India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-36

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૩૬: સુભાષબાબુ સુકાન સંભાળે છે

સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું. આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા, બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું. પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા! એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને? કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા. દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો.

સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો.

રાસબિહારી બોઝ ટોકિયો જઈને સુભાષબાબુને સિંગાપુર લઈ આવ્યા. સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું. આપણે આગળ જોઈ ગયા છીએ કે જાપાનીઓ ભારતીય યુદ્ધકેદીઓ અને બીજાઓ સાથે દાદાગીરીથી વર્તતા હતા પણ સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્‌ભાવનું વાતાવરણ રચાયું.

૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા. આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં. બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન (સિંગાપુર)ના ‘ગેકીજો’ (મૂળ નામ કૅથે થિએટર)માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું. જનરલ તોજોએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે ભારતને સ્વતંત્ર કરવા માટે સોનેરી તક ઊભી થઈ છે. રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને ‘દેશસેવક સુભાષબાબુ’ના નામની દરખાસ્ત મૂકી. દરખાસ્ત મૂકવી તો એક ઔપચારિકતા જ હતી.

સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઇએ એવો સમય પાકી ગયો છે. એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી. ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર-ઇન-ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે. એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ‘ભારત છોડો’ આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે. એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે.

સુભાષબાબુએ દેશની આરઝી હકુમત (હંગામી સરકાર)ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે.

પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું. એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી, બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે. એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે. અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે. ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે. આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ. આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે.

આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર

તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું.

Azad Hind Fauj Logo

સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ. એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી. તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા.

Azad Hind Fauj 1

સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું. એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો. લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ‘ઝાંસી કી રાની’ રેજિમેન્ટ બની.

Laxmi Sehgal

આરઝી હકુમત

૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્‍ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી. એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો. એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા. કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો. એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા. જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી.

આંદામાન-નિકોબારમાં આરઝી હકુમતની સત્તા

ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ, પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં? જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો. વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો. સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં, માત્ર નિરીક્ષક તરીકે. એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે. આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને ‘શહીદ’ અને નિકોબારને ‘સ્વરાજ’ એમ નવાં નામ આપ્યાં. ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન-નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો.

આંદામાન-નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી. એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા. પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી. જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં, માત્ર બીજા વિભાગો સોંપ્યા. આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા. પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો.

પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું. સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું. એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે. બીજી બાજુ, જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું.

બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા. હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો. સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં. પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું. પરંતુ,આંદામાન-નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા. એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો. આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી.

હજી આપણે નેતાજીને આગળ મળીશું.

૦૦૦

સંદર્ભઃ Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

https://en.wikipedia.org/wiki/Japanese_occupation_of_the_Andaman_Islands

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-35

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૫: સુભાષબાબુનું પરાક્રમ (૨)

સુભાષબાબુના મૃત્યુની અફવા

રૂટર સમાચાર સંસ્થાએ સમાચાર આપ્યા કે સુભાષચંદ્ર બોઝ થાઈલૅંડથી ટોકિયો જતા હતા ત્યારે એમનું વિમાન તૂટી પડતાં માર્યા ગયા છે. બે-ત્રણ દિવસ વાતાવરણમાં અજંપો અને વ્યાકુળતા રહ્યાં તે પછી ખુલાસો થયો કે મરનાર સુભાષચંદ્ર બોઝ નહીં પણ રાસ બિહારી બોઝ હતા. વળી ખુલાસો આવ્યો કે રાસબિહારી બોઝ હેમખેમ હતા. જો કે, દૂર પૂર્વના હિન્દુસ્તાનીઓ માટે તો આ હવાઈ અકસ્માત ભારે નુકસાન જેવો જ રહ્યો. થાઈલેંડથી ટોકિયો આવતું જે વિમાન તૂટી પડ્યું તેમાં ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના ચાર નેતાઓ હતા – સ્વામી સત્યાનંદ પુરી, સરદાર પ્રીતમ સિંઘ, કે. એ. એન. નાયર અને કૅપ્ટન અકરમ મહંમદ ખાન. આ બહુ મોટો ફટકો હોવા છતાં ટોકિયોમાં પરિષદ ચાલુ રહી.

રાસ બિહારી બોઝના પ્રમુખપદ હેઠળ પરિષદે ઠરાવ પસાર કરીને વિશ્વાસ જાહેર કર્યો કે આ યુદ્ધ પછી બ્રિટને એશિયા છોડવું જ પડશે. જાપાનના શહેનશાહની સરકાર વતી પ્રીમિયર જનરલ તોજોએ ભારતની આઝાદીની નીતિ જાહેર કરી હતી. તોજોએ કહ્યું હતું કે ભારત માટે બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થવાની આ સોનેરી તક છે, તેને ધ્યાનમાં લઈને પરિષદે જાપાન સાથે સહકાર સાધવાનો નિર્ણય કર્યો.

એમણે ‘ઍક્શન કાઉંસિલ’ બનાવી અને તેમાં ભારતીય સૈનિકો અને નાગરિકોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય લીધો. હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને તો પહેલાં જ મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને સોંપી દીધા હતા. વિદેશી સંબંધો, નાણાં વિભાગ, પોલીસ વ્યવસ્થા વગેરે ખાતાંઓ બનાવવામાં આવ્યાં અને ‘ઇંડિયન નૅશનલ આર્મી’ના હેડક્વાર્ટર્સની પણ રચના કરી અને એના હસ્તક વૉર ડિપાર્ટમેન્ટ, ભરતીનું ખાતું, યુદ્ધકેદીઓ માટેનું ખાતું વગેરે તંત્ર પણ ગોઠવવામાં આવ્યું. આ બધા નિર્ણયોને બેંગકોક પરિષદમાં નક્કર રૂપ આપવામાં આવ્યું.

ટોકિયો પરિષદે એક ઠરાવમાં જાપાનની શાહી સરકાર ભારત વિશેના વલણમાં વધારે સ્પષ્ટતા કરે એવી માગણી કરી અને ભારતની સંપૂર્ણ આઝાદીની ખાતરી માગી અને નાણાંકીય મદદ આપવા જાપાનને વિનંતિ કરી. ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ મદદ લોનના રૂપમાં હશે અને આઝાદ ભારતની રાષ્ટ્રીય સરકાર બનશે ત્યારે એ લોન પાછી ચૂકવી દેવાશે.

એમણે ફરી મે મહિનામાં મળવાનું નક્કી કર્યું.

સુભાષબાબુ સાથે સંપર્ક

ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા. ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો.

બેંગકોક પરિષદને જબ્બર સફળતા મળી. હિન્દુસ્તાનીઓ સંઘર્ષ માટે કમર કસીને ઊભા થયા. એમાં ટોકિયો પરિષદના નિર્ણય પ્રમાણે કાઉંસિલ ઑફ ઍક્શનના સભ્યો નિમાયા, એનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું અને જુદા જુદા સ્તરે ફરજો અને અધિકારોની વહેંચણી કરવામાં આવી.

જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ.

પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે; તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે. આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી. કાઉંસિલ ઑફ ઍક્શન પણ લીગ હેઠળ જ કામ કરવાની હતી. એ લીગની સર્વોચ સત્તાધારી સમિતિ હતી. આઝાદ હિન્દ ફોજ જાપાનથી સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની હતી તેમ છતાં ભારતની આઝાદી માટે જરૂરી જણાય તો આઝાદ હિન્દ ફોજને જાપાન સાથે સંયુક્ત કમાંડ હેઠળ મૂકવાનો અધિકાર પણ કાઉંસિલ હસ્તક રાખવામાં આવ્યો. આમ જાપાન ભારત તરફ આગળ વધે તેમાં આઝાદ હિન્દ ફોજ પણ જોડાવાની હતી. જો કે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતની ભૂમિ પર કોઈ લશ્કરી કાર્યવાહીમાં જોડાતાં પહેલાં કાઉંસિલ ભારતમાં કોંગ્રેસની ઇચ્છા અને નિર્ણયોને જ અનુસરશે. પરિષદનો એક નિર્ણય એ હતો કે ભારતમાં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયોમાં પણ અસંતોષ અને દેશદાઝ ફેલાવવા માટે તમામ પ્રયાસ કરવા કે જેથી લશ્કરમાં જ બળવો ફાટી નીકળે.

લીગ સામેની મુશ્કેલીઓ

બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી, તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા.

મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં, હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા. જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો. અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી!

જાપાની સૈન્યે હવે આઝાદ હિન્દ ફોજના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું. એક વાર તો જાપાને આઝાદ હિન્દ ફોજના નેતાઓ કોમવાદી હોવાનો આક્ષેપ કર્યો. બેંગકોક પરિષદે જાપાન સરકાર પાસેથી અમુક સ્પષ્ટીકરણ માગ્યાં હતાં. એ બાબતની મૌખિક ચર્ચાઓમાં જાપાની અધિકારીઓ સહાનુભૂતિ અને સંમતિ દેખાડતા પણ સત્તાવાર રીતે કદીયે સ્પષ્ટીકરણો ન મળ્યાં. પરિષદે પસાર કરેલા ઠરાવો વિશે પણ જાપાન સરકારે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું. કાઉંસિલ ઑફ ઍક્શન આઝાદ હિન્દ ફોજ અને જાપાની ફોજને સમકક્ષ માનવાનો આગ્રહ રાખતી હતી પણ જાપાન એના માટે તૈયાર નહોતું અને એ બાબતમાં સ્પષ્ટ કહેવા પણ નહોતું માગતું. મલાયામાં બનેલી એક ઘટનામાંથી ચોખ્ખું દેખાયું કે જાપાની સેનાના અધિકારીઓની નજરે બેંગકોક પરિષદની માગણીઓની કંઈ કિંમત નહોતી. ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું એક કેન્દ્ર રાઘવન ચલાવતા હતા. એક રાતે જાપાની લશ્કરી અફસરો ત્યાં આવ્યા અને કેટલાક છોકરાઓને પસંદ કરીને પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી પોતાના પ્રચાર માટે ભારત મોકલી દીધા. રાઘવનને ખબર પડી ત્યારે એમણે વાંધો લીધો પણ જાપાની અફસરોએ મચક ન આપી. અંતે રાઘવને એ કેન્દ્ર બંધ કરીને વિદ્યાર્થીઓને એમનાં માતાપિતા પાસે મોકલી દીધાં. કેન્દ્ર બંધ થયું તેને જાપાની અધિકારીઓએ અપમાનજનક કૃત્ય માન્યું અને રાઘવનને એમના જ ઘરમાં જ નજરકેદ કરી દીધા. હવે જાપાની અધિકારીઓની કિન્નાખોરી માઝા મૂકી ગઈ. એમણે કેટલાયે હિન્દુસ્તાની નેતાઓને જાસૂસીના આરોપસર પકડીને જેલ ભેગા કરી દીધા. તે સાથે જ, એમણે એવું વર્તન શરૂ કર્યું કે જાણે આઝાદ હિન્દ ફોજ એમના તાબામાં હોય. એમણે હિન્દુસ્તાની સૈનિકોની એક ટુકડી તૈયાર કરી અને એને બર્માના મોરચે લડવા મોકલી દીધી. આની દૂરગામી અસર બન્ને ફોજોના પરસ્પર સંબંધો પર પડી. કાઉંસિલની તાબડતોબ મીટિંગ મળી અને એણે બર્મા મોકલાયેલા સૈનિકોને જાપાની કમાંડરના હુકમોનું ઉલ્લંઘન કરવાનો આદેશ આપ્યો. જાપાન હિન્દુસ્તાનીઓનો ઉપયોગ ચિત્તાગોંગ પર હુમલા માટે કરવા માગતું હતું. બેંગકોક પરિષદમાં નિર્ણયથી એ તદ્દન વિરુદ્ધ હતું. ઇંડીપેન્ડન્સ લીગ આમાં તો સફળ રહી પણ બન્ને ફોજોના અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. એના કરતાં પણ વધારે ખરાબ વાત તો એ બની કે ખુદ હિન્દુસ્તાનીઓમાં જ તડાં પડી ગયાં.

એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી, તેમાં મલાયાના એન. રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં, તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં.

કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી. જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું. રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી. બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા. જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી. જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો. જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા. એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે, બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા. જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા.

હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે. આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું. મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો. રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી. રાઘવન, મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે. આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું. આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું.

આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-34

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૪: સુભાષબાબુનું પરાક્રમ (૧)

ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે. આપણે સુભાષબાબુને ૨૫મા પ્રકરણમાં છોડ્યા ત્યારે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા. એમણે ‘ભારત છોડો’ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી. એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું. એ અહીં જ ‘નેતાજી’ બન્યા.

સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો. એ અલગ નહોતો, અલગ પ્રકારનો હતો, પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો. અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી. ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી. ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું. આમ છતાં, આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો, પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા.

બીજી બાજુ, કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો! એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા, તો બીજી બાજુ, એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં. સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો.

પરંતુ સુભાષબાબુએ ‘આઝાદ હિન્દ ફોજ’ બનાવી એ ધારણા સાચી નથી. એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ. આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે.

રાસબિહારી બોઝ

અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો. રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા. દૂર-પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું. આ વાત થોડી વિગતે જોઈએ.

૧૯૪૧ની ૭મી ડિસેમ્બરે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો અને તે પછી બીજા દિવસે યુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી. તે પછી માત્ર ત્રણ મહિનામાં જાપાની સૈન્યે પૂર્વ એશિયામાં બ્રિટનને ધૂળ ચાટતું કરી દીધું.

૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો. ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ‘ઊગતો સૂરજ’ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી. બે દિવસ પછી, ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા. ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ ‘દુશ્મન’ દેશના નાગરિક છે, પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે, કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે. પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે. એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું. હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો. ૯મી-૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા, એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા. આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી. હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી. દાખલા તરીકે, મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા, માત્ર ‘નિરીક્ષકો’ મોકલ્યા. હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી, માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ.

નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ‘ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ’ના નેજા હેઠળ મળ્યા. એન. રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે. ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો, ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં’ અને બીજું, જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦,૦૦૦ અને મલાયામાં ૬૦,૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું.

થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે. આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે. સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે.

અંતે, સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના-યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો. આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી. બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું. સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ ‘અહિંસા’ શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે. આ બધું જોતાં, હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ. બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો.

પરિષદ પછી પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિનિધિઓએ કહ્યું કે બ્રિટન તરફથી લડતા હિન્દુસ્તાનીઓ સમક્ષ કોઈ ‘મિશન’ નહોતું, એ માત્ર નોકરી કરતા હતા. બ્રિટન સામે પરાજય તોળાતો હતો ત્યારે હિન્દુસ્તાનીઓ પ્રત્યે અખત્યાર કરાયેલા ઓરમાયા વર્તનની પણ એમણે વાત કરી કે બ્રિટને માત્ર પોતાના નાગરિકો અને સ્ત્રી-બાળકોને જ ખસેડ્યાં, હિન્દ્દુસ્તાનીઓને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. એમણે કહ્યું કે હિન્દુસ્તાની લશ્કરી અધિકારીઓ સાથે ભેદભાવ નહોતો થતો, પરંતુ હિન્દુસ્તાની અધિકારીઓ કોંગ્રેસનાં આંદોલનોના પ્રભાવમાં ઊછર્યા હતા એટલે બ્રિટિશ અધિકારીઓને તેઓ આદરથી નહોતા જોતા.

કોંગ્રેસે બ્રિટન પાસેથી આઝાદી માગી છે, તેને એમણે આવકાર આપ્યો અને કહ્યું કે હવે ભારતમાં ધર્મ કે નાતજાતના ભેદભાવ નથી અને રાજકીય દૃષ્ટિએ વિચારનાર હિન્દુસ્તાની માને છે કે આ ભેદભાવ અંગ્રેજોએ જ ફેલાવ્યા છે અને અંગ્રેજો જશે તો આ ભેદભાવ પણ નહીં રહે.

આઝાદ હિંદ ફોજ

સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા. જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે. તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે. કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા.

૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી. એમણે ‘ઇંડિયન નૅશનલ આર્મી’ (INA) શરૂ કરવા અપીલ કરી. કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા. પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું.

એ વખતે જાપાને બર્મામાં રંગૂન (હવે યંગોન) સર કરી લીધું હતું. આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું. ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું, તેની નોંધ લેવી જોઈએ. એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા. સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા. એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. એ સત્ય કે અફવા?

હજી આ કથા આગળ ચાલશે.

૦૦૦

સંદર્ભઃ

Netaji Subhash Chandra Bose: His life and work – translated from Gujarati ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય’ લેખકઃ મોહનલાલ મહેતા ‘સોપાન’ પ્રકાશન ૧૯૪૬.

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-33

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૩: ભારત છોડો (૪)

ગયા અઠવાડિયે આપણે ગાંધીજી અને વાઇસરૉય લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર જોયો. ગાંધીજીએ છેલ્લે ઉપવાસની જાહેરાત કરી દીધી, એ આપણે જોઈ લીધું. આજે, ૧૯૪૨ની નવમી ઑગસ્ટે ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું તે પછી ભારતની બહાર કેવા પડઘા પડ્યા, તે જોઈએ. આ આંદોલનની ચર્ચા બ્રિટનની આમસભામાં ન થાય એવું તો બને જ નહીં.

ચર્ચિલનું નિવેદન અને ચર્ચા

દસમી સપ્ટેમ્બરે વડા પ્રધાન ચર્ચિલે આમસભામાં નિવેદન કર્યું કે કોંગ્રેસ આખા દેશ વતી નહોતી બોલતી. શક્ય છે કે કોંગ્રેસની હાલની હિલચાલોને કારણે જાપાનના પાંચમી કતારિયા એનો લાભ લઈને સરકાર વિરુદ્ધ કામ કરતા હોય. આટલી અશાંતિ દેખાય છે પણ આવડા મોટા દેશમાં છેલ્લા એક મહિનામાં માત્ર પાંચસોનાં મોત થયાં છે. ગાંધી અને એમના સાથીઓને જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી દૂર જ રાખવા પડશે. ચર્ચિલે ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને બ્રિટિશ તાજ અને સંસદની સ્થાપિત નીતિ માનવી જોઈએ. એમાં કંઈ પણ વધઘટ નહીં થઈ શકે. કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી (ગૃહમાં તાળીઓ પડી). કોંગ્રેસ ભારતની બહુમતી જનતાનું પણ પ્રતિનિધિત્વ નથી કરતી (વધારે તાળીઓ પડી). કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ પણ નથી કરતી (ગૃહ ફરી તાળીઓથી ગાજી ઊઠ્યું). કોંગ્રેસ એક રાજકીય સંગઠન છે અને પક્ષના માળખાની આસપાસ અમુક મૅન્યુફેક્ચરિંગ અને નાણાકીય ઉદ્યોગો એને ટકાવી બેઠા છે (હવે સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું).

કોંગ્રેસનો વિરોધ નવ કરોડ મુસલમાનો, પાંચ કરોડ ડિપ્રેસ્ડ ક્લાસના લોકો કરે છે, અને રજવાડાંઓની સાડાનવ કરોડની રૈયત કોંગ્રેસની સાથે નથી. ઓગણચાળીસ કરોડ હિન્દુસ્તાનીઓમાંથી સાડાત્રેવીસ કરોડ કોંગ્રેસની વિરુદ્ધ છે. કરોડો લોકો આંતરિક વિખવાદથી થાક્યા હશે, ગાંધીની વિચિત્ર માનસિક ઉથલપાથલોથી કંટાળ્યા હશે અની નવી નેતાગીરી માટે ઝંખતા હશે. ચર્ચિલે કહ્યું કે શ્વેતપત્રની ભલામણો (ક્રિપ્સ મિશનની દરખાસ્તો) હજી ઊભી જ છે અને નાગરિક અસહકાર પાછો ખેંચી લેવાય તો એના વિશે ચર્ચા થઈ શકે છે.

ચર્ચિલના નિવેદનને ક્રિપ્સની સાથે ભારત આવેલા રૂઢિચુસ્ત પાર્ટીના સભ્ય જેરલ્ડ પાલ્મરે ટેકો આપ્યો પણ લિબરલ પાર્ટીના વિલ્ફ્રેડ રૉબર્ટ્સે કહ્યું કે ગાંધી શાંતિવાદી (pascifist) છે અને શાંતિવાદીઓને યુદ્ધ સામે વાંધો હોય છે. ગાંધી અને જવાહરલાલ નહેરુને જેલમાં રાખવા પડ્યા છે તે જરૂરી હોય તો પણ નિંદનીય છે, એમનામાં પશ્ચિમી લોકશાહીનાં બીજ આપણે વાવ્યાં છે, હવે એ લોકો અમેરિકનો, રશિયનો અને ચીનીઓ પાસેથી પણ શીખે છે. તો એ ત્રણેય પક્ષોને પણ આપણે સામેલ કરવા જોઈએ. આપણે કોઈ ત્રીજા પક્ષને આમાંથી રસ્તો કાઢવાનું સોંપી દઈએ તો હિન્દુસ્તાનીઓને એમાં વિશ્વાસ બેસશે અને બ્રિટનની પ્રતિષ્ઠા પણ વધશે.

ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીના સભ્ય જેમ્સ મૅક્સ્ટને કહ્યું કે કોંગ્રેસ બધાનું પ્રતિનિધિત્વ નથી કરતી એમ કહેવું ખોટું છે. સરકારે ભારતમાં પ્રાંતિક સરકારો બનાવવાનો અધિકાર આપ્યો ત્યારે લોકોએ કોંગ્રેસને જબ્બર બહુમતી આપી. એમને મળેલું લોક સમર્થન અહીં ચર્ચિલ અને એમના રૂઢિચુસ્ત પક્ષને મળેલા લોક સમર્થનની બરાબર છે. લેબર પાર્ટીના ત્રણ સભ્યોએ ચર્ચિલના નિવેદનને દુઃસાહસી, ઉદ્દંડ અને બેજવાબદાર ગણાવ્યું.

ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીનું ભાષણ

લૉર્ડ એમરીએ ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે ચર્ચિલના નિવેદનને સંપૂર્ણ વાજબી ગણાવ્યું અને કહ્યું કે ૧૯૪૧ના વસ્તીગણતરીના આંકડાઓ પરથી પણ પુરવાર થાય છે કે કોંગ્રેસ બધા હિન્દુસ્તાનીઓની પ્રતિનિધિ નથી, આ તબક્કે લેબર પાર્ટીના સભ્ય ડેવિસે દરમિયાનગીરી કરીને પૂછ્યું કે આ આંકડા કોણે તૈયાર કર્યા? ઍમરીએ જવાબ આપ્યો કે વસ્તીગણતરી ખાતાએ તો કોઈ ઉશ્કેરણીના હેતુથી આ આંકડા તૈયાર નથી કર્યા. વડા પ્રધાને આ આંકડાઓનો ઉપયોગ ભારતમાં કેટલી કોમો છે તે દેખાડવા કર્યો છે, પણ એય તદ્દન સાચું છે કે છ વર્ષ પહેલાં ચૂંટણી થઈ ત્યારે મુસલમાનોએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા હતા, પણ તે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે કોંગ્રેસ સાથે જેટલા મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસના લોકો છે તેના કરતાં બહુ ઘણા હિન્દુઓ મહાસભા સાથે છે. ઍમરીએ કહ્યું કે સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતથી પાછા આવ્યા તે પછી તરત એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ભારતની સરકાર સામે સીધો પડકાર ફેંકવા તૈયાર થવા લાગી હતી. આપણે પહેલાં પણ આંદોલનો જોયાં છે, પણ આ વખતે તો જુલાઈમાં જ ગાંધીએ કહી દીધું હતું કે આ લડાઈ એમના જીવનની આકરામાં આકરી લડાઈ હશે. એમના જ શબ્દો છેઃ “મારું વલણ બદલાઈ ગયું છે. હું રાહ જોઈ શકું એમ નથી, દેખાઈ આવે એવાં જોખમો છતાં મારે લોકોને ગુલામીનો સામનો કરવા કહેવું પડશે.” ગાંધીએ કહ્યું કે દેશની આઝાદી માટે લોકોએ બોંબ, બંદુકો અને તોપોનો પણ સામનો કરવો પડશે – ઍમરીએ આ સાથે સવાલ પૂછ્યો કે આને અહિંસક આંદોલન કહી શકાય? દસમી જુલાઈએ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો તે પછી ગાંધીએ કહ્યું કે “અહિંસા ઉત્તમ છે પણ જ્યાં એ સ્વાભાવિક રીતે ન આવે – અને લોકોમાં સ્વાભાવિક રીતે અહિંસા નથી પ્રગટતી – ત્યાં હિંસાનો રસ્તો જરૂરી અને માનભર્યો છે, કંઈ ન કરવું તે કાયરતા છે.”

લેબર પાર્ટીના સભ્યોએ ઍમરીનાં વિધાનો સામે વાંધા લીધા અને કોંગ્રેસના નેતાઓની ધરપકડ વિશે સવાલો કર્યા. ઍમરીએ જવાબમાં જિન્નાનું કથન ટાંક્યું કે “સરકાર પર હુમલો થાય તે પહેલાં સરકારે જ હુમલો કરી દીધો.”

ગાંધીને વાઇસરૉય બનાવો!

લૉર્ડ ઍમરીએ પોતાના ભાષણમાં ગાંધીજીને ‘ક્રાન્તિકારી’ ગણાવ્યા અને કહ્યું કે ગાંધીના આપખુદ સ્વભાવનો પ્રભાવ કોંગ્રેસ પર પડ્યો છે. થોડા જ દાયકા પહેલાં કોંગ્રેસ બંધારણીય માર્ગે રાજકીય સુધારા માગનારી સંસ્થા હતી તે ગાંધીના પ્રવેશ સાથે ઉદ્દામ બની ગઈ છે. એમનાં બધાં અહિંસક આંદોલનો અંતે હિંસક નીવડ્યાં છે, એ વાત સ્વયં ગાંધી જાણે છે અને આ આંદોલનમાં પહેલેથી જ હિંસાનું આયોજન હતું એટલે એમને જેલમાં પૂરી દેવાનું વાઇસરૉયનું પગલું સાચું હતું. એક સભ્યે કહ્યું કે હિંસા કોંગ્રેસના નેતાઓની ધરપકડ પછી શરૂ થઈ, પહેલાં નહીં. અને સરકાર પાસે એવા પુરાવા હોય કે ગાંધીની હિંસાની યોજના હતી તો શા માટે પુરાવા જાહેર નથી કર્યા?

દરમિયાન એક વાત સ્પષ્ટ થતી હતી કે લેબર પાર્ટી ક્રિપ્સ મિશન મારફતે બ્રિટિશ સરકારે રજૂ કરેલી દરખાસ્તોને પોકળ માનતી હતી. એક સભ્યે તો ગાંધીજીને વાઇસરૉય બનાવવાની સલાહ આપી! એક સભ્યે કહ્યું કે સરકાર શા માટે બંધારણ બનાવી આપવા માગે છે? બ્રિટનનું પોતાનું બંધારણ પણ સમયની સાથે વિકસ્યું છે, બનાવેલું નથી તો ભારતમાં અનેક સમસ્યાઓ હોય તો પણ બંધારણ બનાવવું એ હિન્દુસ્તાનીઓનું કામ છે, અને એમના પર છોડવું જોઈએ.

એક નોંધવા જેવી વાત એ છે કે બ્રિટનમાં યુદ્ધ પછી ચૂંટણી થઈ તેમાં ચર્ચિલની આગેવાની હેઠળના રૂઢિચુસ્ત પક્ષનો પરાજય થયો અને ઍટલીની નેતાગીરી હેઠળ લેબર સરકાર બની. ઍટલીને કારણે ભારત આઝાદ થયું એવી માન્યતા છે પણ ‘ભારત છોડો’ આંદોલનની ચર્ચામાં બોલતાં ઍટલીએ તદ્દન સામ્રાજ્યવાદી વલણ દેખાડ્યું અને કહ્યું કે ક્રિપ્સ મિશનની દરખાસ્તો બહુ સારી હોવા છતાં કોંગ્રેસ અને બીજા પક્ષોએ એને ફગાવી દીધી હતી. ક્રિપ્સની દરખાસ્તોમાં પ્રાંતોને સ્વતંત્ર થવાની છૂટ આપવાનું સૂચન હતું જે કોંગ્રેસની નજરે પાકિસ્તાન માટે બારણાં ખોલવા બરાબર હતું. કોંગ્રેસે એ કારણે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢી હતી. બીજી બાજુ, જિન્નાને એમાં ‘કપાયેલું’ પાકિસ્તાન દેખાતું હતું વળી શરત એ હતી કે, કાં તો ક્રિપ્સની આખી યોજના સ્વીકારો અથવા આખી યોજના નકારો. આમાં ચર્ચાને અવકાશ નહોતો પણ ઍટલીને એમાં કંઈ ખોટું નહોતું દેખાયું.

અમેરિકામાં અસર

બ્રિટનને ખરી ચિંતા અમેરિકામાં ‘ભારત છોડો’ આંદોલનના જે પડઘા પડ્યા તેના વિશે હતી. અમેરિકાની સરકાર અને પ્રજામાં આમ તો હંમેશાં ભારત માટે સહાનુભૂતિ હતી પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને અમેરિકા એક સાથે હતાં એટલે સરકારનો દૃષ્ટિકોણ બદલાયેલો હતો, લૉર્ડ ઍમરી અને બીજાઓને લાગતું હતું કે અમેરિકી સરકારને જ નહીં, સામાન્ય અમેરિકી નાગરિકને પણ સંતોષ આપવાનું જરૂરી હતું. ભારતની ભૂમિ પર અમેરિકાની મોટી ફોજ હતી. અમેરિકી સરકાર માટે આ સુવિધા બહુ જરૂરી હતી. કોંગ્રેસની માગણી મુજબ જો ભારત સ્વતંત્ર થાય તો યુદ્ધ બાબતમાં સ્વતંત્ર ભારતની સરકાર શું વલણ લે તે બાબતમાં અમેરિકી સરકારમાં શંકાઓ હતી. બીજી બાજુ, અખબારો પણ એકમત નહોતાં. અહીં ભારતમાં ગાંધીજી સહિતના બધા નેતાઓને અમેરિકામાં ભારતના હિમાયતીઓમાં જે ઢીલાશ દેખાતી હતી તે વિશે અજંપો હતો.

અમેરિકા અને બ્રિટન કહેતાં હતાં કે આ યુદ્ધ ચીન અને રશિયાની સ્વાધીનતાને બચાવી રાખવા માટે જરૂરી હતું. પરંતુ ગાંધીજીનો સવાલ જ એ હતો કે એક દેશને પરાધીન રાખીને, એની ભૂમિ પરથી, કોઈ બીજા દેશની સ્વાધીનતાને બચાવવા માટે લડાઈ કરવી એમાં કંઈ નીતિમત્તા નહોતી.

અમેરિકી પત્રકાર અર્નેસ્ટ લિંડલેનો લેખ

અમેરિકાની દ્વિધાનો પડઘો વ્હાઇટ હાઉસના બિનસત્તાવાર પ્રવક્તા જેવા મનાતા પત્રકાર અર્નેસ્ટ લિંડલેએ વૉશિંગ્ટન પોસ્ટમાં લખેલા એક લેખમાં મળે છે; એમણે અમેરિકા ત્રીજા પક્ષ તરીકે મધ્યસ્થી કરે એવો સંકેત આપ્યો છેઃ

“ભારતમાંથી નિયમિત માર્ગે ખાસ સમાચાર મળતા નથી, એનો અર્થ એ નથી કે ત્યાં બધું સારું ચાલે છે. એનો અર્થ એ છે કે ત્યાં બહુ આકરી સેંસરશિપ છે અને બ્રિટિશ સરકારે વિરોધને દબાવી દેવાનો માર્ગ લીધો છે. ભારતની આંતરિક રાજકીય સમસ્યાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ થતો હોય એવાં એંધાણ નથી. બ્રિટિશ સતાવાળાઓને વિશ્વાસ હોય એમ લાગે છે કે શ્રી ગાંધીના આંદોલનને બળથી કચડી શકાશે. કોંગ્રેસના નેતાઓ બણગાં ફૂંકે છે કે બે મહિનામાં તેઓ સરકારી તંત્રને ખોરવી નાખશે પણ કોઈ આ દાવાને ગંભીરતાથી લેતું નથી.

“અમેરિકી સરકાર માટે આ એક બહુ નાજુક સમસ્યા છે. ક્રિપ્સ મિશનની યોજનાને બધા પક્ષોએ ફગાવી દીધી તે પછી, અમેરિકામાં સરકારી અને અંગત અભિપ્રાય કોંગ્રેસની વિરુદ્ધ ગયો છે…કોંગ્રેસના નેતાઓનું વલણ તદ્દન થકવી દે તેવું છે અને એ માત્ર બ્રિટન કે યુનાઇટેડ સ્ટેટ્સ નહીં , ખુદ ભારતનાં હિતોની વિરુદ્ધ છે…જો દમન એક જ રસ્તો હોય તો બ્રિટન સામે, આજના સંજોગોમાં સવાલ ખડો કરી શકાય તેમ નથી, પરંતુ બ્રિટન અને કોંગ્રેસ વાટાઘાટો દ્વારા આ સમસ્યા ઉકેલી શકે એમાં જાણકારોને શંકા છે. કદાચ અમેરિકા અને ચીન મિત્ર તરીકે વચ્ચે આવે તો ઉપયોગી થાય.”

ચીન શું માનતું હતું?

બ્રિટન જેની સ્વાધીનતાના બચાવના ‘ઉદાત્ત’ ધ્યેય માટે લડાઈમાં ઊતર્યું હતું તેના પ્રખ્યાત લેખક અને વિદ્વાન લિન યુતાંગે ભારતની સ્વતંત્રતાની તરફેણ કરતો એક જોરદાર લેખ Free worldમાં લખ્યો. એ લેખના કેટલાક અંશ જોઈએઃ

“આપણે હિન્દુવિરોધી પ્રચારના આધારે વાતો કરીએ છીએ. આપણા મનને મનાવવા માટે માની લઈએ કે કોંગ્રેસ આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી; કોંગ્રેસમાં મુસલમાનો નથી; જિન્ના બહુ મહત્ત્વના છે; હિન્દુસ્તાનીઓને અંગ્રેજો માટે પ્રેમ છે અને બધું બરાબર ચાલે છે.

આવી ભ્રમણાઓમાં રાચવાનો સમય વીતી ચૂક્યો છે અને હવે એની કીંમત ચુકવવી પડશે…અમેરિકામાં ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવે છે પરંતુ શાણા નાગરિકો સમજે છે કે બ્રિટનના સેંસર અધિકારીઓની આંખે ભારતનો કેસ અમેરિકી જનતા સુધી કદીયે બરાબર પહોંચ્યો નથી… માનવ સ્વભાવનો એ નિયમ છે કે આપણે જેને ઈજા પહોંચાડવા માગતા હોઈએ તેને પહેલાં ભાંડીએ કે જેથી સાબિત કરી શકીએ કે ઈજા કરવાનું આપણું કૃત્ય ઈજા પામનારના ભલા માટે છે. એટલે આપણે બોલતા રહેવું જોઈએ કે “ગાંધી ખુશામતખોર છે, ગાંધી આપખુદ અને ખંધા રાજકારણી છે, ગાંધીને વાસ્તવિકતાની સમજ નથી, ગાંધી માત્ર બ્રિટનને પાયમાલ કરવા માગે છે.”

સવાલ એ છે કે ગાંધી શા માટે આટલા મૂર્ખ છે? નહેરુ જેવા માણસો અને કોંગ્રેસના બીજા નેતાઓ શા માટે આટલા મૂર્ખ છે? એમનાથી ગેરરસ્તે દોરવાઈ જાય એટલી હદે હિન્દુસ્તાનીઓ શા માટે મૂર્ખ છે?…હિન્દુઓ વિશે અમેરિકનો ન સમજી શકે એવું કંઈક છે. ગાંધી એટલા માટે મૂર્ખ છે કે એ પણ, જેના માટે જ્યૉર્જ વૉશિંગ્ટન લડતા હતા તે, ઇંગ્લેંડની પરાધીનતામાંથી મુક્તિ માટે લડે છે. ગાંધી અને નહેરુ વૉશિંગ્ટન જેટલા જ જેટલા જ હઠીલા છે. નહેરુ એટલા માટે મૂર્ખ છે કે એમને પણ વૉશિંગ્ટન કે થોમસ પેઇનને ‘લિબર્ટી’ જેવા નાનાઅમથા શબ્દ માટે જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ છે. ભારતને આજે જે અન્યાય થાય છે તે અમેરિકાની કૉલોનીઓમાં કે આયર્લેંડમાં પહેલાં થતો હતો, બરાબર એના જેવો જ છે. આજે અમેરિકનોને ‘લિબર્ટી” મળી ચૂકી છે ત્યારે આ નાનાઅમથા શબ્દનો અર્થ ભૂલી ગયા છે… ગાંધી અને નહેરુએ જે શક્તિને વૉશિંગ્ટને વહેતી કરી હતી તેને જ વહેતી કરી છે….આપણે રાષ્ટ્રોની મુક્તિ માટે યુદ્ધ કરીએ છીએ ત્યારે એ મહાન પ્રજા પોતાના રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે પોકારે છે… હાલમાં જ સેક્રેટરી હલ કહેતા હતા કે બધા દેશોએ મુક્તિ માટે લડવું જોઈએ; ભારતીયો એમના જ શબ્દોને અનુસરે છે. હવે હલ ભારતીયોને ન કહી શકે કે તમારે મુક્તિ માટે લડવાનું નથી… આપણે ગ્રીસ, યુગોસ્લાવિયા કે ફ્રાન્સની મુક્તિ માટે તલપાપડ છીએ પણ દુનિયાના સૌથી મોટા દેશ ભારતના મુક્તિ સંગ્રામ તરફ આપણે આંખો બંધ કરીને બેઠા છીએ.. ભારતને સ્વાધીનતા જોઈએ છે. એ સ્વાધીન દેશ તરીકે આપણી સાથે રહીને લડવા માગે છે. સાથી રાષ્ટ્રોનાં સૈન્ય ભારતની ભૂમિ પર રહે તેમાં એને વાંધો નથી, એમ કોંગ્રેસનો ઠરાવ સ્પષ્ટ દેખાડે છે…ભારતને સ્વતંત્રતા જોઈએ અને એના ભવ્ય નેતાઓએ ભારતને સ્વતંત્રતાને લાયક બનાવ્યું છે. સ્વતંત્ર ભારત ધરી રાષ્ટ્રો સામેની લડાઈમાં વધારે જોશથી જોડાશે પણ હું ચેતવણી આપું છું કે એને પોતાની સ્વાધીનતા નહીં મળે ત્યાં સુધી એ છોડશે નહીં…”

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register, Vol ii, July-December1942.


India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-32

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૩૨: ભારત છોડો (૩)

ગાંધીજી અને લિન્લિથગોનો પત્રવ્યવહાર અને ગાંધીજીના ઉપવાસ

ગાંધીજીએ યરવડા જેલમાં પહોંચ્યા પછી તરત ૧૪મી ઑગસ્ટે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોને પત્ર લખીને કોંગ્રેસના નેતાઓની ધરપકડનો વિરોધ કર્યો અને સરકારી જાહેરાતનું આગવું વિશ્લેષણ કરીને દેખાડ્યું કે કોંગ્રેસને ધીમે ચાલવામાં રસ હતો પણ સરકાર એવું થવા દેવા નહોતી માગતી.

ગાંધીજીએ કહ્યું કે હું આંદોલનનો આરંભ કરું ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈતી હતી કારણ કે મેં બહુ પહેલાં જ કહી દીધું હતું કે આંદોલન શરૂ કરતી વખતે સૌથી પહેલાં તો હું તમને પત્ર લખીને કોંગ્રેસની માગણી પર ફરી વિચાર કરવાની અપીલ કરીશ. મેં તમારી મુલાકાત પણ માગી હતી પણ તમે મુલાકાત ન આપી. કોંગ્રેસની માગણીઓમાં જે કંઈ ખામીઓ જણાઈ તે અમે દૂર કરી છે અને તમે એવા બીજા કોઈ દોષ દેખાડ્યા હોત તો તે પણ અમે દૂર કર્યા હોત. કોંગ્રેસ બહુ જ સંભાળીને ધીમે ધીમે ‘ડાયરેક્ટ ઍક્શન’ તરફ જતી હતી, કદાચ તમને એનો જ ડર લાગ્યો કે આવી ધીમી ગતિએ તો કોંગ્રેસ વિશ્વનો અભિપ્રાય ધીમે ધીમે પોતાની તરફ વાળી લેશે; એટલે જ આકરાં પગલાં લીધાં.

ગાંધીજીએ ધ્યાન દોર્યું કે સરકારી જાહેરનામું કહે છે કે “હિંદ સરકાર ધીરજથી રાહ જોતી રહી કે ક્યારેક શાણપણની જીત થશે, પણ એની આશા નિરાશામાં પરિણમી.” એમણે પૃથક્કરણ કરતાં કહ્યું કે “શાણપણની જીત” કહો છો તેનો અર્થ એ કે કોંગ્રેસ પોતાની માગણી પડતી મૂકશે એવી સરકારને આશા હતી, પણ નિરાશા સાંપડી. જે સરકાર હિંદુસ્તાનને આઝાદી આપવાનાં વચનો આપ્યા કરતી હોય તે આ હંમેશની વાજબી માગણી પડતી મુકાવાની આશા શા માટે રાખતી હતી? આ માંગ માની લેવાથી હિંદુસ્તાન ગુંચવાડામાં અટવાઈ જશે એવું કહેવું એ માનવજાત બધું સ્વીકારી લેતી હોવાના ખ્યાલ પર બહુ મોટો મદાર બાંધવા જેવું છે. એમણે કોંગ્રેસ હિંસક આંદોલનની તૈયારી કરતી હોવાના આક્ષેપને નકારી કાઢતાં કહ્યું કે અહિંસક જન-આંદોલનને આ ઘડીએ કચડી નાખવામાં કયું ડહાપણ હતું?

કોંગ્રેસ આપખુદશાહી દેખાડીને સત્તા કબજે કરવા માગતી હોવાના આક્ષેપનો પણ એમણે જવાબ આપ્યો કે જે સરકાર ભારતની સ્વાધીનતામાં આડશો ઊભી કરતી રહી છે તેના મોઢે આ વાત શોભતી નથી. તમારે કોંગ્રેસના હાથમાં રાષ્ટ્રીય સરકારનું સુકાન ન સોંપવું હોય તો મુસ્લિમ લીગને બોલાવો. લીગ જે સરકાર બનાવશે તેમાં કોંગ્રેસ સાથ આપશે. આ ઑફર ઊભી જ છે, અને એ જોતાં આપખુદશાહીનો આરોપ ટકતો નથી.

ગાંધીજી જાહેરનામાના પૃથક્કરણમાં આગળ વધે છે અને કહે છે કે હવે સરકારની ઑફર શી છે તે જોઈએ. સરકાર કહે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી બધા પક્ષો ભેગા મળીને – કોઈ એક પક્ષ નહીં – નક્કી કરશે કે એમને કયા પ્રકારની સરકાર જોઈએ, અને તે નક્કી કરવાની પૂરી આઝાદી મળશે. આ દલીલમાં કેટલું વજન છે? યુદ્ધ પછી આવું કેમ બની શકશે? આઝાદી હાથમાં આવ્યા પહેલાં તો સરકાર આજ સુધી જે કરતી રહી છે તે જ યુદ્ધ પછી પણ કરશે; એટલે કે, જે પક્ષો બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા હોય અને મોઢેથી આઝાદીની વાત કરતા હોય પરંતુ ખરેખર કોંગ્રેસનો વિરોધ કરતા હોય તે બધાને સરકાર આવકારશે, ભલે ને એ પક્ષની પાછળ જનતા હોય કે ન હોય. આમ આઝાદી પહેલાં મળે તો જ ભવિષ્યનું રાજતંત્ર કેવું હોય તે નક્કી કરી શકાય.

તે પછી, ભારતના સંરક્ષણની જવાબદારી હોવાના સરકારના દાવાને ગાંધીજીએ ધૂળ ચાટતો કરી દીધો. એમણે કહ્યું કે ભારતને આઝાદી ન આપવાના બહાના તરીકે સરકાર એના સંરક્ષણની વાત કરે છે, પણ મલાયા, સિંગાપુર અને બર્મામાં શું થયું, તે જાણ્યા પછી આ દાવો માત્ર સત્યની ઠેકડી ઉડાડવા જેવો છે. (બ્રિટિશ ફોજ આ વસાહતોમાં સામ્રાજ્યવાદી જાપાન સામે મોરચા છોડીને ભાગી છૂટી હતી). ગાંધીજી આગળ કહે છે કે ચીન અને રશિયાની આઝાદીને બચાવવી એ બ્રિટિશ સરકાર અને કોંગ્રેસ બન્નેનું લક્ષ્ય છે. પરંતુ ભારતને આઝાદી આપવા બ્રિટન તૈયાર નથી! આમ ગાંધીજીએ મૂલ્યનો સવાલ ઊભો કર્યો. કોઈની આઝાદીને બચાવવા માટે બીજા કોઈને પરતંત્ર રાખવા જોઈએ? ગાંધીજી કહે છે કે બ્રિટન ખરેખર તો પોતાના સામ્રાજ્યવાદી હેતુઓ માટે જ બધું કરે છે.

લિન્લિથગોએ આના જવાબમાં એટલું જ કહ્યું કે ભારત સરકાર ગાંધીજીની દલીલો સ્વીકારીને પોતાની નીતિમાં ફેરફાર કરી શકે તેમ નથી.

“કોંગ્રેસની ભૂલ દેખાડો”

૧૯૪૩ના વર્ષની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ લિન્લિથગોને ‘અંગત’ પત્ર લખ્યો. એમણે લિન્લિથગોને મિત્ર ગણાવતાં કહ્યું કે આ પહેલાં કોઈ પણ વાઇસરૉય સાથે એમને આટલી આત્મીયતાનો અનુભવ નહોતો થયો. આમ કહ્યા પછી એમણે સરકારે લીધેલાં જલદ પગલાંની ટીકા કરી અને વાઇસરૉયને કહ્યું કે એમને કોંગ્રેસની કંઈ ભૂલ દેખાઈ હોય તો ધ્યાન દોરવું જોઈતું હતું. એના માટે પોતે ઉપવાસ કરવા તૈયાર હોવાનો સંકેત આપ્યો.

લિન્લિથગોએ આ પત્રનો એવો અર્થ કર્યો કે ગાંધીજી હવે પોતાની “ભૂલ” સુધારવા માગે છે. એણે ભૂલ દેખાડી કે કોંગ્રેસે જે રસ્તો લીધો તેને કારણે હિંસા થઈ અને ગાંધીજીએ અથવા કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એની નિંદા પણ ન કરી. ગાંધીજીએ એનો જવાબ આપ્યો તેમાંથી ૧૯૨૦ના ગાંધી અને ૧૯૪૨ના ગાંધી વચ્ચેનો તફાવત પ્રગટ થાય છે. એમણે લખ્યું કે તમારો પત્ર મળતાં મને રાહત થઈ કે હજી હું તમારી નજરમાંથી ઊતરી નથી ગયો. ૩૧મી ડિસેમ્બરના મારા પત્રમાં મેં તમારી સામે ઘુરકિયાં કર્યાં હતાં, હવે તમે વળતું ઘુરકિયું કર્યું છે. એનો અર્થ એ કે તમે મારી ધરપકડને વાજબી માનો છો. તમે મારા શબ્દોનું જે અર્થઘટન કર્યું છે તે વાંચ્યા પછી મેં મારો પત્ર ફરી વાંચ્યો, અને મને લાગે છે કે તમે કહો છો એવો કોઈ અર્થ એમાંથી નીકળતો નથી. કોંગ્રેસના કાર્યકરો કદાચ પૂરી અહિંસા રાખી ન શક્યા હોય તો એની મેં ટીકા કરી જ છે, પણ મેં આ હિંસા માટે સરકારને જવાબદાર ઠરાવી છે.

લિન્લિથગોએ જવાબમાં લખ્યું કે હિંસા માટે સરકાર જવાબદાર છે એવું તમારું મંતવ્ય હું સ્વીકારી શકું તેમ નથી. એણે કહ્યું કે મારો સ્પષ્ટ મત છે કે નવમી ઑગસ્ટ વિશેનો કોંગ્રેસનો ઠરાવ પાછો ખેંચી લેવાય અને ગાંધીજી માને કે આ ઠરાવને કારણે આજની સ્થિતિ ઊભી થઈ છે, તો વાતચીત માટે રસ્તો નીકળે.

વળી ગાંધીજીએ એનો જવાબ આપ્યોઃ કોંગ્રેસના ઠરાવને કારણે હિંસા ફેલાઈ છે એ તમારો અભિપ્રાય છે અને તમે કહો છો કે એ બાબતમાં તમે બહુ સ્પષ્ટ છો. પરંતુ એક અભિપ્રાય હોવો એ સ્પષ્ટતા નથી. હું ખોટો છું કે મારી ભૂલ છે તે તમારે દેખાડવું જોઈએ. નવમી ઑગસ્ટે હિંસાચાર થયો, અને એવું કોંગ્રેસ નેતાઓની ધરપકડ થયા પછી બન્યું. એ સાચું હોવા છતાં કોંગ્રેસની પોતાની નીતિ અહિંસાની જ રહી છે. કોંગ્રેસની જવાબદારી વિશે મારો જવાબ છે કે સરકારે લોકોને ઉન્માદની હદ સુધી ધકેલ્યા છે. કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ શરૂ થઈ તે સાથે હિંસા શરૂ થઈ પરંતુ બદલામાં સર્વ-શક્તિમાન સરકારે દમનનાં પગલાં ભર્યાં તે મોઝિસના “દાંતને બદલે દાંત”ના સિદ્ધાંતને પણ પાછળ મૂકી દે છે.

મને આ વેદનાના શમન માટે બામ ન મળે તો સત્યાગ્રહીએ જે કરવું જોઈએ તે મારે કરવું પડે. આથી હું નવમી ફેબ્રુઆરીના સવારના નાસ્તા પછીથી શરૂ કરીને બીજી માર્ચની સવાર સુધી એકવીસ દિવસના ઉપવાસ કરીશ. પહેલાં હું ઉપવાસ દરમિયાન મીઠું નાખીને પાણી લેતો પણ હવે મારા શરીરને એ પાણી ફાવતું નથી એટલે હું ખાટાં ફળ (લીંબુ)નો રસ ભેળવીશ. મારી ઇચ્છા આમરણ ઉપવાસની નથી, અને ઈશ્વર ઇચ્છતો હોય તો હું આ કસોટીમાંથી પાર ઊતરવા માગું છું. પરંતુ સરકાર ધારે તો બધી રાહતો જાહેર કરીને મારા ઉપવાસનો જલદી અંત આણી શકે છે.

લિન્લિથગોએ આનો લાંબો જવાબ આપ્યો અને કહ્યું કે તમે ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે તેનાં પરિણામોની જવાબદારી તમારી રહેશે.

આના પછી સરકારે એક નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યું. ઉપવાસ શરૂ થાય તો આ નિવેદન બહાર પાડવાનું હતું. એમાં ગાંધીજીને થોડા વખત માટે છોડવાની ઑફર હતી, પણ ગાંધીજીએ એનો અસ્વીકાર કર્યો. આ ઑફર એટલા માટે હતી કે સરકાર જેલમાં ગાંધીજીને કંઈ થાય તેની જવાબદારી લેવા તૈયાર નહોતી. ગાંધીજીએ કહ્યું કે એક કેદી તરીકે જેલના સત્તાવાળાઓને હેરાનગતી ન થાય તેનું હું ધ્યાન રાખીશ અને આઝાદ નાગરિક તરીકે મને જેલની બહાર ઉપવાસ કરવાનો અવસર મળી જ જશે.

નવમી ફેબ્રુઆરીથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કરી દીધા.

000

સંદર્ભઃ

Gandhiji’s Correspondence with the Government -1942-44 (Navajivan Publishing House, Ahmedabad) ઇંટરનેટ પર ઉપલબ્ધ.

%d bloggers like this: