India: Slavery and struggle for freedom :: Part 1:: Slavery :: Chapter 6

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૬: થોમસ રોના આગમન પહેલાં

મિડલટન ૧૬૧૨ની શરૂઆતમાં સૂરત પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી કે ત્યાં કંપનીનો કોઈ એજન્ટ નહોતો અને ફૅક્ટરી પણ બંધ થઈ ગઈ હતી. મકર્રબ ખાને એને બંદરેથી જ પાછો કાઢ્યો. લંડનમાં કંપનીને મિડલટનના શા હાલ થયા તે ખબર જ નહોતી! એટલે એણે ફરી પછી છ મહિને સપ્ટેમ્બરમાં થોમસ બેસ્ટને મોકલ્યો. કંપની પહેલાં તો સારા વેપારીને કપ્તાન બનાવીને મોકલતી કે જેથી એ ત્યાં જઈને વેપાર જમાવે. પણ સૂરત સુધી પહોંચવામાં બહુ મુશ્કેલીઓ પડતી હતી એટલે સારા નાવિકને કપ્તાન બનાવવાનો વિચાર કર્યો. પરંતુ એ વેપારમાં કંઈ જાણતો ન હોય! એટલે કંપનીએ રસ્તો કાઢ્યો. સારા સાગરખેડૂ અને સારા વેપારી પર એક ‘જનરલ’ નીમ્યો, જે બહુ સારો વેપારી કે નાવિક ન હોય તોય સારો નેતા હોય. થોમસ બેસ્ટ એમની નજરે આવો માણસ હતો.

૧૬૧૨ની સાતમી સપ્ટેમ્બરે બેસ્ટ તાપી નદીના મુખપ્રદેશમાં પહોંચ્યો.

(Voyage… પૃષ્ઠ૧૦૫)

અહીં એને મિડલટનનું શું થયું તે ખબર પડી. મુકર્રબ ખાને કંપનીના ફૅક્ટરોને પણ હાંકી કાઢ્યા હતા.

આ બાજુ મિડલટને રાતા સમુદ્રમાં મોગલોનાં જહાજો પર હુમલા કરીને બદલો લઈ લીધો હતો. બેસ્ટ માટે આ નવી મુસીબત હતી. હવે મોગલો સાથે વાત કરવાનું એને વધારે મુશ્કેલીભર્યું લાગ્યું. એ તો પાછો બેન્ટમ ટાપુ પર જવા માગતો હતો પણ એ સુરતના કાંઠે લાંગરે તેના બે દિવસ પહેલાં પાંચમી તારીખે કંપનીનો એક જાદુ ( voyage…માં Jadoa નામ છે) નામનો એક ફૅક્ટર અને એના સાથીઓ એને મળી ચૂક્યા હતા અને ખાતરી આપી હતી કે કંપની વેપાર કરી શકશે. એટલે બેસ્ટ રોકાયો અને અંતે બે દિવસ પછી સૂરત પહોંચ્યો. જાદુએ મુકર્રબ ખાનને મનાવી લીધો. મુકર્રબ ખાન તો લાંચિયો હતો જ. આમ બેસ્ટને વેપાર માટે હંગામી શાહી ‘ફરમાન’ મળી ગયું. ખાને ખાતરી પણ આપી કે જહાંગીર બાદશાહ પણ ચાળીસ દિવસમાં એના પર મંજૂરીની મહોર મારી દેશે. ખાને બેસ્ટને કહ્યું કે કંપની બાદશાહના દરબારમાં પોતાનો દૂત મોકલે અને મંજૂરી મેળવી લે.

થોડા જ દિવસોમાં રાજા જેમ્સના પત્ર અને મોંઘી ભેટો સાથે લૅન્સ્લૉટ કૅનિંગ સૂરત પહોંચી આવ્યો. લૅન્સ્લૉટ કૅનિંગ સંગીતકાર હતો અને એનો ભાઈ પોલ કૅનિંગ જહાજમાં વેપારી હતો. બન્ને ભાઈઓ આગરા ગયા અને ત્યાં જ પહેલાં લૅન્સ્લૉટ અને પછી પોલ, બન્ને મૃત્યુ પામ્યા. (એમનો એક ભાઈ જ્યોર્જ કેનિંગ પણ હતો જેના વંશમાં ચાર્લ્સ કેનિંગ થયો. એ ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનો ગવર્નર જનરલ હતો. આમ કેનિંગ પરિવાર ભારત સાથે પહેલેથી જ સંકળાયેલો હતો!).

સુવાલીની લડાઈ

પરંતુ એના પહેલાં પોર્ચુગીઝ કંપનીએ બેસ્ટના ત્રણ માણસોને કેદ કરી લીધા હતા. બદલામાં બેસ્ટે એમને છોડાવવા માટે સૂરતથી દૂર સુવાલી ગામ પાસે પોતાના કાફલા સાથે હટી ગયો હતો. આ બાજુ રાતા સમુદ્રમાં મિડલટનના કબજામાંથી છૂટેલાં બે જહાજો સૂરતની નજીક પહોંચ્યાં. બેસ્ટ પોતાના માણસોને છોડાવવા માગતો હતો એટલે એણે સૂરતના મોગલ સત્તાવાળાઓ પર દબાણ કરવા એક જહાજને બાન તરીકે પકડી લીધું. શહેરના મહાજનો એને સમજાવવા ગયા તો એ માણસોને તો જવા દેવા તૈયાર થયો પણ જહાજનો કબ્જો ન મૂક્યો. એ પછી સૂરત પાસે સુવાલી ગામે ચાલ્યો ગયો.

સુવાલી પહોંચ્યો ત્યારે એને સમાચાર મળ્યા કે પોર્ચુગીઝ કંપની એના પર હુમલો કરવાની તૈયારી કરે છે. ચાર જહાજો સાથે પોર્ચુગીઝોએ હુમલો કર્યો પણ અંતે લંડનની કંપનીનાં જહાજોને ફતેહ મળી.

(Voyage પૃષ્ઠ ૧૩૬)

આ ક્ષેત્રમાં પોર્ટુગલની કંપનીની એકહથ્થુ સત્તા હતી અને એ કોઈને આવવા દેવા નહોતા માગતા પણ સુવાલીની લડાઈએ એમનું વર્ચસ્વ તોડ્યું અને ઇંગ્લૅંડની કંપની માટે માર્ગ ખુલ્લો થયો. થોમસ બેસ્ટે બે દિવસની લડાઈમાં આ સફળતા મેળવી હતી. બીજા દિવસની લડાઈ તો મોગલ નૌકા કાફલો કિનારેથી અહોભાવ પૂર્વક જોતો હતો. અંગ્રેજી કંપનીની ફતેહની મોગલો પર બહુ સારી અસર પડી. દરમિયાન, આગરામાં જહાંગીર પણ ભેટ તરીકે મળેલી ચીજવસ્તુઓથી પ્રસન્ન થયો કે વેપાર માટે તૈયાર થઈ ગયો, ગમે તે કારણે, એણે ફરમાન પર મંજૂરીની મહોર મારી દીધી.

સૂરતની ફૅક્ટરીનો પહેલો ફૅક્ટર થોમસ ઑલ્ડવર્થ સૂરતનો કાંઠો છોડીને જેમ બને તેમ જલદી બૅન્ટમ ટાપુ તરફ જવા માગતો હતો પણ એને એજન્ટોએ સમજાવ્યો અને બહુ માલ ભરીને સીધા સૂરતથી લંડન પહોંચનારું સૌ પહેલું જહાજ એનું જ હતું! એની પાસે બ્રિટનમાં બનેલું ઘણું કાપડ હતું એને એમ હતું કે એ લંડનના ટ્વીડને એશિયામાં લોકપ્રિય બનાવી દેશે પરંતુ એ માલ તો વેચાયો નહીં. થયું ઉલટું. એશિયામાં ટ્વીડની ધૂમ બોલાય તેને બદલે લંડનમાં હિંદુસ્તાનનું કાપડ – નૅપકીનો, ટેબલ ક્લોથ, બેડ શીટ્સ, ચાદરો, ફર્નિચર માટેનું નરમ કાપડ (અને ગંજી-જાંઘિયા પણ ખરા!) વગેરે મોટાં ધનાઢ્ય ઘરોની શોભા વધારવા લાગ્યાં અને હિંદુસ્તાનના શબ્દો – કેલિકો. કાશ્મીરી, ટાફ્ટા, મસલિન અંગ્રેજી ભાષામાં ઘૂસી ગયા!

જહાંગીરના દરબારમાં રાજદૂત!

૧૬૧૪માં હિંદુસ્તાનમાં કંપનીનો વેપાર જામી ગયો હતો. હવે કંપનીએ વિલિયમ કીલિંગને હિંદુસ્તાનના વેપારનો વહીવટ સંભાળવા મોકલ્યો. જુદા જુદા પ્રદેશોમાં એજન્ટો નીમવાની એને સત્તા આપી. થોમસ બેસ્ટની સફળતા પછી હવે વેપારને કાયમી ધોરણે સુદૃઢ કરવાનો હતો. હજી કોઈનેય કલ્પના નહોતી કે ભારતમાં અંગ્રેજી શાસનના પુલાઉ રુનમાં વવાયેલાં બીજના અંકુરો સૂરતને કાંઠે ફૂટી નીકળ્યા હતા.

બીજી બાજુ, અહીં જહાંગીર અને પોર્ચુગીઝ કંપનીના સંબંધો બગડ્યા હતા. હમણાં સુધી તો ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર વેપારીઓ કે નાવિકોને મોકલતી પણ પોર્ચુગીઝોના પ્રભાવને ખાળવાનું જરૂરી હતું. પોર્ટુગલની કંપનીને પાછળ રાખી દેવા માટે કંપનીના હોદ્દેદારોના મગજમાં વીજળી જેમ એક નવો વિચાર ચમક્યો. રાજા જેમ્સ જહાંગીરના દરબારમાં પોતાનો રાજદૂત નીમે તો કેવું?

રાજા જેમ્સને આ વિચાર તો ગમ્યો પણ વેપારીઓની વાતને એ મુત્સદીગીરીમાં બહુ મહત્ત્વ આપવા માગતો નહોતો. આથી કંપનીએ રાજદૂતનો બધો ખર્ચ ઉપાડી લેવાનું નક્કી કર્યું.

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)
2. Voyage of Thomas Best –To the East Indies, 1612-1614. Edited by William Foster, Asian Educational Services -1995 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


%d bloggers like this: