india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-66/

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૬ –  મુસ્લિમ લીગનું નવું બહાનું, હિન્દુ મહાસભાનો ટેકો અને પંજાબમાં હિંસા

કૅબિનેટ મિશનની યોજનામાં ગ્રુપિંગની વ્યવસ્થા હતી તેનો કોંગ્રેસ વિરોધ કરતી હતી અને બંધારણ સભામાં એની બહુમતી હતી એટલે મુલિમ લીગના સભ્યો ચુંટાયા હોવા છતાં ગૃહમાં હાજર નહોતા રહેતા. કોંગ્રેસ લીગને ગૃહમાં લઈ આવવા માગતી હતી કે જેથી એમને વાતચીતની ફરજ પડે અને કૅબિનેટ મિશનની યોજનામાં ફેરફાર કરી શકાય. ગાંધીજીએ તો એ જ વખતે સલાહ આપી હતી કે કૅબિનેટ મિશને માત્ર સૂચન કર્યું છે પરંતુ કોંગ્રેસ અને લીગ એનાથી જુદો કોઈ ઉકેલ શોધી શકે તો બ્રિટન કેબિનેટ મિશનની યોજના પરાણે લાદી શકે એમ નથી. જિન્ના ઇચ્છતા હતા કે કોઈ પણ નિર્ણય થાય તે પહેલાં કોંગ્રેસ અને બ્રિટને પાકિસ્તાનની માગણી સ્વીકારવી જોઈએ.

પરંતુ કોંગ્રેસે ગ્રુપિંગનો સ્વીકાર કરી લીધો ત્યારે લીગ વિમાસણમાં પડી ગઈ. આવી કોઈ પણ સ્થિતિમાં જિન્નાનો વ્યૂહ એ જ રહ્યો કે કોંગ્રેસ જે કરે તેનો પહેલાં તો અસ્વીકાર કરવો અને એના માટે કોંગ્રેસને અન એવાઐસરૉયને જવાબદાર ઠરાવવા. બીજી એમની રીત એ હતી કે જ્યારે પણ કોઈ નવી વાત આવે અને એવું લાગે કે જિન્ના હા પાડશે ત્યારે એ જવાબ ટાળી જતા અને કહી દેતા કે લીગની કારોબારી એનો નિર્ણય કરશે. આથી કોંગ્રેસે ગ્રુપિંગ સ્વીકારીને ખરેખર તો પાકિસ્તાનનો સ્વીકાર કરી લીધો તે પછી એમની પાસે કંઈ રસ્તો રહ્યો નહોતો.

હવે જિન્નાએ કૅબિનેટ મિશનની યોજનાને જ નકારી કાઢી. ૩૧મી જાન્યુઆરીએ કરાંચીમાં લીગની વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ટૂંકમાં આ પ્રમાણે હતો :

બ્રિટિશ સરકારનું ૬ઠ્ઠી ડિસેમ્બરનું નિવેદન દેખાડે છે કે ગ્રુપિંગ વિશે મુસ્લિમ લીગે કરેલું અર્થઘટન જ સાચું હતું. દરેક ગ્રુપ પોતાનું બંધારણ બનાવે અને દરેકનું જુદું જુદું કેન્દ્ર હોય. એ જ નિવેદનમાં કહ્યું કે કેબિનેટ મિશનના ૧૬મી મેના નિવેદન કરતાં જુદો વિચાર કોંગ્રેસે રજૂ કર્યો હતો, એનો અર્થ એ કે એણે કૅબિનેટ મિશનની ગ્રુપિંગની યોજના સ્વીકારી નહોતી. વળી, એ જ નિવેદનમાં બ્રિટિશ સરકારે એવો પણ મત વ્યક્ત કર્યો છે કે બંધારણ સભાની કાર્યવાહીની પ્રક્રિયા વિશે પણ બધા પક્ષો સંમત ન થાય તો બંધારણ સભાની સફળતાની કોઈ શક્યતા નથી.

હવે સમાધાન શોધવું હોય તો કોંગ્રેસે ફરી વિચાર કરીને કૅબિનેટ મિશનની યોજનાનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો છે. અને નવમી ડિસેમ્બરથી શરૂ થયેલી બંધારણ સભા મોકૂફ રાખવાની છે.

કોંગ્રેસે ૬ઠ્ઠી જાન્યુઆરીએ ઠરાવ કરીને કહ્યું છે કે એ કૅબિનેટ મિશને સૂચવેળી ગ્રુપિંગની વ્યવસ્થાનો સ્વીકાર કરે છે પરંતુ તે સાથી એ પણ ઉમેરે શ્હે કે આસામ અને પંજાબના શીખોના અધિકારોને જફા ન પહોમ્ચવી જોઈએ. આનો અર્થ એ થાય છે કે એ હજી પણ ગ્રુપિંગનો વિના શરતે સ્વીકાર નથી કરતી.

બંધારણ સભામાં કોંગ્રેસે કેટલાક મહત્ત્વના નિર્ણય પણ લઈ લીધા છે; જેમ કે, ભારતને કોંગ્રેસે ‘પ્રજાસત્તાક’ રાજ્ય જાહેર કરી દીધું છે અને નવા બંધારણના પાયાના સિદ્ધામ્તો પણ મંજૂર કરી દીધા છે.

એક પક્ષ સામેલ ન હોય ત્યારે બંધારણ સભા આવા મહત્ત્વના નિર્ણયો લે તેને મુસ્લિમ લીગ ગેરકાનૂની ઠરાવે છે અને બંધારણ સભાનો ભંગ કરવાની માગણી કરે છે.

બેઠકના બીજા દિવસે, ૧ ફેબ્રુઆરીએ લીગે ઠરાવ પસાર કરીને પંજાબમાં મુસ્લિમ લીગના કાર્યકરો પર જુલમ થતો હોવાનો આક્ષેપ કર્યો. મુસ્લિમ લીગ નૅશનલ ગાર્ડ્સ દળના અસંખ્ય કાર્યકરોની ધરપકડ કરી લેવાઈ તેની સામે પંજાબમા પ્રદેશની મુસ્લિમ લીગે નાગરિક વિરોધનો કાર્યક્ર્મ જાહેર કર્યો હતો. (આર. એસ. એસ અને નૅશનલ ગાર્ડસને પંજાબના ગવર્નરે ગેરકાનૂની જાહેર કર્યાં હતાં, પણ ૨૮મી જાન્યુઆરીએ બન્ને સંગઠનો પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો હતો). મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ એની આકરી ટીકા કરી. બીજા એક ઠરાવમાં મુસ્લિમ લીગે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની સરકારો હોય તેવા પ્રાંતોમાં મુસલમાનોના જાનમાલની સલામતી નથી. આમ જિન્નાએ બંધારણ સભામાં ન જોડાવાનું નવું કારણ શોધી લીધું.

હિંદુ મહાસભાનો બંધારણ સભાને ટેકો

મુસ્લિમ લીગની કરાંચી બેઠક પછી એક અઠવાડિયે હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીની બેઠક મળી. એણે ઠરાવ કરીને મુસ્લિમ લીગના છેલ્લામાં છેલ્લા નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે હવે એણે મંત્રણાઓનો માર્ગ છોડીને ડાયરેક્ટ ઍક્શનનો માર્ગ લીધો છે. બંધારણ સભાને નિયમો બનાવવાનો અને અખંડ હિન્દુસ્થાનનું બંધારણ બનાવવાનો પૂરેપૂરો હક છે.પરંતુ મુસ્લિમ લીગ બંધારણ સભાને જ તોડી પાડવા માગે છે.

એણે રજવાડાંઓને પણ બંધારણ સભામાં જોડાવાની અપીલ કરી. હિન્દુ મહાસભા દેશી રાજ્યોમાં વિસ્તરવા માગતી હતી, કારણ કે ત્યાં કોંગ્રેસ કામ નહોતી કરતી. બીજી વાત એ હતી કે કોંગ્રેસ રજવાડાંઓનાં પ્રજાકીય સંગઠનોને ટેકો આપતી હતી, એના સક્રિય સહકારથી સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સની રચના પણ થઈ હતી. એમની માગણી બ્રિટિશ ઇંડિયામાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિઓ ફાળવાયા હતા તેવી જ વ્યવસ્થા રાજ્યોમાં કરવાની માગણી હતી. પરંતુ બ્રિટનનું આધિપત્ય રાજાઓ પર હતું અને બ્રિટને ત્રીજું ગૃહ સૂચવ્યું હતું તે રાજાઓ માટે હતું. પરંતુ રાજ્યો બધાં એક જ કદનાં નહોતાં એટલે એમાં પણ સર્વસંમતિ થઈ શકતી નહોતી.

હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ ઠરાવ દ્વારા રાજાઓને બંધારણ સભામાં આવવા અપીલ કરી. અને સ્થાઅનિક પ્રજાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા જનાવ્યું. ઠરાવમાં કહ્યું કે અખંડ હિન્દુસ્થાન દુનિયાના દેશોમાં અને ખાસ કરીને એશિયાઈ દેશોમાં અસરકારક ભાગ ભજવી શકે તે માટે બ્રિટિશ ઇંડિયાના પ્રાંતો અને રાજ્યો એક થઈને કામ કરે તે જરૂરી છે. બ્રિટિશ યોજના પ્રમાણે સંઘ સરકારની સત્તાઓ નક્કી થઈ ગયા પછી પ્રાંતોને બાકીની સત્તાઓ આપવાની રહેશે. એમાંથી વિભાજનવાદી વલણો ઊભાં થશે અને કેન્દ્રની સત્તા નબળી પડશે.

હિન્દુ મહાસભાએ કહ્યું કે હવે કોંગ્રેસ અને બીજા પક્ષોએ બંધારણ બનાવવાનું કામ શરૂ કર્યું છે તે, મુસ્લિમ લીગ જોડાય કે નહીં, પણ પૂરું કરવું જોઈએ. ઠરાવમાં બંધારણના માળખાના સિદ્ધાંતો પણ દર્શાવ્યા – (૧) ભારતની એકતા અને અખંડિતતા (૨) મજબૂત સંઘ સરકાર (૩) સંઘ અને ફેડરેશનમાં જોડાનારા ઘટકો માટે બંધારણ બનાવવા માટે એક જ બંધારણ સભા (૪) પુખ્ત મતાધિકાર અને (૫) સંયુક્ત મતદાર મંડળ.

હિન્દુ મહાસભાના અખંડ હિન્દુસ્થાનના ઠરાવના સંદર્ભમામ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી શી રીતે અલગ પડતા હતા તે આપણે જોઈશું, પરંતુ તે પહેલાં પંજાબની સ્થિતિ જોઈએ. મુસ્લિમ લીગ વિશે ચર્ચા કરતી વખતે આપણે એનો આછેરો ઉલ્લેખ પણ કર્યો છે.

પંજાબ અને ફ્રંટિયર પ્રાંતમાં લીગના આંદોલન દરમિયાન હિંસા

મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીની બેઠક ૩૧મી જાન્યુઆરીએ કરાંચીમાં મળી તેના એક અઠવાડિયા પહેલાં જ દેશમાં મુસ્લિમ લીગનું આંદોલન શરૂ થઈ ગયું હતું. આપણે જોઈ ગયા તેમ પંજાબમાં મુસ્લિમ લીગના નેશનલ ગાર્ડ્સ દળને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું તેના વિરોધમાં મુસ્લિમ લીગની પંજાબ શાખાએ આંદોલન શરૂ કર્યું હતું. નેશનલ ગાર્ડ્સના સ્થાનો પ્ર પોલીસ છાપા મારતી હતી તેમાં આડે આવવા બદલ લીગના નેતાઓ ખાન ઇફ્તિખાર હુસેન મામદોત, મિંયાં ઇફ્તિખારુદ્દીન, મિંયાં મુમતાઝ દૌલતાના, બેગમ શાહ નવાઝ, સરદાર શૌકત હયાત ખાન, ફિરોઝ ખાન નૂન અને સૈયદ અમીર હુસેન શાહની ધરપકડ કરી લેવાઈ. લાહોર શહેરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં મુસલમાનોએ દુકાનો બંધ કરી દીધી અને રસ્તાઓ પર નીકળી આવ્યા અને તોફાનો શરૂ થઈ ગયાં. સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં લીગના નેતાઓને રાખવામાં આવ્યા હતા, ત્યાં સાંજે મુસલમાનોએ દેખાવો કર્યા, એમને વીખેરવા માટે પોલિસે લાઠી ચાર્જ કર્યો, એમાં કેટલાય ઘાયલ થયા. બીજા દિવસે ૨૫મી જાન્યુઆરીએ બ્રિટિશ સેનાની મદદ લેવી પડી. ૧૭ ધારાસભ્યો સહિત અસંખ્ય લોકોની ધરપકડ થઈ.

માત્ર પંજાબમાં નહીં પરંતુ સિમલા, મુંબઈ, મદ્રાસ, સિલહટ, ઝાંસી, ઔરંગાબાદ, દિલ્હી એમ ઘણાં શહેરોમાં પણ તોફાનો થયાં. રંગૂન (યંગોન)માં પણ મુસલમાનોએ હડતાળ પાડી. એક માત્ર લુધિયાણામાં સરઘસ નીકળ્યું તેમાં લોકો ખિઝર સરકારની વિરુદ્ધ અને હિન્દુ-મુસ્લિમ એકતાનાં સૂત્રો પોકારતા હતા.

શ્યામા પ્રસાદ મુખરજીનો મત

હિન્દુ મહાસભાના બંગાળના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી બંગાળના ભાગલાની તરફેણ કરતા હતા. શરત ચંદ્ર બોઝ અને સુહરાવર્દીએ સંગઠિત બંગાળના હિમાયતી હતા. એમનો વિચાર હતો કે બંગાળ સ્વતંત્ર દેશ બની શકે તેમ છે. શરત બાબુએ કોંગ્રેસે બ્રિટન સરકારની યોજના મુજબ ગ્રુપિંગ સ્વીકારી લિધું તેના વિરોધમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ, સુહરાવર્દી મુસ્લિમ લીગમાં હોવા છતાં એ સંપૂર્ણ રીતે લીગના નેતાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા નહોતો માગતો. બીજી બાજુ ડૉ. મુખરજી માનતા હતા કે બંગાળ સ્વતંત્ર થઈ જશે તો મુસલમાનોની બહુમતી હોવાથી એમનું વર્ચસ્વ વધી જશે. એના કરતાં પૂર્વ અને પશ્ચિમ બંગાળ, એવા ભાગલા પડી જાય તે સારું છે કારણ કે કોમી સમસ્યાનો બીજો કોઈ ઉકેલ નથી. એમનો દૃષ્ટિકોણ હિન્દુ મહાસભાના અખંડ હિન્દુસ્થાનના સિદ્ધાંતથી જુદો પડતો હતો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. I, Jan-Dec 1947

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-65

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૫ – બંધારણ સભાનું ઉદ્‍ઘાટન અને કોંગ્રેસનું શીર્ષાસન

બંધારણ સભામાં કોંગ્રેસના ૨૦૧, મુસ્લિમ લીગના ૭૩ અને બીજા નાનામોટા પક્ષો મળીને ૨૯૬ સભ્યો હતા, નવ મહિલાઓ પણ હતી. પરંતુ એમાં ચાર શીખ સભ્યો માટેની જગ્યા ખાલી હતી. નવમી ડિસેમ્બરે ભારતની બંધારણ સભાની બેઠક શરૂ થઈ ત્યારે ૨૦૫ સભ્યો હાજર હતા. મુસ્લિમ લીગના સભ્યો બેઠકમાં હાજર ન રહ્યા. હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચિદાનંદ સિંહાએ અમેરિકા, કૅનેડા, સ્વિટ્ઝર્લૅંડ, ફ્રાન્સ અને બીજા યુરોપિયન દેશોનાં બંધારણોની ચર્ચા કરી અને એમનો અભ્યાસ કરવા સભ્યોને અપીલ કરી.

બીજો દિવસ

બંધારણ સભામાં ત્રણ વિભાગ હતા: પહેલા વિભાગમાં મદ્રાસ, મુંબઈ, ઓડિશા, યુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર, કૂર્ગ, દિલ્હી અને અજમેર-મારવાડ હતાં, જ્યારે બીજા વિભાગમાં પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલુચિસ્તાન હતાં. ત્રીજા વિભાગમાં બંગાળ અને આસામ હતાં. આ ત્રણેય વિભાગોએ પોતપોતાનાં બંધારણો બનાવવાનાં હતાં. બંધારણ સભાની પહેલા દિવસે ઉદ્‍ઘાટન પછી મુલતવી રહી અને બીજા દિવસે મળી ત્યારે નિયમ સમિતિ બનાવવામાં આવી. એના માટેની ચર્ચા બહુ જ ગંભીર અને જીવંત રહી. સવાલ એ હતો કે બંધારણ સભા કામકાજના જે નિયમો બનાવે તે અલગ અલગ ત્રણ વિભાગોને પણ લાગુ કરવા કે કેમ. ઘણા સભ્યોનું કહેવું હતું કે બંધારણ સભાના સર્વગ્રાહી નિયમો બનાવવામાં “વિભાગો અને સમિતિઓ” શબ્દો ઉમેરવા જોઈએ કારણ કે આ વિભાગો કે સમિતિઓ બંધારણ સભાના ઘટકો છે, એમનું અલગ અસ્તિત્વ નથી. વિભાગો બંધારણ સભાના સામાન્ય નિયમો સાથે સુસંગત હોય તેવા નિયમો ઉમેરી શકે છે. બીજી બાજુ, કેટલાક સભ્યોનો મત હતો કે ત્રણ વિભાગોમાંથી બીજા અને ત્રીજા વિભાગમાં એવા સભ્યો છે જે અમુક જાતના વિરોધને કારણે ગૃહમાં હાજર નથી. (બીજા અને ત્રીજા વિભાગમાં કોંગ્રેસ લઘુમતીમાં હતી, અને બહુમતી મુસ્લિમ લીગની હતી. પણ મુસ્લિમ લીગના સભ્યો ગેરહાજર હતા). એમની ગેરહાજરીમાં એમના માટે પણ નિયમ બનાવી દેવામાં કંઈ સારપ નથી.

અંતે એવું નક્કી થયું કે અત્યારે કોઈ જાતના નિયમો નથી એટલે એ તો બનાવવા જ પડશે અને એમાં વિભાગો અને સમિતિઓને પણ સામેલ કર્યા વિના ચાલશે નહીં. એટલે એ શબ્દો ઉમેરવા જોઈએ. ઠરાવ મંજૂર રહ્યો, એકમાત્ર ડૉ. આંબેડકરે એની વિરુદ્ધ મત આપ્યો.

રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખપદે

ત્રીજા દિવસે બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે બાબુ રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. ડૉ. સચ્ચિદાનંદ સિંહાએ તે પછી કહ્યું કે હંગામી પ્રમુખ તરીકે મારી પહેલી ફરજ બજાવતાં હું ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કાયમી પ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર કરું છું અને આચાર્ય કૃપલાની અને મૌલાના આઝાદને વિનંતિ કરું છું કે તેઓ રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષના આસન સુધી લઈ આવે. આ રીતે રાજેન્દ્ર પ્રસાદે બંધારણ સભાના પ્રમુખનું પદ સંભાળી લીધું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમનું સ્વાગત કરતાં કહ્યું કે એક ઐતિહાસિક પ્રક્રિયાના ભાગરૂપે આજે બંધારણ સભા શરૂ થઈ છે. એમણે આશા દર્શાવી કે રાજકીય આઝાદી હવે આર્થિક સ્વતંત્રતા અને સમાનતામાં પરિણમશે કે જેથી દરેક નાગરિક આ મહાન દેશના નાગરિક હોવા બદલ ગૌરવ અનુભવે.

