India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom Chapter 10

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ: ૧૦  ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

વે આપણે અઢારમી સદીની બીજી કેટલીયે નાની મોટી ઘટનાઓથી આગળ વધીને ઓગણીસમી સદીના કચ્છની મુલાકાતે પહોંચીએ. કમનસીબે, આપણો ઇતિહાસ એવી રીતે લખાયેલો છે કે આવી તો ઘણી ઘટનાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી થયું.

ભારમલજી બીજાના વિરોધની એક લાંબી ભૂમિકા હતી અને એના વિશે જાણવું જરૂરી છે, કારણ કે જે પરિસ્‍થિતિ ઊભી થઈ તે એકાદ દાયકાની નહોતી, રાજા ખોટે માર્ગે ચડી જવાથી લોકોએ સત્તા હાથમાં લીધી અને પછી અંતે અંદરોઅંદર ઝઘડ્યા અને ઈસ્ટ ઇંડિયા કંપની સાથે સંબંધો વધારવાનું એમને જરૂરી લાગ્યું. સંબંધો સ્‍થાપ્યા પછી ગૂંગળામણ થવા લાગી.

તો. માંડીને વાત કરીએ કે જેથી ચિત્ર વધારે સ્પષ્‍ટ થાય.

000

રાવ ગોડજીના અવસાન પછી ૧૭૭૮માં ૧૪ વર્ષના રાયધણે ગાદી સંભાળી. રાયધણ કસાયેલા બાંધાનો અને નીડર હતો. સામાન્ય જનતા એને ‘પહેલવાન’ તરીકે ઓળખતી. માતાના માનીતા દેવચંદ ઠક્કરને એણે દીવાન બનાવ્યો. દેવચંદ બહુ પ્રામાણિક હતો અને એણે ભાયાતો સાથે પણ સારા સંબંધો રાખ્યા હતા. મહારાણીના આશીર્વાદ એની સાથે હતા એટલે દેવચંદ ઊંચનીચના ભેદભાવ વિના વહીવટ કરતો.

પરંતુ પ્રામાણિક માણસોના દુશ્મનો ઘણા હોય તેમ રાયધણના અંગરક્ષકોને દેવચંદ આંખના કણાની માફક ખૂંચતો હતો. અંગરક્ષકોમાં મોટા ભાગના સીદીઓ હતા. એમણે અફવા ફેલાવી કે મહારાણી અને દેવચંદ વચ્ચે આડા સંબંધો હતા અને રાવ ગોડજીએ મરતાં પહેલાં આ પાપીને સજા આપવાનો પોતાના વારસને હુકમ આપ્યો હતો. રાવ રાયધણ પર માતાનો પ્રભાવ બહુ જ હતો એટલે એણે આ અફવાઓ કદાચ માની ન હોય તો પણ એ ગૂંચવાઈ ગયો અને દેવચંદ્ને શંકાની નજરે જોવા લાગ્યો અને દેવચંદ વિરુદ્ધ કાવતરું થાય છે તે એ સમજી ન શક્યો.

રાયધણના ખાસ માણસોમાંથી એક, જમાલ મિયાણાએ દેવચંદના રાવ માટેના દૂત માનસિંહને પકડી લીધો. આથી રાજા અને દીવાન વચ્ચે કોઈ સંપર્ક ન રહ્યો. દેવચંદના ત્રણ ભાઈઓનું અંજાર, મુંદ્રા અને માંડવીમાં સારુંએવું વર્ચસ્વ હતું. માનસિંહ પછી જમાલ મિયાણાએ દેવચંદ અને એના ત્રણેય ભાઈઓને પકડી લીધા અને લોકોમાં ઉહાપોહ ન થાય તે માટે તરત મારી નાખ્યા.

હવે રાયધણ સંપૂર્ણપણે એમના કાબુમાં હતો. પણ જમાલ પોતે નાનો માણસ હતો એટલે એનું સ્થાન સીદી મારીચે લીધું. હવે મારીચ રાયધણનો દોરીસંચાર કરતો હતો. દરમિયાન રાજમાતા બીમાર પડી અને રાયધણે બહુ મહેનત કરી પણ એ સાજી ન થતાં વૈદ્યોને હટાવીને એ અંગ્રેજ ડૉક્ટરને લાવ્યો. આમ પહેલી વાર કચ્છમાં કંપનીનો માણસ આવ્યો અને અંધાધૂંધીનાં સાક્ષાત દર્શન કર્યાં.

૧૭૮૪માં રાયધણમાં માનસિક અસંતુલનનાં લક્ષણો જાહેરમાં દેખાવા લાગ્યાં. માતા પણ નહોતી રહી અને બીજી કોઈ વગદાર વ્યક્તિનોય પ્રભાવ નહોતો. હવે એ મહંમદ પનાહ સૈયદની અસર હેઠળ આવ્યો. આમ તો કચ્છના રાજાઓ બધા ધર્મોને માન આપતા એટલે આ નવી વાત ન કહેવાય પણ રાયધણ આગળ વધ્યો. એ ભુજની શેરીઓમાં પોતાના માણસો સાથે ખુલ્લી તલવારે ફરવા લાગ્યો અને જે કોઈ સામે આવે તેને ઇસ્લામ સ્વીકારવા ધમકાવવા લાગ્યો. ઘણા એના હાથે ઘાયલ થયા કે માર્યા ગયા. રાયધણે મંદિરો તોડવાનું પણ શરૂ કરી દીધું.

એક વાર એણે એક પ્રતિષ્ઠિત રાજગોર પર હુમલો કર્યો. બધા રાજગોરો એની વિરુદ્ધ આરજી આપવા રાજા પાસે ગયા તો રાજા એમના પર જ તૂટી પડ્યો. કેટલાયે ઘાયલ થયા અને એને બધાની મિલકત જપ્ત કરી લેવાનો હુકમ આપ્યો. એ વખતથી એ બધા બ્રાહ્મણો અને વાણિયાઓને પોતાના દુશ્મન માનવા લાગ્યો. વાણિયા-બ્રાહ્મણની વસ્તી માંડવીમાં ઘણી હતી એટલે એમનો સફાયો કરવા રાયધણ માંડવી પહોંચ્યો. પહેલાં તો એણે ત્યાં ઘણાં ગાયભેંસને મારી નાખ્યાં, પછી રામેશ્વરના મંદિરને તોડવાની જાહેરાત કરી અને વાઘેશ્વરની મૂર્તિને ખંડિત કરી. પરંતુ એને જનતાના રોષનો બરાબર અંદાજ નહોતો. લોકોએ લાકડી, પથ્થર જે કંઈ હાથમાં આવ્યું તે લઈને રાયધણની ફોજ પર હુમલો કર્યો. હુમલો એવો જોરદાર હતો કે રાયધણને ભુજ ભાગવું પડ્યું.

ભુજ આવીને રાયધણે પોતાની જૂની રીતે શેરીઓમાં ખુલ્લી તલવારે ફરવાનું અને આવતા-જતાને ઇસ્લામમાં વટલાવવાનું શરૂ કરી દીધું. એ વખતે વાઘો પારેખ ભુજમાં શક્તિશાળી બની ગયો હતો. એના ભાઈ કોરા પારેખની અંજારમાં ધાક હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે રાવને હવે ઠેકાણે પાડવો જોઈએ. એક રાતે કોરો પારેખ ચારસો માણસો સાથે મહેલમાં ધસી આવ્યો. રાયધણ ઊપલા માળે ભાગી ગયો. એ વખતે એકલો ડોસલવેણ એની સાથે હતો. નિચલા માળ પર કોરાના સૈનિકોએ કબજો જમાવ્યો પણ રાવે વચ્ચેની સીડી તોડાવી નાખી હતી અને પોતાના અંગરક્ષકોને હાકલો પાડીને બોલાવી લીધા હતા. હવે કોરા પારેખના જૂના દુશ્મન મસૂદને મોકો મળ્યો. જીવસટોસટની લડાઈમાં વાઘો અને કોરો બન્ને માર્યા ગયા.

આ સાથે આખું કચ્છ અરાજકતાના અંધકારમાં ડૂબી ગયું. માંડવી પર રામજી ખવાસે કબજો કરી લીધો, અંજાર મેઘજી શેઠના હાથમાં ગયું. મુંદ્રા. લખપત અને બીજાં મોટાં શહેરો પણ સ્વતંત્ર થઈ ગયાં. આથી ભુજમાં રાવ રાયધણ નાણાભીડમાં મુકાયો. હવે એની નજર અસૂદ અને મહંમદ પનાહની સંપત્તિ પર ગઈ. એણે બન્નેની સંપત્તિ જપ્ત કરી લેતાં રાયધણનો કોઈ સાથી ન રહ્યો. આમ છતાં એની વટાળ પ્રવૃત્તિમાં નવું ખુન્નસ ઉમેરાયું.

હવે ભુજના નાગરિકો કંટાળ્યા. અંજારથી મેઘજી શેઠને બોલાવ્યા. એ સૈન્ય સાથે આવતાં ગઢના દરવાજા ખોલી દેવાયા. એમણે મહેલ પર હુમલો કર્યો અને ત્રણ દિવાસની લડાઈ પછી રાયધણના પઠાણ અંગરક્ષકોએ હથિયાર હેઠાં મૂક્યાં અને રાવ રાયધણને કેદ કરીને એના પિતાની બીજી પત્નીના પુત્ર સગીર વયના પૃથ્વીરાજ ઉર્ફે ભાઈજી બાવાને કારભાર સોંપી દેવાયો. એની મદદ માટે એક કાઉંસિલ બની જે બાર ભાયાના નામે ઓળખાય છે. એમાં મેઘજી શેઠ અને ડોસલવેણ મુખ્ય હતા. કચ્છના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી.

બાર ભાયામાં ભારે ખટપટો ચાલી અને એમાં આપણે ઊંડા નહીં ઊતરીએ. અંતે બાર ભાયામાંથી બે જણે રાયધણને કેદમુક્ત કરવાનું બીડું ઝડપ્યું. ભાઈજી બાવાના હાથમાં માત્ર કારભાર હતો, એમને સત્તાવાર રીતે રાજગાદી નહોતી સોંપાઈ એટલે રાજ તો રાયધણનું જ હતું. રાયધણે ફરી સત્તા સંભાળી. એના હઠીલા અને તરંગી સ્વભાવ છતાં એની રાજકીય દૃષ્ટિ ચકોર હતી. મેઘજી શેઠ વધારે બળવાન બને છે તે એણે જોઈ લીધું અને એે તદ્દન અજાણ્યા એવા એક ફોજી માણસ જમાદાર ફતેહ મહંમદ તરફ ઢળતો ગયો. ફતેહ મહંમદ તદ્દન નિરક્ષર હતો, ધનને નામે એની પાસે કાણી કોડીપણ નહોતી અને જમાદાર તરીકે એના હાથ નીચે માત્ર વીસ માણસ હતા. પણ એ બુદ્ધિમાન હતો અને રાજાને વફાદાર રહ્યો. એણે ધીમે ધીમે મેઘજી શેઠના માણસોને રાઅવ તરફ વાળ્યા. રાયધણ ફરી જોરમાં આવતો ગયો.

એને બધી સત્તા પાછી મળી ગઈ હોત પણ એનો શંકાશીલ સ્વભાવ એને આડે આવ્યો. એક વાર જમાદાર ફતેહ મહંમદ મહેલમાં ગયો ત્યારે રાયધણે ઓચિંતો જ એના પર તલવારથી હુમલો કરી દીધો. ફતેહ મહંમદ ચપળ હતો અને બચી ગયો. આમ રાવ સાથેના એના સંબંધો પણ ખરાબ થયા, જો કે એ છેક સુધી રાજવંશને વફાદાર રહ્યો અને ખરા અર્થમાં રાજ કરતો રહ્યો. શરૂઆતમાં એણે હંમેશાં લોકો સાથે સદ્‍ભાવથી કામ કર્યું અને લોકપ્રિય બન્યો પણ એક વાર રાયધણે એના ઘર પર હુમલો કર્યો અને ફતેહ મહંમદના હાથે ઘાયલ થયો ત્યારે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ અને ફતેહ મહંમદની લોકપ્રિયતા ઘટી ગઈ. ૧૮૧૩માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી એ વહીવટ કરતો રહ્યો પણ એ જુદો જ ફતેહમહંમદ હતો. લોકો હવે એને પ્રેમથી નહીં, ડરથી જોતા હતા. આ કથા બહુ લાંબી છે અને એને આપણા મૂળ વિષય સાથે સીધો સંબંધ નથી એટલે આપણે એટલું જ કહીએ કે ઈસ્ટ ઇંડિયા કંપની એ વખતે ગુજરાત અને કાઠિયાવાડમાં પહોંચી ગઈ હતી. કચ્છમાં એને કદી રસ નહોતો પડ્યો પણ હવે કચ્છની ઘટનાઅઓ જોઈને એમની દાઢ સળકતી હતી. તેમાં પણ વાગડમાંથી બહારવટિયા કાઠિયાવાડ અને ગુજરાતમાં પણ લૂંટફાટ કરતા હતા. હવે કંપનીએ કચ્છમાં વધારે રસ લેવા માંડ્યો. 

આ વિશે આવતા અઠવાડિયે.

+++++++

સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: