india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-62

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૨ : વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગનો પ્રવેશ

જિન્નાએ ડેઇલી મેઇલને પોતે આપેલા ઇંટરવ્યુની પ્રત દસમી સપ્ટેમ્બરે અખબારો માટે બહાર પાડી. એમાં એમણે કહ્યું કે બ્રિટિશ સરકાર નવેસરથી શરૂઆત કરવા માટે લંડનમાં બેઠક બોલાવશે તો તેઓ જવા તૈયાર હતા, પણ સામે ચાલીને પોતાનો કેસ રજૂ કરવા નહીં જાય. એમણે કહ્યું કે એમને ભવિષ્ય બહુ કાળું દેખાય છે. પછી એમણે યુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યની પોતે સેવા કરી તે યાદ આપતાં કહ્યું કે મુસલમાનોનો શું વાંક હતો કે વાઇસરૉયે એમને તરછોડ્યા છે? દુશ્મન ભારતના ઊંબરે ઊભો હતો ત્યારે ૧૯૪૨માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું પણ મુસલમાનો એમાં ન જોડાયા. એ વખતે મેં ઘણાંય મુસ્લિમ ગામોની મુલાકાત લીધી તો જોયું કે મુસ્લિમ સ્ત્રીઓ લાશો દફનાવવા માટે કબરો ખોદતી હતી, કારણ કે મુસલમાન પુરુષો તો બ્રિટિશ આર્મીમાં દુશ્મન સામે લડતા હતા. એમણે ૧૬મી ઑગસ્ટે કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના દિવસે હિંસા થઈ તેની વાત કરતાં કહ્યું કે અમે તો આ દિવસે શાંતિ રાખવા મુસલમાનોને અપીલ કરી હતી પણ હિન્દુ ગુંડાઓએ હુમલા કર્યા એમાંથી હિંસાચાર ફેલાયો.

ગૄહયુદ્ધની ચેતવણી

જિન્નાએ અમેરિકાની સમાચાર એજેન્સી એસોસિએટેડ પ્રેસને પણ એ જ દિવસે ઇંટરવ્યુ આપ્યો. એમણે કહ્યું કે કલકત્તા અને મુંબઈની હિંસા દેખાડે છે કે હિન્દુસ્તાને ગૃહયુદ્ધને આરે છે અને એનાં પરિણામોથી ચાળીસ કરોડની વસ્તી – હિન્દુઓ, મુસલમાનો, બીજી લઘુમતીઓ બચી નહીં શકે. ગૃહયુદ્ધ રોકવું હોય તો બધું એકડે એકથી શરૂ કરવાની જરૂર છે.

બ્રિટિશ રૂઢીચુસ્ત પાર્ટી મુસ્લિમ લીગની તરફેણમાં

સરકારની રચના થયા પછી તરત જ મુસ્લિમ લીગને મનાવી લેવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. મુસ્લિમ લીગને બ્રિટનની રૂઢીચુસ્ત પાર્ટીનો સબળ ટેકો હતો. ૧૯૪૬ની ચોથી-પાંચમી ઑક્ટોબરે રૂઢીચુસ્ત પાર્ટીની કૉન્ફરન્સે વચગાળાની સરકાર રચવાના મજૂર પક્ષની સરકારના નિર્ણયની આકરી ટીકા કરી. અર્લ વિંટરટને બેઠકમાં ઠરાવ રજૂ કર્યો તેમાં કહ્યું હતું કે લઘુમતીઓના અને દેશી રાજ્યોના અધિકારો બરાબર સચવાવા જોઈએ. ભારતના ઇતિહાસમાં આખો દેશ એક થઈ ગયો હોય તેવો સમય માત્ર બ્રિટિશ શાસન હેઠળ જ આવ્યો. હવે એવું જોખમ ઊભું થયું છે કે દેશમાં કોમી અથડામણો થશે ત્યારે એને રોકવા માટે બ્રિટિશ સૈન્યનો ઉપયોગ જાણે એ ભાડૂતી સેના હોય તેમ થશે. એમણે કહ્યું કે એ જ કારણે જવાહરલાલ નહેરુએ બ્રિટિશ સૈન્યને હટાવવાની માગણી નથી કરી, કારણ કે નહેરુ મુસલમાનોને સેનાની મદદથી કચડી નાખવા માગે છે.

વિંટરટનના ઠરાવના વિરોધમાં એક માત્ર ડગ્લસ રીડ બોલ્યા. એ ૨૩ વર્ષ ભારતમાં રહ્યા હતા અને છેલ્લાં છ વર્ષ, ૧૯૪૬ની શરૂઆતના મહિનાઓ સુધી મદ્રાસ પ્રાંતની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે કહ્યું કે મને ખબર છે કે હું અહીં જે કહીશ તે કોઈને પસંદ નહીં આવે પણ મારે એ કહેવું જ પડશે. રીડે કહ્યું કે આજે હિન્દુસ્તાનીઓ રૂઢીચુસ્ત પક્ષને નફરત કરે છે અને મજૂર પક્ષને ચાહે છે. તે પછી એમણે પોતાનું લખેલું ભાષણ પડતું મૂક્યું અને કહ્યું કે તૈયાર ભાષણથી કંઈ નહીં વળે, હું જ જાણું છું તે મારે કહેવું જોઈએ. કોંગ્રેસમાં કંઈ જ ખોટ નથી. કોંગ્રેસ મુક્તિ અને લોકશાહીમાં માને છે. આજે અહીં જે વાતો થઈ છે તેનાથી ભારતમાં સ્થિતિ પર કંઈ જ અસર નહીં પડે. તમે એમ કહો છો કે ભારત કૉમનવેલ્થમાં રહેશે, પણ તમારું વલણ એવું છે કે ભારતના નેતાઓ તમને કહી દેશે કે અમને જે ઠીક લાગે તે કરશું. એમણે ઉમેર્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પર ભારતનું દસ અબજ પૌંડ જેટલું કરજ છે. ભારત આપણી લોકશાહી, આપણા કાયદાકાનૂન, આપણી શિક્ષણ પદ્ધતિ અને દવાઓને સ્વીકારે છે, એ વાત ભૂલવી ન જોઈએ. આજે હિન્દુસ્તાનની જનતાને ખાતરી આપવી જોઈએ કે આપણે એમને બધી રીતે મદદ આપવા તૈયાર છીએ.

બીજા દિવસે ચર્ચિલે ભાષણ કર્યું અને મજૂર સરકારની ભારત માટેની નીતિની સખત ટીકા કરી. એણે કહ્યું કે સમાજવાદી સરકારે “બિચારા હિન્દુસ્તાની”ને બ્રિટિશ તાજના રક્ષણમાંથી હટી જવાનો વિકલ્પ આપ્યો છે. એણે કહ્યું કે હવે ભારત આફતને કિનારે આવીને ઊભું છે. ભારત અલગ થઈ જશે અને બ્રિટન માટે એ બહુ મિત્રાચારી પણ નહીં રાખે, અને તે સાથે એની એકતા પણ તૂટી પડશે. કરોડો લોકો જે યાતનાઓ અને રક્તપાતમાં સપડાઈ જશે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. “આ બધું દરરોજ અને દર કલાકે બને છે. એક મહા જહાજ ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગ્યું છે. જેમની જવાબદારી જહાજને બચાવવાની હતી એમણે તો દરિયાનાં પાણી અંદર આવે એવા દરવાજા ખોલી નાખ્યા છે.

મુસ્લિમ લીગ સરકારમાં આવે છે.

દરમિયાન મુસ્લિમ લીગને મનાવવાના પ્રયાસો વાઇસરૉય અને કોંગ્રેસે ચાલુ રાખ્યા હતા. એક બાજુથી જિન્ના અને નહેરુ, અને બીજી બાજુથી જિન્ના અને વાઇસરૉય વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો. તે પછી મુસ્લિમ લીગે નામોની યાદી સરકારને મોકલી.૧૫મી ઑક્ટોબરે વાઇસરૉય લૉજમાંથી અખબારી યાદી બહાર પાડવામાં આવી કે મુસ્લિમ લીગે સરકારના મંત્રીઓ તરીકે પાંચ નામ આપ્યાં છેઃ – લિયાકત અલી ખાન, આઈ. આઈ. ચુનરીગર, અબ્દુર રબ નિશ્તાર, ગઝનફર અલી ખાન અને જોગેન્દ્ર નાથ મંડલ.

એમને સમાવવા માટે શરત ચંદ્ર બોઝ, સર શફ્ફાત અહમદ ખાન અને સૈયદ અલી ઝહીરે રાજીનામાં આપ્યાં છે.

આ ચમત્કાર કેમ બન્યો?

આ ચમત્કાર નહોતો, કોંગ્રેસે લીગને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે માન્યતા આપી દીધી એ મૂળ કારણ હતું. આની શરૂઆત ગાંધી-જિન્ના મંત્રણાઓથી થઈ. નામો જાહેર થયાં તે પછી બીજા જ દિવસે જિન્નાએ ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કર્યો તેમાંથી દેખાયું કે ગાંધીજી સ્વીકારી લીધું હતું કે,

“ભારતના મુસલમાનોની વિશાળ બહુમતીનું પ્રતિનિધિત્વ લીગ કરે છે તે સ્થિતિને કોંગ્રેસ પડકારતી નથી અને સ્વીકાર કરે છે. આજે લીગને જ ભારતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્વિવાદ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે”

ગાંધીજીના દૃષ્ટિકોણમાં એટલું મોટું પરિવર્તન હતું કે કોંગ્રેસમાં જ ઘણાને એ સ્વીકારવું મુશ્કેલ લાગ્યું. નહેરુએ ૬ઠ્ઠી ઑક્ટોબરના પોતાના પત્રમાં જિન્નાને લખ્યું કે અમને લાગે છે કે આ ફૉર્મ્યુલામાં યોગ્ય શબ્દો નથી વપરાયા. એમણે સુધારો કર્યો –

ચૂંટણીનાં પરિણામો પરથી અમે એ માનીએ છીએ કે મુસ્લિમ લીગ ભારતના મુસ્લિમોની વિશાળળ બહુમતીની અધિકૃત પ્રતિનિધિ છે, પણ એ જ રીતે, કોંગ્રેસ પણ બિનમુસ્લિમોની અને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કરનાર મુસ્લિમોની અધિકૃત પ્રતિનિધિ છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે.”

ગાંધીજીને પણ લાગ્યું કે કાચું કપાયું છે અને એમણે એક પ્રાર્થના સભામાં ભૂલ સ્વીકારી કે એમણે બરાબર વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી. દરમિયાન રાષ્ટ્રવાદી મુસ્લિમોને લાગ્યું કે કોંગ્રેસે એમના ત્યાગની કદર ન કરી. કોંગ્રેસ એમાંથી કોઈને પણ મુસ્લિમોના નેતા તરીકે આગળ ન લાવી શકી. જિન્નાની પરવા કર્યા વિના કોંગ્રેસે પોતાનો મુસ્લિમ નેતા તૈયાર કર્યો હોત તો મુસલમાનોએ એને સ્વીકારી લીધો હોત. જો કે, બ્રિટનની સરકારને જિન્નાને મુસ્લિમોના અધિકૃત પ્રવક્તા માનવાનું ફાવતું હતું એ વાત ભૂલી જવાય છે. કોમવાદના ધોરણે કોઈ આટલું અડિયલ વલણ લે તેમાં બ્રિટનને વાંધો નહોતો. રૂઢીચુસ્ત પક્ષની કૉન્ફરન્સ પણ એ જ વાતની સાબિતી છે કે કોંગ્રેસ મુસલમાનો સાથે ઓરમાયું વર્તન કરે છે એવું કહેવું એ પ્રચારનું મહત્ત્વનું હથિયાર હતું.

જિન્નાએ નહેરુ સમક્ષ કેટલીક શરતો મૂકી હતી તેમાં એક એ હતી કે બધાં મહત્વનાં ખાતાંની ફાળવણી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાનપણે થવી જોઈએ. ૨૫મી ઑક્ટોબરે લીગના સભ્યો વચગાળાની સરકારમાં સામેલ થયા તે પછી એમને ખાતાંઓની ફાળવણી કરવામાં આવી જે જિન્નાએ વાઇસરૉયને સૂચવ્યા પ્રમાણે હતી. વાઇસરૉયે, જો કે, મુસ્લિમ લીગને ગૃહ ખાતું આપવાની ભલામણ કરી હતી પણ કોંગ્રેસમાં એના વિશે ચર્ચા થઈ તે વખતે ગૃહ પ્રધાન સરદાર પટેલ સંમત ન થયા. મૌલાના આઝાદનું કહેવું હતું કે ગૃહ ખાતું આપવું જોઈએ કારણ કે એ મુખ્યત્વે પ્રાંતોનો વિષય છે અને સેંટ્રલ કેબિનેટે કંઈ ખાસ કરવાનું નહીં રહે, પરંતુ સરદાર એ છોડવા તૈયાર નહોતા. એટલે નાણા ખાતું આપવાની વાત આવી ત્યારે સૌ તરત રાજી થઈ ગયા કારણ કે એમણે માન્યું કે એમાં ટેકનિક્લ કામ બહુ રહે અને મુસ્લિમ લીગમાં આ ખાતું સંભાળી શકે એવો કોઈ નહોતો. એટલે જ્યારે નાણા ખાતું સોંપવાની વાત આવી ત્યારે જિન્નાએ પણ વિચાર કરવા માટે એક દિવસનો સમય માગ્યો. પરંતુ નાણા ખાતામાંથી જ એક લીગતરફી અધિકારીએ એમને સલાહ આપી કે નાણા ખાતું બરાબર છે, કારણ કે એ રીતે દરેક ખાતામાં એની દરમિયાનગીરી રહેશે. કોંગ્રેસના આશ્ચર્ય વચ્ચે જિન્નાએ નાણા ખાતું સ્વીકારી લીધું. ખાતાંની ફાળવણી આ પ્રમાણે થઈ –

લિયાકત અલી ખાન (નાણા), આઈ. આઈ. ચુનરીગર (વ્યાપાર), અબ્દુર રબ નિશ્તાર (સંદેશ વ્યવહાર), ગઝનફર અલી ખાન (આરોગ્ય) અને જોગેન્દ્ર નાથ મંડલ (ધારાકીય). આને કારણે બીજા પ્રધાનોનાં ખાતાંઓમાં પણ ફેરફાર થયો.

તે પછી લીગના પ્રધાનોએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે એમણે હિન્દુસ્તાનના મુસ્લિમોના ભલા માટે સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેઓ સરકારની અંદર જઈને પાકિસ્તાન માટે લડતા રહેશે.

લિયાકત અલી ખાને પોતાના નાણા ખાતા વિશે બોલતાં કહ્યું કે હું એવી રીતે કામ કરીશ કે ધનવાન વધારે ધનવાન ન બને અને બન્ને રાષ્ટ્રો (હિન્દુ અને મુસ્લિમ)ને પૂરી આઝાદી મળે. એમણે એક બહુ જ અગત્યની વાત કરી, જેમાંથી વચગાળાની સરકારનું શું થશે તેનો સંકેત મળતો હતો. લિયાકત અલી ખાને કહ્યું:

“આ સરકાર હમણાંના બંધારણ હેઠળ રચાઈ છે અને એ કારણે એમાં સંયુક્ત કે સામૂહિક જવાબદારી જેવું કંઈ નથી પરંતુ તે સાથે જ, સરકારના દરેક સભ્યને સામાન્ય લોકોના હિતમાં પરસ્પર સુમેળ અને સહકારથી કામ કરવાની ઇચ્છા અને સંકલ્પ હોવાં જોઈએ.”

બીજા શબ્દોમાં કહીએ તો, એમણે કહી દીધું કે નાણા ખાતું એ પોતાની મરજીથી ચલાવશે, કોઈની શેહ કે શરમ નહીં રાખે. એમણે નહેરુને નેતા માનવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે નહેરુ એક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપપ્રમુખ છે એટલે બધી મીટિંગોનું સંચાલન કરશે તે સિવાય મને કોઈ વિશેષાધિકાર નથી. મુસ્લિમ લીગ એમને કોંગ્રેસના – અને માત્ર કોંગ્રેસના – પ્રતિનિધિ માને છે.

જિન્ના કહેતા કે વચગાળાની સરકાર “કૅબિનેટ” નથી. એમાં દરેક સભ્ય વાઇસરૉયને જવાબદાર છે. એક પત્રકાર પરિષદમાં જિન્નાનું ધ્યાન દોરવામાં આવ્યું કે નહેરુ અને વાઇસરૉય એને કૅબિનેટ કહે છે. એમણે કહ્યું કે એ કૅબિનેટ નથી. નહેરુ એ શબ્દથી રાજી થતા હોય તો વાઇસરૉયને એમને ખુશ રાખવામાં વાંધો નથી. નાનું મન નાની વાતોથી રાજી થઈ જાય. પણ એથી હકીકત બદલાતી નથી. એક ગધેડાને હાથી કહો તેથી એ હાથી ન બની જાય, ગધેડો જ રહે!

તે પછી લિયાકત અલીએ નાણા ખાતું એવી રીતે ચલાવ્યું કે બીજા કોઈ ખાતાની ગ્રાંટની માગણી માને જ નહીં, અને ત્યાં સુધી કે ઑફિસ માટે પટાવાળો નીમવો હોય તો પણ નાણા ખાતાની મંજૂરી વિના નીમવાનું શક્ય નહોતું અને નાણા ખાતું એની મંજૂરી આપે જ નહીં!

તે પછી ફેબ્રુઆરી ૧૯૪૭માં વચગાળાની સરકારનું બજેટ રજૂ કરવાનું હતું ત્યારે લિયાકત અલી ખાને ઉપરછલ્લી રીતે જોતાં કોંગ્રેસની જાહેરાતોને અનુરૂપ બજેટ બનાવ્યું પણ એનો હેતુ જુદો હતો. દાખલા તરીકે, ધનવાનોને કાબૂમાં રાખવા માટે જે દરખાસ્તો બનાવી તે મુખ્યત્વે હિન્દુ ઉદ્યોગપતિઓને અસર કરતી હતી. અને એમની સંપત્તિ કે વ્યાવસાયિક તકોમાં કાપ મૂકીને બીજાને લાભ આપવાનો હોય તે અચૂકપણે મુસલમાન હોય. લિયાકત અલીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે એ સમાનતામાં નથી માનતા, જે વર્ગ પછાત રહી ગયો હોય તેને વધારે ટેકો આપવામાં માને છે! રાજાજી અને સરદાર પટેલે લિયાકત અલી ખાનની દરખાસ્તોનો ખુલ્લો વિરોધ કર્યો.

કોંગ્રેસમાં હવે લાગવા માંડ્યું હતું કે નાણા ખાતું મુસ્લિમ લીગને આપીને એણે મોટી ભૂલ કરી છે.

 

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

Muslims Against Partition. Shamsul Islam

India wins Freedom –Maulana Abul kalam Azad

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-61

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૧ : વચગાળાની સરકારમાં કોંગ્રેસ

મુસ્લિમ લીગના ‘ડાયરેક્ટ ઍક્શન’થી પહેલાં ૧૨મી ઑગસ્ટે વાઇસરૉય હાઉસે એક નિવેદન બહાર પાડ્યું કે વાઇસરૉયે નામદાર રાજાની સરકારની સંમતિથી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુને વચગાળાની સરકાર રચવાની દરખાસ્ત રજૂ કરવા આમંત્રણ આપ્યું છે, જેનો કોંગ્રે પ્રમુખે સ્વીકાર કર્યો છે. નહેરુ થોડા દિવસોમાં આ અંગે વાઇસરૉય સાથે ચર્ચા કરવા દિલ્હી આવશે.

કોંગ્રેસે ઓચિંતા જ પોતાનો નિર્ણય ફેરવીને માત્ર બંધારણસભામાં નહીં પણ સરકારમાં જોડાવાનીયે હા પાડી દીધી! જિન્ના માટે આ અણધાર્યું હતું. પહેલાં એ એમ ધારતા હતા કે કોંગ્રેસે ના પાડી છે, એટલે સરકારે માત્ર મુસ્લિમ લીગને જ સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ. પરંતુ એમની આશા ફળી નહીં. ડાયરેક્ટ ઍક્શન એ નિરાશાનું જ પરિણામ હતું. પરંતુ એની ભયંકરતાનું કારણ એ કે ડાયરેક્ટ ઍક્શનને ટાંકણે જ વાઇસરૉય અને કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું. વાઇસરૉયે મુસ્લિમ લીગને જ કોરાણે મૂકી દીધી અને એકલી કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું!

વાઇસરૉયનું આમંત્રણ મળ્યાના બીજા જ દિવસે નહેરુએ જિન્નાને પત્ર લખીને સરકાર બનાવવામાં એમનો સહકાર માગ્યો.

નહેરુ– જિન્ના પત્રવ્યવહાર

નહેરુએ જિન્નાને લખ્યું કે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખ તરીકે મને આમંત્રણ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ અમારી ઇચ્છા સૌનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવી સરકારની રચના કરવાની છે. અને આ સ્થિતિમાં મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ. મને તમારા સહકારની જરૂર પડશે. આના માટે હું તમને મુંબઈમાં કે બીજે ક્યાંય પણ મળવા માગું છું. હું ૧૪મીએ વર્ધાથી રવાના થઈને ૧૫મીએ મુંબઈ પહોંચીશ. કદાચ ૧૭મીએ દિલ્હી માટે મુંબઈથી નીકળી જઈશ.

જિન્નાએ ૧૫મીએ જવાબ આપ્યો કે તમારા ને વાઇસરૉય વચ્ચે શી વાતચીત થઈ તે હું જાણતો નથી, પણ આનો અર્થ એ હોય કે વાઇસરૉયે તમને એમની એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાનું કામ સોંપ્યું હોય અને તમારી સલાહ પ્રમાણે કરવા સંમત થયા હોય તો આ સ્થિતિ સ્વીકારવાનું મારા માટે શક્ય નથી. આમ છતાં તમે કોંગ્રેસ વતી હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ શોધવા માટે મળવા માગતા હો તો આજે સાંજે છ વાગ્યે મારે ત્યાં ખુશીથી આવો.

જિન્ના અહીં ‘વચગાળાની સરકાર’ને બદલે ‘વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલ’ નામ આપે છે. નહેરુએ એમને તરત લખ્યું કે મારા અને વાઇસરૉય વચ્ચે કંઈ વાત નથી થઈ. એમણે થોડા શબ્દોમાં ઑફર કરી છે અને અમે સ્વીકારી છે, તે સિવાય બીજું કંઈ બન્યું નથી. વાઇસરૉયે ‘વચગાળાની સરકાર’ બનાવવાનું આમંત્રણ આપ્યું છે, એમણે ‘ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ’, એવા શબ્દો નથી વાપર્યા. વચગાળાની સરકારને વહીવટમાં શક્ય તેટલી વધુમાં વધુ છૂટ હશે એમ માનીએ છીએ. અમે આમંત્રણ સ્વીકાર્યું તે પછી વાઇસરૉય સાથે કંઈ વાત નથી થઈ, હવે દિલ્હી જઈને વાત કરું ત્યારે બધી વાતનો ફોડ પડે. તમે લખ્યું છે કે તમે જે રીતે સ્થિતિને સમજો છો તે રીતે સ્વીકારી શકતા નથી તેનો મને અફસોસ છે. કદાચ બધી વાતો સ્પષ્ટ થાય તો તમે કદાચ સંમત થશો અને તમારા નિર્ણયની ફેરવિચારણા કરશો તો અમને આનંદ થશે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે હંમેશાં તૈયાર છીએ પરંતુ હું કોઈ નવો મુદ્દો રાખી શકું તેમ નથી, કદાચ તમારી પાસે કોઈ સૂચન હોય, તો હું આજ સાંજે તમને મળવા તૈયાર છું પણ કાલે મળીએ તો વધારે સારું. હું ૧૭મીની સવારે દિલ્હી માટે નીકળીશ.

અંતે બન્ને ૧૫મીએ મળ્યા. તે પછી નહેરુએ પત્રકાર પરિષદમાં જાણ કરી કે જિન્નાએ ઑફર નથી સ્વીકારી, હવે કોંગ્રેસ એકલે હાથે સરકાર બનાવશે. એમણે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ તદ્દન સ્વતંત્રતાથી સરકાર બનાવશે. ટેકનિકલ દૃષ્ટિએ જોતાં, વાઇસરૉયનું સ્થાન જેમનું તેમ રહે છે પણ મને વિશ્વાસ છે કે એ સ્થાન બંધારણીય વડા જેવું રહેશે. વાઇસરૉયને વીટોની સત્તા હશે જ પણ જો એનો ઉપયોગ કરશે તો એનાં ભારે પરિણામ આવશે.

નહેરુએ કોંગ્રેસની સંમતિ વિશે કહ્યું કે આવું કોઈ કરે તે એવી તો આશા રાખે જ, કે એને બધાનો સહકાર મળશે, અને બધા પક્ષો સહકાર આપવા તૈયાર છે, સિવાય કે મુસ્લિમ લીગ. પરંતુ આજના સંજોગોમાં મુસ્લિમ લીગ સહકાર નથી આપતી એટલે અમે અટકી જઈએ એવું ચાલે તેમ નથી.

જિન્નાએ પંડિત નહેરુ પર જ હુમલો કર્યો કે મુસ્લિમ લીગે ઑફર ન સ્વીકારી એમ કહેવાને બદલે જો એમણે એમ કહ્યું હોત કે મુસ્લિમ લીગે શરણાગતી ન સ્વીકારી, તો એ સત્યની વધારે નજીક હોત.

નવી વચગાળાની સરકાર

નહેરુ અને જિન્ના વચ્ચે સામસામાં નિવેદનો થતાં રહ્યાં પણ દિલ્હીમાં વાઇસરૉયને મળ્યા તે પછી, ૨૪મીએ, વાઇસરૉયે વચગાળાની સરકારનાં નામો જાહેર કર્યાં:

પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, આસફ અલી, ચક્રવર્તી રાજગોપાલાચારી, શરત ચંદ્ર બોઝ, ડૉ. જ્‍હોન મથાઈ, સર શફકત અહેમદ ખાન, જગજીવન રામ, સૈયદ અલી ઝહીર, કોવરજી હોરમસજી ભાભા, નહેરુએ તે પછી બીજા બે મુસ્લિમોને પણ લીધા.

વાઇસરૉયે રેડિયો પરથી બોલતાં વચગાળાની સરકારની જાહેરાત કરી અને મુસ્લિમ લીગને પણ ફરી આમંત્રણ આપ્યું કે લીગ પોતાના પાંચ પ્રતિનિધિઓનાં નામ આપશે તો એમને કૅબિનેટમાં લેવામાં આવશે.

જિન્નાની ટીપ્પણી

વાઇસરૉયના બ્રોડકાસ્ટ પર ટિપ્પણી કરતાં જિન્નાએ એમના અને વાઇસરૉય વચ્ચે ૨૨મી જુલાઈ અને ૮મી ઑગસ્ટ વચ્ચે થયેલો પત્રવ્યવહાર બહાર પાડ્યો. જિન્ના એવું દેખાડવા માગતા હતા કે વાઇસરૉયે પાંચ નામો ફરી માગ્યાં તે ગેરરસ્તે દોરનારું કથન છે. વાઇસરૉયે ૨૨મી જુલાઈએ જિન્નાને પત્ર લખીને ચાર મુદ્દા સ્પષ્ટ કર્યા હતા –

1. વચગાળાની સરકારમાં ૧૪ સભ્યો હશે,

2. કોંગ્રેસ ૬ સભ્યોની નીમણૂક કરશે, તેમાંથી એક શિડ્યૂલ કાસ્ટનો પ્રતિનિધિ એણે નીમવાનો રહેશે.

3. મુસ્લિમ લીગ પાંચ સભ્યોને નીમી શકશે.

4. કોઈ પણ પક્ષ બીજા પક્ષે નીમેલા સભ્ય સામે વાંધો નહીં લઈ શકે.

છેલ્લો મુદ્દો એટલા માટે છે કે લીગનો દાવો હતો કે કોંગ્રેસ મુસલમાનની નીમણૂક ન કરી શકે. પરંતુ વાઇસરૉયે એનો અસ્વીકાર કરીને કોંગ્રેસને મુસલમાનની નીમણૂક કરવાની છૂટ આપી.

જિન્નાએ વચગાળાની સરકારમાં મહાત ખાધી એટલે બધો રોષ વાઇસરૉય પર ઠાલવ્યો. એમણે જવાબમાં લખ્યું કે સીટોની ફાળવણીની મૂળ ફૉર્મ્યુલા ૫ (કોંગ્રેસ), ૫ (લીગ) અને ૨ (અન્ય,) એવી હતી. એમાંથી ૫-૫-૩ થઈ અને પછી ૫-૫-૪ થઈ હવે તમે ૬-૫-૩ પર આવ્યા છો. આમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાન ફાળવણી કરવાની હતી તે તો રહ્યું જ નહીં. એટલું જ નહીં પણ તમે શિડ્યૂલ કાસ્ટને પણ અન્યાય કરો છો. એ કોંગ્રેસનો પ્રતિનિધિ હશે, શિડ્યૂલ કાસ્ટનો ખરો પ્રતિનિધિ નહીં, લઘુમતીના ત્રણ સભ્યોની નીમણૂક વાઇસરૉય કરશે. એમાં તમને મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવાનું જરૂરી નથી લાગતું.

ટૂંકમાં, જિન્નાને લાગતું હતું કે વાઇસરૉય અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થયા પછી એમણે મુસ્લિમ લીગને પડતી મૂકી દીધી. નહેરુ સાથે એમણે મુંબઈમાં વાતચીત કરી, તેના વિશે પણ જિન્નાએ કહ્યું કે નહેરુ માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા.

છેવટે આઠમી ઑગસ્ટે વૅવલે જિન્નાને લખી નાખ્યું કે હવે એ એકલી કોંગ્રેસને વચગાળાની સરકાર બનાવવાનું આમંત્રણ મોકલશે.

નવી સરકાર

સપ્ટેમ્બરની બીજીએ નહેરુની આગેવાની હેઠળ નવી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં. ખાતાંઓની ફાળવણી –

વિદેશી બાબતો અને કૉમનવેલ્થ( જવાહરલાલ નહેરુ), સંરક્ષણ ( સરદાર બલદેવ સિંઘ), ગૃહ, માહિતી અને પ્રસારણ સહિત (વલ્લભભાઈ પટેલ), નાણાં (જ્‍હોન મથાઈ), સંપર્ક વ્યવહાર, યુદ્ધ માટેના ટ્રાન્સપોર્ટ અને રેલવે સહિત (આસફ અલી), કૃષિ અને અન્ન (ડૉ. રાજેન્દ્ર પ્રસાદ), શ્રમ (જગજીવન રામ), આરોગ્ય, શિક્ષણ અને કલાઓ (સર શફકત અહેમદ), ધારાકીય બાબતો, પોસ્ટ અને હવાઈ સેવા (સૈયદ અલી ઝહીર), ઉદ્યોગ અને પુરવઠો (રાજગોપાલાચારી), વર્ક્સ, ખાણો અને વીજળી ( શરત ચંદ્ર બોઝ) અને કમિટીઓ ( કે. એચ. ભાભા).

તે પછી પત્રકાર પરિષદમાં નહેરુએ બધા પક્ષોનો સહકાર માગ્યો.

(વધુ આવતા અંકે)

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-60

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૦ : જિન્નાનું ‘ડાયરેક્ટ એક્શન’(૨)

જિન્નાએ નીતિમત્તાને નેવે મૂકી દીધી તે હિંસા આચરવા માટેનું ખુલ્લું આમંત્રણ હતું. જે જોવા મળ્યું તે એ હતું કે બ્રિટિશ સરકાર કરતાં કોંગ્રેસ પર જિન્નાને વધારે ગુસ્સો તો હતો જ, પણ આ ગુસ્સો હિન્દુઓ પર મુસલમાનોના ગુસ્સા તરીકે બહાર આવ્યો. બંગાળમાં મુસ્લિમ છાપાંઓ અને સંસ્થાઓએ લીગે ઠરાવ પસાર કર્યો તે પછી તરત ઝેરીલો પ્રચાર શરુ કરી દીધો હતો. બંગાળમાં એ વખતે મુસ્લિમ લીગના સુહરાવર્દીની સરકાર હતી. સરકારે ૧૬મી ઑગસ્ટે રજા જાહેર કરી. ઍસેમ્બ્લીમાં એનો વિરોધ થયો તેની સુહરાવર્દીએ પરવા ન કરી.

૧૩મી ઑગસ્ટના Star of Indiaએ કલકત્તા જિલ્લા મુસ્લિમ લીગે ૧૬મી ઑગસ્ટ માટે ઘડેલો કાર્યક્રમ પ્રકાશિત કર્યો. ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમનો દોર જિલ્લા મુસ્લિમ લીગે સંભાળી લીધો હતો. કાર્યક્રમ આ પ્રમાણે હતો –

સંપૂર્ણ હડતાળ રાખવી, કલકત્તા, હાવડા, મટિયા બુર્ઝ, હુગલી અને ૨૪ પરગણાના બધા જ મુસ્લિમ લત્તાઓમાંથી સરઘસો, કાફલાઓ અને અખાડાનું આયોજન કરવું. બપોરે બધા સરઘસોમાં નીકળીને ઑક્ટરલૉની મેમોરિયલ (હવે શહીદ મીનાર) પહોંચે અને ત્યાં બંગાળના પ્રીમિયર હુસેન શહીદ સુહરાવર્દીના પ્રમુખપદે યોજાનારી બધા જિલ્લાઓની સંયુક્ત રૅલીમાં જોડાય. ૧૬મી ઑગસ્ટ, શુક્રવારે બધી મસ્જિદોમાં ‘મુનાજાતો” (ખાસ નમાઝ) રાખવી. જિલ્લા મુસ્લિમ લીગના સેક્રેટરીએ એ વખતે રમઝાન મહિનો ચાલતો હતો તેની યાદ અપાવતાં કહ્યું કે આ મહિનો અલ્લાહની મહેર અને દુઆઓ માગવાની જેહાદનો મહિનો છે. કુરાન આ જ મહિનામાં ઊતર્યું, અને પયગંબરની સરદારી નીચે દસ હજાર મુસલમાનોએ મક્કા જીતી લીધું હતું અને અરબસ્તાનમાં ઇસ્લામમિયા ઉમ્મત(ઇસ્લામી કોમ)ની સ્થાપના કરી હતી.

પરંતુ, બીજું એક સરક્યુલર પણ ખાનગી રીતે મુસલમાનોમાં ફરતું હતું તેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતાઃ બધા મુસલમાનો પાકિસ્તાન માટે જાનફેસાની કરવા તૈયાર રહે; પાકિસ્તાન બની જાય તે પછી હિન્દુસ્તાનને ફતેહ કરવું; બધાને મુસલમાન બનાવી દેવા; એક મુસલમાન પાંચ હિન્દુની બરાબર છે.

પાકિસ્તાન ન બને ત્યાં સુધી હિન્દુઓની બધી ફેક્ટરીઓ અને દુકાનો બાળવી, લૂંટવી અને લૂંટનો માલ લીગની ઑફિસમાં જમા કરાવવો; બધા લીગીઓએ કાયદાનો ભંગ કરીને હથિયારો લઈને ફરવું; રાષ્ટ્રવાદી (લીગવિરોધી) મુસલમાનોને મારી નાખવા; ધીમે ધીમે હિન્દુઓને મારી નાખીને એમની વસ્તી ઘટાડવી; બધાં મંદિરો તોડી પાડવાં; દર મહિને એક કોંગ્રેસી નેતાનું ખૂન કરવું; ૧૮મી ઑક્ટોબર ૧૯૪૬થી હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કરવો, એમને ઉઠાવી જવી અને મુસલમાન બનાવી દેવી. હિન્દુઓનો સામાજિક, આર્થિક અને બીજી બધી રીતે બહિષ્કાર કરવો. બધા લીગીઓએ ૧૫મી સપ્ટેમ્બર સુધી આ સૂચનાઓનું પાલન કરવું.

૧૬મી ઑગસ્ટની સવારથી મુસલમાનો સરઘસમાં જોડાવા તૈયાર થઈ ગયા. ઍમહર્સ્ટ સ્ટ્રીટ, માનિકતલા અને બેલિયાઘાટા વિસ્તારોમાં મુસલમાનોનું ઝનૂન જોઈ શકાય તેવું હતું. મોટી સંખ્યામાં ગુંડાઓની ટોળકીઓ નીકળી પડી. હાથમાં મુસ્લિમ લીગના ઝંડા અને હથિયારો, લાઠીઓ, દેશી બોમ્બો સાથે બધા નીકળી પડ્યા અને તરત હુમલા શરુ થઈ ગયા.

ટોળાંઓ ‘લડ કે લેંગે પાકિસ્તાન, મર કે લેંગે પાકિસ્તાન’ જેવાં અને હિન્દુ વિરોધી સ્લોગનો પોકારવા લાગ્યા. લીગીઓના નિશાન પર હિન્દુઓ ઉપરાંત રાષ્ટ્રવાદી મુસલમાનો પણ હતા. ભીડ એવા જ એક લીગવિરોધી મુસ્લિમ, સૈયદ નૌશેર અલીના ઘર પર ત્રાટકી. નૌશેર અલી અને એમના કુટુંબને પોલીસે રક્ષણ આપીને થાણા પર પહોંચાડી દીધાં પણ લીગીઓએ એમનું ઘર ખેદાનમેદાન કરી નાખ્યું અને ઘરના મલબા પર મુસ્લિમ લીગનો ઝંડો લહેરાવ્યો. હિન્દુઓએ મુસ્લિમ લીગે જાહેર કરેલી હડતાળમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. આથી કેટલાયે દુકાનદારોએ પોતાની દુકાનો ખોલી અને ઘણી જગ્યાએ મુસલમાનોની ભીડનો મુકાબલો પણ કર્યો પરંતુ અંતે ટોળાં જ ફાવ્યાં અને દુકાનો લુંટાઈ, સળગાવી દેવાઈ અને માલિકોનાં ખૂન થઈ ગયાં. ટોળાંઓમાં ઘણા જાણીતા ગુંડાઓ પણ હતા જેમને તરીપાર કરવામાં આવ્યા હતા, પણ સુહરાવર્દીની સરકારે એમના કલકત્તામાં પ્રવેશ પ્રત્યે આંખમિંચામણાં કર્યાં. એ જ દિવસે પૂર્વ કલકતાની એક કૉલેજની હૉસ્ટેલ પર ભીડ ત્રાટકી. એ વખતે રિવૉલ્વરોનો છૂટથી ઉપયોગ થયો.

બીજા દિવસે પણ ખૂનની હોળી ખેલાઈ, તેમાં પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક નિવૃત્ત ઍડીશનલ જજની હત્યા થઈ ગઈ. એ જ રીતે એક બીજો જજ પણ ટોળાથી બચવા માટે એક છોકરો ભાગતો હતો તેને બચાવતાં માર્યો ગયો. હુગલીમાં ચાલતી નાવોમાં પણ ચડીને ખલાસીઓને હુલ્લડબાજોએ માર્યા અને લોકોને ડુબાડી દીધા. એક જ દિવસમાં સત્તાવાર આંકડા પ્રમાણે ૨૭૦ જણ માર્યા ગયા અને ૧૬૦૦ ઘાયલ થયા. ઠેરઠેર ભડકે બળતી દુકાનો, ઘરોના મલબા, જમીન પર રઝળતી લાશો અને આકાશમાં મિજબાનીની આશામાં ઝળુંબતાં ગીધોએ કલકત્તાને એક નવું જ વિકૃત રૂપ આપી દીધું હતું. લાશો એવી જગ્યાએ પડી હતી કે ત્યાં ગીધો એકઠાં થયાં હોય તેને જોઈને ખબર પડતી કે એ જગ્યાએ લાશ પડી છે. પરંતુ સૌથી ખરાબ હુમલો મટિયાબુર્ઝમાં થયો. ત્યાં પાંચસો ઑડિયા મજૂરોને એક સાથી મોતને ઘાટે ઉતારી દેવાયા.

બીજા દિવસે હિન્દુઓ પણ સંગઠિત થયા અને સામનો કરવા લાગ્યા, પરંતુ, મુસ્લિમ લીગના બે નેતાઓએ પોલીસની મદદથી એમની બંદુકો લાઇસન્સો હોવા છતાં કબજામાં લઈ લીધી. આથી મુસલમાન ગુંડાઓને છૂટો દોર મળી ગયો. તોફાનીઓને મોકો મળવાનું કારણ એ હતું કે પોલીસ તંત્ર ખુલ્લી રીતે એમની સાથે હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે મળતા સંદેશના જવાબમાં અધિકારીઓ કહી દેતા કે રક્ષણ માટે કોંગ્રેસ પાસે જાઓ. અથવા તમારી કાલી માતા પાસે જાઓ. સુહરાવર્દીએ જાતે જ કંટ્રોલ રૂમનો કબજો લઈ લીધો હતો અને એણે પોલીસને કામ જ ન કરવા દીધું. એણે પોલીસને વચ્ચે ન પડવાનો હુકમ આપ્યો હતો. કોઈ પોલીસ અધિકારી મદદ આપવાની કોશિશ કરે તો સુહરાવર્દી રોકી દેતો હતો.

આ બધાની વચ્ચે એવા પણ સમાચાર મળ્યા કે શહેરના અમુક વિસ્તારોમાં પાડોશીઓએ એકબીજાનું રક્ષણ કર્યું અને બહારથી કોઈને ઘૂસવા ન દીધા. બીજી બાજુ એવું પણ બન્યું કે મધ્યમ વર્ગના શિક્ષિત મુસલમાનોને ગુંડા તત્ત્વો સામે નમતું જોખીને એમની મદદ કરવાની ફરજ પડી.

બીજા દિવસે શહેરમાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ, અને મિલિટરીએ પોતાના હાથમાં દોર લઈ લીધો. રમખાણ તો ત્રીજા અને ચોથા દિવસે પણ ચાલુ રહ્યાં પરંતુ મિલિટરીનો પ્રભાવ દેખાવા લાગ્યો હતો. તોફાનોની ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા ઘટવા લાગી હતી. પાંચમા દિવસે રમખાણોના અવશેષો સહિત શાંતિ સ્થપાઈ. રમખાણોમાં બે હજારથી વધારે લોકો માર્યા ગયા કે ઘાયલ થયા અને લાખોની સંપત્તિને પારાવાર નુકસાન થયું.

ઍસેમ્બ્લીમાં કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો અવિશ્વાસની દરખાસ્ત મૂકી જે ઊડી ગઈ. પરંતુ એની ચર્ચામાં બોલતાં ભૂતપૂર્વ પ્રીમિયર ફઝલુલ હકે બ્રિટિશ શાસનનાં આંખમિંચામણાંનો સંકેત આપતાં કહ્યું કે “બ્રિટિશ શાસનનો અંત આવી ગયો હોય એવું લાગતું હતું”. હક હજી એ જ અરસામાં મુસ્લિમ લીગમાં જોડાયા હતા, એટલે મતદાન વખતે એમણે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધ મત આપ્યો. હિન્દુ મહાસભાના શ્યામા પ્રસાદ મુખરજીએ કહ્યું કે કલકત્તાનો સૌથી મોટો ગુંડો સુહરાવર્દી પોતે જ છે. સુહરાવર્દીએ ખિજાઈને મુખરજીને જ સૌથી મોટા ગુંડા ગણાવ્યા. ચર્ચાનો જવાબ આપતાં સુહરાવર્દીએ આક્ષેપ કર્યો કે રમખાણ માટે કોંગ્રેસ જવાબદાર છે. ડાયરેક્ટ ઍક્શન માત્ર સભાસરઘસો યોજવા વિશે હતું, પણ આ કાર્યક્રમ શાંતિથી પાર ન પડે તે માટે કોંગ્રેસે તોફાનો કરાવ્યાં.

મતદાન થયું ત્યારે ૨૫ યુરોપિયન સભ્યો તટસ્થ રહ્યા. બે કમ્યુનિસ્ટ સભ્યો પણ તટસ્થ રહ્યા. બે ભારતીય ખ્રિસ્તીઓમાંથી એક સભ્યે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપ્યો. કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરનાર ત્રણ ડિપ્રેસ્ડ ક્લાસના સભ્યો મુસ્લિમ લીગની સાઇડમાં બેઠા અને સરકારની તરફેણમાં મત આપ્યો.

કલકત્તાના ઇતિહાસનાં આ સૌથી ગોઝારાં કોમી રમખાણોની અસર છેવટ સુધી રહી. કોમી રમખાણોનો દાવાનળ ફેલાતો રહે છે. રમખાણો શરૂ કેમ શરૂ કરવાં તે તો કદાચ સૌ જાણતા હોય પણ એને રોકવાનો ઉપાય કોઈની પાસે નથી હોતો. કલકતાની આગ ઠંડી થાય તેનાં માત્ર સાત અઠવાડિયાંમાં નોઆખલી સળગી ઊઠ્યું અને હજારો હિન્દુઓ માર્યા ગયા. આ કતલે-આમના સમાચાર દેશમાં ફેલાયા અને બિહારમાં બંગાળનાં રમખાણોના જવાબમાં હિન્દુઓએ મુસલમાનોને રહેંસી નાખ્યા. ભાગલા વખતની મારકાપમાં પણ આ રમખાણોની અસર રહી. પરંતુ આના વિશે વિગતમાં આગળ જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

The Great Calcutta Killings and Noakhali Genocide – દિનેશ ચંદ્ર શહા અને અશોક દાસગુપ્તા, પ્રથમ આવૃત્તિ ૨૦૧૧.

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-59

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૯: જિન્નાનું ‘ડાયરેક્ટ એક્શન’(૧)

ગયા અઠવાડિયે આપણે જોઈ લીધું કે જિન્ના એવી આશામાં રહ્યા કે બ્રિટિશ કેબિનેટ મિશન કોઈ એક પક્ષ સંમત થાય કે ન થાય, બંધારણ સભાની અને વચગાળાની સરકારની રચના કરશે જ; કોંગ્રેસે મુત્સદીગીરી વાપરીને ૧૬મી મેનું નિવેદન સ્વીકાર્યું અને બંધારણસભામાં જવાનો નિર્ણય સ્વીકાર્યો, પણ૧૬મી જૂનના નિવેદનનો અસ્વીકાર કરીને સરકારમાં જોડાવાની ના પાડી દીધી. કોંગ્રેસે ૧૬મી જૂનની દરખાસ્ત ન સ્વીકારી એટલે જિન્નાએ માની લીધું કે હવે એકલી મુસ્લિમ લીગને જ વાઇસરૉય સરકાર બનાવવા કહેશે. પરંતુ એ ચોખ્ખું કહેવાય તેમ નહોતું. એવામાં વાઇસરૉયે અંતે અધિકારીઓની નિયુક્તિ કરીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. જિન્ના માટે આવી ભરાયા જેવું થયું. એમને લાગ્યું કે કોંગ્રેસ પોતાના શબ્દોમાંથી ફરી ગઈ. સરકાર બનાવવા માટે જિન્ના કોંગ્રેસને ઓઠા તરીકે વાપરવા માગતા હતા પણ એવું ન બની શક્યું. હવે એ ગુસ્સામાં હતા.

કૅબિનેટ મિશન ૨૯મી જૂને લંડન પાછું ફર્યું અને તે પછી એક મહિને ૨૯મી જુલાઈએ મુસ્લિમ લીગે પણ ૧૬મી જૂનના નિવેદનનો અસ્વીકાર કર્યો અને સરકારમાં – વાઇસરૉયે જે સરકાર બનાવવાની યોજના પડતી મૂકી દીધી હતી તેમાં – જોડાવાની ના પાડી દીધી. આ એક મહિના દરમિયાન શું થયું તે જાણવા નથી મળ્યું પણ એમ માની શકાય કે જિન્ના કોંગ્રેસને પડતી મૂકવાનું બ્રિટિશ સરકારને સમજાવવામાં લાગ્યા હશે. આના પછી સરકારમાં ન જોડાવાનો નિર્ણય લીધા સિવાય એમની સામે બીજો કોઈ રસ્તો નહોતો. લીગના કાર્યકરોને એ દેખાડવું પડે તેમ હતું કે હજી કંઈ ખાટુંમોળું નથી થયું.

આ દરમિયાન જવાહરલાલ નહેરુએ મૌલાના આઝાદ પાસેથી પ્રમુખપદ સંભાળી લીધું હતું. (મૌલાના ૧૯૪૦માં પ્રમુખ બન્યા હતા પણ ૧૯૪૨માં જેલમાં ગયા અને કોંગ્રેસને સરકારે ગેરકાનૂની સંગઠન જાહેર કરી હતી. ૧૯૪૫ સુધી કોંગ્રેસનું કામ બંધ પડી ગયું હતું અને તરત જ વાઇસરૉય સાથે બંધારણસભા અને વચગાળાની સરકાર વિશે વાતચીત શરૂ થઈ અને કૅબિનેટ મિશન આવ્યું). ગાંધીજીએ કૅબિનેટ મિશનના નિવેદનનું અર્થઘટન એવું કર્યું કે એને અમુક સૂચનો કર્યાં છે, જે બંધારણસભા માટે બંધનકર્તા નથી. એટલે એમાં જ ગ્રુપો બનાવવાનું સૂચન હતું તેનો બંધારણસભા અસ્વીકાર પણ કરી શકે છે. નહેરુએ એ જ લાઇન પકડી અને ૧૬મી મેનું નિવેદન સ્વીકારવા છતાં ગ્રુપિંગનો વિરોધ કર્યો.

ડાયરેક્ટ ઍક્શન

જિન્ના આખું જીવન બંધારણવાદી રહ્યા; ગાંધીજીના વ્યાપક જનસમુદાયને આવરી લેતા કાર્યક્રમોનો સદાયના વિરોધ કરતા રહ્યા. રાજકીય ઘટનાચક્રમાં સામાન્ય માણસને સાંકળવાના વિરોધી રહ્યા પણ હવે એમણે બંધારણીય વાતો પડતી મૂકી અને જનસમુદાયને ‘ડાયરેક્ટ એક્શન’ માટે હાકલ કરી. સત્તાવાળાઓએ માન્યું કે આ પણ ગાંધીજીના અહિંસક આંદોલન જેવું જ રહેશે, પરંતુ સર ખ્વાજા નસીરુદ્દીને જાહેરાત કરી દીધી હતી કે મુસલમાનો ‘અહિંસા’થી બંધાયેલા નથી. આમ છતાં, સત્તાવાળાઓ સમજ્યા નહીં કે આંખ મીંચામણાં કર્યાં. ૧૯૪૬ની ૧૬મી ઑગસ્ટે આખા દેશમાં લીગીઓએ સભા સરઘસો યોજ્યાં પણ બધી જગ્યાએ શાંતિ રહી; એકમાત્ર કલકત્તા સળગી ઊઠ્યું અને કોમી દાવાનળ ભડકી ઊઠ્યો. આ ઘટના ઇતિહાસમાં Great Calcutta Killing તરીકે જાણીતી બની છે.

૨૭-૨૯મી જુલાઈએ મુસ્લિમ લીગની ખાસ બેઠક મળી તેમાં જિન્નાએ નહેરુના આ વલણની આકરી ટીકા કરી. એમણે કહ્યું કે કૅબિનેટ મિશનની યોજનામાં જુદાં જુદાં ગ્રુપો બનાવવાનું સૂચન છે, (એટલે કે પ્રાંતોને પૂછ્યા વિના ગ્રુપ બનાવાય, અને દસ વર્ષ પછી કોઈ પ્રાંત એ ગ્રુપમાંથી નીકળી જવા માગતો હોય તો નીકળી શકે). પરંતુ કોંગ્રેસ એને જ ફગાવી દેવા માગે છે. સંપૂર્ણ બહુમતી તો કોંગ્રેસની જ રહેવાની છે, તો મુસલમાનોને રક્ષણ કઈ રીતે મળી શકશે? લૉર્ડ પૅથિક લૉરેન્સે બ્રિટનની આમસભામાં કહ્યું હતું કે હિન્દુસ્તાની પક્ષો આ યોજનાનું ઉલ્લંઘન ન કરી શકે, કારણ કે એમ કરવાથી બીજા પક્ષને નુકસાન થશે. જિન્નાએ કહ્યું કે આ મંતવ્ય એક પવિત્ર નિવેદન છે, પણ કોંગ્રેસ એને માનશે નહીં તો શું થશે?

વચગાળાની સરકાર બાબતમાં જિન્નાએ કહ્યું કે કોંગ્રેસે પહેલાં તો એનો અસ્વીકાર કર્યો અને તે પછી સર સ્ટ્ફર્ડ ક્રિપ્સે ગાંધીજી સાથે, અને લૉર્ડ પૅથિક લૉરેન્સે વલ્લભભાઈ પટેલ સાથે ચર્ચા કરીને એમને સમજાવ્યા કે લાંબા ગાળે કોંગ્રેસ એનું ગમે તે અર્થઘટન કરે, હમણાં તો એ સરકારમાં જોડાય તો સારું. તે પછી કોંગ્રેસની વર્કિંગ કમિટી સરકારમાં જોડાવા સંમત થઈ. જિન્નાને આમ બ્રિટિશ સરકારની યોજના સામે વાંધો નહોતો. ખરો વાંધો એ હતો કે કોંગ્રેસ એમનું મનફાવતું થવા દેતી નહોતી. એમણે કહ્યું કે હિન્દુસ્તાનના કોયડાનો ઉકેલ એક જ છે – પાકિસ્તાન બનાવો. એટલે કે એમનું ડાયરેક્ટ ઍક્શન બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઓછું, અને કોંગ્રેસની વિરુદ્ધ વધારે હતું.

બેઠક ફરી રાતે સાડાનવે મળી તે વખતે ઘણા ઠરાવો પર ચર્ચા થઈ. એ વખતે જિન્નાએ કહ્યું કે લીગે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની યોજનાઓ સ્વીકારી હતી, તેમ છતાં કૅબિનેટ મિશને પોતાના જ શબ્દોનું પાલન નથી કર્યું. હવે આ યોજનાને આખી જ નકારી દેવી કે એમાં સુધારા સૂચવવા, માત્ર એ બે મુદ્દા પર જ લીગે વિચાર કરવાનો છે.

ઠરાવો પર જે વક્તાઓ બોલ્યા તેમનાં ભાષણોમાંથી એક જ વાત ફલિત થતી હતીઃ એમને બ્રિટન કરતાં કોંગ્રેસ પર વધારે ગુસ્સો હતો. ફિરોઝ ખાન નૂને તો કહ્યું કે, આપણી ભૂલ ચોખ્ખા શબ્દોમાં સ્વીકારવી જોઈએ કે આપણે સંઘ સરકાર જેવી વ્યવસ્થાનો વિરોધ કરતા રહ્યા છીએ તેમ છતાં કૅબિનેટ મિશનની યોજનામાં સંઘ સરકારનું સૂચન છે તે આપણે માની લીધું. હવે એક જ રસ્તો છે કે આપણે બંધારણ સભામાં જઈએ અને ‘સંઘ’ વિશે ચર્ચા થાય તેમાં ભાગ ન લઈએ, અને ફરી આપણા ‘પાકિસ્તાન’ના આદર્શ પર પાછા વળીએ. હાલ પૂરતા, આપણે પોતાને જ ભૂંસી નાખીએ અને ચૂપ થઈ જઈએ. કોંગ્રેસ અંગ્રેજોને કેમ ભગાડે છે તે જોયા કરીએ કારણ કે અંગ્રેજ અને હિન્દુ, બે શત્રુઓ સામે લડવા કરતાં એમને અંદરોઅંદર લડવા દો. કોંગ્રેસ અંગ્રેજોને ભગાડી મૂકે તે પછી આપણે ફરી સક્રિય બનશું, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ સામે કેમ લડવું. બહાદુરો પર કોઈ હકુમત ન ચલાવી શકે.

નૂને અંગ્રેજો સામેનો મોરચો જ બંધ કરી દીધો અને કોંગ્રેસ અંગ્રેજો સામે જીતે તે પછી એની સામે લડવાની સલાહ આપી. એમને એમાં બહાદુરીનાં દર્શન થયાં.

બીજા વક્તા હતા, મૌલાના હસરત મોહાની (પ્રખ્યાત નઝ્મ “ચુપકે ચુપકે રાત દિન”ના શાયર). એમણે પોતાનો અલગ ઠરાવ રજૂ કરતાં કહ્યું કે જે લોકો પોતાના જ શબ્દોમાંથી ફરી ગયા છે તેમની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. હવે ક્રાન્તિકારી પગલું લેવાની જરૂર છે. જો જિન્ના કહેશે તો આખું મુસ્લિમ હિન્દુસ્તાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ક્રાન્તિ માટે તૈયાર થઈ જશે.

ડૉ અબ્દુલ હમીદ કાઝીએ ફિરોઝ ખાન નૂનનું સૂચન ન સ્વીકાર્યું કે મુસલમાનો તટસ્થ બેઠા રહે. એમણે કહ્યું કે હવે એવો સમય આવ્યો છે કે મુસલમાનો અંગ્રેજી હકુમતની સામે બહાર આવે અને પાકિસ્તાન અને હિન્દુસ્તાનને આઝાદી અપાવે.

ચર્ચા બીજા દિવસે પણ ચાલુ રહી અને ત્રીજા દિવસે, ૨૯મી જુલાઈએ લીગે બે મહત્ત્વના ઠરાવ પસાર કર્યા. એક ઠરાવ દ્વારા લીગે કૅબિનેટ મિશનની યોજનાનો સ્વીકાર કરવાનો પોતાનો પહેલાંનો નિર્ણય રદ કર્યો અને બીજા ઠરાવ દ્વારા મુસલમાનો પ્રત્યે બ્રિટિશ સરકારના અન્યાયભર્યા વ્યવહારનો સીધો જવાબ (ડાયરેક્ટ ઍક્શન) આપવાની બધા મુસલમાનોને અપીલ કરી અને વિદેશી સરકારે આપેલા બધા ખિતાબો પાછા આપી દેવાનો મુસલમાનોને આદેશ આપ્યો. બન્ને ઠરાવ સર્વાનુમતે પસાર થયા.

જિન્નાએ બંધ વાળતાં કહ્યું કે “અમે યુદ્ધ નથી ઇચ્છતા, પણ તમે યુદ્ધ કરવા માગતા હશો તો અમે વિના સંકોચે એના માટે તૈયાર છીએ.” તે પછી બધા ખિતાબધારીઓએ પોતાના ખિતાબો છોડવાની જાહેરાત કરી. જિન્નાએ આ ઠરાવોને ઐતિહાસિક ગણાવ્યા. એમણે કહ્યું કે મુસ્લિમ લીગે કદી બંધારણનો માર્ગ છોડ્યો નથી, આજે પહેલી વાર આપણે આંદોલનનો માર્ગ લઈએ છીએ.

૩૦મીએ લીગની વર્કિંગ કમિટી મળી અને ૧૬મી ઑગસ્ટે ‘ડાયરેક્ટ ઍક્શન દિન’ મનાવવાનો નિર્ણય જાહેર કર્યો. તે પછી પત્રકારોએ જિન્નાને ‘ડાયરેક્ટ ઍક્શન’ વિશે સવાલો પૂછ્યા. એક સવાલ હતો કે આ કાર્યક્રમ અહિંસાત્મક હશે કે કેમ? જિન્નાએ જવાબ આપ્યો કે “હું નીતિમત્તાની ચર્ચા નહીં કરું”!

આના પછી કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનને કારણે જે મોતનું તાંડવ ખેલાયું તેની વિગતો આપણે આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

%d bloggers like this: