(૧) લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે નવી રીત
લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો પહેલાં તો ડૉનરના લિવરને કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે. પરંતુ, હવે એને શરીરના તાપમાને જ રાખવાની નવી રીત શોધાઈ છે. લિવરને થીજવી દેવાથી એની પેશીઓ સારી નથી રહેતી અને ક્યારેક એવું બને કે લિવર ગોઠવવા લાયક પણ નથી રહેતું હોતું.
૧૮મી ઍપ્રિલના Nature સામયિકમાં આ નવી રીતના શોધક દરાયસ મિર્ઝાનો લેખ પ્રકાશિત થયો છે. એમણે સૌ પહેલી વાર ક્લિનિકલ ચકાસણીમાં દેખાડ્યું છે કે લિવરને સામાન્ય તાપમાને રાખી શકાય તો એ વધારે સારી રીતે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એમણે આના માટે એક મશીન બનાવ્યું છે, જેને Metra ( ગ્રીક – ગર્ભ) નામ આપ્યું છે. પશ્ચિમ યુરોપના દેશોમાં ૨૨૦ દરદીઓ પર આનો અખતરો કરાયો છે. અમુકને વૉર્મ સ્ટોરેજમાં રાખેલું લિવર અને અમુકને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલું લિવર આપવામાં આવ્યું. આમાં ૩૭૦C પર રાખેલું વૉર્મ સ્ટોરેજનું લિવર વધારે જલદી સામાન્ય રીતે કામ કરવા લાગ્યું.
મેટ્રા મશીનમાં એને ઑક્સીજનયુક્ત લોહી, લોહી ગંઠાય નહીં એવી દવાઓ અને બીજાં પોષક તત્ત્વો અપાય છે. પરંતુ આ રીત હજી બહુ ખર્ચાળ છે એટલે એ ખરેખર ક્યારે સામાન્ય વપરાશમાં આવશે તે વિચારવાનો વિષય છે.
સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-04816-8
૦૦૦
(૨) અમેરિકામાં ‘ગન કલ્ચર’ અને જાહેર આરોગ્ય
અમેરિકામાં દર વર્ષે પિસ્તોલના ઉપયોગને કારણે ૩૬,૦૦૦ મૃત્યુ થાય છે (દરરોજનાં ૧૦૦ મૃત્યુ)! આમાંથી લગભગ ૬૦ ટકા આપઘાત હોય છે. ૧ ટકા મૃત્યુ અકસ્માતે ગોળી છૂટી જવાથી થાય છે અને ૪૦ ટકા મૃત્યુ કોઈ ઉન્માદીએ સ્કૂલ, ચર્ચ કે સાર્વજનિક સ્થળે કરેલા ગોળીબારમાં થાય છે. આમ છતાં, ત્યાં આજે પણ નાનાં હથિયારો સહેલાઈથી મળે છે. આરોગ્યલક્ષી સામયિક Lancetના તાજા અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ‘ગન કલ્ચર’ને રાજકીય કે સુરક્ષાત્મક નહીં પણ સાર્વજનિક આરોગ્ય પર એની અસરોની દૃષ્ટિએ મુલવવામાં આવ્યું છે. માત્ર મૃત્યુ નહીં, જીવનને બદલી નાખે એવી ઈજાઓ અને માનસિક સ્વાસ્થ્યને થતું નુકસાન પણ બહુ મોટું હોય છે. પોતાના મિત્રને મરતો જોઈને કાયમી માનસિક આઘાત અનુભવનારાઓની સંખ્યા તમામ મનોરોગીઓમાં ૧૦ ટકા જેટલી છે.
છેલ્લા દસ વર્ષમાં અમેરિકામાં શસ્ત્રોનું વેચાણ અભૂતપૂર્વ વધ્યું છે. લગભગ ૨૭ ટકા નાગરિકો પાસે ૩૦ કરોડ હથિયારો છે જે ઘરના કોઈ પણ સભ્યના હાથમાં પડી શકે છે. પરંતુ ‘ગન કલ્ચર’નો અભ્યાસ એની લાંબા ગાળે લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર પડતી આડ-અસરોની દૃષ્ટિએ કદી નથી થયો.
સંદર્ભઃ http://www.thelancet.com/pdfs/journals/lanpub/PIIS2468-2667(18)30072-0.pdf
૦૦૦
(૩) એક પ્રાચીન ગ્રહની પૃથ્વીને ભેટઃ હીરા!
૨૦૦૮ની ૭મી ઑક્ટોબરે સૂદાનમાં નબીના રણમાં એક ઊલ્કા પડી, જેને હવે 2008TC3 નામ અપાયું છે. ઉલ્કાનો વ્યાસ માત્ર ચાર મીટરનો હતો અને એના ટુકડા આખા રણમાં વેરાયા. આમાંથી વૈજ્ઞાનિકોએ ૧થી ૧૦ સે. મી.ના માત્ર પચાસ ટુકડા એકઠા કરીને એનું પૃથક્કરણ કર્યું. એમને જોવા મળ્યું કે એમાં યૂરેલાઇટ છે, જે પથ્થર જેવું હોય છે અને ઘણી વાર એમાંથી હીરા બને છે. પરંતુ યૂરેલાઇટવાળી ઉલ્કા ક્યાંથી આવી? એમણે તારણ કાઢ્યું કે આપણી સૂર્યમાળા માંડ દસેક લાખ વર્ષની હતી ત્યારે પહેલાં ગ્રહોના ગર્ભસ્થાન જેવા પિંડ બન્યા હતા, એમાં યૂરેલાઇટ હતું. વૈજ્ઞાનિકોએ આના માટે ૧૦૦ માઇક્રોનની સાઇઝના મોટા હીરાઓની ઉલ્કામાં દેખાતા હીરાઓ સાથે તુલના કર્યા પછી નક્કી કર્યું કે એ બન્નેનું ઉદ્ગમસ્થાન એક જ છે.
ઉલ્કામાં જોવા મળેલા હીરાઓમાં ક્રોમાઇટ, ફોસ્ફેટ અને આયર્ન-નિકલ સલ્ફાઇડ પણ હોય છે જે ૨૦ GPa (ગીગા પાસ્કલ- દબાણનું એકમ) દબાણ હોય તો જ એક સ્થળે દબાય. વૈજ્ઞાનિકો કહે છે કે ગ્રહોના ગર્ભસ્થાનના પિંડનું કદ બુધ અને મંગળની વચ્ચેનું હોય તો જ આવું દબાણ સંભવી શકે. સાડાચાર અબજ વર્ષ પહેલાં આવાં ગર્ભસ્થાનોના પિંડ અથડાઈને નાશ પામ્યા છે પણ હજી કોઈક બાકી રહી ગયો હોવાનું જણાય છે.
સંદર્ભઃ https://actu.epfl.ch/news/meteorite-diamonds-tell-of-a-lost-planet/
૦૦૦
(૪) લખવાનું છૂટી ગયું છે તો વાંચવાનું પણ છૂટી જશે!
અંગ્રેજીમાં એક અક્ષર એવો છે જે વાંચતી વખતે બે જુદી ડિઝાઇનોમાં જોવા મળે છેઃ
સાદી ભાષામાં કહીએ તો પહેલો G બે માળવાળો છે અને બીજો એક માળવાળો. વાંચવાનું આવે ત્યારે આપણે બરાબર વાંચી જઈએ છીએ. પરંતુ લખતી વખતે આપણે બે માળવાળા Gનો ઉપયોગ કરતા નથી. વૅંડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્રયોગ કર્યો. એમને બે માળવાળા ૧૪ G હોય તેવો ફકરો ૩૭ પુખ્ત વ્યક્તિઓને વાંચવા આપ્યો. બધા બરાબર વાંચી ગયા. પછી એમને બે માળવાળો G લખવાનું કહ્યું તો કોઈએ એની ચાંચ પાછળ તરફ બનાવી, તો કોઈએ નીચેનો ગોળો ઉલ્ટો બનાવ્યો.
બરાબર વાંચનારા બરાબર લખી કેમ ન શક્યા? સંશોધકોનું તારણ છે કે આપણે એને G તરીકે વાંચતાં શીખ્યા છીએ, પણ લખતાં નથી શીખ્યા! લખવાનું આવે ત્યારે આપણે પ્રતીકને ઓળખતા હોઈએ તે પૂરતું નથી. લખવામાં એનો વ્યવહાર કરીએ તો જ બરાબર લખી શકીએ.
સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/04/180403140403.htm
વિશેષઃ
આજે કૉમ્પ્યુટર દ્વારા ટાઇપ કરીને આપણે ઘણું ‘લખીએ’ છીએ, પણ એવુંય બને ખરું કે આપણે આગળ જતાં કોઈ પણ ધ્વનિ-પ્રતીક લખી નહીં શકીએ, માત્ર ઓળખી શકશું અને કામ ચલાવી લઈશું. જો પ્રતીક ન ઓળખી શકીએ તો વાંચી પણ ન શકીએ, એ તો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે આ શું લખ્યું છે તે આપણે વાંચી પણ નહીં શકીએઃ தமிழ். કઈ ભાષામાં લખ્યું છે તે પણ ખબર નહીં પડે. (આ તમિળમાં લખેલો શબ્દ ‘તમિળ’ છે). માનો કે ચેન્નઈ જઈએ, ધ્વનિના પ્રતીકને ઓળખતા થઈ જઈએ, અને વાંચી પણ લઈએ. પરંતુ લખી શકીએ?
માત્ર વાંચી લેવાનું પૂરતું નથી, હાથેથી લખવાનું પણ જરૂરી છે, પણ આપણે પોતે જ લખવાનું છોડી દીધું છે, તો આપણાં સંતાનો અને એમનાં સંતાનો લખી શકશે ખરાં? અને લખી નહીં શકે તો કૉમ્પ્યુટરના સ્ક્રીન સિવાય પુસ્તકમાંથી વાંચી શકશે?