india-slavery-and-struggle-for-freedom-part-3-chapter-24

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ

ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ

પ્રકરણ : ૨૪: ૧૯૧૬થી ૧૯૩૫: દિલ્હી અને પંજાબમાં અત્યાચાર

દિલ્હી

દિલ્હીએ ૬ઠ્ઠી ઍપ્રિલ સુધી રાહ ન જોઈ. કોંગ્રેસે જાહેર કરેલી મૂળ તારીખે, ૩૦મી માર્ચે જ, રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું. દિલ્હીની જનતાનો રોષ ભભૂકી ઊઠ્યો અને ઠેરઠેર લોકો રસ્તાઓ પર આવીને વિરોધ કરવા લાગ્યા. ભીડને વીખેરી નાખવા અને ડરાવવા, વસાહતવાદી સરકારે હિંસાનો આશરો લીધો અને ગોળીબારનો છૂટથી ઉપયોગ કર્યો. આમાં ઘણાના જાન ગયા. આમાંથી અમુક શહીદોનાં નામ મળી શક્યાં છે. એમને અંજલિ આપવા માટે અહીં એ નામો આપ્યાં છેઃ. આતમ પ્રકાશ, ચંદર ભાન, ચેત રામ, ગોપી નાથ, મામ રાજ, રાધા શરણ, રાધે શ્યામ, રામ લાલ, રામ સરૂપ, રામ સિંઘ, ચંદર મલ રોહતગી. બ્રિટિશ આર્મીના ગોળીબારમાં આ બધા શહીદ થયા, અને દિલ્હીમાં ટાઉન હૉલ પાસે બ્ર્રિટીશ આર્મીની ટૂકડીએ અબ્દુલ ગનીને બેયોનેટ ભોંકીને મારી નાખ્યા.

પંજાબ

દિલ્હીની આગ પંજાબ પહોંચતાં આખો પ્રાંત સળગી ઊઠ્યો. ગવર્નર માઇક્લ ઑ’ડ્વાયર અંગત રીતે હિન્દવાસીઓ, અને તેમાંય શિક્ષિત હિન્દીઓ દીઠા નહોતા ગમતા. એટલે જ્યારે પંજાબમાં વિરોધ પ્રબળ બન્યો ત્યારે એ અકળાઈ ગયો અને દમનકારી પગલાં લેવાનું શરૂ કરી દીધું. પ્રાંતમાં માર્શલ લૉ લાગુ કરી દેવાયો. આ જુલમ સામે લાહોરમાં વીસ હજાર માણસો શાંતિપૂર્વક સરઘસમાં જોડાયા. પંજાબના મુલ્કી અને લશ્કરી આગેવાનોને આમાંથી બળવાની ગંધ આવી.

હડતાલની મૂળ તારીખ ૩૦મી માર્ચ હતી તે છઠ્ઠી ઍપ્રિલ થઈ ગઈ તે સમાચાર પંજાબમાં પહોંચ્યા નહોતા. ગાંધીજીના કાર્યક્રમ પ્રમાણે તો આખા દેશમાં બધાએ ઉપવાસ રાખવાનો હતો. ૨૯મી માર્ચે ડૉ. સત્યપાલ અમૃતસરમાં ભાષણ કરવાના હતા પણ ઓ’ડ્વાયરે એમના પર પ્રતિબંધ મૂકી દીધો. છાપાંઓ પર પણ સેન્સરશિપ લાદી દીધી. ૩૦મીએ ડૉ. સૈફુદ્દીન કિચલૂએ જલિયાંવાલા બાગમાં સભાને સંબોધી. આથી અમૃતસર પણ ક્રોધે ભરાયું. ગાંધીજીને પંજાબના નેતાઓએ બોલાવ્યા હતા પણ એમને પકડીને પાછા મુંબઈ પ્રાંતની સરકારની નજર નીચે મોકલી દેવાયા.

પરંતુ નેતાઓએ છઠ્ઠી ઍપ્રિલે પણ હડતાળ પાડવાનો નિર્ણય જાહેર કર્યો. અમૃતસરના ડેપ્યૂટી કમિશનર માઇલ્સ ઇર્વિંગે નેતાઓને બોલાવીને હડતાળ ન કરવાનો આદેશ આપ્યો; કેટલાક નેતાએ એ હુકમ કબૂલ્યો પણ ડૉ. કિચલૂ અને ડૉ. સત્યપાલ મક્કમ રહ્યા.. ગાંધીજીએ અહિંસક અને શાંતિપૂર્ણ સત્યાગ્રહની યોજના બનાવી હતી. એમણે અપીલ કરી હતી કે –

“આપણે હવે એ સ્થિતિમાં છીએ કે ગમે તે ઘડીએ આપણી ધરપકડ થશે એમ ધારી લેવું જોઈએ. એટલે એ ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે કોઈની ધરપકડ થાય તો એણે કંઈ પણ અડચણ ઊભી કર્યા વિના પકડાઈ જવાનું છે અને કોર્ટમાં હાજર થવાનો હુકમ મળે તો એ પણ કરવાનું છે. પરંતુ કોર્ટમાં પોતાનો બચાવ નથી કરવાનો કે કોઈ વકીલ પણ રાખવાના નથી. પાછળ રહેલા સત્યાગ્રહીઓએ પોતાના સાથીઓની ધરપકડનું દુઃખ પણ કોઈ રીતે દેખાડવાનું નથી. જેલમાં ગયા પછી જેલના બધા નિયમો પાળવાના છે કારણ કે જેલ સુધારા, એ આપણો અત્યારે ઉદ્દેશ નથી. સત્યાગ્રહીએ, બીજા કેદીઓ માટે જે ગુના ગણાય છે એવા કોઈ કામમાં પડવાનું નથી, સત્યાગ્રહીએ માત્ર એ જ કરવું જે ખુલ્લી રીતે કરી શકાય.”

પરંતુ આ પાઠ હજી લોકોએ બરાબર પચાવ્યો નહોતો. નવમી એપ્રિલે રામનવમી હતી. પણ આ સરઘસ જુદા પ્રકારનું હતું.એમાં મુસલમાનો પણ જોડાયા અને મહાત્મા ગાંધી કી જય’ અને ‘હિન્દુ-મુસલમાન કી જય’ જેવાં સૂત્રો પોકારાતાં હતાં. મુસલમાનોના જોડાવાથી હિન્દુઓના ધાર્મિક સરઘસનું મહત્ત્વ વધી ગયું. ઑ’ડ્વાયર લાલપીળો થઈ ગયો. હડતાળ જડબેસલાખ રહી અને આખું અમૃતસર બંધ રહ્યું. તે પછી આ બન્ને યુવાન નેતાઓ ડૉ કિચલૂ.અને ડૉ. સત્યપાલને તરીપાર કરવાનો એણે હુકમ આપ્યો.

રાતે આખા અમૃતસરમાં આ સમાચાર ફેલાઈ જતાં રોષ વધ્યો ઠેકઠેકાણે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં. રેલવેના પુલ પર ઘોડેસવાર પોલીસે ચાર જણને મોતને ઘાટે ઉતારી દીધા. લોકો ઘાયલો અને લાશોને ખભે ઉપાડીને આગળ વધ્યા. ડેપ્યૂટી કમિશનર માઇલ્સે આવીને લોકોને શાંતિથી વીખેરાઈ જવાની અપીળ કરી પણ લોકોએ એના પર લાઠીઓ અને પથ્થરોનો મારો કર્યો. સૈનિકોએ ગોળીબાર કરતાં વીસ જણનાં મૃત્યુ થયાં. બે વકીલો ગુરદયાલ સિંઘ અને મકબૂલ મહેમૂદ આર્મી અને લોકોને સમજાવવા મથતા હતા પણ ભીડમાં માંડ મરતાં બચ્યા. આ ખૂંખાર અથડામણ વચ્ચે એક ઘાયલે હિન્દુ-મુસલમાન કી જય’ પોકારતાં અંતિમ શ્વાસ લીધા.

ટોળું એક બૅન્ક પર ત્રાટક્યું. મૅનેજરે પોતાની રિવૉલ્વરમાંથી ગોળીઓ છોડી પણ લોકો ભાગ્યા નહીં. એમણે મૅનેજરને પકડી લીધો અને લાઠીઓ વરસાવીને એને મારી નાખ્યો અને બૅન્કના ફર્નીચર સાથે જ એની લાશને બાળી નાખી. ટાઉનહૉલ, પોસ્ટ ઑફિસ, એક રેલવે સ્ટેશન અને મિશન હૉલને પણ આગ ચાંપી દેવાઈ. ભીડ તે પછી સ્ત્રીઓ માટેની હૉસ્પિટલ તરફ વળી. એવી અફવા હતી કે એની ઇનચાર્જ ડૉક્ટર ઈસબેલ મૅરી ઈઝડન ઘાયલો પર હસી હતી. લોકો એને શોધતા હતા.

એક મિશનરી મિસ માર્શેલા શેરવૂડ પાંચ સ્કૂલોની સુપરિંટેંડન્ટ હતી. રમખાણો થતાં એ સાઇકલ પર સ્કૂલો બંધ કરાવવા નીકળી. ટોળાએ એને જોઈ લીધી. એને પકડીને ખૂબ મારપીટ કરી અને મરેલી જાણીને ટોળું આગળ નીકળી ગયું.

ઑ’ડ્વાયરને આ બધા સમાચાર મળતાં એણે કર્નલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને અમૃતસરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી એને સોંપી દીધી. ડાયરે ૧૧મીની રાતે આવીને જે ગલીમાં મિસ શેરવૂડ પર હુમલો થયો હતો એ બંધ કરી દીધી. એણે હુકમ આપ્યો કે આ જગ્યા પવિત્ર છે અને જે કોઈ અહીંથી પસાર થશે તેણે ઘૂંટણિયે પડીને ચાલવું પડશે – એણે દલીલ આપી કે શીખો અને હિન્દુઓની તો એ રીત છે કે દેવતા સામે સાષ્ટાંગ દંડવત્ કરવાં!

૧૨મી ઍપ્રિલે જ એ શહેરમાં સૈનિકોની ટુકડી સાથે ફર્યો.

હજી સત્યાગ્રહીઓ મક્કમ હતા. એક બાજુ ડાયર લોકોમાં ફરીને ધમકી આપતો હતો કે લશ્કર કોઈ પણ પગલું ભરતાં અચકાશે નહીં, તો બીજી બાજુ સત્યાગ્રહીઓ લોકોમાં ફરીને એલાન કરતા હતા કે ૧૩મીએ બૈસાખીના પર્વને દિવસે જલિયાંવાલા બાગમાં જાહેર સભા મળવાની છે…

(ક્રમશઃ)

૦૦૦

સંદર્ભઃ

૧.Anil Nauriya on Facebook 30.3.2019

૨. https://www.tribuneindia.com/2002/20020413/windows/main1.htm

૩.A Centenary History of Indian National Congress.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: