની ઑફિસો કે શાખાઓ ક્યાં છે તેની પણ કોઈને ખબર નથી. એના હેતુઓ અને લક્ષ્ય શું છે તે પણ કોઈ જાણતું નથી. સંજોગોમાં લીગને જીવંત રાખવા માટે કોમ કંઈ કરી શકે તેમ નથી અને લીગ કોમ માટે કંઈ કરી શકે તેમ નથી. જિન્ના બહુ આગળપડતા નેતા છે, પરંતુ તેઓ સક્રિય કોમની સાથે ચાલી શકે તેમ નથી કે કોમ એમની પાછળ ચાલીને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકે તેમ નથી.”

લીગના પ્રાંતિક પ્રમુખ હાફિઝ હિદાયત હુસેને ૧૯૩૫માં યૂ. પી.ની મુસ્લિમ લીગની વાર્ષિક બેઠકમાં એવો મત જાહેર કરી દીધો હતો કે નવી પ્રાંતિક ઍસેમ્બલીમાં કોમના ધોરણે પાર્ટીઓ ન બનાવવી જોઈએ. જિન્ના તો કેન્દ્રીકૃત પાર્ટી બનાવવા માગતા હતા!

એમણે ૧૯૩૬માં દિલ્હીમાં પચાસ અગ્રગણ્ય મુસ્લિમ નાગરિકોને આમંત્ર્યા અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બનાવવાની શરૂઆત કરી દીધી. તે સાથે એમણે પ્રાંતોમાં પણ ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા પાર્લામેન્ટરી બોર્ડો બનાવી નાખ્યાં. યુક્ત પ્રાંતના બોર્ડમા નવ સભ્યો લેવાયા જેમાંથી નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, ખલિક-ઉઝ-ઝમાન, શૌકત અલી, અને મૌલાના હુસેન અહમદ મદની કોંગ્રેસમાં સભ્ય હતા અથવા એ જ અરસામાં છૂટા પડ્યા હતા અને તે પછી MUBમાં આવ્યા હતા. આ ડાબેરી જૂથ હતું. બીજા પાંચ સભ્યો જમણેરી હતાઃ મહેમૂદાબાદના રાજા, છત્તારીના નવાબ, સર મુહંમદ યૂસુફ, નવાબઝાદા લિયાકત અલી ખાન અને સલેમપુરના રાજા. આમાંથી મહેમૂદાબાદના રાજા એકલા જ જિન્નાના ખાસ અંગત સાથી હતા. બીજા ચાર નૅશનલ ઍગ્રીકલ્ચર પાર્ટી (NAP)ના સભ્ય હતા અને લીગમાં જોડાયા પછી પણ એમણે NAP છોડી નહીં. આમ જિન્નાએ તાણીતૂંસીને લીગનું પાર્લામેન્ટરી બોર્ડ જોડી કાઢ્યું.

પરંતુ જિન્નાની મુસીબતોનો અંત નહોતો આવ્યો. MUB અને NAPના સભ્યો વચ્ચે ચકમક ઝરતી રહી. જિન્નાને એમના એકાંતવાસમાંથી બાહાર લાવનાર લિયાકત અલીખાનને MUB ગ્રુપને વધારે પડતું મહત્ત્વ અપાયું હોવાનું લાગતું હતું તો MUB ગ્રુપને છત્તારીના નવાબ સામે વાંધો હતો. એમણે ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સનું પ્રમુખપદ છોડ્યું નહોતું અને તે સાથે હિન્દુ-મુસ્લિમ સંયુક્ત પાર્ટી બનાવવાની વાતો પણ કરતા હતા. છત્તારીના નવાબની દલીલ હતી કે યૂ. પી. “સમાજવાદી અને સામ્યવાદી આંદોલનોનું કેન્દ્ર” ન બની જાય એટલે બધી કોમોની મિશ્ર પાર્ટી બનાવવાનું જરૂરી છે. ખરેખર તો છત્તારીના નવાબ હિન્દુ અને મુસ્લિમ જમીનદારોને એકસાથે રાખવા માગતા હતા!

આ બધી વાતો બહુ રસપ્રદ છે, પરંતુ આપણે એની વિગતોમાં જઈ શકીએ તેમ નથી, એટલું જ કે, જિન્નાની દરમિયાનગીરીથી બન્ને જૂથો ફરી મળ્યાં અને યુક્ત પ્રાંત માટે નવેસરથી ચારસો-પાંચસો ડેલિગેટોને બોલાવીને પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવાનો નિર્ણય લીધો. જિન્નાના ખાસ સાથી મહેમૂદાબાદના રાજા એટલા અકળાઈ ગયા હતા કે એમણે લીગમાં ન આવવાનું નક્કી કરી લીધું.

૧૯૩૭ની પ્રાંતિક ઍસેમ્બલીની ચૂંટણીઃ

૧૯૩૭માં ચૂંટણી થઈ ત્યારે સ્થાનિક જોડાણો તો થતાં જ રહ્યાં. આમ કોંગ્રેસે માલવિયાની ‘કોંગ્રેસ નૅશનલ પાર્ટી’ સાથે હાથ મિલાવ્યા. આ પાર્ટી તો હિન્દુવાદી હતી. બન્ને પક્ષોની સમજૂતી માલવિયારફી સમજૂતી તરીકે ઓળખાઈ. બીજી બાજુ હિન્દુ સભા પણ હતી. કોંગ્રેસ નહોતી ઇચ્છતી કે એના અમુક હિન્દુ મત હિન્દુ સભા પાસે ચાલ્યા જાય, એટલે માલવિયાની પાર્ટી સાથે સહકાર કરવાનું જરૂરી બની ગયું. માલવિયાને પણ એ બહાને કોંગ્રેસમાં પોતાનું સ્થાન મજબૂત બનતું દેખાતું હતું.

અધૂરામાં પૂરું, મુસ્લિમ લીગ અને કોંગ્રેસે પણ અમુક સીટો માટે પરદા પાછળ હાથ મિલાવ્યા હતા. બન્નેની સમાન શત્રુ NAP હતી. જવાહરલાલ નહેરુ પ્રચાર માટે મુસ્લિમ મતવિસ્તારોમાં ગયા ત્યારે જ્યાં કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર ન હોય ત્યાં મુસ્લિમ લીગના ઉમેદવારને મત આપવા અપીલ કરી! પૈસાની લેતીદેતીના આક્ષેપો પણ બહાર આવ્યા. CIDના રિપોર્ટ પ્રમાણે અલ્હાબાદમાં NAPના ઉમેદવાર નવાબ સર મહંમદ યૂસુફને હરાવવા માટે કોંગ્રેસના નેતા રફી અહમદ કિદવઈએ મુસ્લિમ લીગના ઉમેદવાર અબ્દુલ રહેમાનને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. મુસ્લિમ લીગના શૌકત અલી (અને એમના ભાઈ મહંમદ અલી) ખિલાફતની ચળવળમાં ગાંધીજીની સાથે હતા. મુસ્લિમ લીગમાં આવ્યા પછી પણ કહેતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાનો એકઠા થઈને વિદેશી શાસનને પરાસ્ત કરશે.

હિદુ સભાએ જાહેર કર્યું કે એ કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે બધું કરી છૂટશે. હિન્દુ સભા અને NAP વચ્ચે આ માટે સમજૂતી થઈ. હિન્દુ સભાની મદદે દિલ્હીથી હિન્દુ મહાસભાએ ભાઈ પરમાનંદને મોકલ્યા. ફૈઝાબાદમાં કોંગ્રેસના ઉમેદવાર (અને સમાજવાદી નેતા) આચાર્ય નરેન્દ્ર દેવ નાસ્તિક છે, એવો હિન્દુ સભાએ પ્રચાર કર્યો. બીજી બાજુ ‘વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘે મથુરા અને વૃંદાવનમાં કોંગ્રેસ અછૂતોને મંદિર પ્રવેશ કરાવીને હિન્દુ ધર્મનો નાશ કરવા માગે છે એવો પ્રચાર કર્યો!

ધારણા એવી હતી કે કોંગ્રેસ ૮૦ સીટો જીતી શકશે અને NAP બીજા મુસ્લિમો સાથે મળીને સરકાર બનાવશે. પરંતુ કોંગ્રેસે કુલ ૧૫૯ બેઠકો માટે ઉમેદવારો મૂક્યા હતા તેમાંથી એને ૧૩૩ સીટ મળી! જિન્નાના પ્રયાસોને પણ ઠીક ઠીક સફળતા મળી. ૬૬ મુસ્લિમ સીટોમાં મુસ્લિમ લીગને ૨૯ સીટો મળી અને એ સૌથી મોટી મુસ્લિમ પાર્ટી બની. ગવર્નર હેગને બીક હતી કે કોંગ્રેસ કદાચ આખી મુસ્લિમ લીગને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે. પરંતુ એમાં તો કોંગ્રેસનિષ્ઠ મુસલમાનો નારાજ થાય અને શું કરે તે કહી ન શકાય. હેગને લાગ્યું કે ચૂંટણી પછી જે સ્થિતિ ઊભી થઈ છે તેથી શું હિન્દુ-મુસ્લિમ સંબંધો સુધરશે?

૦-૦-૦

હેગને પાછળ જોઈને નક્કી કરવાની તક નહોતી, પણ આપણને એ તક મળી છે. આપણે જાણીએ છીએ કે કોમી સ્થિતિ બગડતી જ ગઈ. યૂ.પી.ની ઘટનાઓની દેશ પર જે અસર પડી તેનું એક એક પત્તું વેંકટ ધૂલિપાલાના આ પુસ્તકની મદદથી ખોલતા રહેશું. હવે મળીએ છીએ ૨૧મી સોમવારે.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૨_૧૪ :

Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala – (1)

ભારતના ભાગલાઃ પુસ્તક

ભારતના ભાગલા વિશેનાં ત્રણ પુસ્તકોના પરિચય માટેની આ શ્રેણીમાં આજે આપણે બીજું પુસ્તક ખોલીએ છીએ. યુવાન લેખક વેંકટ ધૂલિપાલા નૉર્થ કેરોલાઇના, વિલ્મિંગ્ટનમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. Creating a New Medina એમનો મહાનિબંધ છે અને ૨૦૧૫ના ઉત્તમ પુસ્તકોમાં એનું મોખરાનું સ્થાન છે. આ લેખમાળાના પહેલા લેખમાં ત્રણેય પુસ્તકોના લેખકોનો પરિચય આપ્યો છે.

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

પુસ્તકના ‘પરિચય’ (introduction) પ્રકરણની શરૂઆત બહુ રસપ્રદ છે. ધૂલિપાલા લખે છે કે લંડનની બ્રિટિશ લાઇબ્રેરીના ‘ઇંડિયા ઑફિસ કલેક્શન્સ’ વિભાગમાં આખા દિવસની શોધખોળના અંતે એક અસામાન્ય લખાણ હાથે ચડ્યું. કાયદે-આઝમ મહંમદ અલી જિન્ના્નાં અંગત લખાણોની માઇક્રોફિલ્મમાંથી આ લખાણ અચાનક ડોકાયું. એ હાથે લખેલો પત્ર હતો. શાહી પણ ઝાંખી થઈ ગઈ હતી. એ કાયદે-આઝમના આત્મા સાથે, એમનાં મૃત્યુ પછી લગભગ સાત વર્ષે અને પાકિસ્તાનના જન્મ પછી લગભગ આઠ વર્ષે ૧૩મી માર્ચ ૧૯૫૫ના સાંજે ૬ વાગ્યે થયેલી વાતચીતનો એ રિપોર્ટ હતો!

જિન્નાના આત્મા સાથે સંવાદ!

પાકિસ્તાન સરકારે ઇબ્રાહિમ નામના એક પ્રેતવિદ્યાના જાણકારની મદદ લીધી હતી. ઇબ્રાહિમ પોતે પણ જિન્નાના આત્માને હાજર રહેલાઓ વતી આત્માને પ્રશ્નો પૂછવા માટે હાજર હતો. ઇબ્રાહિમને લાગ્યું કે ‘કાયદે આઝમ’ આવી ગયા છે ત્યારે એણે એમને ખુરશીમાં બેસવા કહ્યું. આત્માએ કડકાઈથી જવાબ આપ્યો, “હું બેસી જ ગયો છું.”. ‘જિન્ના’એ ઇબ્રાહિમને યાદ આપ્યું કે પહેલાં પણ આ જ જગ્યાએ એની મુલાકાત થઈ ગઈ છે.ઇબ્રાહિમે એમના ખેરખબર પૂછતાં યાદ આપ્યું કે પહેલી મુલાકાતમાં એમણે કહ્યું હતું કે તેઓ “ઠંડી, અંધારી જગ્યાએ” છે, તો હવે કેમ છે? આત્માએ કહ્યું કે હવે એ ખુશ છે કારણ કે હવે એમની “જગ્યા બહુ સારી છે” અને “એમાં બહુ પ્રકાશ છે અને ફૂલો ઘણાં છે.”. જિન્ના ચેઇન સ્મૉકર હતા એટલે ઇબ્રાહિમે એમને પૂછ્યું કે સિગરેટ પીશો? આત્માએ હા પાડી એટલે એક તારમાં સિગરેટ ગોઠવીને ખુરશી પાસે મૂકવામાં આવી. હવે સવાલજવાબ શરૂ થયા.

ઇબ્રાહિમે પૂછ્યું: “જનાબે આલી, પાકિસ્તાનના સર્જક્ અને પિતા તરીકે તમે દેશને ભવિષ્યનો માર્ગ નહીં દેખાડો?”

આત્માએ કડવાશ સાથે જવાબ આપ્યો, કે હવે પાકિસ્તાનને માર્ગદર્શન આપવાનું કામ એમનું નથી. એટલું કહ્યા પછી આત્માએ કહ્યું કે એની સામે ઘણી વાર પાકિસ્તાન વિશે બહુ ખરાબ દૃશ્યો ઝળકી જાય છે. ઇબ્રાહિમને ચિંતા થઈ. એણે પૂછ્યું “તો તમે નથી માનતા કે પાકિસ્તાનનું ભાવિ ઉજ્જ્વળ છે? ‘જિન્ના’એ ના પાડી અને કહ્યું કે દેશના ભવિષ્ય પર જેમનો કાબૂ હોય તેમના પર લોકોની સમૃદ્ધિનો આધાર છે, પણ કોઈ પણ નિઃસ્વાર્થ બનવા આતુર નથી.”. ઇબ્રાહિમે તો પણ સવાલ ચાલુ રાખ્યો, “પાકિસ્તાનના હમણાંના શાસકોને તમે કંઈ સલાહ આપવા માગો છો?” કાયદેઆઝમના આત્માએ તરત જવાબ આપ્યો, “સ્વાર્થ છોડો, સ્વાર્થ છોડો. બસ, એ જ સલાહ હું આપી શકું”. તે પછી આત્માએ એક સચોટ વિધાન કર્યું: ”એક દેશ મેળવવો સહેલો છે, પણ એને ટકાવી રાખવો એ બહુ કપરું કામ છે. જે પાકિસ્તાન લેવા માટે લોહીની નદીઓ વહેવડાવી તેની અત્યારે આ હાલત છે.”

પાકિસ્તાનની અસ્થિરતા

આત્મા સાથેની આ વાતચીત આર્કાઇવમાં શી રીતે સ્થાન પામી તે ખરેખર નવાઈની વાત છે અને દસ્તાવેજો સંઘરવાનાં ધારાધોરણો વિશે પણ સવાલો ઊભા કરે છે, પણ તે સાથે એમાંથી જિન્નાના ‘આત્માના અવાજ’ના રૂપે પાકિસ્તાન વિશેની ચિંતાઓ પણ દેખાય છે. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સાથે યુદ્ધ્, ૧૯૫૧માં લિયાકત અલી ખાનનું ખૂન, પાકિસ્તાનના બંધારણ વિશે જુદાં જુદાં હિતો અને વિચારસરણીવાળાં જૂથોની કદી પૂરી ન થયેલી વાટાઘાટો, ૧૯૫૮નો માર્શલ લૉ, પૂર્વ પાકિસ્તાનની અસ્થિરતા (જેમાંથી અંતે બાંગ્લાદેશનો જન્મ થયો), સત્તાની ગાદી માટે મ્યૂઝિકલ ચેરનો ખેલ, આ બધું આપણે જાણીએ છીએ.

પાકિસ્તાનમાં લશ્કરી શાસનો આવ્યાં અને ગયાં; દરેક લશ્કરી સત્તાધીશે અરાજાકતાનું નામ આપીને લોકશાહીને કચડી નાખી, પણ પ્રશ્નો જેમ હતા તેમ જ રહ્યા છે. આથી સલામતી વિવેચકો, પત્રકારો અને અસંખ્ય વિદ્વાનોએ પાકિસ્તાનના સર્જન પછીની સમસ્યાઓ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોટા ભાગનાં અધ્યયનો પાકિસ્તાનના જન્મ પર જ ધ્યાન આપે છે અને એમાં આજની તકલીફોનાં મૂળ હોવાનું માને છે. ‘પાકિસ્તાન’ની પરિકલ્પના જ બહુ સ્પષ્ટ નહોતી એવા ઘણા અભિપ્રાય છે.

વિદ્વાનો એ વાત પર ભાર મૂકે છે કે પાકિસ્તાની રાષ્ટ્રવાદ – બે રાષ્ટ્રોનો સિદ્ધાંત – ભારતના મુસલમાનોને સંગઠિત કરવામાં તો કામયાબ રહ્યો પરંતુ, પાકિસ્તાન બની જાય તે પછી શું, એ વિશે કોઈ કાર્યક્રમ નહોતો. એ પણ નોંધવામાં આવે છે કે પાકિસ્તાન આંદોલન વખતે કેટલાક નારા એવા હતા કે જે બહુ લોકપ્રિય હતા પણ લક્ષ્યની બાબતમાં સ્પષ્ટ નહોતા. દાખલા તરીકે, પાકિસ્તાન કા મતલબ ક્યા, લા ઇલાહિલિલ્લાહ.” પાકિસ્તાન એટલે શું, તે આવાં સ્લોગનોથી આગળ કદી સ્પષ્ટ ન થયું. નવા રાષ્ટ્ર-રાજ્યનો ઉદય થયા પછી પણ ભારતનો વિરોધ એ જ એનો આધાર બની રહ્યો. ૨૦૦૯માં ફરઝાના શેખે એમના પુસ્તક Making Sense of Pakistanમાં કહ્યું છે કે પાકિસ્તાનના જન્મ પછીની તકલીફોનું કારણ એ કે આ કોમવાદી-રાષ્ટ્રવાદી વિચારધારામાં કશું રચનાત્મક નહોતું.

પુસ્તક શી રીતે જુદું પડે છે?

વેંકટ ધૂલિપાલાનું આ પુસ્તક આવી બધી ધારણાઓને પડકારે છે. વેંકટ ધૂલિપાલા કહે છે કે એમણે આ પુસ્તક દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રવાદના પાયા અને વસાહતવાદની એમણે, ખાસ કરીને યુક્ત પ્રાંત (આજના ઉત્તર પ્રદેશ)ના આગરા અને ઔધ (અવધ)માં બ્રિટિશ શાસનના છેલ્લા દાયકામાં પાકિસ્તાનનો વિચાર કેમ વિકસ્યો. આના પર સામાન્ય લોકોમાં ઠેરઠેર ચર્ચાઓ થતી હતી. યુક્ત પ્રાંતના મુસલમાનોએ પાકિસ્તાનના સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, જો કે એમને ખબર હતી કે એમને પાકિસ્તાન નહીં મળે. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં, જેના ખરેખર ટુકડા થયા, ત્યાં પાકિસ્તાનનો વિચાર ઊભો રહેવા સક્ષમ થાય તે પહેલાં જ યુક્ત પ્રાંતમાં એ પાંગરી ચૂક્યો હતો.

નવાં મદીનાનું નિર્માણ

લેખક કહે છે કે એ કંઈ ઝાંખોપાંખો વિચાર નહોતો, જે અણધારી રીતે રાષ્ટ્ર-રાજ્યમાં પરિણમ્યો હોય. યુક્ત પ્રાંતમાં પાકિસ્તાનની કલ્પના એક સાર્વભૌમ ઇસ્લામિક રાજ્યની હતી; એના અમુક સમર્થકો તો એને ‘નવું મદીના’ કહેતા હતા. એ માત્ર ભારતના મુસ્લિમોનો આશરો જ નહીં, પણ એક કાલ્પનિક ઇસ્લામિક રાજ્ય (નિઝામ-એ-મુસ્તફા) હતું, એમની ધારણા મુજબ એમાં ઇસ્લામનું નવસર્જન અને ઉત્થાન થવાનાં હતાં. આ પાકિસ્તાન અસ્ત પામેલી તુર્કીની ખિલાફત (ઇસ્લામિક ખલીફાનું શાસન)ની અનુગામી ખિલાફત બનવાનું હતું.

મુસ્લિમ લીગે પણ આ ચર્ચાઓને ઉત્તેજન આપ્યું. એના સમર્થકોએ પાકિસ્તાનને આર્થિક, રાજકીય અને લશ્કરી દૃષ્ટિએ મજબૂત દેખાડ્યું એટલું જ નહીં, પરંતુ એવો પણ પ્રચાર કર્યો કે એ ભારત કરતાં પણ વધારે શક્તિશાળી દેશ હશે અને દુનિયામાં એ સૌથી વધારે શક્તિશાળી ઇસ્લામિક દેશ બનશે. એમણે પાકિસ્તાનના નક્શા પણ પ્રકાશિત કર્યા એટલું જ નહીં પણ નવા રાષ્ટ્રની પ્રાકૃતિક સંપદા, વ્યૂહાત્મક મહ્ત્ત્વનાં સ્થાનો, એના નવા આરબ મિત્રો વગેરેની યાદીઓ પણ પ્રકાશિત કરી. એમણે કહ્યું કે એક વાર બ્રિટિશ શાસન અને હિન્દુઓની પકડમાંથી મુક્ત થયા પછી પાકિસ્તાન અનર્ગળ ક્ષમતાઓનું સ્વામી બનશે. તે ઉપરાંત, એમણે એવું ચીતર્યું કે દુનિયામાં મુસ્લિમ બિરાદરીને એકસૂત્રે બાંધવાની દિશામાં એ પહેલું પગલું હશે. એ માત્ર ભારતની અંદરના મુસ્લિમોને જ નહીં, સમગ્ર ઇસ્લામિક જગતને રક્ષાછત્ર પૂરું પાડશે.

પાકિસ્તાનની ભૌગોલિક ક્ષમતાઓ પર ભાર મૂકવા સાથે ધાર્મિક તત્ત્વોને પણ જોડવામાં આવ્યાં હ્તાં. આવા સશક્ત અને સમૃદ્ધ પાકિસ્તાનમાં, મદીનામાં મહંમદ પયગંબરના શાસનની પ્રતિકૃતિ અમલમાં આવશે.

જિન્નાનાં ભાષણૉ દેખાડે છે તેમ જાહેરમાં તો એમણે આવી બાબતોમાં મૌન રાખ્યું પરંતુ પાકિસ્તાન વિશેનાં આવાં વચનોને અંગત વાતચીતમાં કદી નકાર્યાં નહીં. લાહોર ઠરાવ (જે પાકિસ્તાન ઠરાવ તરીકે પણ ઓળખાય છે) પછીના દિવસોમાં જમાતે-ઇસ્લામીનો એક નેતા એમને મળવા ગયો. એણે જિન્નાને પાકિસ્તાનની કલ્પના સ્પષ્ટ કરવા આગ્રહ કર્યો ત્યારે કાયદે આઝમે એક રૂપકનો ઉપયોગ કર્યો – “ મને મસ્જિદ માટે જમીન જોઈએ. જમીન મળ્યા પછી મસ્જિદ કેમ બાંધવી તે આપણે નક્કી કરશું” ૧૯૪૫-૪૬માં તો લીગ અને મુસ્લિમ ધાર્મિક સંગઠનો વચ્ચેના સંબંધો વધારે મજબૂત બન્યા.

એક ફિલ્મ પર લીગીઓનો હુમલો

પાકિસ્તાન સમર્થકો કોઈ પણ સંજોગોમાં ભારતમાં રહેવા નહોતા માગતા. હિન્દુઓ અને મુસલમાનોનો આ દેશ છે, એવી એક પણ વાત એમને મંજૂર નહોતી. એ વખતના સામયિક ‘ફિલ્મ ઇંડિયા’એ૪ મે ૧૯૪૬ના અંકમાં એક રિપોર્ટ છાપ્યો. મુંબઈના એક સિનેમાઘરમાં ફિલ્મ ‘ચાલીસ કરોડ’ (વિગતો) ચાલતી હતી. આ ફિલ્મ એવું દર્શાવતી હતી કે ભારતનું વિભાજન ન થઈ શકે. એક દૃશ્યમાં એક હિન્દુ અને એક મુસલમાન સાથે મળીને ભારતનો નક્શો લાવે છે અને આવેશપૂર્ણ ડાયલૉગ બોલીને ભારત અવિભાજિત રહેશે એવું કહે છે. ઍપ્રિલની ૧૪મી તારીખે સાંજના ૪ વાગ્યાના શોમાં કેટલાક દર્શકોએ દેકારો મચાવી દીધો. એમણે ફટાકડા ફોડ્યા અને એમાંથી એક જણ છરો લઈને પરદા પર ગયો અને પરદો ચીરી નાખ્યો.

આવી ઉત્તેજના ફેલાઈ ગઈ હોય તો એમ ન કહી શકાય કે પાકિસ્તાન તો માત્ર સોદો કરવા માટ્ટે હતું.

આપણી યાત્રા વેંકટ ધૂલિપાલા સાથે ચાલુ રહેશે.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૨_૧૩ :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (12)

The Sole Spokesman_Jinnah, the Islam and the Demand for Pakistan 3 ebookAyesha Jalal 3

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1985, Hardcover ǁ ISBN 0521244625 (ISBN13: 9780521244626)

પાકિસ્તાની ઇતિહાસકાર આયેશા જલાલે બહુ નાની ઉંમરે પોતાના ડૉક્ટરલ થિસિસ તરીકે આ પુસ્તક લખ્યું. આજે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા વિશેનું મહત્ત્વનું પુસ્તક મનાય છે. પુસ્તકનું મૂળ વિષયવસ્તુ જિન્નાની ભૂમિકા છે. આમાં ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ વગેરે નેતાઓની ગૌણ ભૂમિકા છે. એમનો ઉલ્લેખ માત્ર જિન્નાના સંદર્ભમાં જ છે. આમ આ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો પૂરો ઇતિહાસ નથી.

લેખિકાનું કહેવું છે કે જિન્ના ખરેખર કોંગ્રેસની જેમ જ મજબૂત કેન્દ્ર સરકાર ઇચ્છતા હતા. પાકિસ્તાન એમનું મૂળ લક્ષ્ય નહોતું. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ સાથે પોતાની બરાબરી સ્થાપવા માટે એમણે પાકિસ્તાનનું ગતકડું ઊભું કર્યું હતું. એમાં પણ એમને મુશ્કેલીઓ નડતી હતી કારણ કે પંજાબ અને બંગાળમાં મુસ્લિમ વસ્તી બહુ મોટી હતી અને ત્યાં પ્રાંતિક સરકારોમાં એમનું વર્ચસ્વ હતું એટલે એમને દરમિયાનગીરી કરી શકે એવી કેન્દ્રીય સરકાર પસંદ નહોતી. જિન્નાને એ આડે આવતું હતું. જિન્નાએ એમને સમજાવ્યા કે કોઈ પણ વ્યવસ્થા હોય તેમાં કેન્દ્ર તો રહેશે જ એટલે ત્યાં પ્રાંત તરીકે નહીં, તો મુસલમાન તરીકે, જો પંજાબ અને બંગાળના નેતાઓ કેન્દ્રમાં જિન્નાને ટેકો આપે તો મુસ્લિમોની બહુમતી ન હોય તેવા પ્રાંતો – મદ્રાસ, મુંબઈ અને યુક્ત પ્રાંત – માં મુસલમાનોનાં હિતોનું રક્ષણ કરી શકાશે. આમ એમને મુસ્લિમ લઘુમતી પ્રાંતોના નામે પોતાની સશક્ત હાજરીવાળી કેન્દ્ર સરકારની જરૂર હતી, જે બહુમતી પ્રાંતોની મદદ વિના શક્ય નહોતું.

બીજી બાજુ, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો કંઈ બીજા પ્રાંતો વિશે વિચારતા નહોતા. એટલે એમની સ્વાયત્તતા ટકાવી રાખવાનું વચન મળે તો જ બદલામાં પંજાબ અને બંગાળ જિન્નાને કેન્દ્રમાં નેતા માનવા તૈયાર થાય. આવી અટપટી અને પરસ્પર વિરોધી માગણીઓ વચ્ચેથી વચલા માર્ગ તરીકે જિન્નાએ અલગ પ્રાંતોનાં ફેડરેશનો અને એમની ઉપર નબળું કેન્દ્ર – એવી ફૉર્મ્યૂલા ઘડી કાઢી. એમનો વ્યૂહ એ હતો કે એક વાર એમના સાથીઓ એ સ્વીકારી લે તે પછી ધીમે ધીમે એમને કેન્દ્ર તરફ વાળી શકાશે; ત્યાં સુધી કશો ફોડ ન પાડવો. લેખિકા કહે છે તેમ જિન્નાના આ બધા પ્રયત્નો એટલા માટે હતા કે તેઓ પોતાને મુસલમાનોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરીને કોંગ્રેસ સાથે સત્તાનો સોદો કરે. આ તો વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા થઈ.

જિન્નાનો દૃષ્ટિકોણ એવો રહ્યો કે વધુમાં વધુ મોટી માગણી ટેબલ પર રાખો અને પછી બાંધછોડ કરો. ગાંધીજીની રીત એનાથી તદ્દન ઉલટી હતી. ઓછામાં ઓછું માગો અને એના પર અડગ રહો; સિદ્ધાંત સ્વીકારાઈ જાય તો તરત સમાધાન કરી લો.

શ્રીમતી જલાલનો પ્રયત્ન બે જુદી જુદી દિશામાં જાય છે. એક બાજુથી એમનું કહેવું છે કે જિન્ના ખરેખર પાકિસ્તાન નહોતા માગતા પણ અંતે સ્થિતિ એવી ઊભી થઈ કે એમને પાકિસ્તાન સ્વીકારવું પડ્યું; કોંગ્રેસ જો એમને બરાબર સમજી શકી હોત તો ભાગલા ન થયા હોત. એટલે કે, દેશના ભાગલા પડ્યા તેના માટે જિન્નાને સમજવામાં કોંગ્રેસની અસમર્થતા જવાબદાર છે. બીજી બાજુથી એવો સૂર પણ સંભળાય છે કે જિન્નાની બુદ્ધિશક્તિ ન હોત તો પાકિસ્તાન બન્યું જ ન હોત. એટલે પાકિસ્તાન બનવાનો બધો યશ જિન્નાને ફાળે જાય છે. આ બન્ને પરસ્પર વિરોધી સૂરો છે. પરંતુ જિન્ના ખરેખર પાકિસ્તાન માગતા નહોતા?

જિન્ના કફોડી સ્થિતિમાં આવી ભરાયા એવા દાવાને બીજા વિદ્વાનો નકારી કાઢે છે. જલાલ દેખાડે છે કે પાકિસ્તાનનો વિચાર ૧૯૪૦ પછી વિકસ્યો પરંતુ છેક ૧૯૩૨થી જિન્નાએ community-by-itself (કોમ પોતાના બળે) એવો વિચાર સ્વીકારી લીધો હતો એમ માનવાનાં આધારભૂત કારણો છે. ઇતિહાસકાર અનિલ નૌરિયા એમના નિબંધ Some Portrayals of Jinnah: A Critiqueમાં કહે છે કે આ જાતનો વિચાર જિન્નાના વલણમાં છેક સુધી રહ્યો. જિન્નાએ અબ્દુલ મતીન ચૌધરીને ૨ માર્ચ ૧૯૩૨ના રોજ પત્ર લખ્યો તેમાં આ વાત સ્પષ્ટ થાય છે. અનિલ નૌરિયાએ આ પત્રનો સંદર્ભ આપ્યો છે.(Syed Sharifuddin Pirzada (ed), Quaid-e-Azam Jinnah’s Correspondence, East and West Publishing Company, Karachi, 1977, p. 22).

જિન્ના લખે છેઃ “ બ્રિટિશરોને આપણો સહકાર અને ટેકો જોઈએ છે. આપણી સુરક્ષાની બાંયધરી હોય અને કેન્દ્રમાં જવાબદારી વિશે સમજૂતી થાય તો જ એ શક્ય બને. હિન્દુઓને આપણા સહકાર અને ટેકાની જરૂર હોય તો એ લોકો આપણને બાંયધરી આપે અને બ્રિટીશ કૉમનવેલ્થની અંદર આપણા સ્વશાસનની સમજૂતી માટે સંમત થાય તો જ શક્ય બને. આપણે આ શરતો સિવાય કોઈ એક કે બીજાને ટેકો ન આપી શકીએ. બન્નેમાંથી કોઈને આપણી જરૂર ન હોય તોએમને જે ફાવે તે કરે અને આપણે એમાં સંમત નહીં થઈએ. મને ખાતરી છે કે ૮ કરોડ (માણસો), ખાસ કરીને સંગઠિત થઈને ઊભા રહે તો તેઓ એમની અવગણના નહીં જ કરી શકે.

નૌરિયા કહે છે કે જિન્નાની ભાવિ વ્યૂહરચનાનાં બીજ આ સમયે જ વવાઈ ગયાં હતાં અને એ અમુક લેખકો દાવો કરે છે તેવું રાષ્ટ્રવાદી તો જણાતું નથી, બલ્કે, સદંતર જૂથવાદી અને ધર્મ-કોમ આધારિત છે. એમાં મુસ્લિમ કોમને દેશના સમગ્ર સમાજથી અલગ ગણવાનો પ્રયાસ છે અને જિન્ના જેને ‘બાંયધરી’ તરીકે ઓળખાવે છે તેના માટે અલગથી વાટાઘાટો ચલાવવાની વાત છે.

આમ, જિન્ના પાકિસ્તાન નહોતા માગતા એવા, આયેશા જલાલના દાવા સામે આ સ્વયં જિન્નાનો આ પત્ર જ મોટો પડકાર છે. પુસ્તક દેખાડે છે તેમ જિન્ના સાથે કોઈ નહોતું. આ પુસ્તક એ પણ દેખાડે છે કે યુક્ત પ્રાંતમાં પણ પાકિસ્તાનનું વિચારબીજ જિન્નાએ જ રોપ્યું અને તેઓ એમને તો કંઈ પણ આપી શકવાના નહોતા. એમની કોઈ પણ સ્કીમમાં મુસ્લિમોની લઘુમતી હોય એવા પ્રાંતોને તો સ્થાન જ નહોતું.

ઉપરાંત, પાકિસ્તાનનો વિચાર પણ બીજા કોઈને નહોતો આવ્યો. આ સંજોગોમાં એમની વકીલ તરીકેની કુશળતાને દાદ આપીએ તો પણ એટલું તો કહેવું જ પડશે કે પાકિસ્તાનનો વિચાર સૌથી પહેલાં એમને જ આવ્યો હતો અને એમણે પોતાના સાથીઓને પણ એ વિચારની આસપાસ એકઠા કર્યા. જો જિન્ના પાકિસ્તાન નહોતા ઇચ્છતા તો એમનું જીવન આજે પણ સૌ માટે એક પદાર્થપાઠ જેવું છે કે હાથનાં કર્યાં હૈયે વાગે જ છે. મુસ્લિમ લીગની જે નીતિઓ હતી તે જ નીતિઓ કોઈ પણ લાગુ કરે, પરિણામ તો એ જ રહેવાનું છે.

જિન્નાની બે રાષ્ટ્રોની નીતિ જોતાં એમ પણ કહી શકાય એમ નથી કે જિન્ના પોતે બિનસાંપ્રદાયિક હતા. જે જિન્ના ધર્મ અને કોમને નામે રાજકારણ ચલાવતા હોય તે જ, પાકિસ્તાન બન્યા પછી બધાને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવાની વાત કરે તો સહેજે વિચાર આવે કે તમે જો પાકિસ્તાન બનાવ્યા પછી ધર્મની સ્વતંત્રતા આપી શકતા હો તો એક જ દેશ કે એક કેન્દ્ર નીચે મુસલમાનોને એ સ્વતંત્રતા નહીં મળે એમ દાવો કરી કેમ શક્યા? એ જ દાવાને કારણે તમે બીજાઓને સ્વતંત્રતા આપશો એવી ખાતરી પણ કેટલી વિશ્વસનીય ગણાય?

૦-૦-૦

હવે આવતી ૧૪મી તારીખ, સોમવારથી આપણે વેંકટ ધૂલિપાલાના પુસ્તકનો પરિચય મેળવશું. એમના અભ્યાસનો વિષય છે કે પાકિસ્તાન આંદોલનની યુક્ત પ્રાંત અને બિહારમાં કંઈ અસર હતી કે નહીં જલાલના પુસ્તકમાં તો એની ઝલક મળતી નથી, હવે આપણે ભારતના ભાગલા વિશેના બીજા પુસ્તકમાં આના વિશે જાણવા પ્રયત્ન કરશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૨ :

The Sole Spokesman: Jinnah, the Islam and the Demand for Pakistan–Ayesha Jalal (11)

The-Sole-Spokesman_Jinnah-the-Islam-and-the-Demand-for-Pakistan-1-Paperback.pngAyesha-Jalal-1_thumb.png

The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan

Author: Ayesha Jalal ǁ Publishers: Cambridge University Press

May 1994, Paperback, 336 pages ǁ ISBN: 9780521458504

બ્રિટિશ શાસનના છેલ્લા તેર મહિનામાં જિન્નાએ પોતાની વ્યૂહ રચનાને પડી ભાંગતી જોઈ. આયેશા જલાલ કહે છે કે જિન્ના એ પોતાને છીછરા કોમવાદથી ઉપર અને પોતાની દૄષ્ટિએ ભારતીય એકતા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. એમણે મુસ્લિમોને સંગઠિત કરવા અને એમના વચ્ચે એકમતી સ્થાપવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ એમણે પોતાની આખી યોજના પોતાના જ સાથીઓથી છુપાવી રાખીને આ પ્રયાસ કર્યા. અંતે, કૅબિનેટ મિશને એમને પોતાનાં પત્તાં ખોલવા ફરજ પાડી. તે પછી ઓચિંતા જ મિશને નવી યોજના જાહેર કરી દીધી. વચગાળાની સરકારમાં સમાનતા મેળવવામાં પણ જિન્ના સફળ ન થયા. જિન્નાના એક સાથીએ એમને લખ્યું કે સંઘની કેન્દ્ર સરકાર જે રીતે બનતી હતી તેમાં લીગે માગેલી સમાનતા નહોતી અને “કુરાનના સોગંદ ખાઈને સાર્વભૌમ પાકિસ્તાન લેવાનો” નિર્ધાર જાહેર કર્યા પછી આવી સંઘ સરકારની તરફેણ કરવા લોકો સમક્ષ જઈ શકાય તેમ નહોતું. આ “કુરાનના સોગંદ” જેવું કંઈ જિન્નાના મનમાં નહોતું. સાચી જાણકારી વિનાનો મુસ્લિમ જનમત જાણે જિ્ન્નાનું વેર વાળતો હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી. ‘નવા-એ-વક્ત’ અખબારે લખ્યું કે લીગે મિશનની ‘પાકિસ્તાન’ની દરખાત ૯૫ ટકા મતથી સ્વીકારી છે; હવે કૅબિનેટ મિશનની સુધારેલી લાંબા ગાળાની યોજના હેઠળ દસ વર્ષ પછી પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો તબક્કો આવી ગયો છે.

કૅબિનેટ મિશનની યોજના પર કોંગ્રેસનો પ્રહાર

પરંતુ સમય દસ વર્ષ રાહ જોવાનો નહોતો. લીગ અને કોંગ્રેસ, બન્નેના નેતાઓ રેતાળ જમીન પર ઊભા હતા અને પગની નીચેથી રેતી સરકતી જતી હતી. દેશમાં કામદારોમાં અસંતોષ વધતો જતો હતો અને કોંગ્રે્સના ડાબેરી નેતાઓનું જોર વધતું જતું હતું, આથી જમણેરી નેતાઓ જલદી સત્તા હાથમાં લઈ લેવા તલપાપડ હતા. આથી કોંગ્રેસે લીગ પર હુમલો બોલવાની તૈયારી કરી લીધી. સ્વભાવે ડાબેરી,નવા કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુ જમણેરી પાંખના પ્રવક્તા બન્યા. એમણે ૧૯૪૬ની ૧૦મી જુલાઈએ કૅબિનેટ મિશન પર આકરા પ્રહારો કરીને જે મુસલમાનો પોતાના જ નેતાનાં ઉદ્દંડ અને તીખાં નિવેદનોથી “પાકિસ્તાન તો હાથમાં આવી ગયું” એવી આશામાં રાચતા હતા તેમને આંચકો આપ્યો. નહેરુએ કહ્યું કે કૅબિનેટ મિશનની યોજનામાં કોંગ્રેસ પોતાની રીતે ફેરફાર કરવા સ્વતંત્ર છે…મિશને દસ વર્ષ પછી ભારતવાસીઓએ શું કરવું તે નક્કી કરવા માટે પોતાને પાત્ર માન્યું તે અકલ્પનીય છે. એમણે કહ્યું કે કોંગ્રેસ બધા પ્રાંતોના હિતોની ચિંતા કરે છે. ‘ગ્રુપિંગ’ની યોજના (જેમાં સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને પંજાબ પશ્ચિમી ગ્રુપમાં હતાં)નો વિરોધ કરતાં નહેરુએ કહ્યું કે ગ્રુપિંગમાં તો સિંધીઓ અને પઠાણો્ને પંજાબ દબાવી દેશે. તે ઉપરાંત, કોંગ્રેસ આસામને તો પૂર્વના ગ્રુપમાં બંગાળ સાથે કદી જવા દેશે નહીં.

આ નિવેદન પછી પંજાબ અને બંગાળના મુસ્લિમ નેતાઓ પણ ભડક્યા કારણ કે એમને જે સ્વાયત્તતાની આશા હતી તેના પર પણ નહેરુએ પાણી ફેરવી દીધું. જિન્ના અલગતાવાદી હવા ફેલાવ્યા પછી હવે મજબૂત કેન્દ્રની કૅબિનેટ મિશનની યોજનાને મંજૂરી અપવાની દિશામાં ધીમે ડગલે આગળ વધતા હતા ત્યાં તો નહેરુએ કોંગ્રેસ વતી કૅબિનેટ મિશનની ટીકા કરી. આથી જિન્નાના અનુયાયીઓએ એમને એમના જૂના રસ્તે જ ઝકડી લીધા. પરંતુ પહેલાંનું હઠીલું વલણ તો માત્ર સોદાબાજી હતું. કોંગ્રેસે પોતાના કાર્યકરોની માંગને અનુરૂપ પોતાનું વલણ બદલ્યું પણ તે સાથે જિન્નાની પોતાનો વ્યૂહ લાગુ કરવાની આઝાદી ઝુંટવી લીધી.

બ્રિટને પણ સાથ છોડ્યો

બ્રિટને વચગાળાની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું હતું એટલે હવે જિન્ના પર ત્રણ બાજુએથી દબાણ આવ્યું: એક બાજુથી કોંગ્રેસ, બીજી બાજુથી એમના સાથીઓ અને ત્રીજી બાજુએથી બ્રિટિશ હકુમત. બ્રિટને કહી દીધું કે વચગાળાની સરકારમાં બધા મુસ્લિમોને જિન્ના જ નીમે એવી શરત માનવા એ તૈયાર નથી. વાઇસરૉયે સરકારની રચના જાહેર કરી તેમાં કોંગ્રેસના ૬ સભ્યો હતા, જેમાં એક દલિતનો પણ સમાવેશ થતો હતો. મુસ્લિમ લીગને પાંચ સભ્યો મળ્યા. ત્રણ સભ્યોમાં લઘુમતીના પ્રતિનિધિઓને લેવાના હતા, જેમાં એક શીખને લેવાનો જ હતો. આમ કોંગ્રેસ પણ કોઈ મુસલમાનને નીમી શકે એવી સ્થિતિ ઊભી થઈ. જિન્ના માટે લીગને સરકારમાં લાવવાનું શક્ય પણ ન રહ્યું.

વાઇસરૉય વૅવલે કોંગ્રેસ અને લીગને સંદેશો મોકલ્યો કે ‘કાર્યમાં સ્વતંત્રતા’ અને ‘મજબૂત સરકાર’ એ એમના ઉદ્દેશ હતા. તે સાથે જ એણે લંડનને પણ પત્ર લખીને જણાવ્યું કે લઘુમતેઓને આપેલાં વચનો દોહરાવવાની અને કોંગ્રેસ જ દેશની એકમાત્ર પ્રતિનિધિ નહીં, એ કહેવાની જરૂર છે; પરંતુ લંડનમાં સરકાર એવું કશું જ કહેવા તૈયાર નહોતી.

જિન્ના બ્રિટન એમને બચાવી લેશે એવી આશામાં રહ્યા. હવે એ કોંગ્રેસ અને લીગની સમાનતાના દાવાને પડતો મૂકીને વચગાળાની સરકારમાં આવવા તૈયાર થઈ ગયા. એમણે મુંબઈમાં લીગની કાઉંસિલની બેઠક બોલાવી અને બ્રિટિશ હકુમત પર ‘કોંગ્રેસના હાથમાં રમી જવાનો” આક્ષેપ કર્યો. એમણે નહેરુના ‘બાલિશ નિવેદન”ની ટીકા કરી અને કહ્યું કે એના કારણે લીગને પાકિસ્તાન માટેની પોતાની મૂળ માગણી પર પાછા જવાની ફરજ પડે છે.

જિન્નાની નિરાશા

હજી પણ જિન્ના એ કહી શકે તેમ નહોતા કે ‘પાકિસ્તાન’ એટલે શું? હવે એમને પોતાનો પણ ભરોસો રહ્યો નહોતો. એમને આગળનો રસ્તો દેખાતો નહોતો. “તમે મારા ગળે કોઈ નિર્ણય ઠાંસી દો તે ભલે, તે સિવાયના ભવિષ્યના કોઈ પણ નિર્ણય”માંથી એમણે પોતાના હાથ પાછા ખેંચી લીધા. આ એક ‘કાયદ’ (નેતા)ના શબ્દો નહોતા, ખીણની ધારે ઊભેલા એક લાચાર માણસના શબ્દો હતા. પરંતુ સીંદરી બળે પણ વળ ન મૂકે તેમ એમણે એ પણ કહ્યું કે લીગે કૅબિનેટ મિશનની યોજના સ્વીકારી તેમાં કંઈ ખોટું નહોતું. દસ વર્ષ રાહ જોવા તૈયાર થયા તેમાં તો લીગની રાજકીય દૂરદર્શિતા હતી.

એમણે હજી પણ રસ્તો ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો; લીગે જે ઠરાવ પસાર કર્યો તેમાં માત્ર વચગાળાની સરકારના સ્વરૂપને નામંજૂર કરવામાં આવ્યું જેથી કોઈ રસ્તો નીકળે તો સરકારમાં જઈ શકાય. જિન્ના્ની કુશળતાઓ માત્ર મંત્રણાઓ માટે હતી અને તેઓ એ રસ્તે પછા જવા માગતા હતા. લીગે ‘ડાયરેક્ટ ઍક્શનનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ વાટાઘાટોમાં પાવરધા જિન્ના માટે એ પ્રાથમિકતાનો વિષય નહોતો. જો કે, સિંધના મુખ્ય મંત્રીના મત મુજબ જિન્નાએ ડાયરેક્ટ ઍક્શન લેવું જ પડે તેમ હતું, ભલે ને એ બહુ જ હળવું હોય. જિન્ના એમ ન કરે તો આવેશ એવો હતો કે જિન્ના બાજુએ હડસેલાઈ જાય.

જિન્નાએ તે પછી વાઇસરૉયને કહી દીધું કે એમની વર્કિંગ કમિટી વચગાળાની સરકારમાં આવે તેવી શક્યતા નથી. સરકારની દરખાસ્તો કોંગ્રેસને ખુશ કરવા માટે ઘડેલી છે.

વૅવલ જિન્નાને બરાબર સમજતો હતો કે પાકિસ્તાનની માગણી માત્ર સોદાબાજી માટે હતી. તે ન માનો તો ડાયરેક્ટ ઍક્શનની ધમકી પણ હતી, જેની કોમી સ્થિતિ પર બહુ ખરાબ અસર પડે તેમ હતી. આમ છતાં વૅવલને જિન્ના પાસેથી એના વિશે ખુલાસો માગવાનું જરૂરી ન લાગ્યું. વૅવલને લાગ્યું કે કોંગ્રેસ થોડી ઉદારતા દેખાડશે, પણ એવું ન થયું.

દરમિયાન કલકત્તામાં કોમી તંગદિલી વધતી જતી હતી. યુક્ત પ્રાંત ઊકળતો હતો. વૅવલને લાગ્યું કે કોંગ્રેસનાં જલદ તત્ત્વોને દબાવવાની જવાબદારી કોંગ્રેસ પર નાખવી એ જ એક ઉપાય છે. કોંગ્રેસ વહીવટમાં વ્યસ્ત થઈ જશે તો એનું ધ્યાન રાજકારણ પરથી હટી જશે. ખાસ કરીને સરદાર પટેલને લાગતું હતું કે કોંગ્રેસની અંદરનાં જલદ તત્ત્વોને દબાવીને જમણેરીઓના હાથ મજ્બૂત બનાવવા હોય તો સત્તા સંભાળ્યા વિના ચાલે એમ જ નહોતું. નહેરુને સરકાર બનાવવામાં ખંચકાટ હતો પણ જમણેરીઓએ વર્કિંગ કમિટીમાંથી રાજીનામાં આપી દેવાની ધમકી આપતાં નહેરુ પણ સંમત થઈ ગયા.

વચગાળાની સરકાર

છઠ્ઠી ઑગસ્ટે વાઇસરૉયે કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું વર્કિંગ કમિટીએ આમંત્રણ સ્વીકાર્યું પરંતુ તે પહેલાં વાઇસરૉયને વલ્લભભાઈની ઘણીખરી માગણીઓ સ્વીકારવી પડી. સવાલ એ હતો કે લીગ માટેની સીટો ખાલી રહેશે તેનું શું કરવું. સરદાર પટેલે કહ્યું કે એ પાંચ સીટો માટે જિન્નાને આમંત્રણ આપવું કે નહીં તે નિર્ણય કોંગ્રેસ પ્રમુખ પર છોડી દેવો. વાઇસરૉય પાસે એ સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૬ના રોજ નહેરુ જિન્નાને મળ્યા અને સરકારમાં આવવાનું આમંત્રણ આપ્યું. એમણે ખાતરી આપી કે બન્ને પક્ષોની સંમતિ વિના કોઈ મોટા કોમી સવાલ પર નિર્ણય નહીં લેવાય અને ગ્રુપિંગ વગેરે મુદ્દા ફેડરલ કોર્ટને સોંપી દેવાશે. પરંતુ જિન્નાએ આ દરખાસ્તોનો અસ્વીકાર કર્યો.

ડાયરેક્ટ ઍક્શન

પછી જે થયું તેવું જિન્ના કદી પણ ન ઇચ્છે. એમના ડાયરેક્ટ ઍક્શને તે પછી ૧૬મીથી ૨૦મી ઑગસ્ટ વચ્ચે કલકત્તામાં કાળો કેર વર્તાવ્યો. બંધારણવાદી જિન્ના પાસે આ સ્થિતિને શી રીતે શાંત પાડવી તેનો ઉપાય નહોતો. એમણે મુસ્લિમોને શાંત રહેવા અપીલ કરી પરંતુ કલકત્તાના ગુંડાઓ પર એમનું કંઈ ચાલતું નહોતું. એમની સ્થિતિ કિંગ કેન્યૂટ જેવી હતી, ઉત્તરી સમુદ્રનાં મોજાંઓને કેન્યૂટે હુકમ આપ્યો પણ મોજાં એની વાત ક્યાં સાંભળવાનાં હતાં? જિન્નાની અપીલ પણ ધાર્મિક ઉન્માદે ચડેલાં ટોળાંઓ પર. પીરો અને મુલ્લાઓ પર કશી અસર ન કરી શકી.

કોંગ્રેસ હવે વાઇસરૉયને બાજુએ મૂકીને લંડન સાથે સીધો જ વ્યવહાર કરતી હતી. વાઇસરૉયે લંડનમાં ફરિયાદ કરી કે તમારી સરકારના અમુક સભ્યો મારી પીઠ પછવાડે કોંગ્રેસ સાથે કોઈ એજન્ટ મારફતે સંપર્ક રાખતા હોય તો ભારતમાં જે કંઈ બનતું હોય તેના માટે પોતે જવાબદાર નથી.

લંડનમાં વાઇસરૉય વૅવલને બરતરફ કરવાનાં ચક્રો ગતિમાન થયાં, જિન્નાની દુનિયા જમીનદોસ્ત થઈ ગઈ અને કોંગ્રેસે નવી વ્યવ્સ્થા સ્થાપવાની શરૂઆત કરી દ્દીધી. બીજી સપ્ટેમ્બરે કોંગ્રેસે સત્તા સંભાળી લીધી અને લીગ માટેની અનામત જગ્યાઓ કોંગ્રેસતરફી મુસ્લિમોથી ભરી દીધી.

ગાંધીજીના પ્રયાસ

આમ છતાં, જિન્નાને સરકારમાં લાવવાના પ્રયાસ ચાલુ રહ્યા. લેખિકા માને છે કે ગાંધી-જિન્ના વાટાઘાટો સફળ રહી હોત પરંતુ ગાંધીજીએ નહેરુ અને પટેલને સાથે લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાટાઘાટો તૂટી પડી.

ગાંધીજીએ સૂચવ્યું કે, કોંગ્રેસ એમ સ્વીકારે કે મુસ્લિમ લીગ બહુમતી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા છે; (એટલે કે બધા મુસ્લિમોની નહીં); એનો અર્થ એ પણ ખરો કે કોંગ્રેસ જેને ધારે તેને (મુસ્લિમને પણ) વચગાળાની સરકારમાં નીમી શકે. જિન્નાએ આ ફૉર્મ્યૂલા સ્વીકારી. પરંતુ નહેરુ અને પટેલે એનો અસ્વીકાર કર્યો. તે પછી ગાંધીજીએ નહેરુ અને પટેલને મનાવવા માટે એમાં ઉમેરો કર્યો કે બન્ને પક્ષો એક ટીમ તરીકે કામ કરે અને કોઈ પણ સંજોગોમાં વાઇસરૉય કે કોઈ બીજી સત્તાને વચ્ચે ન આવવા દે. જિન્નાને મન વાઇસરૉય જ એમનો બચાવ કરી શકે. એમણે વાઇસરૉયને દૂર રાખવાની આ શરત ન માની.

જો કે ૧૩મી ઑક્ટોબરે જિન્નાએ જાહેર કર્યું કે લીગ સરકારમાં આવશે કારણ કે લીગ ભાગ ન લે તો કેન્દ્ર સરકારનો સમગ્ર વહીવટ કોંગ્રેસના હાથમાં સોંપી દેવા જેવું થશે. ૨૬મી ઑક્ટોબરે લીગના પ્રધાનો “જેનો ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય તેવાં કેટલાંક કારણોસર” સરકારમાં જોડાયા.

જિન્નાએ જે કંઈ માગ્યું હતું તેમાંથી કશું ન મળ્યું. કોંગ્રેસ-લીગ સમાનતા, મુસ્લિમ પ્રતિનિધિત્વ પર ઇજારો, મુસ્લિમોને લગતી બાબતોમાં વીટોનો અધિકાર, પ્રધાનો માટે મનગમતાં ખાતાં –કંઈ જ ન મળ્યું. બસ, એક શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિને લીગ વતી નીમવાની સ્વતંત્રતા મળી, તે સિવાય કંઈ જ નહીં.

નોઆખલી અને બિહારમાં મોતનું તાંડવ અને જિન્ના સામેની સમસ્યાઓ

એ જ ટાંકણે બંગાળમાં નોઆખલીમાં મુસલમાનોએ હિન્દુઓની કતલેઆમ શરૂ કરી દીધી હતી. બંગાળમાં સુહરાવર્દી માટે આ આગ ઓલવવાનું બહુ મુશ્કેલ થઈ ગયું. મુસલમાન ગુંડાઓએ હિન્દુઓના વેપારનો બહિષ્કાર કરાવ્યો, એમની દુકાનો બાળી નાખી અને ઠેર ઠેર મોતનું તાંડવ મચાવી દીધું.

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે લીગે સરકારમાં આવતાંવેંત જ આ રમખા્ણો કરાવ્યાં. એ ઓછું હોય તેમ, એક લીગર પ્રધાને તો કહ્યું કે ડાયરેક્ટ ઍક્શનનું એક નિશાન કેન્દ્ર સરકાર જ છે. આના પરથી સરદાર પટેલે વૅવલને સીધો જ સવાલ પૂછ્યો કે ભાગલાને બદલે લાંબા ગાળાની યોજના (દસ વર્ષ સુધી ફેડરેશનમાં રહેવાની યોજના)ને સ્વીકાર્યા પછી શું હવે ફરી ભાગલા પડાવવા માટે વચગાળાની સ્રરકારનો ઉપયોગ રાજકીય દાવપેચના અખાડા તરીકે થવાનો છે? કોંગ્રેસે લીગ અને વાઇસરૉય પર બંધારણસભાની બેઠક બોલાવવાનું દબાણ કર્યું કે જેથી લીગને સત્તામાં આવવાની કિંમત ચુકવવી પડે – એટલે કે લીગ ભાગલાનો ઠરાવ રદ કરે અને બંધારણસભામાં જોડાય. વૅવલને આ વાત સાચી લાગી. એણે જિન્નાને કહ્યું કે લાંબા ગાળાની યોજનાનો સ્વીકાર કરવાથી જ લીગ સરકારમાં આવી શકી છે. જિન્ના લંડન ભણી મોઢું તાકતા રહ્યા. પહેલાં ગ્રુપિંગની યોજના પાકે પાયે સ્થાયી થઈ જાય તે પછી જ જિન્ના લીગને બંધારણસભામાં લાવવા માગતા હતા. જિન્નાનો તર્ક સ્વીકાર્યા છતાં વૅવલે એમને કહી દીધું કે ભારતની ઘટનાઓ કે બંધારણ સભાની કાર્યવાહી પર લંડન પ્રભાવ પાડી શકે તેમ નથી અને બંધારણ સભાનું કામકાજ નવમી ડિસેમ્બરે શરૂ થઈ જશે. જિન્નાએ જવાબ આપ્યો કે લંડનની સરકાર મદદ કરી શકે તેમ ન હોય તો અમને અમારા નસીબને ભરોસે છોડી દો.

લીગમાં પણ જિન્ના સામે હવે ઉઘાડેછોગ પ્રશ્નો પુછાતા હતા કે તેઓ કરવા શું માગે છે. લીગના સભ્યો કહેવા લાગ્યા કે “તમારા સાથીઓએ માત્ર પ્રધાનપદાં ભોગવવા માટે અમારો દુરુપયોગ કર્યો છે.” બીજી બાજુ, કોંગ્રેસમાં પણ નોઆખલીની ઘટનાઓ પછી લીગના સરકારમાં પ્રવેશ સામે ઉહાપોહ હતોઃ “નહેરુ અને પટેલ વચગાળાના સમયમાં પણ ૪૦ કરોડ માટેનું બંધારણ બનાવી શકતા નથી તો બીજા એકસો ને એક સવાલો આવશે ત્યારે શું કરશે?”

જયપ્રકાશ નારાયણે બિહારમાં લીગ સામે આંદોલન છેડી દીધું અને પોલીસને સરકારના હુકમો ન માનવા હાકલ કરી. હિન્દુ મહાસભાએ પણ બળતામાં ઘી હોમ્યું. બિહાર ભડકે બળી ઊઠ્યું. નોઆખલીમાં હિન્દુઓ મુસલમાનોના ઝનૂનનો ભોગ બન્યા તો બિહારમાં મુસલમાનો હિન્દુઓનું નિશાન બન્યા.

બીજી કેટલીક નાની વાતો પણ હતી. લિયાકત અલી ખાન નહેરુને નેતા માનવા તૈયાર નહોતા અને એમની ટી-પાર્ટીઓમાં જવા પણ તૈયાર નહોતા. માત્ર ૯૬ કલાક સાથે રહ્યા પછી કોંગ્રેસે કહી દ્દીધું કે આપણે સાથે કામ કરી શકીએ તેમ નથી. બીજી બાજુ પટેલે નોઆખલીની ઘટનાઓને કારણે બંગાળની લીગ મિનિસ્ટ્રીને બરખાસ્ત કરવાની માગણી કરી. જિન્નાને વૅવલ કંઈક કરશે એવી આશા હતી પણ હવે વૅવલની સ્થિતિ બહુ નબળી પડી ગઈ હતી. બ્રિટન સરકાર કોંગ્રેસને ટેકો આપવા માગતી હતી. બીજી બાજુ લીગે નક્કી કરી લીધું કે સરકારમાં એ નકારાત્મક કામ કરશે. સામે પક્ષે કોંગ્રેસે લીગને ચીમકી આપી દીધી કે કાં બંધારણસભામાં આવો, કાં તો વચગાળાની સરકાર છોડો. નહેરુએ કહ્યું કે લીગ બન્નેમાંથી કંઈ પણ નહીં કરે તો પોતે રાજીનામું આપી દેશે. લીગ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક મીટિંગ તો મળી, પણ અંતે નવમી ડિસેમ્બરે લીગ વિના જ બંધારણ્સભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. જિન્ના એકલા પડી ગયા હતા.

કોંગ્રેસ દ્વારા ભાગલાનો સ્વીકાર

વૅવલ લંડનના કોંગ્રેસતરફી વલણથી નારાજ હતો. એ લંડનમાં જ હતો ત્યારે ૧૮મી ડિસેમ્બરે ઍટલીએ લૉર્ડ માઉંટબૅટનને વાઇસરૉય તરીકે ભારત મોકલવાની ઑફર કરી. ૨૦મી ફેબ્રુઆરીએ ઍટલીએ જાહેરાત કરી કે ભારતને ૨૦મી જૂન પહેલાં આઝાદ કરી દેવાશે. ૧૯૪૭ના માર્ચની આઠમી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પંજાબના ભાગલાની માગણી કરી અને નહેરુએ સ્પષ્ટતા કરી કે જરૂરી બનશે તો બંગાળ માટે પણ એ જ સિદ્ધાંત લાગુ કરાશે. કોંગ્રેસે આમ ભાગલાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી જિન્ના માટે એક જ રસ્તો બચ્યો હતો. કાં તો ભાગલા સ્વીકારે અને કાં તો સંઘ સરકારમાં પાછા ફરે.

માઉંટબૅટનના આવ્યા પછીનું રાજકારણ બહુ જટિલ છે. એ તીવ્ર રાજકીય વિચાર વિનિમયનો સમય હતો. જિન્ના હજી પણ પંજાબ અને બંગાળના ભાગલા ન પડે તે માટે મથતા રહ્યા પરંતુ ભારતનું ભાવિ નક્કી થઈ ગયું હતું. દેશના બે ટુકડા થઈ ગયા. બન્ને બાજુથી શરણાર્થીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો અને લાખોનાં રક્તથી રંગાયેલા ભારત અને પાકિસ્તાન એવા બે દેશો નક્શા પર અંકિત થઈ ગયા. જિન્ના ‘કપાયેલું’ પાકિસ્તાન લઈને છુટા પડ્યા.

૦-૦-૦

નોંધઃ

આયેશા જલાલના પુસ્તકનો પરિચય આજે અહીં સમાપ્ત કરીએ છીએ. આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે. મને અફસોસ છે કે The Sole Spokesmanમાં ઘણી સિલસિલાવાર હકીકતો છે જે આપી શકાઈ હોત પરંતુ મારે ઘણું છોડવું પડ્યું છે. વળી પુસ્તકનો પરિચય આપવાનો હેતુ જ એ છે કે આપણે આપણા ઇતિહાસનાં મહત્ત્વનાં સીમાચિહ્નોથી પરિચિત થઈએ અને કદાચ વધુ રસ પડે તો મૂળ પુસ્તક વાંચવાની ઇચ્છા પણ થાય. એવું થશે તો હું મારો પ્રયત્ન સાર્થક માનીશ.

આમ છતાં પુસ્તકનો મૂળ સૂર ફરી સાધવા માટે થોડું વિવેચન પણ જરૂરી છે. એ હવે પછીના પુસ્તકને પણ યોગ્ય સંદર્ભમાં મૂકવામાં ઉપયોગી થશે એમ લાગે છે, એટલે, પરમ દિવસે, બુધવારે નવમી તારીખે The Sole Spokesmanનાં લેખિકા આયેશા જલાલના દૃષ્ટિબિંદુની ચર્ચા કરીશું.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૧૧ :

A wonderful experience

શીર્ષકમાં ‘અદ્‌ભુત’ શબ્દ વાંચીને કદાચ કંઈક આધ્યાત્મિક અનુભવ વિશે વાંચવા મળશે એવી ધારણા બની હોય તો માફ કરશો. આ અનુભવ તદ્દન સાંસારિક છે, પરંતુ એને કારણે એક નવું સત્ય દેખાયું તેથી જ એને હું ‘અદ્‌ભુત’ કહું છું. ઘરેથી અમે બન્ને પતિપત્ની બજાર જવા નીકળ્યાં અને સાઇકલરિક્શામાં બેઠાં. રિક્શાવાળો સરદાર હતો. આ પહેલી નવાઈ હતી. સરદાર રિક્શા ન ચલાવે. સરદારન ભીખ માગતો પણ જોવા ન મળે! આ પહેલું આશ્ચર્ય હતું વર્ષો પહેલાં હું અને મારા એક સરદાર મિત્ર બસ સ્ટૅન્ડ પર ઊભા હતા ત્યારે એક સરદારજી આવ્યા અને હાથ લંબાવ્યો. મારા મિત્રને હાડોહાડ અપમાન લાગી ગયું એમણે કહ્યું, “સરદાર હોકર ભીખ માંગતે શર્મ નહીં આતી? ખાના નહીં મિલતા તો જાઓ ગુરદ્વારે, વહાં લંગર મેં ખા લેના”. મારી સામે જોઈને બોલ્યા, “પૂરી કૌમ કા નામ ખરાબ કરતા હૈ.” આ પહેલો અને એકમાત્ર પ્રસંગ છે, જેમાં એક શીખને ભીખ માગતો જોયો. તે પછી આટલાં વર્ષોમાં પહેલી વાર એક સરદારને સાઇકલ રિક્શા ચલાવતાં જોયો. સરદાર ઑટોરિક્શા ચલાવે પણ સાઇકલરિક્શા નહીં. એ યૂ. પી, બિહાર અને બંગાળના ગરીબોનું કામ. પરંતુ આ સરદાર દલિતમાંથી સરદાર બન્યો હશે, મૂળ પંજાબનો જાટ નહીં હોય, નહીંતર આ ધંધો ન કરે. હિન્દુ સમાજની એક ભયંકર વિષમતાનો તરત ખ્યાલ આવ્યો. દલિત તરીકે એ પોતાનું સ્વમાન નહીં જાળવી શક્યો હોય એટલે જ શીખ બની ગયો હશે ને?

બેઠા પછી અમારા વચ્ચે વાતવાતમાં એક પ્રસંગ નીકળ્યો. મારાં પત્નીએ રસ્તામાં જ કોઈને જોરથી બોલતાં સાંભળ્યોઃ “બહુત અંગ્રેઝી ઝાડ રહા થા”. રિક્શા તો આગળ નીકળી ગઈ, પણ મારાં પત્નીએ એના પરથી કહ્યું કે જેને અંગ્રેજી ન આવડતી હોય એવા લોકોનો જ આ કૉમ્પ્લેક્સ હોય છે. સામી વ્યક્તિ અંગ્રેજી બોલતી હોય તો એનું નીચું દેખાડવા માટે બધા હિન્દીપ્રેમી થઈ જતા હોય છે.

અમારા વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાંતો રિક્શાવાળો સરદાર બોલ્યો, આપ અંગ્રેઝી-હિન્દી કી બાત કર રહે હૈં ન? પછી એ પોતાનો અભિપ્રાય વિગતવાર કહેવા લાગ્યો જે અહીં ગુજરાતીમાં જ રજૂ કરું છું. એણે કહ્યું, આ અંગ્રેજી, હિન્દી કંઈ નથી. આ ભાષા આવડે છે અને આ નથી આવડતી એવી આપણે વાત કરીએ છીએ પણ કોઈ પણ ભાષા પૂરી નથી. એટલે જ આપણા વચ્ચે ગેરસમજ થયા કરતી હોય છે.

એણે આગળ કહ્યું, ભાષા તો આપણે બનાવી પણ ‘શબદ’ પહેલાં જ હતો. એજ ‘શબદ’ને આપણે ફેરવી ફેરવીને બોલીએ છીએ. “હમ બચ્ચે કો A for Apple સિખાતે હૈં લેકિન વહ A તો ‘ઍ’ રહતા નહીં. વહ ‘આ’ ભી બન જાતા હૈ… ક્યોંકિ વહ હમારા બનાયા હુઆ હૈ. પછી ઓચીંતું એણે મને પૂછી નાખ્યું: “ ’ક’ ઔર ‘ખ’મેં ક્યા ફર્ક હૈ?” મને મઝા પડી. મેં કહ્યું “તુમ બતાઓ.” એ બોલ્યો. ક ઔર ખ મેં કોઈ ફર્ક નહીં. પછી ઉમેર્યું, પાંચ વર્ગ છે. ‘ક’ પણ વર્ગ છે. એની સાથે બીજા ચાર ધવનિ (ધ્વનિ) હોય છે…વૈસે હી ‘ચ’ કે સાથ હોતે હૈં…’ક’ના સાથી બધા મૂળ તો ‘ક’ જ છે. આ ધ્વનિ મૂળ છે. એ કેમ બન્યા? કારણ કે ‘શબ્દ’ પહેલાં આવ્યો….’શબ્દ’ પહેલાં છે એમ સમજી લો તો ભાષા માટે ઝઘડા નહીં કરો. બધા ઝઘડા ભાષા કરાવે છે, ‘શબ્દ’ નહીં….

અમારે ઊતરવાનું હતું. મેં એનું નામ પૂછ્યું. એણે કહ્યું, “રાજેશ્વર” આવું નામ સરદારનું ન હોય એટલે પાકું થયું કે એ હાલમાં જ શીખ થયો હશે. મેં પૂછ્યું, કહાં સીખે હો, ઐસી બાતેં?” એણે કહ્યું કે ગુરુદ્વારામાં એને બધું શીખવા મળે છે.

આ એક નવી વાત હતી. એક સામાન્ય લાગતો માણસ, ભલે ધર્મને કારણે, ધાર્મિક માન્યતાને કારણે, શીખ્યો, પરંતુ એ જે શીખ્યો તે તો ભાષાવિજ્ઞાનનો પહેલો પાઠ હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે એક રિક્શા ચલાવનાર આ બધું સમજતો હતો. મને નથી લાગતું કે આપણે ત્યાં ક્રમસર બરાબર કક્કો-બારાખડી ભૂલ વગર બોલી શકનારની સંહ્યા બહુ મોટી હશે. ‘ક’ અને ‘ખ’ વચ્ચેનો ફેર અને સમાનતા કેટલા જાણતા હશે? આપણાં મંદિરોમાં આવું કેમ નહીં શીખવાડતા હોય?

અને બીજું, આપણે પણ ભીખારીઓને જોઈએ છીએ; એમને દાન પણ આપીએ છીએ પણ મારા મિત્રની જેમ કદી કહ્યું છે, “હિન્દુ હોકર ભીખ માંગતે શર્મ નહીં આતી? કોઈ આપણી પાસે ભીખ માગવા આવે તો આપણે હાડોહાડ અપમાન અનુભવીએ છીએ કે આ ’હિન્દુ’ ભીખ માગે છે –પૂરી કૌમ કા નામ ખરાબ કરતા હૈ, એમ વિચાર આવ્યો છે? એવું કોઈ મંદિર તમારા શહેર કે ગામમાં છે કે જ્યાં કશા જ ભેદભાવ વિના કોઈ પણ માણસ જઈને બપોરે કે સાંજે ભોજન કરી શકે? વીરપુર કે શીરડી સિવાય? કોઈ પણ નાનાં ગુરુદ્વારામાં જાઓ. ‘લંગર’ તો હશે જ.

આપણી પરંપરાઓમાં આવી દુન્યવી વાતોને કેમ જોડવામાં નથી આવી? મંદિરોમાં જનારાને અંધશ્રદ્ધાળુ કહેવામાં આવે છે. આમ છતાં મંદિરોમાં જનારાની સંખ્યા ઘટતી જોવા નથી મળી. ઉલટી, વધતી ગઈ છે. આ લોકોને સામાજિક સેવા અને શિક્ષણને લગતાં કામો સાથે મંદિરને જોડવાની સલાહ આપી શકાય?

સાઇકલરિક્શાવાળા સરદાર સાથેની વાતચીતનો અનુભવ વિચારપ્રેરક રહ્યો એટલે જ એને ‘અદ્‌ભુત’ ગણાવું છું.

ંંંંંં

%d bloggers like this: