india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-36

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૩૬ :: બારડોલી સત્યાગ્રહ (૧)

૧૯૨૧માં બારડોલીનું નામ પણ ગાજતું થયું હતું પણ ચૌરીચૌરા પછી ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખી દેતાં બારડોલી શાંત રહ્યું. સ્વરાજીઓની ઍસેમ્બ્લીમાં જઈને સરકારને હંફાવવાની નીતિ નિષ્ફળ રહ્યા પછી ફરી કોંગ્રેસમાં પ્રજાકીય આંદોલનોમાં માનનારો વર્ગ જોરમાં આવી ગયો હતો પણ કરવાનું કંઈ હતું નહીં. ૧૯૨૮માં કોંગ્રેસ અસમંજસમાં હતી ત્યારે ગાંધીજીએ બારડોલીનું પત્તું ખેલીને દેશમાં ફરી સનસનાટી ફેલાવી દીધી.

સૂરતના બારડોલી તાલુકામાં એ વખતે ૮૭,૦૦૦ની વસ્તીમાં અનાવિલ બ્રાહ્મણો અને વાણિયાઓનું વર્ચસ્વ હતું. એ ખેતી પણ કરતા. બાકી કાળીપરજ (આદિવાસીઓ)ની પણ એટલી જ વસ્તી હતી. આમાં ૧0-૧૨ હજાર રાનીપરજ હતા બાકી ત્રીસેક હજાર ‘દૂબળા’ હતા, જે વેઠમજૂરો હતા અને આખી જિંદગી માટે કોઈ એક માલિક સાથે બંધાયેલા હતા.

મુંબઈ પ્રાંતમાં કાયમી જમાબંધી લાગુ નહોતી થઈ એટલે રૈયતવારી પદ્ધતિ લાગુ થતી હતી. એમાં જમીન મહેસૂલ દર ત્રીસ વર્ષે નવેસરથી નક્કી કરાતું. ૧૯૨૬માં નવા મહેસૂલી દરો નક્કી થવાના હતા. આકારણી અધિકારીએ મહેસૂલ સવાયું કરી દીધું એટલું જ નહીં પણ ૨૩ ગામોને ઉંચી આવકના વર્ગમાં મૂકીને નવા દર લાગુ કર્યા. એમનું મહેસૂલ તો દોઢગણું થઈ ગયું. આકારણી અધિકારીએ એનાં કારણો આપ્યાં કે ટાપ્ટી વેલી ટ્રેન શરૂ થઈ છે; વસ્તી વધી છેઃ ખેતીમાં વેતન બમણું થઈ ગયું છે; ૧૮૯૬માં ખેતપેદાશોનું જે મૂલ્ય હતું તે ૧૯૨૪માં રુ. ૧૫, ૦૦,૦૦૦ જેટલું વધ્યું છે.

જુલાઈ ૧૯૨૭માં સરકારે આ દર સ્વીકાર્યા અને જાહેરનામું બહાર પાડ્યું. ખેતી કરનારાઓ આ દર સ્વીકારવા તૈયાર નહોતા. ૨૭મી સપ્ટેમ્બરે ખેડૂતો દાદુભાઈ દેસાઈના પ્રમુખપદે મળ્યા અને મહેસૂલની ચૂકવણી રોકી રાખવાનું એલાન કર્યું. આ બાજુ સરકારે તલાટીઓને મહેસૂલની વસૂલાત શરૂ કરી દેવાનો હુકમ આપ્યો.

આના પછી ખેડૂતોએ વલ્લભભાઈ પટેલ પાસે ધાં નાખી. એ પહેલાં તો આમાં પડવા નહોતા માગતા. એમણે કહ્યું કે લેજિસ્લેટિવ કાઉંસિલમાં એમના સભ્યો (MLC) મદદ કરે જ છે. એ વખતે દાદુભાઈ દેસાઈ, ભીમભાઈ નાયક અને ડૉ. દીક્ષિત MLC હતા. એ મદદ કરતા જ હતા પણ એમની અરજીઓ પર સરકારે ધ્યાન ન આપ્યું. ફરીથી કલ્યાણજી મહેતા અને કુંવરજી મહેતા, બે ભાઈઓ. વલ્લભભાઈને મળ્યા. એમણે શરત કરી કે ખેડૂતોએ ના-કરની લડત ચલાવવી પડશે અને એમાં જે કંઈ પણ ભોગ આપવો પડે તે માટે તૈયાર રહેવું પડશે. ખેડૂતો તૈયાર થઈ ગયા.

ખેડૂતો જૂના દરે મહેસૂલ ચુકવવા તૈયાર હતા અને નવા દર પ્રમાણે જે ચુકવવાનું થાય તે રોકી રાખવા માગતા હતા પણ ગાંધીજીએ સલાહ આપી કે એમણે વધારો સરકાર પાછો ખેંચી લે તે માટે લડત કરવી જોઈએ અને ત્યાં સુધી એક પણ પૈસો ન ચુકવવો.

૪થી ઑક્ટોબરે વલ્લભભાઈ બારડોલી ગયા અને જાહેર સભામાં એમણે લડતની જાહેરાત કરી કે જ્યાં સુધી સરકાર વધારો પાછો ન ખેંચી લે ત્યાં સુધી કોઈ કર ભરશે નહીં. એમણે સરકારને પત્ર લખ્યો પણ કંઈ જવાબ ન આવ્યો. આના પછી લડત શરૂ થઈ.

વલ્લભભાઈએ સત્યાગ્રહીઓને તૈયાર કરવા માટે કૅમ્પો ચલાવ્યા કારણ કે એમણે જોયું કે સત્યાગ્રહ લાંબો ચાલે તેમ છે. સત્યાગ્રહની રોજેરોજની માહિતી જાહેરમાં મૂકવા માટે જુગતરામ દવેને એમણે પ્રચાર ઑફિસ ચલાવવાની જવાબદારી સોંપી. મણીલાલ કોઠારીને ફંડફાળો ઉઘરાવવાનું અને હિસાબો રાખવાનું કામ સોંપ્યું. અબ્બાસ તૈયબજી અને ઈમામ બાવઝીર શાહ પણ મુસ્લિમ જમીનમાલિકોને સત્યાગ્રહમાં સામેલ કરવા માટે આગળ આવ્યા. વલ્લભભાઈ ગામડાંની તળપદી ભાષામાં બોલતા એટલે એમની વાત સીધી હૈયા સોંસરવી ઊતરી જતી. આથી સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં આગળ આવી. સભાઓમાં સ્ત્રીઓની હાજરી બહુ મોટી રહેતી અને વલ્લભભાઈનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતી,

છેવટે સરકારે સરદારના ૬ઠ્ઠી ફેબ્રુઆરીના પત્રનો ૧૭મી તારીખે જવાબ આપ્યો. સરકારે મહેસૂલ ઘટાડવાની તો ઘસીને ના પાડી એટલું જ નહીં પણ ધમકીયે આપી કે બારડોલીના જમીનમાલિકો સ્થાનિકના કે બહારના માણસોની ચડવણીથી મહેસૂલ નહીં ચૂકવે તો સરકાર લૅન્ડ રેવેન્યુ કોડ મુજબનાં પગલાં લેશે.

આમ સરદાર ‘બહારના’ થઈ ગયા. સરદારે આની સામે સખત વાંધો લીધો. એમણે જવાબ આપ્યો કે હું તો છું જ બારડોલીનો, અને દેશના કોઈપણ ભાગનો હોઉં, અહીં બારડોલીના ખેડૂતોના આમંત્રણથી આવ્યો છું પણ તમે (ગવર્નર) જે સરકાર વતી બોલો છો તે સરકાર આખી જ ‘બહારના’ માણસોની બનેલી છે. એમણે આકારણી અધિકારી અને કમિશનરના રિપોર્ટોને રદબાતલ ઠરાવ્યા અને કહ્યું કે એનો આધાર જ તર્કહીન છે. એમણે સ્વતંત્ર ટ્રાઇબ્યુનલની રચના કરીને આ મુદ્દાની ફરી વિચારણા કરાવવાની માગણી કરી.

દમનનાં પગલાં

૧૫મી ફેબ્રુઆરીથી સરકારે દમનનાં પગલાં શરૂ કર્યાં અને તે હિન્દુસ્તાનની જ્ઞાતિ વ્યવસ્થાના ગુણદોષ સમજીને. વાણિયાઓ ભીરુ મનાય.એટલે સૌ પહેલાં તો સરકારે ૫૦ વાણિયા જમીનમાલિકોને નોટિસ મોકલી. દસ દિવસમાં એમણે સવાયું મહેસૂલ ચૂકવી દેવાનું હતું અને ન ચૂકવે તો મહેસૂલની ચોથા ભાગની રકમ દંડ તરીકે વસૂલ કરવાની ધમકી પણ આપી. પરંતુ વાણિયાઓએ મૂંછ નીચી ન કરી!

હવે જપ્તીઓ શરૂ થઈ પણ જેણે મહેસૂલ ન ચૂકવ્યું હોય તેમના ઘરે કર્મચારીઓ પહોંચે તો ઘરે તાળાં લટકતાં જોવા મળે. સત્યાગ્રહ માટેના કૅમ્પોમાં તાલીમ પામેલા સ્વયંસેવકો સરકારની બધી હિલચાલ પર નજર રાખતા અને જપ્તીવાળા આવે તે પહેલાં જ લાગતાવળગતાને જાણ કરી દેતા એટલે એ લોકો ઘરબાર બંધ કરીને બીજે ક્યાંક ચાલ્યા જતા.

સરકારે હવે લોકોને ફોડવાનું શરૂ થયું બે વાણિયાઓને સરકારના માણસોએ સમજાવ્યા કે તમે તાળાં મારીને ભલે ભાગી જાઓ પણ કોઈક જગ્યાએ અમુક પૈસા ભૂલતા જજો. એ રીતે એમણે મહેસૂલની રક્મ વસૂલ્ કરી લીધી. બીજા સત્યાગ્રહીઓ આથી ગુસ્સે ભરાયા. સરદારે એ બન્નેનો ખુલાસો પૂછ્યો, માફી મંગાવી અને સત્યાગ્રહ ફંડ માટે રકમ વસૂલ કરી.

કડોદ ગામના વાણિયાઓ પાસે મોટી જમીન હતી. એમણે તો પહેલાં જ નવા દરે મહેસૂલ ચૂકવી દીધું હતું. એ લડતમાં જોડાયા નહોતા. એમના ખેતરમાં કામ કરતા ખેતમજૂરોએ એમનો બહિષ્કાર કર્યો અને ગામમાં એમના ખેતરે કોઈ કામ ન કરે એવો નિર્ણય લીધો. જો કે, ગાંધીજીને આ સમાચાર મળ્યા ત્યારે એમણે નારાજી જાહેર કરી કે આ જાતનું દબાણ હિંસા જ છે.

પણ સરકારે દમનનો છૂટો દોર મૂક્યો હતો. એટલે સરદારે ગામના પટેલોને ભેગા કર્યા અને સરકારને મદદ ન કરવા સમજાવ્યા. પટેલો તૈયાર થઈ ગયા. હવે સરકારી નોટિસ બજાવવા જવાનું પટેલોએ બંધ કરી દીધું. માલ જપ્તીમાં આવ્યો હોય પણ એને ગામ બહાર લઈ જવા માટે દૂબળાઓની જરૂર પડે; એ મજૂરી કરવાની ના પાડી દેતા. દમન સામે આખી જનતા એક થઈ ગઈ હતી.

સરકારે જોયું કે દમનથી કામ ચાલે તેમ નથી એટલે સમાધાનનો રસ્તો પણ ખોલ્યો. જે ગામોને ઊંચી આવકના વર્ગમાં મૂકવામાં આવ્યાં હતાં એમનો દરજ્જો પાછો નીચો કરવામાં આવ્યો. કેટલાંય ગામોના દર અડધાથી પણ વધારે નીચા કરી દેવાયા. આમ છતાં સત્યાગ્રહીઓની માંગ આખેઆખો વધારો રદ કરવાની જ રહી. હવે વધારે ને વધારે લોકોને નોટિસો મળવા લાગી.

૨૬મી માર્ચે વાલોડ અને બાજીપુરા (હવે તાપી જિલ્લામાં)ના વાણિયા જમીનમાલિકોને નોટિસો મળી કે ૧૨મી એપ્રિલ સુધી જો મહેસૂલ નહીં ચૂકવી દે તો એમની જમીનો જપ્ત કરી લેવાશે. એમણે જવાબ આપી દીધો કે જે કરવું હોય તે કરો, મહેસૂલ નહી ભરીએ.વલ્લભભાઈએ એમને અભિનંદન આપ્યાં અને લોકોને ચેતવ્યા કે હજી મોટાં બલિદાન આપવા માટે એમણે તૈયાર રહેવું પડશે. એ ગામેગામ ફરીને લોકોને પાનો ચડાવતા. કેટલાંય ગામોએ સભાઓ થઈ તેમાં લોકોએ અડગ રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી.

બીજી બાજુ, હવે દમનની માત્રા વધવાના અણસાર હતા. જિલ્લાનો કલેક્ટર બારડોલી ગયો તો ત્યાં એનું સ્વાગત કરવા ખાતાનો કોઈ કર્મચારી હાજર ન રહ્યો. એ પાસેનાં ગામોમાં પણ જવા માગતો હતો પણ એને લઈ જવા માટે કોઈ વાહન આપવા તૈયાર નહોતું. એણે રિપોર્ટ આપ્યો કે જમીનમાલિકો મહેસૂલ આપવા તૈયાર છે પણ એમને બીક છે કે પછી તોફાનીઓ એમનો પાક સળગાવી દેશે. સરકારે હવે ગાયભેંસ, ઓઢવાપાથરવાનું જે હાથમાં આવ્યું તે જપ્ત કરવાનું શરૂ કરી દીધું. આટલાથીયે સરકાર લોકોને હંફાવી ન શકી એટલે ધરપકડો શરૂ થઈ.

આના પછી લેજિસ્લેટિવ કાઉંસિલના ગુજરાતના નવ સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધાં. બારડોલી હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયું હતું. મુંબઈમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ બારડોલી સત્યાગ્રહને ટેકો આપ્યો. મે મહિનાની ૨૭મીએ જયરામદાસ દોલતરામના પ્રમુખપદે સૂરત જિલ્લા સંમેલન મળ્યું તેમાં ૧૨મી જૂને આખા દેશમાં બારડોલી દિન મનાવવાની અપીલ કરવામાં આવી. તે પછી એક અંગ્રેજભક્ત રાયબહાદુર હરિલાલ દેસાઇએ જાતે જ મધ્યસ્થી બનવાની કોશિશ કરી. એમણે કહ્યું કે લોકો નવા દરે મહેસૂલ ચૂકવી દે તે પછી સરકાર તપાસ સમિતિ નીમશે. સરદાર પટેલે એમને તીખો જવાબ આપ્યો: ”ઊંચા દરે ચૂકવણી કરી દીધા પછી તપાસ સમિતિનું કામ શું?…તમે દૃઢતાથી વર્તી ન શકતા હો અને હું જે અનુભવું છું તે, લોકોની તાકાત જોઈ ન શકતા હો તો કંઈ ન કરો એ જ મોટી સેવા ગણાશે.”.

સરકારે વલ્લભભાઈના શબ્દોમાં “કેટલાક પટાવાળા, પોલીસવાળા અને કસાઈઓ”ને મોકલીને સૂરતથી સરકારે જમીનો વેચી છે અને આ ખાંધિયાઓએ ખરીદી છે. સ્થાનિકના પારસીઓને પણ એમણે ચેતવણી આપી કે તમારી જ કોમના માણસો તમે ખેતરે જશો ત્યારે મોટી સંખ્યામાં આડે ઊભા હશે અને કહેશે કે હળને હાથ અડાડતાં પહેલાં અમને ગોળીએ દઈ દો અને અમારાં હાડકાં ખાતર તરીકે વાપરજો. એમણે પારસી મહિલા આગેવાન મીઠુબેન પિટીટ, દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબેન અને પુત્રી મણીબેનને કહ્યું કે સરકાર જે જમીન વેચાયેલી દેખાડે છે ત્યાં જઈને ઝૂંપડાં બાંધીને ધામા નાખો.

પાંચમી જૂને બોમ્બે લેજિસ્લેટિવ કાઉંસિલમાંથી નરીમાન, ભૂલાભાઈ દેસાઈ અને નારણદાસ બેચરે રાજીનામાં આપી દીધાં. બે દિવસ પછી જયરામદાસ દોલતરામે પણ પોતાનું રાજીનામું મોકલી આપ્યું. આ બાજુ બારડોલીમાં ૬૩ પટેલો અને ૧૧ તલાટીઓએ નોકરીને લાત મારી દીધી.

000

બારડોલીની કથા હવે પછીના અંકમાં ચાલુ રહેશે.

000

સંદર્ભઃ Mahatma Gandhi (Vol. VI) Salt Satyagraha: Watershed by Sushila Nayar (available on gandhiheritageportal.org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ. મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં ‘other books’પર ક્લિક કરો, તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal’ ટાઇપ કરો).

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-35

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણઃ 3૫: ચૌરીચૌરા પછી કોંગ્રેસ

(હજી ક્રાન્તિકારીઓ વિશે લખવાનું છે પરંતુ તે વખતે કોંગ્રેસમાં શું ચાલતું હતું તે જાણવા માટે આપણે પાછળ જવું પડશે.આગળ જતાં કોંગ્રેસનાં પ્રજાકીય આંદોલનો અને સશસ્ત્ર ક્રાન્તિકારીઓનાં વલણો એક ઐતિહાસિક બિંદુએ એક થઈ જાય છે કે ક્રાન્તિ કથામાં વિરામ આપવાની જરૂર છે. અત્યારે તો આપણે એટલું યાદ રાખીએ કે ઍસેમ્બ્લી બોંબ કાંડ પછી ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત જેલમાં છે અને એમને સજાઓ થઈ ગઈ છે. દત્તની આઝાદી પછીની કરુણ કહાણી પણ આપણે જોઈ લીધી છે. ક્રાન્તિકારીઓ પાસે પાછા આવીએ ત્યારે આટલું અનુસંધાન જરૂરી છે).

ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન બંધ રાખ્યું. કોંગ્રેસમાં પણ એક જાતની નિરાશા ફેલાઈ ગઈ હતી. ખિલાફતનું આંદોલન પણ એની સાથે બંધ થઈ ગયું હતું. સ્થિતિ એવી હતી કે વાઇસરૉય રીડિંગે પોતાના પુત્રને લખ્યું કે ગાંધીનો રાજકારણી તરીકેનો માર્ગ અહીં પૂરો થાય છે. એણે બ્રિટનના ગૃહ મંત્રીને તાર મોકલ્યો તેમાં પણ કહ્યું કે બારડોલીના ઠરાવો પછી કોંગ્રેસ કોઈ સ્પષ્ટ લક્ષ્ય નહોતું. એ જ ઘડીથી એની વેરણ છેરણ થવાની શરૂઆત થઈ ગઈ હતી. કાર્યકરો હતાશ થઈ ગયા હતા.

આ સંજોગોમાં કોંગ્રેસમાં નવાં વલણો ઉપસવા લાગ્યાં હતાં. મોતીલાલ નહેરુ ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી બહુ ગુસ્સામાં હતા પણ એમણે જાહેરમાં ગાંધીજીનો બચાવ જ કર્યો. એમણે જ કોંગ્રેસમાં નવો રસ્તો દેખાડવાની પહેલ કરી. ૧૯૨૨ના જૂનમાં લખનઉમાં કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં અસહકાર કાર્યક્રમના એક મુદા પર તીવ્ર મતભેદો બહાર આવ્યા. એ હતો, ધારાસભાનો બહિષ્કાર. કોંગ્રેસના નેતાઓમાં એમાં રીતસરની તિરાડ પડી ગઈ. કેટલાક નેતાઓ કહેતા હતા કે અસહકાર તો ઍસેમ્બ્લીમાં જઈને પણ કરી શકાય પણ એના જવાબમાં અમુક નેતાઓ કહેતા હતા કે ધારાસભાનો બહિષ્કાર ચાલુ રાખવો જોઈએ. કોંગ્રેસના વ્યૂહમાં ફેરફાર ઇચ્છતા જૂથને ‘ફેરવાદી’ (pro-changers) અને બહિષ્કાર ચાલુ રાખવાના સમર્થકોને ‘ના-ફેરવાદી’ (no-changers) તરીકે ઓળખવામાં આવે છે.

બંગાળના નેતા દેશબંધુ ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, એન. સી, કેળકર, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે નેતાઓ ફેરવાદી હતા અને એમના વિરોધમાં ઊભા રહેલા ના-ફેરવાદીઓમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, રાજગોપાલાચારી, અબૂલ કલામ આઝાદ વગેરે હતા.

આ મુદ્દા પર ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં જ ભારે મતભેદો હતા અને ચિત્તરંજન દાસે ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. પરિણામે, ગાંધીજીએ રજૂ કરેલો બહિષ્કારનો ઠરાવ પાતળી બહુમતીએ મંજૂર રહ્યો હતો. ચિત્તરંજન બાબુએ બંગાળમાં સ્વરાજ પાર્ટી બનાવી લીધી હતી.

સ્વરાજ પાર્ટી

૧૯૨૨માં ગયામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ફેરવાદીઓએ ધારાસભામાં જવાનો ઠરાવ રજૂ કર્યો પણ એનો જોરદાર વિરોધ થયો અને ૮૯૦ વિ. ૧૭૪૦ મતે એમનો ઠરાવ ઊડી ગયો. પરંતુ દેશબંધુ દાસ અને મોતીલાલ નહેરુને પોતાનો માર્ગ સાચો લાગતો હતો એટલે એ આવી સજ્જડ હાર પછી પણ વાત મૂકવા તૈયાર નહોતા. એમણે ફરીથી ગયામાં જ સંમેલન બોલાવ્યું, મોતીલાલના અસીલ, ટિકારીના મહારાજાના મહેલમાં ફેરવાદીઓ એકઠા થયા અને ‘કોંગ્રેસ-ખિલાફત સ્વરાજ પાર્ટી’ની સ્થાપના કરી.

ફેરવાદીઓ અને ના-ફેરવાદીઓ કોંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે વફાદારીનો ઢંઢેરો તો પીટતા હતા પણ સામસામે ઊગ્ર જીભાજોડીમાં ગુંચવાયેલા રહેતા હતા. એકાદ વર્ષ આમ ચાલતું રહ્યું તે પછી ૧૯૨૩ના સપ્ટેમ્બરમાં દિલ્હીમાં મૌલાના અબૂલ કલામ આઝાદના રાષ્ટ્રપતિપદે (એ વખતે કોંગ્રેસ પ્રેસીડન્ટને ભારતીય ભાષાઓમાં ‘રાષ્ટ્રપતિ કહેતા), કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીએ વચલો રસ્તો કાઢી આપ્યો. એમણે સૂચવ્યું કે જે લોકોન ધાર્મિક કારણો કે અંતરાત્માનો અવાજ રોકતો ન હોય એ લોકો ઍસેમ્બ્લીમાં જાય. કોંગ્રેસમાં ૧૯૦૭ના જહાલ-મવાળ સંઘર્ષ પછી ભંગાણ પડ્યું હતું, આવું ફરી ન થાય તે રોકવાનું જરૂરી હતું.

તે પછી તરત નવેમ્બરમાં ચૂંટણી થઈ, સ્વરાજ પાર્ટીએ ૧૦૧માંથી ૪૨ સીટો પર જીત મેળવી. પ્રાંતોમાં, મધ્ય પ્રાંતમાં એને સ્પષ્ટ બહુમતી મળી, બંગાળમાં એ સૌથી મોટો પક્ષ બની. યુક્ત પ્રાંત અને આસામમાં બીજા નંબરની મોટી પાર્ટી બની, પણ પંજાબ અને આસામમાં એ તદ્દન નિષ્ફળ રહી. મોતીલાલ નહેરુ કેન્દ્રીય ઍસેમ્બ્લીમાં નેતા બન્યા, બાબુ ચિત્તરંજન દાસ બંગાળ પ્રાંતની ધારાસભામાં સ્વરજ પાર્ટીના નેતા બન્યા. વિઠ્ઠલભાઈએ સ્પીકરનું પદ સંભાળ્યું. એ નિયમોના આધારે જ સરકારને એક પણ ઈંચ આઘીપાછી ન થવા દેતા. સરકારને એ આંખના કણાની માફક ખૂંચતા હતા.

ઍસેમ્બ્લીમાં સ્વરાજ પાર્ટીની શરૂઆત સારી રહી. ગૃહમાં પંડિત મદન મોહન માલવીય અને મહંમદ અલી જિન્ના પણ હતા. એક ઉત્તર, તો બીજા દક્ષિણ! પરંતુ મોતીલાલ નહેરુની કુનેહને કારણે સ્વરાજ પાર્ટીને બન્નેનો ટેકો મળ્યો અને પહેલા સત્રમાં એમણે સરકારના ઠરાવોને મતદાનથી રોકી દીધા.

સ્વરાજ પાર્ટીએ પોતાનો મૅનિફેસ્ટો બહાર પાડ્યો હતો તેમાં પોતાને કોંગ્રેસનું અંગ ગણાવી અને અસહકારના સિદ્ધાંતનો વિરોધ ન કર્યો, ઉલટું ઍસેમ્બ્લીમાં અસહકાર ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. મોતીલાલે ઍસેમ્બ્લીમાં પોતાના પહેલા ભાષણમાં પણ એ વાતનો પુનરુચ્ચાર કર્યોઃ

અમે મૂળ તો અસહકારી છીએ, પણ અહીં સહકાર આપવા આવ્યા છીએ, જો તમને ગરજ હોય તો. તમે અમારી વાત નહીં માનો તો અમે અમારા હકો માટે અડીખમ ઊભા રહીને અસહકાર કરીશું.

સ્વરાજ પાર્ટીની બહારના એક સભ્યે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવા માટે શાહી પંચ નીમવાનો ઠરાવ રજૂ કર્યો. મોતીલાલે એના પર સુધારો સૂચવ્યો કે ડોમિનિયન સ્ટેટનું બંધારણ ભારતમાં બને, એને ઍસેમ્બ્લીમાં મંજૂરી મળે તે પછી જ એના પ્રમાણે બ્રિટન કાયદો બનાવે. એમના આ સુધારાને ૭૭ વિ. ૪૮ મતે મંજૂર રહ્યો જે જિન્ના અને પંડિત માલવીયના સહકારથી શક્ય બન્યું.

સ્વરાજ પાર્ટીના પ્રવેશ પછી કોઈ કાયદા ગૃહમાં મંજૂર ન રહ્યા. પરંતુ વાઇસરૉયને ઍસેમ્બ્લીના નિર્ણયોની ઉપરવટ જવાનો અધિકાર હતો એટલે એવા બધા કાયદાઓને વાઇસરૉયની મંજૂરી મળી જતી.

ગાંધીજીએ સમાધાન કરવ્યું હોવા છતાં સ્વરાજીઓ અને એમના વચ્ચે મતભેદો ચાલુ હતા. ખાસ કરીને, ગાંધીજીની અહિંસા વિશે, એક તરફ ગાંધીજી અને બીજી તરફ સ્વરાજ પાર્ટીના બે ધરખમ નેતાઓ, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ વચ્ચે મોટી ખાઈ હતી. ગાંધીજીનું માનવું હતું કે ઍસેમ્બ્લીમાં જવું અને સહકાર ન આપવો એ હિંસાનું જ એક રૂપ છે. મોતીલાલે એનો જવાબ આપ્યો કે તમે જે કહો છો તેવી અહિંસા મેં સ્વીકારી જ નથી. મારી સાથે કોઈ જોહુકમીનું વર્તન કરશે તો હું એને એની જ ભાષામાં જવાબ આપીશ. કોઈ બળવાન માણસ નબળાને દબાવતો હોય તો હું એ બળવાન માણસને મારીશ, અને ન મારું તો એ હિંસા જ ગણાય. મોતીલાલે કહ્યું કે ગાંધીજીની અહિંસા કોંગ્રેસના કોઈ કાર્યકરે ગાંધીજી જેટલી હદે ઇચ્છે છે તેટલી હદે સ્વીકારી નથી. બંગાળમાં ગોપીનાથ શહાએ એક અંગ્રેજ અધિકાઅરીની હત્યા કરી તેને વખોડતો ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો ત્યારે ચિત્તરંજન દાસ ગાંધીજી સાથે સંમત નહોતા થયા.

કોંગ્રેસને બચાવવાના પ્રયાસમાં ગાંધીજી સ્વરાજ પાર્ટીના સભ્યોને વધારે ને વધારે જવાબદારીનાં પદો સોંપતા ગયા તે એટલે સુધી કે ના-ફેરવાદીઓ નારાજ રહેવા માંડ્યા. પરંતુ ૧૯૨૫માં ચિત્તરંજન બાબુનું અચાનક અવસાન થઈ જતાં સ્વરાજ પાર્ટીનું હીર હણાઈ ગયું. મોતીલાલ એકલા પડી ગયા.

તે પછી સ્વરાજ પાર્ટી લાંબું ન ટકી. એની અસહકારની નીતિ બાબતમાં પક્ષમાં જ વિરોધ થવા લાગ્યો અને ‘જવાબદાર સ્વરાજ પાર્ટી’નો જન્મ થયો. એના પછી મોતીલાલ નહેરુ કોંગ્રેસમાં ખુલ્લા અસહકારના માર્ગે પાછા આવી ગયા અને સ્વરાજ પાર્ટી સમેટાઈ ગઈ. ગાંધીજી નવા આંદોલનની તૈયારીમાં પડી ગયા હતા. એ આંદોલન એવું થવાનું હતું કે લોકો ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું હતું તે ભૂલી ગયા. એના વિશે હવે પછી.

000

સંદર્ભઃ Builders of Modern India – Motilal Nehru by B. R. Nanda, Publication Division, August 1964.

(This is an abridged version of The Nehrus : Motilal and .lawaharlal by B. R. Nanda and is published by kind permission of George Allen and Unwin, Ltd., London).

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-34

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણઃ ૪: ક્રાન્તિકારીઓ (૭)

વાઇસરૉય પર નિશાન

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે ઍસેમ્બ્લીમાં બોંબ ફેંક્યા તે પહેલાં HSRAના સાથીઓમાં એક જાતનો અજંપો હતો. કંઈ થતું નથી, અને કંઈક કરવું જોઈએ એવી ભાવના હતી. તેમાં પણ દિલ્હીમાં ગોઠવાયેલા ક્રાન્તિકારીઓમાં અકળામણ વધારે હતી. એવામાં સમાચાર મળ્યા કે હોળી સબબ સેંટ્રલ ઍસેમ્બ્લીના બધા સભ્યોએ એક ભોજન સમારંભ ગોઠવ્યો છે અને એમાં વાઇસરૉય પણ હાજર રહેશે. તરત જ નિર્ણય લેવાયો કે આ સમારંભમાં વાઇસરૉય જાય ત્યારે એના પર હુમલો કરવો. આ કામ શિવ વર્મા, રાજગુરુ અને જયદેવ કપૂરને સોંપાયું. એમણે બધી માહિતી મેળવીને બોંબ તૈયાર કરી લીધા.

વાઇસરૉયની મોટરથી પહેલાં એક પાઇલૉટ કાર નીકળે એટલે તૈયાર થઈ જવું. વાઇસરૉયની કાર પર તાજનું મુદ્રા ચિહ્ન હોય એટલે એને ઓળખવાનું મુશ્કેલ નહોતું. શિવ અને જયદેવે બોંબ ફેંકવાના હતા. બન્ને એકબીજાથી વીસેક મીટર દૂર હાથમાં બોંબ સાથે ગોઠવાઈ ગયા. એક જણ ચૂકી જાય તો બીજો ફેંકી શકે એટલે એમણે બે જગ્યા પસંદ કરી હતી. બન્ને પાસે બબ્બે બોંબ હતા એટલે નિશાન ખાલી જવાનો તો સવાલ જ નહોતો. બન્ને પાસે ભરેલી પિસ્તોલો પણ હતી, એટલે કે બોંબથી બચી જાય તો પિસ્તોલ કામ આવે. વળી, હુમલા પછી સલામતી ટુકડીઓ કંઈ હાથ જોડીને બેસી રહેવાની નહોતી. બન્નેએ એમની સામે પણ લડવાનું પણ હતું. એમને હુકમ હતો કે હુમલો કર્યા પછી જીવતા પાછા ન આવે અને ત્યાં જ લડતાં લડતાં પોતાનું બલિદાન આપે. રાજગુરુ એમનાથી દૂર, વાઇસરૉયની કાર જલદી નજરે ચડી જાય તેમ ઊભા રહ્યા. રાજગુરુના ઈશારા પર બોંબ ફેંકવાના હતા.

પાઇલૉટ કાર દેખાયા પછી બન્ને રાજગુરુ સામે જોતા હતા પણ રાજગુરુએ કોઈ ઈશારો જ ન કર્યો! તાજના નિશાનવાળી કાર નજીક આવી ત્યારે શિવ અને જયદેવને સમજાયું કે રાજગુરુએ ઈશારો શા માટે ન કર્યો. વાઇસરૉયની કારમાં વાઇસરૉય પોતે જ નહોતો, પુરુષોમાં માત્ર ડ્રાઇવર અને બાકી બીજી ત્રણ સ્ત્રીઓ હતી. તે પછી ખબર પડી કે વાઇસરૉય ક્યાંક માછલી પકડવા ગયો હતો અને ત્યાંથી જુદા રસ્તે એ સમારંભમાં પહોંચ્યો હતો. કોઈ ઘટના જ ન બની એટલે આખી વાત દબાઈ ગઈ. ક્રાન્તિકારીઓ એક રીતે નિરાશ તો થયા પણ એક વાતનો સંતોષ પણ રહ્યો કે નિર્દોષોને એમણે ન માર્યા. બોંબ ફેંકવાનો હેતુ સામ્રાજ્યવાદી સત્તાના પ્રતિનિધિ પર હુમલો કરવાનો હતો, એનાં કુટુંબીઓ પર નહીં.

બીજો પ્રયાસ

વાઇસરૉય પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ ઍસેમ્બ્લી બોંબ કાંડ પછી થયો. HSRAના બે સાથીઓ યશપાલ (હિન્દી સાહિત્યકાર) અને ઇન્દ્રપાલ એના મુખ્ય સૂત્રધાર હતા. યશપાલ બોંબ બનાવવાની પાકી રીત કાશ્મીરમાં શ્રીનગર જઈને શીખી આવ્યા હતા. આ યોજના પણ યશપાલની જ હતી પણ સંગઠનમાં બીજા સભ્યોને કહ્યા વગર તો ચાલે તેમ નહોતું. એમણે ભગવતી ચરણ વોહરાને આ વાત કરી કે હવે દિલ્હીમાં જ બોંબ બનાવી શકાશે અને વાઇસરૉય શિમલાથી દિલ્હી પાછો આવે ત્યારે એની ટ્રેન નીચે બોંબ ગોઠવીને ઉડાવી દઈશું. ભગવતીભાઈએ તો આ યોજનાને ઉત્સાહથી વધાવી લીધી, પરંતુ સલાહ આપી કે દિલ્હીમાં લોકો બહુ સમજદાર હોય છે એટલે દિલ્હીને બદલે બીજે ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ. એ જ્યાં પહેલાં રહ્યા ત્યાં પોતાને કોઈ પોલિસ ઑફિસરના સંબંધી તરીકે ઓળખાવીને રહેતા. લોકોને વિશ્વાસ બેસે તે માટે કોંગ્રેસના નેતાઓની ટીકા કરતા અને પોલીસનો બચાવ કરતા.

તે પછી ભગવતી ચરણે રોહતકમાં એક સાથી લેખરામને ત્યાં વ્યવસ્થા કરી આપી. લેખરામ ત્યાં છુપાવા માટે વૈદ્ય તરીકે દેખાવ કરીને રહેતો કે જેથી જેમ બીજાં વસાણાં બનાવતો હોય તે સાથે બોંબ માટેનો મસાલો તૈયાર કરવાનો હોય તો પણ કોઈને શંકા ન જાય. ભગવતી ચરણ તો પછી ચાલ્યા ગયા પણ યશપાલ અહીં નોકર તરીકે રહ્યા. એક દિવસ એમને સમાચાર મળ્યા કે પોલીસને કંઈક શંકા ગઈ છે અને ગલીએ ગલીએ ફરીને તપાસ કરે છે કે ક્યાં ઍસિડની ગંધ તો નથી આવતી ને! તે પછી યશપાલ અને લેખરામ એ જ સાંજે બધો સરંજામ લઈને દિલ્હી ભાગી નીકળ્યા.

વાઇસરૉયના આવવાના સમાચાર છાપામાં વાંચીને એ તૈયાર થઈ ગયા. ટ્રેનો તો ઘણી પસાર થતી હોય એટલે પહેલાં જ બોંબ ગોઠવવાનું શક્ય નહોતું. વળી વાઇસરૉયની ટ્રેન આવવાની હોય ત્યારે લાઇન પર ચોકીપહેરો પણ જબ્બરદસ્ત હોય. તે દિવસે તો કંઈ કરી ન શકાય. બોંબ પહેલાં પણ ન ગોઠવી શકાય. પછી એમણે નક્કી કર્યું કે થોડા દિવસ પહેલાં જ કોઈ વેરાન જગ્યાએ પાટા નીચે બોંબ દબાવી દેવા અને જમીનમાં તાર દાટી દેવા. એના બીજા છેડા દૂર બૅટરી સાથે જોડાયેલા હોય. વાઇસરૉયની ટ્રેન પસાર થવાની હોય તે રાતે એક જણ બૅટરી પાસે છુપાઈ જાય અને બોંબ ફોડે.

બધું વિચાર્યા પછી ભગવતી ચરણ અને યશપાલને લાગ્યું કે ત્રીજા માણસની જરૂર છે એટલે એમણે લાહોરથી ઇન્દ્રપાલને બોલાવી લીધો. એ ત્યાં બાવાના વેશે થોડા દિવસ પહેલાં જ ગોઠવાઈ ગયો કે જેથી એને સલામતીવાળા પણ જોઈ લે અને શંકા ન કરે. આટલું થયા પછી એમને પિત્તળના બે લોટામાં બનાવેલા બોંબ પાટા નીચે દાટી દીધા.

બધી તૈયારી થઈ ગયા પછી ભગવતી કાનપુર ગણેશ શંકર વિદ્યાર્થીને મળવા ગયા. (એમના વિશે કાકોરી કાંડના પ્રકરણમાં વાંચી ગયા છીએ). એ કોંગ્રેસના નેતા હતા પરંતુ સશસ્ત્ર ક્રાન્તિકારીઓ સાથે પણ એમના સંપર્ક હતા. ‘પ્રતાપ’ના તંત્રી હતા અને ભગત સિંઘ પણ એમને ત્યાં જ રહ્યા હતા. વિદ્યાર્થીજીએ ભગવતીને ચોખ્ખી ના પાડી કે વાઇસરૉય પર હુમલો કરવામાં સાર નથી અને ચંદ્રશેખર આઝાદ પણ નારાજ થશે. એમણે કહ્યું કે ૨૪મી ઑક્ટોબરે વાઇસરૉય દિલ્હી આવીને બ્રિટન સરકારે એની કૉલોનીઓ વિશે બનાવેલી નીતિઓની જાહેરાત કરશે. વાઇસરૉય પર હુમલો થશે તો બ્રિટનમાં ઉહાપોહ થઈ જશે અને સરકાર વધારે સખત બની જશે. વિદ્યાર્થીજીએ સખત વલણ લીધુ એટલે એ વખતે તો બોંબ કાઢી લેવા પડ્યા. તે પછી એક મહિના સુધી તક મળવાની નહોતી.

લગભગ બે મહિના પછી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં વાઇસરૉયનો કોલ્હાપુર જવાનો કાર્યક્ર્મ હતો અને ૨૩મીએ એ પાછો આવવાનો હતો. એ જ દિવસે ગાંધીજી એને મળવાના હતા. ક્રાન્તિકારીઓએ ફરી કમર કસી લીધી અને નવી દિલ્હી અને નિઝામુદ્દીન સ્ટેશનો વચ્ચે પુરાના કિલ્લાની પાછળ પાટા નીચે બોંબ ગોઠવી દીધા. એ દિવસે આઝાદ સહિત ઘણા સાથીઓ દિલ્હીમાં એકઠા થઈ ગયા હતા. બોંબ ફૂટ્યા પછી કેમ ભાગી છૂટવું તેની પણ તૈયારી કરી લીધી હતી.

આઝાદ ગણેશ શંકર વિદ્યાર્થીની વાત માનવા તૈયાર હતા. એમણે કહ્યું કે ૧૯૨૮માં કોંગ્રેસે પોતાની માગનીઓ રજૂ કરીને સરકારને એક વર્ષની મહેતલ આપી હતી. તે ૧૯૨૯માં પૂરી થાય છે અને લાહોરમાં ૨૪મીથી કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. ગાંધીજી વાઇસરૉયનું વલણ જાણવા જ ૨૩મીએ વાઇસરૉય દિલ્હી આવે તે પછી એને મળવાના હતા અને જે કંઈ વાત થાય તે લઈને એ જ દિવસે લાહોર માટે રવાના થવાના હતા. આથી બોંબનું પ્રકરણ જ ટાળી દેવું જોઈએ. પણ ભગવતી ચરણ અને યશપાલે દલીલ કરી કે વાઇસરૉયે વચન તો પાળ્યું નથી તો હવે ગાંધીજીને બોલાવીને એ માત્ર અપમાન જ કરશે એટલે એને તે પહેલાં જ ઉડાડી દેવાની જરૂર છે. અને કોંગ્રેસ ખરેખર આંદોલન કરવા માગતી હશે તો વાઇસરૉય પરના હુમલાથી લોકો વધારે જોશભેર કોંગ્રેસને ટેકો આપશે.

અંતે નક્કી થયું કે હુમલો ન કરવો. ભગવતીએ તો સ્વીકારી લીધું પણ યશપાલ ન માન્યા. એ જ રાતે એમણે પાટા નીચે તાર દબાવ્યા, બીજા દિવસે રાતે એમણે આવવાનું હતું બીજા દિવસે યશપાલે દૂર બૅટરી ગોઠવીને તાર જોડી દીધા, સાથી ભાગરામને સમજાવી દીધું કે પહેલાં પાઇલૉટ એંજિન આવશે તે પછી વાઇસરૉયની ગાડી આવે અને એનું એંજિન અમુક પૉઇંટ પર પહોંચે ત્યારે ઇશારો કરી દે.

પાઇલૉટ એંજિન સર્ચ લાઇટ વિના જ આવ્યું અને નીકળી ગયું. તે પછી પંદરેક મિનિટે ટ્રેન આવવાની હતી. એમાં તો લાઇટ હશે જ. પણ એમાંય લાઇટ નહોતી. એટલે માત્ર અવાજને ભરોસે બટન દબાવવાનું હતું યશપાલે બટન દબાવ્યું. એમને આશા હતી કે એંજિનની આગળ વિસ્ફોટ થયો હશે અને એંજિન પાટા પરથી ખડી જવાનો અવાજ સંભળાશે, પણ કશું જ ન થયું. વાઇસરૉયની ટ્રેન સાંગોપાંગ નીકળી ગઈ! વિસ્ફોટ કાં તો પહેલાં થઈ ગયો કાં તો ટ્રેન નીકળી ગઈ તે પછી થયો. યશપાલને સમજાયું નહીં કે શું થયું.

જો કે બીજા દિવસે સમાચાર ફેલાઈ ગયા કે વાઇસરૉયની ટ્રેનને ઉડાવી દેવાનું સાહસ ક્રાન્તિકારીઓએ કર્યું હતું પણ નિષ્ફળ ગયું. કદાચ ટ્રેનના એંજિનને ઉડાવી દે એવો શક્તિશાળી બોંબ બનાવી નહોતો શકાયો.

બીજા દિવસે કોંગ્રેસની બેઠક શરૂ થઈ તેમાં શરૂઆતમાં જ ગાંધીજીએ આ કૃત્યની ટીકા કરી અને વાઇસરૉયના બચી જવા વિશે આનંદ વ્યક્ત કર્યો. જો કે વાઇસરૉયને શુભેચ્છા આપવાનો ઠરાવ મહામુશ્કેલીએ પાસ થયો. ૧૭૧૩ સભ્યોમાં માત્ર ૮૧ની બહુમતીથી ઠરાવ મંજૂર રહ્યો.

૦૦૦

સંદર્ભઃ सिंहावलोकन भाग 2, यशपाल. विप्लव प्रकाशन 1955.

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-33

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ 

પ્રકરણ : 33: ક્રાન્તિકારીઓ (૬)

ઍસેમ્બ્લીમાં બોંબ કાંડ

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનનું નામ સૉંડર્સની હત્યા પછી લોકો બહુ માનભેર લેતા થઈ ગયા હતા. એના સભ્યોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. એમણે સાઇમન કમિશનના સભ્યો પર જ હુમલો કરવાનો વિચાર કર્યો પણ કમિશન જલદી કામ આટોપીને પાછું ચાલ્યું ગયું હતું. આમ પણ એને ઠેર ઠેર વિરોધનો જ સામનો કરવો પડ્યો હતો. આથી HSRAના સભ્યો કંઈક એવું કરવા માગતા હતા કે લોકોમાં સનસનાટી ફેલાય, બ્રિટિશ સત્તાની નામોશી થાય અને લોકોમાં જોશ વધે.

એ અરસામાં અંગ્રેજ હકુમત બે કાયદા બનાવવા માગતી હતી. આનાં બે વિધેયક સેંટ્રલ ઍસેમ્બ્લીમાં આવવાનાં હતાં – એક તો પબ્લિક સેફ્ટી બિલ અને બીજું, ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ. હાઉસમાં કોંગ્રેસના સભ્યો તો એનો વિરોધ કરવાના જ હતા. કોંગ્રેસની બહુમતી હોવાથી બિલો મંજૂર રહે તેમ તો હતું જ નહીં. છેવટે સરકાર વાઇસરૉયની સહીથી એના કાયદા જાહેર કરવાની જ હતી. આ બિલો સામે લોકોમાં ઊગ્ર વિરોધ હતો.

ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે ગૃહમાં બન્ને બિલો ઊડી જાય તે પછી સરકાર વાઇસરૉયની સત્તા વાપરીને કાયદા બનાવવાની જાહેરાત કરે ત્યારે બોંબ ફેંકીને વિરોધ જાહેર કરવો. એમણે બોંબ ફેંકવાના બે ઉદ્દેશો નક્કી કર્યા – એક તો, સરકારને દેખાડવું કે લોકો આ બિલોનો સખત વિરોધ કરશે; બીજું કોંગ્રેસને પણ દેખાડવું કે ધારાસભા દ્વારા કંઈ મેળવવાની તમારી આશા ખોટી છે.

એમણે એમના એક ક્રાન્તિકારી સાથી જયદેવને ઍસેમ્બ્લીમાં જવાના પાસ મેળવી આપવાની જવાબદારી સોંપી. એણે ત્યાંના ઑફિસર સાથે દોસ્તી કરી લીધી અને ઘટનાના દિવસથી પહેલાં પણ બે-ત્રણ સાથીઓને જગ્યા જોવા લઈ ગયો. એક વાર ભગત સિંહ પણ જઈ આવ્યા. પાછા ભાગવા માટે કારની વ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ ભગતસિંઘ અને વિજય કુમાર સિન્હાએ કહ્યું કે ભાગી જવાથી એ માત્ર અડપલું ગણાશે, લોકો સુધી ક્રાન્તિનો સંદેશ નહીં પહોંચે. એટલે એમ નક્કી થયું કે પકડાઈ જવું અને કેસ ચાલે ત્યારે કોર્ટમાં HSRAનો ક્રાન્તિકારી કાર્યક્રમ જાહેર કરવો કે જેથી લોકો સુધી વાત પહોંચે. પછી એમણે નક્કી કર્યું કે ભગત સિંઘ જાય અને એની સાથે કોઈ પણ હોય. એમાં ક્યારેક વિજય કુમાર સિન્હાનું નામ આવતું તો ક્યારેક સુખદેવ કે રાજગુરુનું. પરંતુ શિવા વર્મા વગેરે સાથીઓ આઝાદ કે ભગત સિંઘને મોકલવાની વિરુદ્ધ હતા. અંતે નક્કી થયું કે બટુકેશ્વર દત્ત અને વિજય કુમારને મોકલવા. દત્ત મૂળ તો યુક્ત પ્રાંતના જ પણ કંઈ થતું ન હોવાથી બિહાર ચાલ્યા ગયા હતા. એમની ફરિયાદ હતી કે આટલો લાંબો સમય એ ગ્રુપમાં રહ્યા તો પણ એમને કશામાં કેમ સામેલ નથી કરતા?

ભગત સિંઘે હવે જવાનું નહોતું પણ સુખદેવે ભગત સિંઘને કહ્યું કે તું કેમ નથી જતો? ભગત સિંઘે જવબ આપ્યો કે સેંટ્રલ કમિટીએ એવો નિર્ણય કર્યો છે. સુખદેવે એને ટોણો માર્યો કે તું એવું દેખાડવા માગે છે કે તું બલિદાન આપવાનું ગૌરવ છોડે છે! એણે કોઈ છોકરીનું નામ પણ આપ્યું. પંજાબના એક નેતાને સજા કરતી વખ્તે જજે ટકોર કરી હતી કે એ આખા કાવતરાના સૂત્રધાર છે, પણ પોતે કાયર છે અને બીજાને હોમે છે. સુખદેવે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે તારા માટે પણ કોર્ટ આવું જ કહેશે. તે પછી ભગત સિંઘે સેંટ્રલ કમિટીમાં કહી દીધું કે એ પોતે જ જશે.

એ જ દિવસે સુખદેવે લાહોર જઈને બાબુજી (ભગવતી ચરણ વોહરા) અને દુર્ગાભાભીને સમાચાર આપ્યા કે ભગત સિંઘને છેલ્લી વાર મળવું હોય તો સાંજે જ દિલ્હી પહોંચો. ૧૯૨૯ની સાતમી ઍપ્રિલે એ બન્ને દીકરા સચીન સાથે દિલ્હી આવ્યાં. કુદ્સિયા બાગમાં ભગત સિંઘને મળ્યાં. દુર્ગાભાભી ભગત સિંઘને ભાવતાં રસગુલ્લાં લઈ આવ્યાં હતાં. બીજા દિવસે કદાચ ભગત સિંઘની લાશ જ જોવા મળે!

બીજા દિવસે આઠમી તારીખે ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ઍસેમ્બ્લીમાં દર્શકોની ગેલેરીમાં બેઠા. ત્રીજો સાથી જયદેવ દૂર બેઠો અને કંઈ થાય તે પહેલાં બહાર નીકળી ગયો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્ત ક્યાં બોંબ ફેંકવો તે જોતા રહ્યા. સરકારી પક્ષનો નેતા સર જ્હોનશુસ્ટર જ્યાં બેઠો હતો એમની નજીક જ મોતીલાલ નહેરુ બેઠા હતા. જો શુસ્ટર પર બોંબ ફેંકે તો મોતીલાલ નહેરુને પણ ઈજા થાય તેમ હતું.

બન્ને બિલો નામંજૂર થવાનાં હતાં અને શુસ્ટરે ઊભા થઈને જાહેર કર્યું કે આ બિલોને વાઇસરૉયે કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે; બરાબર તે જ વખતે ભગત સિંઘે એની પાછળ બોંબ ફેંક્યો. તરત બીજો બોંબ દત્તે ફેંક્યો. એક પછી એક બે મોટા ધડાકા થયા. નીચે બૂમરાણ મચી ગયું. માત્ર સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ અને મહંમદ અલી જિન્ના કંઇજ ન બન્યું હોય તેમ જ્યાં હતા ત્યાં જ બેઠા રહ્યા. તે પછી ભગત સિંઘે પોતાની પિસ્તોલમાંથી બે ગોળી શુસ્ટર પર છોડી પણ એ ટેબલ નીચે ઘૂસી ગયો. તે પછી ક્રાન્તિકારીઓએ HSRAનાં ચોપાનિયાં નીચે ફેંક્યાં અને ઈંક્લાબ ઝિંદાબાદ, ડાઉન વિથ ઇંપીરિયલિઝ્મ’નાં સૂત્રો પોકારવા લાગ્યા. આખી દર્શક ગૅલેરી ખાલી થઈ ગઈ. પણ એ બન્ને ત્યાં જ રહ્યા. સાર્જન્ટે આવીને પૂછ્યું કે આ તમે કર્યું? બન્ને પાસે હજી બાર કારતૂસ હતાં પણ એમણે એક પણ ગોળી ન છોડી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસની વૅન એમને લઈને બજારમાંથી પસાર થતી હતી ત્યારે ભગવતીજી, પત્ની અને પુત્ર સાથે ટાંગામાં જતાં હતાં. નાનો સચીન તો ભગતસિંઘને ઓળખી ગયો અને “લંબે ચાચા..” બોલી નાખ્યું પણ ભગવતીચરણ કે દુર્ગાદેવીએ, અને સામી બાજુ ભગત સિંઘે પરસ્પર ઓળખાણનો કોઈ ભાવ ન દેખાડ્યો.

આ કેસમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા થઈ.

બહેરાઓને સંભળવવા માટે વિસ્ફોટ

“ “બહેરાઓને સંભળાવવા માટે બહુ મોટા વિસ્ફોટની જરૂર હોય છે.” ફ્રાન્સના પ્રસિદ્ધ અરાજકતાવાદી શહીદ વૅલિયોંના આ અમર શબ્દો અમારા કાર્યના ઓચિત્યના સાક્ષી છે…”

એમનું નિવેદન આ શબ્દો સાથે શરૂ થાય છે. તે પછી એમણે કહ્યું કે છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ સરકારે દેશનાં અપમાનો કર્યાં છે. જનતા એવી આશામાં છે કે સાઇમન કમિશન કંઈક ટુકડા ફેંકશે. અને એમાં જે અંદરોઅંદર લડે છે ત્યારે સરકાર પબ્લિક સેફ્ટ ઍક્ટ, ટ્રેડ ડિસ્પ્યૂટ એક્ટ અને પ્રેસ સિડીશન ઍક્ટ લઈને આવે છે. આ સ્થિતિમાં HSRAએ આ પગલું લેવાનો પોતાની સેનાને હુકમ આપ્યો છે. બ્રિટિશ નોકરશાહી જે કરવા માગતી હોય તે કરે પણ આ હકુમત કાનૂની છે એવો દંભ ભેદવાની જરૂર છે. જનતાના પ્રતિનિધિઓને અમારી વિનંતિ છે કે તેઓ આ ઍસેમ્બ્લીનું પાખંડ છોડી દે, પોતાના મત વિસ્તારોમાં જાય અને લોકોને ક્રાન્તિ માટે તૈયાર કરે.

એમણે કહ્યું કે લાલા લાજપત રાયના ખૂનનો બદલો લેવા અમે આ કૃત્ય કર્યું છે. અમે મનુષ્ય જીવનને પવિત્ર માનીએ છીએ. અમને ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે કે જ્યારે દરેક વ્યક્તિને શાંતિ અને સ્વતંત્રતાનો મોકો મળશે…

આઝાદ ભારતમાં બટુકેશ્વર દત્ત સિગારેટના એજન્ટ

બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા ભોગવવા માટે આંદામાનની જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમણે ૧૯૩૩ અને ૧૯૩૭માં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી. જેલમાં એક સખત બીમાર થઈ ગયા તે પછી એમને પટના ખસેડ્યા અને ૧૯૩૮માં છોડી મૂક્યા, પણ ફરી પકડી લીધા. છેક ૧૯૪૫માં એ જેલમાંથી છૂટ્યા. ૧૯૪૭માં એ પરણીને પટનામાંજ રહ્યા.

પરંતુ કામ ધંધો કંઈ ન મળે. પછી એક સિગારેટ કંપનીમાં એમને એજન્ટ તરીકે કામ મળ્યું. એ આખો દિવસ સાઇકલ પર બીડી-સિગારેટનાં પેકેટો લાદીને દુકાને દુકાને ફરતા અને ગુજરાન ચલાવતા. ૧૯૬૪માં એમની તબીયત લથડી ત્યારે પટનાની એક હૉસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. એમની ચાકરી માટે કોઈ નહોતું, એકલા પડ્યા રહેતા. એમના મિત્ર ચમનલાલે એક લેખ લખીને સવાલ ઊભો કર્યો કે આ વા વિરે ભારતમાં જન્મ લઈને ભૂલ તો નહોતી કરી ને? તે પછી સરકારને આંચકો લાગ્યો. એ જ વર્ષે ૨૨મી નવેમ્બરે એમને દિલ્હીમાં ‘એમ્સ’માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એમને કૅન્સર હતું. પંજાબના મુખ્ય મંત્રી એમને મળવા ગયા અને પૂછ્યું કે એમના માટે પોતે શું કરી શકે?

આ વીરનો જવાબ ટૂંકો હતો – મારા અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગત સિંઘની સમાધિ પાસે કરજો.

૧૯૬૫ની ૧૭મી જુલાઈએ એ કોમામાં ચાલ્યા ગયા અને ૨૦મીએ એમણે શ્વાસ છોડ્યા. એમના અંતિમ સંસ્કાર હુસેનીવાલામાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા.

૦૦૦

સંદર્ભઃ

सिंहावलोकन, यशपाल, 1951, विप्लव प्रकाशन, लखनऊ

https://www.patrika.com/kanpur-news/tribute-to-batukeshwar-dutt-who-exploded-bombs-with-bhagat-singh-in-central-legislative-assembly-1354108/

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-32

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ : ૩૨: ક્રાન્તિકારીઓ (૫)

સાઇમન કમિશન

આપણે સૉંડર્સની હત્યાની વાત તો વાંચી લીધી અને એ પણ વાંચ્યું કે લાલા લાજપત રાય સાઇમન કમિશનના વિરોધમાં એક સરઘસની આગેવાની લઈને ચાલતા હતા તે વખતે એમના પર લાઠીનો પ્રહાર થયો અને તે પછી એ થોડા જ દિવસોમાં મૃત્યુ પામ્યા. પરંતુ સાઇમન કમિશન વિશે વાત કરવાની બાકી રહી ગઈ છે.

આપણે જોઈ ગયા છીએ કે ૧૯૧૯માં બ્રિટનની સંસદે ભારતના વાઇસરૉય મોંટેગ્યૂ અને બ્રિટિશ સરકારના ભારત માટેના મિનિસ્ટર ચેમ્સફોર્ડે સૂચવેલા સુધારાઓના આધારે ગવર્નમેંટ ઑફ ઇંડિયા ઍક્ટ બનાવ્યો. એમાં એની દસ વર્ષ પછી સમીક્ષા કરવાની વ્યવસ્થા હતી. આ સમીક્ષા માટે ૧૯૨૭માં વાઇસરૉય લૉર્ડ અર્વિને સાત સભ્યોના કમિશનની નીમણૂક કરી. આમાં બધા અંગ્રેજ હતા, એક પણ હિન્દુસ્તાની નહોતો. આ કારણે ગાંધીજીએ સાઇમન કમિશનનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું, અને તે સાથે આખા દેશમાં વિરોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. ડિસેમ્બર ૧૯૨૭માં મદ્રાસમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં કમિશનનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કરવામામ આવ્યો, અને બધા કોંગ્રેસીઓને ૩જી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે સર જ્હોન સાઇમન અને એમના સાથીદારો ભારતમાં પગ મૂકે તે ઘડીથી જ વિરોધ કરવાનો આદેશ આપ્યો. સાઇમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે ત્યાં હજારો લોકો વિરોધ દેખાડવા એકઠા થયા હતા. માત્ર જસ્ટિસ પાર્ટી. ડિપ્રેસ્ડ પીપલ્સ પાર્ટી અને મુસ્લિમો અને શીખોના થોડા પ્રતિનિધિઓ કમિશનના સ્ત્કાર માટે બંદરે હાજર હતા. આ પછી સાઇમન કમિશન જ્યાં ગયું ત્યાં કાળા ઝંડા દેખાડીને લોકોએ એનો વિરોધ કર્યો. ‘સાઇમન ગો બૅક’ના નારાથી આખો દેશ ગાજતો હતો.

મુસ્લિમ લીગ

સાઇમન કમિશન પ્રત્યે કેવું વલણ લેવું તે બાબતમાં મુસ્લિમ લીગમાં બે તડાં પડી ગયાં; એક હતું શફી ગ્રુપ અને બીજું જિન્ના ગ્રુપ. શફી ગ્રુપ સાઇમન કમિશનના ટેકામાં હતું પણ જિન્ના ગ્રુપ સાઇમન કમિશનનો બહિષ્કાર કરવાની હિમાયત કરતું હતું.

શફી ગ્રુપનું કહેવું હતું કે ૧૯૧૯મા સુધારા દ્વારા મુસલમાનોને અલગ પ્રતિનિધિત્વ મળ્યું છે તેસાઇમન કમિશનનો બહિષ્કાર કરવાથી રદ થઈ જશે. સર મહંમદ શફીની દલીલ હતી કે કોંગ્રેસ હિન્દુ પાર્ટી છે અને એની સાથે સૂર પુરાવીને બોલવાથી મુસલમાનોનું નુકસાન થશે. કોંગ્રેસ તો પહેલેથી જ અલગ મતદાર મંડળોનો વિરોધ કરતી હતી. આથી શફી ગ્રુપનું કહેવું હતું કે કોંગ્રેસ સાઇમન કમિશનનો વિરોધ કરે છે તેનો અર્થ એ નહીં કે એ મુસલમાનો સાથે સહકારથી રહેવા તૈયાર છે.

૧૯૨૭ના માર્ચની ૨૦મીએ દિલ્હીમાં જિન્નાના પ્રમુખપદે બન્ને તડાંની મીટિંગ મળી. જિન્ના કોંગ્રેસની માંગ સાથે સંમત હતા કે અલગ મતદાર મંડળ ન હોવાં જોઈએ. પરંતુ શફી ગ્રુપ પણ નબળું નહોતું. એટલે અમુક શરતો સાથે કોંગ્રેસને સાથ આપવાનો નિર્ણય લેવાયો. એક શરત એ હતી કે સિંધને મુંબઈ પ્રાંતમાંથી હટાવીને એનો અલગ પ્રાંત બનાવવો; સેંટ્રલ ઍસેંબ્લીમાં સંયુક્ત મતદાર મંડળના ધોરણે ત્રીજા ભાગની બેઠકો મુસલમાનોની હોવી જોઈએ; પંજાબ અને બંગાળમાં બધી કોમોએ પ્રતિનિધિત્વ મળે તે રીતે અનામત પદ્ધતિ લાગુ કરવી. આમ અલગ મતદાર મંડળ જતું કરીને મુસ્લિમ લીગ એક મહત્ત્વનું પગલું ભરતી હતી પરંતુ શફી ગ્રુપ તે પછી મુસ્લિમ લીગમાંથી હટી ગયું.

કમિશને ૧૯૩૦ના મે મહિનામાં બે દળદાર ભાગમાં પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો. એમાં એણે સંયુક્ત મતદાર મંડળની માગણી ટુકરાવી દીધી અને હિન્દુ અને મુસલમાઅનોને અલગ જ રાખ્યા. કમિશનની દલીલ હતી કે બન્ને કોમો વચ્ચે તંગદિલી છે ત્યાં સુધી મતદાર મંડળો અલગ જ હોવાં જોઈએ. કોંગ્રેસે આ માગણીઓનું સ્વાગત કર્યું.

કમિશનનો રિપોર્ટ આવે તે પહેલાં કોંગ્રેસ તરફથી મોતીલાલ નહેરુએ એક રિપોર્ટ જાહેર કર્યો, (જે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાયો). આ દ્વારા એમણે દેખાડ્યું કે હિન્દુસ્તાનીઓ બંધારણ વિશે સર્વસંમતિ સાધી શકે તેમ છે. મોતીલાલ નહેરુએ આંતરિક સ્વશાસનના સંપૂર્ણ અધિકાર સાથે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવાનું સૂચન કર્યું હતું.

નહેરુ રિપોર્ટ

કોંગ્રેસે ઑલ પાર્ટી કૉન્ફરન્સની રચના કરી જેમાં, તેજ બહાદુર સપ્રુ, એમ. આર. જયકર, સુભાષચંદ્ર બોઝ, સર અલી ઈમામ વગેરે હતા. રિપોર્ટમાં કહ્યું કે આ રિપોર્ટમાં માત્ર કોંગ્રેસ નહીં પરંતુ મુસ્લિમ લીગ અને શીખોના વિચારોને પણ સમાવી લેવાયા છે. મોતી લાલ નહેરુએ પોતાના રિપોર્ટમાં બ્રિટનમાં પ્રવર્તતા ખ્યાલનો સખત જવાબ આપ્યો. એમણે કહ્યું કે બ્રિટનમાં ઘણા લોકો એમ માને છે કે ભારતમાં અંગ્રેજી ઑફિસરોની સંખ્યા પચાસ ટકા જેટલી, અને તેનાથી પણ વધારે ઘટાડી નાખવાથી કામ ચાલી જશે. ભારત માટેના પ્રધાને પણ એમ જ કહ્યું હતું કે સાઇમન કમિશન જે સમીક્ષા કરશે તેમાં નીતિની પુનર્વિચારણા નથી આવતી, એ માત્ર વહીવટી સુધારા સૂચવવાની છે. નહેરુ રિપોર્ટ આ ધારણાને ખોટી ગણાવે છે અને ડોમિનિયન સ્ટેટસ ની માગણી કરે છે. ડોમિનિયન સ્ટેટસ એટલે કે ભારત પોતાના વહીવટ માટે સ્વતંત્ર હોય, પોતાનું રક્ષણ કરવાની સ્થિતિમાં હોય અને બ્રિટન જે રાષ્ટ્રકુટુંબ (કૉમનવેલ્થ) બનાવે તેમાંથી હટી જવું કે નહીં તે નક્કી કરવા સ્વતંત્ર હોય. એમણે કહ્યું કે બ્રિટનનો અભિપ્રાય એટલે શું? બ્રિટિશ મતદારો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે ત્યારે એમને ભારત વિશે કંઈ ખ્યાલ જ નથી હોતો. બ્રિટિશ સંસદમાં ચુંટાઈને આવતા પ્રતિનિધિઓ પણ મોટા ભાગે તો જે સરકાર કહે તે માની લે છે. અને સરકાર એટલે ભારત માટેનો એનો પ્રધાન. આ પ્રધાન સીધી રીતે તો ભારતના સંપર્કમાં નથી. એણે તો વાઇસરોય જે કહે અથવા પોતાના થોડા ઑફિસરો કહે તે જ માની લેવું પડશે. એટલે ભારતને ‘જવાબદાર રાજતંત્ર’ની જરૂર નથી. કારણ કે એમાં અમુક મુલ્કી કામકાજના હક પ્રજાના પ્રતિનિધિઓને મળશે પણ સૈન્ય પર તો બ્રિટનનું જ પ્રભુત્વ રહેશે.

ઑલ પાર્ટી કૉન્ફરન્સને એક વિવાદ નડ્યો. મુસ્લિમ લીગની સિંધને અલગ કરવાની માગનીનો હિન્દુ મહાસભાએ વિરોધ કર્યો હતો. મુસ્લિમ પ્રતિનિધિઓ વસ્તી કરતાં વધારે સીટો માગતા હતા. આ માગણી તો જો કે નહેરુ કમિટીએ ન માની. પરંતુ વસ્તી પ્રમાણે એમને સીટો ફાળવવાની ભલામણ કરી.

નહેરુ રિપોર્ટ એટલા માટે મહત્ત્વનો છે કે એમાં સંપૂર્ણ બંધારણીય વ્યવસ્થા દેખાડી છે.

૦૦૦

સંદર્ભઃ

file:///D:/Independence/SSRN-id3440022.pdf

https://historypak.com/simon-commission-2/

The Nehru Report. First published in 1928, reprinted in 1975, Michico and Panjatan Publishers

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-31

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ : ૩૧ : ક્રાન્તિકારીઓ (૪) 

૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક તો, ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું. ગરમ કે નરમ, બન્ને જૂથોના નેતાઓ લોકમાન્ય તિલક કે ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા. ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં. પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા. તેમાંથી, આપણે ૩૦મા પ્રકરણમાં જોયું તેમ પહેલાં HRA અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત, સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા. જો કે, હજી એમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી, અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી. ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી. એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા. હજી એમની સમજ પૂરી વિકસી નહોતી. આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું.

દાખલા તરીકે, ૧૯૨૮ના ડિસેમ્બરમાં સામ્યવાદી નેતા સોહન સિંઘ જોશ સાથેના પત્રવ્યવહારમાં ભગત સિંઘે લખ્યું કે “અમે તમારી પાર્ટીનાં કામો અને કાર્યક્રમો સાથે સંમત છીએ પણ ક્યારેક એવો સમય પણ આવે છે કે જનતામાં વિશ્વાસ જગાડવા માટે દુશ્મનના પ્રહારનો તરત જ સશસ્ત્ર જવાબ આપવાનું જરૂરી બની જાય છે.” (એમના વિચાર “તરત જ સશસ્ત્ર જવાબ” કરતાં આગળ નીકળી ગયા હતા).

સાઇમન કમિશન અને લાલા લાજપતરાયનું મૃત્યુ

૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે લાહોરમાં સાઇમન કમિશનના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું. કમિશનમાં એક પણ હિંદી ન હોવાથી કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બીજાં ઘણાં જૂથોએ એનો બહિષ્કાર કર્યો હતો. એ દિવસે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી. (સાઇમન કમિશન અને કોંગ્રેસની અંદરની અન્ય ઘટનાઓ માટે આપણે હજી સમયના ચક્રમાં પાછળ જવાનું જ છે; હમણાં આટલું પૂરતું છે). આમ છતાં. પંજાબ કેસરી લાલા લાજપતરાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા હતા. જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું. સામાન્ય લોકોએ એમના મૃત્યુ માટે પોલીસને જવાબદાર માની. લાહોર ક્રોધથી કંપતું હતું.

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. એમનો ઇરાદો તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણેના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકરીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. એમનો હેતુ તો એમ હતો કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે એને ઘેરો ઘાલ્યો પણ એ તો નાસી છૂટ્યા હતા.

ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર ઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

ભગવતી ચરણ વોહરા

ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.

સંદર્ભઃ

1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

2. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm

india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-30

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણઃ ૩૦: ક્રાન્તિકારીઓ (૩)

ક્રાન્તિકારી સંગઠન હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન

ચૌરીચૌરાની ઘટના પછી દેશમાં નિરાશા અને સુસ્તીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આંદોલન બંધ રહેવાની ખરાબ અસરો દેખાતી હતી. પ્રજામાં જોશનું જે મોજું ઊછળતું હતું તે ઠંડું થવા લાગ્યું હતું. ખુદ કોંગ્રેસ પણ અવઢવમાં હતી. એક જાતનો શૂન્યાવકાશ હતો. એની એક અસર એ થઈ કે લોકોને જલદ પગલાં લેવાની જરૂર દેખાવા લાગી. ગાંધીજીના નેતૃત્વે જે આશા અને ઉત્સાહનો જનતામાં સંચાર કર્યો હતો તેનાથી લોકોમાં વિશાળ જન-આંદોલનો દ્વારા આઝાદી પ્રાપ્ત થવાનો વિશ્વાસ બંધાયો હતો. પણ હવે ગાંધીજીના નેતૃત્વથી નિરાશા પેદા થઈ હતી. ચારે બાજુથી ગાંધીજીની ટીકા થતી હતી (અને આજે પણ થાય છે!). એમની રીત અને વ્યવહારમાં લોકોનો વિશ્વાસ ડગવા લાગ્યો હતો. પરંતુ એ સમય સુધીમાં ગાંધીજીએ કોંગ્રેસ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું હતું અને એમની બરાબરી કરી શકે એવો કોઈ નેતા નહોતો. સૌ એ પણ સમજતા હતા કે લોકોની નાડ માત્ર ગાંધીજી પારખતા હતા અને એ એક માત્ર એવા નેતા હતા કે જે અવનવા કાર્યક્રમો દ્વારા ફરી ઉત્સાહ જગાવી શકે તેમ હતા. આમ જ્યાં સુધી ગાંધીજી કંઈ નવું ન કરે ત્યાં સુધી કોંગ્રેસ પણ કંઈ નવું કરવાની નહોતી.

આ સંજોગોમાં બંગાળના ક્રાન્તિકારી શચીન્દ્રનાથ સાન્યાલે દેશના બધા ક્રાન્તિકારીઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી પાર્ટી બનાવવાનું બીડું ઝડપ્યું. ૧૯૨૩માં એમણે ‘હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન’ (HRA)ની સ્થાપના કરી. એમણે એનો ઘોષણાપત્ર પણ તૈયાર કર્યો, જે ૧૯૨૫ના વર્શના પહેલા દિવસની રાતે જ આલ્ખા ઉત્તર ભારતમાં ઘેરઘેર પહોંચી ગયો. ઘોષણાપત્ર પર ૧૯૧૭ની રશિયાની ઑક્ટોબર ક્રાન્તિની સ્પષ્ટ છાપ હતી અને એનો પહેલો ઉદ્દેશ સશસ્ત્ર ક્રાન્તિ દ્વારા સત્તા પલ્ટો કરીને હિન્દુસ્તાનનાણ બધાં રાજ્યોનો સંઘ બનાવવાનો હતો.

એમણે એ પણ સ્પષ્ટતા કરી કે ભારતીય ગણ્રાજ્યનું અંતિમ બંધારણ તો આખા દેશના બધા પ્ર્રતિનિતિહો સાથે મળીને બનાવશે પણ એનો આધાર, માણસ દ્વારા માણસનું શોષણ થઈ શકે એવી વ્યવસ્થાના અંતમાં નિહિત હશે. લોકો સાર્વત્રિક મતાધિકારના આધાર પ્રમાણે પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે અને પ્રતિનિધિ બરાબર કામ ન કરે તો એને પાછો બોલાવવાનો પણ જનતાને અધિકાર હશે. શચીન્દ્રનાથ સાન્યાલના ઘોષણાપત્રમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે એમની પાર્ટી સમગ્ર માનવજાતના સહકારના સિદ્ધાંત પર રચાયેલી હોવાથી એ માત્ર રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય પાર્ટી છે. આમ છતાં એમાં એક જાતનો આદર્શવાદ હતો. પાર્ટી ભારતના મહાન ઋષિઓના ઉપદેશો અને આચરણ તેમ જ રશિયાની બોલ્શેવિક ક્રાન્તિના આદર્શોનો સમન્વય કરીને કામ કરવાની હતી.

એમાં આધ્યાત્મિકતાના અંશ પણ હતા – આ વિશ્વ માયા કે ભ્રમ નથી એટલે એના તરફ આંખ બંધ કરીને ન રહેવાય. વિશ્વ અવિભાજ્ય આત્માનું નજરે ચડતું રૂપ છે અને આત્મા શક્તિ, જ્ઞાન અને સૌંદર્યનો સર્વોચ્ચ ઉદ્‍ગમ છે. ઘોષણા પત્ર કહે છે કે “આપણા જીવનના દરેક પાસામાં લાચારીની ભાવના છે, અને આતંકવાદ જ એમાંથી જનતાને બહાર લાવી શકશે.” ખરેખર તો લાચારી કે નિરાશાની ભાવના અસહકાર આંદોલન પાછું ખેંચાવાને કારણે પેદા થઈ હતી.

પરંતુ ઉત્તર ભારતમાં આ ઘોષણાપત્રની બહુ અસર થઈ. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે પણ એમાં સામેલ થઈ ગયા. આમ HRA સંગઠન યુક્ત પ્રાંતમાં પણ ફેલાવા લાગ્યું. પરંતુ કાકોરી લૂંટ કેસમાં બિસ્મિલ, અશ્ફાક, રાજેન્દ્દ્ર લાહિડી અને રોશન સિંઘને ફાંસી આપી દેવાતાં સંગઠન નબળું પડી ગયું. નવા સાથી મળતા નહોતા અને સરકારનો કડક જાપ્તો હતો. પરંતુ ક્રાન્તિની ભાવના તો ફેલાઈ ગઈ હતી. તેમાં પણ ચંદ્રશેખર આઝાદ અને કુંદન લાલ ગુપ્તા કાકોરી કેસમાં કદીયે સરકારના હાથમાં સપડાયા નહીં, એટલે સશસ્ત્ર સંગઠન ફરી ઊભું થવાની શક્યતાઓ તો હતી જ. આ ચારેય ફાંસીઓને પગલે ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં ગણેશ શંકર વિદ્યાર્થીની હત્યા પછી કાનપુર ફરી સક્રિય થયું હતું. આપણે જોયું કે ભગત સિંઘે કાનપુર આશરો લેવા આવ્યા હતા અને વિદ્યાર્થીજીના પત્ર ‘પ્રતાપ’માં કામ કરતા હતા. તે પછી એ લાહોર ગયા પણ ત્યાંથી પાછા ન આવ્યા.

લાહોરમાં પણ ક્રાન્તિકારીઓ સક્રિય હતા. એમાં ભગત સિંઘ, સુખદેવ થાપર, ભગવતી ચરણ વોહરા ક્રાન્તિના સૈદ્ધાંતિક પાસા પર વધારે ભાર મૂકતા અને ઢગલાબંધ પુસ્તકો વાંચતા. કાનપુરમાં સત્યભક્ત અને મૌલાના હસરત મોહાની રશિયન ક્રાન્તિથી પ્રેરાઈને સમાજવાદ તરફ વળ્યા હતા, જો કે, બન્ને પર ધર્મનો પ્રભાવ પણ હતો. કાનપુરના ક્રાન્તિકારીઓ આ દરમિયાન ચન્દ્રશેખર આઝાદ અને કુંદન લાલ ગુપ્તા સાથે સંપર્કમાં આવી ગયા હતા.

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)

૧૯૨૮ના સપ્ટેમ્બરમાં ભગત સિંઘે હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશનની પુનર્રચના કરવાની દરખાસ્ત મૂકી. ભગત સિંઘે ચાર મુદ્દા રજૂ કર્યા. એક, સમાજવાદને પાર્ટીનું અંતિમ લક્ષ્ય છે એમ જાહેર કરવું; બે, આપણે માત્ર એવાં કામો હાથમાં લેવાં કે જેનો સીધો સંબંધ જનતાની જરૂરિયાતો કે ભાવનાઓ સાથે હોય; ત્રણ, ધન માટે માત્ર સરકારી ખજાના પર હુમલા કરવા, ખાનગી ઘરો પર નહીં; અને ચાર, સામૂહિક નેતાગીરીના સિદ્ધાંતનું કડકાઈથી પાલન કરવું.

આના પછી દિલ્હીમાં મળવાનું નક્કી થયું અને બિહાર, પંજાબ, રાજસ્થાન, બંગાળ અને યુક્ત પ્રાંત, એમ પાંચ પ્રાંતોના ક્રાન્તિકારીઓને આમંત્રણ મોકલાયાં. ચંદ્રશેખર આઝાદ પર તો પોલીસની નજર હતી એટલે એ નહોતા આવવાના પણ એમની પહેલાં જ સંમતિ લઈ લેવાઈ હતી જો કે બંગાળે જોડાવાની ના પાડી, માત્ર ચાર પ્રાંતોના દસ ક્રાન્તિકારીઓ દિલ્હીના ફિરોઝશાહ કોટલા (કિલ્લા)માં એકઠા થયા.

યુક્ત પ્રાંતના પાંચ પ્રતિનિધિ હતા, એમાંથી બે જણે અમુક શરતો મૂકી જે બીજાઓએ ન માની એટલે માત્ર આઠ જણ રહ્યા. એમાંથી બિહારના બે જણે સમાજવાદને મુખ્ય ધ્યેય બનાવવાનો વિરોધ કર્યો. બે દિવસની ચર્ચાઓ પછી ભગત સિંઘનો ઠરાવ ૬ વિ. ૨ મતથી મંજૂર રહ્યો. આમ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનની સ્થાપના થઈ.

સ્વાભાવિક રીતે જ ભગત સિંઘ એના માત્ર સક્રિય કાર્યકર્તા નહીં પણ વૈચારિક માર્ગદર્શક પણ બની ગયા. હવે સશસ્ત્ર ક્રાન્તિ માટે હથિયારો એકઠાં કરવાનું અને બોઁબ બનાવવાનું કામ શરૂ થઈ ગયું.

આગળની ઘટનાઓ હવે પછી.

૦૦૦

સંદર્ભઃ भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00

%d bloggers like this: