India-slavery-and-struggle-for-freedom-part-4-chapter-14

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭

પ્રકરણ ૧૪: સુભાષબાબુ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી

૧૯૩૯ની ૨૬મી જૂને મુંબઈમાં AICCની મીટિંગ મળી. એમાં ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ પણ કોંગ્રેસ કાર્યકર પ્રાંતિક કોંગ્રેસ સમિતિની મંજૂરી વિના વ્યક્તિગત રીતે સત્યાગ્રહ નહીં કરી શકે. ઑલ ઇંડિયા કિસાન સંઘના નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીએ આની સામે સખત વાંધો લીધો અને એમણે કહ્યું કે કિસાન સંઘ સ્વતંત્ર સંસ્થા છે અને એ કોંગ્રેસના આ ફરમાનનું પાલન નહીં કરે. બીજી બાજુ, સુભાષ ચન્દ્ર બોઝની નેતાગીરી હેઠળ બંગાળ પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ AICCના ઠરાવનો અસ્વીકાર કર્યો. એમણે જુલાઈની નવમીએ AICCએ પસાર કરેલા બે ઠરાવો વિરુદ્ધ – એક તો, આ સત્યાગ્રહ વિશેનો અને બીજો પ્રાંતિક સરકારોના રાજીનામા વિશેનો ઠરાવ – મીટિંગ રાખી અને સુભાષબાબુએ લાંબો પત્ર લખીને કેટલાક આક્ષેપ કર્યા. એમણે કહ્યું કે ડાબેરી જૂથો સંગઠિત ન થાય તે માટે સત્યાગ્રહ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરાય છે એનો અર્થ એ કે જમણેરીઓ હવે સામ્રાજ્યવાદીઓ સાથે ફેડરેશનની બાબતમાં કંઈક બાંધછોડ કરવાની તૈયારીમાં છે. AICCએ આને ગંભીર અશિસ્તનું કૃત્ય માન્યું. ખરેખર તો એ વાતનું વધારે ખરાબ લાગ્યું કે ફેડરેશનનો વિરોધ તો કોંગ્રેસ બહુ શરૂઆતથી જ કરતી હતી અને એમાં સમાધાનનો કોઈ અવકાશ જ નહોતો કારણ કે સરકાર એમાં રજવાડાંઓને સ્થાન આપવા માગતી હતી, રાજાઓ પોતાના અધિકારો છોડ્યા વિના ફેડરેશનમાં આવવા માગતા હતા અને કોંગ્રેસનું કહેવું હતું કે દેશી રાજ્યો માટે અનામત સીટો રાજવીઓને નહીં એમની પ્રજાને મળવી જોઈએ. આમ આ આક્ષેપ તો તદ્દન ગેરમાર્ગે દોરનારા પ્રચાર જેવો હતો.

આ પહેલાં જુલાઈમાં મુંબઈ પ્રાંતે દારુબંધી જાહેર કરી તેની પણ સુભાષબાબુએ ટીકા કરી. હતી. સરદાર પટેલે એમને એક નિવેદન દ્વારા જવાબ આપ્યો કે “શ્રી સુભાષ ચન્દ્ર બોઝ કંઈ પણ કરી શકે એમ માનવા હું તૈયાર હતો. કોંગ્રેસ સામે એમનો વિદ્રોહ અને આ રાષ્ટ્રીય સંગઠનને તોડી પાડવાના પ્રયાસની મને નવાઈ ન લાગી કારણ કે એમણે ગાંધીજીને લખેલા પત્રમાં ‘સિવિલ વૉર’ની ચેતવણી આપી જ છે. પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે મુંબઈ સરકારની દારુબંધીની નીતિ બાબતમાં એમણે જે વલણ લીધું છે તેનાથી મને ભારે નવાઈ લાગી. જેની અક્કલ બહુ જ થોડી હોય તેને પણ સમજાઈ જશે કે એમણે જે નિવેદન કર્યું છે તેમાં મિત્રતાનો છાંટો પણ નથી, એ રચનાત્મક ટીકા તો નથી જ, પણ એનો હેતુ સ્થાપિત હિતો વિરુદ્ધના કપરા સંઘર્ષમાં પ્રધાનમંડળના પ્રયાસોમાં આડખીલી રૂપ છે. કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સુભાષ ચન્દ્ર બોઝને પત્ર લખીને જણાવ્યું કે એમનો નિર્ણય સાચો નથી. નહેરુએ પણ એક નિવેદનમાં કહ્યું કે આજે દુનિયામાં યુદ્ધનું સંકટ છે ત્યારે આવું પગલું દૂરંદેશીના અભાવનું સૂચક છે.

આના પછી AICC સુભાષબાબુને ત્રણ વર્ષ સુધી બંગાળ પ્રાંતિક કોંગ્રેસના પ્રમુખપદ માટે અયોગ્ય ઠરાવ્યા અને કોઈ પણ કોંગ્રેસ સમિતિમાં ચૂંટણી દ્વારા ભરવાના પદ માટેનું એમનું સભ્યપદ રદ કર્યું. સુભાષબાબુએ આ નિર્ણયને આવકાર્યો અને અમદાવાદમાંથી એક નિવેદન કરીને કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વની તદ્દન હળવી ટીકા કરો તો એ પણ સાંખી લેવા માટે તેઓ તૈયાર નથી. આમ એમણે કોંગ્રેસથી અલગ નવી વાટ પકડી લીધી. બંગાળમાં એમના સમર્થકો હતા એ જ રીતે વિરોધીઓ પણ હતા. પરંતુ આ નિર્ણય માટે કેટલાક લોકોએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને જવાબદાર ઠરાવી. અંતે મહાત્મા ગાંધીએ નિવેદન કરીને ઘટસ્ફોટ કર્યો કે સુભાષબાબુની સામે અશિસ્તની કાર્યવાહી કરવાના ઠરાવનો મુસદ્દો એમણે જ લખ્યો હતો કારણ કે કોઈ પણ સંસ્થામાં જો સૌ પોતાની રીતે નિર્ણયો લાગુ કરવા માંડે તો એ સંગઠન ટકી ન શકે.

આ આખા સમય દરમિયાન ગાંધીજી પર અસહકારનું આંદોલન શરૂ કરવા દબાણ થતું હતું પણ એમનો જવાબ એ હતો કે કોંગ્રેસ અને જનતા હજી એના માટે તૈયાર નથી. કોંગ્રેસમાં શિસ્ત આવે, કોંગ્રેસીઓ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય તો જ કોઈ પણ આંદોલન સફળ થઈ શકે. આમ છતાં કોંગેસના ઠરાવના વિરોધમાં ઘણી જગ્યાએ સભાઓ મળી.

બંગાળમાં રાજકીય કેદીઓની ભૂખહડતાળ

જુલાઈની બીજી તારીખથી બંગાળમાં ડમડમ અને અલીપુરની જેલોમાં રાજકીય કેદીઓએ ભૂખહડતાળ શરૂ કરી દીધી. ફઝલુલ હકની સરકારે સત્તા સંભાળ્યા પછી એમને છોડવા અંગે કોઈ નિર્ણય નહોતો કર્યો. આનું એક કારણ એ કે જેલમાં હતા તે બધા કોંગ્રેસના સમર્થક હતા. સુભાષબાબુએ એમને ટેકો આપ્યો. બીજા ઘણા નેતાઓ પણ કેદીઓને છોડવાની માંગ માટે આગળ આવ્યા. કોંગ્રેસની બીજી પ્રાંતિક સરકારોએ તરત જ રાજકીય કેદીઓને છોડી મૂક્યા હતા. પરંતુ ફઝલુલ હકની સરાકાર કેદીઓને છોડવા જરાય ઇચ્છતી નહોતી. લોકોમાં ક્રોધ વધતો જતો હતો અને તે એટલે સુધી કે સ્કૂલોમાં પણ અર્ધા દિવસની હડતાળ પડી.

કોંગ્રેસે હક સાથે વાતચીતનો રસ્તો લીધો હતો. પરંતુ ગાંધીજી જેલમાંથી છૂટવા માટે ઉપવાસના શસ્ત્રનો પ્રયોગ કરવાથી વિરુદ્ધ હતા. એ એમના અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ હતું. એમણે ઉપવાસ છોડવા માટે રાજકીય કેદીઓને કેટલીયે વાર અપીલ કરી. આ જ નીતિ અનુસાર કોંગ્રેસની પ્રાંતિક કમિટીઓની બેઠકો મળવા લાગી અને કેદીઓને ઉપવાસ છોડવાની અપીલો કરવામાં આવી. રાજેન્દ્ર પ્રસાદ અને મહાદેવભાઈ દેસાઈ પણ શરતબાબુ અને સુભાષબાબુને કલકત્તામાં મળ્યા ડમડમ જેલમાં ઉપવાસી કેદીઓને પણ મળ્યા. તે પછી એમણે નિવેદન કરીને કહ્યું કે કેદીઓને ભૂખહડતાળ છોડવાનું સમજાવવામાં એમને નિષ્ફળતા મળી છે.

સુભાષબાબુ સામે કોંગ્રેસે શિસ્તભંગની કાર્યવાહી કરી તે પછી એ અલીપુર જેલમાં રાજકીય કેદીઓને મળ્યા અને એમની અપીલને માન આપીને કેદીઓએ ભૂખહડતાળ સ્થગિત કરી દીધી. એમણે આ બાબતમાં નિવેદન કરીને કહ્યું કે મને મળેલી માહિતી પ્રમાણે સરકાર બે મહિનામાં રાજકીય કેદીઓ વિશેના બધા કેસોની સમીક્ષા બે મહિનામાં કરી લેશે. પરંતુ તરત જ બંગાળ ગવર્નમેંટના ગૄહ મંત્રી નાજિમુદ્દીને નિવેદન બહાર પાડીને કહ્યું કે રાજકીય કેદીઓ વિશેની સરકારની નીતિઓમાં કંઈ ફેરફાર નથી થયો અને સરકાર કોઈ ત્રીજા પક્ષ સાથે વાતચીત નથી કરતી અને કોઈ પણ પક્ષને સરકારે વચન નથી આપ્યું!

xxx

દરમિયાન સરકારે ભારતને યુદ્ધમાં જોતરવાનો નિર્ણય લઈ લીધો હતો. આના માટે વાઇસરૉયે કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બીજાં જૂથો સાથે મંત્રણાઓ શરૂ કરી દીધી હતી. ગાંધીજીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે “ગમે તે કારણે” હું મનથી મિત્ર રાષ્ટ્રો (બ્રિટન, અમેરિકા,રશિયા) સાથે છું. રાજેન્દ્રબાબુ અને નહેરુ સાથે એ વાઇસરૉયના આમંત્રણથી મળવા ગયા ત્યારે એમણે ભારતને બ્રિટનના સમાન ભાગીદાર તરીકે સાથે લેવાની માગણી કરી. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ અમુક શરતો મૂકી પણ વાઇસરૉયને એમના સહકારની ખાતરી આપી. બીજી બાજુ રાજાઓ સરકાર પર યુદ્ધને કારણે આવી પડેલા ખર્ચનો બોજો હળવો કરવા માટે ફંડમાં પોતાનો ફાળો આપવા લાગ્યા હતા. વાઇસરૉયને લાગતું હતું કે આખા દેશના બધા પક્ષો સામેલ થાય. આથી એણે ‘એકતા’ માટે પ્રયાસો ચાલુ જ રાખ્યા. દિલ્હીની વાતચીત પછી રાજેન્દ્રબાબુએ વાઇસરૉયને પત્ર લખીને એમને કોંગ્રેસની માગણીઓ માની લેવા માટે ફરી આગ્રહ કર્યો. જિન્નાએ વાઇસરૉયને જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર એની માગણીઓ ન માની લે ત્યાં સુધી મુસ્લિમ નેતાઓ સાથે વાતચીત કરવા તૈયાર નથી. રાજેન્દ્ર પ્રસાદે કોંગ્રેસ દુઃખ વ્યક્ત કર્યું કે આ મુદ્દામાં પણ મુસ્લિમ લીગ કોમી સવાલને આગળ ધરે છે. જિન્નાની સ્ટ્રેટેજી એ રહેતી કે પોતે શું ઇચ્છે છે તે ન કહેવું પણ કોંગ્રેસ બ્રિટનના માર્ગમાં આડે આવે છે તે દેખાડવું. જિન્ના ખુલ્લી રીતે બ્રિટન સરકારને ટેકો આપવા નહોતા માગતા પણ આમ આડકતરી રીતે પોતે બ્રિટનના હિતેચ્છુ હોવાનું સાબિત કરતા રહેતા.

બીજી બાજુ ગાંધીજીએ લંડનના ‘ન્યૂઝ ક્રોનિકલ’ ને તાર દ્વારા મોકલેલા નિવેદનમાં કહ્યું કે “ભારત સ્વતંત્ર દેશ બને એવું બ્રિટન ઇચ્છે કે હજી ભારતે બ્રિટનને પરાધીન રહેવાનું છે? આ સવાલ કોંગ્રેસે બ્રિટનને મુશ્કેલીમાં મૂકવા માટે ઊભો નથી કર્યો, પણ વિશ્વના સંકટમાં કેમ વર્તવું તે વિશે ભારતની પ્રજાને વિચારવાની તક આપવા માટે આ સવાલ ઊભો કરાયો છે.”

xxx

૧૯૩૯માં કોંગ્રેસ સરકારોએ રાજીનામાં આપી દીધાં. એના વિશે આપણે હજી વિગતમાં ઊતરશું અને મુસ્લિમ લીગનો પ્રત્યાઘાત પણ જોઈશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register June- Dec. 1939 Vol. II

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: