“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (3)

Creating a new medina 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

હવે આપણે યૂ. પી.ના મુસ્લિમોને પોતાની તરફ વાળવાના કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રયાસો વિશે ચર્ચા કરશું. આ વિષય બહુ મહત્ત્વનો છે અને એમાંથી બન્નેનાં અલગ દૃષ્ટિબિંદુ દેખાય છે, જે પરસ્પર વિરોધી છે. યુક્ત પ્રાંતમાં પાકિસ્તાન વિશે એટલો બધો વ્યવસ્થિત પ્રચાર હતો કે એની અવગણના કરી શકાય એમ નથી. આપણે આગળ જોયું તેમ બીજા હિન્દુવાદી કે મુસ્લિમવાદી પક્ષોથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્ને જુદાં પડતાં હતાં, એમના માટે કટ્ટર પક્ષોને માર્ગમાંથી હટાવી દેવાનું જરૂરી હતું.

લેખક કહે છે કે જિન્ના અને કોંગ્રેસ વચ્ચે વિરોધ હતો, પરંતુ બન્ને વચ્ચે નિકટતા પણ હતી! એ જ રીતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે યૂ. પી.માં માત્ર હરીફાઈ જ નહોતી, સુમેળ પણ હતો. આપણે આ તો ગયા અઠવાડિયે બીજા ભાગમાં જોઈ લીધું. આમ છતાં યુક્ત પ્રાંતમાં ૧૯૩૭ની ચૂટણી પછી કોંગ્રેસે સરકાર બનાવી પણ એમાં મુસ્લિમ લીગને સાથે લઈ ન શકી આ મુદ્દો ભાગલા વિશે લખનારા ઇતિહાસકારો માટે બહુ મહત્ત્વનો રહ્યો છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આના માટે એકબીજાને દોષ આપે છે, પરંતુ એક વાતે સૌ સંમત છે કે પાકિસ્તાનનો માર્ગ આ નિષ્ફળતાએ નક્કી કરી આપ્યો, જો કે દરેક એનાં કારણો જુદાં જુદાં આપે છે. આ મુદ્દાને જેટલું મહત્ત્વ મળવું જોઈએ તેટલું મળ્યું છે, પરંતુ લેખક કહે છે કે ૧૯૩૭ની ચૂંટણી પછી યુક્ત પ્રાંતમાં મુસ્લિમ લીગની તાકાત અનેકગણી વધી એ મુદ્દા પર જેટલું ધ્યાન અપાવું જોઈએ તેટલું નથી અપાયું. લીગ સત્તામાં નહોતી અને બે વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી. સરકારની બહાર કોંગ્રેસે મુસલમાનો સાથે જનસંપર્ક વધારવાની જોરદાર ઝુંબેશ ઉપાડી હતી. આની સામે મુસ્લિમ લીગે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુસલમાનોને આકર્ષવાના હતા. મુસલમાનોને આકર્ષવાના પ્રયાસોમાં સંયોગો પ્રતિકૂળ હોવા છતાં એણે કોંગ્રેસને પાછળ રાખી દીધી, એટલું જ નહીં આ પ્રક્રિયાની સાથે લીગ પોતે પણ કુલીનવર્ગીય મૃત સંસ્થામાંથી પ્રજાકીય આધારવાળી, સામાન્ય લોકોની સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ. ૧૯૩૭ પછી જેટલી પેટા ચૂંટણીઓ થઈ તેમાં લીગે કોંગ્રેસના ઉમેદવારોને સજ્જડ હાર આપી. તેની સાથે દેશમાં પણ મુસ્લિમ લીગ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ તરીકે પોતાનો દાવો હિંમતભેર રજૂ કરતી રહી. યૂ. પી.માં ઊભી થયેલી નવી સ્થિતિને જ કારણે જિન્ના લીગના પ્રમુખપદે ચુંટાયા.

નહેરુનો મતઃ યૂ. પી.માં સરકાર બનાવો

૧૯૩૭ની ચૂંટણીમાં જબ્બરદસ્ત સફળતા મેળવ્યા છતાં જવાહરલાલ નહેરુ ધારાસભામાં જવા કે સરકાર બનાવાવાની તરફેણમાં નહોતા. નહેરુ માનતા હતા કે કોંગ્રેસ સત્તા સંભાળશે તો એ લડાયક સંગઠનને બદલે સુધારાવાદી સંગઠન બની જશે. પક્ષની અંદરના ડાબેરી ઘટકે નહેરુને જોરદાર ટેકો આપ્યો, પરંતુ જમણેરી પાંખ સતા સંભાળવાની હિમાયત કરતી હતી. અંતે યૂ. પી.માં સરકાર બનાવવાનો નિર્ણય તો લેવાયો, પરંતુ નહેરુ ધારાગૃહની બહાર ક્રાન્તિકારી જોશ ટકાવી રાખવાની હિમાયત કરતા રહ્યા અને એમણે જનસંપર્કનું અભિયાન છેડવાનો નિર્ણય કર્યો.

૧૯૩૭ની ચૂંટણીમાં કોંગ્રેસને મુસલમાનોનો ટેકો ખાસ નહોતો મળ્યો એટલે એમની સાથે સંપર્ક સ્થાપવાને પ્રાધાન્ય અપાયું. નહેરુએ હિંમત નહોતી ખોઈ એમણે જાહેર કર્યું કે ’પ્રતિક્રિયાવાદી’ મુસ્લિમ નેતાગીરી સાથે કરારો અને સમજૂતીઓ કરવાની જૂની યુક્તિપ્રયુક્તિઓને તિલાંજલી આપીને સીધા જ મુસ્લિમ જનસમાજ પાસે જવાની જરૂર હતી. નહેરુ “આર્થિક મુદ્દાઓ પર મુસલમાનોની સાથે સંવાદ” સ્થાપવા માગતા હતા. એમણે કહ્યું કે કોમી વિખવાદ માત્ર હિન્દુ અને મુસ્લિમ મધ્યમવર્ગનો મુદ્દો હતો અને સામાન્ય જનને એની સાથે કંઈ લેવાદેવા નહોતી, કારણ કે કોમી માગણીઓમાં આ ગરીબ વર્ગની એક પણ માગણી નહોતી.

સામાન્ય મુસ્લિમ જનસમાજનો સંપર્કઃ કોંગ્રેસની દલીલો

નહેરુએ અલ્હાબાદમાં આનંદ ભવનમાં જ મુસ્લિમ જનસંપર્ક માટે ‘મુસ્લિમ માસ કૉન્ટૅક્ટ પ્રોગ્રામ’ (MMCP) નામનો નવો અલગ વિભાગ શરૂ કર્યો. એનો ચાર્જ એમણે સામ્યવાદીએ નેતા કુંવર મહંમદ અશરફને સોંપ્યો. અશરફ અલવરના મેયો જાતિના હતા. મેયો જાતિ હિન્દુ અને મુસલમાન બન્નેની પરંપરાઓને માને છે. આમ અશરફ પૂરા મુસલમાન નહોતા કે પૂરા હિન્દુ પણ નહોતા. અશરફ લંડનમાં ભણ્યા હતા. ત્યાં સજ્જાદ ઝહીર અને ઝેડ. એ. અહમદ એમના સાથી હતા અને માર્ક્સવાદે એમના પર ભારે પ્રભાવ પાડ્યો. ત્યાંથી પાછા ફરીને ૧૯૩૬માં ત્રણેય કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટીમાં જોડાયા. નહેરુ એમની બુદ્ધિપ્રતિભા અને કાર્યદક્ષતાથી બહુ પ્રભાવિત થયા હતા.

ઝેડ. . અહમદનો દૃષ્ટિકોણ

મુસલમાનોને સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર સૌથી પહેલાં ઝેડ. એ. અહમદને સમજાઈ. એમણે કહ્યું કે મુસ્લિમ સમાજ રાજકીય દૃષ્ટિએ પછાત છે. એમણે હિન્દુઓની પ્રગતિની સમીક્ષા કરતાં દેખાડ્યું કે કોઈ પણ સમાજમાં આર્થિક વર્ચસ્વ ધરાવતો વર્ગ રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનો સૂત્રધાર બને છે. હિન્દુઓએ કોંગ્રેસની સ્થાપના કરી જે સામ્રાજ્યવાદના વિરોધનો એક સશક્ત મંચ હતો. આનું કારણ એ કે એ વખતમાં મોગલ શાસનના અંત સાથે મૂડીવાદ આવ્યો, જે એ વખતે પ્રગતિશીલ પરિબળ હતો. હિન્દુ સમાજમાં મૂડીદાર વર્ગનું વર્ચસ્વ હતું અને આ વર્ગ એકંદર વિકાસને બળ પૂરું પાડતો હતો. આના પરિણામે હિન્દુઓમાં રાજકીય જાગૃતિ વધારે આવી. બીજી બાજુ મોગલોના પતન વખતે મુસલમાનોમાં સામંત વર્ગનું, એટલે કે બેઠાડુ જમીનદારોનું વર્ચસ્વ હતું. સામાન્ય મુસલામાન કાં તો ખેડૂત હતો, કાં તો ખેતમજૂર કે કારીગર હતો. એમની રાજકીય ચેતના જમીનદારોથી દોરવાતી હતી. ૧૮૫૭ના વિદ્રોહ પછી મુસલમાન સમાજે પશ્ચિમી જગતની આધુનિક રીતરસમોનો સ્વીકાર કરવામાં પણ ઘણો વિલંબ કર્યો. હિન્દુઓ તો નવી તકોનો લાભ લઈને આગળ નીકળી ગયા. મુસલમાનોમાં પણ સર સૈયદ અહમદ ખાન જેવા નેતાઓએ સુધારાની ચળવળ ચલાવી અને શિક્ષણનો પ્રચાર કર્યો, પરંતુ રાજકીય રીતે એમણે મુસલમાનોને જમીનદારોથી અલગ કશું વિચારવાની મનાઈ કરી. આમ શહેરી મુસ્લિમોમાં પણ પ્રતિક્રિયાવાદી વલણ ચાલુ રહ્યું. એમણે મુસલમાનોને સામંતવાદી પ્રભાવમાંથી મુક્ત કરીને મોટે પાયે કોંગ્રેસના સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનમાં સામેલ કરવાની જરૂર દર્શાવી.

અશરફનો વ્યૂહ

કે. એમ. અશરફે MMCPના ચેરમૅન તરીકે આની વિશેષ છણાવટ કરી. (નોંધઃ આજે પણ એનું મહત્ત્વ ઓછું નથી થયું એટલે વિગતવાર જોવાનું અગત્યનું છે). ૧૯૨૧માં ગાંધીજીએ ખિલાફત આંદોલનમાં હિન્દુઓ અને મુસલમાનોને એક કરીને સામ્રાજ્યવાદી સત્તા સામે બહુ મોટો પડકાર ફેંકી શક્યા હતા. અશરફને લાગ્યું કે તે પછી ફરીથી હિન્દુ-મુસ્લિમ સંયુક્ત મંચ બનાવીને અંગ્રેજ હકુમતની હકાલપટ્ટી કરીને આર્થિક અને રાજકીય આઝાદી મેળવવાની મોટી તક ૧૯૩૭ના ‘ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ’ દ્વારા ઊભી થઈ છે.

૧૯૨૯ની મહામંદીમાંથી દુનિયાનાં અર્થતંત્રો હજી બહાર આવી શકતાં નહોતાં. ભારત એમાં બહુ ખરાબ રીતે સપડાયેલું હતું. દેશના અર્થતંત્રની પાયમાલી દરેક ઘરને સીધી જ સ્પર્શી ચૂકી હતી. અશરફે દેખાડ્યું કે મહામંદી પોતે જ મૂડીવાદી વ્યવસ્થાના તીવ્ર બનતા આંતર્વિરોધનું પરિણામ હતી. આના ભાર નીચે કોઈ પણ સમાજ પોતાની મૂળ સ્થિતિ ટકાવી શકે તેમ નહોતો. એમણે જોયું કે ભારતમાં સમાજવાદી રાજ્યવ્યવસ્થા સ્થપાય તેવા બધા જ સંજોગો હતા, અને કહ્યું કે માનવજાત હવે હેવાનિયત ( જાનવરનાં લક્ષણો)થી આગળ વધીને ઇન્સાનિયત તરફ વળતી હતી.

અશરફે ૧૯૨૧ની સફળતાની સાથે એમાં થયેલી ભૂલોની પણ ચર્ચા કરી. એમણે કહ્યું કે મુસ્લિમ જાગરણનો આધાર એમનાં આર્થિક અને રાજકીય હિતોમાં હોવો જોઈએ. આના માટેના નવા કાર્યક્રમમાં ભૂમિહીન લોકોને જમીન, ખેતજમીનના ગણોતના હકોનું રક્ષણ, મજૂરોને યોગ્ય વેતન, એમના કામના સંયોગો સુધારવા, રોજગાર આપવો અને ગરીબાઈ અને ભૂખમરામાંથી મુક્તિના સિદ્ધાંતોને આધારે ચલાવવો જોઈએ.

કોમની નવી વ્યાખ્યા

અશરફે મુસ્લિમ કોમની નવી વ્યાખ્યા આપી. એમણે “ઇસ્લામમાં માનનારા લોકોનો સમૂહ” એવો અર્થ માનવાનો ઇનકાર કર્યો. એમણે કહ્યું કે આવા કોઈ સમૂહની અલગ રાજનીતિ કે સંસ્કૃતિ હોઈ ન શકે. મુસલમાનોમાં સ્વાભાવિક રીતે જ એકતા હોય, અને દરેક મુસલમાનનું આર્થિક કે રાજકીય હિત એક જ હોય એમ સ્વીકારવા અશરફ તૈયાર નહોતા. એક મુસલમાન ખેડૂત અને એક મુસલમાન જમીનદારનાં હિતો સમાન નથી; એમના વર્ગોનાં હિતો સાથે જોડાયેલાં છે.

મુસ્લિમ લીગ વિશે અશરફના વિચારો

અશરફે કહ્યું કે કુલીન વર્ગના જમીનદારોએ ૧૯૦૭માં લીગની સ્થાપના કરી તે વખતથી જ એના નેતાઓએ પ્રગતિવાદી ભૂમિકા ભજવી નથી અને જન-આંદોલનનો નવો તબક્કો શરૂ થશે તો એમનું વલણ કઈ તરફ ઢળશે તે કહેવું મુશ્કેલ નથી. અશરફની નજરમાં મુસ્લિમ લીગ બ્રિટિશ વસાહતવાદીઓની એજન્ટ હતી અને મુસ્લિમોની ક્રાન્તિકારી ચેતનાને હિન્દુઓ સાથેના ગૃહયુદ્ધમાં વાપરવા માગતી હતી. એમણે બંગાળની મુસ્લિમ લીગની પ્રાંતીય સરકારનું નક્કર ઉદાહરણ આપીને દેખાડ્યું કે બંગાળમાં નાગરિક અધિકારોને કચડી નાખવામાં આવ્યા છે, રાજકીય કેદીઓ જેલમાં જ છે અને સરકારે ખેડૂતો કે મજૂરોની હાલત સુધારવાનો કોઈ કાર્યક્રમ તૈયાર નથી કર્યો. એમણે કહ્યું કે મુસ્લિમ લીગનો એકમાત્ર હેતુ કોંગ્રેસના નેતૃત્વ નીચે ચાલતા સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનને તોડી પાડવાનો હતો. એમણે આક્ષેપ કર્યો કે મુસ્લિમ લીગ રાજનીતિનું “આભાસી” દૃશ્ય રજૂ કરે છે; લીગના નેતાઓ “કવિતાઓ, જૂઠા ઇતિહાસ અને એવી ઘણી બીજી પ્રભાવિત કરે એવી” વાતો કરીને એવી છાપ ઊભી કરવા મથે છે કે તેઓ પોતે એકલે હાથે ભારતની આઝાદી પ્રાપ્ત કરી શકે છે અને તે સાથે મજબૂત રાષ્ટ્રનું પણ નિર્માણ કરી શકે છે.

અશરફની મુશ્કેલીઓ

પરંતુ ખિલાફત પછી કોંગ્રેસથી અલગ થઈ ગયેલા મુસલમાનોને ફરી કોંગ્રેસમાં લાવવાનું કામ પાર પાડવાનું કામ બહુ અઘરું નીકળ્યું. અશરફે કબૂલ્યું કે કોંગ્રેસમાં હિન્દુ માનસિકતા છવાયેલી છે. હિન્દુ મૂડીવાદી વર્ગનું કોંગ્રેસમાં વર્ચસ્વ હોવાથી આખી કોંગ્રેસ સંસ્થા તરીકે બદનામ થઈ છે અને એ હિન્દુ સંગઠન હોવાની છાપ ઊભી થઈ છે. આમ છતાં, એમણે એ પણ દેખાડ્યું કે કોંગ્રેસમાં હિન્દુ મૂડીપતિઓનું વર્ચસ્વ હોય એવું હવે (૧૯૩૭માં) નથી. એમાં અનેક જાતના વર્ગોના પ્રતિનિધિઓ છે. આવું દેખાડીને એમણે મુસલમાનોને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી.

નવી સાંસ્કૃતિક અને રાજકીય ભાષા

અશરફે MMCPના ચેરમૅન તરીકે મુસ્લિમ લીગ પર માત્ર આર્થિક દૃષ્ટિએ નહીં પણ સાંસ્કૃતિક અને રાજકીય દૃષ્ટિએ પણ પ્રહારો કર્યા. એમણે મધ્યકાલીન મુસ્લિમ સભ્યતા અને આજની મુસ્લિમ સભ્યતા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરતાં કહ્યું કે બાદશાહોના જમાનામાં મુસલમાનોમાં વિવિધતા જીવંત રહી હતી – રબી, ફારસી, ચીની, તાર્તારી, એ બધી મુસલમાનોની ભાષાઓ હતી. મુસલામાનો પાશ્ચાત્ય, પૌર્વાત્ય, કોઈ પણ પોષાક પહેરતા. અલગ અલગ ફિરકાઓ પણ હતા – શિયા. સુન્ની, ખારિજી વગેરે. સૌ પોતપોતાના રિવાજો પાળતા. પરંતુ સર સૈયદ અહમદની આગેવાની હેઠળના જમીનદાર આભિજાત્ય વર્ગે આ બધા ભેદોને દબાવી દીધા. આ વર્ગ એટલો નબળો હતો કે કોઈ મુસલમાન ગાંધી ટોપી પહેરે કે કોઈ હિન્દુ હિન્દીનો પ્રચાર કરે તો એને ભય લાગતો હતો. અશરફે અઘરામાં અઘરી ઉર્દુ બોલનારા, અમુક જાતનો ડ્રેસ પહેરનારા મુસલમાનોને ‘ટકસાલી’ (ટંકશાળમાં ઢાળેલા સિક્કા જેવા) મુસલમાન ગણાવ્યા. એમણે કહ્યું કે ૧૮૫૭ પછી બાદશાહતનો અસ્ત થયો અને એ પાછી આવે તેમ નથી, હવે એક મિશ્રિત સભ્યતાનો વિકાસ થયો છે.

આને પગલે નવા મુસ્લિમ આગેવાનોએ હિન્દી કે ઉર્દુને બદલે, સામાન્ય લોકો બોલતા હોય તેવી ‘હિન્દુસ્તાની’નો પ્રચાર શરૂ કર્યો. ડૉ. ઝાકિર હુસેન જેવા શિક્ષણકારોએ જામિયા મિલ્યા સંસ્થાનો (અલીગઢના જવાબમાં) વિકાસ કર્યો. પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના થઈ, જેમાં હિન્દુ અને મુસલમાન લેખકો અને શાયરો મોટી સંખ્યામાં જોડાયા.

અશરફના આ ‘હુમલા’થી મુસ્લિમ લીગ ડઘાઈ ગઈ અને એણે વળતા હુમલા માટે કમર કસવા માંડી. એના વિશે હવે પછી વાત કરશું. વેંકટ ધૂલિપાલાના પુસ્તકમાં આ બહુ મહત્ત્વનો ભાગ છે એટલે બુધવારે ચૂકશો નહીં.

રજૂઆતઃ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૧૫ :

“Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala (2)

ભારતના ભાગલાઃ પુસ્તક

Creating a new medina 2venkat-dhulipala

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

ભારતના ભાગલાની ચર્ચા કરવી હોય તો ઉત્તર ભારતના આગરા અને ઔધ (અવધ) પ્રદેશોની ઘટનાઓની ચર્ચા અનિવાર્ય છે. આ પ્રદેશોને જોડીને વિદેશી હકુમતે United Province (U. P.- યુક્ત પ્રાંત) બનાવ્યો હતો. આજે પણ સામાન્ય જનની સામાન્ય સમજનો ઇતિહાસ ભારતના ભાગલાના બીજ યુક્ત પ્રાંતમાં જ વવાયાં હોવાનું માને છે. ઘણા, ઓગણીસમી સદીમાં, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ સુધી જાય છે, તો ઘણા છેક ત્યાં સુધી ન જતાં એમ માને છે કે ૧૯૨૮નો કોંગ્રેસનો ‘નહેરુ રિપોર્ટ’ મુસ્લિમ અલગતાવાદ માટે ખાતરનું કામ કરી ગયો.

(નહેરુ રિપોર્ટ વિશે પ્રાથમિક માહિતી અને એના સંદર્ભ માટે આયેશા જલાલના પુસ્તક વિશે લખેલા પહેલા લેખમાંજિન્નાના ૧૪ મુદ્દાવિભાગ વાંચો. અહીં ક્લિક કરો).

તે પહેલાં ૧૯૨૦ના અસહકાર આંદોલનમાં તો મુસલમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો (ગાંધીજીએ અસહકારના આંદોલન સાથે ખિલાફત માટેના આંદોલનને પણ જોડ્યું હતું), પણ મોતીલાલ નહેરુના આ રિપોર્ટ પછી ૧૯૩૦-૩૩ દરમિયાન કોંગ્રેસે કરેલાં (દાંડી કૂચ વગેરે) આંદોલનોમાં મુસલમાનોનો ઉત્સાહ મોળો રહ્યો.

૧૯૨૮ પછી કેળવાયેલી આ અલગતાની ભાવનાને ભારતના ભાગલાની તાર્કિક કડી માનનારા ઘણા છે, પરંતુ તે પછી, ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ આવ્યો ( એક રીતે બંધારણ હતું). અને તેના પ્રમાણે ૧૯૩૭માં સ્થાનિક ચૂંટણીઓ થઈ તેમાં તો હિન્દુઓ અને મુસલમાનો આ બધું ભૂલી ગયા હતા અને સ્થાનિક રીતે ધર્મના ભેદભાવ વિના, માત્ર જીતવાની તકો સુધારવા માટે એકબીજા સાથે જોડાણો કરવા લાગ્યા હતા. વિચારસરણી પણ ઘણી જગ્યાએ કામ કરતી હતી, પરંતુ મુખ્યત્વે તો હારજીતના હિસાબ જ સૌને પ્રેરતા હતા. માત્ર યૂ. પી.માં જ નહીં, બ્રિટિશ ઇંડિયાના બધા પ્રાંતોમાં આ વલણ જોરમાં હતું. બ્રિટને ૧૯૩૫ના કાયદાની જે ચાલ ભારતીય રાજકીય શતરંજમાં ચાલી હતી તેની અસરોનો અનુકૂળ જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે પણ નેતાઓ વચ્ચે, દાખલા તરીકે, કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જિન્ના વચ્ચે, પણ મંત્રણાઓ થઈ.

૧૯૩૫નો કાયદો અને મુસ્લિમ મતમાં તડાં

૧૯૩૫ના કાયદા સાથે જનતાના પ્રતિનિધિઓના હાથમાં સત્તા સોંપવાની શરૂઆત થઈ, એમ મનાય છે. પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ હતી અને કેટલી સત્તાઓ બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી તેને બદલે પ્રધાનોને સોંપવામાં આવી. પરંતુ તેને જાણે સરભર કરવા માટે દિલ્હીમાં દ્વિમુખી પદ્ધતિ શરૂ થઈ ગઈ. વાઇસરૉય અને એના અધિકારીઓના હાથમાં મહત્ત્વની સત્તાઓ હતી અને એ સીધા જ બ્રિટનની સંસદને જવાબદાર હતા. આમ ૧૯૩૫નો કાયદો ખરેખર લોકોના હાથમાં સત્તા સોંપવા માટે નહીં પણ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલતા આંદોલનને નબળું પાડવા માટે બન્યો હતો.

આ કાયદામાં કોંગ્રેસની ‘પૂર્ણ સ્વરાજ’ની માગણી તો બાજુએ રહી, ‘ડોમિનિયન સ્ટેટસ’નો પણ ઉલ્લેખ નહોતો. વાઇસરૉય લિન્લિથગોએ તો કબૂલ્યુંય ખરું, કે સરકાર અખિલ ભારતીય ક્રાન્તિના વાહન તરીકે કોંગ્રેસની અસરને નબળી પાડવા માટે પ્રાંતીય સ્વાયત્તતા પર ભાર આપે છે. સરકાર માનતી હતી કે પ્રાંતોમાં કોંગ્રેસીઓ અંદરોઅંદર જ સત્તાની સાઠમારીમાં અટવાઈ જશે.

બીજી બાજુ મુસ્લિમ લીગ માટે પણ આ કાયદાની અસરો બહુ મહત્ત્વની હતી. આયેશા જલાલ (અને અનિલ સીલ)ના બીજા એક પુસ્તકને ટાંકીને વેંકટ ધૂલિપાલા કહે છે કે આ કાયદો આવતાં મુસલમાનોમાં ફાંટા પડી ગયા. મુસ્લિમોની લઘુમતી હતી તેવા – યુક્ત પ્રાંત વગેરે – પ્રાંતોના મુસલમાનોએ એનો વિરોધ કર્યો. પરંતુ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો (પંજાબ અને બંગાળ)માં મુસલમાન જમીનદારોએ કાયદાની જોગવાઈઓને આવકારી કારણ કે એમને વધારે સત્તાઓ મળતી હતી. તે ઉપરાંત ‘કોમી ચુકાદા’ને કારણે અલગ મતદાર મંડળો બનતાં પંજાબમાં મુસલમાનોની સ્થિતિ વધારે મજબૂત બનતી હતી.

. પંજાબમાં યૂનિયનિસ્ટ પાર્ટીની રચના

આ કાયદો આવ્યો તે પહેલાં લઘુમતી મુસ્લિમો માટે બહુમતી મુસ્લિમ પ્રાંતોએ ઘણું છોડી દેવું પડતું હતું. પરંતુ હવે પ્રાંતમાં વધારે સત્તા મળતી હોવાથી પંજાબના ફઝલે હુસેન જેવા નેતા આ તક જવા દેવા નહોતા માગતા. ફઝલે હુસેન પહેલાં કોંગ્રેસમાં હતા પણ ગાંધીજીએ ૧૯૨૦માં અસહકારનું આંદોલન શરૂ કર્યું તેને ‘બિનસંસદીય’ ગણાવીને એમણે કોંગ્રેસ છોડી દીધી હતી. એમણે પંજાબમાં ‘યૂનિયનિસ્ટ પાર્ટી’ની રચના કરી. એમાં આમ તો મુસ્લિમ જમીનદ્દારો હતા. તે ઉપરાંત હિન્દુ અને શીખ જાટ જમીનદારોને પણ સમાવી લીધા. એમની દલીલ હતી કે કોમી ચુકાદાને કારણે મુસલમાનોની સ્થિતિ તો મજબૂત રહેવાની જ છે, એટલે આર્થિક મુદ્દા પર નવી પાર્ટી બનાવવાથી કશું નુકસાન નથી થવાનું,

ફઝલે હુસેને અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કરવાનો પણ વિરોધ કર્યો. એમનું કહેવું હતું કે આખા દેશ માટે એક કોમી પાર્ટીની જરૂર નથી. એમના મિત્ર આગા ખાને પણ ફઝલે હુસેનને ગમે તેવું નિવેદન કર્યું કે કોઈ દેશવ્યાપી કોમી પાર્ટી બનાવવાની જરૂર નથી, જુદી જુદી જગ્યાએ નાનાં જૂથો બનવાં જોઈએ અને આર્થિક મુદ્દાઓ હાથમાં લઈને સામાન્ય લોકોની હાલત સુધારવાના પ્રયાસ કરવા જોઈએ.

. યૂ. પી.માં નવી પાર્ટી

યુક્ત પ્રાંતમાં નવી ‘નૅશનલ ઍગ્રીકલ્ચરિસ્ટ પાર્ટી’ (NAP) બનાવવામાં આવી. યૂનિયનિસ્ટ પાર્ટીને ધ્યાનમાં રાખીને જ એની રચના કરવામાં આવી હતી, એટલે એમાં હિન્દુ જમીનદારો પણ હતા. સિંધના મુસ્લિમ નેતા અને મોટા વેપારી હાજી શેઠ અબ્દુલ્લાહ હારુને કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાથી મુસ્લિમોની સંગઠિતતા પર અવળી અસર નહીં પડે; ઉલટું, પરસ્પર કોમી સદ્‌ભાવ વધશે.

આ બધા મુસ્લિમ નેતાઓ માનતા હતા કે એક વાર પ્રાંતોમાં ચૂંટણી થઈ જાય, એમનું વર્ચસ્વ સ્થપાય અને વગ વધે તે પછી દેશવ્યાપી ધોરણે નેતાગીરી હાંસલ કરવાના પ્રયાસ કરતા જિન્નાની દોરવણી હેઠળની ઑલ ઇંડિયા મુસ્લિમ લીગ (AIML) પર કબજો જમાવવાનું સહેલું થઈ જશે. ત્યાં સુધી મુસ્લિમ મતોમાં તડાં પડે તો ભલે પડે. એટલે જ ૧૯૩૬ના ફેબ્રુઆરીમાં AIMCની કૉન્ફરન્સ મળી તેમાં આગા ખાને કહ્યું કે AIMC અને લીગના જોડાણ પર ફઝલે હુસેને વિચાર કર્યો છે અને ઍસેમ્બલીની ચૂંટણી પછી એમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.

. યૂ. પી.માં કોંગ્રેસ તરફી મુસ્લિમ મત

૧૯૩૩માં યુક્ત પ્રાંતમાં મુસ્લિમોના આ સામાન્ય પ્રવાહની વિરુદ્ધ એક નવું વહેણ ફૂટ્યું. કેટલાક મુસ્લિમો એકઠા થયા અને એમણે મુસ્લિમ યૂનિટી બોર્ડ (MUB)ની રચના કરી. યૂ. પી.ની આ સૌથી જોરાવર પાર્ટી હતી. એમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ રાખનારા મુસલમાનો અને જમિયત-ઉલ-ઉલેમા-એ-હિન્દના ઉલેમા હતા. MUBના જનરલ સેક્રેટરી ખલિક-ઉઝ-ઝમાને કોંગ્રેસના રાંચી અધિવેશનમાં એક ઠરાવ રજૂ કર્યો, જેના પરિણામે કોંગ્રેસ સ્વરાજ પાર્ટીનો જન્મ થયો. MUB કોંગ્રેસનું બગલબચ્ચું છે એવા આક્ષેપો થતા રહ્યા પણ એનો પ્રભાવ એટલો બધો હતો કે ૧૯૩૪ની ચૂંટણીમાં MUBએ કોંગ્રેસ સાથે રહીને સેન્ટ્રલ ઍસેમ્બલીની અડધોઅડધ સીટો જીતી લઈને NAP અને મુસ્લિમ લીગને જબ્બર હાર આપી હતી.

જિન્નાનો પ્રવેશ

આ સ્થિતિમાં ચાર વર્ષ લંડનમાં ગાળીને જિન્ના પાછા ફર્યા. મુસ્લિમ લીગના એ નવા પ્રમુખ હતા. લીગમાં આંગળીને વેઢે ગણાય એટલ સભ્ય હતા, કોઈ સભ્ય ફી આપતા નહોતા. એમણે સૌથી પહેલાં તો કોંગ્રેસની સાથી પાર્ટી MUBનો સંપર્ક કર્યો. MUB સમક્ષ એમણે જાહેર કર્યું કે મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રવાદી ભાવના વિકસાવવા અને બધા જ પ્રાંતોના મુસ્લિમોને સંગઠિત કરવાનું એમનું લક્ષ્ય હતું.

કોંગ્રેસ એ વખતે જમણેરીઓના હાથમાં હતી. જિન્નાએ કોંગ્રેસ સાથે એમનો મેળ ક્યાં બેસે છે તે સ્પષ્ટ કરી દીધું અને કોમી ચુકાદાને બદલે હિન્દુ-મુસ્લિમ સમાધાનની નવી કોઈ ફૉર્મ્યૂલા પર વિચાર કરવાની તૈયારી દેખાડી. કોમી ચુકાદાને કારણે અલગ મતદાર મંડળો ઊભાં થયાં હતાં તેની સામે કોંગ્રેસને સખત વાંધો હતો. કોમી ચુકાદો કોંગ્રેસની નજરે એકત્રિત ભારતીય રાષ્ટ્રવાદમાં આડે આવતો હતો. તે ઉપરાંત,૧૯૩૬માં મુંબઈમાં લીગનું સમેલન મળ્યું તેમાં પણ જિન્નાએ કોંગ્રેસને પસંદ આવે તેવી વાત કરી. ‘ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા ઍક્ટ’ની ટીકા કરતાં એમણે “જર્મનોએ વર્સાઈ (Versailles)ની સંધિના જે હાલ કર્યા હતા તેવા જ હાલ” આ કાયદાના કરવાની હિંદવાસીઓને સલાહ આપી. (નોંધઃ પહેલા વિશ્વયુદ્ધ પછી ૧૯૧૯માં સાથી દેશો અને જર્મની વચ્ચે વર્સાઈમાં સંધિ થઈ. એમાં જર્મની યુદ્ધની તારાજી બદલ .. અબજ ડૉલર ચૂકવે અને લશ્કરી ક્ષમતા વધારે એવી શરતો હતી. હિટલરે આવીને ૧૯૩૪ના અરસામાં બધી શરતો તોડી નાખી).

જિન્નાએ કોંગ્રેસના જમણેરીઓને ખુશ કરવા માટે કહ્યું કે આ બંધારણની પ્રાંતિક યોજનામાં બહુ મોટી ખામીઓ છે અને પ્રધાનમંડળ કે ધારાસભાને તદ્દન બિનઅસરકારક બનાવી દેવાયાં છે તેમ છતાં, એનો ઉપયોગ કરવો જોઈએ. સરકાર સામે સશસ્ત્ર બળવો કરી શકાય એમ નથી અને અસહકાર વગેરે આંદોલનોની ખાસ અસર નથી એટલે ધારાસભામાં જઈને બંધારણીય આંદોલન કરવું એ જ રસ્તો બચે છે. કોંગ્રેસમાં ગાંધીજીના આંદોલનકારી રસ્તા પસંદ ન કરનારા બંધારણવાદીઓના કાન માટે તો આ સંગીત હતું.

જિન્નાના કહેવા મુજબ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રયાસો પહેલાં થયા તે નિષ્ફળ જવાનું કારણ એ કે માત્ર ટોચના નેતાઓ વચ્ચે સમજૂતીઓ થતી હતી હવે એમના નેતૃત્વ હેઠળ નવી લીગ બન્યા પછી “અમે મજબૂત બ્લૉક બનાવી શકશું કે જે હિન્દુઓ સાથે ચાલીને દેશને આઝાદી અપાવી શકે”. આ કામ તો યૂ. પી.થી જ શરૂ થઈ શકે, જે જિન્નાના શબ્દોમાં “મુસ્લિમ ભારતનું હૃદય” હતું.

લીગનું પાર્લામેન્ટરી બોર્ડ બનાવવા સામેના અવરોધો

આના પછી જિન્નાએ યુક્ત પ્રાંત માટે મુસ્લિમ લીગના પાર્લમેન્ટરી બોર્ડની રચના કરી. MUB પાર્ટી મુસ્લિમ લીગમાં ભળી ગઈ હતી. પરંતુ આ કામ સહેલું નહોતું.

બિજનૌરનું અખબાર ‘મદીના’ રાષ્ટ્રવાદી મુસ્લિમોની સાથે હતું. એણે લખ્યું કે મુસ્લિમ લીગનું મહત્ત્વ તો ૧૯૧૮માં મરી પરવાર્યું .હવે એમ કહી શકાય કે લીગ મૃત નથી કે જીવિત પણ નથી. જિન્નાનાં મનમસ્તિષ્ક વિના આજે પણ લીગનું અસ્તિત્વ નથી. એની ઑફિસો કે શાખાઓ ક્યાં છે તેની પણ કોઈને ખબર નથી. એના હેતુઓ અને લક્ષ્ય શું છે તે પણ કોઈ જાણતું નથી. સંજોગોમાં લીગને જીવંત રાખવા માટે કોમ કંઈ કરી શકે તેમ નથી અને લીગ કોમ માટે કંઈ કરી શકે તેમ નથી. જિન્ના બહુ આગળપડતા નેતા છે, પરંતુ તેઓ સક્રિય કોમની સાથે ચાલી શકે તેમ નથી કે કોમ એમની પાછળ ચાલીને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકે તેમ નથી.”

લીગના પ્રાંતિક પ્રમુખ હાફિઝ હિદાયત હુસેને ૧૯૩૫માં યૂ. પી.ની મુસ્લિમ લીગની વાર્ષિક બેઠકમાં એવો મત જાહેર કરી દીધો હતો કે નવી પ્રાંતિક ઍસેમ્બલીમાં કોમના ધોરણે પાર્ટીઓ ન બનાવવી જોઈએ. જિન્ના તો કેન્દ્રીકૃત પાર્ટી બનાવવા માગતા હતા!

એમણે ૧૯૩૬માં દિલ્હીમાં પચાસ અગ્રગણ્ય મુસ્લિમ નાગરિકોને આમંત્ર્યા અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બનાવવાની શરૂઆત કરી દીધી. તે સાથે એમણે પ્રાંતોમાં પણ ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા પાર્લામેન્ટરી બોર્ડો બનાવી નાખ્યાં. યુક્ત પ્રાંતના બોર્ડમા નવ સભ્યો લેવાયા જેમાંથી નવાબ મહંમદ ઇસ્માઇલ ખાન, ખલિક-ઉઝ-ઝમાન, શૌકત અલી, અને મૌલાના હુસેન અહમદ મદની કોંગ્રેસમાં સભ્ય હતા અથવા એ જ અરસામાં છૂટા પડ્યા હતા અને તે પછી MUBમાં આવ્યા હતા. આ ડાબેરી જૂથ હતું. બીજા પાંચ સભ્યો જમણેરી હતાઃ મહેમૂદાબાદના રાજા, છત્તારીના નવાબ, સર મુહંમદ યૂસુફ, નવાબઝાદા લિયાકત અલી ખાન અને સલેમપુરના રાજા. આમાંથી મહેમૂદાબાદના રાજા એકલા જ જિન્નાના ખાસ અંગત સાથી હતા. બીજા ચાર નૅશનલ ઍગ્રીકલ્ચર પાર્ટી (NAP)ના સભ્ય હતા અને લીગમાં જોડાયા પછી પણ એમણે NAP છોડી નહીં. આમ જિન્નાએ તાણીતૂંસીને લીગનું પાર્લામેન્ટરી બોર્ડ જોડી કાઢ્યું.

પરંતુ જિન્નાની મુસીબતોનો અંત નહોતો આવ્યો. MUB અને NAPના સભ્યો વચ્ચે ચકમક ઝરતી રહી. જિન્નાને એમના એકાંતવાસમાંથી બાહાર લાવનાર લિયાકત અલીખાનને MUB ગ્રુપને વધારે પડતું મહત્ત્વ અપાયું હોવાનું લાગતું હતું તો MUB ગ્રુપને છત્તારીના નવાબ સામે વાંધો હતો. એમણે ઑલ ઇંડિયા મુસ્લિમ કૉન્ફરન્સનું પ્રમુખપદ છોડ્યું નહોતું અને તે સાથે હિન્દુ-મુસ્લિમ સંયુક્ત પાર્ટી બનાવવાની વાતો પણ કરતા હતા. છત્તારીના નવાબની દલીલ હતી કે યૂ. પી. “સમાજવાદી અને સામ્યવાદી આંદોલનોનું કેન્દ્ર” ન બની જાય એટલે બધી કોમોની મિશ્ર પાર્ટી બનાવવાનું જરૂરી છે. ખરેખર તો છત્તારીના નવાબ હિન્દુ અને મુસ્લિમ જમીનદારોને એકસાથે રાખવા માગતા હતા!

આ બધી વાતો બહુ રસપ્રદ છે, પરંતુ આપણે એની વિગતોમાં જઈ શકીએ તેમ નથી, એટલું જ કે, જિન્નાની દરમિયાનગીરીથી બન્ને જૂથો ફરી મળ્યાં અને યુક્ત પ્રાંત માટે નવેસરથી ચારસો-પાંચસો ડેલિગેટોને બોલાવીને પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવાનો નિર્ણય લીધો. જિન્નાના ખાસ સાથી મહેમૂદાબાદના રાજા એટલા અકળાઈ ગયા હતા કે એમણે લીગમાં ન આવવાનું નક્કી કરી લીધું.

૧૯૩૭ની પ્રાંતિક ઍસેમ્બલીની ચૂંટણીઃ

૧૯૩૭માં ચૂંટણી થઈ ત્યારે સ્થાનિક જોડાણો તો થતાં જ રહ્યાં. આમ કોંગ્રેસે માલવિયાની ‘કોંગ્રેસ નૅશનલ પાર્ટી’ સાથે હાથ મિલાવ્યા. આ પાર્ટી તો હિન્દુવાદી હતી. બન્ને પક્ષોની સમજૂતી માલવિયારફી સમજૂતી તરીકે ઓળખાઈ. બીજી બાજુ હિન્દુ સભા પણ હતી. કોંગ્રેસ નહોતી ઇચ્છતી કે એના અમુક હિન્દુ મત હિન્દુ સભા પાસે ચાલ્યા જાય, એટલે માલવિયાની પાર્ટી સાથે સહકાર કરવાનું જરૂરી બની ગયું. માલવિયાને પણ એ બહાને કોંગ્રેસમાં પોતાનું સ્થાન મજબૂત બનતું દેખાતું હતું.

અધૂરામાં પૂરું, મુસ્લિમ લીગ અને કોંગ્રેસે પણ અમુક સીટો માટે પરદા પાછળ હાથ મિલાવ્યા હતા. બન્નેની સમાન શત્રુ NAP હતી. જવાહરલાલ નહેરુ પ્રચાર માટે મુસ્લિમ મતવિસ્તારોમાં ગયા ત્યારે જ્યાં કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર ન હોય ત્યાં મુસ્લિમ લીગના ઉમેદવારને મત આપવા અપીલ કરી! પૈસાની લેતીદેતીના આક્ષેપો પણ બહાર આવ્યા. CIDના રિપોર્ટ પ્રમાણે અલ્હાબાદમાં NAPના ઉમેદવાર નવાબ સર મહંમદ યૂસુફને હરાવવા માટે કોંગ્રેસના નેતા રફી અહમદ કિદવઈએ મુસ્લિમ લીગના ઉમેદવાર અબ્દુલ રહેમાનને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. મુસ્લિમ લીગના શૌકત અલી (અને એમના ભાઈ મહંમદ અલી) ખિલાફતની ચળવળમાં ગાંધીજીની સાથે હતા. મુસ્લિમ લીગમાં આવ્યા પછી પણ કહેતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાનો એકઠા થઈને વિદેશી શાસનને પરાસ્ત કરશે.

હિદુ સભાએ જાહેર કર્યું કે એ કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે બધું કરી છૂટશે. હિન્દુ સભા અને NAP વચ્ચે આ માટે સમજૂતી થઈ. હિન્દુ સભાની મદદે દિલ્હીથી હિન્દુ મહાસભાએ ભાઈ પરમાનંદને મોકલ્યા. ફૈઝાબાદમાં કોંગ્રેસના ઉમેદવાર (અને સમાજવાદી નેતા) આચાર્ય નરેન્દ્ર દેવ નાસ્તિક છે, એવો હિન્દુ સભાએ પ્રચાર કર્યો. બીજી બાજુ ‘વર્ણાશ્રમ સ્વરાજ્ય સંઘે મથુરા અને વૃંદાવનમાં કોંગ્રેસ અછૂતોને મંદિર પ્રવેશ કરાવીને હિન્દુ ધર્મનો નાશ કરવા માગે છે એવો પ્રચાર કર્યો!

ધારણા એવી હતી કે કોંગ્રેસ ૮૦ સીટો જીતી શકશે અને NAP બીજા મુસ્લિમો સાથે મળીને સરકાર બનાવશે. પરંતુ કોંગ્રેસે કુલ ૧૫૯ બેઠકો માટે ઉમેદવારો મૂક્યા હતા તેમાંથી એને ૧૩૩ સીટ મળી! જિન્નાના પ્રયાસોને પણ ઠીક ઠીક સફળતા મળી. ૬૬ મુસ્લિમ સીટોમાં મુસ્લિમ લીગને ૨૯ સીટો મળી અને એ સૌથી મોટી મુસ્લિમ પાર્ટી બની. ગવર્નર હેગને બીક હતી કે કોંગ્રેસ કદાચ આખી મુસ્લિમ લીગને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરશે. પરંતુ એમાં તો કોંગ્રેસનિષ્ઠ મુસલમાનો નારાજ થાય અને શું કરે તે કહી ન શકાય. હેગને લાગ્યું કે ચૂંટણી પછી જે સ્થિતિ ઊભી થઈ છે તેથી શું હિન્દુ-મુસ્લિમ સંબંધો સુધરશે?

૦-૦-૦

હેગને પાછળ જોઈને નક્કી કરવાની તક નહોતી, પણ આપણને એ તક મળી છે. આપણે જાણીએ છીએ કે કોમી સ્થિતિ બગડતી જ ગઈ. યૂ.પી.ની ઘટનાઓની દેશ પર જે અસર પડી તેનું એક એક પત્તું વેંકટ ધૂલિપાલાના આ પુસ્તકની મદદથી ખોલતા રહેશું. હવે મળીએ છીએ ૨૧મી સોમવારે.


નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૨_૧૪ :

Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India–Venkat Dhulipala – (1)

ભારતના ભાગલાઃ પુસ્તક

ભારતના ભાગલા વિશેનાં ત્રણ પુસ્તકોના પરિચય માટેની આ શ્રેણીમાં આજે આપણે બીજું પુસ્તક ખોલીએ છીએ. યુવાન લેખક વેંકટ ધૂલિપાલા નૉર્થ કેરોલાઇના, વિલ્મિંગ્ટનમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. Creating a New Medina એમનો મહાનિબંધ છે અને ૨૦૧૫ના ઉત્તમ પુસ્તકોમાં એનું મોખરાનું સ્થાન છે. આ લેખમાળાના પહેલા લેખમાં ત્રણેય પુસ્તકોના લેખકોનો પરિચય આપ્યો છે.

Creating a new medina 1venkat-dhulipala - 1

Creating a New Medina : State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India (English)
1st Edition ǁ October 2014 ǁ List Price: Rs. 995
Publisher: Cambridge University Press ǁ ISBN-13: 9781107052123

પુસ્તકના ‘પરિચય’ (introduction) પ્રકરણની શરૂઆત બહુ રસપ્રદ છે. ધૂલિપાલા લખે છે કે લંડનની બ્રિટિશ લાઇબ્રેરીના ‘ઇંડિયા ઑફિસ કલેક્શન્સ’ વિભાગમાં આખા દિવસની શોધખોળના અંતે એક અસામાન્ય લખાણ હાથે ચડ્યું. કાયદે-આઝમ મહંમદ અલી જિન્ના્નાં અંગત લખાણોની માઇક્રોફિલ્મમાંથી આ લખાણ અચાનક ડોકાયું. એ હાથે લખેલો પત્ર હતો. શાહી પણ ઝાંખી થઈ ગઈ હતી. એ કાયદે-આઝમના આત્મા સાથે, એમનાં મૃત્યુ પછી લગભગ સાત વર્ષે અને પાકિસ્તાનના જન્મ પછી લગભગ આઠ વર્ષે ૧૩મી માર્ચ ૧૯૫૫ના સાંજે ૬ વાગ્યે થયેલી વાતચીતનો એ રિપોર્ટ હતો!

જિન્નાના આત્મા સાથે સંવાદ!

પાકિસ્તાન સરકારે ઇબ્રાહિમ નામના એક પ્રેતવિદ્યાના જાણકારની મદદ લીધી હતી. ઇબ્રાહિમ પોતે પણ જિન્નાના આત્માને હાજર રહેલાઓ વતી આત્માને પ્રશ્નો પૂછવા માટે હાજર હતો. ઇબ્રાહિમને લાગ્યું કે ‘કાયદે આઝમ’ આવી ગયા છે ત્યારે એણે એમને ખુરશીમાં બેસવા કહ્યું. આત્માએ કડકાઈથી જવાબ આપ્યો, “હું બેસી જ ગયો છું.”. ‘જિન્ના’એ ઇબ્રાહિમને યાદ આપ્યું કે પહેલાં પણ આ જ જગ્યાએ એની મુલાકાત થઈ ગઈ છે.ઇબ્રાહિમે એમના ખેરખબર પૂછતાં યાદ આપ્યું કે પહેલી મુલાકાતમાં એમણે કહ્યું હતું કે તેઓ “ઠંડી, અંધારી જગ્યાએ” છે, તો હવે કેમ છે? આત્માએ કહ્યું કે હવે એ ખુશ છે કારણ કે હવે એમની “જગ્યા બહુ સારી છે” અને “એમાં બહુ પ્રકાશ છે અને ફૂલો ઘણાં છે.”. જિન્ના ચેઇન સ્મૉકર હતા એટલે ઇબ્રાહિમે એમને પૂછ્યું કે સિગરેટ પીશો? આત્માએ હા પાડી એટલે એક તારમાં સિગરેટ ગોઠવીને ખુરશી પાસે મૂકવામાં આવી. હવે સવાલજવાબ શરૂ થયા.

ઇબ્રાહિમે પૂછ્યું: “જનાબે આલી, પાકિસ્તાનના સર્જક્ અને પિતા તરીકે તમે દેશને ભવિષ્યનો માર્ગ નહીં દેખાડો?”

આત્માએ કડવાશ સાથે જવાબ આપ્યો, કે હવે પાકિસ્તાનને માર્ગદર્શન આપવાનું કામ એમનું નથી. એટલું કહ્યા પછી આત્માએ કહ્યું કે એની સામે ઘણી વાર પાકિસ્તાન વિશે બહુ ખરાબ દૃશ્યો ઝળકી જાય છે. ઇબ્રાહિમને ચિંતા થઈ. એણે પૂછ્યું “તો તમે નથી માનતા કે પાકિસ્તાનનું ભાવિ ઉજ્જ્વળ છે? ‘જિન્ના’એ ના પાડી અને કહ્યું કે દેશના ભવિષ્ય પર જેમનો કાબૂ હોય તેમના પર લોકોની સમૃદ્ધિનો આધાર છે, પણ કોઈ પણ નિઃસ્વાર્થ બનવા આતુર નથી.”. ઇબ્રાહિમે તો પણ સવાલ ચાલુ રાખ્યો, “પાકિસ્તાનના હમણાંના શાસકોને તમે કંઈ સલાહ આપવા માગો છો?” કાયદેઆઝમના આત્માએ તરત જવાબ આપ્યો, “સ્વાર્થ છોડો, સ્વાર્થ છોડો. બસ, એ જ સલાહ હું આપી શકું”. તે પછી આત્માએ એક સચોટ વિધાન કર્યું: ”એક દેશ મેળવવો સહેલો છે, પણ એને ટકાવી રાખવો એ બહુ કપરું કામ છે. જે પાકિસ્તાન લેવા માટે લોહીની નદીઓ વહેવડાવી તેની અત્યારે આ હાલત છે.”

પાકિસ્તાનની અસ્થિરતા

આત્મા સાથેની આ વાતચીત આર્કાઇવમાં શી રીતે સ્થાન પામી તે ખરેખર નવાઈની વાત છે અને દસ્તાવેજો સંઘરવાનાં ધારાધોરણો વિશે પણ સવાલો ઊભા કરે છે, પણ તે સાથે એમાંથી જિન્નાના ‘આત્માના અવાજ’ના રૂપે પાકિસ્તાન વિશેની ચિંતાઓ પણ દેખાય છે. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સાથે યુદ્ધ્, ૧૯૫૧માં લિયાકત અલી ખાનનું ખૂન, પાકિસ્તાનના બંધારણ વિશે જુદાં જુદાં હિતો અને વિચારસરણીવાળાં જૂથોની કદી પૂરી ન થયેલી વાટાઘાટો, ૧૯૫૮નો માર્શલ લૉ, પૂર્વ પાકિસ્તાનની અસ્થિરતા (જેમાંથી અંતે બાંગ્લાદેશનો જન્મ થયો), સત્તાની ગાદી માટે મ્યૂઝિકલ ચેરનો ખેલ, આ બધું આપણે જાણીએ છીએ.

પાકિસ્તાનમાં લશ્કરી શાસનો આવ્યાં અને ગયાં; દરેક લશ્કરી સત્તાધીશે અરાજાકતાનું નામ આપીને લોકશાહીને કચડી નાખી, પણ પ્રશ્નો જેમ હતા તેમ જ રહ્યા છે. આથી સલામતી વિવેચકો, પત્રકારો અને અસંખ્ય વિદ્વાનોએ પાકિસ્તાનના સર્જન પછીની સમસ્યાઓ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોટા ભાગનાં અધ્યયનો પાકિસ્તાનના જન્મ પર જ ધ્યાન આપે છે અને એમાં આજની તકલીફોનાં મૂળ હોવાનું માને છે. ‘પાકિસ્તાન’ની પરિકલ્પના જ બહુ સ્પષ્ટ નહોતી એવા ઘણા અભિપ્રાય છે.

વિદ્વાનો એ વાત પર ભાર મૂકે છે કે પાકિસ્તાની રાષ્ટ્રવાદ – બે રાષ્ટ્રોનો સિદ્ધાંત – ભારતના મુસલમાનોને સંગઠિત કરવામાં તો કામયાબ રહ્યો પરંતુ, પાકિસ્તાન બની જાય તે પછી શું, એ વિશે કોઈ કાર્યક્રમ નહોતો. એ પણ નોંધવામાં આવે છે કે પાકિસ્તાન આંદોલન વખતે કેટલાક નારા એવા હતા કે જે બહુ લોકપ્રિય હતા પણ લક્ષ્યની બાબતમાં સ્પષ્ટ નહોતા. દાખલા તરીકે, પાકિસ્તાન કા મતલબ ક્યા, લા ઇલાહિલિલ્લાહ.” પાકિસ્તાન એટલે શું, તે આવાં સ્લોગનોથી આગળ કદી સ્પષ્ટ ન થયું. નવા રાષ્ટ્ર-રાજ્યનો ઉદય થયા પછી પણ ભારતનો વિરોધ એ જ એનો આધાર બની રહ્યો. ૨૦૦૯માં ફરઝાના શેખે એમના પુસ્તક Making Sense of Pakistanમાં કહ્યું છે કે પાકિસ્તાનના જન્મ પછીની તકલીફોનું કારણ એ કે આ કોમવાદી-રાષ્ટ્રવાદી વિચારધારામાં કશું રચનાત્મક નહોતું.

પુસ્તક શી રીતે જુદું પડે છે?

વેંકટ ધૂલિપાલાનું આ પુસ્તક આવી બધી ધારણાઓને પડકારે છે. વેંકટ ધૂલિપાલા કહે છે કે એમણે આ પુસ્તક દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રવાદના પાયા અને વસાહતવાદની એમણે, ખાસ કરીને યુક્ત પ્રાંત (આજના ઉત્તર પ્રદેશ)ના આગરા અને ઔધ (અવધ)માં બ્રિટિશ શાસનના છેલ્લા દાયકામાં પાકિસ્તાનનો વિચાર કેમ વિકસ્યો. આના પર સામાન્ય લોકોમાં ઠેરઠેર ચર્ચાઓ થતી હતી. યુક્ત પ્રાંતના મુસલમાનોએ પાકિસ્તાનના સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, જો કે એમને ખબર હતી કે એમને પાકિસ્તાન નહીં મળે. મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાં, જેના ખરેખર ટુકડા થયા, ત્યાં પાકિસ્તાનનો વિચાર ઊભો રહેવા સક્ષમ થાય તે પહેલાં જ યુક્ત પ્રાંતમાં એ પાંગરી ચૂક્યો હતો.

નવાં મદીનાનું નિર્માણ

લેખક કહે છે કે એ કંઈ ઝાંખોપાંખો વિચાર નહોતો, જે અણધારી રીતે રાષ્ટ્ર-રાજ્યમાં પરિણમ્યો હોય. યુક્ત પ્રાંતમાં પાકિસ્તાનની કલ્પના એક સાર્વભૌમ ઇસ્લામિક રાજ્યની હતી; એના અમુક સમર્થકો તો એને ‘નવું મદીના’ કહેતા હતા. એ માત્ર ભારતના મુસ્લિમોનો આશરો જ નહીં, પણ એક કાલ્પનિક ઇસ્લામિક રાજ્ય (નિઝામ-એ-મુસ્તફા) હતું, એમની ધારણા મુજબ એમાં ઇસ્લામનું નવસર્જન અને ઉત્થાન થવાનાં હતાં. આ પાકિસ્તાન અસ્ત પામેલી તુર્કીની ખિલાફત (ઇસ્લામિક ખલીફાનું શાસન)ની અનુગામી ખિલાફત બનવાનું હતું.

મુસ્લિમ લીગે પણ આ ચર્ચાઓને ઉત્તેજન આપ્યું. એના સમર્થકોએ પાકિસ્તાનને આર્થિક, રાજકીય અને લશ્કરી દૃષ્ટિએ મજબૂત દેખાડ્યું એટલું જ નહીં, પરંતુ એવો પણ પ્રચાર કર્યો કે એ ભારત કરતાં પણ વધારે શક્તિશાળી દેશ હશે અને દુનિયામાં એ સૌથી વધારે શક્તિશાળી ઇસ્લામિક દેશ બનશે. એમણે પાકિસ્તાનના નક્શા પણ પ્રકાશિત કર્યા એટલું જ નહીં પણ નવા રાષ્ટ્રની પ્રાકૃતિક સંપદા, વ્યૂહાત્મક મહ્ત્ત્વનાં સ્થાનો, એના નવા આરબ મિત્રો વગેરેની યાદીઓ પણ પ્રકાશિત કરી. એમણે કહ્યું કે એક વાર બ્રિટિશ શાસન અને હિન્દુઓની પકડમાંથી મુક્ત થયા પછી પાકિસ્તાન અનર્ગળ ક્ષમતાઓનું સ્વામી બનશે. તે ઉપરાંત, એમણે એવું ચીતર્યું કે દુનિયામાં મુસ્લિમ બિરાદરીને એકસૂત્રે બાંધવાની દિશામાં એ પહેલું પગલું હશે. એ માત્ર ભારતની અંદરના મુસ્લિમોને જ નહીં, સમગ્ર ઇસ્લામિક જગતને રક્ષાછત્ર પૂરું પાડશે.

પાકિસ્તાનની ભૌગોલિક ક્ષમતાઓ પર ભાર મૂકવા સાથે ધાર્મિક તત્ત્વોને પણ જોડવામાં આવ્યાં હ્તાં. આવા સશક્ત અને સમૃદ્ધ પાકિસ્તાનમાં, મદીનામાં મહંમદ પયગંબરના શાસનની પ્રતિકૃતિ અમલમાં આવશે.

જિન્નાનાં ભાષણૉ દેખાડે છે તેમ જાહેરમાં તો એમણે આવી બાબતોમાં મૌન રાખ્યું પરંતુ પાકિસ્તાન વિશેનાં આવાં વચનોને અંગત વાતચીતમાં કદી નકાર્યાં નહીં. લાહોર ઠરાવ (જે પાકિસ્તાન ઠરાવ તરીકે પણ ઓળખાય છે) પછીના દિવસોમાં જમાતે-ઇસ્લામીનો એક નેતા એમને મળવા ગયો. એણે જિન્નાને પાકિસ્તાનની કલ્પના સ્પષ્ટ કરવા આગ્રહ કર્યો ત્યારે કાયદે આઝમે એક રૂપકનો ઉપયોગ કર્યો – “ મને મસ્જિદ માટે જમીન જોઈએ. જમીન મળ્યા પછી મસ્જિદ કેમ બાંધવી તે આપણે નક્કી કરશું” ૧૯૪૫-૪૬માં તો લીગ અને મુસ્લિમ ધાર્મિક સંગઠનો વચ્ચેના સંબંધો વધારે મજબૂત બન્યા.

એક ફિલ્મ પર લીગીઓનો હુમલો

પાકિસ્તાન સમર્થકો કોઈ પણ સંજોગોમાં ભારતમાં રહેવા નહોતા માગતા. હિન્દુઓ અને મુસલમાનોનો આ દેશ છે, એવી એક પણ વાત એમને મંજૂર નહોતી. એ વખતના સામયિક ‘ફિલ્મ ઇંડિયા’એ૪ મે ૧૯૪૬ના અંકમાં એક રિપોર્ટ છાપ્યો. મુંબઈના એક સિનેમાઘરમાં ફિલ્મ ‘ચાલીસ કરોડ’ (વિગતો) ચાલતી હતી. આ ફિલ્મ એવું દર્શાવતી હતી કે ભારતનું વિભાજન ન થઈ શકે. એક દૃશ્યમાં એક હિન્દુ અને એક મુસલમાન સાથે મળીને ભારતનો નક્શો લાવે છે અને આવેશપૂર્ણ ડાયલૉગ બોલીને ભારત અવિભાજિત રહેશે એવું કહે છે. ઍપ્રિલની ૧૪મી તારીખે સાંજના ૪ વાગ્યાના શોમાં કેટલાક દર્શકોએ દેકારો મચાવી દીધો. એમણે ફટાકડા ફોડ્યા અને એમાંથી એક જણ છરો લઈને પરદા પર ગયો અને પરદો ચીરી નાખ્યો.

આવી ઉત્તેજના ફેલાઈ ગઈ હોય તો એમ ન કહી શકાય કે પાકિસ્તાન તો માત્ર સોદો કરવા માટ્ટે હતું.

આપણી યાત્રા વેંકટ ધૂલિપાલા સાથે ચાલુ રહેશે.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

૦-૦-૦

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : ૨_૧૩ :

%d bloggers like this: