The Sock and the Spinning Wheel

ગાંધીજી અને કામૂ

ફ્રાન્સના વિશ્વવિઅલ્બેર કામૂ (Albert Camus)ખ્યાત સાહિત્યકાર અલ્બેર કામૂ (Albert Camus)ના નામથી કોઈ સાહિત્યપ્રેમી અપરિચિત નહીં જ હોય. પરંતુ વૈચારિક રીતે કામૂ ગાંધીજીની બહુ નજીક હતા, એ વાત કદાચ બહુ જાણીતી નથી.

૧૯૫૫માં રશિયાના નેતાઓ ખ્રુશ્ચેવ અને બુલ્ગાનિન ભારતની મુલાકાતે આવ્યા હતા. રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી આપવા ગયા ત્યારે રશિયન નેતાઓ ભારતીય પરંપરા પ્રમાણે બૂટ ઉતારીને, માત્ર મોજાં પહેરીને સમાધિ સુધી ગયા. આ ઘટના વિશે કામૂએ એક્સપ્રેસના ૨૨ નવેમ્બર ૧૯૫૫ના અંકમાં તંત્રીલેખ લખ્યો જેનું મૂળ ફ્રેન્ચમાં શીર્ષક હતું, La chaussette et le rouet શીર્ષક હતું, image

પત્ર ખોળી કાઢીને સૌ પ્રથમ વાર The Sock and the Spinning Wheel શીર્ષક હેઠળ અંગ્રેજીમાં મૂકવાનો યશ ડૉ. મંગેશ કુલકર્ણીને ફાળે જાય છે. અહીં એ મૂળ અંગ્રેજીમાંથી કરેલો અનુવાદ –મોજાં અને ચરખો’ – શીર્ષક હેઠળ ડૉ. કુલકર્ણી અને ‘ગાંધી માર્ગ’ (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૫)ના આભાર સાથે રજૂ કર્યો છે.

યશ ડૉ. મંગેશ કુલકર્ણી પૂણેની સાવિત્રીબાઈ ફૂળે યુનિવર્સિટીના પોલિટિક્સ ઍન્ડ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન વિભાગમાં અધ્યાપન કાર્ય કરે છે અને તે પહેલાં એમણે ઝોમ્બા (મલાવી), ગોટિંગન (જર્મની), બિલાબાઓ (સ્પેન) અને વિયેના (ઑસ્ટ્રિયા)ની યુનિવર્સિટીઓમાં પણ સેવાઓ આપી છે. એમને ર્કફેલર આર્કાઇવ સેંટર, ન્યૂ યૉર્ક, યુરોપીય કમિશનની ઍરાઝ્મસ મુન્દુસ સ્કૉલરશિપ મળી છે. તે ઉપરાંત એમણે સ્વીડન અને ફ્રાન્સમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે આમાંત્રણ મળ્યું હતું.

ડૉ. કુલકર્ણીએ કેટલાંયે પુસ્તકોનું જાતે અથવા સંયુક્ત રીતે સંપાદન કર્યું છે. વિવિધ વિષયો પરના એમના લેખો નિયમિત રીતે પ્રકાશિત થતા રહે છે અને નજીકના ભવિષ્યમાં અલ્બેર કામૂના રાજકીય વિચારો વિશેનું એમનું પુસ્તક પ્રકાશિત થવાનું છે.

દીપક ધોળકિયા

  મોજાં અને ચરખો

અલ્બેર કામૂ

આ રોમાંચકારી સદીમાં જન્મ લીધો છે એ કેવી મોટી સદ્‍ભાગ્યની વાત છે! મેં જ્યારે વાંચ્યું કે શ્રી બુલ્ગાનિન અને ખ્રુશ્ચોવ ગાંધીની સમાધિ પર ફૂલો ચડાવવા ગયા ત્યારે એમણે બૂટ ઉતારી નાખ્યા અને માત્ર મોજાં જ પહેરી રાખ્યાં હતાં. ખરેખર, મેં કદીયે તદ્દન અસંભવ હોય એવા સપનામાં પણ કલ્પના નહોતી કરી કે એક યોગીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક માર્શલ અને એક કૅપ્ટનને પોતાના બૂટ ઉતારતાં મારા જીવન દરમિયાન હું જોઈ શકીશ. પણ આ હવે એક હકીકત છે. દુનિયાએ આશ્ચર્યથી જોયું કે બસો સશસ્ત્ર ડિવીઝનો અને આખી લશ્કરી મશીનરી એમના વડાઓના રૂપમાં અહિંસાના મહાન ઉપદેશક સમક્ષ નતમસ્તક થવા માટે ઉપસ્થિત થઈ.

એ સાચું કે આવાં અંજલિ આપવાનાં કામોમાં કંઈ હોતું નથી. એ પણ સાચું કે કોઈ ગાંધી એમને પછી મળવાનો હોય અને કંઈ લાભ થવાનો હોય તો આ મહાન અને સારા માણસોમાંથી કોઈ એવો નહીં હોય કે જે પોતાનાં મોજાં ઘસી નાખવા તૈયાર ન હોય, ભલે ને, એમના મોતીજડેલા બૂટ ઉપર મોજાં ચડાવવાં પડે! પરંતુ ખાસ કરીને આ કિસ્સામાં, એક અનિવાર્ય આંતર્વિરોધ પણ છે. વર્ષો સુધી સોવિયેત એન્સાઇક્લોપીડિયા અને લાખો માણસો જે માણસને લોકોની લાગણીઓને ભડકાવનાર અને બ્રિટિશ સામ્રાજ્યવાદનો દલાલ ગણાવતાં રહ્યાં છે તેની જ સમાધિ પર – સાવ જ મૂંગે મોઢે – ફૂલો ચડાવવાનું સહેલું તો નહીં જ રહ્યું હોય.

આ પવિત્રતા એમણે ટીટો તરફ દેખાડેલા મૈત્રીભાવ કરતાં પણ વધારે અચરજભરી છે. ક્રેમલીન અને બેલ્ગ્રાદને તો માત્ર ઔપચારિક બાબતો જ અલગ પાડે છે. છેવટે તો ટીટો એમના જ સાગરિત હતા, જેમનું કામ સામ્યવાદની સ્થાપના અને લશ્કરી તાકાત જમાવવાનું હતું. બીજી બાજુ, ગાંધી અને લેનિન વચ્ચે મૂળભૂત મુદ્દાઓ વિશે જ મતભેદ હતો. એવું નથી કે ગાંધી લેનિન કરતાં ઓછા વાસ્તવવાદી હતા. જરાય નહીં. સીધી સાદી વાત એ છે કે ગાંધી માનતા કે હિંસા એને જે અપનાવે તેને જ રૂંધે છે અને આ વ્યાખ્યા મુજબ લેનિનનું મન સ્વાભાવિક સરળતાને બદલે હત્યાઓમાં જ રાચતું રહ્યું. હિંસા અંતે પ્રભાવહીન નીવડે છે.

મૉસ્કોમાં ગાંધીનો વિરોધ શા માટે થતો હતો? એ્મના પર પસ્તાળ પડતી હતી તે એટલા માટે નહીં કે એમણે અહિંસાના ઉપદેશો આપ્યા, કારણ કે આ ઉપદેશો જે હિંસા આચરતા હોય તેમના માટે જ છે. પરંતુ કારણ એ કે એમણે ૪૦ કરોડના દેશને એક પણ માણસની હત્યા વિના મુક્ત કરાવ્યો. આ યથાર્થ માટે કોઈ એમને માફ કરી શકે? વાસ્તવિકતાને માર્ક્સવાદીઓ પોતાનો ઇજારો માને છે પણ અંતે તો ગાંધી સાચા પડ્યા. બરાબર એ જ ક્ષણથી એ વાંધાને લાયક બની ગયા અને જે લોકો પોતાનો પ્રભાવ વધારવા માટે હિંસાને બહાનાં તરીકે આગળ ધરતા હોય તેવા કેટલાકના મનમાં એ અપરાધભાવ પેદા કરતા રહ્યા, પછી એવા લોકો એમનું નામ લઈને સત્તા પર આવ્યા હોય કે પોતાના ક્રૂર માલિકો મારફતે એમની પૂજા કરતા હોય.

જે હોય તે, અંતે આ મહાન ઉપદેશની વર્ષો સુધી ઠેકડી ઉડાવ્યા પછી, એને ધુત્કાર્યા પછી, ક્રેમલીને એની સમક્ષ માથું નમાવ્યું છે. લોકોની ભૂલવાની શક્તિ આશ્ચર્યજનક છે અને ભલે ને, ફરી પાછું બધું હતું તેવું જ રહે, પણ હવે અમુક શબ્દો બોલવાનું એટલું સહેલું નહીં રહે; કારણ કે તરત એનો જવાબ મળશે, અને ગાંધી ફરી એક વાર સાચા પુરવાર થશે. એનું કારણ એ કે ગાંધીએ શીખવ્યું છે કે શબ્દ પણ એક કાર્ય છે અને જો કોઈ પોતાનું બલિદાન આપવાની હદ સુધી પોતાના જીવનને ઇતિહાસ સાથે જોડી દે તો શબ્દ ઇતિહાસને પણ આકાર આપી શકે છે. ગાંધી માનતા કે હિંસાના ખંધા હઠાગ્રહને માત્ર સૌમ્યતાની અડિયલ મમત અને શાંતિની શક્તિ જ પરાસ્ત કરી શકે. છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારની બંદૂકો સામે લાખો લોકોએ આ માન્યતાને સાચી ઠરાવી છે અને હવે તો છેલ્લા ત્રણ દિવસમાં બે સોવિયેત નેતાઓએ પણ એ કબૂલ કર્યું છે.

પરંતુ સોવિયેત નેતાઓએ હજી પણ પરિપૂર્ણતાના માર્ગમાં એક કદમ આગળ જવાની જરૂર છે. દાખલા તરીકે, શ્રી ખ્રુશ્ચેવે વડાપ્રધાન નહેરુને કહ્યું કે કોઈ દેશ જ્યાં સુધી પોતાના ઉદ્યોગ ન હોય ત્યાં સુધી ખરેખર સ્વતંત્ર નથી હોતો. ગાંધી આ સટીક કથન સાથે સંમત થયા હોત; એમણે તો પોતાના ચરખા દ્વારા દેખાડ્યું જ છે કે કોઈએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજા પર આધાર ન રાખવો જોઈએ. પરંતુ એમણે તરત ઉમેર્યું પણ હોત કે ઔદ્યોગિક સ્વાતંત્ર્ય પણ પૂરતું નથી કે આપણે કહી શકીએ કે એ જ તો છે મુક્તિ – અથવા તો એ મુક્તિનું રક્ષણ કરી શકીએ. એના માટે માણસને ઔદ્યોગિક સ્વાતંત્ર્ય કરતાં કશુંક વિશેષ જોઈએ. ગાંધીએ આ રીતે માર્ક્સવાદનાં આંશિક સત્યો વાસ્તવિક અને સાર્વત્રિક વિચારથી કેમ જુદાં પડે છે તે પણ દેખાડ્યું હોત.

છોડો, આપણે એની બહુ આશા ન રાખીએ. આપણા માટે એ પણ ખુશીની વાત હશે કે સોવિયેત સંઘના આ બે પદાધિકારીઓ જેની સામે પરમ દિવસે પ્રાયશ્ચિત્ત કરતા ઊભા હતા, એ તુચ્છ પથ્થરના ટુકડામાંથી, ભલે ને માત્ર એક સેકંડ માટે, એમના પર શાણપણની લહેરખી પ્રસરી ગઈ હોય; ભલે ને, માત્ર એક સેકંડ માટેએમને યાદ આવી જાય કે રશિયન જનતાની ખરેખરી મહાનતા શી હતી. આ જ છે આપણાં અરમાન અને એના જ જોરે આપણે એક મહા તીર્થયાત્રા માટે આહ્વાન કરીશું જેમાં આપણા બધા પ્રકારના સત્તાધારીઓ અને એમના દરબારમાં બિરાજતા ચિંતકો અને વિદૂષકો આપણા જમાનાના આ મહાનતમ માણસની માફી માગશે; વર્ષો સુધી તેઓ મોઢેથી શાંતિની ઘોષણાઓ કરવાની સાથે યુદ્ધનાં કૃત્યોને બેશરમ થઈને છાવરતા રહીને ગાંધીનું અપમાન કરતા રહ્યા છે.

૦-૦-૦

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: