India: Slavery and struggle for freedom :: Part 1: Slavery :: Chapter – 9

ભારતઃ ગુલામીઅને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૧: ગુલામી

પ્રકરણ ૯ : કંપની ફડચામાં અને નવી કંપનીની રચના

રાજાની સંડોવણી સાથે ચાંચિયાગીરી!

પોર્ટુગલ સાથેની સમજૂતીથી લાભ તો થયો જ હતો અને મૅથવૉલ્ડનો વિશ્વાસ સાચો પડે એમ લાગતું હતું. ૧૬૩૬ના ઍપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે મૅથવૉલ્ડ સુવાલી ગયો ત્યાં પાંચસો ટનનું જહાજ ફારસ, સિંધ અને મચિલીપટનમથી ગળી અને કાપડ ભરીને લંડન જવા રવાના થવાની તૈયારીમાં હતું. એ પાછો સૂરત આવ્યો ત્યારે ઊડતી ખબર મળી કે એક અંગ્રેજ જહાજે સૂરતના ‘તૌફિકી’ અને દીવના ‘મહેમૂદી’ જહાજોમાં ભરેલો ૧૦,૦૦૦ પૌંડનો માલ લૂંટી લીધો હતો. ઘટના તો આગલા વર્ષના સપ્ટેમ્બરમાં બની હતી પણ સૂરત સુધી ખબર પહોંચતાં છ મહિના લાગી ગયા હતા. મૅથવૉલ્ડને ખાતરી હતી કે કોઈ અંગ્રેજ જહાજ આવું કરે જ નહીં; કોઈ ડચ જહાજે અથવા ફ્રાન્સના કોઈ ખાનગી ચાંચિયાએ આ કામ કર્યું હશે. એટલે એ જાતે જ હાકેમ પાસે ગયો. એણે મેથવૉલ્ડને કેદમાં નાખવામાં આવ્યો પણ એ અંગ્રેજી જહાજનું કામ હશે એમ માનવા તૈયાર નહોતો. પરંતુ તૌફિકીનો કપ્તાન નૂર મહંમદ હાજર થયો અને એણે જુબાની આપી કે લૂંટ કરનારા અંગ્રેજ હતા. એણે કોઈ સોલોમન નામના માણસનું નામ આપ્યું તોય મૅથવૉલ્ડ માનવા તૈયાર નહોતો. અંતે નૂર મહંમદે ચાંચિયાએ આપેલો પત્ર એને દેખાડ્યો: ચાંચિયાએ લખ્યું હતું કે અમે આ જહાજ લૂંટ્યું છે એટલે હવે બીજા કોઈ એને કનડે નહીં! (સંદર્ભ, પૃષ્ઠ ૨૩૬૨૩૯).

આ ચાંચિયાગીરી તો ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ પહેલાની મહેરબાનીથી જ થઈ હતી! હિંદુસ્તાની જહાજોને લૂંટનારાં બ્રિટિશ જહાજ ‘રીબક’ ને ‘સમરીતાન’ રાજા ચાર્લ્સ પહેલાની પરવાનગીથી જ આવ્યાં હતાં. જો કે વેપાર પર ઈસ્ટ ઇંડિયા કંપનીનો ઇજારો હતો એટલે બીજો કોઈ વેપાર ન કરી શકે એટલે ચાર્લ્સે આ જહાજોના માલિક એક આગળપડતા વેપારી વિલિયમ કોર્ટીનને દુનિયામાંથી માલસામાન લાવવાની છૂટ આપી, પણ વેપારની તો વાત જ નહીં. આનો ચોખ્ખો અર્થ એ જ થયો કે એમને ચાંચિયાગીરીની છૂટ હતી! એટલે જ એના કપ્તાને બેફિકર થઈને તૌફિકીના નાખુદાને પત્ર આપ્યો હતો! મૅથવૉલ્ડ આઠ અઠવાડિયાં કારાવાસમાં રહ્યો તે દરમિયાન કોર્ટીન ચાંચિયાગીરી માટે બીજું મોટું જહાજ મોકલવાની તૈયારી કરતો હતો!

અધૂરામાં પૂરું, કંપનીના વેપાર અંગે પણ ચણભણ શરૂ થઈ ગઈ હતી. કંપની લંડનમાં બનેલો માલ તો વેચી શકતી નહોતી, માત્ર વિલાસી માલસામાનની આયાત કરતી હતી. એ દેશનું બધું ધન હિંદુસ્તાન અને બીજા એશિયાઈ દેશોમાં વેડફી નાખે છે, એવી છાપ હતી. હિંદુસ્તાનનું કાપડ બ્રિટનમાં આવે તેની ખરાબ અસર તો દેશના ધંધારોજગાર પર પડતી જ હતી. થોમસ રો હજી પાછો જ ગયો હતો. એના રિપોર્ટ પણ કંપનીના સૂરતના વેપારની વિરુદ્ધ જતા હતા.

ગોવામાં લંડન અને પોર્ટુગલ વચ્ચે સમજૂતી થઈ એ જાણીને મોગલ બાદશાહ તો રાજી થયો જ, પણ ચાર્લ્સ પહેલો વધારે રાજી થયો. એના આશીર્વાદથી હવે કોર્ટીને કંપનીને અપાયેલા પરવાનાની તદ્દન અવગણના કરીને ૧૯૩૬માં એક અનુભવી સાગરખેડૂ વેપારી પીટર વેડલને જહાજો સાથે મોકલ્યો. કંપનીએ આની સામે સખત વાંધો લીધો અને બીજાં વીસ વર્ષ વાંધો લેતી રહી! કોર્ટીન સાથેના કરારમાં કારણ એ અપાયું કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ હિંદુસ્તાનમાં પાકી કિલ્લેબંધી કરીને પોતાની ફૅક્ટરીઓ નથી બનાવી; આથી ઇંગ્લૅન્ડના માણસોની સલામતી નથી રહેતી. આમ કંપનીએ લાઇસન્સનો ભંગ કર્યો છે અને પોતાનો ઈજારો ખોઈ દીધો છે વેડલની હરીફાઇ જોરદાર હતી પણ કંપનીનાં સદ્‌ભાગ્યે વેડલનાં બધાં જહાજો તોફાનમાં સપડાઈને ડૂબી ગયાં.

ઈસ્ટ ઇંડિયા કંપનીનું લીલામ

કોર્ટીને જો કે, મલબાર કાંઠેથી મરી મોકલવામાં ઠીક કામ કર્યું પણ તેય ઈસ્ટ ઇંડિયા કંપનીની સૂરતની ફૅક્ટરીની મદદ લઈને જ થઈ શક્યું. એ જ રીતે, હુગલીને કિનારે પણ વેપાર વધવાના અણસાર હતા. આથી બન્ને જૂથોએ ભારતમાં જ રહીને સાથે મળીને કામ કરવા માટે સહિયારી કંપની બનાવી.

આ બાજુ ઇંગ્લૅન્ડમાં રાજાના તરફદારો અને પાર્લમેન્ટવાદીઓ વચ્ચે ગૃહ યુદ્ધ છેડાઈ પડ્યું. ચાર્લ્સ પહેલાનો શિરચ્છેદ થયો અને ક્રોમવેલે સત્તા સંભાળી લીધી. કંપનીમાં બન્ને પક્ષના માણસો હતા. એકંદરે વેપારને નામે મોટું મીંડું હતું ત્યાં આ નવી આફત આવી પડી હતી.

આથી કંપનીએ નફો દેખાડવા હિંદુસ્તાનમાં જ રહીને આંતરિક બજારમાં માલની લે-વેચ શરૂ કરી. આમ પહેલી વાર કંપની દેશના આંતરિક વેપારમાં આવી. હજી માલ લંડન જતો હતો પણ હવે લંડનના કોઈ માણસને નહીં પણ કોઈ રઝળતો ભટકતો અંગ્રેજ હિંદુસ્તાનમાં જ મળે તેને નોકરીએ લઈ લેવાનું વલણ વધ્યું કારણ કે હવે એમના માટે સવાલ વેપારનો નહોતો પણ કોઈ રીતે હિંદુસ્તાનમાં પોતાની હાજરી ટકાવી રાખવાનો હતો!

લંડનમાં કંપની તૂટવાને આરે હતી. એના નોકરોના પગારોમાં કાપ મુકાયો, ધનના અભાવે જહાજો બાંધવાનું બંધ કરીને ભાડે રાખવાનું શરૂ થયું. હજી વેપાર ચાલતો હતો પણ એ વ્યક્તિગત હતો. કંપનીની કોઈ પરવા નહોતું કરતું.

છેવટે ૧૬૫૭ની ૧૪મી જાન્યુઆરીએ કંપનીએ દેવાળું ફૂંક્યું. માત્ર ૧૪૦૦૦ પૌંડમાં કંપની વેચી નાખવાની જાહેરાત કરી દેવાઈ. લીલામના નિયમ મુજબ એક ઇંચની મીણબત્તી આખી બળી જાય ત્યારે જે છેલ્લી બોલી બોલાય તે ભાવ મળે. પણ બોલી જ ન આવી! આમ પણ લીલામ તો સરકારનું નાક દબાવવા માટે હતું એમ સૌ માનતા જ હતા. ખરેખર. કંપનીમાં નવું ચેતન રેડાયું અને છઠ્ઠી ફેબ્રુઆરીએ કંપનીએ જૉઇંટ સ્ટૉક કંપની તરીકે ફરીથી કામ કરવાનું નક્કી કર્યું. ૧૯મી ઑક્ટોબર ૧૬૫૭ના રોજ નવી કંપની અસ્તિત્વમાં આવી. થોડા જ વખતમાં ૭,૮૬,૦૦૦ પૌંડની મૂડી એકઠી થઈ ગઈ અને માત્ર છ મહિનામાં ૧૩ જહાજો વેપાર માટે નીકળ્યાં પુલાઉ રુન અને સેન્ટ હેલેના ટાપુ ફરી કંપનીના હાથમાં આવ્યા, પરંતુ કંપનીને ખરો રસ તો હવે આ ટાપુઓમાં નહીં પણ સૂરત અને મુંબઈમાં અડ્ડો જમાવવામાં હતો!

આ નવી ઈસ્ટ ઇંડિયા કંપનીએ જ ભારત પર રાજકીય અંકુશ જમાવીને ૧૮૫૮ સુધી રાજ કર્યું. પરંતુ ૧૮૫૮ તો હજી બસ્સો વર્ષ દૂર છે!

મુખ્ય સંદર્ભઃ

1. The Honourable Company: A History of the English East India Company by John Keay Harper Collins Publishers EPub Edition © JUNE 2010 ISBN: 978-0-007-39554-5 Copyright © John Keay 1991.(ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. The English Factories in India – 1634-1636 by Wiliam Foster, Oxford, 1911(ઇંટરનેટ પર ઉપલબ્ધ)


ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


 

%d bloggers like this: