india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-37

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫

પ્રકરણ ૩૭ :: બારડોલી સત્યાગ્રહ (૨)

. મા. મુનશીની દરમિયાનગીરી

કનૈયાલાલ માણેકલાલ મુનશી એ વખતે બોમ્બે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે બારડોલીની મુલાકાત લીધા પછી ગવર્નરને સ્થિતિ વધારે બગડે તે પહેલાં સંભાળી લેવા લખ્યું તે પછી મુનશીએ પોતે જ એક તપાસ કમિટી બનાવી અને બારડોલી જઈને સરકારના દમનનો રિપોર્ટ તૈયાર કર્યો. એમની કમિટીએ ૧૨૬ સાક્ષીઓની જુબાની નોંધી, આંખો બંધ કરીને થયેલી જપ્તીઓનાં ઉદાહરણો એકઠાં કર્યાં અને મહેસૂલના નવા કાયદામાં ફેરફાર કરવાની માગણી કરી. તે પછી તરત જ એચ. એન. કુંજરુ, એસ. જી. વઝે અને અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)ની ટીમ બારડોલી ગઈ અને તપાસ સમિતિ નીમવાની માગણીને વાજબી ઠરાવી.

મોતીલાલ નહેરુ, એસ. એન સપ્રુ વગેરે નેતાઓએ પણ નિવેદનો કર્યાં. તે પછી અંગ્રેજોને વફાદાર પાયોનિયર, સ્ટેટ્સમૅન જેવાં છાપાંઓએ પણ ખેડૂતોની તરફેણ કરી. ટાઇમ્સ ઑફ ઇંડિયા સરકાર તરફ રહ્યું પણ પોતાના ખબરપત્રીને બારડોલી મોકલ્યો. એણે રિપોર્ટ આપ્યો કે વલ્લભભાઈ ત્યાં ‘સોવિયેત શાસન’ સ્થાપવાની કોશિશ કરે છે!

ફોજદારી કાયદો લાગુ કરવાની વેતરણ

સ્થિતિ પર સરકારનું નિયંત્રણ નહોતું રહ્યું. રેવેન્યુ કોડ હેઠળ બધી જાતની સખ્તાઈ કર્યા પછી પણ સરકાર ફાવી નહીં તે પછી વલ્લભભાઈની નેતાગીરી હેઠળ ચાલતા સત્યાગ્રહને ફોજદારી કાયદા હેઠળ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ગણાવવાનો સરકારે નિર્ણય લીધો. આના ,આટે ફોજદારી કાયદો લાગુ કરવો પડે એમ હતો. મુંબઈ પ્રાંતની સરકારે આ બાબતમાં હિંદ સરકારની સલાહ લેવાનું નક્કી કર્યું. ૧૩મી જુલાઈએ કેન્દ્ર સરકારે મુંબઈ પ્રાંતની સરકારને ફોજદારી કાયદો લાગુ કરવાની પરવાનગી આપી દીધી. તે પછી તરત મુંબઈના ગવર્નરને વાઇસરૉયે શિમલા બોલાવ્યો. બે દિવસની ચર્ચાઓ પછી એમણે જે નિર્ણય લીધા તેનો નિષ્કર્ષ નીકળ્યો કે ૧૫,૦૦૦ એકર બિન-ખેતી જમીન પર સરકારે કબજો કરી લીધો હતો, જેમાંથી ૧,૬૦૦ એકર નવા માલિકોને વેચી દેવાઈ હતી. ખેતી કરનારા જમીનમાલિકોએ મહેસૂલ ન ભર્યું હોય એવ કેસોમાં ૧,૦૦,૦૦૦ એકર જમીન હતી તેમાંથી લગભગ ૫૦,૦૦૦ એકર ટાંચમાં લેવાઈ હતી. એ લોકોએ આ જમીન પર ખેતીનું કામ ચાલુ રાખ્યું હતું પણ પાકની માલિકી સરકારની હોવાનું એમને કહી દેવામાં આવ્યું હતું. નવા માલિકોને વેચી દેવાયેલી જમીન પર પણ જૂના માણસો ખેતી કરતા રહ્યા હતા. હવે બાકીની જમીનો પણ જપ્ત કરી લેવાનો નિર્ણય લેવાયો. તે ઉપરાંત, જો આ પગલાં લીધા છતાં આંદોલનને કચડી ન શકાય તો ૧૯૦૮માં સુધારાયેલા ફોજદારી કાયદા પ્રમાણે પગલાં લેવાનું સરકારે નક્કી કર્યું.

વાઇસરૉય અને મુંબઈના ગવર્નરે મળીને નક્કી કર્યું કે સમાધાનની વાત આવે તો પહેલી શરત એ હોવી જોઈએ કે સુધારેલા દરે બધા પોતાનું મહેસૂલ ચૂકવી દે. આ બાબતમાં સંતોષ થાય તો સરકાર તપાસ સમિતિ નીમવી કે કેમ તે વિશે વિચાર કરે.

વાઇસરૉય સાથે નક્કી થયા પ્રમાણે ગવર્નરે ૧૮મી જુલાઈએસત્યાગ્રહીઓને સૂરત આવીને વાતચીત કરવાઅનું આમંત્રણ આપ્યું. વલ્લભભાઈની આગેવાની હેઠળ ૧૨ સભ્યોનું ડેલિગેશન ગવર્નરને મળ્યું. સરદારને આ શરતો ગમી તો નહીં પણ એ વાતચીત બંધ કરવા નહોતા માગતા. એટલે એમણે સત્યાગ્રહીઓ વતી શરતો મૂકીઃ બધા સત્યાગ્રહી કેદીઓને છોડી દો; જપ્ત કરાયેલી બધી જમીનો પાછી આપો; જે ઢોરઢાંખર કે બીજી ચલ સંપત્તિ જપ્ત કરી હોય તેની ખરેખરી બજાર કિંમત ચૂકવો;સરકારી નોકરીમાંથી રાજીનામું આપનારાને ફરી નોકરીમાં લો; અને તપાસ, તટસ્થ, ન્યાયપૂર્ણ હોય તો અને લોકો વકીલો મારફતે પોતાની વાત રજૂ કરી શકતા હોય તો એ માત્ર અધિકારી કક્ષાની હોય તો પણ ચાલશે.

પરંતુ ૨૩મી જુલાઈએ ગવર્નરે લેજિસ્લેટિવ કાઉંસિલમાં કહ્યું કે સરકારે સમાધાનની દરખાસ્ત મૂકી છે પણ ખરેખર તો એ સરકારનો નિર્ણય છે. એમાં આઘું પાછું નહીં કરાય કારણ કે સવાલ માત્ર બારડોલીનો નથી, બીજા જિલ્લાઓમાં પણ એ લાગુ પડશે અને મૂળ મુદ્દો એ છે કેકોઈ બિનસરકારી સંસ્થાના હુકમો ચાલશે કે નામદાર સમ્રાટના હુકમો ચાલશે. લંડનમાં સરકારી મંત્રીએ પણ એને ટેકો આપ્યો.

છઠ્ઠી ઑગસ્ટ સુધીમાં સત્યાગ્રહીઓએ સરકારની શરતો સ્વીકારવાની હતી પણ એવા કોઈ સંકેત ન મળતાં, સરકારે મિલિટરીને તૈયાર રાખવા સુધીની બધી તૈયારી કરી લીધી. પરંતુ હોમ મિનિસ્ટ્રીનો એક રિપોર્ટ દર્શાવે છે તેમ આંદોલનનો દોરીસંચાર કરનાર સંગઠન પર હુમલો કરવાનું સરકાર વિચારતી હતી. એમાં વલ્લભભાઈની ધરપકડ કરવાનું પણ સરકારે વિચારી લીધું હતું. પરંતુ એમાં એક સમસ્યા આવતી હતી કે વલ્લભભાઈની ધરપકડ થાય તો એમની જગ્યાએ ગાંધીજી જાતે જ આવે એવી શક્યતા હતી અને એ પણ જો ધરપકડ વહોરી લે તો બારડોલીમાં અને આખા મુંબઈ પ્રાંત પર એની બીજી અસરો શી થાય? સરકાર આ બાબતમાં કંઈ નક્કી કરી નહોતી શકતી.

આ તો મુંબઈ સરકારનો વિચાર હતો, કેન્દ્ર સરકાર એની તરફેણમાં નહોતી. વાઇસરૉય માટેની એક નોટમાં હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ લખ્યું કે મુંબઈ સરકાર આંદોલનની સૂત્રધાર સંસ્થા પર હુમલો કરવા માગે છે તે શિમલામાં નક્કી થયું હતું તેના કરતાં જુદું છે. શિમલામાં તો એ નક્કી થયું હતું કે બધી જમીન સરકાર હસ્તક લેવી, એમાં સત્યાગ્રહની આગેવાની લેનારની સામે કાર્યવાહી કરવાની તો વાત નહોતી. આ સમજાતું નથી અને મુંબઈ સરકારના નિર્ણયને વાજબી માનવા માટે મારી પાસે કોઈ કારણ નથી.

અંતિમ વિજય

લેજિસ્લેટિવ કાઉંસિલના સભ્યો પણ સમાધાન માટે પ્રયત્ન કરતા હતા. એમણે પહેલાંની જ દરખાસ્તો ફરી રજૂ કરી, તે પછી મુનશી ગાંધીજીને મળ્યા. ગાંધીજીને એમની સાથેની વાતચીતથી સંતોષ થયો અને એમણે કહ્યું કે જરૂર પડે તો સરકારે કિન્નાખોરીથી કરેલી કાર્યવાહીની તપાસની માગણી પડતી મૂકી શકાય છે. મુનશી વગેરેની એવી છાપ હતી કે સરકાર પણ કંઈ રસ્તો કાઢવા આતુર હતી. આથી ફાઇનૅન્સ મેમ્બર ચૂનીલાલ મહેતા વલ્લભભાઈને મળ્યા અને એમણે સરકારને લખવા માટેના પત્રનો એક મુસદ્દો સૂચવ્યો કે “અમને ખુશી છે કે અમે એ કહી શકીએ છીએ કે ખેતી કરતા જમીનમાલિકો ૨૩મી જુલાઈએ ગવર્નરે ઍસેમ્બ્લીમાં મૂકેલી શરતો માનવા તૈયાર છે.”

સરદારને આ પસંદ ન આવ્યું કારણ કે એ સાચી સ્થિતિ નહોતી. સત્યાગ્રહીઓએ ગવર્નરે સૂચવેલી શરતો સ્વીકારી જ નહોતી. પણ બધાએ કહ્યું કે આ પત્ર તો કાઉંસિલના સભ્યો લખે છે, વલ્લભભાઈએ તો એમાં સહી નથી કરવાની અને આવો પત્ર સત્યાગ્રહીઓ માટે બંધનકર્તા પણ નથી.. વલ્લભભાઈને ચિંતા હતી કે બાપુ શું કહેશે. એમણે મહાદેવભાઈની સલાહ લીધી. મહાદેવભાઈએ કહ્યું કે આ પત્ર બેવકૂફીભર્યો છે પણ કાઉંસિલ સભ્યો સરકારનો અહં સંતોષવા માગતા હોય અને એમાંથી રસ્તો નીકળતો હોય તો વાંધો શું છે? આથી વલ્લભભાઈ પણ સંમત થયા.

છઠ્ઠી ઑગસ્ટે સરકારે આપેલી મહેસૂલ ભરી દેવાની મુદત પૂરી થતી હતી તે જ દિવસે રૅવેન્યુ સેક્રેટરીને આ પત્ર પહોંચ્યો. તે જ દિવસે સરકારે જાહેરાત કરી કે એક ન્યાય અધિકારી અને એક રૅવેન્યુ અધિકારીની સમિતિ મહેસૂલના નવા દરોની તપાસ કરીને ઘટતું કરશે. રૅવેન્યુ અધિકારી અને મહેસૂલ ચુકવનારા વચ્ચે મતભેદ થશે તો ન્યાય અધિકારીનો નિર્ણય અંતિમ ગણાશે. આમ સત્યાગ્રહીઓની મૂળ માંગ સરકારે પોતાનો અહં સંતોષાયા પછી માની લીધી!

ઇંક્વાયરી ખુલ્લી અને સ્વતંત્ર હોય અને લોકો વકીલ મારફતે પોતાનો કેસ રજૂકરી શકે એ માગણી પણ સરકારે માની લીધી.

ગાંધીજી અને વલ્લભભાઈને અભિનંદનના ઢગલાબંધ સંદેશ મળ્યા. યંગ ઇંડિયામાં ગાંધીજીએ લખ્યું – અંત સારો તો સૌ સારું!”

૦૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: