વરસના ૩૬૪મા દિવસે કંઈક લખવું હોય તો શું લખવું? આમ તો એવું છે કે ૧૯૭૪ની આજની તારીખે સવારે પાંચ વાગ્યે હું જયંતી જનતામાંથી દિલ્હીનાં પ્લેટફૉર્મ પર ઊતર્યો હતો. લાંબું પ્લૅટફૉર્મ પાર કરતાં મન ઉદાસ થઈ ગયું હતું. કોઈ ઓળખતું નહોતું. સખત ટાઢ હતી. ગુજરાતી સમાજ જવું હતું. સાઇકલરિક્ષા કરીને પહોંચ્યો ત્યારે હાથ ઠરીને લાકડું થઈ ગયા હતા. પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ જાય જ નહીં, અને માંડ ગયો ત્યારે નીકળે જ નહીં. આપણું જે કંઈ હોય તેનાથી કપાઈ જવું કપરું છે. અજાણી જગ્યાએ આવી ચડવું. એક વાર તો એમ જ થાય કે પાછા ભાગી જઈએ. પણ હાલત એવી હોય કે સાપે છછૂંદર ગળ્યું.
રાજા ભરથરીને કેવું થયું હશે? (એમનાં ફઈબા ‘ભર્તૃહરિ’ જેવું અઘરું નામ સૂઝે એટલું ભણ્યાં હશે? મૂળ નામ, સહેલું ને સટ, ભરથરી જ હશે). ચાર ચાર જુગના સે’વાસ પછી પણ રાણી પિંગલા એમની સાથે ન આવી અને એમણે દુઃખ સાથે ઘર છોડીનેભેખ ધારણ કરી લીધો. ભરથરી તો વનમાં ગયા હશે, પણ એમના જમાનામાં વન બહુ દૂર નહીં હોય કારણ કે વન વધારે હતાં અને શહેર ઓછાં. એટલે બહુ બહુ તો દસ-વીસ કિલોમીટર ગયા હશે, પણ ભુજથી દિલ્હી તો ૧૧૦૦ કિલોમીટર! ગાંધીજી લંડન ગયા ત્યાં એમને પણ ઘર બહુ યાદ આવતું હતું એટલે જ માને આપેલાં વચનો પણ યાદ રહ્યાં. કદાચ અહીં જ રહેતા હોત તો વચનોની જરૂર જ ન પડી હોત, અને મોહનદાસમાંથી મહાત્મા પણ ન બન્યા હોત. એટલે તો વિદેશ જઈને વસનારા આજે ભલે સુખી હોય પણ શરૂઆતના દિવસો કેવા હશે? મનમાં એક અજંપો ઘોળાયા કરતો હોય. જે ન હોય તે મનમાં ધબક્યા કરે, અને જે હોય તે ગમતું હોય …પણ ન ગમતું હોવાની લાગણી થાય.
આવું કંઈક મનમાં ચાલતું હતું તે જ ટાંકણે વિજયભાઈ જોશીનો એક મેઇલ મળ્યો. એમને તો આપણે મળ્યા જ છીએ. યાદ ન આવતું હોય તોમારી બારી (૨૩) – ન્યાય-પ્રતિન્યાયની મુલાકાત લઈ લો.
એમણે એક હાઇબૂન મોકલ્યું. સત્તરમી સદીમાં જાપાનમાં હાઇબૂનનો જન્મ થયો. હાઇબૂન એટલે કલ્પનો અને તસવીરોથી ભરેલું પદ્યાત્મક ગદ્ય અને એની વચ્ચે હાઇકુ જેવી વાછંટ.
એમના હાઇબૂનનો વિષય? શું હતો?
એ જ – દેશ છોડવો અને વિદેશમાં વસવું. ક્યારે માણસ પોતાના નવા ઘરમાં વસે છે? મને થયું કે એમને ટેલીપથી થઈ કે શું?
જોઈએ એમનું હાઇબૂન.
(મૂળ અંગ્રેજીમાં અને તે સાથે મેં કરેલો ભાવાનુવાદ રજુ કરું છું).
૦૦૦
As an immigrant, I always struggled between two identities – the newly acquired one and the one left behind. Uprooted and unable to plant new roots, I tried to connect to the new world while not quite disconnecting from the old world. Derailed and sidetracked, I was in perpetual transit. Constantly trying to go somewhere, I failed to get anywhere. The more I strive to be stationary, the more I become mobile.
driftwood . . . remains of a ship
After many years, I visited my hometown in India. I was looking forward to reviving and untangling the fond memories tucked away and buried in the layers of time. I found instead – fancy boutiques, cyber cafes, fast-food joints, western fashions, skyscrapers, nightclubs, and sprawling malls – a faceless town without a soul.
It had no resemblance to the town of my youth. The old town had been entirely wiped out by the tsunami of change. The native culture was completely swallowed by the foreign culture. The only thing old about the town was its name.
In the early hours of the morning, as I boarded the return flight, it dawned on me that all these years, I had been harboring an illusion. Upon my return, I realized that although a collective root-searching by millions of immigrants will always continue, for me, the sojourn was finally over.
spring morning . . . unfurling its aroma a Jasmine bud
Today, as I watch a movie and hear the soft mysterious beats of Tabla being played in the background, I know thatmy home will always be in my adopted country, in a subliminal sense, old memories – although feeble and fading – will be mine to cherish. Yes, that’s it, my old country will be within me, mine always.
refusing to fall a wilted rose
0-0-0
હું ત્યારે એક હિજરતી હતો, એકલો અટૂલો. નવો નવો પરદેશી.અસ્મિતાના સર્કસમાં બે ઝૂલે ઝૂલતો હતો.એક દેશી ને એક નવોનક્કોર પરદેશી ઝૂલો. હું મૂળસોતો ઊખડીને ખોડાયો હતો નવી ભૂમિમાં – કોશિશ તો કરી નવી ભૂમિમાં મૂળ નાખવાની પણ જૂની માટીની મહેક પણ મગજને તર કરતી રહેતી.
વર્ષો વીત્યાં ને હું નવો પરદેશી આવ્યો જનમભોમ. મારો ભારત દેશ. મારું વતન. હૈયે ઓરતા ઊમગે.સ્મૃતિમાં ટૂંટિયું વાળીને સૂતું હતું મારું વતનઃ જગાડ્યું. અરે, આ મારું વતન? એમાં તો નહોતાં ચકચકતાં બૂટિક ને સાઇબર કૅફે ને ફાસ્ટ-ફૂડ જૉઇંટ્સ, સ્કાય સ્ક્રેપર્સ, વિશાળ મૉલ્સ…ક્યાં ગયાં ઘાઘરા-ચોળી? ને આ શું વળી, સ્કર્ટ, મૅક્સી, કૅપ્રીઝ, જંપર, જીન્સ?
શહેરના ચહેરે હાથ ફેરવીને ઓળખવા માગું છું, મારા બાળપણના શહેરને, પણ પરખાય છે પત્થરના આત્માહીન ઉચ્છ્વાસ; મારા શહેરને તો પરિવર્તનની ત્સુનામી ભરખી ગઈ છે! કિનારો હવે અહીં નથી. સામેનો કિનારો એને ગળી ગયો કે શું? આંખો ચોળીને દુકાનોનાં પાટિયાં જોયાં તો નામ તો એ જ છે. વંટોળિયાની જેમ ગયો સ્ટેશને, પ્લેટફૉર્મ પર મોટા અક્ષરે લખ્યું છેઃ ‘મારું વતન’!
પરોઢિયા પહેલાં રિટર્ન ફ્લાઇટ લીધી ત્યારે અહેસાસ જન્મ્યોઃ સ્મૃતિઓની ભ્રમજાળમાં જીવતો હતો. લાખો જણ પણ શું આવી જ ભ્રમજાળમાં જીવે છે અને વતનનો ઝુરાપો વેઠે છે? નહીં, હવે હું નવો પરદેશી નથી. માત્ર પરદેશી છું. મારી યાત્રાનો છેલ્લો માઇલસ્ટોન મેં જોઈ લીધો છે.
વસંતહસે જાસ્મિનનુંપ્રભાત હિલોળેમન
આજે પણ નવા વતનમાં, મારા નવા ઘરમાં, ટપકે છે એક અંગ્રેજી ફિલ્મમાં, તબલાના અકળ તાલ સાથે, ભ્રમજાળ વિનાની શુદ્ધ સ્મૃતિઓ સાથે, જુનું પુરાણું મારું ઘર, મારા વતનમાં.
રુમેટોઈડ આર્થરાઇટિસ એટલે ફરતો વા. આજે એક જગ્યાએ દુખતું હોય, તો કાલે બીજી જગ્યાએ. ખાસ કરીને નાના સાંધાઓને એ પકડે છે. આંગળીઓ ઝલાઈ જાય અને બહુ વકરે તો હાથ પગનાં હાડકાં પણ વળી જાય. આ રોગ ‘ઑટોઇમ્યૂન’ રોગ છે. એટલે કે આપણા શરીરનું રોગપ્રતિકાર તંત્ર (ઇમ્યૂન સિસ્ટમ) એને અલગ રોગ તરીકે ઓળખી શકતું નથી. આ કારણે એનો કોઈ ઇલાજ નથી હોતો, માત્ર ડૉક્ટરો તકલીફમાં રાહત આપી શકે અથવા એની ખરાબ અસરોને ટાળી શકે. એનું કારણ એ કે આ રોગ શા માટે થાય છે તે જાણી શકાયું નથી.
પરંતુ ૧૪મી ડિસેમ્બરનાScience Translational Medicine સામયિકમાં એક સ્ટડીનાં તારણો પ્રસિદ્ધ થયાં છે. કદાચ ડૉક્ટર હવે એ રોગ લાગુ ન પડે એવા ઉપાયો કરી શકશે. જ્હૉન હૉપકિન્સ ઇન્સ્ટીટ્યૂટના સંશોધકો જણાવે છે કે પેઢાંની કોઈ બીમારી હોય તેના માટે એક બૅક્ટેરિયા જવાબદાર હોય છે.
આ બૅક્ટેરિયા ‘સાઇટ્રૂલિનેટેડ’(Citrullinated) પ્રોટીન બનાવે છે. આ પ્રોટીન ઇમ્યૂન સિસ્ટમને સક્રિય બનાવી દે છે. આમ તો છેક વીસમી સદીની શરૂઆતથી જ પેઢાની બીમારી અને રુમેટોઇડ આર્થરાઇટિસ વચ્ચે સંબંધ હોવાની શંકાઓ હતી જ પરંતુ સંબંધ સ્થાપિત થઈ શકતો નહોતો. હવે જોવા મળ્યું છે કે જે પ્રક્રિયા રુમેટોઇડ આર્થરાઇટિસમાં સપડાયેલા સાંધામાં થાય છે તે જ પ્રક્રિયા પેઢાંમાં પણ જોવા મળે છે. આ પદાર્થ કુદરતી રીતે જ બને છે અને એ પ્રોટીનના કાર્યનું નિયંત્રણ કરે છે. પણ એ જ્યારે વધુ પડતો સક્રિય બની જાય ત્યારે પ્રોટીનનું કામકાજ ખોરવાઈ જાય છે. આને હાઇપર સાઇટ્રુલિનેશન’ કહે છે.
સંશોધકો કહે છે કે રુમેટોઈડ આર્થરાઇટિસના નિદાનમાં આપણે સૌથી નજીકના બિંદુ પર પહોંચ્યા છીએ. હજી સંશોધનો ચાલે છે. આશા રાખીએ કે વૈજ્ઞાનિકોને સફળતા મળે.
કૅનેડાના ભારતીય એન્જીનિયર નેમકુમાર બાંઠિયાએ એવી સામગ્રી વિકસાવી છે કે જે રસ્તા બનાવવામાં વપરાશે અને રસ્તો તૂટે, ખાડા પડી જાય તો રસ્તો જાતે જ પોતાને રિપેર કરી લેશે! એમણે પોતાની આ શોધનો પ્રયોગ કર્ણાટકના તોંડેબાવી ગામમાં ૯૦ કિલોમીટરના રસ્તા પર કર્યો છે. બાંઠિયા પોતાની રીત સમજાવે છેઃ “ આ સામગ્રી એટલે રેસા. એમના પર હાઇડ્રોફિલિક નૅનો-કોટિંગ કરેલુ છે. હાઇડ્રોફિલિયા એટલે કે પાણીને આકર્ષવાનો ગુણ. રસ્તામાં જ્યારે તિરાડ પડી જાય ત્યારે આ પાણી કામ આવે છે. ફાટ સાંધવા માટે સૂકો સિમેન્ટ વપરાય છે પણ હવે આ ફાઇબર એને પાણી પૂરું પાડશે, જેથી વધારે સિલિકેટ બનશે અને ફાટ આપોઆપ સંધાઈ જશે.”
આવા રસ્તા સસ્તા પણ પડશે. એની જાડાઈ માત્ર ૧૦૦ મિલીમીટર છે, એટલે કે સામાન્ય રસ્તા કરતાં ૬૦ ટકા ઓછી. વળી ૬૦ ટકા સિમેન્ટને બદલે ફ્લાયઍશ વપરાય છે. એટલે સિમેન્ટનો ખર્ચ પણ બચે છે અને કાર્બન નીકળવાનું પણ ઘટે છે. સામાન્ય રસ્તાની આવરદા બે વર્ષ મનાય. તે પછી તૂટફૂટ થતી હોય છે અને રિપેરિંગ જરૂરી બની જાય છે. પણ બાંઠિયા કહે છે કે એમણે બનાવેલા રસ્તાની આવરદા પંદર વર્ષ હશે. આપણા દેશમાં ૨૪ લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તા છે એટલે બચત તો ગજબની થાય!
નેમકુમાર બાંઠિયા મૂળ નાગપુરના છે અને દિલ્હી આઈ. આઈ. ટી.માંથી ગ્રેજ્યુએટ થયા પછી ૩૪ વર્ષથી કૅનેડામાં એન્જીનિયરિંગના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.
સગર્ભા માતાના મગજમાં કંઈક એવા ફેરફાર થાય છે કે એ આવનારા શિશુની જરૂરિયાતો સમજી શકે. આવા ફેરફારો લગભગ બે વર્ષ સુધી ટકી રહે છે. સંશોધકોએ ૨૫ સ્ત્રીઓના મગજનો ગર્ભાવસ્થા પહેલાં અને તે પછી અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે મગજના અમુક ભાગમાં ‘ગ્રે મૅટર’ (Grey matter) ઘટી જાય છે. સંશોધકો કહે છે કે ગ્રે મૅટર ઓછું થાય એ બીક લાગે એવી વાત જણાય છે, પણ ઉદ્વિકાસમાં એ જરૂરી હોય એમ લાગે છે અને કદાચ શિશુની માગણીઓ સમજવામાં એની ભૂમિકા ઉપયોગી હશે.
સામયિક Nature Neuroscienceમાં પ્રસિદ્ધ થયેલા સંશોધકોના લેખ પ્રમાણે એમણે આ સ્ત્રીઓના મગજની સરખામણી બીજી સગર્ભા ન હોય તેવી ૨૦ સ્ત્રીઓના મગજ સાથે કરી તો જણાયું કે મગજનો જે ભાગ સામાજિક સંપર્કમાં વપરાય છે તેમાં આ ફેરફારો થાય છે અને આથી સ્ત્રીની બીજાને સમજવાની શક્તિ વધુ સતેજ બને છે.પરંતુ ગ્રે મૅટર ઘટવાથી સ્ત્રીની સ્મરણ શક્તિ પર કે બીજાં કાર્યો પર ખરાબ અસર નથી થતી. પરંતુ બીજા કોશો માતાની મદદે આવે છે, પરિણામે એ વધારે સારી રીતે શિશુની જરૂરિયાતો સમજી શકે છે. સંશોધકે નવજાત શિશુઓના ફોટા માતાઓને દેખાડ્યા ત્યારે પણ જોવા મળ્યું કે મગજના સંબંધિત ભાગો વધારે સક્રિય થઈ ગયા હતા.
ઘડપણ ભલે ને ભગવાને મોકલ્યું હોય, પણ સૉક ઇંસ્ટીટ્યૂટ (Salk Institute of Biological Studies)ના વૈજ્ઞાનિકો ઘડિયાળના કાંટા પાછળ ફેરવવાના એટલે કે આપણો બાયોલૉજિકલ ટાઇમ પાછળ લઈ જવાના પ્રયાસ કરે છે. આ માટે એમણે ઉંદરના જિનૉમના પ્રોગ્રામિંગમાં ફેરફાર કર્યો અને એના સ્નાયુઓને યુવાની આપી. આ રીતે એમણે એમની આવરદામાં ૩૦ ટકા જેટલો વધારો કર્યો. જો કે, આઅનો સીધો ઉપયોગ માણસ પર કરી ન શકાય. પરંતુ હવે વૈજ્ઞાનિકોને સમજાયું છે કે વૃદ્ધાવસ્થા પણ સમયની જેમ આગળ વધતી જીવન પ્રક્ર્રિયાનું પરિણામ છે અને એમાં વૃદ્ધાવસ્થાનો પડાવ આવે જ. જીવનના ઘડિયાળાના કાંટા દરેક નવા ફલિત અંડ માટે શૂન્યથી શરૂ થાય છે અને એમાં જન્મદાતા માતાપિતાની ઉંમરની કોઈ અસર નથી થતી.
અહીં સૉક ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં એક વૃદ્ધ ઉંદરના વેરવીખેર થઈને ઢીલા પડી ગયેલા સ્નાયુ પહેલી તસવીરમાં દેખાય છે. બીજી તસવીર રિપેર કર્યા પછીના સ્નાયુની છે.
હાલમાં જ નોબેલ પારિતોષિકથી સન્માનિત જાપાની જીવવૈજ્ઞાનિક શિન્યા યામાનાકાએ ચાર જીન નોખા તારવી દેખાડ્યા હતા. આ જીન એવા છે કે જે ફલિત અંડના જીવનકાળના ઘડિયાળના કાંટા પાછળ ફેરવી શકે છે. એ બહુ શક્તિશાળી જીન છે અને ચામડીના કોશો અને આંતરડાના કોશોને પણ ફરી યુવાની આપે છે.
માણસમાં આ પ્રયોગ થાય તો આપણી આવરદા તો લંબાશે જ, પણ ખરેખર ત્વચા પાછી કરચલી વિનાની થઈ જશે, આંતરડાં મજબૂત બનતાં, “પચતું નથી” એવી ફરિયાદ પણ નહીં રહે!
માત્ર હમણાં ૬૦ વર્ષની ઉંમરે ‘સીનિયર સિટીઝન’ના લાભ મળે છે તે બંધ થઈ જવાનું જોખમ પણ ખરું જ!
આપણા દેશના ઇતિહાસમાં કાકોરી કાંડ સશસ્ત્ર સંઘર્ષના એક મહત્ત્વના સીમાચિહ્ન જેવો છે. આજે એને યાદ કરવાનું કારણ એ કે ૧૯૨૭ના ડિસેમ્બરની ૧૭મી અને ૧૯મીએ કાકોરી કાંડના ચાર વીરોને ફાંસી અપાઈ તેને ૮૯ વર્ષ પૂરાં થાય છે. ૧૭મીએ રાજેન્દ્ર લાહિડીને ફાંસી અપાઈ અને ૧૯મીએ રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ અને ઠાકુર રોશન સિંઘને ફાંસીના માંચડે ચડાવી દેવાયા. રામ પ્રસાદ બિસ્મિલ એમના નેતા હતા. બિસ્મિલ અઝીમાબાદીની નઝ્મ ‘સરફરોશી કી તમન્ના…” આજે પણ લોકપ્રિય છે તેનું કારણ એ કે રામ પ્રસાદ બિસ્મિલે એને યુદ્ધના લલકાર તરીકે ગાઈને ચિરંજીવ બનાવી દીધી છે. આ ગીત ‘હિન્દુસ્તાન રીપબ્લિકન આર્મી’ના ક્રાન્તિકારીઓ માટે રાષ્ટ્રગીત જેવું હતું.
કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે, પરંતુ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે.
૧૯૨૫ની નવમી ઑગસ્ટની રાત. ૮-ડાઉન કાકોરીથી પસાર થવાની છે. એમાં સરકારી ખજાનો છે. ટ્રેન આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચી અને ટ્રેન અટકી ગઈ. અંધકાર સાંયસાંય કરે છે, ત્યાં તો કેટલાક ‘ધાડપાડુઓ’ ટ્રેન પર ત્રાટકે છે. મુસાફરોમાં બૂમાબૂમ મચી છે – ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે-ત્રણ જણ ઊતરે છે. એ હતા, અશ્ફાકુલ્લાહ, સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી. એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે. બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે. બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે. બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે. તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ “ગભરાઓ નહીં, અમે આઝાદી માટે લડીએ છીએ, ક્રાન્તિકારીઓ છીએ. તમારાં જાનમાલ સલામત છે, પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી…”
ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે, ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે. એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય. જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું. ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ. બધા સ્તબ્ધ થઈ ગયા. એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો? બિસ્મિલ સૌના નેતા હતા. બધા એમની સામે જોવા લાગ્યા. બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો. તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું. ટ્રેન પસાર થઈ ગઈ, તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા. એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, અશ્ફાકુલ્લાહ, રાજેન્દ્ર લાહિડી, મન્મથનાથ ગુપ્ત, સચીન્દ્ર નાથ બખ્શી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ અને મુકુંદી લાલ.
સરકાર હેબતાઈ ગઈ. એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં.
દાદાનું શ્રાદ્ધ!
હવે બિસ્મિલમાં હિંમત વધી. એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું. એમણે સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ “ અમે કુશળ છીએ. કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ, રવિવારે છે. તમારે આવવાનું જ છે… તમારો રુદ્ર”! બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા, તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ.
દાદાના શ્રાદ્ધના નામે એકઠા થયેલા ક્રાણ્તિકારીઓએ હવે મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું પણ તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા, આગરા, અલ્હાબાદ, બનારસ. એટા, કાનપુર, હરદોઈ, મેરઠ, લખીમપુર, લખનઉ, મથુરા, શાહજહાનપુર, લાહોર, ઓરાઇયા, રાયબરેલી, પુણે, લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા. એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા. જો કે ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયાઅ જ નહીં, છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા. અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા. અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા. એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા. રાજેન્દ્ર લાહિડી દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં પકડાઈ ગયા હતા. અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો, પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો.
બે વર્ષ કેસ ચાલ્યો, એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી, જેમાં, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રીપ્રકાશ, અને ચંદ્રભાન ગુપ્તા હતા. પણ બધાંને સજાઓ થઈ; કોઈને પાંચ વર્ષ, તો કોઈને આજીવન કેદ. બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો, એમના નજીકના સાથીઓ ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી. રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો. સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ, જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી.
ફાંસીની સજા પામેલા ચારેય ક્રાન્તિકારીઓએ દયાની અરજીઓ પણ કરી તે ફગાવી દેવાઈ. રામપ્રસાદ બિસ્મિલનો તર્ક એ હતો કે લૂંટના કેસમાં મરીને શું કરવાનું? હજી ઘણું કરવાનું બાકી છે.
રાજેન્દ્ર લાહિડી
રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે. એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે “તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે. મ્રૂત્યુ શું છે? જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં…” એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ. ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું, “એની શી જરૂર છે? મને રસ્તો દેખાડતા આગળ ચાલો, હું આવું જ છું.” એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે ઝૂલી ગયા.
ઠાકુર રોશનસિંઘ
ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ. ૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ “ આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે… તમે મારા માટે જરાય દુખી ન થજો….” એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ
રામપ્રસાદ બિસ્મિલ ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈના મિત્ર હતા પણ બિસ્મિલના વ્યક્તિત્વે એમને પણ આકર્ષી લીધા. એ પણ એક શાયર-દિલ આદમી હતા. એમણે લખ્યું છેઃ
કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ. એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં, અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં. ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા, તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં. આવા ‘વીર’ પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા. બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં, સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે. એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી. એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે.
ફાંસીના ચાર દિવસ પહેલાં, ૧૫મીએ એમણે લખ્યું:
“અપીલકરવાપાછળએકકારણએપણહતુંકેફાંસીનીતારીખમાંફેરફારકરાવીનેહુંનવયુવકોનુંજોશજોઉં. એમાંહુંનિરાશથયો….મેંબહારનીકળવાઘણાપ્રયત્નકર્યાપણબહારથીકોઈમદદનમળી. અફસોસતોએવાતનોછેકેજેદેશમાંઆટલુંમોટુંક્રાન્તિકારીજૂથઊભુંકરીદીધુંત્યાંમારીપોતાનીરક્ષામાટેમનેએકપિસ્તોલપણનમળી. કોઈયુવાનમારીમદદમાટેઆગળનઆવ્યો. યુવાનોનેમારેવિનંતિછેકેજ્યાંસુધીબધાભણીગણીનલેત્યાંસુધીગુપ્તપાર્ટીઓતરફકોઈધ્યાનનઆપે. દેશસેવાનીઇચ્છાહોયતો છતું કામ કરે. શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે.”
બિસ્મિલના જીવનની અંતિમ સવારે, ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ માતા દૃઢ હતા< એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી. બિસ્મિલે જવાબ આપ્યો,” હું મોતથી નથી ડરતો. ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય, મા, તમારો અને મારો સંબંધ એવો જ છે; આંસુ તો આવી જ જાય ને!”
એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી. તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ “હું ઇચ્છું છું કે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવી જાય!” પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ
જબ ન અગલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ એક મિટ જાને કી હસરત અબ દિલ–એ–બિસ્મિલ મેં હૈ
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है
ए वतन करता नहीं क्यूँ दूसरा कुछ बातचीत,
देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है
ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत, मैं तेरे ऊपर निसार,
अब तेरी हिम्मत का चरचः ग़ैर की महफ़िल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
वक़्त आने पर बता देंगे तुझे, ए आसमान,
हम अभी से क्या बताएँ क्या हमारे दिल में है
खेँच कर लाई है सब को क़त्ल होने की उमीद,
आशिक़ोँ का आज जमघट कूचः-ए-क़ातिल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
है लिए हथियार दुशमन ताक में बैठा उधर,
और हम तय्यार हैं सीना लिये अपना इधर.
ख़ून से खेलेंगे होली गर वतन मुश्किल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
हाथ, जिन में हो जुनून, कटते नही तलवार से,
सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से.
और भड़केगा जो शोलः सा हमारे दिल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
हम तो घर से ही थे निकले बाँधकर सर पर कफ़न,
जाँ हथेली पर लिये लो बढ चले हैं ये कदम.
जिन्दगी तो अपनी मॆहमाँ मौत की महफ़िल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
यूँ खड़ा मक़्तल में क़ातिल कह रहा है बार-बार,
क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है?
दिल में तूफ़ानों की टोली और नसों में इन्क़िलाब,
होश दुश्मन के उड़ा देंगे हमें रोको न आज.
दूर रह पाए जो हमसे दम कहाँ मंज़िल में है,
जिस्म भी क्या जिस्म है जिसमें न हो ख़ून-ए-जुनून
क्या लढ़े तूफ़ान से जो कश्ती-ए-साहिल में है
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है
ફેફસામાં કૅન્સર થયું હોય તે શરીરના બીજા ભાગમાં ફેલાય છે. આ પ્રકારનું કૅન્સર ‘મેટાસ્ટેસિસ’ (સ્થાન બદલાવતું) કૅન્સર કહેવાય છે.
નિરોગી ફેફસાંકૅન્સરવાળાં ફેફસાં
આને રોકવું કેમ? યૉર્ક અને ટેક્સસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ફેફસાના કૅન્સરની ગાંઠમાં જ એક ભાગ એવો છે જે પોસ્ટ ઑફિસ જેમ કામ કરે છે. આ પોસ્ટ ઑફિસમાં PAQR11 નામનો એક પ્રોટિન હોય છે. એને આપણે પોસ્ટ ઑફિસનો ક્લાર્ક માની લઈએ. એને બીજા Zeb1 નામના પ્રોટીન તરફથી સંદેશો મળે એટલે એ પોસ્ટ ઑફિસમાં ટપાલના કોથળા -કોશની પાતળી ત્વચાના પડો – પડ્યા હોય છે તેની હેરફેર શરૂ કરી દે છે. એમના ડિલિવરીના રૂટ બદલાઈ જાય છે અને કૅન્સરના વિસ્તારની સીમામાં ફેરફાર થાય છે. કોશ એની ફિક્સ થયેલી જગ્યાએ ઢીલો પડીને છૂટો થઈ જાય છે, અને શરીરના બીજા ભાગો સુધી કૅન્સરની ડિલિવરી કરવા નીકળી પડે છે.
યૉર્ક યુનિવર્સિટીના બાયોલૉજીના પ્રોફેસર ડૉ. ડેનિયલ અંગર કહે છે કે આપણે એક જગ્યાએ તંબુ ખોડ્યો હોય તો એને ચારે બાજુથી બરાબર ખીલે મુશ્કેટાટ ખોડી દઈએ છીએ કે જેથી એનો આકાર બગડે નહીં. આ જ તંબુને ત્યાંથી ખસેડીને બીજે લઈ જવો હોય તો પહેલાં એને ખીલેથી ખોલવો પડે. ફેફસાના કોશમાં પણ એમને જોવા મળ્યું કે કૅન્સરની ધાર પરથી કોશ છૂટો પડે છે.
કૅન્સરના કોશને છૂટો પાડવાનો સંદેશ પહોંચાડતી આ પોસ્ટ ઑફિસ (જેનું નામ ‘ગોલ્ગી ઍપરેટસ’ છે) બંધ થાય તો કૅન્સરને ફેલાતું રોકી શકાય એટલું તો વૈજ્ઞાનિકોને હવે સમજાઈ ગયું છે, એટલે હવે PAQR11 અને Zeb1 વચ્ચે સંપર્ક કાપવામાં સફળતા મળે તેની રાહ જોઈએ.
મોટી ઇમારતો, પુલો વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, અથવા તો વિમાનમાં ઘણી જાતના પદાર્થો વપરાય છેઃ સ્ટીલ, ઍલ્યૂમિનિયમ, ફાઇબર ગ્લાસ વગેરે. ઓચિંતું કંઈક બને અમે ઇમારત ધસી પડે, પુલ તૂટી પડે અને અનેક લોકોના જાન જાય. પરંતુ કંઈ ઓચિંતું બનતું નથી. નાની તિરાડ પડી ગઈ હોય, કોઈનું ધ્યાન ન જાય. તિરાડ મોટી થતી જાય અને એક દિવસ બધું કડડભૂસ થઈ જાય. આપણા પગે કે હાથે ઊઝરડો પડ્યો હોય તો જાતે જ જોઈ શકીએ. પીઠ પર કંઈ વાગ્યું હોય તો ત્યાં પીડા થાય. પણ પદાર્થને આંખ હોય તો એ પણ જાતે જ જોઈ લે કે એને ક્યાં છોલાયું છે, અને આપણને દેખાડે પણ! પછી આપણે એનો ઉપાય કરીએ તો કરોડો રૂપિયાનું નુકસાન ટાળી શકીએ, અનેક લોકોના જીવ બચાવી શકીએ.
કોલકાતામાં આ વર્ષની ૩૧મી માર્ચે એક નિર્માણ હેઠળનો પુલ ધસી પડ્યો હતો
સિવિલ, મૅકેનિકલ અને એરોસ્પેસ એન્જીનિયરિંગમાં આજે ‘સ્માર્ટ સેંસિંગ ટેકનૉલૉજી’નું મન વધવા લાગ્યું છે. વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીની સંશોધક ટીમના સભ્ય કોલ બ્રુબેકર કહે છે કે પોલીમર રેઝિન (કૃત્રિમ ગુંદર – ઘણી વસ્તુઓ ચોંટાડવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ)માં નૅનોપાર્ટિકલ્સની રજકણ ભેળવી દો. નિર્માણ માટેની સામગ્રીને કંઈ નુકસાન થશે, તિરાડ પડે, ગોબો પડી ગયો હોય ત્યારે આ નૅનોપાર્ટિકલ્સ એ જગ્યાએ ચળકવા લાગશે! બ્રુબેકર એને ‘મૂડ રિંગ મટીરિયલ’ કહે છે. કારણ કે એ પોતાનો સુખી કે દુખી મૂડ દેખાડે છે. આમ ધાતુ પોતે જ પોતાનો ઘા આપણને દેખાડી દેશે. આજે તો કોઈ પુલમાં કંઈ નુકસાન થયું છે કે નહીં તે જોવા માટે ફ્લડલાઇટો સાથે મોટી ટીમ મોકલવી પડે, અને તેમ છતાં કદાચ કોઈ તિરાડ ધ્યાન બહાર રહી જાય!
જો કે, હજી આના અખતરા ચાલે છે કારણ કે બધી જાતના પદાર્થોમાં એકસરખું પરિણામ મળવું જોઈએ. હમણાં સુધી કરાયેલા પ્રયોગોમાં ઍલ્યૂમિનિયમ અને ફાઇબર ગ્લાસમાં મળેલાં પરિણામોમાં અંતર જોવા મળ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકો સાચા રસ્તે છે એમાં શંકા નથી.
આપણા સ્નાયુની જેમ સંકોચાય અને વિસ્તરે એવા કૃત્રિમ સ્નાયુ, એ કોઈ નવી વાત નથી. એનો ઉપયોગ રોબોટિક્સથી માંડીને ઑટોમોબાઇલ અને વિમાની ઉદ્યોગમાં થાય જ છે, પરંતુ એમાં બહુ ખર્ચાળ પદાર્થ વાપરવો પડે છે. હવે MITના સંશોધકોએ સાદા નાયલોનમાંથી આવા સ્નાયુ બનાવવાની રીત વિકસાવી છે, પરિણામે કૃત્રિમ સ્નાયુ બનાવવાનું બહુ સહેલું અને સસ્તું બની જશે.
નાયલોનના તારને એમણે એક ખાસ રીતે ગરમ કરીને ધાર્યા પ્રમાણે ઘાટ આપ્યો. પહેલાં સંશોધકોએ સાબીત કર્યું હતું કે અમુક નિશ્ચિત આકાર અને વજનની નાયલોનની કૉઇલનો ફેલાઈ અને સંકોચાઈ શકે છે, એટલું જ નહીં પણ, એમાં આપણા કુદરતી સ્નાયુ કરતાં પણ વધારે શક્તિનો સંચય કરવાની ક્ષમતા હોય છે. પરંતુ, આપણી આંગળીઓના હલનચલન જેવી નાની ક્રિયાઓ કરવાનું શક્ય નહોતું. હવે એ પણ શક્ય બનશે.
‘ઍડવાન્સ્ડ મટીરિયલ્સ’ સામયિકમાં આ નવી શોધ વિશે માહિતી આપતાં સંશોધક સૈયદ મીરવકીલ લખે છે કે નાયલોન અને બીજા પોલીમર ફાઇબરમાં એક ખાસ ગુણ છે. એને ગરમ કરો તો એની લંબાઈ ઓછી થાય છે પણ તે સાથે જ એનો વ્યાસ (ડાયામીટર) વધે છે, પરંતુ સીધી રેખામાં આવો ઘટાડો કરવા માટે ગરગડી જેવં સાધનોની જરૂર પડે છે. MITની આ ટીમે આવાં કોઈ સાધન વિના એ કરી બતાવ્યું.
વળી, નાયલોનને એક વાર ગરમ કર્યા પછી એને ઠંડું કરવામાં સમય લાગે છે. આ મુશ્કેલી હતી. એની સામે મીરવકીલે ઉપાય એ કર્યો કે એક બાજુથી નાયલોનને ગરમ કર્યું અને એની ગરમી બીજી બાજુ પહોંચે તે પહેલાં ગરમી આપવાનું બંધ કર્યું. આમ એની સંકોચાવાની ક્ષમતાને એમણે મર્યાદિત કરી દીધી. પરિણામે એમને જે કૃત્રિમ સ્નાયુ મળ્યો તે એક સેકંડમાં ૧૭ હલનચલન કરી શકે છે. આની વિગતો એક લેખ બની જાય તેટલી છે એટલે તમે વધારે જાણવા માગતા હો તો અહીં ક્લિક કરો.
આપણા માટે સારા સમાચાર તો મીરવકીલના પ્રોફેસર ઈયાન હંટર આપે છેઃ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ આ સાદા મટીરિયલને ઢાળવાનું શક્ય બનશે. એટલે બૂટ ફિટ ન થતા હોય તો એ તમારા પગનો આકાર લઈ શકશે અને શર્ટ ટૂંકું હશે તો એને લાંબું કરી શકશો, અને કદાચ દરજીઓને બદલે આ નવો ધંધો પણ વિકસે!
આ વીડિયો જોવા જેવો છેઃ
(૪) બચી ગયા…! દોઢેક વર્ષ પહેલાં જ આપણે ભસ્મીભૂત થઈ ગયા હોત!
ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ (TIFR)ના ઊટીમાં આવેલા મ્યૂઓન ટેલીસ્કોપ GRAPES-3એ ૨૦૧૫ની ૨૨મી જૂનની મધરાતના સુમારે પૃથ્વી પર બ્રહ્માંડ કિરણોનો જબ્બરદસ્ત મારો થવાનું નોંધ્યું છે. બ્રહ્માંડ કિરણોનો ધોધ પૃથ્વી પર બે કલાક સુધી વરસતો રહ્યો અને એનું જોર એટલું હતું કે પૃથ્વીની ફરતે આવેલું ચુંબકીય રક્ષા કવચ ભેદાઈ ગયું આ ચુંબકીય રક્ષા કવચ આપણા ગ્રહની જીવ સૃષ્ટિને પ્રચંડ શક્તિશાળી બ્રહ્માંડીય વિકિરણથી બચાવી લે છે. ચુંબકીય કવચ પૃથ્વીના વ્યાસથી ૧૧ગણું છે તે માત્ર ચારગણું રહી ગયું હતું.
૨૧મી જૂનની વહેલી સવારે સૂર્યના કુંડલાકાર વલયમાંથી અતિ પ્રબળ વીજભાર વાળા કણોનું વિરાટ વાદળ (પ્લાઝ્મા) નીકળ્યું અને ૪૦ કલાક પછી ૨૨મી જૂને પૃથ્વીના વાતાવરણ સુધી આવી ગયું અને ઓછી શક્તિવાળા કણો આપણા વાતાવરણમાં પ્રવેશ્યા. આની અસરથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉચ્ચ પ્રદેશોમાં રેડિયો સિગ્નલો ખોરવાઈ ગયાં.
GRAPES-3એ ગણતરીઓ કરીને દેખાડ્યું છે કે વાદળની ઝડપ કલાકના ૨૫ લાખ કિલોમીટરની હતી. સૂરજમાંથી વરસતાં આવાં તોફાનોથી મોટા વિસ્તારોમાં વીજળી મથકો, GPS સિસ્ટમો વગેરે ખોરવાઈ જાય છે. ગયા વર્ષે આવેલું આ તોફાન પૃથ્વીના ધ્રુવીય ચુંબકો કરતાં વધારે શક્તિશાળી હતું એટલે જ એના નબળા કણો આપણા વાતાવરણમાં પ્રવેશી શક્યા હતા.
ઊટીમાં વર્ષ ૨૦૦૦માં TIFRની બ્રહ્માંડ કિરણોના અવલોકનની પ્રયોગશાળા (Cosmic Ray Laboratory -CRL) બનાવવામાં આવી. એમાં દુનિયામાં કૉસ્મિક કિરણોના અવલોકન માટેનું સૌથી મોટું મ્યૂઓન ટેલીસ્કોપ છે. CRLમાં પ્રોફેસર સુનીલ ગુપ્તાના નેતૃત્વ હેઠળ ભારતની સાત અને જાપાનની પાંચ યુનિવર્સિટીઓના ૩૦ વૈજ્ઞાનિકો કામ કરે છે.
આપણેન્યૂટનઅને એમના પ્રતિસ્પર્ધી લાઇબ્નીસનો પરિચય પહેલા બે લેખમાં મેળવ્યો. લાઇબ્નીસે યુરોપના ગણિતજ્ઞો સમક્ષ એક કોયડો રજૂ કર્યો હતો, જેનો જવાબ ન્યૂટને પોતાનું નામ વાપર્યા વગર જ આપી દીધો. આ કોયડો પૂછવામાં લાઇબ્નીસની સાથે એક બર્નોલીનું નામ પણ આપણે વાંચ્યું. આ બર્નોલી કોણ હતા?
વાત એમ છે કે આ બર્નોલી એકલા નહોતા. આખો બર્નોલી પરિવાર ગણિતશાસ્ત્રીઓનો છે અને એ એક જ પરિવારમાંથી આઠ ગણિતશાસ્ત્રીઓ દુનિયાને મળ્યા, તેમાંથી ત્રણનું પ્રદાન તો સંપૂર્ણપણે મૌલિક હતું. આજે આ આખા પરિવાર વિશે વાત કરીએ અને એમણે શું પ્રદાન કર્યું તેની ચર્ચા કરીશું. અહીં વંશાવલી આપી છે. તેમાં પીળા વર્તુળવાળા બર્નોલીઓએ મૌલિક પ્રદાન કર્યું છે, જ્યારે વાદળી વર્તુળવાળા બર્નોલીઓ પણ ગણિત ક્ષેત્રે અગ્રગણ્ય રહ્યા છે. બર્નોલી પરિવારે ન્યૂટન, લાઇબ્નીસ, ઑઈલર અને લૅગ્રાન્જની બરાબરીમાં રહે તેવા ગણિતશાસ્ત્રીઓ ત્રણ પેઢી સુધી આપ્યા. જોવાનું એ છે કે જૅકબ અને જોહાન બન્ને ભાઈઓ વચ્ચે હૂંસાતૂંસી પણ હતી અને બન્ને એકબીજાને પછાડવા માટે મંડ્યા રહેતા. આનો લાભ ગણિતને બહુ મળ્યો છે!
બર્નોલી પરિવારની હિજરત
૧૫૬૭માં સ્પેનના રાજા ફિલિપે રોમન કૅથોલિક ધર્મને રાજ્યનો ધર્મ બનાવી દીધો અને વિદ્રોહીઓ તેમ જ બીજા ધર્મના લોકો પર દમનનો કોરડો વીંઝ્યો. બર્નોલી પરિવાર મૂળ તો હૉલૅંડનો હતો પણ હવે સ્વિટ્ઝર્લૅંડ ભાગી છૂટ્યો અને ત્યાં બૅસલમાં વસી ગયો. એ કૅલ્વિન સંપ્રદાયના હતા એટલે સ્પેનમાં રહેવું એટલે મોતને નિમંત્રણ આપવા જેવું હતું.
પરિવારના વડવા નિકોલસનો પેઢીઓથી ચાલતો મસાલાનો ધમધમતો વેપાર હતો. એનો ખ્યાલ હતો કે પુત્રજૅકબપણ વેપારમાં જોડાશે પણ એણે પોતાનો જુદો રસ્તો લીધો. જો કે એનાં માતાપિતાને પસંદ ન આવ્યું અને ભણવું જ હોય તો ફિલોસોફી અને થિયોલૉજી ભણવાની ફરજ પાડી. જૅકબે એનો અભ્યાસ તો કર્યો પરંતુ તે દરમિયાન જ ફ્રાન્સ, ઇંગ્લૅંડ, જિનીવા, નેધરલૅંડ્સ વગેરેની મુલાકાત લીધી. ત્યાં રૉબર્ટ બૉઇલ જેવા વૈજ્ઞાનિકો અને બીજા ગણિતશાસ્ત્રીઓ સાથે સંપર્કમાં આવવાનું થયું આના પરિણામે એને ગણિત અને ખગોળવિજ્ઞાનનું આકર્ષણ પેદા થયું, પરંતુ બન્ને ક્ષેત્રો એને અટપટાં લાગ્યાં. એટલે એમાં એ ઊંડો ઊતર્યો. પિતાના વિરોધ છતાં એણે લાઇબ્નીસના કલનગણિતમાં પ્રવીણતા મેળવી લીધી.
આજે આપણે જેને Integral Calculus કહીએ છીએ એ નામ જૅકબે આપ્યું છે, લાઇબ્નીસે તો એને Calculus Summatorium નામ આપ્યું હતું. એણે ૧૬૯૦માં એક અભ્યાસપત્ર લખ્યો તેમાં પહેલી વાર Integralનામનો ઉપયોગ કર્યો.
જૅકબ બર્નોલીએ એ પણ દેખાડ્યું કે એક વક્ર પર ત્રણ જુદા જુદા બિંદુએ કોઈ પદાર્થો મૂકેલા હોય તે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ સાથેના આલેખમાં દેખાડ્યા પ્રમાણે એકી સાથે એક જ સમયે તળિયે આવશે. આને Isochrone curve કે Tautochrone curve કહે છે. (tauto એટલે same અને Iso એટલે Equal; Chrono એટલે સમય).
જેકબ બર્નોલી અને એમના ભાઈ જોહાન બર્નોલી તેમજ જોહાનના પુત્ર ડૅનિયલ બર્નોલીનાં સમીકરણો આજે ઇજનેરી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે. મોટા ઝૂલતા પુલ બનાવવામાં, પાઇપલાઇનમાં પાણી, તેલ કે ગૅસનું દબાણ કેટલું હોવું જોઈએ તે નક્કી કરવામાં એના વિના ચાલતું નથી. આમ આપણને એમ લાગે કે આ બધી ગણિતની માથાફોડ કાગળ પર શા માટે કરી હશે; એમાં એમને અંગત રીતે મગજ કસવા સિવાય શું મળ્યું હશે. પરંતુ આજની ઈજનેરી ટેકનોલૉજીમાં એની ભૂમિકા અનિવાર્ય છે. ગણિત જીવન સાથે જોડાયેલું છે તેની એમને ચોખ્ખી પ્રતીતિ હતી. સામાન્ય દેખાતી વાતની પાછળ બ્ર્રહ્માંડનો કોઈ નિયમ કામ કરે છે અને એને સૂત્રાતમક રીતે સમજવી શકાય છે એ તો આપણને ગણિત જ શીખવી શકે.
જૅકબે ઘાતાંકોની શ્રેણી (Exponential series) આપી તે ઉપરાંત Probability Theory (સંભાવનાના ગણિતશાસ્ત્ર)માં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. બહુ મોટી સંખ્યાઓ પરથી સૅમ્પલ બનાવીને સંભાવનાની આગાહી કરવા માટેના નિયમો આજે Bernoulli Law of Large numbers તરીકે ઓળખાય છે. આવાં ક્ષેત્રોમાં વ્યવહારના સ્તરે કામ કરતા લોકો કદાચ બર્નોલી પરિવારના એક પણ સભ્યનું નામ પણ જાણતા ન હોય પરંતુ રોજબરોજના કામમાં એમની મુલાકાત જેકબ બર્નોલી સાથે થતી જ રહે છે.
જૅકબ બર્નોલી એમના મૃત્યુ સુધી બેસલ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક રહ્યા. એમના પછી એના નાના ભાઈ જોહાનને આ સ્થાન આપવામાં આવ્યું.
જોહાન બર્નોલી
ત્રણ ભાઈઓમાં જોહાન સૌથી નાનો. એને પણ પિતા નિકોલસે સારું શિક્ષણ આપ્યું કે જેથી એ ઘરના ધંધામાં જોડાય. પરંતુ જોહાને જૅકબનો જ માર્ગ લીધો. એ બેસલ યુનિવર્સિટીમાં મૅડિકલ સાયન્સ માટે દાખલ થયો. પણ એ વખતે જૅકબ ત્યાં ગણિતનો પ્રોફેસર હતો. જોહાનનું મન પણ ગણિત તરફ વળ્યું. એ જૅકબ પાસેથી ગણિત શીખ્યો અને લાઇબ્નીસના કલનગણિતમાં પાવરધો બની ગયો. હવે એ મોટાભાઈને ગણકારતો નહોતો, ઉલટું એના વિશે જાહેરમાં પણ ઘસાતું બોલતો.
જૅકબ અને જોહાનના સ્વભાવમાં ઘણું અંતર હતું જૅકબ શાંત હતો, પરંતુ એને પોતાના વિશે બહુ ઊંચો ખ્યાલ હતો અને એને પોતાની પ્રશંસા સાંભળવાની જ ટેવ પડી હતી. જોહાન સ્વભાવે તુંડમિજાજી હતો. એ કોઈને, જૅકબ સહિત, પોતાની બરાબર માનવા તૈયાર નહોતો. પરંતુ ગણિતમાં એની કાબેલિયતનો ઇનકાર થઈ શકે તેમ નથી. એ જમાનામાં યુરોપમાં કૅલ્ક્યુલસ સમજનારા ગણિતશાસ્ત્રીઓ બહુ ગણ્યાગાંઠ્યા હતા. પરંતુ જૅકબ અને જોહાને એના પર સારી પકડ મેળવી હતી.
વૈજ્ઞાનિક તરીકે જોહાનનું પ્રદાન જૅકબ કરતાં મોટું છે. ખુદ ન્યૂટન ગુરુત્વાકર્ષણ અંગેના કોઈક સવાલ ઉકેલી શક્યો નહોતો, પણ જોહાને એ ઉકેલી આપ્યા. એણે ડિફરેન્શિયલ કૅલ્ક્યુલસનો ખાસ અભ્યાસ કર્યો અને એમાંથી એણે ‘Brachistochrone problemનો જવાબ શોધી આપ્યો. (Brachistochrone ‘બ્રેકિસ્ટો’ એટલે ટૂંકામાં ટૂંકો અને ‘ક્રોન’ એટલે સમય). સવાલ એ હતો કે એક બિંદુ પરથી એક મણકો ગુરુત્વાકર્ષણના બળને કારણે નીચે દદડે તો નીચેના બિંદુ પર ઓછામાં ઓછા સમયમાં પહોંચવા માટે કયો માર્ગ હોવો જોઈએ? જોહાને એનો અર્ધવર્તુળાકાર માર્ગ દેખાડ્યો. આ સાથે આપેલી આકૃતિ દેખાડે છે કે મણકો ઝૂલતી પટ્ટી પરથી જાય તો ઓછામાં ઓછા સમયમાં નીચે પહોંચી જાય.
આ સવાલના જવાબ આપનારા માત્ર પાંચ જણ હતાઃ જોહાન પોતે, જૅકબ, લાઇબ્નીસ, લૅ’હૌપિટલ અને ન્યૂટન. જો કે, ન્યૂટને એમાં પોતાનું નામ નહોતું આપ્યું. પરંતુ એનું સમીકરણ જોઈને જ જોહાન બર્નોલીના ઉદ્ગાર નીકળી ગયા હતા કે, “આહ, મેં સિંહને એના પંજા પરથી ઓળખી લીધો!” જો કે કેટલાયે વિદ્વાનો માને છે કે જેકબ બર્નોલીનો જવાબ પણ બરાબર હતો પણ એમાં જોહાન જેવી ચમક નહોતી. એમનું કહેવું છે કે વેરિએબલ્સના કૅલ્ક્યુલસનાં બીજ તો જેકબના સમીકરણમાં છે પણ જોહાને એને અનુરૂપ પોતાનો જવાબ સમજાવ્યો એટલે વેરિએબલ્સનું કૅલ્ક્યુલસ બનાવવાનો યશ એને મળે છે.
જોહાને બીજું ઘણું કર્યું જેમ કે સમુદ્રમાં મુસાફરી કરવા માટે દિશા સૂચનનું ગણિત પણ એણે શોધ્યું આ ઉપરાંત એણે કરેલી ઘણી શોધોનો યશ હૌપિટલને ફાળે ગયો છે કારણ કે હૌપિટલ અને જોહાન વચ્ચે કરાર થયા હતા કે જોહાન નિયમિત રીતે અમુક પગાર લે અને હૌપિટલને પોતાના સંશોધનપત્રો સોંપતો જાય!
બ્રેકિસ્ટોક્રોનના ઉકેલનું સમીકરણ આજે ઘણી રીતે કામ આવે છે. એનો નમૂનો આ રહ્યોઃ આકૃતિમાં દેખાડ્યું છે કે બે ટાંકી જોડેલી છે. અને બન્નેમાં પાણીની સપાટી એકસરખી નથી. હવે એક છેદ વાટે મોટી ટાંકીમાંથી પાણી નીકળીને નાની ટાંકીમાં કેટલા દબાણે જશે? દબાણ ઓછું હોય તો વેગ વધુ હોય. એટલે આપણે આદર્શ સમય નક્કી કરવા માટે દબાણ અને વેગ બન્ને જાણવાં જોઈએ.
આમ જ્યાં પણ પ્રવાહી, વેગ અને દબાણની વાત આવે ત્યાં બર્નોલીનું સમીકરણ લાગુ પડતું જ હશે.
ડેનિયલ બર્નોલી
જોહાનના પુત્ર ડેનિયલ બર્નોલીએ પણ કેલ્ક્યુલસ પર પોતાની છાપ છોડી છે. જોવાનું એ છે કે જોહાને પણ પોતાના પિતાની જેમ જ પુત્ર સાથે કર્યું. એણે ઘણું ઇચ્છ્યું કે ડૅનિયલ ગણિતના ક્ષેત્રમાં ન જાય, પણ ડૅનિયલે એની અવગણના કરી અને ગણિત જ પસંદ કર્યું.
એ જમાનો જ જુદો હતો. એમાં નવી શોધખોળો કરવા માટે ઉત્સાહ હતો. ગણિત ક્ષેત્રે લોગેરિધમ, નંબર થિયરી, ઍનાલિટિક જ્યોમેટ્રીનો વિકાસ થયો. તે ઉપરાંત, લોલકવાળું ઘડિયાળ, બૅરોમીટર, માઇક્રોસ્કોપ, ટેલીસ્કોપ, થર્મોમીટર શોધાયાં અને નીચે પડતા પદાર્થની ગત્યાત્મક શક્તિ વિશે દુનિયાને જાણવા મળ્યું.
આ સંજોગોમાં જોહાનનો પુત્ર અને બર્નોલી કુટુંબનો એક નબીરો ગણિતથી દૂર રહે તે શક્ય નહોતું. પિતાએ એને વેપારમાં નાખવાની કોશિશ કરી, પરંતુ ડૅનિયલે બૅસલ યુનિવર્સિટીમાં લૉજિક અને ફિલોસોફીનો અભ્યાસ પસંદ કર્યો. એ વખતે એની ઉંંમર માત્ર ૧૩ વર્ષની હતી. પછી પિતાએ એને મૅડિકલ લાઇનમાં નાખ્યો. આના માટે ડેનિયલ જર્મનીના હાઇડલબર્ગની પાડુઆ યુનિવર્સિટીમાં જોડાયો. પરંતુ એની તબીયત બગડતાં મૅડિકલમાં આગળ ન વધ્યો પણ એ દરમિયાન એણે‘મૅથેમૅટિકલ એક્સરસાઇઝીસ’ નામનું પુસ્તક ૧૭૨૪માં, માત્ર ૨૪ વર્ષની ઉંમરે પ્રકાશિત કર્યું.
૧૭૨૫માં એણે સમુદ્રમાં જહાજો વાપરી શકે એવો આવર-ગ્લાસ બનાવ્યો. એ એવો હતો કે જહાજ ગમે તેટલું હાલકડોલક થતું હોય, રેતીની નીચે પડવાની ગતિ અચળ જ રહે. પૅરિસ ઍકેડેમીએ એને આ માટે ઇનામ આપ્યું.
ડૅનિયલ દેખાડે છે કે બ્લડ પ્રેશર કેમ માપવું
કલનશાસ્ત્ર બધાં ક્ષેત્રોમાં ઉપયોગી છે. ડૅનિયલ બર્નોલીનું મુખ્ય કામ પ્રવાહી અને એના દબાણને માપવાના ક્ષેત્રમાં રહ્યું એને વિચાર આવ્યો કે લોહીનું પણ દબાણ માપી શકાય. આ વિચાર આવવાનું કારણ એ કે એ ડૉક્ટર પણ હતો!
૧૭૨૫માં જ એને લોહીનું દબાણ અને વેગ, તેમ જ એ બન્ને વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા થઈ. લોહી માપવાનું ઉપકરણ બનાવવા માટે એણે બીજા મહાન ગણિતજ્ઞ ઑઈલર (Euler) નો સાથ લીધો. પ્રયોગ તરીકે ડૅનિયલે એક બન્ને છેડેથી ખુલ્લી હોય તેવી નળી લીધી અને એમાં કાણું પાડ્યું. એમાંથી પ્રવાહી પસાર કરતાં એને જોવા મળ્યું કે પ્રવાહી કેટલું ઊંચું જાય છે, તેનો આધાર એના દબાણ પર છે. સાથેની આકૃતિમાં ડૅનિયલ બર્નોલીનો પ્રયોગ જોવા મળશે.
આ શોધ પછી આખા યુરોપમાં ડૉક્ટરો આ રીતે બ્લડ પ્રેશર માપતા થઈ ગયા. દરદીની નસમાં સોય ભોંકીને લોહી, આંકડાઓનાં નિશાનવાળી નળીમાં ચડાવાતું. ૧૮૯૬માં બ્લડ પ્રેશર માપવાનું નવું, આજે વપરાય છે તેવું, ઉપકરણ શોધાયું, ત્યાં સુધી, એટલે કે ૧૭૦ વર્ષ સુધી ડેનિયલ બર્નોલીની રીત જ ઉપયોગમાં લેવાતી હતી. એ જ રીતે વિમાનને હવાનો સામનો કરવો પડતો હોય છે. એ હવાનો વેગ (air speed) જાણવા માટે તો હજી પણ બર્નોલીની જ રીત વપરાય છે.
રશિયામાં
દરમિયાન એના પુસ્તક ‘મૅથેમૅટિકલ એક્સરસાઇઝીસ’ની ખ્યાતિ રશિયા સુધી પહોંચી ગઈ હતી. રશિયાની રાણી કૅથેરાઇન પહેલીએ ગણિત અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે ઘણું કર્યું છે. સેંટ પીટર્સબર્ગની શાહી અકાદમીમાં રાણીને કારણે દુનિયાના ઘણા ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો એકઠા થયા હતા. કૅથેરાઇને ડેનિયલને પણ આમંત્રણ આપતાં એ ત્યાં ગણિતના પ્રોફેસર તરીકે ગયો. ડેનિયલનો ભાઈ નિકોલસ તો એનાથીયે પહેલાં સેંટ પીટર્સબર્ગમાં કામ કરતો હતો.
૧૭૨૫ અને ૧૭૪૯ વચ્ચે ડૅનિયલને પૅરિસ ઍકેડેમીના દસ પુરસ્કાર મળ્યા. દરેક પુરસ્કાર જુદા જુદા ક્ષેત્ર માટે હતો – ખગોળવિજ્ઞાન, ગુરુત્વાકર્ષણ, સમુદ્રી ભરતી, ચુંબકત્વ, સમુદ્રમાં જહાજોની હિલચાલ વગેરે.
બાપદીકરા વચ્ચે હરીફાઈ
બધા પુરસ્કારોમાં ૧૭૩૪માં એને મળેલો પુરસ્કાર ખાસ ઉલ્લેખ માગી લે છે. એ વર્ષે પૅરિસ ઍકેડેમીનો પુરસ્કાર પિતા જોહાન અને પુત્ર ડૅનિયલને સંયુક્ત રીતે મળ્યો! બસ, જોહાનની ખફગી પુત્ર પર ઊતરી. એણે ડેનિયલને ઘરમાં આવવાની બંધી ફરમાવી દીધી. બન્ને વચ્ચેની કડવાશ એટલી વધી ગઈ કે ડૅનિયલે એક વર્ષ પહેલાં ૧૭૩૩માં‘હાઇડ્રોડાયનૅમિકા’ નામનું પુસ્તક લખ્યું હતું. જોહાનને આની ખબર હતી. એણે ૧૭૩૯માં‘હાઇડ્રોલિકા’ નામનું પુસ્તક લખીને પ્રસિદ્ધ પણ કરી દીધું. પરંતુ, આક્ષેપ છે કે એણે દીકરાના પુસ્તકમાંથી મોટે પાયે તફડંચી કરી હતી! જોહાને એવું દેખાડ્યું કે એનું પુસ્તક તો સાત વર્ષ પહેલાં, ૧૭૩૨માં જ પ્રકાશિત થઈ ગયું હતું, એટલે કે જાણે ડૅનિયલના પુસ્તકથી એક વર્ષ પહેલાં! વાંચનારને એમ લાગે કે પુત્રે પિતાના પુસ્તકમાંથી તફડંચી કરી છે. જો કે, થોડા જ વખતમાં જોહાનનો ભંડો ફૂટી ગયો. તે પછી ડૅનિયલે માત્ર કૅલ્ક્યુલસ પર જ ધ્યાન આપ્યું પણ એ એંસી વર્ષ જીવ્યો ત્યાં સુધી એનું નામ દુનિયાની બધી વિદ્યાસંસ્થાઓમાં માનભેર લેવાતું રહ્યું.
0-00-0
જૅકબ અને જોહાન. જોહાન અને ડેનિયલ. જોહાનનો અદેખો સ્વભાવ ભાઈ અને દીકરા બન્નેને નડ્યો. પરંતુ ગણિત અને વિજ્ઞાનને એનો ફાયદો પણ થયો કારણ કે એમણે ગણિત પર વધારે ને વધારે કામ કરીને વેર વાળ્યું. આજની દુનિયામાં ઘણી એવી ટેકનોલોજી છે જેના પાયામાં બર્નોલી પરિવારના સભ્યોની બુદ્ધિમત્તા, વેરવૃત્તિ અને ખંત છે!
આજે હું જે વાત કરવા માગું છું તે એક સત્યઘટના છે, માત્ર સંબંધિત વ્યક્તિઓના અંગત જીવન પ્રત્યેના આદરને કારણે નામો બદલી નાખ્યાં છે.
હમણાં કુટુંબમાં લગ્ન પ્રસંગે ભુજ જવાનું થયું ત્યાં રિસેપ્શનમાં ભાઈ મહેન્દ્રને મળવાનું થયું. આમ તો એમને બાળપણથી જ જાણું કારણ કે એમના પિતા બ’ભાઈ મારા મિડલ સ્કૂલના વર્ગશિક્ષક અને મારાં ફઈના ભાડૂત. બન્ને કુટુંબોના સંબંધને ‘ભાડૂત’ શબ્દથી ઓળખાવી ન શકાય. ભાડું માત્ર એક વ્યવસ્થા તરીકે હતું, એક નિયમિત માસિક ઔપચારિકતા. તે સિવાય એમના સંબંધો માત્ર એ બે કુટુંબો પૂરતા જ નહોતા પણ ફઈબાના પિયર, અમારા ઘર સુધી પણ વિસ્તરેલા હતા. આમ, મહેન્દ્રને મળવું એ કોઈ નોંધ લેવા જેવી વાત નથી.
આમ છતાં ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ થયેલા ધરતીકંપે ઘણું બદલી નાખ્યું છે. તમારા પોતાના જ શહેરમાં રસ્તા પૂછવા પડે એ પરિવર્તન આશ્ચર્યજનક હોવા છતાં આઘાત પમાડે તેવું છે. માત્ર શહેર નહીં, માણસ પણ બદલાયો છે. નવા સ્વરૂપે પ્રગટ થતો રહ્યો છે એટલે જ મહેન્દ્રને મળવાનું મહત્ત્વ વધી જાય છે.
ધરતીકંપમાં એમનું ઘર પડી ગયું. બ’ભાઈ અને મહેન્દ્રનાં પત્ની આરતીનો એમાં ભોગ લેવાયો. ધરતીકંપ પછી ૨૯મી જાન્યુઆરીએ ઉજ્જડ, વેરાન, કકળતા ભુજમાં ફરતાં મહેન્દ્ર રસ્તામાં મળ્યા. એમનાં પત્ની પથ્થરોના ભાર નીચે હજી હયાત હતાં! એમને બહાર કાઢી શકાય એમ નહોતું અને એમ જ એમના પ્રાણ ગયા. મહેન્દ્રનાં માતા ચંદાબહેનના પગ મોટા પથ્થરો નીચે દબાયેલા હતા, પણ ઊગાર ટીમના કૅપ્ટનની સાવધાનીથી એમને બહાર લાવી શકાયાં, જો કે પગને ભારે ઈજા થઈ હતી પણ આજે એમના પુત્રની સંભાળમાં રહે છે.
થોડાં વર્ષો એમ જ વીત્યાં. મહેન્દ્રે ધરતીકંપથી પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. શું પ્લાન હશે એમનો, ખબર નહીં. ત્યાં તો ધરતીકંપે એમના જીવનને જ ધણધણાવીને જમીનદોસ્ત કરી દીધું હતું. પિતા ગયા, પત્ની ગઈ, કાળજીની જરૂર પડે એવાં મા. બહાર કામે જાય તો પણ ચિંતા. ન જાય તો પણ ચિંતા. એક વાર મહેન્દ્ર બહાર ગયા. ઘરમાં ચંદાબહેન એકલાં અડધાં અપંગ, અડધાં અશક્ત. ઘરમાં કોઈ ઘૂસી આવ્યા. એમણે જોયું પણ ગઠિયાઓએ એમની આંખમાં મરચાંની ભૂકી છાંટી અને થોડોઘણો સામાન ઉપાડી ગયા. મહેન્દ્ર પાછા આવ્યા ત્યારે એમણે વીતક કથા સાંભળી. ચિંતામાં પડી ગયા. એમની ગેરહાજરીમાં માની કેમ સંભાળ લેવી?
એક મિત્રે આખરે હિંમત કરી અને સલાહ આપી કે પરણી જાઓ; ઘર સાચવનારું પણ કોઈ જોઈએ. પચાસ પાર કરી ચૂકેલા મહેન્દ્ર્નું મન માનવા તૈયાર નહોતું. પરંતુ, મિત્રોના આગ્રહ અને દબાણ સામે એમણે નમતું મૂક્યું.
હવે? એમને પરણવા તૈયાર થાય એવી સ્ત્રી પણ મળવી જોઈએ. એમના મિત્રો શોધતા રહ્યા. અંતે ખબર પડી કે એક વિધવા બહેન હતાં. મનોરમાના પતિ કોઈ આરબ દેશમાં કામ કરતા હતા અને ખાવામાં ઝેરી પદાર્થ આવી જતાં એમનું અવસાન થયું હતું. બે વર્ષની નાની બાળકીની આ માતા મહેન્દ્રને પરણવા તૈયાર થયાં. બાળકીને કહી રાખ્યું હતું કે એના પપ્પા પરદેશમાં છે. મહેન્દ્ર સાથે લગ્ન થયાં ત્યારે માએ દીકરીને કહ્યું, “જો, તારા પપ્પા આવી ગયા”. બાળકીએ મહેન્દ્રને જ પિતા તરીકે જોયા.
આ તો થઈ સામાન્ય ઘટના. પરંતુ હવે એક નવો વળાંક આવે છે. મહેન્દ્રની મૃત પત્ની આરતીનાં મા એકલાં જ છે. એમને ફ્રૅક્ચર થયું છે. એમની સેવાચાકરી કરનાર એક બહેન દિવસરાત ખડેપગે છે. પણ સંજોગો વિફર્યા છે. વિફર્યા છે કે માણસની અંદરના પ્રકાશને બહાર લાવવાની ચાલ ચાલે છે? સેવા કરનાર બહેનને પણ અકસ્માત નડ્યો. એમને પણ ફ્રૅક્ચર થયું અને એમની અવસ્થા કથળતી ગઈ. કમનસીબે એમનું અવસાન થયું. હવે આરતીનાં માતાની પૂછપરછ કરનાર પણ કોઈ ન રહ્યું.
કોઈકે મહેન્દ્રને વિનંતિ કરી કે આરતીનાં માને માટે કંઈક વ્યવસ્થા કરે. મહેન્દ્રે પત્ની મનોરમા સાથે વાત કરી. મનોરમા સંમત થયાં. મહેન્દ્ર પોતાની મૃત પત્નીની માતાને પોતાને ઘરે લઈ આવ્યા! અને મનોરમા એમની સેવામાં લાગ્યાં. મનોરમા જેની સેવા કરતાં હતાં એ વૃદ્ધા એમની મા નહોતી; સાસુ નહોતી. પરંતુ મનોરમાને મન તો એ જ સર્વસ્વ. એમણે ચાર વર્ષ સેવા કરી, પછી આરતીનાં માતા મનોરમાને અંતરથી આશીષ આપીને આ દુનિયા છોડી ગયાં.
હું ચંદાબહેનને મળવા એમના ઘરે ગયો ત્યારે મહેન્દ્રે આ વાત કરી. એમની આંખમાંથી એમની બીજી પત્ની પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ આંસુ બનીને વહેતો રહ્યો અને મને પણ ભીંજવી ગયો. મનોરમા રસોડામાં કામ કરતાં હતાં એમની પીઠ અમારા તરફ હતી. મારા હાથ જોડાઈ ગયા અને અનાયાસે મેં એમના તરફ વળીને એમને પ્રણામ કર્યાં.
ચંદાબહેન પથારીવશ છે. બેઠાં થઈ શકતાં નથી. ઉંમર નેવુંની આસપાસ પહોંચવા આવી છે. એમના ચરણ સ્પર્શ કરીને હું ઊઠ્યો. મનોરમાને કહ્યું, “બહેન આવજો…” એ મારા તરફ ફર્યાં, હસતે ચહેરે નમીને “આવજો” બોલ્યાં. મનમાં મેં કહ્યું, આવીશ જ; આ મંદિરમાં તો હું જ્યારે પણ તક મળશે ત્યારે આવીશ.
૦-૦-૦
માણસ નામનું પ્રાણી ખરેખર ન સમજાય તેવું છે. “હરિ અનંતા, હરિકથા અનંતા” જેવું માણસનું છે. આપણે જેને અસ્વાભાવિક માનીએ તેવાં કામો ઘણાં માણસો સાવ જ સ્વાભાવિક હોય તેમ કરી લે છે અને ભાવજગતના ઑલિમ્પિક મૅડલ જીતી લે છે. મહેન્દ્ર અને મનોરમા ભયંકર આફતોમાં તૂટી ગયાં છે પણ એમની અંદરનાં મહેન્દ્ર અને મનોરમા અખંડ રહ્યાં છે અને “સુખદુઃખ સમે કૃત્વા…” (સુખદુઃખને સમાન બનાવીને) અગરબત્તીની જેમ સુગંધ રેલાવતાં બળ્યા કરે છે.