ઉદ્દેશોનો ઠરાવ

પાંચમા દિવસે જવાહરલાલ નહેરુએ ‘ઉદ્દેશોની ઘોષણા’નો ઠરાવ રજૂ કર્યો.

એમણે સ્વાતંત્ર્ય માટે સતત સંઘર્ષ કરતા રહેવાના રાષ્ટ્રના નિર્ધારને વાચા આપીને સભ્યોમાં નવું જોશ રેડ્યું. એમણે મુસ્લિમ લીગનું નામ લીધા વગર જ ગેરહાજર સભ્યોને ભારતની આઝાદીમાં પક્ષાપક્ષીનો વિચાર છોડીને બંધારણ સભામાં જોડાવા અપીલ કરી.

ઠરાવમાં ભારતને રીપબ્લિક (પ્રજાસત્તાક) જાહેર કરવામાં આવ્યું. નહેરુએ આ બાબતમાં કહ્યું કે ઘણા લોકો કહે છે કે રાજાઓ અને બ્રિટિશ સત્તાને પસંદ નહીં આવે કે ભારત પ્રજાસત્તાક બને. પરંતુ આપણી આખી લડતનું લક્ષ્ય એ જ રહ્યું છે. આમ છતાં રજવાડાંઓની પ્રજા ઇચ્છે તો એમનાં રાજ્યમાં રાજાશાહી ચાલુ રહી શકે છે, આપણે ‘પ્રજાસતાક’ શબ્દ વાપરીએ તેની રાજ્યો પર કંઈ અસર નથી પડતી.

ઉદ્દેશોની ઘોષણાના ઠરાવ પર ઘણી લાંબી ચર્ચા થઈ. એમ. આર. જયકરે સભાની કાર્યપદ્ધતિ વિશેનો ઠરાવ મુસ્લિમ લીગ ગેરહાજર હોવાથી મુલતવી રાખવાનો આગ્રહ રાખ્યો હતો; તે જ રીતે ઉદ્દેશોના ઠરાવ પર પણ એમણે એ જ વલણ લીધું. ડૉ. આંબેડકર એમના ટેકામાં ઊભા રહ્યા. જયકરની જેમ એમનો પણ મત હતો કે આજે મુસ્લિમ લીગ ગૃહમાં નથી, પણ આ સ્થિતિને અંતિમ ન માની લેવી જોઈએ. નિયમો તો કંઈ પણ બનાવી શકાય પરંતુ આપણે એવા સમયની રાહ જોવી જોઈએ કે મુસ્લિમ લીગ પણ જોડાય. જો કે, ડૉ. આંબેડકરે ચર્ચાનો વિસ્તાર કરતાં ગ્રુપિંગની વ્યવસ્થાને નકારી કાઢી, જે મુસ્લિમ લીગને સંતુષ્ટ કરવા માટે જ ક્રિપ્સ મિશન અને કૅબિનેટ મિશને બનાવી હતી. ડૉ. આંબેડકરે ઉદ્દેશોને લગતા ઠરાવનો વિરોધ કર્યો તેની સાથે ઘણા સભ્યો સંમત નહોતા પણ ગ્રુપિંગના મુદ્દા પર એમની સાથે સંમત હતા. અને ખરું જોતાં ડૉ. આંબેડકર પણ ગ્રુપિંગના વિરોધમાં કોંગ્રેસની સાથે હતા.

+++

કોંગ્રેસમાં નવું ચિંતન

દેશમાં વચગાળાની સરકાર બન્યા પછી આઝાદીના ભણકારા વાગવા શરૂ થઈ ગયા હતા. લોકોને દેખાતું હતું કે જવાહરલાલ નહેરુને ઍક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપાધ્યક્ષ બનાવીને બ્રિટને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે હવે ભારતની સ્વાધીનતા હાથવેંતમાં છે. એક બાજુથી મુસ્લિમ લીગના વલણમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. તેમાં પણ એના પ્રધાનો, અને ખાસ કરીને લિયાકત અલી ખાને નાણા વિભાગ જે રીતે સંભાળ્યો તેના પરથી લોકોમાં એવો વિચાર દૄઢ થતો જતો હતો કે જિન્ના પાકિસ્તાન લીધા વિના નહીં માને. કોંગ્રેસમાં પણ આ વાસ્તવિકતા બહુ સ્પષ્ટ દેખાવા લાગી હતી. કોંગ્રેસ લોકોનાં માનસિક વલણો પણ જોતી હતી અને કોઈ જાતનું હઠીલું વલણ લેવા નહોતી માગતી. એની નજર જેમ બને તેમ જલદી આઝાદી હાંસલ કરી લેવા પર હતી.

દરમિયાન, કોંગ્રેસનું ૫૪મું અધિવેશન નવેમ્બરની ૨૩મી-૨૪મીએ મેરઠમાં મળ્યું. એમાં આચાર્ય કૃપલાની ૧૯૪૭ના વર્ષ માટે કોંગ્રેસ પ્રમુખ તરીકે ચુંટાયા. આના પછી બ્રિટિશ સરકારે વચગાળાની સરકારના પ્રધાનો અને જિન્નાને લંડન બોલાવ્યા અને છઠ્ઠી ડિસેમ્બરે બ્રિટિશ પાર્લામેન્ટનાં બન્ને ગૃહોમાં નિવેદન કર્યું અને ભારતાને આઝાદી આપવાનો ચોખ્ખો નિર્ણય જાહેર કર્યો. આમ માત્ર દોઢ-બે મહિનાના ગાળામાં જ ચિત્ર બદલાઈ ગયું હતું. ૧૯૪૭ના જાન્યુઆરીમાં ચોથી તારીખથી સાતમી તારીખ દરમિયાન પહેલાં કોંગ્રેસની વર્કિંગ કમિટી અને તેની સાથે AICCની બેઠક મળી અને એક ઠરાવ પસાર કરાયો જે કોંગ્રેસની નીતિમાં જડમૂળથી ફેરફાર દર્શાવતો હતો. આને કોંગ્રેસનું શીર્ષાસન જ કહી શકાય.

ઠરાવ દ્વારા કોંગ્રેસે કૅબિનેટ મિશનની ગ્રુપિંગની દરખાસ્ત સ્વીકારી લીધી! માત્ર બે મહિના પહેલાં કોંગ્રેસ એનો વિરોધ કરતી હતી! કોંગ્રેસનો આ નિર્ણય મુસ્લિમ લીગ માટે અણધાર્યો હતો.

ઠરાવ જોઈએ તે સાથે એની પશ્ચાદ્‌ભૂમિકા પર નજર નાખવાનું પણ જરૂરી છે કે જેથી ઠરાવનો અર્થ બરાબર સમજાય. કૅબિનેટ મિશને થોડા ફેરફાર સાથે ક્રિપ્સ મિશનની દરખાસ્તો જ રજૂ કરી હતી. કોંગ્રેસે કૅબિનેટ મિશનના નિવેદનનો સ્વીકાર કરીને બંધારણ સભામાં જોડાવાનું નક્કી કર્યું પણ સરકાર બનાવવા એ તૈયાર નહોતી. પરંતુ તે પછી વાઇસરૉયે આમંત્રણ આપ્યું ત્યારે કોંગ્રેસ સરકારમાં પણ જોડાઈ અને નહેરુ મુંબઈમાં જિન્નાને મળ્યા પણ એમને સમજાવી ન શક્યા. કોંગ્રેસે એ પણ સ્વીકાર્યું હતું કે સમવાય માળખામાં કેન્દ્રીય બંધારણ સભામાં કે બીજી પ્રાંતોમાં કોંગ્રેસ અની મુસ્લિમ લીગ વચ્ચે મતભેદ થાય અને એનો ઉકેલ ન મળે તો ફેડરલ કોર્ટનેઈનો ઉકેલ શોધવાની જવાબદારી સોંપવી. બીજું, કૅબિનેટ મિશને પ્રાંતોને વિભાગોમાં મૂક્યા હતા અને એનું બંધારણ બની જાય તે પછી એમાંથી કોઈ પ્રાંત નીકળી જવા માગતો હોય તો નીકળી શકે એવી વ્યવસ્થા સૂચવી હતી. કોંગ્રેસ કહેતી હતી કે પ્રાંતોને પહેલાં જ એ નક્કી કરવાનો અધિકાર આપવો જોઈએ કે એ અમુકતમુક વિભાગમાં જોડાવા તૈયાર છે કે નહીં.

AICC સમક્ષ જે ઠરાવ રજૂ થયો તેમાં કોંગ્રેસે ફેડરલ કોર્ટ સમક્ષ વિવાદ લઈ જવાની માગણી પાછી ખેંચી લીધી અને કહ્યું કે બ્રિટિશ સરકારે ૬ઠ્ઠી ડિસેમ્બરે પાર્લામેન્ટમાં નિવેદન કર્યું તેમાં કહ્યું છે કે બન્ને પક્ષો સંમત થાય તો જ ફેડરલ કોર્ટને વિવાદ સોંપવો. એટલે કે જે પક્ષ ફેડરલ કોર્ટને વિવાદ સોંપવા જ તૈયાર ન હોય તે, એનો અંતિમ નિર્ણય માનવા પણ તૈયાર ન જ થાય. આમ આ વ્યવસ્થા હવે ઉદ્દેશહીન થઈ જાય છે.

ઠરાવમાં પ્રાંતોના અધિકારની ચર્ચા કરતાં કોંગ્રેસે કહ્યું કે આપણી ચિંતા આખા સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની છે. બ્રિટિશ સરકારની દરખાસ્તોનાં જુદાં જુદાં અર્થઘટનો થાય છે એટલે ગૂંચવાડો વધ્યો છે. પરંતુ, વર્કિંગ કમિટી AICCને સલાહ આપે છે કે બ્રિટિશ સરકારનું અર્થઘટન માની લેવું જોઈએ. આમ છતાં, આના કારણે આસામ કે પંજાબમાં શીખોનાં હિતો જોખમાય એવું ન થવું જોઈએ. આમ કોંગ્રેસે કૅબિનેટ મિશને સૂચવેલી ગ્રુપિંગની વ્યવસ્થા પણ સ્વીકારી લીધી પરંતુ આસામ અને શીખો વતી બોલવાનો અધિકાર અબાધિત રાખ્યો. બલુચિસ્તાનના ડેલિગેટે એમાં બલુચિસ્તાનને જોડવાની માગણી કરી તેનો સ્વીકાર કરી લેવાયો. સુધારા પછી ઠરાવ મતદાન માટે મુકાયો ત્યારે એની તરફેણમાં ૯૯ અને વિરોધમાં ૫૨ મત પડ્યા.

જો કે એ પહેલાં ઠરાવ પરની ચર્ચામાં જયપ્રકાશ નારાયણે એનો વિરોધ કરીને કહ્યું કે કોંગ્રેસ બ્રિટન સાથે મંત્રણાઓ કરીને રસ્તો કાઢવા માગે છે તેને બદલે એણે જનતા પાસે જઈને નવી તાકાત ઊભી કરવી જોઈએ. કોંગ્રેસ વચગાળાની સરકારમાં જોડાઈ તે જ ભૂલ હતી, હવે આ ઠરાવ પસાર કરીને કોંગ્રેસ બીજી ભૂલ કરવા જાય છે. બ્રિટિશ સરકારનું છઠ્ઠી ડિસેમ્બરનું નિવેદન સ્વીકારીને કોંગ્રેસે પોતાના સિદ્ધાંત છોડી દીધા છે. એમ માનવું ભૂલભરેલું છે કે બ્રિટન ભારતને સ્વતંત્રતા આપવા માગે છે.

નહેરુ સંમત થયા કે કોંગ્રેસ ફરી લોકો સમક્ષ જઈ શકે છે, પણ કોઈ પણ સમસ્યાના બે રસ્તા છેઃ એક તો, પહેલાં બ્રિટિશ સત્તાને હટાવો અને તે પછી બેસીને સમસ્યાનો ઉકેલ શોધો. અથવા બીજો રસ્તો જયપ્રકાશ નારાયણ કહે છે તે આંદોલનનો છે. પણ આપણી અંદર જ કેટલીક નબળાઈઓ છે, એનો ઇલાજ પહેલાં કરવો જોઈએ. વળી,હંમેશાં સત્તા સાથે ટકરાવું એ જ એકમાત્ર રસ્તો નથી હોતો એટલે કોંગ્રેસ પહેલાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માગે છે.

આમ કોંગ્રેસે કૅબિનેટ મિશનનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946 & Vol. I, Jan-Dec 1947

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-64

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૪ : બ્રિટન સરકારના મધ્યસ્થીના પ્રયાસ

વચગાળાની સરકારમાં કોંગ્રેસ અને લીગ વચ્ચેનું ઘર્ષણ એટલું વધતું ગયું કે બ્રિટન સરકારે વાઇસરૉય અને વચગાળાની સરકારના પાંચ નેતાઓને વાતચીત માટે ૨૬મી નવેમ્બરે આમંત્રણ મોકલ્યું. જિન્ના તરત તૈયાર થઈ ગયા પણ કોંગ્રેસને લાગ્યું કે બ્રિટન હવે સરકારના માળખામાં ફેરફાર કરવાની કોશિશ કરશે. લીગે તો કંઈ ખોવાનું નહોતું. કારણ કે એને તો સરકાર કામ ન કરી શકે તેમાં રસ હતો, બીજી બાજુ, વાઇસરૉય પર બ્રિટન દબાણ કરે તો એનો લાભ લીગને જ મળે તેમ હતું. આથી કોંગ્રેસે પહેલાં તો ના જ પાડી દીધી કે બ્રિટન સરકારે મધ્યસ્થી કરે અને કંઈ ફેરફારો કરે તે કોંગ્રેસને મંજૂર નહીં હોય. નહેરુ અને સરદાર પટેલે કોંગ્રેસના નિર્ણયની જાણ કરી દીધી. તે સાથે નહેરુ, વૅવલ અને ઍટલી વચ્ચે ખૂબ પત્રવ્યવહાર થયો.

એ જ દિવસે નહેરુએ વાઇસરૉયને પત્ર લખીને જાણ કરી દીધી કે કોંગ્રેસ તરફથી અત્યારે કોઈ બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરવા લંડન જઈ શકે તેમ નથી, પણ અમે ભારતની બ્રિટિશ સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ. અમને લાગે છે કે કૅબિનેટ મિશન ભારત આવ્યું તે પછી જે દરખાસ્તો રજૂ થઈ અને એના પ્રમાણે નવી સ્થિતિ ઊભી થઈ છે તેમાં કંઈક ફેરફાર કરવાનો આ બેઠકનો હેતુ જણાય છે. કૅબિનેટ મિશને સૂચવેલી યોજનામાં કંઈ પણ ફેરફાર કરવો તે મુસ્લિમ લીગની જોહુકમી અને હિંસાને ભડકાવવાની એની ધમકીઓને શરણે થવા જેવું ગણાશે. મુસ્લિમ લીગે સરકારમાં જોડાવાનું નક્કી કર્યું તેનો અર્થ એ કે એ લાંબા ગાળાની યોજનાની પૂરી સમજ સાથે જ કર્યું છે. એના પ્રમાણે બંધારણ સભા બોલાવવાનું નક્કી થઈ ગયું છે અને એની તારીખો પણ જાહેર થઈ ગઈ છે તેના પ્રમાણે બે અઠવાડિયાંની અંદર બંધારણ સભા મળવાની છે. આ સંજોગોમાં અમે થોડા વખત માટે પણ દેશ છોડી શકીએ તેમ નથી.

બીજા જ દિવસે વડા પ્રધાન ઍટલીએ વાઇસરૉયને કૅબલગ્રામ મોકલ્યો અને કહ્યું કે જવાહરલાલ નહેરુણે જાણ કરો કે તેઓ લંડન આવશે એવી અમને બહુ આશા છે કારણ કે મેં અને મારા સાથીઓએ હજી તો હમણાં જ ત્રણ મહિના ભારતમાં ગાળ્યા છે એટલે અમે નહીં આવી શકીએ. અહીં મીટિંગ માટે આમંત્રણ આપવાનો હેતુ એ જ છે કે જેમ બને તેમ જલદી નવમી ડિસેમ્બરે બંધારણ સભા શરૂ થાય. અમે મૂળ યોજનામાં કંઈ પણ ફેરફાર કરવા નથી માગતા.

નહેરુએ આનો જવાબ આપ્યો કે અમે આવવા તૈયાર છીએ પણ બંધારણ સભાની પહેલી ટૂંકી બેઠક મળી જાય તે પછી ઘણો સમય મળી શકશે એટલે તે પછી મળીએ.

ઍટલીએ જવાબ આપ્યો કે તમે મળવાની તૈયારી દેખાડી છે તે બહુ સારી વાત છે, પણ અમને લાગે છે કે તમે નવમી ડિસેમ્બરે બંધારણ સભાની બેઠક પહેલાં જ અહીં આવો તે બહુ મહત્ત્વનું છે. નવમી પહેલાં તમે પાછા પહોંચી જાઓ તેની બધી વ્યવસ્થા કરશું.

ઍટલીનો નહેરુ પરનો સંદેશ છાપાંઓમાં છપાયો એટલે જિન્નાએ ઍટલીને લખ્યું કે પંડિત નહેરુને તમે મોકલેલા સંદેશને કારણે નવી સ્થિતિ પેદા થઈ છે. જો તમે નવી કોઈ વાતની ચર્ચા જ ન કરવાના હો તો તમારું આમંત્રણ સ્વીકારવાનો લીગ માટે કંઈ અર્થ નથી. ઍટલીએ એમને જવાબ આપ્યો કે નહેરુને મેં જવાબ આપ્યો તેનું અર્થઘટન તમે ખોટું કરો છો. એમાં એવું કંઈ જ નથી કે બીજી કોઈ નવી વાતની ચર્ચા નહીં જ કરાય. આશા છે કે તમે આવશો.

જિન્ના આ ખાતરી મળતાં સંમત થયા અને પહેલી ડિસેમ્બરે વાઇસરૉય, વચગાળાની સરકારના ઉપપ્રમુખ નહેરુ, મુસ્લિમ લીગના પ્રમુખ જિન્ના, નાણાં મંત્રી લિયાકત અલી ખાન અને સંરક્ષણ મંત્રી સરદાર બલદેવ સિંઘ લંડન જવા કરાંચીથી રવાના થયા. ત્રીજીએ લંડન પહોંચ્યા; છઠ્ઠી તારીખ સુધી વાતચીત ચાલી પણ કોઈ સમાધાન ન થયું; નહેરુ અને સરદાર બલદેવ સિંઘ ભારત પાછા વળી આવ્યા. જિન્ના લંડનમાં રોકાઈ ગયા કારણ કે મુસ્લિમ લીગ બંધારણ સભામાં જોડાવાની નહોતી અને લંડનની મીટિંગ નિષ્ફળ ગયા પછી છઠ્ઠી તારીખે જ સરકારે પાર્લામેંટમાં નિવેદન કર્યું તેના પર લગભગ એક આખું અઠવાડિયું ચર્ચા ચાલી.

(દરમિયાન, નવમી ડિસેમ્બરે બંધારણ સભાનું ઉદ્‌ઘાટન થયું. આપણે એના વિશે આવતા પ્રકરણમાં વાત કરશું, હમણાં તો બ્રિટિશ પાર્લામેંટમાં જઈએ. અહીં મોટા ભાગના રૂઢીચુસ્ત પક્ષના સભ્યો પોતાના નેતા ચર્ચિલ સાથે અસંમત હતા. આપણે ચર્ચિલ અને બીજા સભ્યોના અભિપ્રાય જાણીને બંધારણ સભામાં આવશું).

સરકારે આમસભા અને ઉમરાવસભા, બન્નેમાં નિવેદન કર્યું પણ એના ઉપર ચર્ચા માટે સમય ફાળવવાની ઓચિંતી જ ચર્ચિલે માગણી કરી દીધી. ચર્ચિલનું વલણ તદ્દન કોંગ્રેસની વિરુદ્ધ રહ્યું. એણે કહ્યું કે આમસભા પાસેની સત્તા હિન્દુસ્તાનીઓના હાથમાં સોંપવાની બાબતમાં સૌ સંમત છે પણ એના માટે બન્ને કોમો વચ્ચે મનમેળ થવો જોઈએ. ભારતનું ભાવિ અચોક્કસ છે ત્યારે બન્ને કોમો સાથે મળીને કામ કરે તે અગત્યનું છે, પણ સાચી વાત એ છે કે આવો મનમેળ થયો નથી, એટલું જ નહીં પણ ખટરાગ હવે હિંસક અને ઝનૂની થવા લાગ્યો છે.

ચર્ચિલનો કોંગ્રેસ અને હિન્દુઓ વિરુદ્ધ બળાપો

બે દિવસ ચર્ચા ચાલી તેમાં બીજા દિવસે,૧૩મીએ ચર્ચિલે કહ્યું કે આપણે હિન્દુસ્તાન છોડીએ તેના માટેની પહેલી શરત જ એ હતી કે બન્ને કોમો શાંતિથી રહે. આજે આવી શાંતિ સ્થપાઈ નથી તેમ છતાં આપણે આપણી જવાબદારીઓ છોડવા માગીએ છીએ.

આપણી બીજી ભૂલ એ હતી કે બન્ને પક્ષો વચ્ચે સમજૂતી નહોતી થઈ અને બન્ને પક્ષોને બોલાવીને સરકારની રચના કરવાની હતી તેમ છતાં આપણે એક જ પક્ષને આમંત્રણ આપ્યું. ચર્ચિલે કહ્યું કે નહેરુ સરકાર બની તે પછીના ગાળામાં જેટલાં મોત થયાં છે તેટલાં તો છેલ્લાં ૯૦ વર્ષમાં (૧૮૫૭ પછી) નથી થયાં. એણે કહ્યું કે સરકારી આંકડા પ્રમાણે ૧૦,૦૦૦ મૃત્યુ થયાં છે, પણ એ ખરેખર તો એના બમણા કરતાં વધારે મોત થયાં છે, અને મોટા ભાગે મુસલમાનોને સહન કરવું પડ્યું છે.

એણે કહ્યું કે કોંગ્રેસ પશ્ચિમી ધારાધોરણો પ્રમાણેની બહુમતીના જોરે, અને આપણે જેનાથી પરિચિત છીએ એવી ફૉર્મ્યુલાઓ લાગુ કરીને હિન્દુ રાજ સ્થાપવાની કોશિશ કરશે તો એ ભારતની એકતા માટે જીવલેણ નીવડશે. જે તકરારો અને મડાગાંઠો દેખાય છે તે મૂળ મુદ્દો નથી, મૂળ મુદ્દો તો એ છે કે આ મડાગાંઠ માત્ર હજાર વર્ષના આવેશ અને ઘૃણાનું પ્રતીક છે. ભારતની એકતા એ બ્રિટિશ સામ્રાજ્યના પેઢીઓના રાજે લાદેલો ઉપરછલ્લો દેખાવ છે. બહારથી મળતું માર્ગદર્શન બંધ થશે તે સાથે એ પણ અલોપ થઈ જશે.

ચર્ચિલે કહ્યું કે ભારતમાં નવ કરોડ મુસલમાનો છે, જે ભારતની મોટા ભાગની લડાયક શક્તિ છે અને ચારથી છ કરોડ ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકો છે, કૅબિનેટ મિશનની ગ્રુપિંગની યોજનામાં ડિપ્રેસ્ડ ક્લાસિસની આંખોમાં ધૂળ નાખવામાં આવી છે. એમ કહી દેવાયું કે એ લોકો તો હિન્દુ કોમનો નાનો ભાગ છે. સરકારે જવાબ આપવાનો છે કે એમનાં હિતોનું રક્ષણ કેમ થશે.

દિલ્હીમાં બંધારણ સભાનું કામ શરૂ થયું તેનો ઉલ્લેખ કરીને ચર્ચિલે કહ્યું કે જે બેઠકમાં બે પક્ષો ભાગ ન લેતા હોય તેને બેઠક જ ન કહેવાય. એ બંધારણ સભા જે કંઈ નિર્ણય લેશે તે ભાગ ન લેનાર માટે બંધનકર્તા નથી.

એણે સર સ્ટેફર્ડ ક્રિપ્સ (કૅબિનેટ મિશનના એક સભ્ય) પર આક્ષેપ કર્યો કે કૅબિનેટ મિશનની યોજનાની વિગતોમાં હિન્દુઓને અણઘટતો લાભ અપાયો છે તેમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સની અસર વર્તાય છે.

એણે કહ્યું કે આપણું કામ રક્તપાત અટકાવવાનું છે. અને નવ કરોડ મુસલમાન અને છ કરોડ દલિતોને દબાવવામાં આ સરકાર બ્રિટિશ દળોનો ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવાનું છે.

જો કે ચર્ચિલના આ પ્રલાપમાં રૂઢીચુસ્ત પક્ષના ઘણાખરા સાથીઓએ સૂર ન પુરાવ્યો. લિબરલ પાર્ટી તો સંપૂર્ણ રીતે સરકાર સાથે હતી.

જિન્નાની પત્રકાર પરિષદ

જિન્નાએ પાકિસ્તાનને પોતાનું અંતિમ ધ્યેય ગણાવ્યું અને ચર્ચિલ સાથે સંમત થયા. એમને એક પત્રકારે કહ્યું કે તમે પોતે પણ પહેલાં કોંગ્રેસમાં હતા. જિન્નાએ કહ્યું કે હું પહેલાં પ્રેપરેટરી સ્કૂલમાં હતો. એમને પત્રકારે કહ્યું કે મુસ્લિમ લીગનું ધ્યેય તો સંપૂર્ણ સ્વાધીનતાનું છે. જિન્નાએ કહ્યું કે સંપૂર્ણ સ્વાધીનતાનું ધ્યેય પાકિસ્તાન છે!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-63

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૩: નોઆખલીમાં રમખાણ, બિહારમાં જવાબી હત્યાકાંડ

હજી તો કલકત્તામાં મુસ્લિમ લીગે ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમમાં ખેલેલી ખૂનની હોળીને સાત જ અઠવાડિયાં થયાં હતાં. કલકત્તામાં લીગે ધાર્યું હતું તેના કરતાં મુસલમાઅનોને વધારે નુકસાન થયું હતું એટલે બંગાળ ‘કલકત્તાનો બદલો’ લેવાના હાકલાપડકારાથી ગૂંજી ઊઠ્યું હતું અને એની સૌથી ખરાબ અસર પૂર્વ બંગાળના નોઆખલી જિલ્લામાં થઈ. ત્યાં હિન્દુઓ વિરુદ્ધ રમખાણો તો ઑક્ટોબરની દસમીએ જ શરૂ થઈ ગયાં હતાં પણ બહારની દુનિયા સુધી ૧૫મીએ સમાચાર પહોંચ્યા.

એ જ દિવસે મુસ્લિમ લીગે સરકારમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો એટલે ગાંધીજીએ થોડી નિરાંત અનુભવી અને સેવાગ્રામ જવાનો વિચાર કર્યો. ૨૭મીએ એમની જવાની તારીખ નક્કી થઈ ગઈ, પરંતુ ત્યાં જ નોઆખલી ભડકે બળતું હોવાના સમાચાર આવ્યા. નોઆખલી જિલ્લામાં મુસલમાનોની ભારે બહુમતી હતી. એમણે હિન્દુઓની મોટા પાયે કતલ શરૂ કરી દીધી. હિન્દુઓનાં ઘરો અને દુકાનોને આગ લગાડી દેવાઈ, પરાણે ધર્મ પરિવર્તનો, બળાત્કારો અને તે સાથે હિન્દુ છોકરીઓને બળજબરીથી મુસલમાનો સાથે પરણાવી દેવાની ચોંકાવનારી ઘટનાઓ બન્યાનું બહાર આવ્યું. નોઆખલીની કોમી કત્લેઆમ માટે મિયાં ગુલામ સરવર હુસેની નામનો એક માજી ધારાસભ્ય સીધી રીતે જવાબદાર હતો. સરવર ડેરા શરીફના ‘પીર સાહેબ’ તરીકે જાણીતો હતો અને ધર્મને નામે એની લોકોમાં સારી વગ હતી. એ કોંગ્રેસની ટિકિટ પર અથવા કોંગ્રેસની નાણાકીય સહાયથી ચૂંટણી લડ્યો હતો પણ મુસ્લિમ લીગના ઉમેદવારે એને હરાવી દીધો. મુસલમાનોમાં એનો મોભો હતો પણ હવે મુસ્લિમ લીગે એમાં ગાબડું પાડ્યું હતું. સરવર પોતાની વગ ફરી સ્થાપવા માગતો હતો એટલે એ મુસ્લિમ લીગમાં જોડાઈ ગયો અને પાર્ટીમાં બીજા નેતાઓ કરતાં આગળ નીકળી જવા માટે એણે રોજેરોજની વાતોમાં પણ હિન્દુઓને ભાંડવાનું શરૂ કરી દીધું અને હિન્દુઓનું નિકંદન કાઢી નાખવા માટે મુસલમાનોને ઉશ્કેર્યા.

આખા બંગાળના ઇમામો અને મૌલવીઓમાં નોઆખલીનો ફાળો બહુ મોટો રહ્યો છે. સુહરાવર્દીના શાસન દરમિયાન એમણે મસ્જિદોમાં રહીને લીગનો ખૂબ પ્રચાર કર્યો. એમણે નોઆખલીનાં રમખાણમાં બહુ મોટો ભાગ ભજવ્યો. નોઆખલીમાં ચારે બાજુ જંગલ અને વચ્ચે છૂટાંછવાયાં ઝૂંપડાંઓ હતાં. એક જગ્યાએથી “બચાવો…બચાવો”ની ચીસો પડે તો બીજા કોઈ જૂથના ઝૂંપડાં સુધી અવાજ પણ ન પહોંચે. ૧૦મી ઑક્ટોબરે લક્ષ્મી પૂજા ઊજવવામાં હિન્દુઓ વ્યસ્ત હતા ત્યારે સરવરના ગુંડાઓએ આનો લાભ લીધો. એમણે ઠેકઠેકાણે ઝૂંપડાંનાં જૂથોને ઘેરીને ચારે બાજુના રસ્તા બંધ કરી દીધા, કે જેથી કોઈ અંદર ન આવી શકે કે બહાર ન નીકળી શકે. ચારે બાજુથી ગુંડાઓએ, તલવારો, ખંજરો, ધારિયાં, કુહાડીઓ લઈને નિર્દોષ માણસો, સ્ત્રીઓ અને બાળકો પર હુમલા કર્યા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સૈનિકોને છૂટા કરવામાં આવ્યા, તેમાંથી ૫૬ હજાર સૈનિકો તો એકલા નોઆખલી જિલ્લાના હતા. એમણે સરવરના માણસોને લશ્કરી રીતરસમો સમજાવી. એના પ્રમાણે બધી નહેરો તોડી નાખવામાં આવી, પુલો બાળી નંખાયા અને રસ્તાઓ પર આડશો ઊભી કરી દેવાઈ. સુહરાવર્દીની સરકારે મોડે મોડે લશ્કરની મદદ લીધી પણ પુલો નહોતા અને ચારે બાજુ પાણી રેલાયાં હતાં. સુહરાવર્દીએ કબૂલ્યું કે નોઆખલીમાં કેમ હિંસા ફાટી નીકળી તે જાણી શકાયું નથી અને ચારે બાજુ ખૂનામરકી, બળાત્કારો અને ધર્મપરિવર્તનો થાય છે. આમ છતાં એણે નોઆખલી જવાને બદલે દાર્જીલિંગમાં ગવર્નરે બોલાવેલી કૅબિનેટની મીટિંગમાં જવાનું યોગ્ય માન્યું. નોઆખલી જિલ્લાનાં ચાર પોલિસ થાણાંનાં ૧૨૦ ગામોના ૯૦ હજાર હિન્દુઓ અને તિપેરા જિલ્લાનાં ૭૦ ગામોના ૪૦ હજાર હિન્દુઓ ફસાઈ ગયા હતા. પાંચસો વર્ગ માઇલના વિસ્તારમાં ગુંડાઓનું રાજ હતું. રસ્તા બંધ હોવા છતાં લોકો ગમે તેમ કરીને ભાગી છૂટતા હતા. આશ્રિત કૅમ્પોમાં ૪૦ હજાર લોકો પહોંચી ગયા હતા.

આમ તો તોફાનના ઓળા ૨૯મી ઑગસ્ટે જ નોઆખલી પર ઝળુંબતા હતા. એ દિવસે મુસલમાનો ઈદ ઉલ ફિત્ર ઊજવતા હતા ત્યાર અફવા એક કાનેથી બીજા કાને પહોંચી કે હિન્દુઓએ શીખોને રોક્યા છે અને મુસલમાનોની કતલ કરી છે. તે પછી બધા મુસલમાનો નોઆખલી શહેરની મસ્જિદમાં ભેગા થયા. સરવરે દાંડી પીટીને છઠ્ઠી સપ્ટેમ્બરે એક મીટિંગ બોલાવી અને એમાં કલકતાની નામોશીનો બદલો લેવાનું નક્કી કર્યું. આવી મીટિંગો કેટલાંય ગામોમાં મળી. તે સાથે મંદિરો પર હુમલા શરૂ થઈ ગયા. બીજા દિવસે હજારેકનું ટોળું આવ્યું અને બજારમાં લૂંટફાટ મચાવી. હિન્દુઓએ સરકાર પાસે મદદ માટે ધાં નાખી પણ સુહરાવર્દીની સરકારે એમની કાકલૂદીઓ એક અઠવાડિયા સુધી કાને ન ધરી.

+++()+++

ભયંકર ઘટનાઓ વચ્ચે હિન્દુ મુસ્લિમ એકતાની ઘટનાઓ પણ બની. હસનાબાદ ગામના હિન્દુઓ અને મુસલમાનોએ ગામની શાંતિ ભંગ ન થવા દેવાનો સંકલ્પ કર્યો. એમને સમાચાર મળ્યા કે અમુક જગ્યાએ ગુંડાઓ ગામ પર હુમલો કરવાની યોજના બનાવવા મળવાના છે. એમણે એક ભલા સબઇન્સ્પેક્ટરને સમાચાર પહોંચાડી દીધા. પરિણામે બધા ગુંડા એક જ સ્થળેથી પકડાઈ ગયા.

એ જ રીતે ગુલામ સરવરનો ભાઈ એક જગ્યાએ મસ્જિદમાં મૌલવી હતો. એણે મુસલમાનોની ગુંડાગીરીનો વિરોધ કર્યો. એના હિન્દુ પાડોશીઓ એને મળ્યા અને ફરજિયાત ધર્માંતરણ કરાવતા હોવાની ફરિયાદ કરી. એણે એમને સલાહ આપી કે જીવ બચાવવા માટે ધર્મ ન બદલવો જોઈએ, એમને ઇસ્લામ સારો લાગે તો જ ધર્મ બદલવો.

એક હિન્દુ ડૉક્ટરનું દવાખાનું મુસલમાનોની ભીડનું શિકાર બન્યું. એમણે દેવીદેવતાઓના કાચમાં મઢેલા ફોટા તોડી નાખ્યા. આવો કાચ ટોળાના સરદારના પગમાં ઘૂસી ગયો અને પુષ્કળ લોહી વહી નીકળ્યું. ડૉક્ટર પોતાનું દુઃખ ભૂલી ગયો અને એને પોતાની ફરજ યાદ આવી. એ સરદારને પોતાના ખેદાનમેદાન દવાખાનામાં લઈ ગયો અને પાટાપીંડી કરી આપી. આભારવશ સરદાર સ્તબ્ધ રહી ગયો. આખા મહોલ્લામાં માત્ર ડૉક્ટરનું ઘર બચી ગયું.

+++()+++

૨૫મી ઑક્ટોબરે મુસ્લિમ લીગની ટીમે નોઆખલીની મુલાકાત લઈને રિપોર્ટ આપ્યો કે ઘટનાઓનું અતિશયોક્તિભર્યું વર્ણન કરવામાં આવે છે અને બળાત્કારનો એક પણ કિસ્સો નથી બન્યો. ૨૭મી ઑક્ટોબરે ગાંધીજીએ પ્રાર્થના સભામાં જાહેર કર્યું કે પોતે બીજા જ દિવસે સવારે કલકત્તા જવા રવાના થાય છે. ૨૯મીએ ગાંધીજી સોદપુર પહોંચ્યા. તરત જ પ્રફુલ્લ ચંદ્ર ઘોષ, કિરણ શંકર રાય વગેરે નેતાઓ એમને મળવા આવ્યા. બીજા દિવસે ગાંધીજી ગવર્નરના આમંત્રણથી એને મળવા ગયા. ગવર્નરે એમને પૂછ્યું કે પોતે આ સ્થિતિમાં શું કરી શકે. ગાંધીજીએ રોકડો જવાબ આપ્યો કે જે કંઈ કરવાનું છે તે પ્રીમિયર સુહરાવર્દીએ કરવાનું છે. ગવર્નરની ઇચ્છા કંઈક કરવાની હોય તો એ એટલું જ કરી શકે કે બ્રિટિશ સરકારની દરખાસ્ત પ્રમાણે જેમ બને તેમ જલદી પોતાનું પદ છોડી દે. ઈસ્ટર્ન કમાંડનો ચીફ મેજર જનરલ બુચર ગાંધીજીને મળવા આવ્યો અને આર્મીની મદદ જોઈએ તો આપવાની ઑફર કરી. ગાંધીજીએ આર્મીની મદદ લેવાની તો ના પાડી જ, પરંતુ એ સલાહ પણ આપી કે લશ્કરે નાગરિક સરકારની હેઠળ રહીને જ કામ કરવું જોઈએ. સુહરાવર્દીએ ગાંધીજીને મળીને નોઆખલી જવાનું થોડા દિવસ ટાળી દેવા માટે ખૂબ સમજાવ્યા અને કહ્યું કે બધા રિપોર્ટ અતિશયોક્તિભર્યા છે. પણ ગાંધીજીએ એને પણ કહી દીધું કે તેઓ જાતે જ જઈને સ્થિતિ જોશે.

ગાંધીજીએ શ્રીરામપુરમાં રોકાયા પરંતુ ત્યાં એમને ૪૩ દિવસ રહેવું પડ્યું કારણ કે વરસાદને કારણે નદીનાળાંઓ ઉપરના પુલો તૂટી પડ્યા હતા અને ખેતરોમાંથી જઈ શકાય તેમ નહોતું. અને આજુબાજુનાં ગામોની મુલાકાત લેતા રહ્યા. મોટા ભાગે તો એમને પગપાળા પ્રવાસ કરવો પડતો અથવા નાવની મદદ લેવી પડતી. સ્થાનિકના મુસલમાનો ગાંધીજી પગપાળા પણ ન ચાલી શકે તે માટે રસ્તાઓ પર મળ નાખીને ગંદા કરી નાખતા. એમણે પોતાના નિકટના કોઈ પણ સાથીને સાથે નહોતો રાખ્યો. માત્ર એમના દુભાષિયા અને સહાયક તરીકે પ્રોફેસર નિર્મલ કુમાર બોઝ, સ્ટેનોગ્રાફર પરશુરામ અને બીજા એક-બે જણને જ સાથે રાખ્યા.

ગાંધીજી અહીં મુસલમાનોને મળતા અને હિન્દુઓને પાછા ફરવાની હિંમત આપતા. પરંતુ લીગનું ત્યાં એટલું જોર હતું કે મુસલમાનોએ એમનો લગભગ બહિષ્કાર કર્યો હતો. મુખ્યત્વે ગાંધીજી શરણાર્થીઓને મદદ મળે તેવા પ્રયાસોમાં લાગ્યા રહ્યા. એમણે નોઆખલીને એમની અહિંસાની પરીક્ષા જેવું ગણ્યું હતું. ગાંધીજીનો વ્યૂહ એ હતો કે શરણાર્થીઓને મદદ મળે, એ પાછા ફરે, એમનાં ઘરો બંધાય તે સરકારની જવાબદારી હતી અને સેવાભાવી સંસ્થાઓએ પણ સરકારની જવાબદારી સંભાળી ન લેવી જોઈએ. ગીતા પ્રેસ, ગોરખપુર તરફથી કેટલાક જણ એક લાખ રૂપિયાના ધાબળા વગેરે લઈને આવ્યા, પણ ગાંધીજીએ એ લેવાની ના પાડી. એમણે એનું કારણ આપ્યું કે ધાબળા વગેરે આપવાનું કામ સરકારનું છે અને પોતાની માગણી માટે દબાણ કરવું એ શરણાર્થીઓનો અધિકાર છે. સરકાર ન કરી શકે અને કબૂલે કે એની પાસે સાધનો નથી, તો જ ખાનગી સંસ્થાઓએ મદદ માટે આગળ આવવું જોઈએ. લોકો પોતાના અધિકારો વિશે જાગૃત ન થાય અને મુસીબતો વખતે કેમ કામ કરવું તે સમજે નહીં તો લોકશાહી વિકસે નહીં.

પરંતુ, નોઆખલીના રમખાણોનો પડઘો બિહારમાં પડ્યો. અહીં ચિત્ર અવળું હતું. નોઆખલીમાં મુસલમાનોએ હિન્દુઓ પર કાળો કેર વર્તાવ્યો તો બિહારમાં હિન્દુઓએ એનો બદલો લીધો અને મુસલમાનો કતલેઆમનો ભોગ બન્યા. ગાંધીજી પર મુસ્લિમ લીગાના પ્રધાનો અને બીજા નેતાઓ આક્ષેપ કરવા લાગ્યા કે એ હિન્દુઓને બચાવવા માટે નોઆખલીમાં બેઠા છે, પણ બિહારના મુસલમાનો પ્રત્યે એમનામાં દયામાયા નથી. ગાંધીજી પાસે આ રિપોર્ટ પહોંચ્યા ત્યારે એમણે જાહેર કર્યું કે બિહારમાં જે થયું છે તે હિન્દુઓ અને હિન્દુ ધર્મ માટે શરમજનક છે પરંતુ એ કારણે તેઓ નોઆખલી છોડવાના નથી. બિહારમાં કોંગ્રેસ સરકાર હતી. નોઆખલીમાં જે રીતે મુસ્લિમ લીગની સરકાર પર આક્ષેપ થતા હતા તેવા જ આક્ષેપો બિહારની કોંગ્રેસ સરકાર પર પણ થતા હતા. ગાંધીજીને સમાચાર મળતા હતા કે કોંગ્રેસ સરકાર મુસલમાનોને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી હતી. ગાંધીજીએ ચિંતા દર્શાવી કે કોંગ્રેસ સરકાર બરાબર કામ નહીં કરે તો મુસ્લિમ લીગનો આક્ષેપ સાચો પડશે કે કોંગ્રેસ એક હિન્દુ સંગઠન છે. જો કે પછી એમને એવા સમાચાર મળતા રહ્યા કે બિહાર ગયા વિના છૂટકો નથી. આમ એમણે ત્રણેક મહિને નોઆખલી છોડ્યું.

સંદર્ભઃ

1. The Last Phase – Pyare Lal Vol 9 Book 1

2. My Days with Gandhi – Nirmal Kumar Bose

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-62

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૨ : વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગનો પ્રવેશ

જિન્નાએ ડેઇલી મેઇલને પોતે આપેલા ઇંટરવ્યુની પ્રત દસમી સપ્ટેમ્બરે અખબારો માટે બહાર પાડી. એમાં એમણે કહ્યું કે બ્રિટિશ સરકાર નવેસરથી શરૂઆત કરવા માટે લંડનમાં બેઠક બોલાવશે તો તેઓ જવા તૈયાર હતા, પણ સામે ચાલીને પોતાનો કેસ રજૂ કરવા નહીં જાય. એમણે કહ્યું કે એમને ભવિષ્ય બહુ કાળું દેખાય છે. પછી એમણે યુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યની પોતે સેવા કરી તે યાદ આપતાં કહ્યું કે મુસલમાનોનો શું વાંક હતો કે વાઇસરૉયે એમને તરછોડ્યા છે? દુશ્મન ભારતના ઊંબરે ઊભો હતો ત્યારે ૧૯૪૨માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું પણ મુસલમાનો એમાં ન જોડાયા. એ વખતે મેં ઘણાંય મુસ્લિમ ગામોની મુલાકાત લીધી તો જોયું કે મુસ્લિમ સ્ત્રીઓ લાશો દફનાવવા માટે કબરો ખોદતી હતી, કારણ કે મુસલમાન પુરુષો તો બ્રિટિશ આર્મીમાં દુશ્મન સામે લડતા હતા. એમણે ૧૬મી ઑગસ્ટે કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના દિવસે હિંસા થઈ તેની વાત કરતાં કહ્યું કે અમે તો આ દિવસે શાંતિ રાખવા મુસલમાનોને અપીલ કરી હતી પણ હિન્દુ ગુંડાઓએ હુમલા કર્યા એમાંથી હિંસાચાર ફેલાયો.

ગૄહયુદ્ધની ચેતવણી

જિન્નાએ અમેરિકાની સમાચાર એજેન્સી એસોસિએટેડ પ્રેસને પણ એ જ દિવસે ઇંટરવ્યુ આપ્યો. એમણે કહ્યું કે કલકત્તા અને મુંબઈની હિંસા દેખાડે છે કે હિન્દુસ્તાને ગૃહયુદ્ધને આરે છે અને એનાં પરિણામોથી ચાળીસ કરોડની વસ્તી – હિન્દુઓ, મુસલમાનો, બીજી લઘુમતીઓ બચી નહીં શકે. ગૃહયુદ્ધ રોકવું હોય તો બધું એકડે એકથી શરૂ કરવાની જરૂર છે.

બ્રિટિશ રૂઢીચુસ્ત પાર્ટી મુસ્લિમ લીગની તરફેણમાં

સરકારની રચના થયા પછી તરત જ મુસ્લિમ લીગને મનાવી લેવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. મુસ્લિમ લીગને બ્રિટનની રૂઢીચુસ્ત પાર્ટીનો સબળ ટેકો હતો. ૧૯૪૬ની ચોથી-પાંચમી ઑક્ટોબરે રૂઢીચુસ્ત પાર્ટીની કૉન્ફરન્સે વચગાળાની સરકાર રચવાના મજૂર પક્ષની સરકારના નિર્ણયની આકરી ટીકા કરી. અર્લ વિંટરટને બેઠકમાં ઠરાવ રજૂ કર્યો તેમાં કહ્યું હતું કે લઘુમતીઓના અને દેશી રાજ્યોના અધિકારો બરાબર સચવાવા જોઈએ. ભારતના ઇતિહાસમાં આખો દેશ એક થઈ ગયો હોય તેવો સમય માત્ર બ્રિટિશ શાસન હેઠળ જ આવ્યો. હવે એવું જોખમ ઊભું થયું છે કે દેશમાં કોમી અથડામણો થશે ત્યારે એને રોકવા માટે બ્રિટિશ સૈન્યનો ઉપયોગ જાણે એ ભાડૂતી સેના હોય તેમ થશે. એમણે કહ્યું કે એ જ કારણે જવાહરલાલ નહેરુએ બ્રિટિશ સૈન્યને હટાવવાની માગણી નથી કરી, કારણ કે નહેરુ મુસલમાનોને સેનાની મદદથી કચડી નાખવા માગે છે.

વિંટરટનના ઠરાવના વિરોધમાં એક માત્ર ડગ્લસ રીડ બોલ્યા. એ ૨૩ વર્ષ ભારતમાં રહ્યા હતા અને છેલ્લાં છ વર્ષ, ૧૯૪૬ની શરૂઆતના મહિનાઓ સુધી મદ્રાસ પ્રાંતની લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે કહ્યું કે મને ખબર છે કે હું અહીં જે કહીશ તે કોઈને પસંદ નહીં આવે પણ મારે એ કહેવું જ પડશે. રીડે કહ્યું કે આજે હિન્દુસ્તાનીઓ રૂઢીચુસ્ત પક્ષને નફરત કરે છે અને મજૂર પક્ષને ચાહે છે. તે પછી એમણે પોતાનું લખેલું ભાષણ પડતું મૂક્યું અને કહ્યું કે તૈયાર ભાષણથી કંઈ નહીં વળે, હું જ જાણું છું તે મારે કહેવું જોઈએ. કોંગ્રેસમાં કંઈ જ ખોટ નથી. કોંગ્રેસ મુક્તિ અને લોકશાહીમાં માને છે. આજે અહીં જે વાતો થઈ છે તેનાથી ભારતમાં સ્થિતિ પર કંઈ જ અસર નહીં પડે. તમે એમ કહો છો કે ભારત કૉમનવેલ્થમાં રહેશે, પણ તમારું વલણ એવું છે કે ભારતના નેતાઓ તમને કહી દેશે કે અમને જે ઠીક લાગે તે કરશું. એમણે ઉમેર્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પર ભારતનું દસ અબજ પૌંડ જેટલું કરજ છે. ભારત આપણી લોકશાહી, આપણા કાયદાકાનૂન, આપણી શિક્ષણ પદ્ધતિ અને દવાઓને સ્વીકારે છે, એ વાત ભૂલવી ન જોઈએ. આજે હિન્દુસ્તાનની જનતાને ખાતરી આપવી જોઈએ કે આપણે એમને બધી રીતે મદદ આપવા તૈયાર છીએ.

બીજા દિવસે ચર્ચિલે ભાષણ કર્યું અને મજૂર સરકારની ભારત માટેની નીતિની સખત ટીકા કરી. એણે કહ્યું કે સમાજવાદી સરકારે “બિચારા હિન્દુસ્તાની”ને બ્રિટિશ તાજના રક્ષણમાંથી હટી જવાનો વિકલ્પ આપ્યો છે. એણે કહ્યું કે હવે ભારત આફતને કિનારે આવીને ઊભું છે. ભારત અલગ થઈ જશે અને બ્રિટન માટે એ બહુ મિત્રાચારી પણ નહીં રાખે, અને તે સાથે એની એકતા પણ તૂટી પડશે. કરોડો લોકો જે યાતનાઓ અને રક્તપાતમાં સપડાઈ જશે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. “આ બધું દરરોજ અને દર કલાકે બને છે. એક મહા જહાજ ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગ્યું છે. જેમની જવાબદારી જહાજને બચાવવાની હતી એમણે તો દરિયાનાં પાણી અંદર આવે એવા દરવાજા ખોલી નાખ્યા છે.

મુસ્લિમ લીગ સરકારમાં આવે છે.

દરમિયાન મુસ્લિમ લીગને મનાવવાના પ્રયાસો વાઇસરૉય અને કોંગ્રેસે ચાલુ રાખ્યા હતા. એક બાજુથી જિન્ના અને નહેરુ, અને બીજી બાજુથી જિન્ના અને વાઇસરૉય વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો. તે પછી મુસ્લિમ લીગે નામોની યાદી સરકારને મોકલી.૧૫મી ઑક્ટોબરે વાઇસરૉય લૉજમાંથી અખબારી યાદી બહાર પાડવામાં આવી કે મુસ્લિમ લીગે સરકારના મંત્રીઓ તરીકે પાંચ નામ આપ્યાં છેઃ – લિયાકત અલી ખાન, આઈ. આઈ. ચુનરીગર, અબ્દુર રબ નિશ્તાર, ગઝનફર અલી ખાન અને જોગેન્દ્ર નાથ મંડલ.

એમને સમાવવા માટે શરત ચંદ્ર બોઝ, સર શફ્ફાત અહમદ ખાન અને સૈયદ અલી ઝહીરે રાજીનામાં આપ્યાં છે.

આ ચમત્કાર કેમ બન્યો?

આ ચમત્કાર નહોતો, કોંગ્રેસે લીગને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે માન્યતા આપી દીધી એ મૂળ કારણ હતું. આની શરૂઆત ગાંધી-જિન્ના મંત્રણાઓથી થઈ. નામો જાહેર થયાં તે પછી બીજા જ દિવસે જિન્નાએ ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કર્યો તેમાંથી દેખાયું કે ગાંધીજી સ્વીકારી લીધું હતું કે,

“ભારતના મુસલમાનોની વિશાળ બહુમતીનું પ્રતિનિધિત્વ લીગ કરે છે તે સ્થિતિને કોંગ્રેસ પડકારતી નથી અને સ્વીકાર કરે છે. આજે લીગને જ ભારતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્વિવાદ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે”

ગાંધીજીના દૃષ્ટિકોણમાં એટલું મોટું પરિવર્તન હતું કે કોંગ્રેસમાં જ ઘણાને એ સ્વીકારવું મુશ્કેલ લાગ્યું. નહેરુએ ૬ઠ્ઠી ઑક્ટોબરના પોતાના પત્રમાં જિન્નાને લખ્યું કે અમને લાગે છે કે આ ફૉર્મ્યુલામાં યોગ્ય શબ્દો નથી વપરાયા. એમણે સુધારો કર્યો –

ચૂંટણીનાં પરિણામો પરથી અમે એ માનીએ છીએ કે મુસ્લિમ લીગ ભારતના મુસ્લિમોની વિશાળળ બહુમતીની અધિકૃત પ્રતિનિધિ છે, પણ એ જ રીતે, કોંગ્રેસ પણ બિનમુસ્લિમોની અને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કરનાર મુસ્લિમોની અધિકૃત પ્રતિનિધિ છે. પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે.”

ગાંધીજીને પણ લાગ્યું કે કાચું કપાયું છે અને એમણે એક પ્રાર્થના સભામાં ભૂલ સ્વીકારી કે એમણે બરાબર વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી. દરમિયાન રાષ્ટ્રવાદી મુસ્લિમોને લાગ્યું કે કોંગ્રેસે એમના ત્યાગની કદર ન કરી. કોંગ્રેસ એમાંથી કોઈને પણ મુસ્લિમોના નેતા તરીકે આગળ ન લાવી શકી. જિન્નાની પરવા કર્યા વિના કોંગ્રેસે પોતાનો મુસ્લિમ નેતા તૈયાર કર્યો હોત તો મુસલમાનોએ એને સ્વીકારી લીધો હોત. જો કે, બ્રિટનની સરકારને જિન્નાને મુસ્લિમોના અધિકૃત પ્રવક્તા માનવાનું ફાવતું હતું એ વાત ભૂલી જવાય છે. કોમવાદના ધોરણે કોઈ આટલું અડિયલ વલણ લે તેમાં બ્રિટનને વાંધો નહોતો. રૂઢીચુસ્ત પક્ષની કૉન્ફરન્સ પણ એ જ વાતની સાબિતી છે કે કોંગ્રેસ મુસલમાનો સાથે ઓરમાયું વર્તન કરે છે એવું કહેવું એ પ્રચારનું મહત્ત્વનું હથિયાર હતું.

જિન્નાએ નહેરુ સમક્ષ કેટલીક શરતો મૂકી હતી તેમાં એક એ હતી કે બધાં મહત્વનાં ખાતાંની ફાળવણી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાનપણે થવી જોઈએ. ૨૫મી ઑક્ટોબરે લીગના સભ્યો વચગાળાની સરકારમાં સામેલ થયા તે પછી એમને ખાતાંઓની ફાળવણી કરવામાં આવી જે જિન્નાએ વાઇસરૉયને સૂચવ્યા પ્રમાણે હતી. વાઇસરૉયે, જો કે, મુસ્લિમ લીગને ગૃહ ખાતું આપવાની ભલામણ કરી હતી પણ કોંગ્રેસમાં એના વિશે ચર્ચા થઈ તે વખતે ગૃહ પ્રધાન સરદાર પટેલ સંમત ન થયા. મૌલાના આઝાદનું કહેવું હતું કે ગૃહ ખાતું આપવું જોઈએ કારણ કે એ મુખ્યત્વે પ્રાંતોનો વિષય છે અને સેંટ્રલ કેબિનેટે કંઈ ખાસ કરવાનું નહીં રહે, પરંતુ સરદાર એ છોડવા તૈયાર નહોતા. એટલે નાણા ખાતું આપવાની વાત આવી ત્યારે સૌ તરત રાજી થઈ ગયા કારણ કે એમણે માન્યું કે એમાં ટેકનિક્લ કામ બહુ રહે અને મુસ્લિમ લીગમાં આ ખાતું સંભાળી શકે એવો કોઈ નહોતો. એટલે જ્યારે નાણા ખાતું સોંપવાની વાત આવી ત્યારે જિન્નાએ પણ વિચાર કરવા માટે એક દિવસનો સમય માગ્યો. પરંતુ નાણા ખાતામાંથી જ એક લીગતરફી અધિકારીએ એમને સલાહ આપી કે નાણા ખાતું બરાબર છે, કારણ કે એ રીતે દરેક ખાતામાં એની દરમિયાનગીરી રહેશે. કોંગ્રેસના આશ્ચર્ય વચ્ચે જિન્નાએ નાણા ખાતું સ્વીકારી લીધું. ખાતાંની ફાળવણી આ પ્રમાણે થઈ –

લિયાકત અલી ખાન (નાણા), આઈ. આઈ. ચુનરીગર (વ્યાપાર), અબ્દુર રબ નિશ્તાર (સંદેશ વ્યવહાર), ગઝનફર અલી ખાન (આરોગ્ય) અને જોગેન્દ્ર નાથ મંડલ (ધારાકીય). આને કારણે બીજા પ્રધાનોનાં ખાતાંઓમાં પણ ફેરફાર થયો.

તે પછી લીગના પ્રધાનોએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે એમણે હિન્દુસ્તાનના મુસ્લિમોના ભલા માટે સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેઓ સરકારની અંદર જઈને પાકિસ્તાન માટે લડતા રહેશે.

લિયાકત અલી ખાને પોતાના નાણા ખાતા વિશે બોલતાં કહ્યું કે હું એવી રીતે કામ કરીશ કે ધનવાન વધારે ધનવાન ન બને અને બન્ને રાષ્ટ્રો (હિન્દુ અને મુસ્લિમ)ને પૂરી આઝાદી મળે. એમણે એક બહુ જ અગત્યની વાત કરી, જેમાંથી વચગાળાની સરકારનું શું થશે તેનો સંકેત મળતો હતો. લિયાકત અલી ખાને કહ્યું:

“આ સરકાર હમણાંના બંધારણ હેઠળ રચાઈ છે અને એ કારણે એમાં સંયુક્ત કે સામૂહિક જવાબદારી જેવું કંઈ નથી પરંતુ તે સાથે જ, સરકારના દરેક સભ્યને સામાન્ય લોકોના હિતમાં પરસ્પર સુમેળ અને સહકારથી કામ કરવાની ઇચ્છા અને સંકલ્પ હોવાં જોઈએ.”

બીજા શબ્દોમાં કહીએ તો, એમણે કહી દીધું કે નાણા ખાતું એ પોતાની મરજીથી ચલાવશે, કોઈની શેહ કે શરમ નહીં રાખે. એમણે નહેરુને નેતા માનવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે નહેરુ એક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપપ્રમુખ છે એટલે બધી મીટિંગોનું સંચાલન કરશે તે સિવાય મને કોઈ વિશેષાધિકાર નથી. મુસ્લિમ લીગ એમને કોંગ્રેસના – અને માત્ર કોંગ્રેસના – પ્રતિનિધિ માને છે.

જિન્ના કહેતા કે વચગાળાની સરકાર “કૅબિનેટ” નથી. એમાં દરેક સભ્ય વાઇસરૉયને જવાબદાર છે. એક પત્રકાર પરિષદમાં જિન્નાનું ધ્યાન દોરવામાં આવ્યું કે નહેરુ અને વાઇસરૉય એને કૅબિનેટ કહે છે. એમણે કહ્યું કે એ કૅબિનેટ નથી. નહેરુ એ શબ્દથી રાજી થતા હોય તો વાઇસરૉયને એમને ખુશ રાખવામાં વાંધો નથી. નાનું મન નાની વાતોથી રાજી થઈ જાય. પણ એથી હકીકત બદલાતી નથી. એક ગધેડાને હાથી કહો તેથી એ હાથી ન બની જાય, ગધેડો જ રહે!

તે પછી લિયાકત અલીએ નાણા ખાતું એવી રીતે ચલાવ્યું કે બીજા કોઈ ખાતાની ગ્રાંટની માગણી માને જ નહીં, અને ત્યાં સુધી કે ઑફિસ માટે પટાવાળો નીમવો હોય તો પણ નાણા ખાતાની મંજૂરી વિના નીમવાનું શક્ય નહોતું અને નાણા ખાતું એની મંજૂરી આપે જ નહીં!

તે પછી ફેબ્રુઆરી ૧૯૪૭માં વચગાળાની સરકારનું બજેટ રજૂ કરવાનું હતું ત્યારે લિયાકત અલી ખાને ઉપરછલ્લી રીતે જોતાં કોંગ્રેસની જાહેરાતોને અનુરૂપ બજેટ બનાવ્યું પણ એનો હેતુ જુદો હતો. દાખલા તરીકે, ધનવાનોને કાબૂમાં રાખવા માટે જે દરખાસ્તો બનાવી તે મુખ્યત્વે હિન્દુ ઉદ્યોગપતિઓને અસર કરતી હતી. અને એમની સંપત્તિ કે વ્યાવસાયિક તકોમાં કાપ મૂકીને બીજાને લાભ આપવાનો હોય તે અચૂકપણે મુસલમાન હોય. લિયાકત અલીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે એ સમાનતામાં નથી માનતા, જે વર્ગ પછાત રહી ગયો હોય તેને વધારે ટેકો આપવામાં માને છે! રાજાજી અને સરદાર પટેલે લિયાકત અલી ખાનની દરખાસ્તોનો ખુલ્લો વિરોધ કર્યો.

કોંગ્રેસમાં હવે લાગવા માંડ્યું હતું કે નાણા ખાતું મુસ્લિમ લીગને આપીને એણે મોટી ભૂલ કરી છે.

 

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

Muslims Against Partition. Shamsul Islam

India wins Freedom –Maulana Abul kalam Azad

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-61

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૧ : વચગાળાની સરકારમાં કોંગ્રેસ

મુસ્લિમ લીગના ‘ડાયરેક્ટ ઍક્શન’થી પહેલાં ૧૨મી ઑગસ્ટે વાઇસરૉય હાઉસે એક નિવેદન બહાર પાડ્યું કે વાઇસરૉયે નામદાર રાજાની સરકારની સંમતિથી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુને વચગાળાની સરકાર રચવાની દરખાસ્ત રજૂ કરવા આમંત્રણ આપ્યું છે, જેનો કોંગ્રે પ્રમુખે સ્વીકાર કર્યો છે. નહેરુ થોડા દિવસોમાં આ અંગે વાઇસરૉય સાથે ચર્ચા કરવા દિલ્હી આવશે.

કોંગ્રેસે ઓચિંતા જ પોતાનો નિર્ણય ફેરવીને માત્ર બંધારણસભામાં નહીં પણ સરકારમાં જોડાવાનીયે હા પાડી દીધી! જિન્ના માટે આ અણધાર્યું હતું. પહેલાં એ એમ ધારતા હતા કે કોંગ્રેસે ના પાડી છે, એટલે સરકારે માત્ર મુસ્લિમ લીગને જ સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ. પરંતુ એમની આશા ફળી નહીં. ડાયરેક્ટ ઍક્શન એ નિરાશાનું જ પરિણામ હતું. પરંતુ એની ભયંકરતાનું કારણ એ કે ડાયરેક્ટ ઍક્શનને ટાંકણે જ વાઇસરૉય અને કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું. વાઇસરૉયે મુસ્લિમ લીગને જ કોરાણે મૂકી દીધી અને એકલી કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું!

વાઇસરૉયનું આમંત્રણ મળ્યાના બીજા જ દિવસે નહેરુએ જિન્નાને પત્ર લખીને સરકાર બનાવવામાં એમનો સહકાર માગ્યો.

નહેરુ– જિન્ના પત્રવ્યવહાર

નહેરુએ જિન્નાને લખ્યું કે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખ તરીકે મને આમંત્રણ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ અમારી ઇચ્છા સૌનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવી સરકારની રચના કરવાની છે. અને આ સ્થિતિમાં મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ. મને તમારા સહકારની જરૂર પડશે. આના માટે હું તમને મુંબઈમાં કે બીજે ક્યાંય પણ મળવા માગું છું. હું ૧૪મીએ વર્ધાથી રવાના થઈને ૧૫મીએ મુંબઈ પહોંચીશ. કદાચ ૧૭મીએ દિલ્હી માટે મુંબઈથી નીકળી જઈશ.

જિન્નાએ ૧૫મીએ જવાબ આપ્યો કે તમારા ને વાઇસરૉય વચ્ચે શી વાતચીત થઈ તે હું જાણતો નથી, પણ આનો અર્થ એ હોય કે વાઇસરૉયે તમને એમની એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાનું કામ સોંપ્યું હોય અને તમારી સલાહ પ્રમાણે કરવા સંમત થયા હોય તો આ સ્થિતિ સ્વીકારવાનું મારા માટે શક્ય નથી. આમ છતાં તમે કોંગ્રેસ વતી હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ શોધવા માટે મળવા માગતા હો તો આજે સાંજે છ વાગ્યે મારે ત્યાં ખુશીથી આવો.

જિન્ના અહીં ‘વચગાળાની સરકાર’ને બદલે ‘વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલ’ નામ આપે છે. નહેરુએ એમને તરત લખ્યું કે મારા અને વાઇસરૉય વચ્ચે કંઈ વાત નથી થઈ. એમણે થોડા શબ્દોમાં ઑફર કરી છે અને અમે સ્વીકારી છે, તે સિવાય બીજું કંઈ બન્યું નથી. વાઇસરૉયે ‘વચગાળાની સરકાર’ બનાવવાનું આમંત્રણ આપ્યું છે, એમણે ‘ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ’, એવા શબ્દો નથી વાપર્યા. વચગાળાની સરકારને વહીવટમાં શક્ય તેટલી વધુમાં વધુ છૂટ હશે એમ માનીએ છીએ. અમે આમંત્રણ સ્વીકાર્યું તે પછી વાઇસરૉય સાથે કંઈ વાત નથી થઈ, હવે દિલ્હી જઈને વાત કરું ત્યારે બધી વાતનો ફોડ પડે. તમે લખ્યું છે કે તમે જે રીતે સ્થિતિને સમજો છો તે રીતે સ્વીકારી શકતા નથી તેનો મને અફસોસ છે. કદાચ બધી વાતો સ્પષ્ટ થાય તો તમે કદાચ સંમત થશો અને તમારા નિર્ણયની ફેરવિચારણા કરશો તો અમને આનંદ થશે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે હંમેશાં તૈયાર છીએ પરંતુ હું કોઈ નવો મુદ્દો રાખી શકું તેમ નથી, કદાચ તમારી પાસે કોઈ સૂચન હોય, તો હું આજ સાંજે તમને મળવા તૈયાર છું પણ કાલે મળીએ તો વધારે સારું. હું ૧૭મીની સવારે દિલ્હી માટે નીકળીશ.

અંતે બન્ને ૧૫મીએ મળ્યા. તે પછી નહેરુએ પત્રકાર પરિષદમાં જાણ કરી કે જિન્નાએ ઑફર નથી સ્વીકારી, હવે કોંગ્રેસ એકલે હાથે સરકાર બનાવશે. એમણે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ તદ્દન સ્વતંત્રતાથી સરકાર બનાવશે. ટેકનિકલ દૃષ્ટિએ જોતાં, વાઇસરૉયનું સ્થાન જેમનું તેમ રહે છે પણ મને વિશ્વાસ છે કે એ સ્થાન બંધારણીય વડા જેવું રહેશે. વાઇસરૉયને વીટોની સત્તા હશે જ પણ જો એનો ઉપયોગ કરશે તો એનાં ભારે પરિણામ આવશે.

નહેરુએ કોંગ્રેસની સંમતિ વિશે કહ્યું કે આવું કોઈ કરે તે એવી તો આશા રાખે જ, કે એને બધાનો સહકાર મળશે, અને બધા પક્ષો સહકાર આપવા તૈયાર છે, સિવાય કે મુસ્લિમ લીગ. પરંતુ આજના સંજોગોમાં મુસ્લિમ લીગ સહકાર નથી આપતી એટલે અમે અટકી જઈએ એવું ચાલે તેમ નથી.

જિન્નાએ પંડિત નહેરુ પર જ હુમલો કર્યો કે મુસ્લિમ લીગે ઑફર ન સ્વીકારી એમ કહેવાને બદલે જો એમણે એમ કહ્યું હોત કે મુસ્લિમ લીગે શરણાગતી ન સ્વીકારી, તો એ સત્યની વધારે નજીક હોત.

નવી વચગાળાની સરકાર

નહેરુ અને જિન્ના વચ્ચે સામસામાં નિવેદનો થતાં રહ્યાં પણ દિલ્હીમાં વાઇસરૉયને મળ્યા તે પછી, ૨૪મીએ, વાઇસરૉયે વચગાળાની સરકારનાં નામો જાહેર કર્યાં:

પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, આસફ અલી, ચક્રવર્તી રાજગોપાલાચારી, શરત ચંદ્ર બોઝ, ડૉ. જ્‍હોન મથાઈ, સર શફકત અહેમદ ખાન, જગજીવન રામ, સૈયદ અલી ઝહીર, કોવરજી હોરમસજી ભાભા, નહેરુએ તે પછી બીજા બે મુસ્લિમોને પણ લીધા.

વાઇસરૉયે રેડિયો પરથી બોલતાં વચગાળાની સરકારની જાહેરાત કરી અને મુસ્લિમ લીગને પણ ફરી આમંત્રણ આપ્યું કે લીગ પોતાના પાંચ પ્રતિનિધિઓનાં નામ આપશે તો એમને કૅબિનેટમાં લેવામાં આવશે.

જિન્નાની ટીપ્પણી

વાઇસરૉયના બ્રોડકાસ્ટ પર ટિપ્પણી કરતાં જિન્નાએ એમના અને વાઇસરૉય વચ્ચે ૨૨મી જુલાઈ અને ૮મી ઑગસ્ટ વચ્ચે થયેલો પત્રવ્યવહાર બહાર પાડ્યો. જિન્ના એવું દેખાડવા માગતા હતા કે વાઇસરૉયે પાંચ નામો ફરી માગ્યાં તે ગેરરસ્તે દોરનારું કથન છે. વાઇસરૉયે ૨૨મી જુલાઈએ જિન્નાને પત્ર લખીને ચાર મુદ્દા સ્પષ્ટ કર્યા હતા –

1. વચગાળાની સરકારમાં ૧૪ સભ્યો હશે,

2. કોંગ્રેસ ૬ સભ્યોની નીમણૂક કરશે, તેમાંથી એક શિડ્યૂલ કાસ્ટનો પ્રતિનિધિ એણે નીમવાનો રહેશે.

3. મુસ્લિમ લીગ પાંચ સભ્યોને નીમી શકશે.

4. કોઈ પણ પક્ષ બીજા પક્ષે નીમેલા સભ્ય સામે વાંધો નહીં લઈ શકે.

છેલ્લો મુદ્દો એટલા માટે છે કે લીગનો દાવો હતો કે કોંગ્રેસ મુસલમાનની નીમણૂક ન કરી શકે. પરંતુ વાઇસરૉયે એનો અસ્વીકાર કરીને કોંગ્રેસને મુસલમાનની નીમણૂક કરવાની છૂટ આપી.

જિન્નાએ વચગાળાની સરકારમાં મહાત ખાધી એટલે બધો રોષ વાઇસરૉય પર ઠાલવ્યો. એમણે જવાબમાં લખ્યું કે સીટોની ફાળવણીની મૂળ ફૉર્મ્યુલા ૫ (કોંગ્રેસ), ૫ (લીગ) અને ૨ (અન્ય,) એવી હતી. એમાંથી ૫-૫-૩ થઈ અને પછી ૫-૫-૪ થઈ હવે તમે ૬-૫-૩ પર આવ્યા છો. આમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાન ફાળવણી કરવાની હતી તે તો રહ્યું જ નહીં. એટલું જ નહીં પણ તમે શિડ્યૂલ કાસ્ટને પણ અન્યાય કરો છો. એ કોંગ્રેસનો પ્રતિનિધિ હશે, શિડ્યૂલ કાસ્ટનો ખરો પ્રતિનિધિ નહીં, લઘુમતીના ત્રણ સભ્યોની નીમણૂક વાઇસરૉય કરશે. એમાં તમને મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવાનું જરૂરી નથી લાગતું.

ટૂંકમાં, જિન્નાને લાગતું હતું કે વાઇસરૉય અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થયા પછી એમણે મુસ્લિમ લીગને પડતી મૂકી દીધી. નહેરુ સાથે એમણે મુંબઈમાં વાતચીત કરી, તેના વિશે પણ જિન્નાએ કહ્યું કે નહેરુ માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા.

છેવટે આઠમી ઑગસ્ટે વૅવલે જિન્નાને લખી નાખ્યું કે હવે એ એકલી કોંગ્રેસને વચગાળાની સરકાર બનાવવાનું આમંત્રણ મોકલશે.

નવી સરકાર

સપ્ટેમ્બરની બીજીએ નહેરુની આગેવાની હેઠળ નવી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં. ખાતાંઓની ફાળવણી –

વિદેશી બાબતો અને કૉમનવેલ્થ( જવાહરલાલ નહેરુ), સંરક્ષણ ( સરદાર બલદેવ સિંઘ), ગૃહ, માહિતી અને પ્રસારણ સહિત (વલ્લભભાઈ પટેલ), નાણાં (જ્‍હોન મથાઈ), સંપર્ક વ્યવહાર, યુદ્ધ માટેના ટ્રાન્સપોર્ટ અને રેલવે સહિત (આસફ અલી), કૃષિ અને અન્ન (ડૉ. રાજેન્દ્ર પ્રસાદ), શ્રમ (જગજીવન રામ), આરોગ્ય, શિક્ષણ અને કલાઓ (સર શફકત અહેમદ), ધારાકીય બાબતો, પોસ્ટ અને હવાઈ સેવા (સૈયદ અલી ઝહીર), ઉદ્યોગ અને પુરવઠો (રાજગોપાલાચારી), વર્ક્સ, ખાણો અને વીજળી ( શરત ચંદ્ર બોઝ) અને કમિટીઓ ( કે. એચ. ભાભા).

તે પછી પત્રકાર પરિષદમાં નહેરુએ બધા પક્ષોનો સહકાર માગ્યો.

(વધુ આવતા અંકે)

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-60

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૬૦ : જિન્નાનું ‘ડાયરેક્ટ એક્શન’(૨)

જિન્નાએ નીતિમત્તાને નેવે મૂકી દીધી તે હિંસા આચરવા માટેનું ખુલ્લું આમંત્રણ હતું. જે જોવા મળ્યું તે એ હતું કે બ્રિટિશ સરકાર કરતાં કોંગ્રેસ પર જિન્નાને વધારે ગુસ્સો તો હતો જ, પણ આ ગુસ્સો હિન્દુઓ પર મુસલમાનોના ગુસ્સા તરીકે બહાર આવ્યો. બંગાળમાં મુસ્લિમ છાપાંઓ અને સંસ્થાઓએ લીગે ઠરાવ પસાર કર્યો તે પછી તરત ઝેરીલો પ્રચાર શરુ કરી દીધો હતો. બંગાળમાં એ વખતે મુસ્લિમ લીગના સુહરાવર્દીની સરકાર હતી. સરકારે ૧૬મી ઑગસ્ટે રજા જાહેર કરી. ઍસેમ્બ્લીમાં એનો વિરોધ થયો તેની સુહરાવર્દીએ પરવા ન કરી.

૧૩મી ઑગસ્ટના Star of Indiaએ કલકત્તા જિલ્લા મુસ્લિમ લીગે ૧૬મી ઑગસ્ટ માટે ઘડેલો કાર્યક્રમ પ્રકાશિત કર્યો. ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમનો દોર જિલ્લા મુસ્લિમ લીગે સંભાળી લીધો હતો. કાર્યક્રમ આ પ્રમાણે હતો –

સંપૂર્ણ હડતાળ રાખવી, કલકત્તા, હાવડા, મટિયા બુર્ઝ, હુગલી અને ૨૪ પરગણાના બધા જ મુસ્લિમ લત્તાઓમાંથી સરઘસો, કાફલાઓ અને અખાડાનું આયોજન કરવું. બપોરે બધા સરઘસોમાં નીકળીને ઑક્ટરલૉની મેમોરિયલ (હવે શહીદ મીનાર) પહોંચે અને ત્યાં બંગાળના પ્રીમિયર હુસેન શહીદ સુહરાવર્દીના પ્રમુખપદે યોજાનારી બધા જિલ્લાઓની સંયુક્ત રૅલીમાં જોડાય. ૧૬મી ઑગસ્ટ, શુક્રવારે બધી મસ્જિદોમાં ‘મુનાજાતો” (ખાસ નમાઝ) રાખવી. જિલ્લા મુસ્લિમ લીગના સેક્રેટરીએ એ વખતે રમઝાન મહિનો ચાલતો હતો તેની યાદ અપાવતાં કહ્યું કે આ મહિનો અલ્લાહની મહેર અને દુઆઓ માગવાની જેહાદનો મહિનો છે. કુરાન આ જ મહિનામાં ઊતર્યું, અને પયગંબરની સરદારી નીચે દસ હજાર મુસલમાનોએ મક્કા જીતી લીધું હતું અને અરબસ્તાનમાં ઇસ્લામમિયા ઉમ્મત(ઇસ્લામી કોમ)ની સ્થાપના કરી હતી.

પરંતુ, બીજું એક સરક્યુલર પણ ખાનગી રીતે મુસલમાનોમાં ફરતું હતું તેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતાઃ બધા મુસલમાનો પાકિસ્તાન માટે જાનફેસાની કરવા તૈયાર રહે; પાકિસ્તાન બની જાય તે પછી હિન્દુસ્તાનને ફતેહ કરવું; બધાને મુસલમાન બનાવી દેવા; એક મુસલમાન પાંચ હિન્દુની બરાબર છે.

પાકિસ્તાન ન બને ત્યાં સુધી હિન્દુઓની બધી ફેક્ટરીઓ અને દુકાનો બાળવી, લૂંટવી અને લૂંટનો માલ લીગની ઑફિસમાં જમા કરાવવો; બધા લીગીઓએ કાયદાનો ભંગ કરીને હથિયારો લઈને ફરવું; રાષ્ટ્રવાદી (લીગવિરોધી) મુસલમાનોને મારી નાખવા; ધીમે ધીમે હિન્દુઓને મારી નાખીને એમની વસ્તી ઘટાડવી; બધાં મંદિરો તોડી પાડવાં; દર મહિને એક કોંગ્રેસી નેતાનું ખૂન કરવું; ૧૮મી ઑક્ટોબર ૧૯૪૬થી હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કરવો, એમને ઉઠાવી જવી અને મુસલમાન બનાવી દેવી. હિન્દુઓનો સામાજિક, આર્થિક અને બીજી બધી રીતે બહિષ્કાર કરવો. બધા લીગીઓએ ૧૫મી સપ્ટેમ્બર સુધી આ સૂચનાઓનું પાલન કરવું.

૧૬મી ઑગસ્ટની સવારથી મુસલમાનો સરઘસમાં જોડાવા તૈયાર થઈ ગયા. ઍમહર્સ્ટ સ્ટ્રીટ, માનિકતલા અને બેલિયાઘાટા વિસ્તારોમાં મુસલમાનોનું ઝનૂન જોઈ શકાય તેવું હતું. મોટી સંખ્યામાં ગુંડાઓની ટોળકીઓ નીકળી પડી. હાથમાં મુસ્લિમ લીગના ઝંડા અને હથિયારો, લાઠીઓ, દેશી બોમ્બો સાથે બધા નીકળી પડ્યા અને તરત હુમલા શરુ થઈ ગયા.

ટોળાંઓ ‘લડ કે લેંગે પાકિસ્તાન, મર કે લેંગે પાકિસ્તાન’ જેવાં અને હિન્દુ વિરોધી સ્લોગનો પોકારવા લાગ્યા. લીગીઓના નિશાન પર હિન્દુઓ ઉપરાંત રાષ્ટ્રવાદી મુસલમાનો પણ હતા. ભીડ એવા જ એક લીગવિરોધી મુસ્લિમ, સૈયદ નૌશેર અલીના ઘર પર ત્રાટકી. નૌશેર અલી અને એમના કુટુંબને પોલીસે રક્ષણ આપીને થાણા પર પહોંચાડી દીધાં પણ લીગીઓએ એમનું ઘર ખેદાનમેદાન કરી નાખ્યું અને ઘરના મલબા પર મુસ્લિમ લીગનો ઝંડો લહેરાવ્યો. હિન્દુઓએ મુસ્લિમ લીગે જાહેર કરેલી હડતાળમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. આથી કેટલાયે દુકાનદારોએ પોતાની દુકાનો ખોલી અને ઘણી જગ્યાએ મુસલમાનોની ભીડનો મુકાબલો પણ કર્યો પરંતુ અંતે ટોળાં જ ફાવ્યાં અને દુકાનો લુંટાઈ, સળગાવી દેવાઈ અને માલિકોનાં ખૂન થઈ ગયાં. ટોળાંઓમાં ઘણા જાણીતા ગુંડાઓ પણ હતા જેમને તરીપાર કરવામાં આવ્યા હતા, પણ સુહરાવર્દીની સરકારે એમના કલકત્તામાં પ્રવેશ પ્રત્યે આંખમિંચામણાં કર્યાં. એ જ દિવસે પૂર્વ કલકતાની એક કૉલેજની હૉસ્ટેલ પર ભીડ ત્રાટકી. એ વખતે રિવૉલ્વરોનો છૂટથી ઉપયોગ થયો.

બીજા દિવસે પણ ખૂનની હોળી ખેલાઈ, તેમાં પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક નિવૃત્ત ઍડીશનલ જજની હત્યા થઈ ગઈ. એ જ રીતે એક બીજો જજ પણ ટોળાથી બચવા માટે એક છોકરો ભાગતો હતો તેને બચાવતાં માર્યો ગયો. હુગલીમાં ચાલતી નાવોમાં પણ ચડીને ખલાસીઓને હુલ્લડબાજોએ માર્યા અને લોકોને ડુબાડી દીધા. એક જ દિવસમાં સત્તાવાર આંકડા પ્રમાણે ૨૭૦ જણ માર્યા ગયા અને ૧૬૦૦ ઘાયલ થયા. ઠેરઠેર ભડકે બળતી દુકાનો, ઘરોના મલબા, જમીન પર રઝળતી લાશો અને આકાશમાં મિજબાનીની આશામાં ઝળુંબતાં ગીધોએ કલકત્તાને એક નવું જ વિકૃત રૂપ આપી દીધું હતું. લાશો એવી જગ્યાએ પડી હતી કે ત્યાં ગીધો એકઠાં થયાં હોય તેને જોઈને ખબર પડતી કે એ જગ્યાએ લાશ પડી છે. પરંતુ સૌથી ખરાબ હુમલો મટિયાબુર્ઝમાં થયો. ત્યાં પાંચસો ઑડિયા મજૂરોને એક સાથી મોતને ઘાટે ઉતારી દેવાયા.

બીજા દિવસે હિન્દુઓ પણ સંગઠિત થયા અને સામનો કરવા લાગ્યા, પરંતુ, મુસ્લિમ લીગના બે નેતાઓએ પોલીસની મદદથી એમની બંદુકો લાઇસન્સો હોવા છતાં કબજામાં લઈ લીધી. આથી મુસલમાન ગુંડાઓને છૂટો દોર મળી ગયો. તોફાનીઓને મોકો મળવાનું કારણ એ હતું કે પોલીસ તંત્ર ખુલ્લી રીતે એમની સાથે હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે મળતા સંદેશના જવાબમાં અધિકારીઓ કહી દેતા કે રક્ષણ માટે કોંગ્રેસ પાસે જાઓ. અથવા તમારી કાલી માતા પાસે જાઓ. સુહરાવર્દીએ જાતે જ કંટ્રોલ રૂમનો કબજો લઈ લીધો હતો અને એણે પોલીસને કામ જ ન કરવા દીધું. એણે પોલીસને વચ્ચે ન પડવાનો હુકમ આપ્યો હતો. કોઈ પોલીસ અધિકારી મદદ આપવાની કોશિશ કરે તો સુહરાવર્દી રોકી દેતો હતો.

આ બધાની વચ્ચે એવા પણ સમાચાર મળ્યા કે શહેરના અમુક વિસ્તારોમાં પાડોશીઓએ એકબીજાનું રક્ષણ કર્યું અને બહારથી કોઈને ઘૂસવા ન દીધા. બીજી બાજુ એવું પણ બન્યું કે મધ્યમ વર્ગના શિક્ષિત મુસલમાનોને ગુંડા તત્ત્વો સામે નમતું જોખીને એમની મદદ કરવાની ફરજ પડી.

બીજા દિવસે શહેરમાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ, અને મિલિટરીએ પોતાના હાથમાં દોર લઈ લીધો. રમખાણ તો ત્રીજા અને ચોથા દિવસે પણ ચાલુ રહ્યાં પરંતુ મિલિટરીનો પ્રભાવ દેખાવા લાગ્યો હતો. તોફાનોની ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા ઘટવા લાગી હતી. પાંચમા દિવસે રમખાણોના અવશેષો સહિત શાંતિ સ્થપાઈ. રમખાણોમાં બે હજારથી વધારે લોકો માર્યા ગયા કે ઘાયલ થયા અને લાખોની સંપત્તિને પારાવાર નુકસાન થયું.

ઍસેમ્બ્લીમાં કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો અવિશ્વાસની દરખાસ્ત મૂકી જે ઊડી ગઈ. પરંતુ એની ચર્ચામાં બોલતાં ભૂતપૂર્વ પ્રીમિયર ફઝલુલ હકે બ્રિટિશ શાસનનાં આંખમિંચામણાંનો સંકેત આપતાં કહ્યું કે “બ્રિટિશ શાસનનો અંત આવી ગયો હોય એવું લાગતું હતું”. હક હજી એ જ અરસામાં મુસ્લિમ લીગમાં જોડાયા હતા, એટલે મતદાન વખતે એમણે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધ મત આપ્યો. હિન્દુ મહાસભાના શ્યામા પ્રસાદ મુખરજીએ કહ્યું કે કલકત્તાનો સૌથી મોટો ગુંડો સુહરાવર્દી પોતે જ છે. સુહરાવર્દીએ ખિજાઈને મુખરજીને જ સૌથી મોટા ગુંડા ગણાવ્યા. ચર્ચાનો જવાબ આપતાં સુહરાવર્દીએ આક્ષેપ કર્યો કે રમખાણ માટે કોંગ્રેસ જવાબદાર છે. ડાયરેક્ટ ઍક્શન માત્ર સભાસરઘસો યોજવા વિશે હતું, પણ આ કાર્યક્રમ શાંતિથી પાર ન પડે તે માટે કોંગ્રેસે તોફાનો કરાવ્યાં.

મતદાન થયું ત્યારે ૨૫ યુરોપિયન સભ્યો તટસ્થ રહ્યા. બે કમ્યુનિસ્ટ સભ્યો પણ તટસ્થ રહ્યા. બે ભારતીય ખ્રિસ્તીઓમાંથી એક સભ્યે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપ્યો. કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરનાર ત્રણ ડિપ્રેસ્ડ ક્લાસના સભ્યો મુસ્લિમ લીગની સાઇડમાં બેઠા અને સરકારની તરફેણમાં મત આપ્યો.

કલકત્તાના ઇતિહાસનાં આ સૌથી ગોઝારાં કોમી રમખાણોની અસર છેવટ સુધી રહી. કોમી રમખાણોનો દાવાનળ ફેલાતો રહે છે. રમખાણો શરૂ કેમ શરૂ કરવાં તે તો કદાચ સૌ જાણતા હોય પણ એને રોકવાનો ઉપાય કોઈની પાસે નથી હોતો. કલકતાની આગ ઠંડી થાય તેનાં માત્ર સાત અઠવાડિયાંમાં નોઆખલી સળગી ઊઠ્યું અને હજારો હિન્દુઓ માર્યા ગયા. આ કતલે-આમના સમાચાર દેશમાં ફેલાયા અને બિહારમાં બંગાળનાં રમખાણોના જવાબમાં હિન્દુઓએ મુસલમાનોને રહેંસી નાખ્યા. ભાગલા વખતની મારકાપમાં પણ આ રમખાણોની અસર રહી. પરંતુ આના વિશે વિગતમાં આગળ જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

The Great Calcutta Killings and Noakhali Genocide – દિનેશ ચંદ્ર શહા અને અશોક દાસગુપ્તા, પ્રથમ આવૃત્તિ ૨૦૧૧.

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-59

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૯: જિન્નાનું ‘ડાયરેક્ટ એક્શન’(૧)

ગયા અઠવાડિયે આપણે જોઈ લીધું કે જિન્ના એવી આશામાં રહ્યા કે બ્રિટિશ કેબિનેટ મિશન કોઈ એક પક્ષ સંમત થાય કે ન થાય, બંધારણ સભાની અને વચગાળાની સરકારની રચના કરશે જ; કોંગ્રેસે મુત્સદીગીરી વાપરીને ૧૬મી મેનું નિવેદન સ્વીકાર્યું અને બંધારણસભામાં જવાનો નિર્ણય સ્વીકાર્યો, પણ૧૬મી જૂનના નિવેદનનો અસ્વીકાર કરીને સરકારમાં જોડાવાની ના પાડી દીધી. કોંગ્રેસે ૧૬મી જૂનની દરખાસ્ત ન સ્વીકારી એટલે જિન્નાએ માની લીધું કે હવે એકલી મુસ્લિમ લીગને જ વાઇસરૉય સરકાર બનાવવા કહેશે. પરંતુ એ ચોખ્ખું કહેવાય તેમ નહોતું. એવામાં વાઇસરૉયે અંતે અધિકારીઓની નિયુક્તિ કરીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. જિન્ના માટે આવી ભરાયા જેવું થયું. એમને લાગ્યું કે કોંગ્રેસ પોતાના શબ્દોમાંથી ફરી ગઈ. સરકાર બનાવવા માટે જિન્ના કોંગ્રેસને ઓઠા તરીકે વાપરવા માગતા હતા પણ એવું ન બની શક્યું. હવે એ ગુસ્સામાં હતા.

કૅબિનેટ મિશન ૨૯મી જૂને લંડન પાછું ફર્યું અને તે પછી એક મહિને ૨૯મી જુલાઈએ મુસ્લિમ લીગે પણ ૧૬મી જૂનના નિવેદનનો અસ્વીકાર કર્યો અને સરકારમાં – વાઇસરૉયે જે સરકાર બનાવવાની યોજના પડતી મૂકી દીધી હતી તેમાં – જોડાવાની ના પાડી દીધી. આ એક મહિના દરમિયાન શું થયું તે જાણવા નથી મળ્યું પણ એમ માની શકાય કે જિન્ના કોંગ્રેસને પડતી મૂકવાનું બ્રિટિશ સરકારને સમજાવવામાં લાગ્યા હશે. આના પછી સરકારમાં ન જોડાવાનો નિર્ણય લીધા સિવાય એમની સામે બીજો કોઈ રસ્તો નહોતો. લીગના કાર્યકરોને એ દેખાડવું પડે તેમ હતું કે હજી કંઈ ખાટુંમોળું નથી થયું.

આ દરમિયાન જવાહરલાલ નહેરુએ મૌલાના આઝાદ પાસેથી પ્રમુખપદ સંભાળી લીધું હતું. (મૌલાના ૧૯૪૦માં પ્રમુખ બન્યા હતા પણ ૧૯૪૨માં જેલમાં ગયા અને કોંગ્રેસને સરકારે ગેરકાનૂની સંગઠન જાહેર કરી હતી. ૧૯૪૫ સુધી કોંગ્રેસનું કામ બંધ પડી ગયું હતું અને તરત જ વાઇસરૉય સાથે બંધારણસભા અને વચગાળાની સરકાર વિશે વાતચીત શરૂ થઈ અને કૅબિનેટ મિશન આવ્યું). ગાંધીજીએ કૅબિનેટ મિશનના નિવેદનનું અર્થઘટન એવું કર્યું કે એને અમુક સૂચનો કર્યાં છે, જે બંધારણસભા માટે બંધનકર્તા નથી. એટલે એમાં જ ગ્રુપો બનાવવાનું સૂચન હતું તેનો બંધારણસભા અસ્વીકાર પણ કરી શકે છે. નહેરુએ એ જ લાઇન પકડી અને ૧૬મી મેનું નિવેદન સ્વીકારવા છતાં ગ્રુપિંગનો વિરોધ કર્યો.

ડાયરેક્ટ ઍક્શન

જિન્ના આખું જીવન બંધારણવાદી રહ્યા; ગાંધીજીના વ્યાપક જનસમુદાયને આવરી લેતા કાર્યક્રમોનો સદાયના વિરોધ કરતા રહ્યા. રાજકીય ઘટનાચક્રમાં સામાન્ય માણસને સાંકળવાના વિરોધી રહ્યા પણ હવે એમણે બંધારણીય વાતો પડતી મૂકી અને જનસમુદાયને ‘ડાયરેક્ટ એક્શન’ માટે હાકલ કરી. સત્તાવાળાઓએ માન્યું કે આ પણ ગાંધીજીના અહિંસક આંદોલન જેવું જ રહેશે, પરંતુ સર ખ્વાજા નસીરુદ્દીને જાહેરાત કરી દીધી હતી કે મુસલમાનો ‘અહિંસા’થી બંધાયેલા નથી. આમ છતાં, સત્તાવાળાઓ સમજ્યા નહીં કે આંખ મીંચામણાં કર્યાં. ૧૯૪૬ની ૧૬મી ઑગસ્ટે આખા દેશમાં લીગીઓએ સભા સરઘસો યોજ્યાં પણ બધી જગ્યાએ શાંતિ રહી; એકમાત્ર કલકત્તા સળગી ઊઠ્યું અને કોમી દાવાનળ ભડકી ઊઠ્યો. આ ઘટના ઇતિહાસમાં Great Calcutta Killing તરીકે જાણીતી બની છે.

૨૭-૨૯મી જુલાઈએ મુસ્લિમ લીગની ખાસ બેઠક મળી તેમાં જિન્નાએ નહેરુના આ વલણની આકરી ટીકા કરી. એમણે કહ્યું કે કૅબિનેટ મિશનની યોજનામાં જુદાં જુદાં ગ્રુપો બનાવવાનું સૂચન છે, (એટલે કે પ્રાંતોને પૂછ્યા વિના ગ્રુપ બનાવાય, અને દસ વર્ષ પછી કોઈ પ્રાંત એ ગ્રુપમાંથી નીકળી જવા માગતો હોય તો નીકળી શકે). પરંતુ કોંગ્રેસ એને જ ફગાવી દેવા માગે છે. સંપૂર્ણ બહુમતી તો કોંગ્રેસની જ રહેવાની છે, તો મુસલમાનોને રક્ષણ કઈ રીતે મળી શકશે? લૉર્ડ પૅથિક લૉરેન્સે બ્રિટનની આમસભામાં કહ્યું હતું કે હિન્દુસ્તાની પક્ષો આ યોજનાનું ઉલ્લંઘન ન કરી શકે, કારણ કે એમ કરવાથી બીજા પક્ષને નુકસાન થશે. જિન્નાએ કહ્યું કે આ મંતવ્ય એક પવિત્ર નિવેદન છે, પણ કોંગ્રેસ એને માનશે નહીં તો શું થશે?

વચગાળાની સરકાર બાબતમાં જિન્નાએ કહ્યું કે કોંગ્રેસે પહેલાં તો એનો અસ્વીકાર કર્યો અને તે પછી સર સ્ટ્ફર્ડ ક્રિપ્સે ગાંધીજી સાથે, અને લૉર્ડ પૅથિક લૉરેન્સે વલ્લભભાઈ પટેલ સાથે ચર્ચા કરીને એમને સમજાવ્યા કે લાંબા ગાળે કોંગ્રેસ એનું ગમે તે અર્થઘટન કરે, હમણાં તો એ સરકારમાં જોડાય તો સારું. તે પછી કોંગ્રેસની વર્કિંગ કમિટી સરકારમાં જોડાવા સંમત થઈ. જિન્નાને આમ બ્રિટિશ સરકારની યોજના સામે વાંધો નહોતો. ખરો વાંધો એ હતો કે કોંગ્રેસ એમનું મનફાવતું થવા દેતી નહોતી. એમણે કહ્યું કે હિન્દુસ્તાનના કોયડાનો ઉકેલ એક જ છે – પાકિસ્તાન બનાવો. એટલે કે એમનું ડાયરેક્ટ ઍક્શન બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઓછું, અને કોંગ્રેસની વિરુદ્ધ વધારે હતું.

બેઠક ફરી રાતે સાડાનવે મળી તે વખતે ઘણા ઠરાવો પર ચર્ચા થઈ. એ વખતે જિન્નાએ કહ્યું કે લીગે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની યોજનાઓ સ્વીકારી હતી, તેમ છતાં કૅબિનેટ મિશને પોતાના જ શબ્દોનું પાલન નથી કર્યું. હવે આ યોજનાને આખી જ નકારી દેવી કે એમાં સુધારા સૂચવવા, માત્ર એ બે મુદ્દા પર જ લીગે વિચાર કરવાનો છે.

ઠરાવો પર જે વક્તાઓ બોલ્યા તેમનાં ભાષણોમાંથી એક જ વાત ફલિત થતી હતીઃ એમને બ્રિટન કરતાં કોંગ્રેસ પર વધારે ગુસ્સો હતો. ફિરોઝ ખાન નૂને તો કહ્યું કે, આપણી ભૂલ ચોખ્ખા શબ્દોમાં સ્વીકારવી જોઈએ કે આપણે સંઘ સરકાર જેવી વ્યવસ્થાનો વિરોધ કરતા રહ્યા છીએ તેમ છતાં કૅબિનેટ મિશનની યોજનામાં સંઘ સરકારનું સૂચન છે તે આપણે માની લીધું. હવે એક જ રસ્તો છે કે આપણે બંધારણ સભામાં જઈએ અને ‘સંઘ’ વિશે ચર્ચા થાય તેમાં ભાગ ન લઈએ, અને ફરી આપણા ‘પાકિસ્તાન’ના આદર્શ પર પાછા વળીએ. હાલ પૂરતા, આપણે પોતાને જ ભૂંસી નાખીએ અને ચૂપ થઈ જઈએ. કોંગ્રેસ અંગ્રેજોને કેમ ભગાડે છે તે જોયા કરીએ કારણ કે અંગ્રેજ અને હિન્દુ, બે શત્રુઓ સામે લડવા કરતાં એમને અંદરોઅંદર લડવા દો. કોંગ્રેસ અંગ્રેજોને ભગાડી મૂકે તે પછી આપણે ફરી સક્રિય બનશું, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ સામે કેમ લડવું. બહાદુરો પર કોઈ હકુમત ન ચલાવી શકે.

નૂને અંગ્રેજો સામેનો મોરચો જ બંધ કરી દીધો અને કોંગ્રેસ અંગ્રેજો સામે જીતે તે પછી એની સામે લડવાની સલાહ આપી. એમને એમાં બહાદુરીનાં દર્શન થયાં.

બીજા વક્તા હતા, મૌલાના હસરત મોહાની (પ્રખ્યાત નઝ્મ “ચુપકે ચુપકે રાત દિન”ના શાયર). એમણે પોતાનો અલગ ઠરાવ રજૂ કરતાં કહ્યું કે જે લોકો પોતાના જ શબ્દોમાંથી ફરી ગયા છે તેમની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. હવે ક્રાન્તિકારી પગલું લેવાની જરૂર છે. જો જિન્ના કહેશે તો આખું મુસ્લિમ હિન્દુસ્તાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ક્રાન્તિ માટે તૈયાર થઈ જશે.

ડૉ અબ્દુલ હમીદ કાઝીએ ફિરોઝ ખાન નૂનનું સૂચન ન સ્વીકાર્યું કે મુસલમાનો તટસ્થ બેઠા રહે. એમણે કહ્યું કે હવે એવો સમય આવ્યો છે કે મુસલમાનો અંગ્રેજી હકુમતની સામે બહાર આવે અને પાકિસ્તાન અને હિન્દુસ્તાનને આઝાદી અપાવે.

ચર્ચા બીજા દિવસે પણ ચાલુ રહી અને ત્રીજા દિવસે, ૨૯મી જુલાઈએ લીગે બે મહત્ત્વના ઠરાવ પસાર કર્યા. એક ઠરાવ દ્વારા લીગે કૅબિનેટ મિશનની યોજનાનો સ્વીકાર કરવાનો પોતાનો પહેલાંનો નિર્ણય રદ કર્યો અને બીજા ઠરાવ દ્વારા મુસલમાનો પ્રત્યે બ્રિટિશ સરકારના અન્યાયભર્યા વ્યવહારનો સીધો જવાબ (ડાયરેક્ટ ઍક્શન) આપવાની બધા મુસલમાનોને અપીલ કરી અને વિદેશી સરકારે આપેલા બધા ખિતાબો પાછા આપી દેવાનો મુસલમાનોને આદેશ આપ્યો. બન્ને ઠરાવ સર્વાનુમતે પસાર થયા.

જિન્નાએ બંધ વાળતાં કહ્યું કે “અમે યુદ્ધ નથી ઇચ્છતા, પણ તમે યુદ્ધ કરવા માગતા હશો તો અમે વિના સંકોચે એના માટે તૈયાર છીએ.” તે પછી બધા ખિતાબધારીઓએ પોતાના ખિતાબો છોડવાની જાહેરાત કરી. જિન્નાએ આ ઠરાવોને ઐતિહાસિક ગણાવ્યા. એમણે કહ્યું કે મુસ્લિમ લીગે કદી બંધારણનો માર્ગ છોડ્યો નથી, આજે પહેલી વાર આપણે આંદોલનનો માર્ગ લઈએ છીએ.

૩૦મીએ લીગની વર્કિંગ કમિટી મળી અને ૧૬મી ઑગસ્ટે ‘ડાયરેક્ટ ઍક્શન દિન’ મનાવવાનો નિર્ણય જાહેર કર્યો. તે પછી પત્રકારોએ જિન્નાને ‘ડાયરેક્ટ ઍક્શન’ વિશે સવાલો પૂછ્યા. એક સવાલ હતો કે આ કાર્યક્રમ અહિંસાત્મક હશે કે કેમ? જિન્નાએ જવાબ આપ્યો કે “હું નીતિમત્તાની ચર્ચા નહીં કરું”!

આના પછી કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનને કારણે જે મોતનું તાંડવ ખેલાયું તેની વિગતો આપણે આવતા અઠવાડિયે જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Vol. II, July-Dec 1946

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-58

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::

પ્રકરણ ૫૮: કૅબિનેટ મિશન (૬)

નવી સરકારની જાહેરાત

૧૬મી તારીખે કૅબિનેટ મિશનના સભ્યો અને વાઇસરૉયે હવે પોતાના તરફથી વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લીધો અને છે નીચે જણાવેલા સભ્યોને એમાં જોડાવાનાં આમંત્રણ આપ્યાં –

સરદાર બલદેવ સિંઘ, સર નૌશીરવાન એન્જીનિયર, જગજીવન રામ, પંડિત જવાહરલાલ નહેરુ, એમ. એ. જિન્ના, નવાબઝાદા લિયાકત અલી ખાન, સી. રાજગોપાલાચારી, હરેકૃષ્ણ મહેતાબ, ડૉ. જ્‍હોન મથાઈ, નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, ખ્વાજા સર નઝીમુદ્દીન, સરદાર અબ્દુર રબ નિસ્તાર, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

એમાંથી કોઈ ના પાડે તો વાઇસરૉય એની જગ્યાએ બીજાની નીમણૂક કરવાની અને પ્રધાનોનાં ખાતાંની ફાળવણીની સત્તા વાઇસરૉયને આપવામાં આવી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ જાહેરાતનો અભ્યાસ કર્યો અને એમાં જેમનાં નામ છે તેમની મરજી ન હોય તો એમની જગ્યાએ બીજાને લેવાના નિર્ણયની પ્રશંસા કરી, પણ ઉમેર્યું કે આના કારણે વચગાળાની સરકારની રચના સામે ગંભીર સંકટ ઊભું થયું છે. તે પછી ૧૮મી તારીખે મૌલાના આઝાદે ફરી વાઇસરૉયને પત્ર લખ્યો કે મેં આજે સાંજ સુધીમાં જવાબ આપવાનું વચન આપ્યું હતું પણ અમારી વર્કિંગ કમિટીની બેઠક મોડે સુધી ચાલી. વળી, અમારા સભ્ય ખાન અબ્દુલ ગફ્ફાર ખાન આવતીકાલે સવારે આવશે એટલે અમે આવતીકાલે ફરી મળીશું. તે પછી કંઈ નિર્ણય થશે તેની હું તમને તરત જાણ કરીશ.

આ વચ્ચે જિન્નાએ વાઇસરૉયને લખેલા પત્રની વિગતો છાપાંઓમાં આવી ગઈ. મૌલાના આઝાદે આના વિશે વાઇસરૉયને ફરી પત્ર લખીને સ્પષ્ટતા માગી. જવાબમાં વાઇસરૉયે જિન્નાના પત્રની વિગતો આપી. જિન્નાએ પૂછ્યું હતું કે આ નામો ફાઇનલ છે કે કેમ? સૂચીમાં ૧૪ સભ્યો છે, તેમાં વધઘટ થશે કે કેમ? ચાર લઘુમતીઓ – શિડ્યૂલ્ડ કાસ્ટ, શીખો, ભારતીય ખ્રિસ્તીઓ અને પારસીમાંથી કોઈ ના પાડશે તો વાઇસરૉય એમની જગ્યા કઈ રીતે ભરશે? આવા ઘણાયે સવાલો એમણે પૂછ્યા હોવાનું વેવલે મૌલાના આઝાદને જણાવ્યું.

કોંગ્રેસ બંધારણ સભામાં જોડાવા તૈયાર!

વાઇસરૉયની ઑફિસેથી કોંગ્રેસ પ્રમુખને ફોન પણ કરવામાં આવ્યો કે નામોને તરત મંજૂરી આપી દો. પણ મૌલાનાએ જવાબ આપ્યો કે અમારી વર્કિંગ કમિટીની બેઠક બપોરે મળશે તે પછી જવાબ આપી શકાશે. તે પછી એમણે પત્રમાં ઘણાંય કારણો આપીને સરકારમાં

જોડાવાની ના પાડી દીધી. પરંતુ ખરેખર ૨૬મીએ નિવેદન બહાર પાડ્યું તેમાં કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનાનો નહીં પણ ૧૬મી મેની યોજનાનો સ્વીકાર કર્યો! કોંગ્રેસે કહ્યું કે કૅબિનેટ મિશનની ૧૬મી જૂનની યોજનામાં ઘણી ઉણપો છે તેમ છતાં બંધારણ બનાવવાના કામમાં વિલંબ ન થવો જોઈએ, એટલે કોંગ્રેસ ૧૬મી મેના સ્ટેટમેંટનો સ્વીકાર કરીને બંધારણ સભામાં જોડાશે, પરંતુ ૧૬મી જૂનના સ્ટેટમેંટમાં સૂચવ્યા પ્રમાણેની વચગાળાની સરકાર બનાવવામાં સહકાર આપી શકે તેમ નથી.

મુસ્લિમ લીગ સરકારમાં જોડાવા તૈયાર

દરમિયાન જિન્ના ૨૨મી મેના એમના નિવેદન પછી જૂનની ચોથી તારીખે વાઇસરૉયને બે વાર મળ્યા. એમનો સવાલ એ હતો કે બેમાંથી એક પક્ષ સરકારમાં જોડાવાની ના પાડશે તો શું થશે? વાઇસરૉયે એમને ખાતરી આપી કે એક જ પક્ષ મંજૂરી આપે તો પણ બ્રિટિશ હકુમત બને ત્યાં સુધી ૧૬મી જૂનના નિવેદનને લાગુ કરવાનો પ્રયાસ કરશે. પણ મને આશા છે કે બન્ને પક્ષો મંજૂરી આપશે.

હવે વાઇસરૉયે પોતે જાહેર કરેલાં નામો પાછાં ખેંચી લીધાં અને અધિકારીઓની રખેવાળ સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કરી દીધો.

વાઇસરૉયે જિન્નાને એક પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ અને લીગ, બન્નેએ ૧૬મી મેનું સ્ટેટમેંટ સ્વીકાર્યું છે. પણ ૧૬મી જૂનનું નહીં; આથી સરકાર બનાવી શકાય એમ નથી. બીજી બાજુ, હવે જિન્ના સરકાર બનાવવાનો આગ્રહ કરતા હતા! ૨૮મીએ જિન્નાએ પત્ર લખીને કહ્યું કે વચગાળાની સરકાર બનાવવા મિશન વચનથી બંધાયેલું છે.

બીજા પક્ષોના અભિપ્રાયો

કૅબિનેટ મિશન સમક્ષ શીખોનાં જુદાં જુદાં સંગઠનો, રજવાડાંઓ, રજવાડાંઓની પ્રજાના નેતાઓ, જમીનદારોના સંગઠન અને હિન્દુ મહાસભા ઉપરાંત કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ પોતાનાં મેમોરેન્ડમો રજૂ કર્યાં હતાં. શીખોએ તો પંજાબને મુસ્લિમ બહુમતી પ્રાંત ગણીને પાકિસ્તાન ઝોનમાં મૂકવાના સૂચનનો જોરદાર વિરોધ કર્યો. એમણે એ રીતે શીખોને થતા અન્યાય સામે સંગઠિત થઈને લડવાની તૈયારી કરી લીધી. રજવાડાંને એક જ ચિંતા હતી કે બ્રિટિશ આધિપત્ય હટી જાય તે પછી શું થશે. રજવાડાઓનાં પ્રજાકીય મંડળોના દેશવ્યાપી સંગઠન અને હિન્દુ મહાસભાએ લગભગ કોંગ્રેસની જ વાતનો પુનરુચ્ચાર કર્યો. રજવાડાંનાં પ્રજાકીય મંડળોને તો કોંગ્રેસ સતત ટેકો આપતી રહી હતી. એમની કૉન્ફરન્સને નહેરુ અને સરદારે સંબોધન પણ કર્યું. હિન્દુ મહાસભાએ પણ એક જ અવિભાજિત ભારતની કોંગ્રેસની માગણીને ટેકો આપ્યો પણ એનું કહેવું હતું કે કૉન્ફરન્સમાં ખરેખર હિન્દુઓના કોઈ પ્રતિનિધિ નહોતા. હિન્દુ મહાસભાએ ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતનું સમર્થન કર્યું પરંતુ ઉમેર્યું કે કૅબિનેટના પ્રતિનિધિઓ મુસલમાનોને ખોટી રીતે અલગ રાષ્ટ્ર માનવા તૈયાર હોય તો હિન્દુઓને પણ એમના જેવું જ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને વાતચીતમાં હિન્દુ મહાસભાને પણ સામેલ કરવી જોઈતી હતી. કમ્યુનિસ્ટોએ બધાં એકમોનો આત્મનિર્ણયનો અધિકાર માન્ય રાખ્યો પણ બધાં એકમો સ્વેચ્છાએ સંઘ બનાવે એવું સૂચન કર્યું.

ગાંધીજીનો અભિપ્રાયઃ પ્રોમીસરી નોટ

ગાંધીજી આ મંત્રણાઓમાં ક્યાંય નહોતા. પરંતુ એમણે કેબિનેટ મિશનના ૨૨મી મેના નિવેદન પર ૨૬મીએ ‘હરિજન’માં ટિપ્પણી કરી. ગાંધીજી એમાં વ્યંગ્યાત્મક ભાષામાં બોલ્યા છે! એમનું પૃથક્કરણ આ પ્રમાણે હતું –

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના નિવેદનની બારીક સમીક્ષા કરીને હું એવા મત પર પહોંચ્યો છું કે આજની સ્થિતિમાં બ્રિટિશ પ્રતિનિધિઓ આપી શકે, તેવો આ ઉત્તમ દસ્તાવેજ છે. જો આપણને દેખાય તો આ નિવેદન આપણી નબળાઈનું પ્રતિબિંબ છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સંમત ન થયાં, અને સંમત થઈ શકે એવું હતું પણ નહીં. આપણે એવો સંતોષ લઈએ કે આપણા મતભેદો બ્રિટિશ કરામતની નીપજ છે, તો એ આપણી ગંભીર ભૂલ ગણાશે. મિશન અહીં એ મતભેદોનો લાભ લેવા નથી આવ્યું. બ્રિટિશ શાસનનો જલદી અને સહેલાઈથી અંત આવી જાય એવો રસ્તો શોધવા માટે પણ એ નથી આવ્યું. એમનું જાહેરનામું ખોટું સાબીત ન થાય ત્યાં સુધી એને સાચું માનીશું તો એ આપણી ખરેખર બહાદુરી જ હશે. પણ આ બહાદુરી ઠગની ઠગાઈ પર ટકી છે.

મેં બ્રિટિશ પ્રતિનિધિઓનાં વખાણ કર્યાં તેનો અર્થ એ નથી કે જે બ્રિટન માટે સારું હોય તે આપણા માટે પણ સારું જ હોય. દસ્તાવેજના લેખકોએ પોતે જે કહેવા માગે છે તે સાફ શબ્દોમાં લખ્યું છે. એમને લાગ્યું કે ઓછામાં ઓછી અમુક બાબતો પર બધા પક્ષો એક થઈ શકે છે, અને તે એમણે લખ્યું છે. એમનો એક ઉદ્દેશ બ્રિટિશ રાજનો જેમ બને તેમ જલદી અંત લાવવાનો છે. શક્ય હોય તો તેઓ ભારતને અવિભાજિત રહેવા દેશે અને એને કાપી નાખીને નાગરિક યુદ્ધમાં તરફડવા નહીં દે. સિમલામાં લીગ અને કોંગ્રેસને એમણે મંત્રણાના મેજ પર એકઠા કર્યા (એમાં કેટલી ધીરજ અને કુશળતાની જરૂર પડી, તે તો તો તેઓ પોતે જ કહી શકશે). એ વાતચીત તો પડી ભાંગી, પણ એ ડગ્યા નહીં. એ છેક અહીં હિન્દુસ્તાન આવ્યા અને બંધારણ સભા બનાવવાના હેતુથી એક યોગ્ય દસ્તાવેજ તૈયાર કર્યો. હવે બ્રિટિશ પ્રભાવ વિના બંધારણ બનાવવાનું છે. આ એક અપીલ અને સલાહ છે. આમ પ્રાંતિક ઍસેમ્બ્લીઓ ડેલીગેટોને ચૂંટે કે ન ચૂંટે. ડેલીગેટો ચુંટાયા પછી બંધારણ સભામાં ભાગ ન લે. બંધારણ સભા મળે અને આમાં છે તેના કરતાં જુદા નિયમો બનાવે. વ્યક્તિ કે પક્ષ માટે કંઈ પણ બંધનકર્તા હોય તો એ સ્થિતિના તકાજામાંથી પેદા થાય છે. અલગ મતદાન બન્ને માટે બંધનકર્તા છે, પણ તે માત્ર એટલા માટે કે બંધારણ સભાનું અસ્તિત્વ ટકી શકે. મેં આ લખતાં પહેલાં સ્ટેટમેંટમાં આપેલો દરેક નિયમ ધ્યાનથી વાંચ્યો છે અને હું કહી શકું છું કે આમાં કંઈ પણ બંધનકર્તા નથી. માત્ર સ્વાભિમાન અને આવશ્યકતા જ બંધનકર્તા છે.

આમાં બંધનકર્તા હોય તેવી એક જ વાત છે અને તે બ્રિટન સરકારને લાગુ પડે છે. બ્રિટિશ મિશનના ચાર સભ્યો સાવચેતી રાખીને બ્રિટન સરકારની પૂરી સંમતિ મેળવ્યા પછી આ સ્ટેટમેંટ બહાર પાડે તો તેનું ઊષ્માભર્યું સ્વાગત જ થઈ શકે. બદલામાં ભારતને છૂટ છે કે એ પોતાને ઠીક લાગે તેવો પ્રતિભાવ આપે. પણ આ દસ્તાવેજના લેખકોને ખાતરી છે કે ભારતના પક્ષો એટલા બધા સંગઠિત અને જવાબદાર છે કે મરજિયાતને પણ ફરજિયાત માનીને વર્તન કરશે, ભલે ને, ફરજિયાતમાં કરવું પડે એટલું જ કરે, તેનાથી આગળ ન વધે. જ્યારે બે હરીફો સાથે મળે ત્યારે એ એક જાતની સમજણ પર આવીને કામ કરે છે. અહીં એક જાતે બની બેઠેલો અમ્પાયર (પક્ષોએ પસંદ કરેલો અમ્પાયર નથી એટલે લેખકોએ માની લીધું કે પોતે જ અમ્પાયર છે) એવું વિચારે છે કે એ નિયમો બનાવશે અને અમુક ઓછામાં ઓછી બાબતો પક્ષોની સામે ધરશે, તે સાથે જ પક્ષો એની પાસે આવશે. હવે એ એમાં ઉમેરવા, ઘટાડવા કે તદ્દન બદલી નાખવાની છૂટ આપે છે…

તે પછી એમણે સ્ટેટમેંટમાં દર્શાવેલી યોજનાની છણાવટ કરી અને ખામીઓ દેખાડી.એમણે કહ્યું કે કોઈ આ દસ્તાવેજ ગંભીરતાથી વાંચશે તેને એમાં ઘણી ભૂલો દેખાશે પણ મારે મન આ એક પ્રોમીસરી નોટ તમને મળી છે.

ગાંધીજી આગળ કહે છેઃ

આ ઊલટસૂલટમાંથી નવી દુનિયા સર્જાવાની છે તેમાં ગુલામ ભારત બ્રિટિશ તાજનો ‘ઝળહળતો હીરો’ નહીં હોય, એ બ્રિટિશ તાજના માથા પર એક કાળી ટીલી હશે, અને એવી કાળી હશે કે એનું સ્થાન કચરાટોપલી સિવાય ક્યાંય નહીં હોય. એટલે હું વાચકને મારી સાથે આશા રાખવા અને પ્રાર્થના કરવા કહું છું કે બ્રિટિશ તાજ હવે બ્રિટન અને દુનિયાને વધારે કામનો છે. ઝળહળતો હીરો તો હવે રદબાતલ થઈ ગયો છે….(!).

ગાંધીજી સૂચવે છે કે આ યોજનામાં કંઈ નથી. એ પ્રોમીસરી નોટ છે કારણ કે બ્રિટન તમે જે કંઈ કરો તેને મંજૂર રાખવા માટે વચનથી બંધાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જો એની શરતો વિશે ગંભીર થઈ જશે તો એ ભૂલ છે. એને પ્રોમીસરી નોટ માનો. એટલે કે પહેલાં બંધારણ સભા બનાવો અને પછી આ યોજનાનો ઉલાળિયો કરી દો, બ્રિટન તો તમે જે કરો તે માનવા જાતે જ બંધાયું છે, પણ તમે નથી બંધાતા!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual register Jan-June 1946 Vol. I

india-slavery-and-struggle-for-freedom-part-4-chapter-57

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૫૭:  કૅબિનેટ મિશન(૫)

કોંગ્રેસનું વલણ

કૅબિનેટ મિશનના ૧૬મી મેના સ્ટેટમેંટ પછી બીજા જ દિવસે કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી અને સ્ટેટમેંટ વિશે ચર્ચા કરી. તે પછી ૨૪મી તારીખે કોંગ્રેસે નિવેદન બહાર પાડ્યું. તે પહેલાં અને પછી પણ કોંગ્રેસે કૅબિનેટ મિશન અને વાઇસરૉય સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો, એમાં મિશનના સ્ટેટમેંટમાં કોંગ્રેસને સ્વીકાર્ય ન હોય તેવી ભલામણો અને વચગાળાની સરકારમાં જોડાવા બાબતમાં કેટલાયે મુદ્દા ઉપસ્થિત કર્યા અથવા ખુલાસા માગ્યા.

સૌથી પહેલાં તો કોંગ્રેસ પ્રમુખે ૨૦મીએ લૉર્ડ પૅથિક લૉરેન્સને પત્ર લખીને કહ્યું કે તમારા સ્ટેટમેંટમાં બંધારણ સભાની રચના કરવાનો ઉલ્લેખ છે. અમારી કમિટી માને છે કે આ બંધારણ સભાને બંધારણ બનાવવા માટે સાર્વભૌમ સત્તા હશે અને એમાં કોઈ બાહ્ય દરમિયાનગીરી માટે તક નહીં હોય. તે ઉપરાંત, બંધારણ સભાને કૅબિનેટ મિશને સૂચવેલી કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવાની સત્તા મળશે. બંધારણ સભા પોતે સાર્વભૌમ સંસ્થા હોવાથી એના નિર્ણયો પણ તરત લાગુ પડશે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મિશને સૂચવેલા કેટલાક મુદ્દા કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સમાં લીધેલા વલણથી વિરુદ્ધ છે. આથી અમને ભલામણોમાં જે ખામી જણાય છે, તે દૂર કરવા માટે અમે બંધારણ સભામાં પ્રયાસ કરશું, એટલું જ નહીં, અમે દેશની જનતા અને બંધારણ સભાને અમારું દૃષ્ટિબિંદુ સમજાવવાનો પ્રયાસ પણ કરશું. તે પછી એમણે બહુ મહત્ત્વનો મુદ્દો ઉપાડ્યો.

કૅબિનેટ મિશને ગ્રુપ બનાવવાં કે નહીં તે પ્રાંતો પર છોડ્યું. ગ્રુપમાં જોડાવાનું ફરજિયાત ન બનાવ્યું. તે સાથે જ એનાથી તદ્દન ઉલટી ભલામણ પણ કરી કે બંધારણ સભામાં પ્રાંતોમાંથી ચુંટાયેલા પ્રતિનિધિઓ ત્રણ જૂથમાં વહેંચાઈ જશે અને દરેક જૂથ પ્રાંતોનાં બંધારણ બનાવશે અને એ પણ નક્કી કરશે કે ગ્રુપનું બંધારણ હોવું જોઈએ કે નહીં. આ બે અલગ ભલામણો પરસ્પર વિરોધી છે. પહેલી ભલામણમાં પ્રાંતોને ગ્રુપમાં જોડાવું કે નહીં, તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે, પણ બીજી ભલામણમાં ગ્રુપ બનાવીને બંધારણ બનાવવાની વ્યવસ્થા છે, જે ફરજિયાત જેવી છે. જેમને ગ્રુપમાં જોડાવું જ ન હોય તેમની પણ ગ્રુપમાં આવીને બંધારણ બનાવવાની ફરજ બની જાય છે. એ રીતે જોઈએ તો, વિભાગ ૨ (પંજાબ, વા.સ. અને સિંધ) અને વિભાગ ૩(બંગાળ, આસામ)માં એક પ્રાંતની ભારે બહુમતી છે. બન્નેમાં નાના પ્રાંતોની ઇચ્છા વિરુદ્ધ ગ્રુપનું બંધારણ બની શકે છે.

લૉર્ડ પૅથિક લૉરેન્સે એનો જવાબ આપ્યો કે અમારા ડેલીગેશને બે મુખ્ય પક્ષોના વિચારોને સમાવી લેવા માટે સૌથી નજીક રસ્તો દેખાયો તેની ભલામણો કરી છે. એટલે આ આખી યોજના છે, એનો અમલ સહકાર અને બાંધછોડની ભાવનાથી થાય તો જ એ ચાલી શકે. ગ્રુપિંગ શા માટે કરવાં પડે છે, તે તમે જાણો છો; એ જ આ યોજનાનું મુખ્ય ઘટક છે. એમાં ફેરફાર કરવો હોય તો બન્ને પક્ષોની સમજૂતી જરૂરી છે. બંધારણ સભા રચાઈ ગયા પછી એના કામમાં માથું મારવાનો દેખીતી રીતે જ કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર પણ સ્ટેટમેંટમાં જણાવેલી બે શરતોના આધારે જ ભારતીયોના હાથમાં સત્તા સોંપશે. વળી, અમારી સરકાર ઇચ્છે છે કે સત્તા સોંપણીનો ગાળો લંબાઈ ન જાય. તમે સમજી શકશો કે જ્યાં સુધી નવું બંધારણ લાગુ ન પડે ત્યાં સુધી સ્વતંત્રતા પણ ન આપી શકાય.

જિન્નાનું નિવેદન

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના ૧૬મી મેના સ્ટેટમેંટ પર ૨૨મીએ મુસ્લિમ લીગ વતી વિગતવાર ટિપ્પણી કરી. એમને લાગ્યું કે કૅબિનેટ મિશને પાકિસ્તાનની માગણીને હુકરાવી દીધી છે અને કોંગ્રેસને પસંદ આવે તે રીતે યોજના તૈયાર કરી છે. એમણે સિમલા કૉન્ફરન્સમાં લીગે શા માટે સામેલ થવાનું નક્કી કર્યું તે સમજાવતાં કહ્યું કે કૅબિનેટ મિશને કૉન્ફરન્સમાં જોડાવા આમંત્રણ આપ્યું ત્યારે લખ્યું હતું કે કેન્દ્રમાં સંઘની એક સરકાર હશે, જે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર સંભાળશે. તે ઉપરાંત પ્રાંતોના ભાગ કરીને બે ગ્રુપ બનાવાશે – એક ગ્રુપમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે. પ્રાંતોને જે વિષયો સમાન રીતે લાગુ પડતા જણાય તે ગ્રુપને સોંપાશે અને બાકીની બધી સત્તા પ્રાંતો હસ્તક રહેશે. કોંગ્રેસનું સૂચન હતું કે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર ઉપરાંત ચલણ, કસ્ટમ, ટૅરીફ જેવા વિષયો પણ સંઘ સરકાર હસ્તક રહેવા જોઈએ. કોંગ્રેસે ગ્રુપના વિચારને ફગાવી દીધો હતો.

મુસ્લિમ લીગનું કહેવું હતું કે(૧) ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામ, અને ઉત્તર-પશ્ચિમમાં પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનને સ્વાધીન રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન ઝોનમાં મૂકવા અને એ વિના વિલંબે લાગુ કરવાની ખાતરી આપવી; (૨) પાકિસ્તાન અને હિન્દુસ્તાન માટે બે અલગ બંધારણ સભાઓ બનાવવી; (૩) પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાં લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની જોગવાઈ કરવી; (૪) લીગની માગણીનો તરત સ્વીકાર થાય એ કેન્દ્રમાં વચગાળાની સરકારમાં જોડાવાની પૂર્વશરત હશે, અને (૫) લીગે બ્રિટિશ સરકારને ચેતવણી આપી કે અવિભાજિત ભારત પર એકમાત્ર ફેડરલ બંધારણ અથવા કેન્દ્રમાં વચગાળાની સરકાર ઠોકી બેસાડવાનો કોઈ પણ પ્રયાસ થશે તેનો મુસ્લિમ ભારત મુકાબલો કરશે.

આ મંત્રણાઓ પડી ભાંગી. લીગનું કહેવું હતું કે સંઘ હસ્તક સંરક્ષણ માટે જરૂરી હોય તેટલો જ સંદેશવ્યવહાર રાખવો જોઈએ. સંઘની અલગ ધારાસભા હોવી જોઈએ કે નહીં, તે પણ બન્ને ગ્રુપોની બંધારણ સભાઓ સંયુક્ત રીતે નક્કી કરશે. સંઘને નાણાકીય સાધનો કેમ પૂરાં પાડવાં તે પણ આ સંયુક્ત બંધારણ સભાઓ જ નક્કી કરશે.

જિન્નાએ સમજાવ્યું કે હવે કૅબિનેટ મિશને પોતાની યોજના જાહેર કરી છે તેમાં બે ગ્રુપને બદલે ત્રણ ગ્રુપ છે, એટલે કે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. તે ઉપરાંત ત્રણેય ગ્રુપોની ઉપર એક સંઘ સરકાર પણ છે અને એની ધારાસભા પણ છે. બંધારણ સભા પણ બે નહીં, એક જ રહેશે. આમ મિશને લીગની માગણીઓની સદંતર અવગણના કરી છે. આપણી માગણી હતી કે પાકિસ્તાન ગ્રુપને શરૂઆતનાં દસ વર્ષ પછી સંઘમાંથી હટી જવાનો અધિકાર હોવો જોઈએ – અને કોંગ્રેસને પણ આવી શરત સામે ગંભીર વાંધો નહોતો – તેમ છતાં એ માંગ મિશનના સ્ટેટમેંટમાં કાઢી નાખવામાં આવી છે. સંઘની બંધારણ સભામાં પ્રાંતોના ૨૯૨ પ્રતિનિધિઓ હશે, એમાં માત્ર ૭૯ મુસલમાનો હશે. બીજી બાજુ, રજવાડાંઓના ૯૩ પ્રતિનિધિ હશે જે મોટા ભાગે હિન્દુ હશે. આમ મુસલમાનોનું પ્રતિનિધિત્વ વધારે પાતળું થઈ જશે.

હવે આ યોજના સ્વીકારવી કે નહીં તે લીગની વર્કિંગ કમિટીએ નક્કી કરવાનું છે.

કૅબિનેટ મિશનની ટિપ્પણી

૨૫મીએ કૅબિનેટ મિશને આ બન્ને નિવેદનો પર ટિપ્પણી કરી. એમણે કહ્યું કે લાંબી ચર્ચાઓ છતાં બન્ને પાર્ટીઓના નેતાઓ સમાધાન નથી કરી શક્યા. તે પછી, મિશનના સભ્યોએ બન્ને પક્ષોની રજૂઆતોમાંથી સૌને નજીક લાવે એવાં તત્ત્વો એકઠાં કરીને પોતાની યોજના રજૂ કરી છે. એના કેટલાક મુદ્દા તો સ્પષ્ટ છે, જેમ કે, બંધારણ સભાની સત્તાઓ અને કાર્યોમાં દખલ કરવાનો કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર માત્ર બે બાબતો માટે આગ્રહ રાખે છેઃ લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની વ્યવસ્થા અને સત્તાની સોંપણીની પ્રક્રિયામાં ઊભી થતી બાબતો માટે બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરવાની તૈયારી. તે ઉપરાંત સ્વતંત્ર ભારતની સરકારની ઇચ્છા વિના ભારતની ભૂમિ પર બ્રિટિશ સૈન્યો રાખવાનો પણ સવાલ નથી, પરંતુ વચગાળામાં, બ્રિટિશ પાર્લામેંટની બધી જવાબદારી હોવાથી હમણાં તો બ્રિટિશ સૈન્યો અહીં જ રહેશે.

નહેરુ અને વેવલ વચ્ચે પત્રવ્યવહાર

વર્કિંગ કમિટીની બેઠક ૨૪મીએ ઠરાવ પસાર કરીને મોકૂફ રખાઈ અને ફરી નવમી જૂને મળી પણ તે દરમિયાન જવાહરલાલ નહેરુએ વાઇસરૉય લૉર્ડ વેવલ સાથે પત્રવ્યવહાર કર્યો. નહેરુએ લખ્યું કે કોંગ્રેસની શરૂઆતથી જ એ માંગ રહી છે કે વચગાળાની સરકારને ખરા અર્થમાં રાષ્ટ્રીય સરકારનો દરજ્જો આપવા માટે કાયદાકીય અને બંધારણીય સુધારા જરૂરી છે. વર્કિંગ કમિટી માને છે કે ભારતની સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે એ મહત્ત્વનું છે. જો કે, આપ અને લૉર્ડ પૅથિક લૉરેન્સે ખાતરી આપી છે કે બંધારણીય સુધારા માટે અમુક સમય લાગશે, પણ તે દરમિયાન વચગાળાની સરકાર વ્યવહારમાં ખરેખર રાષ્ટ્રીય સરકાર હશે. તે ઉપરાંત, હમણાંની સ્થિતિ મુજબ સરકાર સેંટ્રલ ઍસેમ્બ્લીથી સ્વતંત્ર છે, પણ આપણે નવી પરંપરા શરૂ કરવી જોઈએ કે સરકારનું અસ્તિત્વ સેંટ્રલ ઍસેમ્બ્લીનો વિશ્વાસ ટકાવી રાખવા કે ગુમાવવા પર આધારિત રહેશે. આ બે મુદ્દા પર સંતોષકારક પગલાં લેવાય તો બીજા જે પ્રશ્નો છે તેનું આપણે નિરાકરણ લાવી શકીશું.

વેવલે જવાબમાં કહ્યું કે “બહુ જ ઉદાર ઇરાદા હોય તે પણ કાગળ પર ઉતારતાં ઔપચારિક ભાષામાં એ ઓળખાય તેવા નથી રહેતા.” એણે ઉમેર્યું કે એક વાત સ્પષ્ટ છે કે મેં તમને એવી ખાતરી નથી આપી કે વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ સત્તાઓ મળશે; પરંતુ મેં કહ્યું છે કે બ્રિટિશ સરકાર વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ માનશે અને શક્ય હોય તેટલી વધુમાં વધુ સ્વતંત્રતા આપશે.

આમ છતાં વર્કિંગ કમિટીની બેઠક નવમી જૂને મળી તે પછી ૧૩મીએ કોંગ્રેસ પ્રમુખે વેવલને લખ્યું કે જવાહરલાલ નહેરુએ એમના પત્રવ્યવહાર વિશે ચર્ચા કરી છે અને અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે વચગાળાની સરકાર ‘સમાનતા’ (કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સભ્યોની એકસરખી સંખ્યા)ના આધારે બનાવવાની છે પણ અમે એવી સરકાર બનાવી શકીએ તેમ નથી. ૧૯૪૫માં તમે સિમલામાં કૉન્ફરન્સ બોલાવી હતી તેની ફૉર્મ્યુલા એ હતી કે ‘સમાનતા’ સવર્ણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રાખવાની હતી. એ વખતે લીગ માટે મુસ્લિમ સીટો અનામત નહોતી રાખી, અને મુસ્લિમ સીટો પર બિન-લીગી મુસલમાનને પણ લેવાની વ્યવસ્થા હતી. હવે મુસ્લિમ સીટો લીગ માટે અનામત છે, એટલે બિન-લીગી મુસલમાન પણ ન આવી શકે. આથી હિન્દુઓ સાથે અન્યાય થાય છે. અમે આવી વ્યવસ્થા સ્વીકારી ન શકીએ. વળી મિશ્ર સરકારનો એક સહિયારો દૃષ્ટિકોણ હોવો જોઈએ. તે વિના સરકાર ચાલી જ ન શકે. આવી સરકાર બનાવવાની યોજનામાં આ વાતને તો તિલાંજલી આપી દેવાઈ છે. આથી મારી વર્કિંગ કમિટીને વિશ્વાસ નથી કે સરકાર ચલાવી શકાશે. ૧૪મીએ કોંગ્રેસ પ્રમુખે બીજો પત્ર લખ્યો. તે પહેલાં એ વેવલને મળી આવ્યા હતા. એ વખતે વેવલે એમને કહ્યું હતું કે મુસ્લિમ લીગે જે નામો આપ્યાં છે તેમાંથી એક વાયવ્ય સરહદ પ્રાંતનો છે, જે હાલની ચૂંટણીમાં હારી ગયો હતો. મૌલાના આઝાદે એને સામેલ કરવા સામે પોતાના પત્રમાં વાંધો લીધો, પરંતુ વેવલે જવાબમાં કહ્યું કે કોંગ્રેસને લીગના પ્રતિનિધિ સામે વાંધો લેવાનો હક નથી. ૧૪મીએ મૌલાના આઝાદે ફરી પત્ર લખીને પોતાના વાંધાઓનું પુનરાવર્તન કર્યું.

પણ વેવલે કહ્યું કે વાતચીતમાં થોડા વિરામની જરૂર છે. એણે કહ્યું કે માત્ર રાજકીય પ્રતિનિધિઓની નહીં પણ અધિકારીઓની સરકાર બનાવવી પડશે.. તે પછી ફરી ઘટનાચક્ર ફર્યું. વાઇસરૉયે નવી જ જાહેરાત કરીને બન્ને પક્ષો સામે નવી સ્થિતિ ઊભી કરી દીધી. આના વિશે આવતા અઠવાડિયે વાત કરીશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I