India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom :: Chapter 18

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૮: ૧૮૯૯નો સંથાલ વિદ્રોહ

ભારતના ઇતિહાસમાં આમઆદમીએ અંગ્રેજી હકુમત સામે પ્રગટાવેલી મશાલ બુઝાવાનું નામ નહોતી લેતી. ૧૮૫૫ના સંથાલ બળવા પછી – અને ૧૮૫૭ના સંગ્રામ પછી – ઝારખંડના છોટા નાગપુર (આજના રાંચી સહિતનો પ્રદેશ)માં આદિવાસીઓના રોષનો ઉકળતો ચરૂ શાંત નહોતો પડ્યો. એવામાં મિશનરીઓ પણ આદિવાસીઓને એમના પરંપરાગત ધર્મમાંથી વટલાવીને ખ્રિસ્તી બનાવવા છોટા નાગપુરમાં ઠેરઠેર પહોંચી ગયા હતા. એમનું કામ અંગ્રેજોને વફાદાર રહે તેવી આદિવાસી જમાત એકઠી કરવાનું હતું પરંતુ મિશનરી સ્કૂલોમાં ભણનાર આદિવાસીનો જમીનનો પ્રશ્ન તો ખ્રિસ્તી બની જવાથી ઉકેલાતો નહોતો.

સાહેબ-સાહેબ એક ટોપી!

૧૮૭૪માં અંગ્રેજોએ જમીનો આંચકી લેવાના નવા કાયદા બનાવ્યા તે પછી ૧૮૭૫ના નવેંબરની ૧૫મીએ બિરસા મુંડાનો જન્મ થયો. છ વર્ષના બિરસાને ગામમાં છોડીને માબાપ બીજે મજૂરી માટે નીકળી ગયાં. ત્યાંથી બિરસા એના મામાને ઘરે પહોંચ્યો અને પછી માસી પરણી ત્યારે એ એને પોતાની સાથે ચાઇબાસા લેતી ગઈ. અહીં એ જયપાલ નાગ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો. એણે બિરસાને પોતાની સ્કૂલમાં લઈ લીધો. બિરસા ભણવામાં હોશિયાર હતો એટલે નાગે એને જર્મન મિશનરી સ્કૂલમાં દાખલ કરાવી દીધો.

બિરસાને અહીં ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે બિરસા ડૅવિડ હતો. એક દિવસ ક્લાસમાં એક મિશનરી ટીચર ડૉ. નૉર્કોટ મુંડાઓ માટે ઘસાતું બોલ્યો. એક છોકરો ઊભો થયો અને બહાર નીકળી ગયો. બાર-તેર વર્ષના બિરસાનું એ પહેલું વિદ્રોહી કૃત્ય હતું. ગોરી ચામડીનો ધર્મ એના મુંડા તરીકેના અભિમાનને દબાવી નહોતો શક્યો.

એણે ડૉ. નૉર્કોટ અને બીજા મિશનરીઓને ખૂબ ભાંડ્યા. તે પછી એને સ્કૂલમાં પાછો લેવાનો તો સવાલ જ નહોતો. બિરસાએ કહ્યું – “સાહેબ-સાહેબ એક ટોપી.” હાકેમ હોય કે પાદરી, ગોરા બધા એક જ.

એ વખતે આદિવાસી સરદારો પણ અંગ્રેજો સામે પડ્યા હતા. બિરસા પર કદાચ એની અસર પણ હોય, પરંતુ એ પોતાની જાણ બહાર સરદારોએ અંગ્રેજ હકુમતની જંગલ નીતિ અને ધર્મપરિવર્તનની ચાલબાજીઓ વિરુદ્ધ શરૂ કરેલા આંદોલનમાં ખેંચાઈ ગયો. ૧૮૯૦માં એણે ચાઇબાસા છોડ્યું અને તરત જ જર્મન મિશને ઓઢાડેલો ખ્રિસ્તી ધર્મનો અંચળો ફેંકી દીધો. જો કે થોડો વખત કૅથલિક રહ્યો પણ છેવટે પોતાનાં દેવી દેવતાઓને શરણે પાછો ગયો.

૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો. તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો. જનોઈ ધારણ કરતો થયો એની આસપાસ ઘણી કથાઓ વણાયેલી છે. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે ચોરીચકારી. લૂંટમાર, ખૂન અને ભીખ માગવાની મનાઈ ફરમાવી.

બિરસા હવે મિશનરીઓને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો. ગમે તેમ કરીને બિરસાને પકડવાની કાર્યવાહી શરૂ થઈ અને એક રાતે એ સૂતો હતો ત્યારે પોલીસ ટુકડીના હાથે ચડી ગયો. એને બે વર્ષની સજા કરવામાં આવી.

સજા ભોગવ્યા પછી બિરસાએ ઉલગુલાન (મહા આંદોલન) માટે એલાન કર્યું. બે વર્ષમાં એણે બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા. ૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયો હતો પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે બિરસા મુંડા પણ પકડાઈ ગયો.

એના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી અને બિરસા ૧૯૦૦ની ૯મી જૂને કૉલેરાને કારણે રાંચીની જેલમાં મૃત્યુ થયું.આ સાથે અંગ્રેજ હકુમત સામે આદિવાસીઓના સંઘર્ષનું છેલ્લું પ્રકરણ સમાપ્ત થયું.

બિરસા મુંડાનું આંદોલન ૧૮૫૭ પછીનું છે. એ વખતે ગદર પાર્ટી ભારતની બહાર વિદ્રોહની તૈયારી કરતી હતી. કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી. લૉર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું તે હજી ઇતિહાસના ગર્ભમાં પાંચ વર્ષ વીતે તેની રાહ જોતું હતું. અનુશીલન અને જુગાંતરના સશસ્ત્ર આંદોલનો પણ વિધિએ નક્કી કરેલા સમયની પ્રતીક્ષામાં હતાં. પ્રફુલ્લ ચાકી કે ખુદીરામ બોઝનો હજી જન્મ થવાનો હતો.પણ બિરસાનું બલિદાન ઇતિહાસમાં બધા વિદ્રોહીઓના અવિરત સંઘર્ષના પ્રથમ મશાલચી તરીકે અંકિત થઈ ગયું છે.

પરંતુ આપણે ૧૮૫૭ના મહા સંગ્રામની ચર્ચા સમજીવિચારીને છોડી છે. આવતા પ્રકરણથી ૧૮૫૭ આપણો વિષય હશે, પરંતુ, ૧૮૫૭માં દેશમાં દાવાનળ લાગ્યો હતો ત્યારે ગુજરાત શું કરતું હતું? ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ મેદાનમાં જતાં પહેલાં આપણે ગુજરાતની અંદર ડોકિયું કરશું.

સંદર્ભઃ

http://archive.li/chUs9

http://en.banglapedia.org/index.php?title=Munda_Rebellion

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 17

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૭: ૧૮૫૫નો સંથાલ વિદ્રોહ

ભારતના ઇતિહાસમાં સંથાલ આદિવાસીઓનો વિદ્રોહ ખાસ ઉલ્લેખને પાત્ર રહ્યો છે. આજે પણ સંથાલો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા ઇલાકાઓમાં વસે છે. ૧૭૯૩માં લૉર્ડ કૉર્નવૉલિસે જમીન મહેસૂલની કાયમી જમાબંધી પદ્ધતિ લાગુ કરી. આ સાથે જમીનની માલિકી સરકારના હાથમાં ચાલી ગઈ. જમીનો ઊંચા ભાવ આપનાર જમીનદારોના હાથમાં જતી. કંપની એની પાસેથી રોકડેથી મહેસૂલ વસૂલ કરતી, આદિવાસીઓ કે સામાન્ય ખેડૂતો પાસે રોકડા તો હોય જ નહીં. રોકડા માટે એમને શાહુકારો પાસે જવું પડતું. અંતે જમીન એમના હાથમાંથી સરકી જતી. પહેલાં આદિવાસીઓ જંગલને પોતાનું સમજીને એની પેદાશોનો ઉપયોગ કરતા હતા પરંતુ મહેસૂલ વધારવા માટે કંપની સરકારને નવી જમીનો જોઈતી હતી એટલે જંગલો કાપવાનું શરૂ થયું. સંથાલોને ભોળવીને બીરભૂમ જિલ્લામાં મોકલી દેવાયા. ત્યાં એ સીધા જ જમીનદારોની ચુંગાલમાં સપડાયા. હવે સંથાલો પોલીસ દારોગાના જુલમોનો પણ શિકાર બનવા લાગ્યા.

આમ તો સંથાલો શાંતિપ્રિય પ્રજા છે. ખેતી એમનો મુખ્ય વ્યવસાય અને જંગલની પેદાશો પર એમનું જીવન ચાલે. બોલેલું પાળે, ખોટું બોલે નહીં, કોઈના નોકર બને નહીં. એમના ઉત્સવમાં છોકરા-છોકરી ભેગાં થઈને નાચે અને ગાય. આમાંથી એકબીજાને લગ્ન માટે પસંદ કરી લે. ૧૮૦૯માં એ રાજમહેલ પર્વતમાળાની તળેટીમાં આવી વસ્યા ત્યારે કંપનીએ ત્યાં પોતાની સત્તા દેખાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી સંથાલો માટે જીવન આકરું થવા લાગ્યું. ૧૮૩૫માં તો એમનાં ગામો વસી ગયાં. અંગ્રેજોએ અહીં શરૂઆતથી જ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ લાગુ કરી હતી. પહાડિયા કોમને સરકાર સંપૂર્ણ રક્ષણ આપતી હતી પણ સંથાલોને ‘જંગલી’ માનતી હતી.

કાન્હૂ અને સીધૂ

જ્યારે માણસ પાસે કોઈ ઉપાય ન રહે ત્યારે એ ભગવાનની મદદ માગતો હોય છે. એક વાર બે ભાઈઓ કાન્હૂ અને સીધૂ પોતાની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમને કંઈક ચમત્કાર અનુભવ્યો. એમને ‘ઠાકુરજી’નાં દર્શન થયાં. તે પછી એમણે પોતાને પ્રદેશના રાજા જાહેર કર્યા અને સૌને એમના સિવાય કોઈની આણ ન માનવાનો આદેશ આપ્યો. ઠાકુરજીએ જ એમને રાજા બનાવ્યા હતા. સંથાલો ઠાકુરજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમાં જ બ્રિટિશ હકુમતને પડકાર હતો.

બીજી બાજુ, જમીનદારો અને શાહુકારો સંથાલોને ખોટા કેસોમાં ફસાવતા હતા. ૧૮૪૮માં ત્રણ ગામના સંથાલો એકસામટા નાસી છૂટ્યા. ઍશ્લી ઈડનનું નામ ગયા અંકમાં પણ આવ્યું છે. એ પ્રામાણિક અધિકારી હતો એણે અને એના જેવા બીજા અધિકારીએ સંથાલોને રાહત મળે એવા ઉપાય સૂચવ્યા પણ એમના ઊપરી અધિકારીઓએ એ સૂચનોને ન ગણકાર્યાં. એમની નજર પૈસા પર હતી.૧૮૩૮માં સંથાલોના ગામ દામિની-કોહમાંથી માત્ર બે હજાર રૂપિયાની આવક થતી હતી, તે ૧૯૫૧માં વધીને ૪૪,૦૦૦ રૂપિયા થઈ અને બીજાં માત્ર ત્રણ વર્ષમાં ૬૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી.

આટલા ભયંકર શોષણ સામે વિરોધ ન થાય તે શક્ય જ નહોતું. એક દિવસ આગ ફાટી નીકળવાની હતી. ૧૮૫૫માં કલકત્તાની મૅસર્સ મૅકી ઍન્ડ કંપનીએ જ્યાં સંથાલોને એમનાં ગામો ખાલી કરીને વસાવ્યા હતા તે બીરભૂમમાં જ લોખંડનું કારખાનું ખોલ્યું. આ ઉપરાંત. કોલસાની ખાણોનું કામ શરૂ થયું અને ગળીનાં કારખાનાં પણ બન્યાં (જૂઓ ૧૬મું પ્રકરણ). આમાં ઘણા યોરોપિયનો અને ય્રેઝિયનોને નોકરી મળી. આ લોકોને મન સંથાલ જંગળી જાનવર હતા અને એમની સ્ત્રીઓ માત્ર વસ્તુ હતી. એમણે મોટા પાયે જંગલો કાપવાની શરૂ કર્યું.

સંથાલો માટે ઝાડ એટલે એમના પૂર્વજોના આત્માઓનું ઘર. આત્માઓ ઝાડો અને પહાડોની ટોચ પર રહે. સંથાલોમાં ગોરાઓ સામે રોષ વધતો ગયો. બીજી બાજુ, શહેરી હિન્દુઓનો ધર્મ પણ એમની આસ્થા પર દબાણ કરતો હતો. એમણે ઘણાં હિન્દુ આસ્થાનાં પ્રતીકો સ્વીકાર્યાં બૈદ્યનાથ (ભગવાન શિવ)ના મેળામાં એમની આવવા માટે શહેરીઓ પ્રોત્સાહિત કરતા, પણ એ મેળામાં જતા ત્યારે એમને કોઈ સમોવડિયા ન માનતા. એમનો માત્ર નાચગાન અને મનોરંજન માટે ઉપયોગ થતો.

આમ ચારે બાજુથી સંથાલો ભીંસમાં હતા. એવામાં છોટા નાગપુર પ્રદેશનાં ખનિજો અને લાકડાં સહેલાઈથી લઈ જવા માટે રેલવે લાઇનનું બાંધકામ શરૂ થયું. જે બાકી હતું તે પણ હવે પૂરું થયું. કુદરતને ખોળે મુક્ત જીવન જીવવા ટેવાયેલા સંથાલો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.

એમણે હવે બદલો લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોના યુનિફૉર્મધારી સૈનિકોને જંગલની લડાઈનો અનુભવ નહોતા અને ઝાડની ઓથે છુપાયેલા સંથાલોનાં તીર રોજેરોજ સૈનિકોની લોથો ઢાળવા લાગ્યાં.

એમનો પહેલો રોષ મહાજનો પર ઊતર્યો. એમને શાહુકારો અને જમીનદારોનાં ઘરો પર હુમલા શરૂ કરી દીધા. માત્ર દામિની-કોહ નહીં આજુબાજુના પ્રદેશોના સંથાલોમાં પણ સંદેશ પહોંચવા લાગ્યો. એમના હુમલાઓ સામે ‘દિક્કુઓ’ (બંગાળી શહેરીઓ)એ સરકારમાં ફરિયાદો કરી. સંથાલોના સાથી જેવા માઝીઓના એક નેતા બીર સિંઘ માઝીને નાયબે કચેરીમાં બોલાવ્યો અને જોડાથી માર્યો. પોલીસે કાન્હૂ અને સીધૂને પણ પકડવાની કોશિશ કરી.

હવે પોલીસે કાન્હૂ અને સીધૂને પકડવાની કોશિશ કરી. આથી બળતામાં ઘી ઉમેરાયું. સંથાલો ઉશ્કેરાયા. ૩૦મી જૂને પૂનમ હતી તે દિવસે દસ હજાર સંથાલ ભગનડીહીમાં એકઠા થયા. એમણે કંપનીના સત્તાવાળાઓ અને જમીનદારોને પત્રો લખીને જાણ કરી કે ‘ઠાકુરજી’એ નક્કી કરેલા દરે જ મહેસૂલ આપશું. એમણે પંદર દિવસમાં જવાબ માગ્યો.

૧૮૫૫ની સાતમી જુલાઈએ બધા એકઠા થયા. લડવાનો પાકો સંકલ્પ કર્યો અને નીકળી પડ્યા. એમણે કેટલીયે સરકારી કચેરીઓ પર હુમલા કર્યા. અંતે સરકારે પોલીસ ટુકડીઓ મોકલી, રીતસરનું યુદ્ધ થયું. ૧૫-૨૦ હજાર સંથાલો મોતને ભેટ્યા. કંપની ફરી જીતી ગઈ. આજે પણ જમીન અને જંગલની અંતિમ માલિક સરકાર જ રહી છે. આદિવાસીઓના શોષણના રસ્તા હજી પણ ખુલ્લા જ છે.


સંદર્ભઃ https://drive.google.com/file/d/1JprLoz0ZY_FyQ2-s154bBUkQPzG6n0R2/view

http://www.researchpublish.com/ ISSN 2348-3156 (Print) International Journal of Social Science and Humanities Research ISSN 2348-3164 (online)

https://www.livehistoryindia.com/snapshort-histories/2017/07/14/the-forgotten-santhal-revolt-of-1855

Science Samachar (56)

(૧) ચીને ચંદ્ર પર છોડ ઉગાડ્યો!

ચીનના ચેંગ’ઈ-૪ મિશનને ચંદ્ર પર છોડનો વિકાસ કરવામાં સફળતા મળી છે. ચીનનું ચેંગ’4૪ લૅંડર ચંદ્રની આ મહિનાની ત્રીજીએ અંધારી બાજુએ ઊતર્યું છે અને ૧૫મીએ એણે તસવીરો મોકલી છે. કપાસનાં બીજને અંકુર ફૂટ્યા છે.

ચીને એક સિલિંડરમાં કપાસનાં બીજ અને તેની સાથે પૌષ્ટિક તત્ત્વો, હવા અને પાણી મૂક્યાં હતાં. એને કૃત્રિમ અને જાતે જ ટકી શકે એવું વાતાવરણ બનાવવા માટે એમાં ફળની માખીનાં ઈંડાં અને યીસ્ટ પણ રાખેલાં છે.

આ સફળતાથી ઓછા ગુરુત્વાકર્ષણમાં અને તાપમાનમાં ભારે ફેરફાર હોય તે સ્થિતિમાં અથવા તો ચંદ્ર લાંબો સમય પ્રકાશિત રહેતો હોય તો વનસ્પતિ કેમ ઊગે તે બાબતમાં આગળ પ્રયોગો કરવાનો રસ્તો ખુલ્લો થયો છે. ચંદ્ર પર બટાટા ઉગાડી શકાય કે કેમ, તે પ્રયોગ પણ હજી કરાશે. ત્યાં જો વનસ્પતિ ઊગાડી શકાય તો પછી માણસ ત્યાં કૅંમ્પ બનાવીને રહી શકે!

આ પહેલાં ઇંટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં તો બટાટાનો પ્રયોગ સફળ રહ્યો હતો.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-019-00159-0

વિદ્વાનો માટેઃ doi: 10.1038/d41586-019-00159-0

૦૦૦૦૦

() દુનિયામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવામાં ભારત ચોથા નંબરે

ગયા મહિને બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં વિશ્વના પર્યાવરણમાં કાર્બમ ડાયોક્સાઇડ ભેળવનારા મુખ્ય દેશોમાં ભારત પણ છે. આપણે ૭ ટકા કાર્બન ડાયોક્સાઇડ દુનિયાને આપીએ છીએ. પહેલા નંબરે ચીન છે, એ ૨૭ ટકા કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે, તે પછી અમેરિકા ૧૫ ટકા સાથે બીજા નંબરે અને યુરોપિયન યુનિયન ૧૦ ટકા સાથે ત્રીજા નંબરે અને ભારત ચોથા નંબરે છે. આ ચાર દેશો મળીને ૫૮ ટકા પ્રદૂષણ ફેલાવે છે. બાકીની આખી દુનિયા લગભગ ૪૧ ટકા કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબદાર છે. ભારતમાં ઔદ્યોગિક વૃદ્ધિનો દર ૮ ટકા સુધી પહોંચાડવાના પ્રયત્નો ચાલે છે તે જોતાં ૨૦૧૮માં પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સરેરાશ ૬.૩ ટકા રહ્યું હશે એવું અનુમાન છે કારણ કે આપણે ઊર્જા માટે હજી મોટા ભાગે કોલસા પર નિર્ભર છીએ. જો કે ૨૦૧૭માં આખી દુનિયાના આંકડા પ્રમાણે કોલસાને કારણે થતા પ્રદૂષણમાં ૩ ટકા ઘટાડો થયો છે, પણ ૨૦૧૮માં ચીન અને ભારતે ઊર્જા માટે કોલસાનો ઉપયોગ એટલો બધો કર્યો છે કે એકંદર આંક ઊંચો જવાની ભીતિ છે.

સંદર્ભઃ https://www.ndtv.com/india-news/6-3-1958533

૦૦૦૦૦

() સમય કેટલો થયો એની મગજને શી રીતે ખબર પડે છે?

કેલિફૉર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ મગજ સમય કેટલો થયો તેની નોંધ શી રીતે લે છે તે શોધી કાઢ્યું છે. આ અભ્યાસપત્ર Nature Neuroscienceમાં પ્રકાશિત થયો છે. એમણે કૉલેજના વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો. સૌને પસંદ હોય તેવો ટીવી પ્રોગ્રામ એમને દેખાડ્યો અને તે સાથે એમના મગજનો MRI લીધો. આમ કરવાથી સમજાયું કે મગજ કયો બનાવ ક્યારે બન્યો તે માહિતીનો શી રીતે સંગ્રહ કરે છે. આમાં મગજના અમુક ભાગ સંકળાયેલા હોય છે.

ગયા વર્ષે નોબેલ પુરસ્કાર વિજેતા ઍડવર્ડ મોસેરે ઉંદર પર આ પ્રયોગ કર્યો હતો, હવે માણસ પરના પ્રયોગ દ્વારા એમનાં તારણોને સમર્થન મળ્યું છે.

જ્યારે માણસ ડિમેન્શિયાની બીમારીનો ભોગ બને છે ત્યારે મગજના આ ભાગોને અસર થાય છે. એટલે એની સ્મૃતિ અથવા તો ઘટનાઓને શ્રેણીબંધ સાંકળવાની એમની શક્તિ નથી રહેતી. આથી મગજના કયા ભાગને અસર થાય છે તે જાણવાનું જરૂરી હોતાં આ પ્રયોગ ઉપયોગી ઠરે તેમ છે.

સંદર્ભઃ https://news.uci.edu/2019/01/15/uci-study-identifies-a-new-way-by-which-the-human-brain-marks-time/

૦૦૦૦

(૪) નવું LHC બનાવવાની યોજના

૨૦૧૨ માં વૈજ્ઞાનિકોએ સ્વિટ્ઝર્લૅન્ડ અને ફ્રાંસની સરહદે આવેલા ૨૭ કિલોમીટરના લાર્જ હૅડ્રોન કોલાઇડર (LHC)માં હિગ્સ બોસોન પાર્ટિકલ શોધી કાઢ્યો. પરંતુ એના વિશે હજી ચોક્કસ માહિતી નથી મળી એટલે યુરોપના કણ ભૌતિકશાસ્ત્રીઓ (Particle Physicists)એ બીજું ૧૦૦ કિલોમીટરનું કોલાઇડર બનાવવાની યોજના જાહેર કરી છે. હમણાં એને ફ્યૂચર સરક્યૂલર કોલાઇડર (FCC) નામ અપાયું છે. એ ૨૦૪૦માં શરૂ થઈ શકશે. એ અરસામાં આજનું LHC બંધ પડવાનું છે. જિનિવામાં CERN સંસ્થાએ આ જાહેરાત કરી છે. FCC પનામા નહેર કરતાં પણ લાંબું હશે!

LHCમાં અતિ પ્રચંડ ગતિએ પ્રોટોન અને પ્રોટોન ટકરાય છે, નવા કોલાઇડરમાં ઇલેક્ટ્રોનને એના પ્રતિ-કણ પોઝિટ્રોન સાથે ટકરાવાશે. આમાંLHC કરતાં ૩૫મા ભાગની ઊર્જા વપરાશે પરંતુ આ પહેલાં ઇલેક્ટ્રોન-પોઝિટ્રોન માટે વપરાયેલી ઊર્જા કરતાં એ ઘણી વધારે હશે.

સંદર્ભઃ https://www.sciencemag.org/news/2019/01/european-physicists-unveil-plans-particle-collider-would-be-longer-panama-canal

()()()()()()()()()()

India: Slavery and struggle for freedom: Part 2: Struggle for Freedom : Chapter 16

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૬: ૧૮૫૭થી પહેલાં અને પછી થયેલા બીજા વિદ્રોહ

પાગલપંથીઓનો વિદ્રોહઃ

 ૧૮૨૫માં બંગાળમાં મૈમનસિંઘ (હવે બાંગ્લાદેશમાં)માં ‘પાગલપંથી’ આંદોલન શરૂ થયું. એનો સ્થાપક કરીમ શાહ સંન્યાસીઓ અને ફકીરોના વિદ્રોહના એક સૂત્રધાર મજનુ શાહના સાથી મૂસા શાહનો અનુયાયી હતો. આ સંપ્રદાયનું બીજ તો ધાર્મિક હતું પણ અને એ ધાર્મિક ભેદભાવ કરતો નહોતો એટલે માત્ર મુસ્લિમો નહીં, હિંદુઓ પણ એમાં જોડાતા હતા. પાગલપંથીઓ વ્યક્તિની સમાનતાના માનવીય મૂલ્યોનો પ્રચાર કરતા હતા એટલે વ્યવહારમાં પાગલપંથી આંદોલન જમીનદારો અને ખેતમજૂરોની સમાનતાનો સંદેશ બની રહ્યું.

મૈમનસિંઘ પ્રદેશ આખા બંગાળથી જુદો પડતો હતો. એની ભાષા, સંસ્કૃતિ અને જાતિગત અસ્મિતા પર પહાડોમાં રહેતી આદિવાસીઓ જાતિઓ – ગારો, હજાંગ, ડાલુ, હુડી અને રાજવંશી – નો પ્રભાવ હતો. આદિવાસીઓ મૂળ તો પ્રકૃતિ અને પશુપક્ષીઓના પૂજક હોય છે. પાછળથી એમાં હિન્દુ અને મુસ્લિમ પ્રભાવ પણ ભળ્યો.

કરીમ શાહના મૃત્યુ પછી એનો પુત્ર ટીપુ સંપ્રદાયનો ગાદીપતિ બન્યો ત્યારે આ આંદોલન પહેલાં ખેડૂત આંદોલન બની ગયું. પહેલાં તો ટીપુ શાહે જમીનદારો વિરુદ્ધ આંદોલન ચલાવ્યું પણ પછી આંદોલને કંપની રાજના વિરોધનું રૂપ ધારણ કરી લીધું. એમણે શેરપુર શહેરના જમીનદારને લૂંટ્યો અને અમુક વખત સુધી તો કંપનીનું કંઈ ચાલ્યું નહીં. અંતે કંપનીએ ખેડૂતોને કરમાં રાહત આપી ત્યારે શાંતિ સ્થપાઈ.

વહાબી આંદોલનઃપાગલપંથી ઉપરાંત બીજાં ધર્મ આધારિત આંદોલનોએ પણ ધીમે ધીમે અંગ્રેજ વિરોધી રાજકીય રૂપ લીધું, તેમાં વહાબી અને ફરાઇઝી આંદોલનો મુખ્ય છે. અઢારમી સદીમાં મહંમદ અબ્દુલ વહાબે સાઉદી અરેબિયાના શેખ સાઉદના સક્રિય સહયોગથી ઇસ્લામનું શુદ્ધ રૂપ લાગુ કરવા માટે આંદોલન ચલાવ્યું. વહાબી મત અનુસાર સૂફીઓએ ઇસ્લામમાં વિકૃતિઓ ઘુસાડી છે એટલે ધર્મને ફરી શુદ્ધ કરવાની જરૂર છે (આજે આ વિચારધારામાંથી જ આતંકવાદીઓ પેદા થયા છે). હિંદુસ્તાનમાં વહાબી આંદોલનને મુખ્યત્વે તો મહારાજા રણજીતસિંઘ સામે વિરોધ રહ્યો અને અફઘાનો સાથે સહાનુભૂતિ રહી. ઈસ્ટ ઇંડિયા કંપની અને અફઘાનિસ્તાન વચ્ચે માત્ર લડાઈના સંબંધ હતા. વહાબીઓ અફઘાનોની પડખે રહ્યા એટલે અંગ્રેજો સાથે એમની લડાઈ થઈ અને એ હાર્યા.

વહાબી આંદોલનને ઘણા ઇતિહાસકારો સ્વતંત્રતા માટેનું આંદોલન ગણાવે છે પરંતુ એમાં કોઈ આર્થિક શોષણનું કારણ હોય તે કરતાં સાંસ્કૃતિક વધારે હતું. એ અંગ્રેજો વિરુદ્ધનું આંદોલન હતું એ સાચું પણ એને શુદ્ધ અર્થમાં આઝાદી માટેની ઝંખના સાથે ન સરખાવી શકાય. આમ છતાં આપણે એ પણ સ્વીકારવું પડશે કે ૧૮૫૭ના સંગ્રામમાં પણ ધાર્મિક તત્ત્વ મોજૂદ હતું જ.

ફરાઇઝી આંદોલનઃ

એ જ રીતે, ૧૮૩૮થી ૧૮૪૮ના દાયકામાં ફરાઇઝી આંદોલન શરૂ થયું. એ બંગાળમાં જ શરૂ થયું અને એમાં ખેડૂતો મહેસૂલના વધારાના વિરોધમાં સંગઠિત થયા. પરંતુ એના સ્થાપક શરિયતુલ્લાહના મ્રુત્યુ પછી એના પુત્ર દુદૂમિયાંએ નેતાગીરી સંભાળી ત્યારે એ હિન્દુઓ અને મુસલમાનોનું એકત્રિત ધાર્મિક સંગઠન બની ગયું. પરંતુ જમીનદારો અને અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રહ્યો. દુદૂમિયાં પકડાઈ જતાં આ આંદોલન દબાઈ ગયું. પરંતુ, એ ભારેલા અગ્નિ જેવું હતું ૧૮૫૯માં ગળીના ખેડૂતો અને ખેતમજૂરોનું આંદોલન થયું તેમાં પણ ફરાઇઝીઓ આગળ રહ્યા. ૧૮૫૭ પછી બ્રિટને કંપનીને સ્થાને સીધો જ કબજો સંભાળી લીધો હતો તેમ છતાં ફરાઇઝી આંદોલન ફરી સક્રિય થયું અને ગળીના ખેડૂતોએ મોટો સંઘર્ષ છેડ્યો, એ વાતની નોંધ લીધા વિના ચાલે એમ નથી.

ગળીનો સંઘર્ષઃ અહિંસક આંદોલન

ઇતિહાસકાર આર. સી. મજૂમદાર કહે છે કે મહાત્માગાંધીએ અહિંસક આંદોલનનો માર્ગ અપનાવ્યો તે પહેલાં બંગાળના ગળીના ખેડુતોએ ૧૮૫૯માં અહિંસક આંદોલન કરીને સરકારને ફરજ પાડી. ખેડૂતોએ “કોઈ પણ સંયોગો અહિંસા” અપનાવીને આંદોલનનો નવો માર્ગ દેખાડ્યો. બંગાળના બારાસાત જિલ્લાનો યુવાન મૅજિસ્ટ્રેટ ઍશ્લી ઈડન ન્યાયપ્રિય માણસ હતો. એણે એક સરક્યૂલર બહાર પાડીને જાહેર કર્યું કે ગળીનો પાક લેવો કે ન લેવો તે નિર્ણય ખેડૂતો જાતે જ કરી શકે છે. જો કે શરૂઆત તો એનાથી પહેલાં જેસોર પરગણાના ચૌગાછા અને કાઠગડામાં ખેડૂતોએ ગળીનો પાક લેવાનું બંધ કરીદીધું હતું. પરંતુ ૧૮૫૯ના ફેબ્રુઆરી-માર્ચમાં ખેડૂતોએ ગળીનો પાક ન લેવાનો રીતસર નિર્ણય કર્યો. ગળીના બગીચાઓના માલિકો – પ્લાંટરો – સામે આ અસહકારનું આંદોલન હતું. ઘણાય જુલમો સહન કર્યા પછી ખેડૂતોએ મનમાં ગાંઠ વાળી લીધી. આની તપાસ માટેનું કામિશન નિમાયું તેમાં પણ દરેક ખેડૂતે જાતે આવીને ગળીનો પાક ન લેવાનાં પોતાનાં અંગત કારણો પણ આપ્યાં. પ્લાંટરોના હિન્દી નોકરો સામે પણ બહિષ્કારનું આંદોલન ચાલ્યું.. એમને ખાધાખોરાકીનો માલ વેચવા ની વેપારીઓ ના પાડીસ્દે, અને તે એટલે સુધી કે કોઈ વાળંદ એમના વાળ કાપી આપવા તૈયાર ન થાય.

પરંતુ પછી પ્લાંટરો ધીમેધીમે સગઠિત થવા લાગ્યા, અનેઅહિંસક કે નિષ્ક્રિય વિરોધ ચાલુ રાખવાનું શક્ય ન રહ્યું. ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં મૅક્લિઓડ નામના પ્લાંટરે પોતાના ગુમાસ્તાને ખેડૂતને બોલાવવા મોકલ્યો. લોકોએ એને પકડીને ખૂબ માર માર્યો. તે જ દિવસે ત્રણ હજાર જેટલા ખેડૂતો ગળીના કારખાના પર ત્રાટક્યા. થોડા દિવસ પછી એમણે ભાલા-તલવારો સાથે લ્યોન્સ નામના પ્લાંટરની ફૅક્ટરી પર હુમલો કર્યો. એવી કેટલીયે ફૅક્ટરીઓનો એમણે ભુક્કો બોલાવી દીધો.

હવે પ્લાંટરો સરકાર પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી. ખેડૂતોએ નવા કરાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. પ્લાંટરોએ હવે લાઠીઓ સાથે માણસો મોકલ્યા પણ ખેડૂતો છ ‘કંપનીઓ’માં વહેંચાઈ ગયા. એક કંપની પાસે તીર કામઠાં, તો બીજી કંપની પાસે ઈંટ અને પથ્થર હતાં. સ્ત્રીઓ પણ માટલાં લઈને આવી અને એને ફોડીને હાથનાં હથિયારો બનાવ્યાં. લાઠીવાળાઓની કંપની જુદી હતી અને એક કંપની પાસે ભાલા હતા. દસ્બાર ભાલાધારીઓએ સોએક લાઠીધારીઓને ભગાડી મૂક્યા. અંતે પ્લાંટરોને એમને કરારના બંધનમાંથી મુક્ત કરવા પડ્યા.

આમાં રસપ્રદ વાત એ છે કે બે નાના શાહુકારો, બિશ્નુચરન બિશ્વાસ અને એના સાથી દિગંબર બિશ્વાસ આમ તો એક પ્લાંટર માટે કામ કરતા હતા પણ પ્લાંટર ખેડૂતોને લૂંટી લેવા માગતો હતો. આ શાહુકારોએ ખેડૂતોને પ્લાંટરની ચુંગાલમાંથી છોડાવવાનો નિર્ણય કર્યો અને એક વર્ષ ફરીને લોકોને બળવા માટે તૈયાર કર્યા. ચૌગાછાના પ્લાંટરે લાઠીધારીઓને મોકલ્યા પણ દિગંબાર બિશ્વાસની સરદારી હેઠળ ખેડૂતોએ એમને મહાત કર્યા. પ્લાંટરે બીજી મોટી ટુકડી મોકલી ત્યારે ખેડૂતો હાર્યા. જો કે, આ અથડામણના પરિણામે બંગાળના આ ભાગમાં ગળીનું વાવેતર બંધ થઈ ગયું.

આ વિદ્રોહ માત્ર પ્લાંટરોના અત્યાચારોની વિરુદ્ધ નહોતો. ખેડૂતોએ પહેલાં તો સરકારને અરજીઓ કરીને ન્યાય માગ્યો હતો પણ ગોરી સરકાર ગોરા પ્લાંટરોની સામે કંઈ નહીં કરે એમ સમજાઈ જતાં ધીમે ધીમે ખેડૂતોનો વિરોધ બ્રિટિશ હકુમતની સામે પણ દેખાવા લાગ્યો હતો.

આ હતો ૧૮૫૭ પછીનો નાના ખેડુતોનો સફળ બળવો, પરંતુ એનું લક્ષ્ય અંગ્રેજ સરકારને હટાવવાનું નહોતું, વિરોધ હતો પણ ન્યાયની આશા પણ હતી. બ્રિટને હજી થોડા જ વખત પહેલાં શાસન પોતાના હાથમાં લિધું હતું એટલે જનતાને બહુ નારાજ કરવાની એની તૈયારી પણ નહોતી. હજી આપણે ૧૮૫૭ પહેલાંના સંતાલ વિદ્રોહની વાત કરવાની છે, જે બે તબક્કે ચાલ્યો – ૧૮૫૫ – ૫૬માં અને ૧૮૯૯માં!


સંદર્ભઃ http://dsal.uchicago.edu/books/socialscientist/pager.html?objectid=HN681.S597_60_015.gif

અને ઇંટરનેટ પર ઉપલબ્ધ બીજાં છૂટક સ્રોતો.

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 15

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૫: સામ્રાજ્યવાદી ભૂખ

૧૮૨૪ અને ૧૮૪૪ વચ્ચે બે મહત્ત્વના વિદ્રોહ થયા. આજે એના વિશે વાત કરીએ. એક વિદ્રોહમાં અંગ્રેજોજી જીત થઈ પણ સૂરતનો વિદ્રોહ તદ્દન સામાન્ય માણસોનો હતો અને એમાં તે પછીનાં કોંગ્રેસની આગેવાની હેઠળ થયેલાં આંદોલનોનાં બીજ જોવા મળે છે.

<><><> 

કિત્તુરની રાણી ચેનમ્મા

૧૭૯૯માં ટીપુ સુલતાનના મૃત્યુ પછી થયેલા વિદ્રોહોની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ન ભૂલવું જોઈએ કે કંપનીએ પણ આવા વિદ્રોહીઓને પહોંચી વળવા નવી રીત અખત્યાર કરી હતી. ટીપુના વખતમાં લૉર્ડ મૉરિંગ્ટન (જે પછી લૉર્ડ વૅલેસ્લી તરીકે ઓળખાયો) ગવર્નર જનરલ હતો. એ જ અરસામાં નેપોલિયને ઈજિપ્ત પર હુમલો કર્યો હતો. ફ્રાન્સ અને ઇંગ્લૅંડ વચ્ચે તો દાયકાઓ જૂની દુશ્મની હતી. વૅલેસ્લીને આ સ્થિતિ ફાવી ગઈ. એણે નેપોલિયન કદાચ ભારત પર હુમલો કરે એવી આશંકા દેખાડીને પોતાની સામ્રાજ્યવાદી યોજના માટે કંપનીના લંડન ખાતેના માલિકોની મંજૂરી મેળવી લીધી. ટીપુ સામે કંપનીના દ્વેષનું એક કારણ પણ એ જ હતું કે ફ્રેંચ કંપની સાથે એની મિત્રતા હતી. વૅલેસ્લીને લાગ્યું કે નેપોલિયન ભારત તરફ વળે તો એને અંગ્રેજો વિરુદ્ધ ઘણા મિત્રો મળી જાય તેમ હતું.

વૅલેસ્લી કટ્ટર સામ્રાજ્યવાદી હતો. એણે પોતાની યોજના એ રીતે રજૂ કરી કે ભારતમાં રાજાઓ સતત લડતા રહે છે. આ સંજોગોમાં નેપોલિયન હુમલો કરે તો બ્રિટીશ કંપનીનો પરાજય થાય એમ હતું એટલે આખા ભારત પર અંગ્રેજોનું એકચક્રી રાજ સ્થાપવાનું જરૂરી છે. આના માટે એણે સામાન્ય લોકોના વિદ્રોહને દબાવવાને બદલે રાજાઓને દબાવવાની જરૂર દેખાડી. ટૂંકમાં, ગમે તે બહાને દેશી રાજાને હટાવવો અને એના પ્રદેશને બ્રિટિશ હકુમત નીચે લઈ આવવો. કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી. આને ‘ડોક્ટ્રિન ઑફ લેપ્સ’ (રાજગાદીના અધિકારના અંતનો સિદ્ધાંત) કહે છે. આમ તો આ સિદ્ધાંતનું નામ લૉર્ડ ડલહૌઝી સાથે જોડાયેલું છે પણ ડલહૌઝી તો ૧૮૪૭થી ૧૮૫૬ દરમિયાન ગવર્નર જનરલ હતો. ખરેખર તો ૧૮૦૦ પછી જ આ નિયમ અમલમાં મુકાઈ ગયો હતો; ડલહૌઝીએ ‘ડૉક્ટ્રિન ઑફ લેપ્સ’ને માત્ર લેખિત નિયમનું રૂપ આપ્યું. એ આવ્યો તે પહેલાં જ કંપનીએ ત્રીસેક રાજ્યો ખાલસા કરી લીધાં હતાં. તેમાંથી, ગંગા-યમુનાનો દોઆબનો પ્રદેશ અને લગભગ આખો રોહિલખંડ તો વૅલેસ્લીએ ૧૮૦૧માં જ કબજે કરી લીધો હતો. ક્લાઇવ અને હૅસ્ટિંગ્સના દિવસોમાં દેશી રાજ્યો માટે ‘ગૌણ અધિકારો’નો નિયમ હતો. એટલે કે કંપનીના અધિકાર મુખ્ય અને રાજાના અધિકાર એના પછીના ક્રમમાં હોય. પરંતુ તે તો માત્ર કંપનીના વેપારને રક્ષણ આપવા માટે હતો, કારણ કે હજી કંપનીનું ધ્યાન માત્ર વેપાર પર હતું. વૅલેસ્લીએ એને વધારે આક્રમક રૂપ આપ્યું. વેપારનું મહત્ત્વ તો રહ્યું જ પરંતુ હવે કંપનીએ આ રાજ્યોને પોતાના નિયંત્રણ હેઠળ રાખવાનું શરૂ કર્યું. રાજાઓ પહેલાં મોગલોને ખંડણી આપતા તેને બદલે હવે એક પછી એક અંગ્રેજી કંપનીના ખંડિયા બનવા લાગ્યા.

મોટા ભાગે બધા મૂંગે મોઢે સહન કરી લેતા હતા પણ એક મહિલા શાસકનો ઉલ્લેખ થોડો વિસ્તારથી કરીએ. એ છે, કિત્તુરની રાણી ચેનમ્મા. એણે અંગ્રેજોની દાદાગીરીનો સખત મુકાબલો કર્યો.

imageકર્ણાટકના કિત્તુર રાજ્યના રાજાનું ૧૮૨૪માં મૃત્યુ થઈ ગયું. થોડા જ મહિનામાં એમના એકના એક પુત્રનું પણ અવસાન થયું. રાણી ચેનમ્માએ એક વારસ પસંદ કર્યો. પણ રાજ્ય પર સાર્વભૌમ સત્તા કંપનીની હતી. કંપનીને આમાં પોતાનું અપમાન જણાયું. કંપનીનો ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ એવો હતો કે કોઈ સ્વતંત્ર રાજ્યનો રાજા બિનવારસ મરી જાય તો એ રાજ્ય સાર્વભૌમ સત્તા, એટલે કે કંપની હસ્તક ચાલ્યું જાય. તે પછી કંપની નક્કી કરે કે કોઈને દત્તક લેવાનો અધિકાર આપવો કે રાજ્ય ખાલસા કરી લેવું. શરૂઆતનાં વર્ષોમાં કંપનીએ પોતાની સગવડ મુજબ દત્તક લેવાની છૂટ પણ આપી, પરંતુ મોટા ભાગે તો રાજ્ય કંપનીના હાથમાં ચાલ્યું જતું હતું.

imageકિત્તુરને ધારવાડના કલેક્ટરને હવાલે કરી દેવામાં આવ્યું. કલેક્ટરે વારસને નામંજૂર કર્યો. રાણીએ આની સામે મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિંસ્ટનને અપીલ કરી. ગવર્નરે અપીલ નામંજૂર કરી અને ૧૮૨૪ના ઑક્ટોબરમાં કંપનીએ ભારે લાવલશ્કર સાથે કિત્તુર પર હુમલો કર્યો. પરંતુ રાણીના બહાદુર સેનાપતિ અમાતુર બાલપ્પાએ કંપનીને યાદ રહી જાય તેવો સજ્જડ જવાબ આપ્યો. કંપનીની મોટી ફોજ હારી ગઈ. કલેક્ટર અને રાજકીય રેસિડન્ટ સેંટ જ્હોન ઠેકરે માર્યો ગયો અને બે અંગ્રેજ અફસરો જીવતા ઝડપાયા. કંપનીને કિત્તુર રાજ્યનો પંદર લાખનો ખજાનો લૂંટવાની આશા હતી તેના પર પાણી ફરી ગયું.

હવે કંપનીએ એના બે માણસોને છોડાવવા માટે સમાધાનનો માર્ગ લીધો. રાણીએ શરત મૂકી કે કંપની લડાઈ બંધ કરે. એમણે શરત તો માની લીધી પણ બોલેલું પાળે કોણ? એમણે બમણા જોરથી બીજો હુમલો કર્યો. આ વખતે રાણી ચેનમ્માનો વફાદાર સહાયક સંગોળ્ળી રાયણ્ણા હતો. એણે લડાઈમાં ભારે સાહસ દેખાડ્યું. લડાઈમાં સોલાપુરનો અંગ્રેજ નાયબ કલેક્ટર માર્યો ગયો. પરંતુ અંતે રાણી ચેનમ્મા પરાજિત થઈ. અંગ્રેજોએ એને પકડી લીધી અને કેદ કરી. ૧૮૨૯ની બીજી ફેબ્રુઆરીએ કેદી અવસ્થામાં જ આ વીરાંગનાનું મૃત્યુ થયું. સંગોળ્ળી રાયણ્ણા કેદ પકડાયો નહોતો અને ૧૮૨૯ સુધી તો છાપામાર યુદ્ધ કરતો રહ્યો. અંતે એ પણ અંગ્રેજોના હાથમાં પડ્યો. એને ફાંસી આપી દેવાઈ.

<><><> 

૧૮૪૪: સૂરતમાં મીઠાના કર વિરુદ્ધ પ્રજાનો વિદ્રોહ

૧૮૪૪માં મુંબઈ પ્રેસીડેન્સીની સરકારે મીઠા પરનો વેરો બમણો કરી નાખ્યો. એક મણ (૪૦ શેર એટલે કે આજના ૩૭ કિલોગ્રામથી થોડું વધારે) પરનો ટેક્સ આઠ આના (આજના ૫૦ પૈસા) હતો તે એક રૂપિયો કરી નાખ્યો. આની સામે ૨૧મી ઑગસ્ટથી ૩૧મી ઑગસ્ટ ૧૮૪૪ સુધી સૂરતમાં ભારે વિરોધ થયો. બધી જ દુકાનો બંધ રહી. વેપારીઓ સાથે વાતચીત કરવા સરકારે હિન્દુસ્તાની ઑફિસરોને મોકલ્યા પણ લોકોએ એમને મારીને ભગાડી મેલ્યા. ૨૯મી તારીખે લોકોની મોટી ભીડ અદાલતમાં આની સામે ફરિયાદ કરવા ગઈ. ભીડમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો અને જજના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા. એના પર મિલિટરીએ ગોળીબાર કરતાં એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને કેટલાયે ઘવાયા.

તે પછી સરકારે કર લાગુ ન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. એમાં સરકારે ભીનું સંકેલ્યું છે. જાહેરનામું કહે છે કે કર બમણો કરવાની સાથે નગરના બીજા કરવેરા રદ કરવાના હતા, પણ એનું જાહેરનામું બહાર પાડવામાં અનિવાર્ય કારણોસર વિલંબ થયો. આને કારણે લોકોને બેવડા કર ભરવા પડે તેમ હતા એટલે મીઠાના કરનો નવો દર લાગુ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું !

imageશાંતિલાલ એમ. દેસાઈ એમના પુસ્તક ‘રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત’ (સંદર્ભઃ નંદિની ઓઝાનો બ્લૉગ)માં કહે છે તેમ લગભગ ૩૦,૦૦૦ લોકોએ વિરોધમાં ભાગ લીધો. વિરોધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો. પરંતુ શાસકોની ફરજ વિશે જાગૃતિ કેળવાતી જતી હતી. આંદોલનની દોરવણી વેપારી મહાજન કરતું હતું એના એક આગેવાન દુર્ગારામના શબ્દો અંગ્રેજી શાસન વિરુદ્ધ લોકોની ભાવનાઓનો પડઘો ઝીલે છેઃ લોકો રાજા સમક્ષ રજુઆત કરે તે બરાબર છે, પણ રાજા કંઈ પગલું ભરે તેના પહેલાં લોકોનો અભિપ્રાય માગે તો જ. પરંતુ રાજા આવું ન કરે અને રૈયતને દબાવે તો લોકોએ રાજા સામે લડવું જોઈએ અને એને સજા કરવી જોઈએ અને કોઈ બીજાને રાજ્ય સોંપવું જોઈએ…..રાજાએ લોકોના સર્વોત્તમ ભલા માટે કામ કરવું જોઈએ, લોકો પ્રત્યે એને સહાનુભૂતિ હોવી જોઈએ. તેને બદલે જો એ લોકોનો વિરોધી બને, એમને ગરીબીમાં ધકેલી દે અને એક ક્ષેત્રના લોકોની, બીજા ક્ષેત્રના લોકોના ભોગે, એમને ગરીબ બનાવીને, જે લોકો સચ્ચાઈના માર્ગે ન ચાલતા હોય તેવા લોકોની તરફેણ કરે અને એ લોકો ધનવાન બની જાય અને આ વાત માત્ર અંગ્રેજોને જ નહીં દુનિયાના બધા રાજાઓને લાગુ પડે છે. આજ સુધી આપણે દુનિયામાં અને આપણા પોતાના દેશમાં ઘણાયે જુલમી શાસકો જોયા છે; એમને પ્રજાએ તગેડી મૂક્યા છે.”

 (ઘનશ્યામ શાહના પુસ્તક Democracy, Civil Society and Governanceમાં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠના પુસ્તક The Shaping of Modern Gujaratમાંથી લીધેલું અવતરણ).

તે પછીનાં ચાળીસ વર્ષમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ શાંતિથી વિરોધ વ્યક્ત કરવાની લોકોની તાકાત સત્યાગ્રહનું અજોડ સાધન બની રહી.

મીઠા પરનો વેરો પાછો ખેંચ્યા પછી માત્ર ચાર વર્ષમાં ફરી વાર સૂરતે પોતાની શાંત તાકાત દેખાડી. સરકારે ગુજરાતમાં બંગાળી તોલમાપનાં ધોરણો લાગુ કર્યાં. સૂરતવાસીઓ સરઘસો, જાહેર સભાઓ, હડતાળોમાં મોટી સંખ્યામાં જોડાયા. અંતે જનતાની જીત થઈ અને સમર્થ અંગ્રેજ હકુમતે નમતું આપ્યું.

0000

સંદર્ભઃ

http://en.banglapedia.org/index.php?title=Pagal_Panthi_Movement

https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Surat-was-first-to-revolt-against-salt-tax/articleshow/40538909.cms

http://nandinikoza.blogspot.com/2014/07/struggles-of-people-of-gujarat-against.html

Science Samachar 55

(૧) તહેરાન ધસી પડવા લાગ્યું છે!

ઈરાનમાં પાણીનું સંકટ છે. હવે ભૂગર્ભ પાણીનાં તળ બહુ ઊંડાં થઈ ગયાં છે. છેલ્લાં ચાળીસ વર્ષથી ઈરાન અન્ન મોરચે સ્વાવલંબી બનવા મથે છે. પરિણામે પાણીનો વપરાશ વધી ગયો છે. ભૂગર્બ જળ સરકારી નિયંત્રણ વિના બેફામપણે બહાર ખેંચી લેવાય છે. આની અસર એ થઈ છે કે પાટનગર તહેરાનના ઘણા ભાગો નીચા થઈ ગયા છે. તે ઉપરાંત સરકારે ખાસ કરીને ખેતીમાં વાપરવા માટે પાણીનો સંગ્રહ કરવા અસંખ્ય ડૅમ બાંધ્યા છે. આથી નદીનું કુદરતી વહેણ સ્વાભાવિક રીતે બંધ થઈ જાય અને એનું પાણી જમીનમાં ન ઊતરે. વાયવ્ય ઈરાનમાં દુનિયાનું બીજા નંબરનું મોટું ખારા પાણીનું સરોવર હતું તે સંકોચાઈ ગયું છે. બીજી બાજુ, નૈર્ઋત્ય ઈરાનનો ખૂઝિસ્તાન પ્રાંત આંધીઓનો અવારનવાર શિકાર બન્યો છે

તહેરાનમાં આજે ૮૦ લાખની વસ્તી છે અને લોકો શહેરમાં આવતા જ જાય છે. આમ પાણીની માંગ વધી ગઈ છે. ૧૯૬૮માં ત્યાં ચાર હજાર કૂવા હતા, આજે આ આંકડો ૩૨,૦૦૦ સુધી પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ તો ૩૫ -૪૦ ફૂટ નીચે ખોદો ત્યાં સુધી પાણી નથી મળતું. કારણ કે તળ બેસી ગયું છે અને તેની સાથે સપાટી પણ બેસી ગઈ છે. એક અભ્યાસમાં જોવા મળ્યું કે તહેરાનના અમુક વિસ્તારો ૨૦૦૩થી ૨૦૧૭ સુધીમાં દર વર્ષના ૨૫ સે. મી. ના હિસાબે નીચે ધસી પડ્યા છે. આને કારણે અસંખ્ય ઘરોમાં દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. કેટલાંય સ્થળે ભૂગર્ભ જળબંડારના સ્થાનને એટલું નુકસાન થયું છે કે હવે ત્યાં પહેલાં જેટલું પાણી સમાઈ શકે તેમ પણ નથી.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/12/181206115935.htm

0000

(૨) તમને નીરોગી અને પાતળા રાખનારાં બૅક્ટેરિયાનો વિકાસ સાકરથી રુંધાય છે.

આપણા મોટા આંતરડામાં એવાં બૅક્ટેરિયા થાય છે જેની મદદથી આપણે નીરોગી અને પાતળા રહીએ છીએ. આવાં બૅક્ટેરિયાને એક ખાસ પ્રોટીન Roc જોઈએ, પણ ખાંડ એ પ્રોટીનને પ્રભાવહીન બનાવી દે છે. યેલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે હમણાં સુધી એવી માન્યતા હતી કે ખાંડ માત્ર નાના આંતરડામાં જ પચી જાય છે અને મોટા આંતરડા સુધી પહોંચતી નથી. પરંતુ આ અભ્યાસમાં જોવા મળ્યું કે ખાંડ મોટા આંતરડામાં પણ પહોંચે છે. વૈજ્ઞાનિકોએ ઉંદરને ફ્રુક્ટોઝ અને ગ્લૂકોઝવાળો આહાર આપ્યો તો જોયું કે ઉંદરના મોટા આંતરડામાં ખાંડ ગઈ અને એમાંના માઇક્રોબ માટે જરૂરી પ્રોટીન પર એની ખરાબ અસર થઈ.

સંદર્ભઃ https://scitechdaily.com/sugar-targets-microbe-linked-to-lean-and-healthy-people/

વિદ્વાનો માટેઃ PNAS, 2018; doi:10.1073/pnas.1813780115

0000

(૩) આપણે શી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ

ક્વીંસલૅન્ડ યુનિવર્સિટીના બ્રેન ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે કે આપણે ધ્યાન કેમ કેન્દ્રિત કરી શકીએ છીએ. આપણી ઇંદ્રીયો દરેક ક્ષણે ઢાગલાબંધ માહિતિ મગજ સુધી પહોંચાડે છે, પણ મગજનો એક ભાગ એમાંથી અમુકને ખાસ ધ્યાન આપવા માટે પસંદ કરે છે. આપણે કોઈ એક ખાસ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતા હોઈએ તો નિઓકૉર્ટેક્સમાં વીજપ્રવાહમાં ફેરફાર થાય છે, પરિણામે બીજી બધી માહિતી ગળાઈ-ચળાઈ જાય છે. ન્યૂરોન આમ તો બધા સાથે મળીને કામ કરે છે, પણ જ્યારે આપણને જરૂર પડે ત્યારે અમુક ન્યૂરોન એમાંથી હટી જાય છે અને ખાસ કામમાં લાગી જાય છે. આથી રસ્તે ચાલતાં મિત્ર સાથે વાત કરતા હોઈએ ત્યારે પણ ઝડપભેર ચાલતી કાર પર ધ્યાન આપી શકીએ છીએ. આ કામ કૉલેનર્જિક સિસ્ટમ કરે છે. એમાં જે ન્યૂરોન હોય છે તે માસ્ટર સ્વિચ જેમ કામ કરે છે, એટલું જ નહીં પણ, હવે સમજાયું છે કે, એ કઈ માહિતી ખાસ છે તે સમજવામાં મગજને મદદ કરે છે.

આપણી આ શક્તિ ખોરવાઈ જાય તો એની બહુ ખરાબ અસર પડે છે. મગજ જો કઈ માહિતી કેટલી ઉપયોગી છે તે નક્કી ન કરી શકે તો એનો સંગ્રહ પણ ન કરી શકે અને આપણને યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે પ્રેરિત ન કરી શકે. અલ્ઝાઇમર્સની બીમારીમાં આવું જ થતું હોય છે.

સંદર્ભઃ https://qbi.uq.edu.au/article/2018/12/how-brain-enables-us-rapidly-focus-attention

વિદ્વાનો માટે https://www.cell.com/neuron/fulltext/S0896-6273(18)31044-4 (લેખ ખરીદી શકાય છે).

0000

(૪) આપણું બ્રહ્માંડ ફૂલતા ફુગ્ગા પર છે?

ઉપ્પસલા યુનિવર્સિટીના સંશોધકોએ બ્રહ્માંડનું નવું મૉડેલ સૂચવ્યું છે. આપણે હજી ‘ડાર્ક ઍનર્જી’ને સમજી શક્યા નથી પણ આ સંશોધક ટીમનો દાવો છે કે એમનું મૉડેલ આ રહસ્ય ઉકેલી દે છે. Physical Review Letters મૅગેઝિનમાં એમનો લેખ હાલમાં જ પ્રકાશિત થયો છે. એમણે કહ્યું છે કે આપણું બ્રહ્માંડ એક ફૂલતા ફુગ્ગા પર સવાર છે અને આ ફુગ્ગો ત્રણ પરિમાણ ઉપરાંત એક વધારાના પરિમાણમાં ફૂલતો રહે છે.

છેલાં વીસેક વર્ષથી આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ ઝડપભેર વિકસતું જાય છે. એનો ખુલાસો એવો અપાય છે કે ડાર્ક ઍનર્જી, જે સર્વવ્યાપક છે, એને ખેંચે છે. પરંતુ આ ડાર્ક ઍનર્જી એટલે શું, તે હજી સમજાયું નથી.

એવી ધારણા હતી કે સ્ટ્રિંગ થિઅરી એનો ખુલાસો આપી શકશે. સ્ટ્રિંગ એટલે તંતુ. ધારણ એ છે કે સમગ્ર ભૂતપદાર્થ આ પાતળા તંતુઓનો બનેલો છે. પરંતુ એણે ડાર્ક ઍનર્જીના આધારે બનાવેલાં બ્રહ્માંડનાં મૉડેલ હવે વૈજ્ઞાનિકોને સંતોષજનક નથી લાગતાં.

ઉપ્પસલા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલા મૉડેલમાં દેખાડ્યું છે કે આખું બ્રહ્માંડ ફૂલાતા અને ફેલાતા ફુગ્ગા પર છે અને દરેક તંતુરૂપ પદાર્થ બહાર એક વધારાના પરિમાણમાં ફેલાય છે. અહીં એમણે સ્ટ્રિંગ થિઅરીની અવધારણાનો ઉપયોગ કર્યો છે. વળી, આવા ઘણા વિસ્તરતા ફુગ્ગા બની શકે છે.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/12/181228164824.htm

વિદ્વાનો માટેઃ htps://journals.aps.org/prl/pdf/10.1103/PhysRevLett.121.261301 (PDF ડાઉનલોડ કરી શકાશે).

()()()()()()()()()()

India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom : Chapter 14

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ ૧૪: જોગીદાસ ખુમાણ અને કંપની

અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ
ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ !

             [અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને(પેટા જાતોને) તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા]

ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા (ભાગ-૨)માં જોગીદાસ ખુમાણની કથા આલેખી છે, તેમાં આ દૂહો છે. કદાચ આપણું કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે જોગીદાસ ખુમાણની કથામાં અંગ્રેજ ક્યાંથી આવ્યા? છેલ્લાં ચાર પ્રકરણમાં આપણે કચ્છના વિદ્રોહ અને અંતે અંગ્રેજોન સાથે ભારમલજીની સંધિની વાત વાંચી. કચ્છમાં અંગ્રેજોને આવવાનું જરૂરી એટલા માટે હતું કે ૧૭૮૪થી જ અંગ્રેજો સૌરાષ્ટ્રમાં આવી ગયા હતા અને કચ્છ એમના વિરોધમાં રહે તે એમને પોસાય તેમ નહોતું. આ બાજુ સૌરાષ્ટ્રના નાનામોટા ઠાકોરોએ અંગ્રેજોની આણ માની લીધી હતી. એક તો, સૌરાષ્ટ્રમાં પણ મુંબઈની કંપની સરકારે બંગાળ જેવા જ જમીનના કાયદા લાગુ કર્યા હતા, પણ સંધિ કરનાર ઠાકોરોને અંગ્રેજોની હૂંફ પણ મળતી હતી. આથી જમીનો આંચકી લેવાની એમની હિંમત વધી ગઈ હતી. મેઘાણીજીના એ જ પુસ્તકમાં એક લાંબું કથાગીત આપ્યું છે, તેમાં અંગ્રેજોનો ઉલ્લેખ સ્પષ્ટ આવે છે. તેના અમુક દોહા અર્થ સાથે જોઈએઃ

વેળા સમે ન શકિયા વરતી ફરતી ફોજ ફરે ફરંગાણ,
ભાયું થીયા જેતપર ભેળા ખાચર ને વાળા ખુમાણ. ૫

            [કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયા. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.]

હેક વચન સાંભળ તણ-હાદા ! નર માદા થઈ દીયો નમી !
પડખા માંય
કુંપની પેઠી, જાવા બેઠી હવે જમી. ૮

             [હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.]

મુળુ ચેલો બેય મળીને અરજ કરી અંગરેજ અગાં,
વજો લે આવ્યો સેન વલાતી જાતી કણ વધ રહે જગ્યા ! ૨૦

              [મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે ?)

અંગરેજે દીયો એમ ઉતર સૂતર ચાલો છોડ સ્વભાવ,

આશ કરો જો ગરાસ ઉગરે જોગીદાસ લે આવો જાવ. ૨૧

              [અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો, ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો !]

જોગીદાસે મનમાં જાણ્યું તાણ્યું વેર ન આવે તાલ,
આવ્યો શરણે વજો ઉગારે મારે તોય ધણી વજમાલ. ૨૩               

               [જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ. એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે.]

અવગણ તાજી લીયા ગણ અધપત મહે૫ત બાધા એમ મણે,
જોગીદાસ
વલ્યાતે જાતો તે દિ રાખ્યો વખત તણે. ૨૭

               [અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.]

જોગીદાસ ખુમાણને લાગ્યું કે અંગ્રેજોના હાથમાં ચડવા કરતાં દેશી રાજા સારો. આ લોકજીભે ચડેલી વાતમાં માત્ર જોગીદાસ ખુમાણના સંત સ્વભાવની અને ઠાકોર વજેસંગની દાનાઈની વાત છે. પરંતુ મેઘાણીજીએ પોતે જ કૅપ્ટન બેલના પુસ્તક (History of Kathiawad)માંથી અમુક ભાગ ટાંક્યો છે. આપણે એના કેટલાક અંશ જોઈએ કે જેથી ઈસ્ટ ઇંડિયા કંપની કેટલી પ્રભાવશાળી બની ગઈ હતી તેની ખબર પડે છેઃ

પાનું ૧૯૯ : … આવી જાતના પરાજય અને નુકશાનોથી રોષે ભરાયેલા બહારવટીયા ફરી પાછા વધુને વધુ હઠીલાઈથી તેમજ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લુંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી તો મુસીબત વધી કે ઈ. સ. ૧૮૨૨માં કેપ્ટન બાર્નવેલ નામનો પોલીટીકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો, અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોસી રાજાઓને મળવા તેડાવ્યા. બહારવટીઆનો નાશ કરવા માટે તેઓનો સહકાર માગ્યો, અને સુલેહ જાળવવામાં તથા ગુન્હેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું.

આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા, ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળા કાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા.

….એણે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટાંમાં સામેલગીરી હોવાની સાબીતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેએાને તેડાવીને કૅ. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટીયાઓને પકડીને વજેસંગજીને સોંપવા.

* * *

તેઓએ બહારવટીયાનો પીછો લઈ જોગીદાસ તથા તેના છ સગાએ કે જે એ બહારવટામાં સરદારો (ring leaders) હતા તેઓને પકડ્યા. કૅ. બાર્નવેલે એ બધાને કેદમાં નાખ્યા.

એમાંથી બે જણા કેદમાંજ મરી ગયા. બાકીના બધાને, જસદણના ચેલો ખાચર, ભડલી ભાણ ખાચર, બગસરા હરસુરવાળા, ડેડાણનો દંતો કોટિલો વગેરે કાઠી રાજાઓ કે જેને બાર્નવેલે જેતપુરના હામી તરીકે અટકાવેલા તે સહુના હાથમાં સોંપવામાં આવ્યા. તેઓ આ બહારવટીયાઓને ૧૮૨૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી. પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા.

૧૮૨૭ : ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા…આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.

કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, છરા, વીજપડી, ભીમોદરા, મીતીઆળાનો અમૂક હિસ્સો, પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબાઈ સરકારને પેાલી. એજન્ટ મી. બ્લેર્ને મોકલ્યા. અને તે મંજૂર થયા.

આમ, ઠાકોર વજેસંગ પણ કંપની સરકારને પૂછ્યા વિના જમીનનો (ગરાસનો) મોં-બદલો નહોતા કરી શકતા.

જોધા માણેક અને મૂળુ માણેકની કથામાં પણ કંપની હાજર છે. ઓખામંડળ પર ખરેખર તો સાર્વભૌમત્વ વડોદરાના ગાયકવાડનું હતું પણ ત્યાં ગાયકવાડના વહીવટદારો જ હતા. આટલે દૂરથી ઓખા પર કાબૂ રાખી શકાય તેમ પણ નહોતું, અને તે ઉપરાંત ગાયકવાડી રાજ્ય સાથેની સમજૂતી પ્રમાણે અંગ્રેજ પોલિટિકલ ઍજંટો પણ હતા. વાઘેરો ગાયકવાડી રાજ્ય તરફથી મળતી માસિક રકમ પર જીવતા હતા. હાલત એ હતી કે ગાયકવાડના સૈનિકો પણ વાઘેરણોની છેડતી કરતા. વાઘેરોમાં અસંતોષ હતો અને એમણે જ્યારે બળવો કર્યો ત્યારે એમની સામે લડવા માટે ઊતરી હતી, અંગ્રેજી ફોજ. આમ ખરો કબજો તો અંગ્રેજોનો હતો.

કાદુ મકરાણીની કથા પણ એ જ દેખાડે છે. ઈણાજ પર તો ઠાકોરે હુમલો કર્યો અને તે પછી કાદુના નિશાન પર તો સ્કૉટ હતો. આવા વિદ્રોહો ૧૮૫૭ના નિષ્ફળ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી પણ છેક વીસમી સદીના પહેલા દાયકા સુધી ચાલુ રહ્યા.

અંગ્રેજોએ જમીનના કાયદા બદલીને અને ઠાકોરો કે રાજાઓને પોતાના હાથમાં લઈને સોરઠની ધરા પર કેર વર્તાવ્યો હતો. સામાન્ય માણસ માટે તો હવે પોતાનો રાજા પણ પોતાનો નહોતો રહ્યો. બહારવટિયા આ અસંતોષનાં સંતાન હતા.

‘સોરઠી બહારવટિયા’ની કથાઓ સંકલિત કરવામાં આપણા રાષ્ટ્રશાયરે બધી વાતની કાળજી લીધી છે. એમણે શૂરવીરોનાં શૌર્યનાં બયાન તો કર્યાં જ છે, જ્યાં એમને કથા મળી છે પણ આધાર નથી મળ્યો, તો તે પણ જણાવ્યું છે, અને એક જ ઘટના બે અલગ રૂપમાં મળી તો તેય જેમની તેમ રાખી છે. એમણે કૅપ્ટન બેલ અને કિનકેઇડનાં પુસ્તકોનો પણ આધાર લીધો છે પરંતુ આ પુસ્તકોમાં પણ બધી વિગતો નથી અને જે કંઈ છે તે અંગ્રેજોની નજરે લખાયેલું છે. મેઘાણીજીએ કેટલાક ફકરા સીધા જ ટાંક્યા છે. ‘સોરઠી બહારવટિયા’ (ત્રણ ભાગ) હવે ફરી વાંચવાની ઇચ્છા થાય તો સોરઠની નીતિમતા, અને શૌર્યની કથાઓ સાથે અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપનીની ભૂમિકાને પણ ધ્યાનમાં રાખશો.

000૦

સંદર્ભઃ સોરઠી બહારવટિયા (ત્રણ ભાગ) ઝવેરચંદ મેઘાણી- (વિકીસ્રોત પર). એમણે જ બે પુસ્તકોનો હવાલો આપ્યો છે એટલે અલગ નથી દર્શાવ્યાં. તે www.archive.org પર મળશે.


લેખકની નોંધઅહીં જે શબ્દો/ શબ્દસમૂહો જૂદા રંગમાં જોવા મળે છે તે એવા અંગેજી / બ્રિટીશ શબ્દો / શબ્દો સમૂહો છે જે એ સમયનાં લોકસાહિત્યમાં વણાઈ ચૂક્યા છે, જેમ બ્રિટિશ શાસનની તે સમયનાં સમાજ જીવન પર પડેલી ઊંડી અસરો દર્શાવે છે. કોઇપણ શાસક સમાજ પર બળપૂર્વક જે કંઈ લાદવા પ્રયાસ કરે તે એ સમાજમાં ઉતરી ગયું દેખાય , પણ ભળી જઈને સ્વીકાર્ય બન્યું છે કે તે તો અમુક સમય પછી, જ્યારે કોઈ ખાસ ઘટનાઓ બને ત્યારે જ ખબર પડે. ૧૮૫૭ના સંગ્રામમાં કારતુસ પર લગાવાતી ડુક્કર કે ગાયનાં માંસની ચરબી આવી જ એક ઘટના હતી.

%d bloggers like this: