Science Samachar 50

() ચિમ્પાન્ઝીઓ ભોજન વખતે મિત્રોને ટાળતા નથી!

જર્મનીના લીપ્ઝિગમાં મૅક્સ પ્લૅંક ઇંસ્ટીટ્યૂટ ફૉર ઇવૉલ્યુશનરી બાયોલૉજીની એક સંશોધક ટીમે આઇવરી કોસ્ટના તાઈ નૅશનલ પાર્કમાં ચિમ્પાન્ઝીઓની વર્તણૂકનો અભ્યાસ કરીને કહ્યું છે કે એમને કોઈ શિકાર કે મોટા પ્રમાણમાં મધ કે ફળો મળે તો મિત્રોને પણ નોતરે છે. ખાવાની વાનગીમાં કુટુંબની બહારના મિત્રોને નોતરવા સાથે સહજીવન માટે આવશ્યક સહકારની શરૂઆત થાય છે. આપણામાં પણ આ લક્ષણો છે જ.

સંશોધકોએ જોયું કે કાં તો બધાએ ભેગા મળીને શિકાર કર્યો હોય કે કોઈ ખાદ્યપદાર્થ શોધી કાઢ્યો હોય ત્યારે સૌથી મોટો નેતા હોય તે બધું હડપ કરી લે એવું નથી બનતું; બધા મિત્રો સાથે મળીને ખાય છે. આ જ ટીમનો એક રિપોર્ટ ઑગસ્ટમાં પ્રકાશિત થયો હતો. એમા એમણે લખ્યું હતું કે શિકાર, ભલે ને, એકના કબજામાં હોય, પણ ખાતી વખતે એ શિકારમાં મદદ કરાનારને પણ ભાગ આપે છે. બીજાને મદદ કરવા કે સાથી બનાવવાનો બીજો પણ એક હેતુ હોય છેઃ ભવિષ્યમાં મદદ મળવાની ધારણાને કારણે ચિમ્પાાન્ઝીઓ, બોનોબો અને માણસજાત સંબંધો વિકસાવે છે.

સંદર્ભઃ

https://www.mpg.de/12338783/1010-evan-019609-wild-chimpanzees-share-food-with-their-friends

૦૦૦

() અમેરિકામાં યુરોપિયન મૂળના અપરાધીઓને શોધવાનો આધાર DNA.

અમેરિકામાં . હવે અપરાધના સ્થળેથી મળેલા DNA પરથી અપરાધીને પકડી શકાશે. એની મદદથી મૂળ યુરોપીય વંશના લગભગ બધા નાગરિકોના DNAની સરખામણી કરી શકાય છે. પોલીસે આ વર્ષના ઍપ્રિલમાં DeAngelo નામના એક શકમંદ શખ્સને પકડ્યો. એ ‘ગોલ્ડન સ્ટેટ કિલર’ કે ‘ઈસ્ટ એરિયા કિલર’ તરીકે ઓળખાતો એક અપરાધી હોવાનું મનાય છે. ૧૯૭૪થી ૧૯૮૬ દરમિયાન, એણે ૧૩ ખૂન અને ૫૦ કરતાં વધારે બળાત્કાર કર્યા હતા. એ હાથમાં જ ન આવતાં કેસ બંધ થઈ ગયો હતો પણ ૩૨ વર્ષ પછી અપરાધના સ્થળેથી મળેલા DNAના નમૂનાની યુરોપીય મૂળના નાગરિકોના DNA સાથે સરખામણીી કરતાં શકમંદ શખ્સ પકડાયો છે.

Myheritage નામની વ્યાવસાયિક જેનેટિક કંપની પાસે ૬૦% લોકોના DNA છે. એના દ્વારા ત્રીજી પેઢીના પિતરાઈ સુધીની માહિતી મળી શકે છે. ડીઍંજેલો પોતે કંપનીના રેકોર્ડમાં નહોતો પણ એના ત્રીજી પેઢીના કઝિન વિશેની માહિતીને આધારે એની ધરપકડ કરાઈ છે.

પોલીસના ડેટાબેઝમાં મોટા ભાગે લઘુમતીઓ છે, જ્યારે ‘માય હેરિટેજ’ના રેકોર્ડમાં બહુમતી યુરોપીય મૂળના લોકો છે.

ફોરેન્સિક સાયન્સમાં આને કારણે બહુ મદદ મળશે. જો કે આમાં વ્યક્તિની પ્રાઇવૅસી જોખમમાં મુકાતી હોવાની ચિંતાના સૂરો પણ પ્રગટ થયા છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-06997-8=20181012

૦૦૦

() સલિંગી ઉંદરોએ બચ્ચાં જણ્યાં!

સંશોધકોએ પહેલી જ વાર બે માદા ઉંદરીઓના DNAનો ઉપયોગ કરીને એમનાં સંપૂર્ણ તંદુરસ્ત બચ્ચાં પેદા કર્યાં છે. એમણે બે નર ઉંદરના DNA લઈને પણ સંતતિ ઉત્પન્ન કરી પણ એમનું આયુષ્ય માત્ર બે દિવસનું રહ્યું. બીજી બાજુ, માદા ઉંદરીઓની એક પુત્રીનો વંશ આગળ વધ્યો અને એણે પણ બચ્ચાંને જન્મ આપ્યો જે તંદુરસ્ત છે.

સંશોધકોએ ૧૧મી ઑક્ટોબરના Cell Stem Cell નામના સામયિકમાં પોતાના લેખમાં એમની રીત સમજાવી છે. અમુક પક્ષીઓ કે માછલી કે ઘરોળી સજાતીય સંપર્ક દ્વારા પ્રજનન કરી શકે છે, પરંતુ સસ્તન પ્રાણીઓ વિજાતીય જીવ સિવાય સંતાન પેદા કરી શકે. વૈજ્ઞાનિકો માને છે કે DNA પર અમુક નકારાત્મકટૅગહોય છે. ટૅગ સજાતીય સંપર્ક દ્વારા સંતાન ઉત્પન્ન થવા દેતા નથી. સંશોધકોએ ટૅગ હટાવી લીધા એટલે રસ્તો ખુલ્લો થઈ ગયો.

રીતે બેગેપુરુષો કે બેલૅસ્બિયનસ્ત્રીઓ સંતાન પેદા કરી શકે? વૈજ્ઞાનિકો કહે છે કે શક્ય નથી કારણ કે હજી તો માત્ર પ્રયોગ છે અને લાંબા ગાળે સંતાનોનું શું થાઅય તે વિશે આપણે કંઈ જાણતા નથી એટલે પ્રયોગ માનવજાત માટે સારાં પરિણામોને બદલે ખરાબ પરિણામ પણ લાવે. પ્રયોગનો હેતુ માત્ર પ્રજનન પ્રક્રિયાનાં ઘટકો સમજવાનો હતો.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-06999-6=20181012

૦૦૦

() આપણને કેટલા ચહેરા યાદ રહે છે?

આપણે આખા જીવનમાં ઘણા લોકોને મળીએ છીએ. અથવા તો મળ્યા વિના પણ એમના ફોટા જોઈને ઓળખી શકીએ છીએ. આવા કેટલા ચહેરા હશે? વૈજ્ઞાનિકો કહે છે કે આપણે સરેરાશ પાંચ હજાર ચહેરા યાદ રાખી શકીએ છીએ. ઘણા લોકોને તો દસ હજાર ચહેરા યાદ હોય છે. તો ઘણા કોકો કહીતા હોય છે કે એમને ચહેરા યાદ જ નથી રહેતા. પરંતુ અભ્યાસનું તારણ એ છે કે આવા લોકોને પણ એક હજાર જેટલા ચહેરા તો યાદ રહેતા જ હોય છે.

યૉર્ક યુનિવર્સિટીના રૉબ જેંકિન્સ અને એમના સાથીઓએ ૨૫ જનને બોલાવ્યા અને એમને કેટલાક જગજાહેર અને કેટલાક એવા જે માત્ર એ જ વ્યક્તિ ઓળખી શકે એવા ચહેરા દેખાડ્યા. એક કલાકમાં એમણે ચહેરા ઓળખી બતાવવાના હતા. સરેરાશ ૫૫૦ ચહેરા ઓળખાયા. આના માટે એમણે સ્કૂલના ફ્રેંડ, ફિલ્મ ઇંડસ્ટ્રી, એવા વિભાગ બનાવ્યા હતા. તે પછી ૩,૪૪૧ ચહેરા દેખાડ્યા. એમાં સમય મર્યાદા નહોતી. સરેરાશ ૮૦૦ની આવી.

સંશોધકોએ બધા ઓળખાયેલા ચહેરાનો સરવાળો કરીને સરેરાશ કાઢી તો એવું નક્કી થયું કે આપણે સરેરાશ પાંચ હજાર ચહેરા યાદ રાખી શકીએ છીએ.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-06998=20180622

૦૦૦

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 4

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૪:  બંગાળમાં વિરોધના સૂર ()

ચુઆડ વિદ્રોહ

બંગાળમાં સંન્યાસી વિદ્રોહના સમયમાં જ, પણ એનાથી અલગ બીજો એક વિદ્રોહ પણ શરૂ થઈ ગયો હતો. એ ચુઆડ વિદ્રોહ (Chuar Rebellion) તરીકે ઓળખાય છે. ‘ચુઆડ’ શબ્દ અંગ્રેજી દસ્તાવેજોમાં વપરાયેલો છે અને બંગાળીમાં એનો અર્થ ‘જંગલી’, ‘અસભ્ય’ એવો થાય છે. અફસોસની વાત છે કે અંગ્રેજો તો એને જંગલી માણસોના વિદ્રોહ તરીકે ઓળખાવે પણ સ્વતંત્ર ભારતમાં પણ એને જંગલવાસી આદિવાસીઓના વિદ્રોહ તરીકે માન્યતા નથી મળી. ખરેખર તો, એ જંગલ મહાલના આદિવાસીઓનો વિદ્રોહ હતો. આમ જૂઓ તો એના વિશે ખાસ કોઈ માહિતી જ નથી મળતી. આજે પણ એ મુખ્યત્વે માછીમારો અને કેવટોનો પ્રદેશ છે. કદાચ એ જ કારણે બંગાળીમાં ભદ્રલોક ઇતિહાસકારોએ પણ આ વિદ્રોહને અંગ્રેજ સત્તા વિરુદ્ધ સામાન્ય જનના આક્રોશ તરીકે આલેખવાનું જરૂરી નથી માન્યું. અન્ય ભાષાઓમાં એ વિદ્રોહની ચર્ચા થઈ છે કે કેમ તે ખબર નથી પણ સંભવતઃ ગુજરાતીમાં આપણે પહેલી વાર જ એની ચર્ચા કરીએ છીએ. આ શ્રેણીના બીજા ભાગનો ઉદ્દેશ પણ એ જ દેખાડવાનો છે કે રાજામહારાજાઓ તાબે થઈ ગયા હતા પણ સામાન્ય માણસ તાબે નહોતો થયો. એ મરવા-મારવા તૈયાર હતો; એ જ બીજ વિકસતું રહ્યું અને ૧૮૫૭માં અને તે પછી પણ ફાલતું રહ્યું. પ્લાસી પછી શૂન્યાવકાશ નહોતો સર્જાયો.

ઉપર પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષે પશ્ચિમી મેદિની પુર જિલ્લામાંથી અલગ પાડીને બનાવેલા ઝારગ્રામ જિલ્લા અને એના જંગલ મહાલ વિસ્તારના નક્શા છે. આ જિલ્લામાં ‘સહારા’ જાતિના આદિવાસીઓ રહે છે, જેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ‘સવારા’ તરીકે જોવા મળે છે. ઝારગ્રામ જિલ્લો આ બળવાનું કેન્દ્ર હતો. જિલ્લો આજે પણ પ્રાકૃતિક વન સંપદાથી સમૃદ્ધ છે. મિદનાપુર જિલ્લો પહેલાં ચાર સદી સુધી ઓડિયા રાજાઓ પાસે હતો. તે પછી મોગલકાળમાં પણ એ ઓડિશાનો જ ભાગ રહ્યો પણ મોગલ બાદશાહ શાહજાહાંએ એને બંગાળમાં જોડીને પોતાના શાહજાદા શૂજા હસ્તક મૂક્યો.

અંગ્રેજોએ પોતાની આણ બંગાળમાં સ્થાપી તે પછી પણ મરાઠાઓ એમને વીસ વર્ષ સુધી રંઝાડતા રહ્યા હતા. પાસેના મયુરભંજનો રાજા પણ મિદનાપુરમાં મહેસૂલ વસૂલ કરતો. ૧૭૮૩ના એક રિપોર્ટ પ્રમાણે એ બીજાઓને પણ અંગ્રેજી સત્તા વિરુદ્ધ ભડકાવતો હતો. હવે જમીનદારો પણ એમની સાથે ભળવા લાગ્યા હતાઽઅમ પણ જમીનદારો કોઈની પરવા નહોતા કરતા. એક બાજુથી સંન્યાસીઓનાં ધાડાં અંગ્રેજોને થકવતાં હતાં ત્યાં જ આ નવો ફણગો ફૂટ્યો હતો.

અંગ્રેજોએ તો મોટા જમીનદારોને કાબૂમાં કરી લીધા પણ હવે ચુઆડોનો સામનો કરવાનું બહુ મુશ્કેલ બનતું જતું હતું. પાઇક અને ચુઆડ જંગલ મહાલમાં જ વસતા.. બ્રિટિશ સરકારે જંગલની સંપત્તિ પર પણ પોતાનો અધિકાર સ્થાપ્યો હતો.

૧૭૬૯ના ડિસેંબરમાં ચુઆડોએ હુમલા શરૂ કર્યા પણ મિદનાપુર જિલ્લામાં એમને કંઈ ન કર્યું. પરંતુ જ્યાં પણ ચુઆડો કંઈ કરે ત્યાં અંગ્રેજોએ સેનાની ટુકડીઓ મોકલવી પડતી હતી. કેટલાયે સૈનિકો ચુઆડોના તીરકામઠાંથી માર્યા ગયા અને કેટલાય જંગલથી ટેવાયેલા ન હોવાથી બીમારીમાં જાનથી હાથ ધોઈ બેઠા.

૧૭૯૮ના ઍપ્રિલમાં ચુઆડોએ ખુલ્લો બળવો પોકાર્યો અને જિલ્લાના કેન્દ્ર ભાગ પર જ હુમલો કર્યો અને બે ગામ સળગાવી દીધાં. બીજા જ મહિને ચુઆડોએ બાંકુરા જિલ્લામાં આક્રમણ કર્યું જુલાઈમાં ૪૦૦ ચુઆડોએ ચન્દ્રકોણા થાણા પર છાપો માર્યો. તે પછી કાશીજોડા, તામલૂક, તારકુવા-ચુઆડ વગેરે ઘણા જિલ્લાઓમાં હુમલા કર્યા અને તારાજી વેરી. મિદનાપુરને પણ ખેદાનમેદાન કરી નાખ્યું. ડિસેંબરમાં એમણે છ ગામો પર કબજો કરી લીધો.

મિદનાપુર પાસે બહાદુરપુર,સાલબની અને કરણગઢમાં એમનાં મૂળ થાણાં હતાં. કરણગઢમાં મિદનાપુરની રાણી રહેતી હતી અને એની જમીનદારી પર ‘ખાસ’ નામની બ્રિટિશ નિયંત્રણ હતું. આઅ ત્રણ સ્થળોએથે એ જુદી જુદી જગ્યાએ હુમલા કરતા અને લૂંટનો માલ વહેંચી લેતા. ૧૭૯૯ના ફેબ્રુઆરી સુધીમાંતો મિદનાપુરના ઘણા પ્રદેશો પર ચુઆડોની આણ હતી. જિલ્લાના કલેક્તર પાસે માત્ર ૨૭ ચોકિયાતો રહી ગયા હતા, માર્ચમાં એમણે આનંદપુર પર હુમલો કર્યો અને બે સિપાઇઓને અને બીજા કેટલાક નાઅગરિકોને મારી નાખ્યા અંગ્રેજોના બધા ગાર્ડ જીવ મુઠ્ઠીમાં લઈને નાસી છૂટ્યા.

એમની એક મોટી નબળાઈ એ હતી કે એમની યોજનાઓની એ ખુલ્લી રીતે જાહેરાત કરતા. કોઈ ગામ બાળવાનું હોય તો ગામવાસીઓને અગાઉથી ખબર હોય કે આવતીકાલે ચુઆડો ત્રાટકવાના છે. આનો લાભ અંગ્રેજોને મળ્યો અને કંઈ થવાનું હોય ત્યાં સૈનિકો પહેલાં જ પહોંચી જતા.

આ નબળાઈ એમને આડે આવી અને અંતે અંગ્રેજોએ ૧૭૯૯ની છઠ્ઠી ઍપ્રિલે ઐસગઢ અને કરણગઢ પર ફતેહ હાંસલ કરી. કરણગઢની રાણીને કેદી તરીકે મિદનાપુર લઈ આવ્યા. તે પછી જૂન માહિનાથી કંપનીનો હાથ ઉપર રહેવા લાગ્યો. જો કે ચુઆડોએ થોડા મહિના મચક ન આપી.

આ બળવાનું મૂળ કારણ જિલ્લાનો કલેક્ટર બરાબર સમજ્યો. એને ૨૫મી મે ૧૭૯૯ના એક રિપોર્ટમાં બોર્ડને જાણ કરી છે તે પ્રમાણે પાઇક જાતિ અને એના સરદારોની જમીનો પર ફરી મહેસૂલ શરૂ થયું તે એનું મૂળ કારણ હતું. છેક તેરમી સદીથી એ જમીન ખેડતા આવ્યા હતા. પરંતુ કશાયે અપારાધ વિના જમીણ પરના એમના હક છીનવી લેવાયા તેની સામે ભારે અસંતોષ હતો. એમને પોલીસ રાખવાનો ચાર્જ પણ ચુકવવો પડતો. એના માટે એ કોર્ટમાં જાય, પરંતુ બ્રિટિશ કોર્ટમાં એમને બહુ આશા નહોતી એટલે જ એમણે શસ્ત્રો ઉપાડ્યાં.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં પણ ચુઆડોએ નમતું નહોતું આપ્યું. ૧૮૧૬ સુધી કલકત્તાથી માત્ર ૮૦ માઇલ દૂર બાગડીમાં ચુઆડો અંગેજ સત્તા હોય જ નહીં એમ વર્તતા રહ્યા. સરકારે કબૂલ કર્યું કે પાકી પોલીસ વ્યવસ્થા કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે!

બંગાળમાં આ સૌથી પહેલો વ્યાપક વિદ્રોહ હતો અને એનો દોર જંગલોમાં વસતા આદિવાસીઓના હાથમાં હતો. એમણે અંગ્રેજ સરકારને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.

૧૭૭૪ અને ૧૭૮૪ના કાયદા

દરમિયાન હવે બ્રિટન સરકાર હિન્દુસ્તાનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીની પ્રવૃત્તિઓ પ્રત્યે વધારે ચિંતાની નજરે જોવા લાગી હતી. બંગાળમાં કંપનીનું રાજ હતું જ. આ રાજકીય સત્તાથી જ ખરેખર તો બ્રિટિશ સરકાર ચેતી ગઈ હતી. એટલે કંપનીનો પંજો વધુ ફેલાય તે પહેલાં બ્રિટનની સંસદે ૧૭૭૪માં એક કાયદો કરીને કંપનીની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાની વ્યવસ્થા કરી. જો કે બધી સત્તા કંપનીના હાથમાં રહી પરંતુ બ્રિટન સરકાર હવે એની પાસેથી જવાબ માગી શકતી હતી.

તે પછી ૧૭૮૪માં સરકારે નવો ‘ઇંડિયા ઍક્ટ’ બનાવ્યો એ વખતે વડો પ્રધાન નાનો વિલિયમ પિટ (William Pitt the Younger) હતો એટલે આ કાયદો ‘પિટના કાયદા’ તરીકે પણ ઓળખાય છે. એણે ‘દ્વિમુખી રાજપદ્ધતિ’ દાખલ કરી. હવે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં વેપારને લગતી બાબતો અને વહીવટી સત્તાઓ રહી; રાજકીય સત્તા બ્રિટન સરકારે ત્રણ ડાયરેક્ટરોની ખાનગી કમિટીને સોંપી દીધી. આમ કંપનીનું સ્થાન બ્રિટિશ સરકારે લેવાનું શરૂ કરી દીધું. વિદેશ પ્રધાન અને નાણાપ્રધાનને પણ એમાં સામેલ કરાયા. મદ્રાસ અને મુંબઈના ગવર્નરોની સ્વાયત્ત સત્તાઓ પર કાપ મુકાયો અને એમના ગવર્નર જનરલ નિમાયો.

બંગાળમાં હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ હતો જ, ને એણે આ સત્તાઓ ભોગવી પણ ખરી. પરંતુ એના રાજકીય કાવાદાવા અને રુશ્વતખોરીને કારણે ૧૭૮૫માં એને પાછો બોલાવી લેવાયો.એની સામે સાત વર્ષ કેસ ચાલ્યો. ૧૭૮૬માં એક પૂરક બિલ પસાર કરીને લૉર્ડ કૉર્નવૉલિસને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આમ કૉર્નવૉલિસ ખરા અર્થમાં ભારતનો પહેલો ગવર્નર જનરલ બન્યો.

૦૦૦૦

સંદર્ભઃ

૧. Bengal District Gazeteers, (MIdnapore) 1911 by L. S. S. O’Malley (ICS) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. https://www.britannica.com/biography/William-Pitt-the-Younger#ref242494

૩. http://www.jhargram.org/

૪. http://www.indhistory.com/pitts-act.html

૦૦૦૦

India: Slavery and struggle for freedom :: Part 2 :: Struggle for Freedom:: Chapter 3

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૩:  બંગાળમાં વિરોધના સૂર ()

સંન્યાસી વિદ્રોહ ()

આપણે સંન્યાસીઓની ભૂમિકા સમજવા માટે અઢારમી સદીના કૂચબિહારમાં આવ્યા છીએ. કૂચબિહારનું રાજ્ય એ વખતે બંગાળનો ભાગ નહોતું.

૧૭૬૫માં કૂચબિહારના સગીર વયના રાજા દેવેન્દ્ર નારાયણનું એક સંન્યાસી રામાનંદ ગોસાઈંની ઉશ્કેરણીથી કોઈએ ખૂન કરી નાખ્યું રાજ્ય નધણિયાતું હતું એટલે રાજ્યના નઝીર દેબ (એટલે કે સેનાપતિ) અને દીવાન દેબ (એટલે કે મુખ્ય દીવાન) વચ્ચે સત્તાનો સંઘર્ષ શરૂ થઈ ગયો. દીવાન દેબની ઇચ્છા પોતાના ત્રીજા નંબરના ભાઈને ગાદીએ બેસાડીને સત્તા પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપવાની હતી. એણે આના માટે ભૂતાનની સાથે સમજૂતી કરી. એ અરસામાં ઘણા સંન્યાસીઓ નજીકના બ્રિટિશ પ્રદેશોમાં – અને ખાસ કરીને નજીકના મૈમનસિંગ, આસામના ગ્વાલપાડા અને ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાઓમાં ઠરીઠામ થયા હતા. દીવાન અને ભૂતાનના રાજાએ સંન્યાસીઓને પણ પોતાની સેનામાં લઈ લીધા. આ સંન્યાસીઓ પહેલાં બક્સરની લડાઈમાં મીર કાસિમ તરફથી કંપનીના સૈન્યો સામે લડ્યા હતા. કેટલાય એ પહેલાં મરાઠાઓ સાથે પણ હતા. એ ભાડૂતી સૈનિકો હતા એટલે જે પૈસા આપે તેના તરફથી લડતા હતા. બહાદુર તો હતા જ.

નઝીર દેબને આ ચાલની જાણ થઈ ગઈ અને એ અંગ્રેજોને લઈ આવ્યો. આમ પહેલા પ્રયાસમાં તો દીવાનને સફળતા ન મળી પણ અંતે એ સફળ થયો અને એનો ત્રીજો ભાઈ ધારેન્દ્ર નારાયણ રાજા બની ગયો.

૧૭૬૯માં ખગેન્દ્ર નારાયણ નવો નઝીર દેબ બન્યો ત્યારે દીવાન દેબનું સંપૂર્ણ વર્ચસ્વ હતું. એણે દીવાન દેબની જ હત્યા કરાવી દીધી. ભૂતાનને આ ન ગમ્યું. એમના માણસની હત્યા થઈ ગઈ હતી. હવે મહારાજાનો ભાઈ દીવાન બન્યો હતો પણ ભૂતાને મહારાજા અને દીવાન દેબને કેદ પકડી લીધા. ખગેન્દ્ર પણ ભાગી છૂટ્યો. પરંતુ ભૂતાનના ટેકાથી બનેલા નવા રાજાનું પણ અવસાન થઈ ગયું. તે પછી ખગેન્દ્રે નવો રાજા નીમ્યો. ભૂતાને પણ પોતાના તરફથી બીજો એક રાજા નીમી દીધો.

હવે બન્ને રાજાઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. પરંતુ ખગેન્દ્ર રંગપુર પહોંચ્યો ને અંગ્રેજ કલેક્ટર પર્લિંગની મદદ માગી. પર્લિંગે મદદ કરવાની શરત રૂપે બિહારને બ્રિટિશ સરકારનું ખંડિયું રાજ્ય બનાવી દીધું. હવે અંગ્રેજોએ ભૂતાનના રાજા સાથે પણ સમજૂતી કરી અને એને કૂચ બિહારમાં માથું મારતાં રોકી દીધો.

બન્ને દાવેદારોની સેનામાં સંન્યાસીઓ હતા. અંગ્રેજોએ એમાંથી ખગેન્દ્રના સૈનિક સાધુઓને તો બરતરફ કર્યા પણ જે સાધુઓ પહેલાં દીવાનની સેનામાં હતા એમને મોતને ઘાટે ઉતારી દીધા. પરંતુ રાજા તો જોઈએ જ. એટલે અંગ્રેજોએ કેદમાંથી ધારેન્દ્રને છોડ્યો અને ફરી રાજા બનાવી દીધો. આમ ખગેન્દ્ર ફરી સત્તા વગરનો થઈ ગયો. હવે ખરી સત્તા તો અંગ્રેજોની હતી.

ખગેન્દ્ર ભાગી છૂટ્યો અને આજના ઉત્તર પ્રદેશના વિસ્તારનાં જંગલોમાં ભરાઈ ગયો. અહીં ૧૭૮૭માં એણે બે મહંતો ગણેશ ગિરિ અને હરિ ગિરિની મદદથી કૂચ બિહાર પર આક્રમણ કરવાની તૈયારી કરી પણ કંપનીને આ સમાચાર મળી ગયા હતા એટલે ખગેન્દ્ર મહાત થયો. ખગેન્દ્ર નારાયણની સેનામાંથી પણ સાધુ છૂટા પડ્યા અને સામાન્ય લોકોની સાથે જઈને વસતા થઈ ગયા.

અંગ્રેજોએ જમીનદારોને એમના પ્રદેશના રક્ષણની જવાબદારી સોંપી હતી. જમીનદારોએ પોતાના સંત્રીઓ નીમ્યા હતા જે ‘બરકંદાજ’ કે ‘પાઇક’ તરીકે ઓળખાતા. આ બરકંદાજો મૂળ તો સાધુઓ જ હતા. અંગ્રેજો સામે ચડેલા સંન્યાસીઓ અને ફકીરો માટે તો એમને પોતાના જ ગણતા અને બરકંદાજોની સહાનુભૂતિ પણ સંન્યાસીઓ અને ફકીરો સાથે હતી.

બંગાળ અને બિહારમાં બુદ્ધના સમયથી સાધુઓ એક જ સ્થાને રહેતા હોય તે સામાન્ય વાત હતી. શૈવ અને વૈષ્ણવ, બન્ને સંપ્રદાયોના નાગા સાધુઓ અને ફકીરો પણ સ્થાયી થયા હતા. જોવાની વાત એ છે કે આ સાધુઓ ગરીબ નહોતા. જમીનદારો પણ એમની પાસેથી ઉધાર લેતા. ઉધાર પાછી ન ચૂકવે તો સંન્યાસીઓ એની સાથે મારપીટ પણ કરતા અને દેવાના બદલામાં જમીન પણ લઈ લેતા. આમ એક બાજુથી અંગ્રેજ કંપનીની મહેસૂલ પ્રથાથી ગરીબ ખેડૂતો દુઃખી હતા તો બીજી બાજુથી જમીનદારો આ મહંતોથી દુઃખી હતા. જો કે એમણે તો પોતાનો રસ્તો શોધી લીધો. ખેડૂતો પાસેથી વસૂલ કરેલું મહેસૂલ ન ચુકવવું હોય ત્યારે એ કંપનીને લખી નાખતા કે સંન્યાસીઓ રંઝાડતા હોવાથી મહેસૂલ વસૂલ નથી થઈ શક્યું. આમ કંપનીની નજરે સંન્યાસીઓ (અને ફકીરોય ખરા, પરંતુ કંપનીના દસ્તાવેજોમાં બન્ને માટે એક જ શબ્દ ‘સંન્યાસી’ વાપરવામાં આવે છે) એમના મોટા શત્રુ હતા. એ સંન્યાસીઓને ભટકતા લુંટારા ગણાવતા.

૧૭૭૪માં હેસ્ટિંગ્સે સાધુઓ અને ફકીરોને બંગાળમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો. પરંતુ એ તો બધે ઠેકાણે હતા અને કંપની શું કરવા માગે છે તેની બાતમી પણ એમને મળી જતી.

પરંતુ સાધુઓ અને ફકીરોના વિદ્રોહમાં બે નામ બહુ જાણીતાં છેઃ ભવાની પાઠક અને દેવી ચૌધરાણી. ભવાની પાઠક અને મજનુ શાહ વચ્ચે દોસ્તી હતી અને બન્ને એકબીજાને મદદ પણ કરતા. શરૂઆતથી જ એ સંન્યાસીઓને સંગઠિત કરવામાં લાગ્યો હતો અને ખેડૂતો અને બીજા લોકોને એણે જ અંગ્રેજો સામે લડવા પ્રેર્યા. ૧૭૮૭માં એણે અંગ્રેજ વેપારીઓનું એક જહાજ લૂંટ્યું. વેપારીઓએ કલેક્ટર વિલિયમ્સને ફરિયાદ કરી. તે પછી થયેલી એક ઝપાઝપીમાં એ માર્યો ગયો.

દેવી ચૌધરાણી પણ ભવાની પાઠકથી પ્રેરાઈને વિદ્રોહમાં સામેલ થઈ. એ પોતાના ઘરમાં રહેવાને બદલે એક હોડીમાં રહેતી. કંપનીના દસ્તાવેજોમાં એના માટે ડાકુ શબ્દ વાપરેલો છે. એનો અર્થ એ કે કંપની સરકાર માટે એ પણ મોટી શત્રુ હતી. બંકિમ ચન્દ્ર ચેટરજીએ એમની એક નવલકથા ‘દેવી ચૌધરાણી’માં આ વિદ્રોહી મહિલાનાં પરાક્રમો ગૂંથી લીધાં છે.

સંન્યાસીઓ અને ફકીરો છૂટથી ફરતા પણ મહેસૂલની નવી પદ્ધતિએ જમીનદારો પેદા કર્યા. આને કારણે સંન્યાસીઓ, ફકીરો અને સામાન્ય માણસોનું જીવન કપરું થઈ ગયું હતું.

કંપનીએ મહેસૂલ જેવી વ્યવસ્થા વણકરો અને બીજા નાનાંમોટાં કામ કરનારાઓ માટે પણ કરી હતી. વણકરો પેઢી-દર-પેઢી ચાલી આવતી પરંપરા પ્રમાણે કામ કરતા હતા પણ હવે એમનો માલ માત્ર ઈસ્ટ ઇંડિયા કંપનીને જ વેચવાની ફરજ પાડવામાં આવતી. માલ વેચવાની ના પાડે તો એમને જેલમાં ધકેલી દેતા અને માલ આપવામાં વિલંબ થાય તો કોરડા મારતા. અંતે, શાંતિથી જીવન ગાળનારા આ કારીગરોને પણ મુક્તિનો માર્ગ સંન્યાસીઓના વિદ્રોહમાં જ દેખાયો. કેટલાયે વણકરોએ સ્વતંત્ર રીતે અંગ્રેજોને લડત આપી અને પ્રાણોની આહુતિ આપી.

અંગ્રેજો અને જમીનદારો સામે સંન્યાસીઓ ઊભા થયા એટલું જ નહીં પણ સામાન્ય લોકોને પણ ઊભા કર્યા. એમના વિદ્રોહે સીધી રીતે નહીં તો આડકતરી રીતે ઘણી જગ્યાએ વિદ્રોહને જન્મ આપ્યો. ૧૭૫૭માં પ્લાસીમાં જીત્યા પછી અંગ્રેજો સુખે બેસી ન શક્યા. ૧૭૬૫માં એમણે દીવાની સંભાળી તે પછી ૩૫-૪૦ વર્ષ સુધી એમને સતત અજંપાનો સામનો કરવો પડ્યો અને છેક ઈ.સ. ૧૮૦૦માં બધા વિદ્રોહને એ દબાવી શક્યા. બંગાળમાં આવા બીજા વિદ્રોહોમાં ‘ચુઆડનો વિદ્રોહ’ ખાસ નોંધ માગી લે તેવો છે. હવે પછીના પ્રકરણમાં આપણે ચુઆડ અને બીજા વિદ્રોહ વિશે વાત કરશું.

આપણે યાદ રાખવાનું છે કે આ બધી વિદ્રોહી ઘટનાઓમાં રાજાઓ પણ જોડાયા પરંતુ રાજા તો એક બિરુદ હતું, વાસ્તવમાં એ અમુક ગામોના જાગીરદાર જ હતા અને એમનું મહત્ત્વ આનાથી વધારે નહોતું. મુખ્ય ભૂમિકા સામાન્ય માણસની રહી. ખરું જોતાં આ ગરીબ ભૂખી પ્રજાના વિદ્રોહ હતા.

000

સંદર્ભઃ The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar 49

() સયૂઝ નિષ્ફળ; અવકાશયાત્રીઓ સહીસલામત

ગયા ગુરુવારે કઝાખસ્તાનના બાઇકાનૂર કૉસ્મોડ્રોમ પર એક મોટો અકસ્માત થયો. નાસાના નિક હેગ અને રસ્કૉસ્મોસ(રશિયાની અવકાશી સંસ્થા)ના અલેક્સેઈ ઑફ્ચિનિનને લઈને એક અવકાશી કૅપ્સ્યૂલ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે નીકળી પણ એનું બૂસ્ટર રૉકેટ ચાલુ ન થઈ શકતાં માત્ર બે જ મિનિટમાં બન્નેને ફરજિયાત ઉતરાણ કરવું પડ્યું, એમના પર ગુરુત્વાકર્ષણનું પણ ભારે દબાણ પડ્યું. એમની કૅપ્સ્યૂલ કઝાખસ્તાનના સ્ટેપીના જંગલમાં ઊતર્યું બન્ને સહીસલામત છે. પડવાનો ખૂણો પણ સામાન્ય કરતાં વધારે તીખો હતો. સયૂઝ MS-10 જહાજને સયૂઝ FG રૉકેટ બૂસ્ટર અવકાશમાં મોકલવાનું હતુ, પરંતુ એમાંથી બુસ્ટર ન છૂટતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા. હૅગ પહેલી વાર જવાના હતા અને ઑફ્ચિનિન પહેલાં સ્પેસ સ્ટેશનમાં છ મહિના રહી આવ્યા છે.

સંદર્ભઃhttps://www.ctvnews.ca/sci-tech/u-s-russian-astronauts-safe-after-emergency-landing-1.4129433

000

() મકાનને શીતળ રાખવાનો સારો ઉપાય

હવે ગરમી વધવા લાગી છે એટલે ઘરમાં ગરમી ઓછી કરવા માટે પણ ટેકનોલૉજીઓ પણ વિકસતી રહી છે. આવી એક ટેકનોલૉજી એટલે એરકંડીશનરો. પણ એ તો બહુ ખર્ચાળ હોય છે. બીજી રીત છે, PCRC એટલે કે ‘પૅસિવ ડે-ટાઇમ રૅડિએટિવ કૂલિંગ’. એમાં કોઈ સપાટી એવી હોય છે કે એ સૂરજની ગરમી ઓછી શોષે અને પોતાની ગરમી વધારે છોડે. પ્લાસ્ટિક વગેરે આવા પદાર્થ છે. આનો અભ્યાસ કરીને કોલંબિયા એંજીનિયરિંગના સંશોધકોએ એક નવું પોલીમર બનાવ્યું છે. આમ તો સફેદ રંગ ગરમીને વધારે પરાવર્તિત કરી દે છે પણ એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને તો શોષે જ છે અને લાંબી તરંગલંબાઈનાં સૂર્ય કિરણોને પરાવર્તિત નથી કરતો. આ નવું પોલીમર સફેદ રંગને વધારે સફેદ બનાવે છે. એમાં નેનોથી માઇક્રો કદનાં છિદ્ર છે એટલે આપમેળે જ સૂરજની ગરમીને ફેલાવી દે છે. એમણે પ્રયોગ કરીને દેખાડ્યું છે કે આ પોલીમરનું કોટિંગ મકાનો પર હોય તો એ સૂરજની ગરમીને ઓછી શોષે છે અને અંદરની ગરમીને વધારે પ્રમાણમાં બહાર ફેંકે છે. એમણે દેખાડ્યું કે શહેરમાં આ કોટિંગવાળા મકાનમાં ૬ ડિગ્રી સુધી ગરમી ઓછી થાય છે અને રણપ્રદેશમાં ૩ ડિગ્રી ગરમી ઓછી રહે છે. આ અભ્યાસ પત્રના મુખ્ય લેખક જ્યોતિર્મય મોંડલ છે અને એમણે યુઆન યાંગના નેતૃત્વ હેઠળ કામ કર્યું.

આ પોલીમરના ઉપયોગનો વીડિયોઃ

મૂળ લેખઃ http://science.sciencemag.org/content/early/2018/09/26/science.aat9513

સંદર્ભઃ https://engineering.columbia.edu/press-releases/polymer-coating-buildings

૦૦૦

() જીવનનું મૂળ ઘટક બાહ્યાવકાશમાંથી આવ્યું?

કોશ અને ઊર્જા વિના કોઈ જીવ પ્રજનન ન કરી શકે. હવે હવાઈ યુનિવર્સિટીના સંશોધકોએ ફ્રાન્સ અને તાઇવાનના સંશોધકોની સાથે મળીને શોધી કાઢ્યું છે કે જીવનનું પ્રાથમિક ઘટક ફોસ્ફેટ છે. એમણે પોતાના લેખ (અહીં)માં જણાવ્યું છે કે આણ્વિક જીવશાસ્ત્ર(મોલેક્યૂલર બાયોલૉજી)માં ફોસ્ફેટ અને ડાઈફોસ્ફોરિકનું બહુ મહત્ત્વ છે. આપણું DNA એના વગર અસ્તિત્વમાં જ ન આવ્યું હોત. તે ઉપરાંત, એ ફોસ્ફોલિપિડ તરીકે પણ કોશોમાં ઊર્જા પહોંચાડે છે. પરંતુ પૃથ્વી પર મળતું ફોસ્ફેટ બીજા તત્ત્વ સાથે ભળી શકે તેવું નથી. આથી આ લેખના મુખ્ય લેખક ટર્નર અને બીજાઓએ લૅબોરેટરીમાં ગૅલેક્સીઓમાં મળે તેવું ફોસ્ફાઇન બનાવ્યું. પૃથ્વી પરનું ફોસ્ફાઇન જીવલેણ છે પણ પૃથ્વીની બહાર મળતા ફોસ્ફાઇન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરિવર્તન થઈ જાય છે.

આપણી સૂર્યમાળામાં ગ્રહો બન્યા તે પહેલાંના અમુક પદાર્થો ધૂમકેતુઓમાં મળે છે. ઉલ્કાઓ કે ધૂમકેતુઓ સાથે આ ફોસ્ફોરસ ઑક્સોઍસિડ પૃથ્વી પર આવ્યા અને જીવનની શરૂઆતનો આધાર બન્યા.

સંદર્ભઃ http://manoa.hawaii.edu/news/article.php?aId=9520

0૦૦

() દક્ષિણ આફ્રિકામાં મળ્યું નવું ડાયનાસોરનું અસ્થિ

દક્ષિણ આફ્રિકાના ફ્રી સ્ટેટ પ્રાંતમાં હવે સોરોપોડ ડાયનાસોર કરતાં પણ મોટા ડાયનાસોર ‘લેદૂમહાડી મફૂબી’નું અસ્થિ મળી આવ્યું છે. એ આફ્રિકાના મહાકાય હાથી કરતાં બમણા કદનું છે અને ૨૦ કરોડ વર્ષ પહેલાં એ આ વિસ્તારમાં વિચરતું હતું. આ નામ સેસોથો ભાષાનું છે અને એનો અર્થ છેઃ ‘પરોઢિયે ભયંકર ગર્જના’. એ સોરોપોડનું નજીકનું સંબંધી હતું. સોરોપોડ વનસ્પતીજીવી હતું અને ચાર પગે ઊભું રહેતું. શોધલેખના મૂળ લેખક ડૉ. બ્લેર મૅક્ફી કહે છે કે લેદૂમહાડી પણ સોરોપોડના કદનું જ હતું, પણ સોરોપોડના આગલા અને પાછલા પગ બહુ નાજુક હતા, જ્યારે લેદૂમહાડીના પગ ખૂબ જ મજબુત હતા. અમુક ડાયનાસોર બે પાછલા પગે ચાલતાં, અને અમુક ચાર પગે ચાલતાં. ચોપગાં ડાયનાસોરના પુરોગામીઓ બેપગાં હતાં. લેદૂમહાડી્ને આર્જેંટિનામાંથી મળેલાં ડાયનાસોર સાથે પણ સંબંધ છે. આનો અર્થ એ કે જુરાસિક યુગમાં મહાખંડ પાનગાઈયા એક જ હતો અને બ્યૂનોસ એરિસથી જોહાનિસબર્ગ સુધી ડાયનાસોર અવરજવર કરતાં રહેતાં.

વીડિયોઃ

સંદર્ભઃhttp://www.wits.ac.za/news/latest-news/research-news/2018/2018-09/ledumahadi-mafube–south-africas-new-jurassic-giant.html

૦૦૦

India: Slavery and struggle for freedom :: Part 2 :: Struggle for Freedom : Chapter 2

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ: બંગાળમાં વિરોધના સૂર્

સંન્યાસી વિદ્રોહ ()

છિઆત્તેતોરેર મોનોન્તર’ (એટલે કે બંગાળના કૅલેંડર પ્રમાણે ૧૧૭૬નો દુકાળ) એવો ભયંકર હતો કે વૉરેન હેસ્ટિંગ્સના ૧૭૭૨ના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછી ત્રીજા ભાગની વસ્તીને ભૂખ ભરખી ગઈ. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે મુક્ત બજારના અખતરા બ્રિટને હિન્દુસ્તાન અને આયર્લૅંડ જેવાં પોતાનાં સંસ્થાનોમાં કર્યા, પરિણામે દુકાળ પડ્યો. એક બાજુથી ખાવાના સાંસા હતા, બીજી બાજુથી મહેસૂલ વધી ગયું હતું. ધનવાન જમીનદારોએ મહેસૂલ ચુકવવાનું થતું. ઘટતી આવકમાં ઉમેરો કરવા માટે એમણે ગરીબો પર સિતમો ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

મજનુ શાહ

૧૭૭૧માં બિહારના પૂર્ણિયા જિલ્લામાં શાહ મદારના પંથ (જે મદારી’ નામે ઓળખાતા હતા) ફકીરોએ મજનુ શાહની આગેવાની હેઠળ બંગાળમાં પ્રવેશ કર્યો. આ એમનો બીજો પ્રયાસ હતો. આ પહેલાં જમીનદારોએ ફકીરોને ટેકો આપ્યો હતો. આ વખતે અઢી હજાર ફકીરો હતા. જો કે કંપનીને એમને હરાવવામાં બહુ તકલીફ ન પડી અને બધા વેરવીખેર થઈ ગયા. એકલદોકલને શોધવાનું પણ શક્ય નહોતું. આમ એ બધા બંગાળના ખૂણેખૂણે પહોંચી ગયા.

અંગ્રેજોના દસ્તાવેજો પ્રમાણે મજનુ શાહ પોતે ઘોડે ાડીને પૂર્ણિયા તરફ ભાગી ગયો પણ હજી એ ત્યાં જ ધામો નાખીને બેઠો હતો. એટલે કંપનીની નજરે હજી ખતરો ટળ્યો નહોતો.. બીજી બાજુ એ જ અરસામાં અવધ બાજુએથી જમના નદી પાર કરીને ચાર હજાર નાગા સાધુઓ બંગાળમાં પ્રવેશ્યા. જો કે કંપનીના જનરલ બાર્કરે અવધના નવાબ સુજાઉદ્દૌલાને લખ્યું હતું કે છ-સાત હજાર સાધુઓ બંગાળ તરફ આવે છે. આનો જવાબ સાધુઓએ એવો આપ્યો કે એમને ગંગા પાર કરવાનો પરવાનો મળેલો છે. જો કે કોઈ દસ્તાવેજમાં આ નાગા બાવા બંગાળમાં આવ્યા કે નહીં તેનો ઉલ્લેખ નથી. આમ પણ સાધુઓ કે ફકીરો દ્વારા ૧૭૭૧માં ચોમાસા દરમિયાન વસુલાતનું પ્રમાણ ઘટ્યું હોવાનું જણાય છે. પરંતુ ચોમાસું ઊતરતાં ફરી સંન્યાસીઓની અવરજવર વધી ગઈ.

દુકાળ પછી

આમ છતાં આપણે કહી શકીએ કે દુકાળ દરમિયાન અને તે પછી કંપનીની મહેસૂલ નીતિએ માનવ મૃત્યુ અને સંન્યાસી-ફકીરોના હુમલાઓમાં મુખ્ય ભાગ ભજવ્યો અને એમાં લોકોનું સમર્થન પણ મળ્યું. પરંતુ આપણે દુકાળ પહેલાંના હુમલાઓ પર ફરી નજર નાખીએ તો એમાં રાજકીય તત્ત્વ ઓછું હતું. એક કિસ્સામાં તો ૧૭૬૦માં મરાઠા સૈન્યના સૈનિક નાગા સાધુઓએ બર્દવાન (હવે બર્ધમાન) અને કિશનગઢ જિલ્લાઓમાં ફરજિયાત પોતાનો લાગો વસૂલ કર્યો.

તે પછી ૧૭૬૩માં વૉરેન હેસ્ટિંસના રિપોર્ટ પ્રમાણે બાકરગંજમાં ફકીરો ફેલાઈ ગયા. આપણે જોયું તેમ એમણે ઢાકામાં કંપનીની ફૅક્ટરી પર પણ કબજો કરી લીધો. એ જ વર્ષે રામપુરની ફૅક્ટરીમાં સંન્યાસીઓએ લૂંટફાટ કરી. ૧૭૬૭માં નાગા સાધુઓએ સારન જિલ્લામાં કંપનીના સિપાઇઓને હરાવ. ૧૭૬૮માં એક જમીનદારે નાગા સાધુઓને પોતાનાં આર્થિક હિતો માટે નોકરીમાં લીધા.

પરંતુ ૧૭૭૦ આવતાં હુમલાઓનું પ્રમાણ વધવા લાગ્યું હતું. જો કે ક્યારેક અફવાઓ પણ હોવાનું જણાયું છે. મજનુ શાહ વિશે તો આપણે વાંચ્યું અને હજી પણ એનું નામ આવતું રહેશે. ફકીરો અને સંન્યાસીઓ હવે સીધા જ બ્રિટિશ કંપની સામે પોતાનાં સદીઓ જૂનાં હિતો અને લાભોના બચાવ માટે લડતા થઈ ગયા હતા.

૧૭૭૩માં હેસ્ટિંગ્સ જિલ્લાઓના કલેક્ટરો માટે હુકમ બહાર પાડ્યો કે ‘senassies’ (સંન્યાસીઓ) તરીકે ઓળખાતા લોકોને શસ્ત્રો સાથે એમના જિલ્લામાંથી નીકળવા ન દેવા. શસ્ત્ર સાથે જાનાર વ્યક્તિને રાજ્યની દુશ્મન ગણવામાં આવશે. (અંગ્રેજી દસ્તાવેજોમાંસંન્યાસીઅનેફકીર’, બન્નેને માત્રસંન્યાસીના નામે ઓળખવામાં આવે છે).

ખરું જોતાં, આ હુકમ અવિચારી અને વધારેપડતો આકરો હતો કેમ કે સામાન્ય સલામતી તો હતી જ નહીં અને રાજ્યનો પૂરો અંકુશ નહોતો. આથી કોઈ પણ વેપારી મોટી રકમ લઈને નીકળતો ત્યારે લુંટાઈ જવાનો ભય તો રહેતો જ, એટલે એ શસ્ત્રધારી ટુકડીને સાથે રાખતો. કલેક્ટરો આ વાત બરાબર સમજી શકતા હતા. અંતે, મદ્રાસમાં ફોર્ટ વિલિયમમાં કંપનીની કાઉંસિલે આ હુકમમાં જરૂરી ફેરફાર કર્યો અને સંન્યાસીઓ, વૈરાગીઓ અને ફકીરો પૂરતો આ કાયદો મર્યાદિત રાખ્યો. હેસ્ટિંગ્સને શંકા હતી કે જમીનદારો સંન્યાસીઓને મદદ કરે છે, એટલે એણે જમીનદારો બધી બાતમી આપે તે પણ ફરજિયાત બનાવ્યું. ઉત્તરમાં ભૂતાનના રાજા સાથે પણ એને સમજૂતી કરી કે એ સંન્યાસીઓને આવવા ન દે અને કાઢી મૂકે. રાજા પોતે જો એ ન કરી શકે તો અંગ્રેજ રેસિડંટને જાણ કરે. હેસ્ટિંગ્સે લશ્કરી ટુકડીઓને પણ તૈયાર રાખી પણ અઢારમી સદીના અંત સુધીમાં તો અંગ્રેજ સત્તાને સફળતા ન મળી. આનું મોટું કારણ એ કે સામાન્ય લોકો કંપની સરકારને પણ બીજાનો હક પચાવી પાડનારી લુંટારુ ટોળકી જ ગણતી હતી.

કંપનીએ દરેક જિલ્લામાં ખજાનાના રક્ષણ માટે સિપાઈઓની ટુકડીઓ રાખી હતી. એમને પણ ગામડાંના સામાન્ય લોકોને અને જમીનદારોને સંન્યાસીઓથી બચાવવાની જવાબદારી સોંપી. આની અસર એ થઈ કે આ સિપાઈઓ પોતે જ બ્લૅકમેઇલર બની ગયા.

પરંતુ મજનુ શાહને આવા કોઈ ઉપાયોની પરવા નહોતી. એ ફરી ૧૭૭૩માં સાતસો ફકીરો સાથે બંગાળમાં આવ્યો. એક જમીનદાર પાસેથી એને પંદરસો રૂપિયા વસૂલ કરવાના હતા. મજનુ શાહે કલેક્ટરને આ રકમ વસૂલ કરવામાં મદદ કરવા લખ્યું. જમીનદાર તો ભાગી છૂટ્યો હતો. ફકીરોએ એને શોધીને પકડી પાડ્યો. એને જેમ તેમ કરીને હજારેક રૂપિયા એકઠા કરી લીધા હતા તે તો ચૂકવી દીધા, બાકીની રકમ ફકીરોએ એની સંપત્તિ લૂંટીને વસૂલ કરી.

પરંતુ અહીં સંન્યાસીઓ અને ફકીરો એક થઈ ગયા. પરંતુ કંપનીની ફોજની શિસ્ત સામે એમની એકતા ટકી નહીં અને પરાસ્ત થયા. એમના ધાર્મિક રીતરિવાજો પણ આડે આવતા હતા. આમ તો એમના વચ્ચે આભજમીનનું અંતર હતું પરંતુ, આ નિષ્ફળતા છતાં કંપની પૂરું મહેસૂલ વસૂળ ન કરી શકી અને મોટી ખાધ રહી ગઈ.

સંન્યાસીઓ અને ફકીરો માત્ર પોતાના લાભ માટે જ લડતા હતા એમ કહેવું પૂરતું નથી. ખરેખર તો બંગાળની પાયમાલીનાં મૂળ કંપનીની હકુમતમાં છે, એ વાત એ સ્પષ્ટપણે સમજી શકતા હતા. બીજી બાજુ, કંપનીને લાભ થાય એવી બીજી એક ઘટના બની. ૧૭૭૩માં અવધ અને રોહિલાઓ વચ્ચેની લડાઈમાં રોહિલા હાર્યા અને એમનો પ્રદેશ અવધના કબજામાં આઅવી ગયો. અવધ સાથે તો કંપનીના સંબંધો સારા જ હતા એટલે સાધુઓને રોકવામાં હવે અવધની પણ મદદ મળતી થઈ. આ ઉપરાંત, મરાઠાઓમાં પણ અંદરોઅંદર ફૂટ પડી ગઈ હતી. આમ કંપની માટે અનુકૂળ સંયોગો ઊભા થતા જતા હતા.

આમ છતાં મજનુ શાહ ૧૭૭૬માં ફરી આવ્યો. આ વખતે એણે મહાસ્થાન ગઢની મસ્જિદ પર કબજો કરી લીધો અને ઊઘરાણી શરૂ કરી દીધી. પણ એ ઘણો વખત ન રહ્યો. અંગ્રેજોએ નિરાંતનો શ્વાસ લીધો, પણ મજનુ શાહ એ વખતે તો માત્ર તેલ અને તેલની ધાર જોવા આવ્યો હતો. ત્રણ મહિને એ ફરી ફકીરોની બહુ મોટી જમાત સાથે આવ્યો. આ વખતે રાજપૂત સૈનિકો પણ ફકીરો સાથે જોડાયા! રાજપૂતોને સાથે લઈને મજનુ શાહે કંપનીની સત્તા વિરુદ્ધ વ્યાપક અસંતોષને વાચા આપી અને પોતાના રાજકીય ઉદ્દેશ્યનો સંકેત આપ્યો. એને પરાજિત કરવા માટે કંપનીએ હજી ધીરજ રાખવાની હતી.

પરંતુ સંન્યાસીઓ શું કરતા હતા? આ જાણવા માટે આપણે પાંચ વર્ષ પાછળ અને કૂચબિહારમાં જવું પડશે. કંપની સામેના આ જનઆંદોલનમાં રાજાઓ અને જમીનદારો કે જાગીરદારો પણ હતા, પરંતુ હવે સામાન્ય માણસે મોરચો સંભાળ્યો હતો. મોટા માણસો એમના ભરોસે હતા.


સંદર્ભઃ The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ) અને વિકીપીડિયા.

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 1

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૨: આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ : બંગાળમાં  વિરોધના સૂર્

સંન્યાસી વિદ્રોહ ()

૧૮મી સદીનો ઉત્તરાર્ધ એક યુગનો અંત હતો અને બીજા યુગનો પ્રારંભ હતો. મોગલો, મરાઠાઓ, નિઝામ, ટીપુ, અવધ વગેર અનેક સ્વાધીન રાજ્યોનો અંત આવ્યો અને બ્રિટિશ યુગ શરૂ થયો.

૧૭૫૭માં પ્લાસીના વિજય પછી કંપનીને દીવાની મળી અને એણે ૧૭૬૭ સુધીમાં મહેસૂલની આખી વ્યવસ્થા બદલી નાખી. મોગલકાળમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા અને દીવાન એમના પર દેખરેખ રાખતો. કંપની દીવાન બની તે પછી એણે વધારે સખતાઇથી કામ લેવા માંડ્યું કારણ કે દીવાનને પણ મહેસૂલનો ભાગ મળતો. કંપનીએ જે જમીનદાર પુરું મહેસૂલ વસૂલ ન કરી શકે તેની જમીનો ઝુંટવી લેવામો કાયદો બનાવી દીધો. આથી જમીનદારો યેનકેન પ્રકારેણ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા થઈ ગયા. પહેલાં ખેડૂત જે અનાજ ઉગાડતો તેનો એક ભાગ રાજ્યને આપતો પણ કંપનીએ રોકડ રકમમાં વસુલાત કરવાનો ચીલો પાડ્યો. ખેડૂતો પાસે રોકડા તો હોય જ નહીં. આપણું અર્થતંત્ર ગાઅમની અંદર સ્વાવલંબી હતું એટલે રોકડ વિના કામ ચાલતું. હવે ખેડૂતોને પોતાનો માલ વેચવાની ફરજ પડતી હતી.

આને કારણે ૧૭૫૭થી ૧૭૬૫નાં વર્ષો ભારે અંધાધૂંધીનાં રહ્યાં. કોણ જમીન મહેસૂલ વાસૂલ કરશે અને કંપની એની શું વ્યવસ્થા કરશે તે સ્પષ્ટ નહોતું અને કંપનીનું લક્ષ્ય જેમ બને તેમ વધારે ધન લૂંટવાનું રહ્યું. ખેડૂતો માટે તો આ દિવસો યાતનાના હતા.

૧૭૬૯માં જ વરસાદ ખેંચાઈ ગયો. કંપનીએ પોતાના સૈનિકો માટે બ્રિટિશ વેપારીઓ મારફતે ગામોમાંથી બધું અનાજ ખરીદી લીધું. તે પછી બીજા વર્ષે ૧૭૭૦માં ફરી આકાશ કોરુંધાકોર રહ્યું અને બંગાળ સખત દુકાળની પકડમાં ઝકડાયું. હવે વેપારીઓ બહુ ઊંચા ભાવે અનાજ વેચવા લાગ્યા પણ ખેડૂતો પાસે પોતે જ વેચેલું અનાજ ફરી ખરીદવાના પૈસા નહોતા. ગામડાંઓમાં અનાજનો દાણો નહોતો. ખેતરો ઊભાં ઊભાં સુકાઈ ગયાં હતાં. આમ છતાં કંપની મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી.

એક પરંપરા પ્રમાણે જ સંન્યાસીઓ અને ફકીરો આખું વર્ષ યાત્રા કરતા રહેતા. જે ગામેથી એ પસાર થાય ત્યાંથી એમને ખાધાખોરાકીનો સામાન મળી રહેતો. ખાસ કરીને આદિ શંકરાચાર્યે બનાવેલા દશનામી સાધુ અને નાગા સાધુઓ આમાં મુખ્ય હતા. આમાં ખાસ કરીને ‘ગિરિ’ અને ‘પુરી’ સંપ્રદાયના સાધુઓ લડાયક હતા. વૈરાગીઓ કે બીજા સંપ્રદાયોના સાધુઓ મોટા ભાગે શાંત્તિ પ્રિય હતા પણ નાગા બાવાઓ હથિયાર વિના ચાલતા નહીં. નવાબ કાસિમ ખાન અને હોલકર અને સિંધિયાએ તો એમને પોતાનાં લશ્કરમાં સામેલ કર્યા હતા કારણ કે એ ખૂંખાર મનાતા, મરવાથી ન ડરતા અને ઝનૂનથી લડતા. એમની પાસે વારતિથિ બહુ પાકેપાયે રહેતાં એટલે દેશમાં ક્યાંય પણ કોઈ પર્વ અથવા કુંભ હોય ત્યાં ઊજવણીને ટાંકણે જ પહોંચી જતા – વર્ષમાં હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર, આસામમાં બ્રહ્મપુત્રમાં સ્નાન, કુંહ મેળા વગેરેમાં એ પહોંચી જતા. આજે પણ આ પ્રથા ચાલુ જ છે. જૂની વ્યવસ્થામાં પ્રજાના જીવનમાં આ વાત એવી વણાઈ ગઈ હતી કે કોઈને ખ્યાલ પણ ન આવતો.

કંપનીએ જ્યારે મહેસૂલની રોકડ વસુલાત શરૂ કરી ત્યાર્રે સંન્યાસીઓને અને ફકીરોને ગામમાંથી અનાજ મેળવવામાં મુશ્કેલી પડવા માંડી આથી એ લૂંટફાટે પણ ચડ્યા. અંગ્રેજોના દસ્તાવેજોમાં સંન્યાસીઓ અને ફકીરોને એક જ અર્થમાં ‘સંન્યાસી’ તરીકે લેવામાં આવ્યા છે અને એમને રખડુ, બેકાર, અને લુંટારા ટોળકીઓ તરીકે ઓળખાવવામાં આવે છે, પણ એ ખરેખર સીધાસાદા સંન્યાસીઓ અને ફકીરો હતા. પરંતુ આર્થિક વ્યવસ્થા બદલાતાં ખેડૂતોના જીવન પર અસર પડી અને સાધુઓનું જીવન ખેડૂતો સાથે સીધું સંકળાયેલું હતું. બ્રિટિશ હકુમત આવતાં એમણે ઘોડેસવાર દળ વીખેરી નાખ્યું આ કારણે હજારો ઘોડેસવાર સૈનિકો કામધંધા વિનાના થઈ ગયા અને એ પણ સાધુઓની જમાતમાં જોડાઈ ગયા હતા. એ ખરેખરા સાધુ નહોતા પણ આ રીતે એમનું ગુજરાન ચાલવા માંડ્યું હતું.

મોગલોએ તો કેટલાય પીરોને ‘સનદ’ એટલે કે કર ઉઘરાવવાનો અધિકાર પણ આપ્યો હતો. પીરો જો કે પોતાનું મનધાર્યું કરતા અને અધિકારથી પણ વધારે વસુલાત કરી લેતા. ક્યારેક સંન્યાસીઓ સાથે એમની અથડામણ થતી ત્યારે હકુમત એમની સામે કંઈ પગલાં ન લેતી. આમ સંન્યાસીઓમાં ફકીરો સામે રોષ પણ હતો. આમ છતાં, હવે આખી જૂની વ્યવસ્થા કડડભૂસ થઈને તૂટી પડી હતી અને સંન્યાસી હોય કે ફકીર, એમણે કંપનીએ ઘડેલા નિયમો માનવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. સંન્યાસીઓ આ સાંખી લેવા તૈયાર નહોતા.

૧૭૭૦ના દુકાળ પહેલાં અને પછી મોટી સંખ્યામાં સંન્યાસીઓ બંગાળમાં આવી પહોંચ્યા. દુકાળ પછી ખેડૂતો પાસે પણ બીજ ખરીદવા માટે તો શું એક ટંક ખાવા માટે ધાન ખરીદવાના પણ પૈસા નહોતા. એટલે ખેડૂતો પણ સંન્યાસીઓ સાથે જોડાઈ ગયા. નાગાંપૂગાં, ચીંથરેહાલ, ભૂખના માર્યા સામાન્ય લોકો લૂંટે નહીં તો એમના પાસે જીવવાનું બીજું સાધન નહોતું.

પણ આ માત્ર દુકાળની જ વાત નથી એનાથી પહેલાં ૧૭૬૩માં ફકીરોના એક જૂથે ઢાકામાં કંપનીની ફૅક્તરીનો કબજો લઈ લીધો હતો. એજ વર્ષે રાજશાહી જિલ્લામાં કંપનીની ફૅક્ટરીને સંન્યાસીઓએ લૂંટી લીધી હતી. ૧૭૬૭માં સારંગ જિલ્લામાં પાંચ હજાર સાધુઓ પહોંચી ગયા. ત્યાંના હાકેમે એમની સામે સૈનિકો મોકલ્યા પણ સાધુ ડર્યા નહીં. સૈનિકોએ ગોળીબાર કર્યા અને અંતે જેવા એ મોળા પડ્યા તેવા જ સધુઓ ત્રાટક્યા અને એંસીને મોતને ઘાટે ઉતારી દીધા. તે પછી આખી ફોજ ભાગી છૂટી. ૧૭૬૯ સુધી તો સાધુઓ જ્યાં અંગ્રેજોની ફોજ મળી ત્યાં એમનો દૃઢતાથી મુકાબલો કરતા રહ્યા અને જીતીને જ ઠંડા પડતા..

આ અજંપો માત્ર્ર બંગાળ પૂરતો મર્યાદિત નહોતો, બિહાર અને અવધમાં પણ એજ હાલત હતી ૧૭૬૯-૭૦ સુધીમાં કંપની સાધુ કે ફકીરોના હુમલાથી સાવધાન થઈ ગઈ હતી અને એણે બંગાળ અને બિહારમાં દરેક જિલ્લામાં ‘સુપરવાઇઝરો’ નીમી દીધા. બિહારમાં કોસી નદીના સુપરવાઐઝરને સમાચાર મળ્યા કે ૩૦૦ ફકીરોનું જૂથ કોસી તરફ આવે છે. એટલે સુપરવાઇઝરે કૅપ્તન સિંક્લેરની આગેવાની હેઠળ લશ્કરી ટુકડી મોકલી. ફકીરો પાસે ભાલા-તલવાર હતાં. ફકીરોએ શાંતિથી વાત કરી. કૅપ્ટન સિંક્લેરની વાત માનીને એમણે પોતાનાં હથિયારો સોંપી દીધાં. સિંક્લેરે થોડા ફકીરોને બાન તરીકે રોકી લીધા. ફકીરોએ આગળ વધીને પોતાના પાંચ હજાર અનુયાયીઓને એકઠા કરી લીધા. આની જાણ થતાં રંગપુર, દિનાજપુર વગેરે સ્થળેથી ટુકડીઓ મોકલાઈ પણ ફકીરોની ફોજ સામે એમનું ગજું નહોતું.. અંતે એક આખી બટાલિયન મોકલવી પડી, પણ એ પહોંચે તે પહેલાં તો ફકીરો જાણે પોતાનો લાગો વસૂલ કરીને જાણે હવામાં ઓગળી ગયા!

સંન્યાસીઓ અને ફકીરો ઈસ્ટ ઇંડિયા કંપની માટે માથાનો દુખાવો બની ગયા હતા કારણ કે એમને લોકોનો પણ ટેકો મળતો હતો. જોવાનું એ છે કે હવે એકમાત્ર સત્તા તો કંપનીના હાથમાં હતી. એટલે બધા રોષનું નિશાન પણ કંપની જ બને એ સ્વાભાવિક હતું. આ સામાન્ય લોકો હતા, એમને રાજપાટ નહોતાં જોઈતાં, બે વખત ખાવાનું મળી જાય તો એ શાંત રહેત પણ ઈસ્ટ ઇંડિયા કંપનીનું પેટ તો ભરાય તેમ જ નહોતું!


આપણે સંન્યાસી વિદ્રોહ વિશે આગળ પણ ચર્ચા કરશું.


સંદર્ભઃ

The Sannyasi Rebellion, by A. N. Chandra (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar 48

) પાણીમાં પગ નાખ્યો અને….

આંધ્ર પ્રદેશની ગૂથીકોંડા ગુફામાં બાયોસ્પેલોયોલૉજિસ્ટ ( ગુફાઓના બાયોલોજિસ્ટ) શાહબુદ્દીન શેખ જીવાત શોધતા હતા. એમને અચાનક લાગ્યું કે એમના પગ પર કોઈ જીવડું ચડ્યું છે. એને ખંખેરી નાખવા માટે એમણે પાણીમાં પગ ડુબાડ્યો. પાણી ડહોળાઈ ગયું અને દૂધિયા રંગના અસંખ્ય જીવો તરી આવ્યા. એમણે એનું પરીક્ષણ કર્યું અને જાહેર કર્યું કે ખંડીય છાજલીઓ હજી સરકીને જુદી નહોતી પડી તે પહેલાંથી આ જીવો અહીં કરોડો વર્ષોથી રહે છે!

લંડનની ઝૂલૉજિકલ સોસાઇટીએ એમને સન્માનવા આ નવા જીવને નામ આપ્યું છે, આંધ્રાકોઇડ શાહબુદ્દીન. સોસાઇટીએ એમને ફેલોશિપ પણ આપી છે.

શાહબુદ્દીન શેખ આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાં અધ્યાપક છે અને આજ સુધી દેશની ગુફાઓમાં ફરીને ૪૦ નવી પ્રજાતિઓ શોધી ચૂક્યા છે. ગુફાઓમાં વસતા જીવો શોધવાનું હજી ભારતમાં નવું જ શરૂ થયું છે. એમણે પોતાના નામની પ્રજાતિ શોધી તે પછી બેલૂમની ગુફામાં પણ ‘આંધ્રાકોઇડ’ નામની પ્રજાતિ શોધી અને એને ગુફાનો નક્શો બનાવનાર જર્મન બાયોસ્પેલિયોલૉજિસ્ટ હર્બર્ટ ડેનિયલ ગેબોયેરનું નામ આપ્યું છે.

સંદર્ભઃhttps://www.thehindu.com/news/national/andhra-pradesh/zoological-society-of-london-honour-for-ap-scientist/article24999844.ece

() દુનિયામાં કૅન્સરનો પ્રકોપ વધ્યો

સપ્ટેમ્બરની ૧૨મી તારીખે કૅન્સર વિશેના સંશોધનની આંતરરાષ્ટ્રીય સંસ્થા ( International Research on Cancer)એ ૩૬ જાતનાં કૅન્સરો અને એકંદરે કૅન્સર વિશેનો એનો રિપોર્ટ GLOBOCAN 2018 પ્રકાશિત કર્યો છે. એમાં આખી દુનિયાના ૧૮૫ દેશોમાંથી માહિતી એકત્ર કરીને એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કૅન્સરનો પ્રકોપ વધતો જાય છે. રિપોર્ટ આના માટે સમાજમાં વધતી વયોવૃદ્ધોની સંખ્યા,વ્યાપારી હેતુઓ અને અનારોગ્યકારી જીવનશૈલીને જવાબદાર ઠેરવે છે.

૨૦૧૮માં એક કરોડ એંસી લાખ લોકોને કૅન્સર થયું હોવાનું જણાયું છે અને ૯૬ લાખનાં મૃત્યુ થયાં છે. આજની તારીખે, દરેક આઠમાંથી એક પુરુષ અને દસમાંથી એક સ્ત્રી આ વર્ષે કૅન્સરને કારણે મૃત્યુ પામશે. ૨૦૩૦ સુધીમાં કૅન્સરને કારણે દુનિયામાં જેટલાં મૃત્યુ થશે તેમાંથી ત્રણ કરોડ (૭૫ ટકા) મૃત્યુ નીચી આવકવાળા દેશોમાં થશે.

દરેક પ્રદેશમાં જુદી જુદી જાતાનાં કૅન્સર થાય છે પણ સ્ત્રીઓમાં સ્તનના કૅન્સરનું સૌથી વાધારે પ્રમાઅણ જોવા મળે છે, પરંતુ આફ્રિકાના સહારા પ્રદેશમાં ગર્ભાશયના મુખનું કૅન્સર વધારે વ્યાપક છે. આખી દુનિયામાં હવે ફેફસાંના કૅન્સરનું પ્રમાણ વધવા લાગ્યું છે અને ૨૦૧૮માં ૨ કરોડ કરતાં વધારે નવા દરદી મળ્યા અને ૧ કરોડ ૮૦ લાખનાં મૃત્યુ થયાં છે.

એશિયામાં, જ્યાં દુનિયાની ૬૦ ટકા વસ્તી રહે છે પણ કૅન્સરની નોંધણી માત્ર ૧૫ ટકા છે. બીજી બાજુ ૨૦૧૮માં કૅન્સરનું નિદાન થયું હોય તેવા પચાસ ટકા કેસો એશિયામાં નોંધાયા છે.

ભારતનું ચિત્ર જોઈએ.

સંદર્ભઃ DOI:https://doi.org/10.1016/S0140-6736(18)32252-9

(3) ગૅલીલિયોનો ચર્ચની ટીકા કરતો પત્ર હાથ લાગ્યો!

સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એમ ચર્ચ માનતું. ગૅલીલિયોએ સાબીત કરી આપ્યું કે ખરેખર તો પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એણે પોતાના એક મિત્રને પત્ર લખ્યો હતો જે ચર્ચના હાથમાં પડ્યો. ગૅલીલિયોના આવા બે પત્ર છેઃ એક રોમમાં ચર્ચ પાસે છે અને બીજો લંડનની રૉયલ સોસાઇટીમાં ખોટી ફાઇલમાં મુકાઅઈ ગયો હતો. બન્ને પત્રમાં ભાષાનો ફેર છે. ગૅલીલિયોનો બચાવ હતો કે ચર્ચે જાણી જોઈને એની મૂળ ભાષા બદલીને કઠોર ભાષાનો પ્રયોગ કર્યો છે જો કે એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે ગૅલીલિયોએ પહેલાં કઠોર ભાષા વાપરી અને પછી ભાષા હળવી બનાવી કે એનાથી ઉલ્ટું થયું, પાદરીઓએ ભેગા મળીને ગૅલીલિયો વિશે અફવાઓ ફેલાવી.

આ પત્ર રૉયલ સોસાઇટી પાસે અઢીસો વર્ષથી પડ્યો હતો પણ કોઈને ખબર નહોતી, આ વર્ષના ઑગસ્ટની બીજી તારીખે ઇટાલિયન સંશોધક સાલ્વાતોર રિસિઆર્દો ત્યાં કોઈ બીજા કામે ગયો અને તે સાથે ઑનલાઇન કૅટલોગ પણ તપાસતાં એને ઉત્કંઠા થઈ, પરિણામે આ પત્ર મળી આવ્યો.

૨૧મી ડિસેમ્બર ૧૬૧૩ના લખાયેલો સાત પાનાનો આ પત્ર દેખાડે છે કે શરૂઆતમાં ગૅલીલિયોએ ચર્ચના પ્રકોપથી બચવા માટે બધા પ્ર્ર્રયત્ન કર્યા હતા. એણે ૧૬૩૨માં પુસ્તક લખ્યું તેમાં કહ્યું કે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે તે સુચવે છે કે પૃથ્વી ફરે છે. આ વાત બાઇબલથી ઉલ્ટી જતી હતી એટલે ગૅલીલિયોને ચર્ચે સજા કરી અને ૧૬૪૨માં મૃત્યુ થયું ત્યાં સુધી એણે કારાવાસ ભોગવ્યો.

ગૅલીલિયોનું જીવનઃ https://www.youtube.com/watch?v=_7YkmGacEsw

સંદર્ભઃ (૧) https://www.nature.com/articles/d41586-018-06769-4?utm_source=briefing-dy&utm_medium=email&utm_campaign=briefing&utm_content=20180921

(૨) https://en.wikipedia.org/wiki/Galileo_affair

() આપણે બોલીએ કેમ છીએ?

નૉર્થ-વેસ્ટર્ન મૅડિસીન અને વેઇનબર્ગ કૉલેજના સંશોધકોએ સ્પીચ-બ્રેઇન મશીન બનાવ્યું છે, જે સંપૂર્ણ લકવાગ્રસ્ત વ્યક્તિને પણ બોલીને પોતાની વાત કહેવામાં કામ લાગશે. સંશોધકોએ જોયું કે મગજ જે રીતે હાથપગનું સંચાલન કરે છે તે જ રીતે આપણે બોલવા માગીએ છીએ ત્યારે ધ્વનિમાં સંકળાયેલાં અંગોનું સંચાલન કરે છે. આ કામ એ એટલું કુશળતાથી કરે છે કે એક જ વર્ગના ધ્વનિઓ – જેમ કે, ‘ક’ અને ‘ખ’ અથવા ‘પ’ અને ‘બ’ના ઉચ્ચારમાં જે ફેર છે તે પણ મગજ દ્વારા સંચાલિત થાય છે. આમાં કંઠ, તાળવું, દાંતનો પાછળનો ભાગ, હોઠ વગેરેનો ઉપયોગ પણ મગજ નક્કી કરી આપે છે. આજ સુધી એમાં મગજની શી ભૂમિકા છે તે સમજી શકાયું નહોતું.

નૉર્થવેસ્ટર્નના વૈજ્ઞાનિકોએ આના માટે એક પ્રયોગ કર્યો. મગજની ગાંઠ કાઢવા માટેના ઓપરેશનમાં એમણે દરદીના મગજમાં ઇલેક્ટ્રોડ લગાડ્યા અને એને જાગતો રાખ્યો. ઓપરેશન દરમિયાન દરદીને એક સ્ક્રીન પરના પરદા પરના શબ્દો વાંચવાનું કહેવામાં આવ્યું, જે ઇલેક્ટ્રોડ દ્વારા ગ્રાફ રૂપે અંકિત થઈ ગયા.

આ તો અખતરો હતો, હવે મશીન માટેનું અલ્ગોરિધમ બનાવવાનું રહે છે કે જેથી મશીન દરેક દરદીને કામ આવે.

સંદર્ભઃ

(૧) http://www.jneurosci.org/content/early/2018/09/26/JNEUROSCI.1206-18.2018 (SFN લૉગ-ઇન વિના માત્ર ઍબ્સ્ટ્રૅક્ટ વાંચી શકાશે). લેખઃ nd Phonemes in Precentral and Inferior Frontal Gyri. Journal of Neuroscience, 2018;

(૨) www.sciencedaily.com/releases/2018/09/180926140827.htm

%d bloggers like this: