Science Samachar 54

(૧) અમેરિકા જઈને માણસ તો ઠીક, એના આંતરડાના બૅક્ટેરિયા પણ ‘વેસ્ટર્નાઇઝ્ડ’ બની જાય છે!

માણસ અમેરિકા જાય ત્યારે દેશમાં સગાંવહાલાં કહે છે કે એ તો સાવ જ અમેરિકન બની ગયો! સાચી વાત છે. અરે, એના આંતરડાનાં બૅક્ટેરિયા અથવા માઇક્રોબાયોમ પણ અમેરિકન બની જાય છે.

મિનેસોટા યુનિવર્સિટી અને અગ્નિ એશિયાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અગ્નિ એશિયાના દેશોમાંથી આવેલા સ્થળાંતરીઓનાં આંતરડાંમાં માઇક્રોબની વિવિધતા હોય છે તે અમેરિકા આવ્યા પછી ઘટી જાય છે. એ કારણે એ લોકો જાડા થઈ જાય છે અને બીજી બીમારીઓ પણ લાગુ પડે છે. વિકાસશીલ દેશોના લોકો કરતાં અમેરિકનોનાં આંતરડાંમાં જૈવિક વૈવિધ્ય ઓછું હોય છે.

મિનેસોટામાં ખ્મોંગ અને કારેન જાતિના લોકો થાઇલૅન્ડથી જઈને મોટી સંખ્યામાં વસ્યા છે. એ મૂળ તો ચીન અને મ્યાંમારના. એમના સહકારથી આ સંશોધન કરવામાં આવ્યું. અહીં ગ્રાફમાં દેખાડ્યું છે તેમ અમેરિકા આવ્યા ત્યારે એ સામાન્ય બાંધાના હતા પણ અમેરિકા આવ્યા પછી એમનામાં જાડા થવાનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે. એ જ રીતે આંતરડામાં જે માઇક્રોબ હતાં એ પણ સંખ્યામાં અને વિવિધતામાં ઓછાં થતાં ગયાં છે. એમણે આ સરખામણી નવા આવેલા ૧૯ સ્થળાંતરીઓમાં કરી અને છથી નવ મહિનામાં થયેલા ફેરફારની નોંધ લીધી. પહેલા છ મહિનામાં ફેરફાર ઝડપથી થયા અને પશ્ચિમી માઇક્રોબે એશિયન માઇક્રોબનો ખુરદો બોલાવી નાખ્યો.

બાળકોમાં આ ફેરફાર બહુ તીવ્ર હતો. એનું કારણ સ્પષ્ટ નથી પણ સંશોધકો માને છે કે સંપૂર્ણ અમેરિકી માહૌલમાં ઉછેર થવાને કારણે બાળકોનાં આંતરડાં જલદી અમેરિકન બની ગયાં.

=-=-=-=

સંદર્ભઃ https://www.google.com/url?q=https://www.sciencedaily.com/releases/2018/11/181101133936.htm&source=gmail&ust=1543851101039000&usg=AFQjCNFM56m6HwgT9MVfiYN8Vxgp_GQNRA

૦-૦-૦-૦

(૨) ચીન બનાવે છે નવું ‘લાર્જ હૅડ્રૉન કોલાઇડર’

ચીન દુનિયાનું સૌથી મોટું પાર્ટિકલ સ્મૅશર (કણોને તોડવાનું મશીન) બનાવે છે. આજે સ્વિટ્ઝર્લૅન્ડમાં CERNનું ‘લાર્જ હૅડ્રૉન કોલાઇડર’ (LHC) છે તે આની આગળ બચ્ચું છે. એ ૨૭ કિલોમીટરનું છે, જ્યારે ચીનનું કોલાઇડર ૧૦૦ કિલોમીટરનું હશે. એની પાછળ ૪.૩ અબજ અમેરિકન ડૉલરનો ખર્ચ થશે. એને ‘સરક્યૂલર ઇલેક્ટ્રોન-પોઝિટ્રોન કોલાઇડર’ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઇલેક્ટ્રોન અને એના ઍન્ટીમૅટર પ્રતિરૂપ પોઝિટ્રોનને અથડાવીને હિગ્સ બોસોન પેદા કરાશે. ૨૦૩૦માં આ LHC કામ કરતું થઈ જશે. એ જમીનની નીચે ૧૦૦ મીટર ઊંડે હશે, જો કે એનું સ્થળ હજી નક્કી નથી થયું.

=-=-=-=

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-07531-6?WT.ec_id=NATURE-20181129&utm_source=nature_etoc&utm_medium=email&utm_campaign=20181129&sap-outbound-id=A6B26C2C3048BEE25EA17AC2D49084DD00BA93A2

૦-૦-૦-૦

(૩) બિગ બૅંગના સમયના તારાઓનું યુગલ

આ તારાઓ જૂઓ.

એ આપણી આકાશગંગાની નજીક છે, પણ એની રચના સૂચવે છે કે એ બહુ જૂના તારા છે. એ સાડાદસ અબજ વર્ષ પહેલાં બન્યા હોવાનું મનાય છે, એટલે કે બિગ બૅંગ પછીની પહેલી પેઢીના તારા છે. એ વખતે બનેલા તારાઓમાં હાઇડ્રોજન, હિલિયમ અને થોડું લિથિયમ જ હોઈ શકે, કારણ કે ધાતુઓ એટલે કે બીજાં ભારે તત્ત્વો તે પછી બન્યાં. બન્ને તારા કોઈ બિંદુની આસપાસ પરિક્રમા કરે છે. એમાં ધાતુનો તદ્દન અભાવ છે એટલે એ બિગ બૅંગ પછી તરત બન્યા હોવા જોઈએ એમ જ્‍હોન હૉપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે.

પહેલાં ખગોળ વૈજ્ઞાનિકોની કોઈ બીજી એક ટીમે પહેલાં વધારે તેજસ્વી તારો (મુખ્ય તારો) શોધ્યો. તે પછી આ યુગલ તારો છે એવું બીજી ટીમે શોધ્યું.. એને જોવા મળેલો તારો (સાથી તારો) થોડો ઝાંખો છે. મુખ્ય તારો પરિક્રમા કરતાં થોદો ડગમગતો હતો એટલે લાગ્યું કે એના પર ગુરુત્વાકર્ષણની અસર થતી હશે. આમાં જ બીજો તારો શોધાયો અને પછી મુખ્ય તારાના પ્રકાશનો અભ્યાસ કરીને એની રચનાનું રહસ્ય ઉકેલવામાં આવ્યું. પ્રકાશમાં કાળી લાઇનો હોય, અથવા ન હોય, એના પરથી એની સંરચનામાં ધાતુ છે કે નહીં તે નક્કી થાય છે.

પહેલાં એમ માનવામાં આવતું કે બિગ બૅંગ વખતે બનેલા તારાઓનું અસ્તિત્વ જ નહીં હોય કેમ કે એમનું ઈંધણ તો તરત બળી ગયું હોય. પરંતુ હવે સમજાય છે કે આવા તારાઓ હજી પણ છે. આ તારાને વૈજ્ઞાનિકોએ 2MASS J18082002–5104378 B નામ આપ્યું છે.

=-=-=-=

સંદર્ભઃ https://hub.jhu.edu/2018/11/05/scientists-find-star-with-big-bang-origins/

૦-૦-૦-૦

(૪) પૂર્વ એશિયામાં મળ્યો ૩૧૦૦ વર્ષ જૂનો ડેરી વ્યવસાયનો પુરાવો

મોંગોલિયામાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ જૂનાં હાડપિંજરોના દાંતનો અભ્યાસ કરીને એમાં દૂધની પેદાશોના ઈસુ પૂર્વે ૧૩૦૦ વર્ષ જૂના સંકેત મેળવ્યા છે. આનો અર્થ એ કે મોગોલિયામાં આજથી ૩૧૦૦ વર્ષ પહેલાં મોટા પાયે પશુપાલન થતું. બીજા સંકેતો પરથી એવું તારણ નીકળે છે કે વસ્તીના સ્થળાંતરને કારણે નહીં પરંતુ પૂર્વ સ્ટેપ (steppe)ના જંગલવાસીઓ સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા મોંગોલિયામાં દૂધનો વ્યવસાય પહોંચ્યો. પરંતુ એ લોકો બકરી અને ઘેટાંનું દૂધ લેતા. આ પશુઓ મૂળ મોંગોલિયાનાં કે પૂર્વ સ્ટેપનાં નથી પણ પશ્ચિમી સ્ટેપમાંથી આવ્યાં.

આ પશુપાલકો પાછળથી એશિયા અને યુરોપમાં પણ ફેલાયા. સંશોધકોએ છ જુદી જુદી જગ્યાએથી ૨૨ ૧૩૦૦થી ૯૦૦ વર્ષ જૂનાં હાડપિંજરોની તપાસ કરીને આ તારણ કાઢ્યું છે.

=-=-=-=

સંદર્ભઃ https://www.sciencedaily.com/releases/2018/11/181105160857.htm

%d bloggers like this: