Muslims Against Partition – Shamsul Islam (8)

Muslims Against Partition - Shamsul IslamMuslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના હિન્દુ-મુસ્લિમ પ્રકારો

શમ્સુલ ઇસ્લામના પુસ્તક Muslim Against Pakistanનો સારાંશ રજૂ કરતાં મેં શરૂઆતનાં પ્રકરણ છોડી દીધાં હતાં કારણ કે પુસ્તકનો બાકીનો મૂળ ભાગ એક યા બીજી રીતે એને સ્પર્શવાનો જ હતો. પરંતુ એની થોડી વિશદ છણાવટ જરૂરી છે. વળી, આ પ્રકરણો બાકીના ભાગ કરતાં સૈદ્ધાંતિક સ્વરૂપે સ્વતંત્ર પણ રહી શકે એવાં છે એટલે એ વખતે મેં માત્ર ‘ભાગલા’ પર ધ્યાન આપ્યું હતું.

લેખક કહે છે કે દ્વિરાષ્ટ્રવાદના ઝંડાધારીઓ દાવો કરતા હોય છે કે ધર્મ વ્યક્તિની પ્રાથમિક ઓળખ બાંધી આપે છે. આ વિચાર પ્રમાણે ધાર્મિક ભેદ સ્વાભાવિક, મૂળભૂત અને આદિમ (માણસજાત પેદા થઈ તે પહેલાંના) છે. આમ હિન્દુ અને મુસલમાન (અથવા શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી) વગેરે જે ભારતમાં રહે છે તે બધાં અલગ રાષ્ટ્રો છે. ઘણા વિદ્વાનોએ સમજાવ્યું છે કે રાષ્ટ્રવાદ વિશેની કોઈ પણ ચર્ચામાં અમુક જાતનું સરલીકરણ થયા વગર રહેતું નથી. રાષ્ટ્ર-રાજ્ય (Nation-state) એક કલ્પના-કથા છે. એક રાષ્ટ્ર-રાજ્યમાં સૌની સમાન સંસ્કૃતિ હોય છે એવી એક ધારણા છે. પરંતુ આ ધારણા હંમેશાં ખોટી રહી છે; રાષ્ટ્ર-રાજ્ય માત્ર ઉચ્ચ વર્ગોની જરૂરિયાતોને સંતોષે છે અને સામાન્ય જનસમાજનાં હિતોને ચગદી નાખતું હોય છે. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતમાં અજાયબીની વાત એ છે કે રાષ્ટ્ર્વાદી કપોલકલ્પિત ખ્યાલની વ્યાખ્યા માત્ર ધર્મના આધારે કરવામાં આવે છે.”

મુસ્લિમ દ્વિરાષ્ટ્રવાદ

ભારતમાં રહેતા મુસલમાનો અલગ રાષ્ટ્ર છે, એવા સિદ્ધાંતના વિકાસમાં એક દાયકો લાગ્યો. પહેલા તબક્કામાં એમ પ્રચાર થયો કે મુસલમાનોની રાષ્ટ્રીયતા હિન્દુઓ કરતાં જુદી પડે છે એટલે એમનું શોષણ ન થાય તે માટે અમુક રક્ષણાત્મક વ્યવસ્થા હોવી જોઈએ. બીજા તબક્કામાં એવું શરૂ થયું કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એટલે એમનું અલગ વતન હોવું જોઈએ.

સર મહંમદ ઇકબાલ

સૌથી પહેલાં કવિ અને ફિલોસોફર સર મહંમદ ઇકબાલે મુસ્લિમ દ્વિરાષ્ટ્રવાદનું બ્યૂગલ ફૂંક્યું. ૨૯ ડિસેમ્બર ૧૯૩૦ના રોજ અલ્લાહાબાદમાં ઑલ ઇંડિયા મુસ્લિમ લીગ્ના ૨૫માં અધિવેશનમાં પ્રમુખપદેથી બોલતાં એમણે કહ્યું: “આપણે સાત કરોડ છીએ અને હિન્દુસ્તાનના બીજી કોઈ પ્રજા કરતાં આપણામાં બહુ ઘણી એકરૂપતા છે.. ખરેખર હિન્દુસ્તાનમાં રાષ્ટ્ર શબ્દ એના આધુનિક અર્થમાં કોઈને પણ બરાબર બંધબેસતો થતો હોય તો તે મુસલમાનો છે…આ કારણે હિન્દુસ્તાનમાં મુસ્લિમ હિન્દુસ્તાનની માગણી વાજબી છે.”  એમણે પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાનને ભેળવીને બ્રિટિશ સામ્રાજ્યની અંદર જ એક અલગ રાજ્ય બનાવવાની માગણી કરી.

જો કે ઇકબાલને ખ્યાલ હતો કે મુસલમાનોમાં એકરૂપતા નહોતી. એમણે કહ્યું કે મુસ્લિમ કોમ પોતાની Herd Instinct (જૂથગત વર્તનની સાહજિક વૃત્તિ) ખોતી જાય છે એટલે વ્યક્તિઓ અને જૂથો કોમની સર્વસામાન્ય વિચારધારા અને પ્રવૃત્તિમાં કંઈ પણ પ્રદાન કર્યા વિના પોતાની રીતે કામ કરે છે.

એ યાદ રાખવા જેવું છે કે ઇકબાલે આ ભાષણ કર્યું ત્યારે કોરમ માટે જરૂરી ૭૫ સભ્યો પણ હાજર નહોતા અને આ ‘રણગર્જના’ની કોઈએ નોંધ ન લીધી અને એના પરથી ઠરાવ પણ પસાર ન કર્યો.

સામાન્ય માન્યતા એવી છે કે ઇકબાલના આ ભાષણ સાથે પાકિસ્તાનનો વિચાર જન્મ્યો, પરંતુ એમણે ભાગલા નહોતા માગ્યા. પૂર્વ ભારતના મુસલમાનો વિશે એમણે કંઈ કહ્યું નહીં, તેમ છતાં એ ખરું કે એક એકરંગી હિન્દુસ્તાનમાં ગૃહયુદ્ધ થશે.

રહેમત અલી

મુસ્લિમ રાષ્ટ્રવાદી વિચારને ૧૯૩૩માં નક્કર સ્વરૂપ મળ્યું. કૅમ્બ્રિજના અંડરગ્રેજ્યૂએટ વિદ્યાર્થી ચૌધરી રહેમત અલીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૩ના એક પૅમ્ફલેટ ‘Now or Never” બહાર પાડ્યું, એમાં પંજાબ, વાયવ્ય સરહદ પ્રાંત, કાશ્મીર, સિંધ અને બલૂચિસ્તાનનું અલગ રાજ્ય બનાવવાની અને એને પાકિસ્તાન નામ આપવાની અપીલ કરી. ઇકબાલની યોજના એ હતી કે એક ફેડરેશનમાં આ પ્રદેશો એક એકમ તરીકે સામેલ થાય. રહેમત અલીની યોજનામાં એમનું અલગ ફેડરેશન બનાવવાનું સૂચન હતું. પછી તો રહેમત અલી પૅમ્ફલેટો બહાર પાડીને બંગિસ્તાન, હૈદરિસ્તાન, ઉસ્માનિસ્તાન, સિદ્દીકિસ્તાન, ફરુકિસ્તાન, માપલિસ્તાન વગેરે અનેક એકમો બનાવવાનું સૂચવતા રહ્યા. એમણે પાકિસ્તાન નૅશનલ મૂવમેન્ટ શરૂ કરી અને ‘પાકિસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું. એમના વિચાર મુજબ ઇસ્લામિક રાજ્યોમાં લઘુમતીઓ હોવી જ ન જોઈએ. રહેમત અલીએ મુસલમાનો અને હિન્દ્દુઓ વચ્ચેના અંતર પર ભાર મૂક્યો. એ દ્દેશભક્ત મુસલમાનોને પસંદ નહોતા કરતા. એમનું કહેવું હતું કે એ લોકો ‘હિન્દુ મૂડીવાદ અને ‘હિન્દુ રાષ્ટ્રવાદ’ના દાસ હતા.

પરંતુ, રહેમત અલીના આ પૅમ્ફલેટને મુખ્ય મુસ્લિમ સંગઠનોએ ‘વિદ્યાર્થીની યોજના’ તરીકે ગણકાર્યું નહીં. ૧૯૪૭માં પંજાબ અને બંગાળના ભાગલા કરીને પાકિસ્તાન બનાવાયું ત્યારે રહેમત અલી નારાજ હતા અને એમણે કહ્યું કે આ ‘જબ્બર વિશ્વાસઘાત’ હતો. પછી એ લંડનથી પાકિસ્તાન ગયા ત્યારે એમનું આવવું કોઈને પસંદ ન પડ્યું. એમની પાછળ પોલીસ ગોઠવવામાં આવી હતી અને અંતે એમને પાછા લંડન જવાની ફરજ પડી, જ્યાં ૧૯૫૧માં એમનું અવસાન થઈ ગયું. કૅમ્બ્રિજમાં ભણતી વખતે એ કયો કોર્સ કરતા હતા કે એનો ખર્ચ કેમ પૂરો કરતા હતા તે નક્કી નથી, પરંતુ મોટાં નામવાળાઓની આગતા સ્વાગતા અને પ્રચાર માટે એમની પાસે પૂરતા પૈસા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીનું ચર્ચિલ અને લૉઇડ એમને “હિન્દુસ્તાનના મુસલમાનોના અવાજ” તરીકે ઓળખાવતા.

જિન્નાનો દ્વિરાષ્ટ્રવાદ

૧૯૩૦નો દાયકો પૂરો થતાં સુધીમાં જિન્ના અને મુસ્લિમ લીગે “આપણો દેશ”, “સૌનું માદરેવતન” ની ભાષામાં બોલવાનું છોડી દીધું હતું. હવે મુસલમાન ‘લઘુમતી’ નહોતા, પણ ‘પરિપૂર્ણ રાષ્ટ્ર’ હતા. જિન્નાએ ૧૯૪૦ની ૨૨મી માર્ચે મુસ્લિમ લીગની લાહોર કૉન્ફરન્સમાં કહ્યું: “હિન્દુસ્તાનનો સવાલ બે કોમોનો નથી, પણ ‘આંતરરાષ્ટ્રીય’ છે. બ્રિટિશ હકુમત ખરા હૃદયથી આ ઉપખંડના લોકોનાં સુખ શાંતિ ઇચ્છતી હોય તો એક જ રસ્તો ભારતનું સ્વાયત્ત રાજ્યોમાં વિભાજન કરીને મુખ્ય રાષ્ટ્રોને પોતાનું અલગ વતન આપવાનો છે.”

જિન્નાનું કહેવું હતું કે હિન્દુ ધર્મ અને ઇસ્લામ માત્ર બે અલગ ધર્મો નહોતા, બે અલગ સામાજિક વ્યવસ્થાઓ હતી અને એમની સમાન રાષ્ટ્રીયતા બની જ ન શકે.

નોંધવા જેવું છે કે ૧૯૩૭ સુધી જિન્ના પોતે પણ મુસલમાનોને ‘કોમ’ માનતા હતા. લીગને લખન્ઉ બેઠકમાં એમણે મુસલમાનો અને બીજી લઘુમતીઓનાં હિતોનું રક્ષણ કરવાની વાત જ કરી. લાહોરમાં ૧૯૪૦માં લીગે ઠરાવ (પાકિસ્તાન ઠરાવ) પસાર કર્યો તેમાં પણ જિન્નાએ ‘પાકિસ્તાન’ શબ્દ ન વાપર્યો. પરંતુ ૧૯૪૧માં લીગની મદ્રાસ કૉન્ફરન્સમાં જિન્નાએ ભારતના ભાગલાની ચોખ્ખા શબ્દોમાં માગણી કરી – “કેન્દ્રમાં એક સરકાર હોય એવું અખિલ ભારતીય બંધારણ આપણને જોઈતું નથી. લીગની વિચારધારાનો આધાર એ જ છે કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે અને એમની રાષ્ટ્રીય અને રાજકીય અસ્મિતા કે વિચારધારાને બીજામાં ભેળવી દેવાના પ્રયાસનો વિરોધ કરશું.”

દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત જિન્નાને કારણે વધારે ફેલાયો. મુસલમાનોની લાગણીઓને આધારે આ સિદ્ધાંત સફળ થયો. પરંતુ જિન્નાને લાગણીના આધારે વિકસેલા સિદ્ધાંતની નબળાઈઓ સમજાઈ ગઈ હતી. ભાગલાની ઘડીઓ ગણાતી હતી ત્યારે જિન્ના બંધારણસભાના લીગના સભ્યોને મળ્યા અને કહ્યું કે “એમણે લાગણીના આવેશમાં નહીં પણ વિવેકનો ઉપયોગ કરીને નિર્ણય લેવા જોઈએ.”

અફસોસ…આ ડહાપણ બહુ મોડેથી આવ્યું!

હિન્દુ દ્વિરાષ્ટ્રવાદ

પરંતુ અલગતાવાદી વિચારધારા હિન્દુઓમાં પણ હતી જ અને મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત પર પોતાનું ઝેરીલું રાજકારણ શરૂ કર્યું તે પહેલાં જ હિન્દુ રાષ્ટ્રવાદીઓ એનો પ્રચાર કરતા હતા. અરવિંદ ઘોષના નાના રાજ નારાયણ બસુ (૧૮૨૬-૧૮૯૯) અને એમના સાથી નભ ગોપાલ મિત્રા (૧૮૪૦-૧૮૯૪)ને દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અને હિદુ રાષ્ટ્રવાદના જનક ગણાવી શકાય. બસુ માનતા કે જ્ઞાતિવાદ હોવા છતાં હિન્દુ સમાજવ્યવસ્થા ઇસ્લામ કે ખ્રિસ્તી સમાજવ્યવસ્થા કરતાં ચડિયાતી હતી. એમણે ભારત ધર્મ મહામંડળની સ્થાપના કરી, જેમાંથી પછી હિન્દુ મહાસભા બની. રાજ નારાયણ બસુ માનતા કે આ જ રસ્તે દેશમાં આર્ય રાષ્ટ્રની સ્થાપના થઈ શકશે. નભ ગોપાલ મિત્રાએ બંગાળી નવા વર્ષે ‘હિન્દુ મેળા’ યોજવાનું શરૂ કર્યું. ઇતિહાસવિદ્‍ આર. સી. મજૂમદાર લખે છે કે એમણે ખરેખર તો જિન્નાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને અડધી સદી કરતાંય વધારે વહેલો જ સ્થાપી દીધો.”

આર્ય સમાજે પણ હિન્દુ-મુસ્લિમ અલગતામાં આગળપડતો ભાગ ભજવ્યો. એના નેતા ભાઈ પરમાનંદે આજે ‘હિન્દુ રાષ્ટ્ર’ના ધુરંધર તરીકે સ્થાપિત સાવરકર અને ગોલવલકરથી દાયકાઓ પહેલાં કહ્યું હતું કેમુસલમાનો બહારથી આવ્યા છે અને આ ભૂમિનાં ખરાં સંતાન માત્ર હિન્દુઓ છે. એમણે પોતાની આત્મકથામાં હિન્દુઓ અને મુસલમાનોને દેશના બે નિશ્ચિત એરિયામાં વસાવવાની હિમાયત કરતાં કહ્યું છેઃ “સિંધની પેલે પારનો ભાગ અફઘાનિસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંત સાથે જોડીને મહાન મુસલમાન રાજ્ય બનાવવું જોઈએ. ત્યાં વસતા હિન્દુઓએ આ બાજુ આવી જવું જોઈએ અને આ બાજુ વસતા મુસલમાનોએ પેલે પાર ચાલ્યા જવું જોઈએ.”

કોંગ્રેસ, હિન્દુ મહાસભા અને આર્ય સમાજના પ્રખર નેતા લાલા લાજપત રાયે ૧૮૯૯માં ‘હિન્દુસ્તાન રીવ્યુ’માં કોંગ્રેસ વિશે એક લેખ લખ્યો તેમાં કહ્યું કે હિન્દુઓ પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. ૧૯૨૪માં એમણે વધારે સ્પષ્તતાથી પોતાની યોજના રજૂ કરીઃ “મારી યોજનામાં મુસલમાનોનાં ચાર રાજ્યો હશેઃ વાયવ્ય સરહદ પ્રાંતનો પઠાણ પ્રદેશ, પશ્ચિમ પંજાબ, સિંધ અને પૂર્વ બંગાળ. હિન્દુસ્તાનના કોઈ ભાગમાં મુસ્લિમોની મુખ્ય વસ્તી હોય ત્યાં પણ એમનું અલગ રાજ્ય બનાવવું જોઈએ. પણ એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આ સંગઠિત હિન્દુસ્તાન નહીં હોય, એના ભાગલા હશે, એક હિન્દુ હિન્દુસ્તાન અને બીજું મુસ્લિમ હિન્દુસ્તાન.”

સાવરકર અને ગોલવલકર તો તે પછીની પેઢીના હિન્દુ રાષ્ટ્રવાદીઓ છે. (આપણે સાવરકરના વિચારો ગયા અંકમાં જોઈ લીધા છે).

૧૮૫૭ના વિદ્રોહમાં હિન્દુસ્તાની રાષ્ટ્રવાદ

પરંતુ એમનાથી થોડાં જ વર્ષો પહેલાં ૧૮૫૭માં હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળીને અંગ્રેજો સામે જંગ માંડ્યો હતો અને બલિદાનો આપ્યાં હતાં. સ્વયં સાવરકર પોતાના પુસ્તક (‘ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ’)માં આ વાત સ્વીકારે છે. નાનાસાહેબ અને અઝીમુલ્લાહના હિન્દુ-મુસ્લિમ એકતા માટેના પ્રયાસોની તેઓ ખાસ પ્રશંસા કરે છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ, તાંતિયા ટોપે, મધ્ય પ્રાંતના રાવસાહેબ પાંડુરંગ સદાશિવ, ફિરોઝ શાહ, મૌલવી ફઝલુલ હક આ નામો ભુલાય તેમ નથી.

રાજસ્થાનના કોટાના મહારાવનું અંગ્રેજ તરફી વલણ જોઈને એક દરબારી લાલા જયદયાલ ભટનાગરે સેનાપતિ મહેરાબ ખાન સાથે મળીને વિદ્રોહ કર્યો. અંગ્રેજોએ કોટા જીતી લીધું ત્યારે બન્નેને ફાંસી આપી દીધી. અવધના બે જિગરજાન મિત્રો અચ્ચન ખાન અને શંભુ પ્રસાદ શુક્લે રાજા દેવી બખ્શની ક્રાન્તિકારી સેનાની આગેવાની લીધી.- બન્નેની અંગ્રેજોએ જાહેરમાં કતલ કરી નાખી.

ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરની વિદ્રોહી અસગરી બેગમને અંગ્રેજી ફોજે જીવતી સળગાવી દીધી. તો ૨૮ વર્ષની ગૂજર યુવતી આશાદેવી, ખેડૂતપુત્રી ભગવતી દેવી અને ૨૪ વર્ષની હબીબાએ અંગ્રેજો સામે લડતાં લડતાં પોતાના પ્રાણ માભોમને ચરણે ધરી દીધા.

આવાં તો અનેક નામી-અનામી હિન્દુ અને મુસ્લિમ, સ્ત્રીઓ અને પુરુષો, યુવાનો અને વૃદ્ધોનાં લોહીથી આપણી આઝાદીનાં મૂળનું સિંચન થયું છે.

૦-૦-૦

ઉપસંહાર

દેશના ભાગલાની કરુણ કહાનીનું વિશ્લેષણ કરતાં ત્રણ પુસ્તકોની આ પરિચય શ્રેણી સમાપ્ત થાય છે.

ત્રણ લેખકો, ત્રણ દૃષ્ટિકોણ અને વિષય એક. આયેશા જલાલે એમના પુસ્તક The Sole Spokesmanમાં મુસ્લિમોની બહુમતીવાળા પ્રાંતો –પંજાબ અને બંગાળ – પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં મુસ્લિમ લીગ નબળી હતી. વેંકટ ધૂલિપાલા એમના પુસ્તક Creating a New madinaમાં દેખાડે છે કે પાકિસ્તાનના તાણાવાણા તો આજના ઉત્તરપ્રદેશમાં વણાતા હતા, જ્યાં મુસ્લિમો લઘુમતીમાં હતા. એમણે પણ લીગ વિરોધી મુસલમાનોની પ્રવૃત્તિઓ મર્યાદિત રૂપે પ્રકાશ ફેંક્યો, પરંતુ મુસ્લિમ લીગનું પલ્લું ભારે થતું જતું હતું. શમ્સુલ ઇસ્લામનું પુસ્તક Muslims Against Partition સંપૂર્ણ રીતે આ દેશભક્ત મુસ્લિમોને સમર્પિત છે, જેમાં અલ્લાહબખ્શનું વ્યક્તિત્વ કેન્દ્રસ્થાને છે.

ત્રણેય લેખકોએ ઘણા સંદર્ભો આપ્યા છે. કોઈ પણ સમ્શોધનાત્મક પુસ્તક એના વિના અધૂરું ગણાય, પણ આ લેખમાળામાં ખાસ જરૂરી હોય તે સિવાય મેં સંદર્ભો આપવાનું ટાળ્યું છે. કોઈ મિત્રને ઊંડા ઊતરવામાં રસ હોય તો આવા સંદર્ભો એમને આપી શકીશ. પરંતુ મિત્ર તરીકે મારો આગ્રહ છે કે આપ આ પુસ્તકો જરૂર વાંચશો. ત્રણેય લેખકોની શૈલી એવી છે કે નવલકથા વાંચતા હો એવો જ આનંદ આવશે.

આ પુસ્તકો વાંચતાં મને લાગ્યું કે આપણા ઇતિહાસની આવી દારુણ ઘટના શી રીતે આકાર લેતી હતી તેનો પૂરો ખ્યાલ પહેલાં કદી નથી મળ્યો. આપણી શાળાઓના ઇતિહાસમાં પણ માત્ર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આવે છે અને એમના આંતરપ્રવાહો, એમની શક્તિઓ અને નબળાઈઓ વિશે ખાસ જાણવા મળતું નથી. પરિણામે આપણે આખા ઘટના ચક્રને એક જ પરિમાણમાં જોઈએ છીએ. આ ત્રણ પુસ્તકોએ કંઈ નહીં તો મારી ક્ષિતિજોનો વિસ્તાર કર્યો – અને એની ખુશી આપ સૌ સાથે વહેંચ્યા વિના રહી ન શક્યો. આ ઉત્સાહમાં આટલી લાંબી લેખમાળા ચાલી છે. કોઈને અતિરેક લાગ્યો હોય કે કંટાળો આવ્યો હોય તો ક્ષમા કરશો. મને પણ ઘણી વાર શંકા પડી છે કે આપને આ ગમશે? બહુ વિસ્તાર તો નથી થતો ને? પણ મને હંમેશાં એમ પણ લાગ્યું છે કે મને પોતાને જ સંતોષ ન થાય તો આપને કઈ રીતે સંતુષ્ટ કરી શકીશ?

કુલ ૧૦૦૦-૧૨૦૦ પાનાંને ન્યાય આપવાનું સહેલું નહોતું. મેં જેટલું લખ્યું છે તે તો દોઢસો પાનાંથી વધારે નહીં હોય. એમાં વાચક અને લેખક બન્નેને અન્યાય થવાનો સંભવ રહે છે. એટલે કંઈ નહીં તો લેખકે જે લખ્યું તે શક્ય તેટલી પ્રામાણિકતાથી આપવાનો પ્રયત્ન કર્યો છે. આપમાંથી કોઈને આ લેખમાળા પસંદ આવી હોય તો હું માનીશ કે મારો પ્રયત્ન તદ્દન એળે નથી ગયો.

0-0-0

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _ ૪૩:

Muslims Against Partition – Shamsul Islam (7)

Muslims Against Partition - Shamsul IslamMuslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

દેશભક્ત મુસ્લિમો ભાગલાને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા?

દેશભક્ત મુસ્લિમો હિન્દુસ્તાનને એક રાખવામાં જિન્નાની મુસ્લિમ લીગ સામે નિષ્ફળ રહ્યા તેનાં ઘણાં કારણો છે. એમણે મુસ્લિમ લીગના ઍજન્ડા વિરુદ્ધ પ્રબળ જનમત ઊભો કર્યો તેમ છતાં જ્યારે બ્રિટિશ હકુમતે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ સાથે સોદો કરી લીધો તે પછી દેશભક્ત મુસ્લિમોના હાથમાં કશું ન રહ્યું. લેખક કહે છે કે આપણે આ માટે ત્રણ પાસાંની ચર્ચા કરવી પડશે. એક તો, મુસ્લિમ લીગ પોતાના વિરોધી મુસલમાનો પ્રત્યે ઝેરીલો દ્વેષ રાખતી હતી. ઘણી વાર, બ્રિટિશ સરકારનો એને સાથ મળતો હતો અને મોટા ભાગે સરકાર મુસ્લિમ લીગનાં કૃત્યો પ્રત્યે આંખ મિંચામણાં કરતી હતી. બીજું, દેશભક્તો લઘુમતીઓના કેટલાક સામાન્ય અધિકારોના રક્ષણની વ્યવસ્થાની જરૂર દર્શાવતા હતા, તેની સામે, હિન્દુ રાષ્ટ્રવાદીઓનો સખત વિરોધ હતો. આવાં તત્ત્વો કોંગ્રેસની અંદર પણ હતાં. ત્રીજું, સ્વયં કોંગ્રેસ પણ કેટલીય રીતે ભાગલાના નિર્ણયમાં સામેલ હતી. કદાચ એનો સૌથી મોટો અપરાધ એ હતો કે એણે મુસ્લિમ લીગને ભારતના મુસલમાનોની ઇચ્છાઓને વાચા આપનારાં સંગઠન તરીકે માન્યતા આપી દીધી.

(૧) મુસ્લિમ લીગની દુશ્મનાવટ

મુસ્લિમ લીગની નજરે પાકિસ્તાનનો વિરોધ કરનારા નેતાઓ ઇસ્લામના અને કોમના દુશ્મન હતા. આપણા લેખક ફરઝાના શેખને ટાંકે છેઃ “એને (લીગને) પડકારનારને ક્રૂરતાથી કચડી નાખવામાં આવતા.” મુસ્લિમોની સાંસ્કૃતિક એકતા અને ભારતીય મુસ્લિમ રાષ્ટ્રવાદને એકસમાન ગણવાના જિન્નાના વિચારનો કોંગ્રેસ સાથે જોડાયેલા (‘રાષ્ટ્રવાદી’ મુસલમાનો) વિરોધ કરતા હતા. તે ઉપરાંત ખાસ કરીને, પંજાબ અને બંગાળના પ્રાંતીય નેતાઓ પણ મુસ્લિમ અલગતાવાદને એમના પ્રાંતના બિનમુસ્લિમોની માગણીઓ સાથે મેળમાં રાખવા મથતા હતા.

૧૯૩૧માં મુસ્લિમ લીગે મુસ્લિમ નૅશનલ ગાર્ડ્ઝ નામનું અર્ધલશ્કરી દળ બનાવ્યું. એના કમાંડર-ઇન-ચીફ સિદ્દીક અલી ખાનનો દાવો હતો કે દળના ત્રણ લાખ સભ્યો હતા, જો કે બ્રિટિશ સરકારનો અંદાજ ૧,૨૦,૦૦૦નો હતો, પણ આ સંખ્યા પણ નાની નહોતી. ગાર્ડ્ઝ શહેરો, નગરો અને ગામોમાં રાષ્ટ્રવાદીઓની સભાઓ પર પથ્થરમારો કરતા અને વિરોધીઓને શારીરિક નુકસાન પણ પહોંચાડતા. રાષ્ટ્રવાદીઓ માટે મુસાફરી કરવાનું પણ કપરું થઈ પડ્યું હતું. એમણે મૌલાના હુસેન અહમદ મદની પર સઈદપુરમાં જીવલેણ હુમલો કર્યો, વાયવ્ય સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના એક નજીકના સંબંધી અને એમની સાથેના બીજા બે જણનું ખૂન કરવામાં આવ્યું. લાહોર અને જલંધરનાં રેલવે સ્ટેશનોએ મૌલાના હિફ્ઝુર રહેમાન પર પથ્થર ફેંકાયા. મૌલાના સૈયદ મહંમદ નાસિરનો આવા હુમલામાં હાથ કપાઈ ગયો. “ઇસ્લામ ખતરે મેં હૈ”ના નારા પોકારનારા લીગીઓએ ઇસ્લામના વિદ્વાન મૌલાનાઓની દાઢીઓ ખેંચી અને કપડાં ફાડી નાખ્યાં હોય એવા બનાવો પણ બનતા રહેતા હતા.

મૌલાના આઝાદ હંમેશાં મુસ્લિમ લીગના નિશાન પર રહ્યા. અલીગઢમાં એમના પર હુમલો થયો તે ઉપરાંત જિન્ના એમને કોંગ્રેસના ‘શો બોય’ તરીકે ઓળખાવતા.

(૨) હિન્દુત્વનું રાજકારણ

એક બાજુથી મુસ્લિમ લીગના હુમલા થતા હતા તો બીજી બાજુ, હિન્દુ રાષ્ટ્રવાદીઓએ એવી સ્થિતિ પેદા કરી દીધી હતી કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રાજકીય એકતા સ્થાપવાના દેશભક્ત મુસ્લિમોના પ્રયત્નો સફળ ન થઈ શકે. આ વલણને કારણે મુસ્લિમ લીગ મજબૂત બની. ડૉ. બાલકૃષ્ણ શિવરામ મુંજે હિન્દુ મહાસભાના અગ્રગણ્ય નેતા હતા, તે ઉપરાંત કોંગ્રેસમાં પણ સક્રિય હતા. એમણે જાહેર કર્યું કે હિન્દુ-મુસ્લિમ એકતા પાછળ સમય વેડફવા કરતાં આજનો તકાજો હિન્દુઓને સંગઠિત કરીને એમને લશ્કરી તાલીમ આપવાનો છે. ૧૯૪૦ના મે મહિનાની પહેલી તારીખના હિન્દુસ્તાન ટાઇમ્સે એમનું કથન ટાંક્યું કે હિન્દુઓ સંગઠિત થઈ જશે તે પછી હિન્દુ-મુસ્લિમ એકતાની જરૂર નહીં રહે. બોમ્બે ક્રોનિકલના ૨૬ ડિસેમ્બર ૧૯૪૦ના અંકમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ડૉ. મુંજેએ કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રવાદ જ ભારતનો એક માત્ર રાષ્ટ્રવાદ છે, જેનો અર્થ છે હિન્દુ શાસન અને હિન્દુ રાજ્ય. હિન્દુમહાસભાનું માનવું સાચું છે કે આ સિદ્ધ કરવા માટે હિંસા જ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે.”

બીજા મહત્ત્વના હિન્દુ નેતા વિ. દા. સાવરકરે મુસ્લિમ લીગની વિરુદ્ધ આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સનું આયોજન કરનારા દેશભક્ત મુસ્લિમોને “mercenaries demanding their pound of flesh” (પોતાનો ભાગ માગનાર ભાડૂતીઓ) તરીકે ઓળખાવ્યા. એમણે કહ્યું કે કૉન્ફરન્સમાં જે માગણીઓ થઈ તે મુસ્લિમ લીગની માગણીઓ કરતાં જુદી નથી. પરંતુ સાવરકર બે રાષ્ટ્રોના સિદ્ધાંત વિશે જિન્ના સાથે સંમત હતા. ૧૯૩૭માં અમદાવાદમાં હિન્દુ મહાસભાનું ૧૯મું અધિવેશન મળ્યું તેમાં સાવરકરે આની વિસ્તારથી ચર્ચા કરીઃ

બે પરસ્પર શત્રુ રાષ્ટ્રો ભારતમાં એક સાથે રહે છે, તેથી કેટલાયે બાળકબુદ્ધિ રાજકારણીઓ એમ માનવાની ગંભીર ભૂલ કરે છે કે ભારત ખરેખર એક સુસંવાદપૂર્ણ રાષ્ટ્ર બની ગયું છે, અથવા, બસ, એમની ઇચ્છા છે એટલા જ ખાતર આવું સુસંવાદી રાષ્ટ્ર બનાવી શકાશે. આ લોકો સદ્‍ભાવથી ભરેલા પણ વિચારહીન છે. પોતાનાં સપનાંને વાસ્તવિકતા માને છે…કહેવાતા કોમી સવાલો હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક, ધાર્મિક અને કોમી દ્વેષનો વારસો છે…આજે એમ ન કહી શકાય કે ભારત એકકેન્દ્રી અને સુસંવાદપૂર્ણ દેશ છે, ઉલ્ટું, ભારતમાં મુખ્યત્વે બે રાષ્ટ્ર છે – હિન્દુ અને મુસ્લિમ.”

આવા પ્રચારને કારણે મુસ્લિમ લીગ તરફી બૌદ્ધિક મુસલમાનો માટે નકારાત્મક પ્રચાર સામાન્ય મુસ્લિમ સુધી લઈ જવાનું સહેલું બની ગયું કે મુસલમાન કોમ અને ઇસ્લામ પર આ હુમલો છે. ડૉ. બી. આર. આંબેડકરે સાવરકરના વિચારો પર ટિપ્પણી કરી કે, “…હિન્દુ કોમ અને મુસ્લિમ કોમ વચ્ચે શત્રુતાનાં બીજ રોપ્યા પછી બન્ને કોમો એક જ બંધારણ હેઠળ અને એક જ દેશમાં રહેશે એમ શ્રી સાવરકર શી રીતે માની શકે છે, તે સમજાવવું મુશ્કેલ છે.”

આમ મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાના પ્રચારને કારણે રાજકારણમાં ધ્રુવીકરણ થઈ ગયું, જેમાં ભાગલા વિરોધી મુસલમાનોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ.

ઢચુપચુ કોંગ્રેસનો વિશ્વાસઘાત

દેશભક્ત મુસલમાનો પ્રત્યે કોંગ્રેસનું વલણ એવું રહ્યું કે એ લોકો બાજુએ હડસેલાઈ ગયા. ૧૯૨૦માં કોંગ્રેસે મુસલમાનોને સંગઠિત કરવા માટે પ્રયાસ કર્યા પણ તે પછી, મુસલમાનોને, પ્રોફેસર મુશીરુલ હસનના શબ્દોમાં: “કોંગ્રેસ તરફથી જોરદાર વૈચારિક અને રાજકીય પીઠબળ ન મળ્યું. વખતોવખત એમનો ઉપયોગ થતો રહ્યો અને કોંગ્રેસમાં એમને શોભાનાં પદો પણ અપાયાં, એમને નિઃસ્વાર્થી અને સમર્પિત નેતાઓ છે એવી ઘોષણાઓ પણ થતી રહી, તે સાથે જ એમના દૃષ્ટિકોણ પ્રત્યે અણછાજતો તુચ્છકાર દેખાડાતો. એમનો ઉપયોગ જરૂર પડે ત્યારે બહુ બહુ તો સોદાબાજી માટે થતો, એવું કંઈ ન હોય ત્યારે એમને ડીપ ફ્રિજમાં રાખી દેવાતા.”

કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ જમિયત ઉલેમા-એ-હિન્દ અને મજલિસ-એ-અહરાર જેવાં લીગવિરોધી દેશભક્ત સંગઠનોને કોમવાદી માનતા હતા. અહરારે ઍપ્રિલ ૧૯૩૭માં લખનઉમાં સંમેલન રાખ્યું તેમાં કોંગ્રેસના જનરલ સૅક્રેટરી આચાર્ય કૃપાલાનીને આમંત્રણ આપ્યું. કૃપાલાનીએ તબીયતનું કારણ આપીને સંમેલનમાં આવવાની અશક્તિ દેખાડી, પણ પત્રમાં ઉમેર્યું કે એમની તબીયત સારી હોત તો પણ તેઓ ન આવત કારણ કે અહરાર કોમવાદી સંગઠન હતું.

કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓ પણ મુસલમાનના ઘરનાં ભોજન-પાણી નહોતા લેતા. ગાંધીજીના નિકટના સાથી એમ. એ. અન્સારીનો એક અનુભવ જાણવા જેવો છે. ડૉ. અન્સારીએ અહરારના નેતા હબીબુર રહેમાનને આ કિસ્સો કહ્યો છે જેનો ઉલ્લેખ અઝીઝુર રહેમાન લુધયાનવીએ હબીબુર રહેમાન વિશે લખેલા પુસ્તકમાં કર્યો છે. ડૉ. અન્સારીએ હબીબુર રહેમાનને કહ્યું કે “ગાંધી-ઇર્વિન મંત્રણાઓ દરમિયાન બધા કોંગ્રેસ નેતાઓ મારે ઘરે (દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં) રહેતા હતા. માંસાહારી સભ્યો તો મારી સાથે બેસીને જમતા પણ શાકાહારી સભ્યોને મારે રસોડે બનેલું શાકાહારી ભોજન એમના રૂમોમાં અપાતું. એ લોકો બધું ખાવાનું ડોલમાં એકઠું કરીને નોકરોના હાથે જમનામાં ફેંકાવી દેતા અને ચાંદીવાલા જે મોકલતા તે ખાતા.”

મૌલાના આઝાદ એમના પુસ્તક India Wins Freedomમાં લખે છે કે ૧૯૪૩ પછી ગાંધીજી જિન્ના સાથે જે રીતે વર્તાવ કરવા લાગ્યા તે મોટી રાજકીય ભૂલ હતી. આઝાદ લખે છે કે ગાંધીજીના અંતેવાસીઓમાં એક અમ્તુસ સલામ નામની “ભલી પણ મૂર્ખ” સ્ત્રી હતી. એણે ગાંધીજીને કહ્યું કે ઉર્દુ છાપાં જિન્ના માટે કાયદે આઝમલખે છે. તે પછી ગાંધીજી પણ જિન્નાને એ જ રીતે સંબોધવા લાગ્યા. સામાન્ય મુસલમાન એમ સમજ્યો કે ગાંધીજી એમને ‘નેતાઓના નેતા’ ગણાવે છે તો ખરેખર જિન્ના સૌથી મોટા હોવા જોઈએ. મૌલાના આઝાદના જણાવ્યા પ્રમાણે ૧૯૨૦માં જિન્નાએ કોંગ્રેસ છોડી તે પછી એમનું કંઈ રાજકીય મહત્ત્વ નહોતું રહ્યું, પરંતુ ગાંધીજીની ભૂલોને કારણે જિન્ના ફરી ઉપર આવ્યા.

કોંગ્રેસે ઓચીંતા જ ભાગલા કબૂલી લીધા તેથી દેશભક્ત મુસ્લિમો એકલા પડી ગયા. આપણે પાંચમા લેખમાં બાદશાહ ખાનનું દુઃખભર્યું કથન વાંચ્યું છે તે અહીં ફરી યાદ કરીએઃ અમે પખ્તૂનો તમારી પડખે ઊભા રહ્યા અને આઝાદી માટે બહુ મોટાં બલિદાનો આપ્યાં. પણ હવે તમે અમને ભૂખ્યા વરુઓ સામે ફેંકી દીધા છે.

નેતાઓનાં અવસાન

એક કારણ તો એ પણ રહ્યું કે લીગ વિરોધી નેતાઓ – હકીમ અજમલ ખાન ૧૯૨૮માં અને ડૉ. એમ. એ. અન્સારી ૧૯૩૬માં અચાનક અવસાન પામ્યા. અને આખા ભારતમાં સામાન્ય મુસલમાનોને પ્રભાવિત કરનાર અલ્લાહબખ્શનું ૧૯૪૩માં ખૂન થઈ ગયું. આમ લીગ વિરોધી મુસલમાનો નેતૃત્વ વિનાના થઈ ગયા અને એમનું આંદોલન વેરવીખેર થઈ ગયું.

૦-૦-૦

આવતા સોમવારે આપણે પહેલાં છોડી દીધેલાં શરૂઆતનાં પ્રકરણો પર નજર નાખશું અને દ્વિરાષ્ટ્રવાદના હિન્દુ-મુસ્લિમ પ્રકારો જોઈશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

0-0-0

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _ ૪૨:

Muslims Against Partition – Shamsul Islam (6)

Muslims Against Partition - Shamsul IslamMuslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

દેશભક્ત મુસ્લિમ નેતાઓ અને સંસ્થાઓ ()

ગયા અઠવાડિયે ૧૪મી જૂનના લેખમાં આપણે પાકિસ્તાનનો વિરોધ કરનારા દેશભક્ત મુસ્લિમ નેતાઓ વિશે જાણ્યું, આજે એવાં જ કેટલાંક મુસ્લિમ સંગઠનોનો પરિચય મેળવીએ.

જમિયત ઉલેમાહિન્દ

૧૯૧૯માં અગ્રગણ્ય મુસ્લિમ વિદ્વાનોએ જમિયત ઉલેમાહિન્દની સ્થાપના કરી. આમાં મૌલના મહેમૂદ હસન દેવબંદી, મૌલાના સૈયદ હુસેન અહમદ મદની, મૌલાના અહમદ સઈદ દેહલવી, મુફ્તી કિફાયતુલ્લાહ દેહલવી, મુફ્તી મહંમદ નઈમ લુધયાનવી, મૌલાના અહમદ અલી લાહોરી, મૌલાના બશીર અહમદ ભટ્ટા, મૌલાના સૈયદ ગુલ બાદશા, મૌલાના હિફઝુર રહેમાન સ્યોહારવી અને મૌલાના અબ્દુલ બારી ફિરંગી-મહેલી મુખ્ય હતા. જમિયતે મુસ્લિમ લીગના બે રાષ્ટ્રોના સિદ્ધાંત અને પાકિસ્તાનની યોજનાનો જોરદાર વિરોધ કર્યો. દેશના ઘણાખરા ભાગોમાં જમિયતની શાખાઓ ફેલાયેલી હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એમાં સામેલ થતા હતા. ઘણી વાર લીગીઓ અને જમિયતના કાર્યકરો વચ્ચે રસ્તામાં પણ મારામારી થઈ જતી.

મૌલાના હુસેન મહંમદ મદનીએ કુરાનમાંથી દેખાડ્યું કે ઇસ્લામ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને સૌની સાથે સહકારથી જીવવાનો ઉપદેશ આપે છે. મૌલાના મદનીને માલ્ટામાં બ્રિટિશ સામ્રાજ્ય સામે કાવતરું ઘડવા માટે ચાર વર્ષની કારાવાસની સજા મળી હતી. મદનીએ ૧૯૩૭માં કહ્યું હતું કે આજના જમાનામાં રાષ્ટ્રો વતનની ભૂમિને આધારે રચાય છે, ધર્મના આધારે નહીં”. શાયર મહંમદ ઇકબાલ મુસ્લિમોને અલગ કોમ (રાષ્ટ્ર) માનતા હતા એટલે મદનીના આ કથનથી ઊકળી ઊઠ્યા હતા. એમણે મદનીની ઠેકડી ઉડાડતી ત્રણ કડીઓ ફારસીમાં લખી, જેમાં કહ્યું કે મદનીને અરબી ભાષાનું જ્ઞાન નથી.

એમનો વિવાદ બે શબ્દો વિશે હતોઃ કૌમ’ (રાષ્ટ્ર) અને મિલ્લત’ (એટલે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તે કોમઅથવા જાત). ઇકબાલની પ્રતિભાની પ્રશંસા કરવાની સાથે એમણે કટાક્ષમાં કહ્યું કે અંગ્રેજ જાદુગરોની મોહિનીમાં માણસ ફસાઈ જાય તેમાં કંઈ નવાઈ નથી.”

જમિયતે એક સંગઠિત રાષ્ટ્રની હિમાયત કરતું ઘણું સાહિત્ય પ્રકાશિત કર્યું. ૧૯૪૭ના જૂનમાં ભાગલાની દરખાસ્ત વિશે ચર્ચા કરવા ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મળી. ગોબિંદ બલ્લભ પંતે ભાગલાને મંજૂરી આપવાનો ઠરાવ રજૂ કર્યો ત્યારે જમિયતના નેતા હિફ્ઝુર રહેમાન સ્યોહારવી ઠરાવની વિરુદ્ધમાં બોલ્યા – “… જો આજે કોંગ્રેસ ભાગલાનો સ્વીકાર કરી લેશે તો એનો અર્થ એ થશે કે આપણે પોતાના જ હાથે આપણા આખા ઇતિહાસ અને આપણી માન્યતાઓને ભૂંસી નાખીએ છીએ…આપણે બે રાષ્ટ્રના સિદ્ધાંત સામે નમી ગયા છીએ…”

મોમીન કૉન્ફરન્સ

મોમીન કૉન્ફરન્સ ઉત્તર અને પશ્ચિમ ભારતના મુખ્યત્વે વણકરો અને બીજા કારીગરોનું સૌથી મોટું સંગઠન હતું. ઈસ્ટ ઇંડિયા કંપનીએ વણકરોનું ભારે શોષણ કર્યું હતું. મૅન્ચેસ્ટર અને લિવરપુલમાં બનેલું કાપડ વેચવા માટે કંપનીએ વણકરોની કમર તોડી નાખવામાં કશું બાકી નહોતું રાખ્યું. મુસ્લિમ સમાજ પોતે પણ ‘અશરફ-અર્ઝલ’ (ઉમરાવ અને મજૂર) વર્ગમાં વહેંચાયેલો હતો. અશરફ મુસ્લિમો પણ અર્ઝલ વર્ગના મુસલમાનોનું શોષણ કરવામાં પાછળ નહોતા. મોમીન કૉન્ફરન્સે રયીનો (બકાલીઓ), મન્સૂરીઓ (કપાસ ઉગાડનારા). ઇદરિસીઓ (દરજીઓ) અને કુરેશીઓ (કસાઈઓ)ને પણ સંગઠિત કરવાની કોશિશ કરી.

મોમીન કૉન્ફરન્સે જ્યારે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી અને કોંગ્રેસની સાથે રહીને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સામેલ થવાનું નક્કી કર્યું. ૧૯૪૩માં દિલ્હીમાં મોમીન કૉન્ફરન્સનું અધિવેશન મળ્યું તેમાં એના અધ્યક્ષ ઝહીરુદ્દીને મુસ્લિમ લીગ બધા મુસલમાનો વતી બોલતી હોવાના દાવાને પણ નકારી કાઢ્યો. આ બેઠકમાં ૧૫,૦૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા અને એમણે ઠરાવ પસાર કર્યો કે સાડાચાર કરોડ મુસલમાનોની એકમાત્ર મોમીન કૉન્ફરન્સ કરે છે.

મજલિસઅહરારઇસ્લામ

આ નામનો અર્થ છે, ઇસ્લામની સ્વતંત્રતા માટેનું સંગઠન. ૧૯૨૯માં પંજાબના મુસ્લિમોએ આ સંગઠનની રચના કરી હતી. ૧૯૨૦ના ખિલાફત આંદોલનમાં એ સક્રિય હતા અને તે પછી એમણે અહરારની રચના કરી. પંજાબના સમૃદ્ધ ખેડૂતો અને નિમ્ન મધ્યમ વર્ગનો એમને ટેકો હતો. અહરારના નેતા હબીબુર રહેમાન લુધયાનવી કોંગ્રેસની સાથે રહ્યા. એમના વિચારો ભારતના સમાજવાદીઓ જેવા જ હતા. એમણે કહ્યું, હિન્દુસ્તાનની બધી સમસ્યાઓનો ઉકેલ ખેડૂતો અને કાઅમદારોને સંગઠિત કરીમે મૂડીવાદીઓને બદલે ગરીબોની સરકાર બનાવવામાં છેહિન્દુસ્તાનની સરકાર અંગ્રેજોના હાથમાંથી નીકળીને મૂડીવાદીઓના હાથમાં જશે તો કોંગ્રેસની બધી મહેનત અને બલિદાનો એળે જશે…”

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બધાંથી પહેલાં અહરાર સંગઠને જાહેર કર્યું કે એ ચોખ્ખેચોખ્ખું સામ્રાજ્યવાદી યુદ્ધ હતું. યુદ્ધના વિરોધ માટે એના આઠ હજાર કાર્યકરો અને પચાસ જેટલા નેતાઓને ત્રણથી પાંચ વર્ષની સજા કરવામાં આવી. હબીબુર રહેમાને એમના ૬૪ વર્ષના જીવનમાં (મૃત્યુઃ ૧૯૫૬) દસ વર્ષ અને છ મહિનાનો સમય જેલમાં જ ગાળ્યો..

અહરાર સંગઠન પાકિસ્તાનનો સખત વિરોધ કરતું હતું. ૧૯૪૦માં અલ્લાહબખ્શના નેતૃત્વ હેઠળ મળેલી આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સમાં પણ અહરારની ભૂમિકા બહુ આગળપડતી હતી. માત્ર મુસ્લિમ લીગની પાકિસ્તાન યોજનાનો જ નહીં, હિન્દુ મહાસભાની અખંડ હિન્દુસ્તાનની એકચક્રી કેન્દ્રીય હકુમતની દરખાસ્તનો પણ એમણે વિરોધ કર્યો. આહરાર સંગઠનનો આધાર પંજાબમાં હતો, તેમ છતાં, ‘આઝાદ પંજાબ’ની માગણીનો પણ એમણે સખત વિરોધ કર્યો.

બીજા એક અહરાર નેતા અફઝલ હક ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ હેઠળ રાવલપીંડીની જેલમાં કેદ હતા ત્યાં એમણે Pakistan and Untouchability પુસ્તક લખ્યું. એમાં એમણે મુસ્લિમ લીગના નેતાઓને આળસુ અને પરોપજીવી તરીકે ઓળખાવ્યા. એમણે કહ્યું કે ઊંચી જાતના મુસલમાનો સવર્ણ હિન્દુઓની જેમ આભડછેટ પાળે છે અને એટલા માટે પાકિસ્તાન માગે છે કે જેથી નીચી જાતના મુસલમાનોનું બરાબર શોષણ કરી શકે. એમણે લખ્યું કે હિન્દુસ્તાનના ભાગલા ત્રણેય કોમોના ઉચ્ચ વર્ગોની માંગ છે. કોઈ એમ માનતા હોય કે એ કોમી માગણી છે, તો એ બરાબર નથી. એ માત્ર સ્ટન્ટ છે, જેથી ગરીબ વર્ગના લોકો સામાજિક અને આર્થિક ન્યાય જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો અને શક્તિ કેન્દ્રિત ન કરી શકે.”

ઑલ પાર્ટીઝ શિયા કૉન્ફરન્સ

આ સંગઠન ઑલ ઇંડિયા શિયા કૉન્ફરન્સ તરીકે પણ ઓળખાય છે. શિયા કૉન્ફરન્સ હિન્દુ-મુસ્લિમ એકતાની હિમાયતી હતી. એના પ્રમુખ હુસૈનીભાઈ લાલજીએ કૅબિનેટ મિશન સમક્ષ કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો એટલા લાંબા વખતથી એક પ્રજા તરીકે સાથે રહે છે અને ઘણી બાબતોમાં એમનામાં સમાનતા છે. શિયા કાઉંસિલને ડર હતો કે પાકિસ્તાન બનશે તો ‘હનફી શરીઅત’ આખા દેશમાં લાગુ થશે. (સુન્નીઓ અબૂ હનીફના કાયદાશાસ્ત્રને અનુસરે છે, જેને હનફી શરીઅત કહે છે). શિયાઓની ‘શરીઅત જાફરી’ કે ‘ઇમામિયા કાનૂન’ની અવગણના થશે. મુસ્લિમ લીગે શિયા લઘુમતીના રીતરિવાજોનું રક્ષણ કરવાની ખાતરી નહોતી આપી અને શિયાઓને અલગ દરજ્જો આપવા પણ તૈયાર નહોતી.

શિયા પોલિટિકલ કૉફરન્સના અધ્યક્ષ સૈયદ ઝહીર અલીએ જિન્નાને પત્ર લખીને પાકિસ્તાનમાં શિયાઓના હકો વિશે ચોખવટ માગી.જિન્નાએ જવાબમાં બધા મુસલમાનો એક હોવાનું કહ્યું અને ઉમેર્યું કે સૈયદે પત્રમાં ઊભા કરેલા મોટા ભાગના સવાલોનો ઉકેલ મુસલમાનો આંતરિક રીતે જ લાવી શકે તેમ છે, એટલું જ નહીં ઘણા સવાલો તો અસંગત છે અને પૂરતી માહિતીને કારણે ઊહા થયા છે. શિયા પોલિટિકલ કૉન્ફરન્સના નેતાઓને આ જવાબ સંપૂર્ણ “અસંતોષકારક” લાગ્યો. જો કે ઘણા શિયા નેતા મુસ્લિમ લીગમાં હતા પરંતુ આવી ખાતરી માગવામાં શિયા કૉન્ફરન્સે અગમચેતી દેખાડી હતી તે પાકિસ્તાનમાં આજ સુધી બનતી ઘટનાઓને સાબીત કરી આપ્યું છે.

ઑલ ઇંડિયા મુસ્લિમ મજલિસ

મુસ્લિમ મજલિસની રચના ૧૯૪૩માં થઈ હતી. એનો મૂળ ઉદ્દેશ હિન્દુ-મુસ્લિમ એકતા ટકાવી રાખવાનો હતો. એની સ્થાપનાની જાહેરાત કરતાં બંગાળના અગ્રગણ્ય મુસ્લિમ નેતા શેખ મહંમદ જાને કહ્યું કે જિન્નાની રાજરમતથી મુસ્લિમોને વાકેફ કરવા માટે મજલિસની સ્થાપના કરાઈ છે. એના મૅનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું કે જિન્ના પ્રત્યાઘાતી અને સ્વાર્થી છે અને એમણે સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાના ધ્યેયમાં આડશો ઊભી કરી છે. જ્યાં સુધી આવા નેતાઓને જ્યાં સુધી છૂટૉ દોર અપાશે ત્યાં સુધી આ દેશની બે મહાન કોમો વચ્ચે એકતા નહીં થાય કે દેશને આઝાદી નહીં મળે. આ પ્રત્યાઘાતી નેતાઓ ચાળીસ કરોડની જનતાનાં આઝાદીનાં અરમાનો સિદ્ધ કરવા માટેના સંઘર્ષમાં બ્રિટિશ હકુમતના હાથનું શક્તિશાળી હથિયાર છે.”

મજલિસના પ્રમુખ અબ્દુલ મજીદ ખ્વાજા મુસ્લિમ લીગની ભાગલાવાદી નીતિઓની વિરુદ્ધ કોંગ્રેસ સાથે મળીને કામ કરતા રહ્યા. એમણે કહ્યું કે મુસ્લિમ લીગને (પ્રાંતીય ચૂંટણીઓમાં) વિજય મળ્યો તેનું કારણ એ કે મતદાન દેખાવ પૂરાતું જ છે, મુસલમાનોમાંથી બહુ જ થોડા લોકો મત આપી શકતા હતા. ગાંધીજી જ્યારે અલગ મતદાર મંડળો માટે સંમત થઈ ગયા ત્યારે ખ્વાજાએ ગાંધીજીને પત્ર લખ્યો કે એનો અર્થ એ કે તમે તમારી પડખે ઊભા રહીને લડનારા મુસલમાનોને એવા મુસલમાનોના હાથમાં સોંપી દો છો કે જેમણે પોતાનાં પદો, પગારો અને ગવર્નમેન્ટ હાઉસમાં લંચ અને ડિનર લેવા સિવાય બીજું કંઈ કર્યું નથી…”

અહ્‍લહદીસ

અહ્‍લ-એ-હદીસ મુસલમાનોનો એક સંપ્રદાય છે. (હહદીસ એટલે પયગંબરના જીવનની ઘટનાઓની કથાઓ, અને અહલ એટલે લોક. ‘હદીસના લોકો’). એમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો અને અફસોસ સાથે કહ્યું કે અંગ્રેજો સામે લડવાને બદલે બન્ને કોમો નકામા મુદ્દાઓ પર અંદરોઅંદર લડે છે. આ પંથે આશા દર્શાવી કે એક દિવસ બન્ને કોમો સમજી જશે કે આવી લડાઈથી કોઈને લાભ નથી અને શેખ સા’દીની વાત દોહરાવશે કે “દો મુર્ગ જંગ કુનન્દ, ફાયદા તીરગર” (બે મરઘા શિકારીના ફાયદા માટે લડે છે). આ સમજાયા પછી બન્ને એકબીજાને ભેટી પડશે અને એક સાથે બોલશેઃ યે સબ કહને કી બાતેં હૈં કિ હમ ઉનકો છોડ બૈઠે હૈં, જબ આંખેં ચાર હોતી હૈં મહોબ્બત હો હી જાતી હૈ !”

અંજુમનવતન

બલૂચી ગાંધી ખાન અબ્દુસ સમદ ખાનનું આ સંગઠન હતું. બલૂચિસ્તાનમાં મુસ્લિમ લીગની હાજરી નામ પૂરતી પણ નહોતી પણ પાકિસ્તાન યોજનામાં એનો પણ સમાવેશ કરી લેવાયો હતો. બલૂચી ગાંધીના જણાવ્યા પ્રમાણે માત્ર ગણ્યાગાંઠ્યા. ઇલકાબધારી મુસલમાનો પોતાને મુસ્લિમ લીગ તરીકે ઓળખાવતા હતા. એમના શબ્દોમાં, “મુસ્લિમ લીગને ‘પાકિસ્તાન દિન’ પણ પોતાની ઑફિસમાં જ ઊજવવો પડ્યો અને પાકિસ્તાનના નામે લોકો સમક્ષ આવવાની એમની હિંમત નહોતી.

જિન્ના જ્યારે બલૂચિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે બ્રિટિશ રેસિડન્ટ અને બીજા અધિકારીઓએ એમનું સ્વાગત કર્યું અને એ સરકારના મહેમાન તરીકે એક અઠવાડિયું ત્યાં રહ્યા.

અંજુમન-એ-વતન મુસ્લિમ લીગ વિરુદ્ધનાં મુસ્લિમ સંગઠનો સાથે ગાઢ સંપર્કમાં હતું અને ૧૯૪૦ની આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સમાં એણે ૪૫ ડેલીગેટ મોકલ્યા હતા.

દક્ષિણ ભારતમાં પાકિસ્તાન વિરોધી મુસલમાનો

માત્ર ઉત્તર ભારતના મુસલમાનો જ પાકિસ્તાનનો વિરોધ કરતા હતા એવું નથી. દક્ષિણ ભારતમાં જૂન૧૯૪૧માં કુંબકોણમ (મદ્રાસ પ્રાંત – હવે તમિળનાડુ)માં “સાઉથ ઇંડિયા ઍન્ટી-સેપરેશન કૉન્ફરન્સ” (દક્ષિણ ભારતમાં ભાગલા વિરોધી કૉન્ફરન્સ) મળી. એનું ઉદ્‍ઘાટન જમિયતુલ ઉલેમા-એ-હિન્દના એક નેતા મૌલાના ઓબેદુલ્લાહ સિંધીએ કર્યું. મધ્ય પ્રાંતના એક માજી પ્રધાન મહંમદ યૂસુફ શરીફે પ્રમુખસ્થાનેથી બોલતાં કહ્યું કે, ભારતના મુસ્લિમ અને હિન્દુ રાજ્ય, એવા ભાગલા પાડવાથી, દેશમાં જે ચરુ ઊકળે છે તે ઠંડો પડવાને બદલે સતત ઊકળતો રહેશે, પરસ્પર ભાંડવાનું અને લડ્યા કરવાનું કાયમ માટે ચાલતું રહેશે. આવા દેશની આઝાદી કેટલો વખત ટકે? ભારત જેટલું વધારે અલગ કોમ તરીકે વિચારશે તેટલી જ પરસ્પર શંકાઓ ઘેરી બનતી જશે,”

બર્મિંગહામમાં હિન્દુસ્તાની મુસલમાનો

બર્મિંગહામમાં ભારતીય મુસલમાનોની ગણનાપાત્ર વસ્તી હતી. બ્રિટનની જમિયત-ઉલ-મુસ્લિમના પ્રમુખ સૈયદ અમીર શાહે કહ્યું, “…ગ્રેટ બ્રિટનમાં વસતા ૯૯ ટકા મુસલમાનો પાકિસ્તાનનો વિરોધ કરે છે અને ઇંડિયન નૅશનલ કોંગ્રેસ સાથે વિના શરતે જોડાવાના અમારા પ્રસ્તાવને ટેકો આપે છે. અમે મિ. જિન્નાને ચોખ્ખા શબ્દોમાં કહેશું કે પાકિસ્તનનો આખો વિચાર જ કેટલો ઘૃણાસ્પદ છે…”

૦-૦-૦

આમ છતાં અંતે આ દેશભક્ત મુસલમાનોનું ચાલ્યું નહીં અને મુસ્લિમ લીગની માગણી પ્રમાણે પાકિસ્તાન બની ગયું. આટલું જોરદાર સંગઠન અને જન-સમર્થન હોવા છતાં દેશભક્ત મુસલમાનો કે નિષ્ફળ રહ્યા?આવતીકાલે આપણે આ બાબતમાં લેખક શમ્સુલ ઇસ્લામના વિચારો જાણીશું.

0-0-0

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૪૧:

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

Muslims Against Partition – Shamsul Islam (5)

Muslims Against Partition - Shamsul IslamMuslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

દેશભક્ત મુસ્લિમ નેતાઓ અને સંસ્થાઓ

આપણે આ પુસ્તકની પરિચય શ્રેણીના પહેલા જ લેખમાં જોયું છે કે લેખક શમ્સુલ ઇસ્લામ મુસ્લિમ લીગના વિરોધી મુસલમાનોને ‘રાષ્ટ્રવાદી’ તરીકે ઓળખાવવાનું પસંદ નથી કરતા, પરંતુ એમના માટે ‘દેશભક્ત’ શબ્દ વાપરે છે. લેખક કહે છે કે અલ્લાહબખ્શ જેવા જ બીજા દેશભક્ત મુસલમાનો પણ ઘણા હતા, એટલું જ નહીં, કેટલાંયે મુસ્લિમ સંગઠનો પણ મુસ્લિમ લીગની પાકિસ્તાન યોજનાનો વિરોધ કરતાં હતાં. આપણે એમાંથી અમુકનો પરિચય મેળવીએ.

શિબલી નોમાનીઃ ૧૮૫૭૧૯૧૪

શિબલી નોમાનીનો જન્મ ૧૮૫૭માં થયો હતો. હજી દેશમાં રાષ્ટ્રવાદનો વાયરો ફુંકાવાની શરૂઆત પણ માંડ થઈ હતી ત્યારે ૧૯૧૪માં તો એમનું અવસાન પણ થઈ ગયું હતું. પરંતુ એ બહુ શરૂઆતના રાષ્ટ્રવાદી હતા. એમણે ૧૮૮૩માં આઝમગઢમાં એમણે ‘નૅશનલ સ્કૂલ’ની સ્થાપના કરી. (આ શબ્દ પછીથી ગાંધીજીના શૈક્ષણિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાળાતરીકે વિકસ્યો). શિબલી નોમાની હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. ૧૯૧૨માં એમણે કેટલાયે લેખો લખીને મુસ્લિમ લીગની નીતિઓની ટીકા કરી. એ અરસામાં કોંગ્રેસ રચનાત્મક આર્થિક અને રાજકીય કાર્યક્રમમાં માનતી હતી. નોમાનીએ આનો ઉલ્લેખ કરીને કહ્યું કે લીગ, એની સામે સરકારી નોકરીઓમાં વધારે ને વધારે મુસલમાનોને લેવાય અને અલગ મતદાર મંડળોની પ્રથા મ્યૂનિસિપાલિટીઓ અને પંચાયતો સુધી વિસ્તારવાની માગણી કરતી હતી.

શિબલીએ ધ્યાન દોર્યું કે કોંગ્રેસના હિન્દુ નેતાઓને ખિતાબો નહોતા મળ્યા અને કોઈ જમીનદારો પણ નહોતા. બીજી બાજુ લીગ પર તો એમનો પૂરેપૂરો કબજો હતો. નોમાનીએ એક શે’ર દ્વારા મુસ્લિમ લીગ પર કટાક્ષ કર્યોઃ

મુખ્તસર ઇસકે ફઝાઇલ કોઈ પૂછે તો યે હૈં
મોહસીનકૌમ ભી હૈ, ખાદિમહુક્કામ ભી હૈ

(એના ગુણો વિશે કોઈ પૂછે તો ટૂંકમાં એટલું જ, કે એ ક્યારેક કોમની સંરક્ષક હોય છે તો ક્યારેક હાકેમની સેવક હોય છે).

હિન્દુ-મુસ્લિમ એકતા વિશે એમનું કહેવું હતું કે ગામડાંમાં જાઓ અને જાતે જ જૂઓ કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કેવો ભાઈચારો છે. બન્ને વચ્ચે જાણે લોહીના સંબંધ હોય તેમ એકબીજાના સુખદુઃખમાં કેવા સાથે રહે છે.

મુખ્તાર અહમદ અન્સારી

મુખ્તાર અહમદ અન્સારી વ્યવસાયે ડોક્ટર હતા અને ગાંધીજીના નિકટના સાથી હતા. ખરેખર તો મુસલમાનોમાં દ્વિરાષ્ટ્રવાદ વિરુદ્ધ અવાજ જગાડનારા થોડા નેતાઓમાં એમનું નામ આવે છે. ૧૯૨૭માં કોંગ્રેસનું અધિવેશન મદ્રાસમાં મળ્યું તેમાં પ્રમુખપદે ડૉ. અન્સારી હતા. એમણે પોતાના ભાષણમાં જાહેર કર્યું કે આપણે જે સ્વરાજની માગણી કરીએ છીએ તે હિન્દુ રાજ નહીં હોય કે મુસ્લિમ રાજ નહીં હોય.”.

એમણે કહ્યું, હિન્દુસ્તાનના મુસલમાનોનું ભાવિ એમના બીજા દેશવાસીઓસાથે અતૂટ રીતે જોડાયેલું છે. એમના અને બીજાઓ વચ્ચે ધર્મ સિવાય બાકી બધું સમાન છેએટલે હિન્દુઓ અને મુસલમાનોએધર્મનિરપેક્ષ અને લોકશાહી રાજ્યવ્યવસ્થાનું સર્જન કરવા માટે સંયુક્ત મોરચો બનાવવો પડશે.”

ડૉ. અન્સારી અને હકીમ અજમલ ખાને સાથે મળીને એક મૅનિફેસ્ટો બનાવ્યો જેમાં હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકાયો છે. ડૉ. અન્સારી માનતા કે કોમવાદ એટલો તો નુકસાનકારક છે કે ભવિષ્યમાં એ આપોઆપ સ્વાભાવિક રીતે જ મરી જશે એવી આશા ન રાખી શકાય. ભારતના રાજકીય જીવનના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે કોમવાદ વિરુદ્ધ અવિરત સંઘર્ષ કરતા રહેવાની સૌની ફરજ છે.

ડૉ. અન્સારી, હકીમ અજમલ ખાન, મૌલાના મહંમદુલ હસન અને મૌલાના મહંમદ અલીએ સાથે મળીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મુસ્લિમ લીગ તરફી વલણના જવાબમાં ધર્મનિરપેક્ષ જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના કરી. પાકિસ્તાન વિશેની ચર્ચાઓમાં આ બન્ને યુનિવર્સિટીઓ સક્રિય હતી અને જામિયા હંમેશાં પાકિસ્તાનનો વિરોધ કરતી રહી.

શૌકત અલી અન્સારી

તેઓ ડૉ. મુખ્તાર અહમદ અન્સારીના ભત્રીજા હતા. Pakistan: The Problem of India એમનું મહત્ત્વનું પુસ્તક છે. એમાં એક પ્રકરણમાં એમણે પાકિસ્તાનના પક્ષમાં રજૂઆત કરી અને તે પછીના પ્રકરણમાં પાકિસ્તાનની યોજના વિરુદ્ધ ૨૬ મુદ્દા રજૂ કર્યા, જે હંમેશાં લીગવિરોધી દેશભક્ત મુસ્લિમ નેતાઓની દલીલોમાં કેન્દ્રસ્થાને રહ્યા. એમણે લખ્યું કે, મુસલમાન મૂડીવાદીઓ, હિન્દુ મૂડીવાદીઓની સ્પર્ધા ટાળવા માટે પાકિસ્તાનની માગણી કરે છે, જેથી મુસ્લિમ સમાજનું શોષણ કરવા માટે એમને છૂટો દોર મળી જાય. મુસલમાનોની આર્થિક સ્થિતિ અલગ દેશ બનાવવાથી નહીં પણ આખા દેશમાં સમાજવાદી આર્થિક નીતિઓ લાગુ કરવાથી સુધરશે.”

અબ્દુલ્લાહ બરેલવી

The Bombay Chronicleના તંત્રી અબ્દુલ્લાહ બરેલવી ચુસ્ત રાષ્ટ્રવાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. યૂસુફ મહેરઅલી, અંગ્રેજી અખબાર ‘વૅનગાર્ડ’ના તંત્રી અને કોંગ્રેસના આગળપડતા આગેવાન અબ્બાસ તૈયબજી અને નામાંકિત ધારાશાસ્ત્રી એમ. સી. ચાગલાની સાથે મળીને અબ્દુલ્લાહ બરેલવીએ ૧૯૨૯ની આઠમી જુલાઈએ કોંગ્રેસ મુસ્લિમ પાર્ટીની સ્થાપના કરી. શૌકત અલી અન્સારીને ઉર્દુભાષી ગ્રામીણ મુસ્લિમોનો જોરદાર ટેકો હતો, તો બરેલવી શહેરી મુસલમાનોને સંગઠિત કરવામાં સફળ રહ્યા. જો કે શૌકત અલીએ એમનો વિરોધ કર્યો હતો.

૧૯૩૦ની બીજી જૂને અબ્દુલ્લાહ બરેલવીએ મુંબઈમાં કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી તરફથી સવિનય કાનૂન ભંગ આંદોલનને ટેકો આપવા માટે સરઘસ કાઢ્યું, જેમાં દસ હજાર મુસલામાનો સામેલ થયા. આ સરઘસ એટલું મહત્ત્વનું બની રહ્યું કે ખુદ વાઇસરૉયે એની નોંધ લેતાં ઇંગ્લૅન્ડમાં વિદેશી બાબતોના પ્રધાનને લખ્યું, સરઘસના આયોજકોમાં બીજા પ્રાંતોના મૌલાના અને મુસ્લિમ કાર્યકર્તાઓ પણ હતા. એક રીતે એ કોંગ્રેસની સફળતા ગણાયએ કબૂલ કરવું પડશે કે છેલ્લા એક પખવાડિયામાં ઘણા મુસલમાનો કોંગ્રેસ તરફ વળ્યા છે.”

બોમ્બે ક્રૉનિકલનાં પાનાંઓ પરની ચર્ચાઓ ટૂ-નૅશન થિયરી અને પાકિસ્તાન વિશે રીસર્ચ કરનારા માટે અમૂલ્ય ખજાનો છે.

ખાન અબ્દુલ ગફ્ફાર ખાન

આ નામ એટલું મોટું છે કે એમના વિશે ન જાણતા હોય તેવા બહુ થોડા જ હશે, એટલે આપણે માત્ર એમનાં મંતવ્યો જોઈએઃ ‘સરહદના ગાંધી’એ પઠાણો શા માટે લીગને બદલે કોંગ્રેસની સાથે છે તેનો જવાબ આ રીતે આપ્યો છેઃ

લોકોની મારા વિશે ફરિયાદ છે કે હું મારી કોમને વેચી નાખીને કોંગ્રેસમાં જોડાયો છું. કોંગ્રેસ એક રાષ્ટ્રીય સગઠન છે, હિન્દુ સંગઠન નહીં. એ હિન્દુ, યહૂદી, શીખ, પારસી અને મુસ્લિમ સૌની એક જિરગાછે. એક સંગઠન તરીકે એ અંગ્રેજોની વિરિદ્ધ કામ કરે છે. બ્રિટિશ રાષ્ટ્ર કોંગ્રેસનું અને પઠાણોનું દુશ્મન છે. એટલે હું કોંગ્રેસમાં જોડાયો છું અને બ્રિટિશને હાંકી કાઢવાના સમાન મુદ્દા માટે સાથે મળ્યા છીએ.”

બાદશાહ ખાન પંજાબની જેલમાં હિન્દુઓ અને શીખોના નજીકના પરિચયમાં આવ્યા. જેલમાં એમણે ગીતા અને ગુરુ ગ્રંથસાહેબનું અધ્યયન કર્યુ. તેઓ સંપૂર્ણ ધર્મનિરપેક્ષ હતા. એમણે પાકિસ્તાનનો વિરોધ કરતાં પઠાણોનો દૃષ્ટિકોણ સમજાવ્યોઃ

“…પઠાણો જબ્બર સ્વતંત્રતાપ્રેમી છે અને કોઈ જાતનું સ્વામિત્વ સ્વીકારવા તૈયાર નથી હોતા, પણ હવે ઘણાખરા સમજવા લાગ્યા છે કે એમની આઝાદી અને હિન્દુસ્તાનની આઝાદી બન્ને વચ્ચે મેળ બેસી શકે છે એટલે દેશના ટુકડા કરીને ઘણાં રાજ્યો બનાવવાની યોજનાને ટેકો આપવાને બદલે એમણે બધા દેશવાસીઓ સાથે સૌની સહિયારી લડાઈમાં હાથ મિલાવ્યા છે. એમને સમજાય છે કે હિન્દુસ્તાનના ટુકડા કરવાથી આધુનિક વિશ્વમાં એ નબળું પડી જશે અને એના કોઈ પણ ભાગ પાસે પોતાની આઝાદીનું જતન કરવા જેટલાં પૂરતાં સાધનો કે શક્તિ નહીં હોય.”

આ જ કારણે ૧૯૪૭ના જૂનમાં કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કર્યો ત્યારે બાદશાહ ખાનને અપાર વેદના થઈ. એમન જ શબ્દો જોઈએઃ

ભાગલા અને ફ્રન્ટિયર પ્રોવિન્સમાં લોકમત લેવા માટે સંમત થવાનો નિર્ણય હાઇ કમાંડે અમને પૂછ્યા વિના જ લીધો….સરદાર પટેલ અને રાજગોપાલાચારી ભાગલા અને અમારા પ્રાંતમાં લોકમત લેવાની તરફેણમાં હતા. સરદારે કહ્યું, હું કારણ વગર ચિંતા કરતો હતો. મૌલાના આઝાદ મારી પાસે બેઠા હતા. મારી નિરાશા જોઈને એમણે કહ્યું, ‘હવે તમારે મુસ્લિમ લીગમાં જોડાવું જોઈએ.’ મને એ જોઈને દુઃખ થયું કે અમારા જ સાથીઓ, અમારું ધ્યેય શું હતું, શા માટે આટલાં વર્ષોથી લડતા હતા, તે કેટલું ઓછું સમજતા હતા.”

અબ્દુલ ગફ્ફાર ખાને ગાંધીજીને કહ્યું, “અમે પખ્તૂનો તમારી પડખે ઊભા રહ્યા અને આઝાદી માટે બહુ મોટાં બલિદાનો આપ્યાં. પણ હવે તમે અમને ભૂખ્યા વરુઓ સામે ફેંકી દીધા છે.”

#_#_#

આવતા અંકમાં આપણે દેશભક્ત મુસ્લિમ સંગઠનોનો પરિચય મેળવશું.

0-0-0

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૪૦:

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

Muslims Against Partition – Shamsul Islam (4)

Muslims Against Partition - Shamsul Islam

Muslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

અલ્લાહબખ્શની હત્યા

૧૯૪૩ના મે મહિનાની ૧૪મી તારીખે અલ્લાહબખ્શ શિકારપુર ગામ પાસે નહેર બેગારી કૅનાલ પર એમના ‘પીર’ (ગુરુ)ને મળવા ગયા હતા. ત્યાંથી એમના બે સાથીઓ સાથે ઘોડાગાડીમાં પાછા ફરતા હતા ત્યારે ત્રણ હુમલાખોરોએ શહેરની ભાગોળે ગોળીઓ છોડી. અલ્લાહબખ્શને બે ગોળીઓ છાતીમાં વાગી. બીજા લોકો તરત એમને હૉસ્પિટલ લઈ ગયા પણ રસ્તામાં જ એમણે અંતિમ શ્વાસ લીધા. એ વખતે એમની ઉંમર માત્ર ૪૩ વર્ષની હતી. બીજા દિવસે એમની મૈયત નીકળી ત્યારે દસ હજારની ભીડ કબ્રસ્તાનમાં એકઠી થઈ ગઈ. બધા ધર્મો અને કોમોના લોકોએ એમને અંતિમ અંજલિઓ આપી. શિકારપુર અને સિંધનાં ઘણાં નગરોમાં એમના માનમાં બજારો બંધ રહ્યા, કેટલાંયે છાપાંઓએ તે દિવસે પ્રકાશન બંધ રાખ્યું.

અલ્લાહબખ્શ ૧૯૩૭માં પ્રીમિયર બન્યા, તે પછી ૧૯૪૦માં ફરી એ પદે આવ્યા અને ૧૯૪૨માં એમણે પોતાના ઇલ્કાબો ફેંકી દેતાં એમને બરતરફ કરવામાં આવ્યા. એમના મૃત્યુનો પડઘો માત્ર સિંધમાં નહીં, આખા દેશમાં પડ્યો. હિન્દુસ્તાન ટાઇમ્સે એમને ઉત્તમ સિંધી, ખરા મુસલમાન અને હિન્દુસ્તાનના સાચા સપૂત ગણાવ્યા. અલ્લાહબખ્શ આખું જીવન ખાદીધારી રહ્યા તેની અખબારે ખાસ નોંધ લીધી.

અલ્લાહબખ્શને બરતરફ કરાયા તે પછીના છ મહિના એમણે લગભગ શાંતિથી પસાર કર્યા. પરંતુ એમને ખબર હતી કે એમના રાજકારણને કારણે એમના ઘણા દુશ્મનો પેદા થયા હતા. એમને ઘણી ધમકીઓ પણ મળતી હતી, પરંતુ એમણે એની પરવા ન કરી.

ચક્રવર્તી રાજગોપાલાચારી, સિંધના એક અગ્રગણ્ય નેતા આર. કે. સિધવા વગેરે અનેક નેતાઓએ એમને રાષ્ટ્રવાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત તરીકે ઓળખાવ્યા.

શંકાની સોય મુસ્લિમ લીગ તરફ

એ અરસામાં સિંધમાં રાજકીય હત્યાઓ નવાઈની વાત નહોતી. આ પહેલાં સખરમાં એચ. એસ. પમનાણી અને મીરપુર-ખાસમાં શીતલદાસ પેરુમલ પણ આ જ રીતે રાજકીય હિંસાનો શિકાર બન્યા હતા. પરંતુ કલકત્તાથી પ્રકાશિત થતા અમૃત બઝાર પત્રિકાએ એના ૧૭મી મેના અંકમાં તંત્રીલેખ લખીને આ હત્યાના વ્યાપક પરિમાણને પ્રગટ કર્યું –એમના મૃત્યુનો સૌ શોક મનાવે છે. મૃત્યુનો પ્રકાર આપણા સૌ માટે એક ચેતવણી રૂપ છે. કે સામાન્યજનને ઝનૂને ચડાવવાનાં કેવાં પરિણામ આવે છે. કમનસીબે મુસ્લિમ લીગની દિલ્હીમાં મળેલી બેઠકમાં રાજકીય વિરોધીઓનું લોહી રેડવાની ધમકીઓ આપવામાં આવી હતી…”

હિન્દી દૈનિક ‘પ્રભાત” પણ મુસ્લિમ લીગ તરફ આંગળી ચીંધતાં ન અચકાયું. એણે લખ્યું, “અલ્લાહબખ્શના દુશ્મનો એમને ઇસ્લામના દુશ્મન તરીકે ઓળખાવતા હતા… આ હત્યા કોમી ઉન્માદનું પરિણામ છે.”

વીર ભારતઅખબારે લખ્યું, “અલ્લાહબખ્શની હત્યા પાછળ રાજકી કારણો હોય કે ન હોય, પરંતુ જિન્નાએ જે નફરતનાં ગાણાં ગાયાં છે તેની આ હત્યા પાછળની ભૂમિકાની અવગણના ન થઈ શકે.”

લાહોરથી પ્રકાશિત થતાં ‘ટ્રિબ્યૂન’ અખબારે તો સીધો જ મુસ્લિમ લીગ પર આક્ષેપ કર્યોઃ અલ્લાહબખ્શ સિંધમાં મુસ્લિમ લીગના સૌથી વધારે પ્રખર વિરોધી હતા, એટલે લીગના નેતાઓએ હાલમાં પોતાના વિરોધી મુસ્લિમોને માત્ર વિરોધી નહીં પણ કોમના ગદ્દાર તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે તેની સાથે આખા દેશને હચમચાવી દેનારા આ કરપીણ કૃત્યને ન સાંકળવાનું કઠિન છે. આવા પ્રચારની માત્ર એક જ અસર હોય અને અલ્લાહબખ્શના મૃત્યુ માટે માત્ર એમાં સીધી રીતે સંકળાયેલા હત્યારાઓ જ નહીં બીજા ઘણાએ પણ જવાબ આપવાનો છે…”

મુસ્લિમ લીગ તરફી અખબારો

બીજી બાજુ, અંગ્રેજ તરફી અને મુસ્લિમ લીગને ટેકો આપનારાં અખબારોનો સૂર એવો રહ્યો કે હત્યા કોમવાદ કે રાજકીય કારણસર નથી થઈ, અંગત અદાવતને કારણે થઈ છે. એમણે યાદ આપ્યું કે અલ્લાહબખ્શ પ્રીમિયર હતા ત્યારે હૂર કોમના મુખી સૈયદ સિબગતુલ્લાહ પીર પગારોને ફાંસી અપાઈ હતી.એમના અનુઆયીઓનો આ હત્યાઅમાઅં હાથ હતો. પરંતુ અલ્લાહબખ્શ ઉત્તરપશ્ચિમમાંપાકિસ્તાનબનાવવામાં આડખીલી રૂપ હતા એટલે એમનો કાંટો કાઢી નાખવામાં આવ્યો એવા સંકેત આપતા ઘણા પુરાવા છે.

હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર શખ્સ તરીકે મુસ્લિમ લીગના નેતા મહંમદયૂબ ખુસરો, એમના ભાઈ અને બીજા ત્રણ સામે કેસ ચાલ્યો, પરંતુ પૂરતા પુરાવાના અભાવે એ સાબીત ન થઈ શક્યું.

આમ છતાં વાઇસરૉય લૉર્ડ વૅવલ સહિત ઘણા બ્રિટિશ અધિકારીઓને ખુસરોની ભૂમિકા વિશે શંકા નહોતી. અલ્લાહબખ્શને રસ્તામાંથી હટાવવાનું જરૂરી હતું, કારણ કે પાકિસ્તાનની યોજના વિરુદ્ધ વિશાળ મુસ્લિમ જનસમુદાયને સંગઠિત કરવાની એમની અપાર શક્તિ જગજાહેર હતી.

આવતીકાલે આપણે પાકિસ્તાન યોજનાનો વિરોધ કરનારા મુસ્લિમ નેતાઓ અને સંગઠનો વિશે વાત કરશું.

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૯:

Muslims Against Partition – Shamsul Islam (3)

Muslims Against Partition - Shamsul Islam

Muslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સનો ઠરાવ

આઝાદ મુસ્લિમ બોર્ડની આ કૉન્ફરન્સ ચાર દિવસ ચાલી. અલ્લાહબખ્શે “થનગનતા, પ્રગતિશીલ અને ગૌરવમંડિત આઝાદ હિન્દુસ્તાન માટે કોમવાદ વિરુદ્ધ” છેડેલા સંઘર્ષના સમર્થનમાં, ૨, મે ૧૯૪૦ના હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, દિવસોદિવસ હાજરી વધતી ગઈ અને ભાગ લેનારાની સંખ્યા એક લાખ પર પહોંચી ગઈ હતી.

કૉન્ફરન્સના અંતે આભારવિધિ કરતાં અસફ અલીએ કહ્યું કે ગણ્યાગાંઠ્યા માણસો, પોતે કશો પણ ભોગ આપ્યા વિના મુસલમાનોને, કદીયે પૂરાં ન થાય તેવાં વચનોથી ભરમાવે છે.” એમણે મંચ પર બેઠેલા નેતાઓને પણ ન છોડ્યા અને કહ્યું કે આજે જે સ્થિતિ ઊભી થઈ છે તેના માટે શું એમની નિષ્ક્રિયતા જવાબદાર નથી? એમણે જ મુસલમાનોને ગેરમાર્ગે દોરનારાઓ માટે મેદાન મોકળું મૂકી દીધું હતું. અસફ અલીએ કહ્યું કે હિન્દુસ્તાનની તસુએ તસુ જમીનના આપણે સહભાગીદાર છીએ અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા છેલ્લાં એક હજાર વર્ષથી સાથે રહેતા હિન્દુઓ અને મુસલમાનોનો સહિયારો વારસો છે.

કૉન્ફરન્સે આખા દેશમાં ‘આઝાદી દિન’ મનાવવાનો નિર્ણય કર્યો અને મુસ્લિમ સમાજને માર્ગદર્શન આપવા માટે દિલ્હીમાં એની હેડ ઑફિસ પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.

કૉન્ફરન્સનો ઠરાવ

કૉન્ફરન્સે જે ઠરાવ પસાર કર્યો તેમાં મુસ્લિમોના અધિકારો, ઇસ્લામ પ્રત્યેની એમની વફાદારી અને સ્વાધીન ભારત માટેની બધી દલીલોને આવરી લઈને મુસ્લિમ લીગની હિલચાલોને પડકાર ફેંકવામાં આવ્યો. ખાસ કરીને એની ભાષા ધ્યાન આપવા જેવી છે. ઠરાવમાં માત્ર મુસ્લિમોના અધિકારો જ નહીં, એ અધિકારોને કારણે દેશની આઝાદી માટેની એમની ફરજને તર્કબદ્ધ રીતે જોડી દેવામાં આવી છે.

મુસલમાનોના જીવનમાં ઇસ્લામના મહત્ત્વ પર ભાર મૂક્યા પછી ઠરાવ ઉમેરે છે કેરાષ્ટ્રીય દૃષ્ટિકોણથી જોતાં, દરેક મુસલમાન હિન્દુસ્તાની છે. આ દેશના બધા નિવાસીઓના હક અને ફરજો જીવનનાં બધાં ક્ષેત્રોમાં અને માનવીની બધી પ્રવૃત્તિઓમાં એકસમાન છેએ જ કારણસર દેશની આઝાદી માટે સંઘર્ષ કરવા અને બલિદાન આપવા માટેની એકસમાન જવાબદારી પણ મુસલમાનો સ્વીકારે છે. આ સ્વતઃસિદ્ધ વિધાન છે અને એનું સત્ય કોઈ પણ શાણો મુસલમાન નકારી શકે નહીં.”

ઠરાવ આગળ કહે છે કે કૉન્ફરન્સ બ્રિટિશ સામ્રાજ્યવાદના દલાલો અને બીજાઓ, ‘હિન્દુસ્તાનના મુસલમાનો દેશની આઝાદીમાં આડખીલી રૂપ છે એવા આક્ષેપો કરે છે તેને ચોખ્ખા અને સખત શબ્દોમાં નકારી કાઢે છે અને ભારપૂર્વક જાહેર કરે છે કે મુસલમાનો પોતાની જવાબદારીઓ પ્રત્યે પૂરા સભાન છે અને સ્વાતંત્ર્યની લડાઈમાં બીજાઓ કરતાં પાછળ રહી જવું તેને મુસલમાનોની પોતાની પરંપરાની વિરુદ્ધ અને એમના સ્વાભિમાન પર પ્રહાર જેવું માને છે.”

મુસ્લિમ લીગની પાકિસ્તાન યોજનાનો વિરોધ

ઠરાવમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે આ કૉન્ફરન્સ માને છે કે હિન્દુસ્તાનના ભાગલા પાડવાની કોઈ પણ યોજના હિન્દુ ઇંડિયા અને મુસ્લિમ ઇંડિયા અવ્યવહારુ અને એકંદરે દેશના, અને ખાસ કરીને મુસલમાનોના હિતની વિરુદ્ધ છે. આ કૉન્ફરન્સને પાકી ખાતરી છે કે આવી કોઈ પણ યોજના દેશની આઝાદીના માર્ગમાં અડચણ બનશે અને બ્રિટિશ સામ્રાજ્યવાદ એનો ઉપયોગ પોતાના લાભ માટે કરશે.”

ઠરાવમાં બીજી પણ માગણીઓ કરવામાં આવી તેમાં સૌથી મહત્ત્વની માગણી ભવિષ્યની બંધારણસભાની રચના ‘સાર્વત્રિક પુખ્ત મતાધિકાર’ દ્વારા કરવાની માગણી હતી. એમાં એ ઉમેરવામાં આવ્યું કે મુસલમાનોના અધિકારો અને હિતોના રક્ષણની વ્યવસ્થા બંધારણસભાના મુસ્લિમ સભ્યો, બીજી કોઈ કોમ કે વિદેશી સત્તાના હસ્તક્ષેપ વિના નક્કી કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ.

ઠરાવમાં વિશ્વ યુદ્ધની પણ ખાસ નોંધ લેવામાં આવી. કૉન્ફરન્સનો મત હતો કે એ યુરોપનું યુદ્ધ હતું અને યુરોપના દેશોના સામ્રાજ્યવાદી વલણના પરિણામે યુદ્ધ થયું છે. બ્રિટને ભારતનો સ્વાતંત્ર્ય અને આત્મનિર્ણયનો અધિકાર માનવાનો ઇનકાર કર્યો તેની ઠરાવમાં ટીકા કરવામાં આવી. સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા ઇસ્લામિક દેશોના લોકોનો આ યુદ્ધમાં ઉપયોગ કરવા માટે થતા પ્રયાસોની ઝાટકણી કાઢતાં કૉન્ફરન્સે હિન્દુસ્તાનના મુસ્લિમોને તટસ્થ રહેવા, સામ્રાજ્યવાદીઓને (બ્રિટનને) કશી મદદ ન આપવા, ઉલટું સામ્રાજ્યવાદીઓને અધીન રાષ્ટ્રોને ટેકો આપવા અને હિન્દુસ્તાનની આઝાદી માટે તમામ ભોગ આપવા અપીલ કરવામાં આવી.

દિલ્હીની કૉન્ફરન્સ અલ્લાહબખ્શના રાજકીય જીવનનું સુવર્ણાક્ષરે લખાયેલું પાનું છે. દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અને મુસ્લિમ લીગની ભાગલાવાદી નીતિઓ વિરુદ્ધ મુસ્લિમોનો આ સૌથી બુલંદ અવાજ હતો. લેખક એ વાત તરફ ધ્યાન દોરે છે કે એનું મહત્ત્વ એ વાતમાં છે કે મુસ્લિમ લીગે લાહોરમાં પાકિસ્તાન ઠરાવ પસાર કર્યો તે પછી આવી જબ્બર પરિષદ મળી અને એમાં મુસલમાનોએ એનો વિરોધ જાહેર કર્યો. મુસલમાનો મુસ્લિમ લીગના રાજકારણને પડકારવા તૈયાર હતા.

અલ્લાહબખ્શનો સંઘર્ષ જારી

૧૯૪૨ના ઑગસ્ટમાં કોંગ્રેસે ‘ક્વિટ ઇંડિયા’ આંદોલન શરૂ કર્યું. અલ્લાહબખ્શ એ વખતે સિંધ પ્રાંતના ‘પ્રીમિયર’ (મુખ્ય પ્રધાન) હતા. એમની ‘ઇત્તેહાદ પાર્ટી’ (એકતા પાર્ટી) કોંગ્રેસમાં નહોતી પરંતુ બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલે આઝાદીના સંગ્રામ અને ક્વિટ ઇંડિયા મૂવમેન્ટ વિરુદ્ધ બખાળા કાઢતાં અલ્લાહબખ્શે એનો જોરદાર વિરોધ કર્યો. બ્રિટિશ સરકારે એમને આ પહેલાં ‘ખાન બહાદુર’ અને ‘ઑર્ડર ઑફ ધી બ્રિટિશ ઍમ્પાયર’ (OBE) બિરુદો આપીને નવાજ્યા હતા. અલ્લાહબખ્શે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોને પત્ર લખીને બન્ને ખિતાબ પાછા આપી દીધા.

પહેલાં આપણે ચર્ચિલે બ્રિટનની આમસભામાં કરેલું ભાષણ જોઈએઃ

ભારતની કોંગ્રેસ પાર્ટી આખા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી; એ બહુમતી પ્રજાનું પણ પ્રતિનિધિત્વ નથી કરતી. એ સાઅમાન્ય હિન્દુ સમાજનું પણ પ્રતિનિધિત્વ નથી કરતી. એ એક રાજકીય સંગઠન છે, જે પાર્ટી મશીનની આસપાસ ઊભું થયેલું છે અને અમુક મૅન્યુફેક્ચરિંગ અને ફાઇનૅન્સના વ્યવસાયવાળાઓએ એને ટકાવી રાખી છે.કોંગ્રેસ પાર્ટીએ હવે ઘણી રીતે અહિંસા છોડી દીધી છે ને હવે એ એક ક્રાન્તિકારી આંદોલન તરીકે ઊપસી છે, એની યોજના રેલવે અને તાર દ્વારા સંપર્ક વ્યવસ્થા ખોરવી નાખવાની અને એકંદરે અંધાધૂંધી ફેલાવવાની, દુકાનો લૂંટવાની, અને પોલીસ પર હુમલા કરવાની છે…”

ચર્ચિલે વધારામાં કહ્યું:

કોંગ્રેસની આ હિલચાલોને જાપાનના પાંચમી કતારિયાઓની મદદ મળે છે, જે બહુ જ મોટા પાયે ફેલાઈને, અને ખાસ કરીને વ્યૂહાત્મક સ્થળોએ કામ કરે છે. એ નોંધવા જેવું છે કે બંગાળનું અને આસામની સરહદોનું રક્ષણ કરતાં ભારતીય દળોની સંદેશવ્યવહાર વ્યવસ્થા પર અવારનવાર હુમલા થાય છે. આ સંજોગોમાં, વાઇસરૉય અને ભારત સરકારે, વાઇસરૉયની કાઉંસિલ, જેમાં ભારતના જ દેશભક્તો અને સમજદાર લોકો છે, તેની સંપૂર્ણ સંમતિથી શત્રુતાપૂર્ણ અને ગુનાઇત રસ્તો લેવાનો નિરધાર કરી ચૂકેલી આ સંસ્થાની કેન્દ્રીય અને પ્રાંતિક પાંખોને દબાવી દેવાનું નક્કી કર્યું છે; મિ. ગાંધી અને બીજા આગળપડતા નેતાઓને કેદમાં નાખી દેવાયા છે.”

ચર્ચિલે એવો પણ દાવો કર્યો કે “ઘણી લડાયક જાતિઓ હિન્દુ કોંગ્રેસથી એટલી દૂર છે કે એમના વચ્ચેની ખાઈ પુરાય તેમ નથી. આ જાતિઓ કોંગ્રેસનું શાસન સ્વીકારવા કદી તૈયાર નહીં થાય.”

અલ્લાહબખ્શે એના જવાબમાં પત્ર લખ્યોઃ ભારત બહુ ઘણા વખતથી રાષ્ટ્રીય સ્વાધીનતા માટે સંઘર્ષ કરે છે. અત્યારનું યુદ્ધ શરૂ થયું ત્યારથી આશા હતી કે જે સિદ્ધાંતો માટે સાથી રાષ્ટ્રોએ આવું દારુણ યુદ્ધ છેડ્યું છે તે જ સિદ્ધાંતો પ્રમાણે ભારતને આઝાદી મળશે અને એ એક સ્વાધીન દેશ તરીકે આ વિશ્વવ્યાપી સંઘર્ષમાં સામેલ થશેતેને બદલેબ્રિટિશ સરકારની નીતિ એવી જણાય છે કે ભારત પર પોતાનો સામ્રાજ્યવાદી સકંજો કસી રાખવોઆને રાષ્ટ્રીય શક્તિને કચડી નાખવી…”

અલ્લાહબખ્શે વિન્સ્ટન ચર્ચિલના ભાષણનો ઉલ્લેખ કરતાં લખ્યું કે બ્રિટન પોતાનો સામ્રાજ્યવાદી અંકુશ છોડવા નથી માગતું એ સ્પષ્ટ થઈ ગયું છે. આ સંજોગોમાં મને જે સન્માન આપવામાં આવ્યું છે તેને હું બ્રિટિશ સામ્રાજ્યવાદના પ્રતીક સિવાયના બીજા કોઈ રૂપે જોઈ શકતો નથી.”

બ્રિટિશ સરકારને આંચકો

અલ્લાહબખ્શના આ પત્રે ભારતના બ્રિટિશ શાસકોને હચમચાવી દીધા. અલ્લાહ બખ્શે પ્રીમિયર તરીકે રાજીનામું ન આપ્યું એથી શાસકો માટે ગુંચવાડો વધ્યો. માત્ર OBE પાછું આપ્યું એ જ કારણ્સર એમને પદભ્રષ્ટ ન કરી શકાય. એટએલ સિંધના ગવર્નરે અલ્લાહબખ્શને રાજીનામું આપી દેવાનું દબાણ કરવાની કોશિશ કરી, પરંતુ અલ્લાહબખ્શે મચક ન આપી, અંતે એ “ગવર્નરનો વિશ્વાસ ખોઈ ચૂક્યા છે” એવું બહાનું આપીને એમને બરતરફ કર્યા.

જો કે બ્રિટનની પાર્લામેન્ટ અને અખબારોએ આ જોહુકમીની આકરી ટીકા કરી.

આના પછી થોડા જ વખતમાં અલ્લાહબખ્શની હત્યા થઈ ગઈ. પણ આ ઘટના માટે અલગ લેખ જરૂરી છે, તો આવતા સોમવારે આ પ્રખર દેશભક્તને અંજલિ આપવા માટે મળીએ.

0-0-0

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૮:

Muslims Against Partition – Shamsul Islam (2)

Muslims Against Partition - Shamsul Islam

Muslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

અલ્લાહબખ્શ

અલ્લાહબખ્શનો જન્મ સિંધની સુમરો કોમમાં થયો હતો. એમના પિતા મોટા જમીનદાર અને કોન્ટ્રૅક્ટર હતા. ૧૯૨૩માં એ સખર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય તરીકે ચુંટાયા અને પછી એના પ્રમુખ બન્યા. અલ્લાહબખ્શ ૧૯૨૬માં મુંબઈ પ્રાંતની ઍસેમ્બલીમાં ચુંટાયા, એ વખતે સિંધ મુંબઈ પ્રાંતમાં હતું પરંતુ એમણે સિંધને અલગ પ્રાંત બનાવવાનું આંદોલન શરૂ કર્યું અને એમાં સફળ થયા.

તે પછી ૧૯૩૪માં એમણે ‘સિંધ પીપલ્સ પાર્ટી’ બનાવી, જે પાછળથી ‘ઇત્તેહાદ’ (એકતા) પાર્ટી તરીકે ઓળખાતી થઈ. ૧૯૩૬માં સિંધ પ્રાંત બન્યા પછી એ બે વાર એના ‘પ્રીમિયર’ (વડા પ્રધાન) બન્યા.૧૯૪૨માં અંગ્રેજી હકુમતના દમનના વિરોધમાં એમણે ‘ખાન બહાદુર’નું ટાઇટલ છોડી દીધું. આના જવાબમાં બ્રિટીશ હકુમતે એમને વડા પ્રધાન પદેથી પદભ્રષ્ટ કર્યા. આમ દેશમાં સરકારે કોઈને પદભ્રષ્ટ કર્યા હોય તેવા સૌ પ્રથમ ‘પ્રીમિયર’ અલ્લાહબખ્શ બન્યા.

ભારતીય જનસંઘ(ભારતીય જનતા પાર્ટીના પહેલાંના અવતાર)ના નેતા કે. આર. મલકાની કહે છે કેઅલ્લાહબખ્શ માત્ર ખાદીનાં વસ્ત્રો પહેરતા. સિંધમાં વડેરાઓના હાથમાં મૅજિસ્ટ્રેટની સત્તાઓ હતી તે એમણે રદ કરી અને પ્રધાનોનો પગાર પાંચસો રૂપિયા જેટલો મર્યાદિત કરી દીધો. સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં સરકારી સભ્યોને નીમવાનો નિયમ એમણે રદ કર્યો. એક વાર શિકારપુરમાં પૂર આવ્યાં ત્યારે પાણીને બીજે વાળે નહીં તો આખું ગામ ડૂબી જાય તેમ હતું. અલ્લાહબખ્શે બંધ તોડાવી નાખતાં બંધની બીજી બાજુ એમની જમીન હતી તેમાં પાણી રેલાઈ ગયાં. આમ એમણે પોતાનું નુકસાન કરીને ગામ બચાવ્યું. પણ મૂળ વાત એ કે એ જરા પણ કોમવાદી નહોતા અને રાષ્ટ્રવાદી હતા.

આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ

અલ્લાહબખ્શની ઐતિહાસિક ભૂમિકા ‘આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ’ દ્વારા સ્થાપિત થઈ. એમણે દ્વિરાષ્ટ્રવાદના મુસ્લિમ લીગના પ્રચારના વિરોધમાં મુસલમાનોને સંગઠિત કર્યા અને મુસ્લિમ લીગની ભાગલાવાદી નીતિઓનો સજ્જડ મુકાબલો કર્યો. આ સંગઠન અલ્લાહબખ્શનું માનસ સંતાન હતું. કૉન્ફરન્સે મુસ્લિમ લીગની નીતિઓ વિરુદ્ધ મુસ્લિમ જનસમુદાયને સંગઠિત કર્યો, પરિણામે ઘણા મુસ્લિમોએ ‘એક રાષ્ટ્ર’ને ખાતર મોટાં બલિદાન આપ્યાં.

આ સંગઠન કોંગ્રેસથી પણ સ્વતંત્ર હતું. મુસ્લિમ લીગે લાહોર ઠરાવ (પાકિસ્તાન માટેનો ઠરાવ) પસાર કર્યો તેના એક જ મહિનાની અંદર અલ્લાહબખ્શે નીચલી જાતિના અને કામદાર વર્ગના મુસલમાનોને એકઠા કર્યા. એ વખતનું The Statesman અખબાર બ્રિટિશ તરફી હતું અને મુસ્લિમ લીગ માટે એને કૂણી લાગણી હતી. પરંતુ, ૨ મે, ૧૯૪૦ના અંકમાં અખબારે નોંધ લેવી પડી કે કૉન્ફરન્સમાં હિન્દુસ્તાનના મુસલમાનોનું સૌથી વધારે વ્યાપક પ્રતિનિધિત્વ હતું.

કૉન્ફરન્સ ૧૯૪૦ની ૨૭મી ઍપ્રિલથી બે દિવસ માટે મળવાની હતી પણ એમાં હાજરી એટલી મોટી હતી અને લોકોમાં એટલું જોશ હતું કે ૨૯મીને બદલે ૩૦મી સુધી કૉન્ફરન્સ લંબાવવી પડી. કૉન્ફરન્સમાં ૧૧ મોટાં મુસ્લિમ સંગઠનો સામેલ થયાં જેમાં જમિયતુલ હિન્દ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના ખુદાઈ ખિદમતગારો અને બંગાળ પ્રાંતની શાસક કૃષક પ્રજા પાર્ટી જેવાં મહત્ત્વનાં સંગઠનો પણ સામેલ હતાં. ખાસ નોંધવા જેવી વાત એ છે કે એમાં પાંચ હજાર મુસ્લિમ મહિલાઓ પણ સામેલ થઈ. ૨૭મી ઍપ્રિલના ‘Bombay Chronical’ અખબારે ખાસ નોંધ લીધી કે બે દાયકા પહેલાંની ખિલાફત ચળવળના દિવસો યાદ આવી જાય એવું વાતાવરણ હતું.

કૉન્ફરન્સથી એક દિવસ પહેલાં મોટું સરઘસ નીકળ્યું જે જામા મસ્જિદ પાસે સભામાં ફેરવાઈ ગયું. આના વિશે ૨૭મી ઍપ્રિલનું The Hindustan Times હેવાલ આપે છે કે ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ અલ્લાહબખ્શે સભામાં બોલતાં આનંદ વ્યક્ત કર્યો કે “મુસલમાનો પણ એમના હિન્દુ ભાઈઓ કરતાં પાછળ નથી અને હિન્દુસ્તાનની આઝાદી ને એટલી જ તીવ્રતાથી ઝંખે છે”. પચાસ હજાર મુસલમાન કૉન્ફરન્સમાં હાજર રહ્યા એવો હિન્દુસ્તાન ટાઇમ્સનો અંદાજ હતો. મંચ પર લખેલાં સ્લોગનો કૉન્ફરન્સનો મૂડ દર્શાવતાં હતાં – “રાષ્ટ્રીય એકતા દ્વારા આઝાદી” અને “આપણે હિન્દુસ્તાની છીએ” અને “હિન્દુસ્તાન આપણો દેશ છે” વગેરે.

કૉન્ફરન્સમાં કલાકારોએ ગીતો રજૂ કર્યાં તેમાંથી એક ગીતનો સંદેશ હતો કે ઇસ્લામના કપરામાં કપરા દિવસોમાં પણ પયગંબરે અલગ ‘પાકિસ્તાન’ બનાવવાનો વિચાર નહોતો કર્યો. બીજું એક ગીત એવું હતું કે જે લોકો પાકિસ્તાનની માગણી કરે છે, તેઓ ખરેખર હિન્દુસ્તાનની આઝાદીને પાછી ઠેલવા માગે છે.

કૉન્ફરન્સને વધાવતા સંદેશા

કૉન્ફરન્સનું સ્વાગત કરતા ૨૦૦ જેટલા સંદેશા આખા દેહના આગેવન મુસ્લિમ નેતાઓ તરફથી મળ્યા, જેમાં કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદનો સંદેશ મુખ્ય છે. એમણે કોમી એકતા માટે અપીલ કરી અને મુસલમાનો દેશની આઝાદીમાં આડખીલી બને છે, એવા કલંકને ભૂંસી નાખવા અપીલ કરી. પરંતુ મુંબઈના માજી શેરીફ મહંમદભાઈ રવજી (Mohammed Bhoy Rowji)નો સંદેશ ખાસ ઉલ્લેખને પાત્ર છેઃ

મિ. જિન્ના અને એમના સાથીઓ જે કોમવાદી બળો અને સંકુચિત માનસવાળાં કટ્ટરપંથી તત્ત્વોને ટેકો આપે છે તેમને તો ક્યાંય સ્થાન જ ન મળવું જોઈએ….એમને આખા દેશમાં મન ફાવે તેમ કરવાની છૂટ મળશે તો એ દેશ માટે અને ખાસ કરીને મુસલમાનો માટે વિનાશકારી સાબીત થશે. “ઇસ્લામ ખતરે મેં હૈકહીને તેઓ નિર્દોષ મુસ્લિમ પ્રજાની લાગણીઓ સાથે ભયંકર રમત રમે છે. એટલે દરેક સાચા અને સ્વાભિમાની મુસલમાનની ફરજ છે કે એ આગળ આવે અને સંગઠિત અવાજે કોમી ભુતાવળને અને આખા મુસ્લિમ હિન્દુસ્તાન વતી બોલવાના મિ. જિન્ના અને એમની મુસ્લિમ લીગના દાવાને રદબાતલ ઠરાવે.”

પ્રમુખપદેથી અલ્લાહબખ્શનું ભાષણ

અલ્લાહબખ્શે પ્રમુખપદેથી બોલતાં એ વાત પર ભાર મૂક્યો કે “રાજકીય મડાગાંઠનો ઉકેલ લાવવા માટે રચનાત્મક યોજના રજુ કરવાની યોગ્યતા આ કૉન્ફરન્સમાં, અને માત્ર આ કૉન્ફરન્સમાં છે.” એમણે અફસોસ સાથે કહ્યું કે બ્રિટિશ શાસકો આઝાદી ન આપવા માટે મુસલમાનોનો બલિના બકરા તરીકે ઉપયોગ કરે છે. પરંતુ કોઈ પણ મુસલમાન, જેનામાં વાસ્તવિક સ્થિતિની સમજ અને સ્વાભિમાન હશે, તે પોતાનો બલિના બકરા તરીકે ઉપયોગ થાય અને એનાં ખરાબ પરિણામ આવે તે એક ક્ષણ માટે પણ સહન નહીં કરે.”

લીગ બધા મુસલમાનોની પ્રતિનિધિ નથી!”

એમણે મુસલમાનોના એકમાત્ર પ્રતિનિધિ હોવાના લીગના દાવાને સમૂળગો નકારી કાઢ્યો અને કહ્યું કે કોંગ્રેસને સાત પ્રાંતોમાં બહુમતી મળી છે અને આઠમા પ્રાંતમાં સત્તા એના હાથમાં છે, એટલે રાજકીય પક્ષ તરીકે એ લોકોની પ્રતિનિધિ છે એ સ્પષ્ટ છે. પણ મુસ્લિમ લીગ જાહેર સભાઓ સિવાય બીજું શું રજુ કરી શકે છે કે એ પ્રતિનિધિ છે એવું સાબિત થાય?…જે પ્રાંતોમાં મુસ્લિમો લઘુમતીમાં છે ત્યાં લીગને પહેલાં ટેકો મળ્યો હતો, પણ હવે લીગે એ પ્રાંતોના મુસલમાનોને રઝળતા કરી દીધા છે અને પોતાને જ એટલું નુકસાન કરી લીધું છે કે એ હવે સુધરી શકે તેમ નથી…”

અલ્લાહબખ્શે પાકિસ્તાનની ચર્ચા કરતાં કહ્યું કે ઉત્તરપૂર્વનું પાકિસ્તાન દસગણું કલ્પનાતીત છે અને સોગણું નબળું છે. ઉત્તરપશ્ચિમના પાકિસ્તાનમાં એક શક્યતા તો છે કે એ ટકી જશે અને પોતાના નજીકના પાડોશીઓ, અફઘાનિસ્તાન કે રશિયાના મુસ્લિમ પાડોશીઓ સાથે જોડાઈ શકશે પણ પૂર્વ પાકિસ્તાનમાં તો કોઈ લડાયક કોમ પણ નથી એટલે બંગાળ અને આસામ તો એકલાં પડી જશે. એટલે એના વધારે પરિશ્રમી પાડોશીઓ એને જલદી ગળી જશે.”

બે રાષ્ટ્રોના સિદ્ધાંતનો વિરોધ

પછી એમણે બે રાષ્ટ્રોના સિદ્ધાંતના સમર્થકોની ઝાટકણી કાઢીઃ ભારતના નવ કરોડ મુસલમાનોમાંથી મોટા ભાગના હિન્દુસ્તાનમાં જે લોકો પહેલેથી વસતા હતા એમના જ વંશજ છે. તેઓ દ્રવિડો અને આર્યો જેમ જ આ ભૂમિના છેજુદા જુદા દેશોના નાગરિકો કોઈ એક યા બીજો ધર્મ પાળવાને કારણે પોતાની રાષ્ટ્રીયતા બદલી ન શકે. ઇસ્લામનું સ્વરૂપ વૈશ્વિક છે એટલે એ કોઈ પણ રાષ્ટ્રીયતા અને પ્રાદેશિક સંસ્કૃતિઓના સંપર્કમાં આવશે.”

Two-nation Theoryની એમણે ટીકા કરી કે હિન્દુસ્તાનના નાગરિક તરીકે મુસલમાનો અને હિન્દુઓ અને બીજાઓ માદરેવતનના દરેક ઈંચના અને એની ભૌતિક અને સાંસ્કૃતિક સંપદાના સમાન ભાગીદાર છે. કોઈ અલગ કે છૂટોછવાયો પ્રદેશ નહીં, પણ આખું હિન્દુસ્તાન ભારતના મુસલમાનોનું ઘર છે. આ ઘરમાંથી એમને કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન કાઢી ન શકે. જે લોકો અલગ અને મર્યાદિત માદરેવતનની વાત કરે છે એમને હિન્દુસ્તાની નાગરિક તરીકે રહેવાનો પોતાનો અધિકાર છોડી દેવાની છૂટ છેમને ખાતરી છે કે આપણે સૌ અહીં એકઠા થયા છીએ તે સૌ સંમત છીએ કે આપણો દેશ દુનિયામાં સ્વાધીન અને સન્માનભર્યું સ્થાન મેળવે તેમાં સૌએ સાથ આપવો જોઈએ અને આ લક્ષ્ય જલદી પાર પાડવા માટે આપણો પાકો નિર્ધાર છે,

અલ્લાહબખ્શે કહ્યું કે પાકિસ્તાન માટે જિન્નાએ કરેલા એલાનમાં સામ્રાજ્યવાદ ફેલાવવાની ચાલ છે. પરંતુ ઇસ્લામમાં સામ્રાજ્યવાદની મનાઈ છે. સામ્રાજ્યવાદનો અર્થ એ થશે કે સામાન્ય હિન્દુ અને મુસલમાન એમનાં ગામડાંઓ અને શહેરી ઝૂંપડપટ્ટીઓમાં ધૂળ અને ગંદકીમાં રગદોળાતા રહેશેઆજ સુધી, હિન્દુ, મુસ્લિમ કે બ્રિટિશ સામ્રાજ્યોનો એ જ ઇતિહાસ રહ્યો છે.”

એમણે ધર્મ-આધારિત રાજ્યની અવધારણાને પણ પડકારીઃ એનો આધાર એક ખોટા ખ્યાલ પર છે કે હિન્દુ અને મુસલમાન બે અલગ રાષ્ટ્ર છે. એમ કહેવું વધારે સાર્થક છે કે હિન્દુસ્તાનના બધા મુસલમાનો પોતાને હિન્દુસ્તાનના નાગરિક માનવામાં ગર્વ અનુભવે છે અને એમને એ વાતનો પણ ગર્વ છે કે એમનું આધ્યાત્મિક સ્તર અને આસ્થા ઇસ્લામ છે…”

ધર્મ-આધારિત સામ્રાજ્ય વિશે એમણે ઇતિહાસમાંથી ઉદાહરણ લીધાં અને કહ્યું કે સમાજનું સામ્રાજ્યવાદી માળખું જો મુસ્લિમ જનસમાજની સમૃદ્ધિની બાંયધરી આપતું હોત તોઉમૈયા, અબ્બાસી, સારાસેની (રોમન) ફાતિમાઇ, સસાનિયન (ઇરાની), મોગલ અને તુર્ક સામ્રાજ્યો કદી તૂટ્યાં જ નહોત અને દુનિયાની પાંચમા ભાગની વસ્તી જેટલા મુસલમાનો આજેપોતાનેઅનાથ ન માનતા હોત. એ જ રીતે જે હિન્દુઓ આવાં સપનાં સેવે છે તેઓ ખાસ હેતુથી લખાયેલાં ઇતિહાસનાં પાનાંઓમાંથી અથવા તો આધુનિક સામ્રાજ્યવાદીઓનાં અમુક તત્ત્વો લઈને પોતાનાં સામ્રાજ્યવાદી સપનાંઓનું, શોષણ માટેનાં સપનાંઓનું સિંચન કરે છે; તેઓ આવા આદર્શો છોડી દેશે તો સારું થશે…”

અલ્લાહબખ્શે કહ્યું કે કોમવાદ હિન્દુઓ અને મુસલમાનોની અંદરના વર્ગ અને નાતજાતનું પરિણામ છેઃ હિન્દુઓ અને મુસલમાનોમાં શાસક જ્ઞાતિઓ છે એમનામાં આવી ભાવનાઓ અને મહેચ્છાઓ છે. એમને આજના સામ્રાજ્યવાદી શાસકોની જગ્યા લેવી છે એટલે ઇતિહાસ કે બીજા સ્રોતોમાંથી જૂની વાતો તાજી કરે છે અને બહાનાં શોધી કાઢે છે…”

એમણે હિન્દુઓ અને મુસલમાનોએ સાથે મળીને બનાવેલી સંસ્કૃતિ માટે ગર્વ લેવા હાકલ કરી.

પરંતુ અલ્લાહબખ્શે પત્રકારો સાથે વાત કરતાં બહુ ચોખ્ખા અને આકરા શબ્દો વાપર્યાઃ કોમવાદીઓને પાંજરામાં પૂરી દેવા જોઈએ કે જેથી તેઓ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નફરત ન ફેલાવી શકે!”

-=-=-=

આવતીકાલે પણ આપણે આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સના ઠરાવ વિશે વાત કરશું અને સિંધના નેતા, દેશભક્ત મુસ્લિમ અને મુસ્લિમ લીગના કટ્ટર વિરોધી અલ્લાહબખ્શના જીવન વિશે વધારે જાણશું.

0-0-0

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૭:

Muslims Against Partition – Shamsul Islam (1)

(લેખક શમ્સુલ ઇસ્લામ દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા હતા અને કોમવાદ વિરોધી આંદોલનો અને પ્રગતિશીલ સંગઠનો સાથે જોડાયેલા છે. એમનું પુસ્તક આપણાથી અજાણી એવી દિશામાં પ્રકાશ ફેંકે છે).

Muslims Against Partition - Shamsul Islam

Muslims Against Partition
Revisiting the legacy of Allah Bakhsh and other patriotic Muslims
by Shamsul Islam
PHAROS Media and Publishing House Pvt. Ltdનું પ્રકાશનǁ December 2015 ǁ 216pp, p/b, Rs. 250 / USD 10
ISBN 139788172210670 અને ISBN 108172210671

આપણે આ પહેલાં આયેશા જલાલના પુસ્તક The Sole Spokesman અને વેંકટ ધૂલિપાલાના પુસ્તક Creating a New Medinaનો પરિચય મેળવ્યો. બન્નેના દૃષ્ટિકોણ અલગ હતા. આયેશા જલાલનું પુસ્તક એમ દેખાડે છે કે પાકિસ્તાન વિશે કોઈ યોજના હતી જ નહીં, જિન્નાએ માત્ર કોંગ્રેસ સાથે સત્તાનો સોદો કરવા માટે આ ગતકડું છોડ્યું હતું. પરંતુ અંતે એવી સ્થિતિ ઊભી થઈ કે જિન્નાએ પાકિસ્તાનનો સ્વીકાર કરવો પડ્યો. એમના કહેવા મુજબ જિન્ના પોતે કોમવાદી રાજકારણમાં માનતા નહોતા. જિન્ના પણ કોંગ્રેસની જેમ મજબૂત કેન્દ્રમાં માનતા હતા પરંતુ એમને ટેકો જોઈતો હતો કે જેથી તેઓ પોતાને મુસ્લિમ કોમના એકમાત્ર પ્રતિનિધિ કે પ્રવક્તા The Sole Spokesman તરીકે સ્થાપિત કરી શકે. બીજી બાજુ, મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો, પંજાબ અને બંગાળ, પ્રાંતીય સ્વાયત્તતા જાળવી રાખવા માગતા હતા. આથી જિન્ના પાકિસ્તાનનો હાઉ દેખાડીને કોંગ્રેસ સાથે સોદો કરવા માગતા હતા, પણ અંતે કોંગ્રેસ એના માટે તૈયાર ન થઈ. બીજી બાજુ અંગ્રેજોને પણ બધું છોડી દેવાની ઉતાવળ હતી. આ બધાને અંતે અણધારી રીતે જ પાકિસ્તાન બની ગયું.

વેંકટ ધૂલિપાલા આ દલીલ સ્વીકારવા તૈયાર નથી. આયેશા જલાલ પંજાબ અને બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ વેંકટ ધૂલિપાલા કહે છે કે પાકિસ્તાનનો વિચાર ખરેખર તો યુક્ત પ્રાંત (આજના ઉત્તર પ્રદેશ)માં વિકસ્યો અને એની અવગણના ન કરી શકાય. યુ. પી.ના મુસલમાનો જાણતા હતા કે એમના પ્રદેશને પાકિસ્તાનમાં સામેલ નહીં કરાય તેમ છતાં, માત્ર ધર્મને કારણે, અથવા કોમને નામે પાકિસ્તાનની હિમાયત કરતા હતા. આમાં ધર્મનિરપેક્ષ તત્ત્વો હતાં પણ કેન્દ્રીય સ્થાન ‘નવા મદીના’ની રચનાને મળ્યું હતું અને એમાંય માત્ર પાકિસ્તાનનું સર્જન નહીં, વૈશ્વિક સ્તરે મુસ્લિમ એકતાનું સપનું પણ એનું ચાલકબળ હતું. વેંકટ ધૂલિપાલા કહે છે કે મુસલમાનોમાં પણ પાકિસ્તાનનો વિરોધ કરનારા હતા પણ ઉર્દુ છાપાંઓએ પાકિસ્તાન વિશેની ચર્ચાઓ સામાન્ય મુસલમાન સુધી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, પરિણામે ‘પાકિસ્તાન’ એક સપનામાંથી રૂપાંતર પામીને નક્કર આકાર લેતું ગયું. એમણે આયેશા જલાલથી વિરુદ્ધ દિશામાં જઈને એમ દેખાડ્યું છે કે એમાં ધર્મનું જોર પણ બહુ ઘણું હતું કારણ કે જિન્ના પોતે અને લીગના બીજા નેતાઓ મૌલવીઓની મદદ લેતાં અચકાતા નહોતા અને ‘ઇસ્લામિક રાજ્ય’ બનાવવા ઇચ્છતા હતા.

આપણા ત્રીજા પુસ્તકના લેખક એ વાત પર ભાર મૂકે છે કે મુસ્લિમ લીગની ચાલ ફાવી હોવા છતાં મુસલમાનોનો બહુ મોટો ભાગ ભાગલાની વિરુદ્ધ હતો. એ કેમ સફળ ન રહ્યા તેની પણ એમણે ચર્ચા કરી છે. તે ઉપરાંત એમણે પણ પંજાબ કે બંગાળને બદલે યુક્ત પ્રાંત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાસ કરીને આ પુસ્તક સિંધના નેતા અલ્લાહબખ્શ સુમરોના રાજકીય જીવન પર અને એમના જેવા જ બીજા નિઃસ્વાર્થ મુસ્લિમ નેતાઓ પર કેન્દ્રિત છે.

રાષ્ટ્રવાદીમુસ્લિમ કે દેશભક્તમુસ્લિમ?*

ભારતને એક રાષ્ટ્ર માનનારા કોંગ્રેસના સમર્થક અને પાકિસ્તાનનો વિરોધ કરનારા મુસલમાનોની ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ (Nationalist Muslims) એવી ઓળખ અપાય છે, તે શમ્સુલ ઇસ્લામને પસંદ નથી એટલે એમણે ‘રાષ્ટ્રવાદી’ને બદલે ‘દેશભક્ત’ અને મુસલમાનો માટેના અલગ રાજ્યના હિમાયતી મુસલમાનો માટે ‘દેશવિરોધી’ શબ્દો વાપર્યા છે.

લેખકે શરૂઆતમાં દ્વિરાષ્ટ્રવાદ કેમ ફેલાયો તે દેખાડ્યું છે. આ પહેલાંનાં બે પુસ્તકોનો પરિચય આપવામાં લેખકનાં પ્રકરણોનો ક્રમ જાળવ્યો હતો, પરંતુ આ પુસ્તક એ પ્રકારનું છે કે ક્રમ વિના સીધા જ અલ્લાહબખ્શ અને એવા જ બીજા ‘દેશભક્ત’ મુસલમાનો વિશેની વાતથી શરૂઆત કરશું અને તે પછી દ્વિરાષ્ટ્રવાદી તત્ત્વોના વિવરણ પર પાછા આવશું.

હમ કો બતલાઓ તો ક્યા મતલબ હૈ પાકિસ્તાન કા…?”

પુસ્તકની ભૂમિકામાં લેખક કહે છે કે એ સાચું છે કે ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા તેના માટે મુસ્લિમ લીગની મુસલમાનો માટે અલગ વતનની માગણી જવાબદાર હતી. આ માગણીના ટેકામાં મુસ્લિમ લીગ મુસલમાનોનો મોટા પાયે ટેકો મેળવી શકી, તેનો પણ ઇનકાર કરી શકાય તેમ નથી. આમ છતાં, એ પણ સાચું છે કે બહુ મોટો મુસ્લિમ જનસમુદાય અને એમનાં સંગઠનોએ પાકિસ્તાનની માગણીનો વિરોધ કર્યો હતો. ભાગલાના વિરોધી, આ મુસલમાનોએ મુસ્લિમ લીગની આ માંગને સૈદ્ધાંતિક રીતે પડકારી અને સડકો પર મુસ્લિમ લીગના ટેકેદારો સામે હાથોહાથની લડાઈઓ કરતાં પણ ન અચકાયા. એમણે બહુ બહાદુરીથી સામનો કર્યો અને કેટલાકે તો પોતાના જાન પણ ગુમાવ્યા. અલ્લાહબખ્શ આવા જ એક અધિનાયક હતા.

આજે ભાગલાના વિરોધી મુસલમાનોનો વારસો વિસરાવા લાગ્યો છે, તેને ફરી પ્રકાશમાં લાવવાનો આ પુસ્તકનો હેતુ છે. લેખક કહે છે કે પ્રોફેસર મુશીર-ઉલ-હક જેવા લેખકને બાદ કરતાં આ મુસલમાનો વિશે કોઈએ લખ્યું નથી એટલે એમણે એ સમયનાં ઉર્દુ છાપાં, સામયિકો અને સ્મરણનોંધોમાંથી આ પુસ્તક માટેની સામગ્રી ખોળી છે.પુસ્તકના ‘પ્રવેશક’ (Introduction)ની શરૂઆતમાં એમણે જાં-નિસાર અખ્તર દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ(૧૯૭૩)માંથી શમીમ કરહાનીએ ૧૯૪૨માં લખેલી નઝ્મ “પાકિસ્તાન ચાહને વાલોં સે”ની પંક્તિઓ મૂકી છે જે મુસલમાનો માટે ‘પાક’ સ્થાનની જરૂર હોવાના દાવાને પડકારે છે. શાયર કહે છેઃ

હમ કો બતલાઓ તો ક્યા મતલબ હૈ પાકિસ્તાન કા
જિસ જગહ ઇસ વક્ત મુસ્લિમ હૈં, નાજિસ હૈ ક્યા વોહ જા?
નેસતોહમત સે તેરે ચિશ્તી કા સીના ચાક હૈ
જલ્દ બતલા ક્યા ઝમીન અજમેર નાપાક હૈ?

(અમને એ તો કહો કે પાકિસ્તાનનો અર્થ શું છે? આજે જે જગ્યાએ મુસલમાનો છે તે પવિત્ર નથી? તારા આ આરોપથી ચિશ્તીની છાતી ચિરાઈ ગઈ છે. જલદી કહે કે શું અજમેરની જમીન અપવિત્ર છે?)

લેખક કહે છે કે ભારતની આઝાદીમાં મુસલમાનોની ભૂમિકાનું એક ઢાંચાઢાળ વર્ણન મળતું હોય છે કે મહંમદ અલી જિન્ના અને મુસ્લિમ લીગની આગેવાની હેઠળ ભારતીય મુસ્લિમોએ દગાબાજી કરી. એમણે પાકિસ્તાન માટે માગણી કરી, એના માટે લડ્યા અને અંતે બ્રિટિશરો પાસેથી પોતાનું મનધાર્યું કરાવી લીધું, પરિણામે ભારતના બે ટુકડા થયા. આના પરથી તારણ કાઢી લેવામાં આવે છે કે મુસલમાનોએ એક સંગઠિત અને ધર્મનિરપેક્ષ ભારત માટેના રાષ્ટ્રવાદી આંદોલનને તોડવાનું કામ કર્યું.

આ જાતનું નિરૂપણ હકીકતોથી વેગળું છે. બહુ બહુ તો એમ કહી શકાય કે એમાં અતિ સરલીકરણ છે જે આ પુસ્તકમાં રજૂ કરેલા દસ્તાવેજો દ્વારા છતું થઈ જશે. આ પુસ્તક, બધા મુસલમાનો પાકિસ્તાન બનાવવાની તરફેણ કરતા હતા અથવા બધા હિન્દુઓ સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને પ્રજાતાંત્રિક ભારતના હિમાયતી હતા, એવા દાવાને પડકારે છે. ઐતિહાસિક દસ્તાવેજો દેખાડે છે કે વિશાળ હિન્દુ બહુમતીની જેમ મુસલમાનોની પણ વિશાળ વસ્તી પાકિસ્તાનની અવધારણાનો વિરોધ કરતી હતી.

આવા દેશભક્ત મુસલમાનોમાં અલ્લાહબખ્શનું નામ સૌથી આગળ છે. એમના વિચારો અને મુસ્લિમ લીગના ગુંડાઓ દ્વારા એમની હત્યા વિશે આપણે આવતા અંકમાં જોઈશું.

૦-૦-૦

નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે, એમની સમીક્ષાનો નહીં. એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે. આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે.

વિશેષ નોંધઃ

રાષ્ટ્રની અવધારણા

રાષ્ટ્ર (The nation) એટલે લોકોનો વિશાળ સમૂહ. આ સમૂહની ભાષા, પરંપરાઓ અને ટેવો સમાન હોય છે. એમાં જાતિ કે વંશનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરંતુ, આ બધા માપદંડો કદી સ્થાયી નથી બન્યા. આ રાષ્ટ્રમાં જ્યારે રાજકીય ઇચ્છા ઉમેરાય ત્યારે એ રાષ્ટ્રીય રાજ્ય (Nation state) બને છે. (‘રાષ્ટ્ર’ વિશે વધારે માહિતી માટે વેબગુર્જરી પ્રકાશિત થયેલો આ લેખ વાંચશો).

પરંતુ ભારત જેવાં પણ રાષ્ટ્રો છે કે જ્યાં જુદી જુદી ભાષા બોલનારા, જુદી જુદી પરંપરાઓને માનનારા લોકો સદીઓથી એક સાથે રહેતા હોય અને એકબીજા સાથે સંપર્કમાં હોય. યુરોપમાં ઘડાયેલી વ્યાખ્યા ભારતને લાગુ પડતી નથી.

૧૮૫૭ના વિદ્રોહ વખતે જ ભારતીય જનોએ આ સંકુચિત અવધારણાને ખોટી ઠરાવી દીધી હતી અને સૌ એક થઈને અંગ્રેજો સામે લડ્યા હતા. આઝાદીના સંગ્રામમાં, કોંગ્રેસની નીતિઓના પાયામાં ‘ભારત રાષ્ટ્ર’ની અવધારણા હતી. પરંતુ. કેટલાક હિન્દુ અને મુસ્લિમ નેતાઓ ભારતની અંદરની હિન્દુ અને મુસ્લિમ કોમોને યુરોપીય વ્યાખ્યા પ્રમાણે અલગ ‘રાષ્ટ્ર’ માનતા હતા. એમ જોવા જઈએ તો વર્ણ વ્યવસ્થા અને એમાંથી વિકસેલી જ્ઞાતિ પ્રથામાં પણ ‘રાષ્ટ્ર’ની યુરોપીય વ્યાખ્યાને સંતોષે એવાં ઘણાં તત્ત્વો છે. તો શું ભારતની અંદર બે (હિન્દુ અને મુસ્લિમ) રાષ્ટ્રો છે કે અનેક (જાતિગત) રાષ્ટ્ર્રો છે? કે ભારતને “એક રાષ્ટ્ર” માનશું? યુરોપમાં બનેલી વ્યાખ્યા ભારતને લાગુ કરીએ તેનો એ થાય કે ભારતના ટુકડા થાય તેને આપણે વાજબી માનીએ છીએ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ મુખ્યત્વે આ યુરોપીય વ્યાખ્યા અને એના ભારતીય વિકલ્પ વચ્ચેનો સંઘર્ષ જ હતો.

દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય : _૩૬:

%d bloggers like this: