101 uses for a Dead Mahatma: The Co-option of Gandhi for Non-Gandhian Causes

થોમસ વેબર

(‘ગાંધી માર્ગ’ના જુલાઈ-સપ્ટેબર ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલા લેખ 101 uses for a Dead Mahatma: The Co-option of Gandhi for Non-Gandhian Causes નો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ અહીં સાભાર પ્રગટ કર્યો છે).

  imageથોમસ વેબરનો જન્મ ૧૯૫૦માં ઑસ્ટ્ર્લિયાના શહેર મેલબર્નમાં થયો. તેઓ લે’ ટ્રોબ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ સોશ્યલ સાયન્સિઝમાં એસોસિએટ પ્રોફેસર તરીકે માનદ સેવા આપે છે. અને શાંતિ સંબંધી અધ્યયન કાર્યોના સંકલનની જવાબદારી સંભાળે છે. એમનાં પુસ્તકો Going Native: Gandhi’s Relationship with Western Wome, Gandhi, Gandhism and Gandhians, Gandhi and his disciple, On the Salt March: The Historiography of Gandhi’s March to Dandi, Gandhi’s Peace Army: The Shanti Sena and Unarmed Peacekeeping, Conflict Resolution and Gandhian Ethics અને Hugging the Trees: The Story of the Chipko Movement પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

૦-૦-૦

ગાંધીના નામે વેપલો : અ-ગાંધીય કાર્યોમાંય ગાંધીનો બ્રાંડ તરીકે ઉપયોગ

આજે પણ ગાંધી વિશે પારાવાર સાહિત્ય પ્રસિદ્ધ થતું રહે છે; દુનિયાની સમર્થ અને પ્રખ્યાત વ્યક્તિઓનાં મોંએથી એનું નામ આજે પણ સરતું રહે છે; જુદાં જુદાં અહિંસક આંદોલનો સાથે પણ એ એક નામ જોડાયેલું હોય છે તેમ જ, ભારતમાં અને દુનિયામાં ગાંધીજીના નામનાં અભ્યાસ કેન્દ્રો ખુલતાં રહે છે. આ દેખાડે છે કે ગાંધીનો પ્રભાવ દીર્ઘજીવી સાબિત થયો છે. કોઈ એમ કહી શકે છે કે ગાંધીજી પોતે પ્રચારમાં માનતા હતા એટલે એમણે પોતાને જ બ્રાંડ, સુપર બ્રાંડ, બનાવી દીધા. એમના મૃત્યુના લગભગ સાત દાયકા પછી પણ આ બ્રાંડની આંટ જામેલી છે.

આપણે જાણીએ છીએ કે ઘણા લોકો અને સામાજિક આંદોલનો ગાંધીજીને પોતાનો પ્રેરણાસ્રોત માને છે. પરંતુ, જે લોકોએ ગાંધીજીમાંથી પ્રેરણા નથી લીધી અને એમનાં કાર્યોને પણ ગાંધી સાથે જોડી શકાય તેમ નથી, એવા લોકોનું શું? એ લોકો પણ એમનું નામ વાપરી શકે છે, કેમ કે, હજી એ નામનો પ્રભાવ છે, એ બ્રાંડ આજે પણ વેચાય છે.

ગાંધીજી સાથે સંકળાયેલાં પ્રતીકો, અથવા એમનું નામ કે તસવીર વાપરવાનું હવે સામાન્ય બની ગયું છે. દાખલા તરીકે, હાલમાં ઍપલ કમ્પ્યુટર વાપરનારાઓએ ગાંધીના હાથમાંથી ચરખો હટાવીને લૅપટૉપ મૂક્યું. ફર્નીચર બનાવતી એક ફ્રેન્ચ કંપનીએ પણ ગાંધીજીનો ઉપયોગ કર્યો. કંપની ગાય (મરેલી કે મારેલી?)નું ચામડું ફર્નીચરમાં વાપરે છે. આ કંપનીના ગાંધી કહે છેઃ “આ ભાવે તો હું ત્યાગનો ત્યાગ કરું છું (At this price I am giving up sacrifice). ઑસ્લોમાં ‘રેસ્ટોરન્ટ ગાંધી’ માં લૅમ્બ કરી અને બટર ચિકન મળે છે. ‘Handi Gandhi’ રેસ્ટોરન્ટ માંસાહારી ડિશો સર્વ કરે છે અને કહે છેઃ Great Curries, No Worries. અમેરિકાની એક બીયર કંપનીએ ગાંધીના ચિત્ર સાથે પોતાની બ્રાંડ બજારમાં મૂકી. એની જાહેરાત કહે છેઃ Ideal for self-purification and seeking of truth and love. (આત્મશુદ્ધિ અને સત્ય તથા પ્રેમની ખોજ માટે આદર્શ). દાંડી કૂચનો આધાર લઈને અમેરિકાની એક પેન કંપનીએ પેન બનાવી, જેની કિંમત રાખી ૩૦,૦૦૦ ડૉલર. એક અમેરિકન માર્કેટિંગ કંપનીએ સેમિનાર ગોઠવ્યો. વિષયવસ્તુ હતું Selling Guns to Gandhi. આમાં કંઈ નવું નથી. ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં અસહકાર આંદોલન સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલનનું સુકાન સંભાળી લીધું આનો લાભ લઈને એક કંપનીએ ‘મહાત્મા ગાંધી સિગરેટ’ બનાવીને વેચવાનું શરૂ કર્યું. સિગરેટના પૅકેટ પર ગાંધીજીની તસવીર પણ મૂકી. આ કંપનીએ તો ગાંધીજીને નીચાજોણું કરાવ્યું. આવું ચાલ્યા જ કરે છે. ભારતમાં ગાંધીના નામે વેચાતી પ્રોડક્ટોનો તો સુમાર નથી. આમાંથી એક પણ ચીજને ખાદી સાથે લેવાદેવા નથી. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જ વિવાદાસ્પદ પગલું ભર્યું અને એક લાયસન્સિંગ કંપની સાથે કરાર કરીને માર્કેટિંગ માટે ગાંધીની તસવીરનો ઉપયોગ કરવાની છૂટ આપી. વીસા (Visa) કંપની એની પહેલી ગ્રાહક હતી. જો કે આ સોદો તરત જ રદ કરવો પડ્યો.

ભારતનાં રાજકીય વર્તુળોમાં ગાંધીનું નામ વટાવીને વેપલો કરવાની વૃત્તિ નવા રૂપે પણ વ્યક્ત થાય છે. નેતાઓ અને કાર્યકરો ખાદી પહેરે, ગાંધીજીના આદમકદ પોર્ટ્રેટ પાસે ઊભા રહીને ભાષણો આપે, ગાંધીજી વિશે પશ્ચિમી લેખકે કોઈ પુસ્તક લખ્યું હોય તો “રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું” એવા ક્રોધભર્યા હાકલાપડકારા કરે – ભલે ને પુસ્તક વાંચવાની તસ્દી લેવાનું પણ જરૂરી ન લાગે. અને આ રાજકારણીઓ ગાંધીવાદી છે એમ તો કોઈ કહે જ નહીં.

ગાંધીજી મંજૂર કરે તેવાં પણ કેટલાંક કાર્યો છે, જેમાં પણ એમના નામનો ઉપયોગ એ રીતે થાય જાણે ગાંધીજીનું જીવનકાર્ય એટલા પૂરતું સીમિત હોય. નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન આ શ્રેણીમાં આવે. ઇતિહાસમાં જોતાં, છેક ૧૯૩૫ના ડિસેમ્બરમાં આવો જ પ્રયાસ થયો હતો. એ વખતનાં કૃત્રિમ સાધનો દ્વારા જન્મનિરોધનાં જબ્બર હિમાયતી માર્ગરેટ સેંગર વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીને મળ્યાં. ભારતમાં જન્મનિરોધનું આંદોલન બળવત્તર બનતું જતું હતું અને શ્રીમતી સેંગરને સરોજિની નાયડુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ટેકો આપ્યો હતો. એમને હતું કે ગાંધીજી થોડાઘણા અંશે પણ જો ટેકો આપે તો એમના આંદોલનને બહુ મોટું બળ મળશે. બન્ને વચ્ચે એકબીજા માટે માનની લાગણી હતી અને પરસ્પર વિરોધી વિચારો હોવા છતાં એમના વિશે ગંભીરતાથી વિચાર કરવાની તૈયારી પણ હતી. બન્ને મળ્યાં, પણ તે પછી સેંગરે કહ્યું કે ગાંધીજીએ કૃત્રિમ સાધનોની સામે ધર્મની કે લાગણીઓની કે અનુભવની મજબૂત દીવાલ ઊભી કરી દીધી હતી અને એને તોડવા માટે જેવો ડાયનેમાઇટ જોઈએ તે એમની પાસે નહોતો. સેંગર સમાજમાં સ્ત્રીઓના દરજ્જાના મૂળભૂત સિદ્ધાંત સાથે આવ્યાં હતાં અને ગાંધીજીને મન પણ આ મુદ્દો અગત્યનો હતો અને અમુક રીતે વહેવારૂ મદદ કરવા પણ તૈયાર હતા. પરંતુ એમાં નડતી સમસ્યાઓ તરફ એમણે ધ્યાન ખેંચ્યું. જો કે અમુક અંશે ગાંધીજી બ્રહ્મચર્યના વિચારથી વ્યવહારમાં આગળ વધ્યા અને Rhythm Methodનો સ્વીકાર કર્યો એટલે કે નિયત રીતે આવતા દિવસોએ જ સહવાસ કરવામાં વાંધો નહીં એમ માની લીધું. સેંગરને પસંદ આવે એટલું તો આ નહોતું, પણ ગાંધીજીના પોતાના ‘ચોખ્ખી ના”ના મત કરતાં તો એ બહુ આગળ હતું.

એવો જ બીજો દાખલો સન્માનનીય જાપાની બૌદ્ધ સાધુ નિચિરેન ફૂજીનો છે. તેઓ બૌદ્ધ ધર્મના જન્મસ્થાનમાં જ એના પુનરુત્થાન માટે ૧૯૩૩માં ભારત આવ્યા. ગાંધીજીને પણ મળ્યા. એમને ગાંધીજીનું સમર્થન જોઈતું હતું. ધર્મપરિવર્તનના અભિયાન માટે આવેલા આ જાપાની સંતને ગાંધીજીએ શું કહ્યું હશે તેની કલ્પના કરી શકાય છે. એમણે ફૂજીને કહ્યું કે બૌદ્ધ ધર્મ ખરેખર તો હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે અને ફૂજી આ વાત સમજવા માગતા હોય તો એમણે સંસ્કૃત અને પાલી ભાષાઓ શીખવી જોઈએ.

Mother India (1927) - Katherine MayoMother India - Katherine Mayoઆ બધા તો શુભાશયપૂર્ણ દાખલા છે, જેમાં ગાંધીના અનુમોદનની જરૂર જણાઈ હોય, પરંતુ કેટલાક દાખલામાં આવો શુભ ઇરાદો નહોતો. બ્રિટિશ સામ્રાજ્યવાદનાં સમર્થક અમેરિકન લેખિકા કૅથેરાઇન મેયોએ એમનું નામચીન પુસ્તક Mother India લખ્યું. આ પુસ્તક અને લેખિકા વિશે એટલું બધું લખાયું છે કે એનું પુનરાવર્તન નથી કરવું, બસ, એટલું કહેવું પૂરતું થશે કે મેયો ૧૯૨૬માં એક પુસ્તક માટે સંશોધન કરવા ભારત આવ્યાં હતાં. ગાંધીજીને મળીને એમણે ભારતની સ્થિતિ વિશે એમના વિચારો જાણ્યા હતા અને અમેરિકા માટે એમનો સંદેશ પણ માગ્યો હતો. અંતે જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એમણે ભારતની દશા માટે હિન્દુ સમાજવ્યવસ્થાને જવાબદાર ઠરાવી અને બ્રિટિશ હકુમતનાં વખાણ કર્યાં. ગાંધીજી તો ડઘાઈ જ ગયા અને એમણે આ પુસ્તકને ‘ડ્રેન ઇન્સ્પેક્ટરના રિપોર્ટ તરીકે ઓળખાવ્યું. મેયો શું લખવા માગતાં હતાં તે અગાઉથી જ નક્કી હતું કે એક પ્રવાસી તરીકે આંખકાન ખુલ્લાં રાખીને એમણે જે જોયું-સાંભળ્યુ તે લખ્યું એ વિવાદ ચાલ્યા કરશે પણ ગાંધીનો સૌથી વધારે દુરુપયોગ કર્યો હોય તો સામ્રાજ્યવાદી જાપાને. એ વખતે જાપાને ચીન પર આક્રમણ કર્યું હતું. જાપાનીઓ માનતા હતા કે તેઓ પશ્ચિમી સામ્રાજ્યવાદ સામે લડે છે અને બધા એશિયાઈ દેશોએ એમાં જાપાનની આગેવાની હેઠળ સહકાર આપવો જોઈએ. પણ જાપાનની આ ઇચ્છા માત્ર ઇચ્છા જ રહી. ગાંધીજીએ કહ્યું કે ચીન ઉપર જાપાનનું આક્રમણ પશ્ચિમી સામ્રાજ્યવાદીઓના આક્રમણ કરતાં જરાયે જુદું પડતું નથી.

૧૯૩૦ના દાયકામાં જાપાને ચીનનો મોટો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો. તે પછી ૧૯૪૧નની સાતમી ડિસેમ્બરે એણે પર્લ હાર્બર પર હુમલો કર્યો અને ડચ ઈસ્ટ ઈંડીઝ, મલાયા અને બર્મા પર પણ વિજયપતાકા લહેરવી. જાપાન હવે ગાંધીજીની ચિંતાનું મુખ્ય કારણ બની ગયું. એમની નજરમાં જાપાન હુમલાખોર અને શોષક હતું. એમણે જાપાનના હુમલા સામે અહિંસક પ્રતિરોધ કરવાની હિમાયત શરૂ કરી. પોતે જાપાનને ટેકો નથી આપતા એ સ્પષ્ટ કરવા એમણે કહ્યું કે “બ્રિટિશ સત્તાને હટાવવા માટે લોકોએ જાપાનીઓનો ભરોસો ન જ કરવો જોઈએ. એ તો રોગ કરતાં પણ વધારે ખરાબ દવા હશે.”

૧૯૪૨ની ૧૮મી જુલાઈએ એમણે જાપાનીઓને સંબોધીને એક પત્ર લખ્યો જે ૨૬મી જુલાઈએ ‘હરિજન’માં છપાયો. એમને જાપાનીઓ પ્રત્યે દ્વેષભાવ નહોતો પણ એમણે લખ્યું કે “તમે ચીન ઉપર હુમલો કર્યો છે તેને હું સખત નાપસંદ કરું છું.”

આ પત્રમાંથી લંબાણપૂર્વક ટાંકવાની જરૂર છે.

“…દક્ષિણ આફ્રિકામાં મને સમાચાર મળ્યા કે રશિયન શસ્ત્રો સામે તમને ભવ્ય વિજય મળ્યો છે ત્યારે મને રોમાંચ થયો હતો. ૧૯૧૫માં હું દક્ષિણ આફ્રિકાથી ભારત પાછો આવ્યો ત્યારે અમારા આશ્રમમાં અવારનવાર રહેતા જાપાની બૌદ્ધ સાધુઓના સંપર્કમાં આવ્યો……..

“આ સુખદ સંભારણાંની પશ્ચાદ્‌ભૂમિકામાં, મને એ વિચારીને બહુ દુઃખ થાય છે કે તમે ચીન પર કશી જ ઉશ્કેરણી વિના હુમલો કર્યો છે, અને મળતા અહેવાલો સાચા હોય તો એ મહાન અને પ્રાચીન દેશને તમે નિર્દયતાથી ખેદાનમેદાન કરી નાખ્યો છે.

“દુનિયાની મોટી સત્તાઓની હરોળમાં બેસવાની તમારી મહત્ત્વાકાંક્ષા યોગ્ય છે. ચીન ઉપર તમારું આક્રમણ અને ધરી-રાષ્ટ્રો સાથેનું તમારું જોડાણ એ મહત્ત્વાકાંક્ષાનો અતિરેક છે.

હું મુક્ત વ્યક્તિ હોત, અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો, જો કે મને નબળાઈ છે, તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ, હું તમારા દેશમાં આવ્યો હોત અને તમને વિનંતિ કરત કે ચીન અને દુનિયા સાથે, અને એ જ કારણે,તમારી પોતાની સાથે પણ, તમે જે અનિષ્ટ કરો છો તે રોકી દો.

“પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી. અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ; એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ. આ સામ્રાજ્યવાદને પણ અમે તમારા સામ્રાજ્યવાદ કે નાઝીવાદ જેટલો જ ધિક્કારીએ છીએ. એનો અમે પ્રતિકાર કરીએ છીએ તેનો અર્થ એ નહીં કે અમે બ્રિટિશ લોકોને નુકસાન કરવા માગીએ છીએ. અમે એમનો હૃદયપલટો કરવા માગીએ છીએ. બ્રિટિશ શાસન સામે અમારો નિઃશસ્ત્ર સંઘર્ષ છે. દેશનો એક મહત્ત્વનો પક્ષ વિદેશી શાસકો સાથે જીવસટોસટનો પણ મૈત્રીપૂર્ણ સંઘર્ષ કરે છે.

“પરંતુ એમને કોઈ વિદેશી સત્તાની મદદની જરૂર નથી. મને ખબર છે કે આ બાબતમાં તમને નરાતાળ જૂઠી માહિતી મળી છે કે આજે ભારતને માથે તમારા આક્રમણની શક્યતા તોળાય છે તે ઘડીએ અમે સાથી રાષ્ટ્રોને મુંઝવણમાં મૂકવા તૈયાર છીએ….

“બ્રિટનને અમે અપીલ કરી છે તે સાથે ઑફર પણ કરી છે કે સ્વાધીન ભારત સાથી રાષ્ટ્રોની ફોજને ભારતમાં રાખવા દેશે. આ ઑફરનો ઉદેશ એ છે કે અમે કોઈ પણ રીતે સાથી રાષ્ટ્રોના ઉદ્દેશોને નુકસાન કરવા નથી માગતા એ સાબિત કરી શકાય અને એ સાથે તમે પણ ગેરરસ્તે દોરવાઈને એવું માનતા ન થઈ જાઓ કે બ્રિટન જગ્યા ખાલી કરે એટલે એની જગ્યા લેવા માટે, બસ, તમારે માત્ર દેશમાં પગ મૂકવાનો છે. એ કહેવાની જરૂર નથી કે આવો કોઈ વિચાર હોય અને એને સિદ્ધ કરવા મથશો તો અમારા દેશની જેટલી તાકાત હશે તે તમામ કામે લગાડીને તમારો પ્રતિકાર કરવામાં અમે પાછા નહીં પડીએ.”

એમણે પત્રમાં “તમારો મિત્ર અને શુભ ચિંતક” એમ લખીને સહી કરી.

જાપાનના દૈનિક ‘યોમિઉરી’એ ૧૮મી સપ્ટેમ્બરે આ પત્ર પહેલા પાને પ્રકાશિત કર્યો. એનું મથાળું હતું: ‘ગાંધીનો જાપાનને ખુલ્લો પત્ર’. પરંતુ એમાં જાપાનને માફક આવે તેવી વાત રાખી અને બાકી બધું કાઢી નાખ્યું કે બદલી નાખ્યું. પ્રકાશિત પત્રમાં શું ફેરફાર થયા તે જોઈએઃ

પહેલો ફકરો તો જેમ હતો તેમ જ રહ્યો, પરંતુ તે પછીના બે ફકરા ઊડી ગયા. ચોથા અને પાંચમા ફકરાને ભેળવીને ધરખમ ફેરફાર કરી નાખવામાં આવ્યા. જાપાની ફકરો આ પ્રમાણે હતોઃ

“હું મુક્ત વ્યક્તિ હોત, અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો, જો કે મને નબળાઈ છે, તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ, હું તમારા દેશના રાજકારણીઓ સાથે વાત કરવા તમારા દેશમાં આવ્યો હોત પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી. અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ; એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ.”

ગાંધીજીના પત્રનો છઠ્ઠો ફકરો તો ઊડી જ ગયો. છેલ્લો ફકરો પણ ઊડી જ ગયો અને એની જગ્યાએ તદ્દન નવો ફકરો આવ્યો, જે આ પ્રમાણે છે.

“ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી લેવાની માંગ માટેના અમારા આંદોલન વિશે ગેરસમજ ન થવી જોઈએ. હકીકતમાં, જેવા સમાચાર મળે છે તે પ્રમાણે તમે ભારતના સ્વાતંત્ર્યને માન્યતા આપો છો અને ભારત પર હુમલો નહીં કરો એ નિઃશંક છે. તે ઉપરાંત, ભારત વિશેની તમારી નીતિ, જાણવા મળે છે તે પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યવાદ કરતાં તદ્દન જુદી છે. ક્વિટ ઇંડિયાની માંગનો ઉદ્દેશ ભારતને એક ધૂંસરીમાંથી છોડાવવાનો અને બ્રિટનની લશ્કરી અને સામ્રાજ્યવાદી મહેચ્છાનો પ્રતિકાર કરવાનો છે.”

આમ, જાપાનની જનતા સુધી ગાંધીજીનું માત્ર નામ પહોંચ્યું, એમનો સાચો સંદેશ તો પહોંચ્યો જ નહીં. ગાંધીજી એમના જીવનના એ તબક્કામાં આ ગ્રહમાં સૌથી વિશેષ પ્રખ્યાત હતા. જાપાની જનતામાં ગાંધીજી બહુ જ આદરને પાત્ર હતા પણ એ જમાનામાં ઇંટરનેટ નહોતું અને જાપાનીઓ માત્ર એક જ ભાષા જાણતા હતા એટલે એમને જે કંઈ જાણવા મળતું તે માત્ર એમનાં છાપાં દ્વારા જ. આમ જાપાનીઓએ ગાંધીજીને અ-ગાંધીય લક્ષ્ય સિદ્ધ કરવામાં જોતરી દીધા.

એ ખરું કે આ બધા ઐતિહાસિક બનાવો છે અને એના પરથી એમ સાબિત ન થઈ શકે કે આજના જીવન પર એમનો કંઈ પ્રભાવ છે. પરંતુ પહેલાં જણાવ્યું છે તેમ એમની અસર દીર્ઘજીવી છે. પહેલાં એમને કૃત્રિમ જન્મનિરોધના ટેકામાં, બૌદ્ધધર્મના ફેલાવામાં, હિન્દુધર્મનાં દૂષણો દેખાડવામાં અને સામ્રાજ્યવાદ તેમ જ યુદ્ધના સમર્થક તરીકે જોતરવાના પ્રયાસ થયા, તો આજે એમનો ઉપયોગ કમ્પ્યુટરો અને દારુ, મોંઘી પેનો અને ફર્નીચરના વેચાણમાં અને રેસ્ટોરન્ટોના પ્રચારમાં પણ થઈ જ શકે છે.

હજી અ-ગાંધીય રાજકારણીઓની તો આપણે વાત જ નથી કરતા. ગાંધીનો જે રીતે ઉપયોગ થયો છે અને થતો રહ્યો છે તે જોતાં એટલું જ સમજવાની જરૂર છે કે મૃત મહાત્માના ૧૦૧ ઉપયોગ છે. પરંતુ આવા ઉપયોગ ગાંધીચીંધ્યા ઉદ્દેશો માટે જ હોય તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

(મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે – લેખ ૧)

%d bloggers like this: