Introducing ‘A History of God’, a Book by Karen Armstrong (2)

ઈશ્વરનો ઇતિહાસ (૨)

આજે મૂળ લેખને આગળ લઈ જતાં પહેલાં કેટલુંક જરૂરી કામ કરી લઉઃ

  1. ડૉ. પરેશ વૈદ્યે પહેલા લેખ પર કૉમેન્ટ લખતાં પુસ્તકની વિગતો માગી હતી, જે હું એ વખતે આપતાં ભૂલી ગયો હતો. આ રહી વિગતોઃ

Karen Armstrong – A History of God  ISBN 9780099273677.

Published in 1999 by Vintage Books, London). www.vintage-books.co.uk

First published in Great Britain in 1993 by William Heinnemann Ltd.     

(કિંમત રુ. ૫૩૯/- જાન્યુઆરી ૨૦૧૩ – www.flipkart.com)

2.મેં કાલિદાસનો એક શ્લોકાર્ધ न ययौ न तस्थौ ‘રઘુવંશ’નો હોવાનું માનીને સીતાને નામે ચડાવ્યો. પરંતુ શ્રી સુબોધભાઈ શાહે અંગત મેઇલ દ્વારા ભૂલ સુધારી. શ્રી સુબોધભાઈના મેઇલ પછી મેં મારા મિત્ર, સેન્ટ સ્ટીફન્સ કૉલેજના સંસ્કૃતના એસોસિએટ પ્રોફેસર ડૉ. પંકજ મિશ્રને એના મૂળ વિશે પૂછ્યું. એમણે કહ્યું કે  આ શ્લોકાર્ધ કુમારસંભવમાં છે અને ઉમા શિવને મળે છે તે વખતે કાલિદાસે કહ્યું છે કે ઉમા જઈ પણ ન શકી અને ઊભી પણ ન રહી શકી. શ્રી સુબોધભાઈનો અને પંકજનો આભાર.

3.શ્રી મૂરજીભાઈ ગડાએ કૉમેન્ટ દ્વારા કહ્યું છે કે લેખિકાના નામનો ઉચ્ચાર ‘કૅરિન’ નહીં પણ ‘કૅરન’ છે. શ્રી મૂરજીભાઈનો આભાર.

૦-૦-૦

ઍક્સિયલ એઇજ /

 મૂળ લેખ પર આવું તે પહેલાં એક વાત પર વિગતે વિચાર કરવાનું જરૂરી છે.કૅરન આર્મસ્ટ્રોંગના પુસ્તક A History of Godનો આધાર ઍક્સિયલ એઇજની વિભાવના છે. જર્મન ફિલોસોફર કાર્લ યાસ્પર્સે (૧૮૮૩-૧૯૬૯) એવું તારણ આપ્યું કે ઇસુ પૂર્વે ૮૦૦થી ૨૦૦ વર્ષના ગાળામાં માણસના ધર્મ અંગેના વિચારો અને વ્યવહારમાં આખી દુનિયામાં ભારે પરિવર્તન આવ્યું. આ યુગને એમણે જે જર્મન નામ આપ્યું તેનો અંગ્રેજી અનુવાદ ‘ઍક્સિયલ એઇજ’ કરવામાં આવે છે. આ શબ્દ કે એના વિશેનું સાહિત્ય ગુજરાતીમાં મને વાંચવા નથી મળ્યું એટલે એનો અનુવાદ મને આવડતો નથી. પરંતુ ઍક્સિયલ એટલે કે કક્ષ અથવા ધરી કે ખૂંટો (pivot) એવો અર્થ પણ મૂળ જર્મનમાં થાય છે, એટલે આપણે એને વિચારક્રાન્તિ યુગ કહીશું.

આજથી ૨૮૦૦ વર્ષ પહેલાં મનુષ્યનું અસ્તિત્વ પ્રકૃતિનાં બળો સાથે સંકળાયેલું હતું અને આથી વૈચારિક ક્રાન્તિનો મુખ્ય પ્રભાવ ધર્મ અંગેના ચિંતનમાં પડ્યો. આ વૈચારિક ક્રાન્તિ યુગના સંદર્ભમાં સમ્રાટ અશોકનો ‘ધર્મચક્ર પ્રવર્તન’ શબ્દ પ્રયોગ પણ ‘ઍક્સિયલ એઇજ’ના અનુવાદ તરીકે વિચારવા જેવો છે. કારણ કે અશોક ઇસુ પૂર્વે (૨૬૯-૨૩૨) લગભગ ઍક્સિયલ એઇજના અંતભાગમાં થઈ ગયો. ધર્મ તો એના પહેલાં પણ હતો પરંતુ ધર્મની નવી વ્યાખ્યાનો  ઉદ્‍ઘોષ આ શબ્દો કરે છે. ઍક્સિયલ એઇજ પણ એ જ સૂચવે છે.

ધર્મચક્ર પ્રવર્તન કે વૈચારિક ક્રાન્તિના યુગમાં દુનિયાના દરેક પ્રદેશમાં નવા પ્રકારના ચિંતનની શરુઆત થઈ. ખૂબીની વાત એ છે કે બધા વિચારોની દિશા એક જ હતી, પરંતુ એક પ્રદેશનો ચિંતક બીજા પ્રદેશના ચિંતકને મળ્યો હોય એવું નહોતું! સમાજમાં બધે ઠેકાણે એક જેવાં પરિવર્તન આવતાં હતાં, નવાં સામ્રાજ્યો બનતાં હતાં એ સંયોગોમાં સમૂહના ભાગ તરીકે વ્યક્તિની વિભાવનાઓમાં ફેરફાર થતો હતો. સર્વસત્તાવાદી રાજ્યોનો વિકાસ થવા લાગ્યો હતો. એનું અમૂર્ત રૂપ તત્ત્વજ્ઞાનમાં વ્યક્ત થતું હતું આમ ચિંતનની દિશા એક તરફથી વ્યક્તિલક્ષી અને બીજી તરફથી સર્વસત્તાવાદી બનવા લાગી હતી. આગળ ચાલતાં વિકસેલી ધર્મની વિભાવનાઓમાં આ વિચારોની ભારે અસર રહી.

આજથી ૨૮૦૦ વર્ષથી ૨૨૦૦ વર્ષ પહેલાંના ગાળામાં ભારતમાં ઉપનિષદો લખાયાં, જે વેદોથી અલગ ગણાય એવું ચિંતન પ્રસ્તુત કરે છે. તે ઉપરાંત ગૌતમ બુદ્ધ અને મહાવીર પણ એ જ સમયમાં થયા. ભારતમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ વગેરે જ્ઞાન શાખાઓનો ઉદય પણ આ જ સમય દરમિયાન થયો. એ જ અરસામાં ગ્રીસમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ થઈ ગયા. જેમનું ચિંતન  છેક હમણાં સુધી, શરુઆતમાં ઇસ્લામની વિચારધારા પર અને પછી રૅશનાલિસ્ટ વિચારધારા પર અસર કરતું રહ્યું. પ્લેટોનું કહેવું છે કે બધા માણસો ઇચ્છાથી પ્રેરાઈને સક્રિય બને છે, માત્ર સંરક્ષકો શાણપણથી પ્રેરાઈને સક્રિય બને છે. આથી રાજ્ય એમના હાથમાં હોવું જોઇએ. બુદ્ધ અને મહાવીરના ચિંતનમાં પણ મનુષ્યની મોહયુક્ત ઇચ્છાને દુઃખનું કારણ માનવામાં આવે છે. આ જ સમયગાળામાં ચીનમાં કન્ફ્યૂશિયસ પેદા થયા. એ બે લડાઈખોર રાજ્યોના સમયમાં જીવતા હતા. એમના ચિંતનમાં આ હિંસાને રોકવાના નૈતિક ઉપાયો અને વ્યક્તિની ફરજ પર ભાર મૂકવામાં આવ્યો છે. એમનાથી પહેલાં લાઓત્ઝે (લાઉઝી) થયા. એમણે નિષ્કર્મ પર મહાવીરની જેમ ભાર મૂક્યો છે અને પ્રકૃતિનું શરણ લેવાનો ઉપદેશ આપ્યો છે. (લાઓત્ઝે વ્યક્તિ હતા કે એક પરંપરા, એ બાબતમાં વિવાદ છે). ઇસુથી ૬૦૦ વર્ષ પહેલાં ઇરાનમાં સાયરસના જમાનામાં જરથોસ્તી ધર્મ (આપણા પારસીઓનો ધર્મ) પાંગર્યો. જો કે જરથુસ્ત પોતે બહુ પહેલાં પેદા થયા હોવાનું મનાય છે. એમાં પણ વોહુ મનસ (ઉત્તમ વિચાર) પર ભાર મૂકવામાં આવ્યો. વળી. એમાં  પહેલી વાર એક સર્વશક્તિમાન ઈશ્વરની કલ્પના વિકસી. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં પશ્ચિમ એશિયામાં યહુદી ધર્મનો વિકાસ થયો. એમાં દેવ અને માણસ વચ્ચે કરારના સંબંધ છે. ઇશ્વરે આદેશ આપ્યા અને માણસે એનું પાલન કરવાનું છે. (http://faculty.tnstate.edu/tcorse/H1210revised/axial_age.htm).

મુખ્યત્વે ધર્મચક્ર પ્રવર્તનના આ યુગમાં ધર્મનું ચક્ર ક્રિયાકાંડોને બદલે ચિંતન તરફ વળ્યું. મનુષ્યની ભૂમિકા અને પ્રકૃતિ સાથેના એના સંબંધ વિશેના વિચારોનું પ્રાધાન્ય વધ્યું. વૈશ્વિક પ્રેમ, નૈતિક આચાર વિચાર પર વધારે ધ્યાન આપવાનું શરુ થયું. આ સાથે, રાજકીય સત્તાનો પણ વિકાસ થતો જતો હતો. આના પગલે સૃષ્ટિનું સર્જન કોઇ એક ઘટકમાંથી થયું હશે એવા પણ તર્ક આવ્યા. આમાં એકેશ્વરવાદનાં બીજ રહેલાં છે. આ ઘટક એટલે કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી કે જાતે જ સૃષ્ટિ બન્યો એ લાંબા વખતથી વિવાદનો વિષય રહ્યો છે.. પરંતુ, એનો જે કઈં પણ ઉત્તર આપીએ, એની દિશા તો એક ઈશ્વર અથવા બ્રહ્મ અથવા પરમ તત્ત્વની એકતામાં જ છે! ભારતીય દર્શને ઈશ્વરને બદલે અમૂર્ત અને અનિર્વચનીય બ્રહ્મનો સ્વીકાર કર્યો છે તો ચીનમાં તાઓનો સિદ્ધાંત પણ એ જ છે…તાઓને તમે જાણી ન શકો, સિવાય કે જાણવાનો પ્રયત્ન બંધ કરો! આમ એક્સિયલ એઇજમાં ધર્મ ક્રિયાકાંડોથી મુક્ત થયો, પણ તે સાથે એ વધારે અમૂર્ત, અકળ બનવા લાગ્યો હતો. તર્કથી માંડીને તર્કાત્પર સ્થિતિ સુધી એ પહોંચવા લાગ્યો હતો.

બધા પ્રદેશોમાં બધા વિચારો એક સાથે જ વિકસ્યા એવું નથી; અને બધા વિચારો સર્વાંશે સમાન હતા એમ પણ નથી. તેમ છતાં એનાં મૂળભૂત તત્ત્વો સમાન હતાં એમાં પણ શંકા નથી.

આ જ ગાળા દરમિયાન ગણિત, વિજ્ઞાન અને તર્કશાસ્ત્રનો પણ વિકાસ થયો, એ પણ નોંધવા જેવું છે. ધર્મના વિકાસમાં પણ આ વિચારપ્રક્રિયાની અસર રહી છે, જો કે ધાર્મિક તર્કનો વિકાસ વૈજ્ઞાનિક ચિંતનમાં પરિણમ્યો કે વૈજ્ઞાનિક ચિંતનનો વિકાસ ધર્મના ક્ષેત્રમાં આવેલાં પરિવર્તનો માટે જવાબદાર હતો તે કહી શકાય એમ નથી.

૦-૦-૦

આમાંથી એકેશ્વરવાદ જન્મ્યો. પરંતુ એ શરુઆતથી આજ સુધી જેવો હતો તેવો જ રહ્યો છે? આ પુસ્તકમાં એની ચર્ચા છે. પરંતુ તે પહેલાં લોકોની માન્યતાઓ કેવી હતી? એ જ તો છે, આ પુસ્તકની શરુઆત. એ પછી જોઇશું;  હમણાં તો આટલું બસ થશે. (ક્રમશઃ)

 

 

%d bloggers like this: