India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-15

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૫: બ્રિટને યુદ્ધમાં ભારતને જોતર્યું

૧૯૩૯ની બીજી-ત્રીજી જુલાઈએ મુંબઈમાં જિન્નાના નિવાસસ્થાને મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીની બેઠક મળી. જિન્ના હવે દેશી રાજ્યોમાં મુસલમાનોની પણ આગેવાની લેવાનો પ્રયાસ કરતા હતા એટલે કમિટીએ જયપુરમાં મુસલમાનોના દમન સામે પગલાં લેવા ગવર્નર જનરલને અપીલ કરી અને હૈદરાબાદમાં નિઝામ વિરુદ્ધ હિન્દુ સંગઠનો ઉશ્કેરણી કરતાં હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસની સરકારો ચાલતી હોય તે પ્રાંતોમાં મુસલમાનો પ્રત્યે થતા ભેદભાવો વિશે એક આવેદનપત્ર જિન્નાએ ગવર્નર જનરલને પહેલાં જ મોકલી આપ્યો હતો.

ફરી ઑગસ્ટમાં મુસ્લિમ લીગની કાઉંસિલની મીટિંગ દિલ્હીમાં મળી તેમાં, યુદ્ધ ફાટી નીકળે અને બ્રિટન એમાં જોડાય તો મુસ્લિમ લીગે શું વલણ લેવું તે ચર્ચાનો મુખ્ય વિષય હતો. આ બાબતમાં કાઉંસિલે ઠરાવ પસાર કરીને કહ્યું કે ભારતમાં વાઇસરૉય તેમ જ પ્રાંતિક ગવર્નરો હસ્તક લઘુમતીઓના રક્ષણ માટેની ખાસ સત્તાઓ હોવા છતાં કોંગ્રેસની સરકારો મુસલમાનો સાથે જે વ્યવહાર કરે છે તેને ડામવામાં સફળતા નથી મળી. આ સંજોગોમાં મુસ્લિમોની માગણી સરકાર માનશે તો જ મુસ્લિમ લીગ યુદ્ધમાં એને ટેકો આપશે. આમ મુસ્લિમ લીગે યુદ્ધ વિશે પોતાની નીતિ જાહેર કરવાનું ટાળી દીધું અને ભવિષ્યમાં સરકાર સાથે સોદો કરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો.

બીજી બાજુ, હજી મુસલમાનોમાં જિન્નાનું હજી એકચક્રી રાજ નહોતું સ્થપાયું. ઉદાહરણ તરીકે પંજાબના પ્રીમિયર સિકંદર હયાત ખાને ભારત અને બ્રિટનના વેપાર વિશે અને ફેડરલ સ્કીમ વિશે મુસ્લિમ લીગ કરતાં જુદું વલણ લીધું. કાઉંસિલમાં એમની સામે પગલાં લેવાનો ઠરાવ આવ્યો પણ જિન્ના પંજાબ પ્રાંતની મુસ્લિમ બહુમતીને નારાજ કરવા નહોતા માગતા એટલે એમણે કહી દીધું કે પંજાબના પ્રીમિયરને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા સિવાય કંઈ કાર્યવાહી ન થઈ શકે.

પંજાબમાં લીગની ઑફિસો પર એના નામના પાટિયાં ઝુલતાં હતાં તે સિવાય લીગની બહુ કિંમત નહોતી. એટલે મુસ્લિમ લીગ કંઈ પણ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેવું હતું. જિન્નાએ પંજાબમાં સિકંદર હયાત ખાન પર લીગનો બધો મદાર છે એમ ચોખ્ખા શબ્દોમાં તો ન કહ્યું પણ પોતાનો હાથ ઉપર રાખીને વાત ટાળી.

યુદ્ધની જાહેરાત

બીજી સપ્ટેમ્બરે વાઇસરૉયે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો શું કરવું તે વિશે વાતચીત માટે ગાંધીજીને શિમલા આવવા નોતર્યા. પણ વાઇસરૉય સાથે એમની વાતચીત થાય તેનાથી પહેલાં, ૩જી સપ્ટેમ્બરે બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી. ઇંગ્લૅંડના સમ્રાટે દેશવાસીઓ અને બ્રિટિશ સંસ્થાનોના નાગરિકોને હિટલર સામેની લડાઈમાં સામ્રાજ્યને સાથ આપવા અપીલ કરી. વાઇસરૉયે પણ શિમલાથી રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત પણ એક મહાન દેશ અને ઐતિહાસિક સંસ્કૃતિ તરીકે તાકાતની સત્તા વિરુદ્ધ માનવસ્વાતંત્ર્યના પક્ષે રહીને બધી રીતે મદદ કરશે.” ગાંધીજીએ વાઇસરૉયને મળ્યા પછી નિવેદન કર્યું કે એમની અંગત સહાનુભૂતિ બ્રિટન સાથે છે અને લગભગ એવું લાગે છે કે યુદ્ધની શરૂઆત હેર હિટલરે કરી છે. જો કે, એમણે કોંગ્રેસ વતી કંઈ કહેવાની ના પાડી પણ આ બાબત કોંગ્રેસમાં હાથ ધરવાની ખાતરી આપી.

તરત જ યુદ્ધલક્ષી પગલાં લેવાનું શરૂ થઈ ગયું હતું. ‘દુશ્મન’ દેશ સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મુકાયો, વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને બ્રિટિશ ઇંડિયાના સંરક્ષણ માટે ખાસ સત્તાઓ હાથમાં લીધી અને દેશમાં રહેતા જર્મન નાગરિકોને અટકાયતમાં લેવાના હુકમો કરવામાં આવ્યા. કલકત્તામાંથી લગભગ એકસો જર્મનોને પકડી લેવાયા. મુંબઈમાં સી. આઈ. ડી.એ નાઝી પાર્ટીની ભારતમાં હિલચાલ માટે એકત્ર કરાયેલા એક લાખ રૂપિયા પકડી પાડ્યા.

નહેરુએ કહ્યું કે બ્રિટન સંકટમાં છે તેનો ગેરલાભ લેવાનો કોંગ્રેસનો ઇરાદો નથી. મુંબઈ પ્રાંતના ગૃહ પ્રધાન કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં ગુજરાત સાહિત્ય સંસદની મીટિંગમાં બોલતાં યુરોપમાં છેડાયેલા યુદ્ધને કારણે સભ્ય દેશોની ખુવારી વિશે ચર્ચા કરી. કલકત્તામાં રવીન્દ્ર નાથ ટાગોર, પ્રફુલ્લ ચન્દ્ર રૉય, મન્મથ નાથ મુખરજી અને બીજા કેટલાય નેતાઓએ નિવેદન કરીને ભારતને બ્રિટનની પડખે રહેવા અપીલ કરી. બીજી બાજુ નૅશનલ લિબરલ ફેડરેશનના પ્રમુખ સર ચીમનલાલ સેતલવાડે પણ બ્રિટનને ટેકો આપવા બધા પક્ષોને અપીલ કરી.

દરમિયાન ૧૧મીએ વર્ધામાં કોંગ્રેસ કમિટીની બેઠક મળી તેમાં યુદ્ધ પ્રત્યે કોંગ્રેસના વલણ વિશે અંતિમ નિર્ણય લઈ ન શકાયો. પરંતુ ૧૪મીએ નિવેદન બહાર પાડીને કોંગ્રેસે માગણી કરી કે બ્રિટન યુદ્ધના પોતાના ઉદ્દેશોની સ્પષ્ટતા કરે અને ભારતમાં એ લોકશાહીનો સિદ્ધાંત કઈ રીતે લાગુ કરશે તે જણાવે. વર્કિંગ કમિટીએ પોલૅંડ પર જર્મનીના કબજાની ટીકા કરી અને તે સાથે જ ઉમેર્યું કે કોંગ્રેસની જર્મની કે જર્મન પ્રજા સાથે કોઈ લડાઈ નથી, પરંતુ અમે પોલૅંડ પરના આક્રમણનો વિરોધ કરીએ છીએ.

દરમિયાન, ગાંધીજી ૨૬મીએ વાઇસરૉયને મળવા ફરી શિમલા ગયા. એ જ દિવસે, બ્રિટનના ભારત માટેના પ્રધાન લૉર્ડ ઝેટલૅન્ડે હાઉસ ઑફ લૉર્ડ્સ (ઉમરાવ સભા)માં બોલતાં કહ્યું કે ભારતના બધા વર્ગો બ્રિટનને ટેકો આપે છે, માત્ર કોંગ્રેસે બ્રિટન અને ભારતના રાજકીય સંબંધોનો મુદ્દો ઊભો કર્યો છે. આ નિવેદન પછી વાઇસરૉયે ઑક્ટોબરની ત્રીજીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ સાથે યુદ્ધમાં ભારતની સ્થિતિ વિશે વાતચીત કરી.

એ જ ટાંકણે મુંબઈમાં લિબરલ પાર્ટીના નેતાઓ સર ચીમનલાલ સેતલવાડ, સર કાવસજી જહાંગીર, વી. એન. ચંદાવરકર, હિન્દુ મહાસભાના ભૂતપૂર્વ પ્રમુખ એન. સી. કેળકર અને એ નવા પ્રમુખ વિનાયક દામોદર સાવરકર, અને ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા ડૉ. બી. આર. આંબેડકરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોંગ્રેસ કે મુસ્લિમ લીગ, બન્ને, બધા જ હિન્દુસ્તાનીઓ અથવા એમાંથી ઘણાખરા લોકોનું પ્રતિનિધિત્વ કરતાં નથી એટલે સરકાર મુસ્લિમ લીગ કે કોંગ્રેસ સાથે કંઈ સમાધાન કરશે તે ભારતમાં બીજા લોકોને માટે બંધનકર્તા નહીં રહે. તે પછી વાઇસરૉયે આ નેતાઓને પણ વાતચીત માટે આમંત્રણો મોકલ્યાં. સુભાષચન્દ્ર બોઝને પણ અલગથી આમંત્રણ આપ્યું.

વાઇસરૉયનું સ્ટેટમેંટ

જુદી જુદી વિચારધારાઓના પ્રતિનિધિઓ સાથે મંત્રણાઓ કર્યા પછી ઑક્ટોબરની ૧૭મીએ વાઇસરૉયે નિવેદન બહાર પાડ્યું અને કોંગ્રેસની માગણી ઠુકરાવી દીધી. મુસ્લિમ લીગ અથવા બીજાં રાજકીય જૂથોને આની કંઈ અસર નહોતી. એકમાત્ર કોંગ્રેસે બ્રિટનના યુદ્ધના ઉદ્દેશો વિશે પ્રશ્ન ઊભો કર્યો હતો. બ્રિટન અને મિત્ર રાજ્યો હિટલરના નાઝીવાદ સામે લોકશાહી જીવન પદ્ધતિનું રક્ષણ કરવા માટે લડાઈ કરતાં હોવાનો દાવો કરતાં હતાં. કોંગ્રેસે આ દાવો સ્વીકાર્યો હતો અને યુદ્ધ માટે હિટલરને જવાબદાર ઠરાવ્યો હતો પણ કોંગ્રેસનો સવાલ એ હતો કે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે બ્રિટન શું કરવા માગે છે? ભારત સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો ન લઈ શકે તો બ્રિટનની લડાઈ માત્ર યુરોપ પૂરતી જ છે.

વાઇસરૉયે આ માગણીને નકારી કાઢી અને કહ્યું કે યુદ્ધ સમાપ્ત થયા પછી બ્રિટનની સરકાર ભારતમાં જે કંઈ બંધારણીય સુધારા કરવા જેવા જણાશે તેના વિશે જુદી જુદી કોમો, પક્ષો, વર્ગીય હિતોના પ્રતિનિધિઓ અને દેશી રાજાઓ સાથે ચર્ચા કરશે. વાઇસરૉયની બીજી જાહેરાત બ્રિટિશ ઇંડિયાની રાજકીય પાર્ટીઓ અને રજવાડાંઓના શાસકોની કમિટી બનાવવા વિશેની હતી. આ કમિટીની જવાબદારી યુદ્ધને લગતી પ્રવૃત્તિઓ માટે લોકમતનું સમર્થન કેળવવાની હતી.

ગાંધીજીએ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે બ્રિટન સરકારે કંઈ પણ જાહેરાત ન કરી હોત તો સારું થયું હોત. વાઇસરૉયના લાંબા નિવેદનનો હેતુ માત્ર એ જ દર્શાવવાનો છે કે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ચાલુ રહેશે. કોંગ્રેસ એમાં જોડાઈ ન શકે. જાહેરાત સ્પષ્ટ રીતે દેખાડે છે કે બ્રિટનનું ચાલશે ત્યાં સુધી ભારતમાં લોકશાહી નહીં આવે. યુદ્ધ પછી બીજી એક ગોળમેજી પરિષદ સુચવવામાં આવી છે. પણ પહેલાંની ગોળમેજી પરિષદો જેમ નિષ્ફળ નીવડશે. કોંગ્રેસે રોટી માગી અને સરકારે આપ્યો પથ્થર!

જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે વાઇસરૉયે આ નિવેદન વીસ વર્ષ પહેલાં કર્યું હોત તો એ વખતે પણ ‘આઉટ ઑફ ડેઇટ’ ગણાયું હોત અને આજે તો વાસ્તવિકતા સાથે એને સ્નાનસૂતકનો પણ સંબંધ નથી રહ્યો. નિવેદનમાં સ્વતંત્રતા, મુક્તિ, લોકશાહી, આત્મનિર્ણય જેવા કોઈ ઉલ્લેખ પણ નથી. એનાથી ઉલ્ટું, ડિપ્રેસ્ડ ક્લાસિસ વતી ડૉ. આંબેડકરે કહ્યું કે આ સંયોગોમાં વાઇસરૉય બીજું શું કરી શક્યા હોત? દિલ્હી પ્રાંતના ડિપ્રેસ્ડ ક્લાસના નાગરિકોએ એમ. સી. રાજાના પ્રમુખપદે એક ઠરાવ પસાર કરીને બ્રિટિશ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી.

કોંગ્રેસી સરકારોનાં રાજીનામાં

વાઇસરૉયના આ નિવેદન પછી પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો ચાલુ રહે તો એમણે યુદ્ધ સંબંધી કાર્યોમાં વાઇસરૉયના હુકમો માનવા પડે. વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ઘણી સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વર્ધામાં ખબરપત્રીઓને કહ્યું કે વાઇસરૉયના નિવેદન પછી કોંગ્રેસમાં કે એની વર્કિંગ કમિટીમાં ચર્ચા કરવા જેવું કંઈ નથી રહ્યું. હવે કોંગ્રેસનાં પ્રધાનમંડળો ટકી શકે એ સ્થિતિ નથી રહી. તે પછી ૨૨મી ઑક્ટોબરે વર્ધામાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગમાં ઠરાવ પસાર કરીને બધાં કોંગ્રેસી પ્રધાનમંડળોને રાજીનામાં આપવાનો આદેશ આપવામાં આવ્યો. વર્કિંગ કમિટીએ દેશવાસીઓને બધા આંતરિક મતભેદો ભૂલીને સંગઠિત થવાની હાકલ કરી.

બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે રાજીનામાનો નિર્ણય લેવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી અને વાઇસરૉયના નિવેદનને ટેકો આપ્યો. પંજાબ ઍસેમ્બ્લીમાં બ્રિટનના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. હિન્દુ મહાસભા વતી એના પ્રમુખ સાવરકરે દેશને બચાવવા માટે સરકારને સહકાર આપવાની ખાતરી આપી અને શસ્ત્રોની તાલીમની સગવડ કરવા સરકારન અપીલ કરી. ડો. આંબેડકરે સ્થાપેલી ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટીએ વાઇસરૉયને ટેકો આપ્યો. ડૉ. આંબેડકરે નિવેદન બહાર પાડીને કહ્યું કે સમય ગ્રેટ બ્રિટનને સહકાર આપવાની આનાકાની કરવાનો નથી. કોંગ્રેસે દેશની બધી કોમો અને વર્ગો વચ્ચે એકતા સ્થાપવા માટે પ્રયાસ કર્યા હોત તો બ્રિટીશ સરકાર વધારે સારો અને સંતોષકારક પડઘો પાડી શકી હોત.

ઑક્ટોબરના છેલ્લા બે દિવસ દરમિયાન કોંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં. જિન્નાએ કહ્યું કે મુસલમાનોની હવે મુક્તિ થઈ. એમણે મુક્તિદિન મનાવવાની ઘોષણા કરી!

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register July-December-1939 Vol.II

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: