India: Slavery and struggle for freedom : Part 1: Slavery Chapter 22

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૨૨ પ્લાસીનું યુદ્ધ

૧૭૫૭ની ૧૩મી જૂને સિરાજુદ્દૌલા લશ્કર સાથે અંગ્રેજો સામે લડવા માટે નીકળ્યો, પણ ક્લાઇવની ફોજ એનાથી ત્રણ દિવસ પહેલાં જ મુર્શીદાબાદ તરફ નીકળી ચૂકી હતી. પરંતુ ક્લાઇવ પોતે તરત જ હુમલો કરવાને બદલે રાહ જોવાની તરફેણમાં હતો. એની વૉર કાઉંસિલની મીટિંગમાં તેર જણ રાહ જોવાના પક્ષમાં હતા અને સાત જણ તરત હુમલો કરવાની હિમાયત કરતા હતા. લશ્કરે કૂચ તો શરૂ કરી દીધી પણ ક્લાઇવને હજી મીર જાફર પર વિશ્વાસ નહોતો. એણે મીર જાફરને પ્લાસી પાસે પોતાની ફોજ ગોઠવી દેવાનો સંદેશો મોકલ્યો. એ વખતે સિરાજુદ્દૌલા પણ પ્લાસીથી દસેક કિલોમીટર દુર હતો. ક્લાઇવે કહ્યું કે મીર જાફર પોતાની જમાવટ નહીં કરે તો અંગ્રેજ સૈન્ય નવાબ સાથે સમજૂતી કરી લેશે. મીર જાફરને બંગાળના નવાબ બનવાનું પોતાનું સપનું રોળાઈ જતું દેખાયું. આ બાજુ એણે નવાબ તરફ પણ વફાદારી દેખાડવાની હતી.

૨૩મી જૂન ૧૭૫૭ની સવારે પ્લાસી પાસે બન્ને લશ્કરો સામસામે આવી ગયાં. ગોઠવણ એવી હતી કે સિરાજુદ્દૌલા સામેથી હુમલો કરે, ડાબી અને જમણી બાજુએથી મીર જાફર અને રાય દુર્લભ હુમલા કરે. સવારે આઠ વાગ્યે નવાબની ફોજના તોપદળે હુમલો શરૂ કર્યો. પહેલા અડધા કલાકમાં જ દસ યુરોપિયનો માર્યા ગયા. આના પછી ક્લાઇવે પોતાની ફોજને આંબાનાં ઝાડો પાછળ ચાલ્યા જાવાનો હુકમ કર્યો. નવાબી ફોજ આથી જોશમાં આવી ગઈ. એનું તોપદળ હવે ભારે તોપમારો કરવા લાગ્યું. પરંતુ ત્યાં સૈનિકો તો હતા જ નહીં. અગિયારેક વાગ્યે અંગ્રેજ ફોજે વળતો હુમલો શરૂ કર્યો અને બપોરે બાર વાગ્યાની આસપાસ સિરાજુદ્દૌલાના લશ્કર તરફથી આવતો જવાબ મોળો પડવા લાગ્યો.

સિરાજુદ્દૌલા પોતે પોતાની છાવણીમાં બેઠો હતો અને એના ચાકરો એને સમાચાર આપ્યા કરતા હતા પરંતુ એમાંથી અડધોઅડધ તો દગાખોરો હતા. નવાબને સમાચાર મળ્યા કે એનો વફાદાર મીર મર્દાન ઘાયલ થયો છે ત્યારે એ ચોંક્યો અને મીર જાફરને છાવણીમાં બોલાવ્યો અને પોતાની પાઘડી ઉતારીને મીર જાફરના પગ પાસે ધરી દીધી કે આ પાઘડીનું રક્ષણ કરવાની જવાબદારી એની છે. મીર જાફર ડઘાઈ ગયો. એ નવાબને આશ્વાસન આપીને બહાર નીકળ્યો પણ તરત ક્લાઇવને સંદેશો મોકલીને શું ઘટના બની તેની જાણ કરી દીધી અને સલાહ આપી કે કાં તો ક્લાઇવ તરત આગેકૂચ કરે અથવા વહેલી પરોઢે નવાબની છાવણી પર જ હુમલો કરે. પરંતુ કાસદ ભારે તોપમારા વચ્ચે સામી બાજુએ જઈ જ ન શક્યો.

બીજી બાજુ સિરાજુદ્દૌલાને સતત ખરાબ સમાચાર મળતા હતા. બરાબર એ જ વખતે રાય દુર્લભે એને પાટનગર પાછા વળવાની સલાહ આપી. સિરાજુદ્દૌલા હરોરી ગયો હતો. એણે સૈન્યને લડાઈરોકી દઈને પાછા વળવાનો હુકમ કર્યો.

કેપ્ટન કિલપૅટ્રિકે પાછા વળતા સૈન્ય પર હુમલો કરી દીધો. ક્લાઇવને જો કે આ પસંદ ન આવ્યું. બીજી બાજુ મીર જાફરનું લશ્કર પણ નવાબના લશ્કર સાથે જોડાયા વિના જ પાછું જવા લાગ્યું. સિરાજુદ્દૌલાને ખબર મળ્યા કે મીર જાફર નિષ્ક્રિય હતો એટલે એ ભાગી નીકળ્યો હતો. એ મધરાતે મુર્શીદાબાદ પહોંચી ગયો. તે જ સાંજે મીર જાફર પણ મુર્શીદાબાદ પહોંચ્યો.

સિરાજુદ્દૌલાએ પહોંચીને પોતાના લશ્કરી સરદારોની બેઠક બોલાવી. કોઈ એને મોટાં ઇનામો જાહેર એમને ફરી લડવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપી પણ હવે એ કોનો ભરોસો કરવો તે જ જાણતો નહોતો.

એવામાં મીર જાફર પહોંચી ગયો એવા સમાચાર મળતાં એને લાગ્યું કે હવે એ વધારે વખત મુર્શીદાબાદમાં રહી ન શકે. એણે પોતાના હરમની બધી સ્ત્રીઓને ધનદોલત સાથે હાથીઓ પર રવાના કરી દીધી અને પોતે એકલો જ રહી ગયો. રાતે સાધારણ વેશમાં એ બારીમાંથી ભાગીને થોડા માણસો સાથે નદીએ પહોંચ્યો અને નાવ લઈને પટણા તરફ નીકળી ગયો.

આ બાજુ મીર જાફરને ખબર પડી કે નવાબ ભાગી ગયો છે. એણે ચારેબાજુ એને પકડવા પોતાના માણસો મોકલ્યા. સવારે નવાબના બીજા કુટુંબીજનો અને આગલે દિવસે ભાગી છૂટેલી હરમની સ્ત્રીઓ પકડાઈ ગઈ.

ક્લાઇવ ૨૫મી જૂને સૈન્ય સાથે મુર્શીદાબાદ નજીક પહોંચી ગયો. પરંતુ એની હત્યાનું કાવતરું ઘડાયું હોવાના ખબર મળ્યા એટલે એ ત્રણ દિવસ બહાર ન નીક્ળ્યો અને ૨૯મીએ મુર્શીદાબાદ ગયો. ત્યાં સિરાજુદ્દૌલાના મહેલમાં એનું મીર જાફરે સ્વાગત કર્યું. ક્લાઇવ એને સિંહાસન સુધી લઈ ગયો અને એને નવાબ જાહેર કર્યો.

જુલાઈની બીજી તારીખે સિરાજુદ્દૌલા પકડાઈ ગયો. એની નાવના ખલાસીઓ થાકી જતાં એ રાજમહેલ શહેરના એક મકાનમાં રોકાયો. ત્યાં એક માણસે એને ઓળખી લીધો અને પકડાવી દીધો. એને મીર જાફરના માણસો મુર્શીદાબાદ લઈ આવ્યા. મીર જાફર એને જીવતો રહેવા દેવા માગતો હતો પણ એનો પુત્ર એના માટે તૈયાર નહોતો.એનું કહેવાનું હતું કે એ જીવતો રહે તો લોકો કદાચ બળવો કરે. સિરાજુદ્દૌલાએ પોતે પણ તરત મોત માગ્યું પણ એને એક કોટડીમાં પૂરી દેવામાં આવ્યો.

એ રાતે મીર જાફરના પુત્રે પોતાના સાગરિતોને મોકલ્યા. સિરાજુદ્દૌલા સમજી ગયો. એણે છેલ્લી નમાજ અદા કરવાનો સમય માગ્યો પણ હત્યારાઓ ઉતાવળમાં હતા. એમણે એના પર પાણીનું વાસણ ફેંક્યું પછી તલવારના ઘા કર્યા અને વીસ વર્ષની ઉંમરે, પોતાના શાસનના પંદરમા વર્ષમાં સિરાજુદ્દૌલાનો અંત આવી ગયો.

સિરાજુદ્દૌલાને ફ્રેન્ચ કંપનીના એક ઑફિસરને પત્ર પણ લખીને અંગ્રેજો સામે મદદ પણ માગી હતી. પરંતુ ફ્રેન્ચ ટુકડીને રસ્તામાં જ પ્લાસી વિશે સમાચાર મળ્યા અને ટુકડી રોકાઈ ગઈ. તે પછી સિરાજુદ્દૌલા પકડાઈ ગયાના સમાચાર મળતાં એમણે પાછા જવાનું યોગ્ય માન્યું. જો એ ટુકડી માત્ર બીજા વીસ માઇલ આગળ હોત તો કદાચ સિરાજુદ્દૌલાને મદદ મળી હોત અને કોણ જાણે, ભારતનો ઇતિહાસ પણ જુદો જ વળાંક લઈ ગયો હોત. પણ ૧૭૫૭ની ૨૩મી જૂને તો સિરાજુદ્દૌલાના પરાજય સાથે અને પછી અંત સાથે મીર જાફર, રાય દુર્લભ, જગત શેઠ અને અમીચંદની મદદથી ઈસ્ટ ઇંડિયા કંપનીએ ભારત પર સકંજો કસવાની શરૂઆત કરી.

સંદર્ભઃ

A History of the Military Trajsactions of the British Nation in Indistan from the year MDCCXLV vol II – Robert Orme (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: