પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં: બેતાળીસ રૂપિયા
મિર્ઝા રિયાઝ
લેખકનો જન્મ ૧૯૨૬માં જલંધરમાં થયો. એમની પહેલી વાર્તા ‘હુમાયું’ લાહોરન એક સામયિકમાં છપાઈ. પાકિસ્તાન બનતાં લાહોર ચાલ્યા ગયા અને ત્યાંની સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. એમના ત્રણ નવલિકા સંગ્રહો અને બે વ્યંગ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. એમની ટેલીવિઝન સીરિયલ ગમ-ગુસ્સાર બહુ લોકપ્રિય બની.
આભારઃ
આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક – સાક્ષી પ્રકાશન, એસ. ૧૬. નવીન શાહદરા, દિલ્હી, ૧૧૦૦૯૫ નો આભાર.
પ્રકાશકનો સંપર્કઃ
ઑફિસઃ ૦૧૧-૨૨૩૨-૪૮૩૩.
મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨.
ઇ-મેઇલઃ goelbooks@rediffmail.com .
પુસ્તક સંબંધી વિવરણઃ
‘પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં’
(ભાગ ૧) ISBN-81-86265-23-6 (કિંમતઃ રૂ. ૧૨૫)
(ભાગ ૨) ISBN-8186265-42-2 ((કિંમતઃ રૂ. ૧૨૫)
બેતાળીસ રૂપિયા
મિર્ઝા રિયાઝ
સાસુએ જ્યારે ઘોષણા કરી કે કાલથી ઝૈનબ દુકાને બેસશે ત્યારે શબ્બીરના રૂંવાડે રૂંવાડે આગ લાગી ગઈ. એને લાગું કે એક ગોળી એના માથાને વીંધતી નીકળી ગઈ. પછી જ્યારે જરા ઠંડો પડ્યો ત્યારે ક્રોધ માઝા મૂકવા લાગ્યો. કે આ ડોશીના લમણામાં એક ગોળી ઠોકી દીધી હોય તો સારું થાય. સાઠે બુદ્ધિ નાઠી છે, કેવી વતો એના મગજમાં આવે છે! ઘડીવાર તો એને લાગ્યું કે એ રસ્તા વચ્ચે જ નવસ્ત્રો થઈ ગયો છે અને આવતાજતા લોકોની લોલુપ નજરો ખંજર બનીને એના હૃદયમાં ઘોંચાયા કરે છે.
આમ તો શબ્બીર હંમેશાં પોતાની સાસુને આદરભાવથી જોતો રહ્યો છે. એનાં લગ્ન થયાં ત્યારે એણે આખી નાતનો વિરોધ સહન કર્યો પણ એ વખતે ઝૈનબની માએ બહુ હિંમત દેખાડી. આમ તો એ જમાનામાં કોઈ છોકરીનું માગું લઈને સામે ચાલીને જાય નહીં. એ લફંગાઓની રીત મનાતી (મુસલમાનોમાં છોકરાવાળા ‘પયગામ’ મોકલે, છોકરીવાળા પહેલ ન કરે. –અનુવાદક). અધૂરામાં પૂરું, વાત એવી ફેલાઈ કે શબ્બીર ઝૈનબને પ્યાર કરતો હતો. પછી શું જોઈએ? લાઠીઓ હવામાં વીંઝાવા લાગી અને ચાકુઓ કોઈ અદૃશ્ય પેટમાં ઘૂસતા રહ્યા. પણ કોની હિંમત, કે ઝૈનબની માને ડરાવી શકે? પતિ, ઘરબાર અને સગાંવહાલાં સામે એ પહાડ બનીને ઊભી રહી.
“શબ્બીર મારી દીકરીનેઉપાડીને ક્યાં ભાગી જાય છે? પરણવા માગે છે અને આમાં બન્નેની મરજી છે તો અમે શું કરી શકીએ?” એણે ભાઈઓ અને દીકરાઓને તો ચોખ્ખું કહી દીધું. એનો અવાજ પણ લલકારથી ઓછો નહોતો. બધા મોં વકાસીને બેસી રહ્યા. કોઈએ ટોણો માર્યો કે શબ્બીર તો ગરીબ છે. મા ભડકી, “અમીર-ગરીબ બધા અલ્લાહના બંદા છે…અને વખત હંમેશાં એકસરખો નથી રહેતો.” અને એણે ઝૈનબનો હાથ શબ્બીરના હાથમાં સોંપી દીધો હતો.
ઝૈનબનું ખાનદાન પણ બહુ ઊંચું નહોતું, પણ નાના ગામમાં તલાટીગીરી હતી. ઘરમાં ત્રણ ભેંસ અને બે બળદ હતાં. થોડી ખેતીની જમીન પણ હતી. શબ્બીરનું ખાનદાન એમની સરખામણીએ નીચું જ હતું. ગરીબાઈએ એનું બધું લૂંટી લીધું હતું, પણ હજી ખુમારી બાકી હતી, કારણ કે નસોમાં રાજપૂત લોહી દોડતું હતું. નાક ઊંચું હતું અને એના માટે પ્રાણને પણ વહાલા કરે તેમ નહોતો. શબ્બીરની માને મન આ બધીવાતોનો અર્થ નહોતો. એને તો બસ, એટલું જ કે શબ્બીર ઝૈનબને ચાહે છે અને બન્ને ખુશ રહે.
અને એનો વિચાર સાચો નીકળ્યો. શબ્બીરે સાચું પાડ્યું કે એ આદર્શ પતિ, આજ્ઞાંકિત જમાઈ અને સંતાનવત્સલ બાપ છે. એનો ખ્યાલ હતો કે આખી દુનિયામાં ઝૈનબ જેવી સુંદર કોઈ નથી. જેવી સુંદર તેવી જ સુશીલ અને પતિનો પડ્યો બોલ ઝીલનારી. ખૂબીની વાત એ હતી કે ઉંમર વધવાની સાથે ઝૈનબ માટે એનો પ્રેમ પણ વધતો જતો હતો. શબ્બીર કેમ માને કે પત્ની દુકાને બેસે, અને તે પણ જિલ્લા કોર્ટની વચ્ચોવચ્ચ. વળી, દુકાન પણ પાન-સિગરેટની. ત્યાં તો આવારા. લુચ્ચા-બાંડા એટલા હતા કે ન પૂછો વાત.
એણે આખી જિંદગી સાસુની જરૂરિયાતની બરાબર સંભાળ રાખી હતી. એ બીમાર પડે તો ઝૈનબ કરતાં તો એ વધુ ચિંતામાં પડી જતો. મોંઘામાં મોંઘી દવાઓ અને ટૉનિક લાવીને દેતો. પોતે ભલે ઓછું ખાય પણ સાસુના ખાવાપીવાનું બરાબર થાય એનું ધ્યાન રાખતો. પોતાની દુકાન પાન-સિગરેટની, પણ સાસુ માટે તો હંમેશાં સારાં પાન-તમાકુ ખરીદીને લાવતો. પણ શબ્બીર થોડા દિવસ જ બીમાર પડ્યો તેમાં તો સાસુની ધીરજ ખૂટી ગઈ અને હુકમ કરી દીધો કે હવે ઝૈનબ દુકાને બેસશે. આનાથી વધારે ભૂંડી વાત શી હોય? આ તો ચકલે બેસાડવા જેવું થયું. ઇજ્જત-આબરૂનું ભરબજારે લીલામ, બીજું શું? જેમ એ વિચારતો ગયો તેમ એનો પારો ચડતો ગયો. એને થયું કે ડોશીનો સફેદ વાળનો ઝૂડો પકડીને એને ભઠ્ઠામાં ધકેલી દે, એનાં હાડકાંપાંસળાં તડતડ કરતાં ફૂટે તો શબ્બીરને હૈયે ટાઢક તો વળે!
રાતે ચૂલા પાસે બેસીને એણે પોતાની ભાવનાઓના દરવાજા ખોલી નાખ્યા. “ અરે, દુઃખ તો માણસ સાથે છે જ, અને બે-ચાર દિવસ દુકાન બંધ રહી તો શું કોઈ આસમાનીસુલતાની આવી ગઈ? લાખોનું નુકસાન થઈ ગયું કે શું?” એ બોલતો જ રહ્યો પણ ડોશીયે ચુપ ન રહી શકી. એણે પણ ગાજતા અવાજે કહી દીધું, “દુકાન એક દિવસ બંધ રહે તો ઘરાક રસ્તો ભૂલી જાય છે અને ગામમાં પાનવાળા કંઈ ઓછા છે?” શબ્બીર મનોમન હારીને ખાટલે પડ્યો. એને ખાટલો ફાંસીના તખ્તા જેવો લાગ્યો અને ડોશીમાં જલ્લાદ નજરે પડ્યો. એને સમજાતું નહોતું કે ડોશીને કેમ સમજાવવું કે ખાનદાનીની આ રીત નથી. સ્ત્રી તો ઘરનું ઘરેણું છે. ઝૈનબ એની દીકરી છે તો શબ્બીરની પત્ની છે અને પત્ની જ હંમેશાં પતિની, ઘરની ઇજ્જત-આબરૂ હોય છે.
ઝૈનબ તો હંમેશાં પતિની સાથે રહી છે. એણે શબ્બીરનો કોઈ વાતે વિરોધ કર્યો હોય એવું બન્યું જ નથી. તેમાં આ તો દુકાને બેસવાની વાત. મરવા જેવું થાય. હવે તો પાંચ બાળકોની મા બની ગઈ છે, આધેડ ઉંમરે પહોંચી ગઈ છે અને વાળમાં પણ સફેદ રંગ ડોકાવા લાગ્યો છે પણ મરદની આંખ મેલી થતાં વાર શું લાગવાની? દુકાન પણ કોર્ટની પાસે. ત્યાં જતાં તો શરીફોનાં હાજાં ગગડી જાય. ઘણી વાર એને શબ્બીર માટે ખાવાનું લઈને દુકાને જવું પડતું અને એ ખાઈ ન લે ત્યાં સુધી દુકાને જ બેસી રહેવું પડતું. એ જ વખતે એને એકાંત મળતું. ત્યાં મોકળા મને વાત પણ થઈ શકતી. એ દિવસો પણ કેવા સારા હતા! એક કમરાના મકાનમાં તો આવો મોકો ક્યાંથી મળે? ઘરમાં પાંચ છોકરાં અને સૌથી મોટી તો તલાટણ મા. એની હાજરીમાં તો શબ્બીર સાથે વાત કરતાં પણ એ લજાતી.
ઘરાક અને મૃત્યુનો કોઈ સમય નથી હોતો. પ્રેમની ઘડીઓમાં કોઈ ઘરાક આવી ચડતો તો એનો સોદો પતાવીને બન્ને ફરી વતે ચડી જતા< શબ્બીર પત્નીને પૂછતો, “ પૈસ્સા તો ગણીને લીધા ને?” ઝૈનબ ગણીને કહેતી. એક-દોઢ પૈસો વધારે છે. શબ્બીરની શબ્બીરન પૈસા કેમ ઓછા લઈ શકે” શબ્બીર ખડખડાટ હસી પડતો. ઝૈનબનું ઉન્મુક્ત હાસ્ય એકલા શબ્બીરને જ સંભળાતું.
દુકાને જઈને આમ શબ્બીરની સાથે બેસવું એ જુદી વાત હતી અને દુકાનદાર બનીને વેપાર કરવો એ જુદી વાત હતી. વિચાર જ ભયજનક હતો. ઝૈનબે શબ્બીરની તબીયત માટે દુઆ માગતી કારણ કે એ જાણતી કે ઘરની હાલત શું છે. પણ એણે કદી શબ્બીરને એની ખબર પણ ન પડવા દીધી. જે કંઈ પૈસા ઘરમાં હતા તે તો ખલાસ થઈ ગયા હતા. દવાદારુ, રસોઈ પાણી અને અમ્માના પાન-તમાકુ, બધું મળીને રોજનો આઠ રૂપિયાનો ખર્ચો હતો. એની પોતાની ઇચ્છા હતી કે એક જોડ કપડાં સીવડાવી લે. નાની બહેનની શાદી પણ થવાની હતી. અમ્મા નવું પાનદાન લેવાનું પણ બોલતી હતી. શબ્બીર પણ શોખીન એવો કે અઠવાડિયે એક વાર તો ફિલ્મ પણ જોઈ આવતો. અને દુકાનો તો ડગલે ને પગલે છે. તેમાં ય કોર્ટનું કામ તો અર્ધો દિવસ ચાલે. બાકીના દિવસમાં તો કોઈ વટેમાર્ગુ આવે અને દ્કાને અટકે એના માટે અલ્લાહની મહેર પર જ આધાર હતો.
શબ્બીર જલદી સાજો નહીં થાય તો ઝૈનબને દુકાને બેસવું પડશે. ઝૈનબે શબ્બીરને કાનમાં કહી દીધું. શબ્બીરે બહુ જ આર્તસ્વરે અલ્લાહ પાસે પોતાને જલદી સાજો કરવા આરજુ કરી અને પોતાના ગુનાઓની માફી માગી.
થયું એવું કે સવારે એને રગરગતો તાવ ચડ્યો. સાસુ એને માથે પોતાં મૂકીને તાવને હળવો બનાવતી રહી. બપોર ઢળ્યા પછી એની આંખ ઊઘડી. એણે ચારે તરફ જોયું. એની આંખોનો પ્રશ્ન સમજીને સાસુએ હકારમાં ડોકું હલાવ્યું. શબ્બીર મનમાં જ ચિત્કાર કરવા લાગ્યો, “ બહુ ખરાબ, બહુ ખરાબ…” એને જાણે સનેપાત થયો હોય એમ બબડતો રહ્યો.
એ સાંજ પડતાં પહેલાં જ ઘરે પાછી આવી ગઈ. શબ્બીરે એને જોઈને મોઢું ફેરવી લીધું. ઝૈનબ એનો આકરો સ્વભાવ જાણતી હતી. એ ખાટલાની પાંગતે બેસી ગઈ. એને ખબર હતી કે શબ્બીર એનું દુકાને જવું સહી નહોતો શક્યો. શું કરે? હવે અમ્મા તો જાય તેમ નહોતી. છોકરાં નાનાં હતાં અને માબાપ એમને દુકાનથી દૂર જ રાખતાં હતાં. એમની ઇચ્છા તો એવી હતી કે છોકરાં ભણે અને મોટા હોદ્દે પહોંચે. એણે દુપટ્ટામાં બાંધેલા ચાર રૂપિયા શબ્બીરના હાથમાં રાખી દીધા અને બોલી, “ત્રણ રૂપિયા ડૉકટરને આપવાના છે. સવારે દવા ઉધાર લઈ આવી હતી.”. પછી આજનો આખો દિવસ કેમ વીત્યો તેની લાંબી દાસ્તાન શબ્બીરને કહી સંભળાવી. શબ્બીર રસ લેવાનો દેખાવ કરતો સાંભળતો રહ્યો. પછી એ રૂપિયા ઝૈનબના હાથમાં પાછા મૂકતાં એ બોલ્યો, “આમાંથી મને ઝેર લાવી આપ.” ઝૈનબ એનો હાથ પંપાળતી રહી. શબ્બીરે નક્કી કરી લીધું કે ગમે તે થાય ઝૈનબ દુકાને નહીં જાય.
બીજા દિવસે સવારે એ ઊઠીને ઊભો થવા ગયો પણ પગ ધ્રૂજતા હતા. પાછો ખાટલામાં પટકાયો. આંખ ખૂલી ત્યારે ઝૈનબ દુકાનેથી આવી ગઈ હતી અને એની અમ્માને કહેતી હતી કે આજે વીસ રૂપિયાની આવક થઈ. શબ્બીરે દાંત કચકચાવ્યા. એને લાગ્યું કે ઘરમાં એની વિરુદ્ધ એક કાવતરું ચાલે છે.
આમ આવક વધતી ગઈ અને હવે તો ઝૈનબ પણ કુશળ દુકાનદાર બની ગઈ હતી. જો કે, દુકાને બેઠી હોય ત્યારે એક અજ્ઞાત ભય એના મનમાં છવાયેલો રહેતો. ત્યાંની જનતા માટે પણ એ નવી વાત હતી કે એક સ્ત્રી દુકાન ચલાવતી હોય. થોડી જિજ્ઞાસા અને થોડા સ્ત્રી પ્રત્યેના આક્રર્ષણને કારણે ઘરાકો એની દુકાને ખેંચાઈને આવતા. લોકો એની જ વાતો કરતા. એ ત્યાં વાતોનો વિષય બની ગઈ હતી.
દરેક જણ એનો દીવાનો હતો અને ઝૈનબને પોતાને એની ખબર પણ નહોતી. ‘અંબાલા પાન શોપ’ બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. એના પાનની મઝા જ અનોખી હતી અને એની દુકાનની સિગરેટનો એક કશ પણ ગજબ હતો. કોઈને એની પાન બનાવવાની અદા ગમતી હતી તો કોઈને એના હાથમાંથી સિગરેટ લેવાનો રોમાંચ લલચાવતો. એનાં ફાટેલાં કપડાંમાથી છેક અંદર સુધી જવામાં કેટલાયને અજબ આનંદ આવતો.
એ સાંજે ઝૈનબ બેતાળીસ રૂપિયા ઘરે લઈ આવી ત્યારે ઘરના જણેજણનો ઉમંગ સમાતો નહોતો. એકલો શબ્બીર દુઃખી હતો. બેતાળીસ રૂપિયા એને વીંછીની જેમ ડંખતા રહ્યા. મનના એક અજાણ્યા ખૂણામાં એક શંકા ઊઠી અને વીજળીના કરન્ટ જેમ આખા શરીરમાં ફેલાઈ ગઈ. એને રૂપિયા કરતાં ઝૈનબ પ્યારી હતી. ઝૈનબ એના મસ્તકનો તાજ હતી અને દુકાનમાં એ બુઝાયેલી સિગરેટના ઠૂંઠા જેમ પગ નીચે રગદોળાતી હતી. ઝૈનબનો પવિત્ર દેહ હવે પ્રદર્શનની ચીજ બની ગયો હતો.
બીજા જ દિવસે શબ્બીર દુકાને ગયો તો ઝૈનબે અલ્લાહનો શુક્ર અદા કર્યો. એ વિચારતી તો એનું રોમેરોમ એક પીડાનું શિકાર બની જતું. એને લાગતું કે એ ઝનૂની કૂતરાઓની વચ્ચે ઘેરાઈ ગઈ છે. એને થતું કે એ પોતાની જ લાશને ગીધો દ્વારા ચુંથાતી જોતી હતી. હવે એણે અલ્લાહનો પાડ માન્યો.
શબ્બીર સાવ સાજો થઈ જતાં એના મન પરનો બોજ પણ હળવો થઈ ગયો હતો. પણ છેલ્લા દિવસની બેતાળીસ રૂપિયાની આવક એના મગજમાં ઘૂસી ગઈ હતી. એણે મનમાં જ કહ્યું ”આજે જ પચાસ રૂપિયા કમાઈને સાલીને દેખાડું નહીં તો મારું નામ શબ્બીર નહીં.”
દુકાનમાં દાખલ થયો તો એનું હસવું રોક્યું રોકાય નહીં. બધું જ અસ્તવ્યસ્ત. સિગરેટોનાં પૅકેટ એકબીજા સાથે કુશ્તી લડતાં હતાં. ચૂનાનો ચમચો કાથામાં અને કાથાનો ચૂનામાં. ચારે તરફ ગંદકી અને મેલ. સ્ત્રી થઈને બધી વસ્તુ આમ રાખે? તો એણે ધંધાનો વિસ્તાર કેમ…? એને આશ્ચર્ય થયું.
માનો કે કૅપ્સ્ટન સિગરેટનું પૅકેટ શોધવું હોય તો કલાકો તો એમાં જ નીકળી જાય. લાગે છે કે અહીંના વાતાવરણથી ગભરાઈને શું કરવું તે સમજી નહી શકતી હોય કે ઘરાકોની ભીડને કારણે બધું ગોઠવવાનો ટાઇમ નહીં મળતો હોય. કદાચ કોર્ટનો સમય પૂરો થતાં જ ભાગી છૂટતી હશે.
શબ્બીરે બધું બરાબર ગોઠવ્યું. કાથાચૂનાના લોટા માંઝતાં એ વિચારતો રહ્યો કે પચાસ રૂપિયા લઈને ઘરે પહોંચશે ત્યારે શું ખેલ થશે, એ ઝૈનબને ચીડવશે અને એની સાસુ તો ઓવારણાં લેશે. છોકરાં તો ભાંગડા કરવા લાગશે અને હા, એમના માટે જલંધરના મોતીચૂરના લાડુ એક શેર બંધાવીને લઈ જઈશ. સાસુ માટે લખનઉનું સાંચી પાન અને ઘરવાળી માટે નાયલૉનનો સૂટ. રાતે જબ્બરદસ્ત ઢિશુમ-ઢિશુમવાળી અંગ્રેજી ઈશ્કિયા ફિલ્મ પણ જોશે.
ઓચિંતા જ એને ખ્યાલ આવ્યો કે દુકાન ખૂલ્યા પછી એક કલાક થઈ ગયો પણ એક ઘરાક ફટક્યો નથી. દૂર બેચાર જણ એની દુકાન તરફ જોઈને વાતો કરતા હોય એમ લાગ્યું અને પછી એ બધા પગ બીજી દુકાન તરફ વળી ગયા. કોર્ટ બંધ થયા પછી પણ એ સાંજ સુધી બેઠો રહ્યો. દુકાન વધાવી ત્યારે એની પાસે નવ રૂપિયા પંદર આના હતા. એનાં કેટલાંયે સપનાં હતાં. એ ઘરાકોને ગાળો ભાંડતો રહ્યો.
રસ્તામાં મીઠાઈની દુકાન આવી ત્યારે એના પગ જરા અટક્યા. થોડો વિચાર કરીને એણે મોતીચૂરના લાડુ ખરીદી લીધા અને ઘર તરફ જલદી જલદી ડગ માંડ્યાં.
ઘરે પહોંચ્યો ત્યારે ઘરનાં બધાં એની ફરતે એકઠાં થઈ ગયાં. એણે છોકરાંના હાથમાં મોતીચૂરના લાડુ મૂક્યા. ઝૈનબ અને એની માની આંખોમાંથી ડોકાતી જિજ્ઞાસાનો એણે જવાબ આપ્યોઃ “બેતાળીસ રૂપિયા…!” ઝૈનબના મોઢામાંથી હર્ષની ધીમી ચીચિયારી બહાર નીકળતાં થંભી ગઈ. શબ્બીરની સાસુએ એના તેલવાળા વાળમાં હાથ ફેરવ્યો. શબ્બીરે વિજયપતાકા લહેરાવી હોય તેમ સૌની સામે જોયું. “મેં નવા થડાનો ઑર્ડર આપી દીધો છે. દુકાનને નવીનવેલી દુલ્હન જેમ સજાવીને ન રાખી હોય તો ઘરાક ક્યાંથી આવે? મેં તો પેન્ટરને પણ નવું બોર્ડ બનાવી આપવા કહી દીધું છે. જેટલો ગૉળ નખીએ તેટલું ગળ્યું થાય” શબ્બીરે પત્ની અને સાસુને છક્ક કરી દ્દીધાં. ઝૈનબ વિચાર વંટોળે ચડી ગઈ. આમ ને આમ દુકાન ચાલી નીકળે તોઘરમાં પૈસાની રેલમછેલ થઈ જશે. બાળકો ભણીગણીને મોટા હોદ્દે પહોંચશે અને મોટરોમાં ફરતાં થઈ જઈશું. ઝૈનબની આંખો છલકાઈ ગઈ. શબ્બીર મુઝાઈ ગયો તો ઝૈનબે એને કહ્યું, “શબ્બીર, આ તો હરખનાં આંસુ છે.”
રાતે સૂતાં ત્યારે જ્યારે પણ ઝૈનબની આંખ ખૂલી ત્યારે એણે જોયું કે શબ્બીર જાગે છે.
એણે શબ્બીરને પૂછ્યું, શબ્બીર, ફરી તબીયત તો બગડી નથી ને?”
“નહીં, ઝૈનબ,” એણે જવાબ આપ્યો, ”મનમાં એટલો ઉત્સાહ છે કે ઊંઘ જ નથી આવતી.” ઝૈનબને સંતોષ થયો અને એ ઘસઘસાટ ઊંઘી ગઈ. શબ્બીર જાગતો રહ્યો. એણે કોણ જાણે કેવી ખતરનાક વાટ પકડી હતી. અહીં દરેક પગદંડી ક્યાંય પહોંચવાને બદલે એકબીજીમાં ગુંચવાઈ જતી હતી. એણે પોતાના બીજા સાથીઓને પૂછ્યું તો ખબર પડી કે ઉનાળામાં કોકા કોલા અને શિયાળામાં ચા ન હોય તો એકલા પાન-સિગરેટથી ચાલે નહીં.
શબ્બીર સ્ત્રી સામે હારવા નહોતો માગતો, બલ્કે, એનાથી આગળ નીકળી જવા માગતો હતો. રોજની ખોટ નફો બનીને સૌની સામે પ્રગટ થતી હતી. એનાં આ જુઠાણાં ઝૈનબનાં સપનાંના તાણાવાણા બન્યાં. એને એ પણ ધ્યાનમાં ન આવ્યું કે શબ્બીરની આંખો અંદર બેસી જવા લાગી છે અને એનું કસરતી શરીર હવે ફૂલવા લાગ્યું છે.
આજે તો હદ થઈ ગઈ. આજની કમાણી હતી માત્ર છ રૂપિયા વીસ પૈસા.એ વિચારોમં ખોવાયેલો ઊઠ્યો. દુકાન વધાવીને ચાલી નીકળ્યો. થોડે દૂર જતાં એની આંખો ચમકી. એક દુકાન પર એક સ્ત્રી બેઠી હતી. એને લાગ્યું કે ઝૈનબ જ બેઠી છે. એ સ્ત્રી ઘરાક સાથે હાથો ઉલાળી ઉલાળીને લડતી હતી. આ દૃશ્યમાં એને રસ પડ્યો.
“એમ ખેરાત કરું તો મારી દુકાનને તો બે દિવસમાં તાળું લાગી જાય, સમજ્યો?”
વાત તો સાચી અને ઉપયોગી હતી. આ સ્ત્રીને એણે પહેલાં તો કદી જોઈ નથી પણ એની બોલવાની રીત પરથી લાગ્યું કે એ નવી પણ નથી. શબ્બીરને થયું કે ઝૈનબની મા સાચું કહેતી હતી. હવે તો જમાનો બદલાઈ ગયો છે. સ્ત્રીઓ બધાં જ કામ કરે છે, અરે, વિમાનો પણ ઉડાડે છે. એને હસવું આવી ગયું જમાનો ભલે ઍડવાન્સ ન હોય, ઝૈનબની મા તો ખરેખર ઍડવાન્સ છે.
સ્ત્રીની દુકાને ભીડ ઓછી થઈ ત્યારે શબ્બીર એની પાસે પહોંચ્યો. “બોલો, શું લેશો?”
પ્રશ્ન આવતાં જ શબ્બીર ગભરાઈ ગયો. ઉતાવળે કહી નાખ્યું; એક પાન, કાથોચૂનો સરખાં”. સ્ત્રી ચૂનો મેળવવામાં પડી હતી ત્યારે શબ્બીરે વાત આગળ વધારી,” આપણી પણ પાનની જ દુકાન છે, કોર્ટમાં.”
સ્ત્રીએ પાનનું બીડું એના હાથમાં મૂકતાં કહ્યું “પૈસા રહેવા દો, શરમાવો નહીં.”
“અરે, આ તો ધંધાની વાત છે.” શબ્બીરે પૈસા આપવા દબાણ કર્યું.
“રહેવા દો ને, બેસો ઘડીક વાત કરીએ”.
’”કોઈ વાર વાત. અત્યારે તો ઘરાકીનો ટાઇમ છે” શબ્બીરે જવા માટે પગ ઉપાડ્યા.
સ્ત્રી બોલી, “ એ તો જ્યાં મધ ઢોળાયું હોય ત્યાં જ માખીઓ ત્રાટકે ને!”
શબ્બીર બેસી ગયો. ચારે તરફ નજર દોડાવી. બધી દુકાનો શણગારેલી હતી. પછી સ્ત્રીની દુકાનમાં નજર નાખી તો બધો સામાન વીખરાયેલો પડ્યો હતો. એને પોતાની દુકાન યાદ આવી. એ તો બહુ સુઘડ હતી.
સ્ત્રીએ પૂછ્યું, “કેમ ચાલે છે ધંધોપાણી?”
“અલ્લાહની રહેમ છે,” શબ્બીરે કહ્યું, નસીબમાં જેટલું લખ્યું છે એટલું મળે છે.”
સ્ત્રી સંકોચ વગર હસી પડી, “ઉધારબુધારનું ધ્યાન રાખજો, ભાઈ!” એણે સલાહના સૂરમાં કહ્યું.
“તમારું કેમ ચાલે છે? આ તો સારો ઇલાકો છે. સિનેમા હૉલ પણ છે.” શબ્બીરે સ્ત્રીના ધંધાનો અંદાજ બાંધતાં કહ્યું.
એણે શબ્બીરની વાત કાપતાં કહ્યું, “પણ દુકાનોયે ઓછી નથી, તેમ છતાં અલ્લાહની મહેરબાની છે કે દુકાન ભલે નાની હોય પણ ધંધામાં કોઈથી ઓછી નથી. રોજ સાઠ, સિત્તેર, એંસી કમાઈને ઊઠું છું. કોઈ સારી ફિલમ લાગી હોય તો સો સુધી પણ પહોંચી જાઉં છું.”
એણે પાન પર ચૂનો લગાડતાં કહ્યું, “પહેલાં મરદ અહીં બેસતો હતો પણ મરદોને ધંધો આવડતો નથી હોતો. બસ, અલ્લાહને ભરોસે જીવતાં હતાં.”
શબ્બીરે પોતાના મનની મુંઝવણ કહી નાખી. “પણ દુકાન પર સ્ત્રી બેઠી હોય એમાં ઇજ્જત નથી.”
સ્ત્રી હસી પડી. “અરે ભાઈ, ગરીબની ઇજ્જત ક્યાં હોય છે?”
શબ્બીર ધ્રૂજી ઊઠ્યો. એ જવા લાગ્યો ત્યારે જોયું કે બધી દુકાનો પર કાગડા ઊડતા હતા. બધી જ પાનની દુકાનો. અને આ સ્ત્રી કહે છે, “સાઠ, સિત્તેર, એંસી કમાઈને ઊઠું છું.” પછી જાણે કોઈએ એને કાનમાં કહ્યું, “સાચી વાત છે, જમાનો બદલાઈ ગયો છે.” વળી એક અવાજ ઊઠ્યો, “ગરીબોની ઇજ્જત…” અને અટ્ટહાસ્ય સાથે હવામાં ઓગળી ગયો.
ઘરે પહોંચ્યો ત્યારે છોકરાંઓનો કોલાહલ કાને પડ્યો. આજે પણ બધાં મોતીચૂરના લાડુની રાહ જોતાં હતાં. બધાંને હડસેલતો એ સીધો જ ખાટલામાં પડ્યો. ઝૈનબ હાંફળીફાંફળી થઈ ગઈ. “હાય મેરે અલ્લાહ!” શબ્બીરે આવારાની નજરે એના શરીરના ખાડાટેકરા પર નજર ફેરવીને કહ્યું, “હું ડૉક્ટર પાસે ગયો હતો.”
ઝૈનબના અવાજમાં વ્યગ્રતા સ્પષ્ટ દેખાતી હતી, “શું કહ્યું ડૉક્ટરે?”
શબીરના મનમાં થોડી વાર પહેલાં ઘૂસેલું ખંધું શિયાળ હવે એની જીભ પર ચડીને બોલવા લાગ્યું, “ટીબી થયો છે.” શિયાળ આગળ બોલ્યું, “આ તો જીવલેણ બીમારી છે. ડૉક્ટરે કહ્યું છે, સાવ જ આરામ કરો. છ મહિના કે એક વરસ, કે તેનાથી પણ વધારે.”
ઝૈનબના કાનમાં અસંખ્ય સિસોટીઓ વાગવા લાગી. એના પગ નીચેની ધરતી ધ્રૂજી ઊઠી.
શબ્બીરની અંદરનું ખંધું શિયાળ હવે નાચવા લાગ્યું.
છોકરાં સૂઈ ગયાં હતાં ઝૈનબ રૂમમાં આંટાફેરા કરતી રહી. એની અમ્મા ઓસરીમાં સૂડીથી સોપારી કાતરતાં બોલી, “ડૉક્ટરની વાત સાચી છે. આ બીમારીમાં તો આરામની ખાસ જરૂર હોય છે.”
સાસુએ જમાઈની વાતને ટેકો આપ્યો. શબ્બીરના ચહેરા પર સ્મિત રેલાય તે પહેલાં જ એણે સંકેલી લીધું.
શબ્બીરે કહ્યું, “હવે તું જા, મારે આરામ કરવો છે” ઝૈનબે ખાવાનું પૂછ્યું, દવા આપવાનું પૂછ્યું પણ શબ્બીરે બધી વાતે ના પાડી. એ બત્તી ઓલવીને જતી જ હતી ત્યાં શબ્બીર બોલ્યો, “અને હા, દુકાન જરા વહેલી ખોલી નાખજે. કોર્ટનો ટાઇમ હવે સાત વાગ્યાનો થઈ ગયો છે.”
ઝૈનબના પગ ઊંબરામાં જ અટકી ગયા. એ સ્તબ્ધ બનીને સાંભળતી રહી. એની સાથે સમય પણ સ્તબ્ધ બનીને અટકી ગયો. એક ક્ષણ માટે ઝૈનબને લાગ્યું કે એને કોઈએ બજારની વચ્ચોવચ્ચ છડેચોક નવસ્ત્રી કરી નાખી છે.
(અનુવાદ અને સંક્ષિપ્ત રજુઆતઃ દીપક ધોળકિયા)