Only two children? the other side of the coin

ગયા વખતે pi વિશે એક લેખ આપ્યો હતો. એ તો થઈ ગણિતની વાત. piની દશાંશ પછીની સંખ્યાઓ કેટલી તે હજી નક્કી નથી થયું. પરંતુ સામાજિક ક્ષેત્રમાં તો ઘણી એવી વાતો છે કે જેના ચોક્કસ જવાબ નથી મળતા. બધા જવાબ સાચા અથવા બધા જવાબમાં કંઈક સાચું. આવા જવાબોમાં પણ દશાંશ પછીના આંકડાઓની જેમ સમસ્યાઓ ઉમેરાતી જાય છે. આપણે બહુ બહુ તો સાચા જવાબની નજીક પહોંચી શકીએ. એનો વૈકલ્પિક જવાબ પસંદ કરીએ તો પણ સ્થિતિ એ જ રહે. અંતે એમ લાગે કે આપણે જવાબ નહીં સમસ્યાઓનો સેટ જ પસંદ કરી શકીએઃ કાં તો ‘ક’ વર્ગની સમસ્યાઓ, કાં તો ‘ખ’ વર્ગની સમસ્યાઓ.

કિશોરચંદ્ર ઠક્કર એક સામાજિક ચિંતક છે. ઘણા વિષયોમાં એમને રસ છે. શૈલી સીધીસાદી વાતચીતની…૩૭ વર્ષ LICમાં કામ કર્યા પછી ૨૦૧૦માં નિવૃત્ત થયા. લખવાનું, વિચારવાનું ઘણું, પણ સ્વભાવે શરમાળ એટલે એકલદોકલ ક્યાંક પ્રકાશિત થયું. પણ વિચારવું જેનો નિજાનંદ છે એની ફોરમ પ્રસર્યા વિના ન જ રહે. અહીં તો એમણે હદ કરી નાખી છે. કહે છે કે ઘણાં બાળકો હોવાં જોઈએ, લ્યો, બોલો…!

પણ એમની દલીલ શી છે તે જાણવું જરૂરી છે, તો આગળ વાંચીએ…

ઢાલની બીજી બાજુ

                                                                                        –કિશોરચંદ્ર ઠક્કર

ચાર, પાંચ કે દસ બાળકો માટે જેમણે પણ અનુરોધ કર્યો છે તેઓ પોતે પણ જાણે છે કે બાળકોની સંખ્યા કોઇના ઉપદેશથી નક્કી નથી થતી, પરંતુ સમાજમાં થતા આર્થિક ફેરફારો આ સંખ્યા નક્કી કરે છે. આ લોકોનો હેતુ પોતાના વક્તવ્યથી માત્ર ઉશ્કેરાટ અને ધ્રુવીકરણનો જ છે. વસ્તીશાસ્ત્રના અભ્યાસીઓ પણ માને છે કે મર્યાદિત કુટુંબ એ આર્થિક વ્યવસ્થાનું એક પરિણામ છે. આના માટે હવે કોઇ સરકારે કે સામાજિક સંસ્થાએ પ્રચાર કરવાની જરૂર નથી. આપણે પણ જોઇ રહ્યા છીએ કે. હિંદુ સવર્ણોમા બે બાળકો સ્વીકારનારાની અત્યારે ત્રીજી પેઢી 10 થી 20 વર્ષની ઉંમરની થઇ ગઇ છે. આર્થિક અને સામાજિક રીતે પછાત, એવા વર્ગોમાં પણ પરિવાર નાનો રાખવાનું વલણ વધતું જાય છે. સમાજમાં માત્ર એક બાળકથી જ સંતુષ્ટ રહેનારની સંખ્યા વધતી જાય છે. આના માટે પહેલાની માફક સરકારે કોઇ પણ પ્રકારનો પ્રચાર કરવાની પણ જરૂર પડી નથી. પરંતુ અહીં હું કોઈ ‘મહારાજો’ કે ‘સાધ્વીઓ’ના ઇરાદા સાથે સહેજ પણ સંમત થયા વગર મારું મંતવ્ય રજુ કરું છું કે કુટુંબમાં માત્ર એક કે બે બાળકો રાખવાનાં વિપરીત પરિણામો પણ આવશે અને ક્વચિત આવવા લાગ્યાં પણ છે. થોડાં વર્ષો પહેલાં એક પ્રખ્યાત કે કુખ્યાત કોમી સંગઠનમાં સભ્યોની સંખ્યા ઘટવા લાગી હતી. તેનું કારણ આપતાં એ વખતના એના મુખ્ય સંચાલકે ટ્યુશન અને ટીવીને જવાબદાર ગણ્યાં હતાં. એની પ્રતિકૃતિ રૂપ કોમી સંગઠનો બાળકોની સંખ્યા ન ઘટાડવા માટે ધર્મની દુહાઈ દેતાં રહ્યાં છે.

પરંતુ આ ટ્યુશન એટલે કે શિક્ષણમાં વધારે સમય આપવો. ઔપચારિક શિક્ષણમાં માબાપ સંતાનોનો ખૂબ સમય લે છે. આ માત્ર માબાપની જાગૃતિના કારણે જ નહીં પણ ઓછી સંખ્યામાં બાળકો હોવાને કારણે બન્યુ છે. વાલીઓ ફક્ત ઔપચારિક શિક્ષણ (એટલે કે જે તે પરીક્ષામાં વધુ ટકા આવે) માટે જ બાળકો પર ધ્યાન આપતાં હોવાથી અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવાનું વલણ ઘટતું જાય છે. આથી બીજી સંસ્થાઓને પણ સભ્યોનો ઘટશે પુરવઠો મળશે. વળી જો ઘરમાં વધારે બાળકો હોય તો બાળકોને રમવા કે ઝઘડવા માટે બીજું બાળક સહજ મળી રહે છે. બાળકો માટેના માનસશાસ્ત્રીઓ શું માને છે એની મને જાણ નથી, પરંતુ હું એમ માનું છુ કે બાળકે થોડું ઝઘડવું પણ જોઇએ. સમાજમાં આગળ ઉપર તેણે સંઘર્ષો પણ કરવાના હોય છે. બાળકોની વધુ સંખ્યાને કારણે આ તાલીમ સહજ મળી જાય છે.

આ ઉપરાંત બાળકોની મર્યાદિત સંખ્યાને કારણે માતાપિતા બાળકની વધુપડતી કાળજી રાખે છે. બાળક સતત પોતાની આંખ હેઠળ રહે તેમ ઇચ્છે છે. તેમને કાયમ એ ચિંતા સતાવતી હોય છે કે મારા બાળકને કંઇ થઇ તો નહીં જાય ને?આને કારણે સહેજ પણ જોખમી જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ મૂકે છે. આજે 15 થી 20 વર્ષનાં કેટલાં બાળકો ઝાડ પર ચઢી શકતાં હશે? કદાચ કોઇને સ્નાનાગારની તાલીમને કારણે તરતા આવડતું હોય તો પણ ઉંડા કુવામાં ભૂસકો મારવાનું જોખમ કેટલા છોકરાઓ લઇ શકશે? આમ, વધુપડતી વાલીગીરી (overparenting)ને કારણે બાળકોમાં સાહસનું પ્રમાણ ઘટશે. લોકો બોલવા માટે ભલે બોલતા હોય કે એક બાળક હોય કે દસ બાળકો, માબાપને તો બધાં જ સરખાં. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. દસ બાળકોના વાલીના પ્રત્યેક બાળક કરતાં એક જ બાળકના માતાપિતા તેને વધારે મૂલ્યવાન માને છે અને તેની સવિશેષ કાળજી રાખે છે. ઘણા કુટુંબોમાં બાળકો સ્વતંત્ર રીતે ભણતાં તો નથી પરંતુ સ્વતંત્ર રીતે જમતાં પણ નથી. પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતાં બાળકોને માતા પોતાના હાથમાં કોળિયો લઇને બાળકનાં મોઢામાં મૂકતી હોય એ દૃશ્ય વિરલ નથી. બાળકોની વધુમાં વધુ ઇચ્છાઓની પૂર્તિ કરવાનું વલણ એક કે બે બાળક હોવાને કારણે ખૂબ વધ્યું છે. પોતાને ઇચ્છિત વસ્તુ માટે વધારે પડતી જિદ કરવાનુ સામાન્ય થઇ ગયું છે. માતાપિતા પણ ભાગ્યે જ એમની જિદ પૂરી કરવાનું ટાળે છે. પરિણામે બાળક વધારેપડતું જિદ્દી બની જાય છે. કોઇ વખત જિદ પૂરી ન થવાને કારણે ખૂબ અનિચ્છનીય પરિણામ આવે છે. માબાપ પણ આથી સતત ચિંતિત રહે છે. મારા મતે આના પરિણામે બાળકોના મનમા એ વાત દૃઢ થઇ જાય છે કે માતા પિતાએ આપણને આપવાનું જ હોય જેની અસર તેમની મોટી ઉંમરે પણ દેખાય છે અને માબાપે તેમને હજુ પણ(ધન સંપત્તિ વગેરે) આપવું જ જોઇએ; આપણી કંઇ ફરજ રહેતી નથી, એ ખ્યાલ સ્થાપિત થાય છે

બીજી પણ માઠી સામાજિક અસર ઓછાં બાળકોના કારણે શરૂ થઇ ગઇ છે. માતાપિતાનું આયુષ્ય વર્તમાન સમયમાં વધ્યું છે તે હકીકત છે. માતાપિતાનુ લાંબું આયુષ્ય અને સંતાનની ઓછી સંખ્યાને કારણે. વૃદ્ધાવસ્થામાં માબાપની કાળજી લેવાનું કામ કઠિન બનતું જાય છે. નવી આર્થિક વ્યવસ્થાના કારણે ઊભી થયેલી ધંધા-નોકરીની હરીફાઇને લીધે આ કામ ક્વચિત અશક્ય પણ બન્યુ છે. વધુમાં વૃદ્ધાશ્રમને જોઇએ એવી સામાજિક સ્વીકૃતિ પણ મળી નથી. આથી વૃદ્ધાવસ્થા ખૂબ પીડાકારક બની છે. ભલે એ વાત સાચી છે કે ત્રણ કે ચાર સંતાનોનાં માબાપ પણ ઘરડાઘરમાં રહેતાં હોય છે. પરંતુ અહીં મારો મુદ્દો એ છે કે જો સંતાન માત્ર એક જ હોય તો તેને માટે માતાપિતાની દેખરેખ રાખવાનું પ્રમાણમાં વધારે મુશ્કેલ બને છે. ફરીથી હું ભારપૂર્વક કહેવા માગું છું કે મારો હેતુ વધુમાં વધુ બાળકોની હિમાયતનો નથી. પરંતુ મર્યાદિત કુટુંબના કારણે પણ પ્રશ્નો ઉભા થયા છે અને થવાના પણ છે, એ પણ આપણા ખ્યાલમાં રહેવું જોઇએ.

તમે શું કહો છો?

0-0-0

વેબગુર્જરી પરઃ http://webgurjari.in/2015/03/30/maari-baari-37-other-side-of-the-coin/

Gandhiji, Secularism and State

http://webgurjari.in/2015/01/30/maari-baari_33/
Mahatma_Gandhi_rainbow stamp

ગાંધીજી, ધર્મનિરપેક્ષતા અને રાજ્યસત્તા

૩૦મી જાન્યુઆરી એ મહાત્મા ગાંધીનો શહીદી દિન છે. હાલમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પુનઃપ્રતિષ્ઠા માટે એની પ્રતિમાઓ સ્થાપવાની હિલચાલ ચાલે છે તે સંદર્ભમાં આ ૩૦મી જાન્યુઆરી મહત્ત્વની બની રહે છે. નાથુરામ ગોડસેનો આક્ષેપ એ હતો કે ગાંધીજીને કારણે દેશના ભાગલા પડ્યા, ગાંધીજી હિન્દુઓની વિરુદ્ધ મુસલમાનોનું સમર્થન કરતા હતા. કમ્યુનિસ્ટોનો ગાંધીજી પર આક્ષેપ એ હતો કે એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓ માટે હિન્દુ ધર્મનાં પ્રતીકોનો ઉપયોગ કર્યો, જેમ કે રામરાજ્યની સંકલ્પના, ગીતાનો આધાર લેવો વગેરે. આમ મહાત્મા ગાંધીને બન્ને અંતિમ છેડા પર ટીકાકારો મળે છે. આજે દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના કોઈ પણ નેતાનું નામ લેશો તો એનો બચાવ કરનાર મળી આવશે. આંદામાનની જેલમાંથી માફી માગીને બહાર આવ્યા પછી સ્વાતંત્ર્ય સંઘર્ષથી છેડો ફાડી નાખનારા સાવરકર અને એમના અનુયાયી નાથુરામ ગોડસે સુદ્ધાંનો બચાવ કરનાર કોઈ ને કોઈ મળી આવશે, પણ મહાત્મા ગાંધીના નામ પર જેને જે લાંછન લગાડવું હોય તેને સંપૂર્ણ આઝાદી છે.

હકીકતમાં ગાંધીજી શું હતા? હિન્દુવિરોધી? મુસલમાનોના હિમાયતી? ઢીલાઢફ હિન્દુ? નાસ્તિક હતા કે આસ્તિક? ખરું પૂછો તો ગાંધીજી એક આધુનિક વિચારો ધરાવનારા, દેશના અને પશ્ચિમના કોઈ પણ નેતાથી વધારે પ્રબુદ્ધ અને સમર્થ નેતા હતા. આટલું મોટું જનસમર્થન કદીયે કોઈ નેતાને મળ્યું નથી. આજે પણ એમના પર પુસ્તકો લખાય છે. કોઈ એમને સંત, તો કોઈ રાજકારણી-સંત અને કોઈ ખંધા રાજકારણી માને છે, પણ ઇતિહાસ એમને આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં ધકેલી શક્યો નથી. ઉલટું, રાજ્યસત્તા્ની શક્તિ અને એની ફરજો, નાગરિકોની જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની આવશ્યકતા, પર્યાવરણનું રક્ષણ વગેરે અનેક વિષયોમાં એમણે જે કંઈ કહ્યું છે તે આજે પણ સાચું પડતું જણાય છે.
gandhiji -2

પરંતુ આજે એમના ધર્મનિરપેક્ષ વિચારો જાણીએ. જાણીતા ગાંધીવાદી વિદ્વાન અનિલ નૌરિયા કહે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધી Secularism શબ્દ બહુ પ્રચલિત નહોતો. ધર્મગુરુઓ મોટા ભાગે અજ્ઞાનીઓ અને ધર્મદીક્ષા વિનાના લોકો માટે વાપરતા. ઓગણીસમી સદીના મધ્યમાં ચાર્લ્સ બ્રૅડલૉ અને હોલ્યોક આ શબ્દને રાજકારણના ક્ષેત્રમાં લાવ્યા. પરંતુ, એ શબ્દ બહુ પ્રચલિત ન થયો. અબ્રાહમ લિંકને એક જ વાર આ શબ્દ વાપર્યો છે.

ભારતમાં પણ ૧૯૩૧ સુધી Secularism શબ્દ પ્રચલિત નહોતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીએ ભારતીય બંધારણના સિદ્ધાંતો વિશેનો રિપોર્ટ આપ્યો તેમાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો છે, પણ આ શબ્દ નથી વપરાયો. પણ ૧૯૩૧માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના ઠરાવમાં પણ એનો ઉપયોગ નથી થયો.

૧૯૩૩ પછી ગાંધીજીનાં ઘણાં લખાણોમાં આ શબ્દનો ઉપયોગ જોવા મળે છે. એ વખતે મધ્યસ્થ ધારાસભા સમક્ષ બે બિલ હતાં, જેમાંથી એક અસ્પૃશ્યતા વિરુદ્ધ હતો. ગાંધીજીએ ૧૯૩૩ની છઠ્ઠી મેના રોજ એના સમર્થનમાં લખ્યું કે “આવી પ્રથાને સેક્યૂલર રાજ્યના કાયદાનું સમર્થન ન મળવું જોઈએ.”. ફરી એ જ વર્ષના નવેમ્બરમાં એમણે આ બિલનો બચાવ કર્યો. બિલની ટીકા એવી હતી કે રાજ્ય ધર્મની બાબતમાં અણખપતો (Undue) હસ્તક્ષેપ કરે છે.ગાંધીજીએ લખ્યું કે ઘણી વાર એવી સ્થિતિ પેદા થતી હોય છે કે ધર્મમાં પણ હસ્તક્ષેપ કરવાનું રાજ્ય માટે જરૂરી બની જાય છે; માત્ર એ Undue હસ્તક્ષેપ ન હોવો જોઈએ.

અનિલ નૌરિયા The Collected works of Mahatma Gandhiમાંથી ટાંકતાં લખે છે કે, જાન્યુઆરી ૨૭, ૧૯૩૫ના રોજ ગાંધીજીએ મધ્યસ્થ ધારાસભાના કેટલાક સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે “સમગ્ર હિન્દુ સમાજ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો વિરોધ કરતો હોય તો પણ મારી સલાહ છે કે ઍસેમ્બ્લી જેવા સેક્યૂલર ધારાગૃહે આ વલણને સાંખી ન લેવું જોઈએ.”

૧૯૪૨ની ૨૦મી જાન્યુઆરીએ પાકિસ્તાન સ્કીમની ચર્ચા કરતાં ગાંધીજીએ લખ્યું: “રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય અથવા તો સાર્વજનિક સુવિધાઓ જેવી બાબતોમાં હિન્દુઓ અને મુસલમાનોનાં હિતો વચ્ચે ટકરાવ શી રીતે હોઈ શકે? એમના વચ્ચે ફેર હોય તો ધર્મના પાલન અને ઉપયોગમાં જ, અને એની સાથે એક સેક્યૂલર સ્ટેટને કશી લેવાદેવા હોતી નથી.”

સપ્ટેમ્બર ૧૯૪૬માં ગાંધીજીએ એક ખ્રિસ્તી મિશનરીને કહ્યું: “હું સરમુખત્યાર બનું તો ધર્મ અને રાજ્ય જુદાં રાખીશ. મારા ધર્મમાં મારી નિષ્ઠા અચળ છે. એના માટે હું મરી જઈશ, પણ એ મારી અંગત બાબત છે. રાજ્યને એની સાથે કશો સંબંધ નથી. રાજ્ય સેક્યૂલર બાબતોમાં, આરોગ્ય, સંપર્ક અને અવરજવર, વિદેશો સાથેના સંબંધો, ચલણ વગેરે બાબતોની કાળજી લેશે, પણ તમારા કે મારા ધર્મની નહીં. એ સૌનો અંગત વિષય છે !”

ગાંધીજીએ આઝાદીના એક જ દિવસ પછી, ૧૬મી ઑગસ્ટે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજના રેવરંડ કેલાસ સાથેની વાતચીત કરી તેમાં પણ આ મુદ્દો ચર્ચાયો. એનો રિપોર્ટ ૨૪મી ઑગસ્ટે ‘હરિજન’માં છપાયોઃ ” ગાંધીજીએ એવો અભિપ્રાય આપ્યો કે રાજ્ય તો સેક્યૂલર જ હોવું જોઈએ. એ કોઈ ધાર્મિક શિક્ષણને જનતાના પૈસામાંથી ટેકો ન આપી શકે. રાજ્યમાં રહેતા દરેક જણ, દેશના સર્વસમાન કાયદાનું પાલન કરતો હોય ત્યાં સુધી એને પોતાનો ધર્મ વિના અવરોધે પાળવાનો અધિકાર હોવો જોઈએ. કોઈ મિશનરીઓના કામમાં પણ દરમિયાનગીરી ન કરવી જોઈએ, પરંતુ વિદેશી હકુમતમાં જેમ મિશનને રાજ્યનું સંરક્ષણ મળતું હતું તે હવે ન મળી શકે.” એમના આ અભિપ્રાયનો પડઘો બંધારણની ૨૫, ૨૬, ૨૭મી કલમમાં ઝિલાયો છે.

બીજા જ દિવસે, ૧૭મી ઑગસ્ટે ગાંધીજીએ નારકેલડાંગામાં ભાષણ કર્યું. ‘હરિજન’માં એનો રિપોર્ટ છપાયો છે તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે રાજ્યે તો સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રહેવું પડશે. રાજ્યની કોઈ પણ ધાર્મિક સંસ્થાને રાજ્યનો પ્રશ્રય ન મળી શકે. “આમ બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન હશે.” તે પછી ૨૨મી ઑગસ્ટે કલકત્તાના દેશબંધુ પાર્કમાં સભામાં બોલતાં ગાંધીજીએ ફરી એ જ વાત કરીઃ “ ધર્મ અંગત બાબત છે અને આપણે એને અંગત બાબત જ રહેવા દઈશું તો આપણું રાજકીય જીવન બહુ સરળ થઈ જશે…. સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો સેક્યૂલર રાજ્ય બનાવવાની જવાબદારી લે અને એના માટે ખરા દિલથી કામ કરે તો દુનિયાની શાન વધે એવા ભારતનું આપણી નિર્માણ કરી શકશું.”

૧૯૪૭ની ૨૮મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે બોલતાં એમણે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટી સરકાર નાણાં ખર્ચે એવી શક્યતાનો વિરોધ કર્યો. એમણે કારણ આપ્યું, “છેવટે, આપણે સરકાર બધા માટે બનાવી છે. એ ‘સેક્યૂલર’ સરકાર છે, એટલે ધર્મના આધાર પર બનેલી સરકાર નથી., અથવા તો એમ કહો કે એ કોઈ એક ધર્મની સરકાર નથી. એટલે એ કોમના ધોરણે નાણાં ન ખર્ચી શકે.”

ધર્મનિરપેક્ષ રાજ્યની હિમાયત કરતી વખતે પણ ગાંધીજી જાણતા હતા કે આવા રાજ્યને સમાજનો ટેકો મળવો જોઈએ. એમને સેક્યૂલર રાજ્ય અને સમાજમાં રહેલા માનવતાવાદી ગુણો વચ્ચે ઐતિહાસિક અને સામાજિક સંબંધ દેખાતો હતો.

મૃત્યુથી છ દિવસ પહેલાં એમણે લખ્યું: “રચનાત્મક કાર્યકરોના સુવ્યવસ્થિત સંગઠનની જરૂર પડશે. લોકોની સેવા એ એમનું કામ રહેશે અને ઉત્કૃષ્ટ કામ એમનું બંધારણ હશે. પ્રધાનો આવી સંસ્થા પાસેથી પ્રેરણા મેળવશે. આ સંગઠન સેક્યૂલર સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે”.

આજે આપણે જોવાનું છે કે ગાંધીચીંધી ધર્મનિરપેક્ષતા ફરી સજીવન થાય અને દેશમાં ફેલાયેલા ધર્મ આધારિત દ્વેષના વાતાવરણનો અંત આવે.

૦-૦-૦

શ્રી અનિલ નૌરિયાનો આભાર. એમનો મૂળ લેખ અહીં વાંચી શકાશે.

A Short Story from Pakistan

વેબગુર્જરી પર પ્રસ્તુત એક પાકિસ્તાની વાર્તાઃ

પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં: મૈનૂ લૈ ચલે બાવલા લૈ ચલે વે…

-ખદીજા મસ્તૂર

લેખકનો પરિચયખદીજા મસ્તૂરનો જન્મ ૧૯૨૭માં લખનઉમાં થયો. પહેલી વાર્તા એમણે ૧૫ વર્ષની વયે ૧૯૪૨માં લખી. પાકિસ્તાનના સાહિત્ય ક્ષેત્રમાં એમણે પાંચ વાર્તાસંગ્રહ અને બે નવલકથાઓનો ફાળો આપ્યો છે. ૧૯૮૨માં એમનું અવસાન થયું.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન,એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ -નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

સંપાદકઃ નંદકિશોર વિક્રમ

પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક


મૈનૂ લૈ ચલે બાવલા લૈ ચલે વે…

-ખદીજા મસ્તૂર

પાતળી મોરીમાં પાણીની ધાર કમને વહેતી હતી. એની ઉપર સાબુનાં ફીણ ઓશીકાની ખોળ જેમ ચડી ગયાં હતાં. એ હજી અંધારા બાથરૂમમાંથી નહાઇને નીકળ્યો હતો અને વાળ પર ટુવાલ ઘસતો તડકામાં આરામખુરશી પર બેઠો જ હતો કે એનું ધ્યાન પાણીની પરાણે વહેતી ધાર પર ગયું. આવી જ ધાર એણે પહેલાં પણ જોઈ હતી અને એના દિલોદિમાગ પર એ છવાઈ ગઈ હતી. શરૂઆતમાં તો એ બીજું કંઈ વિચારી જ ન શકતો, પછી ધીમે ધીમે એ ભુલાવા લાગ્યું હતું. આજે ફરી પાણીની ધાર પર સાબુનાં ફીણ જોઈને બધું તાજું થઈ ગયું. એના મનમાંથી અગણિત ‘આહ’ નીકળતી રહી. એવું નથી કે એણે એના કરતાં પણ વધારે ખોફનાક ઘટનાઓ જોઈ નહોતી. એવી ઘટનાઓ કે પથ્થર પણ પીગળી જાય. પરંતુ પેલાં સાબુનાં ફીણવાળી ધાર જેટલી અસર કદી નહોતી થઈ.

શહેરના ચહેકાટને મોતના રાક્ષસે ગળી લીધો હતો. જીવન ખૂણેખાંચરે ભરાઈને ડૂસકાં ભરતું હતું. ઉજ્જડ, વેરાન શહેર ફરી કદી વસી શકશે એમ લાગતું નહોતું. મોત કહેતું હતું કે મારી ચુંગાલમાંથી હવે કોઈ બચી જાય એ વાતમાં માલ નથી. પરંતુ રાહત સમિતિના સાથીઓને લાગતું હતું કે જિંદગી એટલી સસ્તી તો નથી કે એને કીડા-મંકોડાની જેમ મોતને હવાલે કરી દેવાય. જ્યાં પણ શ્વાસ ચાલતા હોય ત્યાં પહોંચીને જિંદગીને જીવતી રાખવાના પ્રયાસ ચાલુ હતા.

એ દિવસે પણ આખા શહેરમાં ઠેરઠેર ભટકીને એ પચાસેક જણને કૅમ્પમાં પહોંચાડી આવ્યો હતો. પોલીસ ચોકી પર ટ્રકમાંથી ઊતરીને તૂટતા શરીરને ખેંચતો ઘરે પાછો ફરતો હતો. સાંજના પાંચેકનો સુમાર. રસ્તાના કિનારે દસ-બારનું ટોળું ગંદા પાણીની નીકમાં કંઈક જોતું હતું. એ પણ જોવા ઊભો રહ્યો. બિલ્ડિંગના તોતીંગ દરવાજે તાળું જડ્યું હતું અને લોકો તાળું તોડી નાખવાની વાત કરતા હતા.

“આપણે ત્રણ દિવસમાં આ ઘરમાં બધાંને સાફ કરી નાખ્યાં હતાં, તો આ વળી કોણ બચી ગયું?” એક માણસ બોલ્યો. લાલલાલ આંખો, ભયાનક ચહેરો અને હાથમાં છરો.

“ તો તોડી નાખો ને તાળું.” પાયજામાના લાંબા લટકતા નાડામાં પગ અટવાતો હતો એ બીજો જણ બોલ્યો. “પણ જરા વિચારો, બહાર તાળું હોય તો અંદર કોઈ હોય જ કેમ?”

ત્રીજો લાલ આંખોવાળો શખ્સ તાડૂક્યો. નીકમાં ઘરની અંદરથી આવતું સાબુના ફીણવાળું પાણી દેખાડતાં બોલ્યોઃ “તો આ શું જાદુ થાય છે?”

હવે ચોથાનો વારો હતો. એ ખમીસની ચાળથી છરો સાફ કરતાં બોલ્યોઃ “લાગે છે કે કોઈ હમણાં જ નહાયું છે.”

એ વિચારવા લાગ્યો કે હવે કરવું શું? હજી તો હમણાં જ એ ચોકી પર પોલીસોને મૂકીને આવ્યો છે. ચોકી પણ દૂર છે અને આજુબાજુમાં પોલીસનો ભણકારો પણ નહોતો પડતો.

“ તાળું તોડો, ભાઈ, તાળું” કેટલાયે અવાજ એકીસાથે આવ્યા.

એણે પ્રયત્ન કર્યોઃ “ પણ ઇન્સાનિયતનો તકાદો તો એ છે કે…” એ બદલાની ભાવનાથી છેડાયેલા જખમો પર ઇન્સાનિયતના છાંટા મારવા મથ્યો. એની વાત વચ્ચેથી જ કપાઈ ગઈ. કેટલાયે અવાજોએ સાથે મળીને પૂછ્યું: “આપણી મા-બહેનો અને ભાઈઓનાં ગળાં રહેંસાતાં હતાં ત્યારે ઇન્સાનિયત ક્યાં છુપાઈ ગઈ હતી અને તું ક્યાં હતો?”

“સૂતો હશે ઇન્સાનિયતને બાઝીને…” ભયાનક ચહેરાવાળો જોરથી હસ્યો.

“ તાળું તો તોડશું. તારે શું છે?”

એ લાચાર થઈ ગયો. તાળું આગળિયા સહિત બહાર આવી ગયું. એક જીવને બચાવવા માટે હવે થોડો જ સમય એના હાથમાં હતો. એણે મરણિયો પ્રયાસ કરી જોયો. “અરે. એમ આંખો મીંચીને શું ધસ્યા જાઓ છો? અંદરવાળા પાસે બંદૂક હશે તો? મારી પાસે રાઇફલ છે. હું આગળ જાઉં છું, તમે બધા છાનામાના મારી પાછળ આવો.” એણે ધીમા અવાજે કહ્યું. બધા શાંત થઈ ગયા અને સીડી ચડવા લાગ્યા.

એક…બે…ત્રણ… પગથિયાં અસંખ્ય હોય એમ લાગ્યું. જીવન બચાવવાના જોશમાં આખા દિવસનો થાક ભુલાઈ ગયો હતો. એ વિચારતો હતો કે સૌની આગળ પહોંચીને એ અંદર જશે અને જે કોઈ હશે તેને સરકી જવાનો ઇશારો કરી દેશે. ઘરમાં એવી તો કોઈ જગ્યા હશે જ ને, જ્યાં છુપાઈને એ પહેલાં પણ બચી ગયો હતો. ફરી ત્યાં જ છુપાઈ જાય, બસ.

પહેલો માળ…બીજો માળ…ત્રીજો માળ… કોઈ નહોતું. વગડા જેવી વેરાની ભાંભરતી હતી. એને થયું કે અહીં તો ઘૂવડોનું રાજ છે. હવે ચોથા માળે જવાનું હતું. એ કેટલાંયે પગથિયાં એકીસાથે ચડી ગયો. બીજા બધા પાછળ રહી ગયા હતા. એ મનમાં ને મનમાં દુઆ માગવા લાગ્યો કે ચોથા માળે પણ ઘૂવડોનું જ રાજ હોય ! ઇન્સાની કાપાકાપીના એવા નમૂના એ જોઈ ચૂક્યો હતો કે હવે વધારે કંઈ જોવાની એનામાં શક્તિ નહોતી.

છેલ્લે પગથિયે પહોંચીને એ દરવાજામાં દાખલ થયો અને સ્તબ્ધ થઈને જોતો જ રહી ગયો. એક બેઠી દડીની સુંદર છોકરી જમીન પર બેઠી હતી. આસમાની રંગનાં કપડાં, નાક લાલ, આંખનાં પોપચાં સૂઝેલાં, આંખો અર્ધી બંધ, શરીર થાકેલું, છૂટા વાળ. હાથમાં કાંસકો લઈને એ સામે રાખેલા અરીસામાં અર્ધી બિડાયેલી આંખે તાકતી હતી. એની પાસે જમીન પર સાબુદાની ટુવાલ, ક્લિપ અને વાળમાં ભરાવવાની પિનો પડી હતી. એને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. આ તે જીવતી જાગતી સ્ત્રી છે કે કોઈ આત્મા? કોઈ પરી? પણ છોકરીએ પોપચાં ઊંચકીને એની સામે જોયું અને એના હાથમાંથી કાંસકો પડી ગયો ત્યારે એને અહેસાસ થયો કે ખરેખર સામે કોઈ મનુષ્ય છે. પછી એને બચાવવા માટે એનો આત્મા તરફડ્યો. એણે છોકરીને ક્યાંક છુપાઈ જવા ઇશારો કર્યો. ધીમે અવાજે કહ્યું કે પાછળ ઘણા લોકો આવે છે. પરંતુ છોકરી પોતાની જ્ગ્યાએ જડ બની ગઈ હતી. એના શરીરમાં જરા પણ હલચલ ન થઈ. છોકરીની એક લાચાર નજર એના પર પડી અને ઢળી ગઈ. પાછળના લોકો હવે અંદર આવી ગયા હતા. બધાના તકાયેલા છરા નીચા થઈ ગયા.

“ લે ભાઈ, ખોદ્‍યો ડૂંગર ને નીકળી એક ઉંદરડી !” લાલ આંખોવાળો છોકરી તરફ આગળ વધ્યો. એને લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે. છોકરીના ચહેરા પરથી લોહી ઊડી ગયું.

“ દયા કરો. એને હાથ ન લગાડો.” એ છોકરી અને લાલ આંખોવાળા વચ્ચે આવીને પાગલની જેમ ચીસ પાડી ઊઠ્યો.

“અરે હટ. હાથ લગાડવાથી મેલી થઈ જશે? આંધળી દળે ને કૂતરાં ખાય. હટ, મહેનત અમારી, માલ અમારો”. બે જણ હસવા લાગ્યા. એને ધક્કો મારીને છોકરીથી દૂર કરી દીધો.

“ન કરો, ન કરો.” એ ફરી છોકરી અને લાલ આંખોવાળાની વચ્ચે આવવા મથ્યો. લાલ આંખવાળાએ એની છાતી પર છરો ધરી દીધો. એક શખ્સે છોકરીને ઘેટાની જેમ ખભે ઉપાડી લીધી. છોકરીએ લટકતા હાથ એના તરફ લંબાવીને બચાવી લેવા આજીજી કરી. એને થયું કે છરો છાતીમાં ઘુસી ગયો હોત તો વાંધો શો હતો? એણે ફરી એક વાર પેલા રાક્ષસને રોકવાની કોશિશ કરી, પણ એણે ધક્કો મારીને દૂર હડસેલી દીધો.

હવે રૂમ ખાલી હતો. વેરાનીનું ભાંભરવું પહેલાં કરતાં પણ વધારે બુલંદ થઈ ગયું હતું. એ ત્યાં જ ફસડાઈ પડ્યો અને હૈયાફાટ રોવા લાગ્યો. રુદન મંદ પડતાં એનું ધ્યાન ગયું. પગ નીચે પિનો અને ક્લિપો ચગદાતી હતી. એણે સંભાળીને એ ઊઠાવી લીધી. ભીનો ટુવાલ છાતીસરસો ચાંપ્યો. પલંગ પર નજર પડી. જાણે કોઈ કેટલાયે દિવસ સુધી પલંગમાં પડ્યે પડ્યે પડખાં ફેરવતું રહ્યું હોય, પગ ઘસતું રહ્યું હોય એમ ચાદરો ચોળાયેલી હતી. એણે ચાદરોના સળ કાઢ્યા. ઓશીકું ભીનું હતું ત્રણ ત્રણ દિવસ રોઈ હશે. પછી થાકીને મોઢું ધોયું હશે અને ફરી રોવા માટે નવી તાજગી મેળવી હશે. અન્હીં. એણે તો સાબુથી મોઢું ધોયું હતું. શૃંગાર કરતી હતી. ચારેય બાજુ મોતના કાળા ઓળા નાચતા હતા, ભેંકારનું સામ્રાજ્ય હતું ત્યારે એ શણગારતી હતી ! ઓશીકું હટાવ્યું તો એક પત્ર હાથમાં આવ્યો. મેલો, ભીનો થઈ ગયેલો પત્ર. એણે ખોલીને એક નજરે આખો પત્ર વાંચી લીધો. “મેરી જાન… તને મળવા હું અધીરો થઈ ગયો છું. જલદી આવું છું. હવે તારા સુધી પહોંચવામાં મને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. હું સીધો જ તારી પાસે આવીશ. તું સજીધજીને મારી રાહ જોજે… બસ, પછી તું અને હું…” એના હાથ ધ્રૂજ્યા. પત્ર નીચે પડી ગયો.

નીચે ગરી અવાજો શરૂ થઈ ગયા હતા, એણે જોયું તો ભીડ એક દુકાન લૂંટતી હતી. એણે પિનો અને ક્લિપ ખિસ્સામાં નાખી દીધાં. લથડતે ડગએ નીચે ઊતર્યો. બહાર નીકળીને એણે ફરી એક વાર નીક પર નજર નાખી. પાણી વહી ગયું હતું અને સાબુનાં ફીણ ઓસરી ગયાં હતાં.

૦-૦-૦-૦

(સંક્ષિપ્ત ભાવાનુવાદઃ દીપક ધોળકિયા)

Philanthropy and American Capitalism

અમેરિકામાં વસતા મિત્ર દિલીપ વ્યાસે એક લેખ વાંચવા મોકલ્યો. આ લેખ પૂરો વાંચવા માટે આ લિંક પર ક્લિક કરશોઃ

અમેરિકામાં સખાવતથી ચાલતી સંસ્થાઓને ૨૦૦૭માં લગભગ ૩૫૦ અબજ ડૉલર મળ્યા. અમેરિકામાં ૧૯૯૦ના દાયકાથી દાન તરીકે ચૅરિટી સંસ્થાઓને દર વર્ષે મળતી રકમ દેશના કુલ આંતરિક ઉત્પાદન (GDP)ના બે ટકા જેટલી થવા જાય છે. બીજી બાજુ ભારતના ૨૦૧૪-૧૫ના બજેટમાં શિક્ષણ માટે ફાળવાયેલી રકમ માત્ર ૦.૬૬ ટકા છે. ૨૦૧૩-૧૪ના બજેટમાં ૦.૭ ટકા રકમ ફાળવવામાં આવી હતી, તેમાં પણ ૨૦૧૪-૧૫ના બજેટમાં કાપ મુકાયો છે. આરોગ્ય સેવા મેળવવા માટે ભારતના નાગરિકો જે ખર્ચ કરે છે તે GDPના ૪ ટકા જેટલો થાય છે, પણ એમાં સરકારનો ખર્ચ માત્ર ૧.૨ ટકા જેટલો છે, બાકીનો ખર્ચ સામાન્ય નાગરિક ભોગવે છે. એટલે કે આપણા કુટુંબમાં સ્વાસ્થ્ય વિશેની કોઈ સમસ્યા ઊભી થાય તો લગભગ પોણા ભાગનો ખર્ચ તો આપણા ખિસ્સા પર જ પડે છે, સરકાર તરફથી મળતી સેવાનું મૂલ્ય માત્ર પચીસ ટકા જેટલું જ છે. જે લોકો પાસે પૈસા ન હોય તેમની સ્થિતિ વિશે વિચારવા જેવું છે. શિક્ષણ અને આરોગ્ય સેવા, બન્ને પાછળ આપણા દેશમાં ખર્ચાતી કુલ સરકારી રકમ અમેરિકામાં દાનમાં અપાતી રકમ જેટલી થતી નથી.

આપણા દેશમાં દાનનો મહિમા તો બહુ છે પણ કેટલું દાન મળે છે, ક્યાં વપરાય છે, અને લોકોને એનો શો લાભ મળે છે તે જાણવાની કોઈ વ્યવસ્થા પણ નથી. કદાચ ઇન્કમ ટૅક્સ ઓછો થાય એવા ૮૦સીસી કે અન્ય લાભો માટે દાન અપાતાં હોય તો ભલે. બાકી જાહેર જનતાને તો ખબરેય પડતી નથી કે કોણ શું કરે છે. સરકારે કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (કંપનીઓની સામાજિક જવાબદારી)નો ખ્યાલ છેલ્લાં દસ-બાર વર્ષથી વહેતો મૂક્યો તે પછી કંઈક ડીંડવાણાં ચાલતાં હોય એ બનવાજોગ છે પણ એનો કંઈ અર્થ નથી, કારણ કે સામાન્ય લોકો સુધી જેમ સરકાર નથી પહોંચતી તેમ ધનાઢ્યો પણ નથી પહોંચતા. આખરે, એમની પાસે એકત્ર થયેલું ધન પણ બજારમાં લોકોને માલ વેચીને પ્રાપ્ત કરેલા નફા રૂપે જ એકત્ર થયું હોય છે. વૉરેન બફેટ કે બિલ ગેટ જેવા ધનાઢ્યોએ પોતાની મોટા ભાગની સંપત્તિ આપી દીધી છે, પણ એમને જોઈને આપણા ઉદ્યોગપતિઓ પોતાની અંગત સંપત્તિમાંથી એક ટકો પણ આપવા તૈયાર થયા હોવાનું સાંભળવા નથી મળ્યું.

અમેરિકી દાનની અંધારી બાજુ

ભારતમાં તો દાનનો મહિમા માત્ર પુસ્તકોમાં હોય એમ લાગે છે પણ અમેરિકામાં વહેતા આ દાનનો પ્રવાહ પણ અંધારી બખોલમાં જઈ પહોંચે છે. ઇંડિયાનાપોલિસની યુનિવર્સિટીની લિલી ફૅમિલી સ્કૂલે દાનના પ્રવાહ વિશે એક રિપોર્ટ તૈયાર કરાવ્યો. એના લેખક પૅટ્રિક રૂની કહે છે કે હવે દાન આપનારાની સંખ્યા ઘટી છે. કોઈ ખાસ કાર્યક્રમ માટે અપાતા દાનનું મૂલ્ય જે લોકો વરસેદહાડે બે લાખ ડૉલર કરતાં વધારે કમાતા હોય એવા વર્ગમાં પચીસ ટકા વધ્યું છે, જે લોકો વાર્ષિક એક લાખ ડૉલર કમાતા હોય એવા દાતાઓની રકમો ૬.૧ ટકા જેટલી ઓછી થઈ છે. બીજી બાજુ, જેમની આવક પચીસ હજાર ડૉલર જેટલી હોય તેવા લોકોએ હવે દાન આપવાનું લગભગ બંધ કરી દીધું છે. ૨૦૦૮ની મંદીનો ધક્કો ઓછી આવકવાળા લોકોને લાગ્યો, રોજગારની તકો ઓછી થઈ ને અનિશ્ચિતતા વધી ગઈ તેની અસર સ્સામાન્ય લોકોની સખાવત કરવાની શક્તિ પર પણ પડી છે.

લોકો Thanks-giving Day (દર વર્ષે નવેમ્બરનો ચોથો ગુરુવાર) અને નવા વર્ષની વચ્ચેના દિવસોમાં ચૅરિટી સંસ્થાઓને દાન આપતા હોય છે. દુકાનોમાં અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં દાનપેટીઓ પણ રાખેલી હોય છે. સામાન્ય લોકો એ રીતે નાનીમોટી સંસ્થાઓને દાન આપતા હોય છે, પરંતુ સામાન્ય લોકો તરફથી દાનની રકમ ઘટતાં, એકંદરે દાનનો રાષ્ટ્રીય આંકડો ઊંચો જવા છતાં, નાની સંસ્થાઓને ફાળે આવતી રકમ ઘટી છે. બીજી બાજુ ‘મોટા માણસો’ નાની સંસ્થાઓને બદલે મોટી સંસ્થાઓને પસંદ કરે છે એટલે એમને મળતી દાનની રકમ પણ મોટી જ હોય છે. ઉદાહરણ તરીકે, ઔષધ ઉદ્યોગના માંધાતા ફ્રેડ ઈશલમૅને નૉર્થ કેરોલાઇના યુનિવર્સિટીની ટાર હિલ્સ ઔષધ સ્કૂલને દસ કરોડ ડૉલર દાન તારીકે આપ્યા છે. ઈશલમૅન પોતે આ જ સ્કૂલમાં ભણતા હતા અને પોતાની માતૃશાળાને એમણે આટલી મોટી મદદ આપીને સવાબસ્સો વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. આ રકમમાંથી સ્કૂલ ‘ઈશલમૅન ઇંસ્ટીટ્યૂટ ઑફ ઇનોવેશન’ શરૂ કરશે. છેલ્લા એક દાયકામાં આ સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓએ ૧૩૦ પેટન્ટો અને૧૫ કંપનીઓ સ્થાપી છે.

આટલી મોટી સખાવત અને એના ઉપયોગની યોજનાથી પ્રભાવિત થયા સિવાય ન જ રહેવાય. પરંતુ વાત એ છે કે ઈશલમૅન આ સ્કૂલના ગવર્નિંગ બોર્ડમાં ઘણાં વર્ષ રહ્યા છે અને એમના ઔષધ વ્યવસાય અને સ્કૂલના અભ્યાસક્રમ વચ્ચે સીધો સંબંધ છે. રિપોર્ટના લેખક રૂની કહે છે કે આવાં મોટાં ડોનેશનો મોટા ભાગે તો દાન આપનારાના પ્રોજેક્ટો માટે જ લાભકારક છે. સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના સેન્ટર ઑન ફિલેન્થ્રોપી ઍન્ડ સિવિલ સોસાઇટીના સહનિયામક રીચનો એક અભ્યાસપાત્ર ૨૦૧૩માં જ્‍હોન હૉપકિન્સ યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કર્યો છે. લખે છે કે “ માનવતાવાદી દાન મુખ્યત્વે દાતાના પોતાના પ્રોજેક્ટનું જ એક આગેકદમ હોય એવું લાગે છે; એમાંથી દાતા કયા ક્ષેત્રને મૂલ્યવાન ગણે છે તે દેખાય છે, ગરીબોને રાહત મળે તે રીતે સંપત્તિનું દાન દ્વારા પુનઃ વિતરણ કરવાનો હેતુ હોય એવું જણાતું નથી. આ ધનાઢ્યો ખરેખર દાન કોને આપે તે પહેલાં જ કરરાહત મેળવી લેતા હોય છે. એમના માટે ‘ડૉનર-ઍડવાઝ્ડ ફંડ્સ’ (DAFs) પણ છે. આ સંસ્થાઓમાં ધનકુબેરો અમુક રાકમ જમા કરી દે છે. કોને કેટલી મદદ આપવી તે પણ નક્કી ન થયું હોય તો પણ DAFમાં મૂકેલી રકમ દાન માટેની હોવાથી એના પર કરામાં કપાત મળી જાય છે.

આજે દેશની સૌથી મોટી ચૅરિટી સંસ્થાઓ ‘યુનાઇટેડ વે’, ‘સાલ્વેશન આર્મી’ કે ‘અમેરિકન રેડ ક્રૉસ’ નનાં દાનો પર ચાલે છે, પણ એ દાન મેળવવામાં પાછળ છે. દસ મોટાં ડૉનેશનોમાંથી આઠ તો યુનિવર્સિટીઓને મળ્યાં છે. આ રકમ વ્યવસાયને ઉપયોગી એવાં સંશોધનો માટે વપરાશે. આ દાન નથી મૂડીરોકાણ જ છે.

દાનવૃત્તિ અને મૂડીવાદ આ રીતે ખભેખભા મેળવીને ચાલે છે. જો કે આ નવી વાત નથી. દાનનો અર્થ જ અસામાનતા છે. અસમાનતા ન હોય તો દાનની જરૂર પણ ન હોય. દાન આર્થિક અસમાનતાની કડવાશને હળવી બનાવી આપે છે. મૂડીવાદને સામાજિક વિદ્રોહના આંચકાઓથી બચાવવાની આ રીત સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે.

Aandhli Bhakti, Aandhala Vicharo

વેબગુર્જરી પર મારો નવો લેખ ‘મારી બારી (૨૯) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. લેખનું શીર્ષક છેઃ આંધળી ભક્તિ, આંધળા વિચારો.

લિંકઃ http://webgurjari.in/2014/11/25/maari-baari-29/

હરિયાણાના હિસારમાં ‘સંત’ રામપાલ અંતે અદાલતની કસ્ટડીમાં પહોંચી ગયો છે. ૨૦૦૬ના એક ખૂન કેસમાં એની ધરપકડ કરવાની હતી અને રાજ્ય સરકાર ટાળતી રહી હતી. છેવટે, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક આદેશ પછી ભારે પોલીસ દળ મોકલવું પડ્યું. એના ભક્તો આશ્રમમાં અડ્ડો જમાવીને બેઠા હતા અને એની ધરપકડમાં આડે આવતા હતા. દરમિયાન આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓ અને એક બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં છે.

ભક્તો તો રામપાલને ભગવાનનો અવતાર માને છે અને એની સામે થયેલી કાર્યવાહી પછી પણ એમની શ્રદ્ધા ઓછી થાય કે એમની આંખ ખૂલી જાય એવી શક્યતા નથી. આપણે જે મહાન દેશની છાસવારે પ્રશંસા કરતાં થાકતા નથી, એ દેશની પ્રજા આવી કેમ છે, કે જે સામે આવ્યો તેનાં ચરણ પખાળવા મંડી જાય? આપણે જ્યારે આપણા ભવ્ય ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણી આધ્યાત્મિક સિદ્ધિઓ વિશે જ નહીં, વૈજ્ઞાનિક સિદ્ધિઓના દાવા પણ કરીએ છીએ. વૈજ્ઞાનિક સફળતાઓ અંધ ભક્તિથી ન મળે. સવાલ એ છે કે આપણે હંમેશાં આવા જ અંધ ભક્ત અને મૂર્ખ હતા કે પાછળના કોઈ સમયમાં બની ગયા?

આજે આવા બધા બાબાઓના આશ્રમો ચાલે છે અને એમાં એમની સાર્વભૌમ સત્તા છે. આ દેશનો કોઈ પણ કાયદો ઉદ્દંડતાથી તોડતાં આ બાબાઓ અચકાતા પણ નથી હોતા. કોઈ સેક્સ સ્કૅન્ડલમાં સપડાયા છે, તો કોઈ હત્યાઓમાં. પરંતુ ભક્તોની સંખ્યા ઘટતી હોવાનું જણાતું નથી. આપણે હજી નવા જમાનામાં પ્રવેશ્યા નથી. હજી સામંતવાદી વલણોમાંથી બહાર નથી આવ્યા. રાજા બધું કરી શકે. રાજાના બધા ગુના માફ. હવે રાજા ન રહ્યા તો બાબાઓ આવ્યા છે. એમના માટે લોકો પોતાના પ્રાણની પણ કુરબાની દેવા તૈયાર હોય છે.

આ દેખાડે છે કે આપણી પ્રજામાં સાચું-ખોટું સમજવાની ક્ષમતા નથી. આનો અર્થ એ જ છે કે આપણે પોતાની જ કહેવાતી સિદ્ધિઓ માટે પોતાની જ પીઠ થાબડતા રહેવાનું પસંદ કરીએ છીએ. આનો અર્થ એ પણ કે આપણામાં તટસ્થ વિશ્લેષણ કરવાની વૃત્તિ પણ નથી. જેવી આપણી આંધળી ભક્તિ છે, તેવા જ આંધળા વિચાર છે.

રામપાલ જેવો જ બીજો એક સંપ્રદાય છે, સચખંડ. હાલમાં એનું એક મૅગેઝિન વાંચવા મળ્યું. એક ભક્તે લખ્યું હતું કે ૧૯૮૪માં ૩૧મી ઑક્ટોબરે દિલ્હીમાં શીખવિરોધી રમખાણો થયાં તેમાંથી ગુરુજીએ એને બચાવી લીધો. કઈ રીતે? ગુરુજીએ એને ઇંદિરા ગાંધીની હત્યાથી પણ પહેલાં કહી દીધું કે ૩૧મીની સવારે એણે દિલ્હી છોડી દેવાનું રહેશે.. આ ભક્તસાહેબ દિલ્હીથી ગયા તે પછી ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રમખાણો શરૂ થઈ ગયાં. ગુરુજીની આગમવાણીથી ભક્તસાહેબ બચી ગયા. ગુરુજીના ચમત્કારથી તેઓ બહુ પ્રભાવિત થયા. પરંતુ એમને એ વિચાર ન આવ્યો કે આ ગુરુજીએ ઇંદિરા ગાંધીની હત્યા કેમ ન રોકી? બીજા શીખો એમના દુશ્મન હતા કે એ સૌને મરવા દીધા? પણ બસ, હું બચી ગયો એટલે ગુરુજી મહાન.

જ્યાં સુધી આપણે આસ્થાને માર્ગે જ સમસ્યાઓનાં સમાધાન શોધતાં રહેશું ત્યાં સુધી બાબાઓની જમાત મોટી ને મોટી થતી રહેશે. પાકિસ્તાનમાં પણ આવા બનાવો બને છે. પાકિસ્તાનના ગુજરાતમાં શાહ દૌલાની મઝાર પર રોજ દુઃખોમાંથી મુક્તિ ઝંખતા લોકોની ભીડ જામે છે. સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે આવે છે, પણ જ્યારે એમને ગર્ભ રહે ત્યારે પહેલું સંતાન ‘ઉંદર- બાળ’ હશે. એટલે કે એ વિકલાંગ હશે. આ બાળક એમણે મઝારને આપી દેવાનું હોય છે. ભક્તો પહેલું બાળક સ્વસ્થ હોય તો પણ એને ઉંદરબાળ માને છે અને મઝારને આપી દે છે. એને ત્યાં વિકલાંગ બનાવી દેવાય છે અને એનો જુદી જુદી રીતે પૈસા કમાવા માટે ઉપયોગ થાય છે. ઇસ્લામમાં ચમત્કારોનો ઇન્કાર હોવા છતાં આવું ચાલ્યા કરે છે. બીજી બાજુ, આપણે તો ચમત્કારને બહુ સામાન્ય વાત માનીને ચાલીએ છીએ.

આમાં એક નવો વળાંક આવ્યો છે. આપણી બડાઈખોરી એટલી હદે પહોંચી છે કે આપણે કથાઓને – માઇથોલૉજીને – ભારતમાં વૈજ્ઞાનિક વિકાસનું ઉદાહરણ માનીએ છીએ. માઇથોલૉજી આપણી પરંપરાનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. એના વિના ધર્મની વાતો સૂકી બની જશે. પરંતુ માઇથોલૉજી પોતે ધર્મ પણ નથી અને વિજ્ઞાન પણ નથી. હાલમાં જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. સત્ય એ છે કે વડા પ્રધાન એમના જીવનમાં એટલા સક્રિય રહ્યા છે કે એમને આ વિષય પર અલગ વિચાર કરવાનો કદી સમય નહીં મળ્યો હોય એટલે એમનો અભિપ્રાય અહોભાવથી પીડિત સામાન્ય માણસના વિચારોના સ્તરે છે એ સ્પષ્ટ છે. ગણેશના માથાની જગ્યાએ હાથીનું માથું બેસાડવા માટે પ્લાસ્ટિક સર્જનો જોઈએ. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલતાં એક મિથકમાંથી બીજા મિથકમાં કેવા સરકી પડીએ છીએ તેનું આ ઉદાહરણ છે. પહેલું મિથક તો માણસ પર હાથીનું માથું ગોઠવાયેલું હોય તે છે. બીજું મિથક એ છે કે આપણે ત્યાં પ્લાસ્ટિક સર્જનો હતા.પણ આવો તો કોઈ ઉલ્લેખ આપણાં પુરાણોમાં નથી મળતો. આ જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી તો એનાં અર્થઘટનો કરી શકાય અને પ્રતીક તરીકે વાજબી પણ ઠેરવી શકાય. પણ એની સાથે ભક્તિભાવ જોડીને આપણે એને ધાર્મિક વાસ્તવિકતા આપીએ છીએ એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરીની આખી પદ્ધતિ સમજ્યા વિના એનું અસ્તિત્વ પહેલાં હતું એમ કહેવું એ તો માઇથોલૉજીને વૈજ્ઞાનિક વાસ્તવિકતા આપવા જેવું છે.આમ છતાં ગુજરાતના રૅશનાલિસ્ટોએ વિનયપૂર્વક વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાના પ્રયાસ પણ નથી કર્યા જણાતા.

વડા પ્રધાને ખરેખર વિજ્ઞાનની દિશામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હોત તો વાત સમજી શકાઈ હોત. ચરક અને સુશ્રુત, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કર, બ્રહ્મગુપ્ત વગેરે આપણા વૈજ્ઞાનિકો હતા.શૂન્યની શોધ ભારતે કરી એ વાત આવી હોત તો બહુ સારું થાત. આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે સદીઓ કેમ નીકળી ગઈ, દરેકની પાછળ એક પરંપરા કેમ ન બની, આ નામો માત્ર આપણી વિજ્ઞાનહીનતામાં અપવાદ તરીકે જ કેમ સામે આવે છે તે સમજવાનો તો આપણે પ્રયાસ પણ નથી કરતા. માઇથોલૉજીનો અર્થ બેસાડવાના પ્રયાસથી નવાં મિથકોનો જન્મ થાય છે. આપણી આસપાસ અનેક આવાં મિથકો બાબાઓના રૂપે ફેલાયેલાં છે. આપણે એમને સાચા અર્થમાં સમજી શકીએ તો એમના પ્રભાવોમાંથી મુક્ત પણ થઈ શકીએ. પરંતુ, અફસોસ, આપણને મિથકોને સત્ય માનવાની ટેવ છે.

આપણી ભક્તિ જેમ આપણા વિચારો પણ આંધળા છે. માઇથોલૉજીમાંથી આપણે એક નિરાધાર તારણ તો કાઢ્યું કે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી હતી. પરંતુ એમાંથી સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો? સત્ય એટલું જ છે કે ગણેશ અથવા ગણપતિ એક ગણના નેતા હતા. આવા કેટલાયે ગણ હતા અને કેટલાયે ગણપતિ હતા. આમાંથી એક ગણનું પ્રતીક હાથી હતું.

આવી જ એક કથા રામાયણમાં છે. રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણ મેઘનાદના પ્રહારથી બેભાન થઈ ગયા છે અને મૃત્યુને આરે પહોંચી ગયા અથવા, કથા કહે છે તેમ મૃત્યુ પામ્યા છે. એક માત્ર સુષેણ વૈદ્ય આનો ઉપાય જાણતા હતા. એમણે લક્ષ્મણને સજીવન કરવા માટે એક પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું. હનુમાન આ કામ કરી શકતા હતા. એ ગયા પણ વનસ્પતિને ઓળખી ન શક્યા એટલે આખો પર્વત ઊંચકી લાવ્યા !

(ખરેખર તો વાલ્મીકિ રામાયણમાં આ કથા જ નથી. એટલે માઇથોલૉજીની અંદર પણ આપણે માઇથોલૉજી પેદા કરી છે ! વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડના ૪૫થી ૫૦ સર્ગ વાંચવા વિનંતિ છે. આમ છતાં આ કથા મૂળ કથા કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે એટલે એનું મહત્ત્વ ઓછું નથી).

આ માત્ર કથા છે અને શ્રોતાઓ અને વાચકો પ્રભાવિત થઈ શકે છે. આમાં સત્ય શું? સત્ય એટલું જ છે કે આપણાં જંગલોમાં અને પહાડો પર ઊગતી વનસ્પતિઓમાં કદાચ જીવનદાન આપી શકે એવી કેટલી બધી ઔષધિઓ છે ! આપણે આ સત્યની પાછાળ ગયા હોત તો? બસ, હનુમાન પર્વત ઉપાડી લાવ્યા તે જાણીને પ્રસન્ન વદને “જય જય જય હનુમાન ગુંસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાંઈ” ગાવામાં મસ્ત થઈ જઈએ.

આદિવાસીઓ જંગલોમાં રહે છે. જડીબુટ્ટીઓ વિશે એમનું જ્ઞાન અગાધ છે. એક માત્ર જયકૃષ્ણ ઇન્દ્રજી એવા નીકળ્યા કે જેમણે બરડા ડૂંગરની દરેક વનસ્પતિનો અભ્યાસ કરીને એના ગુણધર્મો વિશે પુસ્તક લખ્યું. બાકી આપણે સૌ તો માઇથોલૉજીને સત્ય માનવામાંથી ઊંચા આવીએ ત્યારે સમજીએ ને કે આમાંથી તો આદિવાસીઓની જીવનશૈલીનું જતન કરવાનો, જંગલોનું જતન કરવાનો સંદેશ મળે છે. જંગલોનો નાશ થવાની સાથે આયુર્વેદનો પણ નાશ થશે. આપણી ભક્તિ પણ આંધળી છે અને વિચારો પણ આંધળા છે. સીધા માર્ગે જતા જ નથી.

ચિંતા ન કરશો. આપણે ત્યાં રામપાલો, આસારામો,અને…અને…અને…અનેક ધધૂપપૂઓ પેદા થયા જ કરશે.

 

A short story from Pakistan

http://webgurjari.in/2014/11/23/all-time-best-urdu-stories-from-pakistan_1/

-ઇન્તઝાર હુસૈન

લેખકનો પરિચયઃ
પાકિસ્તાનના જૂની પેઢીના લેખક ઇન્તઝાર હુસૈનની પહેલી વાર્તા ૧૯૪૮માં છપાઈ. તે પછીના અર્ધા સૈકા સુધી એમની સાહિત્યયાત્રા ચાલુ રહી તેમાં એમણે પાંચ નવલકથાઓ, સાત વાર્તા સંગ્રહો, ત્રણ નાટકો અને કેટલાંયે યાત્રા વર્ણનો લખ્યાં છે. એમને પાકિસ્તાન સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર પણ મળ્યો છે. અહીં એમની એક વાર્તાનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે, જે સ્ત્રીના મનની દ્વિધા, લગ્નસંબંધો વગેરેનાં મનોવૈજ્ઞાનિક પાસાંની છણાવટ કરી છે.

આભારઃ

આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક સાક્ષી પ્રકાશન (એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫)નો આભાર.

પ્રકાશકનો સંપર્કઃ

ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .

પુસ્તક સંબંધી વિવરણઃ

‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’

(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)

સંપાદકઃ નંદકિશોર વિક્રમ

પ્રકાશનઃ ૨૦૦૯ (c) પ્રકાશક

૦-૦-૦

નર-નારી

– ઇન્તઝાર હુસૈન

મદનસુંદરીના મનમાં હરખ સમાતો નહોતો કે દેવીમાતાએ એની અરજ સાંભળી લીધી. નહીં તો, એ તો ભાઈ અને પતિ બન્નેને ખોઈ બેઠી હતી. ભૈયા જવા લાગ્યા ત્યારે એમનાં ખૂબ જ ઓવારણાં લીધાં. ગોપીએ પણ એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને વિદાય થયો.

ગોપીના જવા પછી પણ મદનસુંદરી દેવી મહિમા ગાતી રહી. ધાવલ તો એની હામાં હા મેળવતો રહ્યો. બન્નેએ મળીને દેવીમાની સ્તુતિ કરી કે બ્રહ્મા, વિષ્ણુ અને ઇંદ્ર, બધા સતત માની સેવામાં રહે છે અને મા પણ ભક્તો પર કેટલી કૃપા કરે છે. ભક્ત પર સંકટ આવે કે તરત માતા ત્યાં પહોંચીને એમને ઉગારી લે છે.

બસ, આ જ વાતોમાં દિવસ નીકળી ગયો. રાત પડી અને આખા દિવસની થાકેલી મદનસુંદરી હવે ધાવલના પડખામાં સૂઈ જશે. ધાવલને તો એણે ખોઈ દીધો હતો અને ફરી પાછો મેળવ્યો. આજે તો એના બાહુનું ઓશીકું બનાવીને એ નિરાંતે સૂઈ જશે. કેટલી બધી ઇચ્છાઓ હતી મનમાં. પણ આજે શું થયું? આજે એને ધાવલનું શરીર અજાણ્યું લાગ્યું. આજે શું થઈ ગયું ધાવલના દેહને? એને તો એ બહુ સારી રીતે જાણતી હતી. બન્ને દેહ એકમેકમાં જોડાતા ત્યારે એવું લાગતું કે બન્ને એકબીજાંને જનમોજનમથી ઓળખે છે. ધાવલનો હાથે કેવો એના આખા દેહ પર ફરતો, જાણે એણે મદનનાં અંગોનાં બધાં રહસ્યોનો પાર પામી લીધો હોય. પણ આજે એ જ હાથ જાણે કશું જાણતો ન હોય એમ ફરતો હાતો. પહેલાં તો એ હાથ ફરતો અને મદનસુંદરીના શરીરમાંથી વીજળી દોડી જતી. પરંતુ આજે તો જાણે એ જ હાથ પહેલી વાર જ આવ્યો હોય તેવો સાવ અજાણ્યો હતો. મદન વિમાસણમાં પડી ગઈ. પોતાની જ શંકાઓ સામે બહુ લડી. ઘણી વાર સુધી સંયમ રાખીને બેઠી રહી. અંતે એનો કાબૂ છૂટી ગયો અને બોલી પડીઃ “ આ તો ધાવલ નથી.” એ ધાવલના હાથ છોડીને દૂર હટી ગઈ.

ધાવલ આશ્ચર્યમાં પડી ગયો. શું થઈ ગયું છે, મદનને? એ પણ ભડક્યો “તું શું બોલે છે? હું નથી તો કોણ છે?”

“ નથી, તું ધાવલ નથી.” મદનસુંદરીની જીભ હવે મોકળી થઈ ગઈ હતી. ધાવલે ફાનસ ઉપાડ્યું અને બોલ્યોઃ “ સુંદરી, ભાનમાં આવ અને મને જોઈ લે. હું નથી તો કોણ છે?”

મદનસુંદરીએ ફાનસના પ્રકાશમાં એનો ચહેરો જોયો. એ ધાવલ જ હતો. એ શરમાઈ ગઈ. બોલીઃ “ હા, છે તો તું જ મારો ધાવલ !”

“ બરાબર જોઈ લે, વળી તને કંઈક વહેમ પડે તે કરતાં તો !” ધાવલ પણ હવે એને વધારે શરમાવતો હતો.

મદનસુંદરી લજવાઈ ગઈ. વિચારતી રહી કે એને હાથ કેમ અજાણ્યો લાગ્યો હશે? એની નજર ધાવલના હાથ પર પડતાં એ ફરી ચમકી. આ હાથ તો ધાવલના નથી ! “તારા હાથને શું થયું?” એ બોલી, “આ હાથ તારા નથી.”

“તો કોના છે?” હવે ધાવલ અકળાયો. મદન વિચારમાં પડી ગઈ. હાથ ધાવલના તો નથી જ પણ તદ્દન અજાણ્યાય નથી. એકાએક એની સામે ગોપીનો ચહેરો આવી ગયો. “અરે, આ હાથ તો ગોપીના છે !”

એના મોઢામાંથી શબ્દો નીકળ્યા તે સાથે જ એ પોતે સ્તબ્ધ થઈ ગઈ. અપરાધીની જેમ બોલી, “સ્વામી,મારાથી ભૂલ થઈ ગઈ.”

“ ભૂલ શું ભૂલ?”

“માથા અને ધડમાં ગોટાળો થઈ ગયો.”

“ અરે,તું શું કહે છે, ફોડ પાડીને કહે ને !”

એ રોઈ પડી. “સ્વામી મારા જેવી કમનસીબ કોણ હશે? હું તો ઊલમાંથી નીકળી ને ચૂલમાં પડી. મારી આંખો ફૂટી ગઈ હતી કે મેં ધડ એકનું ને માથું બીજાનું એમ જોડી દીધાં.”

ધાવલ સમજી ન શક્યો. બોલ્યો, “અરે માથું તો મારું કપાયું હતું પણ તારું માથું તો ફરી ગયું લાગે છે. સીધેસીધી વાત કર, કંઈક સમજાય તો ખરું?”

મદનસુંદરીની આંખ સામે આખું દૃશ્ય તાજું થઈ ગયું. દેવીમાની મૂર્તિ સામે ધાવલ અનેગોપીના લોહેલોહાણ ધડ પડ્યાં છે. માથાં અલગ થઈ ગયાં છે. પતિયે ગયો અને ભાઈ પણ ગયો. અભાગણ મદનસુંદરી શું કરે? એણે લોહીથી ખરડાયેલું ખાંડું પાસે પડેલું જોયું. એણે વિચાર્યું કે હવે જીવીને શું કરવું? ખાંડું ઉપાડીને પોતાની ગરદને ધરે છે ત્યાં તો દેવીમાની મૂર્તિ બોલી, “ હે નારી, ખાંડું મૂકી દે. તું ખરી સતી છે. તારાઉપર હું પ્રસન્ન છું તું બન્નેનાં માથાં આને ધડ્પાસ્સે પાસે મૂકી દે. હું બન્નેને જોડી દઈશ. તારો પતિ અને તારો ભાઈ, બન્ને જીવતા થઈ જશે.

“હે નાથ, એમાં ભૂલ થઈ ગઈ.” મદન બોલી,”મેં ભૂલથી તમારું માથું ગોપીના ધડ પાસે મૂકી દીધુંઅને ગોપીનું માથું તમારા ધડ પાસે. માતાજીએ તરત તમને બન્નેને જીવતા કરી દીધા.”

ધાવલ હસ્યો. “લે, તો ભાઈ અને પતિમાં ગોટાળો થઈ ગયો છે!”

મદન સુંદરીએ જવાબ આપ્યો, ”પણ હવે હું કોની પત્ની છું અને કોની બહેન?”

ધાવલ પણ વિમાસણમાં પડી ગયો. પછી એણે તરત ફેંસલો કરી નાખ્યો. “જો, મદન, માણસ તો ચહેરાથી ઓળખાય. ધડ તો બધાં એકસરખાં જ હોય ! તો તું ધડને ન જો, મારા માથાને જો. આ ચહેરો તારા ધાવલનો છે કે નહીં?”

મદન નિરુત્તર થઈ ગઈ. ચહેરો જોતાં જ એ બધું ભૂલી ગઈ અને ધાવલને વળગી પડી. પરંતુ એને તરત જ લાગ્યું કે આ તો ધાવલ નથી ! અને એ દૂર હટી ગઈ.

ધાવલે કહ્યું, “સુંદરી, હવે તને શું થયું?”

મદન બોલી,”મને લાજ આવે છે.”

“કોની લાજ?”

“ધડની લાજ આવે છે.” મદનસુંદરી અચકાતાં બોલી.

ધાવલ મુઝવણમાં પડી ગયો. “ અરે, સાંભળ મારી મદન. તું મારી ધર્મપત્ની છે. જીનું માથું તેનું ધડ. માથું હું છું, તો ધડ પણ હું જ છું.”

મદન સુંદરીએ નક્કી કરી લીધું કે જેનું માથું તેનું ધડ, અને આ જ છે ધાવલ. પણ હવે વારો હતો ધાવલનો ચકરાવે ચડવાનો. એ વિચારવા લાગ્યો, હું એટલે કોણ? એના મનમાં સંશય પેદા થયો. આ હું જ છું અને કોઈ મારામાં જોડાઈ ગયો છે, કે હું કોઈમાં જઈને જોડાઈ ગયો છું? એણે પોતાનાં અંગોને જોયાં. આમાંથી મારું કંઈ નથી. હું તો બસ મસ્તક જેટલો બચ્યો છું, બાકી તો મારું કંઈ જ નથી !

રાતે મદનસુંદરી એની પાસે સૂવા આવી તો હોઠમાં જ બોલ્યો, “નહીં સુંદરી, દૂર જ રહેજે, આ હું નથી, બીજો કોઈ છે.”

મદનસુંદરી ભોઠી પડી. ધાવલે એને નકારી કાઢી હાતી. એણે કહ્યું, “સ્વામી, આ તમે જ છો. તમે કેમ નથી?”

“ધડ બીજું છે. તે પછી હું રહ્યો કેટલો છું? બસ મસ્તક જેટલો.એની નીચે તો તારો ભાઈ ગોપી છે !”

બન્ને મૂંગાં થઈ ગયાં.

“સ્વામી, તમે જ મને કહ્યું હતું,” મદને સમજાવવાની કોશિશ કરી, “નદીઓમાં શ્રેષ્ઠ ગંગા નદી છે, પર્વતોમાં શ્રેષ્ઠ છે સુમેરુ પર્વત અને મનુષ્યમાં શ્રેષ્ટઃ છે, એનું મસ્તક. જે મસ્તક તે જ માનવી. સ્વામી.મને કહીને તમે પોતે જ ભૂલી ગયા?”

ધાવલ ખસિયાણો પડી ગયો. એને કોઈ જવાબ ન સૂઝ્યો. એ વિચારવા લાગ્યોઃ મદનની વાત સાચી છે.મસ્તક મારું છે તો એની નીચેનું ધડ પણ મારું જ છે. આખેઆખો હું જ છું.

પરંતુ આમ થોડા દિવસ ચાલ્યું, પછી ફરી એ જ વહેમ મનમાં સળવળ્યો. કેટલીયે વાર એને વિચાર આવ્યો કે ગોપી પાસે જઈને કહી દઉં, ”લે સંભાળ તારું ધડ, ને મને મારું ધડ આપી દે.”

દિવસો વીતતા ગયા પણ ધાવલનું મન આ કોયડો ઉકેલી ન શક્યું. છ્ર્વટે એ મદન સુંદરીને લઈને નગર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં મહાતપસ્વી દેવાનંદ ઋષિ રહેતા હતા.ધાવલ એમની પાસે ગયો. એમનો ચરણ સ્પર્શ કરીને બોલ્યોઃ “ હે મહારાજ, તમે તો મહાજ્ઞાની છો. સંસારનાં અનેક રહસ્યો જાણી લીધાં છે. કેટલાંયની સમસ્યાઓ ઉકેલી આપી છે, તો અમારી સમસ્યા પણ ઉકેલી દો.

દેવાનંદ ઋષિ બોલ્યાઃ “વત્સ, તારી સમસ્યા શી છે?”

ધાવલે આખી વાત સમજાવી. ઋષિ એને તાકીને જોતા રહ્યા. પછી બોલ્યાઃ” મૂર્ખ, આમાં તને શું દ્વિધા છે? સો વાતની એક વાત. તું નર છે અને મદન સુંદરી નારી છે. જા તારું કામ કર.”

ધાવલની આંખેથી પરદો દૂર થઈ ગયો. એણે બહુ ઘણા વખત પછી મદન સુંદરી સામે એવી રીતે જોયું,જેમ યુગો પહેલાં પ્રજાપતિએ ઊષા સામે જોયું હતું. મદન સુંદરીએ પણ ધાવલની આંખમાં કામ વિકાર જોયો અને ભાગવા લાગી. ઊષાપણ પ્રજાપતિની કામાતુર આંખો જોઈને ભડકી હતી અને ભાગી છૂટી હ્તી…પણ અંતે તો પરાજિત થઈ હતી.

(સંક્ષિપ્ત ભાવાનુવાદઃ દીપક ધોળકિયા)


 

The Last Nawab of Junagarh

જૂનાગઢના અંતિમ નવાબની કથાઃ

ડૉ. પ્રદ્યુમ્ન ખાચરની કલમે

૧૮મી જુલાઈ ૧૯૪૭ના રોજ ઇંગ્લૅન્ડના રાજવી અને ભારતના સમ્રાટ જ્યૉર્જ છઠ્ઠાએ ‘ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ- ૧૯૪૭’ પર સહી કરી તે સાથે ૧૫મી ઑગસ્ટે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય પ્રદેશને બે ભાગમાં વહેંચીને ભારત અને પાકિસ્તાન એમ બે સાંસ્થાનિક રાજ્યો બનાવવાનું નક્કી થઈ ગયું. એ વખતે દેશી રજવાડાં હતાં તે બધાં બ્રિટનની સર્વોપરિતા હેઠળ હતાં. એમને પોતાના રાજ્યનો વહીવટ બ્રિટિશ પ્રતિનિધિ, એટલે કે રેસીડન્ટની જાણકારીમાં (અને ક્યારેક એની દખલગીરી સહી લઈને) ચલાવવાનો અધિકાર હતો, પરંતુ, સંરક્ષણ, વિદેશો સાથેના સંબંધ વગેરે જેવી બાબતોમાં સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નહોતો. બ્રિટને દેશ છોડવાનો નિર્ણય લીધો એટલે રજવાડાં સાથે થયેલી સર્વોપરિતાની સંધિ પણ રદ થઈ ગઈ અને બધાં રાજ્યો ઇંડિયન ઇન્ડીપેન્ડન્સ ઍક્ટ પ્રમાણે બ્રિટિશ ભારતની જેમ જ સ્વતંત્ર થઈ ગયાં. પરંતુ લૉર્ડ માઉંટબૅટને એમને સલાહ આપી કે તેઓ સ્વતંત્ર તો છે, પણ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ જાય તો સારું થશે. એમણે એ વખતે એમ પણ કહ્યું કે ભારતમાં કે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય લેતી વખતે એમની સરહદ કયા સાંસ્થાનિક રાજ્યને સ્પર્શે છે અને લોકોની શી ભાવના છે તે પણ ધ્યાનમાં રાખવું.

આના પછી જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો. જૂનાગઢના નવાબ મુસલમાન હતા પણ બહુમતી પ્રજા હિન્દુ હતી. તે ઉપરાંત જૂનાગઢ રાજ્ય એટલે કે સોરઠને એક બાજુ અરબી સમુદ્ર અને ત્રણ બાજુએ કાઠિયાવાડનાં નાનાં મોટાં રજવાડાં હતાં એટલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય તર્કસંગત તો નહોતો જ. અંતે લોકોની ‘આરઝી હકુમત’ બની, વિદ્રોહ થયો, જેમાં કોંગ્રેસના નેતાઓ (અને ભારત સરકારની પણ) અને ભારતીય સૈન્યની મહત્વની ભૂમિકા રહી. અંતે નવાબ ભાગી છૂટ્યા અને જૂનાગઢ પર ભારતે કબજો કરી લીધો.

પરંતુ આપણે આ ઇતિહાસમાં નથી જવું, માત્ર આવું વિવાદાસ્પદ પગલું ભરનારા છેલ્લા નવાબ મહાબત ખાનજી વિશે વાત કરવી છે.

જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કૉલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ‘સોરઠ સરકાર’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ડૉ. ખાચરની અંગત માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે એમણે એકવીસ પુસ્તકો લખ્યાં છે. નવાબ મહાબત ખાનજી વિશે એમનું કહેવું છે કે :

“લેખકોએ વિજેતાઓને વ્હાલા થવા જૂનાગઢ રાજ્ય વિશે ઘણું બધું સાચું ખોટું કહ્યું અને લખ્યું અને જાણે કે જૂનાગઢ રાજ્યમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ખરાબ શાસકો હતા તેમ આમ જનતામાં મનાવા લાગ્યું…આ વાંચ્યા પછી આજ સુધી નવાબ તરફની દ્વિધાઓ અને ખોટી માન્યતાઓ અને ખોટા ઇતિહાસને આપણે દફનાવીને એક ભલા ભોળા પ્રજાવત્સલ શાસકનો સાચો ઇતિહાસ જાણવા મળશે.”

ભારતમાં રજવાડાં તો ઘણાં હતાં પણ ‘સરકાર’ શબ્દ બ્રિટિશ સરકાર ઉપરાંત માત્ર નિઝામ, ગાયકવાડ અને સોરઠ રાજ્યો માટે વપરાતો. આમ જૂનાગઢ એ વખતે એક મહત્વનું રાજ્ય હતું.

અકબરે ગુજરાતને જીતી લીધું તે પછી જૂનાગઢમાં હકુમતનાં સૂત્રો એક ‘ફોજદાર’ નૌરંગ ખાનને સોંપ્યાં. આવા ૩૧મા સરદાર શેરખાન બાબીએ મોગલો નબળા પડ્યા તેનો લાભ લીધો અને આસપાસના પ્રદેશો જીતીને પોતાને નવાબ જાહેર કર્યો. સોરઠનો રાજવંશ મરાઠાઓને – વડોદરાના ગાયકવાડને ખંડણી ચૂકવતો, કારણ કે મોગલો વળતું આક્રમણ ન કરે તેમાં એમને ગાયકવાડની મદદ મળતી હતી. ઈ. સ. ૧૭૪૮થી માંડીને ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યાં સુધી જૂનાગઢ પર બાબીઓનું રાજ્ય રહ્યું, જે નવમા બાબી મહાબત ખાનજી સાથે સમાપ્ત થયું.

ડૉ. ખાચર કહે છે કે નવાબ મહાબત ખાનજીએ કેટલાયે સુધારા કર્યા અને સામાન્ય લોકો સાથે એમનો સીધો સંપર્ક હતો. એ પાક મુસલમાન તરીકે જીવતા, પરંતુ એમને કૂતરાં પાળવાનો (બિનઇસ્લામી) શોખ પણ હતો. એમના મહેલમાં કોઈ પણ વ્યક્તિ મળી શકતી. જે જાય તેના નામની ચબરખી નવાબ પાસે મોકલવામાં આવે એટલે નવાબ એને બોલાવીને એની ફરિયાદ પૂછે. વ્યક્તિની ઊંચનીચ જોયા વગર જ નવાબ કદી કોઈને તુંકારો ન આપે; દરેકને પહેલાં ક્ષેમકુશળ પૂછે, તે પછી જ એની અરજી સાંભળે.

૧૧ વર્ષની વયે ૧૯૧૧માં એમણે પિતાની છત્રછાયા ખોઈ દીધી હતી અને અંગ્રેજોના દબદબાની એમના મન પર ભારે આસર પડી હતી, એમ ડૉ. ખાચર માને છે. આ કારણે બીજાઓની સલાહને એ બહુ મહત્વ આપતા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના એમના નિર્ણયમાં પણ એમના દિવાન શાહનવાઝ ભુટ્ટોનો પ્રભાવ બહુ સ્પષ્ટ છે. જો કે, એક વાત દેખાય છે કે વ્યક્તિગત રીતે એમની ધાર્મિક માન્યતા જે હોય તે, વ્યવહારમાં અને રાજકાજનાં કાર્યોમાં ધર્મને કારણે મોટા ભાગે પક્ષપાત નહોતો થતો.

મહાબત ખાનજી ગાદીએ આવ્યા ત્યારે જૂનાગઢમાં મોટા પાયાના ઉદ્યોગો નહોતા, પરંતુ હાથવણાટ, જરીભરત, ચર્મોદ્યોગ, મત્સ્યોદ્યોગ, મીઠા ઉદ્યોગ, પોટરી વગેરે હતાં. આ યાદીમાં રેલવે ઉદ્યોગ પણ દેખાડેલો છે, પરંતુ એની વિગત નથી આપી એટલે આ રસપ્રદ પાસું ચૂકી જવાય છે. જો કે, રેલવેના વિકાસની બાબતમાં નોંધવા જેવી વાત એ છે કે ભારતમાં રેલવે આવ્યા પછી માત્ર પચીસ વર્ષમાં, ૧૮૮૮માં જૂનાગઢથી જેતલસર સુધીની ૧૬ માઇલ (૨૫-૨૬ કિ.મી.)ની અને ૧૮૮૯માં જૂનાગઢથી વેરાવળ સુધી ૫૧ માઇલ (૮૦-૮૧ કિ.મી.)ની લાઇન નંખાઈ હતી, તે દર્શાવે છે કે નવાબ મહાબત ખાનજીના પિતા પ્રગતિશીલ હતા. તે પછી ૧૯૩૭ સુધીમાં બીજા લગભગ ૨૫૦ કિલોમીટરની રેલવે લાઇનો શરૂ થઈ. આમ આઝાદી પહેલાં જૂનાગઢ રાજ્યમાં લગભગ સાડાત્રણસો કિલોમીટરની રેલવે લાઇનો હતી એ વાતની નોંધ લીધા વિના ન ચાલે.

ડૉ. ખાચર લખે છે તેમ સૌરાષ્ટ્રના રાજવીઓ પર પશ્ચિમના આધુનિક વિચારોની અસર પડવા માંડી હતી અને જૂનાગઢના નવાબ પણ એમાંથી બાકાત નહોતા. આથી એમણે કેટલાંયે સુધારાલક્ષી પગલાં લીધાં, જેમાં રેવેન્યુ પટેલોની નીમણૂંકને બદલે ચૂંટણી કરવાનું ફરમાન મહત્વનું છે. તે ઉપરાંત ખેડૂતોની જમીન લઈ લેવાની હોય તો નવાબ પોતે સુનાવણી કરે અને એમને એ વાજબી લાગે તો જ જમીન લઈ શકાય એ નિર્ણય પણ પ્રશંસાને પાત્ર હતો. આમ તો એમણે ૧૧ વર્ષની ઉંમરે ૧૯૧૧માં ગાદી સંભાળી, પણ વિધિવત્‍ રાજ્યાભિષેક ૧૯૨૦માં થયો તે સાથે જ આ બન્ને નિર્ણય એમણે જાહેર કર્યા તે ઉલ્લેખનીય છે. વળી, શીતળાની રસી ફરજિયાત બનાવી અને રસી ન મુકાવે તેને પચાસ રૂપિયાનો દંડ કરવાનું ફરમાન પણ એમના પ્રગતિશીલ વિચારોનું સૂચક છે. આજે પણ ઇસ્લામને નામે પાકિસ્તાનના બલૂચિસ્તાન જેવા ટ્રાઇબલ વિસ્તારોમાં રોગવિરોધી રસીઓનો વિરોધ થતો હોય છે અને પશ્ચિમના દેશોમાં જઈને વસેલા અમુક મુસ્લિમો પણ ધાર્મિક કારણોસર રસીઓનો વિરોધ કરતા હોવાના અહેવાલો અવારનવાર વાંચવા મળે છે તે જોતાં એક નવાબ શીતળાની રસી ફરજિયાત બનાવે એ મોટી વાત છે.

સિંહોના રક્ષણ માટે તો નવાબ રસૂલખાનજીએ ૧૮૯૬માં જ કાયદો બનાવ્યો હતો, પણ ૧૯૨૫માં સિંહ સિવાયનાં પ્રાણીઓના શિકાર માટેના બધા પરવાના નવાબ મહાબત ખાનજીએ રદ કર્યા અને કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે નવાબની અંગત મંજૂરીને આવશ્યક બનાવી દીધી. આ ઉપરાંત એમણે ચિલ્ડ્રન વેલ્ફેર સેન્ટર, ટેકાનિકલ સ્કૂલ, બૅન્ક, રેડક્રોસ વગેરેની સ્થાપના પણ કરી.

નવાબે રાજ્યની આવક પણ વધારી. ૧૯૩૩માં રાજ્યની આવક ૮૬ લાખ રૂપિયા હતી તે ૧૯૪૫ની આસપાસ વધીને ૧૯૦ લાખ થઈ ગઈ. ૧૯૧૧થી ૧૯૪૭ સુધી એમણે રૂ. ૪.૫૭ કરોડ દાનમાં આપ્યા એમ ડૉ. ખાચરે આપેલી યાદી જણાવે છે. આમાં તુલસી શ્યામના રિપેરિંગનો અને એવાં બીજાં હિન્દુ ધાર્મિક સ્થાનોના વિકાસનો ખર્ચ પણ છે. જો કે એમણે અંગ્રેજો દ્વારા ચાલતી સંસ્થાઓ, જેમ કે, દિલ્હીની લૅડી હાર્ડિંગ મૅડિકલ કૉલેજને અથવા YMCAને આપેલી માતબર રકમના આંકડા જોતાં એમ કહી શકાય કે એમના પર દબાણ પણ હશે. વળી, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મદદ તરીકે આપેલી રકમને દાન ન ગણાવી શકાય. જૂની ફાઇલોમાં આ રકમને દાનના સદર તળે દર્શાવેલી હોય તો પણ એક તટસ્થ ઇતિહાસકાર તરીકે ડૉ. ખાચરની નજરમાંથી આ મુદ્દા છટકી ગયા હોય એમ લાગે છે. ખરેખર તો આ રકમો માટે એમના પર શું દબાણ આવ્યું તે જાણવું વધારે રસપ્રદ થયું હોત.

૧૮૯૪થી ૧૯૪૬ સુધી રાજ્યમાં નવ કોમવાદી ઘટનાઓ બની હોવાનું લેખકે નોંધ્યું છે. પ્રભાસ પાટણના દેહોત્સર્ગના મંદિરને સીલ કરવાના મામલામાં નવાબ તટસ્થ રહ્યા હતા, પણ એમણે ગિરનારના પ્રદેશમાં મસ્જિદ બાંધવાની મનાઈ કરીને મુસલમાનોની ખફગી પણ વહોરી લીધી હતી. એમની ટીકા થતી કે નવાબ હિન્દુવાદી બની ગયા છે. એક ઘટના પછી તો નવાબે દિવાન મહંમદ શેખને જ બરતરફ કર્યા, પરંતુ અંગ્રેજ સરકાર વધારે ઊંડે ઊતરી અને નવાબને જ જૂનાગઢ છોડી દેવાનો હુકમ કર્યો હતો. આ પછી નવાબ છ મહિના બાલાચડીમાં રહ્યા હતા. જો કે આ ઘટનાઓ શી હતી તેના પર લેખકે પ્રકાશ પાડ્યો હોત તો વધારે સારું થયું હોત.

અલબત્ત, એમણે નોંધ લીધી છે કે નવાબના રાજ્યમાં મુસલમાનોની વસ્તી માત્ર ૧૮ ટકા હતી પરંતુ એમના માટે કેટલીક સારી સુવિધાઓ હતી. બહાઉદ્દીન કૉલેજમાં મુસલમાનો મફત શિક્ષણ લઈ શકતા. મુસલમાનો પર પણ કેટલાક પ્રતિબંધો હતા, જેમ કે, રાજ્યનાં ખાલસા ગામોમાં રાજ્યે નક્કી કરેલી જગ્યા સિવાય ફાવે ત્યાં કબરો બનાવી ન શકાતી. વેરાવળમાં ૧૪ ફુટથી ઊંચા તાજિયા કાઢવા સામે પણ પ્રતિબંધ હતો.

ઇતિહાસ શું માત્ર ‘પરિવર્તનોની નોંધ’ છે કે એનું અર્થઘટન પણ કરી શકાય? આ સવાલ હંમેશાં રહેવાનો છે. પરિવર્તન પાછળનાં પરિબળોનો સંદર્ભ સ્પષ્ટ કરવા જેટલા ઊંડા ઊતરવાની તો ઇતિહાસકારની ફરજ છે જ. તે સિવાય ઇતિહાસ એક મોં-માથાના મેળ વિનાનો દસ્તાવેજ બની જાય. એક વાત નક્કી કે ઇતિહાસ માત્ર માહિતીનો ઢગલો નથી. નવાબની શાદીમાં કઈ નાત કઈ તારીખે જમી એ કદાચ માત્ર માહિતી છે જે ફાઇલોમાં જરૂરી હોય પણ ઇતિહાસનાં પાનાં પર જરૂરી ન પણ હોય. આશા રાખીએ કે ડૉ. પ્રદ્યુમ્ન ખાચર આ વિષય પર વધારે વિશદ છણાવટ સાથેની બીજી સઘન અને વિશ્લેષણાત્મક આવૃત્તિ રજૂ કરશે. ભાષા અને વ્યાકરણ અને સારા પ્રુફ રીડિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર લાગે છે.

અંતમાં, એ પણ કહેવું જોઇશે કે આપણે કોઈને પણ વિલન બનાવી દઈએ છીએ અને માત્ર બે જ રંગમાં માણસને જોઇએ છીએ – કાળો અથવા ધોળો. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ભારતીય આઝાદી અને એકીકરણના ઇતિહાસના એક મહત્ત્વના પાત્રને કાળા અને ધોળા વચ્ચેના કોઈ રંગમાં જોવા અને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે; એના માટે તેઓ અવશ્ય અભિનંદનના અધિકારી છે. છેવટે તો, નવાબ મહાબત ખાનજી સ્વતંત્ર ભારત પહેલાંના કોઈ પણ શાસક જેવા જ શાસક હતા; એમનાથી ચડિયાતા પણ નહીં અને ઊતરતા પણ નહીં.

વેબગુર્જરી પર આ લેખ માટે અહીં ક્લિક કરશોઃ

http://webgurjari.in/2014/11/11/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AB%A8%E0%AB%AE-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4/

Two stories

હિન્દી સાહિત્ય આપણા સાહિત્ય કરતાં જુદું પડે છે – ખાસ કરીને વિષયની પસંદગી અને છણાવટની નજરે. વખતોવખત આવી કોઈ વાર્તાનો અનુવાદ આપવાની મારી ઇચ્છા છે. માત્ર હિન્દી જ નહીં ભારતની અન્ય ભાષાઓનાં સાહિત્યની પણ ઝલક આપવી છે.

(૧) આજે વેબગુર્જરી પર ડૉ. અપૂર્વાનંદની એક વાર્તા’આગમની ગા ન સકા’નો અનુવાદ મૂક્યો છેઃ  http://webgurjari.in/2014/11/02/could-not-sing-agamani/ 

આ વાર્તા અનુવાદ માટે પસંદ કરવાનું કારણ એ કે એમાં આપણી પરંપરા, લોકકથાઓ અને વર્તમાનને એકસૂત્રે સાંકળી લેવાનો પ્રયાસ થયો છે. આખી વાર્તા શરૂઆતથી અંત સુધી એક નવી છાપ ઊભી કરે છે.

(૨) આ પહેલાં પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલની વાર્તા ‘નાકોહસ’નો અનુવાદ પણ રજુ કર્યો છે, જેની લિંક આ રહીઃ  http://webgurjari.in/2014/09/21/nakohas/

આ વાર્તા આપણને એક ‘સર-રિયલ’ દુનિયામાં, દુઃસ્વપ્નના સંસારમાં લઈ જઈને વર્તમાન અને ભવિષ્ય સાથે સાક્ષાત્કાર કરાવે છે.

આ બન્ને વાર્તાઓ ઉત્કૃષ્ટ કોટિની તો છે જ અને  તમને સૌને ગમશે એવી મને માત્ર આશા જ નહીં ખાતરી પણ છે. હા, તે સાથે અનુવાદની મારી ક્ષમતા પણ વાચકોની તીક્ષ્ણ દૃષ્ટિની કસોટીએ ચડે છે, એ પડકાર પણ છે જ. સૌ મિત્રોના અભિપ્રાય જાણવા આતુર છું.

Shravan kyaa malashe?

શ્રવણની કથા બહુ જાણીતી છે. આપણે સૌ પરંપરાથી જાણીએ છીએ કે શ્રવણ પોતાનાં અંધ અને વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રાએ લઈ જતો હતો. રસ્તામાં માતાપિતાને તરસ લાગી એટલે એ નદીમાં પાણી લેવા ગયો. એ જ વખતે દશરથ રાજા શિકાર માટે નીકળ્યા હતા એમણે ઘડામાં પાણી ભરાતું હતું તેનો અવાજ સાંભળીને ધારી લીધું કે કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું છે. એમને શબ્દવેધી બાણની કલા હસ્તગત હતી એટલે બાણ ચલાવ્યું. શ્રવણ એનાથી ઘાયલ થઈ ગયો. દશરથ એની પાસે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે એમનું તીર તો માનવીને લાગ્યું છે. શ્રવણે એમને પૂછ્યું કે મને શા માટે માર્યો. ત્યારે દશરથે એની માફી માગી. શ્રવણે કહ્યું કે મારા મૃત્યુના સમાચાર તમે પોતે જ જઈને મારાં માતાપિતાને આપો. દશરથના પસ્તાવાનો પાર નહોતો, પરંતુ એ શ્રવણનાં માતાપિતા પાસે ગયા અને પોતાનું પાપ કબૂલ્યું. અંધ અને નિરાધાર થઈ ગયેલાં માતાપિતા આક્રંદ કરી ઊઠ્યાં અને એમણે પણ મૃત્યુને વરવાનો નિર્ણય કર્યો. દશરથને બ્રહ્મહત્યાનું પાપ તો લાગ્યું જ, તે ઉપરાંત શ્રવણનાં માતાપિતાએ એમને શાપ પણ આપ્યો કે અમે આજે જેમ પુત્રનું મોઢું જોઈ શકતાં નથી તેમ તમારું પણ મૃત્યુ પુત્રવિયોગમાં જ થશે. છેવટે એ શાપ સાચો પડ્યો અને રામ વનવાસ માટે નીકળી ગયા તે પછી દશરથ રામના વિયોગમાં ઝૂરતા મૃત્યુને વશ થયા.

આગળ  વાંચવા માટે વેબગુર્જરી પર જવા વિનંતિ છે…અહીં ક્લિક કરોઃ

મારી બારી (૨૫) – શ્રવણ ક્યાં મળશે?

Avsaad-naa lekhak Parth Nanavati

પાર્થ નાણાવટી એક નવી, તાજી કલમનું નામ છે. એમના પુસ્તક ‘૧૩’નો પરિચય મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છેઃ

મારી બારી (૨૪) – અવસાદના લેખક : પાર્થ નાણાવટી

આ ઉપરાંત દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને ‘સવાર લઈને’ પુસ્તક માટે મળ્યો છે. વિશેષ અહીંઃ

દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર

 

%d bloggers like this: