Three books on Partition of India

સત્તા સોંપણીની તારીખ સત્તાવાર રીતે ૩૦મી જૂન ૧૯૪૮ નક્કી કરવામાં આવી હતી પણ માઉંટબૅટને ક્રૂરતાથી વાઢકાપ કરીને આપણને ખંડિત ભારતની ભેટ દસ મહિના પહેલાં આપી દીધી. ગાંધીજીએ ત્રીસ વર્ષની આપખુદશાહી પછી જે સિદ્ધ કર્યું તે હતું, અને કોંગ્રેસ એને સ્વતંત્રતાઅને સત્તાની શાંતિમય સોંપણી કહે છે. હિન્દુમુસ્લિમ એકતાનો પરપોટો આખરે ફૂટી ગયો અને નહેરુ અને એમના ટોળાની સંમતિથી એક ધર્મઆધારિત રાજ્યનું નિર્માણ થયું અને એમનું કહેવું છે કેએમણે બલિદાનો આપીને સ્વાધીનતા મેળવી.” કોનું બલિદાન? જ્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ ગાંધીની સંમતિથી દેશના ભાગલા પાડ્યા, એનાં ફાડિયાં કર્યાં ત્યારે મારું મન તીવ્ર ગુસ્સાથી ભરાઈ ગયું.”

ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનું કોર્ટ સમક્ષ અંતિમ નિવેદન

આજે મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી છે.

ઉપર ટાંકેલો ફકરો વાંચતાં એ સ્પષ્ટ થાય છે કે ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માનતાં બળોએ એમની હત્યા કરી. આજે આ દ્વિરાષ્ટ્રવાદનાં હિમાયતી તત્ત્વોનું જોર વધ્યું છે અને ગાંધીજી આજે પણ એમનું નિશાન છે. આ સંજોગોમાં ભાગલા કેમ થયા, એના માટે જવાબદાર કારણો, એમાં ભાગ ભજવનાર પાત્રો વગેરેની ચર્ચા જરૂરી છે. આથી ભાગલા વિશેનાં ત્રણ મહત્ત્વનાં પુસ્તકોનો સાર જરા વિગતે રજૂ કરવાનું વિચાર્યું છે.

આ નવી લેખમાળા ૧ ફેબ્રુઆરી, ૨૦૧૬થી શરૂ થાય છે અને દર અઠવાડિયે બે લેખ રજૂ કરાશે.

એ કહેવું જરૂરી છે કે આ ત્રણેય લેખકોનાં પોતાનાં દૃષ્ટિબિંદુ છે અને આ લેખમાળાનો હેતુ એની સમીક્ષા કરવાનો કે સાચાખોટાની પરીક્ષા કરવાનો નથી, માત્ર એમનાં દૃષ્ટિબિંદુ રજૂ કરવાનો છે.

હવે ત્રણેય પુસ્તકોની પ્રાથમિક માહિતી જોઈએ.

આયેશા જલાલલેખમાળાની શરૂઆત આયેશા જલાલના પુસ્તકથી કરીશું. શીર્ષક છેઃ The Sole Spokesman: Jinnah, The Muslim League and the Demand for Pakistan ( કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસનું પ્રકાશન).

એ સૌ પહેલાં ૧૯૮૫માં પ્રકાશિત થયું અને ૧૯૯૪માં એની પેપરબૅક આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી, ISBN 978-0-521-24462-6 Hardback // ISBN 978-0-521-45850-4 Paperback). એમણે મુખ્યત્વે જિન્નાને કેન્દ્રમાં રાખીને આ પુસ્તક લખ્યું છે. આયેશા જલાલ ૧૯૮૦માં અભ્યાસ કરતાં હતાં અને આ પુસ્તક ખરેખર તો એમનો મહાનિબંધ છે! પરંતુ ભારતની આઝાદીના સંગ્રામની કરુણ અને અકલ્પ્ય પરિણતિની ચર્ચાઓમાં એનું મહત્ત્વનું સ્થાન બની રહ્યું છે.

વેંકટ ધુલિપાલાતે પછી આપણે બીજું પુસ્તક હાથમાં લેશું, એ છે, Creating a New Medina: State Power, Islam, and the Quest for Pakistan in Late Colonial North India. એના લેખક વેંકટ ધુલિપાલાની સિદ્ધિ એ છે કે આ પુસ્તક પણ આયેશા જલાલના પુસ્તકની જેમ ડૉક્ટરલ થીસિસ છે,

પરંતુ ભારત અને પાકિસ્તાન અને દુનિયાનાં પ્રતિષ્ઠિત અખબારોએ એને ભાગલા સંબંધી ઇતિહાસમાં નવા સોપાન તરીકે ઓળખાવ્યું છે. ન્યૂઝવીક સામયિકે એને ૨૦૧૫ના વર્ષમાં પ્રકાશિત સૌથી મહત્ત્વની સાહિત્યેતર કૃતિ તરીકે પ્રથમ સ્થાને મૂકી છે.( http://www.newsweek.com/most-important-international-nonfiction-books-2015-409800). લેખક વિલ્મિંગ્ટનમાં નૉર્થ કેરોલાઇના યુનિવર્સિટીમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.  (આ પ્રકાશન પણ કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસનું છે. પ્રકાશન વર્ષ ૨૦૧૫ ISBN 9781107052123).

લેખમાળા દરમિયાન એ સ્પષ્ટ થતું જશે કે જલાલ અને ધુલિપાલાનાં અવલોકનો અને તારણો શી રીતે જુદાં પડે છે.

શમ્સુલ ઇસ્લામ ત્રીજું પુસ્તક છે, Muslims Against Partition (PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશન-૨૦૧૫). ISBN 139788172210670 અને ISBN 108172210671.

એના લેખક શમ્સુલ ઇસ્લામ દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશસ્ત્ર વિષયના વ્યાખ્યાતા હતા અને પ્રગતિશીલ સંગઠનો સાથે જોડાયેલા છે. એમનું પુસ્તક આપણાથી અજાણી એવી દિશામાં પ્રકાશ ફેંકે છે.

આશા છે કે આ લેખમાળા વાચકોને પસંદ આવશે.

– દીપક ધોળકિયા

The Sock and the Spinning Wheel

ગાંધીજી અને કામૂ

ફ્રાન્સના વિશ્વવિઅલ્બેર કામૂ (Albert Camus)ખ્યાત સાહિત્યકાર અલ્બેર કામૂ (Albert Camus)ના નામથી કોઈ સાહિત્યપ્રેમી અપરિચિત નહીં જ હોય. પરંતુ વૈચારિક રીતે કામૂ ગાંધીજીની બહુ નજીક હતા, એ વાત કદાચ બહુ જાણીતી નથી.

૧૯૫૫માં રશિયાના નેતાઓ ખ્રુશ્ચેવ અને બુલ્ગાનિન ભારતની મુલાકાતે આવ્યા હતા. રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી આપવા ગયા ત્યારે રશિયન નેતાઓ ભારતીય પરંપરા પ્રમાણે બૂટ ઉતારીને, માત્ર મોજાં પહેરીને સમાધિ સુધી ગયા. આ ઘટના વિશે કામૂએ એક્સપ્રેસના ૨૨ નવેમ્બર ૧૯૫૫ના અંકમાં તંત્રીલેખ લખ્યો જેનું મૂળ ફ્રેન્ચમાં શીર્ષક હતું, La chaussette et le rouet શીર્ષક હતું, image

પત્ર ખોળી કાઢીને સૌ પ્રથમ વાર The Sock and the Spinning Wheel શીર્ષક હેઠળ અંગ્રેજીમાં મૂકવાનો યશ ડૉ. મંગેશ કુલકર્ણીને ફાળે જાય છે. અહીં એ મૂળ અંગ્રેજીમાંથી કરેલો અનુવાદ –મોજાં અને ચરખો’ – શીર્ષક હેઠળ ડૉ. કુલકર્ણી અને ‘ગાંધી માર્ગ’ (જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૫)ના આભાર સાથે રજૂ કર્યો છે.

યશ ડૉ. મંગેશ કુલકર્ણી પૂણેની સાવિત્રીબાઈ ફૂળે યુનિવર્સિટીના પોલિટિક્સ ઍન્ડ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન વિભાગમાં અધ્યાપન કાર્ય કરે છે અને તે પહેલાં એમણે ઝોમ્બા (મલાવી), ગોટિંગન (જર્મની), બિલાબાઓ (સ્પેન) અને વિયેના (ઑસ્ટ્રિયા)ની યુનિવર્સિટીઓમાં પણ સેવાઓ આપી છે. એમને ર્કફેલર આર્કાઇવ સેંટર, ન્યૂ યૉર્ક, યુરોપીય કમિશનની ઍરાઝ્મસ મુન્દુસ સ્કૉલરશિપ મળી છે. તે ઉપરાંત એમણે સ્વીડન અને ફ્રાન્સમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે આમાંત્રણ મળ્યું હતું.

ડૉ. કુલકર્ણીએ કેટલાંયે પુસ્તકોનું જાતે અથવા સંયુક્ત રીતે સંપાદન કર્યું છે. વિવિધ વિષયો પરના એમના લેખો નિયમિત રીતે પ્રકાશિત થતા રહે છે અને નજીકના ભવિષ્યમાં અલ્બેર કામૂના રાજકીય વિચારો વિશેનું એમનું પુસ્તક પ્રકાશિત થવાનું છે.

દીપક ધોળકિયા

  મોજાં અને ચરખો

અલ્બેર કામૂ

આ રોમાંચકારી સદીમાં જન્મ લીધો છે એ કેવી મોટી સદ્‍ભાગ્યની વાત છે! મેં જ્યારે વાંચ્યું કે શ્રી બુલ્ગાનિન અને ખ્રુશ્ચોવ ગાંધીની સમાધિ પર ફૂલો ચડાવવા ગયા ત્યારે એમણે બૂટ ઉતારી નાખ્યા અને માત્ર મોજાં જ પહેરી રાખ્યાં હતાં. ખરેખર, મેં કદીયે તદ્દન અસંભવ હોય એવા સપનામાં પણ કલ્પના નહોતી કરી કે એક યોગીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક માર્શલ અને એક કૅપ્ટનને પોતાના બૂટ ઉતારતાં મારા જીવન દરમિયાન હું જોઈ શકીશ. પણ આ હવે એક હકીકત છે. દુનિયાએ આશ્ચર્યથી જોયું કે બસો સશસ્ત્ર ડિવીઝનો અને આખી લશ્કરી મશીનરી એમના વડાઓના રૂપમાં અહિંસાના મહાન ઉપદેશક સમક્ષ નતમસ્તક થવા માટે ઉપસ્થિત થઈ.

એ સાચું કે આવાં અંજલિ આપવાનાં કામોમાં કંઈ હોતું નથી. એ પણ સાચું કે કોઈ ગાંધી એમને પછી મળવાનો હોય અને કંઈ લાભ થવાનો હોય તો આ મહાન અને સારા માણસોમાંથી કોઈ એવો નહીં હોય કે જે પોતાનાં મોજાં ઘસી નાખવા તૈયાર ન હોય, ભલે ને, એમના મોતીજડેલા બૂટ ઉપર મોજાં ચડાવવાં પડે! પરંતુ ખાસ કરીને આ કિસ્સામાં, એક અનિવાર્ય આંતર્વિરોધ પણ છે. વર્ષો સુધી સોવિયેત એન્સાઇક્લોપીડિયા અને લાખો માણસો જે માણસને લોકોની લાગણીઓને ભડકાવનાર અને બ્રિટિશ સામ્રાજ્યવાદનો દલાલ ગણાવતાં રહ્યાં છે તેની જ સમાધિ પર – સાવ જ મૂંગે મોઢે – ફૂલો ચડાવવાનું સહેલું તો નહીં જ રહ્યું હોય.

આ પવિત્રતા એમણે ટીટો તરફ દેખાડેલા મૈત્રીભાવ કરતાં પણ વધારે અચરજભરી છે. ક્રેમલીન અને બેલ્ગ્રાદને તો માત્ર ઔપચારિક બાબતો જ અલગ પાડે છે. છેવટે તો ટીટો એમના જ સાગરિત હતા, જેમનું કામ સામ્યવાદની સ્થાપના અને લશ્કરી તાકાત જમાવવાનું હતું. બીજી બાજુ, ગાંધી અને લેનિન વચ્ચે મૂળભૂત મુદ્દાઓ વિશે જ મતભેદ હતો. એવું નથી કે ગાંધી લેનિન કરતાં ઓછા વાસ્તવવાદી હતા. જરાય નહીં. સીધી સાદી વાત એ છે કે ગાંધી માનતા કે હિંસા એને જે અપનાવે તેને જ રૂંધે છે અને આ વ્યાખ્યા મુજબ લેનિનનું મન સ્વાભાવિક સરળતાને બદલે હત્યાઓમાં જ રાચતું રહ્યું. હિંસા અંતે પ્રભાવહીન નીવડે છે.

મૉસ્કોમાં ગાંધીનો વિરોધ શા માટે થતો હતો? એ્મના પર પસ્તાળ પડતી હતી તે એટલા માટે નહીં કે એમણે અહિંસાના ઉપદેશો આપ્યા, કારણ કે આ ઉપદેશો જે હિંસા આચરતા હોય તેમના માટે જ છે. પરંતુ કારણ એ કે એમણે ૪૦ કરોડના દેશને એક પણ માણસની હત્યા વિના મુક્ત કરાવ્યો. આ યથાર્થ માટે કોઈ એમને માફ કરી શકે? વાસ્તવિકતાને માર્ક્સવાદીઓ પોતાનો ઇજારો માને છે પણ અંતે તો ગાંધી સાચા પડ્યા. બરાબર એ જ ક્ષણથી એ વાંધાને લાયક બની ગયા અને જે લોકો પોતાનો પ્રભાવ વધારવા માટે હિંસાને બહાનાં તરીકે આગળ ધરતા હોય તેવા કેટલાકના મનમાં એ અપરાધભાવ પેદા કરતા રહ્યા, પછી એવા લોકો એમનું નામ લઈને સત્તા પર આવ્યા હોય કે પોતાના ક્રૂર માલિકો મારફતે એમની પૂજા કરતા હોય.

જે હોય તે, અંતે આ મહાન ઉપદેશની વર્ષો સુધી ઠેકડી ઉડાવ્યા પછી, એને ધુત્કાર્યા પછી, ક્રેમલીને એની સમક્ષ માથું નમાવ્યું છે. લોકોની ભૂલવાની શક્તિ આશ્ચર્યજનક છે અને ભલે ને, ફરી પાછું બધું હતું તેવું જ રહે, પણ હવે અમુક શબ્દો બોલવાનું એટલું સહેલું નહીં રહે; કારણ કે તરત એનો જવાબ મળશે, અને ગાંધી ફરી એક વાર સાચા પુરવાર થશે. એનું કારણ એ કે ગાંધીએ શીખવ્યું છે કે શબ્દ પણ એક કાર્ય છે અને જો કોઈ પોતાનું બલિદાન આપવાની હદ સુધી પોતાના જીવનને ઇતિહાસ સાથે જોડી દે તો શબ્દ ઇતિહાસને પણ આકાર આપી શકે છે. ગાંધી માનતા કે હિંસાના ખંધા હઠાગ્રહને માત્ર સૌમ્યતાની અડિયલ મમત અને શાંતિની શક્તિ જ પરાસ્ત કરી શકે. છેલ્લાં દસ વર્ષમાં ભારત સરકારની બંદૂકો સામે લાખો લોકોએ આ માન્યતાને સાચી ઠરાવી છે અને હવે તો છેલ્લા ત્રણ દિવસમાં બે સોવિયેત નેતાઓએ પણ એ કબૂલ કર્યું છે.

પરંતુ સોવિયેત નેતાઓએ હજી પણ પરિપૂર્ણતાના માર્ગમાં એક કદમ આગળ જવાની જરૂર છે. દાખલા તરીકે, શ્રી ખ્રુશ્ચેવે વડાપ્રધાન નહેરુને કહ્યું કે કોઈ દેશ જ્યાં સુધી પોતાના ઉદ્યોગ ન હોય ત્યાં સુધી ખરેખર સ્વતંત્ર નથી હોતો. ગાંધી આ સટીક કથન સાથે સંમત થયા હોત; એમણે તો પોતાના ચરખા દ્વારા દેખાડ્યું જ છે કે કોઈએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજા પર આધાર ન રાખવો જોઈએ. પરંતુ એમણે તરત ઉમેર્યું પણ હોત કે ઔદ્યોગિક સ્વાતંત્ર્ય પણ પૂરતું નથી કે આપણે કહી શકીએ કે એ જ તો છે મુક્તિ – અથવા તો એ મુક્તિનું રક્ષણ કરી શકીએ. એના માટે માણસને ઔદ્યોગિક સ્વાતંત્ર્ય કરતાં કશુંક વિશેષ જોઈએ. ગાંધીએ આ રીતે માર્ક્સવાદનાં આંશિક સત્યો વાસ્તવિક અને સાર્વત્રિક વિચારથી કેમ જુદાં પડે છે તે પણ દેખાડ્યું હોત.

છોડો, આપણે એની બહુ આશા ન રાખીએ. આપણા માટે એ પણ ખુશીની વાત હશે કે સોવિયેત સંઘના આ બે પદાધિકારીઓ જેની સામે પરમ દિવસે પ્રાયશ્ચિત્ત કરતા ઊભા હતા, એ તુચ્છ પથ્થરના ટુકડામાંથી, ભલે ને માત્ર એક સેકંડ માટે, એમના પર શાણપણની લહેરખી પ્રસરી ગઈ હોય; ભલે ને, માત્ર એક સેકંડ માટેએમને યાદ આવી જાય કે રશિયન જનતાની ખરેખરી મહાનતા શી હતી. આ જ છે આપણાં અરમાન અને એના જ જોરે આપણે એક મહા તીર્થયાત્રા માટે આહ્વાન કરીશું જેમાં આપણા બધા પ્રકારના સત્તાધારીઓ અને એમના દરબારમાં બિરાજતા ચિંતકો અને વિદૂષકો આપણા જમાનાના આ મહાનતમ માણસની માફી માગશે; વર્ષો સુધી તેઓ મોઢેથી શાંતિની ઘોષણાઓ કરવાની સાથે યુદ્ધનાં કૃત્યોને બેશરમ થઈને છાવરતા રહીને ગાંધીનું અપમાન કરતા રહ્યા છે.

૦-૦-૦

મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ

101 uses for a Dead Mahatma: The Co-option of Gandhi for Non-Gandhian Causes

થોમસ વેબર

(‘ગાંધી માર્ગ’ના જુલાઈ-સપ્ટેબર ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલા લેખ 101 uses for a Dead Mahatma: The Co-option of Gandhi for Non-Gandhian Causes નો મુક્ત અને સંક્ષિપ્ત અનુવાદ અહીં સાભાર પ્રગટ કર્યો છે).

  imageથોમસ વેબરનો જન્મ ૧૯૫૦માં ઑસ્ટ્ર્લિયાના શહેર મેલબર્નમાં થયો. તેઓ લે’ ટ્રોબ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ સોશ્યલ સાયન્સિઝમાં એસોસિએટ પ્રોફેસર તરીકે માનદ સેવા આપે છે. અને શાંતિ સંબંધી અધ્યયન કાર્યોના સંકલનની જવાબદારી સંભાળે છે. એમનાં પુસ્તકો Going Native: Gandhi’s Relationship with Western Wome, Gandhi, Gandhism and Gandhians, Gandhi and his disciple, On the Salt March: The Historiography of Gandhi’s March to Dandi, Gandhi’s Peace Army: The Shanti Sena and Unarmed Peacekeeping, Conflict Resolution and Gandhian Ethics અને Hugging the Trees: The Story of the Chipko Movement પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

૦-૦-૦

ગાંધીના નામે વેપલો : અ-ગાંધીય કાર્યોમાંય ગાંધીનો બ્રાંડ તરીકે ઉપયોગ

આજે પણ ગાંધી વિશે પારાવાર સાહિત્ય પ્રસિદ્ધ થતું રહે છે; દુનિયાની સમર્થ અને પ્રખ્યાત વ્યક્તિઓનાં મોંએથી એનું નામ આજે પણ સરતું રહે છે; જુદાં જુદાં અહિંસક આંદોલનો સાથે પણ એ એક નામ જોડાયેલું હોય છે તેમ જ, ભારતમાં અને દુનિયામાં ગાંધીજીના નામનાં અભ્યાસ કેન્દ્રો ખુલતાં રહે છે. આ દેખાડે છે કે ગાંધીનો પ્રભાવ દીર્ઘજીવી સાબિત થયો છે. કોઈ એમ કહી શકે છે કે ગાંધીજી પોતે પ્રચારમાં માનતા હતા એટલે એમણે પોતાને જ બ્રાંડ, સુપર બ્રાંડ, બનાવી દીધા. એમના મૃત્યુના લગભગ સાત દાયકા પછી પણ આ બ્રાંડની આંટ જામેલી છે.

આપણે જાણીએ છીએ કે ઘણા લોકો અને સામાજિક આંદોલનો ગાંધીજીને પોતાનો પ્રેરણાસ્રોત માને છે. પરંતુ, જે લોકોએ ગાંધીજીમાંથી પ્રેરણા નથી લીધી અને એમનાં કાર્યોને પણ ગાંધી સાથે જોડી શકાય તેમ નથી, એવા લોકોનું શું? એ લોકો પણ એમનું નામ વાપરી શકે છે, કેમ કે, હજી એ નામનો પ્રભાવ છે, એ બ્રાંડ આજે પણ વેચાય છે.

ગાંધીજી સાથે સંકળાયેલાં પ્રતીકો, અથવા એમનું નામ કે તસવીર વાપરવાનું હવે સામાન્ય બની ગયું છે. દાખલા તરીકે, હાલમાં ઍપલ કમ્પ્યુટર વાપરનારાઓએ ગાંધીના હાથમાંથી ચરખો હટાવીને લૅપટૉપ મૂક્યું. ફર્નીચર બનાવતી એક ફ્રેન્ચ કંપનીએ પણ ગાંધીજીનો ઉપયોગ કર્યો. કંપની ગાય (મરેલી કે મારેલી?)નું ચામડું ફર્નીચરમાં વાપરે છે. આ કંપનીના ગાંધી કહે છેઃ “આ ભાવે તો હું ત્યાગનો ત્યાગ કરું છું (At this price I am giving up sacrifice). ઑસ્લોમાં ‘રેસ્ટોરન્ટ ગાંધી’ માં લૅમ્બ કરી અને બટર ચિકન મળે છે. ‘Handi Gandhi’ રેસ્ટોરન્ટ માંસાહારી ડિશો સર્વ કરે છે અને કહે છેઃ Great Curries, No Worries. અમેરિકાની એક બીયર કંપનીએ ગાંધીના ચિત્ર સાથે પોતાની બ્રાંડ બજારમાં મૂકી. એની જાહેરાત કહે છેઃ Ideal for self-purification and seeking of truth and love. (આત્મશુદ્ધિ અને સત્ય તથા પ્રેમની ખોજ માટે આદર્શ). દાંડી કૂચનો આધાર લઈને અમેરિકાની એક પેન કંપનીએ પેન બનાવી, જેની કિંમત રાખી ૩૦,૦૦૦ ડૉલર. એક અમેરિકન માર્કેટિંગ કંપનીએ સેમિનાર ગોઠવ્યો. વિષયવસ્તુ હતું Selling Guns to Gandhi. આમાં કંઈ નવું નથી. ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં અસહકાર આંદોલન સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલનનું સુકાન સંભાળી લીધું આનો લાભ લઈને એક કંપનીએ ‘મહાત્મા ગાંધી સિગરેટ’ બનાવીને વેચવાનું શરૂ કર્યું. સિગરેટના પૅકેટ પર ગાંધીજીની તસવીર પણ મૂકી. આ કંપનીએ તો ગાંધીજીને નીચાજોણું કરાવ્યું. આવું ચાલ્યા જ કરે છે. ભારતમાં ગાંધીના નામે વેચાતી પ્રોડક્ટોનો તો સુમાર નથી. આમાંથી એક પણ ચીજને ખાદી સાથે લેવાદેવા નથી. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જ વિવાદાસ્પદ પગલું ભર્યું અને એક લાયસન્સિંગ કંપની સાથે કરાર કરીને માર્કેટિંગ માટે ગાંધીની તસવીરનો ઉપયોગ કરવાની છૂટ આપી. વીસા (Visa) કંપની એની પહેલી ગ્રાહક હતી. જો કે આ સોદો તરત જ રદ કરવો પડ્યો.

ભારતનાં રાજકીય વર્તુળોમાં ગાંધીનું નામ વટાવીને વેપલો કરવાની વૃત્તિ નવા રૂપે પણ વ્યક્ત થાય છે. નેતાઓ અને કાર્યકરો ખાદી પહેરે, ગાંધીજીના આદમકદ પોર્ટ્રેટ પાસે ઊભા રહીને ભાષણો આપે, ગાંધીજી વિશે પશ્ચિમી લેખકે કોઈ પુસ્તક લખ્યું હોય તો “રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું” એવા ક્રોધભર્યા હાકલાપડકારા કરે – ભલે ને પુસ્તક વાંચવાની તસ્દી લેવાનું પણ જરૂરી ન લાગે. અને આ રાજકારણીઓ ગાંધીવાદી છે એમ તો કોઈ કહે જ નહીં.

ગાંધીજી મંજૂર કરે તેવાં પણ કેટલાંક કાર્યો છે, જેમાં પણ એમના નામનો ઉપયોગ એ રીતે થાય જાણે ગાંધીજીનું જીવનકાર્ય એટલા પૂરતું સીમિત હોય. નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન આ શ્રેણીમાં આવે. ઇતિહાસમાં જોતાં, છેક ૧૯૩૫ના ડિસેમ્બરમાં આવો જ પ્રયાસ થયો હતો. એ વખતનાં કૃત્રિમ સાધનો દ્વારા જન્મનિરોધનાં જબ્બર હિમાયતી માર્ગરેટ સેંગર વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીને મળ્યાં. ભારતમાં જન્મનિરોધનું આંદોલન બળવત્તર બનતું જતું હતું અને શ્રીમતી સેંગરને સરોજિની નાયડુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ટેકો આપ્યો હતો. એમને હતું કે ગાંધીજી થોડાઘણા અંશે પણ જો ટેકો આપે તો એમના આંદોલનને બહુ મોટું બળ મળશે. બન્ને વચ્ચે એકબીજા માટે માનની લાગણી હતી અને પરસ્પર વિરોધી વિચારો હોવા છતાં એમના વિશે ગંભીરતાથી વિચાર કરવાની તૈયારી પણ હતી. બન્ને મળ્યાં, પણ તે પછી સેંગરે કહ્યું કે ગાંધીજીએ કૃત્રિમ સાધનોની સામે ધર્મની કે લાગણીઓની કે અનુભવની મજબૂત દીવાલ ઊભી કરી દીધી હતી અને એને તોડવા માટે જેવો ડાયનેમાઇટ જોઈએ તે એમની પાસે નહોતો. સેંગર સમાજમાં સ્ત્રીઓના દરજ્જાના મૂળભૂત સિદ્ધાંત સાથે આવ્યાં હતાં અને ગાંધીજીને મન પણ આ મુદ્દો અગત્યનો હતો અને અમુક રીતે વહેવારૂ મદદ કરવા પણ તૈયાર હતા. પરંતુ એમાં નડતી સમસ્યાઓ તરફ એમણે ધ્યાન ખેંચ્યું. જો કે અમુક અંશે ગાંધીજી બ્રહ્મચર્યના વિચારથી વ્યવહારમાં આગળ વધ્યા અને Rhythm Methodનો સ્વીકાર કર્યો એટલે કે નિયત રીતે આવતા દિવસોએ જ સહવાસ કરવામાં વાંધો નહીં એમ માની લીધું. સેંગરને પસંદ આવે એટલું તો આ નહોતું, પણ ગાંધીજીના પોતાના ‘ચોખ્ખી ના”ના મત કરતાં તો એ બહુ આગળ હતું.

એવો જ બીજો દાખલો સન્માનનીય જાપાની બૌદ્ધ સાધુ નિચિરેન ફૂજીનો છે. તેઓ બૌદ્ધ ધર્મના જન્મસ્થાનમાં જ એના પુનરુત્થાન માટે ૧૯૩૩માં ભારત આવ્યા. ગાંધીજીને પણ મળ્યા. એમને ગાંધીજીનું સમર્થન જોઈતું હતું. ધર્મપરિવર્તનના અભિયાન માટે આવેલા આ જાપાની સંતને ગાંધીજીએ શું કહ્યું હશે તેની કલ્પના કરી શકાય છે. એમણે ફૂજીને કહ્યું કે બૌદ્ધ ધર્મ ખરેખર તો હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે અને ફૂજી આ વાત સમજવા માગતા હોય તો એમણે સંસ્કૃત અને પાલી ભાષાઓ શીખવી જોઈએ.

Mother India (1927) - Katherine MayoMother India - Katherine Mayoઆ બધા તો શુભાશયપૂર્ણ દાખલા છે, જેમાં ગાંધીના અનુમોદનની જરૂર જણાઈ હોય, પરંતુ કેટલાક દાખલામાં આવો શુભ ઇરાદો નહોતો. બ્રિટિશ સામ્રાજ્યવાદનાં સમર્થક અમેરિકન લેખિકા કૅથેરાઇન મેયોએ એમનું નામચીન પુસ્તક Mother India લખ્યું. આ પુસ્તક અને લેખિકા વિશે એટલું બધું લખાયું છે કે એનું પુનરાવર્તન નથી કરવું, બસ, એટલું કહેવું પૂરતું થશે કે મેયો ૧૯૨૬માં એક પુસ્તક માટે સંશોધન કરવા ભારત આવ્યાં હતાં. ગાંધીજીને મળીને એમણે ભારતની સ્થિતિ વિશે એમના વિચારો જાણ્યા હતા અને અમેરિકા માટે એમનો સંદેશ પણ માગ્યો હતો. અંતે જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એમણે ભારતની દશા માટે હિન્દુ સમાજવ્યવસ્થાને જવાબદાર ઠરાવી અને બ્રિટિશ હકુમતનાં વખાણ કર્યાં. ગાંધીજી તો ડઘાઈ જ ગયા અને એમણે આ પુસ્તકને ‘ડ્રેન ઇન્સ્પેક્ટરના રિપોર્ટ તરીકે ઓળખાવ્યું. મેયો શું લખવા માગતાં હતાં તે અગાઉથી જ નક્કી હતું કે એક પ્રવાસી તરીકે આંખકાન ખુલ્લાં રાખીને એમણે જે જોયું-સાંભળ્યુ તે લખ્યું એ વિવાદ ચાલ્યા કરશે પણ ગાંધીનો સૌથી વધારે દુરુપયોગ કર્યો હોય તો સામ્રાજ્યવાદી જાપાને. એ વખતે જાપાને ચીન પર આક્રમણ કર્યું હતું. જાપાનીઓ માનતા હતા કે તેઓ પશ્ચિમી સામ્રાજ્યવાદ સામે લડે છે અને બધા એશિયાઈ દેશોએ એમાં જાપાનની આગેવાની હેઠળ સહકાર આપવો જોઈએ. પણ જાપાનની આ ઇચ્છા માત્ર ઇચ્છા જ રહી. ગાંધીજીએ કહ્યું કે ચીન ઉપર જાપાનનું આક્રમણ પશ્ચિમી સામ્રાજ્યવાદીઓના આક્રમણ કરતાં જરાયે જુદું પડતું નથી.

૧૯૩૦ના દાયકામાં જાપાને ચીનનો મોટો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો. તે પછી ૧૯૪૧નની સાતમી ડિસેમ્બરે એણે પર્લ હાર્બર પર હુમલો કર્યો અને ડચ ઈસ્ટ ઈંડીઝ, મલાયા અને બર્મા પર પણ વિજયપતાકા લહેરવી. જાપાન હવે ગાંધીજીની ચિંતાનું મુખ્ય કારણ બની ગયું. એમની નજરમાં જાપાન હુમલાખોર અને શોષક હતું. એમણે જાપાનના હુમલા સામે અહિંસક પ્રતિરોધ કરવાની હિમાયત શરૂ કરી. પોતે જાપાનને ટેકો નથી આપતા એ સ્પષ્ટ કરવા એમણે કહ્યું કે “બ્રિટિશ સત્તાને હટાવવા માટે લોકોએ જાપાનીઓનો ભરોસો ન જ કરવો જોઈએ. એ તો રોગ કરતાં પણ વધારે ખરાબ દવા હશે.”

૧૯૪૨ની ૧૮મી જુલાઈએ એમણે જાપાનીઓને સંબોધીને એક પત્ર લખ્યો જે ૨૬મી જુલાઈએ ‘હરિજન’માં છપાયો. એમને જાપાનીઓ પ્રત્યે દ્વેષભાવ નહોતો પણ એમણે લખ્યું કે “તમે ચીન ઉપર હુમલો કર્યો છે તેને હું સખત નાપસંદ કરું છું.”

આ પત્રમાંથી લંબાણપૂર્વક ટાંકવાની જરૂર છે.

“…દક્ષિણ આફ્રિકામાં મને સમાચાર મળ્યા કે રશિયન શસ્ત્રો સામે તમને ભવ્ય વિજય મળ્યો છે ત્યારે મને રોમાંચ થયો હતો. ૧૯૧૫માં હું દક્ષિણ આફ્રિકાથી ભારત પાછો આવ્યો ત્યારે અમારા આશ્રમમાં અવારનવાર રહેતા જાપાની બૌદ્ધ સાધુઓના સંપર્કમાં આવ્યો……..

“આ સુખદ સંભારણાંની પશ્ચાદ્‌ભૂમિકામાં, મને એ વિચારીને બહુ દુઃખ થાય છે કે તમે ચીન પર કશી જ ઉશ્કેરણી વિના હુમલો કર્યો છે, અને મળતા અહેવાલો સાચા હોય તો એ મહાન અને પ્રાચીન દેશને તમે નિર્દયતાથી ખેદાનમેદાન કરી નાખ્યો છે.

“દુનિયાની મોટી સત્તાઓની હરોળમાં બેસવાની તમારી મહત્ત્વાકાંક્ષા યોગ્ય છે. ચીન ઉપર તમારું આક્રમણ અને ધરી-રાષ્ટ્રો સાથેનું તમારું જોડાણ એ મહત્ત્વાકાંક્ષાનો અતિરેક છે.

હું મુક્ત વ્યક્તિ હોત, અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો, જો કે મને નબળાઈ છે, તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ, હું તમારા દેશમાં આવ્યો હોત અને તમને વિનંતિ કરત કે ચીન અને દુનિયા સાથે, અને એ જ કારણે,તમારી પોતાની સાથે પણ, તમે જે અનિષ્ટ કરો છો તે રોકી દો.

“પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી. અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ; એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ. આ સામ્રાજ્યવાદને પણ અમે તમારા સામ્રાજ્યવાદ કે નાઝીવાદ જેટલો જ ધિક્કારીએ છીએ. એનો અમે પ્રતિકાર કરીએ છીએ તેનો અર્થ એ નહીં કે અમે બ્રિટિશ લોકોને નુકસાન કરવા માગીએ છીએ. અમે એમનો હૃદયપલટો કરવા માગીએ છીએ. બ્રિટિશ શાસન સામે અમારો નિઃશસ્ત્ર સંઘર્ષ છે. દેશનો એક મહત્ત્વનો પક્ષ વિદેશી શાસકો સાથે જીવસટોસટનો પણ મૈત્રીપૂર્ણ સંઘર્ષ કરે છે.

“પરંતુ એમને કોઈ વિદેશી સત્તાની મદદની જરૂર નથી. મને ખબર છે કે આ બાબતમાં તમને નરાતાળ જૂઠી માહિતી મળી છે કે આજે ભારતને માથે તમારા આક્રમણની શક્યતા તોળાય છે તે ઘડીએ અમે સાથી રાષ્ટ્રોને મુંઝવણમાં મૂકવા તૈયાર છીએ….

“બ્રિટનને અમે અપીલ કરી છે તે સાથે ઑફર પણ કરી છે કે સ્વાધીન ભારત સાથી રાષ્ટ્રોની ફોજને ભારતમાં રાખવા દેશે. આ ઑફરનો ઉદેશ એ છે કે અમે કોઈ પણ રીતે સાથી રાષ્ટ્રોના ઉદ્દેશોને નુકસાન કરવા નથી માગતા એ સાબિત કરી શકાય અને એ સાથે તમે પણ ગેરરસ્તે દોરવાઈને એવું માનતા ન થઈ જાઓ કે બ્રિટન જગ્યા ખાલી કરે એટલે એની જગ્યા લેવા માટે, બસ, તમારે માત્ર દેશમાં પગ મૂકવાનો છે. એ કહેવાની જરૂર નથી કે આવો કોઈ વિચાર હોય અને એને સિદ્ધ કરવા મથશો તો અમારા દેશની જેટલી તાકાત હશે તે તમામ કામે લગાડીને તમારો પ્રતિકાર કરવામાં અમે પાછા નહીં પડીએ.”

એમણે પત્રમાં “તમારો મિત્ર અને શુભ ચિંતક” એમ લખીને સહી કરી.

જાપાનના દૈનિક ‘યોમિઉરી’એ ૧૮મી સપ્ટેમ્બરે આ પત્ર પહેલા પાને પ્રકાશિત કર્યો. એનું મથાળું હતું: ‘ગાંધીનો જાપાનને ખુલ્લો પત્ર’. પરંતુ એમાં જાપાનને માફક આવે તેવી વાત રાખી અને બાકી બધું કાઢી નાખ્યું કે બદલી નાખ્યું. પ્રકાશિત પત્રમાં શું ફેરફાર થયા તે જોઈએઃ

પહેલો ફકરો તો જેમ હતો તેમ જ રહ્યો, પરંતુ તે પછીના બે ફકરા ઊડી ગયા. ચોથા અને પાંચમા ફકરાને ભેળવીને ધરખમ ફેરફાર કરી નાખવામાં આવ્યા. જાપાની ફકરો આ પ્રમાણે હતોઃ

“હું મુક્ત વ્યક્તિ હોત, અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો, જો કે મને નબળાઈ છે, તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ, હું તમારા દેશના રાજકારણીઓ સાથે વાત કરવા તમારા દેશમાં આવ્યો હોત પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી. અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ; એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ.”

ગાંધીજીના પત્રનો છઠ્ઠો ફકરો તો ઊડી જ ગયો. છેલ્લો ફકરો પણ ઊડી જ ગયો અને એની જગ્યાએ તદ્દન નવો ફકરો આવ્યો, જે આ પ્રમાણે છે.

“ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી લેવાની માંગ માટેના અમારા આંદોલન વિશે ગેરસમજ ન થવી જોઈએ. હકીકતમાં, જેવા સમાચાર મળે છે તે પ્રમાણે તમે ભારતના સ્વાતંત્ર્યને માન્યતા આપો છો અને ભારત પર હુમલો નહીં કરો એ નિઃશંક છે. તે ઉપરાંત, ભારત વિશેની તમારી નીતિ, જાણવા મળે છે તે પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યવાદ કરતાં તદ્દન જુદી છે. ક્વિટ ઇંડિયાની માંગનો ઉદ્દેશ ભારતને એક ધૂંસરીમાંથી છોડાવવાનો અને બ્રિટનની લશ્કરી અને સામ્રાજ્યવાદી મહેચ્છાનો પ્રતિકાર કરવાનો છે.”

આમ, જાપાનની જનતા સુધી ગાંધીજીનું માત્ર નામ પહોંચ્યું, એમનો સાચો સંદેશ તો પહોંચ્યો જ નહીં. ગાંધીજી એમના જીવનના એ તબક્કામાં આ ગ્રહમાં સૌથી વિશેષ પ્રખ્યાત હતા. જાપાની જનતામાં ગાંધીજી બહુ જ આદરને પાત્ર હતા પણ એ જમાનામાં ઇંટરનેટ નહોતું અને જાપાનીઓ માત્ર એક જ ભાષા જાણતા હતા એટલે એમને જે કંઈ જાણવા મળતું તે માત્ર એમનાં છાપાં દ્વારા જ. આમ જાપાનીઓએ ગાંધીજીને અ-ગાંધીય લક્ષ્ય સિદ્ધ કરવામાં જોતરી દીધા.

એ ખરું કે આ બધા ઐતિહાસિક બનાવો છે અને એના પરથી એમ સાબિત ન થઈ શકે કે આજના જીવન પર એમનો કંઈ પ્રભાવ છે. પરંતુ પહેલાં જણાવ્યું છે તેમ એમની અસર દીર્ઘજીવી છે. પહેલાં એમને કૃત્રિમ જન્મનિરોધના ટેકામાં, બૌદ્ધધર્મના ફેલાવામાં, હિન્દુધર્મનાં દૂષણો દેખાડવામાં અને સામ્રાજ્યવાદ તેમ જ યુદ્ધના સમર્થક તરીકે જોતરવાના પ્રયાસ થયા, તો આજે એમનો ઉપયોગ કમ્પ્યુટરો અને દારુ, મોંઘી પેનો અને ફર્નીચરના વેચાણમાં અને રેસ્ટોરન્ટોના પ્રચારમાં પણ થઈ જ શકે છે.

હજી અ-ગાંધીય રાજકારણીઓની તો આપણે વાત જ નથી કરતા. ગાંધીનો જે રીતે ઉપયોગ થયો છે અને થતો રહ્યો છે તે જોતાં એટલું જ સમજવાની જરૂર છે કે મૃત મહાત્માના ૧૦૧ ઉપયોગ છે. પરંતુ આવા ઉપયોગ ગાંધીચીંધ્યા ઉદ્દેશો માટે જ હોય તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

(મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે – લેખ ૧)

%d bloggers like this: