India: Slavery and struggle for freedom : Part 2: Struggle for Freedom – Chapter 12

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ  : આઝાદી માટેનો સંઘર્ષ

પ્રકરણ:   ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ ()

જમાદાર ફતેહ મહંમદના બે પુત્રો હુસેન મિયાં અને ઇબ્રાહિમ મિયાંના હાથમાં હવે બધી સત્તા અને સંપત્તિ આવી. ફતેહ મહંમદને એના જીવનના અંતિમ દાયકામાં એમના બ્રાહ્મણ સાથી જગજીવન મહેતા પર બહુ ભરોસો હતો, એમાં હુસેન મિયાંને તો નહીં પણ નાના ભાઈ ઇબ્રાહિમ મિયાંને વાંધો હતો. એણે જગજીવન મહેતાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું પણ આરબ અંગરક્ષકોએ મહેતાને બચાવી લીધો. આમ કચ્છના ઇતિહાસમાં હિન્દુઓ અને મુસલમાનો વહેંચાઈ ગયા.

આમ, કચ્છનું કંઈ થાળે પડતું નજરે ચડતું નહોતું એટલે કંપનીની અકળામણ વધતી જતી હતી. પરંતુ કરવું શું? ફતેહ મહંમદ તો હતો નહીં. અંતે એમણે હુસેન મિયાંને બહુ જ વિવેકભર્યો પત્ર લખીને પોતાના પ્રતિનિધિ રાઘોબા અપ્પાને ભુજ મોકલવાની દરખાસ્ત મૂકી. હુસેન મિયાંએ હા પાડી અને રાઘોબા ભુજ આવ્યો. હુસેન મિયાંએ એને સારો આવકાર આપ્યો.પરંતુ, એના ભાઈ ઇબ્રાહિમ મિયાં અને મુંદ્રાના મહંમદ મિયાંને એ પસંદ ન આવ્યું. એમણે રાઘોબા સામે વાંધો લીધો. મૅકમર્ડોને ભુજ આવવા દેવાની રાઘોબાની વિનંતિ પણ હુસેને સ્વીકારી લીધી. હવે ઇબ્રાહિમ અને મુંદ્રાના મહંમદ મિયાં સાથે મળી ગયા. એમણે અંજાર પર કબજો કરી લીધો, ડોસલવેણને માંડવીમાં શિવરાજ સામે મોકલ્યો. બીજી બાજુ, બહારવટિયાઓને રોકવાની મહેનત કોઈ કરતું નહોતું. કંપની હવે તદ્દ્ન નિરાશ થઈ ગઈ હતી. એણે ફરી હુઝસેન મિયાંને પત્ર લખીને ચેતવણી આપી કે કચ્છનું રાજ્ય બહારવટિયાઓને રોકશે નહીં તો કંપની કચ્છમાં આવીને જાતે એમનો ઉપાય કરશે. કંપનીએ ધમકી આપી કે આમાં જે કંઈ ખર્ચ થશે તે કચ્છ પાસેથી વસૂલ કરાશે અથવા નવાનગર કચ્છને જે ખંડણી આપે છે તે કંપની લઈ લેશે.

આ ધમકીની અસર અવળી થઈ. કચ્છના સ્વાભિમાનને હજી કંપની સમજી નહોતી. કચ્છનું સ્વમાન ઘવાયું અને બધા જ મતભેદો ભૂલીને કચ્છીઓ એક થઈ ગયા. અધૂરામાં પૂરું, કંપનીએ પોતે જ આ ધમકીનો અમલ ન કર્યો. મૅકમર્ડો કચ્છીઓના આત્મસન્માનને સમજતો હતો એટલે એણે એવો રસ્તો દેખાડ્યો હતો કે સાપ પણ ન મરે અને લાઠી પણ ન ભાંગે. કંપનીએ એની સલાહ ન માની અને પોલી ધમકીનો રસ્તો લીધો. જગજીવન મહેતા કંપની સાથે સારા સંબંધ રાખવામાં માનતો હતો, ઈબ્રાહિમ મિયાંને બહાનું મળી ગયું અને એણે જગજીવન મહેતાને મરાવી નાખ્યો.

પરંતુ, મહેતાના ખૂનના છાંટા ચારે બાજુ ઊડ્યા. માંડવીથી શિવરાજ પાટનગર ભુજના રાજકારણમાં ભાગ ભજવવા લાવલશ્કર સાથે આવ્યો.

દરમિયાન, કોઈ મારવાડી સૈનિકે ઇબ્રાહિમ મિયાંની હત્યા કરી નાખી. ભાઈની હત્યાનો બદલો લેવા ભુજમાં હુસેન મિયાંએ બધા મારવાડી સૈનિકોને મારી નાખ્યા અથવા કેદ કરી લીધા. આમ શિવરાજ આવ્યો ત્યારે એની પાસે આરબ અંગરક્ષકો સિવાય કોઈ નહોતું. જીવ બચાવવા એણે ભુજ છોડી દેવાનું વચન આપ્યું.

૧૮૧૫ના જાન્યુઆરીમાં ભારમલજીએ રીતસર વહીવટ સંભાળી લીધો. એમની આસપાસ એકઠી થયેલી મંડળીથી કંટાળ્યા હતા એટલે એમણે શિવરાજને સાથ આપ્યો. શિવરાજ અને એની સાથેના આસકરણ શેઠને એમણે દીવાન બનાવી દીધા.

ભારમલજી ઈસ્ટ ઇંડિયા કંપની સામે નમતું મૂકવા તૈયાર નહોતા, પરંતુ કંપની સાથે છેડછાડ કરવા પણ નહોતા માગતા.એમણે કંપનીને કહ્યું કે રાઘોબા અપ્પાને પાછો બોલાવી લો અને એની જગ્યાએ સુંદરજીને મૂકો. કંપનીએ એની ના પાડી; એટલે ભારમલજીએ રાઘોબાને પોતે જ કાઢી મૂક્યો.

આમ છતાં ભારમલજીને રાજકાજનો બહુ અનુભવ નહોતો એટલે એમણે બીજી કેટલીક ભૂલો કરી જેને કારણે અંગ્રેજોને સીધો હસ્તક્ષેપ કરવાનું સહેલું થઈ ગયું.

એક તો રાવ રાયધણનાં કારસ્તાનો પછી ભાયાતોમાં રાજા પ્રત્યે માન નહોતું રહ્યું. જમાદાર ફતેહ મહંમદ રાવ રાયધણ અને ભાઈજી બાવાને વફાદાર રહ્યો. રાયધણે તો એના પર પણ હુમલો કર્યો હતો પણ જમાદારે એને રાજાના અંગત સ્વભાવનું પરિણામ માન્યો, એની કેન્દ્રીય સત્તા માટેની વફાદારી ઓછી નહોતી થઈ.

કચ્છના રાજ્યની કેન્દ્રીય સત્તાને મજબૂત બનાવવા માટે એણે જે પગલાં લીધાં તેથી નાનામોટા ભાયાતો નારાજ થયેલા હતા. હવે ભાયાતો રાજાની સત્તાને નિયંત્રણમાં રાખવા કટિબદ્ધ હતા.

ભારમલજી આ ન સમજ્યા અને ભાયાતોને દબાવવા મથ્યા. એમણે આસંબિયાના જાગીરદારને ખુવાર કરી નાખ્યો. બધા ભાયાતોમાં આનો પડઘો પડ્યો. અંતે કંપનીએ ખરેખર લશ્કરી કાર્યવાહી કરી ત્યારે ભાયાતોને પણ મોકો મળી ગયો.

૧૮૧૫ના ઑગસ્ટમાં કાઠિયાવાડમાં જોડિયા તરફ કંપની અને ગાયકવાડી ફોજ નીકળી પડી. જોડિયાએ નવાનગરના જામ સાહેબની આણ માનવાનો ઇનકાર કરી દીધો હતો. કંપની જોડિયાને ફરી જામસાહેબની સેવામાં હાજર કરવા માગતી હતી.

કચ્છમાંથી શિવરાજે જોડિયાનો પક્ષ લેવાનું નક્કી કર્યું અને એને હથિયારો અને દારુગોળો આપીને મદદ કરી. એટલું જ નહીં બહારવટિયાઓએ એ જ અરસામાં એક ગામે મૅકમર્ડોના કૅમ્પ પર હુમલો કર્યો હતો.

જોડિયા તો ચપટીમાં ચોળાઈ ગયું. રાવ ભારમલજી હવે ચોંક્યા. લડાઈની એમની ઇચ્છા નહોતી એટલે એ વાગડ ગયા અને કંપનીને સંતોષ થાય તે માટે ડાકુઓને કચડી નાખવાનો ગંભીર પ્રયત્ન કર્યો.

બીજી બાજુ, કંપનીએ મહારાવ સાથે આરપારનો ખેલ ખેલી લેવાનું નક્કી કરી લીધું હતું.જોડિયામાં લશ્કર તો તૈયાર જ હતું.

૧૮૧૫ના નવેમ્બરમાં કંપનીએ રાવ ભારમલજીને પત્ર લખીને ચેતવણી આપી કે વાગડના ડાકુઓએ કરેલી નુકસાની મહારાવ ભરપાઈ નહીં કરે તો લશ્કર ચડાઈ કરશે. ભારમલજીએ કૅપ્ટન મૅકમર્ડો પાસે પોતાનો પ્રતિનિધિ નહોતો મોકલ્યો અને ઉલ્ટું કંપનીના,એજન્ટ રાઘોબાની હકાલપટ્ટી કરી હતી. કંપનીએ આ સવાલો પણ ઊભા કર્યા.

ભારમલજીએ આનો કોઈ ચોખ્ખો જવાબ ન આપ્યો, માત્ર કંપની સાથે સારા સંબંધો રાખવાની ઇચ્છા જાહેર કરી.કંપની માટે આ પૂરતું નહોતું.

૧૮૧૫ની ૧૪મી ડિસેમ્બરે કર્નલ ઈસ્ટની આગેવાની નીચે બ્રિટિશ અને ગાયકવાડી ફોજે રણ પાર કર્યું. મૅકમર્ડો લશ્કર સાથે રાજકીય સલાહકાર તરીકે હતો. એણે માંડવી અને મુંદ્રાના હાકેમોને પત્રો લખીને કહ્યું કે કંપની કચ્છના વહીવટમાં માથું મારવા નથી માગતી, માત્ર કચ્છના માણસોએ એનું નુકસાન કર્યું છે તે જ વસૂલ કરવું છે. એ રાવના વિરોધી બેચાર ભાયાતોને પણ જાણતો હતો. મૅકમર્ડોએ એમને પણ આવી જ જાણ કરી દીધી.

મુંબઈ સરકાર માનતી હતી કે રૈયત ભારમલજીને નહોતી માનતી અને લધોભાને સાચો વારસ માનતી હતી. પણ ભારમલજીના વિરોધીઓમાં પણ એવો કોઈ ખ્યાલ નહોતો. કંપની સરકાર ભારમલજીને ગાદીએથી ઉતારી દેવા માગતી હતી એટલે લશ્કર ભુજને નુશાન બનાવવા માગતું હતું.

પરંતુ હજી ભુજ દૂર હતું અને ભીમાસર સુધી જ પહોંચ્યું હતું.રસ્તામાં અંજાર પડતું હતું કર્નલ ઈસ્ટ અંજાર પાસે આવ્યો ત્યારે એને ખબર પડી કે હુસેન મિયાંના માણસોએ કૂવાઓમાં ઝેર નાખી દીધું છે. કર્નલ ઈસ્ટ સમજી ગયો કે આગળ વધવું સહેલું નથી. એણે પાછળ કાઠિયાવાડમાં સંદેશ મોકલાવીને વધારે કુમક અને સરસામાન મોકલવા તૈયાર રહેવા કહી દીધું.

હવે એણે હુસેન મિયાંને અંજાર અને તૂણા બંદરનો કબજો સોંપી દેવા કહ્યું. હુસેન મિયાંએ તાબે થવાની ના પાડી દીધી.

૨૫મી ડિસેમ્બરની સવારે કંપનીની તોપો ગરજી, અંજારના ગઢમાં મોટું ગાબડું પડી ગયું. આ હુમલા પછી રાવ ભારમલજી, શિવરાજ અને મહંમદ મિયાંએ મૅકમર્ડોને સમાધાન માટે પત્રો મોકલ્યા.

પરંતુ લશ્કરની ભુજ તરફની કૂચ અટકી નહીં. લાખોંદ પાસે રાવ ભારમલ ગયા અને સંધિ કરી. એમણે વાગડના લૂંટારાઓએ જે કંઇ નુકસાન કર્યું હોય કે ભવિષ્યમાં કરે તો તે ભરપાઈ કરી દેવાનું વચન આપ્યું.બીજી શરત એ હતી કે રાવ પોતાના અંગત ચારસો અંગરક્ષમો સિવાય બીજા આરબોને રાખી નહીં શકે. બ્રિટિશ એજન્ટ ભુજમાં રહેશે. અંજાર મૅકમર્ડોના હાથમાં રહેશે. કંપની બદલામાં કચ્છના વહીવટમાં માથું નહીં મારે.

જો કે કંપની કચ્છનું મહત્ત્વ સમજી હતી કારણ કે પાડોશમાં સિંધ હતું, અને એના અમીરો સાથે કંપનીના સંબંધોમાં શાતિ નહોતી એટલે બીજા પ્રદેશો કબજે કરતી વખતે કંપની એમની નાલેશી કરતી તેને બદલે કચ્છ સાથે થોડીઘણી બરાબરી રાખી.

પણ ખરેખર એવું હતું? ભારમલજીનું શું થયું? કંપનીએ શું કર્યું?

આ સવાલો આવતા અંકે.


સંદર્ભઃ The Black Hills by Rushbrook Williams, 1958.(ઇંટરનેટ પર ઉપલબ્ધ).

%d bloggers like this: