india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-23

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણઃ૨૩ : ૧૯૧૬થી ૧૯૩૫ : મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા

(આજના પ્રકરણની શરૂઆત ક્ષમાપ્રાર્થના સાથે. છેલ્લા ત્રણ હપ્તાથી બારડોલી વિશે સંકેત આપતો રહ્યો છું; આજે લખવાની શરૂઆત કરતાં જ ધ્યાનમાં આવ્યું કે બારડોલીને તો હજી એક દાયકો બાકી છે! આ દાયકો બહુ મહત્ત્વનો હતો, તેમ છતાં ભૂલનું પુનરાવર્તન કરતો રહ્યો. આજે ટ્રેન પાછી પાટે ચડે છે).

વિશ્વયુદ્ધનાં વર્ષો દરમિયાન બ્રિટનનું ભારત તરફનું વલણ સ્પષ્ટ નહોતું. દેશમાં કોઈ પણ આંદોલનને દબાવી દેવા માટે સરકાર ‘ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ જેવા અત્યાચારી કાનૂનની મદદ લેતી હતી, તો બીજી બાજુથી એને ભારતના સહકારની પણ જરૂર હતી. એટલેં સત્તામાં ભાગીદારીની કોંગ્રેસની માગણી પર વિચાર કરવા માટે પણ તૈયાર હતી. આવી અવઢવ વચ્ચે બ્રિટન સરકારના ભારત માટેના પ્રધાન મોંટેગ્યૂએ ભારતમાં ભારતીયોને શાસનના બધા સ્તરે ભાગીદાર બનાવવાની અને અંતે જવાબદાર રાજતંત્ર આપવાની જાહેરાત કરી. ઑગસ્ટ ૧૯૧૭માં આ જાહેરાત કર્યા પછી મોંટેગ્યૂ ભારત આવ્યો અને વાઇસરૉય ચેમ્સફૉર્ડ સાથે મળીને એણે સુધારા કાર્યક્રમની જાહેરાત કરી. તે પછી બ્રિટનની આમસભાએ એનો કાયદો બનાવ્યો તે દરમિયાન વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થવાનું નિશ્ચિત થઈ ગયું હતું. આથી બ્રિટનને ભારતના સહકારની બહુ જરૂર નહોતી રહી. તે પછી તો જર્મનીની હાર થઈ જતાં બ્રિટનને લાગવા માંડ્યું હતું કે કોઈ સુધારા કરવાની જરૂર નથી.

એના પડઘા રૂપે ભારતની જનતામાં પણ આશા, નિરાશા અને રોષની લાગણીઓમાં ભરતી-ઓટ જેવું થતું રહ્યું, સુધારાનો કાયદો બન્યા પછી દિલ્હીમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં કોંગ્રેસે જવાબદાર રાજતંત્રની માગણી પર ભાર મૂક્યો અને એનાથી ઓછું કશું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.

ખિલાફત અને ગાંધીજી

૧૯૧૬માં લીગ અને કોંગ્રેસે સાથે મળીને કામ કરવામાટે ‘લખનઉ પૅક્ટ’ કર્યો હતો પણ મુસ્લિમોમાંથી જુદા જુદા સૂર પણ ઉપસ્થિત થયા હતા કેમ કે બ્રિટિશ સરકારે અમુકને સાધી લીધા હતા. એવામાં બિહારમાં બકરી ઈદને દિવસે કોમી રમખાણો થતાં બન્ને વચ્ચે ફરી તડાં પડી ગયા. મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ રિપોર્ટ જાહેર થયો તે વખતે તુર્કીમાં ખલીફાનું શાસન દગનગતું હતું મુસલમાનોને જવાબદાર રાજતંત્ર કરતાં એમાં વધારે રસ હતો. એ જ વખતે આખા એશિયામાં પણ બ્રિટન વિરુદ્ધ મુસ્લિમ મત વધારે પ્રબળ બન્યો. ભારતીય મુસ્લિમો પણ એમાં જોડાયા.

ગાંધીજી એ સમય સુધી કિનારે જ હતા. મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારાના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસમાં ઊગ્ર, નરમ અને મધ્યમ એમ ત્રણ અભિપ્રાયો હતા. ગાંધીજી આમાંથી એક પણ વર્ગમાં નહોતા. પરંતુ ખિલાફતને બચાવવા માટે મુસલમાનોએ કોંગ્રેસની મદદ માગી ત્યારે ગાંધીજી પર એમની પસંદગી ઊતરી. ૧૯૧૯ની ૨૩મી નવેમ્બરે (એની શતાબ્દી બે જ દિવસમાં આવે છે) દિલ્હીમાં ખિલાફત કમિટીની બેઠકમાં ગાંધીજીને પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા.

ગાંધીજી હવે કોંગ્રેસના તખ્તાના મધ્યભાગમાં તો આવી ગયા હતા, પણ એમને હજી એ સ્થાન નહોતું મળ્યું, જેનાથી આપણે પરિચિત છીએ. હજી એ માત્ર કોંગ્રેસના અનેક સમર્થ નેતાઓની વચ્ચે પહોંચ્યા હતા, કોંગ્રેસની નિર્ણય પ્રક્રિયાના કેન્દ્રમાં નહોતા પહોંચ્યા.

પરંતુ મુસ્લિમોના અજોડ અને જોરદાર ટેકાને કારણે એ કોંગ્રેસમાં પણ શીર્ષ સ્થાને પહોંચ્યા. એ દક્ષિણ આફ્રિકા ગયા તે પણ દાદા અબ્દુલ્લાહની કંપનીના વકીલ તરીકે. તે પછી એ ત્યાં ઘણા મુસલમાનોના સંપર્કમાં આવ્યા હતા અને એ કારણે એમનો મત બંધાયો હતો કે દેશની સ્વાધીનતા માટે હિન્દુ-મુસ્લિમ એકતા બહુ જરૂરી છે. ઘણા વિવેચકો માને છે કે ગાંધીજીએ કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ખિલાફતના આંદોલનને ટેકો આપીને મુસલમાનોનો સાથ લીધો હતો. કોંગ્રેસમાં ગાંધીજીએ અસહકાર આંદોલનનો ઠરાવ રજૂ કર્યો તે મુસલમાનોના મતોને કારણે જ મંજૂર રહ્યો.

રૉલેટ ઍક્ટ

યુદ્ધ પૂરું થયા પછી ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટનો આપોઆપ અંત આવી ગયો. હવે ક્રાન્તિકારી પ્રવૃત્તિઓને કેમ કાબૂમાં રાખવી તેના વિશે સરકાર ભાંજગડમાં હતી. આથી જસ્ટિસ રૉલેટની આગેવાની હેઠળની કમિટીના રિપોર્ટને આધારે બે વિધેયક તૈયાર કરવામાં આવ્યાં. એક વિધેયક દ્વારા ‘ઇંડિયા ઍક્ટ’માં સુધારો કરવામાં આવ્યો. બીજા વિધેયક દ્વારા Anarchical and Revolutionary Crimes Act બન્યો. એ રૉલેટ ઍક્ટ તરીકે લોકોમાં જાણીતો થયો.એમાં સરકારને અમર્યાદિત સત્તા મળી, જેમ કે કોઈ પણ વ્યક્તિને વૉરંટ વિના પકડી શકાય, જ્યૂરીને બોલાવ્યા વિના જ એની સામે બંધબારણે કેસ ચલાવી શકાય વગેરે.

૧૯૧૮ના જુલાઈમાં આ કાયદો જાહેર થયો કે તરત જ એની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો. રાજકીય નેતાઓએ એને ભારતમાં મૂળભૂત હકો પરના હુમલા તરીકે ઓળખાવ્યો. વર્તમાનપત્રો પણ ઊકળી ઊઠ્યાં.

ગાંધીજી હવે રાજકીય મંચના મધ્ય ભાગમાં આવી ગયા. એમણે ૧૯૧૯ની ૨૪મી ફેબ્રુઆરીએ વાઇસરૉયના અંગત મંત્રી મૅફીને તાર કરીને રૉલેટ ઍક્ટનો વિરોધ કર્યો અને એની સામે સત્યાગ્રહ કરવાની નોટિસ આપી દીધી.

મૅફીએ જવાબમાં લખ્યું –

“તમે દક્ષિણ આફ્રિકામાં સફળ રહ્યા તે એટલા માટે કે એ મુદ્દો તમારા દેશબંધુઓના ઉત્સાહ અને જીવનને માટે યોગ્ય હતો. તમારું વ્યક્તિત્વ ચુંબકીય છે એટલે એના જ પ્રમાણમાં તમારા પર જવાબદારી પણ છે. લોકો પોતે સાચા છે એમ માનીને નહીં પણ શ્રી ગાંધી સાચા છે એમ માનીને તમારું અનુસરણ કરશે – સરકાર કદાચ ખોટી હોઈ શકે પણ તમારે વિચારવું જોઈએ કે તમે વધારે ખોટા છો કે નહીં. એક નેતા માટે લોકોની આંખમાં ધૂળ નાખવાનો તમારો ‘રેકૉર્ડ’ જોતાં તમારા માટે તો દેશના વહીવટના તાર ગૂંચવી નાખવાનું હાસ્યસ્પદ રીતે સહેલું છે બધા જ્યારે નાવને સ્થિર રાખવા પ્રયત્ન કરતા હોય ત્યારે જે લોકો એને ડુબાડી દેવા માગતા હોય તેમના પર બહુ મોટી જવાબદારી છે. એક ‘બ્યૂરોક્રેટ’ તરીકે તમે જેનો સંકેત આપ્યો છે તેવી કોઈ ‘સ્ટ્રગલ’ શક્ય છે એ જોઈને મને દુઃખ થશે પણ અમારામાંથી જે કોઈ તમને જાણે છે તેને એ પણ અફસોસ થશે કે તમે જે કારણે અમારી પ્રશંસા મેળવી શક્યા છો તે ઉમદા મૂલ્યોની ભૂમિકામાંથી આટલા નીચે આવી ગયા”.

ગાંધીજીએ જવાબમાં લખ્યું કે આ છેલ્લી ઘડીએ પણ મને ખાતરી છે કે સરકાર ઉત્પાત વધારવા નથી માગતી. લોકોની ઇચ્છા સામે નમતું મૂકીને જ સરકાર શાંતિ જાળવી શકશે.

આમ છતાં, બન્ને વિધેયકોને કાયદાનું રૂપ મળી ગયું. હવે ગાંધીજીએ લડતનો દોર સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધો.

એમણે ૧ માર્ચ ૧૯૧૯ના ટાઇમ્સ ઑફ ઇંડિયામાં લખ્યું – એવું લાગે છે કે સિવિલ સર્વિસ બ્રિટનનાં વ્યાપારી હિતો ભારતનાં હિતો કરતાં વધારે મહત્ત્વનાં છે, કોઈ ભારતીય આ સ્વીકારી ન શકે. એને કારણે સામ્રાજ્યની અંદર ભાઈ-ભાઈ વચ્ચે ટક્કર થશે. સિવિલ સર્વિસવાળાઓએ સમજવું જોઈશે કે એ અહીં માત્ર ટ્રસ્ટ અને સેવક તરીકે જ રહી શકે, અને તે માત્ર કહેવા પૂરતું નહીં, અને બ્રિટનની વેપારી પેઢીઓએ પણ સમજી લેવું જોઈએ કે એ ભારતમાં માત્ર ભારતની જરૂરિયાતો પૂરી કરવા માટે જ રહી શકે. હું આ કાયદાને સરકારના શરીરમાં ઊંડે ઘૂસેલા રોગ તરીકે જોઉં છું.

ગાંધીજીની ધરપકડ

ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ. સરોજિની નાયડૂ વગેરે વીસ જણની મીટિંગ બોલાવી અને સત્યાગ્રહ સભાની પણ સ્થાપના કરી. એના સોગંદપત્ર પર બધાએ સહીઓ કરી. એમણે પહેલાં ૩૦મી માર્ચે આખા દેશમાં હડતાળ માટે એલાન કર્યું, પણ પછી ૬ઠ્ઠી ઍપ્રિલ જાહેર કરવામાં આવી. પરંતુ દિલ્હીમાં તો ૩૦મી માર્ચે જ હડતાળ થઈ જેને અભૂતપૂર્વ સફળતા મળી. પરંતુ જાનહાનિ પણ થઈ. તે પછી હડતાળ પંજાબમાં પણ ફેલાઈ. ત્યાં પણ હિંસા થઈ.

તે પછી ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ.

 (ક્રમશઃ)

૦૦૦

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: