india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-49

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૪૯: આઝાદ હિન્દ ફોજના સેનાનીઓ સામે ખટલો અને કોંગ્રેસ

૧૯૪૫ની પાંચમી નવેમ્બરે લાલ કિલ્લામાં આઝાદ હિન્દ ફોજના ત્રણ અગ્રગણ્ય સેનાનીઓ કૅપ્ટન ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, શાહ નવાઝ ખાન અને પ્રેમ કુમાર સહગલ વિરુદ્ધ કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ થઈ. આ કેસ દેશભક્તો વિરુદ્ધ હતો એટલે જનતામાં ભારે ઉત્સુકતા હતી. તે ઉપરાંત પહેલી જ વાર આઝાદ હિંદ ફોજની રચના, પૂર્વભૂમિકા, નેતાજી સુભાષબાબુનું નેતૃત્વ વગેરે કેટલીયે વાતો સત્તાવાર રીતે બહાર આવી. આમ તો સૌ આ બધું જાણતા હતા પણ એ કથાઓ રૂપે ફેલાયેલી વાતો હતી. કોર્ટ માર્શલના કુલ દસ કેસો હતા અને આ બીજા નંબરનો કેસ હતો. એમાં આઝાદ હિન્દ ફોજના નેતાઓ હોવાથી એનું મહત્ત્વ બહુ વધી ગયું.

આઝાદ હિન્દ ફોજના સેનાનીઓ સામે ખટલો

કોર્ટ માર્શલની કાર્યવાહી ચાર આર્મી ઑફિસરો – ત્રણ બ્રિટિશ અને એક ભારતીય – કરવાના હતા. આઝાદ હિન્દ ફોજના ત્રણેય કૅપ્ટનોના બચાવ પક્ષે કોંગ્રેસ નેતાઓ હતા. એમની સરદારી નીચેના ૧૪,૨૦૦ સૈનિકોને બંગાળના જિંગારગાછી અને અમૃત બજારના કૅમ્પોમાં રાખવામાં આવ્યા હતા.

સવારથી જ લાલ કિલ્લા તરફ જવાના બધા રસ્તા બંધ કરી દેવાયા હતા. ઠેકઠેકાણે ખાસ ઊભી કરેલી રાવટીઓમાં વધારાની પોલીસ ટુકડીઓને તૈયાર રાખવામાં આવી હતી.

સવારના સવાદસે મૅજર જનરલ બ્લૅકલૅંડ અને એમના સાથીઓએ કોર્ટ માર્શલની કાર્યવાહી માટે પોતપોતાનાં સ્થાન સંભાળ્યાં ત્યારે બચાવ પક્ષે કોંગ્રેસે નીમેલી નામાંકિત વકીલોની ટીમ હાજર હતી, જેમાં પ્રીવી કાઉંસિલના સભ્યો સર તેજ બહાદુર સપ્રુ, ફેડરલ કોર્ટના રિટાયર્ડ જજ ડૉ. એમ. આર. જયકર અને ભૂલાભાઈ દેસાઈ હાજર હતા. કેસનો દોર ભૂલાભાઈના હાથમાં હતો. એમની સાથે જવાહરલાલ નહેરુ ૨૨ વર્ષ પછી બૅરિસ્ટરનો ગાઉન પહેરીને જોડાયા હતા. એમના ઉપરાંત આસફ અલી, ડૉ. કે. એન કાટ્જૂ, ડૉ. પી. કે, સેન વગેરે બીજા વકીલો પણ હાજર હતા. સામા પક્ષે ભારતના ઍટર્ની જનરલ સર નૌશીરવાન પી. એંજીનિયર અને મિલિટરી પ્રોસીક્યુટર લેફ્ટેનન્ટ કર્નલ પી. વૉલ્શ બેઠા હતા.

ખટલાની કાર્યવાહી જોવા માટે શ્રોતાઓમાં શ્રીમતી સરોજિની નાયડુ, માસ્ટર તારા સિંઘ, સર ફ્રેડરિક જેમ્સ અને સરદાર મંગલ સિંઘ વગેરે નેતાઓ પણ હતા.

તે પછી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યા. એમણે મિલિટરી ઑફિસરોને છાજે તેવી શિસ્તથી કોર્ટને સલામ કરી. એમને પૂછવામાં આવ્યું કે એમને કોઈ જજ સામે વાંધો છે? એમનો જવાબ નકારમાં હોવાથી કાર્યવાહી શરૂ થઈ.

ભૂલાભાઈ દેસાઈએ બધા દસ્તાવેજ પૂરા વાંચવાનો સમય મળે તે માટે ત્રણ અઠવાડિયાં સુધી સુનાવણી મોકૂફ રાખવાની વિનંતિ કરી પણ કોર્ટે એમની વાત ન સ્વીકારી અને કહ્યું કે સિવિલ કોર્ટના જજો પાસે એ જ કામ હોય છે પણ મિલિટરી કોર્ટના જજો બીજી પણ ફરજો સંભાળતા હોય છે એટલે ‘ઝડપી ન્યાય’ના સિદ્ધાંત પ્રમાણે કેસ જલદી ચલાવાશે. ઍટર્ની જનરલે આઝાદ હિન્દ ફોજની રચનાનો આખો ઇતિહાસ સંભળાવ્યો અને પછી કૅપ્ટન ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કૅપ્ટન શાહ નવાઝ ખાન અને કૅપ્ટન પ્રેમ કુમાર સહગલ સામેના આરોપો વાંચી સંભળાવ્યા. એમના ઉપર આરોપ હતો કે એમણે બ્રિટિશ સૈન્યમાં પાછા જવા માટે ભાગી છૂટેલા કેટલાક સૈનિકોને વ્યવસ્થિત રીતે બીજા સૈનિકોને હાથે મરાવી નાખ્યા. બીજો આરોપ નામદાર સમ્રાટની સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો હતો.

ખટલો પાંચમી નવેંબરથી ૩૧મી ડિસેમ્બરના ગાળામાં ૨૨ દિવસ ચાલ્યો તેમાં સરકારી પક્ષે એ સાબિત કરવાની કોશિશ કરી કે આરોપીઓએ યુદ્ધ કેદી બન્યા પછી જાપાનીઓના ટેકાથી ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હતું અને તેઓ એમના નેતા સુભાષચન્દ્ર બોઝના આદેશનું પાલન કરતા હતા. આમાં આઝાદ હિન્દ ફોજના જ કેટલાક માણસોએ સરકારી સાક્ષી બનીને જુબાની આપી. પરંતુ સાક્ષીઓની જુબાનીઓમાંથી એક વાત એ પણ બહાર આવી કે પહેલી આઝાદ હિન્દ ફોજ અને જાપાની સૈન્ય વચ્ચે સારા સંબંધ નહોતા અને એ જ કારણે આઝાદ હિન્દ ફોજના નેતા કૅપ્ટન મોહન સિંઘની જાપાનીઓએ ધરપકડ કરી હતી. આમ ભારતીય યુદ્ધકેદીઓ જાપાનના પિઠ્ઠુ તરીકે શરૂઆતથી અંત સુધી કામ નહોતા કરતા એવું સરકારી સાક્ષીઓની જુબાનીઓમાંથી જ પ્રગટ થયું. સરકારી પક્ષ એવું સાબીત કરવા માગતો હતો કે યુદ્ધકેદીઓ પર દબાણ કરીને એમને આઝાદ હિન્દ ફોજમાં ભરતી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ, બચાવ પક્ષે ભૂલાભાઈ દેસાઈ અને આસફ અલી ઉલટ તપાસ દ્વારા એવું સાબીત કરવાનો પ્રયાસ કરતા હતા કે સૈનિકો સ્વેચ્છાએ જોડાયા હતા.

ત્રણેય કૅપ્ટનોએ પોતાનાં નિવેદનોમાં ચોખ્ખું કહ્યું કે એમણે જે કંઈ કર્યું તે જાપાન માટે નહીં, ભારતની આઝાદી માટે કર્યું અને માભોમ માટે તેઓ કોઈ પણ ભોગ આપવા તૈયાર છે. એમણે હત્યાઓના આરોપોને નકારી કાઢ્યા.

કેસ ૨૨ દિવસ ચાલ્યો તેમાં ૨૧મા દિવસે કોર્ટે કહ્યું કે આરોપીઓ પર અમુક સૈનિકોની હત્યાના આરોપ છે પણ એમણે ઇનકાર કર્યો છે. એમની સામે અમુક સાક્ષીઓએ જુબાની આપી છે પણ કોર્ટ સમક્ષ કોઈ સીધો પુરાવો રજૂ નથી થયો.

તે પછી કોર્ટ ૩૧મી ડિસેમ્બર સુધી મોકૂફ રહી. એ દિવસે કોર્ટે જાહેરાત કરી કે અંતિમ ચુકાદાને મંજૂરી મળ્યા પછી જાહેર કરવામાં આવશે એટલે કોર્ટ થોડા દિવસ કોર્ટ બંધ રહેશે.

૧૯૪૬નું નવું વર્ષ શરૂ થતાં ત્રીજી જાન્યુઆરીએ કમાંડરઇનચીફે જાહેર કર્યું કે કોર્ટ માર્શલ પ્રમાણે ત્રણેય આરોપીઓ સામે હત્યાના આરોપ સાબીત નથી થયા અને સમ્રાટ સામે યુદ્ધ આદરવાના આરોપસર કોર્ટ માર્શલમાં એમના માટે મૃત્યુદંડ અથવા આજીવન દેશનિકાલની સજા સૂચવવામાં આવી છે. સજાઓ વાજબી છે. પરંતુ સજા ઓછી કરવા કે માફ કરવાની કમાંડરઇનચીફને સત્તા છે, તેનો ઉપયોગ કરીને એમને તરીપાર કરવાની સજા માફ કરી છે પરંતુ એમના પગાર અને ચડત રકમો ચુકવવાનો ફેંસલો અમલમાં રહેશે. કોઈ પણ સરકારની સ્થિરતા માટે આટલું જરૂરી છે.

આખા દેશમાં આ ચુકાદાની જે વીજળીક અસર થઈ તેની કલ્પના જ કરવી રહી. દેખીતી રીતે જ અંગ્રેજ શાસનને દેશનો મિજાજ સમજાઈ ગયો હતો. આ સજાઓ માફ ન થઈ હોત તો એની વ્યાપક અસર થઈ હોત અને કદાચ સ્થિતિ પર કાબુ મેળવવાનું અઘરું થઈ ગયું હોત. આમ કાયદાની દૃષ્ટિએ આઝાદ હિન્દ ફોજના અફસરોની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં જનતા કેસ જીતી ગઈ હતી. ત્રણેય આરોપીઓ માટે કેસ લડવાનો નિર્ણય લઈને કોંગ્રેસે એક બાજુથી નેતાજીને અંજલી આપી અને કોંગ્રેસના માર્ગથી જુદી પડતી વિચારધારાને પોતાની કરી લીધી, અને તે પણ કશીયે સૈદ્ધાંતિક બાંધછોડ કર્યા વિના. પ્રેમ કુમાર સહગલ, હિંદુ હતા, શાહ નવાઝ ખાન મુસ્લિમ અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં શીખ. આઝાદ હિન્દ ફોજ આમ ધર્મનિરપેક્ષ હતી અને કોંગ્રેસ પણ ધર્મના આધારે ભેદભાવ નહોતી કરતી.

મુસ્લિમ લીગ ફૂટ પડાવવા માટે શાહનવાઝ ખાનનો બચાવ કરવા માટે આગળ આવી હોત તો? આવો પ્રશ્ન ઊભો જ નથી થતો. મુસ્લિમ લીગ “પહેલાં ભાગલા, પછી આઝાદી”ની હિમાયત કરતી હતી, જ્યારે આઝાદ હિન્દ ફોજ માત્ર આઝાદી માટે લડતી હતી. મુસ્લિમ લીગ આ સ્વીકારી શકે તે સ્થિતિમાં નહોતી.

આઝાદ હિન્દ ફોજના સૈનિકો સાથે ગાંધીજી

મે મહિનાની ૨૨મીએ ગાંધીજી આઝાદ હિન્દ ફોજના સાઠેક સૈનિકોને મળ્યા. એમણે સુભાષબાબુ વિશે પૂછ્યું. સુભાષબાબુનું જે વિમાન તૂટી પડ્યું તેમાં કર્નલ હબીબુર રહેમાન પણ હતા અને એમને ઈજાઓ થઈ હતી પણ બચી ગયા. એમણે આંસુ સાથે સુભાષબાબુની અંતિમ ક્ષણોનું વર્ણન કર્યું. ગાંધીજીએ એમને કહ્યું કેતમે સૈનિક છો, તમારી આંખમાં આંસુ સારાં લાગે. મને આશા હતી કે સુભાષબાબુ હયાત છે અને આપણી વચ્ચે પાછા આવશે.” એમણે ફોજ અને સુભાષબાબુની વીરતાને બિરદાવી. એમણે કહ્યું કે કર્નલ રહેમાને કહ્યું કે સુભાષબાબુ નથી, પણ એમના સંદેશ અને આદર્શ દ્વારા એ આપણી સાથે જ છે. ઘણા મિત્રોએ મારી સામે પોતાની દ્વિધા મૂકી છે અને તમારામાંથી ઘણાય એ જ અનુભવતા હશે. કોંગ્રેસમાં પણ એવા લોકો છે. કોંગ્રેસની વિચારધારા અહિંસાને માર્ગે આઝાદી પ્રાપ્ત કરવાની છે. પરંતુ હવે ઘણાને સંશય થયો છે કે હવે એ વિચાર સ્ત્રૈણ બની ગયો છે.

ગાંધીજીએ કહ્યું કે તમે સુભાષબાબુની નીચે રહીને લડ્યા છો અને તમારું કૌવત દેખાડી આપ્યું છે. હારજીત આપણા હાથમાં નથીં, ભગવાનના હાથમાં છેં. નેતાજીએ તમને કહ્યું હતું કે ભારત પાછા પહોંચો તે પછી તમારે કોંગ્રેસને અધીન રહીને કામ કરવાનું છે. તમે ભારતને મુક્ત કરાવવા માગતા હતા, જાપાનીઓને મદદ નહોતા કરતા. પણ તમારા માટે સંતોષની વાત છે કે તમારે કારણે આખો દેશ ઊભો થઈ ગયો છે અને નિયમિત સૈન્યમાં પણ નવી રાજકીય ચેતના આવી છે અને હવે લોકો પણ સ્વતંત્રતાનું વિચારવા લાગ્યા છે. તમે હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી, એંગ્લોઇંડિયન, એમ બધાની સંપૂર્ણ એકતા સિદ્ધ કરી છે. નાનું સૂનું કામ નથી, પણ તમે ભારતની બહાર મુક્ત રીતે જે સિદ્ધ કરી શક્યા તે અહીં ભારતની સ્થિતિમાં પણ ટકાવી રાખવાનું છે. તમે અહિંસાની ભાવનાને પચાવશો તો તમે હૃદયથી અહીં પણ સ્વાધીન જ રહેશો.

અહિંસા વિશે ઘણા સવાલજવાબ થયા. ગાંધીજીએ સ્વબચાવ માટે પણ શસ્ત્રો ન ઉઠાવવાની સલાહ આપી. એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે સુભાષબાબુ વિજય મેળવીને મારી પાસે આવ્યા હોત તો હું એમને પણ કહેત કે તમારાં શસ્ત્રો હેઠાં મુકાવો!

૦૦૦

અહીં અવશ્ય ક્લિક કરશો // લિંકઃ 1945 INA trials: a rare glimpse from the lens of photojournalist Kulwant Roy

આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો સામે ચાલેલા કેસને લગતી કેટલીયે અમૂલ્ય તસવીરો જોવા મળશે.

૦૦૦

શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ સમગ્ર ઘટનાક્રમ બહુ જીવંતપણે લાલકિલ્લાનો મુકદ્દમોમાં વર્ણવેલ છે.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – July-December,1945 Vol. II

Collected Works of Mahatma Gandhi Vol. 84(April 14, 1946-July 15, 1946) Publications Division text No. 236. Page 186)

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-48

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૪૮: સામ્યવાદીઓ અને ‘ભારત છોડો’ આંદોલન

મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાન ઠરાવ પસાર કર્યો ત્યારથી જ સામ્યવાદીઓમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી. મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને સામ્યવાદીઓ ટેકો આપતા થઈ ગયા હતા. આ એમના વૈચારિક ગોટાળાનું કારણ એ કે ભારતના સામ્યવાદીઓ માર્ક્સવાદનું ભારતની પરિસ્થિતિમાં અર્થઘટન કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે માર્ક્સના શબ્દો કે વિશ્લેષણ અથવા રશિયામાં લેનિને કરેલ પ્રયોગોને સીધા જ ભારતીય સંયોગોમાં લાગુ કરતા હતા. લેનિને જ્યારે ૧૯૧૭માં ઑક્ટોબર ક્રાંતિ કરી ત્યારે ઝાર હસ્તક ઘણા સ્વતંત્ર પદેશો હતા. એ બધા જ લેનિનના શાસન હેઠળ આવ્યા. લેનિને સોવિયેત સંઘ બનાવ્યો ત્યારે આ રાષ્ટ્રોને આત્મનિર્ણયનો અધિકાર આપ્યો; એમને સાથે રહેવું હોય તો એમની મરજીથી, અને છૂટા પડવું હોય તો એમની મરજીથી. આવાં રાષ્ટ્રોમાં જુદી જુદી જાતિઓ હતી – ઉઝબેક, કઝાખ, તાજિક, આર્મેનિયન, યુક્રેનિયન, જ્યોર્જિયન વગેરે. જાતિ તરીકે એ રશિયનોથી જુદા હતા. આ સિદ્ધાંત સામ્યવાદીઓએ ભારતમાં પણ લાગુ કર્યો અને મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને માન્ય રાખ્યો, એમણે કહ્યું કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એટલે એમને છૂટા પડવું હોય તો પડી શકે છે.

કોંગ્રેસ, અને ખાસ કરીને, ગાંધીજીનું વિશ્લેષણ એ હતું કે મુસલમાન અને હિંદુના વડવાઓ એક જ છે એટલે એ સોવિયેત સંઘ જેવી અલગ જાતિ નથી, ધર્મ બદલવા સાથે જાતિ નથી બદલી જતી. જે હિંદુઓની જાતિ છે તે જ મુસલમાનોની જાતિ છે. સામ્યવાદીઓએ ધર્મને જાતિ માની લીધી. જિન્નાના સિદ્ધાંત પ્રમાણે મુસલમાનો એક જાતિ (રાષ્ટ્ર) હતા. રાષ્ટ્ર માને તો જ બધાં રાષ્ટ્રોની સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે અને બરાબર ભાગ માગી શકાય. બીજી બાજુ, કોંગ્રેસ હિંદુ અને મુસ્લમાનોને એક જ રાષ્ટ્ર માનતી હતી પરંતુ મુસલમાનોને એક લઘુમતી માનતી હતી, એટલે એમના ધાર્મિક રિવાજો અને પૂજાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ એમ કહેતી હતી. ભારત જેવા દેશમાં કાં તો અનેક રાષ્ટ્રો માનો અને જુદા પડો અથવા બહુમતી જાતિ અને લઘુમતી જાતિ, એમ માનીને સૌને સમાન હકો આપીને, સૌની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરીને સાથે રહો. કોંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના થઈ તે વખતથી જ એવો સ્પષ્ટ ખ્યાલ હતો કે યુરોપમાં રાષ્ટ્રની જે સંકલ્પના છે તે ભારતમાં ચાલે તેમ નથી. એમ કરવાથી દેશનું જ વિભાજન થઈ જશે. સામ્યવાદીઓ મુસ્લિમ લીગની માંગ તરફ વળી ગયા હતા.

બીજું વિશ્વયુદ્ધ અને સામ્યવાદીઓનું હૃદયપરિવર્તન

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે જર્મની આર્થિક મહાસત્તા બનવા માગતું હતું. હિટલરની પ્રદેશભૂખ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે હતી. સંસ્થાનોનું શોષણ કરીને જ મહાસત્તા બની શકાય. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેમાં ભારતનું શોષણ કરીને લૂંટેલા ધનનો મોટો ફાળો રહ્યો. બ્રિટને એશિયા, આફ્રિકામાં પોતાનાં સંસ્થાનો બનાવ્યાં હતાં એટલે યુરોપમાં એની વગ સામે જર્મનીનો મોટો પડકાર હતો, તો એશિયામાં જાપાનની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ બ્રિટન સાથે ટક્કરમાં હતી. બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો.

સામ્યવાદીઓ આંતરરાષ્ટ્રીય સામ્યવાદને અનુસરીને એમ કહેતા કે આ યુદ્ધ દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતી બે મૂડીવાદી સત્તાઓની સ્વાર્થપૂર્તિનું યુદ્ધ છે. યુદ્ધની શરૂઆતમાં રશિયા અને જર્મની વચ્ચે ના-યુદ્ધ સંધિ થઈ હતી એટલે રશિયા યુદ્ધમાં તટસ્થ હતું. પરંતુ તે પછી હિટલરે સંધિ તોડીને રશિયા પર જ હુમલો કર્યો. સ્તાલિન જો કે, આના માટે તૈયાર હતો. એક મજૂર વર્ગનું રાજ્ય મૂડીવાદી-સામ્રાજ્યવાદી શક્તિ સાથે સંધિ કરે એ અંતર્વિરોધને સામ્યવાદીઓએ ‘સમય મેળવવા’ માટેનું પગલું ઠરાવ્યું પણ રશિયા પણ બ્રિટનને પક્ષે અને જર્મનીની વિરુદ્ધ જંગમાં કૂદી પડ્યું તે સાથે ભારતના સામ્યવાદીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ. ત્યાં સુધી એ યુદ્ધમાં ભારતે સહકાર ન આપવો જોઈએ એમ કહેતા હતા પણ હવે બ્રિટન અને રશિયા મિત્ર બન્યાં હતાં.

જો કે બહુ ઘણા વખત સુધી તો સામ્યવાદીઓ કોંગ્રેસની લાઇન પર ચાલતા રહ્યા. પરંતુ, તે પછી બ્રિટનના સામ્યવાદીઓનું એમના પર દબાણ આવ્યું. આમ જૂઓ તો બ્રિટનના સામ્યવાદીઓ પણ મજૂરો કે લોકશાહી માટે નહીં પણ પોતાનો જ દેશ લડાઈમાં હોય ત્યારે જુદા ન પડી શકાય એમ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી વિચારતા હતા. રશિયા યુદ્ધમાં જોડાતાં એમના માટે રસ્તો સરળ થઈ ગયો. હવે બ્રિટનની વસાહતના સામ્યવાદીઓને પણ એમની લાઇન પર લાવવાના હતા.

ભારતીય સામ્યવાદીઓએ પોતાના વિચાર તરત બદલ્યા – હમણાં સુધી જે યુદ્ધ બે મૂડીવાદી દેશોની દુનિયાના શોષણ માટેની સ્પર્ધાનું પરિણામ હતું તે હવે લોક યુદ્ધ (People’s war) બની ગયું! હવે એમને એમ લાગવા માંડ્યું કે બ્રિટનનો આ ઘડીએ વિરોધ ન કરવો જોઈએ. આથી એ ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ન જોડાયા. પરંતુ, ઉચ્ચ સ્તરે સામ્યવાદી પાર્ટીની નીતિમાં ફેરફાર થયો હોવા છતાં નીચેના કાર્યકર્તાઓ એની સાથે સંમત નહોતા અને જનજુવાળથી જુદા પડી શકે તેમ પણ નહોતું એટલે એ તો અંગત રીતે આંદોલનમાં સ્થાનિક સ્તરે સક્રિય રહ્યા.

આ હૃદયપરિવર્તનનું પરિણામ એ આવ્યું કે ભારતીય સામ્યવાદી પાર્ટી (CPI)ને ગેરકાનૂની જાહેર કરીને એના પર પ્રતિબંધ મુકાયો હતો તે પાછો ખેંચી લેવાયો અને સામ્યવાદીઓ ભારતની અંગ્રેજ હકુમતના સાથી બની ગયા.

કોંગ્રેસમાં સામ્યવાદીઓનો વિરોધ

૧૯૪૫માં એ. આઈ. સી. સી.ની બેઠક મળી ત્યારે સામ્યવાદીઓ સામે ડેલિગેટોના મનમાં ભારે ગુસ્સો હતો. કોંગ્રેસ એક પાર્ટી નહોતી, રાષ્ટ્રીય મંચ હતી, એટલે એમાં બધા જ – ડાબેરી, જમણેરી, મધ્યમ માર્ગી, મોટા વેપારીઓ, ખેડૂતો, બધા જ હતા. કામદારોને સામ્યવાદીઓએ જુદા રાખવાની કોશિશ કરી હતી.

૧૯૪૨ના આંદોલનમાં હિંસા થઈ તેની ગાંધીજીએ ટીકા કરી હતી, જો કે, એમણે ચોરીચૌરાની જેમ જનતાને સીધી રીતે જવાબદાર નહોતી ગણાવી અને સરકારને દોષ આપ્યો હતો, પરંતુ ગાંધીજીને ન ગમ્યું હોવાની વાત જનતા સમક્ષ પહોંચી હતી. લોકોના ઉત્સાહ પર ટાઢું પાણી રેડવા જેવું થયું હતું. એ. આઈ. સી. સી.નો ઑગસ્ટની ઘટનાઓ વિશેનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો અને લોકોમાં નવું જોશ રેડ્યું એમણે કહ્યું કે પાછળથી ખામીઓ દેખાડવાનું સહેલું હોય છે પણ કેટલાંય શહેરોમાં લોકોએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી એ અજોડ ઘટનાને ઉતારી પડવા જેવું કંઈ ન કરાય.

એ જ ભાષણમાં એમણે સામ્યવાદીઓને પણ ઠમઠોર્યા. એમણે કહ્યું કે કેટલાક લોકો આ લડાઈને ‘પીપલ્સ વૉર’ કહેતા હતા. “લોકયુદ્ધ ક્યાં હતું અને શા માટે હતું? આપણા માટે તો એક જ યુદ્ધ હતું અને એ લોકોએ દમનકારી શાસન વિરુદ્ધ છેડેલું યુદ્ધ હતું. નહેરુના ઠરાવને અનુમોદન આપતાં સરદાર પટેલે કહ્યું કે હવે ‘ક્વિટ ઇંડિયા’ નહીં ‘ક્વિટ એશિયા” આંદોલનનો સમય પાકી ગયો છે. એમણે સામ્યવાદીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે “ઘણા લોકો યુદ્ધકાર્યોમાં સરકારને સહકાર આપવાની વાત કરતા હતા, એમનું કહેવું હતું કે આ લોકયુદ્ધ છે. આજે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને ભારત હજી આઝાદ નથી. એ ખરેખર લોકયુદ્ધ હોત તો આ વિજય સાથે ભારતને આઝાદી ન મળી હોત? આચાર્ય નરેન્દ્ર દેવે કહ્યું કે જે લોકો ૧૯૪૨ના આંદોલનથી દૂર રહ્યા તે આજે જાતે જ શરમમાં ડૂબીને મોઢું છુપાવે છે. જ્યાંસુધી મૂડીવાદ અને સામ્રાજ્યવાદનો અંત નહીં થાય ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં સ્થપાય.

ચૂંટણીમાં ભાગ લેવા વિશેના ઠરાવ પર સુધારો સૂચવવા સામ્યવાદી કે. એમ. અશરફબોલવા ઊભા થયા ત્યારે ભારે ઘોંઘાટ થયો અને એમની વાત કાને પણ ન પડે એવું વાતાવરણ ઊભું થયું. પ્રમુખપદેથી મૌલાના આઝાદે લોકોને શાંત પાડ્યા કે હજી કોંગ્રેસે સામ્યવાદીઓને સભ્યપદેથી હટાવવા કે નહીં, તે વિશે નિર્ણય નથી લીધો એટલે અશરફને બોલવાનો અધિકાર છે.

એ. આઈ. સી. સી.થી પહેલાં પાંચમી-છઠ્ઠી સપ્ટેમ્બરે પૂનામાં વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાંસામ્યવાદી સભ્યો વિરુદ્ધ શિસ્તભંગની ફરિયાદોના નિકાલ માટે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને ગોવિંદ વલ્લભ પંતની ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી. આ સમિતિનો રિપોર્ટ ડિસેમ્બરમાં કલકત્તામાં વર્કિંગ કમિટીની બેઠકમાં રજૂ થયો. તેના પરથી એ. આઈ. સી. સી.ના સામ્યવાદી સભ્યો એસ. જી. સરદેસાઈ, વી. જી. ભગત, વી. ડી. ચિતાળે, કે. એમ અશરફ, સજ્જાદ ઝહીર, સોહન સિંઘ જોશ, કાર્યાનંદ શર્મા અને આર. ડી. ભારદ્વાજને નોટિસો આપવામાં આવી. એમણે નોટિસના જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં પણ સામ્યવાદી પક્ષના મહામંત્રી પી. સી. જોશીએ નિવેદન બહાર પાડીને કોંગ્રેસ છોડી દેવાનો પક્ષનો નિર્ણય જાહેર કરી દીધો.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register July-Dec-1945- Vol. II

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-47

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૪૭: બ્રિટનમાં મજૂર પક્ષની સરકાર અને ભારતમાં ચૂંટણીઓની જાહેરાત

સિમલા કૉન્ફરન્સ પછીના પખવાડિયામાં, દુનિયાનું રાજકીય દૃશ્ય બદલાઈ ગયું. એ સાથે ભૂગોળ પણ બદલવા માટે તલપાપડ થઈ ગઈ હતી. ૨૬મી જુલાઈએ બ્રિટનમાં ચૂંટણી થઈ અને મજૂર પક્ષ ચોખ્ખી બહુમતીથી સત્તામાં આવ્યો. ક્લેમન્ટ ઍટલી વડા પ્રધાન બન્યા અને એમણે લૉર્ડ પૅથિક લૉરેન્સને ભારત માટેના પ્રધાન બનાવ્યા. ૬ઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના શહેર હીરોશીમા પર, અને નવમી તારીખે નાગાસાકી પર બોમ્બ ફેંક્યા. આ સાથે યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને જાપાને બીજી સપ્ટેમ્બરે વિધિવત્‍ શરણાગતી સ્વીકારી લીધી. આમ ભારતની સ્વતંત્રતા માટે તદ્દન નવા સંજોગો ઊભા થયા હતા. એનો પડઘો પાડતા હોય તેમ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે ઍટલીને તાર મોકલીને ભારતની જનતા વતી ગ્રેટ બ્રિટનની જનતાને અભિનંદન આપ્યાં. એમણે કહ્યું કે ચૂંટણીનાં પરિણામ દેખાડે છે કે લોકોએ એમના જૂના વિચારો છોડી દીધા છે અને નવી દુનિયાનો સ્વીકાર કર્યો છે.

આ બાજુ વાઇસરૉય વેવલે ભારતના રાજકીય પક્ષોને સક્રિય બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી. એણે પહેલી ઑગસ્ટે બધા પ્રાંતોના ગવર્નરોની બેઠક બોલાવી અને ચૂંટણીઓ યોજવા વિશે ચર્ચા કરી. કોંગ્રેસ હજી પણ ગેરકાનૂની સંસ્થા હતી અને અમુક નેતાઓ સિવાય એના હજારો કાર્યકર્તા જેલમાં જ હતા. ચૂંટણીઓ થાય તે પહેલાં આ પ્રશ્ન પણ વિચારવાનો હતો. ૨૧મી ઑગસ્ટે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલની ખાસ બેઠક પછી પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણીની અને વાઇસરૉય એની પહેલી મુલાકાત પછી માત્ર દસ અઠવાડિયાંના ગાળામાં નવી સરકાર સાથે મસલતો માટે જાય છે, એવી જાહેરાત કરવામાં આવી. મજૂર પક્ષની સરકારે ભારતની સમસ્યાને આટલી પ્રાથમિકતા આપી તેની ચારેકોર પ્રશંસા થઈ અને ભારતનાં રાજકીય વર્તુળોમાં પણ ઉત્સાહ ફેલાઈ ગયો. ઉમરાવસભા (હાઉસ ઑફ લૉર્ડ્સ)માં લૉર્ડ પૅથિક લૉરેન્સનો ભારત માટેના પ્રધાન તરીકે પરિચય કરાવવામાં આવ્યો તેના પ્રત્યુત્તરમાં એમણે આ જાહેરાત કરી, આથી સભ્યોએ એને હર્ષનાદથી વધાવી લીધી.

વેવલે લંડનથી પાછા આવીને રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું કે કેન્દ્રીય અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાત તો પહેલાં જ કરી દેવાઈ છે અને તે ઉપરાંત બ્રિટિશ સરકાર બંધારણ બનાવવા માટેની સંસ્થા રચવાનું પણ વિચારે છે. વેવલે કહ્યું કે ૧૯૪૨માં સરકારે જે યોજના રજૂ કરી હતી તે બાબતમાં બધા પક્ષો સંમત છે કે નવી યોજનાની જરૂર છે, તે વિશે પણ રાજકીય પ્રતિનિધિઓના અભિપ્રાયો લેવામાં આવશે. એણે ઉમેર્યું કે સરકારે મને ઍસેમ્બ્લીઓની ચૂંટણી પછી રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વવાળી એક્ઝીક્યુટિવ કાઉંસિલ રચવાનો પણ અખત્યાર આપ્યો છે.

વેવલના બ્રોડકાસ્ટમાં આ છેલ્લી બે વાતો મહત્ત્વની છે. એક તો, એણે ૧૯૪૨ની યોજનામાં ફેરફારની શક્યતા દેખાડી છે. બીજી વાત એ કે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવતી વખતે એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લેશે પણ આખરી નિર્ણય એનો પોતાનો રહેશે.

લંડનમાં વડા પ્રધાન ઍટલીએ રેડિયો બ્રોડકાસ્ટમાં રાજાએ નવી સંસદનું ઉદ્ઘાટન કરતાં જે વિધાન કર્યું હતું તે ટાંક્યું. રાજાએ કહ્યું હતું કે “મારી હિંદુસ્તાની પ્રજાને અપાયેલા વચન પ્રમાણે, મારી સરકાર હિંદુસ્તાનમાં અભિપ્રાય બનાવનારા નેતાઓ સાથે મંત્રણાઓ કરીને સંપૂર્ણ સ્વશાસન આપવા માટે પોતાનાથી બનતું બધું જ કરશે.”

ઍટલીએ કહ્યું કે ૧૯૪૨માં ક્રિપ્સ મિશનની દરખાસ્ત હતી કે યુદ્ધ પછી તરત જ ભારતનું બંધારણ ઘડવા માટે ચુંટાયેલી સંસ્થા પણ બનાવવાની સરકારની યોજના છે.

તે પછી ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે ચોથી ડિસેમ્બરે ઉમરાવસભામાં જાહેરાત કરી કે ભારતીય નેતાઓના વિચારો જાણવા માટે એક પાર્લામેંટરી ડેલિગેશન જશે.

ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક

દેશ અને દુનિયામાં ઝડપભેર ઘટનાઓ બનતી જતી હતી એટલે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મળે તે સ્વાભાવિક હતું.. નેતાઓ જેલમાંથી છૂટ્યા તે પછી પહેલી વાર એ. આઈ. સી. સી. ની બેઠક ૨1૨૩મી સપ્ટેમ્બરે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મળી. આ સ્થળે મીટીંગ રાખવાનું મહત્ત્વ એ હતું કે ‘ભારત છોડો’ આંદોલન પણ ત્યાંથી જ શરૂ થવાનું હતું.

મીટિંગમાં ભાગ લેવા માટે બંગાળ કોંગ્રેસના નેતા અને સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્ર બોઝ અવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈએ એમને આંસુભરી આંખે ભેટીને આવકાર્યા. જાપાન સરકારે ૧૮મી ઑગસ્ટે જાહેર કર્યું હતું કે સુભાષબાબુ એક વિમાની હોનારતમાં ઘાયલ થયા હતા અને પાંચ દિવસ પછી હૉસ્પિટલમાં એમનું મૃત્યુ થયું હતું. આના પછી કોંગ્રેસ નેતાઓ શરતબાબુને પહેલી વાર મળ્યા હતા.

પરંતુ, સભાની કાર્યવાહીની શરૂઆતમાં મૃતક નેતાઓને અંજલી આપવાનો ઠરાવ રજૂ થયો, એમાં સુભાષબાબુનું નામ નહોતું! એક ડેલીગેટે આ તરફ ધ્યાન ખેંચ્યું, ત્યારે મહામંત્રી આચાર્ય કૃપાલાનીએ જવાબ આપ્યો કે એમના મૃત્યુના સમાચાર જે સ્રોતોમાંથી મળ્યા છે તે આધારભૂત નથી એટલે સુભાષબાબુ હયાત છે કે ખરેખર મૃત્યુ પામ્યા છે એ શંકાનો વિષય છે, એટલે એમનું નામ મૃતકોમાં સામેલ નથી કરાયું. તે પછી કાર્યવાહી આગળ ચાલી.

નીતિ વિષયક ઠરાવમાં કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સની ચર્ચા કરીઃ એ વાત સ્પષ્ટ હતી કે આ કૉન્ફરન્સ બહુ મર્યાદિત હતી અને એવું મનાતું હતું કે જે સમજૂતી થશે તે વાઇસરૉય અમલમાં મૂકશે. આવી સમજૂતી હોવા છતાં, માત્ર એક પાર્ટી સંમત ન થઈ એટલે ઓચિંતા જ વાઇસરૉયે કૉન્ફરન્સ સમાપ્ત કરી દીધી. સિમલા કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ તો એના માટે કોંગ્રેસને દોષ ન દઈ શકાય. કૃપાલાનીએ કહ્યું કે વાઇસરૉયે કૉન્ફરન્સને સમેટી લેવાનું સાચું કારણ જણાવ્યું નથી. પરંતુ લંડનથી વાઇસરૉય પર દબાણ આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે. સરકાર સમજૂતી કરવા માગતી હોત તો મુસ્લિમ લીગને કોરાણે મૂકીને આગળ વધી શકી હોત કારણ કે એને મુસ્લિમ લીગનો ડર નથી, પણ મુસ્લિમ લીગ સંમત નથી થતી એમ કહેવું એમને ફાવતું હતું.

હકીકતમાં બ્રિટનની સરકાર જિન્નાની કોઈ પણ માગણીને આડકતરી રીતે ટેકો આપતી હતી. ભારતની અંગ્રેજ સરકાર અને બ્રિટિશ સરકાર વચ્ચે ઘણી વાર મતભેદો પણ રહેતા પણ વાઇસરૉય, છેવટે તો બ્રિટન સરકારે નીમેલો નોકર હતો એટલે એનો અભિપ્રાય અલગ હોય તો પણ અંતે તો બ્રિટન જ નક્કી કરતું હતું કે ભારતમાં શું કરવું. બીજી બાજુ જિન્નાને વીટો અધિકાર આપવા જેવું થતું હતું પણ બ્રિટનને તો એ જ જોઈતું હતું.

પરંતુ, આ બધી ઘટનાઓ વચ્ચે સ્વરાજ માટેની ઝંખના વધારે તીવ્ર બની. હવે જનતામાં બ્રિટિશ સરકાર સામે રોષ વધતો જતો હતો. ભારતની અંગ્રેજ સરકારે રોજ સામે આવતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. બ્રિટિશ સરકાર

બીજા એક ઠરાવ દ્વારા કોંગ્રેસે આઝાદ હિંદ ફોજના સૈનિકોની બહાદુરી અને દેશદાઝને બિરદાવી અને બધા કેદીઓને છોડી મૂકવાની માગણી કરી. કોંગ્રેસે જરૂર પડ્યે એમને કાનૂની મદદ આપવાનો પણ ફેંસલો કર્યો.

કોંગ્રેસે ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાતની પણ ટીકા કરી કે સરદાર વલ્લભભાઈ પટેલે ઠરાવ રજૂ કરતાં કહ્યું કે ૧૯૪૨ના માર્ચમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સે કેટલી મહત્ત્વહીન દરખાસ્તો રજૂ કરી હતી; આ નવી જાહેરાત એનું જ પુનરાવર્તન છે. આ દેખાડે છે કે બ્રિટનની નીતિમાં કોઈ વાસ્તવિક ફેરફાર નથી થયો. આમ છતાં એમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની નીતિઓ અને કાર્યક્રમોના પ્રચાર માટે ચૂંટણી લડશે. સરદારે કહ્યું કે અત્યારે કદાચ નવા પ્રભાત પહેલાંની કાળી રાત જેવો સમય છે.

આ બેઠકમાં કમ્યુનિસ્ટ સભ્યોએ યુદ્ધ દરમિયાન જે વલણ લીધું તેની આકરી ટીકા થઈ. કમ્યુનિસ્ટ સભ્યોને બોલતાં રોકવાનો પણ પ્રયાસ થયો. સામ્યવાદીઓ પહેલાં યુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધ કહેતા હતા પણ રશિયા યુદ્ધમાં જોડાયું કે રાતોરાત એમના માટે એ લોકયુદ્ધ બની ગયું. પરંતુ એની ચર્ચા માટે એક અલગ પ્રકરણ જોઈશે.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register, July-Dec. 1946 Vol. I

Collected Works of Mahatma Gandhi Vol. 80

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-46

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૬: સિમલા કૉન્ફરન્સ

૧૯૪૫ના માર્ચમાં લૉર્ડ વેવલ બ્રિટિશ સરકાર સાથે મસલત માટે લંડન ગયો. ૧૪મી જૂને ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ આમસભામાં નિવેદન કર્યું કે લૉર્ડ વેવલની હાલની મુલાકાત દરમિયાન ભારતની રાજકીય સ્થિતિની ચર્ચા થઈ. બ્રિટન સરકાર ભારતીયો પોતાનું બંધારણ જાતે જ ઘડી શકે તેમાં મદદ કરવા માટે સરકાર બધું કરી છૂટશે, પરંતુ ભારત ઇચ્છતું ન હોય તેવી સ્વશાસન સંસ્થાઓ એના પર ઠોકી બેસાડવી એ કહેણી એક અને કરણી બીજી, એના જેવું થશે. આપણે બ્રિટિશ ઇંડિયાના શાસનમાંથી ધીમે ધીમે હટવા લાગ્યા છીએ ત્યારે આવું કરી ન શકાય અને આપણે બહારથી કંઈ લાદવાની જવાબદારી લેવા તૈયાર નથી. ભારતની મુખ્ય કોમોની ઇચ્છાને અનુકૂળ ન હોય તેવો ફેરફાર કરવાનો પણ સરકારનો ઇરાદો નથી. પરંતુ ભારતની મુખ્ય પાર્ટીઓ કોઈ સમજૂતી કરે અને જાપાન સામેના યુદ્ધને સફળ બનાવવા માટે અને ભારતના પુનર્નિર્માણમાં સહકાર આપવા તૈયાર થાય તો યુદ્ધ પછી આપણે આગળ વધવા તૈયાર છીએ.

ખાસ નોંધવા જેવી વાત એ છે કે બ્રિટન સરકાર બે કોમોની સંમતિ માટે આગ્રહ રાખતી હતી! મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીથી એ અજાણ નહોતી. ગાંધી-જિન્ના મંત્રણાઓમાં બન્ને વચ્ચેનું “આભજમીનનું અંતર” પણ છતું થયું હતું. આમ છતાં શાંતિને નામે બ્રિટન બન્ને કોમો વચ્ચે સમજૂતીની વાત કરતું હતું. આ વાતો જિન્નાની તરફેણમાં જતી હતી. બ્રિટન સરકાર કોંગ્રેસની વિરુદ્ધ મુસ્લિમ લીગનો ઉપયોગ કરતી હતી.

એ જ દિવસે વાઇસરૉય વેવલે ભારતમાં એક રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું: મને નામદાર સમ્રાટની સરકારે હિન્દુસ્તાની નેતાઓ સમક્ષ રાજકીય સ્થિતિને હળવી બનાવવા અને પૂર્ણ સ્વશાસનના ધ્યેય તરફ અગળ વધવા માટે યોગ્ય દરખાસ્તો રજૂ કરવાનો અખત્યાર આપ્યો છે.” વાઇસરૉયે રાજકીય અભિપ્રાયવાળા પ્રતિનિધિઓને લઈને પોતાની નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાની તૈયારી દેખાડી. કાઉંસિલમાં માત્ર વાઇસરૉય અને કમાંડર-ઇન-ચીફ સિવાય બધા સભ્યો ભારતીય હશે. કાઉંસિલમાં પ્રતિનિધિત્વ કઈ રીતે હોવું જોઈએ તેની ચર્ચા સિમલા કૉન્ફરન્સમાં કરવાની હતી. વેવલે સૂચવ્યું કે એને પોતાની કાઉંસિલ પસંદ કરવાનો હક છે પણ હવે એના માટે રાજકીય નેતાઓની સલાહ લેવાનો એનો વિચાર છે. એમાં સવર્ણ હિન્દુઓ અને મુસલમાનોને એકસરખું પ્રતિનિધિત્વ અપાશે. વાઇસરૉયે કહ્યું કે બંધારણ વિશે સમાધાન શોધવાનો કે લાદવાનો આ પ્રયાસ નથી. સમ્રાટની સરકારને વિશ્વાસ છે કે ભારતના પક્ષોના નેતાઓ કોમી સમસ્યાના સમાધાન માટે પરસ્પર સમજૂતી સાધી શકશે. ભારતને સ્વશાસન આપવામાં એ જ આડે આવે છે. ભારત સામે બહુ મોટી તકો પડેલી છે, તે સાથે જ બહુ મોટી સમસ્યાઓ પણ છે, જેનો ઉકેલ સહિયારા પ્રયાસોથી જ આવી શકે. વેવલે કહ્યું કે પહેલી જ વાર વિદેશ ખાતું પણ ભારતીય પ્રતિનિધિને સોંપાશે. આ કાઉંસિલ અત્યારના બંધારણ પ્રમાણે બનશે અને એમાં ગવર્નર જનરલને સંપૂર્ણ નિયંત્રણની સત્તા મળી છે તે છોડવાનો સવાલ જ નથી પણ એ સત્તાનો ઉપયોગ ગેરવાજબી રીતે નહીં કરાય.

વાઇસરૉયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થાની અસર ભવિષ્યની યોજનાઓ પર નહીં પડે. નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલનું કામ સૌ પહેલાં તો જાપાનને સંપૂર્ણ શિકસ્ત આપવા માટે તમામ શક્તિ કામે લગાડવાનું રહેશે. બીજું, કાયમી બંધારણ અમલમાં આવે ત્યાં સુધી યુદ્ધ પછીના વિકાસ માટેનાં કાર્યો કરવાનાં રહેશે. ત્રીજું, નેતાઓ એ પણ વિચારશે કે સમાધાન કઈ રીતે કરવું, અને આ ત્રીજું કામ સૌથી મહત્ત્વનું છે.

વેવલે પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવાનાં હતાં તેમનાં નામ પણ જાહેર કર્યાં અને કોંગ્રેસના નેતાઓને છોડી મૂકવાની પણ જાહેરાત કરી. એણે પ્રાંતિક સરકારોના પ્રીમિયરો, અથવા જે પ્રાંતોમાં પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને પ્રાંતમાં ગવર્નરનું શાસન હોય ત્યાંના ભૂતપૂર્વ પ્રીમિયરો, સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કૉગ્રેસના નેતા અને મુસ્લિમ લીગના ઉપનેતા. કાઉંસિલ ઑફ સ્ટેટમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ અને ઍસેમ્બ્લીમાં નૅશનાલિસ્ટ પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું. તે ઉપરાંત ગાંધીજી અને જિન્નાને માન્ય નેતાઓ તરીકે ખાસ આમંત્ર્યા. શિડ્યૂલ્ડ ક્લાસિસના પ્રતિનિધિ તરીકે રાવ બહાદુર એન. શિવ રાજ અને શીખોના પ્રતિનિધિ તરીકે માસ્ટર તારા સિંઘને આમંત્રણ અપાયાં. હિન્દુ મહાસભાને વેવલે આમંત્રણ ન આપ્યું; એ જ રીતે ડૉ. આંબેડકરને પણ બાકાત રખાયા. વેવલે આમંત્રણ માટે જે માપદંડ લાગુ કર્યો તેમાં તો નહેરુ પણ ગોઠવાતા નહોતા, એટલું જ નહીં પણ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદને પણ એ કારણે આમંત્રણ નહોતું મોકલ્યું.

બીજા જ દિવસે ૧૫મી જૂને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આચાર્ય નરેન્દ્ર દેવ અને કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને છોડી મુકાયા. લગભગ ત્રણ વર્ષ જેલમાં ગાળીને કોંગ્રેસ નેતાઓ બહાર આવ્યા હતા ગાંધીજી એ વખતે પંચગનીમાં હવાફેર માટે રોકાયા હતા. વાઇસરૉયના રેડિયો સંદેશ પછી તરત એમને એ વાંચવા મળ્યો. એમણે તરત વાઇસરૉયના સેક્રેટરીને તાર મોકલીને કહ્યું કે પોતે કોંગ્રેસના સભ્ય નથી એટલે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન કરી શકે. એ કામ કોંગ્રેસ પ્રમુખનું અથવા તો એ જેમને નીમે તેનું છે. બીજા દિવસે એમણે વાઇસરૉયને પણ તાર મોકલ્યો. તેમાં એમણે વાઇસરૉયે સવર્ણ હિન્દુઓનો ઉલ્લેખ કર્યો હતો તેની ચર્ચા કરતાં કહ્યું કે સવર્ણ કે અવર્ણ હિન્દુઓ જેવા કોઈ ભાગ નથી. હિન્દુ મહાસભા, કે જે હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું કહે છે, તે પણ એમ નહીં માને કે એ માત્ર સવર્ણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ બીજો વાંધો એ લીધો કે બ્રોડકાસ્ટમાં મહામહેનતે ‘સ્વતંત્રતા’ શબ્દને આવવા નથી દેવાયો. આટલું કહીને એમણે આટલા ફેરફારની માગણી કરી.

વાઇસરૉયે જવાબ આપ્યો કે તમારી ‘ટેકનિક્લ’ સ્થિતિ જે હોય તે, તમારી મદદ મને બહુ કામની છે. કોંગ્રેસના પ્રતિનિધિત્વ અંગે તમે સલાહ મસલત કરીને મને જાણ કરશો તો સારું. વાઇસરૉયે બ્રોડકાસ્ટ પછી તરત ગાંધીજીને તાર મોકલીને કૉન્ફરન્સથી એક દિવસ પહેલાં ૨૪મીએ બપોરે ત્રણ વાગ્યે સિમલામાં મળવાનું આમંત્રણ પણ આપ્યું. વેવલે કહ્યું કે તમારો ઉતારા માટે ‘એમ્સ્બેલ’ નામનો બંગલો મેં ભાડી લીધો છે.

બીજા એક તાર દ્વારા વેવલે ગાંધીજીને વિનંતિ કરી કે મૌલાના આઝાદને પણ બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ તેઓ પહોંચાડી દે. ૧૮મી જૂને વેવલે બીજા તાર દ્વારા ગાંધીજીને જાણ કરી કે મૌલાનાને આમંત્રણ મળી ગયું હોવું જોઈએ અને એના માટે તાર પણ કરી દીધો છે. એક તારમાં વેવલે સ્પષ્ટતા કરી કે ‘સવર્ણ હિન્દુ’ શબ્દો આક્ષેપની ભાષામાં નહોતા વાપર્યા. એનો અર્થ એ છે કે શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિઓને છોડીને બાકીના હિન્દુઓ અને મુસલમાનોનું પ્રતિનિધિત્વ સરખું હોવું જોઈએ. ‘સ્વતંત્રતા’ શબ્દ ન હોવા વિશે વેવલનો જવાબ હતો કે લૉર્ડ ઍમરીએ ૧૪મી જૂને આમસભામાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે માર્ચ ૧૯૪૨ની ઑફર હજી ઊભી છે. ઑફરના પાયામાં બે સિદ્ધાંતો છેઃ એક તો, કૉમનવેલ્થના સ્વાધીન સાથી તરીકે અથવા કૉમનવેલ્થની બહાર પોતાનું ભાવિ નક્કી નક્કી કરવાની સ્વતંત્રતા પર કોઈ નિયંત્રણ નથી. બીજું, ભારતીયો પક્ષકાર બનીને જાતે બંધારણ કે બંધારણો બનાવે તો (પહેલો સિદ્ધાંત) શક્ય બને.

બ્રોડકાસ્ટમાં ફેરફાર કરવાનું વ્યવહારુ નથી અને એ તો માત્ર સમાધાન શોધવાની મારી ભાવનાનું સાદું નિવેદન છે. કૉન્ફરન્સ પહેલાં આવી ચર્ચાઓ કરવાનું સલાહભર્યું નથી. ગાંધીજીના કહેવા પ્રમાણે વાઇસરૉયે એમના વચ્ચે તારોની આપ-લે થઈ હતી તે બધા છાપાંજોગ પ્રકાશિત કર્યા.

સિમલા કૉન્ફરન્સ

૨૫મી જૂન, સોમવારની સવારે બેઠક શરૂ થઈ. વાઇસરૉયે પોતાના ટૂંકા ભાષણમાં બધા પક્ષોને પોતાનાં વેરઝેર ભૂલી જઈને સમજૂતી સાધવા અપીલ કરી. તે પછી મૌલાના આઝાદે કોંગ્રેસના દૃષ્ટિકોણની સ્પષ્ટતા કરી. એમણે કહ્યું કે આ વ્યવસ્થા તદ્દન હંગામી અને વચગાળાની હશે એવી ખબર છે અને આ વ્યવસ્થાને ભવિષ્યની વ્યવસ્થા માટેના દાખલા તરીકે નહીં ગણાય એમ માનીએ છીએ પરંતુ કોંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા છે અને એને કોમવાદી ચીતરવાનો કોઈ પણ પ્રયાસ અમને મંજૂર નથી. અમે આવા કોઈ પણ પ્રયાસમાં સામેલ નહીં થઈએ. આ વચગાળાની વ્યવસ્થા ભારતની સ્વતંત્રતાના લક્ષ્ય તરફનું ડગલું છે એવી જાહેરાતને હું બહુ જ મહત્ત્વની ગણું છું. કોંગ્રેસ વર્કિંગ કમિટી જે કંઈ નિર્ણય લેશે તેને AICCએ મંજૂરી આપવાની રહેશે પણ હજી એના પર પ્રતિબંધ છે અને અમારા ઘણા સાથીઓ જેલમાં છે. આ અમારા માર્ગમાં બહુ મોટો અવરોધ છે.

તે પછી બેઠક ત્રીજા દિવસે, ૨૭મી બુધવારે મળી. મંગળવારે નેતાઓ અનૌપચારિક વાતચીતો કરવા માગતા હતા.

ફરી એક દિવસનો ખાડો પડ્યો. ૨૯મીએ બે કલાક માટે બેઠક મળી તેમાં બધા પક્ષોએ એક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે પોતાનાં નામો આપવાનાં હતાં પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને નામો નક્કી કરવા માટે બે અઠવાડિયાનો સમય આપીને કૉન્ફરન્સ મોકૂફ રાખી દેવાઈ.

કોંગ્રેસ પ્રમુખે નામો નક્કી કરવા માટે સિમલામાં જ વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી.

સિમલા કૉન્ફરન્સ નિષ્ફળઃ જિન્ના જવાબદાર

૧૪મી જુલાઈએ બધા ફરી એકઠા થયા ત્યારે વાઇસરૉયે કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કર્યું અને કહ્યું કે જિન્નાએ ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે લીગના પ્રતિનિધિઓનાં નામ ન આપ્યાં તેથી આખી કાઉંસિલની રચના કરવાનું શક્ય ન બન્યું. વાઇસરૉય લૉર્ડ વેવલનું નિવેદન ટૂંકમાં જોઈએઃ

“મને બધા પક્ષો તરફથી નામો મળી ગયાં, માત્ર યુરોપિયન જૂથ અને મુસ્લિમ લીગ તરફથી નામો ન મળ્યાં. યુરોપિયન જૂથે તો નામો ન આપવાનું નક્કી કર્યું એટલે ન આપ્યાં, પરંતુ મુસ્લિમ લીગ તરફથી નામ ન મળતાં મેં પોતે જ લીગના પ્રતિનિધિઓનાં નામ જાતે જ નક્કી કરીને તૈયાર રાખ્યાં. મને ખાતરી છે કે આ નામોને અહીં મંજૂરી મળી હોત તો નામદાર સમ્રાટની સરકાર પણ એનો સ્વીકાર કરી લેત. જો કે, બધા પક્ષોના બધા દાવા પૂરેપૂરા સ્વીકારવાનું શક્ય નહોતું. મેં મારો ઉકેલ જિન્ના સમક્ષ મૂક્યો ત્યારે એમણે કહ્યું કે મુસ્લિમ લીગને એ સ્વીકાર્ય નથી અને એ એટલા મક્કમ હતા કે મને લાગ્યું કે ચર્ચા ચાલુ રાખવાનું ઉપયોગી નહીં થાય. એ સંયોગોમાં મેં એમને મારી સૂચી ન દેખાડી.

વાઇસરૉય પછી બોલતાં મૌલાના આઝાદે વાઇસરૉયના પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે એમણે કૉન્ફરન્સની નિષ્ફળતાની જવાબદારી લીધી છે તે હિંમતનું કામ છે પણ ખરી જવાબદારી એમની નહીં, બીજાઓની હતી.

બધા પક્ષો મુસ્લિમ લીગ સાથે સમાધાન કરી શકે તે માટે લૉર્ડ વેવલે મીટિંગ મુલતવી રાખી તે સારું જ કર્યું. પણ મુસ્લિમ લીગનો દાવો હતો કે બીજા કોઈ પણ મુસ્લિમ પ્રતિનિધિનું નામ ન આપી શકે, માત્ર મુસ્લિમ લીગને જ એ અધિકાર મળવો જોઈએ. હું પોતે મુસલમાન છું અને કોંગ્રેસ માત્ર હિન્દુઓની સંસ્થા બની રહે તે મને મંજૂર નથી. મુસલમાનોના ભલા માટે કામ કરવાનો કોંગ્રેસને અધિકાર છે. એટલે એ દેખીતું છે કે કૉન્ફરન્સની નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે.

મૌલાનાએ વાઇસરૉયને પણ સંભળાવી દીધું. આજે દેશમાં જે કોમવાદ ફેલાયો છે તેની જવાબદારીમાંથી બ્રિટિશ સરકાર બચી ન શકે. જ્યાં સુધી ત્રીજો પક્ષ દેશમાં રહેશે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની નથી. વાઇસરૉયનું વલણ ઢીલું રહ્યું. આવી ઢચુપચુ રીત સાચી પણ નથી અને ઉપયોગી પણ નથી. ખંચકાટ અને નબળાઈથી ઉકેલ ન જડે.

નિષ્ફળતા વિશે જિન્ના

૧૪મી જુલાઈએ જ જિન્નાએ પત્રકાર પરિષદની નિષ્ફળતા માટે બધો દોષ, ગાંધીજી, કોંગ્રેસ અને પંજાબના પ્રીમિયર ખિઝર હયાત ખાન અને ગવર્નર ગ્લૅન્સી પર નાખ્યો. એમણે લૉર્ડ ઍમરીનું નામ લીધા વગર જ એમની ભારતની ભૌગોલિક અખંડતાની દલીલની પણ ટીકા કરી. જિન્નાએ કહ્યું કે વેવલ પ્લાન પાકિસ્તાનની માંગને દબાવી દેવા માટે હતો. ગાંધીજીના નેતૃત્વ હેઠળની હિન્દુ કોંગ્રેસ એમાં વાઇસરૉયના સગરિત તરીકે કામ કરતી હતી. પંજાબના પ્રીમિયર ખિઝર પર એમને એટલા માટે રોષ હતો કે એમની યુનિયનિસ્ટ પાર્ટી જિન્નાનો દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત નહોતી માનતી. પંજાબમાં એના જ ખભે ચડીને મુસ્લિમ લીગ આગળ વધી હતી. પંજાબનો ગવર્નર ગ્લૅન્સી પણ જોઈ શકતો હતો કે પંજાબમાં કોમી ઝેર નહોતું ફેલાયું. એનો એવો પણ આગ્રહ હતો કે વેવલ પોતાની ઍક્ઝીક્યુટિવ કાઉંસિલમાં યુનિયનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિનો પણ સમાવેશ કરે. એનો અર્થ એ કે કોંગ્રેસ કોઈ મુસલમાનનું નામ આપે તો પોતે એકલા જ મુસલમાનોના પ્રતિનિધિ હોવાનો દાવો ખોટો પડે. યુનિયનિસ્ટ પાર્ટીને સ્થાન મળે તો પંજાબમાં મુસ્લિમ લીગનું શું થાય?

(જિન્ના અને ખિઝર હયાત ખાન વચ્ચેની તકરાર માટે પ્રકરણ-૪૨/૧૦.૬.૨૦૨૧ જૂઓ).

જિન્ના પોતાને મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવા માગતા હતા. મૌલાના આઝાદે કોંગ્રેસને સૌની રાષ્ટ્રીય સંસ્થા ગણાવીને મુસલમાન તરીકે કહ્યું કે કોંગ્રેસ માત્ર હિન્દુઓની સંસ્થા નથી. જિન્નાની મહેચ્છાઓમાં આ બધું આડે આવતું હતું. જિન્ના આવો બચાવ કરીને આડકતરી રીતે વેવલનો આક્ષેપ સ્વીકારતા હતા કે સિમલા કૉન્ફરન્સની નિષ્ફળતા માટે એ પોતે જ જવાબદાર હતા!

૦૦૦

સંદર્ભઃ

The Annual Indian Register Jan-Jun 1947 Vol. I

Collected Works of Mahatma Gandhi Vol. 80

http://pu.edu.pk/images/journal/studies/PDF-FILES/Artical-1-Vol-12-1-2011.pdf


India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-45

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ : ૪૫: ગાંધી-જિન્ના મંત્રણા અને પત્રવ્યવહાર(૨)

આપણે ગાંધીજીએ જિન્નાને ૧૫મી સપ્ટેમ્બરે લખેલો પત્ર વાંચીએ છીએ. ગયા અઠવાડિયે આપણે પત્રની ભૂમિકા વાંચી હતી. આટલી ભૂમિકા પછી ગાંધીજી સીધા જ લાહોર ઠરાવ પર આવે છે અને ઝીણામાં ઝીણી બાબતોની છણાવટ કરે છે. જિન્નાએ એનો જવાબ આપ્યો છે. પણ બન્નેના મુદ્દા એકસાથે જોવાનું સરળ રહેશે એટલે આ પ્રકરણમાં આપણે ગાંધીજીના આ પત્રના બાકી રહેલા ભાગની અને એના જવાબમાં જિન્નાએ ૧૭મી સપ્ટેમ્બરે આપેલા જવાબની એકસાથે ચર્ચા કરશું.

ગાંધીજી (૧૫ સપ્ટેમ્બર)

જિન્ના (૧૭ સપ્ટેમ્બર)

ગાંધીજી ૧. ઠરાવમાં પાકિસ્તાન નથી. શરૂઆતમાં એનો અર્થ, જે પ્રદેશોનાં નામ ઉપરથી એ નામ પડ્યું છે તે પ્રદેશો – પંજાબ, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન – એવો થતો હતો, તે જ આજે પણ થાય છે? જો તેમ ન હોય તો એનો અર્થ શો છે?

જિન્ના ૧. હા, ‘પાકિસ્તાન’ શબ્દ એ ઠરાવમાં વપરાયેલો નથી, અને એ એનો મૂળ અર્થ ધરાવતો નથી. આજે એ શબ્દ લાહોર ઠરાવનો પર્યાય બની ગયો છે.

ગાં. ૨. પાકિસ્તાનનું અંતિમ ધ્યેય અખિલ ઇસ્લામના સંગઠનનું છે?

જિ. ૨. આ મુદો ઉપસ્થિત થતો નથી, પણ છતાં હું જવાબ આપું છું કે એ પ્રશ્ન કેવળ હાઉ છે.

ગાં. ૩. હિન્દુસ્તાનના મુસલમાનને બીજા હિન્દીઓથી જુદો પાડનાર એમનો ધર્મ નથી તો બીજું શું છે? શું એ તુર્ક કે આરબ કરતાં જુદા છે?

જિ. ૩. હિન્દુસ્તાનના મુસલમાનો એક રાષ્ટ્ર છે એ મારો જવાબ આ મુદ્દાને પણ આવરી લે છે. તમારા પ્રશ્નના છેલ્લા ભાગ વિશે જણાવવાનું કે ઠરાવના સ્પષ્ટીકરણમાં એ ભાગ્યે જ પ્રસ્તુત ગણાય.

ગાં. ૪. જે ઠરાવની ચર્ચા ચાલે છે તેમાંના ‘મુસલમાનો’ શબ્દનો શો અર્થ છે? એનો અર્થ ભૌગોલિક હિન્દુસ્તાનના મુસલમાનો છે કે ભાવિ પાકિસ્તાનના મુસલમાનો છે?

જિ. ૪. બેશક. ‘મુસ્લિમ’ શબ્દનો અર્થ શો થાય છે તે તમને ખબર જ છે.

ગાં. ૫. શું એ ઠરાવ મુસલમાનોને કેળવવા માટે છે કે આખા હિન્દુસ્તાનના લોકોને અપીલ રૂપે છે કે વિદેશી રાજકર્તાઓને પડકારરૂપે છે?

જિ. ૫. લાહોર ઠરાવના પાઠના સ્પષ્ટીકરણ તરીકે આ મુદ્દો ઉપસ્થિત થતો નથી.

ગાં. ૬. બન્ને વિભાગોના ઘટકો ”સ્વતંત્ર રાજ્યો” હશે અને દરેકના ઘટકોની સંખ્યા અનિશ્ચિત હશે?

જિ. ૬. ના. તે પાકિસ્તાનનાં એકમો બનશે.

ગાં. ૭. નવાં રાજ્યોની હદ બ્રિટિશ રાજ્ય ચાલુ હશે તે દરમિયાન નક્કી થશે?

જિ. ૭. લાહોરના ઠરાવમાંનો પાયો અને તેના સિદ્ધાંતોનો સ્વીકાર થતાં તરત જ સરહદ નક્કી કરવાનું કામ હાથ ધરવું પડશે.

ગાં. ૮. જો છેલ્લા પ્રશ્નનો જવાબ હકારમાં હોય તો એ સૂચન પહેલાં બ્રિટને સ્વીકારવું જોઈશે અને પછી એ હિન્દુસ્તાન પર લાદવું જોઈશે. એ હિન્દુસ્તાનના લોકોની સ્વતંત્ર ઇચ્છાથી અંદરથી ઊગ્યું નહીં હોય.

જિ. ૮. ૭મા મુદ્દાના મારા જવાબને ધ્યાનમાં લેતાં તમારા ૮મા પ્રશ્નનો જવાબ અપાઈ ગયો છે.

ગાં. ૯. તમે એ વાત તપાસ કરી છે અને ખાતરી કરી લીધી છે કે આ “સ્વતંત્ર રાજ્યો” નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે એથી તેમને ભૌતિક દૃષ્ટિએ અને બીજી રીત પણ લાભ થશે?

જિ. ૯. આને સ્પષ્ટીકરણ સાથે સંબંધ નથી.

ગાં. ૧૦. કૃપા કરીને એટલી ખાતરી કરાવો કે એ સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યો ગરીબ રાજ્યોના સમૂહરૂપે પોતાને અને આખા હિન્દુસ્તાનને આફતરૂપ નહીં થઈ પડે.

જિ. ૧૦. ૯માનો મારો જવાબ ન આવરી લે છે.

ગાં. ૧૧. કૃપા કરીને મને હકીકતો અને આંકડાઓ દ્વારા અથવા બીજી રીતે એ બતાવો કે આ ઠરાવનો સ્વીકાર કરવાથી સમગ્ર હિન્દુસ્તાનની સ્વતંત્રતા અને તેનું કલ્યાણ શી રીતે સાધી શકાય?

જિ. ૧૧. ઠરાવના સ્પષ્ટીકરણથી આ ઉપસ્થિત થતો નથી. બેશક. આ કંઈ ઠરાવનું સ્પષ્ટીકરણ માગ્યું ન કહેવાય. મારાં અસંખ્ય ભાષણોમાં અને મુસ્લિમ લીગે પોતાના ઠરાવોમાં બતાવ્યું છે કે હિન્દુસ્તાનની સમસ્યાનો આ જ એકમાત્ર ઉકેલ છે અને હિન્દુસ્તાનના લોકો માટે સ્વતંત્રતા મેળવવાનો માર્ગ છે.

ગાં. ૧૨. આ યોજનાને પરિણામે દેશી રાજ્યોમાંના મુસલમાનોનું શું થશે?

જિ. ૧૨. “દેશી રાજ્યોના મુસ્લિમો”- લાહોરનો ઠરાવ બ્રિટિશ હિન્દુસ્તાન પૂરતો મર્યાદિત છે. ઠરાવના સ્પષ્ટીકરણમાંથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

ગાં. ૧૩. “લઘુમતીઓ’ની વ્યાખ્યા તમે શી કરો છો?

જિ. ૧૩. “લઘુમતીઓની વ્યાખ્યા” – તમે પોતે જ ઘણી વાર કહ્યું છે કે લઘુમતીઓ એટલે “સ્વીકૃત લઘુમતીઓ”.

ગાં. ૧૪. ઠરાવના બીજા ભાગમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે લઘુમતીઓ માટેની ”પર્યાપ્ત, અસરકારક અને આદેશાત્મક બાંયધરીઓ”ની તમે વ્યાખ્યા આપશો?

જિ. ૧૪. ઠરાવમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે લઘુમતીઓ માટેની પૂરતી, અસરકારક અને આદેશાત્મક બાંયધરીઓ તે તે રાજ્યની એટલે કે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની લઘુમતીઓ સાથે વાટાઘાટો કરીને નક્કી કરવાની બાબત છે.

ગાં. ૧૫. તમે એ નથી જોતા કે લાહોર ઠરાવમાં તો કેવળ ધ્યેય જ માત્ર કહેલું છે, અને એ વિચારનો અમલ કરવા માટે કયાં સાધનો અપનાવવાં જોઈએ અને તેનાં નક્કર પરિણામો શાં આવશે એ વિશે કંઈ જ કહેલું નથી. દાખલા તરીકે, (ક) આ યોજનામાં આવી જતા પ્રદેશોના લોકોનો જુદા પડવાની બાબતમાં મત લેવાશે? અને (મત લેવામાં) આવશે તો કઈ રીતે? (ખ) લાહોર ઠરાવમાં સંરક્ષણ અન એવી બીજી સહિયારી બાબતો માટે શી જોગવાઈ વિચારેલી છે? (ગ) મુસલમાનોનાં ઘણાં જૂથો એવાં છે જેઓ લીગની નીતિનો સતત વિરોધ કરતાં રહ્યાં છે. હું એ માનવાને તૈયાર છું કે મુસલમાનોમાં લીગનો પ્રભાવ અને એની સ્થિતિ સર્વોપરી છે અને માટે જ હું તમને મળવા આવ્યો છું. તેમ છતાં આપણી એ સંયુક્ત ફરજ નથી કે તેમની શંકાઓ દૂર કરીએ અને એમને તથા એમના ટેકેદારોને મતાધિકારથી વંચિત રાખવામાં નથી આવ્યા એવો અનુભવ કરાવી સાથે લઈએ? (ઘ) શું આ ઉપરથી ફરી નિર્ણય પર નથી આવવું પડતું કે લીગનો ઠરાવ લાગતાવળગતા

વિસ્તારોના બધા જ લોકો સમક્ષ સ્વીકાર માટે મૂકવો જોઈએ?

જિ. ૧૫. એ ઠરાવ પાયાના સિદ્ધાંતો તો આપે જ છે, અને તે સ્વીકારાય એટલે કરાર કરનારા પક્ષોએ વિગતો નક્કી કરવી પડશે. (ક અને ખ) સ્પષ્ટીકરણ અંગે ઉપસ્થિત થતા નથી. (ગ) મુસ્લિમ લીગ એકલી જ હિન્દુસ્તાનના મુસ્લિમોની અધિકૃત અને પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે. (ઘ)ના, જુઓ જવાબ (ગ).

જિન્ના કોઈ પણ ભોગે ભાગલા માગે છે. ગાંધીજીએ એમને સ્પષ્ટ કહી દીધું છે કે આખો દેશ ધર્મ બદલી લે તો એક રાષ્ટ્ર બની જાય? અથવા તો ધર્મ પરિવર્તન કરનારીની ભાવિ પેઢીઓ શી રીતે અલગ રાષ્ટ્ર બની શકે? એમણે ડૉ. આંબેડકર સમજ્યા તેમ જિન્ના તરફ જ આડકતરી રીતે આંગળી ચીંધી કે એમના વડવાઓ પણ અલગ રાષ્ટ્ર હતા? પરંતુ જિન્ના કોઈ પણ રીતે આવા સવાલોનો સામનો કરવા તૈયાર નહોતા. એમણે પત્રના અંતમાં લખ્યું કે

“…પણ તમે આગળ જઈને એમ કહો છો કે તમે હિન્દુસ્તાનના બધા જ વતનીઓનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા રાખો છો, ત્યારે મારે દુઃખપૂર્વક કહેવું પડે છે કે હું તમારું વિધાન સ્વીકારી શકતો નથી. એ તો દીવા જેવું ચોખ્ખું છે કે તમે હિન્દુઓ સિવાય બીજા કોઈનું પ્રતિનિધિત્વ કરતા નથી…હું પહેલાં કહી ગયો તેમ, તમે મહાન પુરુષ છો અને હિન્દુઓ ઉપર – ખાસ કરીને જનતા ઉપર ભારે મોટો પ્રભાવ ધરાવો છો અને હું તમને જે માર્ગ બતાવું છું તે માર્ગનો સ્વીકાર કરવાથી તમે હિન્દુઓના કે લઘુમતીઓનાં હિતને હાનિ કે નુકસન પહોંચાડતા નથી…”

જિન્ના ગાંધીજીને માત્ર હિન્દુઓના નેતા માનવા માગતા હતા. બન્ને વચ્ચે પત્રવ્યવહાર અને મંત્રણાઓની બેઠકો ચાલતી રહી પરંતુ ગાંધીજીએ ૨૬મી સપ્ટેમ્બરે વાતચીત પડી ભાંગી હોવાનું જાહેર કરી દીધું.

એમણે જિન્નાને પત્ર લખીને જણાવી દીધું કે હવે આગળ પત્રવ્યવહાર ન કરવાનું એમણે નક્કી કર્યું છે. ગાંધીજીએ કહ્યું કે તમે વારંવાર એ વાત કહ્યા કરો છો કે હું કોઈનું પ્રતિનિધિત્વ કરતો નથી. આ લખ્યા કરવાનો અર્થ નથી કારણ કે હું વ્યક્તિ તરીકે જ મળ્યો હતો પણ મેં સ્પષ્ટતા કરી જ હતી કે આપણે જો કંઈ સમજણ સાધી શકીએ તો હું દેશવાસીઓને અને કોંગ્રેસને સમજાવી લેવા માટે મારી વગ વાપરી શકું. જિન્નાએ એ જ દિવસે જવાબમાં ફરી એ જ લખ્યું કે તમે કોઈનું પ્રતિનિધિત્વ નહોતા કરતા તેમ છતાં હું ઉકેલની આશામાં વાત કરતો રહ્યો. આપણે સફળ નથી થયા પણ આ પ્રયાસને છેવટનો ન માની લેવો જોઈએ.

૦૦૦

સંદર્ભઃ

The Annual Indian Register July-Dec1943 Vol.II

ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ ૭૮, નવજીવન પ્રકાશન મંદિર. (https://www.gandhiheritageportal.org)


%d bloggers like this: