Archeology and Ramayana (6)

પુરાતત્વ અને રામાયણ ()

 

રામસીતાનો ખોરાક શો હશે?

આ બાબતમાં જે કઈં પુસ્તકો લખાયાં છે તેમાં આવી ખાદ્ય વસ્તુઓની માહિતી તો આપવામાં આવી છે, પણ રામાયણનો અથવા તો એના અંશોનો કાલનિર્ણય કરવામાં એનો ઉપયોગ નથી થયો. રામાયણમાં અન્ન, પાન (પાણી સિવાયની બીજી વસ્તુઓ), લેહ્ય અને ચોષ્ય (એટલે કે ચાવીને, ચૂસીને કે ચાટીને ખાવાના) પદાર્થો એ વખતે હતા.

ખાવાની વસ્તુઓમાં ચોખા (શાલિ અને તાંદુલ), તલ (તિલ), ચણા (ચણક), કુલથ(કળથી) અને માંસનો ઉલ્લેખ છે. આમાં ઘઉંનો સમાવેશ નથી થયો એ ખાસ નોંધવા જેવું છે. એનો અર્થ એ કે રામાયણની રચના થઈ ત્યારે ઘઉં ન થતા. ચોખા ત્રણ ચાર રીતે ખવાતાઃ ભાત તરીકે, પાયસ (દૂધમાં ગોળ સાથે ઉકાળીને) અને ધાણી બનાવીને ખવાતા. વળી ચોખાના લોટના અપૂપ કે પૂપ પણ બનતા જે દૂધ, દહીં કે છાસ સાથે ખવાતા.

આમ ધાન્યમાં મુખ્યત્વે તો ચોખા જ છે અને અમુક અંશે ચણા અને કળથી પણ ખવાતાં. ચોખા અને કળથી ૪૦૦૦ વર્ષ જૂનાં છે. ડૉ.સાંકળિયા કહે છે કે “ કળથી અમને માઇસોરના બલ્લારી જિલ્લામાં આવેલા તેક્કલકોટા સ્થળે ઉત્ખનનમાં મળી છે. ત્યાર પછી પૂના પાસે ઇનામગામ અને કચ્છમાં સૂરકોટડાના ખોદકામમાં પ્રાપ્ત થયાં છે. હજુ પણ દક્ષિણમાં અને ભારતમાં અન્ય સ્થળે – જ્યાં વરસાદ બહુ ઓછો હોય છે અને જમીન ફળદ્રુપ હોતી નથી ત્યાં ગરીબ લોકોનો આ મુખ્ય ખોરાક ગણાય છે”…” ચોખા પૂર્વમાં બિહાર પ્રાંતમાં ચિરાન્દના ખોદકામમાં, અને પશ્ચિમ બંગાળમાં રાજારધિપી અને મહિષદલમાં મળ્યા છે. આ ત્રણેય સ્થળોમાં ચિરાન્દના અવશેષ જૂનામાં જૂના ૪૦૦૦થી વધારે જૂના મનાય છે”.

પુરાતત્વની રીતે જોતાં રામાયણમાં માત્ર ચોખાનો ઉલ્લેખ છે તે દર્શાવે છે કે એના રચનાકારને માત્ર પૂર્વના રિવાજની ખબર હતી, ભારતના બીજા ભાગો વિશે એમને ખાસ કઈં ખબર નહોતી. પાયસ દૂધમાં ગોળ નાખીને બનાવાય. આજે પણ દક્ષિણ ભારતમાં પાયસ બનાવે છે, પણ ગુજરાત-મહારાષ્ટ્રમાં પાયસ નથી બનાવતા. સાંકળિયા સાહેબ કહે છે કે બિલ્વ, કોઠું, ફણસ, આમળાં, બોર અને કેરી જેવાં ફળો ખાવામાં લેવાતાં અને માંસ પણ ખરૂં. માત્ર ક્ષત્રીયો જ નહીં, બ્રાહ્મણો પણ માંસ ખાતા. ઘેટાં, બકરાં, ડુક્કર અને હરણ ઉપરાંત ગાયનું માંસ પણ ખવાતું. પક્ષીઓમાં સેધા, શાહમૃગ અને મોર ખવાતા. ઉચ્ચ જાતિઓ શિયાળ, મગર, વાનર, કિન્નર અને મનુષ્યનાં માંસ વર્જ્ય ગણતી.  એમના શબ્દોમાં – “રામાયણમાં કેટલીયે વાર ગાય સહિત માંસાહારનો ઉલ્લેખ આવે ત્યારે બે અનુમાન કરી શકાયઃ એક તો, આવો માંસાહાર પ્રજાના લગભગ બધા જ થરોમાં પ્રચલિત હતો, બીજું આ મહત્વનું અનુમાન – રામાયણનું આ અંગ કે વાર્તાનો આ ભાગ ઈશુના પહેલાંના સમયનો છે.” 

સુરાપાન

રામે સીતાથી છૂટા પડ્યા પછી મધનો ત્યાગ કર્યો હતો, કારણ કે મધ ઉત્તેજક છે એમ મનાતું. મધમાંથી દારૂ પણ બનતો. ફળોનો રસ, શેરડીનો રસ અને મધનો પીણા તરીકે ઉપયોગ થતો. મહુડાનો પણ દારૂ બનતો. વાનરો સુગ્રીવના મધુવનમાં પ્રવેશીને છાકટા થઈ ગયા એમ રામાયણ કહે છે. એ કદાચ સાધારણ મધુ નહીં પણ મહુડાનો દારૂ જ હોવો જોઈએ. પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતમાં મહુડાનાં વૃક્ષો આખા વનને શોભા આપતાં હોય છે. રામાયણમાં મધુવનનું જે વર્ણન છે તે આબેહૂબ આ જ પ્રદેશનું છે.

રામાયણમાં બીજાં બે પાનનો ઉલ્લેખ આવે છે – વારુણી અને મૈરેય. ડૉ. સાંકળિયા કહે છે, “આમાં વારુણીનો ઉલ્લેખ વારંવાર આવતો નથી. અને મારી માન્યતા પ્રમાણે ‘વારુણી’ નામ જે દ્રાક્ષનો દારૂ રોમ ઇત્યાદિ પાશ્ચાત્ય દેશોમાંથી ખાસ મધુકુંભોમાં આવતો તે દારૂને આપવામાં આવ્યું હતું…રામાયણના આ ભાગો કે અંગો ઈશુના પછીના પહેલાથી ત્રીજા-ચોથા શતકના ભારતના સમાજનું ચિત્ર આપણી આંખ આગળ ઊભું કરે છે.” સુરાપાન વૈદિક સમયથી જ પ્રચલિત હતું પરંતુ રોમ સાથે વેપાર વધતાં રાજામહારાજાઓ રોમથી દારૂ પણ મંગાવતા. દારૂ પીધા પછી મત્ત થયેલી સ્ત્રીઓ જેમ તેમ પડી હોય એવાં દૃશ્યો નાગાર્જુનકોડાના બૌદ્ધ સ્તૂપની ભીંતો પર કોતરેલાં જોવા મળે છે. રામાયણમાં ભારદ્વાજ મુનિ ભરતની સેનાનો જે રીતે સત્કાર કરે છે, અને હનુમાન રાવણના મહેલમાં નશામાં ચૂર સ્ત્રીઓને જુએ છે એ વર્ણનો આ શિલ્પોની યાદ અપાવે છે.

રોમના મદ્યકુંભો (Amphora) ભારતમાં ઠેકઠેકાણેથી મળ્યા છે. ઉત્તરમાં તક્ષશિલાથી માંડીને દક્ષિણમાં પોંડીચેરી પાસે, પશ્ચિમમાં દ્વારકા, સોમનાથ અને કોલ્હાપુરથી માંડીને પૂર્વમાં શિશુપાલગઢ સુધી આ કુંભો મળ્યા છે. ઉત્તર ગુજરાતના ગાઢ જંગલમાં દેવની મોરીમાં આવેલા બૌદ્ધ વિહારમાં પણ રોમના દારૂનાં પાત્રો મળ્યાં છે. કોઈ સ્થળે કુંભમાં સુકાયેલો દારૂ પણ જોવા મળ્યો છે. એનું પરીક્ષણ કરતાં જણાયું છે કે એ દ્રાક્ષ અને મધમાંથી બનાવ્યો હતો. ભારતના રાજદરબારોમાં રોમની મદિરા અને મદિરાક્ષીઓનું બહુ સન્માન હતું. આપણા દેશના કોઈ પ્રદેશમાં લોકોના અમુક વર્ગમાં આ મદિરાક્ષીઓનું લોહી હશે જ!

રામાયણની એક પરંપરા પ્રમાણે કાલિન્દીને પાર કરતાં સીતા ગભરાયાં અને માનતા માની કે હું વનવાસથી સુખરૂપ પાછી ફરીશ તો એક હજાર દારૂના કુંભ કાલિન્દીને ચડાવીશ. રામ અને સીતાનાં નામ સાથે માંસાહાર અને સુરાપાન જોડાયેલાં હોય તેને આપણે એમનું અપમાન માનીએ છીએ પરંતુ એ વખતની સામાજિક સ્થિતિમાં માંસાહાર સામાન્ય વાત હતી. સુરાપાન પણ એટલું જ સામાન્ય હતું. આમ છતાં, મુખ્યત્વે તો આ ઉલ્લેખો રામકથામાં ઉમેરો થયો તે સમયનું પ્રતિબિંબ પાડે છે.

રામાયણમાં વસ્ત્રો અને આભૂષણો

રામાયણમાં આના બહુ ઉલ્લેખ નથી પરંતુ કેટલાક વિદ્વાનોએ આવા ઉલ્લેખો એકત્ર કરીને એનાં નામો તારવ્યાં છે અને એમનું વર્ગીકરણ પણ કર્યું છે. આમાં મુખ્ય બાબત એ જોવાની રહે છે કે જુદા જુદા કાંડોમાં એમાં શો ફેરફાર થયો છે. વળી વસ્ત્રોની જાત અને એ કયા પ્રદેશની પેદાશ છે તે તારવી શકાય કે કેમ તે પણ જોવાનું રહે છે.

વસ્ત્રો

રામાયણ અને પ્રાચીન સાહિત્યમાં સ્ત્રીઓ અને પુરુષો બે જ વસ્ત્રો પહેરતા, એવાં વર્ણનો મળે છે. પુરુષો ટૂંકું ધોતિયું કે પંચિયું પહેરતા, જ્યારે સ્ત્રીઓ ટૂંકી સાડી, કાછડી મારીને પહેરતી. સ્ત્રી-પુરુષ બન્ને,  ઉત્તરીય, એટલે કે ઉપર પીઠ અને છાતીને શાલની જેમ ઢાંકતું વસ્ત્ર, પહેરતાં. કંચુકી, ચોળી કે સ્તનાંશુક ઇસુ પછીના સમયમાં પ્રચલિત થયાં હોય એમ લાગે છે. ધોતિયા કે સાડીની નીચે કઈં પહેરવાનો રિવાજ હતો કે નહીં તે જાણી શકાતું નથી. આમ છતાં એક પ્રસંગ ધ્યાન ખેંચે છે – હનુમાન અશોકવાટિકામાં સીતાને મળે છે અને વિદાય લેતી વખતે કહે છે કે મને કઈંક એવું આપો જેથી રામને ખાતરી થાય કે હું તમને જ મળ્યો છું. જવાબમાં સીતા કહે છે કે એક વાર ચિત્રકૂટમાં એક કાગડો મારૂં માંસ ખાવા માટે મને ચાંચ મારતો હતો. એને ઉડાડવા ગઈ ત્યારે મારૂં વસ્ત્ર સરી પડ્યું. આ જોઈને રામ હસી પડ્યા. (સુંદરકાંડ –સર્ગ ૩૬, શ્લોક ૧૮. ગીતા પ્રેસ ગોરખપુરની ૨૫મી હિન્દી આવૃત્તિમાં આ પ્રસંગ ૩૮મા સર્ગના શ્લોક ૧૧થી ૩૫માં છે. દેખીતી રીતે જ, કવિને રામસીતાની પ્રણય ચેષ્ટાઓનું વર્ણન કરવામાં મઝા આવી ગઈ છે! અહીં ઘણા ઉમેરા થયા લાગે છે. પરંતુ આ એક જ શ્લોકમાં રામનું સ્વાભાવિક માનવીય વ્યક્તિત્વ પણ બહાર આવે છે, એ પણ ખાસ નોંધવું જોઈએ).

આ બન્ને વસ્ત્રો ક્ષૌમનાં બનતાં. ક્ષૌમ એટલે છોડમાંથી બનતું એક જાતનું લીનન. એ રેશમ નથી. રાજા જનકે સીતાજીને કન્યાદાનમાં ક્ષૌમનાં વસ્ત્રો આપ્યાં હતાં. (બાલકાંડ સર્ગ ૭૩, શ્લોક ૪ – ગીતા પ્રેસ હિન્દી ૨૫મી આવૃત્તિ ૧-૭૪-૪). રામ, રાવણ, ભરત, હનુમાનનાં માતા અંજની વગેરે સૌ કોઈ ક્ષૌમનાં વસ્ત્રો પહેરતાં. આમ છતાં બધા કાંડોમાં સીતા કૌશેય – એટલે કે રેશમી વસ્ત્રો – પહેરતાં એવું દર્શાવેલું છે. પછીના કાંડોમાં કૌશેયનો રંગ પીળો હોવાનું પણ દર્શાવ્યું છે. આમ કરીને રામાયણમાં ઉમેરા કરનારા કવિઓએ કેટલીક પરસ્પર વિરોધી વાતો કરી નાખી છે, પરંતુ એ જ કારણસર આવાં વર્ણનો કાળનિર્ણય અને સ્થળનિર્ણયમાં કામ આવે છે.

ક્ષૌમ

સીતા જ્યારે વનવાસ માટે તૈયાર થાય છે ત્યારે કૈકેયી હઠ પકડે છે કે વનમાં તો ચીર જ પહેરાય. સીતા દુઃખી થઈ જાય છે. પરંતુ રામ એમને ચીર પહેરાવે છે – કૌશેય વસ્ત્રોની ઉપર જ! સહેજે સમજી શકાય કે વનવાસના પ્રસંગને વધારે હૃદયદ્રાવક બનાવવા માટે આ પ્રસંગ ઉમેરાયો છે. સુધારાવધારાનો આ પહેલો તબક્કો છે.

કૌશેય પીળા રંગનું છે. રાવણ સીતાને ઉપાડી જતો હોય છે ત્યારે એમનું પીળું કૌશેય સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠે છે અને આખા પર્વતમાં આગ લાગી હોય એવું લાગે છે.

રેશમ

આમ મૂળ રામાયણમાં કૌશેય નથી, પણ ક્ષૌમ છે. તો કૌશેયનો પ્રવેશ રામાયણમાં ક્યારે થયો? કૌશેય એટલે કોશેટો. કોશેટામાંથી બનેલું રેશમ કુદરતી રેશમ કરતાં જુદું પડે છે. કોશેટાનું રેશમ ચીનથી આવ્યું. ચીની રેશમ ઈસુના બીજા શતકમાં જ બહુ પ્રચલિત થઈ ગયું હતું અને રોમ સુધી પહોંચી ગયું હતું. એનો વ્યાપાર દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે પણ થતો. જમીન માર્ગે રેશમ જતું તેને ‘સિલ્ક રૂટ’ કે ‘રેશમ માર્ગ’ કહે છે. આમ છતાં એ પણ શક્ય છે કે આ રેશમ ચીનનું ન હોય અને આસામ કે કાશીનું કુદરતી રેશમ જ હોય અને માત્ર નામ તરીકે ‘કૌશેય’ શબ્દ વપરાયો હોય. ભૌગોલિક કારણોસર આસામની અને ઈશાન ભારતની સંસ્કૃતિ પર ચીનનો સારોએવો પ્રભાવ છે એટલે ત્યાં પણ ચીનથી જ રેશમ પહોંચ્યું હોય એ પણ બની શકે છે. આમ, રામાયણમાં વર્ણિત રેશમ ચીનનું હતું કે આસામનું, એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો નક્કી છે કે આ ઉલ્લેખ ઈસુની બીજી શતાબ્દી પછી રામાયણમાં પ્રવેશ્યો છે.

શણ

આ ઉપરાંત શણનો પણ ઉલ્લેખ રામાયણમાં છે.  હનુમાનને લંકામાં રાવણનો પુત્ર ઇન્દ્રજિત મંત્રપૂત દોરાથી બાંધે છે. પણ બીજા રાક્ષસોને એ સાદો દોરો લાગ્યો એટલે એમણે એ છોડી નાખ્યો અને શણના દોરડાથી એમને બાંધ્યા.  આમાં માત્ર હનુમાનને જ નહીં, આપણને પણ ફાયદો થયો. હનુમાને તો લંકા બાળી, પણ આપણે એ જાણી શકીએ છીએ કે લંકા ક્યાં હતી. શણ શ્રીલંકામાં થતું નથી. શણ બંગાળમાં (આજના બાંગ્લાદેશમાં) અને મધ્ય પ્રદેશના છોટા નાગપુર વિસ્તારમાં થાય છે. જે સ્થાને શણ થતું હોય ત્યાં જ એનો વપરાશ વધારે હોય. આમ શણનો ઉલ્લેખ દેખાડે છે કે લંકા મધ્ય પ્રદેશમાં જ હતી.

આભૂષણો અને રામની વીંટી

આભૂષણોમાં કુડળ, હાર, અંગદ અને કેયૂર (હાથ અને બાવડા માટે), કંદોરો, શ્રેણીસુજ (કમરપટ્ટો), મુકુટ અને કપાળનો ચૂડામણિ મુખ્ય છે. આ ઉપરાંત અંગુલીયક કે વીંટીનો પણ ઉલ્લેખ છે. એકલા રામ જ વીંટી પહેરે છે અને એ પણ સાદી નહોતી, એના પર એમનું નામ કોતરેલું હતું. હનુમાન પોતે ખરેખર રામના દૂત છે તે સાબીત કરવા માટે આ જ વીંટી સીતાને આપે છે.

ડૉ. સાંકળિયા કહે છે કે “ભારતમાં જુદે જુદે સ્થળે થયેલાં ખોદકામો, અને એ પહેલાંનાં મોહન-જો-દડો, હડપ્પા અને બીજાં ઐતિહાસિક કાળનાં ખોદકામોમાંથી મળેલી વસ્તુઓ તપાસતાં મને એટલું જોવા મળ્યું કે નામાંકિત વીંટી ભારતમાં પહેલી જ વાર ઈ.સ.ની શરૂઆતમાં જ મળે છે. એની પહેલાં તાંબાની – કોઈક વાર સોનાની સાદી ગોળ –  અને એ પણ બહુ જાડી અને પહોળી નહીં – વીંટી ઉપલબ્ધ થઈ છે”.

બીજું, આ નામાંકિત વીંટી પર નામ અંકિત કરેલું હોય તો એ બ્રાહ્મીમાં જ હોઈ શકે અને એ રીતે પણ એ બહુ જૂની ન હોય. જૂનામાં જૂના બ્રાહ્મી લેખો આજથી ૨૨૫૦ વર્ષ કરતાં વધારે જૂના નથી. આમ લિપિના ઇતિહાસની દૃષ્ટિએ પણ રામની વીંટીનો કાળ ૨૨૦૦-૨૩૦૦ વર્ષ કરતાં વધારે જૂનો ન હોવો જોઈએ. ખરેખર તો આ જ કાળમાં ઇન્ડો-ગ્રીક એટલે કે યુનાની રાજાઓએ નામ અને આકૃતિવાળા સિક્કા ભારતમાં દાખલ કર્યા.

આ વીંટીને ‘દિવ્ય’ વિશેષણ લગાડવામાં આવ્યું છે તે પણ નોંધવાલાયક છે. અભ્યાસ કરતાં જોવા મળ્યું છે કે  જૂજ પરદેશી વસ્તુઓ માટે જ ‘દિવ્ય’ વિશેષણ વપરાયું છે.  ડૉ. સાંકળિયા શ્રી ગુરુગેનો મત ટાંકીને કહે છે કે જો નામાંકિત વીંટીનો ઉલ્લેખ રામાયણની વાયવ્ય પ્રતમાં જ હોય તો સ્વાભાવિક છે, કારણ કે આ જ પ્રદેશ ગ્રીકોની રાજકીય અને સાંસ્કૃતિક અસર નીચે આવ્યો હતો. હનુમાન સીતાને રામ ‘નામાંકિત’ વીંટી આપે છે એમાંથી કથાના આ ભાગની રચના ગ્રીક પ્રભાવ ફેલાયો તે પછી જ થઈ હોવી જોઈએ.

લંકા ઓડિશામાં?

ડૉ. હસમુખ સાંકળિયાના પુસ્તક પરની વિચારણા આ સાથે સમાપ્ત થાય છે. પરંતુ ડૉ. સાંકળિયાની નિષ્ઠાભરી ખોજ આ પુસ્તક ૧૯૭૩માં પ્રકાશિત થયું તે પછી પણ ચાલુ રહી. ૧૯૮૦-૮૧ના અરસામાં એમનો એક લેખ એ વખતે પ્રકાશિત થતાં હિન્દી સામયિકો ધર્મયુગ અથવા સાપ્તાહિક હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ થયો. મને સામયિકનું નામ બરાબર યાદ નથી. આ લેખ માત્ર મારી સ્મૃતિમાં છે. પરંતુ મારે સ્મૃતિ મને દગો ન આપતી હોય તો હું કહી શકું છું કે એમણે પોતાનું શોધકાર્ય આગળ વધાર્યું અને લંકા ઓડિશા (ઓરિસ્સા)માં હોવાનો વિકલ્પ પણ રજુ કર્યો, કોઈ સંશોધક વ્રુત્તિના વાચક આ બે હિન્દી સામયિકો અથવા બીજા કોઈ સૂત્રમાંથી ડૉ. સાંકળિયાનો આ લેખ શોધી આપશે તો એ મોટું કાર્ય ગણાશે. સાચું કહું તો, એ લેખ ડૉ. સાંકળિયાનો જ હતો એ પણ મારી સ્મૃતિના આધારે જ કહું છું. પરંતુ લેખક કોઈ પણ હોય, ખોજ માટે એ બહુ રસપ્રદ છે. ડૉ. સાંકળિયા સાચા અર્થમાં વૈજ્ઞાનિક માનસ ધરાવતા હતા એની એ સાબીતી બની રહેશે.

ઉપસંહાર

આ કથા રામની નહીં, રામાયણની રચનાની છે. ડો. સાંકળિયાએ પુરાતત્વ દ્વારા મળેલી માહિતીઓ સાથે રામાયણના અનેક પ્રસંગોના નિરૂપણને સરખાવીને નિર્વિવાદ પુરવાર કર્યું છે કે રામકથામાં મનમાન્યા ફેરફારો થયા છે. ફેરફાર કરનારા કવિઓને પોતાના વિસ્તારથી આગળ વિશેષ જાણકારી હોય એવું નથી લાગતું. કેટલીયે ભૂલો સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલાંયે પરસ્પર વિરોધી વિધાનો પણ એક સાથે જ જોવા મળે છે. આમ રામકથાનો વિસ્તાર થતો રહ્યો છે. આવા ફેરફારો છેક ઇસુના સાતમા સૈકા સુધી થતા રહ્યા છે. રામે રાવણને હરાવ્યો એ કથા આદ્ય રામાયણની રચના પહેલાં પણ એક વીરગાથા તરીકે પ્રચલિત હશે અને એમાં સમય જતાં દૈવી અંશ પણ ઉમેરાયા હશે, જે આગળ જતાં ઈશ્વરના અવતારમાં પરિણમ્યા.

મેં પહેલા જ લેખમાં કહ્યું છે તેમ આજે રામ આપણી ભાષામાં પણ રૂઢીપ્રયોગ બનીને વસી ગયા છે. રામનો આ પ્રભાવ એમના વ્યક્તિત્વને કારણે છે કે એમના પ્રત્યે પાછળથી વિકસેલી ભક્તિને કારણે, એ પણ વિચારવાનો મુદ્દો છે. પરંતુ રામ પ્રત્યે ભક્તિ હોવી અને એમના વિશેની કથાનાં મૂળ તત્વો તારવવાં એ એકબીજાથી વિરુદ્ધ ચાલતી બાબતો નથી. રામના વ્યક્તિત્વથી પ્રભાવિત હોય એમની તો એ ખાસ ફરજ છે કે એમના વિશેનું સત્ય શોધવું. રામ મહેલમાં ન રહેતા હોય, એ જમાનામાં વિમાનો ઊડતાં ન હોય, સીતાએ રેશમનાં વસ્ત્રો કદી ન પહેર્યાં હોય, રાવણને દસ માથાં ન હોય, હનુમાન ઊડીને નહીં, તરીને જ સમુદ્ર પાર કરી ગયા હોય – કઈં પણ હોય, રામના વ્યક્તિત્વના નૈતિક પાસાને શબ્દોની માયાજાળમાંથી મુક્ત કર્યા વિના ન ચાલે. આથી એ સમજવાનું જરૂરી છે કે રામ માંસાહાર કરતા, એ જમાનામાં ગોમાંસ પણ ખવાતું એ બધું નૈતિક દૃષ્ટિએ ગૌણ છે. સમાજ બદલાતો રહે છે એટલે માંસાહાર કરનારા શાકાહારી બની જતા હોય કે એનાથી ઉલ્ટું પણ બનતું હોય છે. આવાં પરિવર્તનોની નજરે રામના વ્યક્તિત્વનું મૂલ્યાંકન ન થવું જોઈએ. એટલે એક વિશુદ્ધ આદિ રામાયણની ખોજ ચાલુ રાખવાનું બહુ જરૂરી લાગે છે. ડૉ. સાંકળિયાએ એ દેખાડ્યું છે કે આવાં તત્વો આજે ઉપલબ્ધ રામાયણમાંથી પણ ડોકિયાં કરતાં રહે છે.

એક પુસ્તકનો સાર આપતાં મૂળ લેખકને કે કૃતિને ન્યાય કરતાં અન્યાય થવાની શક્યતા વધારે રહે છે. આવી અનિશ્ચયની સ્થિતિમાં આ શ્રેણી સમાપ્ત કરતાં હું પોતે એક જાતનું ખાલીપણું અનુભવું છું. પરંતુ, હજી કામ બાકી છે. આ જ પુસ્તકમાં ડૉ. સાંકળિયાએ કૃષ્ણની દ્વારકા વિશે પણ પ્રસ્તાવનામાં વિગતે લખ્યું છે. આથી હવે હું આ જ પુસ્તકના આધારે નવી લેખમાળા શરૂ કરીશ –કૃષ્ણની દ્વારકા.

 

 

 

 

 

 

14 thoughts on “Archeology and Ramayana (6)”

 1. “શ્રેણી સમાપ્ત કરતાં હું પોતે એક જાતનું ખાલીપણું અનુભવું છું.”

  તમારો ખાલીપો મારા વાચક–મનને ભરી દેનારો છે.

  મેં ક્યાંક વાંચ્યું હતું જેમાં વનવાસ દરમિયાન સીતાજી રામને માટે હોંશથી માંસસુપ તૈયાર કરે છે. સુવર્ણમૃગના શીકારની હઠ ફક્ત ચામડા માટે જ ન હોઈ શકે.

  આખી લેખમાળા આપણને એક સત્ય તરફ દોરી જાય છે જેમાં સામાજીક નાયકોને ઈશ્વરસ્વરુપ આપી દેનારાં તત્ત્વોમાં માનવમાં રહેલી ભક્તી અને કવિઓની કલ્પના મુજબ તેને વ્યક્ત કરી દેવાની મળી જતી છુટ !!

  હવે કૃષ્ણનગરીના પ્રવાસની તૈયારી કરીશું ! ખુબ ખુબ ધન્યવાદ અને આભાર.

  1. શ્રી જુગલભાઈ,
   રામ અને સીતા માંસ ખાતાં એ નક્કી છે અને એના આધારે આપણે શાકાહારીઓ એમનું મૂલ્યાંકન કરીએ છીએ. મારી પાસે રામાયણની જે આવૃત્તિ છે તેમાં શ્લોકમાં ‘માંસ’ શબ્દ હોય તો પણ એના અનુવાદમાં એનો અર્થ નથી! ભણેલા લોકો બીજાને ગેરરસ્તે દોરે તે આનું નામ. આ વિદ્વાનો ઠસાવી દેવા માગે છે કે રામ માંસાહાર ન કરતા.કારણ કે આપણે નથી કરતા. મૂળ શ્લોક તો કોઈ વાંચે નહી. એટલે આ લોકો ધારે તે કરી શકે.

  1. શ્ર્રી અતુલભાઈ,
   આજે તમાર બ્લૉગ પર તમે સામી વિવેકાનંદનું રામાયણ પરનું વિવેચન મૂક્યું છે તેની લિંક અહીં આપો ને! મેં તમારાઅ બ્લૉગ પર લખ્યું છે કે સ્વામીજી જેવા મારી લેખમાળાના સમર્થનમાં પ્ર્રતિભાવ આપતા હોય એમ મને લાગ્યું.

 2. આવા અભ્યાસુ લેખોને સામાન્ય માણસો સુધી પહોંચાડવાનો તમારો પ્રયાસ ખરેખર સરાહનીય હે.

 3. ” જ્યાં વરસાદ બહુ ઓછો હોય છે અને જમીન ફળદ્રુપ હોતી નથી ત્યાં ગરીબ લોકોનો આ મુખ્ય ખોરાક ગણાય છે ”

  પણ મારા ખ્યાલે તો ચોખા તો ખુબ પાણી માંગે છે ; માટે તે પાણીની વિપુલતા હોય ત્યાં જ થવા ઘટે !

 4. દીપકભાઈ
  જુના વખતમાં માંસાહારનો વિરોધ બહુ નોતો .મનુસ્મૃતિમાં કેવા પ્રકારના પ્રાણીઓનું માંસ ખાઈ શકાય .કેવાનું ન ખાઈ શકાય .એની વિગત લખી છે .એની આપને વધારે ખબર હશે .ચાર્વાક દર્શન લખનાર બૃહસ્પતિએ માંસાહારનો વિરોધ કરેલો .મેં એક લગભગ સિત્તેર વરસ પહેલા માંસાહાર બાબત એક ઉર્દુ બુક વાંચેલી ,તેમાં લખ્યું હતું કે બૃહસ્પતિ ના કહેવા પ્રમાણે गोश्त इन्सनोका खुराक नहीं है .अगर इन्सानकी ज़हन ये साबित करे की बगैर गोश्त खाए इन्सान अपनी ताकत और दानाई खो बैठेगा तो गोश्त खाना मुनासब है .આપ જાણતા હશોકે બૃહસ્પતિ એવું કહ્તોકે કોઈ શાસ્ત્ર ભરોસા પાત્ર નથી .ફક્ત માણસની બુદ્ધિજ વિશ્વાસ પાત્ર છે.
  તમારું આખું લખાણ વાંચ્યું સાંકળિયા સાહેબનો અનુભવ વાંચ્યો .ઘણું જાણવા મળ્યું તમારા આભાર દીપકભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: