ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ
ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫
પ્રકરણ ૩૬ :: બારડોલી સત્યાગ્રહ (૧)
૧૯૨૧માં બારડોલીનું નામ પણ ગાજતું થયું હતું પણ ચૌરીચૌરા પછી ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખી દેતાં બારડોલી શાંત રહ્યું. સ્વરાજીઓની ઍસેમ્બ્લીમાં જઈને સરકારને હંફાવવાની નીતિ નિષ્ફળ રહ્યા પછી ફરી કોંગ્રેસમાં પ્રજાકીય આંદોલનોમાં માનનારો વર્ગ જોરમાં આવી ગયો હતો પણ કરવાનું કંઈ હતું નહીં. ૧૯૨૮માં કોંગ્રેસ અસમંજસમાં હતી ત્યારે ગાંધીજીએ બારડોલીનું પત્તું ખેલીને દેશમાં ફરી સનસનાટી ફેલાવી દીધી.
સૂરતના બારડોલી તાલુકામાં એ વખતે ૮૭,૦૦૦ની વસ્તીમાં અનાવિલ બ્રાહ્મણો અને વાણિયાઓનું વર્ચસ્વ હતું. એ ખેતી પણ કરતા. બાકી કાળીપરજ (આદિવાસીઓ)ની પણ એટલી જ વસ્તી હતી. આમાં ૧0-૧૨ હજાર રાનીપરજ હતા બાકી ત્રીસેક હજાર ‘દૂબળા’ હતા, જે વેઠમજૂરો હતા અને આખી જિંદગી માટે કોઈ એક માલિક સાથે બંધાયેલા હતા.
મુંબઈ પ્રાંતમાં કાયમી જમાબંધી લાગુ નહોતી થઈ એટલે રૈયતવારી પદ્ધતિ લાગુ થતી હતી. એમાં જમીન મહેસૂલ દર ત્રીસ વર્ષે નવેસરથી નક્કી કરાતું. ૧૯૨૬માં નવા મહેસૂલી દરો નક્કી થવાના હતા. આકારણી અધિકારીએ મહેસૂલ સવાયું કરી દીધું એટલું જ નહીં પણ ૨૩ ગામોને ઉંચી આવકના વર્ગમાં મૂકીને નવા દર લાગુ કર્યા. એમનું મહેસૂલ તો દોઢગણું થઈ ગયું. આકારણી અધિકારીએ એનાં કારણો આપ્યાં કે ટાપ્ટી વેલી ટ્રેન શરૂ થઈ છે; વસ્તી વધી છેઃ ખેતીમાં વેતન બમણું થઈ ગયું છે; ૧૮૯૬માં ખેતપેદાશોનું જે મૂલ્ય હતું તે ૧૯૨૪માં રુ. ૧૫, ૦૦,૦૦૦ જેટલું વધ્યું છે.
જુલાઈ ૧૯૨૭માં સરકારે આ દર સ્વીકાર્યા અને જાહેરનામું બહાર પાડ્યું. ખેતી કરનારાઓ આ દર સ્વીકારવા તૈયાર નહોતા. ૨૭મી સપ્ટેમ્બરે ખેડૂતો દાદુભાઈ દેસાઈના પ્રમુખપદે મળ્યા અને મહેસૂલની ચૂકવણી રોકી રાખવાનું એલાન કર્યું. આ બાજુ સરકારે તલાટીઓને મહેસૂલની વસૂલાત શરૂ કરી દેવાનો હુકમ આપ્યો.
આના પછી ખેડૂતોએ વલ્લભભાઈ પટેલ પાસે ધાં નાખી. એ પહેલાં તો આમાં પડવા નહોતા માગતા. એમણે કહ્યું કે લેજિસ્લેટિવ કાઉંસિલમાં એમના સભ્યો (MLC) મદદ કરે જ છે. એ વખતે દાદુભાઈ દેસાઈ, ભીમભાઈ નાયક અને ડૉ. દીક્ષિત MLC હતા. એ મદદ કરતા જ હતા પણ એમની અરજીઓ પર સરકારે ધ્યાન ન આપ્યું. ફરીથી કલ્યાણજી મહેતા અને કુંવરજી મહેતા, બે ભાઈઓ. વલ્લભભાઈને મળ્યા. એમણે શરત કરી કે ખેડૂતોએ ના-કરની લડત ચલાવવી પડશે અને એમાં જે કંઈ પણ ભોગ આપવો પડે તે માટે તૈયાર રહેવું પડશે. ખેડૂતો તૈયાર થઈ ગયા.
ખેડૂતો જૂના દરે મહેસૂલ ચુકવવા તૈયાર હતા અને નવા દર પ્રમાણે જે ચુકવવાનું થાય તે રોકી રાખવા માગતા હતા પણ ગાંધીજીએ સલાહ આપી કે એમણે વધારો સરકાર પાછો ખેંચી લે તે માટે લડત કરવી જોઈએ અને ત્યાં સુધી એક પણ પૈસો ન ચુકવવો.
૪થી ઑક્ટોબરે વલ્લભભાઈ બારડોલી ગયા અને જાહેર સભામાં એમણે લડતની જાહેરાત કરી કે જ્યાં સુધી સરકાર વધારો પાછો ન ખેંચી લે ત્યાં સુધી કોઈ કર ભરશે નહીં. એમણે સરકારને પત્ર લખ્યો પણ કંઈ જવાબ ન આવ્યો. આના પછી લડત શરૂ થઈ.
વલ્લભભાઈએ સત્યાગ્રહીઓને તૈયાર કરવા માટે કૅમ્પો ચલાવ્યા કારણ કે એમણે જોયું કે સત્યાગ્રહ લાંબો ચાલે તેમ છે. સત્યાગ્રહની રોજેરોજની માહિતી જાહેરમાં મૂકવા માટે જુગતરામ દવેને એમણે પ્રચાર ઑફિસ ચલાવવાની જવાબદારી સોંપી. મણીલાલ કોઠારીને ફંડફાળો ઉઘરાવવાનું અને હિસાબો રાખવાનું કામ સોંપ્યું. અબ્બાસ તૈયબજી અને ઈમામ બાવઝીર શાહ પણ મુસ્લિમ જમીનમાલિકોને સત્યાગ્રહમાં સામેલ કરવા માટે આગળ આવ્યા. વલ્લભભાઈ ગામડાંની તળપદી ભાષામાં બોલતા એટલે એમની વાત સીધી હૈયા સોંસરવી ઊતરી જતી. આથી સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં આગળ આવી. સભાઓમાં સ્ત્રીઓની હાજરી બહુ મોટી રહેતી અને વલ્લભભાઈનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતી,
છેવટે સરકારે સરદારના ૬ઠ્ઠી ફેબ્રુઆરીના પત્રનો ૧૭મી તારીખે જવાબ આપ્યો. સરકારે મહેસૂલ ઘટાડવાની તો ઘસીને ના પાડી એટલું જ નહીં પણ ધમકીયે આપી કે બારડોલીના જમીનમાલિકો સ્થાનિકના કે બહારના માણસોની ચડવણીથી મહેસૂલ નહીં ચૂકવે તો સરકાર લૅન્ડ રેવેન્યુ કોડ મુજબનાં પગલાં લેશે.
આમ સરદાર ‘બહારના’ થઈ ગયા. સરદારે આની સામે સખત વાંધો લીધો. એમણે જવાબ આપ્યો કે હું તો છું જ બારડોલીનો, અને દેશના કોઈપણ ભાગનો હોઉં, અહીં બારડોલીના ખેડૂતોના આમંત્રણથી આવ્યો છું પણ તમે (ગવર્નર) જે સરકાર વતી બોલો છો તે સરકાર આખી જ ‘બહારના’ માણસોની બનેલી છે. એમણે આકારણી અધિકારી અને કમિશનરના રિપોર્ટોને રદબાતલ ઠરાવ્યા અને કહ્યું કે એનો આધાર જ તર્કહીન છે. એમણે સ્વતંત્ર ટ્રાઇબ્યુનલની રચના કરીને આ મુદ્દાની ફરી વિચારણા કરાવવાની માગણી કરી.
દમનનાં પગલાં
૧૫મી ફેબ્રુઆરીથી સરકારે દમનનાં પગલાં શરૂ કર્યાં અને તે હિન્દુસ્તાનની જ્ઞાતિ વ્યવસ્થાના ગુણદોષ સમજીને. વાણિયાઓ ભીરુ મનાય.એટલે સૌ પહેલાં તો સરકારે ૫૦ વાણિયા જમીનમાલિકોને નોટિસ મોકલી. દસ દિવસમાં એમણે સવાયું મહેસૂલ ચૂકવી દેવાનું હતું અને ન ચૂકવે તો મહેસૂલની ચોથા ભાગની રકમ દંડ તરીકે વસૂલ કરવાની ધમકી પણ આપી. પરંતુ વાણિયાઓએ મૂંછ નીચી ન કરી!
હવે જપ્તીઓ શરૂ થઈ પણ જેણે મહેસૂલ ન ચૂકવ્યું હોય તેમના ઘરે કર્મચારીઓ પહોંચે તો ઘરે તાળાં લટકતાં જોવા મળે. સત્યાગ્રહ માટેના કૅમ્પોમાં તાલીમ પામેલા સ્વયંસેવકો સરકારની બધી હિલચાલ પર નજર રાખતા અને જપ્તીવાળા આવે તે પહેલાં જ લાગતાવળગતાને જાણ કરી દેતા એટલે એ લોકો ઘરબાર બંધ કરીને બીજે ક્યાંક ચાલ્યા જતા.
સરકારે હવે લોકોને ફોડવાનું શરૂ થયું બે વાણિયાઓને સરકારના માણસોએ સમજાવ્યા કે તમે તાળાં મારીને ભલે ભાગી જાઓ પણ કોઈક જગ્યાએ અમુક પૈસા ભૂલતા જજો. એ રીતે એમણે મહેસૂલની રક્મ વસૂલ્ કરી લીધી. બીજા સત્યાગ્રહીઓ આથી ગુસ્સે ભરાયા. સરદારે એ બન્નેનો ખુલાસો પૂછ્યો, માફી મંગાવી અને સત્યાગ્રહ ફંડ માટે રકમ વસૂલ કરી.
કડોદ ગામના વાણિયાઓ પાસે મોટી જમીન હતી. એમણે તો પહેલાં જ નવા દરે મહેસૂલ ચૂકવી દીધું હતું. એ લડતમાં જોડાયા નહોતા. એમના ખેતરમાં કામ કરતા ખેતમજૂરોએ એમનો બહિષ્કાર કર્યો અને ગામમાં એમના ખેતરે કોઈ કામ ન કરે એવો નિર્ણય લીધો. જો કે, ગાંધીજીને આ સમાચાર મળ્યા ત્યારે એમણે નારાજી જાહેર કરી કે આ જાતનું દબાણ હિંસા જ છે.
પણ સરકારે દમનનો છૂટો દોર મૂક્યો હતો. એટલે સરદારે ગામના પટેલોને ભેગા કર્યા અને સરકારને મદદ ન કરવા સમજાવ્યા. પટેલો તૈયાર થઈ ગયા. હવે સરકારી નોટિસ બજાવવા જવાનું પટેલોએ બંધ કરી દીધું. માલ જપ્તીમાં આવ્યો હોય પણ એને ગામ બહાર લઈ જવા માટે દૂબળાઓની જરૂર પડે; એ મજૂરી કરવાની ના પાડી દેતા. દમન સામે આખી જનતા એક થઈ ગઈ હતી.
સરકારે જોયું કે દમનથી કામ ચાલે તેમ નથી એટલે સમાધાનનો રસ્તો પણ ખોલ્યો. જે ગામોને ઊંચી આવકના વર્ગમાં મૂકવામાં આવ્યાં હતાં એમનો દરજ્જો પાછો નીચો કરવામાં આવ્યો. કેટલાંય ગામોના દર અડધાથી પણ વધારે નીચા કરી દેવાયા. આમ છતાં સત્યાગ્રહીઓની માંગ આખેઆખો વધારો રદ કરવાની જ રહી. હવે વધારે ને વધારે લોકોને નોટિસો મળવા લાગી.
૨૬મી માર્ચે વાલોડ અને બાજીપુરા (હવે તાપી જિલ્લામાં)ના વાણિયા જમીનમાલિકોને નોટિસો મળી કે ૧૨મી એપ્રિલ સુધી જો મહેસૂલ નહીં ચૂકવી દે તો એમની જમીનો જપ્ત કરી લેવાશે. એમણે જવાબ આપી દીધો કે જે કરવું હોય તે કરો, મહેસૂલ નહી ભરીએ.વલ્લભભાઈએ એમને અભિનંદન આપ્યાં અને લોકોને ચેતવ્યા કે હજી મોટાં બલિદાન આપવા માટે એમણે તૈયાર રહેવું પડશે. એ ગામેગામ ફરીને લોકોને પાનો ચડાવતા. કેટલાંય ગામોએ સભાઓ થઈ તેમાં લોકોએ અડગ રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી.
બીજી બાજુ, હવે દમનની માત્રા વધવાના અણસાર હતા. જિલ્લાનો કલેક્ટર બારડોલી ગયો તો ત્યાં એનું સ્વાગત કરવા ખાતાનો કોઈ કર્મચારી હાજર ન રહ્યો. એ પાસેનાં ગામોમાં પણ જવા માગતો હતો પણ એને લઈ જવા માટે કોઈ વાહન આપવા તૈયાર નહોતું. એણે રિપોર્ટ આપ્યો કે જમીનમાલિકો મહેસૂલ આપવા તૈયાર છે પણ એમને બીક છે કે પછી તોફાનીઓ એમનો પાક સળગાવી દેશે. સરકારે હવે ગાયભેંસ, ઓઢવાપાથરવાનું જે હાથમાં આવ્યું તે જપ્ત કરવાનું શરૂ કરી દીધું. આટલાથીયે સરકાર લોકોને હંફાવી ન શકી એટલે ધરપકડો શરૂ થઈ.
આના પછી લેજિસ્લેટિવ કાઉંસિલના ગુજરાતના નવ સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધાં. બારડોલી હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયું હતું. મુંબઈમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ બારડોલી સત્યાગ્રહને ટેકો આપ્યો. મે મહિનાની ૨૭મીએ જયરામદાસ દોલતરામના પ્રમુખપદે સૂરત જિલ્લા સંમેલન મળ્યું તેમાં ૧૨મી જૂને આખા દેશમાં બારડોલી દિન મનાવવાની અપીલ કરવામાં આવી. તે પછી એક અંગ્રેજભક્ત રાયબહાદુર હરિલાલ દેસાઇએ જાતે જ મધ્યસ્થી બનવાની કોશિશ કરી. એમણે કહ્યું કે લોકો નવા દરે મહેસૂલ ચૂકવી દે તે પછી સરકાર તપાસ સમિતિ નીમશે. સરદાર પટેલે એમને તીખો જવાબ આપ્યો: ”ઊંચા દરે ચૂકવણી કરી દીધા પછી તપાસ સમિતિનું કામ શું?…તમે દૃઢતાથી વર્તી ન શકતા હો અને હું જે અનુભવું છું તે, લોકોની તાકાત જોઈ ન શકતા હો તો કંઈ ન કરો એ જ મોટી સેવા ગણાશે.”.
સરકારે વલ્લભભાઈના શબ્દોમાં “કેટલાક પટાવાળા, પોલીસવાળા અને કસાઈઓ”ને મોકલીને સૂરતથી સરકારે જમીનો વેચી છે અને આ ખાંધિયાઓએ ખરીદી છે. સ્થાનિકના પારસીઓને પણ એમણે ચેતવણી આપી કે તમારી જ કોમના માણસો તમે ખેતરે જશો ત્યારે મોટી સંખ્યામાં આડે ઊભા હશે અને કહેશે કે હળને હાથ અડાડતાં પહેલાં અમને ગોળીએ દઈ દો અને અમારાં હાડકાં ખાતર તરીકે વાપરજો. એમણે પારસી મહિલા આગેવાન મીઠુબેન પિટીટ, દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબેન અને પુત્રી મણીબેનને કહ્યું કે સરકાર જે જમીન વેચાયેલી દેખાડે છે ત્યાં જઈને ઝૂંપડાં બાંધીને ધામા નાખો.
પાંચમી જૂને બોમ્બે લેજિસ્લેટિવ કાઉંસિલમાંથી નરીમાન, ભૂલાભાઈ દેસાઈ અને નારણદાસ બેચરે રાજીનામાં આપી દીધાં. બે દિવસ પછી જયરામદાસ દોલતરામે પણ પોતાનું રાજીનામું મોકલી આપ્યું. આ બાજુ બારડોલીમાં ૬૩ પટેલો અને ૧૧ તલાટીઓએ નોકરીને લાત મારી દીધી.
000
બારડોલીની કથા હવે પછીના અંકમાં ચાલુ રહેશે.
000
સંદર્ભઃ Mahatma Gandhi (Vol. VI) Salt Satyagraha: Watershed by Sushila Nayar (available on gandhiheritageportal.org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ. મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં ‘other books’પર ક્લિક કરો, તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal’ ટાઇપ કરો).