ફ્રાન્ઝ કાફકા
મૂળ જર્મનમાંથી અંગ્રેજીમાં અનુવાદઃ વિલા અને ઍડવિન મ્યૂર

પ્રવાસીએ એને આગળ બોલવા ન દીધો. “હું કેમ મદદ કરી શકું?” એ જોરથી બોલ્યો. “ એ તો શક્ય જ નથી. હું તમને મદદ પણ ન કરી શકું, તેમ જ તમારા કામમાં આડે પણ ન આવી શકું.”
“નહીં. તમે મદદ કરી શકો છો” ઑફિસરે કહ્યું. એણે મુઠ્ઠી વાળી લીધી હતી તે જોઈને પ્રવાસીને થોડી દહેશત થઈ. ઑફિસર ફરી હઠ સાથે બોલ્યો, “કરી જ શકો. મેં એક યોજના તૈયાર કરી છે એ સફળ થશે જ. તમે માનો છો કે તમારી અસર પૂરતી નથી. તમારી આ વાત સાચી હોય તો પણ આ પરંપરા ચાલુ રાખવા માટે, અંતે જે અપૂરતું હોય તેનો પણ ઉપયોગ કરવામાં કંઈ ખોટું છે? મારી યોજના સાંભળો.
“પહેલું કામ એ કે તમારે આ કાર્યવાહી વિશે તમારો અભિપ્રાય શું છે તે વિશે, શક્ય હોય ત્યાં સુધી, બોલવું જ નહીં. એમ દેખાઈ આવવું જોઈએ કે તમે આ વિશે ચર્ચા કરવા નથી માગતા, એના વિશે વાત કરવાની તમારામાં ધીરજ નથી રહી, અને બોલવા લાગશો તો બહુ કડક ભાષા વાપરશો. તમને કોઈ સીધો સવાલ ન પૂછે તો તમારે બોલવું જ નહીં; પણ તમે જે કહો તે ટૂંકું અને સાધારણ જ હોવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે ખોટું બોલો. જરાય નહીં. બસ, તમારે ટૂંકા ને ટચ જવાબ આપવા, જેમ કે ‘હા, મેં મોતની સજા જોઈ.’ અથવા, ‘હા, મને સમજાવ્યું હતું.’ બસ આટલું જ, એક શબ્દ પણ વધારે નહીં. તમારી ધીરજ ન રહે એનાં પૂરતાં કારણો છે, જો કે એમાંનું એકેય કારણ કમાન્ડન્ટનાં કારણો જેવું નથી. અલબત્ત, એ તમારા કહેવાનો અર્થ પોતાને ફાવે તે રીતે કરશે. મારી યોજનાનો આધાર પણ એ જ છે. આવતીકાલે કમાન્ડન્ટની ઑફિસમાં બધા વહીવટી અધિકારીઓની મો..ટ્ટી કૉન્ફરન્સ મળવાની છે.
“કમાન્ડન્ટ પોતે પ્રમુખપદે હશે. આ કમાન્ડન્ટ એવો છે કે એ બધી કૉન્ફરન્સોને જાહેર મેળાવડા જેવી બનાવી દે છે. એણે ખાસ ગૅલેરી બનાવડાવી છે, એ તમાશબીનોની ભીડથી ખીચોખીચ ભરેલી હોય છે. મારે પણ આ કૉન્ફરન્સોમાં ભાગ લેવો પડે છે પણ આ કૉન્ફરન્સો માટે મારા રૂંવાડે રૂંવાડેથી નફરત ટપકતી હોય છે. એ જવા દો. તમને કોઈ પણ સંજોગોમાં કૉન્ફરન્સ માટે આમંત્રણ મળશે જ. એમાં મેં હમણાં સમજાવ્યું તેમ કરશો તો આમંત્રણ તાકીદની વિનંતિ બની જશે. કોઈ ભેદી કારણસર તમને આમંત્રણ ન મળે તો તમારે એ માગવું પડશે; તે પછી તો તમને આમંત્રણ મળશે જ, મને શંકા નથી. તો, કાલે તમે કમાન્ડન્ટના બૉક્સમાં એની સ્ત્રીઓ સાથે બેઠા હશો. તમાશબીનોને પ્રભાવિત કરવા માટે પહેલાં તો કેટલીયે ક્ષુલ્લક બાબતો રજૂ થશે – મોટા ભાગે તો બંદર વિશેની વાતો જ હશે, બંદર સિવાય અહીં બીજું કામ થતું જ નથી – અમારી ન્યાયપદ્ધતિ પણ ચર્ચામાં આવશે. કમાન્ડન્ટ એ મુદ્દો નહીં રાખે, અથવા તરત નહીં રાખે તો એનો ઉલ્લેખ થાય એવું હું કંઈક કરીશ. હું ઊભો થઈને કહીશ કે આજે એક જણને મૃત્યુદંડ અપાયો. બહુ જ ટૂંકું. માત્ર એક સ્ટેટમેન્ટ. સામાન્ય રીતે આવાં સ્ટેટમેન્ટો કરાતાં નથી, પણ હું કરીશ.
“અને હવે કમાન્ડન્ટ મારો હંમેશની જેમ આભાર માને છે; ચહેરા ઉપર સ્મિત ચમકે છે,જાણે મારો મિત્ર હોય! અને એ પોતાની ઉપર કાબુ નહીં રાખી શકતો; એક ભવ્ય તક એને મળી છે, એ જાહેર કરવાની કે, ‘હમણાં જ રિપોર્ટ મળ્યો છે’ અથવા ‘એક જણને હમણાં જ મૃત્યુદંડ અપાયો છે અને એક જાણીતા સંશોધક પ્રવાસી એના સાક્ષી બન્યા. એમણે આપણા ટાપુની મુલાકાત લઈને આપણને સન્માન આપ્યું છે. આજે આપણી આ કૉન્ફરન્સમાં એમની ઉપસ્થિતિથી આજની કૉન્ફરન્સનું મહત્ત્વ પણ વધી જાય છે. તો એમને જ પૂછીએ તો કેવું, કે મૃત્યુદંડ અમલમાં મૂકવાની અને એ સજા કરવાની આપણી કાર્યપદ્ધતિ વિશે એમનો શો અભિપ્રાય છે?’ જોરથી તાળીઓનો ગડગડાટ થાય છે, સૌ સંમત છે. બીજા બધા કરતાં હું વધારે આગ્રહપૂર્વક કહું છું.
“કમાન્ડન્ટ તમારા તરફ નમીને કહે છે ‘તો અહીં એકત્ર સૌ સભાજનો વતી હું તમને એક સવાલ પૂછું છું.’ અને હવે તમે બૉક્સના કઠેરા પાસે આગળ આવો છો. તમારા હાથ એવી રીતે ગોઠવો છો કે જેથી સૌ જોઈ શકે, તે નહીં તો, સ્ત્રીઓ તમારા હાથ પકડીને તમારી આંગળીઓ દબાવશે… છેવટે તમે બોલી શકશો. એ ક્ષણની રાહ જોવાનું માનસિક દબાણ સહન કરી શકાશે કે નહીં તે હું જાણતો નથી. તમે બોલો ત્યારે કંઈ સંયમ ન રાખજો, સત્ય હોય તેની મોટેથી ઘોષણા કરજો. બૉક્સના આગળના કઠેરા પાસેથી નમીને, તમારી માન્યતા પ્રમાણે કમાન્ડન્ટને બૂમ પાડીને કહો. પણ કદાચ તમે એ કરવા તૈયાર ન પણ થાઓ. એ તમારા સ્વભાવમાં નથી, તમારા દેશમાં કદાચ આ કામ જુદી રીતે થાય છે. ઠીક છે, એ તો બરાબર જ છે. એની પણ જબરી અસર પડશે. ઊભા પણ ન થાઓ, માત્ર બેચાર શબ્દો બોલો, ઘૂસપૂસના અવાજમાં જ કહી દો જેથી તમારી નીચે બેઠેલા અમુક અધિકારીઓ જ સાંભળી શકે. એ પણ પૂરતું છે. તમારે એય કહેવાની જરૂર નથી કે આ મૃત્યુદંડને. મશીનના કિચૂડ કિચૂડ થતા વ્હીલને, તૂટેલા પટ્ટાને, મોઢામાં ઠૂંસવાના ડૂચાને લોકો ટેકો નથી આપતા. હું એ બધું મારા પર લઈ લઈશ અને હું ખાતરીપૂર્વક કહું છું કે મારા આરોપનામાથી એ કૉન્ફરન્સ હૉલ મૂકીને ભાગી જશે. એ સ્વીકાર કરવા ઘૂંટણિયે પડશે. હે જૂના કમાન્ડન્ટ તમને શત શત પ્રણામ… આ છે, મારી યોજના. એ અમલમાં મૂકવામાં મને મદદ કરશો? પણ તમે તો મદદ માટે તૈયાર છો જ; અને હોવું પણ જોઈએ.”
આટલું બોલીને ઑફિસરે પ્રવાસીને બાવડેથી ઝાલ્યો, એની સામે તાકીને જોયું, એનો શ્વાસ જોરથી ચાલતો હતો. પ્રવાસીના ચહેરા પર એનો ઉચ્છ્વાસ અથડતો રહ્યો. એ છેલ્લું વાક્ય એટલું મોટેથી બોલ્યો કે કેદી અને સૈનિક પણ ચમકી જઈને સાવધાનની મુદ્રામાં આવી ગયા. એમને એકેય શબ્દ સમજાયો નહોતો પણ એમણે ખાવાનું છોડી દીધું અને મોઢામાં પહેલાં ઓરી દીધેલો કોળિયો ચાવતાં પ્રવાસી સામે જોવા લાગ્યા.
શરૂઆતથી જ કેવો જવાબ આપવો એવી શંકા પ્રવાસીને નહોતી; એની જિંદગીમાં એને ઘણા અનુભવો થયા હતા. એટલે અહીં કંઈ અસમંજસ જેવું નહોતું. એ મૂળથી જ માનને પાત્ર હતો અને કોઈ વાતે ડરતો નહોતો, પણ આ ઘડીએ, સૈનિક અને કેદીને જોઈને એ એક ઊંડો શ્વાસ લેવા જેટલા વખત માટે ખંચકાયો. છેવટે એણે પરાણે શબ્દો નીકળતા હોય એમ કહ્યું: “ના”. ઑફિસર થોડી વાર આંખો પટપટાવતો જોઈ રહ્યો. પણ નજર ન હટાવી.” તમે જાણવા માગો છો કે હું ના શા માટે કહું છું?” પ્રવાસીએ પૂછ્યું. ઑફિસરે ડોકું ધુણાવીને હા પાડી.
“હું તમારી મોતની સજા આપવાની રીતને નાપસંદ કરું છું.” પ્રવાસીએ કહ્યું, “તમે મારા પર વિશ્વાસ મૂકીને વાત કરી તે પહેલાં જ મેં એને નામંજૂર કરી દીધી હતી – જો કે હું તમારો વિશ્વાસ કોઈ પણ સંજોગોમાં નહીં તોડું – હું વિચારતો હતો કે દરમિયાનગીરી કરવાની મારી ફરજ બની જશે કે કેમ અને મારી દરમિયાનગીરી સફળ રહે તેની જરાકેય તક છે કે કેમ. મને સમજાયું કે સફળતા માટે મારે કોને કહેવું પડશે – ક્માન્ડન્ટને જ. અલબત્ત, તમે પણ એ વાત સાવ સાફ કરીને કહી દીધી. પણ એ કહેવાના મારા નિર્ણયને તમે બળ ન આપ્યું. ઉલટું, તમે પોતે જે સાચું માનો છો તેમાં તમારી નિષ્ઠા મને સ્પર્શી ગઈ છે, જો કે મારા નિર્ણય પર એની કંઈ જ અસર નથી.”
ઑફિસર કંઈ ન બોલ્યો. મશીન તરફ ફર્યો. એક પિત્તળનો સળિયો પકડ્યો અને ‘કારીગર’ તરફ જોયું, જાણે ખાતરી કરવા માગતો હોય કે બધું બરાબર ચાલે છે. સૈનિક અને કેદી વચ્ચે સમાધાન થઈ ગયું હોય એમ લાગતું હતું. કેદી સખત પટ્ટામાં ઝકડાયેલો હતો એટલે એનું હલનચલન અઘરું હતું પણ એ સૈનિક તરફ કંઈક ઇશારો કરતો હતો અને સૈનિક એના તરફ નમ્યો. કેદીએ કંઈક કહ્યું અને સૈનિકે માથું હલાવ્યું. પ્રવાસી ઑફિસર પાસે ગયો અને કહ્યું, “હું શું કરવા માગું છું તે હજી તમે જાણતા નથી. મોતની સજા આપવાની રીત વિશે મારે જે કહેવાનું છે તે કમાન્ડન્ટને કહીશ, પણ કૉન્ફરન્સમાં નહીં, એકાંતમાં…અને કોઈ કૉન્ફરન્સમાં ભાગ લેવા જેટલો સમય હું અહીં રોકાઈશ પણ નહીં. હું આવતીકાલે સવારે જ જાઉં છું, કંઈ નહીં તો મારા શિપમાં તો હું બેસી જ ગયો હોઈશ.” ઑફિસર સાંભળતો હોય એવું ન લાગ્યું. એ પોતાને જ કહેતો હોય એમ બોલ્યો, “તો, તમને આ રીત યોગ્ય ન લાગી.” એ જાણે કોઈ મોટો માણસ કોઈ બાલિશ મૂર્ખતા પર હસે અને તેમ છતાં સ્મિતની આડમાં પોતે જે વિચારતો હોય તે જ વિચારતો રહે તેમ જરા હસ્યો. છેવટે એ બોલ્યો, “એનો અર્થ એ કે હવે સમય આવ્યો છે.” અને તરત પ્રવાસી સામે જોયું. એની આંખો ચમકતી હતી. એમાં કંઈક પડકાર, કંઈક સહકાર માટેની અપીલ જેવું જોઈને પ્રવાસી થોડો બેચેન થયો. એણે પૂછ્યું, “સમય? શાનો?” પણ એને જવાબ ન મળ્યો.
“તું આઝાદ છે” ઑફિસરે કેદીને એની ભાષામાં કહ્યું. કેદીના કાને પહેલાં તો વિશ્વાસ ન કર્યો. “હા, તને છોડી મૂક્યો.” પહેલી વાર સજા પામેલા કેદીના ચહેરા પર જીવન સળવળ્યું. આ શું સાચું સાંભળ્યું? કે ઑફિસર ટીખળ કરે છે? અને પછી કહી દે, “ના રે ના…”? શું વિદેશી પ્રવાસીએ એના વતી માફી માગી લીધી? છે શું આ બધું? એના ચહેરા પર આ પ્રશ્નો વાંચી શકાતા હતા, પણ બહુ લાંબો વખત નહીં. શક્ય હોય તો એ ખરેખર જ આઝાદ થવા માગતો હતો અને હળની નીચે જેટલી જગ્યા હતી એટલામાં ખેંચતાણ કરવા લાગ્યો.
‘તેં મારા પટ્ટા તોડી નાખ્યા,” ઑફિસરે ઘાંટો પાડ્યો. “પડ્યો રહે જેમ છે તેમ. અમે તને હમણાં જ છૂટો કરશું.” એ પોતે જ એને છોડવા લાગ્યો અને એમાં મદદ કરવાનો સંકેત કર્યો. કેદી નિઃશબ્દ હસ્યો, પહેલાં પોતાના તરફ, પછી ઑફિસર તરફ, હવે સૈનિક તરફ – અને પ્રવાસીને પણ ભૂલ્યો નહીં.”
“એને બહાર કાઢ” ઑફિસરે હુકમ કર્યો. હળને કારણે બહુ સંભાળવું પડે એમ હતું. કેદીએ અધીરાઈમાં પોતાનો વાંસો તો છોલી જ નાખ્યો હતો.
હવે ઑફિસરે એના તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. એ પ્રવાસીની પાસે આવ્યો, એણે ફરી ચામડાનું પાકિટ કાઢ્યું. એમાંના કાગળો ઉથલાવ્યા, એને જોઈતો હતો તે કાગળ કાઢ્યો અને પ્રવાસીને દેખાડ્યોઃ “આ વાંચો” પ્રવાસીએ કહ્યું, “હું નહીં વાંચી શકું. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું આ લખાણો વાંચી શકતો નથી.”
“જરા ઝીણી નજરે જોવાની કોશિશ કરો” ઑફિસરે કહ્યું અને બન્ને સાથે વાંચી શકે તે માટે પ્રવાસીની તદ્દન નજીક આવીને ઊભો રહ્યો. પણ એથીયે કામ ન ચાલ્યું એટલે શું વાંચવાનું છે તે પ્રવાસીને સમજાય તે માટે એણે લખાણની નીચે રેખા બનાવતો હોય એમ ટચલી આંગળી ફેરવી, પણ કાગળને અડક્યા વિના; જાણે આંગળી અડકે તો કાગળ મેલો થઈ જવાનો હોય. પ્રવાસીએ આખરે ઑફિસરને રાજી કરવા માટે ખરેખર વાંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ કંઈ સમજી ન શક્યો. હવે ઑફિસરે એક-એક અક્ષર છૂટો પાડીને વાંચવા માંડ્યુઃ “‘ન્યાયી બનો!’ એમ અહીં લખ્યું છે. હવે તો તમે વાંચી જ શકશો.” પ્રવાસી કાગળ પર એટલું બધું નમી ગયો કે ઑફિસરને બીક લાગી કે એ અડક્શે, એટલે એણે કાગળ હટાવી લીધો. પ્રવાસી કશું ન બોલ્યો. તેમ છતાં એ પણ પાકું હતું કે એ વાંચી નહોતો શક્યો. ઑફિસરે ફરી કહ્યું, “અહીં લખ્યું છે ‘ન્યાયી બનો!’.”
“હશે,” પ્રવાસીએ કહ્યું, “તમે કહો છો તે માની લેવા હું તૈયાર છું.” “તો ભલે,” ઑફિસરે કહ્યું અને એ હાથમાં કાગળ સાથે સીડી ચડવા લાગ્યો; બહુ સંભાળપૂર્વક એણે કાગળ ‘કારીગર’ની અંદર મોક્યો અને બધાં કૉગવ્હીલ્સની ગોઠવણી બદલતો હોય એમ લાગ્યું; આ કામ ભારે માથાફોડિયું હતું. અને એમાં બહુ નાનાં ચક્રો સાથે કામ લેવું પડતું હશે અને એણે એટલી ચોક્સાઈ રાખવી પડતી હશે કે ક્યારેક ઑફિસરનું માથું સાવ જ ‘કારીગર’માં ગરક થઈ જતું હતું. નીચે પ્રવાસી આ બધી મથામણ કશી દરમિયાનગીરી વિના જોતો રહ્યો. ઉપર જોઈ જોઈને એની ગરદન અકડાઈ ગઈ હતી અને તડકામાં આંખો ચૂંચી થઈ જતી હતી.
આ બાજુ સૈનિક અને કેદી ભેગા મળીને કંઈક કરતા હતા. કેદીનાં શર્ટ-પેન્ટ ખાડામાં પડ્યાં હતાં, તે સૈનિકે રાઇફલની બેયોનેટની અણીથી બહાર કાઢી આપ્યાં હતાં. શર્ટ તો બહુ જ ગંદું હતું એટલે કેદીએ એને ડોલના પાણીથી ધોઈ નાખ્યું. એણે શર્ટ-પેન્ટ પહેર્યાં ત્યારે એ બન્નેને જોરથી હસવું આવી ગયું, કારણ કે કપડાં તો છેક નીચે સુધી વેતરાયેલાં હતાં.કદાચ સજામાંથી બચી ગયા પછી કેદીને એમ લાગ્યું હોય કે સૈનિકને હસાવવાની એની ફરજ છે, તેમ એ ચિરાયેલાં કપડાંમાં જ સૈનિક ગોળ ગોળ ઘૂમતો રહ્યો. સૈનિકને એટલું હસવુ આવ્યું કે એ નીચે પડીને આળોટવા લાગ્યો. છેવટે, બન્નેએ બીજી સભ્ય વ્યક્તિઓની હાજરીમાં પોતાની મોજમસ્તી પર કાબુ મેળવી લીધો.
ઑફિસર ઘણા વખત સુધી ઉપર કામ કરતો રહ્યો. કામ પૂરું થતાં બધું બરાબર ચાલે છે કે નહીં તે તપાસતાં એના ચહેરા પર સ્મિત ઝળક્યું, એણે કારીગરનું ઢાંકણ બંધ કર્યું. ઢાંકણ ક્યારનું ખુલ્લું પડ્યું હતું. એ હવે નીચે આવ્યો, ખાડામાં નજર નાખી, એક નજર કેદી પર પણ નાખી. એનાં કપડાં ખાડામાંથી બહાર કાઢી લેવાયાં છે તે જોઈને એને સંતોષ થયો. એ હાથ ધોવા માટે ડોલ તરફ ગયો. હાથ બોળવા જતો જ હતો ત્યાં તો એને ધ્યાનમાં આવ્યું કે પાણી તો ઉલટી થાય એવું ગંદું હતું. હાથ ન ધોઈ શકાયા તે એને ગમ્યું નહીં, અંતે રેતીમાં રગડવા પડ્યા – આ વિકલ્પ એને પસંદ તો ન આવ્યો પણ બીજો ઉપાય પણ નહોતો. તે પછી એ ટટ્ટાર ઊભો રહ્યો અને પોતાના યુનિફૉર્મની જાકિટનાં બટન ખોલવા લાગ્યો. જાકિટ ખૂલતાં કૉલરની નીચે દબાવેલા બે લેડીઝ રુમાલ એના હાથમાં આવી ગયા. એણે કેદી તરફ ફેંક્યા, “લે, તારા રુમાલ…” પછી પ્રવાસી તરફ ફરીને બોલ્યો “પેલી સ્ત્રીઓએ ભેટ આપ્યા હતા.”
જાકિટ અને પછી યુનિફોર્મનાં બધાં કપડાં ઉતારવાની એને ઉતાવળ હોય એવું લાગતું હતું, પણ તે સાથે દરેક કપડાને એ પ્રેમથી, સંભાળીને ઉતારતો હતો. જાકિટની ચાંદીની દોરીઓ પર એ મમતાથી આંગળી ફેરવતો રહ્યો. દોરીને છેડે દોરાનું ઝૂમખું હતું તેને પણ એણે હળવેકથી હાથમાં લીધું પણ તે પછી એણે જે કર્યું તેની સાથે એની આ પ્રેમભરી કાળજી બંધબેસતી નહોતી. યુનિફૉર્મ ઉતાર્યા પછી એણે જાણે એની સૂગ હોય તેમ એક ઝાટકે ખાડામાં ફેંકી દીધાં. એની પાસે હવે નાની તલવાર એના પટ્ટા સાથે બચી હતી. એને મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, તોડી નાખી, પછી એના ટુકડા, મ્યાન અને પટ્ટો – બધું એકઠું કર્યું અને એટલા જોરથી ખાડામાં ફેંક્યાં કે ત્યાં ખણખણાટ થયો.
હવે એ તદ્દન નગ્ન ઊભો હતો. પ્રવાસીએ હોઠ કરડ્યા પણ કંઈ ન બોલ્યો. ઑફિસર જેના પ્રત્યે ભક્તિભાવથી જોતો હતો તે ન્યાયવ્યવસ્થા કદાચ એના હસ્તક્ષેપને કારણે અંતની નજીક પહોંચતી હોય અને આ વ્યવસ્થાનો અંત લાવવા માટે એ પોતાને વચનબદ્ધ પણ માનતો હતો. પરંતુ અત્યારની ઘડીએ એ બરાબર જાણતો હતો કે શું થવાનું હતું તેમ છતાં ઑફિસર જે કંઈ કરતો હતો તેમાં તેને રોકવાનો એને અધિકાર નહોતો. એની જગ્યાએ પ્રવાસી પોતે હોત તો એણે પણ એમ જ કર્યું હોત.
(ક્રમશઃ…. …હપ્તો પાંચમો … તારીખ ૪ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ)
Like this:
Like Loading...