Martyrs of Indian Freedom Struggle – (46) Chauri Chaura Incident

ચૌરી ચૌરા

જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી પણ સરકારે રૉલેટ ઍક્ટની બાબતમાં જરાય ઢીલ ન આપી.  જલિયાંવાલા બાગે દેશની હવા બદલી નાખી હતી. લોકોમાં રોષ વધતો જતો હતો. આની સામે કંઈક  કરવું જોઈએ એમ વિચારીને ગાંધીજીએ કોંગ્રેસ સમક્ષ નાગરિક અસહકારનો વિચાર મૂક્યો.  નાગરિક અસહકારમાં વિદેશી કાપડનો સદંતર બહિષ્કાર કરવાનો હતો. તે ઉપરાંત દારુબંધી પર પણ ગાંધીજીએ ભાર આપ્યો. એમણે બારડોલીના સત્યાગ્રહની જેમ સત્યાગ્રહી ફૉર્મ તૈયાર કર્યું. જે નાગરિક અસહકારમાં સક્રિયપણે ભાગ લે એણે આ ફૉર્મ ભરવાનું હતું. આંદોલન બહુ જોરદાર રહ્યું અને ઑગસ્ટ ૧૯૨૧થી ફેબ્રુઆરી ૧૯૨૨ સુધીમાં ત્રીસ હજાર માણસો જેલમાં પહોંચી ગયા.

લોકોનું જોશ ઓસરવાનું નામ જ નહોતું લેતું. આંદોલન અહિંસક રીતે ચાલતું હતું એટલે સરકાર પાસે પણ કંઈ રસ્તો નહોતો.

ચૌરી ચૌરાની ઘટના આવા વાતાવરણમાં બની.  ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું આ નાનું નગર પણ સત્યાગ્રહની હવાથી વણસ્પર્શ્યું નહોતું રહ્યું. ૧૯૨૨ની બીજી ફેબ્રુઆરીએ એક નિવૃત્ત સૈનિક ભગવાન આહિરની આગેવાની હેઠળ લોકો બજારમાં આવેલી દારુની દુકાનો બંધ કરાવવા આગળ વધ્યા. પોલીસે એમને રોક્યા અને મારીને પીછેહઠ કરવાની ફરજ પાડી. કેટલાય આગેવાનોને પકડી લઈને લૉક-અપમાં પૂરી દેવાયા.

બે દિવસ પછી ચોથી તારીખે બે-અઢી હજારની ભીડ ફરી એકઠી થઈ અને બજાર તરફ કૂચ કરી. સ્થિતિને કાબુમાં લેવા માટે હથિયારબંધ પોલીસની ટુકડી મોકલવામાં આવી. લોકો અંગ્રેજોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. એમને ભગાડવા માટે પોલીસે પહેલાં તો હવામાં ગોળીબાર કર્યો. આનાથી ટોળું વધારે ઉશ્કેરાયું અને પથ્થરમારો શરૂ કરી દીધો.  વાત કાબૂ બહાર જતી હતી એટલે પોલીસે સીધો જ ટોળા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. આમાં ત્રણ જણ માર્યા ગયા. પરંતુ લોકોને ગોળીબારની પરવા નહોતી. અંતે પોલીસ કર્મચારીઓ ભાગ્યા અને ચોકીમાં ઘૂસી ગયા અને બારણાં વાસી દીધાં.

લોકો હવે પોલીસ ચોકી સામે એકઠા થયા અને  ‘મહાત્મા ગાંધી કી જય’ના નારા પોકાર્યા અને સળગતા કાકડા ફેંક્યા. ચોકીને આગ લાગી ગઈ અને નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો. આમ પણ બહાર નીકળી શક્યા હોત તો લોકોએ એમને જીવતા રહેવા ન દીધા હોત. આ ઘટનામાં ૨૨ કર્મચારીઓ જીવતા બળી મર્યા.  પરંતુ બધા જ કદાચ બળીને ન મર્યા, અમુકને લોકોએ દરવાજામાંથી ભાગતાં મારી નાખ્યા હોવાની શક્યતા પણ તપાસમાં જાણવા મળી. એક જ રઘુવીર સિંહ નામનો કોંસ્ટેબલ મરી ગયો એવું જાહેર કરવામાં આવ્યું પણ એ બચી શક્યો હતો. એ એક માત્ર મુખ્ય સાક્ષી હતો.

સરકારે તો તરત ત્યાં માર્શલ લૉ લાગુ કરી દીધો અને ઘેરેઘેર ઝડતીઓ લેવાઈ. ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ. ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ બરાબર ચાલતો હતો પણ ચૌરી ચૌરાની ઘટના પછી ગાંધીજીને લાગ્યું કે લોકો હજી અહિંસા માટે તૈયાર નહોતા. એમણે અરાજકતા ન વધે એટલા માટે અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. જો કે નહેરુ વગેરે નેતાઓ પણ જેલમાં હતા. એમને ગાંધીજીનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો.

તે પછી આઠ મહિના કેસ ચાલ્યો. એમાં કુલ ૨૨૫ જણ સામે આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં. કોર્ટે એમાંથી ૧૭૨ને મોતની સજા કરી.

જો કે સ્થાનિકની કોંગ્રેસ કમિટીએ આ સજા સામે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી. અપીલમાં ૧૯ જણને મોતની સજા કરાઈ, બીજા ૧૪ને જનમટીપ મળી. બીજા બધાને આઠ વર્ષથી માંડીને બે વર્ષની સજા કરવામાં આવી. જુલાઈની બીજી તારીખથી ૧૧મી વચ્ચે ૧૯ જણને ફાંસી આપી દેવાઈ.

એમનાં નામ આ પ્રમાણે છેઃ

૧. નઝર અલી, ૨. ભગવાન આહિર, ૩. લાલ મોહમ્મદ, ૪. શ્યામસુંદર, ૫. અબ્દુલ્લા, ૬. વિક્રમ આહિર, ૭. દૂધી સિંહ, ૮. કાલી ચરણ, ૯. લખતી કુમાર, ૧૦. મહાદેવ સિંહ, ૧૧. મેઘુ અલી, ૧૨. રઘુવીર, ૧૩. રામલખન, ૧૪. રામરૂપ, ૧૫. સહદેવ, ૧૬. રૂદાલી, ૧૭. મોહન, ૧૮. સંપત અને ૧૯. સીતારામ.

અંગ્રેજી રાજના આ ઘોર વિરોધી શહીદો સમક્ષ સત્યાગ્રહના નિયમો, હિંસા-અહિંસાની ચર્ચામાં પડ્યા વિના નતમસ્તક થઈએ.

ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનું કારણ એ કે આવી હિંસા ઠેકઠેકાણે ફાટી નીકળી હોત અને હિંસક આંદોલન સંગઠિત ન રહી શકે કારણ કે લોકો પાસે સરકાર જેવાં હથિયારો હોય જ નહીં. એટલે દરેક જગ્યાએ એને દબાવી દેવાનું સરકાર માટે બહુ સહેલું થયું હોત. પરંતુ, જોવાનું એ છે કે ગાંધીજીની અહિંસાની વિરુદ્ધ હિંસા કરતી વખતે પણ આ લોકો મહાત્મા ગાંધીની જય બોલતા હતા! એનો અર્થ એ જ છે કે આઝાદીની ઇચ્છા દરેકની સ્વતંત્ર હતી અને દરેક જણ એ લડાઈ પોતે જ લડતો હતો. દરેકની આ ઇચ્છાનું નામ સૌએ પોતે જ  ‘ગાંધી’ રાખ્યું હતું.  આ શહીદો સભાનપણે કે સિદ્ધાંતમાં ગાંધીજીની વિરુદ્ધ નહોતા. એ સીધા સાદા ખેડૂતો હતા. પરંતુ જે સભાનપણે ગાંધીજીની ફિલસૂફીની વિરુદ્ધ હતા એમને મન પણ ‘ગાંધી’ નામ સ્વતંત્રતાના સંઘર્ષનું કેન્દ્રીય નામ હતું.

૦૦૦

સંદર્ભઃ

(૧)  વિકીપીડિયા

(૨)  Nishant Batsha, “Gandhi and Chauri Chaura: A Lacanian Reinterpretation of Gandhi through the Chauri Chaura Riot,” intersections 10, no. 3 (2009): 28-41.

Martyrs of Indian Freedom Struggle – 45 – Jalianwala Bagh [2]

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (૨)

બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા. લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા. બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી.

રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે. એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને “હિન્દીઓને પાઠ ભણાવવા” નીકળી પડ્યો. ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી.

સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી. “ગભરાઓ નહીં, એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે. પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો.

હંસ રાજે કહ્યું, “કંઈ નથી, એ ખાલી ટોટા છે, ડરવાની જરૂર નથી.” પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી. બચવા માટે ભાગતાં સ્ત્રી-પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં. સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ. બાળકો રઝળી પડ્યાં. ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો. જો કે આ સરકારી આંકડા છે, સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે. મરનારામાં હિન્દુ, શીખ અને મુસ્લિમ, બધા ભારતીયો હતા. લોહીમાં નહાયેલી, ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી.

કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો. વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી. શંકરન નાયરે રાજીનામું આપી દીધું. ‘સર’રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા. એમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું. નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે, તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ, કોરડા, જેલની સજા, મશીનગનો દ્વારા ગોળીબાર, ગામડાંઓ પર હવાઈ હુમલા, મિલકતની જપ્તી, મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ, અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા.

બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા. ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને “un-British” ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું. પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું. એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી; એ આવું ન કરે, પણ ડાયરે હત્યાકાંડ કરીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો. ડાયરના સમર્થક પણ ઘણા હતા. મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા. ડાયરને સન્માનવા માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું.

તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ. તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો. એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું. એણે કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી, જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા.

હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે

તમે શું કર્યું?

મેં ગોળીબાર કર્યો.”

તરત જ?”

તરત જ. મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો.”

એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી. કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું.

ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું. એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમારે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું? એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત, પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત.

કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ. આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા.

એમના જ સંયત શબ્દોમાં:  હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો. પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઈએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.

આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો.

લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.

આ કમિટીનો રિપોર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ… એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે. એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો. જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમાં મૂકવામાં નથી આવી. આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સારુ કેટલી હદ સુધી જઈ શકે છે, કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે…

અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું – “પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અમૃતસરે એને હચમચાવી નાખ્યો.”

જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ’ડ્વાયર પંજાબનો ગવર્નર હતો. વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ’ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા.

૦૦૦

સંદર્ભઃ

  • Massacre At Amritsar, Rupert Furneaux, George Allan & Unwin Ltd. (publication year not available) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • British Reaction to the Amritsar Massacre, Derek Sayer, University of Alberta. Namdhari elibrary, namdharielibrary@gmail.com (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
  • Centenary History of Indian National Congress, 1985
    • સત્યના પ્રયોગો, મો. ક. ગાંધી (ભાગ-૫, પ્રકરણ ૩૫).

Martyrs of Indian Freedom Struggle – 44 – Jalianwala Bagh [1]

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (૧)

પહેલું વિશ્વયુદ્ધ  ચાલતું હતું ત્યારે સરકારે ;ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ લાગુ કર્યો હતો, પણ એનો તો યુદ્ધના અંત સાથે જ અંત આવી ગયો. બીજી બાજુ દેશમાં ક્રાન્તિકારી પ્રવૃતિઓ વધતી જતી હતી અને એને કેમ કાબૂમાં રાખવી તેની ભારે વિમાસણ સરકાર અનુભવતી હતી. પરંતુ એને લોકશાહી રસ્તા તો ક્યાંથી સૂઝે? એટલે એક જસ્ટિસ સિડની રૉલેટની આગેવાની હેઠળ સરકારે એક કમિટી બનાવી. કમિટીની ભલામણ પ્રમાણે બે બિલ બન્યાં – એક બિલથી ડિફેંસ ઑફ ઇંડિયા ઍક્ટમાં સુધારો કરાયો અને બીજા બિલ દ્વારા એક નવો કાયદો બન્યો – Anarchical and Revolutionary Crimes Act.  એ જ રૉલેટ ઍક્ટ. એમાં સરકારને અમર્યાદિત સત્તા મળી, જેમ કે કોઈ પણ વ્યક્તિને વૉરંટ વિના પકડી શકાય, જ્યૂરીને બોલાવ્યા વિના જ એની સામે બંધબારણે કેસ ચલાવી શકાય વગેરે.

૧૯૧૮ના જુલાઈમાં આ કાયદો જાહેર થયો કે તરત જ એની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો. રાજકીય નેતાઓએ એને ભારતમાં મૂળભૂત હકો પરના હુમલા તરીકે ઓળખાવ્યો. વર્તમાનપત્રો પણ ઊકળી ઊઠ્યાં.

ગાંધીજી હવે રાજકીય મંચના મધ્ય ભાગમાં આવી ગયા. એમણે ૧૯૧૯ની ૨૪મી ફેબ્રુઆરીએ વાઇસરૉયના અંગત મંત્રી મૅફીને તાર કરીને રૉલેટ ઍક્ટનો વિરોધ કર્યો અને એની સામે સત્યાગ્રહ કરવાની નોટિસ આપી દીધી.

આમ છતાં, બન્ને વિધેયકોને કાયદાનું રૂપ મળી ગયું. હવે ગાંધીજીએ લડતનો દોર સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધો. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ વગેરે વીસ જણની મીટિંગ બોલાવી અને સત્યાગ્રહ સભાની પણ સ્થાપના કરી અને  એના સોગંદપત્ર પર બધાએ સહીઓ કરી. એમણે પહેલાં ૩૦મી માર્ચે આખા દેશમાં હડતાળ માટે એલાન કર્યું. આ દિવસે બધાએ ઉપવાસ કરવાના હતા. જો કે આ તારીખ પછી તરત જ બદલીને ૬ઠ્ઠી ઍપ્રિલ કરી દેવાઈ.

દિલ્હી

તારીખ બદલ્યાના સમાચાર દિલ્હીમાં ન પહોંચ્યા. એટલે આંદોલનકારીઓએ ૬ઠ્ઠી ઍપ્રિલ સુધી રાહ ન જોઈ. કોંગ્રેસે જાહેર કરેલી મૂળ તારીખે, ૩૦મી માર્ચે જ, રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું. દિલ્હીની જનતાનો રોષ ભભૂકી ઊઠ્યો અને ઠેરઠેર લોકો રસ્તાઓ પર આવીને વિરોધ કરવા લાગ્યા. ભીડને વીખેરી નાખવા અને ડરાવવા, વસાહતવાદી સરકારે હિંસાનો આશરો લીધો અને ગોળીબારનો છૂટથી ઉપયોગ કર્યો. આમાં ઘણાના જાન ગયા. આમાંથી અમુક શહીદોનાં નામ મળી શક્યાં છે. એમને અંજલિ આપવા માટે અહીં એ નામો આપ્યાં છેઃ.

આતમ પ્રકાશ, ચંદર ભાન, ચેત રામ, ગોપી નાથ, મામ રાજ, રાધા શરણ, રાધે શ્યામ, રામ લાલ, રામ સરૂપ, રામ સિંઘ, ચંદર મલ રોહતગી.

બ્રિટિશ આર્મીના ગોળીબારમાં આ બધા શહીદ થયા, અને દિલ્હીમાં ટાઉન હૉલ પાસે બ્ર્રિટિશ આર્મીની ટૂકડીએ અબ્દુલ ગનીને બેયોનેટ ભોંકીને મારી નાખ્યા.

પંજાબ

દિલ્હીની આગ પંજાબ પહોંચતાં આખો પ્રાંત સળગી ઊઠ્યો. ગવર્નર માઇક્લ ઑ’ડ્વાયરને  અંગત રીતે હિન્દવાસીઓ, અને તેમાંય શિક્ષિત હિન્દીઓ દીઠા નહોતા ગમતા. એટલે જ્યારે પંજાબમાં વિરોધ પ્રબળ બન્યો ત્યારે એ અકળાઈ ગયો અને દમનકારી પગલાં લેવાનું શરૂ કરી દીધું. પ્રાંતમાં માર્શલ લૉ લાગુ કરી દેવાયો. આ જુલમ સામે લાહોરમાં વીસ હજાર માણસો શાંતિપૂર્વક સરઘસમાં જોડાયા. પંજાબના મુલ્કી અને લશ્કરી આગેવાનોને આમાંથી બળવાની ગંધ આવી.

હડતાળની તારીખ ૩૦મી માર્ચ બદલીને છઠ્ઠી ઍપ્રિલ થઈ ગઈ હતી તે સમાચાર પંજાબમાં પણ પહોંચ્યા નહોતા. ૨૯મી માર્ચે ડૉ. સત્યપાલ અમૃતસરમાં ભાષણ કરવાના હતા પણ ઓ’ડ્વાયરે એમના પર પ્રતિબંધ મૂકી દીધો. છાપાંઓ પર પણ સેન્સરશિપ લાદી દીધી. ૩૦મીએ ડૉ. સૈફુદ્દીન કિચલૂએ જલિયાંવાલા બાગમાં સભાને સંબોધી. આથી અમૃતસરમાં ક્રોધ અને આવેશનું મોજું ફરી વળ્યું. ગાંધીજીને પંજાબના નેતાઓએ બોલાવ્યા હતા પણ એમને ટ્રેનમાંથી જ ધરપકડ કરીને પાછા મુંબઈ પ્રાંતની સરકારની નજર નીચે મોકલી દેવાયા.

પરંતુ નેતાઓએ છઠ્ઠી ઍપ્રિલે પણ હડતાળ પાડવાનો નિર્ણય જાહેર કર્યો. અમૃતસરના ડેપ્યૂટી કમિશનર માઇલ્સ ઇર્વિંગે નેતાઓને બોલાવીને હડતાળ ન કરવાનો આદેશ આપ્યો; કેટલાક નેતાએ એ હુકમ કબૂલ્યો પણ ડૉ. કિચલૂ અને ડૉ. સત્યપાલ મક્કમ રહ્યા. ગાંધીજીએ અહિંસક અને શાંતિપૂર્ણ સત્યાગ્રહની યોજના બનાવી હતી. એમણે અપીલ કરી હતી કે –

આપણે હવે એ સ્થિતિમાં છીએ કે ગમે તે ઘડીએ આપણી ધરપકડ થશે એમ ધારી લેવું જોઈએ. એટલે એ ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે કોઈની ધરપકડ થાય તો એણે કંઈ પણ અડચણ ઊભી કર્યા વિના પકડાઈ જવાનું છે અને કોર્ટમાં હાજર થવાનો હુકમ મળે તો એ પણ કરવાનું છે. પરંતુ કોર્ટમાં પોતાનો બચાવ નથી કરવાનો કે કોઈ વકીલ પણ રાખવાના નથી.”

પરંતુ આ પાઠ હજી લોકોએ બરાબર પચાવ્યો નહોતો. નવમી એપ્રિલે રામનવમી હતી. પણ આ સરઘસ જુદા પ્રકારનું હતું.એમાં મુસલમાનો પણ જોડાયા અને મહાત્મા ગાંધી કી જય’ અને હિન્દુ-મુસલમાન કી જય’ જેવાં સૂત્રો પોકારાતાં હતાં. મુસલમાનોના જોડાવાથી હિન્દુઓના ધાર્મિક સરઘસનું મહત્ત્વ વધી ગયું. ઑ’ડ્વાયર લાલપીળો થઈ ગયો. હડતાળ જડબેસલાખ રહી અને આખું અમૃતસર બંધ રહ્યું. તે પછી આ બન્ને યુવાન નેતાઓ ડૉ કિચલૂ અને ડૉ. સત્યપાલને તરીપાર કરવાનો એણે હુકમ આપ્યો.

રાતે આખા અમૃતસરમાં આ સમાચાર ફેલાઈ જતાં રોષ વધ્યો, ઠેકઠેકાણે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં. રેલવેના પુલ પર ઘોડેસવાર પોલીસે ચાર જણને મોતને ઘાટે ઉતારી દીધા. લોકો ઘાયલો અને લાશોને ખભે ઉપાડીને આગળ વધ્યા. ડેપ્યૂટી કમિશનર માઇલ્સે આવીને લોકોને શાંતિથી વીખેરાઈ જવાની અપીલ કરી પણ લોકોએ એના પર લાઠીઓ અને પથ્થરોનો મારો કર્યો. સૈનિકોએ ગોળીબાર કરતાં વીસ જણનાં મૃત્યુ થયાં. બે વકીલો ગુરદયાલ સિંઘ અને મકબૂલ મહેમૂદ આર્મી અને લોકોને સમજાવવા મથતા હતા પણ ભીડમાં માંડ મરતાં બચ્યા. આ ખૂંખાર અથડામણ વચ્ચે એક ઘાયલે હિન્દુ-મુસલમાન કી જય’ પોકારતાં અંતિમ શ્વાસ લીધા.

ટોળું એક બૅન્ક પર ત્રાટક્યું. મૅનેજરે પોતાની રિવૉલ્વરમાંથી ગોળીઓ છોડી પણ લોકો ભાગ્યા નહીં. એમણે મૅનેજરને પકડી લીધો અને લાઠીઓ વરસાવીને એને મારી નાખ્યો અને બૅન્કના ફર્નીચર સાથે જ એની લાશને બાળી નાખી. ટાઉનહૉલ, પોસ્ટ ઑફિસ, એક રેલવે સ્ટેશન અને મિશન હૉલને પણ આગ ચાંપી દેવાઈ. ભીડ તે પછી સ્ત્રીઓ માટેની હૉસ્પિટલ તરફ વળી. એવી અફવા હતી કે એની ઇનચાર્જ ડૉક્ટર ઈસબેલ મૅરી ઈઝડન ઘાયલો પર હસી હતી. લોકો એને શોધતા હતા.

એક મિશનરી મિસ માર્શેલા શેરવૂડ પાંચ સ્કૂલોની સુપરિંટેંડન્ટ હતી. રમખાણો થતાં એ સાઇકલ પર સ્કૂલો બંધ કરાવવા નીકળી. ટોળાએ એને જોઈ લીધી. એને પકડીને ખૂબ મારપીટ કરી અને મરેલી જાણીને ટોળું આગળ નીકળી ગયું.

ઑ’ડ્વાયરને આ બધા સમાચાર મળતાં એણે કર્નલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને અમૃતસરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી એને સોંપી દીધી. ડાયરે ૧૧મીની રાતે આવીને જે ગલીમાં મિસ શેરવૂડ પર હુમલો થયો હતો એ બંધ કરી દીધી. એણે હુકમ આપ્યો કે આ જગ્યા પવિત્ર છે અને જે કોઈ અહીંથી પસાર થશે તેણે ઘૂંટણિયે પડીને ચાલવું પડશે – એણે દલીલ આપી કે શીખો અને હિન્દુઓની તો એ રીત છે કે દેવતા સામે સાષ્ટાંગ દંડવત્ કરવાં!

૧૨મી ઍપ્રિલે જ એ શહેરમાં સૈનિકોની ટુકડી સાથે ફર્યો.

હજી સત્યાગ્રહીઓ મક્કમ હતા. એક બાજુ ડાયર લોકોમાં ફરીને ધમકી આપતો હતો કે લશ્કર કોઈ પણ પગલું ભરતાં અચકાશે નહીં, તો બીજી બાજુ સત્યાગ્રહીઓ લોકોમાં ફરીને એલાન કરતા હતા કે ૧૩મીએ બૈસાખીના પર્વને દિવસે જલિયાંવાલા બાગમાં જાહેર સભા મળવાની છે…!

(ક્રમશઃ)

૦૦૦

Martyrs of Indian Freedom Struggle – 43 – Madan Lal Dhingda

મદન લાલ ધિંગડા

આપણે વચ્ચે એક ૧૯૦૯ના શહીદને છોડી આવ્યા છીએ. કથાને સળંગ રાખવા માટે એ જરૂરી  લાગ્યું હતું. પણ એમને ભૂલી નથી ગયા.

મદન લાલ ધિંગડા અમૃતસરના એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતા રાયસાહેબ દિત્તામલ ધિંગડા પ્રતિષ્ઠાવાન  સિવિલ સર્જન હતા. એમના છ બંગલા હતા. અંગ્રેજો સાથે એમની  મિત્રતા હતી. એમના બધા પુત્રો પણ ઊંચી પાયરીએ પહોંચ્યા. આવા કુટુંબમાં  મદન લાલના રૂપમાં એક વિદ્રોહી પાક્યો.

મદન લાલ આગળ અભ્યાસ માટે  ૧૯૦૬માં લંડન ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા અને ઇંડિયા હાઉસ સાથે જોડાયા. ઇંડિયા હાઉસ ભારતથી આવતા વિદ્યાર્થીઓનું મળવાનું સ્થાન હતું. બંગભંગ પછી દેશમાં વાતાવરણમાં ગરમી હતી અને ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી સત્તા સામે ક્રોધની લાગણી સાથે બ્રિટન આવતા હતા. વિનાયક દામોદર સાવરકર પણ ૧૯૦૬માં જ લંડન પહોંચ્યા. ઇંડિયા હાઉસમાં મદન લાલ અને સાવરકર મળ્યા. મદન લાલ શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાર વિચારોથી પ્રભાવિત થયા એટલા જ સાવરકરના સાંસ્કૃતિક વિચારોથી પણ પ્રભાવિત થયા. બ્રિટિશ સરકારે તે પછી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો એટલે એ લંડન છોડીને પૅરિસ ચાલ્યા ગયા. તે પછી મદન લાલ અને સાવરકર સાથે મળીને કામ કરવા લાગ્યા. સાવરકરે અભિનવ ભારત નામની સંસ્થા બનાવી હતી, મદન લાલ એમાં જોડાયા અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી. મદન લાલ અંગ્રેજોની વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા છે એવી પિતાને ખબર મળતાં એમણે મદન લાલને પુત્ર ગણવાનો ઇનકાર કરી દીધો અને એમની સાથેના બધા સંબંધ કાપી નાખ્યા.

થોડા વખત પછી  મદન લાલ ઇંડિયા હાઉસ છોડી ગયા.  કર્ઝન વાઇલી એ વખતના હિન્દુસ્તાન માટેના પ્રધાનનો રાજકીય મદદનીશ હતો. એ ભારતમાં કામ કરી ચૂક્યો હતો. અને મદન લાલના પિતા દિત્તામલનો મિત્ર પણ હતો. લંડન પાછા ગયા પછી એમ કહેવાતું કે એ હિન્દુસ્તાનીઓને જાસૂસ બનાવે છે. મદન લાલ વાઇલીને ઓળખતા હતા અને ખરું જોતાં, એ લંડન આવ્યા ત્યારે વાઇલી પર જ ભલામણનો પત્ર લઈને આવ્યા હતા. હવે એમણે વાઇલીની હત્યા કરવાનું નક્કી કરી લીધું

તે પછી ૧ જુલાઈ ૧૯૦૯ના ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનના વાર્ષિક કાર્યક્રમમાં વાઇલી અને એની પત્ની આવ્યાં ત્યારે  મદન લાલ આગળ ધસ્યા અને વાઇલીના મોઢા પર પાંચ ગોળી છોડી દીધી, એમાંથી એક જ આડે ફંટાઈ ગઈ.  તે પછી મદન લાલે આપઘાત કરવા માટે પોતાને જ લમણે પિસ્તોલ ગોઠવી પણ ગોળી છોડે તે પહેલાં જ એમને પકડી લેવાયા. દોઢ મહિનો કેસ ચાલ્યો પણ મદન લાલે પોતાનો બચાવ ન કર્યો. એમણે વકીલ પણ નહોતો રાખ્યો. જો કે એમના પિતાએ વકીલ રાખ્યો હતો પણ વકીલે મદન લાલનો બચાવ કરવાનો નહોતો, માત્ર કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનું હતું અને એના સમાચાર અમૃતસરમાં દિત્તામલને મોકલવાના હતા.

કોર્ટે જ્યારે એમની મોતની સજા કરી ત્યારે પણ મદન લાલે જજનો આભાર માન્યો અને કહ્યું કે ” મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો.” ૧૭મી ઑગસ્ટે એમને ફાંસી આપી દેવાઈ. એ હસતે મુખે આ દુનિયા છોડી ગયા. દેશની બહાર લંડનમાં હિન્દુસ્તાન માટે મરી ખપનારા એ પહેલા અને એક માત્ર વીર છે.

જો કે એમના પછીની પારિવારિક પેઢી હજી પણ એમના પૂર્વજ રાયસાહેબ દિત્તામલના હુકમને માને છે અને મદન લાલની શહીદીને સો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અંજલી  આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવાનો એમણે ઇનકાર કર્યો હતો.

૦૦૦

સંદર્ભઃ

  1. mygov-999999999590844/pdf
  2. વિકીપીડિયા

Martyrs of Indian Freedom Struggle – 42 – Brave Gadar Revolutionaries (5)

 

ચબ્બા ગામમાં ધાડ

૧૯૧૫ની બીજી ફેબ્રુઆરીએ ગદરીઓએ ચબ્બા ગામે ધાડ પાડી તે ગદર પાર્ટી માટે ભારે નુકસાનકારક સાબીત થઈ. એમાં પકડાયેલા ગદરીઓમાંથી એક કાકા સિંઘે પોલીસના જુલમને કારણે બધું કબૂલી લીધું અને એમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી દીધી. આના પછી પોલીસે ડેપ્યુટી સુપરિંટેંડન્ટ લિયાકત હયાત ખાનને ગદર પાર્ટીમાં જાસુસ ગોઠવી દેવાની જવાબદારી સોંપી. લિયાકતે કૃપાલ સિંઘ નામના શખ્સ મારફતે ૨૩મી ડિવીઝનમાં કામ કરતા એના ભત્રીજા બલવંત સિંઘને કામે લગાડ્યો. ૨૧મી ફેબ્રુઆરીએ વિદ્રોહ થશે એ બલવંતે જાણી લીધું. વિદ્રોહ વિશે ચર્ચા કરવા ૧૪મીએ બધા નેતાઓ લાહોરમાં એક મકાનમાં એકઠા થયા. બલવંતનો લાહોર પોલીસમાં કોઈ સંપર્ક નહોતો એટલે એણે અમૃતસરમાં પોલીસને તાર દ્વારા આ બેઠકની જાણ કરી. પણ ત્યાંથી કોઈ ન આવ્યું. બીજા દિવસે બલવંતને નજીકના ગામે માહિતી પહોંચાડવા મોકલ્યો પણ તેને બદલે એ સ્ટેશને ગયો. ત્યાં ગદર પાર્ટીના બે નેતા હતા. એમને શંકા પડી કે બલવંત કંઈક કરે છે. એ દિવસે પોલીસ ટુકડી આવી પણ બેઠક જ્યાં મળી હતી તે મકાનમાં એ વખતે માત્ર ત્રણ જણ હતા એટલે પોલીસને લાગ્યું કે છાપો મારવાનો અર્થ નથી, બધા ભેગા થાય તેની રાહ જોવી જોઈએ. આવા કેટલાક બનાવો બન્યા પછી ગદરના નેતાઓએ વિદ્રોહ ૨૧મીને બદલે ૧૯મીએ જ કરવાનું નક્કી કર્યું કે જેથી જાસૂસો અંધારામાં રહે. પણ ૧૯મીની સવારે કૃપાલ સિંઘના સંકેત પરથી પોલીસે એ મકાનમાં જેટલા ગદરી હતા એમને પકડી લીધા. ૧૯મીની રાતે ફિરોઝપુરથી ટ્રેનમાં પચાસેક ગદરીઓ કરતાર સિંઘ સરાભાની સરદારી નીચે લાહોર ઊતર્યા. એમણે સાથે ઢોલ અને હાર્મોનિયમ પણ રાખ્યાં હતાં કે જેથી કીર્તનનો ‘જથ્થો’ (મંડળી) છે એમ લાગે. ત્યાંથી તો એ હેમખેમ નીકળી ગયા પણ ૨૦મીની સવારે બજારમાં પોલીસ સાથે એમની ચડભડ થઈ ગઈ. એક જણે પોલીસ પર ગોળી ચલાવી દીધી. પછી એક જગ્યાએ પાણી પીવા રોકાયા ત્યાં ત્રણમાંથી એક પકડાઈ ગયો અને બે ભાગી છૂટ્યા.

કરતાર સિંઘ સરાભા અને બીજા બધા પંજાબ છોડી દેવાની તૈયારીમાં હતા ત્યાં તો પોલીસે આવીને છાપો માર્યો અને બધાને પકડી લીધા.

લાહોર કાવતરા કેસ

બધા સામે કેસ માંડવામાં આવ્યો જે આપણા ઇતિહાસમાં ‘પહેલા લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. આમાં બે જણને ફાંસી અપાઈ. પરંતુ પંજાબના ગવર્નર માઇક્લ ઑડ્વાયરને શાંતિ નહોતી થઈ. એણે ‘ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ મંજૂર કરાવ્યો અને વ્યાપક સત્તાઓ મેળવી લીધી.

તે પછી ૮૧ જણ સામે જુદા જુદા કેસ દાખલ થયા.

કેસ દરમિયાન આરોપીઓની ઓળખ પરેડમાં એક સાક્ષી આરોપીઓને ઓળખી ન શક્યો. એણે કહ્યું કે આરોપીઓએ પાઘડીઓ બદલી નાખી છે એટલે ઓળખાતા નથી. આ સાંભળીને આરોપીઓમાંથી એક જ્વાલા સિંઘે કહ્યું કે પાઘડી બદલી છે, ચહેરા નથી બદલ્યા. જજ આ સાંભળીને ખિજાયો. એણે તરત જ જ્વાલા સિંઘને ત્રીસ કોરડા મારવાનો હુકમ કરી દીધો.

કૅનેડાથી આવેલા ગદરના નેતા બલવંત સિંઘ ખુર્દપુર માટે ઑડ્વાયરે પોતે જ લખ્યું કે આ ખૂંખાર ગદરી છે. આ ટિપ્પણીને કારણે એમને મોતની સજા કરવામાં આવી.

૧૮ વર્ષના કરતાર સિંઘ સરાભાએ પણ કબૂલ્યું કે એ વિદ્રોહ કરવા માગતા હતા. જજે એમની ઉંમરને ધ્યાનમાં લઈને કહ્યું કે એણે અપરાધ કબૂલ ન કરવો જોઈએ. વિચાર કરવા માટે સરાભાને એક દિવસ આપવામાં આવ્યો. બીજા દિવસે પણ એમણે એ જ જવાબ આપ્યો. એમને પણ ફાંસીની સજા કરવામાં આવી.

સરદાર સોહનસિંઘ ભકના સહિત ૨૪ જણને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ એમાંથી એક પણ જણે દયાની અરજી ન કરી. ફાંસીની આગલી રાતે બધા ગદરનાં ગીતો ગાતા રહ્યા. મળસ્કે જેલનો અધિકારી આવ્યો અને સમાચાર આપ્યા કે સોહન સિંઘ ભકના સહિત ૧૭ જણની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવાઈ છે.

બીજા દિવસે ૧૯૧૫ની ૧૬મી નવેમ્બરની સવારે કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસી આપી દેવાઈ.

શહીદેઆઝમ ભગત સિંઘ એ વખતે આઠ વર્ષની ઊંમરના હતા. સરાભાના બલિદાને એમના મન પર ભારે અસર કરી હતી. કરતાર સિંઘ સરાભા એમના માટે આદર્શ રૂપ હતા અને ભગત સિંઘ એમના જેમ જ પોતાનું બલિદાન આપવાનાં સપનાં જોતા હતા.

૦૦૦

સંદર્ભઃ

  1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

Martyrs of Indian Freedom Struggle – 41 – Brave Gadar Revolutionaries (4)

પ્રથમ વિશ્વયુદ્ધ અને કડક સરકારી જાપ્તો

ગદર પાર્ટીના કાર્યકર્તાઓ સરકારની નજરમાં હતા અને  સરકાર જાણતી હતી કે કામાગાટા મારૂના મુસાફરો ગદર પાર્ટીના સંપર્કમાં હતા. સરકારે વિદેશથી આવતા કોઈ પણ માણસની હિલચાલ શંકાસ્પદ લાગે તો એને પકડીને પોલીસને હવાલે કરી દેવાની બંગાળ અને મદ્રાસ પ્રાંતોને સત્તા આપી હતી. કાલપીમાં જહાજ લાંગર્યું કે તરત પોલીસો એમાં ઝડતી લેવા ચડી ગયા. મુસાફરોએ તો એના માટે તૈયારી રાખી જ હતી. એમણે ગદર પાર્ટીનાં ચોપાનિયાં, છાપાં વગેરે સમુદ્રમાં ફેંકી દીધાં હતાં. બાબા સોહન સિંઘ ભકનાએ બે પેટી ભરીને પિસ્તોલો અને ગોળીઓ આપી હતી તેમાંથી ઘણી કટાઈ ગઈ હતી, તે બધી ફેંકી દઈને કામ આવે તેવી સારી પિસ્તોલો અને ગોળીઓ સંતાડીને રાખી દીધી હતી. પોલીસે ત્રણ દિવસ જહાજના ખૂણેખૂણે કેટલીયે વાર તપાસ કરી પણ કંઈ વાંધાજનક ન મળ્યું એટલે ૨૯મી સપ્ટેમ્બરે પોલિસે જહાજને કાલપીથી બજબજ ઘાટ લઈ જવાનો હુકમ કર્યો. બજબજ ઘાટ પર એક ખાસ ટ્રેન તૈયાર રાખવામાં આવી હતી. સરકારની યોજના એવી હતી કે મુસાફરોને જહાજથી ઉતારીને સીધા ટ્રેનમાં બેસાડી દઈને પંજાબ પહોંચાડી દેવા.

પોલીસે મુસાફરોને પોતાનો સામાન સાથે લેવા ન દીધો, પણ મુસાફરોએ ગુરુ ગ્રંથસાહેબનું સુખાસન ઉપાડી લીધું. ધરમની વાતમાં પોલીસના ગોરા અફસરોનું કંઈ ચાલે એમ નહોતું. જહાજમાં બે બાળકો સહિત ૩૨૧ મુસાફરો હતા, તેમાંથી ૫૯ તો ટ્રેનમાં બેસી ગયા. બાકીના મુસાફરોએ બજબજ ઘાટ પર ઊતરીને ટ્રેનમાં બેસવાની ના પાડી અને કલકત્તા જવાની માગણી કરી. એમણે કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબને કલકત્તાના ગુરુદ્વારામાં મૂકીને પછી જ બીજાં કામો કરશે. સિપાઈઓ એમને ધકેલતાં સ્ટેશને લઈ ગયા પણ એ ટ્રેનમાં ન ચડ્યા અને બેસી જઈને સબદ-કીર્તન કરવા લાગ્યા. શું કરવું તે કોઈને સમજાતું નહોતું. ઓચિંતા જ મુસાફરો સુખાસન ઊંચકીને કલકત્તા તરફ ચાલવા લાગ્યા. ગુરુ ગ્રંથસાહેબ હોવાને કારણે એમની સામે બળજબરી પણ વાપરી શકાય તેમ નહોતું. ગોરા અફસરો એમને રોકવાની કોશિશ કરતા રહ્યા પણ એમને પાછા વાળવામાં કલાકો લાગી ગયા. અંતે જો કે એમણે બધા મુસાફરોને સ્ટેશને પહોંચાડી દીધા.

રક્તપાત

રંતુ એમની ટ્રેન તો નીકળી ગઈ હતી. અફસરો બીજી ટ્રેનની વેતરણમાં હતા, ત્યારે સાંજનું અંધારું ઊતરવા લાગ્યું હતું. રાતવાસો કોઈ ખાલી જગ્યામાં કરવો પડે એમ હતું. મુસાફરો ફરી સુખાસનને ગોઠવીને બેઠા અને સબદ-કીર્તનમાં લાગી ગયા. એ જ વખતે સુપરિન્ટેન્ડન્ટ ઈસ્ટવૂડ હાથમાં સોટી સાથે ગુરદિત્તા સિંઘને બોલાવવા આવ્યો. એનું આ રીતે ગ્રંથસાહેબ સમક્ષ આવવું સૌને અપમાન જેવું લાગ્યું. ગુસ્સાની એક લહેર દોડી ગઈ. એમણે ઈસ્ટવૂડને ઘેરી લીધો. એક જણે એના હાથની સોટી ઝુંટવી લીધી. ઈસ્ટવૂડે પિસ્તોલ કાઢીને બે ગોળી છોડી. કોઈને ઈજા ન થઈ પણ રોષ ભભૂકી ઊઠ્યો. મુંશા સિંઘ નામનો એક મુસાફર જહાજમાંથી ઊતરતી વખતે એક પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો, એણે વળતો ગોળીબાર કર્યો તેમાં ઈસ્ટવૂડ માર્યો ગયો, બીજા એક અફસર પૅટ્રીને જાંઘમાં ગોળી વાગી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંદુકધારી સૈનિકોની ટુકડી ઊભી હતી. ગોળીઓની રમઝટ વચ્ચે પણ મુસાફરોએ પોલીસો પર હુમલો કર્યો. એમની બંદૂકો અને તલવારો ઝુંટવીને એમના પર જ હુમલો કર્યો. કેટલાક સિપાઈ આમાં માર્યા ગયા કે ઘાયલ થયા. પરંતુ ફોજીઓના હુમલા સામે મુસાફરો ટકી ન શક્યા. એ બજાર તરફ ભાગ્યા તો  ત્યાં પણ એમને નિશાન બનાવ્યા.

ધીંગાણું બંધ થયું ત્યારે આ અંધાધૂંધીમાં પચાસ-સાઠ મુસાફરો ભાગી છૂટ્યા હતા; ૧૨ જણના જાન ગયા. બીજી લાશો સમુદ્રકાંઠે કે બજારમાં મળી. સાતને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલ પહોંચાડવા પડ્યા. બીજા ૨૯ને કેદ કરી લેવાયા. આના માટે તપાસ પંચ નિમાયું તેના રિપોર્ટ પ્રમાણે ૩૨૧માંથી ૨૬૦ જેલોમાં હતા અને ૧૯નાં મોત ગોળીથી થયાં હતાં.

૦૦૦

કામાગાટા મારૂની ઘટના ગદર પાર્ટીના સશસ્ત્ર સંઘર્ષના ઇતિહાસનું મહત્વનું અંગ છે, પરંતુ મુખ્ય અંગ નથી. એ મુખ્ય ઝાડમાં ફૂટેલી નવી શાખા છે, એક મહત્વની આડકથા છે. એ કથા ગદર પાર્ટીના કાર્યક્રમનો ભાગ નહોતી પરંતુ સૈદ્ધાંતિક રીતે એ ગદરના સિદ્ધાંતોની નજીક હતી. પરંતુ કામાગાટા મારૂ સાથે ગદરની કથાનો અંત નથી આવતો.

ઠેકઠેકાણેથી આવેલા ગદરીઓએ ધીમે ધીમે સૈન્યમાં પણ ઘૂસવાનું શરૂ કર્યું. સૈનિકો કે સિપાઈઓમાં ઘણાખરા ગામડાંના હતા એટલે ગદર પાર્ટીનો પ્રચાર તો એમના સુધી પહોંચ્યો હતો. અમુક સ્તરે એમના તરફથી સહકાર મળવાની પણ આશા હતી. આ સ્થિતિમાં એમણે બે આર્મી કૅમ્પો પર હુમલા કરવાનું નક્કી કર્યું. આમાં ૨૩મી ડિવીઝનના સિપાઈઓ પણ સામેલ થવાના હતા. બધા એના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કરવાના હતા. પણ આર્મીનાઅ એક ગ્રંથિએ (ધાર્મિક શીખ કર્મચારીએ) એમને વાર્યા. જો કે ચાર ઘોડેસવારો વિદ્રોહીઓ જ્યાં હતા ત્યાં મોડેથી પહોંચ્યા પણ એ વખતે તો બધા ચાલ્યા ગયા હતા. આમ કૅમ્પ પર હુમલા કરવાની યોજના નિષ્ફળ રહી.

એ જ રીતે ફિરોઝપુર કૅંટોનમેન્ટ પર હુમલો કરવામાં એમને નિષ્ફળતા મળી. ્હુમલો કરવાના ઇરાદે ગયા તો હતા પણ એમને સમાચાર મળ્યા કે ૩૦મી નવેમ્બર સુધીમાં એમને આર્મીનાં હથિયાર એક કૅમ્પમાંથી મળી જશે. એટલે બધા ટ્રેનમાં બેસીને પાછા ફરી ગયા. તેમ છતાં અમુક રહી ગયા તે ટાંગાઓ કરીને પાછા જતા હતા. સંયોગોવશાત એ દિવસે પોલીસ દળનો એક મોટો અધિકારી ત્યાં આવવાનો હતો એટલે સિપાઈઓએ ટાંગા રોકીને બધાને જમીન પર બેસાડી દીધા. એક સિપાઈને શું સૂઝ્યું કે એણે એક ગદરી રહમત અલી વાજિદને થપ્પડ મારી દીધી. આ જોઈને ભગત સિંઘ કચ્ચરમનને ગુસ્સો આવી ગયો અને એણે કંઈ જોયા જાચ્યા વગર પોતે ઓઢેલી ચાદરમાં છુપાવેલી પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો. એમાં સિપાઈઓની ટુકડીનો લીડર માર્યો ગયો. એના બચાવમાં આવેલો બીજો એક સિપાઈ પણ માર્યો ગયો. પરંતુ તે પછીં વિદ્રોહીઓ ભાગી જવાને બદલે ઝાડીઓમાં છુપાઈ ગયા. થોડી વારમાં પોલીસની મોટી ટુકડી આવી અને આખા વિસ્તારને ઘેરી લીધો. હવે ગદરીઓ બચી શકે તેમ નહોતા. બે પોલીસના નિશાને ચડી ગયા અને બાકીના બીજા પકડાઈ ગયા. એમના પર કેસ ચલાવીને તાબડતોબ સાતને મૃત્યુદંડ આપવામાં આવ્યો, બીજાને પણ સખત કેદની સજા થઈ. જે હાથમાં ન આવ્યા એમને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યા.

ગદર ગાથા હજી આગળ ચાલશે

૦૦૦

સંદર્ભઃ

  1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

Martyrs of Indian Freedom Struggle – 40 – Brave Gadar Revolutionaries (3)

કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના

કામાગાટા મારૂ જહાજની ઘટનાને ગદર પાર્ટીની આઝાદીની હાકલ સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય. બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું.

આપણે જોયું કે ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી. બ્રિટિશ સામ્રાજ્યનો કોઈ પણ નાગરિક એની કોઈ પણ વસાહતમાં વસી શકે એવો કાયદો હતો પણ કેનેડાએ નવો કાયદો બનાવ્યો કે બ્રિટિશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ. એશિયનો માટે  આ શક્ય નહોતું. જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી.

રદાર ગુરદિત્તા સિંઘ

આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્તા સિઘે હિંમત કરી. એના માટે તો એ ધંધો હતો. ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું. જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું. ગુરદિત્તા સિંઘ ફરી હોંગકોંગ ગયો, ત્યાંથી મુસાફરો લીધા, શાંગહાઈથી પણ મુસાફરો ચડ્યા. જાપાનના મોજો બંદરેથી પણ મુસાફર મળ્યા. આમ જહાજ સીધું તો જતું નહોતું!

કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી. ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા. હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી.

 જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં ત્યારે ગુરદિત્તા સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી. બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી.

આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો.  આના પર વિચાર કરવા ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા. એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો. હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું.  આમ છતાં કૅનેડા સરકાર મુસાફરોને આવવા દેવા માટે તૈયાર ન જ થઈ.

નફાનુકસાનનો હિસાબ?

પરંતુ હવે નવો ફણગો ફૂટ્યો. નવા લીઝધારકોએ ગુરદિત્તા સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો. જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન પણ ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્તા સિંઘે વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી. નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા, એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા.  બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ અને જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની પરવાનગી મળી.

ગુરદિત્તા સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો

ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો. મુસાફરો પણ તૈયાર હતા. એમણે જહાજ પર જે હાથે ચડ્યું તે – મશીનોના તૂટેલા ભાગ, વાંસના દંડા, સળિયા બધું એકઠું કરી લીધું. અને ગુરદિત્તા સિંઘ અને એના કર્મચારીઓને એમણે રૂમોમાં પૂરી દીધા.

૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો એક ટગ(Tug – જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ)માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા. એમણે દોરડાથી ટગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું. હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય. પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા. મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો. પરંતુ છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ.

બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી. પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી. એના દબાણથી કેનેડાની સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ. અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું.

ત્યાંથી કામાગાટા મારૂ  જાપાનમાં યોકોહામા બંદરે પહોંચ્યું. પણ આગળ  હોંગકોંગ સરકારે જહાજને હોંગકોંગમાં રોકાવાની પરવાનગી ન આપી આ તબક્કે જાપાનમાં મુસાફરો ગદર પાર્ટીના સીધા સંપર્કમાં આવ્યા. આમ તો  જહાજને વૅનકુવરમાં ચાર મહિના પડી રહેવું પડ્યું ત્યારે જ ગદર પાર્ટીવાળા એમને ઘણી રીતે મદદ કરતા હતા અને લોટની ગૂણોમાં છુપાવીને પાર્ટીના અખબારની નકલો પણ પહોંચાડતા હતા. પરંતુ તેઓ મળી નહોતા શકતા.  હવે યોકોહામામાં તો એવું કોઈ બંધન નહોતું એટલે ગદર પાર્ટીના જાપાનમાં કામ કરતા નેતાઓ, ભાઈ હરનામ સિંઘ અને મૌલાના બરકતુલ્લાહ જહાજમાં આવતા, મુસાફરોને મળતા અને અંગ્રેજ હકુમતને જડમૂળથી ઉખાડી ફેંકવા લલકારતા.

ભારતમાં બળવાની તૈયારી

દરમિયાન જહાજના માલિકો વચ્ચે પડ્યા અને એમણે જહાજને કોબે લઈ જવાનો હુકમ કર્યો.  કોબેમાં પણ ગદર પાર્ટીના નેતાઓ તોતી રામ મનસુખાની અને જવાહર લાલે મુસાફરોનું ભવ્ય સ્વાગત કર્યું.  બન્ને નેતાઓ બધાને લઈને અંગ્રેજ રાજદૂતની કચેરીએ ગયા. રાજદૂતે એમની વાત માનીને ભારતમાં અંગ્રેજ સરકારને મુસાફરો માટે ૧૯ હજાર યેન આપવાની ભલામણ કરી કે જેથી એમને સીધા કલકત્તા પહોંચાડી શકાય. સરકાર માની ગઈ, જહાજને ૧૯ હજાર યેન આપી દેવાયા પણ કલકત્તાને બદલે મદ્રાસ જવાનો હુકમ મળ્યો. મુસાફરો કલકત્તા જ જવા માગતા હતા. અંતે સરકારે કલકત્તા લાંગરવાની પરવાનગી આપી દીધી.

ફુટબૉલની જેમ સરકારો વચ્ચે આથડતાંકુટાતાં કામાગાટા મારુ છેવટે ૨૬મી સપ્ટેમ્બરે હુગલીમાં કાલપી નામના બંદરે  પહોંચ્યું અને એને ત્યાં જ રોકી દેવાયું. મુસાફરોને આ કારણે શંકા પડી કે સરકારની દાનત સાફ નથી. મુસાફરોની શંકા આધાર વિનાની નહોતી.

આગળ શું થયું તે આવતા અંકમાં.

Martyrs of Indian Freedom Struggle – 39 – Brave Gadar Revolutionaries (2)

ગદરના વીરો (૨)

ગદરના વીરો (૧) થી આગળ

૧૯૧૩ના ડિસેંબરમાં  ગદર પાર્ટીનું સૅક્રોમેંટમાં એક સંમેલન મળ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. એમાં આખા અમેરિકામાં પાર્ટીનો ફેલાવો કરવાનો નિર્ણય લેવાયો.તે પછી ગદર પાર્ટીનું મુખ્ય કેન્દ્ર ઍસ્ટોરિયાથી સાન ફ્રાંસિસ્કો ખસેડવાનો નિર્ણય લેવાયો. અહીં એમણે બે આશ્રમ બનાવ્યા – યુગાંતર આશ્રમ અને ગદર આશ્રમ. હવે ગદર છાપું પણ અહીંથી પ્રકાશિત થવા લાગ્યું. લાલા હરદયાલ એમાં લેખો લખતા, રઘુવર દયાલ એને ઉર્દુમાં અને કરતાર સિંઘ સરાભા ગુરુમુખીમાં તૈયાર કરતા અને સાઇક્લોસ્ટાઇલ કરીને વેચતા. પણ જેટલી નકલો સાઇક્લોસ્ટાઇલ મશીન પર કાઢી શકાતી તે હંમેશાં ઓછી પડતી એટલે એમણે મોટી જગ્યા લીધી અને લીથો મશીન પર છાપું તૈયાર કરવાની શરૂઆત કરી.

ભારતમાં ‘ગદર’ પર પ્રતિબંધ

ભારતમાં ‘ગદર’   અખબાર પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાથી આવતી ટપાલ પર હોંગકોંગ, સિંગાપુર, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, રંગૂન વગેરે બંદરો પર ખાસ વેરો નાખવામાં આવ્યો. હવે ‘ગદર’ કૅનેડાના માર્ગે અને પછી જાપાનના બંદરેથી ભારત પહોંચવા લાગ્યું. ભારતની અંગ્રેજ સરકારને આની જાણ થતાં હવે કૅનેડા અને જાપાનથી આવતી ટપાલની પણ ચકાસણી શરૂ થઈ ગઈ. આમ આ રસ્તો બંધ થતાં હવે અમેરિકાના વિદ્રોહીઓએ જાપાનમાં ગદરના નેતા મૌલવી બરકતુલ્લાહની મદદથી ફ્રાંસમાં મૅડમ ભીકાઈજી કામા સુધી છાપાં પેટીઓમાં ભરીને મોકલવાનું શરૂ કર્યું. મૅડમ કામા આ પેટીઓ કોઈ મુસાફર સાથે અંગત સામાન તરીકે ભારત પહોંચાડી દેતાં.

પરંતુ અંગ્રેજોની જાસૂસી જાળ આ વ્યવસ્થાને ભેદવામાં સફળ રહી. મૌલવી બરકતુલ્લાહે એક જાપાનીને મુસલમાન બનાવી દીધો હતો. અંગ્રેજોએ એને ખરીદી લીધો. હવે એ બધી પેટીઓ અંગ્રેજી દૂતને પહોંચાડતો થઈ ગયો. મૌલવી બરકતુલ્લાહ એ વખતે જાપાનમાં ટોકિયો યુનિવર્સિટીમાં ફારસી અને હિન્દુસ્તાનીના પ્રોફેસર હતા પણ ‘ગદર’ અખબારને ચોરીથી જાપાનથી ફ્રાન્સ મોકલવામાં એમનો હાથ હોવાનું જાહેર થઈ જતાં એમને નોકરીએથી કાઢી મૂકવામાં આવ્યા. જો કે બરકતુલાહ તે પછી પણ ગદર પાર્ટી માટે કામ કરતા રહ્યા.

અખબાર હવે માત્ર ઉર્દુ અને પંજાબીમાં જ નહીં, ગુજરાતી, બંગાળી, નેપાલી અને પશ્તોમાં પણ છપાવા લાગ્યું હતું. એક અંદાજ પ્રમાણે ૧૯૧૬ સુધીમાં એની દસ લાખ નકલો છપાતી હતી. પરંતુ ભારત સુધી અખબાર પહોંચાડવાનું વધારે ને વધારે મુશ્કેલ બનતું જતું હતું. હવે પાર્ટીએ નક્કી કર્યું કે અખબાર ભારતમાં જ છાપવું. પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં એ શક્ય ન બન્યું.

ક્રાન્તિની પહેલી યોજનાઃ “કાશ્મીર પ્રજાસત્તાક, ૧૯૨૫”

હવે ક્રાન્તિકારીઓને લાગતું હતું કે ભારત જઈને એક પછી એક પ્રદેશો કબજે કરીને અંગ્રેજોને ભગાડવાનો સમય આવી ગયો છે. આથી એમણે પંજાબની નજીક કોઈ સ્થાન પર કબજો કરી લેવાની યોજના ઘડી. એમને એમાં કાશ્મીર સૌથી યોગ્ય લાગ્યું. કાશ્મીર ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું હોવાથી ઓચિંતો હુમલો થાય તો અંગ્રેજ ફોજ માટે ત્યાં પહોંચવાનું પણ અઘરું હતું. કાશ્મીર પર પહેલાં હુમલો કરવાથી લોકોનો પણ ટેકો મળે તેમ હતું. ભારતની આઝાદીનું પહેલું થાણું કાશ્મીર બનવાનું હતું. યુગાંતર આશ્રમમાં હિન્દુસ્તાનનો નક્શો હતો તેમાં કાશ્મીરના ભાગને લાલ રંગથી રંગી નાખીને લખી દેવાયું હતું કે કાશ્મીર પ્રજાસત્તાક – ૧૯૨૫”!   એમની ધારણા હતી કે બ્રિટન અને જર્મની વચ્ચે હજી દસેક વર્ષ પછી યુદ્ધ થશે, પરંતુ. યુદ્ધ તો ૧૯૧૪માં જ શરૂ થઈ ગયું.  એટલે કાશ્મીરમાં અડ્ડો જમાવવાની એમની મુરાદ બર ન આવી.

હવે એમણે બોંબ બનાવવાની તાલીમ લેવાનું શરૂ કર્યું. એક ભાઈ હરનામ સિંઘના હાથમાં જ વિસ્ફોટક બોમ્બ ફાટી જતાં એમનો હાથ કાપવો પડ્યો. પાર્ટી હવાઈ દળ બનાવવા માગતી હતી એટલે કરતાર સિંઘ સરાભા ન્યૂ યૉર્કની એક વિમાની કંપનીમાં જોડાયા અને ત્યાં ઊડ્ડયન અને વિમાન-રિપેરનું કામ શીખી આવ્યા. જો કે હવાઈ દળ બનાવી ન શકાયું કારણ કે વિશ્વ યુદ્ધ એમની ધારણા કરતાં દસ વર્ષ વહેલું જ શરૂ થઈ ગયું હતું.

ભારતમાં ક્રાન્તિનો પ્રયાસ

૧૯૧૪ની ૨૫મી જુલાઈએ જર્મનીએ સર્બિયા પર હુમલો કર્યો તે સાથે પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બીજા જ દિવસે ગદર પાર્ટીએ  હિન્દુસ્તાનમાંથી બ્રિટનને હાંકી કાઢવા માટે વિદ્રોહ કરવાનું એલાન કર્યું, જો કે, બ્રિટન યુદ્ધમાં ચોથી ઑગસ્ટે જોડાયું. ગદરીઓએ નક્કી કર્યું કે કરો યા મરો. મૂંગા બેસી રહેવા કરતાં કંઈક કરીને હારી જવાનું સારું છે. હાર પણ ઇતિહાસમાં કામ આવશે.” તે પછી પાંચમી ઑગસ્ટે પાર્ટીના મુખપત્રમાં આ એલાન-એ-જંગ’ છાપી દેવાયું.  એમાં બધા હિન્દુસ્તાનીઓને નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશ પાછા પહોંચી જવાનો પાર્ટીએ આદેશ આપ્યો. સૌને પોતાને ગામ પહોંચીને અંગ્રેજો વિરુદ્ધ બગાવત કરવા માટે લોકોને તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ. દુનિયાના ખૂણેખૂણેથી હિન્દુસ્તાનીઓ પાછા પહોંચી જાય તે પછી વિદ્રોહનો દિવસ નક્કી કરવાનો હતો.

કરતાર સિંઘ સરાભા માત્ર ૧૮ વર્ષના હતા અને એમનું જોશ એટલું બધું હતું કે કોઈ એમની બરાબરી કરી શકે તેમ નહોતું.   એ તો આવી મીટિંગોની રાહ જોયા વગર જ રઘુવર દયાલ ગુપ્તા સાથે દેશ આવવા નીકળી પડ્યા હતા.

ગદર પાર્ટીના પ્રમુખ બાબા સોહન સિંઘ ભકનાને જાપાનમાં સંદેશ મોકલાયો કે એ બધા સાથીઓ સાથે હિન્દુસ્તાન પહોંચી જાય. પંડિત સોહનલાલ પાઠકે થાઈલૅન્ડ અને બર્મા જઈને લોકોને લઈ જવાના હતા.  બાબા ભકના સાથે બસ્સો પિસ્તોલ અને બે હજાર ગોળીઓ પણ બે પેટીમાં ભરીને મોકલી. એ એક હોટેલમાં ઊતર્યા અને ત્યાંથી જાપાનની ગદર પાર્ટીના બે નેતાઓએ હથિયારો કામાગાટા મારૂ પર પહોંચાડવાનું બીડું ઝડપ્યું.  (કામાગાટા મારૂ જહાજ વિશે આવતા અંકમાં વાત કરશું). એમણે એક નાની હોડી લીધી, એમાં પેટીઓ ચડાવી અને રાતના અંધારામાં સાવચેતીથી કામાગાટા મારૂ પાસે પહોંચી ગયા અને દોરડાં બાંધીને પેટીઓ જહાજમાં પહોંચાડી દીધી. બીજા દિવસે એ લોકો બાબા સોહનસિંઘને લઈને, જાણે કંઈ ન બન્યું હોય તેમ જહાજ પર ગયા. બાબાએ મુસાફરો સામે જોશીલું ભાષણ કર્યું અને લોકોને બળવા માટે આહ્વાન કર્યું.

ગદરીઓ ભારતમાં

ભારત આવવા નીકળેલા ગદરીઓ જુદાં જુદાં જહાજોમાં હોંગકોંગ પહોંચવાના હતા. અહીં એમણે જહાજ બદલવાનું હતું, પરંતુ એમની હિલચાલની જાણ બ્રિટિશ સરકારને થઈ ગઈ હતી એટલે એમના માટેનું જહાજ ગોઠવવામાં જાણીજોઈને વાર થતી હતી. ગદરીઓએ એનો લાભ લીધો અને હિન્દુસ્તાનીઓમાં જોશપૂર્વક પ્રચાર કરવામાં એમણે આ સમયનો ઉપયોગ કર્યો. સરકારી આંકડા પ્રમાણે આઠ હજાર ગદરી ભારત આવી ગયા હતા પણ ખરેખર તો આ આંકડો બહુ મોટો હતો.

‘નાનસંગ’ જહાજથી બાબા સોહન સિંઘ ભકના પોતે કલકત્તા ઊતર્યા કે તરત એમની ધરપકડ કરીને લુધિયાના લઈ ગયા. પહેલાં એ પોલીસની દેખરેખ હેઠળ હતા. એક વાર પોલીસ સાથે બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં કરતારસિંઘ સરાભા સાથે એમની મુલાકાત થઈ ગઈ. એ જ વખતે એમણે નક્કી કર્યું કે દેશના નેતાઓને મળીને બળવા માટે તૈયારી શરૂ કરવી. તે પછી ભકનાને લાંબા જેલવાસમાં રાખી દેવામાં આવ્યા. થોડા દિવસો પછી ‘તોશામારૂ’ જહાજમાંથી ૧૭૩ ગદરી ઊતર્યા. એમને પણ તરત રાવલપીંડી લઈ ગયા. આમ ગદરીઓ આવતા ગયા અને સરકાર એમને સીધા જેલભેગા કરતી રહી.

અહીં કામાગાટા મારૂની કથા જોડાય છે. આ કથા લાંબી છે અને એક લેખમાં સમાવી શકાય એમ નથી. એના વિના ગદરના વીરોની ગાથા અધૂરી રહેશે. આવતા અંકમાં ફરી મળીએ છીએ.

૦૦૦

 સંદર્ભઃ

  1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.  ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)  સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

Martyrs of Indian Freedom Struggle – 38 – Brave Gadar Revolutionaries (1)

ગદરના વીરો (૧)

૧૮૪૯થી પંજાબ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો થઈ ગયો હતો.  કૂકા વિદ્રોહમાં આપણે જોયું કે આ દરમિયાન ધર્મ પર ઘણા હુમલા થયા.  પરંતુ આર્થિક અસંતોષ પણ એટલો જ પ્રબળ હતો. પહેલાં જમીનની માલિકી સહિયારી હતી, પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી એટલે હવે જમીન વ્યક્તિગત માલિકીની બની ગઈ. મહેસૂલ રોકડેથી ચુકવવાનું રહેતું એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કામધંધા વગર રઝળતા થઈ ગયા. એના એક ઉપાય તરીકે અંગ્રેજોએ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું.

લશ્કરમાં આવ્યા પછી એમને બ્રિટનની જુદી જુદી વસાહતોમાં મોકલી દેવાતા. પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા, ચીન, ઈરાન, બર્મા. ઈજિપ્ત, પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા (હવે મલયેશિયા), સિંગાપુર, હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા. ઘણા પંજાબીઓ કેનેડા ગયા. પહેલાં તો એમનું સ્વાગત થયું કારણ કે આ લોકો મહેનત કરી જાણતા અને જે મળે તેમાં જીવી લેતા. તેમ છતાં પંજાબ કરતાં તો એમના જીવનમાં સુધારો થયો હતો.

પણ તે પછી, કૅનેડાને ડોમિનિયન સ્ટેટસ મળતાં કાયદા બનાવવાની સત્તા એને મળી. ડોમિનિયન સરકારે હવે હિન્દુસ્તાનીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધાં. ભારતથી જહાજ આવે તે સીધું જ આવે, વચ્ચે ક્યાંય રોકાય નહીં અને બીજા મુસાફરો લીધા વિના આવે તેને જ પ્રવેશ મળતો. આ અઘરું હતું કારણ કે જહાજને બળતણ લેવા માટે તો ક્યાંક લાંગરવું પડતું. બીજા એવા નિયમ હતા કે ઘરડાઓને પ્રવેશ ન મળતો. સ્ત્રીઓ અને બાળકોને પણ લાવી ન શકાતાં. કૅનેડામાં કામ માટે ગયેલા લોકો તો એમ માનતા કે એ માત્ર ભારતના નહીં, આખા બ્રિટિશ સામ્રાજ્યના નાગરિક હતા અને બ્રિટનની કોઈ પણ વસાહતમાં રહેવાનો એમને અધિકાર હતો.

કૅનેડા  કે અમેરિકા ગયા એમને નાગરિકોની સમાનતાનું ભાન થયું. એમના પ્રત્યે ભેદભાવ થતો હતો તે પણ એમને સમજાયું. આમ રાજકીય સમજનો  વિકાસ થયો. એમાંથી કેટલાકને ખબર પડી કે અમેરિકામાં વધારે સારી દહાડી મળે છે. એવા લોકો અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો. ત્યાં એક ઇંડો-અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી. સોસાઇટીએ લંડન જેવું જ ‘ઇંડિયા હાઉસ’ શરૂ કર્યું, તે પછી ઇંડો-અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું. ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો. એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી.

એ જ રીતે, કૅનેડામાં ઍસ્ટોરિયામાંહિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ’ની સ્થાપના થઈ. વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને યુનાઇટેડ ઇંડિયા લીગ’ની સ્થાપના કરી અને ‘હિંદુસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું.  શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા. એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી. એ અને એમના સાથી વઝે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ’ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા. આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી. કૅનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી તેની સામે ત્યાં રહેતા ભારતીયોએ આંદોલન ચલાવ્યું અને મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા. આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા. ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું. એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટી એટલે ગદર પાર્ટી (ગદર એટલે બળવો).  સરદાર સોહન સિંઘ ભકના કૅનેડાના શીખોમાં જાગૃતિ ફેલાવતા હતા. ગદર પાર્ટીના એ પ્રથમ પ્રમુખ બન્યા

રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, લાલા હરદયાલ જેવા ભારતમાં રહેતા ક્રાન્તિકારી નેતાઓએ પણ ગદર પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.  રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલવી બરકતુલ્લાહ તો અફઘાનિસ્તાન પણ ગયા અને ત્યાંના અમીરને મળીને આરઝી હકુમત (કામચલાઉ સરકાર) પણ સ્થાપી. એમની યોજના અમીરની મદદથી ભારત પર આક્રમણ કરવાની હતી. અમીર મોઢેથી તો સહમતી દેખાડતો રહ્યો પણ ખરેખર એ અંગ્રેજોથી ડરતો હતો એટલે એમની યોજના પાર ન પડી શકી.

બીજી બાજુ, દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા. એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા. બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની. હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો. હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો. એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો. એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો. આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી. આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું.

૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી. આ કેસમાં મેવા સિંઘને ફાંસીની સજા આપવામાં આવી. સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ.

૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

(ગદર ગાથા ચાલુ રહેશે).

000

સંદર્ભઃ

गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

Martyrs of Indian Freedom Struggle – 37 – Martyrs of Delhi 1912

દિલ્હીના શહીદોઃ ૧૯૧૨

બંગભંગનો નિર્ણય અંગ્રેજ સરકારે પાછો ખેંચી લીધો તે પછી પણ બંગાળમાં રાજકીય વાતાવરણમાંથી ઊગ્રતા ઓગળી નહોતી. બ્રિટનની સરકારને લાગવા માંડ્યું હતું કે કલકત્તામાં પાટનગર રાખવાથી અશાંતિનો સતત સામનો કરતા રહેવું પડશે. આથી પાટનગર દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવાયો. ૧૯૧૨ની ૨૩મી ડિસેમ્બરે હાર્ડિંગે ભવ્ય શોભાયાત્રામાં દિલ્હીમાં પ્રવેશ કર્યો.  હાર્ડિંગ અને એની પત્ની હાથી પર બેઠાં હતાં. ફૂલેકું વાજતેગાજતે ચાંદની ચોક પહોંચ્યું ત્યારે પંજાબ નેશનલ બૅંકની બિલ્ડિંગમાંથી એના પર બૉમ્બ ફેંકાયો. પહેલાં તો અંબાડી પર કંઈક અફળાયું એવું લાગ્યું, પણ લૅડી હાર્ડિંગનું ધ્યાન ગયું કે એની પાછળ બેસીને ચામર ઢોળનારો ખાસદાર હાથી પર ઊંધો લટકી ગયો હતો અને હાર્ડિંગના ખભામાંથી લોહી નીકળતું હતું. હાર્ડિંગને પોતાને એનો ખ્યાલ નહોતો આવ્યો. પણ તે પછી શોભાયાત્રા રોકી દેવાઈ અને હાર્ડિંગને સારવાર માટે લઈ જવાયો.

પછી બૉમ્બ ફેંકનાર કોણ, તેની ખોજમાં આખું પોલીસ તંત્ર લાગી ગયું. પોલીસને લાગ્યું કે આની પાછળ બંગાળના ક્રાંતિકારીઓનો હાથ હોવો જોઈએ કારણ કે બૉમ્બ ફેંકવાની યોજના  બંગાળી ક્રાન્તિકારીઓની યાદ આપતી હતી. રાસ બિહારી બોઝ બંગાળ અને પંજાબના ક્રાન્તિકારીઓ વચ્ચે કડીરૂપ હતા. રાસ બિહારી બોઝ અરવિંદ ઘોષે સ્થાપેલી યુગાંતર સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. પોલીસ એમને પકડી શકે તે પહેલાં એ દિલ્હીથી ભાગી છૂટ્યા અને પછી જાપાન પહોંચી ગયા. ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજ બનાવી.(સુભાષબાબુએ આ જ આઝાદ હિન્દ ફોજને પુનઃ સજીવન કરી. એ રાસ બિહારી બોઝના આમંત્રણથી જ જાપાન ગયા હતા).  ૧૯૧૪ના ફેબ્રુઆરીમાં હાર્ડિંગ પર હુમલો કરનારા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા.

આ ઘટના ‘પહેલા લાહોર કાવતરા કેસ’  અથવા ‘દિલ્હી-લાહોર કાવતરા કેસ’તરીકે ઇતિહાસમાં  નોંધાયેલી છે. એમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહીને સજા થઈ. કેસ પૂરો થયા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને અવધબિહારીને દિલ્હીમાં  ફાંસી આપી દેવાઈ. . એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.

બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપી દેવાઈ. પોલીસે સાબીત કર્યું હતું કે બોમ્બ ફેંકવાનું કૃત્ય બસંત કુમારે કર્યું હતું.

અમીર ચંદનો જન્મ ૧૮૬૯માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાન)માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા.અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. ચારેય શહીદોને પ્રણામ કરીએ.

000

સંદર્ભઃ

https://mygoldenbengal.wordpress.com/2015/08/06/partition-of-bengal-1905-and-its-annulment-in-1911/

(૨)  https://wallsofignorance.wordpress.com/2015/05/30/this-month-of-may-dedicated-to-freedom-fighters/