Science Samchar : Episode 41

() મધમાખી શૂન્ય એટલે શું તે જાણે છે!

માણસ અને ડોલ્ફિનની જેમ મધમાખીને પણ ખ્યાલ હોય છે કે શૂન્ય (૦) એટલે શું.

લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીના બિહેવિયરલ બાયોલૉજિસ્ટ લાર્સ ચિટ્કા કહે છે કે “આ પહેલાંનાં સંશોધનો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે મધમાખી ચાર સુધી ગણી શકે છે. મધમાખીઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે, એ વાતની મને નવાઈ નથી લાગી, પણ એને અમૂર્ત વિભાવનાઓ પણ સમજાય છે તે મારા માટે પણ નવાઈની વાત હતી.”

મધમાખીને શૂન્ય સમજાય છે કે નહીં તે જાણવા માટે સંશોધકોએ પાંચ સફેદ કાર્ડવાળો સ્ક્રીન લીધો. દરેક કાર્ડ પર બેથી પાંચ કાળાં ટપકાં મૂક્યાં. જે મધમાખીઓ ઓછાં ટપકાંવાળા કાર્ડ પર ગઈ તેમને એક સાકરવાળું ટીપું મળ્યું, જે વધારે ટપકાંવાળા કાર્ડ પર ગઈ તેમને વધારે ટીપાં મળ્યાં. એક દિવસની તાલીમ પછી એમણે એક ટપકાવાળા કે એક પણ ટપકું ન હોય તેવા કાર્ડ મૂક્યા. મધમાખીઓ સતત ખાલી કાર્ડને ઓળખી કાઢતી હતી. આ એમની જન્મદત્ત શક્તિ છે કે તાલીમથી ફેર સમજાય છે તે હવે નક્કી કરવાનું છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-05354-z

૦-૦-૦

() ૨૦૧૭માં જંગલોનો ભયંકર વિનાશ

આપણી દુનિયાએ ૨૦૧૭માં બહુ મોટા પ્રમાણમાં જંગલોનો વિનાશ કર્યો છે. બ્રાઝિલના પશ્ચિમી ઍમેઝોન પ્રદેશમાં સૌથી વધારે વિનાશ જોવા મળ્યો. ખેડૂતોએ અને મોટાં ફાર્મ હાઉસવાળાઓએ દુકાળનો સામનો કરવા વધારે ખેડલાયક જમીન બનાવી. એના માટે એમણે ત્રીસ લાખ એકર જમીનમાં આગ લગાડી દીધી.

કોલંબિયામાં સરકાર અને વિદ્રોહી સંગઠનો વચ્ચે સમજૂતી થઈ જવાથી ખાણકામ, લાકડાં અને ખેતી માટે માંગ વધતાં જંગલોનો તીવ્ર ઝડપે નાશ થયો.

ગયા ઉનાળામાં ઇરમા અને મારિયા નામનાં બે હરીકેન (સમુદ્રી તોફાનો) આવ્યાં. આમાં દોમિનિકા અને પ્યૂર્તો રિકોમાં ત્રીજા ભાગનાં જંગલોનો નાશ થયો. એકંદર ૩૯ મિલિયન એકર, એટલે કે લગભગ બાંગ્લાદેશ જેવડા વિસ્તારમાં, ઝાડો નાશ પામ્યાં.

સંદર્ભઃ https://www.nytimes.com/2018/06/27/climate/tropical-trees-deforestation.html

૦-૦-૦

() રોબોટની સ્પર્શેન્દ્રીય

વૈજ્ઞાનિકોએ રોબોટ કે હાથપગ જેવાં કૃત્રિમ અંગોની ચામડી એટલે કે સ્પર્શેન્દ્રીય તરીકે કામ આવે તેવી સંરચના બનાવી છે. એ સૂક્ષ્મ વાળ જેવી છે. વંદા જીવાં ઘણાં જંતુઓના આવા સંવેદી વાળ હોય છે. કોઈ  વસ્તુને આપણ્રે અડકીએ ત્યારે એનો સંદેશ મગજને પહોંચે છે. હવે ડલેસની ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ ઇ-વિસ્કર્સ, એટલે કે મૂંછ જેવા વાળ બનાવ્યા છે. એના બધા ગુણધર્મ જીવંત વ્યક્તિ કે પ્રાણીઓના આવા તંતુઓ જેવા છે. એ સ્પર્શથી વસ્તુને જાણી શકે છે. આમ હવે રોબોટ સ્પર્શનું સંવેદન અનુભવી શકશે અને કૃત્રિમ હાથ કે પગવાળી વ્યક્તિને પણ આવો અનુભવ થઈ શકશે.

સંદર્ભઃ https://indianexpress.com/article/technology/science/e-whiskers-may-help-lend-sense-of-touch-to-future-robots-5233093/

૦-૦-૦

() આઇન્સ્ટાઇન બીજી ગેલેક્સી માટે પણ સાચા પડ્યા!

આઇન્સ્ટાઇને ફરી એક વાર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આપણી સૂર્યમાળાની બહાર ગુરુત્વાકર્ષણ કેમ અસર કરે છે તેની બહુ સચોટ ગણતરી એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે કરી છે. એમણે નાસા અને યુરોપીય એજન્સીના ડેટાને જોડ્યા તો એમને સમજાયું કે આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણ કઈ રીતે કામ કરે છે, તે એમની જનરલ થિઅરી ઑફ રિલેટિવિટી દ્વારા દેખાડ્યું. માત્ર સૂર્યમાળા વિશે જ નહીં પણ એની બહાર પણ આ થિઅરી જ લાગુ પડે છે એવા તારણ પર સંશોધકો પહોંચ્યા છે. ૧૯૨૯થી બ્રહ્માંડનો વિસ્તાર થાય છે એ સ્થાપિત થયું છે ૧૯૯૮માં એ જાણવા મળ્યું કે હવે બ્રહ્માંડ પહેલાં કરતાં પણ વધારે ઝડપે વિસ્તરે છે.

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/06/180621141043.htm


%d bloggers like this: