India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-75

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત

કોંગ્રેસે માઉંટબૅટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રહેવા વિનંતિ કરી. માઉંટબૅટનનો ખ્યાલ હતો કે પોતે બન્ને ડોમિનિયન રાજ્યોના ગવર્નર જનરલ બનશે, પણ જિન્ના એના માટે તૈયાર નહોતા. એમનું કહેવું હતું કે નવા રાષ્ટ્રના જન્મ સાથે લોકો એમને ટોચ પર જોવા માગે છે. કોઈ બ્રિટિશર સર્વોચ્ચ સત્તા પર હોય તે લોકો પસંદ નહીં કરે. ભારત બ્રિટિશ સત્તાનું અનુગામી રાજ્ય બન્યું હતું એટલે હજી કેટલાક પ્રશ્નો ઉકેલવાના હતા. માઉંટબૅટનની હાજરીથી એ કામ સહેલું બનવાનું હતું અને બ્રિટનની માન્યતા પણ આપમેળે મળી જવાની હતી. કોંગ્રેસના નેતાઓને બ્રિટિશ ગવર્નર જનરલ હોય તેમાં નાનપ નહોતી લાગતી.

પરંતુ હજી પાકિસ્તાનની સરહદ નક્કી થઈ નહોતી. કયો પ્રદેશ પાકિસ્તાન છે તે હજી નક્કી થવાનું હતું સરહદની આંકણી માટેના ખાસ અમલદાર સર સિરિલ રેડક્લિફે હજી પોતાનો રિપોર્ટ આપ્યો નહોતો. પરંતુ પાકિસ્તાને ૧૪મી ઑગસ્ટે આઝાદ થવાનો નિર્ણય લીધો. જિન્નાના સોગંદવિધિ સમારંભમાં ભાગ લેવા માઉંટબૅટન અને પત્ની ઍડવિના કરાંચી ગયાં. આ પહેલાં પંજાબના ગવર્નરે વાઇસરૉયને રિપોર્ટ મોકલાવ્યો હતો તે પ્રમાણે કેટલાક શીખો ૧૪મી ઑગસ્ટે જિન્નાની હત્યાનો પ્રયાસ કરવાના હતા.

આ વાત જિન્ના સુધી જુદી રીતે પહોંચાડાઈ. માઉંટબૅટને આવો ખતરો પોતાના પર હોવાનું કહ્યું અને જિન્ના શહેરમાં નીકળે ત્યારે એમની સાથ જ ખુલ્લી કારમાં બેસવાનો આગ્રહ રાખ્યો. લિયાકત અલી ખાનને લાગ્યું કે માઉંટબૅટનને કારણે કાયદે-આઝમ પણ ખતરામાં મુકાશે. માઉંટબૅટન અને જિન્ના ખુલ્લી કારમાં નીકળ્યા અને કશું અણઘટતું ન બન્યું. જિન્નાએ તે પછી માઉંટબૅટનને કહ્યું કે મારા કારણે તમે બચી ગયા. માઉંટબૅટને શબ્દોમાં જવાબ તો ન આપ્યો પણ મનમાં જરૂર બોલ્યા કે “મારા કારણે તમે બચી ગયા!”

ભારતમાં જ્યોતિષીઓએ કહ્યું હતું કે મધરાતે ૧૫મી ઑગસ્ટની પહેલી ઘડી પહેલાં શુભ ચોઘડિયાં નથી એટલે મધરાતને ટકોરે ભારત એકસો નેવું વર્ષની ગુલામીનો અંત લાવીને આઝાદ થયું અને તે સાથે આપણે વિધાતા સાથે કરેલો વાયદો પૂરો કર્યો.

આ લેખમાળાની સમાપ્તિ જવાહરલાલ નહેરુના આ વિશ્વવિખ્યાત ભાષણથી કરીએઃ

૦૦૦          ૦૦૦                ૦૦૦

૧ માર્ચ ૨૦૧૮થી આ સાપ્તાહિક લેખમાળા શરૂ થઈ અને આજે ૨૦૦ અઠવાડિયે પૂરી થાય છે. ઈ. સ. ૧૫૯૯થી ૧૯૪૭ સુધીના આખા સમયગાળાની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતીમાં આઝાદીના ઇતિહાસનું સર્વાંગ સંકલન કરવાનો આ પ્રથમ પ્રયાસ છે એ વાતે સંતોષ છે. આશા છે કે વાચકોને મારો આ પ્રયાસ ગમ્યો હશે.

દીપક ધોળકિયા

૨૭. ૧ ૨૦૨૧

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-74

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૪ – રજવાડાંનું વિલીનીકરણ

બ્રિટનમાં ઘણા રાજકારણીઓ, ખાસ કરીને ચર્ચિલ જેવા રૂઢીચુસ્ત નેતાઓ કોઈ પણ ભોગે ભારત છોડવા તૈયાર નહોતા. એમને લઘુમતીઓ, ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રાજાઓની આડશ લઈને ટકી રહેવું હતું. બ્રિટિશ ઇંડિયાને સ્વતંત્રતા આપ્યા પછી રાજાઓનું શું થાય? આમ તો આ બધા ખંડિયા રાજાઓ જ હતા અને બ્રિટિશ તાજ અને ભારતમાં એના પ્રતિનિધિ વાઇસરૉયને અધીન હતા. બ્રિટન હટી જાય તો પણ રાજાઓ પર બ્રિટનની સર્વોપરિતા રહે એવી ઇચ્છા પણ ઘણાને હતી. પરંતુ વ્યવહારમાં એ શક્ય નહોતું કારણ કે દેશી રાજ્યો કંઈ અલગ પડી શકે તેમ નહોતું. ચારે બાજુ બ્રિટિશ ઇંડિયા હોય અને વચ્ચે કોઈ એકાદ રજવાડું પણ હોય. બ્રિટને એમની વિદેશનીતિ, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગવાની સ્થિતિમાં લશ્કરી મદદ અને બહારના આક્રમણ સામે સંરક્ષણની જવાબદારી સ્વીકારી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને રાજાઓ પર નાણાકીય તેમ જ સાધન સામગ્રી કે માનવબળ પૂરાં પાડવાની જવાબદારી પણ નાખી હતી અને એ અર્થમાં રાજાઓ પણ અંગ્રેજોના દાસ જ હતા. આમ સર્વોપરિતા ચાલુ રાખવાની માંગ લલચાવનારી તો હતી પણ વ્યવહારુ નહોતી. બ્રિટન ખૂણેખાંચરે પોતાનું સૈન્ય મૂકે, રાજાઓના વહીવટ પર નજર રાખવા માટે રેસિડન્ટ એજન્ટો નીમે તો જ એ શક્ય બને. આટલું કર્યા પછી પણ મોટા ભાગનાં રાજ્યો એવાં હતાં કે બ્રિટનને એમનો ખર્ચ નિભાવવો ભારે પડે તેમ હતું.

આથી ઍટલીની સરકારે અને માઉંટબૅટને શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે દેશી રાજ્યોએ એમની નજીકના કોઈ પણ ડોમિનિયન સ્ટેટમાં ભળી જવાનું રહેશે. આ સ્થિતિમાં જિન્ના હિન્દુ પ્રજાની બહુમતી હોય તેવાં રાજ્યોના હિન્દુ રાજાઓને પણ પાકિસ્તાનમાં જોડાવા માટે આકર્ષક ઑફરો કરતા હતા! આ બધાં વચ્ચેથી મોટા ભાગનાં નાનામોટાં રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે તૈયાર કરવાનાં હતાં.

આપણે જોઈ લીધું છે કે માઉંટબૅટન ૩૦મી મેના રોજ લંડનથી પાછા ફર્યા અને ત્રીજી જૂને ભાગલાની યોજનાની જાહેરાત કરી અને નહેરુ, જિન્ના અને બલદેવસિંઘે રેડિયો પરથી સંબોધનો કરીને એનો સ્વીકાર કર્યો તે દરમિયાન એમણે Chamber of Princesના બે નેતાઓ બીકાનેરના રાજવી અને ભોપાલના નવાબને મળીને જણાવી દીધું હતું કે એમનું ભાવિ નક્કી થઈ ગયું છે અને એમનાં રાજ્યોને હિન્દુસ્તાનના ડોમિનિયનમાં જોડવાનાં રહેશે.

આના પછી ૨૫મી જુલાઈએ વાઇસરૉય રાજવીઓના સંઘને મળ્યા. માઉંટબૅટને આ બેઠકમાં બે વાત કરી – રાજાઓ સમક્ષ એક ઑફર મૂકવામાં આવી છે. એ તક એમણે ઝડપી લેવી જોઈએ કારણ કે ફરીવાર એ ઑફર નહીં મળે. આ ઑફર પ્રમાણે એમના વિદેશી સંબંધો, સંરક્ષણ અને સંદેશવ્યવહારના અધિકાર છોડવા પડશે, પણ આ અધિકારો એમને કદી ભોગવવા જ નથી મળ્યા. બીજી વાત, માઉંટબૅટન ઉમેર્યું, કે ૧૫મી ઑગસ્ટ પછી હું એમની મદદ કરવા માટે એમની પડખે ઊભો નહીં રહી શકું.

આના પછી સવાલજવાબ થયા તેમાંથી દેખાયું કે રાજવીઓ હજી માઉંટબૅટનના ભાષણનો મુખ્ય સૂર પકડી નહોતા શક્યા. એક રમૂજી ઘટના પણ બની. ભાવનગરના દીવાને ઊભા થઈને કહ્યું કે એના મહારાજા વિદેશમાં છે એટલે જોડાણના દસ્તાવેજ (ઇન્સ્ટ્રુમેંટ ઑફ ઍક્સેશન) પર સહી નહીં કરી શકે. માઉંટબૅટને ટેબલ પર પડેલું કાચનું પેપરવેઇટ હાથમાં લઈને સૌને દેખાડ્યું અને કહ્યું કે આ મારો ક્રિસ્ટલ બૉલ છે. એમાં જોઈને હું જવાબ આપી શકીશ. એમણે થોડી સેકંડો એમાં જોવાનું નાટક કરીને દીવાનને કહ્યું, તમારા મહારાજા સાથે વાત થઈ ગઈ. એમનું કહેવું છે કે દીવાન મારા વતી સહી કરી શકે છે!

આના પરથી દેખાશે કે દેશી રાજ્યોના વિલીનીકરણ માટે માઉંટબૅટન કેટલા તત્પર હતા.

માઉંટબૅટને રાજાઓને બચાવવાની જવાબદારી ખંખેરી નાખી તેની અસર એ થઈ કે હજી પણ જે રાજાઓના મનમાં આશા હતી કે બ્રિટન એમની મદદે આવશે, તે ઓસરી ગઈ. કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર હોય અને રાજ્યોમાં પ્રજાકીય પરિષદો કોંગ્રેસની પ્રેરણાથી જ જવાબદાર રાજતંત્રની માગણી કરતી હતી. અંગ્રેજોનો હાથ પીઠ પરથી હટી ગયા પછી કોંગ્રેસને રોકનાર કોણ? રાજાઓ પાસે સમય બહુ ઓછો હતો, ૨૫મી જુલાઈથી ૧૫મી ઑગસ્ટ, માત્ર વીસ દિવસ!

નાફરમાની

જોવાની વાત એ છે કે હૈદરાબાદના નિઝામે કદી રાજવી સંઘને ગણકાર્યો નહીં. ૨૫મી જુલાઈની બેઠકમાં પણ નિઝામે ભાગ ન લીધો. એના ઉપરાંત ત્રાવણકોર, ઇંદોર, ભોપાલ, રામપુર, જોધપુર અને વડોદરા પણ માથાનો દુખાવો બની રહ્યાં.

ભોપાલ નવાબ હમિદુલ્લાહ તો પાકિસ્તાનના સમર્થક હતા અને પાકિસ્તાનમાં ભળવા માગતા હતા, એટલું જ નહીં, આસપાસના હિન્દુ રાજાઓને પાકિસ્તાનમાં જોડાવા સમજાવતા હતા. ઇંદોર, વડોદરા અને રાજસ્થાનનાં જોધપુર જેવાં રાજ્યોને એ પ્રલોભનો આપતા હતા. જોધપુર પાકિસ્તાનમાં જાય તો એની પાડોશનાં જેસલમેર, ઉદયપુર અને જયપુર માટે પણ પાકિસ્તાન એમની ‘નજીક’નું ડોમિનિયન બની જાય અને એ પણ પાકિસ્તાનમાં જોડાઈ શકે.

ભોપાલ નવાબ જોધપુર મહારાજાને જિન્નાને મળવા લઈ ગયા, જિન્નાએ એમને કરાંચી બંદરની સેવા અને શસ્ત્રોની આયાતનિકાસની અમર્યાદિત છૂટ, અને જોધપુર અને હૈદરાબાદ (સિંધ) વચ્ચે ચાલતી રેલવે પર સંપૂર્ણ નિયંત્રણની ઑફર કરી. માઉંટબૅટને જોધપુર મહારાજાને બોલાવ્યા ત્યારે એમણે કબૂલ કર્યું કે એ માત્ર વાત કરવા ગયા હતા. મહારાજાએ જિન્નાની બેઠકમાં શું થયું તે પણ કહ્યું – જિન્નાએ મહારાજાને એક કવર આપ્યું તેમાં આ ઑફર લિખિત રૂપે હતી. પણ મહારાજાએ કહ્યું કે તેઓ એના પર વિચાર કરીને જણાવશે, એ સાંભળતાં જ જિન્નાએ એમના હાથમાંથી કવર પાછું ઝુંટવી લીધું!

પરંતુ મહારાજાની ઇચ્છા તો પાકિસ્તાનમાં જવાની હતી જ. એમણે ભોપાલ નવાબને તાર કરીને ૧૧મી ઑગસ્ટે પાકો નિર્ણય લેવા માટે દિલ્હીમાં મળવાનું જણાવ્યું અને પોતે વડોદરા જઈને મહારાજાને જોડાણના દસ્તાવેજ પર સહી ન કરવા સમજાવ્યા. સરદાર પટેલ પણ છોડવા તૈયાર નહોતા. એમણે પણ જિન્ના જેવી જ ઑફર કરી અને જોધપુરને કચ્છમાં એક બંદર સાથે જોડતી રેલવે લાઇન બાંધી આપવાનું પણ વચન આપ્યું.

ઇંદોર પર પણ ભોપાલની અસર હતી. માઉંટબૅટને એમને દિલ્હી આવવા કહ્યું તેની પણ એણે પરવા ન કરી. એટલે માઉંટબૅટને વડોદરા, અને કોલ્હાપુરના મરાઠા શાસકોને તાબડતોબ ઇંદોર જઈને મહારાજાને સાથે લઈ આવવા મોકલ્યા. ઇંદોર મહારાજાને એમણે કહ્યું કે એમણે પોતાની જ પ્રજાની ભાવનાઓને ઠોકરે ચડાવી છે અને તાજના પ્રતિનિધિ સાથે પણ ખરાબ વર્તન કર્યું છે. ઇંદોર મહારાજાએ માઉંટબૅટનની નીતિઓનો વિરોધ કરતો લાંબો પત્ર આપ્યો અને જોડાણના દસ્તાવેજ પર સહી ન કરી. ઇંદોરના મહારાજાને ઉશ્કેરનારો એક અંગ્રેજ ઑફિસર હતો તે વડોદરા નરેશને ખબર પડી અને એમણે માઉંટબૅટનને એની જાણ કરી દીધી.

ભોપાલ નવાબ હમીદુલ્લાહ અને માઉંટબૅટન મિત્ર હતા. એમણે હમીદુલ્લાહને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભોપાલ પાકિસ્તાનમાં જશે તો રમખાણો ફાટી નીકળશે. નવાબે ખુલાસો કર્યો કે જિન્નાએ એમને એક પ્રાંતના ગવર્નર અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ નીમવાનું વચન આપ્યું છે. અંતે જો કે,એણે ભારતમાં રહેવા માટે સહી કરી આપી પરંતુ એની જાહેરાત દસ દિવસ સુધી ન કરવા આગ્રહ રાખ્યો. સરદાર પટેલ આના માટે તૈયાર થઈ ગયા. આ દસ દિવસ દરમિયાન જિન્નાએ એમને કંઈ જ ન આપ્યું અને અંતે ભોપાલ ભારત સંઘમાં જોડાતું હોવાની જાહેરાત થઈ ગઈ.

ત્રાવણકોર રાજ્યે (આજનું કોચીન) ૨૫મી જુલાઈએ સ્વાધીન થવાના નિર્ણયની જાહેરાત કરી. ત્રાવણકોર શિક્ષણ અને ઉદ્યોગમાં સમૃદ્ધ રાજ્ય હતું. એના થોરિયમના ભંડારોનો ઉપયોગ કરવા દીવાન સર સી. પી. રામસ્વામી અય્યરે એક અમેરિકન કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી કરી લીધી હતી. એમને લાગતું હતું કે ભારત સાથે જોડાવાથી ત્રાવણકોર પછાત થઈ જશે. સર સી. પી. ને ગાંધીજી અને કોંગ્રેસ સામે પણ વાંધા હતા, એટલે માઉંટબૅટને સરદાર પટેલ પર વધારે ભરોસો કરવો જોઈતો હતો. ગાંધીજી માટે એમનું કહેવું હતું કે એ સૌથી જોખમકારક સેક્સનો ભૂખ્યો માણસ છે. એમનો ખ્યાલ હતો કે ગાંધી નહેરુને જ ટેકો આપવાનો આગ્રહ રાખશે તો બે વરસમાં નહેરુની નેતાગીરી હેઠળની કોંગ્રેસ તૂટી પડશે.

જો કે માઉંટબેટને એમને જાણ કરી દીધી કે રાજા સામે આંદોલન ચલાવવા માટે ડાલમિયાએ ત્રાવણકોરમાં કોંગ્રેસને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ખરેખર જ આંદોલન સતેજ બન્યું અને એક વાર સર સી. પી. પર જ હુમલો થયો. અંતે ત્રાવણકોરે ભારતમાં ભળવાનો નિર્ણય કરી લીધો.

આમ ૧૫મી ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે તખ્તો તૈયાર હતો અને એનો યશ સરદાર વલ્લભભાઈ, એમના સેક્રેટરી વી. પી. મેનન અને એમના ત્રીજા મહત્ત્વના સાથી માઉંટબૅટનને ફાળે જાય છે. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ઉકેલ શોધવાનો રહ્યો હતો.

પરંતુ આ તબક્કે તો ભારતની આઝાદીને આડે એક અઠવાડિયું પણ નહોતું રહ્યું.

૦૦૦

સંદર્ભઃ The Shadow of the Great Game: The Untold Story of India’s Partition – Narender Singh Sarila

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-73

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૩ – વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન

વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની સ્થિતિમાં બ્રિટનને આખા ભારત કરતાં વધારે રસ હતો. આ પ્રાંતો અફઘાનિસ્તાનની સરહદે આવેલા છે. આ સરહદે બ્રિટન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયાં હતાં અને અફઘાનિસ્તાનનો અમુક ભાગ બ્રિટને વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાનમાં ભેળવી દીધો હતો. અને એની પેલી પાર હવે તો સોવિયેત સંઘનો ભય હતો. બીજા વિશ્વયુદ્ધમાં ૧૯૪૫ના મેની પાંચમીએ જર્મનીએ પરાજયનો સ્વીકાર કર્યો અને એ શરણે થયું તે જ દિવસે બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને તકાવી રાખવા અને હિન્દી મહાસાગરના દેશોમાં પોતાની વગ જાળવી રાખવા માટેનાં પગલાં સુચવવા યુદ્ધોત્તર વ્યવસ્થા માટેની સમિતિને આદેશ આપી દીધો હતો. ઍટલીની લૅબર સરકાર પણ આ સિદ્ધાંતને ઉલટાવવા નહોતી માગતી. આથી પાકિસ્તાનની રચના કરીને અફઘાન સરહદના પ્રદેશોમાં પોતાનાં વ્યૂહાત્મક હિતોને સાચવવાની જરૂર હતી, યુદ્ધ દરમિયાન મુસ્લિમ લીગે બ્રિટનને ટેકો આપ્યો હતો એટલે કોંગ્રેસના નેતાઓ કરતાં લીગના નેતાઓ પર બ્રિટનને વધારે વિશ્વાસ હતો. એવાં જ વ્યૂહાત્મક કારણોસર જમ્મુના ડોગરા શાસકને કાશ્મીરમાં પણ પોતાની હકુમત સ્થાપવામાં બ્રિટને મદદ કરી હતી.

પરંતુ આ પ્રાંતોમાં મુસ્લિમ લીગની કોઈ અસર નહોતી, વાયવ્ય સરહદ પ્રાંતમાં તો ડૉ. ખાનસાહેબની કોંગ્રેસતરફી સરકાર હતી. બ્રિટને પહેલાં તો આનો રસ્તો શોધવાનો હતો. એ પ્રાંતોના પ્રતિનિધિઓ બંધારણ સભામાં હતા અને સંયુક્ત ભારતની તરફેણ કરતા હતા. માઉંટબૅટને આમાંથી રસ્તો કાઢવાનો હતો.

નહેરુ સાથેની ઘણી મુલાકાતો દરમિયાન માઉંટબૅટને જુદી જુદી રીતે આ મુદ્દા પર આવવાના પ્રયાસ કર્યા તેમાં પૂછી લીધું કે તમે મારી જગ્યાએ હો તો સત્તાની સોંપણી શી રીતે કરો? નહેરુ આનો એક જ જવાબ આપી શકે તેમ હતા. એમણે કહ્યું કે કોઈ કોમ જે પ્રદેશમાં બહુમતીમાં હોય ત્યાં લોકો પર કોઈ પણ જાતની બંધારણીય શરત લાગુ કરવાનું યોગ્ય નથી. આમાંથી માઉંટબૅટનને રસ્તો મળ્યો અને એમણે પોતાના સ્ટાફને ભાગલાની યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો.

વાયવ્ય સરહદ પ્રાંતમાં અને બલૂચિસ્તાનમાં બિનમુસલમાનોની વસ્તી તો નગણ્ય હતી. બહુ જ મોટી સંખ્યામાં વાયવ્ય સરહદ પ્રાંતમાં પઠાણો હતા અને બલૂચિસ્તાનમાં જુદી જુદી જાતિઓ વસતી હતી.

વાયવ્ય સરહદ પ્રાંત

અહીં ડૉ. ખાનસાહેબના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર હતી અને બંધારણસભાના પ્રતિનિધિઓ પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જવા નહોતા માગતા. આ નિર્ણયનો અધિકાર એમના હાથમાં હતો પણ એ નિયમને ઠોકરે ચડાવવા માઉંટબૅટન તૈયાર હતા. આમાં ગવર્નરના રૂપમાં યોગ્ય સામ્રાજ્યવાદી હોય અને મુસ્લિમ લીગનું સમર્થન મળતું હોય તે જરૂરી બન્યું. લોકોએ નક્કી કરવાનું હતું કે પ્રાંત હમણાંની બંધારણ સભામાં રહેશે કે નવી, પાકિસ્તાન માટેની બંધારણ સભામાં જોડાશે. હજી ત્યાં થોડા જ વખત પહેલાં ચૂંટણી થઈ હતી એટલે કોંગ્રેસની તરફેણમાં નિર્ણય તો સ્પષ્ટ જ હતો તેમ છતાં લોકમત લેવાને બહાને નવેસરથી ચૂંટણી કરવાનું નક્કી થયું. સરકારે કારણ એ આપ્યું કે પહેલાં ચૂંટણી થઈ ત્યારે સ્વતંત્રતા આપવાનો મુદ્દો નહોતો.

તે સાથે મુસ્લિમ લીગે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે આંદોલન શરૂ કરી દીધું. ડૉ. ખાનસાહેબ પણ એમના ભાઈ ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની જેમ મુસ્લિમ કોમવાદથી સખત વિરુદ્ધ હતા, કારણ કે પકિસ્તાનમાં પંજાબી મુસલમાનોનું જોર રહેવાનું હતું અને એક જ ધર્મ હોવા છતાં પઠાણોની સંસ્કૃતિ જુદી હતી. ડો. ખાનસાહેબે મુસ્લિમ લીગના હજારો કાર્યકરોને જેલમાં ગોંધી દીધા. માઉંટબૅટન ભારત પહોંચ્યા તે જ દિવસે વાયવ્ય સરહદ પ્રાંતના ગવર્નર કેરોયનો પત્ર મળ્યો એમાં આંદોલન વકર્યું તેની સીધેસીધી જવાબદારી ડૉ. ખાનસાહેબની સરકારનાં “દમનકારી” પગલાંની હોવાનું જણાવ્યું. કેરોયે લખ્યું કે સરકારને બરતરફ કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ, અને તે દરમિયાન ગવર્નરના હાથમાં સત્તા સોંપવી જોઈએ. મુસ્લિમ લીગે પણ નવી ચૂંટણીની માગણી કરી.

લોકો દ્વારા ચુંટાયેલી સરકારને બરતરફ કરવાનો તો માઉંટબૅટને ઇનકાર કર્યો પરંતુ પ્રાંતના ભવિષ્ય અંગે નહેરુ સાથે વાતચીત કરવા સંમત થયા. ડૉ. ખાનસાહેબ, બાદશાહ ખાન અને નહેરુ જાણતા હતા કે કેરોય મુસ્લિમ લીગ તરફી હતો એટલે એમણે એને બદલવાની માગણી કરી.

ડૉ. ખાનસાહેબનો જવાબ

માઉંટબૅટને પ્રાંતની મુલાકાત લીધી ત્યારે પેશાવરમાં પચાસ હજારની ભીડ ‘માઉંટબૅટન ઝિંદાબાદ’ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’’’ એવાં સૂત્રો પોકારતી એકઠી થઈ હતી. ડૉ. ખાનસાહેબે માઉંટબૅટનને કહ્યું કે વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો દોર જિન્નાના હાથમાં નથી. માઉંટબૅટને પૂછ્યું કે તો કોના હાથમાં દોર છે? એમણે જવાબ આપ્યોઃ નામદાર ગવર્નરના હાથમાં!

દરમિયાન, મુસ્લિમ લીગે હિંસા શરૂ કરી દીધી હતી અને હિન્દુઓ એનો ભોગ બન્યા.

છેવટે, નહેરુએ લોકમતની દરખાસ્ત માની લીધી. આમ જાણ્યેઅજાણ્યે કોંગ્રેસે પોતાની નીતિ બદલી નાખી. પ્રાંતનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર ઍસેમ્બ્લી અને બંધારણસભાના સભ્યોને મળ્યો હતો, પણ કોંગ્રેસે લોકમત માટે સંમતિ આપીને એમ માની લીધું કે લોકોના ચુંટાયેલા પ્રતિનિધિઓને અવગણીને સીધા લોકો પાસે જવું જોઈએ! કોંગ્રેસે લોકમતમાં ભાગ ન લીધો, બાદશાહ ખાને અહિંસક વિરોધ કર્યો અને પઠાણોને લોકમતમાં આડે ન આવવાની સલાહ આપી. એમણે મોડે મોડે પખ્તુનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવાની માગણી કરી. કોંગ્રેસને વિશ્વાસ હતો કે ગમે તે થાય, લોકો પાકિસ્તાનમાં જવાનું પસંદ નહીં કરે.

ચાળીસ લાખની વસ્તીમાંથી પાંચ લાખ બોત્તેર હજારને લોકમતમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા હતા. કુલ ૫૧ ટકા મતદાન થયું અને એના ૯૯ ટકા મત પાકિસ્તાનની તરફેણમાં ગયા. બે ટકાથી ઓછા બિનમુસ્લિમોએ મતદાન કર્યું અને ભારતમાં રહેવાના સમર્થક પઠાણો લોકમતમાં જોડાયા જ નહીં. આમ લગભગ માત્ર અઢી લાખ મતદારો વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં લઈ ગયા. ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કોંગ્રેસની ભૂલ પાછળથી સમજાઈ અને જ્યારે વાયવ્ય સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવાનું પાકું થઈ ગયું તે પછી એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે મૂકી દીધા છે! આજેય પઠાણોની સ્વતંત્રતા માટેની ઝંખના જેમની તેમ છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાનનું કોકડું વાયવ્ય સરહદ પ્રાંત જેમ દેશના રાજકારણને કારણે ગુંચવાયેલું નહોતું પણ ત્યાં નવી જાતની સમસ્યા હતી. અંગ્રેજોએ ૧૮૩૯માં બલૂચિસ્તાન સર કરી લીધું. બલૂચિસ્તાન નાની મોટી ચાર જાગીરોનું બનેલું હતું – મકરાણ, ખારાણ, લસ્બેલા અને કલાત. આમાં કલાતના ખાન સૌથી વધારે જોરાવર હતા. બ્રિટિશ ચીફ કમિશનર રૉબર્ટ સૅંડમૅને કલાત સાથે સમજૂતીઓ કરીને ચાગી, બોલાન ઘાટ, ક્વેટા (કોયટા) વગેરે લીઝ પર લઈ લીધાં. આ પ્રદેશો સીધા બ્રિટિશ ઇંડિયાનો ભાગ બન્યા પણ ચાર જાગીરોનો પ્રશ્ન હતો.

કલાતના ખાન જાગીરદારોએ કદીયે બ્રિટનનું આધિપત્ય માન્યું નહીં અને આ ઝઘડો ચાલતો રહ્યો. ૧૯૩૦માં ત્યાં નવી રાજકીય ચેતનાનો ઉદય થયો અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થવા માટે અંજુમને વતન નામની પાર્ટી બની. એ ભારતના ભાગલાની વિરોધી હતી અને કોંગ્રેસની નજીક હતી. એ સાથે જ બલુચિસ્તાન મુસ્લિમ લીગની પણ સ્થાપના થઈ. બ્રિટિશ સરકારનાં યુદ્ધલક્ષી ધ્યેયોને કારણે મુસ્લિમ લીગને ત્યાં પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ, કોંગ્રેસને આ પ્રદેશને સંભાળવાનું અઘરું લાગતું હતું. બ્રિટનની નીતિ એ હતી કે નાનાં રજવાડાં હિન્દુસ્તાન અથવા પાકિસ્તાનમાં જોડાય. પરંતુ કલાત રાજ્યનો દાવો હતો કે એ કદીયે ઇંડિયન સ્ટેટ નહોતું. કલાત પાસેથી બ્રિટને લીઝ પર લીધેલા પ્રદેશો કલાતને પાછા મળવા જોઈએ અને એને બ્રિટિશ ઇંડિયાના પ્રદેશ માનીને એના વિશે બ્રિટન કે પાકિસ્તાન નિર્ણય ન કરી શકે. ૧૯૪૮ સુધી વાટાઘાટો ચાલતી રહી. અંતે કલાતની જાગીર પણ પાકિસ્તાનમાં જોડાઈ.

આમ બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું તેમાં પણ બ્રિટનનાં જ હિતો ધ્યાનમાં રખાયાં. જો કે આજે પણ ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે અવાજ ઊઠતા રહે છે. પરંતુ બલૂચિસ્તાનનો અમુક ભાગ ઈરાનમાં પણ છે. ત્યાં એવું કોઈ આંદોલન નથી એટલે સ્વતંત્રતાની માગણી માત્ર પાકિસ્તાનમાં જોડાયેલા બલૂચિસ્તાન પૂરતી મર્યાદિત રહી છે.

આવતા અઠવાડિયે રજવાડાંઓના વિલિનીકરણ વિશે વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

The Shadow of the Great Game: The Untold Story of India’s Partition – Narender Singh Sarila

https://balochistan.gov.pk/explore-balochistan/history/

https://en.wikipedia.org/wiki/Insurgency_in_Balochistan

India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-72

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૭૨ –  મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ

બીજી જૂનની સવારની મીટિંગમાં જ વાઇસરૉયે એ જ દિવસે મધરાત સુધીમાં પોતાના અભિપ્રાય જણાવી દેવા વિનંતિ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કૃપલાનીએ તો એ જ દિવસે પત્ર લખીને યોજનાનો સ્વીકાર કરી લીધો. પરંતુ જિન્નાએ કહ્યું હતું કે લીગના બંધારણ પ્રમાણે તેઓ પોતે કંઈ લખી ન શકે પરંતુ મૌખિક જવાબ આપી દેશે. એમણે પણ રાત પહેલાં જ મૌખિક સંમતિ આપી દીધી. પરંતુ આ પહેલાં નહેરુએ બ્રિટિશ યોજના વિશે એક મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો: વાઇસરૉય શું ઇચ્છતા હતા- સંમતિ (Agreement) કે સ્વીકાર (Acceptance)? નહેરુએ કહ્યું કે સંમત થવું એ એક વાત છે અને સ્વીકાર કરવો તે બીજી વાત છે. તે પછી ત્રીજી તારીખે બધા નેતાઓએ રેડિયો પરથી બોલીને વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કર્યો. આનો અર્થ એ હતો કે કોઈ પણ નેતા યોજના સાથે સંપૂર્ણ સંમત નહોતા પરંતુ સમાધાન તરીકે એનો સ્વીકાર કરતા હતા.

‘ભાગલા’નો અર્થ શો?

નહેરુએ કેટલાક મહત્ત્વના સૈદ્ધાંતિક સવાલ ઊભો કર્યા. નહેરુએ કહ્યું કે દેશના બે ભાગલા નથી થતા, માત્ર ઇંડિયામાંથી અમુક ભાગ કાપીને બીજી કોમને આપવામાં આવે છે. વાઇસરૉયે બ્રિટિશ સરકાર સમક્ષ આ સવાલ મૂક્યો એણે નહેરુનું અર્થઘટન સ્વીકારી લીધું. એનો અર્થ એ થયો કે જે ભાગને ‘હિન્દુસ્તાન’ તરીકે બ્રિટિશ સરકાર ઓળખતી હતી તે ભાગ બ્રિટિશ સરકારની અનુગામી સરકાર બની અને ‘ઇંડિયા’ નામ એની પાસે રહ્યું. ભારતની અંગ્રેજ હકુમતે કરેલી સંધિઓ પણ ભારતને વારસામાં મળી અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ભારતને સીધું જ સ્થાન મળ્યું.ભારતની આઝાદીની લડતનાં મૂલ્યોનો વારસો પણ ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા ભાગને વારસામાં મળ્યો. ભારતમાંથી કપાયેલા ભાગની સરકાર બ્રિટિશ સરકારની અનુગામી ન હોવાથી ‘ઇંડિયા’ નામમાં એ ભાગીદાર ન બની શકી. જિન્નાનો મત હતો કે આ વિભાજન છે, એક ભાગ કપાઈને છૂટો નથી પડતો. જિન્ના આમ હિન્દુસ્તાન સાથે પાકિસ્તાનની બરાબરી માગતા હતા.માઉંટબૅટન માનતા હતા કે એને જે નામ આપો તે પ્રદેશો અને સંપત્તિનું તો વિભાજન કરવું જ પડશે. એમને લિયાકત અલી ખાન સાથે આ બાબતમાં ચર્ચા કરી. લિયાકત અલી ખાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે એમને નામમાં રસ નથી, કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ તરત સ્થાન મળે એવી ઉતાવળ નથી. એમને સંપત્તિ અને સેનામાં બરાબર ભાગ પડે તેમાં જ રસ છે.

નહેરુએ એવી જ બીજી મહત્ત્વની માગણી કરી કે બ્રિટિશ સરકાર પાર્લામેન્ટમાં રજૂ કરવાનું બિલ તૈયાર કરે તે ભારતીય નેતાઓને પહેલાં વાંચવા મળવું જોઈએ. પણ બ્રિટનની સંસદીય પરંપરા અનુસાર એમ થઈ શકતું નહોતું. આમ છતાં, બ્રિટિશ કૅબિનેટે વિરોધ પક્ષની સંમતિથી બિલ વાંચવા આપવાનો નિર્ણય લીધો. તે પછી વાઇસરૉયના નિવાસસ્થાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ત્રણ દિવસ અને ત્રણ રાત બિલ વાંચતા રહ્યા. નહેરુની માગણી પરથી ગાંધીજીને પણ બિલ વાંચવાની છૂટ અપાઈ.

આના પછી પણ કલકત્તા પર બન્ને ડોમિનિયનોનું સહિયારું નિયંત્રણ રાખવું, પશ્ચિમ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનમાં જવા માટે કોરિડોર ફાળવવો, એવી માગણીઓ જિન્ના ઊભી કરતા રહ્યા પણ માત્ર કોંગ્રેસ નહીં, વાઇસરૉયે પણ એના પર ગંભીરતાથી ધ્યાન ન આપ્યું.

મુસ્લિમ લીગની સંમતિ

નવમી જૂને દિલ્હીમાં મુસ્લિમ લીગની કાઉંસિલે દિલ્હીમાં મીટિંગ કરીને બ્રિટિશ સરકારની યોજનાનો ‘બાંધછોડ’ (compromise) તરીકે સ્વીકાર કર્યો. પંજાબ અને બંગાળના ભાગલા પાડવાના નિર્ણયની લીગે ટીકા કરી. જિન્નાએ કહ્યું કે “મેં મારું કામ પૂરું કર્યું છે, હવે તમારે પાકિસ્તાન બનાવવાનું છે. યાદ રાખજો કે એ મુલ્કી સરકાર હશે, લશ્કરી નહીં, એટલે એમાં તમારે ખરા દિલથી પ્રયત્નો કરવાના છે.

જિન્નાના ટૂંકા ભાષણમાં મૌલાના હસરત મોહાનીએ વારંવાર વચ્ચે બોલીને ખલેલ પાડી. એમણે બ્રિટિશ યોજનાનો જિન્નાએ સ્વીકાર કરી લીધો તેની સખત શબ્દોમાં ટીકા કરી. તે પછી લિયાકત અલી ખાને યોજનાનો સ્વીકાર કરવાનો ઠરાવ રજૂ કર્યો તેના પર આઠ સભ્યો બોલ્યા. છ સભ્યોએ ઠરાવને ટેકો આપ્યો પણ બે સભ્યોએ એનો વિરોધ કર્યો. બંગાળના પ્રતિનિધિ અબ્દુર રહીમે બંગાળના ભાગલાનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે કલકત્તા વિભાજનમાં જશે તો જ્યાં સુધી ચિત્તાગોંગ બંદરનો વિકાસ ન થાય ત્યાં સુધી પાકિસ્તાનને ભારે હાલાકી ભોગવવી પડશે.

યુક્ત પ્રાંતના ઝેડ. એચ. લારીએ ભાગલાની યોજનાનો સજ્જડ વિરોધ કર્યો. એમણે કહ્યું કે લીગે પહેલાં ૧૬મી મેના નિવેદનનો સ્વીકાર કર્યો અને પછી, “અમને આસામ જોઈએ” એમ કહીને એને ઠોકરે ચડાવ્યું. હવે આસામ તો આપણે ખોઈ જ દીધું, ઉલ્ટું, પંજાબ અને બંગાળનો મોટો ભાગ પણ ખોવા બેઠા છીએ ત્યારે મારા સાથીઓ આ નવી યોજનાને કેમ મંજૂર રાખી શકે છે તે મને સમજાતું નથી. લારીએ મુસ્લિમ લીગના પણ બે ભાગ કરવાની માગણી કરી કે હિન્દુઓની બહુમતીવાળા ભાગમાં મુસલમાનો માટે જુદી મુસ્લિમ લીગ જરૂરી છે.

બીજા દિવસે લીગે વાઇસરૉયને આ ઠરાવ મોકલી આપ્યો.

કોંગ્રેસની મંજૂરી

૧૪મી અને ૧૫મી જૂને દિલ્હીમાં AICCની મીટિંગ ત્રીજી જૂનની યોજનાની ચર્ચા કરવા માટે મળી. પંડિત ગોવિંદ વલ્લભ પંતે વર્કિંગ કમિટીએ મંજૂર કરેલો ઠરાવ રજૂ કર્યો અને મૌલાના અબૂલ કલામ આઝાદે એને અનુમોદન આપ્યું. ઠરાવ પર ૧૩ સુધારા રજૂ થયા હતા પરંતુ પ્રમુખ કૃપલાનીએ આઠ સુધારા તો એમ કહીને રદ કર્યા કે એ મૂળ ઠરાવથી તદ્દન ઉલ્ટા છે. ઠરાવમાં કોંગ્રેસે બ્રિટિશ યોજનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે મુસ્લિમ લીગે ૧૬મી મેની કૅબિનેટ મિશનની યોજના ન સ્વીકારી, એ ઍસેમ્બ્લીમાં કે બંધારણ સભામાં પણ ન આવી. લીગને અલગ જ થવું હતું. આ સંજોગોમાં કોઈને દબાવીને સાથે રાખી ન શકાય એટલે ત્રીજી જૂનની યોજનામાં લોકોનો અભિપ્રાય જાણવાની વ્યવસ્થા હોવાથી કોંગ્રેસે એનો સ્વીકાર કર્યો છે. આ યોજનાની કારણે અમુક પ્રદેશો અલગ થશે તે બદલ AICCએ અફસોસ જાહેર કર્યો.

દરમિયાન, ઘણાં દેશી રાજ્યોએ બંધારણસભામાં જોડાવાનો નિર્ણય લીધો હતો તેને કોંગ્રેસે આવકાર આપ્યો. એને લગતા ઠરાવમાં કોંગ્રેસે કહ્યું કે બ્રિટને પોતાની સર્વોપરિતાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે તે સાથે એનું અર્થઘતન એવું કર્યું છે કે રાજ્યો સ્વતંત્ર થઈ ગયાં, પણ કોંગ્રેસને આ અર્થઘટન મંજૂર નથી કારણ કે સર્વોપરિતા હેઠળ બ્રિટને રાજ્યોની સુરક્ષાના અધિકારો પોતાના હાથમાં લઈ લીધા હતા અને આખા ભારતને એક એકમ ગણીને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. રાજ્યોના ભવિષ્ય અંગેની કોઈ પણ ચર્ચામાં આ પાસાની ઉપેક્ષા ન કરી શકાય.

કૃપલાનીનો સવાલઃ હું આજે ગાંધીજી સાથે શા માટે નથી?

કોંગ્રેસ પ્રમુખ આચાર્ય કૃપલાની ગાંધીજી સાથે છેક ૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહ વખતે જોડાયા. ગાંધીજી ભાગલાની વિરુદ્ધ હતા અને કોમી દાવાનળ હોલવવા મથતા હતા, તો કૃપલાની કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાગલાના સમર્થક હતા. એમણે આ વાતનો ઉલ્લેખ કરતાં ગાંધીજીનાં કાર્ય અને પ્રભાવની સમીક્ષા કરી. એમણે કહ્યું કે મેં નોઆખલીમાં જોયું કે ગાંધીજીની અસરથી સ્થિતિ હળવી બની. એવું જ બિહારમાં થયું. આ બધા કરપીણ બનાવોની મારા પર અસર પડી છે અને હું માનતો થઈ ગયો છું કે ભાગલા જરૂરી છે. હું ગાંધીજી સાથે ઘણી વાર અસંમત થયો છું, પણ એ વખતે પણ મેં માન્યું છે કે એમની રાજકીય કોઠાસૂઝ મારા તર્કબદ્ધ વિચાર કરતાં વધારે સાચી હોય છે. એમનામાં અપ્રતિમ નિર્ભયતા છે, પરંતુ આજે હિંસા એ સ્તરે પહોંચી છે કે એક વાર જે પાશવી ઘટના બની હોય તે આગળ જતાં નવાં રમખાણોની સામાન્ય ઘટના બની જાય છે અને વધારે ને વધારે ગોઝારાં કૃત્યો થાય છે. ગાંધીજી કહે છે કે બિહારમાં રહીને તેઓ આખા હિન્દુસ્તાનની કોમી સમસ્યાનો ઉકેલ શોધે છે. પણ તે પછી પંજાબમાં આજે કોમી આગ લાગી છે, તેના પર કંઈ અસર દેખાતી નથી. આનું કારણ એ કે હજી ગાંધીજી સામુદાયિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી અને અંધારામાં અથડાય છે.

કૃપલાનીએ કહ્યું કે ભાગલાથી કોમવાદી હિંસા અટકશે નહીં એવું ઘણાને લાગે છે. આવો ભય સાચો પણ હોય, અને ખોટો પણ હોય. પરંતુ આજની હાલતમાં તો ભાગલા જ ઉપાય દેખાય છે.

ગાંધીજીનું સંબોધન

કોંગ્રેસે AICCની બેઠકમાં ગાંધીજીને ખાસ આમંત્ર્યા હતા. ગાંધીજીએ સભ્યોને વર્કિંગ કમિટીના ઠરાવને મંજૂર રાખવા અને એમાં સુધારા ન સુચવવા અપીલ કરી. એમણે કહ્યું કે ઠરાવને સ્વીકારવા કે નકારવાનો AICCને અધિકાર છે, પણ આ યોજના સાથે બીજા બે પક્ષો, મુસ્લિમ લીગ અને બ્રિટિશ સરકાર પણ છે. AICCને એમ લાગે કે યોજનાથી કોંગ્રેસના વલણને નુકસાન થાય તેમ છે તો આ ઠરાવ ઉડાડી દેવો જોઈએ, પણ એનો અર્થ એ થાય કે ઠરાવનો વિરોધ કરનારાઓએ નવા નેતાઓ શોધવા પડશે, જે તમે ધારો છો તેમ કરી શકે. ગાંધીજીએ રજવાડાંઓની વાત કરતાં કહ્યું કે કોંગ્રેસે સ્વતંત્રતાની વાત કરી છે ત્યારે માત્ર બ્રિટિશ ઇંડિયા માટે નહીં, આખા દેશની સ્વતંત્રતાની વાત કરી છે. દેશી રાજ્યોની પ્રજાઓ પણ એમાં આવી જાય છે અને રાજાઓએ સમજવું જોઈએ કે સ્વતંત્રતા આવે છે.

પંજાબ અને બંગાળની ઍસેમ્બ્લીઓમાં ભાગલાને મંજૂરી

બંગાળ ઍસેમ્બ્લીમાં કોંગ્રેસ સહિતના ૫૮ સભ્યોએ ભાગલાની તરફેણ કરી અને ૨૧ સભ્યો વિરોધમાં રહ્યા. કોંગ્રેસના સભ્યો ઉપરાંત ચાર ઍંગ્લો-ઇંડિયનો, બે કમ્યુનિસ્ટો અને એક ભારતીય ખ્રિસ્તી તેમ જ હિન્દુ મહાસભાના ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીએ કોંગ્રેસની સાથે મત આપ્યો. યુરોપિયન સભ્યો તટસ્થ રહ્યા. મુસ્લિમ સભ્યોએ બંગાળના ભાગલાની વિરુદ્ધ અને મુસ્લિમ બહુમતી પ્રાંત તરીકે આખા બંગાળને પાકિસ્તાનની બંધારણ સભામાં સામેલ કરવા માટે મત આપ્યો.

પંજાબ ઍસેમ્બ્લીમાં પશ્ચિમ અને પૂર્વ પંજાબના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક મળી. ૯૧ સભ્યોએ નવી બંધારણ સભા માટે અને ૭૭ સભ્યોએ હાલની બંધારણ સભા માટે મત આપ્યા. નવી બંધારણ સભા માટે મત આપનારામાં ૮૮ મુસ્લિમ સભ્યો, બે ઍમ્ગ્લો-ઇંડિયનો અને એક ભારતીય ખ્રિસ્તી હતા. હાલની બંધારણસભામાં પંજાબ પ્રાંતને રાખવાની તરફેણ કરનારામાં હિન્દુઓ, શીખો અને શિડ્યૂલ્ડ કાસ્ટના સભ્યો હતા.

આવતા અંકમાં વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની વાત.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan-June 1947 Vol. 1

%d bloggers like this: