In search of Krishna’s Dwarka (1)

 

 

 

કૃષ્ણની દ્વારકા (૧)

પુરાતત્વ અને રામાયણ શ્રેણીને બહુ સારો આવકાર આપવા બદલ સૌ વાચક મિત્રોનો આભાર માનું છું. આપ સૌના પ્રતિભાવો પરથી દેખાયું કે આપણે જાણવા માગીએ છીએ, ભલે ને, જે નવી જાણકારી મળે તે આપણી વર્ષો જૂની માન્યતાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું કરતી હોય! આને હું સારી નિશાની માનું છું. ખાસ કરીને આપણા ધર્મગ્રંથોની બાબતમાં આપણું દૃષ્ટિબિંદુ બહુ સ્પષ્ટ નથી હોતું. એમાંનાં મુખ્ય પાત્રો અતિ પ્રાચીન છે એમ આપણે માની લેતા હોઈએ છીએ અને તેમ છતાં, એમાં આવતાં વર્ણનો એ પ્રાચીન કાળનું ચિત્ર રજુ કરે છે કે કેમ તે વિચારતા નથી. રામ ઐતિહાસિક પાત્ર હોય અને રામાયણ એમની કથા હોય, તો એમના રહેવા, ખાવાપીવા અને પહેરવા-ઓઢવાના સંયોગો એમના સમયને જ  અનુરૂપ હોય. રામ રામાયણમાં વર્ણિત પ્રાસાદોમાં રહેતા હોય એમ માનીને આપણે એમને આપણા સમયની વધારે નજીક લાવી દઈએ છીએ, એ વાત તરફ પણ આપણું ધ્યાન નથી જતું. આમ આપણી વિચારવાની રીતમાં વિસંગતિ પેદા થાય છે.
કૃષ્ણની દ્વારકાની બાબતમાં પણ આવી જ ભ્રાન્તિઓનો આપણે શિકાર બન્યા છીએ. કૃષ્ણના સમયને દ્વારકાના સમયથી અલગ ન કરી શકાય. આમ એમની મૂળ દ્વારકા ક્યારે હતી તે જો નક્કી થઈ શકે તો કૃષ્ણનો સમય પણ નક્કી થઈ શકે.
‘પુરાતત્વ અને રામાયણ’ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. હસમુખ સાંકળિયાએ પુરાતત્વ પ્રાચીન માન્યતાઓનું સમર્થન અથવા ખંડન કરવામાં શી રીતે ઉપયોગી થાય તે દર્શાવ્યું છે, અને ઉત્તાનપાદ દેવી (પગ ઊંચો કરેલી દેવી) અથવા નગ્ન માતૃકા, ત્રિપુરાસુરની નગરી અને દ્વારકા નગરીનું પુરાતત્વની દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. અહીં પણ એમણે મહાભારત અને હરિવંશ પુરાણમાં મળતા દ્વારકાના વર્ણન સાથે પુરાતત્વના ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓની તુલના કરી છે.

છ દ્વારકા

ડૉ. સાંકળિયાએ દ્વારકામાં ખોદકામ કરીને  છ દ્વારકા શોધી કાઢી છે, આ રસપ્રદ ઘટનાની શરૂઆત કેમ થઈ તે હવે એમના જ શબ્દોમાં જોઈએઃ “ જેમણે હાલનું દ્વારકા જોયું હશે તેમણે જરૂર/કદાચ નોંધ કરી હશે કે જે સ્થળે શ્રીદ્વારકાધીશનું મંદિર આવ્યું છે તે ઊંચામાં ઊંચું સ્થળ છે. એની આસપાસ ઘરો, દુકાનો ઇત્યાદિ ખીચોખીચ વસ્યાં છે. આ મધ્યવર્તી સ્થળથી દૂર જઈએ તો વસ્તી ઓછી થતી જાય છે. આ બધી સપાટ જમીન પર વસેલી છે. આવા ભૌગોલિક નિરીક્ષણ પરતી બે અનુમાનો કરી શકાયઃ એક કે જે સ્થળે મંદિર બંધાયું તે બહુ પ્રાચીન વસ્તી (વસાહત) કે વસાહતોનું સ્થાન છે, અથવા આ સ્થળની નીચે કુદરતી ટેકરો – ખડક – છે, જેથી એક બે સમયની જ વસ્તીઓ હોવા છતાં એ ઊંચું લાગે છે.” એક વસાહતના ભગ્નાવશેષો પર બીજી વસાહત ઊભી થાય તો નીચેની વસાહતને કારણે ટીંબો બની જાય. આમ વસાહતોના થર ચડ્યા હોય એટલે જગ્યા ઊંચી થઈ ગઈ હોય, અથવા તો એનું નિર્માણ જ એક ઊંચા ટેકરા પર થયું હોય. પુરાતત્વશાસ્ત્રી એક સ્થળને શી રીતે જૂએ છે, તેનો ખ્યાલ એમનાં આ અનુમાનો પરથી આવે છે. સામાન્ય માણસ તો મંદિરમાં આવીને દર્શન કરી જશે પરંતુ દ્વારકા ડૂબી ગયાની કથા જાણીતી હોવા છતાં આ દ્વારકા નવી બંધાયેલી છે, એવો વિચાર નહીં કરે. પરંતુ સાંકળિયા સાહેબનાં આ અનુમાનોનું કારણ શું?

ડૉ. સાંકળિયાએ ખોદકામ માટે અહીં જગ્યા પસંદ કરી તે પહેલાં અહીંથી એક સદ્‍ગૃહસ્થ ડૉ. જયંતીલાલ ઠાકરને ઘરના પાયા અને ગટર માટેના ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા, બંગડીઓ વગેરે મળ્યાં હતાં. આથી ડૉ. સાંકળિયા એવા અનુમાન પર આવ્યા કે મંદિરની નીચે ખડક નથી, કોઈ વસાહત હોવી જોઈએ. આ અવશેષો જોઈને ડૉ. સાંકળિયાએ બીજું પણ મહત્વનું અનુમાન કર્યું: હમણાંની દ્વારકા ઓછામાં ઓછી ૧૮૦૦ વર્ષ જૂની હોવી જોઈએ. પરંતુ શ્રી ઠાકરને જે વસ્તુઓ મળી તેવી વસ્તુઓ રીતસરના ખોદકામમાં મળે તો જ આ અનુમાન સાચું પૂરવાર થાય.

દ્વારકામાં મંદિર પાસે ખોદકામ માટે જગ્યા મેળવવાનું મુશ્કેલ હતું. આમ છતાં મહામુશ્કેલીએ એમણે એક ઘર ખરીદ્‍યું અને એને જમીનદોસ્ત કર્યું. જગ્યા માત્ર ૨૦x૨૦ જેટલી જ હતી. ખરેખર તો બહુ મોટી જમીનની જરૂર હતી, પરંતુ આ જગ્યાનું પણ બહુ મહત્વ હતું. ડૉ. સાંકળિયાની દોરવણી નીચે ખોદકામ થતું ગયું. આ ખોદકામમાં કોદાળી, પાવડા ન ચાલે, નાનાં ખોતરણી જેવાં સાધનો અને બ્રશથી કામ થતું હોય છે. હવે આગળનું વર્ણન ડૉ. સાંકળિયાના શબ્દોમાં જ વાંચવાની મઝા આવશે. –

“ જે મકાન અમે જમીનદોસ્ત કર્યું અને એની નીચે ખોદકામ શરૂ કર્યું કે તર ત જ લગભગ ૩ ફુટ નીચે એક સારા પથ્થરના બાંધેલા મકાનનો પાયો લાગ્યો. આ ઘરના પાયામાંથી નાનામોટા બધા એક જ સ્થળે શંખો નીકળ્યા, એટલે અહીં શંખોની દુકાન હોવી જોઈએ. તે પરથી આ મકાન ઈ. સ.  ૧૮૫૦માં બંધાયું હશે એમ અનુમાન થઈ શકે. આ છઠ્ઠી દ્વારકાની લગભગ બે-ત્રણ ફુટ નીચે પાંચમી દ્વારકાનો પાયો લાગ્યો.  આ ઘર પથ્થરનું હોવા છતાં એનું Orientation જુદું હતું. અહીંથી સુંદર હાથીદાંતની વસ્તુઓ અને માટીનાં રમક્ડાં મળ્યાં.”

જરા વિચાર કરીએ તો લાગશે કે શહેરની નીચે કેટલું બધું ધરબાયેલું હોય છે! એકની ઉપર એક આ સાતમી દ્વારકા છે, જે છ દ્વારકાના સમાજને ઓહિયાં કરીને સમૃદ્ધ થઈ છે. ગીતા કહે છેઃ कालोऽस्मि लोक क्षयकृत्‍ प्रवृद्धो – હું કાળ છું, લોક (પ્રજા કે સંસાર)નો ક્ષય કરતો આગળ વધતો રહું છું. ચાલો, આપણે ભાવુક ન બનીએ અને  બે દ્વારકા – છઠ્ઠી અને પાંચમી – ના થરનો ભેદ ઉકેલીને ડૉ. સાંકળિયા કેટલે પહોંચ્યા તે જાણીએ.

ડૉ. સાંકળિયા કહે છે કે “આની નીચે ચોથી દ્વારકાના અવશેષો હતા. એમાં ઘરના પાયા ઉપરાંત બહુ જ સાધારણ લાલ અને કાળી માટીનાં વાસણો, સુંદર, રંગબેરંગી કાચની બંગડીઓ પણ નીકળી. આની સાથે ચીની માટીનાં અને ઓપ ચડાવેલાં (Glazed) માટીનાં વાસણોનાં ઠીકરાંઓ પણ મળ્યાં હતાં. આ બધાં ઈરાની મુસ્લિમ સંસ્કૃતિના આગમનનાં સૂચક છે.” આ અવશેષોના આધારે સાંકળિયા સાહેબ ચોથી દ્વારકાનો સમય દસમા સૈકામાં મૂકે છે.

પરંતુ એમનું અભિયાન ચાલુ રહ્યું અને વધારે ખોદકામ કરતાં ત્રીજું નગર પણ મળ્યું. આ સ્થળેથી પહેલી વાર એક મંદિરના અવશેષ મળ્યા. ખરેખર તો એ મંદિરના શિખરનું આમલક હતું. મંદિરના શિખરની ઉપર ગોળ આકારનું ટોચકું હોય છે તેને આમલક કહે છે. આ ત્રીજી દ્વારકા નગરીને તેઓ આજથી ૧૩૦૦ વર્ષ જૂની માને છે. દેખીતું છે કે આ તો કૃષ્ણની દ્વારકા ન હોઈ શકે.

ડૉ. સાંકળિયા આ દ્વારકાનો સમય સાતમા સૈકામાં મૂકવાનું કારણ સમજાવતાં કહે છે કે સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ કિનારે મંદિરો મળ્યાં હતાં અને એ દ્વારકા સુધી બંધાયાં હોય એમ લાગે છે. આ મંદિર વલ્લભીના મૈત્રકો  અથવા સૈંધવોના સમયમાં બંધાયેલાં છે.

અહીં જરા બીજો ચીલો પકડીને મૈત્રકો અને સૈંધવો વિશે જાણી લઈએ. વલ્લભી અથવા વલ્લભીપુર એટલે આજનું વાળા. ક્ષત્રપ વંશના એક શાસક વિજયસેને આજથી લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાં આ શહેરની સ્થાપના કરી અને પાંચમી સદીમાં સેનાપતિ ભટ્ટારકે અહીં મૈત્રક વંશની શરૂઆત કરી. ઈ. સ. ૭૬૭માં ગઝનીના આરબ શાસકોએ એમની હકુમતનો અંત આણ્યો. સૈંધવો દસમી સદી સુધી પોરબંદરથી પચાસેક કિલોમીટર દૂર ભૂમિલીમાં શાસન કરતા. એ વંશ  મહાભારતના જયદ્રથના નામથી પણ ઓળખાય છે. જયદ્રથ સિંધુદેશનો રાજા હતો. ખાસ કરીને મૈત્રક કાળનું મંદિર આજે પણ જામનગર જિલ્લામાં છે. બીલેશ્વરનું મંદિર પણ એ જ કાળનું છે.*

ડૉ. સાંકળિયા આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં થયેલાં મંદિરોના નિર્માણના આધારે આ દ્વારકાને સાતમા સૈકામાં મૂકે છે. પરંતુ  એમનું કહેવું છે કે અહીં મળેલા અવશેષો પરથી ખાતરીપૂર્વક ન કહી શકાય કે કોઈ મંદિર અહીં હતું તે શિવનું હતું કે વિષ્ણુનું હતું કારણ કે કોઈ મૂર્તિ નથી મળી એટલે એ કહેવા માટેનો આધાર પુરાતત્વ  આપી શકે એમ નથી, આમ છતાં, એ મંદિર કૃષ્ણનું હશે એમ માનવા માટે બીજો આધાર મળે છે.

હરિવંશની રચના પણ આ જ કાળમાં થઈ હોવાનું મનાય છે,  અને હરિવંશમાં દ્વારાવતી, દ્વારામતી વગેરે ઉલ્લેખોની સાથે શ્રીકૃષ્ણના મંદિરનો પણ ઉલ્લેખ છે, તે આ પોતે જ અથવા આવું જ હોવું જોઈએ. સાંકળિયા સાહેબનો મત છે કે દ્વારકાધીશ પાસે બીજા કોઈ મંદિરના અવશેષ ન મળે તો આ ભગ્નાવશેષ સાતમી સદીના કૃષ્ણના મંદિરના જ હશે એમ માનવું રહ્યું.

પરંતુ, આપણને સવાલ થાય કે આવા અનુમાનનો આધાર શો? ડૉ. સાંકળિયા આનો જવાબ આ રીતે આપે છેઃ “શિખરોવાળાં અને તે પણ બહુ નાનાં ગર્ભગૃહ અને નાના મંડપવાળાં મંદિરો ઈ. સ.ના ચોથા સૈકામાં સૌથી પહેલી વાર દૃષ્ટિગોચર  થાય છે. આ મંદિરોનાં શિખરો પણ ઊંચાં ન હતાં. એટલે કોઈ ભક્તને થાય કે હરિવંશમાં કૃષ્ણના મંદિરનો ઉલ્લેખ છે, તેથી આ મંદિર ૫૦૦૦ વર્ષ કે એથી વધારે કે ઓછું જૂનું છે તો એ માન્યતાને પુષ્ટિ આપવા માટે પુરાતત્વ પાસે કોઈ પણ પુરાવો નથી.”

ડૉ. સાંકળિયા કહે છે કે “તમારી કે મારી ગમે તેટલી ઇચ્છા હોવા છતાં ભારતમાં ક્યાંયે અતિશય પ્રાચીન દેવાલયોના અવશેષ હજુ પ્રાપ્ત થાયા નથી.” વૈશાલીના ખોદકામમાં જૂનામાં જૂનો ૨૩૦૦ વર્ષ પહેલાંનો બૌદ્ધ સ્તૂપ મળ્યો છે. મોહેં-જો-દડો, હડપ્પા કે લોથલ વગેરેમાં પણ દેવાલયના અવશેષ જોવા નથી મળ્યા. મંદિરો બૌદ્ધ પ્રભાવ નીચે બન્યાં હોવાનું માનવું જોઇએ. બૌદ્ધ ધર્મ તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેમ સંગઠિત હતો,એટલે  એમાં સામૂહિક ધર્મસ્થાન હોય એ સમજી શકાય છે.બીજી બાજુ હિન્દુ ધર્મમાં સામૂહિક પૂજાપાઠને સ્થાન નહોતું, ઈશ્વરોપાસના માત્ર વ્યક્તિગત હતી. સામૂહિક પૂજા તો બહુ પાછળથી આવી, એટલે આદ્ય હિન્દુ ધર્મમાં મોટાં મંદિરો નહોતાં.

આજે આપણે છેક ત્રીજી દ્વારકા સુધી પહોંચી ગયા, પરંતુ હજી બીજી અને પહેલી દ્વારકા સુધી ઊંડે ઉતરવાનું છે, એટલે  જરા વિસામો કરી લઈએ.

0-0-0-0-0

*સંદર્ભ (ડૉ. હસમુખ સાંકળિયાના પુસ્તક ઉપરાંતના)
(ક)http://www.indianetzone.com/55/maitraka_dynasty.htm,
(ખ) http://www.gujarati.com/rulers_of_Gujarat.asp
(ગ)http://books.google.co.in/books?id=Wk4_ICH_g1EC&pg=PA343&lpg=PA343&dq=saindhava+dynasty&source=bl&ots=4_v85GzQ7t&sig=AA2mWAIPz_Ib0cyeTwOoZd260uk&hl=en&sa=X&ei=rBJvUKvaAonsrAfYiYGgDw&sqi=2&ved=0CDMQ6AEwAg#v=onepage&q=saindhava%20dynasty&f=false
(ઘ)http://books.google.co.in/books?id=gZRLGZNZEoEC&pg=PA38&lpg=PA38&dq=maitraka+temples&source=bl&ots=bhmXzIFEQE&sig=nQLfnxMUm8LEiiVm-daRxElZObs&hl=en&sa=X&ei=5hJv

 

13 thoughts on “In search of Krishna’s Dwarka (1)”

 1. ડૉ. સાંકળિયાસાહેબે કરેલા ખોદકામ અને પુરાતત્વ ની વિગતો વાંચી હતી પણ આપની વ્યવસ્થિત રજુઆત ફરીથી માણી આનંદ થયો…બીજા લેખોની રાહ…

 2. Dilipbhai,
  The above account so far matches with the following proven facts of recorded history : 1. The Buddhist Maurya dynasty ended with the killing of its last king Bruhadrath in the year 185 BC by his own army chief Pushyamitra. The kings of the new Shunga dynasty were staunch Hindus and they persecuted the Buddhists.
  2. Vallabhipur (modern Vala town in Saurashtra) mentioned by you was the place where the last Buddhist Sammelan was held around the time-line you mention. After that, Buddhism went steeply downhill in India. The Guptas were all Shaivites. The entire poetry of Kalidas confirms these facts.

  Your facts are very interesting. It is rather unfortunate that we Gujaratis have rather neglected such a great scholar like Shri Sankalia. Please carry on. Thanks. —Subodh Shah–

 3. ‘(ત)મારી બારી’ હવે મનનની સાથે ખનન કાર્ય પણ દેખાડવા લાગી છે !

  બ્લૉગજગતમાં કેટલાંક કાર્યો હેતુપુર:સર સાર્થક થતાં રહે છે. તમારો બ્લૉગ એમાંનો એક છે.

 4. શ્રીરામના સમય બાદ જ શ્રીકૃષ્ણનો સમય હશે ને?
  જો શ્રીરામનો સમય ઈ.સ. પૂર્વે ૭૦૦ કે ૮૦૦ વર્ષનો હોય તો શ્રીકૃષ્ણનો તો એની પછી જ હોય ને?

 5. પણ દિપખભાઈ કૃષ્ણની દ્વારકાતો સોનાની હતી, એટલે જ્યાં સુધી કૃષ્ણનો સોનાનો મહેલ પુર્ણ રીતે ના મલે ત્યાં સુધી હુ કૃષ્ણની દ્વારકા એક ગપ માનુ છુ… આપનો પ્રયાસ સરાહનીય છે સાહેબ…….

 6. ઉપર રાજેશ ભાઈએ લખેલ છે કે કૃષ્ણનો સોનાનો મહેલ મળવો જોઈએ એમાં થોડુંક પણ સત્ય હોય અને થોડીક સોના મહોરો મળસે તો પણ હું માનવા તૈયાર છું….

 7. દીપકભાઈ,
  બહુ રસપ્રદ આલેખન!
  શું લંકા કે શું દ્વારકા.. ! એ સોનાની હતી કે નહીં, એ વાત કેટલી મહત્વની છે? રામ યા કૃષ્ણને આપણે અવતારી પુરુષથી જરાય ઓછા ગણવા તૈયાર ન હોઈએ, તેમને માનવ ઉત્ક્રાંતિના સ્વાભાવિક તબક્કામાં આપણાથી અમુક સમય અગાઉ જન્મેલા માનવ ગણવા તૈયાર ન હોઈએ, આપણને તેમની ‘લીલા’માં જ રસ હોય – ત્યાં સાંકળિયાસાહેબનાં આ સંશોધનો મહત્વનાં બની રહે છે.
  સર્જકસહજ સ્વાભાવિક અતિશયોક્તિનો ‘લાભ’ તમામ કૃતિઓ કે પાત્રોને મળતો રહે છે. એટલે સવાલ એ સંશોધનો પુરવાર થયા પછી પણ આ ‘અવતારી પુરુષો’ના આપણા જેવા માનવ હોવાના સ્વીકારનો ઉભો જ રહે છે. અને લાગે છે કે એમાં બાંધછોડ કરવા મોટા ભાગના લોકો માંગતા નથી.

  1. આપણામાંના મોટા ભાગનાને જ્યારે પોતાના કુટુંબ અને ખાસ કરીને પિતા વિષે વાતો કરવાની આવે ત્યારે પિતાને હીરો તરીકે જ વર્ણવતા હોય છે. પિતા હંમેશાં હીરો જ હોય છે. એટલે સંશોધનો પુરવાર થાય તોય આ બધા અવતારો તો આપણા હીરો જ રહેશે !

   કેવળ સાહીત્યસ્વરુપની રીતે જોનારાઓને પણ રામ–કૃષ્ણ મહાનાયક તરીકે કેટલા બધા આકર્ષણ કરનારા રહ્યા છે. આવા મજાના નાયકો એની આભા સાથે જ રહે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: