India: Slavery and struggle for freedom :: Part – 1: Slavery ::Chapter – 8

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૮: દુકાળનાં વર્ષો

૧૬૨૦માં કંપનીનો વેપાર ધમધોકાર ચાલી નીકળ્યો હતો. સૂરત એનું મુખ્ય કેન્દ્દ્ર હતું. સૂરતની ફૅક્ટરીના મુખ્ય અધિકારીને ‘પ્રેસિડન્ટ’નું પદ અપાયું હતું અને સૂરત પ્રેસીડન્સી હેઠળ મલબારથી માંડીને રાતા સમુદ્રનાં બધાં વેપારી કેન્દ્રોને મૂકવામાં આવ્યાં હતાં. એક પ્રેસીડન્ટ હેઠળ બસ્સો ફૅક્ટર હતા. ૧૬૨૦ સુધીમાં કંપનીએ ૩૦-૪૦ જહાજ મેળવી લીધાં હતાં, લંડનમાં એના પ્રમુખના ઘરમાંથી એનું કામકાજ ચાલતું હતું તેની જગ્યાએ નવી જગ્યા ખરીદી લીધી હતી. જો કે હજી એનું કામકાજ દરેક ખેપ માટે અલગથી શેરો વેચીને ચાલતું હતું પણ એમાં ભારે વધારો થયો હતો. ૧૬૧૩માં કંપની ૪,૧૮,૦૦૦ પૌંડ એકઠા કરી શકી હતી, તો ૧૬૧૭માં એ ૧૬ લાખ પૌંડના શેરો વેચી શકી હતી. લંડનની ઑફિસમાં કંપનીના સ્ટાફમાં પણ હવે પાંચને બદલે અઢાર માણસો કામ કરતા હતા!

જહાંગીરનું મૃત્યુ અને શાહજહાં ગાદીનશીન

૧૬૨૭ની ૨૮મી ઑક્ટોબરે શહેનશાહ જહાંગીરનું ૫૮ વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું. શાહજાદા શહરયારને સૌ ‘નકામા’ તરીકે ઓળખતા હતા અને શાહજાદા ખુર્રમ (પછી શાહજહાં) પર સૌની નજર હતી. પણ એ ગુજરાતમાં હતો. એ પહોંચે તે પહેલાં જહાંગીરની એક બેગમ નૂર મહલ સત્તા કબજે કરી લેવા માગતી હતી. ખુર્રમના ત્રણ પુત્રો, દારા, શૂજા અને ઔરંગઝેબ પણ એની પાસે હતા. જહાંગીરના ત્રણ ખાસ માણસોએ શહેરમાં અંધાધૂંધી ન ફેલાય તે માટે જહાંગીરના બીજા એક પુત્ર ખુશરોના પુત્ર બુલાકીને વચગાળા માટે સત્તા સોંપી. નૂર મહલની શાહી મહેલમાંથી હકાલપટ્ટી કરી અને ખુર્રમના ત્રણ પુત્રોને સંભાળી લીધા. ૧૬૨૮ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ ખુર્રમ શાહજહાં નામ ધારણ કરીને ગાદીએ બેઠો.

૧૬૩૦નો ભયંકર દુકાળ

શાહજહાંનાં પહેલાં બે વર્ષમાં જુદા જુદા પ્રદેશો કબજે કરવાનું અને રાજ્યના વિદ્રોહીઓને દબાવવાનું ચાલુ રહ્યું. પણ ૧૬૨૯માં વરસાદ ન પડ્યો. ૧૬૩૦નું વર્ષ પણ કોરું રહ્યું. ગુજરાત ને દખ્ખણ ગોઝારા દુકાળમાં સપડાયાં. લોકો ભૂખથી ટળવળતાં હતાં પણ અનાજનો એક દાણો પણ નહોતો. ‘બાદશાહ નામા’નો લેખક અબ્દુલ હમીદ લાહોરી કહે છે કે લોકો રોટી માટે જાન લેવા કે દેવા તૈયાર હતા. (“જાને બા નાને– એટલે કે જાનના બદલામાં નાન). સ્થિતિ એટલી વણસી કે માણસ બીજાને મારીને એનું માંસ ખાવા લાગ્યો. બાળક હોય તો એને જોઈને માણસને પ્રેમ ન જાગતો પણ એના માંસ માટે લાલસા જાગતી. જ્યાં હરિયાળાં ખેતરો ઝૂમતાં હતાં ત્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. બાદશાહે બુરહાનપુર, અમદાવાદ, સૂરત અને ઘણી જગ્યાએ લંગરો શરૂ કર્યાં. દુકાળની સૌથી ખરાબ અસર અમદાવાદમાં દેખાતી હતી. સલ્તનતે ૮૦ કરોડ રૂપિયા, એટલે કે બધી મહેસૂલી આવકમાંથી ૧૧મો ભાગ રાહત માટે ખર્ચ્યો. (સંદર્ભ૨ પૃષ્ઠ ૨૬૨૭).

તાજ મહેલ

આ દુકાળની આફત વચ્ચે શાહજહાંની આલિયા બેગમ (પટરાણી) મુમતાજ મહેલ (અર્ઝમંદ બાનુ બેગમ)નું ૧૪મા સંતાનને જન્મ આપતાં મૃત્યુ થયું. એણે બાદશાહને આઠ પુત્રો અને છ પુત્રીઓ આપી, તેમાં ત્રીજું સંતાન અને સૌથી મોટો પુત્ર દારા શિકોહ. ચોથો મહંમદ શુજા, છઠ્ઠો ઔરંગઝેબ અને દસમો મુરાદ બખ્શ હતો. બાદશાહને એ વહાલી હતી. (સંદર્ભ, પૃષ્ઠ ૨૯). શાહજાહાંને લાગ્યું કે આ દુકાળ અપશુકનિયાળ હતો અને એ જ કારણે એની બેગમનું મૃત્યુ થયું.એની યાદમાં એણે તાજમહેલ બનાવવાની શરૂઆત કરી અને લોકોની હાલત એ હતી કે કોઈ એમને પેટ ભરીને ખાવાનું આપે તો તાજ મહેલ તો શું જે માગો તે આપવા તૈયાર હતા!

આ બધાં કારણોની અસર કંપનીના વેપાર પર પણ પડી. ૧૬૧૧થી ૧૬૨૦ દરમિયાન કંપનીએ ૫૫ જહાજો મોકલ્યાં પણ તે પછીના દસકામાં ૧૬૩૦ સુધી ૪૬ અને તે પછી ૩૫ જહાજો મોકલી શકાયાં. નફો પણ પહેલા દાયકામાં ૧૫૫ ટકા હતો તે ઘટીને ૮૭ ટકા પર આવી ગયો. ૧૬૪૦ પછી માત્ર ૨૦ જહાજ આવ્યાં અને નફો ઘટીને ૧૨ ટકા જ રહ્યો. લંડનમાં કંપનીની અંદર ઘમસાણ પણ ચાલ્યું.

સૂરતમાં કંપનીના પ્રેસીડેન્ટ રાસ્ટેલ માટે પણ આ કપરો સમય હતો. એણે પારસ અને બીજાં સ્થળોએથી અનાજ, ચોખા વગેરે મંગાવવાનું શરૂ કર્યું.

નવેમ્બરમાં એક ફૅક્ટર પીટર મંડી સૂરતથી બુરહાનપુર જવા નીકળ્યો. એણે લખ્યું કે એક ગામની હાલત જોઈને આગળ વધો અને બીજે ગામ પહોંચો તો ત્યાં વધારે ખરાબ હાલત જોવા મળે. આખા રસ્તે સડતી લાશોની ગંધ ફેલાયેલી હતી. એ દોઢસો વણકરો અને કસબીઓને લઈને નીકળ્યો હતો પણ રસ્તામાં ગામો ખાલી થતાં હતાં અને જેટલા વણકર મળ્યા તે જોડાઈ જતા. આખી વણઝાર બુરહાનપુર પહોંચી ત્યારે પેટનો ખાડો પૂરવાની આશાએ સંખ્યા ૧૭૦૦ પર પહોંચી હતી. સૂરત પાસેના સુવાલીમાં અઢીસોથી વધારે કુટુંબો હતાં તેમાંથી માત્ર દસ-બાર મરવા વાંકે જીવતાં હતાં.

સૂરતમાંથી દરરોજ ૧૫ ગાંસડી કાપડ મળતું તેને બદલે મહિનામાં ૩ ગાંસડી રહી ગયું અમદાવાદ મહિને ૩૦૦૦ ગાંસડી ગળી આપતું તે ઘટીને માત્ર ૩૦૦ ગાંસડી જ રહ્યું. એકલા સૂરતમાં ૩૦ હજાર મોત થયાં. કંપનીની ફૅક્ટરીમાં ૨૧માંથી ૧૪ ફૅક્ટર મોત ભેગા થઈ ગયા હતા અને ખુદ પ્રેસીડેન્ટ રાસ્ટેલ પણ એમાં જ મરાયો. પીટર મંડી ૧૬૩૩માં સૂરત પાછો આવ્યો ત્યારે એણે લખ્યું કે સૂરતને બેઠા થતાં વીસ વર્ષ લાગી જશે.

સૂરતનો પડતીનો લાભ કંપનીની કોરોમંડલ અને મલબારને કાંઠે આવેલી ફૅક્ટરીઓને મળ્યો અને એમણે પહેલી વાર બંગાળમાં પ્રવેશ કર્યો. સિંધના લાહિરીબંદરમાં પણ એક ફૅક્ટરી શરૂ થઈ ગઈ. આ બાજુ રાસ્ટેલના મૃત્યુ પછી મૅથવૉલ્ડ સૂરતના પ્રેસીડેન્ટ તરીકે આવ્યો. પરંતુ સ્થિતિ એવી હતી કે સૂરતની ફૅક્ટરીને અધીન ચાલતી ભરૂચ, વડોદરા, ખંભાત અને અમદાવાદની ફૅક્ટરીઓ બંધ કરવી પડી. આ સંયોગોમાં કંપનીએ પોર્ટુગલની કંપની સાથે સમજૂતી કરવામાં શાણપણ માન્યું. ૧૬૩૫માં બન્ને વચ્ચે ગોવામાં કરાર થયા ત્યારે તો સ્થિતિ બહુ સુધરવા લાગી હતી. ૩૦ વર્ષ પછી લંડનની કંપનીના એજન્ટો સૂરતમાં પોર્ચુગીઝોના ડર વિના વેપાર કરી શક્યા.

૦-૦-૦

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. BADSHAH-NAMA OF ABDU-L HAMID LAHORI “SHAH JAHAN” The original of this book is in the Cornell University Library. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

%d bloggers like this: