India: Slavery and struggle for freedom : Part 1: Slavery – Chapter 27

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૭: બંગાળમાં કંપનીની લૂંટ ઔદ્યોગિક

ક્રાન્તિની મદદે

પ્લાસીનું યુદ્ધ આમ માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, દુનિયાના ઇતિહાસમાં પણ મહત્ત્વનું છે. બ્રિટિશ સામ્રાજ્યવાદની શરૂઆત પ્લાસીથી જ થઈ. બ્રિટિશ વિસ્તારવાદ માટે ધનની જરૂર હતી તે બંગાળે પૂરું પાડ્યું.મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૬૫માં ઈસ્ટ ઇંડિયા કંપનીને બંગાળની દીવાન બનાવી તે પછી કંપનીએ જે લૂંટ ચલાવી તેમાંથી ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાન્તિ માટે નાણાકીય સાધનો ઉપલબ્ધ થયાં.

એક અંદાજ પ્રમાણે પ્લાસી અને બક્સરની લડાઈઓ વચ્ચે (૧૭૫૭ અને ૧૭૬૫ના ગાળામાં), આપણે ગયા પ્રકરણમાં જોયું તેમ બ્રિટનથી સોનાની આયાત કરવાની કંપનીને જરૂર ન રહી. કંપનીના નોકરોએ મીર જાફર પાસેથી ૧ કરોડ ૭૬ લાખ રૂપિયા મેળવ્યા અને  કંપની આ ગાળા દરમિયાન ૮ કરોડ ૫૬ લાખ રૂપિયા કમાઈ.  ૧૭૭૬માં એક અર્થશાસ્ત્રીએ અંદાજ કરીને દેખાડ્યું કે દર વર્ષે ૧૨ લાખ રૂપિયા બંગાળમાંથી ઘસડાઈને લંડન પહોંચતા હતા.

દાદાભાઈ નવરોજી  ૧૮૯૨ અને ૧૮૯૫ વચ્ચે બ્રિટનની આમસભામાં ચુંટાયેલા પ્રથમ હિંદી હતા. એમણે આમસભામાં બોલતાં બ્રિટને ભારતમાં કરેલી લૂંટનો ભંડો ફોડી નાખ્યો. એમના પુસ્તક Poverty of India માં દેખાડ્યું છે કે ૧૮૫૮થી ૧૮૭૦ દરમિયાન બ્રિટનમાંથી આવતા માલનું મૂલ્ય ૩૬ અબજ પૌંડ હતું, તેની સામે હિંદુસ્તાન પાસેથી બ્રિટન જતા માલનું મૂલ્ય ૨૯ અબજ પૌંડ જેટલું હતું. આ ખાધ કૃત્રિમ હતી. કારણ કે બ્રિટન ભારતને જે કિંમત ચૂકવવી જોઈએ તે ચૂકવતું નથી. એમનું કહેવું છે કે, હિંદુસ્તાન સાથેના સંબંધોનો લાભ ઇંગ્લૅંડને મળ્યો છે તે છેલ્લાં ૩૮ વર્ષમાં ૫૦ કરોડ પૌંડ જેટલો જ નથી. તે ઉપરાંત બ્રિટનના ઉદ્યોગોને હિંદુસ્તાનમાંથી જે મળે છે  તેનો ઉપયોગ કરીને બ્રિટન યુરોપના દેશોમાંથી કમાય છે. આમ દાદાભાઈ નવરોજી દેખાડે છે કે હિંદુસ્તાનમાંથી ધન ખેંચીને ઇંગ્લૅંડ સમૃદ્ધ થયું છે. બીજા એક અર્થશાસ્ત્રી વિલિયમ ડિગ્બાયનું કહેવું છે કે ઇંગ્લૅંડની ઔદ્યોગિક સર્વોપરિતાનાં મૂળ બંગાળ અને કર્ણાટકમાં છે.

દાદાભાઈ કહે છે કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળ અને બિહારમાં સતત બગડતી સ્થિતિ પર નજર રાખવા માટે ૧૮૦૭થી ૧૮૧૬ સુધી નવ વર્ષ સર્વે કરી. પરંતુ એનો રિપોર્ટ દબાવી દીધો. તે પછી મોંટગોમરી માર્ટિન નામના અધિકારીએ એ ખોળી કાઢ્યો અને પ્રકાશિત કર્યો. આ અધિકારીએ લખ્યું કે “ બે હકીકતોની નોંધ ન લેવાનું અશક્ય છે: એક તો, દેશની સમૃદ્ધિની મોજણી થઈ અને બીજી વાત એ કે એ દેશના નિવાસીઓની ગરીબાઈની પણ મોજણી થઈ.”  માર્ટિને કહ્યું કે બ્રિટન જે ધન તાણી જાય છે (એના વખતમાં ૩૦ લાખ રૂપિયા હતું, પણ દાદાભાઈ  કહે છે કે તે પછીનાં વર્ષોમાં આ આંક ઉપર ગયો છે) તેનું ૧૨ ટકા લેખે વ્યાજ ગણતાં ૩૦ વર્ષે આ રકમ રૂ. ૭૨,૩૯,૦૦,૦૦૦ થાય છે. આટલું ધન બ્રિટનમાંથી ગયું હોત તો બ્રિટન પણ ગરીબ થઈ ગયું હોત. બીજા એક સનદી અધિકરી ફ્રેડરિક જ્‍હોન સ્શોર્નું કથન પણ દાદાભાઈએ ટાંક્યું છેઃ “પણ હિંદુસ્તાનના ભવ્ય દિવસો પૂરા થયા છે; એની પાસે જે સંપત્તિ હતી તે મોટા ભાગે ચૂસી લેવાઈ છે અને એની શક્તિઓ કુશાસનની દુઃખદાયી વ્યવસ્થાને કારણે હણાઇ ગઈ છે. લાખો લોકો મુઠ્ઠીભર લોકો માટે પોતાનું બલિદાન આપતા રહ્યા છે.

ચલણી નાણું

મોગલ સલ્તનતે મજબુત ચલણ વ્યવસ્થા કરી હતી તે ઔરંગઝેબનું ૧૭૦૭માં મૃત્યુ થયું તે સાથે પડી ભાંગી. મોગલ કાળમાં સમાજમાંથી સાટા પદ્ધતિ લગભગ નાબૂદ થઈ ગઈ હતી અને નાણાનો વ્યવહાર વ્યાપક બની ગયો હતો.

આ સ્થિતિને પહોંચી વળવા હિંદુસ્તાનમાં ચલણી સિક્કામાં શુદ્ધ ધાતુ કેટલી છે અને તેનું મૂલ્ય શું છે તેના આધારે સિક્કાઓનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું.

ઈસ્ટ ઇંડિયા કંપની જ્યાં કામ કરતી હતી તે પ્રદેશમાં પોતાની ટંકશાળ બનાવવાના અધિકાર પણ પ્રાપ્ત કરી લેતી. મદ્રાસ, અને મુંબઈમાં આવી ટંકશાળો હતી. પરંતુ પ્લાસી પહેલાં બંગાળમાં એમને ટંકશાળની છૂટ નહોતી મળી.

ટંકશાળો

કોરોમંડલને કાંઠે આર્માગોનમાં, જ્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની તોપો પહેલી વાર જમીન પર ઊતરી, ત્યાં ૧૬૨૬માં પહેલી ટંકશાળ બની. તે પછી ૧૬૩૯માં કંપનીએ ચંદ્રગિરિના રાજા પાસેથી ટંકશાળ બનાવવાના હક મેળવ્યા. તે પછી ૧૬૯૨માં મોગલ શાહજાદા કામબખ્શ પાસેથી મદ્રાસમાં ચાંદીના રૂપિયા બનાવવાનો અધિકાર મળ્યો. જો કે, આ સિક્કા માત્ર બંગાળમાં જ વાપરવાના હતા.

૧૬૯૦માં કંપનીએ મરાઠા શાસકો પાઅસેથી કડળૂરુ પાસે કિલ્લો ખરીદ્યો અને એને ફોર્ટ સેન્ટ ડૅવિડ નામ આપ્યું અહીં પણ એમને સોના કે ચાંદીના સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો. બધાં રાજ્યો ઈસ્ટ ઇંડિયા કંપની સાથે વેપાર માટે એટલાં આતુર હતાં કે મોટા ભાગે એમને સિક્કા બનાવવાના અધિકારના બદલામાં જકાત કે કમિશન ચૂકવવામાંથી પણ માફી મળતી.  એજ રીતે ૧૬૯૨માં મુંબઈની ટંકશાળ પણ શરૂ થઈ. અહીં બનાવેલા સિકાઓ પર ઇંગ્લૅંડના રાજા વિલિયમ ત્રીજા અને રાણી મૅરીનાં નામો હતાં. ઔરંગઝેબે આની સામે સખત વાંધો લીધો પરિણામે આ સિક્કા પાછા ખેંચી લેવા પડ્યા. ૧૭૫૭માં મીર જાફરે કંપનીને કલકતામાં ટંકશાળ બનાવવાની પરવાનગી આપી.

બંગાળમાં અઢારમી સદીના મધ્યભાગમાં ચાંદીનો રૂપિયો ૧૦ માશા (૧૧.૬૦ ગ્રામ)નો હતો. ૧૦ માશા વજનનું  સ્ટૅન્ડર્ડ પણ હતું અને એ ‘સિક્કા’ તરીકે ઓળખાતું. આમ આ ‘સિક્કો’ ખરેખરા બજાર મૂલ્યની બરાબર હતો. એક સિક્કાના ૧૬ આના (૧૦ માશા) અને એક આનાનું મૂલ્ય ૧૨ પાઈ જેટલું હતું.

રૂપિયો સ્ટૅન્ડર્ડ બન્યા પછી પણ કેટલીયે જણસો બીજાં ચલણોમાં ખરીદવી પડતી. આ ઉપરાંત એક જાતની કડવી બદામ પણ ચલણ તરીકે ચાલતી. એ ગુજરાતમાંથી આયાત કરવી પડતી. સૂરતમાં આ બદામ ચલણ તરીકે ચાલતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાહુકારો. શરાફો, વેપારીઓ અને કારીગરો મોટી સંખ્યામાં હતા પણ આ કડવી બદામ ચલણમાં સ્વીકાર્ય બની હતી.

બંગાળનું પતન હિંદુસ્તાન માટે એક દુઃસ્વપ્ન જેવું રહ્યું છે.  આ ઓથારમાંથી દેશ આજે અઢીસો વર્ષ પછી પણ છૂટ્યો નથી.  પરંતુ આપણે હવે દખ્ખણ અને કર્ણાટક  જઈએ. એ હજી કંપનીના કબજામાં નથી આવ્યાં.

સંદર્ભઃ

1. Poverty of India, Dadabhai Navroji, 1878. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

  1. http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/14414/6/06_chapter%201.pdf

India: Slavery and struggle for freedom : Part 1: Slavery – Chapter 26

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૬: કંપની રાજની બંગાળ પર અસર

બક્સરની લડાઈ પછી ૧૭૬૫માં મોગલ બાદશાહે કંપનીને બંગાળની દીવાન બનાવી દીધી. મોગલ સલ્તનતમાં બંગાળ, સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ હતો. બ્રિટન માટે આ દીવાની આશીર્વાદ સમાન નીવડી. કંપની અને એના નોકરોને એનાથી બહુ મોટો લાભ થયો. નદીઓથી સમૃદ્ધ આ પ્રદેશ ૩૦ લાખ રૂપિયાની મહેસૂલી આવક આપતો હતો.  વેપારમાં તો નુકસાન થતું હતું પણ મહેસૂલની આ ગંજાવર રકમમાંથી કંપની લંડનમાં ડાયરેક્ટરોનું મોઢું બંધ રાખી શકતી હતી. અહીંનો માલ, રેશમ, ખાંડ અને ગળી લંડનના બજાર માટે જ હતાં. બંગાળનો ચોખાનો મબલખ પાક કંપનીની લશ્કરી છાવણીઓને કામ  આવતો. પરંતુ મુખ્ય ફાયદો તો મોગલ સલ્તનતે વેપાર માટે એના આખરી દિવસોમાં બનાવેલા નિયમોને કારણે થયો. કોઈ પણ વેપારી કોઈ એક વસ્તુના વેપારનો ઇજારો લઈ શકતો. કંપનીએ મીઠું, બંદૂકનો દારુ, ગળી, સોપારી વગેરેના ઇજારા લઈ લીધા હતા. કંપનીએ લંડનથી સોનું લેવું પડતું તે લગભગ બંધ થઈ ગયું.

જૂનું માળખું, નવા વિચારો

બંગાળ પર વર્ચસ્વ સ્થાપ્યા પછી પણ કંપનીનો ઉદ્દેશ મુખ્યત્વે તો કમાણી અને વેપારનો જ રહ્યો હતો એટલે દીવાન તરીકે પણ કંપનીએ જાતે બહુ મોટા ફેરફાર ન કર્યા. બધાં કામો નવાબને નામે થતાં હતાં પણ ખરો અંકુશ ‘ઓટુનવાબ’ એટલે કે એના નાયબનો હતો અને કંપની નવાબની ‘નાયબ’ હતી. ન્યાયની બાબતમાં પણ કંપનીએ દીવાન તરીકે ‘દીવાની’ કેસો પોતાના હાથમાં લીધા, પણ ફોજદારી ગુનાઓનો નિકાલ કરવાની જવાબદારી હજી નવાબના હાથમાં જ હતી. પરંતુ ૧૭૭૨થી કંપનીએ પોતાને ‘અપીલ કોર્ટ’ તરીકે સ્થાપિત કરી દીધી. ૧૭૮૧ પછી તો નીચલી કોર્ટોમાં પણ અંગ્રેજ જજો દીવાની અને ફોજદારી કેસો સાંભળવા લાગ્યા.

આ આખા સમયગાળા દરમિયાન કંપની પર હજી લંડનના મુખ્ય ડાયરેક્ટરોનો કાબુ હતો. પોલીસ કે લશ્કરી દળના ઉપયોગ માટે બંગાળના અંગ્રેજ શાસકોએ ડાયરેક્ટરોને જવાબ આપવો પડતો હતો. ૧૭૬૫ પછી ઘણી વાર તો સ્વયં બ્રિટિશ સરકારનું  જ દબાણ આવતું. ૧૭૭૩માં અને પછી ૧૭૮૪માં  બ્રિટન સરકારે કાયદા બનાવીને હિંદ માટેની નીતિ નક્કી કરી આપી. ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરોએ પણ એના પ્રમાણે વર્તવું પડતું. ૧૮૩૩માં તો બ્રિટન સરકારે વેપારનો છેદ જ ઉડાડી દીધો. કંપનીનું મુખ્ય કામ તો આમ બંધ જ થઈ ગયું.

નવા સમાજનું નિર્માણ?

હિંદુસ્તાન, અને ખાસ કરીને બંગાળના, સમાજ પર બ્રિટિશ હકુમત લદાઈ તે પછી મોટા ફેરફાર થયા એમ ન કહી શકાય કારણ કે ૧૭૬૫ પહેલાં જ સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક પરિવર્તનો આવવા માંડ્યાં હતાં મોગલ સલ્તનત તૂટું તૂટું થતી હતી, બીજાં શક્તિશાળી રાજ્યો પણ થાકવા લાગ્યાં હતાં.  ખેતીનું વેપારીકરણ પણ થવા લાગ્યું હતું. મહેસૂલ એકઠું કરવાના અધિકાર નવાબી જમાનામાં જ બહુ ઘણા લોકોને મળી ગયા હતા એટલે ખેતી કરનારા સમાજમાં પણ અમીર-ગરીબના ભેદભાવ શરૂ થઈ ગયા હતા. આમ છતાં, બ્રિટિશ સત્તાએ આ પ્રક્રિયાને નવો વેગ આપ્યો એમ તો જરૂર કહેવું પડશે.

વળી, દેખ બીચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન જેવી સ્થિતિ પણ નહોતી સ્થપાઈ. નવાબના વખતમાં જેટલી લૂંટમાર થતી તેમાં ઘટાડો થયો એમ ન કહી શકાય. ખરેખર તો ૧૯મી સદીના પહેલા દાયકામાં લૂંટમારની જે હાલત હતી તે કંપની માટે શરમજનક જ હતી. નવાબના સમયમાં એના લશ્કરના માણસો નવાબ ઉપરાંત એના મુખ્ય આશ્રયદાતાને વફાદાર રહેતા. આમાં જે જોખમો હતાં તે પ્લાસીની લડાઈમાં છતાં થયાં પરંતુ કંપનીએ નવાબનું સૈન્ય વીખેરી નાખ્યું તેથી બેરોજગારી વધી. ૬૫,૦૦૦ નાના સિપાઈઓને તો નોકરીએ લઈને કંપનીએ રોજગાર આપ્યો પણ ઘોડેસવારોની એને જરૂર જ નહોતી. બેકારીને કારણે બહારવટિયાઓનો ત્રાસ પણ વધ્યો.

જમીનદારો પહેલાં પોતપોતાના પ્રદેશમાં બધી સત્તા ભોગવતા અને નવાબ પણ એમાં દખલ ન દેતો. કંપનીએ કાયદા બનાવીને એમના પર નિયંત્રણો મૂકવાની કોશિશો કરી પરંતુ  જમીનદારો તો રાજકાજ જાણતા હતા એટલે ‘વચલો રસ્તો’ કેમ કાઢવો તે જાણતા હતા. આમ વ્યવહારમાં જમીનદારોને જ રક્ષણ મળ્યું. ૧૭૯૦માં ૧૨ કુટુંબો મહેસૂલ એકત્ર કરતાં, તેની જગ્યાએ કંપનીએ ઘણાને કોંટ્રૅક્ટ અને કાયમી અધિકારો આપતાં શોષણખોરોની મોટી જમાત ઊભી થઈ ગઈ. અઢારમી સદીના અંતભાગમાં તો જમીન અને મજૂરી વચ્ચેની સમતુલા જમીનવાળાઓ તરફ ઢળતી થઈ ગઈ હતી.

બંગાળનું અર્થતંત્ર પૂરેપૂરું બ્રિટનના અર્થતંત્ર સાથે સંકળાઈ ગયું હતું એટલે ત્યાંના વાળાઢાળાની અસર બંગાળમાં પણ દેખાતી.  આમ તો જમીન મહેસૂલ અને કાચા માલના વેપાર પર ભાર મુકાતાં શહેરો કરતાં ગામડાંઓમાં કમાણીની તકો વધી હતી.

નવા વ્યવસાય, નવી સભ્યતા

આમ છતાં, કલકત્તા જેવા શહેરનો પણ વિકાસ થયો અને ઢાકા પડી ભાંગ્યું કે જે ‘મલમલ’ માટે જાણીતું હતું. કેમ કે જમીનદાર ન હોય પરંતુ વહીવટ અને હિસાબનીસ તરીકે પાવરધા લોકોનો નવો વર્ગ શહેરમાં જ રહ્યો.

કલકત્તામાં હિંદીઓ માટે ‘બ્લૅક ટાઉન’ અને યુરોપિયનો માટે ‘વ્હાઇટ ટાઉન’  વિકસી ચૂક્યાં હતાં. પરંતુ બ્લૅક ટાઉનમાં ગરીબો જ હતા એવું નથી. ‘ભદ્રલોક’ આધુનિક અને સાધન સંપન્ન હતા અને બ્લૅક ટાઉનમાં નવાં મોટાં મકાનો બાંધવા લાગ્યા હતા.  આ બધા હિંદુ હતા, કોઈ બ્રાહ્મણ, તો કોઈ કાયસ્થ.  લોકો મોટા ભાગે તો પગારદારો જ હતા પણ મૂડી રોકાણ દ્વારા પણ કમાઈ લેતા. મોટી ઠાકુરબાડીઓ(હવેલીઓ) બાંધવાનો એમને શોખ હતો, ધાર્મિક વિધિવિધાનોમાં, ખાસ કરીને દુર્ગાપૂજામાં વેપારધંધા બંધ કરીને એ મોટો ખર્ચ કરતા.

અંગ્રેજી શાસકોને પણ પ્રાચીન પરંપરાઓમાં રસ વધ્યો. હેસ્ટિંગ્સે ૧૭૮૪માં  એશિયાટિક સોસાઇટીની સ્થાપના કરી અને હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોનો અનુવાદ કરાવ્યો. આ યુરોપીય વિદ્વાનો પંડિતોને નોકરીમાં લઈને જાતે જ સંસ્કૃત શીખ્યા. બીજી બાજુ બાઇબલના બંગાળી અનુવાદો પણ થયા.

૧૮૧૭માં એમના જ પ્રયાસોથી હિંદુ કૉલેજ શરૂ થઈ. એમને યુરોપીય રહેણીકરણીએ આકર્ષ્યા હતા. શિક્ષણ વધવાથી  નવા ઉદાર વિચારો પણ જન્મ્યા. આમાંથી બ્રહ્મોસમાજની સ્થાપના થઈ. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે આ જ યુગનાં સંતાન હતાં.

૦-૦-૦

સંદર્ભઃ  New Cambridge History of  India II • 2; Bengal: The British Bridgehead: Eastern India 1740-1828(Chapter 2, 4, 5), P.J.Marshall, King’s College, London, Cambridge University Press, Cambridge.  (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar (45)

 

() “જરા મીઠું આપજો ને!” – ભલે ખાઓ!

આપણામાંથી ઘણાને ભોજનમાં મીઠું વધારે જોઈતું હોય છે. જમવા બેઠા હોઈએ ત્યારે કોઈક તો બોલે જ છે. “જરા મીઠું આપજો ને!”

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હૃદયને લગતા રોગોથી બચવા દિવસમાં બે ગ્રામથી ઓછું મીઠું લેવાની સલાહ આપી છે પરંતુ આ લક્ષ્ય હજી સુધી તો કોઈ દેશમાં સિદ્ધ નથી થયું. હવે નવા સંશોધન પ્રમાણે જે લોકો દિવસમાં પાંચ ગ્રામ સુધી મીઠું લેતા હોય તેમની સામે હૃદયને લગતી બીમારીઓ થવાનું જોખમ દેખાયું નથી. મૅકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે WHOની માર્ગદર્શિકા વ્યક્તિગત અવલોકનો પર આધારિત છે. આની સામે એમણે ૨૧ દેશોમાં મીઠાના પ્રભાવથી થતી હૃદયની બીમારીઓ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓની મોજણી કરીને આ તારણ કાઢ્યું છે. ૨૧માંથી ૧૮ દેશોમાંથી પ્રાપ્ત થયેલા નિષ્કર્ષ હવે જાહેર કરવામાં આવ્યા છે. આમાં ચીન, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.

એમણે બ્લડપ્રેશરમાં મીઠાનો પ્રભાવ જાણવા માટે ૩૬૯ ગામો અને શહેરોમાં ૯૫,૭૬૭ પર અને એ જ રીતે હૃદયની ધમનીની બીમારી માટે ૨૫૫ ગામો અને શહેરોમાં ૮૨,૫૪૪ વ્યક્તિઓ પર પ્રયોગ કર્યો. અભ્યાસમાં લેવાયેલી દરેક વ્યક્તિ નીરોગી હતી અને એમની વય ૩૫ અને ૭૦ વર્ષની વચ્ચે હતી. આ પ્રયોગમાં દરેકનું આઠ વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું.

ચીનનાં ગામો અને શહેરોમાંથી ૮૨ ટકામાં મીઠું પાંચ ગ્રામથી વધારે લેવાતું હોવાનું જોવા મળ્યું જ્યારે બીજા દેશોમાં ૨૬૬માંથી ૨૨૪ ગામો અને શહેરોમાં મીઠું ત્રણથી પાંચ ગ્રામ લેવાય છે. એકંદરે એ જાણવા મળ્યું કે દર એક ગ્રામ મીઠું વધતાં બ્લડપ્રેશર (ઊપલું કે સિસ્ટોલિક) ૨.૮૬ mmHg વધ્યું પરંતુ જોખમી કહેવાય તે સ્તરે ન પહોંચ્યું. એવું જ હૃદય સંબંધી બીમારીઓમાં પણ પામ્ચ ગ્રામ સુધી વધઘટ કરતાં જોવા મળ્યું.

તે ઉપરાંત વધારે મીઠું ખાનારા પોતાના ભોજનમાં ફળો. દહીઁદૂધ અને પોટૅશિયમ વિપુલ પ્રમાણમાં લે તેવી વસ્તુઓ ઉમેરે તો વધારાના મીઠાના દુષ્પ્રભાવને ટાળી શકે છે. પોટૅશિયમયુક્ત પદાર્થો હૃદયની બીમારીઓ અને એને કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકે છે.

સંશોધકો કહે છે કે મીઠાનો વપરાશ જ્યાં પાંચ ગ્રામ કરતાં વધારે થતો હોય ત્યાં કામ કરવાની જરૂર છે, બાકી બીજે ક્યાંય બહુ ચિંતાની વાત નથી.

સંદર્ભ:

(૧)  https://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(18)31376-X/fulltext

(૨) www.sciencedaily.com/releases/2018/08/180809202057.htm

000

 

() માતાપિતા અને બાળકો વચ્ચે વર્ષમાં ૨૦૦૦ જીભાજોડી થાય છે!

SS 45.2

 એક અભ્યાસ પ્રમાણે માતાપિતા અને બાળકો વચ્ચે એક વર્ષમાં ૨,૧૮૪ વાર સામસામી દલીલો થાય છે આમાંથી મોટા ભાગે તો ખાવાપીવાના મુદ્દા પર થતી હોય છે! મમ્મીઓ પ્લેટ ભરીને પીરસે અને કહે કે તેં શાકને તો હાથ જ નથી અડાડ્યો. અથવા “હજી તારી પહેલી રોટલીયે પૂરી નથી થઈ?” અથવા જમતાં પહેલાં બાળક ફ્રિજમાંથી કંઈ કાઢીને ખાય તો મમ્મી બોલેઃ “હવે જમવાટાણું થયું છે ત્યારે આ ખાય છે તો જમીશ શું?” વર્ષની બે હજાર દલીલ એટલે દરરોજ પાંચ-છ વાર તો ખાંડાં ખખડે જ!

સંશોધકોએ બે હજાર માતાપિતાના ઇંટરવ્યૂ લઈને કહ્યું છે કે  માતાપિતા માત્ર અડધી લડાઈ જીતે છે, બાળકો પણ ગાંજ્યાં જાય તેવાં નથી હોતાં. દરેક દસ્માંથી માત્ર છ માતાઓ બાળકો સામે સબળ પુરવાર થઈ હોવાનું જણાયું છે અને પપ્પાઓ તો બાળક સાથે સમાધાન કરી લેતા હોવાનું બહાર આવ્યું છે.  માતાપિતા સામે યુદ્ધનો બીજો મુદ્દો સમયસર સૂવાનો હોય છે. મમ્મી બોલ્યા કરે અને બાળક સુવાનું ટાળતું જાય! હવે એમાં મોબાઇલ અને કૉમ્પ્યુટર પણ નવા મોરચા બન્યાં છે. “જ્યાં સુધી હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી મોબાઇલને હાથ નથી લગાડવાનો!”; “અરે વોલ્યુમ ઓછું કર, કાન ફાટી ગયા!” આમ સરેરાશ દરરોજ ૪૯ મિનિટ વાક્યુદ્ધમાં ખર્ચાય છે. અથવા દુકાનમાં – “અરે તારી પાસે કેટલી બધી કાર પડી છે, આ બૉલ લઈ લે.” (ક્યારેક તો આમાંથી માતાપિતા વચ્ચે શબ્દબાણોની આપલે થઈ જતી હોય છે, એની પણ સર્વે કરવી જોઈએ. સંવાદ જાણીતો છેતમે ખોટો બચાવ કરો છો. તે પછી મારું તો સાંભળે નહીં ને!”)

Capri-Sun સંસ્થાએ માતાપિતા અને બાળકો વચ્ચેના આ ગંભીર, સર્વવ્યાપી અને ક્રોનિક વિવાદ વિશે માટે આ સર્વે કરાવી હતી.

સંદર્ભઃ https://www.thesun.co.uk/news/6869763/parents-have-2000-rows-with-their-kids-every-year-and-heres-what-we-argue-most-about/

00૦

() સૂરજને આંબવાની હામ

SS 45.3.jpg

ગયા સોમવારે (૧૨મી તારીખે) નાસાએ સૂરજની નજીક ઉપગ્રહ મોકલવા માટેનું રૉકેટ છ્હોડ્યું. આમ તો શનિવારે છોદ્ડવાનું હતું પણ છેલ્લી ઘડીએ એના ઍલાર્મમાં ખામી જણાતાં ઉડ્ડયન મુલતવી રાખવું પડ્યું. માનવ ઇતિહાસમાં આ સૌથી વધારે ગતિવાળું રૉકેટ છે અને આજથી પહેલાં સૂર્ય તરફ મોકલાયેલા બધા ઉપગ્રહોમાં આ પ્રોબ સૌથી નજીક પહોંચશે. એનું નામ ૯૧ વર્ષના ખગોળભૌતિકશાસ્ત્રી હ્યુજિન પાર્કરના નામ પરથી ‘પાર્કર’ રાખવામાં આવ્યું છે. સૂર્ય તરફ ઉપગ્રહ મોકલવાનો વિચાર સૌથી પહેલાં આજથી સાઠ વર્ષ પહેલાં એમણે જ આપ્યો હતો.

પાર્કર સોલર પ્રોબ સૂર્યથી માત્ર ૬૧ લાખ કિલોમીટર દૂર રહેશે. આ પહેલાં ૧૯૭૬માં હેલિઓસ પ્રોબ મોકલવામાં આવ્યું હતું તે ૪ કરોડ ૩૦ લાખ કિલોમીટર જેટલું નજીક પહોંચ્યું હતું. એની આગળ સુરક્ષા કવચ છે જે ૧૩,૦૦ સેલ્શિયસ ગરમી સહન કરી શકશે. એની ગતિ વધીને સેકંડના ૧૯૦ કિલોમીટર સુધી પહોંચશે, જે અત્યાર સુધી માનવસર્જિત કોઈ પણ સાધનની ગતિ કરતાં વધારે છે. આવતાં છ અઠવાડિયાંમાં એ શુક્રને વટાવી જશે અમે બીજાં છ અઠવાડિયાંમાં એ સૂરજની પહેલી પ્રદક્ષિણા કરી લેશે. પ્રોબ સૂરજની ફરતે  સાત રહેશે અને એ એને ફરતા કંકણcorona)નો અભ્યાસ કરશે. અહીં થતી બધી પ્રક્રિયાઓની અસર પૃથ્વી પર પડતી હોય છે. પાર્કર એના વાતાવરણમાં પ્રવેશ કરશે. આમ એ લગભગ સૂરજને અડવા જેવું જ છે એમ વૈજ્ઞાનિકો કહે છે.

સંદર્ભઃ https://www.bbc.co.uk/news/science-environment-45160722

000

() હોમો ઇરેક્ટસ આળસુ હતા!

SS 45.4હોમો સેપિઅન્સથી પહેલાં જે માનવ જેવી પ્રજાતિ હતી તે હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાય છે. પ્રાણી સૃષ્ટિમાં બે પગ પર સીધા ટટ્ટાર ઊભા રહેવાની શરૂઆત હોમો ઇરેક્ટસે કરી. અહીં આપેલી તસવીર હોમો ઇરેક્ટસનું કલ્પના ચિત્ર છે. પીકિંગમાંથી મળેલી ખોપરી પરથી આ ચિત્ર બનાવેલું છે. હોમો ઇરેક્ટસ દસથી વીસ લાખ વર્ષ પહેલાં થઈ ગયા. એની જ એક પેટા પ્રજાતિમાંથી આપણા વડવા હોમો સેપિઅન્સનો  ઉદ્ભવ થયો. દુનિયામાં ઘણાં સ્થળોએ હોમો સેપિઅન્સથી પહેલાંના માનવનાં કંકાલ કે ખોપરી મળ્યાં છે.

ઓસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે હોમો ઇરેક્ટસ નાબૂદ થઈ ગયા તેનાં ઘણાં કારણૉમાં એક તો એ હતું કે એ બહુ મહેનત કરતા નહોતા. જે મળ્યું તેનાથી કામ ચલાવી લેતા. એમનું આ આળસ એમના અંત માટેનું એક કારણ છે. અરબી દ્વીપકલ્પમાં પુરાતત્ત્વીય ખોજ દરમિયાન જોવા મળ્યું કે ક્યાંથી હોમો ઇરેક્ટસના અવશેષો મળ્યા તે ગુફાઓમાંથી એમનાં ઓજારો પણ મળ્યાં. આ ઓજારો એ જ જગ્યાએ મળતા પથ્થરમાંથી બનાવેલાં છે. આમ તો એની નજીકના એક ડૂંગરમાં વધારે સારાં ઓજારો બનાવી શકાય એવા મજબૂત, ધારદાર પથ્થર મળે છે પરંતુ હોમો ઇરેક્ટસે ટેકરી ચડીને સારાં ઓજારો માટેના પથ્થર એકઠા કરવાની તસ્દી નથી લીધી. સંશોધક ટીમના નેતા  ડૉ. શિપ્ટન કહે છે કે એમનામાં ખોજવૃત્તિ હોય એવું જણાતું નથી. બીજી બાજુ હોમો સેપિઅન્સ અને નિએંડરથલનાં ઓજારો જોતાં લાગે છે કે એના માટે સારા પથ્થર મેળવવા માટે એ મહેનત કરતા હોવા જોઈએ. આમ એમણે ટેકનોલોજીનો વિકાસ ન કર્યો, બીજી બાજુથી ભારે દુકાળનો યુગ શરૂ થયો. આમાં એમનું જીવન સારાં ઓજારો વિના કેટલું કપરું થઈ પડ્યું હશે તે સમજી શકાય છે.

સંદર્ભઃ https://anu.prezly.com/laziness-helped-lead-to-extinction-of-homo-erectus#

૦૦૦

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 25

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૫: ક્લાઇવનું મૂલ્યાંકન

ક્લાઇવ વિશે વધારે ચર્ચા કરવા માટે આપણે ૧૧મા પ્રકરણમાં પાછા જઈશું તો સારું થશે. એમાં જણાવ્યા પ્રમાણે લંડનમાં કંપનીના પ્રમુખ જોશિઆ ચાઇલ્ડે ભારતમાં વેપાર માટે ગયેલા એજન્ટોને નવી દિશા આપી. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી હતી.  એણે લખ્યું કે આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશું અને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ.

પરંતુ ક્લાઇવે એનાથી પણ આગળ ગયો. અને ભવિષ્યમાં હિંદુસ્તાનમાં ઇંગ્લૅન્ડની શી ભૂમિકા હોવી જોઈએ તેના તરફ ઇશારો કરી દીધો.  હિંદુસ્તાનના ઘણા રાજવી ઘરાણાઓએ એને માનઅકરામ આપ્યાં હતાં. કર્ણાટકના મહમ્મદ અલીએ એને ‘નવાબ’નો ખિતાબ આપ્યો અને પ્લાસી પછી મીર જાફરે એને જાગીર આપી અને ‘મનસબદાર’ બનાવ્યો. મનસબદારે અમુક સંખ્યામાં ઘોડેસવાર દળ રાખવું જોઈએ અને નવાબને લડાઈમાં મદદ કરવી જોઈએ પણ ક્લાઇવ ઘોડેસવાર દળ રાખ્યા વિના જ મનસબદાર બની ગયો. એને જાગીરમાં રસ હતો. બિહારની ફળદ્રુપ જમીન પર એની નજર હતી. જો કે મીર જાફરે વ્યૂહાત્મક કારણોસર બિહારમાંથી તો જમીનનો ટુકડોયે ન આપ્યો પણ આખો ૨૪-પરગણા જિલ્લો જાગીર તરીકે આપીને ક્લાઇવને પોતાને પણ આશ્ચર્યમાં મૂકી દીધો.

ક્લાઇવે માત્ર કંપની માટે જ નહીં, એના નોકરો અને નોકરોના નોકરોનાયે અંગત વેપારમાં જકાત માફી મેળવી હતી. પરિણામે કંપનીનો વેપાર પ્લાસી પહેલાંની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી બાજુ કંપનીનો લશ્કરી ખર્ચ દસગણો વધી ગયો હતો. ક્લાઇવ બંગાળમાં બે હજારનું કાયમી દળ રાખવા માગતો હતો.

અહીં હિંદુસ્તાનમાં કંપનીની સ્થિતિ બદલતી જતી હતી પણ લંડનમાં ડાયરેક્ટરો હજી વેપારની ભાષામાં જ વાત કરતા હતા, એમને લાગ્યું કે હવે વેપારની ગાડી પાટે ચડી ગઈ છે, નવાબ મીર જાફર પણ પોતાનો જ માણસ છે, તો ત્રણસો સૈનિકોથી વધારે મોટી ફોજ શા માટે રાખવી? એમણે નાનીમોટી ફૅક્ટરીઓની કિલ્લેબંધી કરવાની પણ ના પાડી અને ફોર્ટ વિલિયમની કિલ્લેબંધીને મજબૂત બનાવવાની ક્લાઇવની માગણીથી તો એ લાલપીળા થઈ ગયા. ડાયરેક્ટરોએ ક્લાઇવને લખ્યું કે તમને લશ્કરી વિચારોએ એવા ઝકડી લીધા છે કે  તમે ભૂલી ગયા છો કે તમારા માલિકો વેપારી છે અને એમનો મૂળ હેતુ વેપાર કરવાનો છે. ફોર્ટ વિલિયમ માટે તમે માગણી કરી છે તેમાં તો અમારી અડધી પૂંજી ડૂબી જાય તેમ છે.”

ડાયરેક્ટરો એ જોયું કે બંગાળમાં વેપાર ઘણો વધે તેમ છે પણ નફો ખાસ નથી થતો. એમણે આક્ષેપ કર્યો કે આનું કારણ એ કે કંપનીના નોકરો વિલાસી જીવન જીવે છે. કલકતાની કંપનીએ સિરાજુદ્દૌલાના તિજોરીમાંથી કેટલો માલ મળ્યો તેની વિગતો ચોક્સાઈથી નહોતી આપી. ડાયરેક્ટરોને એ પણ પસંદ ન આવ્યું. ક્લકત્તાની પ્રેસીડેન્સીના રિપોર્ટોમાં જોવા મળેલી અનેક ખામીઓ પણ એમણે દેખાડી. મુખ્ય કચેરી પર બિલોનો ભાર વધતો જતો હતો. આ રીતે કંપનીના નોકરો અંગત નફાથી પોતાનાં ઘર ભરતા હતા તે ડાયરેક્ટરોને સમજાઈ ગયું હતું. ડાયરેક્ટરો એ કહ્યું કે બંગાળમાં કંપનીનો વહીવટ બહુ જ નબળો છે.

ક્લાઇવનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે એ જ ઘમંડમાં એણે લંડનમાં બેઠેલા કંપનીના ડાયરેક્ટરોના પત્રનો જવાબ ક્લાઇવે એની વિદાયથી માત્ર બે-અઢી મહિના પહેલાં આપ્યો છે. ૧૭૫૯ના ડિસેમ્બરમાં એણે ડાયરેક્ટરોને લખ્યું કે એમના પત્રની ભાષા એમને અથવા હિંદુસ્તાનમાં કામ કરતા એના કંપનીના નોકરોને શોભા આપે તેવી નથી. એણે આક્ષેપ કર્યો કે ડાયરેક્ટરો કાચા કાનના છે અને જે સાંભળવા મળે છે તે માની લે છે.  આવો ભડાકો અંતે ક્લાઇવને જ ભારે પડ્યો.

આપણે ૨૪મા પ્રકરણમાં જોયું તેમ ક્લાઇવ કંપનીનો નાનો નોકર જ રહ્યો હતો. ક્લકત્તાની પ્રેસીડેન્સીએ એને ગવર્નર બનાવવાનો નિર્ણય લીધો અને ડાયરેક્ટરોએ એને મંજૂરી આપી તે વાત જુદી છે પણ ક્લાઇવ કંપનીના ડાયરેક્ટરોની ઉપર નહોતો એટલે એમણે વહેલી તકે આવા ઉદ્દંડ નોકરને પાછો બોલાવી લીધો.

તે પહેલાં એણે એ વખતના બ્રિટનના પ્રખ્યાત રાજકારણી વિલિયમ પિટ્ટ (Wlliam Pitt, the Elder)ને પત્ર લખ્યો. પિટ્ટ ખરા અર્થમાં સામ્રાજ્યવાદી હતો. ફ્રાન્સ સામેની લડાઈમાં એ દૃઢતાથી માનતો હતો કે બ્રિટને અમેરિકા અને હિંદુસ્તાનની પોતાની વસાહતો પર આધાર રાખવો જોઈએ. એ ક્લાઇવને બહુ પસંદ કરતો હતો અને એને ‘Heaven-born General’ તરીકે ઓળખાવ્યો હતો.

 ક્લાઇવે લખ્યું કે  હિંદુસ્તાનમાં બ્રિટનનું ભવિષ્ય બહુ ઊજળું છે. માત્ર કંપની વધારે ખંતથી કામ કરે તો એ સિદ્ધ થઈ શકે છે. કંપનીએ બંગાળમાં નવાબને હટાવીને સાર્વભૌમત્વ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ. એણે પોતાની પ્રશંસા કરતાં કહ્યું કે મોગલ બાદશાહે એને દીવાની આપવાની તૈયારી દેખાડી હતી, જે પ્રાંતમાં નવાબ પછીનું બીજા નંબરનું પદ છે. આનાથી બંગાળની લગભગ વીસ લાખ પૌંડની મહેસૂલી આવક એના વહીવટમાં આવી ગઈ હોત પણ એણે તાત્કાલિક તો એ લેવાની ના પાડી કારણ કે કંપની એના માટે જરૂરી ફોજ આપવા તૈયાર થાય એમ નથી. અને આખો દેશ મંજૂર ન કરે તો કંપનીના ડાયરેક્ટરો આ સાર્વભૌમત્વ પોતાના બળે સંભાળી ન શકે. એણે પિટ્ટને ઇશારો આપ્યો કે આવું થઈ શકે એવો કંઈક રસ્તો કાઢવો જોઈએ કે જેથી સરકાર બધું પોતાના હાથમાં લઈ લે. (ક્લાઇવે પોતાના પિતાને લખેલા પત્રમાં હિંદુસ્તાનના રાજા બનવાની મહેચ્છા દેખાડી હતી!).

આમ બ્રિટિશ  સરકાર કંપનીની જગ્યાએ વહીવટ સંભાળી લે એવું સૂચવનારો એ પહેલો હતો. ૯૯ વર્ષ પછી ૧૮૫૮માં બ્રિટનની રાણીએ એની સલાહ અમલમાં મૂકી અને કંપનીની જગ્યાએ હિંદુસ્તાનને સીધું પોતાના શાસન નીચે મૂક્યું.

૦-૦-૦

સંદર્ભઃ ૧. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991. (ઇંટરનેટ પર ઉપલબ્ધ

૨. https://academic.eb.com/levels/collegiate/article/William-Pitt-the-Elder/60225)

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 24

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૪: મીર જાફરનો અંત

પ્લાસી પછી ઈસ્ટ ઇંડિયા કંપની કર્ણાટકમાં લડાઈમાં પડી હતી. અહીં એમનો મુકાબલો ફ્રેન્ચ સામે હતો. કર્ણાટકમાં અંગ્રેજોને બહુ મોટી સફળતા ન મળી, માત્ર બે ફ્રેન્ચ જહાજ નાશ પામ્યાં હતાં. ક્લાઇવને લાગ્યું કે બંગાળ સુધી આ સમાચાર પહોંચશે તો મીર જાફર જોરમાં આવી જશે, એટલે એણે એ સમાચાર દબાવી દીધા.

તિજોરીનો વહીવટ રાય દુર્લભના હાથમાં હોવાથી મીર જાફરને એની ગરજ હતી. ક્લાઇવે જેમ રામનારાયણને બચાવ્યો તેમ રાય દુર્લભને પણ બચાવતો હતો. મીર જાફરે આ બળાપો પોતાના પુત્ર અને નાયબ નવાબ મીરાન સમક્ષ કાઢ્યો. રાય દુર્લભનો ભાઈ કુંજબિહારી પણ દીવાનની કચેરીમાં નાયબ દીવાન તરીકે કામ કરતો હતો. તેની સામે મીરાને ક્લાઇવ અને રાય દુર્લભ વિશે બોલી નાખ્યું. કુંજબિહારી સાવચેત થઈ ગયો. એણે આમ પણ મીર જાફરના કેટલાક સરદારો સાથે વાત કરી લીધી હતી.

ક્લાઇવ અને રાય દુર્લભ, બન્ને સાથે મુર્શીદાબાદ આવે છે એવા ખબર મળ્યા ત્યારે મીર જાફર તો બિહારમાં હતો, પણ મીરાન ડરી ગયો અને લોકોમાં ભય ફેલાઈ ગયો. બજારો પણ બંધ થઈ ગયાં હતાં. ક્લાઇવને ખબર પડી કે મીરાને માત્ર રાય દુર્લભ પર નહીં, એના પોતાના પર પણ શંકા જાહેર કરી હતી, ત્યારે એ ગુસ્સે થયો અને નવાબ મીર જાફરને પત્ર લખીને પોતે બંગાળ છોડી જશે એવી ધમકી આપી. નવાબ જાણતો હતો કે અંગ્રેજો એને ગમે તેટલા અળખામણા લાગતા હોય પરંતુ એની ગાદી એમના થકી જ હતી. ક્લાઇવના પત્રનો જવાબ આપતાં એણે ગોળગોળ વાતો કરીને આખો મામલો શાંત કરી દીધો.

પરંતુ કર્ણાટકની સ્થિતિના સમાચાર બંગાળ સુધી પહોંચ્યા વિના તો ન જ રહે. મીર જાફર માટે આ સારા સમાચાર હતા. એના હાથ તો રાય દુર્લભનું કાસળ કાઢી નાખવા સળવળતા હતા પણ એના સૈનિકોને પગાર નહોતો મળ્યો એટલે ક્યાંક બળવો થઈ જાય એ બીકે એ જોખમ લેવા તૈયાર નહોતો.

મીર જાફર રાય દુર્લભની બાબતમાં કંઈ કરી નહોતો શકતો પણ એ સિવાયના મુદ્દાઓ પર ઈસ્ટ ઇંડિયા કંપની વિરુદ્ધ એનું વલણ સખત હતું. કંપની એની સાથે થયેલા કરારમાંથી મુક્ત ન કરે, અને જો ફ્રેન્ચો બંગાળ આવે તો એ એમને અંગ્રેજો વિરુદ્ધ મદદ આપવા પણ તૈયાર હતો. ખરેખર જ એણે ચિન્સુરામાં ડચ કંપની સાથે મસલતો પણ શરૂ કરી હતી. ડચ અંગ્રેજોને હટાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપવા તૈયાર હતા. પરંતુ ૧૭૫૯માં ક્લાઇવે એમને પરાજિત કર્યા અને સંધિ કરવા માટે ફરજ પાડી.

ક્લાઇવ બંગાળનો ગવર્નર

પ્લાસીના યુદ્ધ પછી આખું બંગાળ ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં આવી ગયું હતું. નવાબ મીર જાફર ક્લાઇવની આંગળીના ઇશારે નાચતો હતો પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીના માળખામાં ક્લાઇવ હજી અને મદ્રાસના ગવર્નર અને કાઉંસિલને અધીન નાનો નોકર જ હતો હતો. પ્લાસીના વિજય પછી બરાબર એક વર્ષે કલકત્તાની કાઉંસિલે એક ઠરાવ પસાર કરીને ક્લાઇવને બંગાળનો ગવર્નર બનાવ્યો. આ નિર્ણયને એ વર્ષના અંતમાં લંડનની મુખ્ય ઑફિસે મંજૂરી આપી.

મીર જાફરના અંતની શરૂઆત

ક્લાઇવને બંગાળના ગવર્નર તરીકે બહુ લાંબો સમય ન મળ્યો. કંપનીએ એને લંડન બોલાવી લીધો અને ૧૭૬૦ની ૨૫મી ફેબ્રુઆરીએ એ વિદાય થયો. તે પછી મીર જાફરના પુત્ર મીરાનનું અવસાન થઈ ગયું. મીર જાફરનો વારસદાર કોણ, તે સવાલ આવ્યો. ક્લાઇવની જગ્યાએ હૉલવેલે વચગાળાના ગવર્નર તરીકે જવાબદારી સંભાળી હતી. એણે તો વહીવટીતંત્રનો કાબજો સંભાળી લેવાનો આગ્રહ રાખ્યો પણ કાઉંસિલના બીજા સભ્યોને આ પગલું બહુ આકરું લાગ્યું એટલે અંતે  મીર જાફરના જમાઈ મીર કાસિમને નાયબ સૂબેદાર બનાવવાનો નિર્ણય લેવાયો. તે પછી કંપનીનો કાયમી ગવર્નર હેનરી વૅન્સીટાર્ટ પણ આ નિર્ણય સાથે સંમત થયો. મીર કાસિમ સાથે કંપનીએ ગુપ્ત વાટાઘાટો શરૂ કરી, તેમાં એણે કંપનીની બધી ચડત રકમ ચૂકવી દેવાનું વચન આપ્યું, એટલું જ નહીં, બર્દવાન (વર્ધમાન), મિદનાપુર અને ચિતાગોંગ, આ ત્રણ જિલ્લા પણ અંગ્રેજોને સોંપી દેવા સંમત થયો. બદલામાં કંપનીએ એને નાયબ સૂબેદાર બનાવવા અને પછી ગાદી એને જ અપાવવાનું વચન આપ્યું.

વેન્સીટાર્ટ અને આર્મી કમાંડર કેયલોડ આ દરખાસ્ત સાથે મુર્શીદાબાદ જઈને મીર જાફરને મળ્યા, પણ એ મીર કાસિમને નાયબ સુબેદાર બનાવવા તૈયાર ન થયો. પાંચ દિવસ વાતચીત ચાલી પણ કંઈ પરિણામ ન નીકળતાં વૅન્સીટાર્ટે કેયલોડને મીર જાફરના મહેલનો કબજો લઈ લેવાનો હુકમ આપ્યો. પરંતુ મીર જાફરે એમની વાત માનવાને બદલે ગાદી છોડવાનું પસંદ કર્યું. વૅન્સીટાર્ટે મીર કાસિમને નવો નવાબ જાહેર કરી દીધો.

વૅન્સીટાર્ટ અને ક્લાઇવની નીતિઓમાં  આભજમીનનો ફેર હતો.  ક્લાઇવ નવાબને શંકાની નજરે જોતો અને એણે રામનારાયણને બચાવી લીધો હતો પણ વૅન્સીટાર્ટ મીર કાસિમને જોરદાર ટેકો આપતો રહ્યો. એણે રામનારાયણને મીર કાસિમના હાથમાં મૂકી દીધો. એણે પહેલાં તો રામનારાયણની બધી સંપત્તિ લૂંટી લીધી અને પછી એને મોતને ઘાટે ઉતારી દીધો.

બક્સરની લડાઈ

મીર કાસિમમાં હવે આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. અંગ્રેજો દેશની અંદર જ વેપાર કરતા હતા તેનો ઉકેલ આણવાનું એણે નક્કી કર્યું. કંપનીએ આનો જોરદાર વિરોધ કર્યો.  મીર કાસિમ મૂંગેરમાં રહેતો હતો. વૅન્સીટાર્ટ ત્યાં જઈને એને મળ્યો અને બન્ને વચ્ચે સમજૂતી થઈ ગઈ પણ કલકત્તાની કાઉંસિલે એ સમજૂતી ફગાવી દીધી. પટનાની ફૅક્ટરીના પ્રમુખે તો યુદ્ધ જ છેડી દીધું. મીર કાસિમે એનો અને એની સેનાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. હવે અંગ્રેજો અને મીર કાસિમ ખુલ્લંખુલ્લા સામસામે આવી ગયા. મીર કાસિમે મોગલ બાદશાહ શાહ આલમ બીજા અને અવધના શૂજાઉદ્દૌલાને સાથે લીધા. ૧૭૬૩ની ૧૦મી જૂને બક્સર પાસે મેજર હેક્ટર મનરોની અંગ્રેજ ફોજ સાથે લડાઈ થઈ અને એમાં ત્રણેયના સંયુક્ત લશ્કરનો સજ્જડ પરાજય થયો. શાહ આલમે અંગ્રેજો સાથે સંધિ કરી લીધી અને મીર કાસિમ ભાગી છૂટ્યો. ૧૭૭૭માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ ગુમનામીમાં ભટકતો રહ્યો.

હવે બંગાળમાં અંગ્રેજોનું એકચક્રી રાજ હતું.

સંદર્ભઃ

  1. A History of the Military Transactions of the British Nation in Indostan from the year MDCCXLV  vol II  –  Robert Orme (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  2. An Advanced History of India,  C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

Science Samachar (44)

Science Samachar 44

() આપણું મેઘાલય, આપણોમેઘાલયન યુગ

૧૧,૭૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલા આધુનિક ભૂસ્તરશાસ્ત્રીય યુગ હૉલોસીનના બે ભાગ મનાતા હતા પણ હવે આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમે એનો ત્રીજો આખા હૉલોસીન યુગને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યો છે અને એને આપણા મેઘાલય રાજ્યનું નામ આપ્યું છે. આમ આપણે હૉલોસીન યુગના ‘ઉપભાગ મેઘાલયન યુગમાં જીવીએ છીએ. આ કાલખંડો ભૂસ્તરીય રચનાઓને આધારે બનાવાયા છે. હૉલોસીન યુગની શરૂઆત ૧૧,૭૦૦ વર્ષ પહેલાં ગ્રીનલૅંડથી થઈ અને એનો બીજો ભાગ ૮,૩૦૦ વર્ષ પહેલાં દેખાયો એને નૉર્થગ્રિપિયન યુગ નામ અપાયું. હવે હૉલોસીનનો ત્રીજો તબક્કો જોવા મળ્યો છે, જે ૪૨૦૦ વર્ષ પહેલાં શરૂ થયો, અને એને મેઘાલયન યુગ નામ આપવામાં આવ્યું છે.

મેઘાલયની માઓમ્લૂ ટેકરીની એક ગુફામાંથી સ્ટેલાગ્માઇટના સ્તંભ મળ્યા તે ૪૨૦૦ વર્ષ જૂના છે. આ પહેલાંના ગ્રૅનલૅંડિયન અને નૉર્થગ્રિપિયન ભાગો બરફના થરોની તપાસ કરીને નક્કી થયા હતા પણ આ ત્રીજો ભાગ સ્ટેલાગ્માઇટ પરથી નક્કી થયો છે

SS 44.1

ગુફામાં છતમાંથી પાણી ટપકતું હોય તે નીચે ચૂનાના થર પર પડતાં આખો સ્તંભ બની જાય છે.

અમેરિકાની લોંગ બીચ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટેંલી ફિની કહે છે કે હિમયુગના અંત પછી છેક મેઘાલયન યુગ આવ્યો ત્યારે માનવસભ્યતાનો વિકાસ થઈ ગયો હતો અને પૃથ્વીના સાતે સાત ખંડોમાં આ સમયે ખેતી શરૂ થઈ. ઇંટરનૅશનલ યુનિયન ઑફ જિઓલૉજિકલ સાયંસિઝ (IUGS)એ નવા નામાભિધાનને માન્યતા આપી છે.

સંદર્ભઃ

૧. https://scroll.in/latest/887119/meghalayan-age-latest-phase-in-earths-history-named-after-indian-state-began-4200-years-ago

૨. https://www.financialexpress.com/lifestyle/science/what-is-meghalayan-age-new-phase-in-earths-history-named-after-the-indian-state/1250683/

 00

() પુત્રની આશામાં પેદા થાય છે વિકૃત સંતાન

આપણા દેશમાં એલોપથીની દવાઓના નિયંત્રણની વ્યવસ્થા તો છે, પણ દેશી આયુર્વૈદિક દવાઓ માટે એવી કોઈ વ્યવસ્થા નથી. બીજી વાત એ કે એ નિર્દોષ છે અને એની સાઇડ ઈફેક્ટ નથી થતી એવી માન્યતા છે. અમુક અંશે એમાં શ્રદ્ધા પણ ભાગ ભજવે છે. પરંતુ આનો લાભ કઈને ઠગારા વૈદ્યો પરિવારોને ભોળવે છે અને એમને પુત્ર થાય તે માટે દવાઓ આપે છે. . સ્ત્રી-પુરુષના ગુણોત્તરમાં હરિયાણા સૌથી પાછળ છે. દેશની સરેરાશ દર એક હજાર પુરુષ સામે ૮૯૮ સ્ત્રીઓની છે પણ હરિયાણામાં દર એક હજાર પુરુષ સામે માત્ર ૮૩૨ સ્ત્રીઓ છે.

પરંતુ ‘ઇંડિયા બાયો સાયન્સ’ નામની સંસ્થાએ હરિયાણામાં કરાયેલા એક અભ્યાસનાં પરિણામ હાલમાં જાહેર કર્યાં છે તે ચોંકાવનારાં છેસુતપા બંદ્યોપાધ્યાય નિયોગી, ઇંડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ અને હેલ્થ ફાઉંડેશન ઑફ ઇંડિયાએ ખોડખાંપણવાળાં બાળકો કેમ મોટી સંખ્યામાં પેદાથાય છે તેનો કેટલાંય વર્ષો સુધી સતત અભ્યાસ કરીને જણાવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓને અપાતી આયુર્વૈદિક દવાઓ એના માટે જવાબદાર છે. ત્રણ ઔષધિઓમાં શિવલિંગી(Bryonia laciniosa), માજૂફળ (Qtuercus infectoria) અને નાગકેસર(Mesua ferrea)  વપરાય છે. આ ઔષધિઓમાં અમેરિકન ફૂડ એંડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને શરીર માટે સહ્ય એટલી ધાતુ વિશે નક્કી કરેલા ધોરણ કરતાં સીસું દસગણું અને પારો ચારગણો હોવાનું જણાયું. આટલી ભારે માત્રામાં શરીરમાં ગયેલી ધાતુ ઑરનું કવચ ભેદીને ગર્ભને નુકસાન કરે છે. શિવલિંગી ‘પુત્રજીવક’ના નામે મળે છે.

સંદર્ભઃhttps://indiabioscience.org/news/2018/discrimination-through-drugs-the-dark-side-of-indias-indigenous-preparations

00૦

() ‘બ્રેન ગેમ્સથી મગજ સતેજ નથી બનતું.

વીડિયો ગેમ્સવાળા પ્રચાર કરતા હોય છે કે બ્રેન ગેમ્સથી બાળકનું મગજ તીક્ષ્ણ બને છે અને એમનો IQ છે, પણ કૅનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના ન્યૂરોસાયંટિસ્ટોએ એક પ્રયોગ કરીને દેખાડ્યું છે કે આ વાત સાચી નથી. તમે કોઈને એક ગેમની ટ્રેનિંગ આપો અને ધારી લો કે એનો IQ સુધરવાથી બીજી કોઈ ગેમમાં પણ સારું કરશે, તો એ ધારણા ખોટી પડશે.

Neuropsychologiaમાં આ રિપોર્ટ પ્રકાશિત થયો છે. એમણે અમુક લોકોને એક ગેમની તાલીમ આપી અને પછી બીજી ગેમ રમવા માટે આપી. એમની સાથે રમનારાને કોઈ જાતની તાલીમ નહોતી મળી, આમ છતાં બન્નેના સ્કોર સરખા રહ્યા. ૨૦૧૦થી આ પ્રયોગ ચાલતો હતો, એમાં ૧૧,૦૦૦ લોકોને કોઈ એક ગેમની તાલીમ અપાઈ હતી પરંતુ નિષ્કર્ર્ષ એ નીકળ્યો કે આવી તાલીમ એક જ ગેમમાં પાવરધા બનાવે છે.

અભ્યાસલેખના એક લેખક કહે છે કે યાદશક્તિ સુધારવાના બીજા રસ્તા છે – બરાબર ઊંઘ લો, નિયમિત વ્યાયામ કરો, બરાબર ભોજન કરો અને ભણો. તમે જો તમારી સમજશક્તિ વધારવા માગતા હો તો બહાર ફરવા જાઓ, દોડો અને મિત્રો સાથે હળોમળો.

સંદર્ભઃ https://mediarelations.uwo.ca/2018/07/30/brain-game-doesnt-offer-brain-gain/

 00૦

() પ્રાણીઓ સ્નાયુઓનો ઉપયોગ કરીને પાણી બચાવે છે.

રણનું વહાણ (અને વાહન) ઊંટ દિવસો સુધી પાણી વિના જીવી શકે છે. આપણી માન્યતા એવી છે કે એ શરીરમાં પાણી ભરી લે છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ વિચાર કર્યો કે પ્રાણીઓના પ્રજનનમાં ચરબીના ઉપયોગ વિશે તો સમ્શોધનો થયાં છે, પણ પ્રજોત્પત્તિમાં પાણીની પણ જરૂર પડે છેં. નવા જન્મેલા બાળપ્રાણી કે ઈંડાના બંધારણમાં ૭૦ ટકા પાણી હોય છે તે ક્યાંથી આવે છે? હાલમાં થયેલાં સંશોધનો પરથી સમજાયું કે જળશોષ (ડીહાઇડ્રેશન) થાય ત્યારે સ્નાયુઓના મોટા અણુ તૂટવા લાગે છે અને પાણીનું સંતુલન જાળવી રાખે છે. આના પરથી એરિઝોનાની સંશોધક ટીમે પ્રજનન કરે તેવી અને ન કરે તેવી અજગર માદાઓને પાણી ન મળવાથી અણુ તૂટવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. એમણે જોયું કે પ્રજનનક્ષમ માદાઓને ત્રણ અઠવાડિયાં સુધી પાણી ન આપવાથી એ વધારે દૂબળી થઈ ગઈ. આના પરથી જાણી શકાયું કે એમણે પ્રોટીન તૂટવાની પ્રક્રિયાનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે કર્યો.

પર્યાવરણ બદલાવા લાગ્યું છે એટલે પ્રાણીઓને પાણીના સ્રોતો ઓછા મળતા જશે. આ સમ્યોગ્ગોમાં પ્રાણીઓ પોતાના જ સ્નાયુઓમાંથી પાણી મેળવી શકે છે. Biological Sciencesના૨૭ જૂનના અંકમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગર્ભાવસ્થામાં પ્રાણીઓને નિયમિત રીતે પાણીની જરૂર પડે છે પણ પાણી ન મળે તો સ્નાયુઓમાં સંઘરાયેલું પાણી મોટા ભાગે કામ આવતું હશે.

સંદર્ભઃ

૧. http://rspb.royalsocietypublishing.org/content/285/1881/20180752

૨. https://www.sciencedaily.com/releases/2018/07/180726172533.htm

૦૦૦

India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 23

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૧: ગુલામી
પ્રકરણ ૨૩મીર જાફર અને ક્લાઇવની સંતાકૂકડી

પ્લાસીમાં સિરાજુદ્દૌલાની હાર સાથે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ભારતને ભરડો લેવાનું શરૂ કર્યું હતું પણ હજી એના અશ્વમેધના ઘોડાને રોકનારા બાકી રહ્યા હતા અને એમને નિર્મૂળ કરવાનું બાકી હતું આ કામ લગભગ એક દાયકો ચાલ્યું. ઈસ્ટ ઇંડિયા કંપની માટે આ મોટો પડકાર હતો. એમનું લક્ષ્ય પાર ન પડે ત્યાં સુધી મીર જાફરને ટકાવી રાખવાનું જરૂરી હતું.

મીર જાફરન મુર્શીદાબાદમાં નવાબ તરીકે બંગાળ ઉપરાંત બિહાર અને ઓડીશાનો મુખ્ય સુબેદાર અથવા નવાબ પણ બની ગયો હતો. એણે સિરાજુદ્દૌલાનો ખજાનો હાથમાં આવશે એવી આશામાં, જો પોતે નવાબ બને તો અમુક રકમ કંપનીને આપવાનો વાયદો કર્યો હતો પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ સિરાજુદ્દૌલાનો ખજાનો તો જહાજોમાં લંડન મોકલાવી દીધો હતો. કંપનીની ધારણા હતી કે સિરાજુદ્દૌલાના પરાજય પછી બહુ મોટો દલ્લો હાથ લાગવાનો છે. જો કે રાય દુર્લભ એમને સતત કહેતો રહ્યો હતો કે ખજાનામાં બહુ ધન નહોતું. આ બાજુ કંપનીએ ખજાનો તો જહાજમાં લંડન મોકલી દીધો હતો. આમ મીર જાફર પાસે કંઈ હતું જ નહીં.

કરારની શરતોમાં છૂટછાટ મેળવવા માટે મીર જાફરે અંગ્રેજ અફસરો સાથેના પોતાના સંબંધોનો લાભ લેવાની કોશિશો કરી અને ક્લાઇવને મોંઘી ભેટો મોકલી. પણ ક્લાઇવે તો આવી કોઈ ભેટ માગી નહોતી એટલે એણે કંપની અને મીર જાફર વચ્ચે થયેલા કરારની શરતોનું જ પાલન થાય એવો સતત આગ્રહ રાખ્યો. જાફર પોતાના માનીતા માણસોને ખુશ કરવા માટે લશ્કરમાં પણ ઊંચા હોદ્દા આપવા માગતો હતો પણ ક્લાઇવે  છૂટ ન આપી અને કહ્યું કે આવા કોઈ પણ ફેરફારથી જાહેર શાંતિ જોખમાશે.

જાફર હવે અંગ્રેજોથી છૂટવાનું વિચારવા લાગ્યો હતો. પરંતુ સિરાજુદ્દૌલા સાથે પોતે કરેલી દગાબાજી એને યાદ હતી એટલે એને થયું કે અંગ્રેજો નવા સાથીઓ શોધી લેશે. એનું ધ્યાન ગયું કે હિંદુઓનો કદાચ ક્લાઇવ ઉપયોગ કરશે એટલે એણે પહેલાં તો હિંદુ જાગીરદારોનો નિકાલ આણવાનો વિચાર કર્યો. સૌથી પહેલાં તો એણે રાજ્યના દીવાન રાય દુર્લભને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું કારણ કે બધાં બિલો રાય દુર્લભની મંજૂરી વિના ચુકવાતાં નહોતાં. પણ ક્લાઇવ મુર્શીદાબાદમાં જ હતો ત્યાં સુધી એને આવું કંઈ કરતાં ડર લાગ્યો. એ અને એનો પુત્ર ક્લાઇવ સાથે સામાન્ય મિત્ર જેવો જ વ્યવહાર જ કરતા રહ્યા.

૧૪મી સપ્ટેમ્બરે ક્લાઇવે બોલાવેલી પલટન બંગાળ આવી પહોંચી. એમને કાસિમબજારમાં ગોઠવીને નવાબ સાથેના વ્યવહાર એણે લશ્કરી ટુકડીના સરદારોને સોંપી દીધા અને પોતે મુર્શીદાબાદથી કલક્ત્તા ચાલ્યો ગયો.

હિંદુ જાગીરદારોમાંથી બિહારનો રામનારાયણ હજી સંપૂર્ણપણે એના કાબુમાં નહોતો. એટલું જ નહીં, એ વિદ્રોહ કરવાની વેતરણમાં હતો, એવા સમાચાર પણ મળતા હતા.

અલીવર્દી ખાને કેટલાક હિંદુઓને મોટા હોદ્દા આપ્યા હતા તેમાં રામનારાયણ પણ હતો. સિરાજુદ્દૌલા અને રામનારાયણ વચ્ચે એક સમાનતા હતી. સિરાજુદ્દૌલાને મીર જાફર પસંદ નહોતો, બીજી બાજુ રામનારાયણના દરબારમાં મીર જાફરનો ભાઈ અને સાળો હતા. આ બન્ને રામનારાયણને આંખના કણાની જેમ ખૂંચતા હતા. આ કારણે સિરાજુદ્દૌલાના કેટલાયે અવગુણો છતાં રામનારાયણ સિરાજુદ્દૌલા સાથે હતો. અંગ્રેજોએ સંઘ(કૉન્ફેડરસી) બનાવવાનું કામ રાય દુર્લભને સોંપ્યું હતું પણ એને રામનારાયણના વાંધાની ખબર હતી એટલે એ રામનારાયણ પર બહુ દબાણ નહોતો કરતો.

અંતે કંપનીએ રામનારાયણ સાથે વાત કરવાનું કામ પોતાના માથે લીધું અને રામનારાયણ પર ભારે દબાણ કર્યું. રામનારાયણે કહ્યું કે એની બધી સત્તા અને સંપત્તિ મુર્શીદાબાદની મહેરબાનીને કારણે હતી અને હવે સિરાજુદ્દૌલા પણ નથી એટલે એને મીર જાફર પ્રત્યે વફાદારીના સોગંદ લેવામાં જરાય વાંધો નથી. એણે પોતાની સ્વતંત્રતા અને જીવ બચાવવાની શરતે દરબાર બોલાવીને મીર જાફર પ્રત્યે વફાદારી જાહેર કરી. એણે કંપનીના મેજર કૂટને પણ દરબારમાં આમંત્રણ આપ્યું, પણ કૂટ એવું દેખાડવા માગતો હતો કે રામનારાયણ કંપનીના દબાણ વિના જ મીર જાફર પ્રત્યે વફાદારી જાહેર કરે છે, એટલે એણે દરબારમાં હાજર રહેવાની ના પાડી. તેમ છતાં, રામનારાયણે ખુલ્લા દરબારમાં વફાદારી જાહેર કરી કારણ કે એને ક્લાઇવ અને કૂટની તાકાતની ખબર તો હતી જ. મીર જાફરના ભાઈ અને સાળાને એને ખાતરી આપી કે એમને મરાવી નાખવાનું કોઈ કાવતરું એણે ઘડ્યું નથી. એ બન્નેએ પણ રામનારાયણને મિત્રતાના કૉલ આપ્યા. રામનારાયણ એમ ધારતો હતો કે આટલું થયા પછી મીર જાફર જો એની વિરુદ્ધ કંઈ કરશે તો કંપની વચ્ચે પડશે.

હવે મીર જાફરે રામનારાયણ પર હુમલાની તૈયારી કરી પણ ક્લાઇવની મદદ વિના જીતવાનું શક્ય નહોતું. ક્લાઇવે જ્યાં સુધી મીર જાફર કરાર પ્રમાણે ૨૩ લાખ રૂપિયા ન ચૂકવે ત્યાં સુધી મદદ કરવાની ના પાડી. આમાં મીર જાફરનું કામ રાય દુર્લભ વિના ચાલે તેમ નહોતું. ક્લાઇવે બન્નેને બોલાવ્યા, સમાધાન કરાવ્યું અને રાય દુર્લભે અડધી રક્મ તરત અપાવી દીધી. તે પછી બીજા હપ્તાની રકમના બદલામાં નવાબે રાય દુર્લભને હુકમ આપીને દક્ષિણ કલકત્તાની જમીન કંપનીને જમીનદારીના હક સાથે લખી આપી. હવે રામનારાયણ પર ચડાઈ કરવાની હતી. પરંતુ ક્લાઇવે  સૂચવ્યું કે રામનારાયણને અડધે રસ્તે બોલાવવો અને એની સાથે પટના જવું. ત્યાં મીર જાફર એને રાજાનું પદ આપે. એવું જ થયું. રામનારાયણ આવ્યો અને નવાબને લઈને સાથે પટના ગયો. ત્યાં મીર જાફરે એને પોતાના નાયબ તરીકે નીમ્યો પણ તે સાથે પોતાના પુત્રને પણ એ જ પદ આપીને એને એક રીતે નીચી પાયરીએ મૂકી દીધો. એનો ઇરાદો હતો કે ક્લાઇવ પોતાની ફોજ લઈને પાછો જાય તે પછી રામનારાયણનો હિસાબ કરી નાખવો. ક્લાઇવને રાહ જોવડાવવા માટે એ બિહારમાં એક દરગાહ તરફ રવાના થઈ ગયો અને ક્લાઇવ પાછો જાય તેની રાહ જોવા લાગ્યો. અંતે ક્લાઇવ જ રામનારાયણ સાથે એની પાસે પહોંચ્યો. હવે મીર જાફરને રામનારાયણ સાથે સમાધાન કરવું જ પડ્યું. ક્લાઇવને મીર જાફર વિરુદ્ધ રામનારાયણની જરૂર હતી એટલે એણે એને બચાવી લીધો.

સંદર્ભઃ A History of the Military Transactions of the British Nation in Indostan from the year  MDCCXLV  vol II  –  Robert Orme (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

 

%d bloggers like this: