Tilak on Aryan Home

આર્યોનું મૂળ વતન: લોકમાન્ય તિલક

 આર્યોનું મૂળ સ્થાન કયું? આ વિષય ઘણો રસપ્રદ છે અને એના વિશે અઢારમી સદીના ઉત્તરાર્ધથી ચર્ચા ચાલે છે. આર્યોનું મૂળ વતન કયું? એ જો ભારતમાં બહારથી આવ્યા હોય તો એમનો સમય કયો? લોકમાન્ય તિલકે આ બાબતમાં સૌથી અલગ પડીને અધ્યયન કર્યું. એમણે આ વિષય પર સૌ પહેલાં ‘Orion’ (ઓરાયન) નિબંધ લખ્યો, જે ૧૮૯૩માં પુસ્તક રૂપે પ્રકાશિત થયો. ઓરાયન એટલે મૃગશીર્ષ નક્ષત્ર એમ તિલકે સાબીત કર્યું છે. તે પછી એમણે ૧૯૦૩માં Arctic Home in the Vedas પ્રસિદ્ધ કરીને ‘ઓરાયન’નાં કેટલાંક તારણો સુધાર્યાં, અથવા એમ કહો કે, ઇતિહાસમાં વધારે દૂર ગયા. ‘ઓરાયન’નાં તારણો જોઈએ.

માગસર મહિનો અને વસંત

તિલક લખે છે તે પ્રમાણે તેઓ ગીતા વાંચતા હતા ત્યારે मासानाम्‍ मार्गशीर्षो॑ऽहम्‍ (મહિનાઓમાં હું માગસર છું) એવા કૃષ્ણના કથન પર એમનું ધ્યાન ચોંટી ગયું, કારણ કે મહિનો, ઋતુ, વર્ષ વગેરે ખગોળીય ઘટનાઓ છે. આના પરથી એમણે વૈદિક પંચાંગ સમજવા માટે ખગોળ વિજ્ઞાનની નજરે અભ્યાસ કર્યો અને તેના પરિપાક રૂપે આ નિબંધ તૈયાર થયો. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આર્યોનો ઇતિહાસ, અથવા તો ઋગ્વેદમાં ઘણા ઉલ્લેખો એવા છે કે જે બહુ પ્રાચીન સમયની સ્થિતિ દર્શાવે છે. આ કાળ ઈ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ કરતાં ઓછો ન હોઈ શકે.

તિલકથી પહેલાં મૅક્સ મૂલરે ઋગ્વેદની ભાષાના આધારે એના ચાર કાળ નક્કી કર્યા હતાઃ  છંદોની રચનાનો સમય, તે પછી મંત્રોની રચનાનો સમય, તે પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ અને છેલ્લે સૂત્રોની રચનાનો કાળ આવ્યો. આ છેલ્લો કાળ બૌદ્ધ સમયથી પહેલાં અથવા રાજકીય દૃષ્ટિએ બૌદ્ધ ધર્મનું મહત્વ વધ્યું તે પહેલાંનો, એટલે કે ઈ.સ. પૂર્વે ૧૨૦૦ વર્ષથી જૂનો હતો. આવા તારણ સાથે મૅક્સ મૂલરે દરેક તબક્કાને ૨૦૦ વર્ષ આપ્યાં અને કહ્યું કે ઋગ્વેદનો જૂનામાં જૂનો સમય ઈ.સ. પૂર્વે ૧૨૦૦નો હોઈ શકે. તિલક કહે છે કે ૨૦૦ વર્ષનો ગાળો નક્કી કરવાનું અતાર્કિક છે, કારણ કે, આ જ કાળ-વિભાજનનો સ્વીકાર કરીને ડૉ. હૉગ કહે છે કે પહેલાંના સમયમાં માનવીય મનમસ્તિષ્કનો વિકાસ ધીમે થતો હોય એ શક્ય છે.આના આધારે એમણે દરેક તબક્કાને પાંચસો વર્ષ ફાળવ્યાં અને કહ્યું કે ઋગ્વેદની શરૂઆતનો સમય ઈ. સ. પૂર્વે ૨૪૦૦નો હોવો જોઈએ.

ખગોળશાસ્ત્રનો માર્ગ

આ ભાષાકીય વિકાસના આધારે ઋગ્વેદનો કાળ નક્કી કરવામાં સંશોધકનો અંગત દૃષ્ટિકોણ આવતો હોવાથી તિલકે ખગોળશાસ્ત્રનો વૈજ્ઞાનિક માર્ગ પસંદ કર્યો. પરંતુ ખગોળીય પ્રમાણોની પ્રામાણિકતા બાબતમાં પણ તિલક વૈજ્ઞાનિક દૃષ્ટિએ આગળ વધે છે. એમનું કહેવું છે કે આપણાં સંસ્કૃત સાહિત્યમાં, વેદાંગ જ્યોતિષ સિવાયના અન્ય ગ્રંથોમાં મળતી ખગોળશાસ્ત્રીય ગણતરીઓ પર ગ્રીક જ્યોતિષની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે. વળી, આપણે ત્યાં શાલિવાહન, વિક્રમ વગેરે ઘણાં વર્ષો ગણતરીમાં લેવાનું શરૂ થયું. તે ઉપરાંત સૌર રાશિઓ પણ ગ્રીક અસર નીચે ઉમેરાઈ. આથી, આપણા ધર્મગ્રંથોનો ઇતિહાસ કેટલો જૂનો છે તે જાણવામાં ખગોળશાસ્ત્ર બહુ ઉપયોગી ન થઈ શકે.  

પુરાણો, રામાયણ અને મહાભારતમાં પણ ગ્રહોની સ્થિતિ વગેરે ઘણી વિગતો આપવામાં આવી છે, રામાયણ અને મહાભારતની રચના કોઈ નજરે જોનાર સાક્ષીએ કરી હોય એવું નથી. ઘણાં વર્ષો પછી આ ગ્રંથોની રચના થઈ હોય એટલે કથાના આધારે રામની કુડળી બની અને એમાં બધા શુભ અને અશુભ ગ્રહોની ગોઠવણી કરવામાં આવી હોય એ ચોખ્ખું દેખાઈ આવે છે. આથી પ્રચલિત ખગોળશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરી ન શકાય. વૈદિક સાહિત્યમાંથી જ કઈંક પુરાવા શોધવા પડે. આમાં પણ એક મુશ્કેલી એ નડે છે કે વૈદિક સાહિત્યમાં વર્ષનો ઉલ્લેખ નથી! એટલે કયા પંચાંગ પ્રમાણે કયું વર્ષ હોઈ શકે એ શોધી ન શકાય. પ્રો. બેન્ટલીએ (૧૮૨૫માં મદ્રાસમાં પ્રકાશિત કાલ સંકલિતાને આધારે) આ મુશ્કેલી તરફ ધ્યાન દોર્યું છેઃ દક્ષિણ ભારતમાં દિવસ અને મહિનાની ગણતરી સૌર પદ્ધતિ પ્રમાણે થાય છે, જ્યારે ઉત્તર ભારતમાં ચાન્દ્ર અને સૌર બન્ને પદ્ધતિઓનું મિશ્રણ કરવામાં આવે છે. વળી દરેક મહિનો ચન્દ્રના હિસાબે શરૂ થાય છે અને આખા વર્ષને સૌર વર્ષ સાથે મેળમાં લાવવા માટે ૧૨ ચાન્દ્રમાસને બદલે  ૧૩ ચાન્દ્રમાસનું પણ વર્ષ બને છે. આથી વૈદિક આર્યો સમયની ગણતરી કેમ કરતા હતા, તેના સંકેતો ઋગ્વેદમાંથી શોધી કાઢવા પડે.

તેઓ યજ્ઞો વગેરે કરતા હતા એટલે કઈંક સમય નક્કી કરવાની વ્યવસ્થા તો હશે જ. યજ્ઞો સંબંધી સાહિત્યના અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ચંદ્રની સ્થિતિ કે કળા. ઋતુ પરિવર્તનો અને ઉત્તરાયણ-દક્ષિણાયન એમને સમય નક્કી કરવામાં મદદ કરતાં હશે. આના કરતાં પણ વધારે રસ પડે તેવી વાત એ છે કે યજ્ઞો પોતે જ સમયની પ્રતિકૃતિ જેવા હતા. દાખલા તરીકે સત્ર. સત્રોનું આયોજન આખા વર્ષ માટે થતું અને એ સૂર્યની દૈનિક ગતિનો  અણસાર આપે છે. આમ સત્ર એટલે વર્ષ. સત્રના બે ભાગ થતા. દરેક ભાગમાં છ મહિના રહેતા અને દરેક મહિનાના ત્રીસ દિવસ હતા. પ્રાતઃસંધ્યા અને સાયંસંધ્યા ઉપરાંત શુક્લ એક્મ અને પૂર્ણિમાના દિવસે પણ ખાસ અર્ઘ્ય અપાતા. દરેક ઋતુના આરંભે અને અયન (ઉત્તર કે દક્ષિણમાં સૂર્યની સંક્રાન્તિ) વખતે ખાસ યજ્ઞો થતા. યજ્ઞની પૂર્ણાહુતિ કે શરૂઆત વર્ષની શરૂઆત કે અંતની પણ સૂચક છે. તિલક કહે છે કે યજ્ઞો પંચાંગ માટે, એટલે કે સમયની નોંધ રાખવા માટે કરવામાં આવતા, આથી યજ્ઞ અને વર્ષ એકબીજાના પર્યાય બની ગયાં હતાં. સમય અને યજ્ઞોનો સંબંધ સ્થાપીને તિલકે નક્કી કર્યું કે ઋતુ ચક્ર બદલાતું રહે અને સૂર્યની ગતિ કરતાં એ જલદી પૂરૂં થાય.

બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞો વિશે વિસ્તારથી વિવરણ મળે છે, પરંતુ તિલક માને છે કે એ પાછળથી થયેલો વિકાસ છે, ઋગ્વેદના સૌથી જૂના સમયમાં એવું કઈં નહોતું.  તિલક અહીં રોમની સમય નિર્ધારણ વ્યવસ્થા અને પ્લેટોનું એક કથન ટાંકીને કહે છે કે સમયની નોંધ રાખવાની જવાબદારી ધર્મગુરુઓની હતી. એના માટે એમણે કેટલીયે જાતનાં વિધિવિધાનો કર્યાં હતાં. આર્યોની યજ્ઞ વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ સમય અને વર્ષ નક્કી કરવાનો હતો. પાછળથી સમય નોંધવાની બીજી પદ્ધતિઓનો વિકાસ થયો એટલે યજ્ઞનાં વિધિવિધાનો અળગાં પડી ગયાં અને માત્ર અનુષ્ઠાન બની રહ્યાં.

હરણનું માથું

બાલ ગંગાધર તિલક પ્રખર આધુનિક વિદ્વાન હતા. એમણે દેખાડ્યું છે કે ઋગ્વેદના પ્રથમ ભાષ્યકાર સાયણાચાર્ય પણ અમુક કોયડા ઉકેલવામાં સફળ નથી રહ્યા, તિલકે એના ઉકેલ આપ્યા છે. ઋગ્વેદના કેટલાક મંત્રો અથવા એનાં અર્થઘટનો એવું દેખાડે છે કે આર્યોનું નવું વર્ષ વસંત ઋતુથી થતું.આવી ધારણાને કારણે અતિ પ્રાચીન સમય વિશેનાં ઘણાં ખોટાં તારણો નીકળ્યાં છે, પરંતુ તિલક કહે છે કે ઋગ્વેદથી પહેલાં આર્યોની પરંપરા શરદથી નવું વર્ષ શરૂ કરવાની હતી અને એના ઘણા ખગોળશાસ્ત્રીય પુરાવા ઋગ્વેદમાં મળે છે.  એમણે સાબીત કર્યું છે કે  ઋગ્વેદના શરૂઆતના કાળમાં વસંત મૃગશીર્ષ નક્ષત્રમાં આવતી અને માગસર મહિનાથી વર્ષ શરૂ થતું. આમ એમણે ગીતાના मासानाम्‍ मार्गशीर्षो॑ऽहम् I ऋतुनां कुसुमाकरનો ઇતિહાસ શોધી કાઢ્યો છે. આ સંબંધ ઈ .સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ પહેલાંનો છે.

પરંતુ, પ્રાચીન કથાઓ દેખાડે છે કે એ વખતે આર્યો પોતાના મૂળ વતનની બહાર નહોતા નીકળ્યા અને મધ્ય એશિયામાં જ રહેતા હતા. તે પછી એમના ત્રણ ફાંટા પડ્યાઃ એક જૂથ ભારત આવ્યું, એક ઈરાન આવ્યું અને ત્રીજું જૂથ ગ્રીસ ગયું. આથી મૃગશીર્ષની બાબતમાં ત્રણેય પ્રજાઓની કથાઓમાં ઘણું સામ્ય છે. તિલક આ કથાઓ વિગતે સમજાવે છે.

મૃગશીર્ષ એટલે હરણનું માથું. (પરંતુ મૃગ એટલે પ્રાણી એવો અર્થ પણ હોવાથી ક્યારેક અહીં હરણને બદલે વૃષભ એટલે કે બળદ અથવા આખલો એવો પણ અર્થ જોવા મળે છે, આમ છતાં કથાનો મૂળ અર્થ એના કારણે બદલતો નથી).

ઓરાયનમાં ત્રણ તારા આગળ અને પાછળ બે તારા છે. ત્રણમાંથી છેડાના બે તારા હરણના ખભા જેવા ભાગના છે, એટલે કે માથા નીચે નીકળતાં પગનાં હાડકાં. પાછળના તારા હરણનાં ઘૂંટણ છે. પરંતુ આપણી કથામાં માત્ર હરણનું માથું છે, જે સ્વર્ગમાં છે. કથા એવી છે કે રુદ્રે ક્રોધમાં આવીને પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. તીર અને માથું સ્વર્ગમાં પહોંચી ગયાં. શતપથ બ્રાહ્મણમાં મૃગશીર્ષને પ્રજાપતિના માથા તરીકે ઓળખાવ્યું છે. ઋગ્વેદમાં એક જગ્યાએ પ્રજાપતિના વધની વાત આવે છે, તે સિવાય ઇન્દ્રનો શત્રુ વૃત્ર મૃગના રૂપે આવતો હોવાનું જણાવ્યું છે. કથામાં પરિવર્તન થયું હોવા છતાં મૃગ જેમનો તેમ છે અને ઇન્દ્ર એનું માથું કાપી નાખે છે.

તિલક કહે છે કે એક પૌરાણિક ગ્રીક કથા પણ આને મળતી આવે છેઃ એપોલોની બહેન ઓરાયનના પ્રેમમાં હતી. એપોલો આ કારણે ગુસ્સે થયો. એણે બહેનને સમુદ્રમાં દૂર એક નિશાન વીંધવા કહ્યું. બહેને તીર છોડ્યું અને નિશાન વીંધી નાખ્યું.  એ નિશાન ઓરાયનનું માથું હતું. આ રીતે ભારતીય અને ગ્રીક કથાઓમાં માથા અને તીરનો સંબંધ સ્થાપિત થાય છે. એ જ રીતે ઐતરેય બ્રાહ્મણ પ્રજાપતિ પર ક્રોધિત રુદ્રનું જે વર્ણન આપે છે તે પ્રમાણે એ સીરીઅસ નામનો તારો છે, જેને આપણે વ્યાધ કે મૃગ-વ્યાધ તરીકે ઓળખીએ છીએ.

આકાશગંગા અને બે કૂતરા

જો કે આકાશગંગાનું કોઈ એક નામ ભારતીય, ગ્રીક કે પારસીઓમાં હોય એવું જાણવા નથી મળ્યું. પરંતુ આટલા બધા તારાઓનો સમૂહ એમના ધ્યાન બહાર રહ્યો હોય એ પણ શક્ય નથી.  ગ્રીક ખગોળશાસ્ત્ર પ્રમાણે આકાશમાં બે શ્વાન છે ‘ જેને આપણે કૅનિસ મૅજર અને કેનિસ માઇનર તરીકે ઓળખીએ છીએ. બન્ને આકાશગંગાની બન્ને બાજુએ ગોઠવાયેલા છે. (અહીં એક રસપ્રદ મુદાની નોંધ લઈએ. સંસ્કૃત શતમ જૂથની ભાષા છે અને ગ્રીક કેન્તુમ જૂથની. શતમ એટલે સો. જે ભાષાઓમાં ૧૦૦ માટે સ, શ કે હ ઉચ્ચાર હોય તે શતમ જૂથેની ભાષા ગણાય છે. અંગ્રેજી શતમ જૂથની ભાષા છે, આ ભાષાઓમાં જ્યાં શ હોય છે ત્યાં કેન્તુમ જૂથની ભાષાઓમાં ‘ક’ હોય છે. એટલે શ્વાનનો ‘શ’ ગ્રીકમાં Kuon અથવા કૅનિસના ‘ક’ રૂપે દેખાય છે એ જ રીતે ‘કેન્દ્ર’નું ‘સેન્તર’ થયું છે. અહીં દ અને ત બન્ને ત-વર્ગના જ ઉચ્ચારો છે). આમ આ બે કૂતરા છે, એક મોટો અને એક નાનો.

આની સાથે પારસીઓની પરંપરાગત માન્યતા તપાસીએ. સાંપાતિક કાળ એટલે જ્યારે દિવસ અને રાત સરખાં થાય તેવી ખગોળીય ઘટનાને પારસીઓ સ્વર્ગનું દ્વાર માને છે. પરંતુ એ માત્ર દ્વાર નથી પણ સ્વર્ગ અને નર્કને જોડતો પુલ છે. આને ચિન્વત પુલ કહે છે. ચિન્વત પુલની ચોકી બે કૂતરા કરે છે.  આ ગ્રીક કૅનિસ મૅજર અને કૅનિસ માઇનર જ છે!

હવે ઋગ્વેદ જોઈએ. ઋગ્વેદમાં દેવલોક અને પિતૃલોક એવા વિભાગ કરવામાં આવ્યા છે.  મૃત વ્યક્તિ માટે યમે જે સ્થાન નક્કી કર્યું છે ત્યાં દિવસ અને રાત છે અને એ જળથી ભરપૂર છે (૧૦-૧૪.૧૩). અહીં પણ દિવસ અને રાતનો એક સાથે ઉલ્લેખ છે એ દર્શાવે છે કે એ બન્ને સરખાં છે. જળની વાત પારસીઓના ચિન્વત પુલની યાદ અપાવે છે. પરંતુ આ જ સૂક્તના ૧૪.૧૫.૧૬ મંત્રોમાં મૃત વ્યક્તિને સંબોધીને કહે છે કે “હે મનુષ્ય, તમે આ ચાર આંખવાળા અને વિચિત્ર વર્ણવાળા બે કૂતરાઓ પાસેથી જાઓ…હે યમ, તમારા ગૃહના રક્ષક બે કૂતરાથી મનુષ્યને બચાવો…યમના દૂત, બે લાંબા નાકવાળા, પ્રાણીજીવી બે કૂતરા મનુષ્યને નિશાન બનાવે છે…!”

આમ બે કૂતરા આપણને ગ્રીક, પારસી અને ભારતીય આર્યોની કથાઓમાં મળે છે! વળી ગ્રીકોની કથામાં ત્રણ માથાવાળો કૂતરો નર્કના દરવાજે ચોકી કરે છે અને જળના કિનારે એક નાવ  છે. બીજી બાજુ ઋગ્વેદના ૧૦મા મંડળના ૬૧મા સૂક્તનો ૧૦મો મંત્ર કહે છે કે પિતૃલોકમાં જવા માટે સ્વર્ગીય નાવ હોય છે. પરંતુ આ માન્યતાઓ માત્ર આર્યો પૂરતી મર્યાદિત નહોતી. આર્યો સિવાયની આદિમ પ્રજામાં પણ એવું જ માનવામાં આવતું કે મૃત્યુ પછી જમીન માર્ગે અને તે પછી જળમાર્ગે યાત્રા કરીને મૃત્યુલોકમાં જવાય છે.

ગ્રીક કથાઓમાંના કૂતરાનાં નામ કર્બેરોસ અને ઓર્થ્રોસ છે. કર્બેરોસ ઋગ્વેદનો શર્વર છે (કેન્તુમ ભાષાનો ‘ક’ શતમ ભાષામાં ‘શ’ બને છે) ઓર્થ્રોસને મૅક્સ મૂલર વૃત્ર તરીકે ઓળખાવે છે. બન્ને નામ સરખાં હોવા છતાં તિલક મેક્સ મૂલરના ખુલાસાથી બહુ સંતુષ્ટ નથી. એમનું કહેવું છે કે વ્રુત્ર શા માટે મૃત્યુલોકને દરવાજે હોય? હેરાક્લિસે ઓર્થ્રોસને મારી નાખ્યો – એમ કેમ બને?

જો કે તિલક કહે છે કે એમણે આ પુસ્તકને જેમ બને તેમ સરળ બનાવવાની કોશિશ કરી છે તેમ છતાં એમાંની વિશદ્‍ ચર્ચા મેં છોડી દીધી છે, કારણ કે નક્ષત્રો અને ઋતુચક્ર, શરદ અને વસંત સંપાતો વિશેનું ટેકનિકલ જ્ઞાન જરૂરી છે. ‘ઓરાયન’ પુસ્તક આજે બજારમા ઉપલબ્ધ નથી, પરંતુ એ સો કરતાં પણ વધારે વર્ષ જૂનું હોવાથી રૉયલ્ટીનો પ્રશ્ન નથી રહેતો એટલે આખું પુસ્તક પીડીએફ તરીકે ઇંટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ઓરાયન અને અગ્રહાયણ

અંતમાં આપણે ‘ઓરાયન’ શબ્દનો અર્થ જોઈએ. તિલક કહે છે કે ગ્રીક ભાષાનો આ શબ્દ મૂળ આપણા ‘અગ્રહાયણ’ (સંસ્કૃતમાં આગ્રહાયણ)માંથી બન્યો છે. માગસર મહિનો આગ્રહાયણિક (અથવા અગ્રહાયણ) નામે પણ ઓળખાય છે. દરેક મહિનાની પૂનમ જે નક્ષત્રમાં હોય તેના પરથી ભારતીય મહિનાઓને નામ મળ્યાં છે. પરંતુ ટ્યૂટોનિક ભાષાઓમાં આર્યન ભાષાનો ‘ગ્ર’ માત્ર ‘ર’ બની રહે છે. તિલક આ નિયમ ગ્રીક ભાષા સુધી પણ લંબાવે છે.  ભાષામાં ઉચ્ચાર ટુંકાવવાની સ્વાભાવિક વૃત્તિને કારણે ‘આગ્રહાયણ’નું ‘આગ્રયણ’ બને અને ‘ગ્ર’નો માત્ર ‘ર’ રહેતાં ‘આરયન’ બને છે અને પછી એ ભાષાના બીજા નિયમોને અધીન એનું ‘ઓરાયન’ બની જાય છે. ઋગ્વેદના કેટલાક મંત્રો ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો સંકેત આપે છે અને એમનો ઉપયોગ કરીને તિલક આપણને ઋગ્વેદના અતિ શરૂઆતના કાળમાં, જ્યારે ભારતીય, ઈરાની અને ગ્રીક આર્યો એક સાથે રહેતા હતા તે પ્રદેશમાં લઈ ગયા છે. 

૦-૦-૦-૦-૦

9 thoughts on “Tilak on Aryan Home”

  1. ઘણું બધું દેખતા ડોળે સમજાય તેવું છે, પણ આર.એસ.એસ માનસિકતા નહિ માને. દરેકના ઘરમાં યજ્ઞકુંડી હોવી જોઈએ, શું બતાવે છે? અગ્નિની સાક્ષીએ લગ્ન કરવા. દક્ષિણ ભારતના ભવ્ય મંદિરો જુઓ ગમેતેવી ગરમીમાં અંદર જાવ તો ઠંકડ લાગે. યજ્ઞ સંસ્કૃતિ જ બતાવે છે કે આર્યો ઉત્તર ધ્રુવ બાજુથી આવ્યા છે. આશ્રમ શું છે? ઝુંપડા કે કુટીર સંસ્કૃતિ, અહી સાત-આઠ લાખ ડોલર્સનું ઘર જુઓ લાકડાના ભૂસા અને પાટિયાનું બનેલું, એક તણખો ઉડયોને સાત લાખ ડોલર્સ સ્વાહા. આટલી મોંઘી ઝુંપડીઓ જ છે. રોજ સવારે મે-જુનની ગરમીમાં નિયમિત યજ્ઞો કરવા(સદશિવ આશ્રમાં-મોટેરા) પરસેવે રેબઝેબ હજુ ભૂલ્યા નથી કે અમે ઉત્તર ધ્રુવમાં રહેતા હતા. Genes ખોદી ખોદીને કહેશો તો પણ નહિ માને.હહાહાહાહાહા.. નેપાલીઓની તો આખી ગુરખા બટાલિયન આર્કટીક સર્કલની અંદર રહેતા ‘ચુ ચી’ લોકો સીધી જ કોપી છે. બહુ સરસ લેખ પણ અધુરો લાગ્યો..

    1. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ, તમને લેખ અધૂરો લાગ્યો તે સમજી શકાય એવું છે. પુસ્તકમાં એટલી બધી ખગોળીય ટેકનિકલ બાબતો છે કે એક સમજાવવા જતાં આખું સમજાવવું પડે.આમાં લેખનો તો અંત ચારપાંચ લેખોની શ્રેણી પછી જ આવે. અને આવી બધી વાતો રસપ્રદ હોય તો પણ માથાફોડ કરવા તૈયાર હોય તેના માટે જ.

  2. આપણે લગભગ દશ હજાર વર્ષ પૂર્વે છેલ્લો હિમયુગ પૂરો થયેલો માનીએ અને ત્યાર બાદ વિશ્વવ્યાપી પુર આવ્યું હોય એવું માનીએ અને એમાં જે અમુક પ્રાણીઓ અને મનુષ્યો જીવતા રહ્યા એ માનીએ તો સ્વાભાવિકપણે ઉચાઈના વિસ્તારોમાં જ એ લોકો બચવા પામ્યા હશે। એ રીતે જોતા પણ મધ્ય એશિયામાં પ્રાણી સૃષ્ટિ રહી હોય અને ત્યાંથી બીજે પાંગરી હોય એમ માની શકાય।

    પરંતુ એ પણ સાચું લાગે છે કે સંસ્કૃતિનો વિકાસ ઉષ્ણ પ્રદેશોમાં સ્થાયી થયા પછી જ થવા પામ્યો હશે। એ દ્રષ્ટીએ ભારત પ્રદેશનું યોગદાન માની શકાય એમ છે।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: