India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 20

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૦: કલકતા પાછું અંગ્રેજોના હાથમાં

બજ બજનો કિલ્લો

૧૭૫૬ની ૨૯મી ડિસેમ્બરની રાતે ક્લાઇવની સરદારી હેઠળની અંગ્રેજી ફોજે બજ બજના કિલ્લાનો કબજો લઈ લીધો. આમ તો સવારે છ વાગ્યાથી જ લડાઈ શરૂ થઈ ગઈ હતી અને સિરાજુદ્દૌલાને વફાદાર દળોએ કિલ્લાના બચાવ માટે જોરદાર તોપમારો કરીને દુશ્મનને દૂર રાખ્યો હતો. પરંતુ તે પછી કિલ્લામાંથી તોપમારો બંધ થઈ ગયો. અંગ્રેજ ફોજે માન્યું કે હવે હુમલો કરવામાં વાંધો નથી. રાતના અંધરામાં હુમલો કરવાનું નક્કી થયું અને બધા બે-ત્રણ કલાક આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં તો કિલ્લાની આસપાસ ગોઠવાયેલી ક્લાઇવની ફોજમાંથી આનંદની કીકિયારીઓ ઊઠી કે કિલ્લો સર થઈ ગયો!

થયું એવું હતું કે એક નાવિક દારુના નશામાં કિલ્લાની દીવાલ સુધી પહોંચી ગયો અને ત્યાં એણે એક ગાબડું જોયું. એના વાટે એ નશામાં જ ઉપર ચડી ગયો. ત્યાં થોડા સૈનિકો બેઠા હતા એમની સાથે એની લડાઈ થઈ. પણ એને જોઈને બીજા બે નાવિક પણ અંદર ઘૂસી આવ્યા હતા. ભારે હોહા થતાં લશ્કરના માણસો પણ કશા જ હુકમ વિના ઘૂસ્યા. સામે પક્ષે કિલ્લાના ચોકિયાતોની સંખ્યા બહુ ઓછી હતી એટલે ભાગ્યા. આમ બજ બજનો કિલ્લો તો તદ્દન નસીબજોગે જ અંગ્રેજોના હાથમાં પડ્યો. પરંતુ આ ધમાચકડીમાં અંગ્રેજોની ફોજનો એક કૅપ્ટન ડૂગલ કૅમ્પ્બેલ એના જ માણસોના હાથે માર્યો ગયો.

કલકત્તામાં પણ કંપનીની જીત

૧ જાન્યુઆરી ૧૭૫૭ના રોજ કૅપ્ટન કૂટની આગેવાની હેઠળ ઈસ્ટ ઇંડિયા કંપનીનાં જહાજોએ કલકત્તાને ઘેરો ઘાલ્યો. બીજી બાજુથી જમીન માર્ગે ક્લાઈવ પણ આવી પહોંચ્યો હતો.

જહાજો પર કિલ્લામાંથી સવારના ૧૧ વાગ્યા સુધી ભારે તોપમારો થયો પણ તે પછી તોપો ગરજતી બંધ થઈ ગઈ. કૂટ કિલ્લામાં પહોંચ્યો અને કબજો સંભાળી લીધો.

વૉટસન અને ક્લાઇવ વચ્ચેની સ્પર્ધા એટલી તીવ્ર હતી કે ઍડમિરલ તરીકે વૉટસને કૂટને કલકતાનો કબજો લેવા માટે મોકલતી વખતે એને ગવર્નર તરીકેના બધા અધિકારો આપી દીધા હતા.

દરમિયાન ક્લાઈવ ત્યાં પહોંચ્યો ત્યારે કૂટે એને વૉટસન તરફથી મળેલો અધિકાર પત્ર દેખાડ્યો. ક્લાઇવ રોષે ભરાયો અને એણે કૂટ જેવા જૂનિયર અધિકારીને ગવર્નર માનવાનો ઇનકાર કરી દીધો. એણે કહ્યું કે વૉટસનને આવા જૂનિયર ઑફિસરને ગવર્નર બનાવવાનો હક જ નહોતો. એણે કૂટને કહી દીધું કે કિલ્લાનો ગવર્નર પોતે જ છે અને કૂટ એમાં આડે આવશે તો એ એની ધરપકડ કરી લેશે. કૂટે પણ ક્લાઇવને એવી જ ધમકી આપી. અંતે, વૉટસનને સંદેશો મોકલવાનું કૂટનું સુચન ક્લાઇવે માની લીધું.

વૉટસને ક્લાઇવને ફરી હુકમ મોકલ્યો કે એ કમાંડ છોડી દે પણ ક્લાઇવે સાફ ના પાડી દીધી. ફરી વૉટસને બીજા એક ઑફિસરને મોકલ્યો. ક્લાઇવે એને કહ્યું કે વૉટસન જાતે આવીને કમાંડ સંભાળશે તો એને કંઈ વાંધો નથી. બીજા દિવસે વૉટસન જાતે કિલ્લામાં ગયો અને સત્તાવાર રીતે કૂટને બદલે મૂળ ગવર્નર ડ્રેકના હાથમાં કિલ્લાની ચાવીઓ સોંપી દીધી. ક્લાઇવ એ સમયે માની ગયો. તે પછી કંપનીના કલકત્તાની હકુમતે અને ઇંગ્લૅન્ડના રાજા વતી વૉટસને સત્તાવાર રીતે સિરાજુદ્દૌલા સામે યુદ્ધની ઘોષણા કરી દીધી. તે પછી હુગલીની ફૅક્ટરી પાછી લેવામાં પણ અંગ્રેજોને વાર ન લાગી.

૧૭૧૭માં મોગલ બાદશાહે કંપનીને ‘ફરમાન’ આપ્યું હતું. એના હેઠળ વેપારની બાબતમાં કંપનીને ઘણા અધિકારો મળ્યા હતા. બંગાળના નવાબોને આ ફરમાન કદીયે પસંદ નહોતું આવ્યું અને એમણે એનો કદી પૂરો ઉપયોગ થવા નહોતો દીધો. સિરાજુદ્દૌલા મચક આપવા તૈયાર નહોતો.આ માટેની વાટાઘાટો પણ ચાલતી જ હતી. એ અરસામાં ક્લાઇવની ફોજ ચિતપુર પાસે હતી અને સિરાજુદ્દૌલાએ પણ એની પાસે જ પડાવ નાખ્યો.

ક્લાઇવ પાસે બે હજારની ફોજ હતી, જ્યારે નવાબની ફોજમાં ચાળીસ હજાર ઘોડેસવારો અને સાઠ હજાર સૈનિકો હતા. ક્લાઇવે એ જોઈને હુમલો ન કર્યો પણ બે દિવસ રાહ જોઈને એક રાતે એણે નવાબના પડાવ પર હુમલો કરવા સેના તૈયાર કરી. ક્લાઇવની રીત એ હતી કે સામો પક્ષ તૈયાર ન હોય ત્યારે, ખાસ કરીને રાતે અને એની ભારે જમાવટ હોય તેના પર સખત તીખો હુમલો કરવો. રાતના અંધારા અને ધુમ્મસમાં એને રસ્તો દેખાડનારા આડી વાટે ચડી ગયા અને ફોજ નવાબના પડાવથી બહુ દૂર નીકળી ગઈ. આ લડાઈ થઈ હોત તો સિરાજુદ્દૌલા શબ્દશઃ ઊંઘતાં ઝડપાયો હોત કારણ કે એના માટે એ તૈયાર નહોતો. ઉલટું, સવારે ધુમ્મસ વિખેરાયું ત્યારે અંગ્રેજ ફોજ હજી પણ સિરાજુદ્દૌલાના તોપદળનું નિશાન બને એ જ સ્થિતિમાં હતી. નવાબના તોપગોળાઓએ અંગ્રેજી ફોજના સત્તાવન સૈનિકોને મારી નાખ્યા. ક્લાઇવે બડાશ મારતાં આ ઘટનાને “નવાબના પડાવમાં ફરવા ગયા” જેવી ગણાવી પણ તે સાથે એ પણ કબૂલ્યું કે “આવી સૌથી વધારે ગરમ સેવા” એણે પહેલાં કદી નહોતી કરી!

અંગ્રેજ ફોજમાં આ દુઃસાહસ માટે ક્લાઇવની આકરી ટીકા થઈ પણ બીજી બાજુ સિરાજુદ્દૌલા પણ ડરી ગયો અને એને અંગ્રેજો સાથે ‘અલીનગરની સમજૂતી’ કરી (કલકત્તાનું નામ બદલીને એણે અલીનગર કરી નાખ્યું હતું તે આપણે પહેલાં જોઈ લીધું છે). આના પછી સિરાજુદ્દૌલા ઢીલો પડતો ગયો.

નંદ કુમારને લાંચ?

દરમિયાન, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે ‘સાત વર્ષનું યુદ્ધ’ ફાટી નીકળ્યું. ચંદ્રનગર પર ફ્રાન્સની કંપનીનું રાજ હતું. યુરોપમાં ચાલતા યુદ્ધને પગલે અંગ્રેજ ફોજે ચંદ્રનગર પર કબજો જમાવવાની તૈયારી કરી. સિરાજુદ્દૌલા બન્નેને પોતાની રૈયત માનતો હતો. એણે કહ્યું કે એની જ પ્રજાના બે વર્ગો વચ્ચે અથડામણ થાય તે ન ચાલે. પરંતુ, ખરેખર ચંદ્રનગરને બચાવવામાં એણે ફ્રેન્ચ લશ્કરને કંઈ મદદ ન કરી. માર્ચ ૧૭૫૭માં અંગ્રેજોએ ચંદ્રનગર જીતી લીધું. એ વખતે નવાબનું સૈન્ય હુગલીના ફોજદાર નંદ કુમારની સરદારી નીચે નજીકમાં જ હતું, પરંતુ કોઈ કારણસર ત્યાંથી હટી ગયું. નંદ કુમારની ફોજ ત્યાં જ હોત તો ચંદ્રનગર સર ન થયું હોત. ક્લાઇવે નંદ કુમારને લાંચ આપી હોય એવી શક્યતા પણ ઘણા ઇતિહાસકારોએ દેખાડી છે.

સંદર્ભઃ

1. Voyage from England to India in the year MDCCLIV (=1754) Edward Ives, London printed for Edward and Charles Dilly, MDCCLXXIII (=1773). (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

3. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 | Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: