In search of Krishna’s Dwarka (2)

કૃષ્ણની દ્વારકા (૨)

આજે આપણે ડૉ. સાંકળિયાની સાથે બીજી અને પહેલી દ્વારકાની સફરે જશું. ડૉ, સાંકળિયાની ટીમે આમલકવાળું મંદિર જે થર પર જોયું તે થર ખોદતાં રેતીનું પડ આવ્યું. એમને થયું કે દ્વારકાની શોધનો અહીં જ અંત આવે છે કે શું? પરંતુ પુરાતત્વીય ખોદકામનો નિયમ છે કે નીચેનું કુદરતી થર ન મળે, એટલે કે કાળી અથવા પીળી માટી, કે રેતી અથવા ખડક ન મળે ત્યાં સુધી ખોદકામ ચાલુ રાખવું જોઈએ. આથી એમણે પ્રયત્ન પડતા ન મૂક્યા. આમાં મુશ્કેલી એ હતી કે રેતીની દીવાલો ધસી પડે તો માણસો દટાઈ જાય. ખોદતાં ખોદતાં છ ફુટ ઊંડે ગયા ત્યાં એમને લાલ પથ્થરથી બાંધેલો, એક ઘરનો પાયો મળ્યો. આ મકાન કયા સમયમાં બંધાયું તે નક્કી કરવામાં એ જગ્યાએથી મળેલાં ઠીકરાં બહુ કામ લાગ્યાં.

આ ઠીકરાં બે પ્રકારનાં હતાં. એકની સપાટી ચકચકિત લાલ અને અતિશય સુંવાળી કે ચમકદાર હતી. બીજાં ઠીકરાં અતિશય જાડી, ગંધક જેવી પીળાશ પડતી માટીનાં હતાં. આ ઠીકરાં જોતાં જ ડૉ. સાંકળિયા અને એમના સાથીઓ સમજી ગયા કે એ એમ્ફોરા તરીકે ઓળખાતા માટીના કુંભનાં છે. આવા કુંભમાં રોમથી દ્રાક્ષનો દારૂ અથવા ઓલીવનું તેલ બીજા દેશોમાં મોકલાતું. આવાં ઠીકરાં કે કુંભો ખોદકામ દરમિયાન આખા દેશમાંથી મળ્યાં છે. ‘પુરાતત્વ અને રામાયણ’ શ્રેણીમાં પણ જણાવ્યું છે કે ગાઢ જંગલમાં આવેલા દેવની મોરીના પ્રાચીન બૌદ્ધ વિહારમાંથી પણ  આ કુંભના અવશેષ મળ્યા છે. આ દેખાડે ચે કે એ વખતે પણ દારૂની માંગ આખા દેશમાં બહુ હતી. વળી, એ પણ આપણને જાણવા મળે છે કે ભારત અને રોમ વચ્ચે બહુ વ્યાપક વ્યાપારી સંબંધો હતા. આનો સમય ઈસુથી પહેલાં પચાસ વર્ષથી માંડીને ઈસુ પછીનાં બસ્સો કે ત્રણસો વર્ષનો માની શકાય.

એમ્ફોરાનાં ઠીકરાં એમ સૂચવે છે કે દ્વારકામાં રોમથી માલ આવતો. ત્યાંથી દારૂ આવતો અને એ વખતે દ્વારકાનો અમુક ભાગ સમુદ્રમાં ડૂબી ગયો હોવો જોઈએ. કારણ કે ત્રીજી અને બીજી દ્વારકા નગરીઓ વચ્ચે રેતીનો થર મળ્યો તે આપણને કહે છે કે બીજી દ્વારકા સમુદ્રના કોપનો ભોગ બની હોવી જોઈએ.

આના પછી લગભગ ૨૮-૩૦ ફુટ સુધી ખોદવું પડ્યું, પણ પાણી કે ખડક ન દેખાયાં છેવટે ૩૮ ફુટ નીચે જતાં રેતીનો ખડક આવ્યો અને એ ખોદતાં પાણી બહાર આવ્યું. આમ તો બીજી દ્વારકાના ઘરની જગ્યાએ ખોદકામ કરતાં છ ફુટની ઊંડાઇએ જ રેતી આવી હતી, અને એમાં જે ઠીકરાં મળ્યાં તે એનાથી ઉપરના થરનાં ઠીકરામ્થી બહુ જ જુદાં પડતાં હતાં. એમાં અમુક પર લાલ માટીના વાસણ પર કાળા રંગનું ચીતરામણ પણ હતું.  આ વાં વાસણૉ રાજસ્થાનમાં રંગમહેલના વિસ્તારમાં અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વડનગર પાસે ખોદકામ કરતાં મળ્યાં છે. આના ઉપરથી કહી શકાય કે આ દ્વારકા ઈસુથી પહેલાંની એક સદીની આસપાસ કે તે પછી એકાદ-બે સદી દરમિયાન હયાત હશે.

અહીં એક સવાલ અવશ્ય થાય કે બીજી દ્વારકાના ઘરની નીચે ખોદકામ કરતાં છ જ ફુટની અંદર ઠીકરાં મળ્યાં. તેમ છતાં, ૩૮ ફુટ નીચે જવું પડ્યું. પરંતુ એનો સમય તો છ ફુટમાં મળેલાં ઠીકરાં પરથી આંકવામાં આવ્યો છે. સમુદ્ર કિનારાનાં શહેરોમાં ખોદકામ કરતી વખતે આવું બની શકે છે. પહેલી દ્વારકા સુધી પહોંચતાં રેતીના થરના થર મળ્યા એ દેખાડે છે કે પહેલી દ્વારકા પણ ડૂબી ગઈ હતી. સમુદ્ર ઊછળે ત્યારે એ ઘણી વસ્તુઓને ઉપરના થર સુધી પહોંચાડી દેતો હોય છે. તે પછી પાણી ઓસરે ત્યારે એ વસ્તુ ઉપર જ રહી જાય. દરિયામાં કઈં ફેંકો તો એ વસ્તુ મોજાં સાથે પાછી કિનારે ફંગોળાઈ જતી હોય છે. વળતું પાણી એને આપમેળે લઈ જતું નથી. એ જ રીતે પાણી વધારે હોય તો ઉપરના થરની વસ્તુ નીચેના થરમાં પહોંચી જાય એ પણ શક્ય છે. આથી પુરાતત્વવેત્તાઓ બહુ સંભાળથી પોતાનાં અનુમાનો રજુ કરતા હોય છે.

દ્વારકા ડૂબી

ડૉ. સાંકળિયાએ, આપણે પહેલા ભાગમાં જોયું તેમ, બહુ નાની જગ્યામાં ખોદકામ કર્યું હતું. આની મર્યાદાઓ હોવા છતાં તેઓ છ દ્વારકાના થર શોધીને એનો કાળ પણ નક્કી કરી શક્યા. એમનું અનુમાન છે કે પહેલી દ્વારકા ઈસુ પહેલાં એકસો વર્ષના ગાળામાં હતી અને એ આજથી ૧૬૯૯-૧૭૦૦ વર્ષ પહેલાં સમુદ્રમાં  ડૂબી ગઈ. તે પછી બીજી દ્વારકા વસી પણ એય સમુદ્રના પેટાળમાં ગઈ. આજે જ્યાં દ્વારકાધીશનું મંદિર છે ત્યાં એક નાનું દેવાલય હતું એવા અવશેષ પણ મળ્યા. ૧૮૮૪માં કાઠિયાવાડ વિશે બોમ્બે પ્રેસીડન્સીએ પ્રસિદ્ધ કરેલા ગૅઝેટીયરમાં એ લોકવાયકાની નોંધ લેવામાંઆવી છે કે ઈસુના ત્રીજા-ચોથા સૈકામાં દ્વારકા પર સમુદ્ર ત્રાટક્યો અને નગરીને ભરખી ગયો. કૃષ્ણના દેહાવસાન પછી દ્વારકા ડૂબી ગઈ એવી કથા બહુ પ્રચલિત છે. પુરાતત્વે ત્રીજા-ચોથા સૈકામાં દ્વારકા ડૂબી હોવાનો પુરાવો આપ્યો છે. આ રીતે મહાભારતમાં જે ઉલ્લેખ છે અને બોમ્બે ગૅઝેટીયરે જે નોંધ લીધી છે તે બન્નેને પુરાતત્વ દ્વારા સમર્થન મળે છે.

શ્રીકૃષ્ણની દ્વારકા

દ્વારકાના વિકાસ  અને વિનાશનું બે હજાર વર્ષનું વિવરણ તો મળ્યું. પરંતુ જે લોકો દ્વારકા અતિ પ્રાચીન છે એમને નિરાશા થાય  તેમ છે. ડૉ. સાંકળિયા આનો જવાબ આપતાં કહે છે કે “ અમારૂં ખોદકામ બહુ જ નાના પાયા પર હતું. સંભવ્છે કે હાલના મંદિર પાસે નહીં તો ગોમતીને તીરે જ આથી વધારે જૂનાં સ્થળ હોય…” પરંતુ તેઓ સામો પ્રશ્ન કરે છે કે આવી જગ્યાએથી વધારે પ્રાચીન અવશેષો મળે તો પણ એને શ્રીકૃષ્ણની દ્વારકાના અવશેષ કેમ ગણાવી શકાય? આમ, આપણી સામે પસંદગીનો સવાલ આવી ઊભો રહે છે. કાં તો કૃષ્ણની દ્વારકાનું જે વર્ણન છે તે ઇસુથી એકસો (બહુ તો બસ્સો) વર્ષ પહેલાંની દ્વારકા છે. જે આજની દ્વારકાની નીચે ઘણા થરોની નીચે દબાઈ ગઈ છે. કાં તો આપણે માનવું પડશે કે કૃષ્ણે કોઈ બીજા સ્થળે નગરી વસાવી હતી. આનો કોઈ લિખિત પુરાવો દ્વારકા અથવા બીજા સ્થળેથી મળે તો આની પાછળનું સત્ય નિર્વિવાદ પુરવાર થઈ શકે.

પુરાવો મળ્યો

સાંકળિયા સાહેબના જ શબ્દો અહીં ટાંકું છું: “અહીં તમને કહું તો આનંદ (અને કદાચ દુઃખ પણ થશે – આ શબ્દો પણ ડૉ. સાંકળિયાના જ છે.) કે આવો અમૂલ્ય પુરાવો સર લિઓનાર્ડ વુલીને ‘ઉર’ નામના સ્થળે ખોદકામ કરતાં મળ્યો હતો; આ સ્થળ હમણાંના ઇરાક (પ્રાચીન મેસોપોટેમિયા, પ્રાગૈતિહાસિક સુમેર) દેશમાં આવેલું છે. આપણાં પુરાણો જેવી જ આખ્યાયિકા પ્રમાણે સૌથી પહેલો રાજા આ-અનિપદ હજારો વર્ષ પર ત્યાં રાજ્ય કરતો હતો. ભાગ્યવશાત્‍ આ જ રાજાની માટીની નામાંકિત મુદ્રા  સૌથી નીચલા થરમાં મળી. એટલે આટલું તો સાબીત થયું કે અહીંનો પહેલો રાજા આ-અનિપદ હતો એ તદ્દન અક્ષરશઃ ખરૂં હતું; પણ બહુ મહત્વની વાત એ છે કે આ સમય ઈ.પૂ. ૩૦૦૦થી વધારે હોઈ શકે એમ હતું નહી!…અમને જેમ દ્વારકા સમુદ્રમાં ડૂબી જવાનો પુરાવો મળ્યો તેમ વુલીને આખ્યાયિકા પ્રમાણે એક પ્રલય કે મહાપૂર આવી જઈ, એમાં સૌથી પહેલી વસાહત ડૂબી જવાનો પણ પુરાવો મળ્યો; છતાં આખ્યાયિકાની કાળગણના અને પુરાતત્વની કાળગણનામાં આસમાન-જમીનનો ફેર હતો!” (નોંધઃ અમુક સ્રોતોમાં રાજાનું નામ ‘મેષ-આનિપદ’ પણ મળે છે).

ડૉ. સાંકળિયાએ બે શહેરોની તુલના કરી છે. ઉર શહેરનો ભયંકર તોફાન પછી પૂરમાં વિનાશ થયો હોવાના સાહિત્યિક ઉલ્લેખો છે. ‘ઉર માટે વસવસો’ નામના કાવ્યમાં વિનાશકારી પૂરનું વર્ણન મળે છે. પરંતુ દ્વારકાને ડુબાડનારી ત્સુનામી હતી? આ ઘટનાની ભીષણતા અર્જુને જાતે જોઈ. કૃષ્ણના કહેવાથી એ દ્વારકા જાય છે અને લોકોને ત્યાંથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે. અર્જુનની આંખ સામે સમુદ્ર કૃષ્ણના મહેલ પર ફરી વળે છે. પરંતુ એક વિદ્વાનના જણાવ્યા પ્રમાણે દ્વારકાને ડુબાડનારી ત્સુનામી નહોતી. સમુદ્રની સપાટી પર્યાવરણની ઉથલપાથલને કારણે બદલતી રહી છે.  આજથી પંદર હજાર વર્ષ પહેલાં આજના કરતાં એકસો મીટર નીચે હતો. તે પછીનાં પાંચ હજાર વર્ષમાં એ ત્રીસેક મીટર ઊંચો આવ્યો. પણ તે પછીનાં પંદરસો વર્ષ દરમિયાન, એટલે કે ઈસુ પૂર્વે ૩૫૦૦ વર્ષના અરસામાં એ ફરી ઊંચે આવ્યો અને આજના કરતાં પાંચેક મીટર ઉપર ગયો અને પાછી એની સપાટીએ નીચે ઉતરી. આ સમયે દ્વારકા ડૂબી હોય એ બનવાજોગ છે. પુરાતત્વશાસ્ત્રીઓ કહે છે કે ખુલ્લા સમુદ્રની સામે આવેલાં ઘણાં બંદરો વચ્ચે વ્યાપાર થતો અને એ બહુ સમૃદ્ધ હતાં. એ બધાં જ સમુદ્રની તળિયે પહોંચી ગયાં છે આજથી સાત હજાર વર્ષથી માંડીને અઢી હજાર વર્ષ પહેલાંના સમયનાં પહેલાંના સમયનાં શહેરો અને એમના અવશેષો જમીન કરતાં સમુદ્રમાં વધારે જોવા મળે છે.

આપણે ડૉ. સાંકળિયાનાં તારણો પર પાછા જઈએઃ “દ્વારકાની પ્રાચીનતા માટે કે શ્રીકૃષ્ન અહીં રહેતા હતા કે રાજ્ય કર્તા હતા તે કહેવા માટે અમારી પાસે – પુરાતત્વ પાસે હમણાં આટલો જ પુરાવો છે. વધારે પુરાવો ત્યારે જ મળે જ્યારે દ્વારકા અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલાં અન્ય સ્થળો પર શાસ્ત્રીય રીતે ખોદકામ થાય!”. (ડૉ. સાંકળિયાએ ૧૯૬૩માં આ ખોદકામ કરાવ્યું હતું, એ આપણે યાદ રાખીએ). તે પછી ૧૯૮૧-૮૨માં સમુદ્રી પુરાતત્વ વિજ્ઞાનનો વિકાસ થયો અને નવા અવશેષ મળ્યા. આના વિશે અલગ લેખમાં ચર્ચા કરશું. આજે તો ડૉ. હસમુખ સાંકળિયાના તારણ સાથે આ લેખ સમાપ્ત કરીએ. દ્વારકાનાં વર્ણનોનો ઉલ્લેખ કરીને ડૉ. સાંકળિયા કહે છે કે આવાં નગરો ભારતમાં કે વિશ્વમાં બીજે ક્યાં હતાં?  “સિંધમાં મોહેં-જો-દડો, પંજાબમાં હડપ્પા, રાજસ્થાનમાં કાલીબંગન, કચ્છમાં સુરકોટડા, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોથલનાં દૃષ્ટાંત આપી શકીએ. આ બધાં સ્થળોએથી ઉત્તમ નગરરચના…જોવામાં આવે છે.” ડૉ. સાંકળિયા આમ સ્પષ્ટ કરે છે કે આવી દ્વારકા હોય તો એ હડપ્પા સંસ્કૃતિના ઉત્તરવર્તી કાળ (lLate Harappan period)ની જ હોઈ શકે. તેઓ વધુમાં ઉમેરે છે કે “ જ્યારે આવાં નગરો અસ્તિત્વમાં હતાં ત્યારે ભારતને શું, -પણ જગતને લોઢાનું જ્ઞાન ન હતું, ન હતા ઘોડાથી ચાલતા રથો કે કેટલીયે જાતનાં હથિયારો…”

ડૉ. સાંકળિયા કહે છે કે “આમ જે કલ્પનાથી આપણે દ્વારકાને નીરખવાની આશા રાખતા હોઈએ તેની સહેજ લગામ ખેંચવી પડે છે. અને આમ લગામ ખેંચતાં તામ્રયુગમાંથી લોહયુગમાં આવીએ છીએ. પુરાતત્વનો એ પ્રભાવ છે અને એ અનિવાર્ય છે.”

હવે આપણે સમુદ્રી પુરાતત્વે શું આપ્યું તે જોઈશું, પરંતુ આજે નહીં.

(નીચે આપેલો સ્કૅચ ડૉ.સાંકળિયાએ કરેલા ખોદકામનો ચિતાર આપે છે. એમના પુસ્તક ‘પુરાતત્વ અને રામાયણ’માંથી એ સાભાર લીધો છે).

 

 

4 thoughts on “In search of Krishna’s Dwarka (2)”

  1. પાસાણ યુગ, તામ્ર યુગ, લોહ યુગ, વગેરે આખી પૃથ્વી ઉપર લગભગ સરખી રીતે શરુ થયેલ છે.

    રોમથી જે કુંભોમાં દારુ આયાત થતો એ કુંભના ઠીકરા ઠેક ઠેકાણેથી મળેલ છે.

    મોંહે જો દડો, હડપ્પા, કાલી બંગન, સુર કોટડા કે ધોળાવીરામાં કયાંયે મંદીર કે રામ કૃષ્ણ વીશે કાંઈજ મળેલ નથી.

    હારવર્ડ વિદ્યાપીઠના પુરાતત્વ નીષ્ણાતો તો ખુલ્લે ખુલ્લું કહે છે કે રામાયણ અને મહાભારત એ વાર્તાઓ કે કથાઓ છે જેને લોકો સાચી સમજી રહ્યા છે.

  2. એક જ ઘર નિચેથી બધા જ સમયકાળ ના અવષેશો મળી જાય એવો સુખદ અનુભવ થઈ શકે નહી. શહેર જ ડૂબી ને સપાટ થઈ જાય તો જરૂરી નથી બની જતું કે લોકો એ જ જગ્યાએ નવા ઘર બનાવી દે, દરેક વખતે. દા.ત. જુનુ અને નવુ વલ્લ્ભીપૂર ઘણા દૂર છે.
    હાલ માં જે ડુબકીમાર લોકો દરિયામાં ડુબેલી દ્વારકાનો અભ્યાસ કરે છે તેઓ જ કંઇક નવુ બતાવશે. સાંકળિઆની વખતે અનુમાન શિવાય કશુ જ નહોતુ. અત્યારે ઘણા સાઘનો છે અભ્યાસ કરવા માટે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: